Tuesday, December 01, 2009

Winter Collection 2009 : હેડફોન-પટ્ટી

શિયાળુ પવનના સૂસવાટાથી કાનને બચાવવા માટે સમયાંતરે મફલર, સ્કાર્ફ, બુઢિયા ટોપી, ઉની ટોપી અને કાનપટ્ટી જેવી ચીજો વપરાતી રહી છે. માથા પર ફાળિયાની જેમ પહેરાતું મફલર, આખી હેલ્મેટની જેમ હડપચી સુદ્ધાં ઢાંકી દેતી બુઢિયાટોપી, હાથે ભરેલી કથ્થઇ રંગની મોટી ટોપી અને કપાળ પર સાંકડો પટ્ટો તથા પાછળના ભાગમાં પહોળો પટ્ટો ધરાવતી ચસોચસ ‘કાનપટ્ટી’ની જુદી જુદી ખાસિયતો હતી.
આ યાદીમાં ઓણ સાલ એક નવી ચીજ ઉમેરાઇ છેઃ હેડફોન જેવો આકાર ધરાવતી રંગબેરંગી કાનપટ્ટી. ઉપરની તસવીરોમાં દેખાય છે તેમ, આ કાનપટ્ટી દેખાવમાં એકદમ ફેન્સી છે અને લારીઓમાં દસ-દસ રૂપિયામાં વેચાય છે. (દુકાનોમાં થોડો વધારે ભાવ હોય છે.) તેને હેડફોનની જેમ પાછળથી પહેરવી પડે છે. આગળથી જોનારને ફક્ત હેડફોનના બે ઇઅરપીસ જેવા રંગીન ગોળાકાર જ દેખાય અને એવું લાગે કે આ સજ્જન (કે સન્નારી) ઠંડીતી બચવા જેવી ક્ષુલ્લક પ્રવૃત્તિને બદલે સંગીતશ્રવણ જેવું દિવ્ય કાર્ય કરી રહ્યા છે.
હેડફોન-પટ્ટી દેખાવમાં તો સરસ છે, પણ ઠંડી રોકવામાં કેવીક અકસીર છે એ જાણવા તેનો જાતઅનુભવ લઇ જોયો. પટ્ટી પહેર્યા પછી પણ, તે ચસોચસ બેસતી ન હોવાને કારણે, વાહન પર સામેથી આવતો પવન પટ્ટીની નીચેથી કાનમાં ધૂસી જતો હતો. ટોપી પહેરી હોય અથવા સાદી કાનપટ્ટી પહેરી હોય અને જે ગરમાવાનો અનુભવ થાય, એવો ગરમાવો હેડફોન-પટ્ટીમાં લાગ્યો નહીં. કડકડતી ઠંડી કે પવનથી બચવાને બદલે પહેરવાનો આનંદ લેવાનું મન હોય તો આ હેડફોન-પટ્ટી પહેરાય, બાકી હેડફોન-પટ્ટી પહેરેલા બીજા લોકોને જોઇને આનંદ લેવાનો.

1 comment:

  1. આજે જ અમારા દિકરા કસક તરફથી ફરમાઈશ આવી એટલે લઈ દેવાની છે. સવારે બાળકો સ્ટાઇલ મારવા કંઇ નથી પહેરી જતા ની શિકાયત કંઇક અંશે તો દુર થાય! "નહી મામા કરતા કહેણો મામો શું ખોટો" ની રૂએ, બાકી તો જોઇએ, ખુદ જોઇશું તો વધારે આઇડિયા આવશે!

    ReplyDelete