Wednesday, October 29, 2014

મિશન સફાઇ : દિવાળી આવૃત્તિ

દિવાળીને સ્વચ્છતા સાથે સીધો સંબંધ છે. પ્રાચીન કથા પ્રમાણે શ્રી રામ રાવણનો સફાયો કરીને અયોઘ્યા પાછા ફર્યા, તેના માનમાં દિવાળી ઉજવાય છે. શ્રી રામ અયોઘ્યા પાછા ફર્યા ત્યારે તેમને સત્કારવા માટે અયોઘ્યાની શાળાઓનાં બાળકોને ઉઘરાવી લવાયાં હતાં અને તેમને કલાકો સુધી રસ્તા પર ઊભાં કરી દેવાયાં હતાં કે કેમ, એ જાણવા મળતું નથી. પરંતુ સહેજે કલ્પી શકાય કે રામરાજ્યમાં એવું બઘું ન હોય. એમાં શ્રી રામ આવવાના હોય ત્યારે જ રાતોરાત રસ્તાની સફાઇ થઇ જાય અને લાખો સુવર્ણમુદ્રાઓનો ખર્ચ કરીને નગરને ચકાચક બનાવી દેવાય એવું પણ ન હોય. અયોઘ્યા પહોંચ્યા પછી શ્રી રામે હાથમાં એક ઝાડુ પકડીને પ્રતીક સફાઇ કરી હોય અને તેમના પગલે આખી વાનરસેના સફાઇમાં લાગી પડી હોય એવો ઉલ્લેખ પણ ક્યાંય આવતો નથી. છતાં (કદાચ એટલે જ) લોકો દિવાળીમાં પોતાની હોંશથી સ્વચ્છતાઝુંબેશ ઉપાડે છે.

દિવાળીના સ્વચ્છતા મિશનની ખૂબી એ હોય છે કે તે દર વર્ષે અને મિડીયાની હાજરી કે ઉશ્કેરણી વિના, સ્વયંભૂ રીતે થાય છે. (તેમાં સર્જાતાં ઘણાં દૃશ્યો શૂટ કરવા જેવાં હોય છે એ જુદી વાત છે.) આ મિશન માટેની પ્રેરણા વડાપ્રધાને કરોડો રૂપિયાના ખર્ચે જાહેરખબરોનો મારો કરીને કે બિચારા ગાંધીજીને સંડોવીને આપવી પડતી નથી. દિવાળી આવે એટલે આપોઆપ ઘણા લોકોના હાથ સફાઇ કરવા, તો ઘણાની જીભ સફાઇ કરાવવા માટે સળવળાટ કરે છે.

સમાજશાસ્ત્રીઓ માને છે કે મનુષ્યમાં મૂળભૂત રીતે ગુફાવાસીના સંસ્કાર છે, જે હજુ પણ સાવ લુપ્ત થયા નથી. ઘણા મનુષ્યો સમાજશાસ્ત્રીઓની આ થિયરી સાચી પાડવા માટે સન્નિષ્ઠ પ્રયાસો કરે છે. તેમનું ઘર અથવા તેમનો રુમ અથવા તેમનું ટેબલ જોયા પછી લાગે કે આ અસબાબ એકવીસમી સદીની કોઇ સિવિલાઇઝ્‌ડ જગ્યાનો નહીં, પણ કોઇ પ્રાગૈતિહાસિક ગુફાનો જ હોઇ શકે. શરમને ગૌરવમાં ફેરવવાનું વર્તમાન વડાપ્રધાને તો પછીથી શરૂ કર્યું, ખરી પહેલ આવા અવ્યવસ્થા-શિરોમણીઓેની હતી. પોતાની અવ્યસ્થાને સદ્‌ગુણની, બલ્કે ખાસિયતની ચમકદમક આપવા માટે તે એવાં સંશોધનો રજૂ કરતા હતા કે ‘અવ્યવસ્થા એ તો સર્જનાત્મક માણસનું લક્ષણ છે. ફલાણાનો જ દાખલો જુઓ ને.’ એમ કહીને તે બે-ચાર મોટાં નામ લુઢકાવી દેતા હતા. કોઇ જિનિયસ લઘરા હોય, એટલે દરેક લઘરા જિનિયસ ન થઇ જાય. પણ સાદી સમજણના લેવાલ મળવા અઘરા છે.

આવા લોકો એકલા હોય ત્યાં સુધી પોતાની થિયરી સાથે એ સુખેથી જીવી શકતા હતા, પણ થિયરીને બદલે કોઇ જીવતી જાગતી થિયરી સાથે સંસાર માંડવાનો થાય, એટલે તેમના કપરા દિવસ શરૂ થતા હતા. સ્ત્રીઓ વધારે વ્યવસ્થાપ્રધાન હોય અને પુરુષો વધારે લઘરવઘર હોય એવો કોઇ નિયમ નથી. એનાથી ઉલટું પણ ઘણા કિસ્સામાં જોવા મળે છે. છતાં પુરૂષપ્રધાન સમાજમાં સામાન્ય રીતે ઘરની વ્યવસ્થા મહિલાઓના હાથમાં હોય. (અહીં ‘વ્યવસ્થા’ને બદલે ‘કાયદો-વ્યવસ્થા’ વાંચવું) પુરૂષ માનતો હોય કે એ ઘરનો ‘મુખ્ય મંત્રી’ છે ને પત્ની ‘રાજ્યપાલ’. પરંતુ માનવાની બાબતમાં તો કોઇ પોતાની જાતને બરાક ઓબામા માને તો પણ શું કરી શકાય?

જેવી દિવાળી નજીક આવે કે તરત પુરૂષને અહેસાસ થવા માંડે છે કે હકીકતમાં ‘મુખ્ય મંત્રી’ કોણ છે. ઘરનાં કાયદો-વ્યવસ્થા સંભાળનાર વ્યક્તિ પહેલાં પ્રેમથી સફાઇ-પ્રસ્તાવ વહેતો મૂકે છે. પરંતુ તેનું મહત્ત્વ સૈદ્ધાંતિક કે ‘ફીલગુડ’થી વધારે હોતું નથી. ‘સફાઇ દરેકે કરવી જોઇએ. સફાઇ બહુ સારી બાબત છે. સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે.’ આવી કવિતાઓમાં ડોકું ઘુણાવવામાં કોને વાંધો હોય? પરંતુ સફાઇ પોતે કરવાની આવે ત્યારે ખરી કઠણાઇ શરૂ થાય છે. સહેલાઇથી વાળી શકાય એવો કચરો રોડ પર નંખાવીને, મોટું ઝાડુ લઇને એ કચરો વાળવો એક વાત છે. તેનાથી સારી ન્યૂઝસ્ટોરી બને છે. સફાઇ થતી નથી.

ઘરની સફાઇનું કામ ઘણું વધારે પડકારજનક હોય છે. કારણ કે ત્યાં મિડીયાની હાજરી હોતી નથી અને સફાઇકામ ખરેખર થયું છે તે પુરવાર કરવું પડે છે. ઘરનું સફાઇકામ ઘણુંખરું ઉપકાર કે સમાજસેવા તરીકે નહીં, કરેલાં ‘પાપ’ના પ્રાયશ્ચિત તરીકે હોય છે. એટલે તે વેળાસર હાથ ધરવામાં આવે તો ઘરનાં સભ્યો, જેલસુધાર કાર્યક્રમ ચલાવતો જેલર કેદીને પ્રોત્સાહન આપે એવા અંદાજમાં, સફાઇ કરનારને થોડો પોરસ ચઢાવી શકે છે. ‘અરે, એ સફાઇ કરે એટલે તમારે જોવું ન પડે. આખા વર્ષનો કચરો એક જ દિવસમાં કાઢી નાખે. હા, એને વચ્ચે ટોકવાનો નહીં કે આટલો કચરો શી રીતે ભેગો થયો.’  

આ સૌથી સન્માનજનક - અથવા ઓછામાં ઓછી ખરાબ સ્થિતિ છે. તેમાં સફાઇ કરનારને વચ્ચે વચ્ચે ચા સાથે બે સારાં વેણ પણ સાંભળવા મળે છે અને કામ પૂરું થયે ઘરના જવાબદાર સભ્ય તરીકેની શાબાશી. પરંતુ આ માન મેળવનારા વીરલા જ હોય છે. મોટા ભાગના લોકો આવાં દુન્યવી માન-સન્માન પ્રત્યેની વિરક્તીથી પ્રેરાઇને જ, સફાઇકાર્યની દિશામાં પ્રવૃત્ત થતા નથી. એ વિચારે છે, ‘ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું બહુમાન મળ્યા પછી પણ સરવાળે ત્રણ ગોળી ખાવી પડી હોય, તો આપણે સ્વચ્છતા-પ્રેમી કે જવાબદાર સભ્ય તરીકેના માનનો મોહ જતો કરવો રહ્યો.’

કુટુંબીજનો આવી ઉચ્ચ ભાવના સમજી શકતાં નથી. એટલે તે રામ-રાવણ યુદ્ધની યાદ અપાવે એવાં અવનવાં શબ્દબાણોનો સતત મારો વરસાવીને માણસને સ્વચ્છતાઝુંબેશ માટે પ્રેરે છે. પ્રેમથી કહેવાનો સમય વીતી જાય, તો પછી બીજો તબક્કો ચીમકીનો આવે છે. ‘જો તમે તમારું ટેબલ (કે ખાનું કે કબાટ કે રૂમ) સાફ નહીં કરો, તો પછી મારે ન છૂટકે એ સાફ કરવું પડશે. એમાં કશું આધુંપાછું થાય તો પછી કકળાટ મચાવતા નહીં. પેલો પસ્તીવાળો ક્યારનો આંટા મારે છે. એક વાર જૂના કાટમાળ માટે મેં એને ઘરમાં બોલાવ્યો ત્યારની તમારા રૂમ પર એની નજર બગડેલી છે. એને એક ફોન કરું એટલી જ વાર. તમારો રૂમ અડધા દહાડામાં સાફ થઇ જશે.’

સામાન્ય સંજોગોમાં આ ચીમકીની ગુણકારી અસર થવી જોઇએ. પરંતુ કેટલાક રીઢા લોકોનું રુંવાડું ફરકતું નથી. ‘આ તો ખાલી ધમકી છે. આવું ખરેખર કોઇ કરે નહીં.’ એ વિચારે તે થોડા વધારે દિવસ ખેંચી કાઢે તો પછી ખરાખરીની ક્ષણ આવીને ઊભી રહે છે. નારાજ કુટુંબીજનોમાંથી કોઇ બંદૂકની અદામાં મોબાઇલ ફોન કાઢીને પસ્તીવાળાનો નંબર જોડ્યા વિના, તેની સાથે કાલ્પનિક સંવાદ શરૂ કરી દે, એટલે લઘરવઘર જણને ગંભીરતા સમજાય છે.

અલબત્ત, કુટુંબજીવન કોઇ ફોર્મ્યુલા પર ચાલતું નથી. એટલે ઘણા લોકો ગમે તેટલી બીક બતાવ્યા પછી ને કકળાટ કર્યા પછી પણ સફાઇ માટે સક્રિય નથી જ થતા. તેમના કુટુંબીજનો (સફાઇની બાબતમાં) તેમના નામનું નાહી નાખે છે. આવા લોકો થોડાં વર્ષે એકાદ વાર,  પોતાની કોઇ વસ્તુ નહીં જડવાથી કે વખાના માર્યા સફાઇઝુંબેશ હાથ ધરે, ત્યારે તેમના ઘરમાં દિવાળીનો માહોલ છવાઇ જાય છે. 

Tuesday, October 28, 2014

ભારતીય રાજકારણના નવા પ્રવાહો : પ્રો.ભીખુ પારેખની નજરે

એક શ્વાસમાં ગાંધીજી અને વર્તમાન વડાપ્રધાન મોદીનું નામ અહોભાવથી લેવામાં ખચકાટ ન થાય, એવા ‘ભક્તિયુગ’માં  અભ્યાસલક્ષી, આવેગમુક્ત રાજકીય ચિંતનનું ખાસ મહત્ત્વ છે. વડાપ્રધાન પ્રત્યે અભાવ કે અહોભાવ રાખ્યા વિના તેમના મૂલ્યાંકનનો પ્રયાસ કરનારા જૂજ રાજકીય અભ્યાસીઓમાં એક નામ છે : પ્રો.ભીખુ પારેખ/ Prof.Bhikhu Parekh

બ્રિટનની સંસદના ઉપલા ગૃહ (હાઉસ ઑફ લોર્ડ્‌ઝ)ના સભ્ય પ્રો.પારેખનું ‘લૉર્ડ’પણું વટાવી ખાવું- તેમના અભ્યાસલક્ષી અભિપ્રાયોને પોતાના ભક્તિ-રસાયણમાં ઝબકોળીને, પોતાનો રંગ ચડાવીને રજૂ કરવા તે એક વાત છે. તેમાં સૌથી વઘુ અન્યાય પ્રો.પારેખની વિદ્વત્તાને થાય છે. (બૌદ્ધિકતાને ગાળ ગણતા-ગણાવતા લોકોને શી રીતે સમજાય કે ‘લૉર્ડ’ અને ‘પ્રોફેસર’માંથી ‘પ્રોફેસર’નો દરજ્જો વધારે માનભર્યો ગણાય છે)

પ્રો.પારેખ રહેતા ભલે બ્રિટનમાં હોય, પણ વર્ષોથી- અને છેલ્લી લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી તો ખાસ- ભારતના રાજકારણની ગતિને સમજવા સતત મથામણ કરી રહ્યા છે. ગાંધી-આંબેડકરના ઊંડા અભ્યાસી એવા આ પ્રોફેસર ઘટનાઓને લાંબા ઇતિહાસપટના સંદર્ભે જુએ છે અને એક અભ્યાસનિષ્ઠ વિદ્વાનને છાજે એવી નમ્રતાથી તેમને મૂલવવાની કોશિશ કરે છે. ‘બૌદ્ધિક’ શબ્દથી તે મોં મચકોડતા નથી, આત્યંતિકતામાં સરી પડતા નથી અને ‘પબ્લિક ઇન્ટલેક્ચુઅલ’ (‘જાહેર નિસબત ધરાવતા બૌદ્ધિક’) તરીકેની પોતાની ભૂમિકા વિશે જવાબદારીપૂર્વક સજાગ રહે છે.

વડોદરાના બૌદ્ધિક અગ્રણી (સદ્‌ગત) પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના કંઠી વગરના શિષ્ય પ્રો.પારેખે છેલ્લા થોડા વખતમાં બે વાર નવા રાજકીય પ્રવાહો વિશે ચર્ચા ઊભી કરી છે : ‘વૈશ્વિક માનવવાદ’ના તંત્રી- ‘મોટા’ સ્કૂલના જૂના વિદ્યાર્થી બિપીન શ્રોફને આપેલી લાંબી મુલાકાતમાં અને નવી સરકારના સો દિવસ પછી યોજાયેલી એક વિચારગોષ્ઠિમાં. તેમના વિચારો આખરી નિર્ણયરૂપે નથી હોતા. અઘરામાં અઘરી વાતને તે સરળ શબ્દોમાં મૂકી શકે છે. તેમની સાથે મુદ્દાસર અસંમત થઇ શકાય છે. તે પરંપરાગત કરતાં જુદી રીતે, લાગણી કે આવેગમાં તણાયા વિના, વિચારવા અને સમજવા માટે પ્રેરે છે. તેમનો રસ રાજકીય સિદ્ધાંતચર્ચા ઉપરાંત જાહેર જીવનની નિસબતનો પણ હોય છે.

નવેસરથી વિચાર

લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી બ્રિટનમાં એવી ચર્ચા ચાલી કે ભારતના નવા વડાપ્રધાન હિટલર છે અને તે દેશને ફાસીવાદ ભણી લઇ જશે. આ પ્રકારના આત્યંતિક આરોપ પ્રો.પારેખ સ્વીકારતા નથી. સાથોસાથ તે માનેે છે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વિચારો, ખ્યાલો અને અભિગમો વિકસ્યા હતા અથવા જેને આધારે દેશમાં પ્રજાતંત્રની એક લાક્ષણિક વૃત્તિ અથવા નૈતિક વલણો વિકસ્યાં હતાં, તે કેટલેક અંશે આ ચૂંટણીનાં પરિણામો પછી હાંસિયામાં મૂકાઇ ગયાં છે અને જે પરિબળો આઝાદીની લડાઇ વખતે હાંસિયામાં હતાં, તે હવે ઝડપથી મુખ્ય પ્રવાહમાં આવવા લાગ્યાં છે.

પ્રો. પારેખને લાગે છે કે નવા પ્રવાહો સમજવા માટે આત્યંતિક વલણને બદલે, નવાં ‘કન્સેપ્ચુઅલ ટૂલ્સ’ (વૈચારિક ઓજાર) વિકસાવવાં જોઇએ. પરિણામોને સમજવા માટે ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને સમજવાની ઘણી જરૂર છે, એવું પણ તે માને છે. આર.એસ.એસ.ની ‘ગાંધીહત્યારા’ કે ‘મુસ્લિમવિરોધી’ની ઓળખથી આગળ વધીને, તેમની અંદર વૈચારિક મતભેદો છે કે કેમ, એ સમજવું જોઇએ. ‘મારી સમજ પ્રમાણે સંઘ-ભાજપનું મોડેલ ઇઝરાઇલનું મોડેલ છે. તે ભવિષ્યના ભારતના ઇઝરાઇલ જેવું બનાવવા માગે છે. જો ઇઝરાઇલ યહુદીઓનો દેશ હોય તો ભારત હિંદુઓનો દેશ કેમ ન હોય?’ આવો ખ્યાલ લઇને ચાલતા સંઘના વિચારકો સાથે શાંતિથી ચર્ચા કરવા અને તેમના ખ્યાલની મુશ્કેલીઓ દર્શાવવા માટે પ્રો.પારેખ ઉત્સુક છે.

ચૂંટણીનાં પરિણામ વિશે તેમણે કહ્યું કે ‘આ કે પેલો ઉમેદવાર જીતે તેમાં મને કોઇ રસ નથી કે એમાં નવાઇ પામવા જેવું નથી. પણ આ ચૂંટણીમાં નવું શું બન્યું છે?’ તેમણે છ-સાત નિરીક્ષણ રજૂ કર્યાં હતાં.

(૧) દેશભરમાંથી આશરે ૬૦ લાખ મતદારોએ ‘નન ઑફ ધ અબોવ’ (ઉભેલા ઉમેદવારોમાંથી કોઇ નહીં)નો વિકલ્પ પસંદ કર્યો છે. આ રીતે તેમણે બધા રાજકીય પક્ષોને ચીમકી આપી છે કે મતદારોને યોગ્ય લાગે એવા ઉમેદવાર પસંદ કરવા.

(૨) દેશમાં પહેલી વાર અન્ય પછાત જાતિ (ઓબીસી)નો ઉમેદવાર ચૂંટણી લડીને વડાપ્રધાન બન્યા. ચૌધરી ચરણસિંઘ કે દેવે ગૌડા જેવા વડાપ્રધાનો ઓબીસી હતા, પરંતુ તે પોતાના જોરે- ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા ન હતા. બાબુ જગજીવનરામ દેશના વડાપ્રધાન બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવતા હોવા છતાં એક યા કારણસર તેમને વડાપ્રધાનપદની ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યા...‘ચાવાળો’ એ શબ્દની મજાક ઉડાવવાની જરૂર નથી. આ ઘટનાએ દેશના સામાન્ય માણસમાં જબ્બર આત્મવિશ્વાસ પેદા કર્યો છે કે આપણી લોકશાહીમાં એક ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે.

(૩) આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર વડાપ્રધાન ‘હોમગ્રોન પીએમ’ છે, જેને અંગ્રેજી બરાબર ફાવતું નથી. તે સંસ્થાનવાદી સમયમાં જન્મ્યા નથી. એ સમયે પેદા થયેલા રાજકીય માનસથી તે સંપૂર્ણપણે મુક્ત છે. તેમનાં ભાષા અને સંસ્કાર પણ એ સમયની અસરથી સદંતર મુક્ત છે.

(૪) દેશની ચૂંટણી પ્રમુખશાહી સ્વરૂપની લોકશાહી હોય એવી ઢબે લડાઇ. પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ સમગ્ર દેશમાં છવાઇ ગયેલા હતા, પરંતુ તે આ રીતે ચૂંટણી લડ્યા ન હતા. આખા દેશમાં મોદી એક રાષ્ટ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા, પણ જે રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ સક્ષમ હતા ત્યાં મોદી કાઠું કાઢી શક્યા નથી.

(૫) આ ચૂંટણીમાં બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ)નો- ખાસ કરીને ‘ઓવરસીઝ ફ્રેન્ડ્‌ઝ ઑફ બીજેપી’ જેવી સંસ્થાનો- ફાળો ઘણો મોટો હતો. તેમણે આર્થિક સહકાર ઉપરાંત માણસો, ઇલેક્ટ્રોનિક મિડીયા અને ઇન્ફર્મેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વાર બન્યું.

(૬) ૧૨૯ વર્ષ પહેલાં સ્થપાયેલી કોંગ્રેસનો એવો સફાયો થઇ ગયો કે લોકસભામાં વિરોધપક્ષ બનવા માટે જરૂરી બેઠકો પણ તે મેળવી શક્યો નથી. છતાં, સંસ્થાનવાદ સામેની લડતમાં તેનો ફાળો ઓછો આંકવાની જરૂર નથી.

(૭) આ ચૂંટણીમાં લોકોએ વિકાસના મુદ્દાને ઘ્યાનમાં રાખીને મતદાન કર્યું અને જ્ઞાતિનો મુદ્દો પ્રમાણમાં બાજુ પર ધકેલાયો હોય એવું લાગ્યું. જોકે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણી જીતવાના એક પરિબળ તરીકે જ્ઞાતિ નિર્ણાયક પરિબળ રહી જ હતી.

ચૂંટણીની વાત કર્યા પછી, વડાપ્રધાન મોદીના સો દિવસના શાસનના આર્થિક કે રાજકીય પ્રવાહોની વિગતમાં જવાને બદલે, એ ગાળામાં જોવા મળેલા કેટલાક ભાવિ સંકેત અંગે પણ તેમણે વાત કરી.

૧) રાજકીય સત્તા અને નિર્ણયો લેવાની પદ્ધતિનું કેન્દ્રીકરણ તથા વ્યક્તિકરણ એક અગત્યનો મુદ્દો છે. પ્રો.પારેખે ઉદાહરણો સાથે કહ્યું કે આપણા દેશમાં રાજકીય સત્તા આધારિત નિર્ણય લેવાની પદ્ધતિ હંમેશાં આ પ્રકારની રહી છે. પંડિત નહેરુ નિર્ણય લેવાની બાબતમાં સરદાર સિવાય કોઇની સાથે વાતચીત કરતા નહીં. ઇંદિરા ગાંધી અને નરસિંહરાવના સમયમાં પણ આ પ્રથા ચાલુ રહી. રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ અને વ્યક્તિકરણ થાય ત્યારે રાજકીય સંસ્કૃતિનું પણ કેન્દ્રીકરણ થાય છે. નવા વડાપ્રધાનને ટીમ સ્પિરિટથી કામ કરતાં ફાવતું નથી. વધારામાં, પોતાના સમકક્ષ લોકો સાથે મળીને ટીમ બનાવવાની સંસ્કૃતિ આપણે ત્યાં વિકસી નથી. ટીમની સાથે મુદ્દાની મેરિટના આધારે મતભેદ આવકારવાનું આપણને આવડતું નથી...મોદી વડાપ્રધાન બન્યા પછી (સત્તાના કેન્દ્રીકરણ-વ્યક્તિકરણની પ્રક્રિયા) વધારે વેગથી ચાલુ રહેશે. તેનો ઉપાય શું હોઇ શકે? એ વિચારવાનું છે. પ્રો.પારેખની દૃષ્ટિએ આ સમસ્યા આપણા કલ્ચર અને ફિલોસૉફીની છે.

(૨) વડાપ્રધાને પંદરમી ઑગસ્ટના પ્રવચનમાં વિકાસની વાત કરી છે અને લધુમતીને આર્થિક સહયોગની વાત કરી છે. પ્રો.પારેખે કહ્યું કે  વડાપ્રધાન દ્વારા દેશમાં જે ‘સેક્યુલર ક્લાઇમેટ’ પેદા થવું જોઇએ તે થતું નથી. ઉલટું, એવી સ્થિતિ પેદા થઇ છે કે પહેલા વરસાદ વખતે જમીનમાંથી જીવડાં ફૂટી નીકળે એવી રીતે તેમ, દેશમાં જે પ્રવાહોને ક્યારેય આદરમાન  અપાતું ન હતું એ પ્રવાહો ચૂંટણી પછી મુખ્ય પ્રવાહ તરીકે ઉભરવા લાગ્યા છે અને જે પ્રવાહોનો ગૌરવશાળી ઐતિહાસિક વારસો હતો અને એક સમયે જે રાષ્ટ્રના મુખ્ય પ્રવાહને માર્ગદર્શન આપતા હતા તેમને વ્યવસ્થિત રીતે હાંસિયામાં ધકેલી દેવાયા છે.

આ વાતને વિસ્તારતાં પ્રો.પારેખે કહ્યું હતું,‘મારા મત મુજબ દેશમાં ઝડપથી એક બદલાવ (શિફ્‌ટ) અને તે પણ વડાપ્રધાનના નેજા હેઠળ આવી રહ્યો હોય એમ દેખાય છે. આ બદલાવ એક નજરે કદાચ ન દેખાય. કેમ કે એવા મુદ્દે વડાપ્રધાન સમજપૂર્વક મૌન સેવે છે અને તેમના પક્ષ કે સાથીદારોને જે કરવું હોય તે કરવા દે છે. આવું ઘણું બઘું મેં પણ બ્રિટનની સંસદમાં સત્તાપક્ષ તરફથી થતું જોયું છે. પરિણામે એ લોકો દેશને જે દિશામાં ખેંચી જવો હોય તે દિશામાં ખેંચી જશે. આ વડાપ્રધાનની વ્યવસ્થિત વ્યૂહરચના પણ હોઇ શકે કે ‘હું લોકોને વિકાસની વાત કરીશ અને તમારે જે કરવું હોય તે કરજો.’ તેને કારણે જે રાજકીય વાતાવરણ પેદા થઇ રહ્યું છે તે જોખમકારક છે...દેશનો ઇતિહાસ બદલનાર પક્ષ, મૂલ્યો અને વ્યક્તિઓનું વારાફરતી ડીહ્યુમનાઇઝેશન કરાઇ રહ્યું છે.’

(આવતા સપ્તાહે : વર્તમાન-ભવિષ્યને સાંકળતાં કેટલાંક વઘુ, વિચારોત્તેજક નિરીક્ષણો)

Sunday, October 26, 2014

બકોર પટેલ : એકવીસમી સદીમાં

ગુજરાતીમાં બાળસાહિત્યની વાત નીકળે એટલે કકળાટ શરૂ કરવો પડે અથવા ભૂતકાળમાં સરી જવું પડે. ઇન્ટરનેટ ન હતું અને બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે જે અઘરા રસ્તા મોજુદ હતા, તેમાંનો એક હતો : બાળસામયિકો. આઝાદી પછીના થોડા દાયકાને બાળસાહિત્યનો સુવર્ણયુગ કહી શકાય, જ્યારે બબ્બે ઘુરંધર બાળસાહિત્યકારો - હરિપ્રસાદ વ્યાસ અને જીવરામ જોષી- સક્રિય હતા.  માર્કેટિંગ કે મેનેજમેન્ટની પરિભાષાના જમાના પહેલાં આ બન્ને સર્જકોએ એવાં પાત્રો સર્જ્યાં, જે દાયકાઓથી ગુજરાતમાં મજબૂત બ્રાન્ડ બની રહ્યાં છે. જીવરામ જોષીએ ‘ગુજરાત સમાચાર’ના બાળસાપ્તાહિક ‘ઝગમગ’માં મિંયા ફુસકી-તભા ભટ્ટ, છકો-મકો કે અડુકિયો-દડુકિયો જેવાં યાદગાર પાત્રો સર્જ્યાં, જ્યારે હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડિવ સાહિત્ય મંદિર’ના બાળપાક્ષિક ‘ગાંડિવ’માં બકોર પટેલની કથાઓ લખી. એ ઉપરાંત હાથીશંકર ધમધમિયા, ભગાભાઇ જેવાં પાત્રો તેમણે આપ્યાં. આ સિવાય અનેક બાળસામયિકો અને બાળકથાના લેખકોનું નોંધપાત્ર પ્રદાન હોવા છતાં, આ લેખ પૂરતી કેવળ બકોર પટેલ/ Bakor Patelની વાત.


બાળવયે આકર્ષતાં પાત્રો સુપરહીરોનાં હોય કે પછી છબરડાબાજ- ‘બ્લૂપર’ હીરોનાં. બકોર પટેલ એવા છબરડાવીર હતા. એમ તો મિંયા ફુસકી, ભગાભાઇ ને તીસમારખાં જેવાં પાત્રો પણ ગોટાળા કરે. છતાં, બકોર પટેલ અને હાથીશંકર ધમધમિયા જેવાં પાત્રો સામાજિક રીતે સંપન્ન અને પ્રતિષ્ઠિત હતાં- સાવ અક્કલના બારદાન કે સાવ મુફલિસ નહીં. સમાજનો ખાધેપીધે સુખી વર્ગ આ પાત્રો સાથે સહેલાઇથી એકરૂપતા સાધી શકે અને બાકીના વર્ગના લોકોને તે ‘મોટા માણસોના નિર્દોષ ગોટાળા’ પ્રકારનો આનંદ આપે.

બકોર પટેલની આખી પાત્રસૃષ્ટિની કમાલ એ હતી કે તેમાં માણસે સર્જેલી બધી વસ્તુઓ હતી, પણ માણસનું નામોનિશાન નહીં. એવું લાગે જાણે મનુષ્યે પૃથ્વીને આબાદ કરીને, પ્રાણીઓના પોતાનાં લક્ષણ શીખવીને, આખું વિશ્વ તેમના હવાલે કરી દીઘું હોય. બકોર પટેલની વાર્તાઓમાં કૂતરા અને ઊંટ જેવાં ઘરેલુ પ્રાણીથી માંડીને વાઘ અને હાથી અને વાઘ જેવાં જોરાવર-હિંસક પ્રાણીઓ આવે. પરંતુ પંચતંત્રની વાર્તાઓની જેમ આ પાત્રોમાં પ્રાણીઓનું એકેય લક્ષણ નહીં. વાઘજીભાઇ વકીલનો દેખાવ વાઘ જેવો હોય એટલું જ. બાકી તેમનાં બધાં લક્ષણ વકીલનાં હોય. બકોર પટેલ અને શકરી પટલાણી પ્રાણી તરીકે ભલે બકરા-બકરી હોય, પણ એ બાબતનું મહત્ત્વ ફક્ત તેમના બાહ્યા-શારીરિક દેખાવ પૂરતું. તેમના વર્તનમાં ક્યાંય બકરાપણું ન આવે.

બકરી જેવા સામાન્ય પ્રાણીને લઇને, ગાંધીયુગમાં હોવા છતાં સદંતર ગાંધીપ્રભાવથી મુક્ત રહીને, બકરીની આવી વાર્તાઓ ઘડી શકાય અને તે દાયકાઓ સુધી સુપરહિટ નીવડે, એવું કોણે વિચાર્યું હશે? તેને પ્રચંડ સફળતા મળ્યા પછી, તેનાં કારણ આપવાં બહુ સહેલાં છે, પરંતુ શરૂઆતમાં પ્રાણીકથા તરીકે ‘ગાંડિવ’ના માલિક નટવરલાલ માળવી અને લેખક હરિપ્રસાદ વ્યાસે આ પ્રયોગ કર્યો ત્યારે તે અખતરો જ હશે. તેની દંતકથાસમી સફળતા પછી બાળવાર્તાકાર હરીશ નાયકે બકોર પટેલના જોડિયા ભાઇ ‘ચકોર પટેલ’નું પાત્ર સર્જ્યું હતું. ફિલ્મી અંદાજમાં વર્ષો પહેલાં છૂટો પડી ગયેલો ભાઇ ચકોર પટેલ પરદેશથી ભારત આવે છે, એવું કથાવસ્તુ હતું. પરંતુ બકોર પટેલના પ્રકાશકે વાંધો લેતાં તેમને એ કથા આટોપી લેવી પડી. (મૂળ કથામાં બકોર પટેલનાં માતા-પિતા કે ભાઇ-બહેનનો પાત્ર તરીકે ઉલ્લેખ આવતો નથી. પટેલ દંપતિને પણ નિઃસંતાન બતાવાયું છે.)

બકોર પટેલના ચાહકોના મનમાં તેમનાં અસલ ચિત્રો માટે આગવી લાગણી હશે. બકોર પટેલની વાર્તાઓની જૂની આવૃત્તિમાં છપાયેલાં ચિત્રો નીચે ‘તનસુખ’ એવી સહી જોવા મળતી હતી. ચિત્રકળાની દૃષ્ટિએ ચિત્રો બહુ અસાધારણ ન લાગે, પણ તેમાં થયેલા વાર્તાના પ્રસંગોના આલેખનને કારણે એ ચિત્રો પણ વાર્તાનો હિસ્સો બનીને મનમાં છપાઇ જતાં હતાં. એ ઉપરાંત દરેક વાર્તાના શીર્ષકની ટાઇપોગ્રાફી અને તેની સાથેનું એકાદ સૂચક ચિત્ર પણ બકોર પટેલના આખા પેકેજનો હિસ્સો હતું.



બકોર પટેલનાં ચિત્રો નીચે રહેલા ‘તનસુખ’ નામ વિશેની જિજ્ઞાસા થોડાં વર્ષ પહેલાં ‘ગાંડિવ’ના સુભગ માળવીની મુલાકાત વખતે સંતોષાઇ. (હવે સદ્‌ગત) સુભગભાઇએ કહ્યું હતું કે તનસુખ-મનસુખ બન્ને સુરતના ચિત્રકારભાઇઓ હતા. એ કાંડે ખડિયો લટકાવીને જ ફરતા હોય. કોઇ કહે એટલે તત્કાળ ચિત્રો દોરી આપે એ તેમની ખાસિયત હતી.



બાળપાક્ષિક ‘ગાંડિવ’ છેક ઑગસ્ટ, ૧૯૨૫થી થયો હતો.  ૧૯૭૩ સુધી ચાલેલા આ પાક્ષિકમાં હરિપ્રસાદ વ્યાસે ૧૯૩૬થી ૧૯૫૫ વચ્ચે બકોર પટેલની ઘણી કથાઓ લખી. તેની પર એ સમય અને સમાજની  પ્રબળ છાપ હતી. એ સમયે ફક્ત રૂપિયાથી માણસનો તોલ થતો ન હતો. સચ્ચાઇ, ઇમાનદારી, સંતોષ અને પરગજુતા જેવા ગુણોનો કમ સે કમ આદર્શ તરીકે મહિમા હતો. કોઠાકબાડા કરીને રૂપિયા કમાવા એ મહાનતા ગણાતી ન હતી અને એવા લોકોને સામાજિક સ્વીકૃતિ મળતાં વાર લાગતી હતી. બકોર પટેલની કથાસૃષ્ટિમાં નકારાત્મક લક્ષણો ધરાવતાં પાત્રો હતાં, પણ સાવેસાવ ખલનાયક કહેવાય એવું કોઇ ન હતું.

બકોર પટેલની વાર્તાઓ એ રીતે સમાજની ઘણી વરવી વાસ્તવિકતાઓથી પણ સાવ દૂર હતી. તેમની મુસીબતો અને તેમના સંઘર્ષમાં એક ઉચ્ચ મઘ્યમ વર્ગના સમાજની છાયા હતી. ગરીબ વર્ગ માટે તે મુંબઇમાં પેઢી અને જાપાન સાથે વેપાર ધરાવતા પટેલશેઠ હતા.  એવા પટેલશેઠ જેમની ઉદારતા અને સરળતા બાઘાપણાની હદે હતી, પણ પાંચમાં પુછાતા હતા. એ જમાનામાં (ચાળીસી-પચાસીના દાયકામાં) તેમની પાસે મુંબઇમાં ગાડી-બંગલો હતાં, તેમના વર્તુળમાં ડૉક્ટર અને વકીલ જેવા સમાન સામાજિક દરજ્જાના લોકો હતા. પટેલશેઠ પોતે પાન-સોપારીના શોખીન અને ક્યારેક સિગરેટના રવાડે ચડે તો ગોટાળાની આખી વાર્તા સર્જાઇ જાય. તેમનાં કેટલાંક સાહસ અને ગોટાળા મોભાદાર માણસને કદાચ શોભે નહીં, પણ પરવડે ખરાં. બધાં પરાક્રમોના અંતે બકોર પટેલની છબી તો એવી જ ઊપસે કે એ ભૂલ કરે, ઠેબાં ખાય, પણ મનમાં પાપ નહીં.

ગુજરાતી હાસ્યસાહિત્યમાં અભૂતપૂર્વ કહેવાય એવી પાત્રસૃષ્ટિ સર્જનાર તારક મહેતાએ લખ્યું છે કે, ‘બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે મારાં પાત્રો જાણે ‘બકોર પટેલ’નાં પાત્રોનો માનવઅવતાર ન હોય! એવું બીજાંઓને લાગતું હોય કે ન લાગતું હોય, મને તો લાગે જ છે. ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની ટીવી શ્રેણીએ મને ઘણો યશ અપાવ્યો છે. પણ ડગલે ને પગલે છબરડા વાળતા મારા ‘જેઠાલાલ’માં જાણે બકોર પટેલનો પુનર્જન્મ થયાનું મને લાગે છે. ‘દયા’ શકરી પટલાણીની યાદ અપાવે છે, તો ડૉક્ટર હાથી અનેક રીતે હાથીશંકરની યાદ અપાવે છે.’ (‘બકોર પટેલની હસતી દુનિયા’ - સંપાદક  : હુંદરાજ બલવાણી, હર્ષ પ્રકાશન)

બકોર પટેલ જે જમાનામાં અને જે સાધનસુવિધાઓ વચ્ચે જીવ્યા તે હવે જૂનાં થઇ ગયાં છે. એ જે વર્ગના પ્રતિનિધિ હતા, તેની આખેઆખી જીવનશૈલી બદલાઇ ગઇ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, શૉપિંગ મૉલ, ડિજિટલ કેમેરા, મેટ્રો જેવી ઘણી ચીજો બકોર પટેલના જમાનામાં ન હતી. છતાં, તેમની વાર્તાઓમાં રહેલું મૂળભૂત મનુષ્ય સ્વભાવની ગાફેલિયતોનું આલેખન હજુ નવી પેઢીને બકોર પટેલ પ્રત્યે આકર્ષવાની તાકાત ધરાવે છે. નવા જમાનામાં બકોર પટેલની નવી કથાઓ માટે ઘણી સામગ્રી હાથવગી બની છે. જેમ કે, એકવીસમી સદીમાં બકોર પટેલ હોત તો ઉત્સાહમાં મોંઘુંદાટ ટેબ્લેટ ખરીદ્યા પછી વાપરતાં ન આવડવાથી અટવાતા હોત અને છેવટે રોજબરોજના ઉપયોગ માટે સાવ પ્રાથમિક ફોન ખરીદીને હાશ અનુભવતા હોત, સસ્તા ભાવમાં આઇ-ફોન ખરીદવાની લાલચમાં છેતરાતા હોત, નાઇજિરિયન ફ્રોડમાં રૂપિયા ગુમાવવાની હદ સુધી આવીને, ઓળખીતા પોલીસની મદદથી માંડ બચ્યા હોત, કોઇ લેભાગુ બિલ્ડરની વૈભવી સ્કીમમાં નામ નોંધાવ્યા પછી પસ્તાતા હોત, હરખભેર પોતાની આખી મિત્રમંડળી માટે સ્મૉલ કારનું બુકિંગ કરાવ્યા પછી, એ બધા ઑર્ડર કેન્સલ કરાવવા દોડતા હોત, શકરી પટલાણી સાથે મૉલમાં ગયા પછી અટવાઇને, પાકિટ વિના થાકી-હારીને ક્યાંક બેસી પડ્યા હોત, મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી ‘દુરાન્તો’ જેવી નોન-સ્ટોપ ટ્રેનમાં સફર કરતા પટેલને વચ્ચે ઉતરવું પડે એવા સંજોગો સર્જાયા હોત...

શક્યતાઓ ઘણી છે. મૂળ પાત્રને વફાદાર રહીને એની પર કામ થાય તો બકોર પટેલનો નવો અવતાર શક્ય છે, પણ એમ થવું અનિવાર્ય નથી. અમરતા માટે બકોર પટેલનો અસલ અવતાર પૂરતો છે. 

Wednesday, October 22, 2014

રશિયાના સરમુખત્યાર સ્તાલિનની દીકરી અને ભારતના એક સામ્યવાદી : એક અનોખી પ્રેમકથા

તારામૈત્રક અને પહેલી નજરે પ્રેમની વાતો સાંભળવામાં સારી લાગે, પણ પુખ્ત વયના અને એકંદરે ઠરેલ માણસો આવા બધામાં ન પડે- આવી સામાન્ય સમજણ છે. પરંતુ માણસના મનનો કારોબાર અકળ હોય છે. તે બાંધેલાં ચોકઠાં પ્રમાણે ચાલતો નથી. તેને કોઇ કાયદા-કાનૂન કે નિયમો લાગુ પડતા નથી. આંતરરાષ્ટ્રિય પ્રેમકથાઓમાં આ વાત સવિશેષ લાગુ પડે છે.

આ પ્રકારમાં ડૉક્ટર કોટનિસની વાત બહુ જાણીતી છે. ૧૯૩૮માં ચીન-જાપાન યુદ્ધ વખતે ચીનમાં તબીબી રાહતકાર્ય માટે ગયેલા ડૉક્ટર દ્વારકાનાથ કોટનિસ એક ચીની મહિલાના પ્રેમમાં પડ્યા અને તેમની સાથે સંસાર માંડ્યો અને ૧૯૪૨માં તેમનું બિમારીને કારણે અકાળે અવસાન થયું. આદરમાનથી ચીનમાં દફનાવાયેલા ડૉક્ટર કોટનિસની કથા પરથી વી.શાંતારામે ‘ડૉક્ટર કોટનિસકી અમર કહાની’ નામે ફિલ્મ પણ બનાવી. તેમની સરખામણીમાં ભારતીય સામ્યવાદી બ્રજેશસિંહ અને રશિયાના લોખંડી સરમુખત્યાર સ્તાલિનની પુત્રી સ્વેતલાનાની કથા કાળનાં વહેણમાં વિસરાઇ ચૂકી છે.

ડૉક્ટર કોટનિસની કથા યાદ રહી હોવાનું એક કારણ એ પણ છે કે તેનો ઉપયોગ ભારત-ચીન વચ્ચે સત્તાવાર મૈત્રી દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. ભારત સાથેના કથળેલા સંબંધ પછી પણ ચીને ડૉક્ટર કોટનિસને નાયક ગણવાનું ચાલુ રાખ્યું છે. સ્વેતલાના-બ્રજેશસિંહની પ્રેમકથામાં સત્તાવાર માન્યતાનું તત્ત્વ ન હતું. એટલું જ નહીં, ભારત-રશિયાના અફસરો માટે તે કંઇક અંશે માથાનો દુઃખાવો પણ બની રહી. એટલે બન્ને દેશોની સરકારો તેને ભૂલી ચૂકી છે. ગુજરાતીમાં તેની   આધારભૂત વિગતો સુભદ્રા ગાંધી કૃત અનુવાદ ‘એ પનોતું એક વરસ’માંથી મળે છે. (પ્રકાશક : ‘વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ, વડોદરા, ૧૯૭૨) સ્વેતલાનાએ લખેલા આત્મકથાનક અને કેટલાંક પુસ્તકોના આધારે તૈયાર થયેલા આ ગુજરાતી પુસ્તકમાં બ્રજેશસિંહ સાથેના જીવન ઉપરાંતની પણ કેટલીક વાતો છે. પરંતુ આ લેખ પૂરતી તેમના વિશિષ્ટ પ્રેમસંબંધની વાત કરવાની છે.

બ્રજેશસિંહ / Brajesh Singh રાજવી પરિવારના પુત્ર. મૂળ ઉત્તર ભારતના. ૧૯૩૦ના દાયકામાં ઇંગ્લેન્ડમાં ભણે એટલા સમૃદ્ધ, પણ ત્યાં એ સામ્યવાદના રંગે રંગાયા. યુરોપમાં રહ્યા. સામ્યવાદી જગતમાં ભારે દબદબો ધરાવતા ભારતીય નેતા માનવેન્દ્રનાથ (એમ.એન.) રોયના મિત્ર બન્યા. પરંતુ સુભદ્રાબહેને નોંઘ્યા પ્રમાણે, તેમનું ‘આંતરિક કલેવર ભાવનાશીલ, શ્રદ્ધાળુ હિંદુ જેવું રહ્યું હતું.’ સામ્યવાદી હોવા છતાં એ હિંસા-રક્તપાતને ટાળવાલાયક અનિષ્ટ ગણતા હતા. કદાચ આ જ કારણથી આઝાદી પછી ભારતના ઉગ્ર મત ધરાવતા સામ્યવાદીઓ સાથે બ્રજેશસિંહને ઘણા મતભેદ થયા.

સાઠના દાયકામાં બ્રજેશસિંહને ફેફસાંની બિમારી લાગુ પડી. એ વખતના રશિયામાં દુનિયાભરના સામ્યવાદી આગેવાનોને સારવાર માટે મૉસ્કોની હોસ્પિટલમાં બોલાવવામાં આવતા હતા. સામ્યવાદના લોખંડી પંજાને લાગણી અને સાથીપણાનો કુણો સ્પર્શ આપવા માટેની એ ચેષ્ટા હશે. તેમાં ઘણાખરા લાભાર્થી મોટા નેતાઓ રહેતા. બ્રજેશસિંહ પણ સામ્યવાદી અગ્રણી તરીકે એ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા, ત્યારે તે ૫૪ વર્ષના હતા.

યોગાનુયોગે એ જ વખતે જોસેફ સ્તાલિનનાં ૩૭ વર્ષનાં પુત્રી સ્વેતલાના/ Svetlana એ જ હોસ્પિટલમાં કાકડાના ઑપરેશન માટે દાખલ થયાં. ૩૭ વર્ષમાં તેમણે ઘણા ચઢાવઉતાર જોઇ નાખ્યા હતા. પહેલું લગ્ન તેમણે પિતાની મરજી વિરુદ્ધ એક યહુદી સાથે કર્યું. તેમાંથી છૂટાં થયાં પછી સ્તાલિનની ઇચ્છાથી તેમના એક કમ્યુનિસ્ટ સાથીના પુત્રને તે પરણ્યાં. પરંતુ એ લગ્ન પણ ટક્યું નહીં. પહેલા લગ્નથી થયેલો એક પુત્ર અને બીજા લગ્નથી થયેલી પુત્રી સાથે સ્વેતલાનાએ જુદો સંસાર માંડ્યો. સ્તાલિનના જીવતાંજીવ સ્વેતલાના પિતાથી અલગ થઇ ગયાં હતાં. સ્તાલિનપુત્રી તરીકેનો દબદબો અને તેનો બોજ પણ તેમણે સ્વેચ્છાએ જતો કર્યો હતો.
young  Svetlana with dad Joseph Stalin 

વાચનનાં શોખીન અને અભ્યાસી સ્વેતલાના જવાહરલાલ નેહરુની આત્મકથા વાંચીને ભારત પ્રત્યે આકર્ષાયાં. રામકૃષ્ણ પરમહંસ- વિવેકાનંદ વિશેનાં રોમાં રોલાંનાં લખાણ અને ગાંધીજી વિશેની થોડીઘણી માહિતીએ તેમને ભારત વિશે વઘુ જાણવા પ્રેર્યાં. મૉસ્કોની હોસ્પિટલમાં ઉંમર કરતાં બ્રજેશસિંહ સાથેના આકસ્મિક પરિચયે તેમની એ ભૂખ ભાંગી. કાબરચીતરા વાળ, વર્ષ કરતાં વધારે લાગતી ઉંમર, બેઠી દડીના, બ્રોન્કાઇટિસ અને દમને લીધે ખખડી ગયેલા, સહેજ ઝૂકીને ચાલનારા બ્રજેશસિંહ સાથે સ્વેતલાનાનો હોસ્પિટલમાં આકસ્મિક ભેટો થયો.

બ્રજેશસિંહે પરિચય આપ્યો એટલે એમની વચ્ચે વાતોની મંડળી જામી. બન્ને દર્દીઓ હોસ્પિટલના સોફા પર બેસીને કલાકો સુધી ગાંધી,નહેરુ અને ભારતની જ્ઞાતિપ્રથા વિશે ચર્ચા કરતાં. સ્વેતલાનાએ કોઇની કંઠી બાંધ્યા વિના સ્વતંત્ર મિજાજ જાળવી રાખ્યો હતો, તેનો બ્રજેશસિંહને આનંદ થયો. ‘ભીંતને પણ કાન હોય’ એવો ખોફ ધરાવતા રશિયામાં આ બન્ને જીવો કોઇની સાડાબારી રાખ્યા વિના મુક્ત જીવે એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં. બ્રજેશસિંહને જ્યારે ખબર પડી કે સ્વેતલાના સ્તાલિનની પુત્રી છે, ત્યારે પણ તેમની સાહજિકતામાં કશો ફરક ન પડ્યો.

પોતપોતાની રીતે મનમાં અશાંતિ અનુભવતા બન્ને જણને એકબીજાની સોબતમાં શાંતિનો અનુભવ થયો. એટલે ઉંમરનો તફાવત અને બ્રજેશસિંહની નાજુક તબિયત છતાં સ્વેતલાના અને બ્રજેશસિંહે લગ્ન કરીને (અગાઉનાં લગ્નનાં બે સંતાનો સાથે) મૉસ્કોમાં રહેવાનું નક્કી કર્યું. દરમિયાન, રશિયામાં સારવારનો સત્તાવાર સમય પૂરો થતાં બ્રજેશસિંહને ભારત પાછા જવાની ફરજ પડી. ત્યાંથી ફરી મૉસ્કો આવવામાં તેમને દોઢ વર્ષ નીકળી ગયું. એ ગાળામાં તેમની ખરાબ તબિયત વઘુ લથડી ચૂકી હતી. રશિયામાં રહેવાના આધાર તરીકે તેમણે એક પ્રકાશનગૃહમાં અનુવાદક તરીકે નોકરી લીધી હતી. એ માટે બન્ને દેશોના સામ્યવાદી પક્ષોને રાજી કરવાનું અઘરું કામ પણ પાર પાડ્યું હતું. મૉસ્કોમાં તેમને કંપનીએ ફાળવેલા ઘરમાં રહેવાનું હતું. પણ એરપોર્ટ પર લેવા ગયેલાં સ્વેતલાના અને તેમના દીકરાએ બ્રજેશસિંહની તબિયત જોઇ. એ પરથી તેમણે નક્કી કર્યું કે બ્રજેશસિંહ તેમની સાથે, તેમના ઘરમાં જ રહેશે.
Svetlana - Brajesh Singh 

બન્નેનું સહજીવન શરૂ થયું ત્યારે રશિયાના રાજકારણમાં ફરી એક વાર રૂઢિચુસ્તતાની બોલબાલા થઇ હતી. સ્વેતલાનાને પણ સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે ‘તારા જેવી એક તંદુરસ્ત સ્પોર્ટ્‌સવુમનને કોઇ તંદુરસ્ત-શક્તિશાળી જુવાન ન જડ્યો? પેલા ઘરડા માંદા હિંદુ સાથે રહીને તને શું મળવાનું છે? અમને એ મંજૂર નથી.’ વગેેરે. રશિયાના સત્તાધીશોએ તેમનું લગ્ન રજિસ્ટર કરવાની સાફ ના પાડી દીધી. કારણ કે એમ કરવાથી બ્રજેશસિંહ સ્વેતલાનાને ભારત પણ લઇ જઇ શકે.

સ્વેતલાનાએ તેમને સમજાવી જોયા કે અમે બન્ને મૉસ્કોમાં જ રહેવાનાં છીએ. પણ તેમને લગ્નની મંજૂરી ન જ મળી. રશિયામાં મુક્ત અભિવ્યક્તિ પર એવો લોખંડી સકંજો હતો કે સચ્ચાઇનું બયાન કરનાર લેખકોને જેલની સજા કરવામાં આવતી હતી. એટલે સ્વેતલાનાએ પોતાના કુટુંબ વિશે તૈયાર કરેલા એક જૂના લખાણને બ્રજેશસિંહે રશિયાના ભારતીય રાજદૂતની મદદથી સલામતી ખાતર ભારત મોકલી આપ્યું (જ્યાં તે એક અંગ્રેજી અખબારમાં ‘ટ્‌વેન્ટી લેટર્સ ટુ અ ફ્રેન્ડ’ તરીકે હપ્તાવાર પ્રગટ થયું)

બ્રજેશસિંહ પર રશિયાની સરકારની ખફાનજર છે એ જાણ્યા પછી ત્યાંના ભારતીય સામ્યવાદીઓએ તેમની સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. નોકરીમાં પણ બ્રજેશસિંહના કામ સામે ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવી. તેમને ટી.બી.ના દર્દી જાહેર કરીને અલાયદી હોસ્પિટલમાં ભરતી કરવાનો પ્રયાસ થયો, પરંતુ સ્વેતલાનાએ એક મહિના સુધી અધિકારીઓ સામે લડત આપીને સાબીત કરી બતાવ્યું કે બ્રજેશસિંહને ટી.બી. નહીં, દમનો રોગ છે.

બ્રજેશસિંહની બિમારી અને રશિયન સરકારનો સકંજો વકરતાં ગયાં. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેલા બ્રજેશસિંહને મળવા માટે કોઇને જવું હોય તો એ પણ અઘરું બનાવી મૂકવામાં આવ્યું. ખુદ બ્રજેશસિંહને અંત નજીક લાગ્યો એટલે તેમણે સ્વેતલાનાને કહ્યું, ‘હું અહીંથી કંટાળી ગયો છું. મને ભારત લઇ જા. ત્યાં મારા મિત્રો-સ્નેહીઓ વચ્ચે શાંતિથી મૃત્યુ પામી શકું.’ સ્વેતલાનાએ રશિયાના પ્રમુખ બ્રેઝનેવ પાસે બ્રજેશસિંહને ભારત લઇ જવાની પરવાનગી માગી. તેમણે રૂક્ષતાથી કહી દીઘું કે બ્રજેશસિંહને જવું હોય તો જાય, પણ તને કોઇ પણ સંજોગોમાં સાથે જવા નહીં મળે.

છેલ્લે છેલ્લે હૉસ્પિટલની માથાકૂટથી કંટાળી ગયેલા બ્રજેશસિંહે ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યાં તેમને રાહત લાગી. એક અઠવાડિયામાં તેમણે શ્વાસ મૂક્યા. ત્રણેક વર્ષ પહેલાં તેમણે લખી રાખ્યું હતું કે ‘મને અગ્નિસંસ્કાર આપજો અને મારાં અસ્થિને કોઇ નદીમાં પધરાવજો. બીજી કોઇ ધાર્મિક વિધિ ન કરશો.’ સ્વેતલાનાએ તેમને પૂછ્‌યું હતું કે ‘તેં કઇ નદીની વાત કરી છે? ગંગાની?’ ત્યારે બ્રજેશસિંહે કહ્યું હતું કે ‘હા, પણ પરદેશમાં મૃત્યુ પામું તો અસ્થિ ગંગાજી લગી કોણ પહોંચાડે? એટલે કોઇ પણ નદી ચાલશે. બધી નદીઓ આખરે સમુદ્રમાં જ ભળે છે.’

સ્વેતલાનાને જીવતા બ્રજેશસિંહ સાથે ભારત આવવાની મંજૂરી મળી ન હતી, પણ તેમનાં અસ્થિ ગંગામાં પધરાવવા માટે રશિયાની સરકારે તેમને પરવાનગી આપી. દિલ્હીમાં સ્વેતલાનાને થયેલા અનુભવો બીજી કથાનો વિષય છે, પણ દોઢ વર્ષના સાથી બ્રજેશસિંહનાં અસ્થિ ગંગામાં પધરાવીને તેમણે હૉસ્પિટલથી શરૂ થયેલા પ્રેમસંબંધનું ભાવસભર તર્પણ કર્યું.

(નોંધ : સ્વેતલાનાનું અવસાન ૮૫ વર્ષની વયે ૨૨ નવેમ્બર, ૨૦૧૧ના રોજ અમેરિકામાં થયું. અમેરિકામાં એક લગ્ન પછી તેમનું નામ હતું : લાના પીટર્સ)

Friday, October 17, 2014

બપોરની ઉંઘ અને વિશ્વશાંતિ

શાસ્ત્રોમાં કહ્યું છે કે બપોરે જમ્યા પછી વામકુક્ષિ કરવી જોઇએ- એટલે કે ડાબા પડખે સુવું જોઇએ. અહીં - અહીં જ નહીં, ક્યાંય પણ- ‘શાસ્ત્રો’ એટલે શું એ પૂછવું નહીં. કોઇનું અજ્ઞાન છતું કરવામાં મઝા લેવી એ કંઇ સદ્‌વૃત્તિ ન કહેવાય. શાસ્ત્રોમાં એની ચોખ્ખી ના પાડી છે.

મૂળ મુદ્દો એ છે કે બપોરે જમ્યા પછી સુવું જોઇએ. યુરોપમાં કેટલાક ઠેકાણે ‘સિએસ્તા’ તરીકે ઓળખાતી બપોરની ઉંઘનો ઠીક ઠીક મહિમા છે, પરંતુ ભારતમાં એ આખી ઘટનાને આળસ અને કામચોરી સાથે સાંકળી લેવામાં આવી છે. ખરેખર તો ભારતના સંસ્કૃતિ-રક્ષકોએ બપોરની ઊંઘ માટે ઝુંબેશ ચલાવવી જોઇએ અને તેની અંતર્ગત (બપોરે ઊંઘીને ઉઠ્યા પછી) કહેવું જોઇએ કે ‘યુરોપવાળા સિએસ્તા-સિએસ્તા કરે છે, પણ આપણે ત્યાં વર્ષો પહેલાં વામકુક્ષિનું ચલણ હતું. યુરોપવાળા ત્યારે ઊંઘતા હતા.’ પરંતુ આવું થતું નથી.

ઔદ્યોગિક સમાજશાસ્ત્રના કેટલાક અભ્યાસીઓને લાગે છે કે યુરોપ આગળ નીકળી ગયું અને ભારત પાછળ રહી ગયું, તેમાં બપોરની ઊંઘનો મુદ્દો કારણભૂત હોઇ શકે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં બપોરની ઊંઘને સત્તાવાર માન્યતા મળેલી છે, પરંતુ અફસોસની વાત છે કે ‘સુધરેલા’ ગણાવા આતુર લોકો તેને પછાતપણાની નિશાની ગણી રહ્યા છે.

કોઇ તર્કાસુરને એવો સવાલ થાય કે ‘બપોરની ઊંઘને માન્યતા આપનારા પશ્ચિમના દેશો આગળ આવી ગયા, તો રાજકોટ-સૌરાષ્ટ્ર કેમ પાછળ રહી ગયાં?’ આ સવાલના પાયામાં દોષ છે. રાજકોટ-સૌરાષ્ટ્રના કેટલાક નાગરિકો સાથે પાનના ગલ્લે કે ચાની કીટલી પર વાતચીત કરવાની પણ જરૂર નથી. ફક્ત તેમની વાતો સાંભળતાં સમજાઇ જશે કે તેમને પાછળ માનનારા પોતે પાછળ રહી ગયા છે. બાકી, આ બંદાઓ ઓટલા પરિષદથી ઓબામા સુધીના કોઇ પણ વિષય પર, એક પિચકારી મારીને, પોતાનો અભિપ્રાય આપી શકે છે.

બપોરની ઊંઘનો સંબંધ ઉદ્યોગ સાથે હોય, એટલે અર્થકારણ સાથે પણ હોવાનો. મોટા ભાગના લોકોને બપોરે ઊંઘી જવું પોસાતું નથી. સત્યની વધારે નજીક જઇને કહી શકાય કે મોટા ભાગના લોકો બપોરે ઊંઘી જાય એ તેમના ઉપરીઓ સાંખી શકતા નથી. તેમનો દાવો એવો હોય છે કે ‘આ રીતે કામ બગડે.’ વઘુ સખ્તમિજાજ ઉપરીઓ કહે છે, ‘ઘોરવું હોય તો રજા લઇને ઘેર પડ્યા રહો. અહીં કામ કરવા આવો છો કે ઊંઘવા? કંપની નસકોરાનાં ઘ્વનિતરંગોમાંથી વીજળી પેદા કરવાનું કારખાનું ખોલશે ત્યારે તમને બપોરે ઊંઘવાના રૂપિયા આપશે. ત્યાં સુધી બપોરે ઊંઘતા ઝડપાયા તો ખેર નથી.’

રોજ અખબાર આવે અને તેમાં ક્યારેક રીન્યુએબલ એનર્જીના સમાચાર જોવા મળે, ત્યારે મનમાં એવી ચટપટી જાગે છે કે ‘આ ક્યાંક પેલા નસકોરાંના અવાજમાંથી વીજળીવાળા પ્રોજેક્ટની વાત તો નહીં હોય?’ ઊંડે ઊંડે એવી અટલ શ્રદ્ધા છે કે રાજકોટનો કોઇ જણ આ દિશામાં આગળ વધશે અને ઊર્જા કટોકટી માટે નહીં તો બપોરની ઊંઘની આબરૂ પર આવેલી કટોકટી ટાળવા માટે પણ તે આ કરી બતાવશે.

ઊંઘને બદનામ કરવામાં સૌથી મોટો ફાળો અઘ્યાપકોનો છે. છઠ્ઠા પગારપંચ પછી અઘ્યાપકોને એટલો પગાર મળે છે કે તેમને રાત્રે ઊંઘતાં પણ અપરાધભાવ થવો જોઇએ. એને બદલે, સવારની કોલેજવાળા ઘણાખરા અધ્યાપકમિત્રો બપોરે સત્તાવાર રીતે આરામમાં હોય છે. તેમને એ પોતાનો અઘ્યાપકસિદ્ધ અધિકાર લાગે છે. (નોંધઃ વાઇસ ચાન્સેલરની કેબિનમાં બપોરે સુવાની વ્યવસ્થા વિશે જાણકારી મળી શકી નથી. જોકે, તેમણે જે રીતે રાજકીય સાહેબોને પાયલાગણ કરવાં પડે છે, એ જોતાં એમને રાત્રે પણ ઊંઘ આવતી હશે કે કેમ- અને જો આવતી હોય તો, સ્વપ્નાં પણ સાહેબને પગે લાગવાનાં જ આવતાં હશે- એવો સવાલ થઇ શકે.)

માનવતાના નાતે અઘ્યાપકોની જ નહીં, કોઇ પણ વ્યક્તિની બપોરની ઊંઘની ઇર્ષ્યા કે ટીકા ન કરવી જોઇએ. વધારે સારો રસ્તો ટીકા કરનારે પોતે બપોરની ઊંઘ ખેંચી જોવાનો છે. મોટા ભાગની કુદરતી ચીજોનાં ગુણવર્ણનમાં કહેવાય છે તેમ, બપોરની ઊંઘ ફક્ત પાંચથી પંદર મિનીટ જેટલી ટૂંકી હોય તો પણ તે રાતની બે-ચાર કલાકની ઊંઘ જેવું કામ આપે છે, તેનાથી પિત્તનો નાશ થાય છે, વાયુ શમે છે, કફવીરેચન થાય છે, ઉનાળામાં તે શીતળતા અને શિયાળામાં ગરમાવો આપે છે. (સોરી, ચોમાસામાં તે રેઇનકોટનું કામ આપી શકતી નથી.)

યુનિવર્સિટી ઓફ ઝુમરીતલૈયાના એક રીસર્ચ સ્કોલરે શોધી કાઢ્‌યું છે કે  બપોરે દસ-પંદર મિનીટનું ઝોકું ખાઇ લીધા પછી વ્યક્તિની કામ કરવાની ક્ષમતા બેવડાય છે. બપોરના ત્રણ કલાક દરમિયાન ઊંઘ ન લેતા, પણ સતત ઊંઘવાના ખ્યાલોમાં રમમાણ રહેતા માણસની કાર્યક્ષમતા દસના સ્કેલ પર પાંચ-છથી આગળ વધી શકતી નથી. તેમના દિવસના ક્રમમાં બપોરે એક સમય એવો આવે છે, જ્યારે ઊંઘ અને જાગૃતિ વચ્ચેની ‘લાઇન ઑફ કન્ટ્રોલ’ (એલઓસી) વિવાદાસ્પદ બની જાય છે. વ્યક્તિ પોતે માને છે કે પોતે એલઓસીની આ પાર, જાગૃતિના પ્રદેશમાં છે, પણ તેના સહકાર્યકરો - અને ખાસ તો ઉપરી- દૃઢતાથી માને છે કે તે એલઓસી વટાવીને નિદ્રાના પ્રદેશમાં પહોંચી ગયા છે. એ વખતે છમકલાં ન થાય તો પણ, વ્યક્તિની કાર્યક્ષમતા દસના સ્કેલ પર છેક શૂન્ય સુધી પહોંચવા આવી જાય છે. કાર્ડિયોગ્રામની જેમ ‘કાર્યોગ્રામ’ (કાર્યક્ષમતાના ધબકારા)નાં મીટર આવતાં હોત તો બપોરના સમયે ઘણાના મીટરના ડાયલ પર રેખાઓ ઊપર-નીચે થવાને બદલે સળંગ ચાલતી હોત.

આ સ્થિતિ નીવારવાનો એક જ ઇલાજ છે : બપોરે દસ-પંદર મિનીટ, સત્તાવાર રીતે, લોકલાજની પરવા કર્યા વિના, ‘પ્યાર કીયા તો ડરના ક્યા’ અંદાજમાં, લાંબા થઇને કે થયા વિના, ખુરશી પર, ભીંતને અઢેલીને કે ટેબલ પર માથું ઢાળીને સુઇ જવું. સાહેબ આવશે એ વિચારે ગભરાવું નહીં ને સાહેબ આવી જાય તો બીવું નહીં. તેમને પણ કહી જોવું કે ‘બપોરે સુવાથી કોલસ્ટેરોલ, ડાયાબિટીસ અને હાઇ બીપી કન્ટ્રોલમાં રહે છે.’ એમાં પણ સાહેબ બપોરે સુઇ જતા હોય તો કમ સે કમ એટલા સમય માટે આખા સ્ટાફનાં કોલસ્ટેરોલ, ડાયાબિટીસ અને હાઇ બીપી કન્ટ્રોલમાં રહી શકે છે.  આ રીતની પંદર મિનીટની ઊંઘ પછી વ્યક્તિની કાર્યક્ષમતા દસના સ્કેલ પર આઠ-નવ સુધી પહોંચી જવાનો સંભવ રહે છે. આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી હકીકત નથી, પણ એમ તો ભગવાનનું અસ્તિત્ત્વ પણ ક્યાં વૈજ્ઞાનિક રીતે સાબીત થયેલું છે?

સારા માણસોએ પોતાની બેટરી રી-ચાર્જ કરવા માટે બપોરે સુઇ જવું જોઇએ અને ખરાબ માણસોએ તો ખાસ બપોરે સુવું જોઇએ. એ સૂઇ જશે એટલો સમય જગતમાં નકારાત્મક તરંગો ફેલાતા અટકશે અને શાંતિ વ્યાપેલી રહેશે. નોબેલ પારિતોષિકનાં ધોરણ જે રીતે વઘુ ને વઘુ ઉદાર થઇ રહ્યાં છે એ જોતાં, ભવિષ્યમાં બપોરે નિયમિત રીતે બે કલાક ઊંઘનાર સરમુખત્યારને તે નોબેલ શાંતિ પારિતોષિક માટે પસંદ કરે તો કહેવાય નહીં. અલબત્ત, નોબેલ કમિટી એવી સ્પષ્ટતા કરી શકશે કે જેમ સંસ્થાઓને અને સંશોધનોને ઇનામ આપવામાં આવે છે, તેમ આ કિસ્સામાં સન્માન કોઇ વ્યક્તિને નહીં, પણ બપોરની ઊંઘને મળે છે.

લાફિંગ ક્લબ ચાલુ થઇ શકતી હોય, તો ભરબપોરે ભેગા થઇને સમુહ-સિએસ્તાના કાર્યક્રમો કેમ ન યોજી શકાય? એક જગ્યાએ સો માણસ ભેગા થયાં હોય અને (કદાચ નસકોરાં સિવાય) બીજો કોઇ અવાજ ન આવતો હોય, એ પોતે અત્યારના જમાનામાં અદ્‌ભૂત ઘટના નથી?  

Wednesday, October 15, 2014

સરકારી જાહેરખબરો અને પ્રમાણભાન

(full piece)

સમાચાર તો નાના હતા - અને ભવિષ્યમાં મોટા થશે કે નહીં એ કોણ જાણે- પણ, ત્રણ સભ્યોની એક સમિતિએ સરકારી જાહેરખબરો અંગે કેટલીક કડક ભલામણો સર્વોચ્ચ અદાલતને સુપ્રત કરી છે. સર્વોચ્ચ અદાલતે નીમેલી આ સમિતિએ સૂચવ્યું છે કે સરકારી જાહેરખબરોમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સિવાય બીજા કોઇની તસવીરો મુકાવી જોઇએ નહીં.

આમ તો આ કહ્યા વિના સમજાવી જોઇએ એવી વાત નથી? પક્ષપ્રમુખના કે પક્ષના સાચવવાપાત્ર અગ્રણીઓના ફોટો મૂકવા હોય તો જાહેરખબર પક્ષના ખર્ચે આપો. એમાં સરકારી નાણાં શા માટે વપરાવા જોઇએ? પણ ‘સરકારી એટલે નાગરિકોનું’ને બદલે ‘સરકારી એટલે આપણું’ એવી ‘સમજ’ ધરાવતા બહુમતી નેતાઓને સરકારી નાણાં અંગત કે પક્ષીય લાભ ખાતર વેડફવામાં કશો ખચકાટ થતો નથી. તેમને એ પોતાનો ચૂંટણીવિજયસિદ્ધ અધિકાર લાગે છે.

સમિતિના સૂચનનો આશય ‘સરકારી જાહેરખબરોમાંથી રાજકારણ દૂર કરવાનો’ છે. એટલો જ અગત્યનો મુદ્દો સરકારી જાહેરખબરોનો અતિરેક અટકાવવાનો છે. એ માટે સમિતિએ કહ્યું છે કે કોઇ મહાનુભાવની જન્મ કે મૃત્યુ તિથિ નિમિત્તે ફક્ત એક જ સરકારી જાહેરખબર પ્રસિદ્ધ થવી જોઇએ - અને તે પણ શક્ય હોય તો માહિતી પ્રસારણ ખાતાની. આવા કોઇ નિયમના અભાવે કેવી સ્થિતિ સર્જાય છે, તે સૌ જાણે છે. નાનાં, સ્થાનિક અખબારમાં કોઇ વ્યક્તિના મૃત્યુ પ્રસંગે આખું પાનું એક જ વ્યક્તિના બેસણાની જાહેરખબરોથી ભરેલું હોય, એવી કંઇક સ્થિતિ રાષ્ટ્રિય સ્તરે સર્જાય છે. એક જ નેતાની યાદમાં અનેક મંત્રાલયો જાહેરખબરો ઝીંકે છે. સ્થાનિક અખબારોમાં આવેલી બેસણાની જાહેરાત કમ સે કમ જુદા જુદા લોકોએ ગાંઠના ખર્ચે આપી હોય છે, જ્યારે સરકારી જાહેરખબરોમાં તો બધાં મંત્રાલયો દ્વારા થતું ખર્ચ છેવટે નાગરિકોએ ભોગવવાનું આવે છે- અથવા નાગરિકો માટે ખર્ચવાની રકમમાં એટલો કાપ આવે છે.

ગાંધીજી, સરદાર, નેહરુ, આંબેડકર, ભગતસિંઘ કે સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓની જન્મ-મૃત્યુ તિથિ નિમિત્તે ‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ તેમને અંજલિ અર્પણ કરે, એ વિશે કોને વાંધો હોય? પરંતુ સરકારો દ્વારા જાહેરખબરોનો એટલો અતિરેક થાય છે કે એ નેતાઓ જીવતા હોય તો તે પણ લોકોના રૂપિયાનો આવો બગાડ જોઇને કકળી ઉઠે.

‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ નાગરિકોના ખર્ચે કયા નેતાને કેટલા અંશે યાદ કરશે-તેમની પાછળ જાહેરખબરોમાં કેટલા કરોડ રૂપિયા ઓછા કરી નાખશે, એનો આધાર નેતાના મહત્ત્વ પર નહીં, પણ કયા પક્ષની સરકાર છે તેની પર હોય. આ બાબતમાં કેન્દ્ર સરકારમાં દસ વર્ષ રાજ કરનારી યુપીએ સરકાર અને ત્યાર પહેલાં રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકાર વાજબી રીતે સૌથી વઘુ બદનામ હતી.

કોંગ્રેસી રાજના જમાનામાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે નેહરુની જન્મશતાબ્દિ વખતે સરકારી પ્રચારમારાનો ઉબકા આવે એટલો અતિરેક કર્યો. નેહરુના ચિત્ર સાથેનો લોગો માણસોને જ્યાં ને ત્યાં એટલી હદે દેખાવા લાગ્યો કે નેહરુ વિશે લોકોને અભાવ ન હોય તો પણ થઇ જાય. તેનું એક દુષ્પરિણામ એ આવ્યું કે શ્યામ બેનેગલે પંડિત નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ (ભારત : એક ખોજ) પરથી બનાવેલી માતબર ટીવી સિરીયલને તેના પહેલી વારના પ્રસારણમાં મળવો જોઇએ એટલો પ્રતિસાદ ન મળ્યો. ભારતના જ નહીં, વિશ્વભરનાં ટીવી માટે બનેલાં ઉત્તમ સર્જનોમાં ‘ભારત : એક ખોજ’નો પાટલો પડે, એવી તેની ગુણવત્તા હતી. પરંતુ રાજીવ ગાંધીએ કરેલો નેહરુનો અતિરેક સામાન્ય લોકોને સિરીયલ પ્રત્યે અભાવ પ્રેરવામાં એક નિમિત્ત બન્યો.

દેખીતું છે કે રાજીવ ગાંધીએ સરકારી ખર્ચે કરેલો નેહરુ-અંજલિનો મારો પંડિત નેહરુના સ્વતંત્ર ગુણોને બદલે લોહીના સંબંધને વધારે આભારી હતો. એ વખતે ઊભરતા અને એક માત્ર દૃશ્ય માઘ્યમ ‘દૂરદર્શન’ને (બી.બી.સી.ની રાહ પર) સ્વતંત્રને બદલે (રશિયા-ચીનના મૉડેલ પ્રમાણે) સરકારી બનાવવામાં પણ રાજીવ ગાંધીનો મોટો ફાળો હતો. તેમણે દૂરદર્શનને રાજીવદર્શન અને કોંગ્રેસદર્શન બનાવી દીઘું.

ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના કરુણ અંત અને વાજપેયીની એનડીએ સરકાર પછી વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએની સરકાર બની, ત્યારે ફરી ઇંદિરા ગાંધી-રાજીવ ગાંધીના સરકારી સ્મૃતિ-ઉત્સવો શરૂ થયા. માતા-પુત્રની જન્મ-મૃત્યુ તિથી જેવા પ્રસંગોએ સરકારનાં અનેક મંત્રાલયો તો છાપાંમાં જાહેરખબરો આપે જ, સાથોસાથ સોનિયા ગાંધી આગળ સારા દેખાવા ઇચ્છનારા ખુશામતના ભાગ તરીકે પણ છાપામાં ઇંદિરા-રાજીવને શ્રદ્ધાંજલિઓ છપાવે.

એક ઉદાહરણ : વર્ષ ૨૦૧૧માં રાજીવ ગાંધીની વીસમી મૃત્યુતિથિ વખતે યુપીએ સરકારનાં એક ડઝનથી પણ વઘુ ખાતાંએ અને કેટલીક રાજ્ય સરકારોએ એક સાથે રાજીવ ગાંધીને અંજલિ આપતી જાહેરખબરોનો વરસાદ વરસાવ્યો. માત્ર દિલ્હીનાં (સમાચારનાં અને બિઝનેસનાં મળીને) ૧૧ અખબારોમાં એ દિવસે રાજીવ ગાંધીને અંજલિની ૬૫ સરકારી જાહેરખબરો છપાઇ. તેમાંની ઘણીખરી મોટા કદની હતી. બઘું મળીને કુલ ૩૮ પાનાં અને ઉપર એક ચોથીયું રાજીવમય હતાં.  

પ્રમાણભાન કેવું નેવે મુકાઇ ગયું તેની હજુ કેટલીક વિગતો ઉપલબ્ધ છે : ‘હિંદુસ્તાન ટાઇમ્સ’નાં કુલ ૨૪ પાનાંમાંથી સવા પાંચ પાનાં રાજીવ ગાંધીને લગતી ૯ સરકારી જાહેરખબરોએ રોકી લીધાં હતાં, તો ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નાં ૩૨માંથી ૬ પાનાં પર રાજીવ ગાંધી વિષયક ૧૦ જાહેરખબરો પથરાયેલી હતી. આ બધી જાહેરખબરોની રકમ સરકારી તિજોરીમાંથી ખર્ચવામાં આવી હતી. સવર્ષ ૨૦૧૦માં રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે લોકોનાં નાણાંનો આવો જ વેડફાટ થયો ત્યારે રામચંદ્ર ગુહાએ તેની ઝાટકણી કાઢતો એક લેખ લખ્યો હતો. તેમણે જાહેરખબરો પાછળ રૂ.સાઠ થી સિત્તેર કરોડ જેટલી રકમ ખર્ચાઇ હોવાનો જાડો અંદાજ માંડ્યો હતો. છતાં, બીજા વર્ષે સરકારને કશી લાજશરમ ન આવી. જાહેર હિતની અરજીઓ પછી વર્ષ ૨૦૧૨માં પણ એ સિલસિલો ચાલુ રહ્યો.

વર્ષ ૨૦૧૩માં જાણવા મળ્યું કે  ૨૦૦૮થી ૨૦૧૨નાં પાંચ વર્ષમાં આવી સરકારી જાહેરખબરો પાછળ રૂ.૧૪૨ કરોડ ખર્ચાઇ ચૂક્યા છે અને તેમાં સૌથી વધારે રકમ સાદગીના અવતાર જેવા મહાત્મા ગાંધીને અંજલિ આપવા ખર્ચાઇ. (રૂ.૩૮.૩ કરોડ). નેહરુ-ઇંદિરા ગાંધી-રાજીવ ગાંધી એ ત્રણેને તિથિઓ નિમિત્તે સરકારી જાહેરખબરના ખર્ચનો પાંચ વર્ષનો સરવાળો હતો : રૂ.૫૩.૨ કરોડ. સઆ સ્થિતિ ઘ્યાનમાં લેતાં, સર્વોચ્ચ અદાલતની સમિતિએ કરેલી એક જ જાહેરખબર આપવાને લગતી ભલામણનો અમલ થાય તે જરૂરી બલ્કે અનિવાર્ય છે.

ધુમાડાની ઝાકઝમાળ

રાજીવ ગાંધી- ઇંદિરા ગાંધીની મૃત્યુતિથી-જન્મતિથીની જાહેરખબરોમાં થયેલો અતિરેક સંબંધિત વિભાગની જવાબદારી નક્કી કરી શકાય એવી રીતથી થયો. એટલે તેમના માથે યોગ્ય રીતે માછલાં ધોવાયાં. તેની સરખામણીમાં ગુજરાતનો કેસ જરા જુદો હતો. વર્તમાન વડાપ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે સરકારી જાહેરખબરો અને તેની પાછળ થતા સરકારી નાણાંના ધુમાડાને તે નવી ઊંચાઇએ લઇ ગયા. પરંપરાગત પ્રસાર માઘ્યમો (પ્રિન્ટ અને ટીવી) ઉપરાંત હોર્ડિંગ જેવાં આઉટડોર પબ્લિસિટીનાં માઘ્યમોનો તેમણે પોતાના ઇમેજ બિલ્ડિંગ માટે છૂટથી ઉપયોગ કર્યો. અંજાવા આતુર લોકોને પ્રભાવિત કરવા માટે તેમણે કોઇ રાજનેતા નહીં પણ અભિનેતાની જેમ સંખ્યાબંધ ફોટોશૂટ કરાવ્યાં, વિવિધ મુદ્રાઓ અને વિવિધ પોશાકોમાં પોઝ આપ્યા. પોતાની જાતને ‘એક ચાવાળા’ તરીકે અને સામાન્ય માણસ તરીકે ઓળખાવતા વડાપ્રધાન એ વખતે પોતાની ‘ચાવાળા’ તરીકેની ઓળખ શોધી શક્યા ન હતા. એટલે જાહેરખબરોનો ભપકો કરવાના મામલે તે ચાવાળાના નહીં, રાજાપાઠમાં હતા.

સરકારી જાહેરખબરોમાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિત સૌ હોદ્દેદારોની પાસપોર્ટ સાઇઝની કે થોડી મોટી તસવીર છાપવાનો ધારો હતો. અપવાદરૂપ સંજોગો સિવાય ફક્ત દિવંગત નેતાઓની તસવીરો જ મોટી છપાતી. પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીએ લોકોને પ્રભાવિત કરવાના સફળ પ્રયાસોના ભાગરૂપે સરકારી જાહેરખબરોેમાં પોતાની તસવીરો ફિલ્મનાં પોસ્ટરોની છટાથી મુકાવવાનું શરૂ કર્યું. પ્રસંગને અનુરૂપ હાવભાવ અને પોશાકમાં તેમની જાહેરખબરોને જો સળંગ જોવામાં આવે તો બને કે કોઇ રાજનેતાના પ્રચાર કરતાં કોઇ એક્ટરનો પોર્ટફોલિયો જોતા હોઇએ એવું લાગે.

વ્યક્તિ ટાપટીપ અને ભપકાબાજીની શોખીન હોય અને પોતાના ખર્ચે આ બઘું કરે તો એ જુદી વાત થઇ, પણ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીએ આ બધા પાછળ લોકોનાં નાણાંનો કેટલા મોટા પાયે ધુમાડો કર્યો, તેની ધોરણસરની ચર્ચા જ ન થઇ અને કેન્દ્ર સરકારના વેડફાટ પ્રત્યે (યોગ્ય રીતે) કકળાટ કરતા ગુજરાતના સરેરાશ લોકોને ઘરઆંગણે થતો અંધાઘૂંધ વેડફાટ અને પ્રમાણભાનની ચૂક દેખાયાં જ નહીં. રૂપિયાના વેડફાટ ઉપરાંત એક મુદ્દો રાજનેતા તરીકેની ગરીમાનો હતો. પહેલાં મોટાં હોર્ડિંગ ને ફિલ્મ અદાઓથી છવાઇ જવાનો ખેલ ફિલ્મલાઇનમાં મૂળીયાં ધરાવતા દક્ષિણ ભારતના નેતાઓ પાડતા હતા. મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી એ ખેલ ગુજરાતમાં લઇ આવ્યા. તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે હવે તેમનાં અનુગામી મુખ્ય મંત્રી પણ જાહેરખબરોમાં પોતાની મસમોટી તસવીરો છપાવે છે. આ વાત નાજુક વિવેકની છે. એ ન સમજાય તો હજુ ચાલે, પણ જાહેર નાણાંનું તાપણું કરીને નેતાઓ પોતાના રોટલા શેકે અને વાર્યા ન વળે ત્યારે સર્વોચ્ચ અદાલતનો જ આશરો રહે છે.

Saturday, October 11, 2014

ગાંધીજી સાથે સફાઇદાર વાતચીત

ગાંધીજીની જન્મજયંતિએ દેશવ્યાપી સફાઇ અભિયાન શરૂ થયું. એ જાણીને ગાંધીજી કેટલા રાજી થઇ ગયા હશે? કોઇ પત્રકારને એવો વિચાર આવ્યો. એટલે એણે આંખ બંધ કરી, ત્યાં જ ફોનની ઘંટડી વાગી.

સવાલ : કોણ?

ગાંધીજી : તેં હમણાં જ તેનું ઘ્યાન ધર્યું તે...

સ : શું વાત છે, બાપુ...તમે તો અંતર્યામી છો... કે પછી તમે પણ જાસુસીવાળું ચાલુ કરાવ્યું?

ગાંધીજી : ના ભાઇ ના, મારે ક્યાં દેશનો ઉદ્ધાર કરવો છે કે લોકોની જાસુસી કરાવવી પડે.  

સ : હું તો ગમ્મત કરતો હતો. બોલો.

ગાંધીજી : એટલે, તારો વખત બગાડ્યા વગર મુદ્દાની વાત પર આવું, એમ જ ને?

સ : ના...એટલે..હા..એટલે કે ના, પણ...

ગાંધીજી : અરે, એમાં આટલો મૂંઝાય છે શું? મૂંઝાયા વગર કંઇ પણ બોલવાની પ્રેરણા તારે નવા વડાપ્રધાનમાંથી લેવા જેવી છે. એે કેવા આત્મવિશ્વાસથી, જરાય મૂંઝવણ અનુભવ્યા વિના, મારું નામ લે છે- જાણે બુલેટપ્રૂફ જાકિટ પણ ખાદીનું પહેરતા હોય.

સ : તમે આ ટીકા કરી કે વખાણ કર્યાં? ચોખવટ કરજો. નહીંતર લોકો તમારા પર તૂટી પડશે.

ગાંધીજી : એટલે લોકોને જાતે ખબર નહીં પડે?

સ : એ બધી ચર્ચાનો અર્થ નથી. કારણ કે લોકો ગીતાના સિદ્ધાંતમાં માને છે. કારણની પરવા કર્યા વિના, કેવળ કર્મ કરવાનું.

ગાંધીજી : પણ ગીતામાં તો ફળની અપેક્ષા વિના...

સ : ખબર છે..‘મહાભારત’ બધાએ જોયું હતું. એની શરૂઆતમાં જ આ શ્લોક આવતો હતો. પણ લોકોેને ખબર છે કે ફળની હવે ચિંતા કરવાની નથી. આપણી જ સરકાર છે. કર્મનું ફળ તો પછી મેનેજ કરી લેવાય. કારણ કે તમારું નામ મોહન ગાંધી છે, મોહન ભાગવત નહીં...આ તો તમારા પ્રત્યે લાગણી છે એટલે ચેતવું છું. હવે આવાં બેવડાં ધોરણ નહીં ચાલે.

ગાંધીજી : એટલે?

સ : એટલે એમ કે, અત્યાર સુધી સાહેબ તમારું નામ લેતા ન હતા ત્યારે લોકો કહેતા કે એ ગાંધીજીને યાદ કરતા નથી. હવે તમારું નામ લે છે, તો કહે છે કે ગાંધીજીનું નામ વટાવે છે. આ તો હળાહળ અસત્યાગ્રહ કહેવાય.

ગાંધીજી : (હસે છે)

સ : કેમ હસો છો? જવાબ આપો. જવાબ આપી ન શકતા હો તો કબૂલો કે મારી વાત સાચી છે.

ગાંધીજી : (હસતાં હસતાં) સરદાર હોત તો એકાદ ચરોતરી કહેવત સંભળાવીને જવાબ આપત. હું તો એ જોઇને હસું છું કે માણસ પોતાની જાતને કેટલી હદે, કેટલા આત્મવિશ્વાસથી છેતરી શકે અને એવી ખાતરી રાખે કે પોતાના આત્મવિશ્વાસથી બીજા પણ છેતરાઇ જશે.

સ : આ મારી વાતનો જવાબ નથી...તમે રાષ્ટ્રપિતા ને પાંચસોની નોટવાળા ને વિદેશમાં તમારો જયજયકાર થાય ને બઘું ખરું- વિદેશોમાં કેવી રીતે જયજયકાર થાય એ તો હવે અમને પણ ખબર છે- છતાં એ ન ભૂલતા કે છેવટે તો તમેય એક સ્યુડો-સેક્યુલરિસ્ટ જ હતા. આ તો અમે હજુ તમારી શરમ ભરીએ છીએ. બાકી, પેલા રાજદીપ સરદેસાઇને પૂછી જોજો...

ગાંધીજી : હું તો મહાદેવ દેસાઇને ઓળખું છું. એને પૂછી શકું...બાકી, તમે શરમ તો ઘણી ભરી. ખોટું કેમ કહેવાય? ભાઇ નાથુરામે પણ મને સહેજ પગે લાગવા જેવું તો કરેલું.

સ : તમે આખી વાતમાં ગોડસેને શા માટે વચ્ચે લઇ આવો છો? દુનિયા બહુ આગળ વધી ગઇ.

ગાંધીજી : હા, એ તો ગોડસેમાર્ગના પ્રવાસીઓનો દબદબો જોઇને લાગે જ છે.

સ : આ બરાબર નથી. ગોડસેએ તમને ગોળી મારી એનો તમે ખાર રાખો છો. ભૂલી જાવ એ બઘું. મૂવ ઑન. ક્યાં સુધી જૂનું યાદ રાખીને ચાલશો? પછી પેલા રાજદીપ જેવું થાય...આપણે દેશને આગળ વધારવાનો છે.

ગાંધીજી : કઇ દિશામાં?

સ : હવે આપણી સામે એક જ દિશા છે - ગાંધીચીંઘ્યો માર્ગ. તમે સાંભળ્યું નહીં? અમારે મહાત્મા ગાંધીજીના સ્વપ્ન પ્રમાણેનું ભારત બનાવવાનું છે.

ગાંધીજી : તું ભૂલી ગયો લાગે છે કે તું ગાંધીજી સાથે જ વાત કરી રહ્યો છે...વાંધો નહીં, પોપટપાઠમાં આવુંબઘું થાય. વારેઘડીએ રાજદીપ યાદ આવે છે એ પણ તમારા ગાંધીમાર્ગનો જ ભાગ હશે ને?

સ : (સહેજ ચીડાઇને) બાપુ, ગમે તે કહો પણ, અસલમાં તો તમે ખાંગ્રેસવાળા ને. એટલે જ વાંકું બોલો.

ગાંધીજી : (ખડખડાટ હસે છે) સારું નામ છે. ખાંગ્રેસ...મને ગમ્યું . ખાંગ્રેસ... ખાજપ...ગમે તે પક્ષમાં જા, પણ ખા. (ફરી હસે છે)

સ : (ધુંધવાઇને) ખાંગ્રેસની વાતમાં ખાજપ ક્યાંથી આવ્યું? કોંગ્રેસે સાઠ વર્ષમાં દેશને ડૂબાડી દીધો ને તમે ખાજપની- આઇ મીન, ભાજપની- માંડો છો...

ગાંધીજી : ધીરજનાં ફળ મીઠાં. સૌને તક મળે છે... પણ એટલું કહે, ખાંગ્રેસના નેતાઓને બે હાથ પહોળા કરીને ભાજપમાં આવકાર મળે, તો ભાજપને ખાજપ કહેવામાં ખોટું શું છે? અને કયા નેતાઓ મહેનત-મજૂરી કરીને પક્ષમાં રૂપિયા જમા કરાવે છે? આટલા રૂપિયા નેતાઓ પાસે ક્યાંથી આવે છે? પરિવારોને પોષવાના કરોડો રૂપિયા શી રીતે પેદા થાય છે? ને પોતાના જયજયકાર કરતી એજન્સીઓ મફતમાં આવે છે?

સ : (અવઢવ સાથે સાંભળી રહ્યા પછી, વિચારીને) પણ ખાંગ્રેસ બોલવામાં જે કીક આવે છે, એ ખાજપ બોલવામાં નથી આવતી.

ગાંધીજી : કીકની વાત તું જાણે. એ મારો વિષય નહીં, પણ કીક આપે એવાં પીણાં જ નહીં, વિચારધારાઓ પણ સમાજ અને દેશ માટે હાનિકારક નીવડી શકે છે. એનાં અનિષ્ટો વિશે જાણવું હોય તો ગુરુદેવ ટાગોરને પૂછી જોજે.

સઃ ના, અમારે તો આ બઘું કોેને પૂછવાનું એ નક્કી જ હોય છે... પણ તમે ફોન કેમ કર્યો હતો, એ તો કહો.

ગાંધીજી : મારે સ્વચ્છતા અભિયાન વિશે વધારે જાણવું હતું. હાથમાં ઝાડુ પકડીને બધાએ પડાવેલા ફોટા મેં જોયા. સરસ હતા.

સ : એમ ને? આખો આઇડિયા જ કેવો જોરદાર છે. ગાંધીજીની દોઢસોમી જયંતિએ ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ...ઢેન ટેણેન.

ગાંધીજી : બસ, એ મ્યુઝિક મૂકવાનું જ બાકી છે. પણ સરદારને જરા ચિંતા હતી. એ કહેતા હતા કે તમારા નામે ચાલતી સફાઇઝુંબેશમાં તમારા આદર્શોનો સફાયો ન થઇ જાય. મેં સરદારને આશ્વાસન આપ્યું કે હવે બાકી શું રહ્યું છે? પણ સરદાર વ્યવહારુ માણસ. એ કહે, નવી સરકારે અંત્યોદયની વાત તો દીનદયાળ ઉપાઘ્યાયના નામે ચડાવી દીધી છે. કાલે ઉઠીને એવું ન કહે કે દાંડીકૂચ પણ દીનદયાળ ઉપાઘ્યાયે કરી હતી.

સ : બાપુ, તમે તો પરવારી ગયા, પણ મારે હજુ આગળ વધવાનું છે. તમારા વખતમાં ફોનટેપિંગનો કકળાટ ન હતો, પણ હવે...જવા દો.  અને તમારા નામે અમે સફાઇ ઝુંબેશ કરીએ છીએ તો તમે પણ કશું યોગદાન આપજો. તમે કશું નહીં બોલો તો પણ અમે એને તમારું યોગદાન ગણીશું, બસ? આવજો.

(ફોન ઉતાવળે મુકાઇ જાય છે.)

Thursday, October 09, 2014

ભારતીય વડાપ્રધાનોની અમેરિકા-યાત્રા

વર્તમાન વડાપ્રધાનની અમેરિકાયાત્રાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા-સમજવા માટે અગાઉના ભારતીય વડાપ્રધાનોની અમેરિકાયાત્રાની ઝલક ઉપયોગી નીવડી શકે છે.

‘મહાન દેશની આઝાદ પ્રજાના આદરણીય નેતાને આવકાર આપવાનો લાભ મને મળ્યો છે...આપણા બે મહાન દેશો એકબીજાના  અને સમસ્ત માનવજાતના ફાયદા માટે, મૈત્રીપૂર્ણ અને ફળદાયી સહકાર અનેક રસ્તા ખોળી કાઢે એવી આશા રાખું છું.’

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ ઉપરનાં વાક્યો કોને કયાં હતાં? હાલના ઉત્તેજનાભર્યા માહોલમાં તેનો જે જવાબ સૂઝે તે, પણ વાસ્તવમાં ઓબામાએ ભારતના તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘને ૨૦૦૯માં આ રીતે આવકાર આપ્યો હતો.

આંતરરાષ્ટ્રિય રાજકારણમાં, ખાસ કરીને લોકશાહી દેશો વચ્ચેના સંબંધ બે વ્યક્તિ નહીં, પણ બે દેશ વચ્ચેના હોય છે. દેશના વડાની વ્યક્તિગત લાક્ષણિકતાઓનું મહત્ત્વ ખરું, પણ મૂળભૂત રીતે એ વ્યવહાર બે દેશો વચ્ચેનો હોય છે. ભારત આઝાદ થયું ત્યારથી અમેરિકા સહિતના દેશોમાં ભારતના ચૂંટાયેલા નેતાને ચોક્કસ પ્રકારનાં માનપાન આપવાનો ધારો છે. દેશ પ્રમાણે અને તેના દરજ્જા પ્રમાણે ભારતના વડા માટે રખાતા પ્રોટોકોલ થોડાઘણા બદલાતા રહે, પરંતુ એ માન વડાનું મોં કે તેણે રોકેલી પી.આર. એજન્સી કે તેનું ડ્રેસિંગ કે તેની વાક્‌છટા જોઇને નહીં, પણ એ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ કારણથી મળતું હોય છે.

આઝાદી પછી તરતના નેહરુયુગમાં વાત જરા જુદી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિઓ ત્યારે તાજી હતી. વડાપ્રધાન નેહરુ ખુદ આઝાદીના આંદોલનના અગ્રણી, જેલવાસ વેઠી ચૂકેલા, બૌદ્ધિક તરીકે જાણીતા. આ બધાં પરિબળો ઉપરાંત  રશિયાતરફી ઝુકાવ ધરાવતા ભારતને અમેરિકા ભણી આકર્ષવાનું કારણ પણ હોય. આ બધાને લીધે જવાહરલાલ નેહરુને અમેરિકામાં ભારે માનપાન મળતાં હતાં- અને એ ત્યાંના ભારતીયો દ્વારા સ્પોન્સર્ડ ન હતાં.

નેહરુ ૧૯૪૯, ૧૯૫૬, ૧૯૬૦ અને ૧૯૬૧ - એમ ચાર વાર અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા અને અનુક્રમે ટ્રુમેન, આઇઝનહોવર તથા કેનેડી જેવા ત્રણ પ્રમુખો સાથે કામ પાડ્યું. ૪૪ વર્ષની વયે અમેરિકાના પ્રમુખ બનેલા કેનેડી નવા લોહીનું પ્રતીક ગણાતા હતા. પંડિત નેહરુની છેલ્લી અમેરિકાયાત્રા વખતે પ્રમુખ કેનેડી સજોડે રહોડ્સ આઇલેન્ડના ન્યુ પોર્ટ એરપોર્ટ પર વડાપ્રધાન નેહરુના સ્વાગત માટે ગયા હતા અને ત્યાંથી અમેરિકન પ્રમુખના ખાસ વિમાન ’એરફોર્સ વન’માં એ વડાપ્રધાન નેહરુ સાથે વોશિંગ્ટન પહોંચ્યા હતા. (મનમોહન સિંઘ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે અમેરિકાનો નાયબ પ્રધાન કક્ષાનો કોઇ હોદ્દેદાર પણ ફરક્યો ન હતો.)

John Kennedy with Prime Minister Nehru. Jackie Kennedy with Indira Gandhi
arriving at Washington DC airport

અમેરિકાના છેલ્લા સત્તાવાર પ્રવાસ વખતે પંડિત નેહરુએ અમેરિકાના પ્રમુખને વિનંતી કરી હતી કે તેમના માનમાં ‘મઘ્યકાલીન ભપકાબાજી’ ન કરવામાં આવે. એ મુલાકાત વખતે ૭૨ વર્ષના વડાપ્રધાન નેહરુનું શીડ્યુલ એટલું વ્યસ્ત હતું કે ‘વડાપ્રધાનને અચકનમાં રહેલું લાલ ગુલાબ બદલવાનો સમય પણ મળ્યો ન હતો.’ (‘ટાઇમ’, ૧૦-૧૧-૧૯૬૧)

પહેલી વાર ૧૯૪૯માં પંડિત નેહરુ વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રમુખ ટ્રુમેનના મહેમાન થઇને જવાના હતા ત્યારે તેમને  મૂંઝવણ હતી કે અમેરિકાના લોકો સમક્ષ કયો ચહેરો રજૂ કરવો? પાશ્ચાત્ય  રંગે રંગાયેલા બૌદ્ધિકનો? કે પછી ભારતીય નેતાનો? તેમના માટે એક પડકાર એ પણ હતો કે અમેરિકામાં મિત્ર તરીકે રજૂ થવાનું છે, પણ પોતાના મૂળભૂત (સમાજવાદી) વલણ સાથે કોઇ પ્રકારનું સમાધાન કર્યા વિના.

અમેરિકામાં નેહરુ બન્ને મુખ્ય પક્ષના નેતાઓ, ઉદ્યોગપતિઓ, કામદારો, સ્ત્રીઓ અને બીજા સંખ્યાબંધ લોકોને મળીને તેમને પ્રભાવિત કરી શક્યા. નેહરુ અમેરિકાના પ્રમુખને ‘મુક્ત વિશ્વના નેતા’ તરીકે સ્વીકારતા ન હતા અને એ બાબતે અમેરિકાના ગૃહખાતાને નેહરુ સામે કચવાટ હતો. છતાં, સરકારી તંત્ર સિવાયના અમેરિકાને- એટલે કે તેમાં વસતા એન.આર.આઇ. લોકોને નહીં, પણ અમેરિકાનાં વિવિધ જૂથોને- નેહરુ પ્રભાવિત કરી શક્યા.

વિદેશીઓને પ્રભાવિત કરવા માટે નક્કર કામગીરી જરૂરી નથી. થોડી અદા, થોડી વાચાળતા, થોડો પ્રભાવ અને થોડો અભિનય  આવડવાં જોઇએ. નેહરુમાં આ બધા ઉપરાંત બૌદ્ધિકતા પણ હતી. તેમ છતાં, રશિયા સાથેની નજદીકીના નેહરુ-વારસાને કારણે ભારત-અમેરિકાના સત્તાવાર સંબંધો ઉબડખાબડ રહ્યા.

ઇંદિરા ગાંધી પાકિસ્તાન સામે યુદ્ધ છેડવાના એક મહિના પહેલાં વડાપ્રધાન તરીકે અમેરિકાના પ્રવાસે ગયાં હતાં. એ તેમનો બીજો અને ભારતના કોઇ પણ વડાપ્રધાન માટે સૌથી કઠણ કહી શકાય એવો પ્રવાસ હતો. અમેરિકાના પ્રમુખપદે ત્યારે રિચાર્ડ નિક્સન બિરાજતા હતા અને તેમના જમણા હાથ જેવા ગૃહપ્રધાન હેન્રી કિસિન્જરનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનને પાંખમાં લેનારા નિક્સન અને તેમનું અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં વચ્ચે આવે તે ભારતને પોસાય એમ ન હતું. ઇંદિરા ગાંધી વિદેશોમાં ફરીને ભારતની તરફેણમાં - અને હકીકતમાં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધની તરફેણમાં- વિશ્વમત ઊભો કરી રહ્યાં હતાં. તેમની હિલચાલોથી નિક્સનના પેટમાં તેલ રેડાતું હતું. ઇંદિરા ગાંધી નિક્સનને મળ્યાં ત્યારે નિક્સને તેમને પાકિસ્તાન સામે કોઇ જાતનાં લશ્કરી પગલાં ન લેવાં કહ્યું અને એવું થશે તો અમેરિકા વચ્ચે પડશે એવી આડકતરી ધમકી પણ આપી. છતાં ઇંદિરા ગાાંધીએ મહિના પછી યુદ્ધ છેડીને નિશ્ચિત સમયગાળામાં બાંગલાદેશને પાકિસ્તાનથી છૂટું પાડી દીઘું. સ્વતંત્રમિજાજી ઇંદિરા ગાંધી પર નિક્સન મનોમન કેવા ભડક્યા હશે તેનો અંદાજ આગળ જતાં જાહેર થયેલા દસ્તાવેજો પરથી આવી શકે છે. તેમાં નિક્સને ઇંદિરા માટે ચુનંદા શબ્દો વાપર્યા હતા. (તેમાંનો એક : ‘બુઢ્ઢી ડાકણ’)
Prime Minister Indira Gandhi with President Richard Nixon (Image : Corbis)

ઇંદિરા ગાંધીની મુત્સદ્દીગીરીની મહાન ફતેહ પછી પણ તેમનું મૂલ્યાંકન થાય ત્યારે તેમના રાજમાં પ્રસરેલો ભ્રષ્ટાચાર અને મૂલ્યોનું મોટા પાયે થયેલું ધોવાણ જ (વાજબી રીતે) યાદ કરવામાં આવે છે. બાકી, નિક્સનને ન ગાંઠેલાં ઇંદિરા ગાંધી કટોકટી પછીની ચૂંટણી હાર્યા પછી, ફરી એક વાર ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યાં ત્યારે તે અમેરિકાની મુલાકાતે ગયાં હતાં. ત્યારે પ્રમુખ રોનાલ્ડ રેગને વ્હાઇટ હાઉસની લોનમાં તેમનો સત્તાવાર સ્વાગત સમારંભ રાખ્યો હતો અને તેમના માનમાં ભોજન પણ રાખ્યું હતું. એ વખતે સાથે સંગીતનો કાર્યક્રમ પણ હતો, જેમાં ઑર્કેસ્ટ્રાનું સંચાલન ઝુબિન મહેતાએ કર્યું હતું. (અહીં મૂકેલી કેટલીક વિડીયો જુઓ)

(વડાપ્રધાન ઇંદિરા ગાંધીના માનમાં પ્રમુખ રેગને યોજેલો ભોજન સમારંભ, સાથે ઝુબિન મહેતાનું ઓરકેસ્ટ્રા સંચાલન)

વ્હાઇટ હાઉસના પ્રાંગણમાં સત્તાવાર સમારંભમાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીનું સ્વાગત

અમેિરકાની નેશનલ પ્રેસ ક્લબમાં સવાલોના જવાબ આપતાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી

વર્તમાન વડાપ્રધાન મોદીની અમેરિકાયાત્રા નક્કી થઇ ત્યારે પ્રસાર માઘ્યમોમાં એવા સમાચાર વહેતા થયા હતા કે તે અમેરિકાની સંસદ (કોંગ્રેસ)નાં બન્ને ગૃહોને સંબોધન કરશે અને એવું થાય તો તેમને મોટું માન મળ્યું ગણાશે. તેમને આવું ‘માન’ મળ્યું નહીં, એટલે હવે ભક્તો એની ચર્ચા કરતા નથી. પરંતુ હકીકત એ છે કે ભૂતકાળમાં રાજીવ ગાંધી (૧૯૮૫માં), નરસિંહરાવ (૧૯૯૪માં), વાજપેયી (૨૦૦૦માં) અને મનમોહનસિંઘ (૨૦૦૫માં) અમેરિકી સંસદની સંયુક્ત બેઠક સંબોધી ચૂક્યા છે.

Atal Bihari Vajpayee addressing joint session of
US congress
આ એવું ‘બહુમાન’ છે, જેનો ઔપચારિકતા સિવાય કશો અર્થ નથી. કેમ કે, આખી યાદી પર નજર નાખતાં જણાય છે કે મહાન લોકશાહી દેશ ભારતના જ નહીં, લાયબેરીઆ, લાત્વિઆ, આયર્લેન્ડ, રોમાનિયા જેવા દેશોના વડા પણ આવું ‘બહુમાન’ મેળવી ચૂક્યા છે. (પાકિસ્તાનના યાહ્યાખાન અને બેનઝીર ભુત્તો સંયુક્ત બેઠક સંબોધી ચૂક્યાં છે.) વડાપ્રધાન મોદીને આ ‘બહુમાન’ મળ્યું હોત તો તેમના ચાહકોએ એને કેવી મહાન ફતેહ ગણાવી હોત અને કેવો જયજયકાર કર્યો હોત એ કલ્પી શકાય એવું છે.

દાયકાઓ સુધી અમેરિકા-ભારત વચ્ચેના સત્તાવાર સંબંધ આપનાર-લેનાર વચ્ચેના હોય એવા હતા. નહેરુ ત્યાં જઇને ગમે તેટલાં છવાઇ જાય કે ઇંદિરા ગાંધી ગમે તેટલાં મજબૂત હોય, પણ તેનાથી અમેરિકાની સત્તાવાર નીતિ પર ભાગ્યે જ કશી અસર પડતી હતી. ભારતે કરેલા પરમાણુપરીક્ષણ પછી અમેરિકા સાથેના મદદના સંબંધ શીતયુગમાં પ્રવેશી ગયા. વડાપ્રધાન તરીકેની પહેલી મુદતમાં મનમોહનસિંઘે ડાબેરીઓની નારાજગી વહોરી લઇને ભારત-અમેરિકા વચ્ચે પરમાણુસંધિ કરી, તેનાથી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં નવેસરથી ગરમાટો આવ્યો. ત્યાં લગીમાં અમેરિકાને પણ (ખાસ કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી) બહારની દુનિયાના અસ્ત્તિત્ત્વ વિશે જાણ થઇ હતી.

હવેનું અમેરિકા સુપરપાવર રહ્યું નથી. ‘અમેરિકાનો પ્રમુખ મુક્ત વિશ્વનો નેતા છે’ એવી માન્યતામાં ઓબામા પોતે ડગુમગુ હોવાનું કહેવાય છે. આમ સાતત્યપૂર્વક બદલાયેલી પરિસ્થિતિમાં ભારત-અમેરિકા વચ્ચેના સંબંધ નવા યુગમાં પ્રવેશી ચૂક્યા છે. વર્તમાન વડાપ્રધાન તેને હવે પછીના સ્વાભાવિક તબક્કામાં લઇ જાય તે અપેક્ષિત, ઇચ્છનીય અને શક્ય છે. પરંતુ લાંબા ગાળાની આ પ્રક્રિયાને પુખ્ત વયના નાગરિકની જેમ જોવાને બદલે, ‘મારા સાહેબ તો એટલા જોરદાર..એટલા જોરદાર..કે એમણે તો અમેરિકા જઇને ઓબામાને ચીત કરી દીધા’ એવી કાલીઘેલી મુગ્ધતામાંથી બહાર આવવાની જરૂર છે. ભારતીય તરીકેનું ખરું ગૌરવ એવી પુખ્તતામાં રહેલું છે.

Wednesday, October 08, 2014

ગાંધીદર્શન : સ્વચ્છતા અને ખાદીથી આગળ...

‘બિગ બોસ’ કે ‘કૌન બનેગા કરોડપતિ’ની જેમ ગાંધીજીની પણ ભારતમાં નવી સીઝન શરૂ થઇ છે. વડાપ્રધાન વારે વારે ગાંધીજીનું નામ લે છે. ગાંધીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનો પડકાર વડાપ્રધાને ઉપાડી લીધો છે, એ વાતપચ રોજેરોજ ટીવી ચેનલો પર જાહેરખબરો દ્વારા મારો કરવામાં આવે છે. જાહેરખબરોના બજેટ જેટલા ખર્ચમાં આખા દેશની ગટરસફાઇ મશીન દ્વારા કરી શકાય, પણ એ જુદી વાત છે. નવી ગાંધીસિઝનમાં વડાપ્રધાને કંઇ નહીં તો રૂમાલ તરીકે પણ ખાદી અપનાવીને, ગરીબોને રોજી આપવાનું આહ્વાન કર્યું છે.

વડાપ્રધાનના મોઢેથી ગાંધીજી, સ્વચ્છતા અને ખાદી જેવા શબ્દો એક લાઇનમાં સાંભળીને સૌથી વઘુ ચિંતા સરેરાશ ગાંધીવાદીઓને થઇ શકે છે. એ વિચારે નહીં કે ‘હવે ગાંધીનું શું થશે’, પણ એ વિચારે કે ‘હવે આપણું શું થશે.’ નોંધપાત્ર અપવાદો છતાં, બહુમતી ગાંધીવાદીઓએ ગાંધીજીને પોતાની દૃષ્ટિમર્યાદામાં કેદ કરી લીધા છે-  નાનું બાળક મુઠ્ઠીના પોલાણમાંથી આકાશ ભણી જોઇને, આકાશ પોતાની મુઠ્ઠીમાં સમાઇ ગયાનો આનંદ-સંતોષ અનુભવે એ રીતે. તેમની દૃષ્ટિથી ગાંધીને ઓળખવામાં, આપણી દૃષ્ટિ પણ સંકુચિત થવાનો ભય રહે છે. કારણ કે સરેરાશ, બહુમતી ગાંધીવાદીઓ માટે ગાંધીજી એટલે સાદગી, સ્વચ્છતા અને ખાદી. વડાપ્રધાનની સૂત્રાત્મક શૈલીમાં કહેવું હોય તો, સાદગી, સ્વચ્છતા અને સ્વાવવલંબન. તેમાં ચોથો, સંઘર્ષનો ‘સ’ ગાયબ હોય છે.

વડાપ્રધાન કે ગાંધીની વાત કરનારા બીજા લોકો ભપકામાં મહાલે, કરોડો રૂપિયાનો વેડફાટ કરે અને ગાંધીજીને ટાંકતા ફરે, તો પણ લોકોને તેમાં હાસ્યાસ્પદ વિરોધાભાસ કેમ નથી દેખાતો? વડાપ્રધાનની ભક્તિ ઉપરાંત કદાચ એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સાદગીના નામે ગાંધીવાદીઓ દ્વારા થતો દંભ લોકોને કોઠે પડી ગયો છે. થોડા ગાંધીવાદીઓ ગાંધીજીની સાદગી આત્મસાત્‌ કરી શક્યા છે અને પ્રકાશ ન. શાહ જેવા જૂજ ગાંધીજનો એ સાદગી વિશે સહજ રહી શક્યા છે.

બાકી, ઘણા ગાંધીવાદીઓની સાદગી શાહુડીના કાંટાની પેઠે તેમની આસપાસ ફૂટી નીકળે છે. તેમના સંપર્કમાં આવનારને તે વારંવાર વાગ્યા કરે છે. આવા શાહુડીબ્રાન્ડ ગાંધીવાદને કારણે નવી પેઢીઓ ગાંધીજીના અસલી પરિચયથી વંચિત રહે છે અને તેમાં બધો વાંક એમનો કાઢી શકાતો નથી. આવી પેઢી ગાંધીજીને રાજનેતાઓ કે તેમની આરતી ઉતારનારા લેખકો થકી ઓળખવા લાગે, ત્યારે કોનો વાંક કાઢવો?

સાદગી જેવું જ બીજું છેતરામણું ગાંધીવાદી લક્ષણ છે : ખાદી. ગાંધીજીએ ખાદીને જીવનકાર્ય બનાવ્યું ત્યારે એ પ્રચારપટુ નેતાની જેમ કોઇ પ્રતીકની શોધમાં ન હતા. તેમને ગ્રામસ્વરાજ સ્થાપવું હતું, જેમાં ગામવાસીઓ ગામ છોડ્યા વિના- અને શહેરોનાં ઝૂંપડાંમાં ઉમેરો કર્યા વિના- સ્વમાનભેર પોતાનો રોટલો રળી શકે. ગામમાં જમીનોની વહેંચણી અસમાન હતી. એક રસ્તો તેની ઉદાર વહેંચણી થકી સૌ માટે પોતાના ગામમાં જ આર્થિક તક ઊભી કરવાનો હતો (જે આગળ જતાં વિનોબાએ ભૂદાનયજ્ઞ સ્વરૂપે અપનાવ્યો અને એ નિષ્ફળ પુરવાર થયો.)

જમીનોની સમાન વહેંચણી સાથે જ્ઞાતિનાં પેચીદાં સમીકરણો અને ઊંચનીચનું આખું માળખું જોડાયેલાં હતાં. એટલે જ, ડૉ.આંબેડકરને ગ્રામસ્વરાજનો- ગામને એક સ્વતંત્ર, સ્વાવલંબી એકમ તરીકે જોવાનો- ખ્યાલ વાંધાજનક લાગતો હતો. તેમને લાગતું હતું કે ગામડું એ ભારતની સદીઓ જૂની, અમાનવીય શોષણવ્યવસ્થાનું એકમ છે. ગાંધીજી જ્ઞાતિવાદના સમર્થક ન હતા. એ સમયે ‘ડીપ્રેસ્ડ ક્લાસ’ તરીકે ઓળખાતા દલિતોના કેટલાક પ્રશ્નોને અને ખાસ કરીને તેમની સાથે રખાતી આભડછેટને રાષ્ટ્રિય પ્રશ્ન તરીકે ઉભારવામાં ગાંધીજીનો ફાળો નોંધપાત્ર છે. પણ તે ‘એનિહિલેશન ઑફ કાસ્ટ’ (જ્ઞાતિપ્રથાના નિકંદન)ની વાત કરે એટલા ઉદ્દામ પણ ન હતા. તેમણે સ્વાવલંબન માટે ખાદી શોધી, જેથી દરેક માણસ મહેનત કરીને સૂતર કાંતે અને તેમાંથી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જેટલું કમાઇ શકે, તો ઔદ્યોગિક ક્રાંતિના એક પૂરજા તરીકે શહેરમાં સડવાને બદલે ગામમાં સ્વમાનભેર જીવી શકે.

ખાદીની એ ભૂમિકા ક્યારની સમાપ્ત થઇ ચૂકી છે. હવે ખાદી મહદ્‌ અંશે ગાંધીજીનું બાહ્ય પ્રતીક બની ગઇ છે. ગાંધીસંસ્થાઓમાં ખાદીનો જડાગ્રહ રખાય છે, એને બદલે રોજ સવાર-સાંજ એક કલાકના શરીરશ્રમનો આગ્રહ રખાતો હોય, તો એ ગાંધીજીના દર્શનથી વધારે નજીક ગણાય. પણ ખાદીના આગ્રહનું પાલન કરવું-કરાવવું સીઘુંસટ છે. વળી, તે દેખાય ને બતાવી શકાય એવું પણ છે. એટલે, ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થા કાયમ ખાદી ન પહેરવાની ‘ગેરલાયકાત’ને કારણે ગોપાલકૃષ્ણ ગાંધી જેવા વિદ્વાન ગાંધીઅભ્યાસીને વિદ્યાપીઠના વડા તરીકે નીમી શકી નહીં. (બીજાં કારણ હોઇ શકે છે, પણ આ કારણ તો હતું જ.) આ ગાંધીનું કે ગોપાલકૃષ્ણ ગાંધીનું નહીં, વિદ્યાપીઠમાં ભણનારા વિદ્યાર્થીઓનું કમનસીબ છે, જેમને ગાંધીના જડ, સંસ્થાગત અર્થઘટનને કારણે ગોપાલકૃષ્ણ ગાંધીજેવો ઉત્તમ વડો ગુમાવવો પડ્યો.

ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતા હતા, ત્યારે આશ્રમના રસોડે મીઠું વપરાતું ન હતું. મહાદેવ દેસાઇને મીઠા વગર નહીં ચાલે એવું લાગ્યું ત્યારે તેમને મીઠું વાપરવાની છૂટ ગાંધીજીએ જ આપી હતી. ગાંધીજી માટે અસ્વાદવ્રત અગત્યનું હતું, પણ તે સત્ય કે અહિંસા જેવું અનિવાર્ય ન હતું. (ખાદી અને ગોપાલકૃષ્ણ ગાંધીની જેમ) મીઠું અને મહાદેવ દેસાઇ- આ બન્નેમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય તો કોની પસંદગી કરવી, એની ગાંધીજીને અવઢવ ન હતી.

ગાંધીજી અને ગાંધીવાદીઓ વચ્ચે સૌથી મોટો ફરક પ્રાથમિકતા નક્કી કરવા અંગેનો છે. ક્યારે આગ્રહજડ થવું ને ક્યારે આગ્રહ છોડી દેવો, તે ગાંધીજી આગ્રહના પ્રકાર અને પ્રસંગ પરથી નક્કી કરતા હતા. તે આમ કરી શકતા હતા, કારણ કે તેમણે એ સમજ જાતે ઉગાડી હતી. ઘણાખરા ગાંધીવાદીઓ એ સમજી શક્યા નહીં કે ગાંધીજીનાં વાક્યોને બ્રહ્મવાક્યો તરીકે માની લેવાને બદલે, તેના અર્કને આત્મસાત્‌ કરીને સમજ તો આપણે જાતે જ ઉગાડવાની હોય. આ રીતે ઉગેલી ઓર્ગેનિક સમજ જડ-બરડ ન હોય. શક્ય છે કે તેમાં ક્યારેક ભૂલ થાય, પણ ગાંધીજીનું બાહ્ય, વાનર-અનુકરણ કરીને પળાયેલા ચુસ્ત, જડ, મરજાદી ગાંધીવાદને બદલે, તેમના વિશેની પોતીકી સમજમાંથી થયેલી પ્રામાણિક ભૂલ વધારે આવકાર્ય છે. ગાંધીનો અર્ક આત્મસાત્‌ થયો હોય તો, પોતે થાપ ખાધી છે એ પણ આગળ જતાં સમજાઇ જાય અને તેનો જાહેર એકરાર પણ કરી શકાય.

અસલી પોત

આખેઆખા ગાંધીજીને આગળપાછળના સંદર્ભ વિના સ્વચ્છતા કે ખાદી જેવી બાબતોથી ઓળખવા, એ સરદાર પટેલને કેવળ બારડોલી સત્યાગ્રહથી ઓળખવા જેવી ચેષ્ટા છે. પરંતુ એ ચાલ નવેસરથી શરૂ થઇ ચૂક્યો છે, ત્યારે ગાંધીપણાનાં કેટલાંક પાયાનાં લક્ષણ યાદ કરી લેવાં જરૂરી છે.

એવી દલીલ થઇ શકે કે ગાંધીજીને એકેય રીતે યાદ કરવામાં ન આવતા હોય ત્યારે, કોઇ તેમનું એકાદ સારું લક્ષણ પણ યાદ કરે તો તેમાં ખોટું શું છે? તર્કની પટાબાજીમાં કામ લાગે એવી દલીલ પાયામાંથી ભ્રષ્ટ છે. જેમાં કશું સમાધાન થઇ ન શકે એવાં પાયાનાં ગાંધીમૂલ્યોનો ભંગ કરનારા ગાંધીનું એકાદ ‘નિર્દોષ’ લક્ષણ આગળ કરીને, ગાંધીજીને યાદ કર્યાનો-તેમને અંજલિ આપવાનો દાખડો કરે, ત્યારે તે (અસલી) ગાંધીજીની નવેસરથી હત્યા કરવા બરાબર થાય છે.

કોંગ્રેસની જેમ એનડીએ સરકારના વડાપ્રધાન પણ ગાંધીજીનાં પાયાનાં બધાં મૂલ્યોને દફનાવી દીધા પછી, પોતાના પ્રચારયંત્રોની ઝાકઝમાળ સાથે, નવેસરથી ગાંધીને બોટી લેવા નીકળ્યા છે. ગાંધીવાદીઓ હોય, ગાંધીદ્વેષીમાંથી પોતાની ગરજે વટલાયેલા નીઓ-ગાંધીપ્રેમીઓ કે તેમને સાંભળનારા લોકો,  સૌએ યાદ રાખવું જોઇએ કે આટલા મુદ્દા ગાંધીજી માટે બાંધછોડ થઇ ન શકે એવા હતા. તેમને ઠેકાડીને ગાંધીજીને યાદ કરવાના-ગાંધીજીને અંજલિ આપવાના પ્રયાસ ગાંધીજીના નામે અને ગાંધીજીની સાથે છેતરપીંડી જેવા ગણવા.

ગાંધીજી વિશેની ‘ઓર્ગેનિક’ સમજણમાંથી ઊભા થયેલા કેટલાક અનિવાર્ય મુદ્દા : (૧) નેતાઓનું કામ લોકરૂચિને પંપાળવાનું કે વકરાવવાનું નહીં, તેને ઘડવાનું અને એ માટે જરૂર પડ્યે તેમની ન ગમે એવી વાત કહેવાનું પણ છે. અભિનેતાની જેમ નેતાઓએ ટોળાંને રીઝવવાનાં ન હોય. (૨) કોમવાદ-જાતિવાદનું ઝેર પહેલાં પોતાના મનમાંથી કાઢવું અને પછી લોકોના મનમાંથી એ ઝેર કાઢવા ઝઝૂમવું. એમ કરવા જતાં જીવનું જોખમ આવે તો પણ ખચકાવું નહીં. (૩) દેશનું હિત સાધવું હોય તો પોતાનાથી અલગ વિચાર ધરાવતા લોકોને પણ સાથે લેવા. કેદારનાથ જેવા સાધક ઘણી બાબતોમાં ગાંધીજી કરતાં જુદા વિચાર ધરાવતા હોવા છતાં, ગાંધીજી તેમને ઉમળકાથી આશ્રમમાં રાખતા હતા અને તેમની પર આશ્રમના નિયમ લાદતા ન હતા. આવાં અનેક ઉદાહરણ ટાંકી શકાય. (૪) શક્ય હોય એ રીતે અન્યાયનો પ્રતિકાર કરવો. સંઘર્ષ કરવો. કેવળ ‘રચનાત્મક’ની માળા જપીને, તેની ઓથે કાયરતા કે અકર્મણ્યતા છુપાવીને બેસી ન રહેવું. ‘અન્યાય’ની વ્યાખ્યા શી? ચૂંટણીની ટિકિટ ન મળે તો ટિકિટવાંચ્છુને અન્યાય થયો કહેવાય? તેનો જવાબ ગાંધીજીના સૌથી પાયાના સિદ્ધાંતમાં મળી જાય છે. (૫) સરકારી જાહેરખબરમાં ‘અંત્યોદય’ની વાત દીનદયાળ ઉપાઘ્યાયના નામે ચડાવવામાં આવે છેે, પણ માપસરની યાદશક્તિ ધરાવતા લોકોને યાદ હશે કે એ વિચાર ગાંધીજીએ વાચન-મનોમંથનમાંથી વિકસાવ્યો હતો. કોઇ પણ કામ કરતાં અવઢવ થાય ત્યારે વિચારવું કે તેનાથી સમાજના સૌથી છેવાડાના માણસને ફાયદો થશે? એ ગાંધીની ફુટપટ્ટી હતી.

આ મુદ્દાથી સાવ વિપરીત વર્તન કરનારા ગાંધીને અંજલિ આપવાની વાત કરે ત્યારે, વિચારવાનું આપણે સૌએ- લોકોએ હોય છે. 

Friday, October 03, 2014

મેડીસન સ્ક્વેર ગાર્ડન્સથી લાઇવ

અમેરિકા ગયા વિના, હાસ્યકારસહજ ‘સંજયદૃષ્ટિ’થી લખાયેલો વડાપ્રધાનના મેડીસન સ્ક્વેર ગાર્ડન્સ મેળાવડાનો કાલ્પનિક ‘જીવંત’ અહેવાલ.
***
વડાપ્રધાનના માનમાં યોજાનારા ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે ભારતીયો જમા થયા છે. તેમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં છે. કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર છે, પરંતુ મોટા ભાગના લોકો સ્ટેજ તરફ નહીં, આકાશ તરફ ડોકાં તાણીને ઊભા છે. કેટલાક લોકો એકબીજા સાથે વાત કરીને સ્વસ્થ દેખાવા પ્રયાસ કરે છે, પણ વચ્ચે વચ્ચે આકાશ ભણી નજર નાખી લે છે. ભારત પ્રત્યે લાગણી ધરાવતો એક અમેરિકન પણ સમારંભમાં આવ્યો છે. તે એક જૂથ નજીક પહોંચે છે. ત્યાં ચર્ચા ચાલી રહી છે.

અમેરિકન ગુજરાતી ૧ (પૂર્વ દિશાના આકાશમાં જોતાં જોતાં) : હું તમને ગેરન્ટીથી કહું છું, આ બાજુથી આવશે.

અ.ગુ.૨ : (પશ્ચિમ આકાશ પરથી નજર હટાવ્યા વિના) : સવ્વાલ જ નથી. આ બાજુથી જ આવે.

અ.ગુ.૩ : તમે લોકો અમેરિકામાં રહીને અભડાઇ ગયા...

અ.ગુ.૧ (ગીન્નાઇને) : અલ્યા, ગ્રીનકાર્ડ માટે અંડાગંડા તો તું કરતો હતો ને અભડાઇ ગયા અમે?

અ.ગુ.૩ : શાંત, ગ્રીનકાર્ડધારી ભીમ, શાંત. હું સંસ્કૃતિની વાત કરું છું. તમને આપણી સંસ્કૃતિનું ભાન હોત તો તમે પણ મારી જેમ ઉત્તર દિશાના આકાશમાંથી તેજપુંજ પ્રગટવાની રાહ જોઇને ઊભા હોત.

અમેરિકન : તમે લોકો આમ ડોકાં તાણીને શાની રાહ જુઓ છો? તમારા વડાપ્રધાનના વિમાનની?

અ.ગુ.૩ (અમેરિકનને ન સંભળાય એવા અવાજમાં) : આ ધોળિયા અક્કલબુઠ્ઠા જ રહ્યા. એને એમ છે કે આપણે વિમાન ભાળ્યું નથી. (મોટેથી જવાબ આપતાં) ના ભાઇ ના. અમારા વડાપ્રધાનને તમે ઓળખતા નથી. એ પોતે જ ઊડીને આવી શકતા હોય ત્યાં વિમાનનું શું કામ?

અમેરિકન : એટલે?

અ.ગુ.૧-૨-૩ : એટલે એમ કે અમારા વડાપ્રધાન કંઇ અમેરિકાના રાષ્ટ્રપતિ નથી કે વિમાનમાં ઉડીને જાય. એ તો સુપરમેન છે, સુપરમેન...જાતે જ ઉડીને આવે - નવરાત્રિના ઉપવાસ હોય ત્યારે તો  બળતણ પણ ન જોઇએ. હમજ્યા?

અમેરિકન : નો.

અ.ગુ.૧ : (મનમાં) ‘મારો બેટો ગુજરાતી ઝીંકે છે.’ (મોટેથી) નો હમજ્યા?

અમેરિકન : હું એમ કહું છું કે સુપરમેન કંઇ ફંક્શનમાં કે ફિલમ જોવા જાય તો ઉડતો ઉડતો ન જાય. એ તો કંઇક અરજન્સી જેવું હોય, કોઇને બચાવવાનો હોય તો જ...જરાક તો વિચારો...

અ.ગુ.૧-૨-૩ : ધોળીયે વાત તો મુદ્દાની કરી.

અ.ગુ.૪ : તમને એમ કે આપણી જોડે રહીને એનુંય...

(એવામાં ‘આવ્યા, આવ્યા’ ને ઝિંદાબાદ-મુર્દાબાદના પોકાર સંભળાય છે.અ.ગુ.૧-૨-૩ પોતાની જગ્યાએ ઊભા ઊભા, આગળનાં નામ સાંભળ્યા વિના મોટેથી ઝિંદાબાદ અને મુર્દાબાદના નારા ઝીલે છે. નારાબાજી પતી ગયા પછી...)

અ.ગુ. ૫ : અલ્યા આ ઝિંદાબાદ તો હમજ્યા કે મોદીસાહેબ, પણ મુર્દાબાદ કોણ?

અ.ગુ.૩ : ચૂંટણી વખતે હું અહીંથી ફંડ લઇને ઇન્ડિયા ગયો હતોે. એટલે મને ખબર છે. મુર્દાબાદ એટલે કોંગ્રેસ...

અ.ગુ.૪ : પણ અહીં તો કોંગ્રેસનો અર્થ ‘સંસદ’ થાય છે..

અ.ગુ.૧-૨-૩ : દોઢડાહ્યો થયા વિના મૂંગો મર. અહીં નાગરિકશાસ્ત્ર શીખવા નથી આયા.

અ.ગુ.૩ : બોલો, ભારતમાતાકીઇઇઇઇઇઇ

અમેરિકન : જેયયય.

અ.ગુ.૧-૨-૩ : જોયું? જોયો સાહેબનો પ્રભાવ? આ ધોળીયો પણ ભારતમાતાની જય બોલતો થઇ ગયો.

અ.ગુ.૪ : (અમેરિકનને) ભાઇ, તમે કઇ ખુશીમાં આ જે બોલાવી?

અમેરિકન : હું ઇન્ડિયા ગયો ત્યારે આ શીખી લાવ્યો હતો. બહુ મઝા આવે બોલવામાં...એયયય...જેયયય...

અ.ગુ.૩ : બસ, ફક્ત મઝા આવે એટલે?

અમેરિકન : તમારે ત્યાં પણ એવું જ નથી? બાકી, જેયય બોલાવનારા તમારા બધા લોકો દેશમાં રહીને દેશ માટે કામ કરતા હોત તો ભારત અમેરિકા ન થઇ ગયું હોત? તમારે અહીં શું કરવા આવવું પડત?

(અ.ગુ.૧-૨-૩ સાંભળ્યું-ન સાંભળ્યું કરે છે.)

અ.ગુ.૪ : મેં એવી અફવા સાંભળેલી કે આ ફંક્શનમાં સીઆઇએના માણસો ફરે છે... જે ‘ભારતમાતાકી જય’ બોલે એમના અમેરિકન પાસપોર્ટ જપ્ત કરીને એમને ભારત ડીપોર્ટ કરી દેવાના છે.

અ.ગુ.૧-૨-૩ : રબ્બીશ. એમના બાપનું રાજ ચાલે છે? આ ઇન્ડિયા નથી. અહીં તો કાયદાકાનૂન હોય છે. ‘સૂ’ કરી દઇશું તો લટકી રહેશે સોલના ભાવમાં દીકરાઓ...

અમેરિકન : ઇન્ટરેસ્ટિંગ...કાયદાના રાજની વાત આવે ત્યારે તમે અમેરિકન થઇ જાવ છો અને જેયય બોલાવવાની આવે ત્યારે...

અ.ગુ.૩ : બસ ભઇ, માપમાં રહેજે. તને ખબર છે? આજે અમારા સાહેબનું લાઇવ ટેલીકાસ્ટ છે- ઇતિહાસમાં પહેલી વાર...

અમેરિકન : કેમ? તમારા વડાપ્રધાન ગીત ગાવાના છે? ગીટાર વગાડવાના છે? ધર્મપ્રવચન આપવાના છે? કે પછી આજે એડવાન્સમાં ન્યૂ યર મનાવી લેવાના છે?

અ.ગુ.૩ : (મનમાં) વાહ, શું આઇડીયા આપ્યો છે ધોળીયાએ.(મોટેથી, ‘સાંભળો, સાંભળો’ની અદામાં) હું કહું છું કે આપણે આજના દિવસથી અમેરિકામાં વસતા ભારતીયો માટે કે પછી કમ સે કમ, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે વિક્રમ સંવતની જેમ નવું કેલેન્ડર શરૂ કરવું જોઇએ : નરેન્દ્ર સંવત.  શું કહો છો?

અ.ગુ.૨ : આપણે સિક્કા તો પડાવી જ ચૂક્યા છીએ, હવે તેમના નામનો સંવત જાહેર કરી દઇએ...

અ.ગુ.૪ : અને એમને પગે પડીને વિનંતી કરીએ કે એ ભારતને રાજાશાહી જાહેર કરી દે, અમિતભાઇને તેમના પ્રધાન બનાવેે, ઓબામાને અંગુઠા પકડાવે, જિનપિંગને ઉઠબેસ કરાવે અને શક્ય હોય તો થોડા સમય પછી અમેરિકાનો વહીવટ પણ હાથમાં લઇ લે. આપણા જેવા કેટલા બધા લોકો એમની સાથે જ રહેવાના છે. બોલો, અમેરિકાના ભાવિ પ્રમુખ નરેન્દ્ર મોદીનીઇઇઇઇઇ...

અ.ગુ.૧-૨-૩ : બસ, વાંકું બોલવાની જરૂર નથી. એમાં ને એમાં જ દેશ અત્યાર સુધી પાછળ રહી ગયો.

અ.ગુ.૪ : તો અમેરિકાની પ્રજા કેવી રીતે આગળ આવી? આંખે પાટા બાંધીને નેતાઓની ભક્તિ કરીને ? (અમેરિકન તરફ જોઇને) પૂછો આને...

(અમેરિકન જતો રહ્યો હોય એવું લાગે છે. એટલે ચર્ચા અઘૂરી જ રહી જાય છે.)

Thursday, October 02, 2014

એક હતા ગાંધીજી

(ગુજરાત સમાચાર, તંત્રીલેખ-ગુરુવાર-૨-૧૦-૧૪)

ગાંધીજી એટલે કોણ? એવો સવાલ ગુજરાતમાં-ભારતમાં ભલે ન પૂછાય, પણ ‘ગાંધીજી એટલે કયા ગાંધીજી?’ એ સવાલ વઘુ ને વઘુ પ્રસ્તુત બનતો જાય છે. ગાંધીજી એટલે ચલણી નોટો પર જેમનું ચિત્ર છે તે? ગાંધીજી એટલે જેમની સમાધિ પર હારતોરા કરવાનું દેશી-વિદેશી શાસકો માટે ફરજિયાાત છે તે? ગાંધીજી એટલે મહાત્મા મંદિરવાળા? ગાંધીજી એટલે ‘રાષ્ટ્રવાદી હિંદુ’ઓ જેમની હત્યાથી રાજી થયા હતા અને પેંડા વહેંચવા સુધી ગયા હતા એ? ગાંધીજી એટલે મજબૂરીનું નહીં, દંભનું બીજું નામ? ગાંધીજી એટલે દેશવિદેશોમાં પૂતળું બનીને ખડા કરી દેવાયેલા બાવલાસ્વરૂપ રાષ્ટ્રપિતા? ગાંધીજી એટલે તેમની અને તેમના નામે ખડી થયેલી સંસ્થાઓ અને અઢળક સંપત્તિ? ગાંધીજી એટલે જેમના ચારિત્ર્યહનનની પ્રવૃત્તિ તેમના મૃત્યુના છ-સાડા છ દાયકા પછી પણ લોકોને નશાની ‘કીક’ આપે છે તે? ગાંધીજી એટલે આંબેડકરે જેમને પોતાના કટ્ટર વિરોધી ગણ્યા તે? કે પછી દલિતોના મુદ્દાને મુખ્ય ધારામાં આણવામાં જેમણે તનમનથી પ્રયાસ કર્યા તે? કે પછી આજથી જેમના નામનો વઘુ એક વાર દુરુપયોગ કરીને વડાપ્રધાને કહેવાતી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરી તે?

ગાંધીજીનું દુઃખ એ છે કે ભારતમાં, આટલા નજીકના ભૂતકાળમાં જન્મીને એમણે ખોટો દાખલો બેસાડી દીધો છે. ગાંધી-ગજ એટલો મોટો છે કે તેનાથી માપવા જતાં ભલભલા બની બેઠેલા મહાનુભાવો- નેતાઓ, કથાકારો, ચિંતકો ને ધાર્મિક નેતાઓ- વેંતિયા સાબીત થાય. વાક્ચાતુરી અને દેખાડાબાજીના પ્રકાશમાં ઝળહળતા ફીલગુડેશ્વરો ગાંધીના ગજે મપાતાં ઉઘાડા પડી જાય. ગાંધી પોતે પોતાના ગજ પર કંઇ દિવ્ય સ્વરૂપે પ્રગટ થતા નથી. તેમની પણ મર્યાદાઓ છે અને એ જ મર્યાદાઓ ગાંધી-ગજને અવાસ્તવિક કે આદર્શ નહીં, પણ વ્યવહારુ બનાવે છે. ‘જે તેમના સારુ શક્ય છે, તે આપણા સારુ કેમ નહીં?’ એવો વિચાર ગાંધીજીની મહાનતા કરતાં પણ વધારે તેમની મર્યાદાઓ જોયા પછી આવે છે.

ગાંધીના આ દુઃખનું મારણ રાજનેતાઓએ શોધી કાઢ્‌યું છે. ગાંધીને ભૂલીને ભારતનું રાજ તો કરી શકાય નહીં. સંઘ પરિવારે વર્ષો સુધી એ પ્રયાસ કર્યો અને હજુ પણ તેમને અંદરથી ગાંધી શત્રુ લાગે છે. હાલના વડાપ્રધાને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શરૂઆતનાં થોડાં વર્ષ ગાંધીની લીટી નાની કરીને સરદારની લીટી મોટી કરવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરી જોયો. પણ પછી તેમને લાગ્યું હશે કે ભારતમાં આગળ વધવું હશે તો મને-કમને ગાંધીને સાથે રાખવા પડશે- ભલે તેમનું ‘આઘુનિકીકરણ’ (એટલે કે વિકૃતિકરણ) કરીએ, પણ સમ ખાવા પૂરતા ગાંધી તો સાથે હોવા જોઇએ. તેમની આ નીતિના પરિણામે ગુજરાતમાં કશી લાજશરમ વગર ‘મહાત્મા મંદિર’ના નામે મહાત્માને શરમાવે એવું ભવ્ય ભવન બન્યું, જેમાં થતી પ્રવૃત્તિઓ સાથે મહાત્મા ગાંધીને કોઇ જાતનો સંબંધ ન હોઇ શકે. હવે આંતરરાષ્ટ્રિય મહેમાનો અને મુલાકાતો વખતે પણ ગાંધીજીનાં મૂલ્યો માટે નહીં, પણ પોતાની ભારતીયતા બતાવવા માટે જખ મારીને ગાંધીજીનો ઉપયોગ કરવો પડે છે. પણ સ્ટેચ્યુ ઑફ યુનિટીની ફિલ્મમાં સરદારના જીવનની વાતમાં ગાંધીનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં ન આવે. સાથોસાથ, ગાંધીના જન્મદિને  ‘તેમને સ્વચ્છતા બહુ વહાલી હતી’ એમ કહીને સ્વચ્છતાઝુંબેશનું એલાન કરવામાં આવે, એવો દંભ હવે કોઠે પડી ગયો છે.

ગાંધીજીને સ્વચ્છતા બહુ વહાલી હતી, એવું વડાપ્રધાનનું અર્થઘટન ખોટું નથી, પણ ગાંધીજીને સ્વચ્છતા કરતાં અનેક ગણી વધારે વહાલી બીજી ઘણી બાબતો હતી. એ વડાપ્રધાનને વહાલી નથી અને અત્યારે સત્તા ગાંધીજી પાસે નહીં, વડાપ્રધાન પાસે છે. ગાંધી તો બિચારા વિરોધ કરવા માટે જીવીત પણ નથી- અને તેમના ઘણાખરા અનુયાયીઓ ગાંધીના એકાંગી કે ખંડદર્શનમાં કેદ છે. સંઘર્ષ અને રચના, આંદોલન અને સમાજલક્ષી કાર્ય, અન્યાયી સત્તાધીશોનો વિરોધ અને અહિંસા- આ સંયોજનોમાંથી મનગમતો મુદ્દો ઉપાડીને તેને ગાંધીનું આવરણ વીંટાળીને બજારમાં મૂકી દેવો, એ ગાંધીના વેપારની જૂની અને જાણીતી  રીત છે. પણ નેતાઓની જેમ ભારતના લોકો પણ તેનાથી એટલા ટેવાઇ ગયેલા છે કે ગાંધીના નામે જે થાય તેમાં કોઇને કશું અજૂગતું લાગતું નથી - અથવા લાગે છે તો પણ એ વિરોધની કશી અસર નીપજતી નથી.

ગાંધીને નીચા પાડવાના અનેક પ્રયાસોનો દાગ એ ગાંધીજીના નામે ઉજવણાં કરવાથી ધોઇ શકાય? ખબર નથી. ભારતના વર્તમાન રાજકારણ-સમાજકારણમાં આ બાબતનો કોઇ દાગ હોય કે કેમ એ પણ સવાલ. છતાં, ગાંધીના નામે ઓલરેડી એટલાં પાપ થઇ ચૂક્યાં છે કે હવે નવા તમાશા નહીં થાય તો ચાલશે. ગાંધીને તેમના સાચા અર્ક સાથે જીવતા ન રાખી શકાય તે સમજ્યા, પણ તેમની સ્મૃતિ અને તેમના સિદ્ધાંતોનું ગેરરસ્તે દોરનારું ચિત્ર નવી પેઢી સામે આવે, એવી રીતે  તેમને રજૂ કરવાનું ટાળી ન શકાય?

- કે પછી કોંગ્રેસે એ ધંધો કર્યો, તો અમે પણ શા માટે બાકી રહીએ, એવું નવી સરકાર માને છે?  

Wednesday, October 01, 2014

સ્વચ્છતા, સફાઇકામ, સરકાર અને સમાજ

ભારતના વડાપ્રધાન જાહેર કર્યું કે બીજી ઑક્ટોબર, ૨૦૧૪થી તે ‘સ્વચ્છ ભારત મિશન’નો આરંભ કરશે. એ જાણીને પહેલાં તો એવું લાગ્યું કે તે ‘સ્વચ્છ’ એટલે કે ‘ભ્રષ્ટાચારમુક્ત’ ભારતની વાત કરી રહ્યા છે. કારણ કે ચૂંટણી પહેલાં ‘સ્વચ્છતા’ની તેમની સમજણ એ હતી. ચૂંટણી પછી વડાપ્રધાને કોંગ્રેસી સ્ટાઇલમાં કાળા ધન વિશે એક સમિતિ નીમી દીધી એટલે કામ પત્યું. હવે જ્યારે પણ કોઇ પૂછે કે ‘વિદેશમાં જમા થયેલું કાળું નાણું સો દિવસમાં પાછું લાવવાના તમારા વાયદાનું શું થયું?’ ત્યારે પેલી સમિતિને આગળ ધરી દેવાય છે.

બીજી ઑક્ટોબરથી વડાપ્રધાન જે સ્વચ્છતાઝુંબેશની વાત કરે છે, એ બાહ્ય બાબત છે. વડાપ્રધાનની વેબસાઇટ પર મુકાયેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી. ૨૦૧૯માં આપણે મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતિ ઉજવીએ ત્યારે ‘સ્વચ્છ ભારત’ એ ગાંધીજીને આપણી શ્રેષ્ઠ અંજલિ હોઇ શકે.’

કોઇ પણ રાજકારણી ગાંધીજીની વાત કરે ત્યારે ચેતવું. દાયકાઓથી મહાત્મા ગાંધીના નામે રાજકીય નેતાગીરીએ કંઇક સગવડીયાં સત્યો અને જૂઠાણાં ચલાવ્યાં છે. ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી’ એવી માહિતી વડાપ્રધાને આપી છે, એ બદલ એમનો આભાર. પણ ગાંધીજીનો સ્વચ્છતાનો ખ્યાલ, ‘કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી’ પ્રકારનો- પ્રતીક સફાઇ કરીને, ફોટા પડાવીને કંઇક કર્યાનો ત્વરિત સંતોષ મેળવી લેવાનો ન હતો, એ વડાપ્રધાનને અને તેમના ઝુંબેશસાથીઓને યાદ કરાવવું રહ્યું.

ગાંધીજીને જે સ્વચ્છતા વહાલી હતી એ કંઇક આ રીતે સમજી શકાય : (૧) આરોગ્ય સાથે અને રોજિંદા જીવનને લગતી ટેવો સાથે સંકળાયેલી બાહ્ય સ્વચ્છતા (૨) નાગરિકધર્મ (સિવિક સેન્સ)ના ભાગ જેવી, આસપાસના વાતાવરણને કૂડાકચરામુક્ત રાખવાની ચોખ્ખાઇ (૩) પોતે કરેલી ગંદકીને સાફ કરવાની, શૌચાલય વગેરેની સફાઇ (૪)  હિંદુ ધર્મની વર્ણપ્રથાનો ભોગ બનેલા દલિતોને માથે ઠોકી બેસાડાયેલી, બીજાની ગંદકી સાફ કરવાની અમાનવીય કામગીરી, તેની સાથે સંકળાયેલું અસ્પૃશ્યતાનું મહાકલંક અને તેને મીટાવવાની આત્મશુદ્ધિ. બીજા શબ્દોમાં કહીએ તો, દલિતોને મળસફાઇના કામમાંથી મુક્ત કરવા માટે એ સફાઇ દરેકે પોતે કરવી અને બાકીના સફાઇકામનું યથાયોગ્ય ગૌરવ કરવું, જેથી સુથારીકામ-લુહારીકામથી માંડીને લેખન-પ્રવચન જેવી અનેક કામગીરીઓની જેમ સફાઇકામ પણ એક જ્ઞાતિનિરપેક્ષ અને સામાજિક કલંક વગરનું કામ બની રહે.

વડાપ્રધાને કહ્યું છે કે ગાંધીજીએ ભારતના ‘સ્વરાજ’ માટે જીવન સમર્પીત કરી દીઘું. એ સાચું છે, પણ વધારે સાચું એ છે કે ગાંધીજીએ ભારત કરતાં પણ વધારે ભારતીયોના ‘સ્વરાજ’ માટે - સ્વરાજના રાજકીય નહીં, પણ સામાજિક ખ્યાલ માટે- જીવન ખર્ચી નાખ્યું. એવું ‘સ્વ-રાજ’ જેમાં કોમવાદનું કે જ્ઞાતિના ભેદભાવનું કે અસ્પૃશ્યતાનું કે શરીરબળનું કે સરકારી ભપકાબાજીનું નહીં, પણ વ્યક્તિનું પોતાનું રાજ હોય. વ્યક્તિ સ્વાશ્રયથી ટકી શકે અને સ્વમાનથી જીવી શકે, એ ગાંધીજીનો સ્વરાજનો ખ્યાલ હતો. એ ખ્યાલ તેમણે જીવનભર સેવ્યો અને કોમવાદ-જ્ઞાતિવાદ વગરના ‘સ્વરાજ’ના ખ્યાલ માટે તો તેમણે જીવ પણ ગુમાવવો પડ્યો.

અલગ પાકિસ્તાનનો પ્રશ્ન ઉદ્‌ભવ્યો ન હતો ત્યારે, છેક ત્રીસના દાયકામાં અસ્પૃશ્યતારહિત, સ્વચ્છ ભારતના મિશન સાથે નીકળેલા ગાંધીજીની મોટર પર પૂનામાં હિંદુ મહાસભાના લોકોએ બોમ્બ ફેંક્યો હતો. હિંદુત્વનું ગૌરવ કરનારા રૂઢિચુસ્તોને અસ્પૃશ્યતા સામે ગાંધીજીની ઝુંબેશ હિંદુત્વના અપમાન જેવી લાગતી હતી. (એક આડવાત : નવરાત્રિમાં મુસ્લિમ યુવકોને ગરબામાં પ્રવેશ ન આપવો જોઇએ, એવા ફતવા કાઢવાની કોશિશ કરનાર વિશ્વ હિંદુ પરિષદ- બજરંગદળના નેતાઓને ગુજરાતમાં ઘણી જગ્યાએ દલિતોને ગરબામાં પ્રવેશ મળતો નથી એ વિશે કંઇ કહેવાનું નથી? દલિતોને ગરબામાં પ્રવેશ અપાવવા માટે- તેમની સાથે સ્વાભાવિક-સમાન વ્યવહાર માટે કોઇ ‘જેહાદ’ ચલાવવાની નથી?)

ભારતને જ્ઞાતિવાદના કલંકમાંથી સ્વચ્છ કરવા નીકળેલા ગાંધીજીની કાર પર બોમ્બ પડ્યો (નસીબજોગે તે બીજી મોટરમાં બેઠા હોવાથી બચી ગયા) અને દેશને કોમવાદના ધબ્બામાંથી મુક્ત કરવા નીકળેલા ગાંધીજીની ‘હિંદુ રાષ્ટ્રવાદીઓ’એ હત્યા કરી નાખી.

આ બન્ને દાખલા એટલા માટે ટાંક્યા છે કે જેથી ‘સ્વચ્છતા ગાંધીજીને બહુ વહાલી હતી’ એવી બાળબોધી સમજણથી કોઇ ગેરરસ્તે ન દોરવાય અને ગાંધીજીના સ્વચ્છતાના ખ્યાલને, ઝાડુ પકડીને ફોટા પડાવનારા શો-બાજ લોકોની હરોળમાં ન મૂકી દે.  

સફાઇ એટલે?

ગાંધીજીના નામે, તેમની જન્મજયંતિએ શરૂ થતી સ્વચ્છતાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં વડાપ્રધાને સૌને અઠવાડિયે બે કલાક સ્વચ્છતા માટે ફાળવવા અપીલ કરી છે. બાહ્ય સફાઇનું કામ આવકાર્ય જ છે. તેને બિરદાવવાનું જ હોય. વડાપ્રધાને કહ્યું છે કે હું પોતે પણ ઝાડુ લઇને નીકળીશ. તેમણે રાજકીય-ધાર્મિક- કોર્પોરેટ જગતના અગ્રણીઓને અને મેયરોથી માંડીને સરપંચોને ખાસ અપીલ કરી છે. એટલે એ લોકો કંઇ નહીં તો વડાપ્રધાનની ‘ગુડ બુક’માં દેખાવા માટે પણ હાથમાં ઝાડુ ધારણ કરશે અને સફાઇ કરીને, પોતે કરેલા સફાઇકામનું યથાયોગ્ય દસ્તાવેજીકરણ કરીને જાહેર માઘ્યમો સુધી પહોંચાડવા પ્રયાસ કરશે.

વડાપ્રધાનની ઝુંબેશને સમર્થન આપવા માગતા સૌને અને વડાપ્રધાનને હાથમાં ઝાડુ પકડવાની તૈયારી દેખાડવા બદલ આગોતરાં અભિનંદન સાથે એક મહત્ત્વનું સૂચન : તમે ખરેખર ગાંધીજીને યાદ કરવા ઇચ્છતા હો, તેમને અંજલિ આપવા ઇચ્છતા હો, નકરી શો-બાજીને બદલે હૃદયપૂર્વક સ્વચ્છતાઝુંબેશ ઉપાડવા ઇચ્છતા હો, તો ઝાડુ લઇને સડક પર કે ઓફિસના કમ્પાઉન્ડમાં કચરો વાળવા બેસી ન જતા. તમે કરેલી સફાઇ પણ તમારા અને તમે ઉપાડેલા કામના મોભાને અનુરૂપ હોવી જોઇએ.

વડાપ્રધાને અને તેમની ઝુંબેશમાં જોડાવા તથા જોડાયેલા દેખાવા આતુર સૌ કોઇએ બીજી ઑક્ટોબરે ઝાડુ હાથમાં પકડવું જ ન જોઇએ. એને બદલે તેમણે જાહેર રસ્તા પર પડેલો કચરો સફાઇ કામદારો જે રીતે પૂંઠાના તૂટેલા ટુકડાથી ઉપાડીને હાથલારીમાં નાખે છે તથા કચરો વાળ્યા પછી, ત્રાસ ઉપજાવે એવી કીચુડાટી બોલાવતી એ લારી લઇને તે આખા વિસ્તારમાં ફરી વળે છે, એ કામનું અનુકરણ કરવું જોઇએ. વડાપ્રધાને, કોર્પોરેટ જગતના અગ્રણીઓએ, રાજકીય હોદ્દેદારોએ, ધર્મગુરુઓએ તે દિવસે બે કલાક નહીં, ફક્ત પંદર મિનીટ માટે પાણીની સુવિધા વગરનાં જાહેર શૌચાલયોની સફાઇ કરવી જોઇએ. એ માટે  સફાઇ કામદારને મળે છે એવી પાણીની ધોધ ફેંકતી પાઇપ વાપરવાની છૂટ. મોઢે રૂમાલ બાંધવાની - અને ગંધ સહન ન થાય તો દેશી દારૂ પીવાની પણ- છૂટ. હા, શરત એટલી કે તમારા પહોંચતાં પહેલાં તમારા માણસોએ અગાઉથી એ જગ્યા સાફ કરી નાખેલી ન હોવી જોઇએ.

વડાપ્રધાન સાચું જ કહે છે. હવે આપણે ભારતને ક્યાં સુધી ગંદું રાખીશું? જેને જાહેર શૌચાલયોવાળું કામ ન કરવું હોય તેમના માટે બીજાં પણ કામ છે : ઝાડુ લઇને રસ્તા પરનો સૂકો કચરો વાળવાને બદલે, રોજિંદી સફાઇના ભાગરૂપે સફાઇ કામદારને એકઠાં કરવાં પડતાં પશુઓનાં મળમૂત્ર સાફ કરવાં, લોકોએ ફેંકેલા એંઠવાડ ને એવો ભીનો કચરો સાફ કરવો, રસ્તા પર મરેલા પશુઓના મૃતદેહ ઢસડીને ગાડીમાં નાખવા...

મનોમન નાક પર રૂમાલ દાબી દેવાની જરૂર નથી. આ બઘું સફાઇનું અને સ્વચ્છતાનું જ કામ છે, જે સેંકડો ભારતીયો (દલિતો) રોજેરોજ કરે છે અને એ કરવા બદલ મામુલી વળતર મેળવે છે. હજુ વધારે તીવ્રતાથી ભારતને સ્વચ્છ બનાવવા ઇચ્છતા આગેવાનો માટે ગટરસફાઇનું કામ તો બાકી જ છે, જે કરવા જતાં દર વર્ષે અનેક દલિતો અકાળે મૃત્યુ પામે છે. બીજી ઑક્ટોબરના દિવસે વડાપ્રધાન ગટરસફાઇ કરનારની જેમ, ચડ્ડીભેર એકાદ ગટરની સફાઇ માટે અડધી મિનીટની ડૂબકી લગાવે તો કેવું? તેમના પગલે બીજા અનેકને અગ્રણીઓને આ કામ કરવાની પ્રેરણા મળશે.

વડાપ્રધાને તો ફક્ત પહેલ જ કરવાની. એ બિઝી માણસ છે. એમને દેશ ચલાવવાનો છે. એટલે પછીનાં દરેક અઠવાડિયે  ધાર્મિક-સામાજિક-કોર્પોરેટ-વહીવટી અગ્રણીઓ વારાફરતી વડાપ્રધાનના ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત સફાઇ માટે ગટરમાં ઉતરે. કડકાઇથી કામ લેનાર તરીકેની છબી ધરાવતા વડાપ્રધાન આ કામ બરાબર કરાવે તો ખાતરીપૂર્વક કહી શકાય કે થોડા સમયમાં જ ગટરસફાઇ માટે દલિતોને ગટરમાં ઉતારવાની હિંસક-અમાનવીય કામગીરી બંધ થઇ જાય અને તેના સ્થાને સર્વત્ર મશીનોથી ગટરસફાઇ થવા લાગે. વડાપ્રધાન ઇચ્છે તો મશીનથી ગટરસફાઇનું કામ, દલિતોની અનામત સામે ભારે વાંધો ધરાવતા બિનદલિતો માટે અનામત રાખી શકે.

હજારો કરોડ રૂપિયાનું સરદાર પટેલનું પૂતળું બનાવનાર વડાપ્રધાન તેનાથી ઘણા ઓછા ખર્ચે આખા દેશમાં ગટરસફાઇનું કામ મશીનથી  કરાવવા લાગે અને એ કામમાંથી દલિતોને મુક્ત કરી નાખે, તો તેમના સ્વચ્છ ભારત મિશનનો જયજયકાર થઇ જાય. વડાપ્રધાન હજુ નવા છે, એટલે તેમની પાસેથી આવી આશા  રાખવાનું મન થાય. એ જુદી વાત છે કે ‘સ્વચ્છ ભારત મિશન’ના તેમના આખા નિવેદનમાં  સફાઇ કામદારોનો ઉલ્લેખ સુદ્ધાં નથી. તેમની સાથે થતા અસમાનતાભર્યા, અમાનવીય વ્યવહાર અને તેની નાબૂદી તો દૂરની વાત થઇ. વડાપ્રધાનનો સ્વચ્છતાનો ખ્યાલ એકદમ કોર્પોરેટ હોય એવું લાગે છે. તેમને એટલું જ સમજાવું જોઇએ કે મશીનથી અને બિનદલિતો દ્વારા ગટરસફાઇ થાય, એ પણ કોર્પોરેટ કલ્ચરનો જ હિસ્સો છે.

સ્વચ્છ ભારત મિશનમાં કશું કામ ન થાય ને આટલી સમજ વિકસે તો પણ ઘણું.