Friday, October 03, 2014

મેડીસન સ્ક્વેર ગાર્ડન્સથી લાઇવ

અમેરિકા ગયા વિના, હાસ્યકારસહજ ‘સંજયદૃષ્ટિ’થી લખાયેલો વડાપ્રધાનના મેડીસન સ્ક્વેર ગાર્ડન્સ મેળાવડાનો કાલ્પનિક ‘જીવંત’ અહેવાલ.
***
વડાપ્રધાનના માનમાં યોજાનારા ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે ભારતીયો જમા થયા છે. તેમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં છે. કાર્યક્રમ શરૂ થવાની થોડી વાર છે, પરંતુ મોટા ભાગના લોકો સ્ટેજ તરફ નહીં, આકાશ તરફ ડોકાં તાણીને ઊભા છે. કેટલાક લોકો એકબીજા સાથે વાત કરીને સ્વસ્થ દેખાવા પ્રયાસ કરે છે, પણ વચ્ચે વચ્ચે આકાશ ભણી નજર નાખી લે છે. ભારત પ્રત્યે લાગણી ધરાવતો એક અમેરિકન પણ સમારંભમાં આવ્યો છે. તે એક જૂથ નજીક પહોંચે છે. ત્યાં ચર્ચા ચાલી રહી છે.

અમેરિકન ગુજરાતી ૧ (પૂર્વ દિશાના આકાશમાં જોતાં જોતાં) : હું તમને ગેરન્ટીથી કહું છું, આ બાજુથી આવશે.

અ.ગુ.૨ : (પશ્ચિમ આકાશ પરથી નજર હટાવ્યા વિના) : સવ્વાલ જ નથી. આ બાજુથી જ આવે.

અ.ગુ.૩ : તમે લોકો અમેરિકામાં રહીને અભડાઇ ગયા...

અ.ગુ.૧ (ગીન્નાઇને) : અલ્યા, ગ્રીનકાર્ડ માટે અંડાગંડા તો તું કરતો હતો ને અભડાઇ ગયા અમે?

અ.ગુ.૩ : શાંત, ગ્રીનકાર્ડધારી ભીમ, શાંત. હું સંસ્કૃતિની વાત કરું છું. તમને આપણી સંસ્કૃતિનું ભાન હોત તો તમે પણ મારી જેમ ઉત્તર દિશાના આકાશમાંથી તેજપુંજ પ્રગટવાની રાહ જોઇને ઊભા હોત.

અમેરિકન : તમે લોકો આમ ડોકાં તાણીને શાની રાહ જુઓ છો? તમારા વડાપ્રધાનના વિમાનની?

અ.ગુ.૩ (અમેરિકનને ન સંભળાય એવા અવાજમાં) : આ ધોળિયા અક્કલબુઠ્ઠા જ રહ્યા. એને એમ છે કે આપણે વિમાન ભાળ્યું નથી. (મોટેથી જવાબ આપતાં) ના ભાઇ ના. અમારા વડાપ્રધાનને તમે ઓળખતા નથી. એ પોતે જ ઊડીને આવી શકતા હોય ત્યાં વિમાનનું શું કામ?

અમેરિકન : એટલે?

અ.ગુ.૧-૨-૩ : એટલે એમ કે અમારા વડાપ્રધાન કંઇ અમેરિકાના રાષ્ટ્રપતિ નથી કે વિમાનમાં ઉડીને જાય. એ તો સુપરમેન છે, સુપરમેન...જાતે જ ઉડીને આવે - નવરાત્રિના ઉપવાસ હોય ત્યારે તો  બળતણ પણ ન જોઇએ. હમજ્યા?

અમેરિકન : નો.

અ.ગુ.૧ : (મનમાં) ‘મારો બેટો ગુજરાતી ઝીંકે છે.’ (મોટેથી) નો હમજ્યા?

અમેરિકન : હું એમ કહું છું કે સુપરમેન કંઇ ફંક્શનમાં કે ફિલમ જોવા જાય તો ઉડતો ઉડતો ન જાય. એ તો કંઇક અરજન્સી જેવું હોય, કોઇને બચાવવાનો હોય તો જ...જરાક તો વિચારો...

અ.ગુ.૧-૨-૩ : ધોળીયે વાત તો મુદ્દાની કરી.

અ.ગુ.૪ : તમને એમ કે આપણી જોડે રહીને એનુંય...

(એવામાં ‘આવ્યા, આવ્યા’ ને ઝિંદાબાદ-મુર્દાબાદના પોકાર સંભળાય છે.અ.ગુ.૧-૨-૩ પોતાની જગ્યાએ ઊભા ઊભા, આગળનાં નામ સાંભળ્યા વિના મોટેથી ઝિંદાબાદ અને મુર્દાબાદના નારા ઝીલે છે. નારાબાજી પતી ગયા પછી...)

અ.ગુ. ૫ : અલ્યા આ ઝિંદાબાદ તો હમજ્યા કે મોદીસાહેબ, પણ મુર્દાબાદ કોણ?

અ.ગુ.૩ : ચૂંટણી વખતે હું અહીંથી ફંડ લઇને ઇન્ડિયા ગયો હતોે. એટલે મને ખબર છે. મુર્દાબાદ એટલે કોંગ્રેસ...

અ.ગુ.૪ : પણ અહીં તો કોંગ્રેસનો અર્થ ‘સંસદ’ થાય છે..

અ.ગુ.૧-૨-૩ : દોઢડાહ્યો થયા વિના મૂંગો મર. અહીં નાગરિકશાસ્ત્ર શીખવા નથી આયા.

અ.ગુ.૩ : બોલો, ભારતમાતાકીઇઇઇઇઇઇ

અમેરિકન : જેયયય.

અ.ગુ.૧-૨-૩ : જોયું? જોયો સાહેબનો પ્રભાવ? આ ધોળીયો પણ ભારતમાતાની જય બોલતો થઇ ગયો.

અ.ગુ.૪ : (અમેરિકનને) ભાઇ, તમે કઇ ખુશીમાં આ જે બોલાવી?

અમેરિકન : હું ઇન્ડિયા ગયો ત્યારે આ શીખી લાવ્યો હતો. બહુ મઝા આવે બોલવામાં...એયયય...જેયયય...

અ.ગુ.૩ : બસ, ફક્ત મઝા આવે એટલે?

અમેરિકન : તમારે ત્યાં પણ એવું જ નથી? બાકી, જેયય બોલાવનારા તમારા બધા લોકો દેશમાં રહીને દેશ માટે કામ કરતા હોત તો ભારત અમેરિકા ન થઇ ગયું હોત? તમારે અહીં શું કરવા આવવું પડત?

(અ.ગુ.૧-૨-૩ સાંભળ્યું-ન સાંભળ્યું કરે છે.)

અ.ગુ.૪ : મેં એવી અફવા સાંભળેલી કે આ ફંક્શનમાં સીઆઇએના માણસો ફરે છે... જે ‘ભારતમાતાકી જય’ બોલે એમના અમેરિકન પાસપોર્ટ જપ્ત કરીને એમને ભારત ડીપોર્ટ કરી દેવાના છે.

અ.ગુ.૧-૨-૩ : રબ્બીશ. એમના બાપનું રાજ ચાલે છે? આ ઇન્ડિયા નથી. અહીં તો કાયદાકાનૂન હોય છે. ‘સૂ’ કરી દઇશું તો લટકી રહેશે સોલના ભાવમાં દીકરાઓ...

અમેરિકન : ઇન્ટરેસ્ટિંગ...કાયદાના રાજની વાત આવે ત્યારે તમે અમેરિકન થઇ જાવ છો અને જેયય બોલાવવાની આવે ત્યારે...

અ.ગુ.૩ : બસ ભઇ, માપમાં રહેજે. તને ખબર છે? આજે અમારા સાહેબનું લાઇવ ટેલીકાસ્ટ છે- ઇતિહાસમાં પહેલી વાર...

અમેરિકન : કેમ? તમારા વડાપ્રધાન ગીત ગાવાના છે? ગીટાર વગાડવાના છે? ધર્મપ્રવચન આપવાના છે? કે પછી આજે એડવાન્સમાં ન્યૂ યર મનાવી લેવાના છે?

અ.ગુ.૩ : (મનમાં) વાહ, શું આઇડીયા આપ્યો છે ધોળીયાએ.(મોટેથી, ‘સાંભળો, સાંભળો’ની અદામાં) હું કહું છું કે આપણે આજના દિવસથી અમેરિકામાં વસતા ભારતીયો માટે કે પછી કમ સે કમ, અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે વિક્રમ સંવતની જેમ નવું કેલેન્ડર શરૂ કરવું જોઇએ : નરેન્દ્ર સંવત.  શું કહો છો?

અ.ગુ.૨ : આપણે સિક્કા તો પડાવી જ ચૂક્યા છીએ, હવે તેમના નામનો સંવત જાહેર કરી દઇએ...

અ.ગુ.૪ : અને એમને પગે પડીને વિનંતી કરીએ કે એ ભારતને રાજાશાહી જાહેર કરી દે, અમિતભાઇને તેમના પ્રધાન બનાવેે, ઓબામાને અંગુઠા પકડાવે, જિનપિંગને ઉઠબેસ કરાવે અને શક્ય હોય તો થોડા સમય પછી અમેરિકાનો વહીવટ પણ હાથમાં લઇ લે. આપણા જેવા કેટલા બધા લોકો એમની સાથે જ રહેવાના છે. બોલો, અમેરિકાના ભાવિ પ્રમુખ નરેન્દ્ર મોદીનીઇઇઇઇઇ...

અ.ગુ.૧-૨-૩ : બસ, વાંકું બોલવાની જરૂર નથી. એમાં ને એમાં જ દેશ અત્યાર સુધી પાછળ રહી ગયો.

અ.ગુ.૪ : તો અમેરિકાની પ્રજા કેવી રીતે આગળ આવી? આંખે પાટા બાંધીને નેતાઓની ભક્તિ કરીને ? (અમેરિકન તરફ જોઇને) પૂછો આને...

(અમેરિકન જતો રહ્યો હોય એવું લાગે છે. એટલે ચર્ચા અઘૂરી જ રહી જાય છે.)

4 comments:

  1. મને તો આમાંનું કંઈ કલ્પનાથી લખેલું હોય તેવું ના લાગ્યું, ત્યાં હાજર રહેલા હજુરીયાઓની વાસ્તવિકતા હોય એવું લાગ્યું. મારા સગા માસાજી (મારી પત્નીની માસી ના પતિ) મારા અંગુઠા પકડાવવા માટે MSGમાં ગયા પછી મને પહેલીવાર ફેસબુક પર લખ્યું કે "મોદી ના ગમતા હોય તો ભારત ના જાતા" - મેં એમને જો કે પ્રમાણમાં પ્રેમ થી જવાબ આપ્યો કે સારું મુરબ્બી, કદાચ જ ભારત જઈશ પણ આપને હેરાન કરવા અમેરિકા તો નહીંજ આવું - ભારત પણ મારા માતા-પિતા જીવે છે અને રહે છે તે - અને કેટલીક ખાસ લાગણીઓ, મારો-પોતાનો-દેશ એવી ધારણા અને એને માટે મેં મારી ધીકતી વકીલાત છોડીને એક સારો ન્યાયાધીશ બની શકું તે માટે ન્યાયતંત્ર માં જોડાયેલા. એ જુદી વાત છે કે ન્યાયતંત્ર અંદરથી ઉધઈ-ગ્રસ્ત, બોદું, પાંગળું અને નિર્માલ્ય છે એવું પ્રતીત થયેલું અને પછી મોદી-સાહેબની એ વખતની સરકાર એવું ઈચ્છતી હતી કે અમે બધા "નૃત્ય કરીએ" - "શોલે" ફિલ્મમાં "બસંતી નાચો" કહે છે ગબ્બર-ભાઈ અને બસંતી કરે છે તેમ .... હવે મારા ગાલ હેમાબહેન (માલિની) ના ગાલ જેવા નહિ - અને મને નાચતા આવડેલું નહિ, તે નોકરી છોડી દીધી - અને નાચ્યા નહિ - તે પછી વિચાર્યું કે મારી તો હવે લગભગ પૂરી થઇ પણ ૧૦ વરસની દીકરી ને તો એવો દેશ આપું કે આ પ્રકારના દ્વેષો અને પૂર્વગ્રહોથી મુક્ત જીંદગી જીવી શકે - તે પછી મને-કમને દેશ પણ ત્યજ્યો - દેશપ્રેમ અને દેશભક્તિ નથી ત્યજી શકાતી અને ઘણાં ગાળો પણ દે છે અને ગાંડો પણ કહે છે - પણ હવે મારે આ ઉંમરે ગાંડો શું કે ડાહ્યો શું? એક તીક્ષ્ણ વાસ્તવિકતા લખવા માટે આભાર ઉર્વીશભાઈ. લખતા રહેજો - કદાચ હજીયે આશા છે! કદાચ....

    ReplyDelete
    Replies
    1. Shri Himanshubhai, I can't express but very glad knowing and reading your words that still people with some 'ideology' are living in this hype else all you can see are with black ribbon on their eyes. You truly said, knowing about people like us gives feeling like that કદાચ હજીયે આશા છે!

      Delete
  2. આમાં હાસ્ય જેવું કઈ આવ્યું નહિ.,.... બાકી બધું રાબેતા મુજબ છે

    ReplyDelete
  3. Anonymous1:30:00 AM

    Himansubhai aekdm sachi vat kri aape. Gujarati ma URVISHBHAI jevu ane jetlu sachu ane spsht koi lkhtu nhi!!!

    ReplyDelete