Thursday, October 02, 2014

એક હતા ગાંધીજી

(ગુજરાત સમાચાર, તંત્રીલેખ-ગુરુવાર-૨-૧૦-૧૪)

ગાંધીજી એટલે કોણ? એવો સવાલ ગુજરાતમાં-ભારતમાં ભલે ન પૂછાય, પણ ‘ગાંધીજી એટલે કયા ગાંધીજી?’ એ સવાલ વઘુ ને વઘુ પ્રસ્તુત બનતો જાય છે. ગાંધીજી એટલે ચલણી નોટો પર જેમનું ચિત્ર છે તે? ગાંધીજી એટલે જેમની સમાધિ પર હારતોરા કરવાનું દેશી-વિદેશી શાસકો માટે ફરજિયાાત છે તે? ગાંધીજી એટલે મહાત્મા મંદિરવાળા? ગાંધીજી એટલે ‘રાષ્ટ્રવાદી હિંદુ’ઓ જેમની હત્યાથી રાજી થયા હતા અને પેંડા વહેંચવા સુધી ગયા હતા એ? ગાંધીજી એટલે મજબૂરીનું નહીં, દંભનું બીજું નામ? ગાંધીજી એટલે દેશવિદેશોમાં પૂતળું બનીને ખડા કરી દેવાયેલા બાવલાસ્વરૂપ રાષ્ટ્રપિતા? ગાંધીજી એટલે તેમની અને તેમના નામે ખડી થયેલી સંસ્થાઓ અને અઢળક સંપત્તિ? ગાંધીજી એટલે જેમના ચારિત્ર્યહનનની પ્રવૃત્તિ તેમના મૃત્યુના છ-સાડા છ દાયકા પછી પણ લોકોને નશાની ‘કીક’ આપે છે તે? ગાંધીજી એટલે આંબેડકરે જેમને પોતાના કટ્ટર વિરોધી ગણ્યા તે? કે પછી દલિતોના મુદ્દાને મુખ્ય ધારામાં આણવામાં જેમણે તનમનથી પ્રયાસ કર્યા તે? કે પછી આજથી જેમના નામનો વઘુ એક વાર દુરુપયોગ કરીને વડાપ્રધાને કહેવાતી સ્વચ્છતા ઝુંબેશની શરૂઆત કરી તે?

ગાંધીજીનું દુઃખ એ છે કે ભારતમાં, આટલા નજીકના ભૂતકાળમાં જન્મીને એમણે ખોટો દાખલો બેસાડી દીધો છે. ગાંધી-ગજ એટલો મોટો છે કે તેનાથી માપવા જતાં ભલભલા બની બેઠેલા મહાનુભાવો- નેતાઓ, કથાકારો, ચિંતકો ને ધાર્મિક નેતાઓ- વેંતિયા સાબીત થાય. વાક્ચાતુરી અને દેખાડાબાજીના પ્રકાશમાં ઝળહળતા ફીલગુડેશ્વરો ગાંધીના ગજે મપાતાં ઉઘાડા પડી જાય. ગાંધી પોતે પોતાના ગજ પર કંઇ દિવ્ય સ્વરૂપે પ્રગટ થતા નથી. તેમની પણ મર્યાદાઓ છે અને એ જ મર્યાદાઓ ગાંધી-ગજને અવાસ્તવિક કે આદર્શ નહીં, પણ વ્યવહારુ બનાવે છે. ‘જે તેમના સારુ શક્ય છે, તે આપણા સારુ કેમ નહીં?’ એવો વિચાર ગાંધીજીની મહાનતા કરતાં પણ વધારે તેમની મર્યાદાઓ જોયા પછી આવે છે.

ગાંધીના આ દુઃખનું મારણ રાજનેતાઓએ શોધી કાઢ્‌યું છે. ગાંધીને ભૂલીને ભારતનું રાજ તો કરી શકાય નહીં. સંઘ પરિવારે વર્ષો સુધી એ પ્રયાસ કર્યો અને હજુ પણ તેમને અંદરથી ગાંધી શત્રુ લાગે છે. હાલના વડાપ્રધાને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શરૂઆતનાં થોડાં વર્ષ ગાંધીની લીટી નાની કરીને સરદારની લીટી મોટી કરવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરી જોયો. પણ પછી તેમને લાગ્યું હશે કે ભારતમાં આગળ વધવું હશે તો મને-કમને ગાંધીને સાથે રાખવા પડશે- ભલે તેમનું ‘આઘુનિકીકરણ’ (એટલે કે વિકૃતિકરણ) કરીએ, પણ સમ ખાવા પૂરતા ગાંધી તો સાથે હોવા જોઇએ. તેમની આ નીતિના પરિણામે ગુજરાતમાં કશી લાજશરમ વગર ‘મહાત્મા મંદિર’ના નામે મહાત્માને શરમાવે એવું ભવ્ય ભવન બન્યું, જેમાં થતી પ્રવૃત્તિઓ સાથે મહાત્મા ગાંધીને કોઇ જાતનો સંબંધ ન હોઇ શકે. હવે આંતરરાષ્ટ્રિય મહેમાનો અને મુલાકાતો વખતે પણ ગાંધીજીનાં મૂલ્યો માટે નહીં, પણ પોતાની ભારતીયતા બતાવવા માટે જખ મારીને ગાંધીજીનો ઉપયોગ કરવો પડે છે. પણ સ્ટેચ્યુ ઑફ યુનિટીની ફિલ્મમાં સરદારના જીવનની વાતમાં ગાંધીનો ક્યાંય ઉલ્લેખ સુદ્ધાં ન આવે. સાથોસાથ, ગાંધીના જન્મદિને  ‘તેમને સ્વચ્છતા બહુ વહાલી હતી’ એમ કહીને સ્વચ્છતાઝુંબેશનું એલાન કરવામાં આવે, એવો દંભ હવે કોઠે પડી ગયો છે.

ગાંધીજીને સ્વચ્છતા બહુ વહાલી હતી, એવું વડાપ્રધાનનું અર્થઘટન ખોટું નથી, પણ ગાંધીજીને સ્વચ્છતા કરતાં અનેક ગણી વધારે વહાલી બીજી ઘણી બાબતો હતી. એ વડાપ્રધાનને વહાલી નથી અને અત્યારે સત્તા ગાંધીજી પાસે નહીં, વડાપ્રધાન પાસે છે. ગાંધી તો બિચારા વિરોધ કરવા માટે જીવીત પણ નથી- અને તેમના ઘણાખરા અનુયાયીઓ ગાંધીના એકાંગી કે ખંડદર્શનમાં કેદ છે. સંઘર્ષ અને રચના, આંદોલન અને સમાજલક્ષી કાર્ય, અન્યાયી સત્તાધીશોનો વિરોધ અને અહિંસા- આ સંયોજનોમાંથી મનગમતો મુદ્દો ઉપાડીને તેને ગાંધીનું આવરણ વીંટાળીને બજારમાં મૂકી દેવો, એ ગાંધીના વેપારની જૂની અને જાણીતી  રીત છે. પણ નેતાઓની જેમ ભારતના લોકો પણ તેનાથી એટલા ટેવાઇ ગયેલા છે કે ગાંધીના નામે જે થાય તેમાં કોઇને કશું અજૂગતું લાગતું નથી - અથવા લાગે છે તો પણ એ વિરોધની કશી અસર નીપજતી નથી.

ગાંધીને નીચા પાડવાના અનેક પ્રયાસોનો દાગ એ ગાંધીજીના નામે ઉજવણાં કરવાથી ધોઇ શકાય? ખબર નથી. ભારતના વર્તમાન રાજકારણ-સમાજકારણમાં આ બાબતનો કોઇ દાગ હોય કે કેમ એ પણ સવાલ. છતાં, ગાંધીના નામે ઓલરેડી એટલાં પાપ થઇ ચૂક્યાં છે કે હવે નવા તમાશા નહીં થાય તો ચાલશે. ગાંધીને તેમના સાચા અર્ક સાથે જીવતા ન રાખી શકાય તે સમજ્યા, પણ તેમની સ્મૃતિ અને તેમના સિદ્ધાંતોનું ગેરરસ્તે દોરનારું ચિત્ર નવી પેઢી સામે આવે, એવી રીતે  તેમને રજૂ કરવાનું ટાળી ન શકાય?

- કે પછી કોંગ્રેસે એ ધંધો કર્યો, તો અમે પણ શા માટે બાકી રહીએ, એવું નવી સરકાર માને છે?  

1 comment:

  1. અમારા જેવા વાચકો માટે આપ જેવા લેખકો હોય (અને બચ્યા-કુચ્યા રહ્યા હોય) - એ અમારું સદનસીબ છે ઉર્વીશભાઈ. ખુબ ખુબ આભાર. આ પહેલાનો સ્વચ્છતા પરનો લેખ પણ મેં મારા ફેસબુક પેજ પર મુકેલો અને સમદુખિયા-સમસુખીયા મિત્રોને ખુબ ગમ્યો. અમે તો હવે "ગાંધીજીના ચાતરેલા ચીલા" પર પા-પા પગલી કરતા અને થોડી નાની મોટી ભૂલો કરતા કરતા જીવનની બપોર પૂરી કરવાના - આનંદ એ વાતનો છે કે રાત્રે સરસ મજાની ઊંઘ આવે હોં. ખોટું નહિ કર્યાનો સંતોષ અને કોઈને એથી કરીને દુભવ્યા નથી કે જવાબ આપવાનો નથી એવી સરસ લાગણી - બીજું તો શું હોય! બે રોટલામાંથી રહ્યા નથી અને આજુબાજુ જોઈએ અને દુનિયામાં એક બાજુ યુદ્ધો, હત્યાઓ અને શસ્ત્ર-સરંજામનો જથ્થો અને બીજી બાજુ ધાનનાં - અનાજના દાણા-દાણા માટે વલખાં મારતા બાળકો અને લોકો - દુખ થાય - અને ગાંધીજી સતત યાદ આવે પણ આપણે પ્રજા તરીકે એક ગાંધીને સાચવી ના શક્યા તો એવા મહાપુરુષો કંઈ વારે વારે થોડા જન્મે છે! આભાર. લખતા રહેજો please.

    ReplyDelete