Wednesday, October 08, 2014

ગાંધીદર્શન : સ્વચ્છતા અને ખાદીથી આગળ...

‘બિગ બોસ’ કે ‘કૌન બનેગા કરોડપતિ’ની જેમ ગાંધીજીની પણ ભારતમાં નવી સીઝન શરૂ થઇ છે. વડાપ્રધાન વારે વારે ગાંધીજીનું નામ લે છે. ગાંધીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનો પડકાર વડાપ્રધાને ઉપાડી લીધો છે, એ વાતપચ રોજેરોજ ટીવી ચેનલો પર જાહેરખબરો દ્વારા મારો કરવામાં આવે છે. જાહેરખબરોના બજેટ જેટલા ખર્ચમાં આખા દેશની ગટરસફાઇ મશીન દ્વારા કરી શકાય, પણ એ જુદી વાત છે. નવી ગાંધીસિઝનમાં વડાપ્રધાને કંઇ નહીં તો રૂમાલ તરીકે પણ ખાદી અપનાવીને, ગરીબોને રોજી આપવાનું આહ્વાન કર્યું છે.

વડાપ્રધાનના મોઢેથી ગાંધીજી, સ્વચ્છતા અને ખાદી જેવા શબ્દો એક લાઇનમાં સાંભળીને સૌથી વઘુ ચિંતા સરેરાશ ગાંધીવાદીઓને થઇ શકે છે. એ વિચારે નહીં કે ‘હવે ગાંધીનું શું થશે’, પણ એ વિચારે કે ‘હવે આપણું શું થશે.’ નોંધપાત્ર અપવાદો છતાં, બહુમતી ગાંધીવાદીઓએ ગાંધીજીને પોતાની દૃષ્ટિમર્યાદામાં કેદ કરી લીધા છે-  નાનું બાળક મુઠ્ઠીના પોલાણમાંથી આકાશ ભણી જોઇને, આકાશ પોતાની મુઠ્ઠીમાં સમાઇ ગયાનો આનંદ-સંતોષ અનુભવે એ રીતે. તેમની દૃષ્ટિથી ગાંધીને ઓળખવામાં, આપણી દૃષ્ટિ પણ સંકુચિત થવાનો ભય રહે છે. કારણ કે સરેરાશ, બહુમતી ગાંધીવાદીઓ માટે ગાંધીજી એટલે સાદગી, સ્વચ્છતા અને ખાદી. વડાપ્રધાનની સૂત્રાત્મક શૈલીમાં કહેવું હોય તો, સાદગી, સ્વચ્છતા અને સ્વાવવલંબન. તેમાં ચોથો, સંઘર્ષનો ‘સ’ ગાયબ હોય છે.

વડાપ્રધાન કે ગાંધીની વાત કરનારા બીજા લોકો ભપકામાં મહાલે, કરોડો રૂપિયાનો વેડફાટ કરે અને ગાંધીજીને ટાંકતા ફરે, તો પણ લોકોને તેમાં હાસ્યાસ્પદ વિરોધાભાસ કેમ નથી દેખાતો? વડાપ્રધાનની ભક્તિ ઉપરાંત કદાચ એક મહત્ત્વનું કારણ એ પણ છે કે સાદગીના નામે ગાંધીવાદીઓ દ્વારા થતો દંભ લોકોને કોઠે પડી ગયો છે. થોડા ગાંધીવાદીઓ ગાંધીજીની સાદગી આત્મસાત્‌ કરી શક્યા છે અને પ્રકાશ ન. શાહ જેવા જૂજ ગાંધીજનો એ સાદગી વિશે સહજ રહી શક્યા છે.

બાકી, ઘણા ગાંધીવાદીઓની સાદગી શાહુડીના કાંટાની પેઠે તેમની આસપાસ ફૂટી નીકળે છે. તેમના સંપર્કમાં આવનારને તે વારંવાર વાગ્યા કરે છે. આવા શાહુડીબ્રાન્ડ ગાંધીવાદને કારણે નવી પેઢીઓ ગાંધીજીના અસલી પરિચયથી વંચિત રહે છે અને તેમાં બધો વાંક એમનો કાઢી શકાતો નથી. આવી પેઢી ગાંધીજીને રાજનેતાઓ કે તેમની આરતી ઉતારનારા લેખકો થકી ઓળખવા લાગે, ત્યારે કોનો વાંક કાઢવો?

સાદગી જેવું જ બીજું છેતરામણું ગાંધીવાદી લક્ષણ છે : ખાદી. ગાંધીજીએ ખાદીને જીવનકાર્ય બનાવ્યું ત્યારે એ પ્રચારપટુ નેતાની જેમ કોઇ પ્રતીકની શોધમાં ન હતા. તેમને ગ્રામસ્વરાજ સ્થાપવું હતું, જેમાં ગામવાસીઓ ગામ છોડ્યા વિના- અને શહેરોનાં ઝૂંપડાંમાં ઉમેરો કર્યા વિના- સ્વમાનભેર પોતાનો રોટલો રળી શકે. ગામમાં જમીનોની વહેંચણી અસમાન હતી. એક રસ્તો તેની ઉદાર વહેંચણી થકી સૌ માટે પોતાના ગામમાં જ આર્થિક તક ઊભી કરવાનો હતો (જે આગળ જતાં વિનોબાએ ભૂદાનયજ્ઞ સ્વરૂપે અપનાવ્યો અને એ નિષ્ફળ પુરવાર થયો.)

જમીનોની સમાન વહેંચણી સાથે જ્ઞાતિનાં પેચીદાં સમીકરણો અને ઊંચનીચનું આખું માળખું જોડાયેલાં હતાં. એટલે જ, ડૉ.આંબેડકરને ગ્રામસ્વરાજનો- ગામને એક સ્વતંત્ર, સ્વાવલંબી એકમ તરીકે જોવાનો- ખ્યાલ વાંધાજનક લાગતો હતો. તેમને લાગતું હતું કે ગામડું એ ભારતની સદીઓ જૂની, અમાનવીય શોષણવ્યવસ્થાનું એકમ છે. ગાંધીજી જ્ઞાતિવાદના સમર્થક ન હતા. એ સમયે ‘ડીપ્રેસ્ડ ક્લાસ’ તરીકે ઓળખાતા દલિતોના કેટલાક પ્રશ્નોને અને ખાસ કરીને તેમની સાથે રખાતી આભડછેટને રાષ્ટ્રિય પ્રશ્ન તરીકે ઉભારવામાં ગાંધીજીનો ફાળો નોંધપાત્ર છે. પણ તે ‘એનિહિલેશન ઑફ કાસ્ટ’ (જ્ઞાતિપ્રથાના નિકંદન)ની વાત કરે એટલા ઉદ્દામ પણ ન હતા. તેમણે સ્વાવલંબન માટે ખાદી શોધી, જેથી દરેક માણસ મહેનત કરીને સૂતર કાંતે અને તેમાંથી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા જેટલું કમાઇ શકે, તો ઔદ્યોગિક ક્રાંતિના એક પૂરજા તરીકે શહેરમાં સડવાને બદલે ગામમાં સ્વમાનભેર જીવી શકે.

ખાદીની એ ભૂમિકા ક્યારની સમાપ્ત થઇ ચૂકી છે. હવે ખાદી મહદ્‌ અંશે ગાંધીજીનું બાહ્ય પ્રતીક બની ગઇ છે. ગાંધીસંસ્થાઓમાં ખાદીનો જડાગ્રહ રખાય છે, એને બદલે રોજ સવાર-સાંજ એક કલાકના શરીરશ્રમનો આગ્રહ રખાતો હોય, તો એ ગાંધીજીના દર્શનથી વધારે નજીક ગણાય. પણ ખાદીના આગ્રહનું પાલન કરવું-કરાવવું સીઘુંસટ છે. વળી, તે દેખાય ને બતાવી શકાય એવું પણ છે. એટલે, ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થા કાયમ ખાદી ન પહેરવાની ‘ગેરલાયકાત’ને કારણે ગોપાલકૃષ્ણ ગાંધી જેવા વિદ્વાન ગાંધીઅભ્યાસીને વિદ્યાપીઠના વડા તરીકે નીમી શકી નહીં. (બીજાં કારણ હોઇ શકે છે, પણ આ કારણ તો હતું જ.) આ ગાંધીનું કે ગોપાલકૃષ્ણ ગાંધીનું નહીં, વિદ્યાપીઠમાં ભણનારા વિદ્યાર્થીઓનું કમનસીબ છે, જેમને ગાંધીના જડ, સંસ્થાગત અર્થઘટનને કારણે ગોપાલકૃષ્ણ ગાંધીજેવો ઉત્તમ વડો ગુમાવવો પડ્યો.

ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતા હતા, ત્યારે આશ્રમના રસોડે મીઠું વપરાતું ન હતું. મહાદેવ દેસાઇને મીઠા વગર નહીં ચાલે એવું લાગ્યું ત્યારે તેમને મીઠું વાપરવાની છૂટ ગાંધીજીએ જ આપી હતી. ગાંધીજી માટે અસ્વાદવ્રત અગત્યનું હતું, પણ તે સત્ય કે અહિંસા જેવું અનિવાર્ય ન હતું. (ખાદી અને ગોપાલકૃષ્ણ ગાંધીની જેમ) મીઠું અને મહાદેવ દેસાઇ- આ બન્નેમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય તો કોની પસંદગી કરવી, એની ગાંધીજીને અવઢવ ન હતી.

ગાંધીજી અને ગાંધીવાદીઓ વચ્ચે સૌથી મોટો ફરક પ્રાથમિકતા નક્કી કરવા અંગેનો છે. ક્યારે આગ્રહજડ થવું ને ક્યારે આગ્રહ છોડી દેવો, તે ગાંધીજી આગ્રહના પ્રકાર અને પ્રસંગ પરથી નક્કી કરતા હતા. તે આમ કરી શકતા હતા, કારણ કે તેમણે એ સમજ જાતે ઉગાડી હતી. ઘણાખરા ગાંધીવાદીઓ એ સમજી શક્યા નહીં કે ગાંધીજીનાં વાક્યોને બ્રહ્મવાક્યો તરીકે માની લેવાને બદલે, તેના અર્કને આત્મસાત્‌ કરીને સમજ તો આપણે જાતે જ ઉગાડવાની હોય. આ રીતે ઉગેલી ઓર્ગેનિક સમજ જડ-બરડ ન હોય. શક્ય છે કે તેમાં ક્યારેક ભૂલ થાય, પણ ગાંધીજીનું બાહ્ય, વાનર-અનુકરણ કરીને પળાયેલા ચુસ્ત, જડ, મરજાદી ગાંધીવાદને બદલે, તેમના વિશેની પોતીકી સમજમાંથી થયેલી પ્રામાણિક ભૂલ વધારે આવકાર્ય છે. ગાંધીનો અર્ક આત્મસાત્‌ થયો હોય તો, પોતે થાપ ખાધી છે એ પણ આગળ જતાં સમજાઇ જાય અને તેનો જાહેર એકરાર પણ કરી શકાય.

અસલી પોત

આખેઆખા ગાંધીજીને આગળપાછળના સંદર્ભ વિના સ્વચ્છતા કે ખાદી જેવી બાબતોથી ઓળખવા, એ સરદાર પટેલને કેવળ બારડોલી સત્યાગ્રહથી ઓળખવા જેવી ચેષ્ટા છે. પરંતુ એ ચાલ નવેસરથી શરૂ થઇ ચૂક્યો છે, ત્યારે ગાંધીપણાનાં કેટલાંક પાયાનાં લક્ષણ યાદ કરી લેવાં જરૂરી છે.

એવી દલીલ થઇ શકે કે ગાંધીજીને એકેય રીતે યાદ કરવામાં ન આવતા હોય ત્યારે, કોઇ તેમનું એકાદ સારું લક્ષણ પણ યાદ કરે તો તેમાં ખોટું શું છે? તર્કની પટાબાજીમાં કામ લાગે એવી દલીલ પાયામાંથી ભ્રષ્ટ છે. જેમાં કશું સમાધાન થઇ ન શકે એવાં પાયાનાં ગાંધીમૂલ્યોનો ભંગ કરનારા ગાંધીનું એકાદ ‘નિર્દોષ’ લક્ષણ આગળ કરીને, ગાંધીજીને યાદ કર્યાનો-તેમને અંજલિ આપવાનો દાખડો કરે, ત્યારે તે (અસલી) ગાંધીજીની નવેસરથી હત્યા કરવા બરાબર થાય છે.

કોંગ્રેસની જેમ એનડીએ સરકારના વડાપ્રધાન પણ ગાંધીજીનાં પાયાનાં બધાં મૂલ્યોને દફનાવી દીધા પછી, પોતાના પ્રચારયંત્રોની ઝાકઝમાળ સાથે, નવેસરથી ગાંધીને બોટી લેવા નીકળ્યા છે. ગાંધીવાદીઓ હોય, ગાંધીદ્વેષીમાંથી પોતાની ગરજે વટલાયેલા નીઓ-ગાંધીપ્રેમીઓ કે તેમને સાંભળનારા લોકો,  સૌએ યાદ રાખવું જોઇએ કે આટલા મુદ્દા ગાંધીજી માટે બાંધછોડ થઇ ન શકે એવા હતા. તેમને ઠેકાડીને ગાંધીજીને યાદ કરવાના-ગાંધીજીને અંજલિ આપવાના પ્રયાસ ગાંધીજીના નામે અને ગાંધીજીની સાથે છેતરપીંડી જેવા ગણવા.

ગાંધીજી વિશેની ‘ઓર્ગેનિક’ સમજણમાંથી ઊભા થયેલા કેટલાક અનિવાર્ય મુદ્દા : (૧) નેતાઓનું કામ લોકરૂચિને પંપાળવાનું કે વકરાવવાનું નહીં, તેને ઘડવાનું અને એ માટે જરૂર પડ્યે તેમની ન ગમે એવી વાત કહેવાનું પણ છે. અભિનેતાની જેમ નેતાઓએ ટોળાંને રીઝવવાનાં ન હોય. (૨) કોમવાદ-જાતિવાદનું ઝેર પહેલાં પોતાના મનમાંથી કાઢવું અને પછી લોકોના મનમાંથી એ ઝેર કાઢવા ઝઝૂમવું. એમ કરવા જતાં જીવનું જોખમ આવે તો પણ ખચકાવું નહીં. (૩) દેશનું હિત સાધવું હોય તો પોતાનાથી અલગ વિચાર ધરાવતા લોકોને પણ સાથે લેવા. કેદારનાથ જેવા સાધક ઘણી બાબતોમાં ગાંધીજી કરતાં જુદા વિચાર ધરાવતા હોવા છતાં, ગાંધીજી તેમને ઉમળકાથી આશ્રમમાં રાખતા હતા અને તેમની પર આશ્રમના નિયમ લાદતા ન હતા. આવાં અનેક ઉદાહરણ ટાંકી શકાય. (૪) શક્ય હોય એ રીતે અન્યાયનો પ્રતિકાર કરવો. સંઘર્ષ કરવો. કેવળ ‘રચનાત્મક’ની માળા જપીને, તેની ઓથે કાયરતા કે અકર્મણ્યતા છુપાવીને બેસી ન રહેવું. ‘અન્યાય’ની વ્યાખ્યા શી? ચૂંટણીની ટિકિટ ન મળે તો ટિકિટવાંચ્છુને અન્યાય થયો કહેવાય? તેનો જવાબ ગાંધીજીના સૌથી પાયાના સિદ્ધાંતમાં મળી જાય છે. (૫) સરકારી જાહેરખબરમાં ‘અંત્યોદય’ની વાત દીનદયાળ ઉપાઘ્યાયના નામે ચડાવવામાં આવે છેે, પણ માપસરની યાદશક્તિ ધરાવતા લોકોને યાદ હશે કે એ વિચાર ગાંધીજીએ વાચન-મનોમંથનમાંથી વિકસાવ્યો હતો. કોઇ પણ કામ કરતાં અવઢવ થાય ત્યારે વિચારવું કે તેનાથી સમાજના સૌથી છેવાડાના માણસને ફાયદો થશે? એ ગાંધીની ફુટપટ્ટી હતી.

આ મુદ્દાથી સાવ વિપરીત વર્તન કરનારા ગાંધીને અંજલિ આપવાની વાત કરે ત્યારે, વિચારવાનું આપણે સૌએ- લોકોએ હોય છે. 

5 comments:

  1. ઉત્કંઠા10:08:00 AM

    "‘બિગ બોસ’ કે ‘કૌન બનેગા કરોડપતિ’ની જેમ ગાંધીજીની પણ ભારતમાં નવી સીઝન શરૂ થઇ છે." એકદમ સાચી વાત. ખૂબ જ સરસ અને વાસ્તવિક લેખ.

    ReplyDelete
  2. ગાંધીવાદીઓના ચાર વર્ણ છેઃ

    બ્રાહ્મણ ગાંધીવાદી - આ ગાંધીવાદીઓએ 'ગાંધીવાદ' શબ્દ ઘડી કાઢ્યો અને એને સત્તાની માંગ સાથે સુસંગત બનાવતા રહ્યા. આ લોકોએ ગાંધીને સંત બનાવી દીધા. ઉદાહરણઃ વિનોબા.

    ક્ષત્રિય ગાંધીવાદી - આ ગાંધીવાદીઓ સત્તા સાથે સંમત ન થયા અને લડ્યા કે લડતા રહે છે. ઉદાહરણઃ જયપ્રકાશ નારાયણ અને ચૂનીકાકા

    વૈશ્ય ગાંધીવાદી - આ ગાંધીવાદીઓ ખાદી વણતા નથી પણ વેચે છે. ગાંધીને નામે જે કંઈ હાથમાં આવે તે વેચવું એમનું કામ છે. એમાં આયુર્વેદની દવાઓ પણ આવી જાય. ગાંધીજી આયુર્વેદના વૈદ્યોના દાવાના વિરોધી હતા અને એમાં સંશોધન નથી થતાં તેની ટીકાકરતા હતા. આ આખો વર્ગ છે એટલે એક નામ ઉદાહરણ તરીકે આપી શકાય તેમ નથી.

    શૂદ્ર ગાંધીવાદી - જે નાનાં નાનાં ગામડાંમાં નિષ્ઠાપૂર્વક બેઠા છે અને એક લક્ષ્ય બનાવીને પ્રસિધ્હિના મોહ વિના કામ કરે છે. આપણા જુગતરામ ભાઈ દવે. રવિશંકર મહારાજ, બાબા આમટે વગેરે આનાં ઉદાહરણ છે. આ બધાને હું શૂદ્ર એટલા માટે ગણું છું કે બ્રાહ્મણ ગાંધી વાદીઓ એમના કાર્યને મહત્ત્વ નથી આપતા અને એ લોકો સહેલાઈથી વિસ્મૃતિની ગર્તામાં જતા રહે છે.

    ReplyDelete
  3. Anonymous12:37:00 PM

    Gandhiji got the concept of 'Antyoday' from Ruskin's 'Unto this Last'. Actually Antyoday word itself pretty much sounds like the translation of Unto This Last. And Ruskin developed this theory of 'Unto This Last' from Bible.

    ReplyDelete
  4. ગાંધીજીએ Unto This Lastનો અનુવાદ પણ કર્યો. એ પુસ્તકનું નામ એમણે 'સર્વોદય' આપ્યું, 'અંત્યોદય' શબ્દ તે પછી આવ્યો.

    ReplyDelete
  5. Anonymous3:38:00 PM

    gandhiji ane temna jevu jivan koi jivi shake nahi

    ReplyDelete