Wednesday, October 15, 2014

સરકારી જાહેરખબરો અને પ્રમાણભાન

(full piece)

સમાચાર તો નાના હતા - અને ભવિષ્યમાં મોટા થશે કે નહીં એ કોણ જાણે- પણ, ત્રણ સભ્યોની એક સમિતિએ સરકારી જાહેરખબરો અંગે કેટલીક કડક ભલામણો સર્વોચ્ચ અદાલતને સુપ્રત કરી છે. સર્વોચ્ચ અદાલતે નીમેલી આ સમિતિએ સૂચવ્યું છે કે સરકારી જાહેરખબરોમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સિવાય બીજા કોઇની તસવીરો મુકાવી જોઇએ નહીં.

આમ તો આ કહ્યા વિના સમજાવી જોઇએ એવી વાત નથી? પક્ષપ્રમુખના કે પક્ષના સાચવવાપાત્ર અગ્રણીઓના ફોટો મૂકવા હોય તો જાહેરખબર પક્ષના ખર્ચે આપો. એમાં સરકારી નાણાં શા માટે વપરાવા જોઇએ? પણ ‘સરકારી એટલે નાગરિકોનું’ને બદલે ‘સરકારી એટલે આપણું’ એવી ‘સમજ’ ધરાવતા બહુમતી નેતાઓને સરકારી નાણાં અંગત કે પક્ષીય લાભ ખાતર વેડફવામાં કશો ખચકાટ થતો નથી. તેમને એ પોતાનો ચૂંટણીવિજયસિદ્ધ અધિકાર લાગે છે.

સમિતિના સૂચનનો આશય ‘સરકારી જાહેરખબરોમાંથી રાજકારણ દૂર કરવાનો’ છે. એટલો જ અગત્યનો મુદ્દો સરકારી જાહેરખબરોનો અતિરેક અટકાવવાનો છે. એ માટે સમિતિએ કહ્યું છે કે કોઇ મહાનુભાવની જન્મ કે મૃત્યુ તિથિ નિમિત્તે ફક્ત એક જ સરકારી જાહેરખબર પ્રસિદ્ધ થવી જોઇએ - અને તે પણ શક્ય હોય તો માહિતી પ્રસારણ ખાતાની. આવા કોઇ નિયમના અભાવે કેવી સ્થિતિ સર્જાય છે, તે સૌ જાણે છે. નાનાં, સ્થાનિક અખબારમાં કોઇ વ્યક્તિના મૃત્યુ પ્રસંગે આખું પાનું એક જ વ્યક્તિના બેસણાની જાહેરખબરોથી ભરેલું હોય, એવી કંઇક સ્થિતિ રાષ્ટ્રિય સ્તરે સર્જાય છે. એક જ નેતાની યાદમાં અનેક મંત્રાલયો જાહેરખબરો ઝીંકે છે. સ્થાનિક અખબારોમાં આવેલી બેસણાની જાહેરાત કમ સે કમ જુદા જુદા લોકોએ ગાંઠના ખર્ચે આપી હોય છે, જ્યારે સરકારી જાહેરખબરોમાં તો બધાં મંત્રાલયો દ્વારા થતું ખર્ચ છેવટે નાગરિકોએ ભોગવવાનું આવે છે- અથવા નાગરિકો માટે ખર્ચવાની રકમમાં એટલો કાપ આવે છે.

ગાંધીજી, સરદાર, નેહરુ, આંબેડકર, ભગતસિંઘ કે સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓની જન્મ-મૃત્યુ તિથિ નિમિત્તે ‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ તેમને અંજલિ અર્પણ કરે, એ વિશે કોને વાંધો હોય? પરંતુ સરકારો દ્વારા જાહેરખબરોનો એટલો અતિરેક થાય છે કે એ નેતાઓ જીવતા હોય તો તે પણ લોકોના રૂપિયાનો આવો બગાડ જોઇને કકળી ઉઠે.

‘કૃતજ્ઞ રાષ્ટ્ર’ નાગરિકોના ખર્ચે કયા નેતાને કેટલા અંશે યાદ કરશે-તેમની પાછળ જાહેરખબરોમાં કેટલા કરોડ રૂપિયા ઓછા કરી નાખશે, એનો આધાર નેતાના મહત્ત્વ પર નહીં, પણ કયા પક્ષની સરકાર છે તેની પર હોય. આ બાબતમાં કેન્દ્ર સરકારમાં દસ વર્ષ રાજ કરનારી યુપીએ સરકાર અને ત્યાર પહેલાં રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકાર વાજબી રીતે સૌથી વઘુ બદનામ હતી.

કોંગ્રેસી રાજના જમાનામાં રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે નેહરુની જન્મશતાબ્દિ વખતે સરકારી પ્રચારમારાનો ઉબકા આવે એટલો અતિરેક કર્યો. નેહરુના ચિત્ર સાથેનો લોગો માણસોને જ્યાં ને ત્યાં એટલી હદે દેખાવા લાગ્યો કે નેહરુ વિશે લોકોને અભાવ ન હોય તો પણ થઇ જાય. તેનું એક દુષ્પરિણામ એ આવ્યું કે શ્યામ બેનેગલે પંડિત નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ (ભારત : એક ખોજ) પરથી બનાવેલી માતબર ટીવી સિરીયલને તેના પહેલી વારના પ્રસારણમાં મળવો જોઇએ એટલો પ્રતિસાદ ન મળ્યો. ભારતના જ નહીં, વિશ્વભરનાં ટીવી માટે બનેલાં ઉત્તમ સર્જનોમાં ‘ભારત : એક ખોજ’નો પાટલો પડે, એવી તેની ગુણવત્તા હતી. પરંતુ રાજીવ ગાંધીએ કરેલો નેહરુનો અતિરેક સામાન્ય લોકોને સિરીયલ પ્રત્યે અભાવ પ્રેરવામાં એક નિમિત્ત બન્યો.

દેખીતું છે કે રાજીવ ગાંધીએ સરકારી ખર્ચે કરેલો નેહરુ-અંજલિનો મારો પંડિત નેહરુના સ્વતંત્ર ગુણોને બદલે લોહીના સંબંધને વધારે આભારી હતો. એ વખતે ઊભરતા અને એક માત્ર દૃશ્ય માઘ્યમ ‘દૂરદર્શન’ને (બી.બી.સી.ની રાહ પર) સ્વતંત્રને બદલે (રશિયા-ચીનના મૉડેલ પ્રમાણે) સરકારી બનાવવામાં પણ રાજીવ ગાંધીનો મોટો ફાળો હતો. તેમણે દૂરદર્શનને રાજીવદર્શન અને કોંગ્રેસદર્શન બનાવી દીઘું.

ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના કરુણ અંત અને વાજપેયીની એનડીએ સરકાર પછી વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએની સરકાર બની, ત્યારે ફરી ઇંદિરા ગાંધી-રાજીવ ગાંધીના સરકારી સ્મૃતિ-ઉત્સવો શરૂ થયા. માતા-પુત્રની જન્મ-મૃત્યુ તિથી જેવા પ્રસંગોએ સરકારનાં અનેક મંત્રાલયો તો છાપાંમાં જાહેરખબરો આપે જ, સાથોસાથ સોનિયા ગાંધી આગળ સારા દેખાવા ઇચ્છનારા ખુશામતના ભાગ તરીકે પણ છાપામાં ઇંદિરા-રાજીવને શ્રદ્ધાંજલિઓ છપાવે.

એક ઉદાહરણ : વર્ષ ૨૦૧૧માં રાજીવ ગાંધીની વીસમી મૃત્યુતિથિ વખતે યુપીએ સરકારનાં એક ડઝનથી પણ વઘુ ખાતાંએ અને કેટલીક રાજ્ય સરકારોએ એક સાથે રાજીવ ગાંધીને અંજલિ આપતી જાહેરખબરોનો વરસાદ વરસાવ્યો. માત્ર દિલ્હીનાં (સમાચારનાં અને બિઝનેસનાં મળીને) ૧૧ અખબારોમાં એ દિવસે રાજીવ ગાંધીને અંજલિની ૬૫ સરકારી જાહેરખબરો છપાઇ. તેમાંની ઘણીખરી મોટા કદની હતી. બઘું મળીને કુલ ૩૮ પાનાં અને ઉપર એક ચોથીયું રાજીવમય હતાં.  

પ્રમાણભાન કેવું નેવે મુકાઇ ગયું તેની હજુ કેટલીક વિગતો ઉપલબ્ધ છે : ‘હિંદુસ્તાન ટાઇમ્સ’નાં કુલ ૨૪ પાનાંમાંથી સવા પાંચ પાનાં રાજીવ ગાંધીને લગતી ૯ સરકારી જાહેરખબરોએ રોકી લીધાં હતાં, તો ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નાં ૩૨માંથી ૬ પાનાં પર રાજીવ ગાંધી વિષયક ૧૦ જાહેરખબરો પથરાયેલી હતી. આ બધી જાહેરખબરોની રકમ સરકારી તિજોરીમાંથી ખર્ચવામાં આવી હતી. સવર્ષ ૨૦૧૦માં રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે લોકોનાં નાણાંનો આવો જ વેડફાટ થયો ત્યારે રામચંદ્ર ગુહાએ તેની ઝાટકણી કાઢતો એક લેખ લખ્યો હતો. તેમણે જાહેરખબરો પાછળ રૂ.સાઠ થી સિત્તેર કરોડ જેટલી રકમ ખર્ચાઇ હોવાનો જાડો અંદાજ માંડ્યો હતો. છતાં, બીજા વર્ષે સરકારને કશી લાજશરમ ન આવી. જાહેર હિતની અરજીઓ પછી વર્ષ ૨૦૧૨માં પણ એ સિલસિલો ચાલુ રહ્યો.

વર્ષ ૨૦૧૩માં જાણવા મળ્યું કે  ૨૦૦૮થી ૨૦૧૨નાં પાંચ વર્ષમાં આવી સરકારી જાહેરખબરો પાછળ રૂ.૧૪૨ કરોડ ખર્ચાઇ ચૂક્યા છે અને તેમાં સૌથી વધારે રકમ સાદગીના અવતાર જેવા મહાત્મા ગાંધીને અંજલિ આપવા ખર્ચાઇ. (રૂ.૩૮.૩ કરોડ). નેહરુ-ઇંદિરા ગાંધી-રાજીવ ગાંધી એ ત્રણેને તિથિઓ નિમિત્તે સરકારી જાહેરખબરના ખર્ચનો પાંચ વર્ષનો સરવાળો હતો : રૂ.૫૩.૨ કરોડ. સઆ સ્થિતિ ઘ્યાનમાં લેતાં, સર્વોચ્ચ અદાલતની સમિતિએ કરેલી એક જ જાહેરખબર આપવાને લગતી ભલામણનો અમલ થાય તે જરૂરી બલ્કે અનિવાર્ય છે.

ધુમાડાની ઝાકઝમાળ

રાજીવ ગાંધી- ઇંદિરા ગાંધીની મૃત્યુતિથી-જન્મતિથીની જાહેરખબરોમાં થયેલો અતિરેક સંબંધિત વિભાગની જવાબદારી નક્કી કરી શકાય એવી રીતથી થયો. એટલે તેમના માથે યોગ્ય રીતે માછલાં ધોવાયાં. તેની સરખામણીમાં ગુજરાતનો કેસ જરા જુદો હતો. વર્તમાન વડાપ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે સરકારી જાહેરખબરો અને તેની પાછળ થતા સરકારી નાણાંના ધુમાડાને તે નવી ઊંચાઇએ લઇ ગયા. પરંપરાગત પ્રસાર માઘ્યમો (પ્રિન્ટ અને ટીવી) ઉપરાંત હોર્ડિંગ જેવાં આઉટડોર પબ્લિસિટીનાં માઘ્યમોનો તેમણે પોતાના ઇમેજ બિલ્ડિંગ માટે છૂટથી ઉપયોગ કર્યો. અંજાવા આતુર લોકોને પ્રભાવિત કરવા માટે તેમણે કોઇ રાજનેતા નહીં પણ અભિનેતાની જેમ સંખ્યાબંધ ફોટોશૂટ કરાવ્યાં, વિવિધ મુદ્રાઓ અને વિવિધ પોશાકોમાં પોઝ આપ્યા. પોતાની જાતને ‘એક ચાવાળા’ તરીકે અને સામાન્ય માણસ તરીકે ઓળખાવતા વડાપ્રધાન એ વખતે પોતાની ‘ચાવાળા’ તરીકેની ઓળખ શોધી શક્યા ન હતા. એટલે જાહેરખબરોનો ભપકો કરવાના મામલે તે ચાવાળાના નહીં, રાજાપાઠમાં હતા.

સરકારી જાહેરખબરોમાં સામાન્ય રીતે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિત સૌ હોદ્દેદારોની પાસપોર્ટ સાઇઝની કે થોડી મોટી તસવીર છાપવાનો ધારો હતો. અપવાદરૂપ સંજોગો સિવાય ફક્ત દિવંગત નેતાઓની તસવીરો જ મોટી છપાતી. પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીએ લોકોને પ્રભાવિત કરવાના સફળ પ્રયાસોના ભાગરૂપે સરકારી જાહેરખબરોેમાં પોતાની તસવીરો ફિલ્મનાં પોસ્ટરોની છટાથી મુકાવવાનું શરૂ કર્યું. પ્રસંગને અનુરૂપ હાવભાવ અને પોશાકમાં તેમની જાહેરખબરોને જો સળંગ જોવામાં આવે તો બને કે કોઇ રાજનેતાના પ્રચાર કરતાં કોઇ એક્ટરનો પોર્ટફોલિયો જોતા હોઇએ એવું લાગે.

વ્યક્તિ ટાપટીપ અને ભપકાબાજીની શોખીન હોય અને પોતાના ખર્ચે આ બઘું કરે તો એ જુદી વાત થઇ, પણ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીએ આ બધા પાછળ લોકોનાં નાણાંનો કેટલા મોટા પાયે ધુમાડો કર્યો, તેની ધોરણસરની ચર્ચા જ ન થઇ અને કેન્દ્ર સરકારના વેડફાટ પ્રત્યે (યોગ્ય રીતે) કકળાટ કરતા ગુજરાતના સરેરાશ લોકોને ઘરઆંગણે થતો અંધાઘૂંધ વેડફાટ અને પ્રમાણભાનની ચૂક દેખાયાં જ નહીં. રૂપિયાના વેડફાટ ઉપરાંત એક મુદ્દો રાજનેતા તરીકેની ગરીમાનો હતો. પહેલાં મોટાં હોર્ડિંગ ને ફિલ્મ અદાઓથી છવાઇ જવાનો ખેલ ફિલ્મલાઇનમાં મૂળીયાં ધરાવતા દક્ષિણ ભારતના નેતાઓ પાડતા હતા. મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદી એ ખેલ ગુજરાતમાં લઇ આવ્યા. તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે હવે તેમનાં અનુગામી મુખ્ય મંત્રી પણ જાહેરખબરોમાં પોતાની મસમોટી તસવીરો છપાવે છે. આ વાત નાજુક વિવેકની છે. એ ન સમજાય તો હજુ ચાલે, પણ જાહેર નાણાંનું તાપણું કરીને નેતાઓ પોતાના રોટલા શેકે અને વાર્યા ન વળે ત્યારે સર્વોચ્ચ અદાલતનો જ આશરો રહે છે.

2 comments:

  1. Anonymous9:42:00 PM

    !00% satya bhai. Pan aapan ne a badhu kothe padi gayu che. Normal thavanu!!!

    ReplyDelete
  2. Urvin Shah9:58:00 PM

    ઘણો જ સારો - સાચો મુદ્દો, પ્રાદેશિક પક્ષો પણ પાછળ નથી રહ્યા એ પણ નોંધવું રહ્યું.

    ReplyDelete