Friday, July 29, 2011

વીસ લખોટી, એક સ્ટીક, ચાર પેઢી

ફેમિલી સિલ્વરએવો શબ્દપ્રયોગ બાપદાદાના જમાનાની કિમતી ચીજવસ્તુઓ- જરઝવેરાત માટે વપરાય છે, પણ ઉપયોગીતા, આવરદા અને લાગણી જેવાં પરિબળોને ઘ્યાનમાં રાખીએ તો ક્યારેક સાઠ-સિત્તેર વર્ષ જૂના હાર્મોનિયમનો કે લાકડાના વિશિષ્ટ કેરમનો પણ તેમાં સમાવેશ કરવો પડે.

અમારા ઘરમાં કૌટુંબિક પરંપરા સાથે સંકળાયેલું એવું એક કેરમ છે, જેની પર મારા દાદા મિત્રો સાથે શરત મારીને રમતા હોવાની કથા સાંભળી હોય, મારા પપ્પાને છેક વૃદ્ધાવસ્થા સુધી હોંશેહોંશે રમતા જોયા હોય, બાળપણથી અત્યાર સુધી અમે તેનો ભરપૂર આનંદ લીધો હોય અને હવે અમારાં સંતાનોને પણ તેમાં એટલી જ મઝા આવતી હોય.

આ કેરમ ચાર ખૂણે ચાર ખાનાવાળું નહીં, પણ સાવ જુદું છે. તેને શું કહેવાય એ પણ ખબર નથી. એવું સાંભળ્યું છે કે દાદાજીના જમાનામાં તેને 'મસ્કતી બોર્ડ' કહેતા હતા. (નીચેની તસવીર જોવાથી કેરમની રચનાનો થોડો ખ્યાલ આવશે.)


લાંબા પેટવાળા, ઊભા ડીજેવો આકાર ધરાવતા કેરમમાં ઠેકઠેકાણે ગબ્બી જેવાં ખાનાં છે. આમ તે છીછરાં દેખાય, પણ સ્ટીકના ધક્કે વછૂટેલી લોખંડની લખોટી આ ગબ્બીમાં ટપ્‌ દઇને ગોઠવાઇ જાય છે. તસવીરમાં દેખાય છે તેમ, કેરમના નીચેના ભાગમાં લોખંડની વીસ લખોટીઓની લાઇન કર્યા પછી, ખેલાડી એક-એક લખોટી ઉપાડીને, તેને જમણી બાજુના ખાંચામાં મૂકીને, લાકડાની સ્ટીક વડે ધક્કો મારે છે. એ ધક્કાથી લખોટી પહેલાં કેરમની ટોચ પર પહોંચીને નીચે પાછી આવે છે. ત્યાર પછી તેની અજબ ગતિનો આરંભ થાય છે. (ધક્કો એટલા જોશવાળો હોવો જોઇએ કે) તે નીચેથી ફરી પાછી ઉપર ચડે છે અને અંગ્રેજી 8 ના આકારમાં આગળ વધતી, ફરી ટોચ પર પહોંચીને પાછી નીચે આઉટના ખાનામાં આવી પડે છે.

ખરેખર તો આઉટના ખાનામાં પડેલી લખોટી નકામી ગઇ ગણાય. પાકા ખેલાડીને એ ન પોસાય. કેરમ બોર્ડ પર ૫ થી ૧૫૦ સુધીના પોઇન્ટ આપતાં ખાનાં અને ગબ્બીઓ છે. ખાનાં પિત્તળની ખીલીઓનીવાડથી બનેલાં છે. એ સિવાય, ગબ્બીની આસપાસ પણ ખીલીઓ આવી છે. પહેલી નજરે આટલી બધી ખીલીઓની શી જરૂર એવું લાગે, પણ કેરમ રમતી વખતે એકેએક ખીલી, કોઇ સારા લેખકના ગદ્યના એક-એક શબ્દની જેમ, ચુસ્ત અને પોતાની સાર્થકતા સિદ્ધ કરતી લાગે. લખોટી કોઇ ખીલીને અથડાઇને ગબીમાં કે ખાનામાં ગોઠવાઇ જાય અથવા ગોઠવાઇ જતી રહી જાય, ત્યારે થાય કે આ ખીલી ન હોત તો રમતની અનિશ્ચિતતા અને તેમાં રહેલો આનંદ થોડાં ઘટી ગયાં હોત. લખોટી ગમે તેટલી મારગ ભૂલે કે પથભ્રષ્ટ થાય તો પણ ‘સારા ઠેકાણે સેટ થઇ જવાની’ તેની શક્યતાઓ ઘણી હોય છે. પોસ્ટના છેડે કેરમમાં લખોટીની ગતિની વિડીયો જોવાથી થોડો વઘુ ખ્યાલ આવશે. (આ જ કેરમની એક નાની પ્રતિકૃતિ પણ છે, જે મોટાં મોટું કેરમ રમતાં હોય ત્યારે નાનાં બાળકોને પટાવવા માટે હશે. તેમાં આટલો રોમાંચ અને ‘આઉટ’નું ખાનું નથી.)

ખેલાડીનો હાથ બેસી જાય એટલે એકધારી ગતિએ તે લખોટીઓને છેક ઉપર આવેલાં અર્ધવર્તુળમાં ૭૦ના અને તેની પડખે આવેલા ૮૦ના ખાનામાં મોકલી શકે. પાકા ખેલાડીનો દાવ પૂરો થાય કે ૭૦-૮૦ના ખાનામાંથી ઓછામાં ઓછી દસ-બાર લખોટીઓ નીકળે. એવું જ અર્ધવર્તુળ કેરમના નીચેના ભાગમાં છે. ત્યાં એક તરફ ૭૫ અને બીજી તરફ -૨૫ (માઇનસ ૨૫) પોઇન્ટનાં ખાનાં છે. તેની ડાબી બાજુ થોડે ઉપર,ખીલીઓના નાના પાંજરામાં ટી.એ.લખેલું છે. એટલે કે ટ્રાય અગેઇન.

150ની ગબ્બી એવી જગ્યાએ છે કે ગમે તેવો કુશળ ખેલાડી ત્યાં પોતાની ઇચ્છાથી લખોટીને લાવી ન શકે. (હા, 150ની ગબ્બી સૌથી ‘હાથવગી’ હોવાથી નજર ચુકાવીને- ચીટીંગ કરીને હાથથી 150માં લખોટી ગોઠવી દેવાની બૂમ ઘણી વાર ઉઠી છે) લખોટી સ્વૈરવિહાર કરતી, ટાંકણીઓ વચ્ચે અથડાતી-કુટાતી જ 150માં જઇ ચડે. 100 અને 125 પોઇન્ટની ગબ્બીઓ એવી જગ્યાએ આવેલી છે કે ધસમસતી આવતી ઘણી લખોટીઓ, એક વાર અંદર સહેજ બેસીને ફરી પાછી, કંઇક કામ યાદ આવ્યું હોય તેમ બહાર નીકળી જાય અને આઉટના ખાનામાં ગરકી જાય. જોનાર અને દાવ લેનાર બન્નેના જીવ એ વખતે સહેજ ઊંચા થઇ જાય અને અરે યારજેવા ઉદ્‌ગાર નીકળે. પરંતુ કેરમના હૃદયસ્થાને આવેલી ગબ્બીમાં લખોટી બેઠી તો ઉપસ્થિત વૃંદમાંથી બધાના મોઢે અરરરના ઉદ્‌ગાર નીકળે અને દાવ લેનારના મનમાંથી હાય હાયજેવો નિસાસો નીકળી પડે. કારણ કે એ ગબ્બી પર લખ્યું છેઃ એલટીપી- લૂઝ ટોટલ પોઇન્ટ્‌સ. અત્યાર સુધી કરેલી બધી કમાણી બાતલ. ક્યારેક છેલ્લી લખોટી બાકી હોય ને એ જ એલટીપીમાં આવે એવા બનાવો પણ નોંધાયેલા છે. એ વખતે ગણનારને ગણવું મટ્યુંની નિરાંત થાય, પણ દાવ લેનાર યું ન હોતા તો ક્યા હોતાએવા આશ્વાસન માટે થઇને પણ, ‘બળેલાપોઇન્ટ ગણવાની લાલચ રોકી શકે નહીં.

pappa playing carrom with Biren (left) & Shachi (Right) as spectators-cum- co-players

સાંભળ્યા પ્રમાણે, આ કેરમ પર દાદાજી અને તેમના મિત્રો આઇસક્રીમની ને પાર્ટીની શરતો મારતા હતા. જેન્ડર બાયસ વગરની આ રમતમાં બા, મમ્મી, કાકી, ફોઇ બધાં એકસરખા આનંદથી અને મહારતથી રમતાં. પપ્પા પાછલી અવસ્થા સુધી આ કેરમ રમવાનું આવે ત્યારે તેમની કેટલાક શારીરિક અક્ષમતા વિસારે પાડીને, નીચે જેવીતેવી પલાંઠી વાળીને પણ કેરમ રમવા બેસતા. કારણ કે એ કેરમ સાથે તેમનું બાળપણ સંકળાયેલું હતું. એની સ્ટીક હાથમાં પકડતાં એમની ઉંમર ઘટી જતી ને આંખમાં ચમક આવી જતી. એ પણ યાદ આવે છે કે ઘણી વાર અમારા બધા કરતાં તેમનો સ્કોર સૌથી વધારે થતો.

આ કેરમ રોજેરોજ રમવાની ચીજ ન હતી. વેકેશનમાં કે બધાં ભેગાં થયાં હોય ત્યારે તે નીકળે, પણ એક વાર ઉતર્યું એટલે તેનો પૂરો કસ નીકળીને જ રહે. અમારા પરિવાર ઉપરાંત મિત્રો, ભૂતકાળમાં મહેમદાવાદના મોટા ઘરે આવીને રહેતાં સગાંવહાલાં- બધાં આ કેરમને ઓળખે, બૃહદ પરિવારની સહિયારી સ્મૃતિનો હિસ્સો ગણે અને કેરમ નિમિત્તે દાદાજીને સંભારે.

દાદાજીને ગયે 46 વર્ષ થયાં. હવે પપ્પા પણ નથી. બીરેનની દીકરી લૉ કોલેજમાં ભણે છે. મારી દીકરી મન્ના ડે અને હેમંતકુમારનો, ગીતા દત્ત અને શમશાદ બેગમનો અવાજ ઓળખી શકે એટલી મોટી (નવ વર્ષની) થઇ. પણ કેરમનો જાદુ હજુ ઓસર્યો નથી. ચાર પેઢી જોયા પછી તેની લાકડાની સપાટીમાં ઠેકઠેકાણે છિદ્રો પડ્યાં છે. કિનારો પરથી દરેક વખતે થોડી ફાંસ નીકળી આવે છે. પાવડર લગાડ્યા પછી પણ તેની અમુક સપાટી ખરબચડી રહે છે. એટલે ગતિશીલ લખોટી ઘણી વાર નિર્ધારિત રસ્તે ચાલવાને બદલે રસ્તો ઠેકી જાય છે. લોખંડની કેટલીક લખોટીઓ ખોવાઇ ગઇ છે. હવે દરેક વેકેશનમાં તે પહેલાંના જેટલું વપરાતું નથી. છતાં, હજુ મન થાય ત્યારે વરસના વચલા દહાડે એ કેરમ લઇ આવીને રમી લઇએ છીએ. એવો પણ વિચાર કર્યો છે કે બીરેનના હોંશિયાર-કલાકાર મિસ્ત્રી પાસે આ કેરમની પ્રતિકૃતિ બનાવવી. આ જ માપે અને તેની પર રમી શકાય એવી- ભલે એ બીજી ચાર પેઢી ન ચાલે.

Wednesday, July 27, 2011

પાર્કિગનો પ્રાણપ્રશ્ન : સબ ભૂમિ ગોપાલકી?

કોઇ પણ ગામ કે નગર શહેર ક્યારે બન્યું ગણાય? એ માટેના કોર્પોરેશનના કે પંચાયતના, સરકારી કે વિશ્વબેન્કના, બિલ્ડરોના કે ડેવલપરોના માપદંડની વાત નથી. પ્રચલિત સમજણ પ્રમાણે, ‘વાહન માટેની લોન ક્યાંથી મળશે?’ કે ‘વાહનની લોન શી રીતે ભરપાઇ કરીશું?’ એવી ચિતાને બદલે માણસને ‘વાહન પાર્ક ક્યાં કરીશું?’ એની ચિતા જાગે, ત્યારે એ જગ્યાને શહેર ગણી શકાય.

ઘણા શહેરીઓ માને છે કે લોકમાન્ય ટિળક એકવીસમી સદીમાં જન્મ્યા હોત તો તેમણે કહ્યું હોત, ‘પાર્કિગ મારો જન્મસિદ્ધ હક છે અને એ લઇને જ હું જંપીશ.’ આવાં પ્રતિજ્ઞાવચનો ન વાપરવા છતાં ઘણાખરા લોકો માને છે - અને એ રીતે જ વર્તે છે, જાણે (ગમે ત્યાં) પાર્કિગએ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય.

પાર્કિગ એક વૈશ્વિક સમસ્યા છે, પરંતુ ભારતમાં તેને સૌથી ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. ‘દાંત આપનાર ચાવણું પણ આપશે’ એવી શ્રદ્ધા ધરાવતા આપણા દેશમાં બહુમતી લોકો માને છે, ‘ગાડી આપનાર પાર્કિગ પણ આપશે.’ (નોંધઃ સાયકલથી સ્પોર્ટ્‌સ કાર સુધીના કોઇ પણ વાહનને ‘ગાડી’ તરીકે ઓળખાવી શકાય છે. એ માટે આરટીઓના પાસિગની જરૂર નથી.)

પાર્કિગની જગ્યાની બાબતે ગામ અને શહેર વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. ના, શહેરી અછતની સામે ગામમાં પાર્કિગની જગ્યાનું સુખ હોય છે એવું માનવાની જરૂર નથી. ગામમાં વાહન અડધો રસ્તો દબાવીને કે ત્રાંસું કે આડીઅવળી લાઇનમાં- ગમે તે ‘આસન’માં ઉભું હોય, પણ ત્યાં ‘ટોઇંગ વાન’રૂપી બાવો હોતો નથી. એટલે ‘બાવો લઇ જશે’ એવી બાળસહજ બીક રાખ્યા વિના ગામના વાહનચાલકો આખા રસ્તાને પોતાની પૈતૃક સંપત્તિ ગણીને તેનો ભોગવટો કરી શકે છે.

રસ્તો રોકીને પડેલું વાહન જોઇને કોઇ ‘સુધરેલો’ જણ મોં બગાડે કે પોતાના વાહન પાસે (હોર્ન દાબીને) કિકિયારીઓ પડાવે, એટલી ‘જાગૃતિ’ હવે ગામમાં આવી છે. પરંતુ આ મુદ્દે શાસ્ત્રાર્થને અવકાશ હોતો નથી. (સિવાય કે એ તાર સપ્તકમાં અને ‘સંસ્કૃત’માં થાય!) ‘આ કોણે વચ્ચોવચ (વાહન) મૂક્યું છે?’ એવો પડકાર ફેંકાયા પછી, ઘણી વાર તેનો ઝીલણહાર મળી આવે (‘મારું છે. બોલો. શું હતું?’) એ સાથે જ પડકાર આપનારનો ઘણોખરો જોસ્સો, રામદેવબાબાના આંદોલનની જેમ, ઓચિતો ઓસરી જાય છે. ‘એમ? તમારું છે? અચ્છા. મને થયું કે આ કેમ વચ્ચે પડ્યું હોય એવું લાગે છે? નકામું જતાં-આવતાં કોઇ અવળચંડુ ઠોકી દે તો? સહેજ બાજુ પર મૂક્યું હોય તો શું છે કે જરા સારું પડે.’

પરંતુ કેટલાક પુણ્યાત્મા- બલ્કે પાપભીરુ આત્માઓ-ના મનમાં ખોટું પાર્કિગ કરતી વખતે જ અપરાધભાવ રોપાઇ જાય છે. ‘હું અહીં મૂકું તો છું, પણ કોઇને નડશે તો?’ આવું વિચારનારાને કોઇ આક્રમક પડકાર ફેંકનાર ભેટી જાય ત્યારે આગળ જણાવેલું આખું ચિત્ર ફરી જાય છે. ‘કોની ગાડી છે આ?’ એવું કોઇ ન બોલતું હોય તો પણ, વાહનમાલિકને દર બે-પાંચ મિનીટે એ મતલબની ત્રાડનો આભાસ, એ જ્યાં બેઠા હોય ત્યાં થયા કરે છે.
અને ખરેખર આવી ત્રાડ પડે ત્યારે? તે બહાર નીકળે છે અને વાહનનું ‘પિતૃત્વ’ સ્વીકારવું કે નહીં તેની વધારાની અવઢવમાં પડી જાય છે. સામેવાળો માણસ માથાભારે હોય તો એ ઝનૂનથી જાહેરાત કરે છે, ‘જેની હોય તેની. હું તો ઢસડીને બાજુ પર મૂકી દઉં છું અથવા હું તો મારી ગાડી ઠોકું છું.’

આવાં કઠોર વચન સાંભળીને અપરાધભાવગ્રસ્ત માલિક ‘એક મિનીટ..એક મિનીટ..’ કરતા મેદાનમાં આવી જાય છે. તેમને ઘ્યાનથી જોતાં એવું લાગે, જાણે કોઇ માણસ પોતાનું સફેદ શર્ટ શરીર પરથી ઉતારીને, તેનો વાવટો બનાવીને શાંતિ માટે વિનવી રહ્યો છે.

ખરી મઝા ત્યારે આવે છે, જ્યારે સરખેસરખા બળીયાનો આમનોસામનો થાય. તેમની વચ્ચે થતા સંવાદમાં ટેસ્ટમેચની નહીં, પણ ‘૨૦-ટ્‌વેન્ટી’ની ગતિએ, પહેલા જ બોલથી ફટકાબાજી શરૂ થઇ જાય છે. ‘કોણ છે આ જંગલી? કોણે વચ્ચે મૂક્યું છે?’ એવા આરોહ પરથી શરૂ થતા આ (ખટ)રાગની પરાકાષ્ઠા ક્યાં આવશે, એ કલ્પવું અઘરું પડે છે. જોતજોતાંમાં બન્ને પક્ષો કાનૂની હદ/જ્યુરિસ્ડિક્શનની પરવા કર્યા વિના, રસ્તો કોના પિતાશ્રીની માલિકીનો છે, એવા પેચીદા સવાલ પર ગહન ચર્ચા શરૂ કરે છે. એક બાબતે બન્ને પક્ષો સંમત હોય છેઃ રસ્તો સામેવાળાના પિતાશ્રીની માલિકીનો તો નથી જ.

ઉગ્રતાપૂર્વક ચાલતી ચર્ચા વચ્ચે આટલા મહત્ત્વના મુદ્દે એકમત હોવા છતાં, બન્ને પક્ષો સમાધાનના માર્ગે આગળ વધવાને બદલે આક્રમણના વિકલ્પ બાજુ ખેંચાતા જાય છે. ખાસ કરીને, આજુબાજુ પૂરતી માત્રામાં યુ.એન.ના પ્રતિનિધિ જેવા લોકોની હાજરી જણાય ત્યારે લડાઇ અનિવાર્ય બને છે. અલબત્ત, ભીષણ જંગના અંતે વાંક કોનો હતો એ નક્કી થઇ શકતું નથી. ‘યુનો’છાપ મઘ્યસ્થીઓ વાહન વચ્ચોવચ મૂકનારને ‘તમારે વાહન બાજુ પર મૂકવું જોઇએ’ અને રાડારાડી કરનારને ‘તમારે શાંતિથી વાત કરવી જોઇએ’ એવી આયુર્વેદિક સલાહ આપીને પોતે ન હોત તો આ જગતને આટલો મૂલ્યવાન બોધપાઠ કોણ આપત અને એના વિના જગતમાં કેવી ખૂનરેજી ફેલાત, તેના અહેસાસમાં સરી જાય છે.

શહેરોમાં ઘણી જગ્યાએ ‘નો પાર્કિગ’નાં પાટિયાં મારેલાં હોય છે અને તેની નિશ્રામાં સંખ્યાબંધ વાહનો હરોળમાં ગોઠવાયેલાં હોય છે. તેના માટે ગુજરાતીઓનું ખરાબ અંગ્રેજી નહીં, પણ સવિનય કાનૂનભંગનો મજબૂત સંસ્કાર કારણભૂત છે. શિકારી બાજ જેવી ટોઇંગ વાન ઝપટ ન મારે ત્યાં સુધી આ વાહનો સાવજની સામે થતી ગિરનારી ગાયના ધણ જેવાં બહાદુર લાગે છે, પણ ટોઇંગ વાન આવતાં તેમનો દેખાવ પાંખકટ્ટા કબૂતરોનાં ટોળા જેવો બની રહે છે.

પાર્ક થયેલું કોઇ પણ વાહન રસ્તા પર કહેવાય કે નહીં, એ બાબતે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે કદી એકમતી સધાતી નથી. વાહનચાલક સાપેક્ષવાદના ગુઢમાં ગુઢ સિદ્ધાંતોની મદદથી પોતાનું વાહન શી રીતે રસ્તાની ઉપર ન ગણાય, એ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ટ્રાફિકપોલિસ એ દલીલોથી જરાય વિચલીત થયા વિના પહોંચબુક તરફ કે શૂન્યમાં તાકી રહે છે અને દલીલો પૂરી થાય એટલે પહોંચબુક પર પેન માંડીને પૂછે છે,‘નામ?’

પાર્કિગનો ખ્યાલ હકીકતે વિદેશી સંસ્કાર અને સંસ્કૃતિની નીપજ છે. ધોળાવીરા કે લોથલમાં આટઆટલાં વિકસીત શહેરો મળી આવ્યાં, પણ તેમાં ક્યાંય અલગથી પાર્કિગ માટેની જગ્યાઓ હતી એવું જાણ્યું છે? ઘણાખરા અંગ્રેજી શબ્દો માટે ગુજરાતી સમાનાર્થી શબ્દો છે. પરંતુ ‘પાર્કિગ’ માટેનો ગુજરાતી કે સંસ્કૃત શબ્દ સાંભળ્યો કદી? ‘સબ ભૂમિ ગોપાલકી’ના દેશમાં કોઇ પણ જગ્યા વિશે ‘એ મારી’ કે ‘એ મ્યુનિસિપાલિટીની’ એવા ભેદભાવ શા માટે? પોલીસ ભલે થોડા હજાર રૂપરડીના પગાર માટે થઇને આવી ઉચ્ચ આઘ્યાત્મિક અભેદાત્મક ભૂમિકામાંથી નીચે ગબડી પડે, ઘણા ચાલકો દંડ વેઠવાની તૈયારી રાખીને પણ ટ્રાફિક પોલીસ અને ‘નો પાર્કિગ’ના આદેશોની પરવા કરતા નથી. તેમનો સંસ્કૃતિપ્રેમ ધન્ય છે.

Monday, July 25, 2011

રાઇતીઃ અથાણું-કમ-મુખવાસ-કમ-નાસ્તો-કમ...

‘નાનો પણ રાઇનો દાણો’, ‘મગજમાં રાઇ ભરાઇ જવી’ એ પ્રકારના શબ્દપ્રયોગનો અર્થ ખબર હોય. છતાં તેમાં આવતી રાઇનો પ્રતાપ સ્વાનુભવે વધારે સમજાય. લક્કડિયામાં (મસાલાના ડબ્બામાં) રાઇના ઝીણા કાળા દાણા કીડીયા મોતી જેવા નિર્દોષ અને બીજા મસાલાની સરખામણીમાં કંઇક તુચ્છ પણ લાગે. પરંતુ રાઇનો નશો – ભલે લોકપ્રિયતાના નશા જેવો નહીં તો પણ- કેવો ‘કીક’વાળો હોય છે તે અસલી રાઇતું કે રાઇતી ખાવા મળે ત્યારે ખ્યાલ આવે.

રાઇતાનો શહેરી અર્થ છેઃ ગળ્યા કે ખારા દહીંમાં કેળાં-પાઇનેપલ-સફરજનના ટુકડા, કાકડીનું છીણ કે દાડમના દાણાનું મિશ્રણ. એવુ ‘રાઇતું’ ખાનારને થતું હશે કે આ ચીજનું નામ ‘દહીંતું’ નહીં ને ‘રાઇતું’ કેમ છે? ફીણેલી રાઇનું, જીભે મૂકતાં મગજ સુધી ચઢે એવું રાઇતું ચાખ્યા પછી જ તેના નામની સાર્થકતા સમજાય છે.

રાઇતી તેના નાન્યતર સ્વરૂપ (રાઇતું) કરતાં ઓછી જાણીતી. તે અથાણું ગણાય, પણ છુંદો, કટકી, મેથંબો, મેથિયાં, ગુંદાં, લસણ-ચણા, વેજિટેબલ જેવાં અથાણાં કરતાં ખાસ્સી જુદી તરી આવે. અથાણાં ચીનાઇ માટીની મોટી બરણીમાં ભરવાનો રિવાજ હતો ત્યારથી ઘરમાં કૌટુંબિક પરંપરા તરીકે રાઇતી બને. વચ્ચે થોડાં વર્ષ ખાલી જાય, પણ ફરી જૂની ફેશનની જેમ, રાઇતી માટેનો રાગ નવેસરથી જાગી ઉઠે. વીસેક વર્ષ પહેલાં પહેલી વાર રાઇતી ચાખી ત્યારે, દરેક નવા રોલ વિશે હીરો-હીરોઇનો કહે છે એવું થયું, ‘યહ કુછ હટકે હૈં.’ અથાણા તરીકે રાઇતી રોટલી-ભાખરી સાથે ખવાય, પણ તેની સાથેનો પહેલો પ્રેમ રોટલી-ભાખરીની મોહતાજી વિના થયો હતો.

રાઇતીના તમતમાટી અને ચટાકા સાથે મંટોનાં લખાણોની સ્મૃતિ અભિન્નપણે સંકળાયેલી છે. પત્રકારત્વમાં આવતાં પહેલાંની વાત છે. મંટોનાં લખાણસંગ્રહ ‘દસ્તાવેજ’ના પાંચ ભાગ એ વખતે પ્રગટ થયા હતા. બલરાજ મેનરા અને શરદ દત્ત સંપાદિત, દિલ્હીના ‘રાજકમલ’ દ્વારા પ્રકાશિત ‘દસ્તાવેજ’ નિઃશંકપણે મંટો વિશેનું અત્યાર સુધીનું સૌથી ઉત્તમ સંપાદન ગણી શકાય. તેમાં મંટોની વાર્તાઓ, રેડિયો નાટકો, વ્યક્તિચિત્રો અને બીજી ઘણી સામગ્રી હતી. ક્રમ કંઇક એવો થયો હતો કે રોજ રાત્રે ‘દસ્તાવેજ’ વાંચવાનું ચાલે. રાત્રે વાંચવાનું હોય એટલે કંઇક કટકબટક જોઇએ. તેમાં એક વાર બીજા નાસ્તાના અભાવે રાઇતીની શીશી હાથ લાગી ગઇ. રાઇતી તો અથાણું. થાળીમાં લઇને ખવાય. પણ તેનાં મોટાં ચીરીયાં, એનો બીજાં અથાણાંથી જુદો તરી આવતો, વધુ પ્રવાહી રસો, એમાં તરતાં મરી, રસાથી રસાયેલી ખારેકના ટુકડા- આ બધું જોઇને થયું, ‘અથાણું હોય તો એના ઘરનુ. આપણે એને ખાવું હોય તેમ, મન પડે તેમ ખાઇએ.’ એટલે એક વાટકીમાં રાઇતી કાઢી અને ચમચીથી ખાવાની શરૂઆત કરી.

એક બાજુ મંટોની વાર્તાઓની તમતમતી વાર્તાઓ અને બીજી બાજુ રાઇતીમાંથી આવતી ફીણેલી રાઇનો તમતમાટ. વાંચતા વાંચતા વચ્ચે રાઇતીમાં આવતાં મરી ચવાઇ ન જાય એનું ધ્યાન રાખવું પડે. એટલે રાઇતી વાટકીમાં કાઢ્યા પછી પહેલેથી મરી અલગ તારવવાનું શરૂ કર્યું. આવી રીતે રોજ રાત્રે બે-ત્રણ-ચાર વાટકી ભરીને રાઇતીનો ખુરદો બોલવા લાગ્યો. એટલે મમ્મીને નવાઇ લાગીઃ જમવામાં કોઇ રાઇતી લેતું નથી છતાં શીશી ખાલી શી રીતે થાય છે?

ત્યારથી વચ્ચે વચ્ચે બ્રેક સાથે રાઇતી નવેસરથી- અથાણાને બદલે લગભગ નાસ્તા તરીકે- બનવા અને ઉપડવા લાગી. જમ્યા પહેલાં, જમી લીધા પછી, બપોરે, રાત્રે, મન થાય ત્યારે મોટાં ચીરીયાં અને પાતળો રસો વાટકીમાં કાઢીને ખાવાની ઘરમાં નવાઇ ન રહી. ‘અથાણું આવી રીતે ખવાય?’ એ પ્રશ્ન સાવ અપ્રસ્તુત થઇ ગયો. આ રીતે ખાવાને કારણે રાઇતી બહુ ચાલતી નથી, પણ અથાણાં ફક્ત ચાલવા માટે જ હોય છે? ખાવા માટે નહીં?

રાઇતી બનાવવા માટે કેરીનાં મોટાં ચીરીયાં કરવામાં આવે છે. જોકે ચીરીયાં મોટાં કરવા પાછળ કશું ખાસ કારણ નથી. એ નાનાં પણ થઇ શકે. તેને મીઠા-હળદરમાં એકાદ દિવસ પૂરતાં આથીને બીજા દિવસે તેમાંથી પાણી નીતારી લેવાય છે. પાણીરહિત ચીરીયાંને કાપડના કટકા પર પાથરીને કોરાં કરવામાં આવે છે. એ પ્રક્રિયામાં ચીરીયાં કોરાં થવાની સાથોસાથ ઓછાં પણ થઇ જાય છે. (અથાયેલી કેરી આ રીતે પડી હોય તો બીજું શું થાય?) રાઇતીનું પ્રાણભૂત તત્ત્વ છે રાઇ. તેનાં પીળાં કુરિયાં મિક્સરમાં વાટીને તેનો પાવડર કરવામાં આવે છે. (એ તૈયાર પણ મળે છે.) એ પાવડર એક થાળીમાં લઇને તેમાં તેલ, મીઠું, થોડી હળદર અને ચીરીયાંમાંથી નીતારી લેવાયેલું ખટાશયુક્ત પાણી નાખ્યા પછી, એ મિશ્રણને પાંચેક મિનીટ સુધી હાથથી બરાબર ફીણવું પડે. (‘એમાં શું ફીણી લીધું?’ એ તો છેવટે સ્વાદ ચાખ્યા પછી જ સમજાય.)

ફીણાયેલા મિશ્રણમાં પછી કેરી જેટલી ખાંડ, થોડું મીઠું, મરી, વરિયાળી અને ખારેકના ટુકડા નાખીએ એટલે રાઇતી તૈયાર, પણ ખાવા માટે નહીં- ફક્ત ચાખવા માટે. ખાંડ નાખ્યા પછી રાઇતી બરાબર હલાવતા રહેવું પડે. ત્યાર પછી પણ બે દિવસ જવા દઇએ ત્યારે ખાંડ બરાબર ઓગળી રહે અને રાઇ પણ થોડી ચડી હોય. મેંદીની જેમ રાઇ માટે પણ કહેવાય છે કે ફીણનારની પ્રકૃતિ જેટલી ગરમ, એટલી એ વધારે ચડે. સમય વીતે એમ રાઇતીનો સ્વાદ ચડતો જાય. રાઇતી એકલી ખાતી વખતે મરી વીણવાની માથાકૂટ લાગતી હોય તો મરી નાખવાં જરૂરી નથી. રાઇતીના સ્વાદમાં અસલી તત્ત્વો બે જ છેઃ ફીણેલી રાઇ અને વરિયાળી.

કેરીના મોટા ચીરીયા પર ચોંટેલાં રાઇનાં ઝીણાં-પીળાં કુરિયાં ને વરિયાળીનો લાંબો દાણો, તેના રસામાં અથાયેલી ખારેક અને ચીરીયાં વગર ફક્ત તેનો રસો- આ કોઇ મહેમાનની નાસ્તાની ડિશમાં આપી શકાય એવો નાસ્તો નથી. એમને તો થાળીમાં કોરે અથાણા તરીકે જ રાઇતી પીરસવી પડે. પણ સલામતી ખાતર મહેમાનને પૂછી જોવું ખરું કે ‘રાઇતી જમવા સાથે આપું? કે અલગથી લેશો?’ કદાચ એમને પણ રાઇતીનો ‘નાસ્તો’ કરવાની ટેવ હોય ને વિવેકના માર્યા કહી શકતા ન હોય...

Friday, July 22, 2011

ઓગણીસમી સદીનું ખેડાઃ તમાકુ, ભૂંડ, પૂર અને અંગ્રેજોની સૃષ્ટિ

(Kaira/Kheda Map 1879)

અંગ્રેજી શાસનની શરૂઆત પહેલાં ખેડામાં મરાઠા યુગ ચાલતો હતો. ભારે અંધાધૂંધી, લૂંટફાટ અને અવ્યવસ્થા ફેલાયેલાં હતાં. ઓગણીસમી સદીની આરંભના ખેડાને એક અભ્યાસીએ રોમના પતન પછીના મધ્ય યુરોપ સાથે સરખાવ્યું છે. ખેડામાં મરાઠા વહીવટદારોએ મહેસૂલ ઉઘરાવવાની વ્યવસ્થા ગોઠવી હતી. તેના ભાગ રૂપે દેસાઇ, અમીન, મજુમદાર અને પટેલ જેવા હોદ્દાસૂચક શબ્દો મોભા સાથે સંકળાયા અને વખત જતાં હોદ્દામાંથી અટક બની ગયા.

શરૂઆતમાં (1805માં) ખેડાના કલેક્ટર બનેલા અંગ્રેજ અફસર ડીગલે અને તેમના જેવા બીજા કલેક્ટરો મરાઠા પરંપરા પ્રમાણે ગામડાંમાંથી વાર્ષિક મહેસૂલ ઉઘરાવવા માટે સૈન્ય રાખતા હતા અને જરૂર પડ્યે તેનો વિના સંકોચે ઉપયોગ કરતા હતા. ગામ આગળ દાદાગીરી કરીને મનમાની રકમ વસૂલતા માથાભારે ગરાસીયા જમીનદારો તથા ઉઘરાણું કરીને મહીના કોતરોમાં સંતાઇ જતા (મુખ્યત્વે બારૈયા) ડાકુઓ સાથે અંગ્રેજોએ સોદો પાડ્યોઃ જે લોકો સારું વર્તન કરે અને ગામમાંથી ઉઘરાણું બંધ કરે, તેમને વળતર તરીકે અંગ્રેજ સરકાર વાર્ષિક ચૂકવણું કરે. એ સિવાય ગામ પર તેમનો બીજો કોઇ હક નહીં.

જમીનદારીને બદલે નોકરશાહી

અંગ્રેજ વહીવટદારોના આ પગલાની સામાજિક માળખા પર કેવી અસર પડી, તે વિશે અંગ્રેજ અફસર લેલીએ નોંધ્યું છે, ‘1814થી માલિકો અને ગણોતીયા વચ્ચેના સંબંધ મોટા પાયે બદલાઇ ગયા. એક ગરાસીયો બહુ કડવાશથી તેનો મોભો જતો રહ્યો એની ફરિયાદ કરતો હતો...અગાઉ કોઇ કણબી કે વાણિયો સુદ્ધાં રજપૂતી સ્ટાઇલમાં થોભિયા રખાવે કે રજપૂતી સાફો પહેરે તો...એનાં કપડાં ફાડી નાખવામાં આવે અને માર પડે તે અલગ. હવે વાઘરીને કણબીથી કે કણબીને સિપાઇથી જુદા પાડવા અઘરા છે. ઢેડ પણ મૂછે વળ ચડાવીને ગરાસીયાની તલવાર લઇને ઘૂમી શકે છે.’ (આ અવતરણમાં ઐતિહાસિક સંદર્ભ પૂરતા મૂળ જ્ઞાતિસૂચક શબ્દો બદલ્યા નથી. તેમને માત્ર 19મી સદીના ઐતિહાસિક સંદર્ભમાં જોવા-વાંચવા વિનંતી)

માથાભારે ગરાસીયા પછી અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવનાર દેસાઇ, મજુમદાર અને પટેલોનો વારો કાઢ્યો. અંગ્રેજ ગવર્નર નેપીઅને જાહેર કર્યું કે હવેથી ગામમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ દેસાઇ-મજુમદાર-પટેલ નહીં, પણ અંગ્રેજોના પગારદાર તલાટીઓ કરશે. માલિકીની અને પડતર એવી તમામ જમીનોની નોંધણી પણ નેપીઅને ફરજિયાત બનાવી. આ જાહેરાત ભલે ગવર્નરે કરી, પણ તેનો મુસદ્દો 1912માં ખેડાના કલેક્ટર બાયરોમ રોવેલ્સે તૈયાર કર્યો હતો. તેના લીધે મહેસૂલ ઉઘરાવનારા સમુદાયની સત્તા પર સીધી તરાપ વાગી. થોડો સળવળાટ થયો, પણ અંગ્રેજોએ કડક હાથે તે દાબી દીધો.

પાટીદારી દહેજનાં પરિણામ

ખેડા જિલ્લાનો પહેલો સર્વે અંગ્રેજોએ 1820-26 દરમિયાન કર્યો. તેમાં નવેસરથી આકારણી કરવામાં આવી. નવા માળખામાં મરાઠા યુગના દેસાઇ- પટેલ ગયા અને પાટીદારોની બોલબાલા થઇ. પાટીદારોમાં કુલીયા (કુલીન) અને અકુલીયા એવા બે પ્રકાર હતા. કુલીયા પાટીદારના પુત્ર સાથે દીકરી પરણાવીને પોતાનો સામાજિક મોભો ઊંચો લઇ જવાની દોડ 1857ની આસપાસ શરૂ થઇ ચૂકી હતી, એવું 1950ના દાયકામાં ખેડા જિલ્લાનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરનાર ડેવિડ પોકોકે નોંધ્યું છે. એ જમાનામાં રૂ. 1800થી રૂ.3000 જેટલી રકમ દહેજમાં ચૂકવાતી હતી. જોકે, પોતાની પુત્રી ‘ઊંચા’ પાટીદારને ઘેર જાય, એટલે એ કુટુંબના પુત્રોનો ‘ભાવ’ પણ વધી જતો હતો અને છેવટે હિસાબ સરભર કરી શકાતો હતો. ‘દીકરી સાપનો ભારો’ જેવી કહેવતો આ પરિસ્થિતિમાંથી પેદા થઇ હશે.

કુટુંબોને બરબાદ કરતી આકરી દહેજપ્રથાનું એક પરિણામ એ આવ્યું કે નડિયાદ તાલુકામાં 1865માં દર સો પુરૂષો સામે સ્ત્રીઓની સંખ્યા લગભગ 70ની હતી. સૌથી પ્રતિષ્ઠિત પાટીદારી ગામોમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું હતું. 1870ના દાયકામાં બોરસદ તાલુકામાં 6 થી 12 વર્ષના વયજૂથમાં દર 100 છોકરાઓ સામે છોકરીઓ ફક્ત 57 હતી.

ખેડા જિલ્લામાં સામાજિક પરિવર્તનનો અભ્યાસ કરનાર ‘યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ’ના ક્રિસ્પિન બેટ્સ નોંધે છે કે કણબીઓમાં જ્ઞાતિ કરતાં મોભાનું મહત્ત્વ વધારે હતું. પરંપરાગત વર્ણવ્યવસ્થામાં કણબીઓનું સ્થાન નક્કી ન હતું. તેમણે અનુકરણથી પોતાનો દરજ્જો નક્કી કર્યો. એ લોકો વાણીયાઓનું અનુકરણ કરતા હતા ને જમીનમાલિકી તેમનો મોભો હતો. ચરોતરની જમીનમાં તમાકુના રોકડિયા પાકની ખેતી પાટીદારમાં 1850ની આસપાસ ચાલુ થઇ. 1853માં ચરોતરનાં 77 પાટીદારી ગામડાંએ વર્ષે 2,44,600 રૂપિયાની તમાકુ પેદા કરી હતી. 1860ના દાયકામાં ઘણા સમૃદ્ધ પાટીદારોએ જાતે ખેતી કરવાનું બંધ કરીને મજૂરો દ્વારા કામ કરાવવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક તેમની જમીન પાંચ-દસ વર્ષના ભાડાપટ્ટે પણ આપતા હતા. તેમની જમીનમાં કામ કરનારા માણસોમાં સ્થાનિક ઉપરાંત ઠેઠ કાઠિયાવાડથી મજૂરો આવતા હતા. આ રીતે પાટીદાર જમીનમાલિકો સમાજના ઉજળીયાત વર્ગમાં ગણાતા થયા.

તમાકુની તેજી

તમાકુની ખેતી માટે ફાયદાકારક નીવડેલું એક પરિબળ હતું મુંબઇ-અમદાવાદ વચ્ચે 1863માં બંધાયેલી રેલવે લાઇન. તેના પ્રતાપે નડિયાદથી ટ્રેનમાં ફક્ત તેર કલાકમાં મુંબઇ અને દોઢ કલાકમાં અમદાવાદ પહોંચવાનું શક્ય બન્યું. 1864માં ગોધરા લાઇન અને 1891માં વાયા પેટલાદ ખંભાત રેલવે લાઇન પણ તૈયાર થઇ. તેને કારણે તમાકુને વધુ મોટું બજાર મળ્યું અને ખેડા જિલ્લામાં વધુ ને વધુ પ્રમાણમાં તમાકુનું વાવેતર થવા લાગ્યું. ગોરાડુ જમીનમાં તમાકુની ખેતી કરવાનું કામ આર્થિક રીતે સદ્ધર પાટીદારોને જ પોસાય એવું હતુ અને તેમાં મળતર પણ તગડું હોવાથી પાટીદાર સમૃદ્ધ પાટીદારો વધુ સમૃદ્ધ બનવા લાગ્યા. 1865માં નડિયાદ તાલુકાનો રીપોર્ટ આપનાર કેપ્ટન પ્રેસ્કોટે નોંધ્યું છે કે તમાકુના પાકમાં એકર દીઠ રૂ.300નો ચોખ્ખો નફો થતો હતો, જે એકર દીઠ ભરવી પડતી જમીન મહેસૂલ કરતાં વીસથી ત્રીસ ગણો વધારે હતો. ખંભાતથી દરિયાઇ માર્ગે અરબસ્તાન અને તુર્કી સુધી ચરોતરની તમાકુ જતી હતી. તમાકુની આવકની જાહોજલાલી એવી થઇ કે ‘દુનિયામાં નડિયાદથી વધારે સમૃદ્ધ જિલ્લો બીજો એકેય નહીં હોય’ એવું અતિશયોક્તિપૂર્ણ ઉત્સાહથી કહેવાતું હતું.

આ સમૃદ્ધિ જોકે સમાજના ઉપલા વર્ગો અને તેમાં પાછળથી દાખલ થયેલા સમૃદ્ધ પાટીદારો પૂરતી મર્યાદિત રહી. પ્રજાના મોટા વર્ગની હાલતમાં તેનાથી ફરક પડ્યો નહીં. 1872ની વસ્તી ગણતરી પ્રમાણે, કુલ આઠેક લાખની વસ્તીમાંથી માંડ 0.67 ટકા લોકો સરકારી કે મ્યુનિસિપાલિટીની નોકરીમાં હતા. ‘પ્રોફેશનલ’ કહેવાય એવા લોકોની ટકાવારી 0.89 ટકા હતી અને લગભગ 22 ટકા લોકો ખેતી કે ઢોરઢાંખરના કામકાજમાં સંકળાયેલા હતા. એક તો ગરીબી અને એમાં કુદરતી આફતો દુષ્કાળમાં અધિક માસ કે અતિવૃષ્ટિ સાથે વાવાઝોડાની જેમ આવતી રહી.

પૂરનો પ્રલય

સરેરાશ વરસાદ માંડ ત્રીસેક ઇંચ હોવા છતાં અંગ્રેજી શાસનના આરંભથી ખેડામાં પૂરની સમસ્યા વ્યાપક પ્રમાણમાં રહી. 1814થી 1822નાં વર્ષો દરમિયાન પૂરથી મોટા પાયે વિનાશ થયો. 1819માં પૂર આવ્યું ત્યારે ખેડાનાં વસો સહિતનાં અનેક ગામડાં આખેઆખાં પાણીમાં ડૂબી ગયાં હતાં. વસો ગાયકવાડી સ્ટેટનું ગામ હતું અને અંગ્રેજોના હિસાબે તેની વાર્ષિક (મહેસૂલી) આવક રૂ.40 હજારની હતી. પૂરનું પાણી નદીમાં વહી જાય એ માટેની ડ્રેનેજ લાઇન માટે ખેડાના કલેક્ટરે આયોજન કર્યું હતું, પણ તેમની નોંધ પ્રમાણે ગાયકવાડી રાજ અને ખંભાતના રાજ તરફથી યોગ્ય સહકાર મળતો ન હતો.

પૂરનાં પાણીની વિનાશક અસરો નિવારવા માટે અવનવાં પગલાં લેવાતાં અને સંઘર્ષ પણ થતા હતા. 1829માં ભારે વરસાદને પરિણામે કરમસદ અને બાકરોલ જળબંબોળ થઇ ગયાં હતાં. વલાસણના લોકોએ ઊંચો પાળો બનાવેલો હોવાથી પૂરના પાણીનો નિકાલ થતો ન હતો. તેમનો પાળો તોડવા કરમસદ-બાકરોલથી 500 જણની ફોજ ઉપડી. વલાસણના લોકોએ તેમનો પ્રતિકાર કર્યો. સરકારી અહેવાલ પ્રમાણે ત્રણ દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષમાં 12-15 લોકોએ જીવ ખોયા. ત્યાર પછી પાળો તોડવામાં સફળતા મળી.

પૂરથી થતું નુકસાન નિવારવા અંગ્રેજ અધિકારી જોર્ડને વિગતવાર સર્વેક્ષણ કર્યું અને 1831માં રજૂઆત કરી કે ‘સરકાર (ડ્રેનેજ પાછળ) રૂ.12,120 ખર્ચે તો ખેડાની 4304 વીઘાં જમીન પૂરમાંથી ઉગરી શકે એમ છે.’ જોર્ડનની દરખાસ્ત મંજૂર થઇ. એક દાયકા પછી (1842માં) રૂ. 40,000ના ખર્ચે ડ્રેનેજનું કામ પૂરું કરવામાં આવ્યું, ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં 1 પાઉન્ડ બરાબર 10 રૂપિયાનો ભાવ ચાલતો હતો. યોગ્ય સારસંભાળના અભાવે જો કે થોડાં વર્ષ પછી ફરી ડ્રેનેજની સ્થિતિ ઠેરની ઠેર આવી ગઇ.

ગાય-ભેંસ, માખણ અને સાપની છત

મુંબઇ પ્રેસિડેન્સીના ઇલાકાઓની સરખામણીએ ખેડા જિલ્લામાં જંગલોનો અભાવ હતો. છતાં આખા રાજ્યના સૌથી હરિયાળા ઇલાકાઓમાં ખેડાની ગણના થતી હતી. સરકારી ગેઝેટીયરની નોંધ પ્રમાણે, રાયણ અને સીતાફળ એટલાં છૂટથી થતાં હતાં કે એ વેચાતાં નહીં, પણ વહેંચાતાં હતાં. માખણના ધંધામાં ખેડા એ વખતથી આગળ પડતું ગણાતું હતું. 1867-68ની ગણતરી પ્રમાણે ખેડા જિલ્લામાં 49,264 ગાયો અને 1,80,223 ભેંસો હતી. તેમના દૂધમાંથી માખણ બનાવીને દર અઠવાડિયે માખણ બજારમાં વેચવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલતી હતી.

ખેડા જિલ્લામાં એક સમયે ભૂંડનો જબરો ઉપદ્રવ હતો. રખડતાં ફરતાં ભૂંડ ઉભો પાક ખાઇને ભારે તબાહી મચાવતાં હતાં. સરકારી નોંધ પ્રમાણે, 1830માં ઉમરેઠમાં છ-સાત હજાર ભૂંડ હતાં, જે તમાકુ સિવાયના બધા પાક ખાઇ જતાં હતાં. તેમનો ત્રાસ એટલો વધી ગયો કે સમૃદ્ધ લોકોએ દેવીપૂજક સમુદાયના લોકોને રોક્યા. એ લોકો ભૂંડને ગાડામાં ભરીને ગામથી દૂર મૂકી આવતા હતા. જિલ્લામાં કોબ્રા અને ફુર્સા પ્રકારના ઝેરી સાપની મોટી વસ્તી હતી. (અંગ્રેજ બચ્ચાઓએ સાપની વસ્તી ગણતરી કરી નથી. બાકી એમનું ભલું પૂછવું)

ઝેરી સાપની સંખ્યાને અંકુશમાં લેવા માટે પહેલી વાર 1856માં સાપ મારનારને સરકાર તરફથી ઇનામ આપવાનું ઠરાવવામાં આવ્યું. પહેલાં કોબ્રાને મારવાના બાર આના અને સાદા સાપને મારવાના આઠ આના અપાતા હતા. પછીનાં વર્ષોમાં ઇનામ વધવાને બદલે ઘટતું ગયું- કોબ્રાના બારમાંથી સીધા ચાર આના અને બીજા સાપના બે આના. ઝેરી સાપના દંશથી વર્ષે ચાળીસ-પચાસ માણસો મૃત્યુ પામતા હતા. 1876માં એ સંખ્યા ઘટીને 25 અને 1877માં 19 થઇ. સામે, માણસોએ 1876માં 259 સાપ મારી નાખ્યા હોવાનું નોંધાયું છે.

ધર્મ પ્રમાણે વસ્તીઃ ખ્રિસ્તી ધર્મપ્રચારનો આરંભ

1846ની વસ્તી ગણતરી પ્રમાણે ખેડાની કુલ વસ્તી 5.66 લાખ હતી. તેમાં 5.14 લાખ (90 ટકા) હિંદુ અને 51,938 (9.16 ટકા) મુસ્લિમ. 10 ખ્રિસ્તી અને 7 પારસીની પણ વસ્તીમાં નોંધ છે. 1872ની ગણતરી વખતે કુલ વસ્તી વધીને 7.82 લાખ થઇ, પણ હિંદુ-મુસ્લિમ પ્રમાણમાં કશો ફરક ન પડ્યો. હિંદુઓ 7.11 લાખ (90 ટકા) અને મુસ્લિમો 70,741 (9.04 ટકા). ખ્રિસ્તીઓ અને પારસીઓની સંખ્યા વધીને અનુક્રમે 305 અને 68 થઇ. ખેડામાં અંગ્રેજો સિવાયની ખ્રિસ્તી વસ્તી માટે બે કલાલ જવાબદાર હોવાનું સરકારી ગેઝેટીયરમાં નોંધાયું છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ‘બે કલાલોએ સુરતના ખ્રિસ્તી મિશનરીઓને કહ્યું કે મહીકાંઠાના ઘણા લોકો ખ્રિસ્તી બનવા તૈયાર છે. એ જાણીને સુરતથી બે મિશનરીઓ પહેલાં વડોદરામાં આવ્યા, પણ ત્યાં વિરોધ થતાં એ ગાયકવાડી વડોદરા છોડીને બ્રિટિશ ખેડામાં આવી ગયા. દેહવાણમાં એ ફાવ્યા નહીં, પણ બોરસદમાં રેવરન્ડ જે.વી.એસ.ટેલર 28 વર્ષ સુધી રહ્યા. તેમની નિષ્ઠાથી બોરસદમાં અને આણંદનાં ગામડાંમાં ખ્રિસ્તી ધર્મીઓની સંખ્યામાં વધારો થયો. આયરીશ પ્રેસ્બીટેરીયન મિશનના 1878ના અહેવાલમાં ટાંકેલા આંકડા પ્રમાણે, મિશનની 1878ની વસ્તી ગણતરીમાં ગુજરાત અને કાઠિયાવાડમાં 1,740 ખ્રિસ્તી હતા. તેમાંથી 67 ટકા (1,166) ફક્ત ખેડા જિલ્લામાં હતા.

હિંદુઓમાં વૈષ્ણવોનું પ્રમાણ 70 ટકા હતું. મુસ્લિમોમાં 96 ટકા સુન્ની હતા. સ્ત્રી-પુરૂષ ગુણોત્તરની વાત કરીએ તો, આખા જિલ્લામાં હિંદુઓમાં 100 પુરૂષ દીઠ 86 સ્ત્રીઓનું અને મુસ્લિમોમાં 92 સ્ત્રીઓનું પ્રમાણ હતું. આ અરસામાં ઘર અને ગાડાંની સંખ્યામાં પણ વધારો થયો. દોઢ લાખ ઘરમાંથી 2.18 લાખ ઘર થયાં અને ગાડાં 20,894માંથી 29,110 થયાં.

વીસમી સદીના અંત સુધીમાં પરદેશ જવાના ઉધામા અને એન.આર.આઇ. પ્રજા માટે જાણીતું ખેડા બસો વર્ષ પહેલાં એવી રીતે ઓળખાતું હતું કે 'અહીંના લોકો ગમે તેવી સારી તક મળે તો પણ પોતાનો જિલ્લો છોડીને જવા તૈયાર નથી.' આ માહિતી ખેડાના કલેક્ટરે કલેક્ટરે 1855માં મુંબઇ પ્રાંતની સરકારને ફરિયાદ તરીકે જણાવી હતી. હવેના કોઇ કલેક્ટરને રીપોર્ટ કરવો હોય તો એ કદાચ કહી શકે, 'અહીં ગમે તેવી સમૃદ્ધિ કે સારી તક હોય તો પણ અહીંના લોકો પોતાના જિલ્લામાં રહેવા તૈયાર નથી.'

Wednesday, July 20, 2011

ગુરૂ ભ્રમમાં, ગુરૂ વિષાણુ...

(નોંધઃ ઉપરનું મથાળું અમુક પ્રકારના ગુરૂઓને સમર્પીત છે. બાકીના ગુરૂઓએ - અને ખાસ તો તેમના શિષ્યોએ- દુઃખી થવું નહીં. જેમને ખાતરી હોય કે આ મથાળું તેમના ગુરૂને લાગુ પડે જ છે, તેમને હાર્દિક શુભેચ્છા.)

આ વખતની ગુરૂપૂર્ણિમા તો ગઇ, પણ ગુરૂઓના વધુ પ્રકારો વિશે જાણી રાખેલું હશે તો આવતી ગુરૂપૂર્ણિમાએ પણ કામ લાગશે. એવી પવિત્ર ભાવનાથી, ગયા અઠવાડિયાનો સિલસિલો આગળ વધારતાં, આધુનિક યુગમાં ગુરૂઓના કેટલાક વધુ પ્રકાર.

પાર્ટટાઇમ ગુરૂ

ગુરૂ-શિષ્ય પરંપરાના પ્રેમીઓને ગુરૂ આગળ ‘પાર્ટટાઇમ’ જેવું વિશેષણ લગાડવું ન ગમે, પણ છૂટકો નથી. સવારે પોતે ટ્યુશન ક્લાસમાં ભણીને, સાંજે એ જ ટ્યુશનક્લાસમાં ભણાવતા જણને ‘પાર્ટટાઇમ ગુરૂ’ નહીં તો બીજું શું કહીએ? બોલવામાં એ શબ્દપ્રયોગ અજૂગતો લાગતો હોય તો તેમને (‘બાળમજૂર’ની જેમ) ‘વિદ્યાર્થીગુરૂ’ જેવું ઠાવકું લેબલ આપી શકાય, જેનો સંધિવિગ્રહ થાયઃ વિદ્યાર્થી-કમ-ગુરૂ. આવા ગુરૂ પ્રત્યે પૂર્ણિમાના દિવસે આદરભાવ પ્રગટ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે દિવસના એ પહોરે તે શિષ્યની ભૂમિકામાં પોતાના ફુલટાઇમ ગુરૂને શોધતા ન હોય.


વિઝિટિંગ ગુરૂ

ઘણી કોલેજોમાં ફુલટાઇમ અધ્યાપકો રાખવા ન પડે એ માટે વિઝિટિંગ અધ્યાપકોથી ગાડું ગબડાવવામાં આવે છે. આ એક એવી આદર્શ વ્યવસ્થા છે જેમાં ‘સર્વે ભવન્તુ સુખીના’નો ઉચ્ચ આદર્શ જળવાય છેઃ મેનેજમેન્ટ કાયમી અધ્યાપકને આપવા પડતા તગડા પગારના રૂપિયા બચાવીને રાજી થાય છે, વિઝિટિંગ ફેકલ્ટી- ખાસ કરીને બીજે ક્યાંય અધ્યાપક ન હોય એવી ફેકલ્ટી- પોતાના અધ્યાપક-સ્વરૂપની ‘હોઉં તો હોઉં પણ ખરો’ પ્રકારે ’કીક’ અનુભવે છે. બાકી રહ્યા વિદ્યાર્થીઓ (હા, શિક્ષણક્ષેત્રે વહીવટી આયોજન કરતી વખતે ઘણી વાર વિદ્યાર્થીઓ જ બાકી રહી જતા હોય છે. તેમની યાદ આવતાં આયોજનબાજ આચાર્યો અને અધ્યાપકો કટાણું મોં કરીને બોલી ઉઠે છે, ‘આ વિદ્યાર્થીઓ બહુ નડે છે. એ ન હોય તો કામ કરવાની કેટલી મઝા આવે.’)

વિદ્યાર્થીઓ કાયમી અધ્યાપકને બદલે ‘યાયાવર’ કે ‘મુલાકાતી’ અધ્યાપકની ગોઠવણથી ‘હાશ’ અનુભવે છે- એટલા માટે નહીં કે તેમનું ભણવાનું સચવાઇ ગયું. ખરૂં કારણ છેઃ કાયમી અધ્યાપકના ક્લાસ બન્ક કરવાથી કદાચ મનમાં થોડી ચચરાટી-ગિલ્ટ પેદા થવાની શક્યતા રહે, પણ વિઝિટિંગ ફેકલ્ટી માટે એવો કોઇ ચાન્સ નહીં. કોલેજમાં પેટ્રોલ બળે એ પોસાય, પણ જીવ ન બળવો જોઇએ.


કમ્પ્યુટર ગુરૂ

સામાન્ય રીતે ગુરૂની ઉંમર વધારે અને શિષ્ય વયમાં નાનો હોય, પણ આ પ્રકારમાં એ ક્રમ ઉલટાઇ જાય છે. શારીરિક યુવાની વટાવી ચૂકેલા પણ માનસિક રીતે યુવાન એવા લોકો કમ્પ્યુટર શીખવાનો દૃઢનિશ્ચય કરે ત્યારે તેમના પક્ષે જિજ્ઞાસા કરતાં પણ વધારે જરૂર નમ્રતાની પડે છે. પોતાનાથી અડધી કે ત્રીજા ભાગની ઉંમરના છોકરડા પાસેથી ‘એકડિયું, બગડીયું’ શીખવાનું કામ લાગે છે એટલું સહેલું નથી. ‘આટલી સમજ નથી પડતી?’ ‘અરે, માઉસને પકડી રાખવાથી કશું ન થાય. ક્લિક કરો ક્લિક..આટલા ગભરાવ છો શું કામ? ક્લિક કરવાથી ધડાકો નહીં થાય.. કરો ક્લિક.’, ‘અરેરે, મેં વિન્ડો બંધ કરવાનું કહ્યું તો તમે ઇન્ટરનેટ જ ડિસકનેક્ટ કરી નાખ્યું.’ – આ પ્રકારના ઠપકા સાંભળતી વખતે ‘ધોળામાં ધૂળ’નો અહેસાસ ન થાય, તે જ કમ્પ્યુટર શીખી શકે. એવા ‘શિષ્યો’ ગુરૂપૂર્ણિમા નિમિત્તે પોતાના કમ્પ્યુટર-ગુરૂને કમ્પ્યુટરનો તેમણે નહીં શીખવેલો એકાદ નવો દાવ બતાવીને ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી શકે.


ગુરૂ ‘ડ્રોન’ ઉર્ફે ટીવી ગુરૂ

મહાભારતના જમાનામાં ટીવી શોધાયું ન હતું – અથવા ટીવીનો ફક્ત એક જ પીસ હતો, જેની પરથી જોઇને સંજય યુદ્ધની રનિંગ કોમેન્ટ્રી ધૃતરાષ્ટ્રને સંભળાવતો હતો- ત્યારે એકલવ્યોની હાલત બહુ ખરાબ હતી. તેમણે ગુરૂની મૂર્તિઓ સ્થાપીને તેમનું ધ્યાન ધરીને વિદ્યાકીય તપશ્ચર્યા કરવી પડતી હતી. હવે ટીવીની જમાનામાં તનના ખોરાકથી મનના ખોરાક સુધીની, યોગથી રસોઇ સુધીથી અનેક ચીજો ટીવી પર શીખવનારા ગુરૂઓ મોજૂદ છે. આ ગુરૂઓ એવા છે, જે પોતાના શિષ્યોને ઓળખતા નથી, પણ શિષ્યો તેમને ગુરૂભાવે ભજે છે. નવા જમાના પ્રમાણે તેમના માટે ગુરુ ‘દ્રોણ’ કરતાં ગુરૂ ‘ડ્રોન’ની ઉપમા વધારે બંધબેસતી લાગે. કારણ કે અમેરિકાનાં અમાનવ ડ્રોન વિમાનો આકાશમાંથી બોમ્બ વરસાવીને ત્રાસવાદી-બિનત્રાસવાદી સૌને ઢાળી દે છે. કંઇક એવી જ રીતે ટીવી પરના ગુરૂ ‘ડ્રોન’ને સામે કોણ સાંભળશે તેની પરવા કર્યા વિના- અને સાંભળીને સેંકડો લોકો પ્રભાવિત થઇ જશે એવી માન્યતા સાથે- કામ કરવાનું હોય છે. પરંતુ ડ્રોનના હુમલાની જેમ ગુરૂ ડ્રોનની અકસીરતાનો આંક પણ ઊંચો હોય છે. તેમના શિષ્યો મોટી સંખ્યામાં હોય છે. એવા શિષ્યો ગુરૂપૂર્ણિમાના દિવસે ટીવી ચાલુ કર્યા પછી, ટીવી સ્ક્રીન પર જામેલી ધૂળને ગુરૂની ચરણરજ ગણીને માથે ચડાવી શકે છે. એ ન ફાવે તો (અગાઉ રેડિયોને રાખડી બાંધવામાં આવતી હતી તેમ) ટીવી સ્ક્રીનને હારતોરા કરીને એ ગુરૂને પહોંચશે એવી શ્રદ્ધા રાખી શકાય છે. જરૂર ફક્ત રાહ જોવાની છે. થોડાં વર્ષોમાં ડ્રોન ગુરૂઓ પોતે જ પોતાની ચેનલો પર ગુરૂપૂર્ણિમાના દિવસે ઘરે બેઠાં ભેટ કેવી રીતે મોકલાવી શકાય તેની વ્યવસ્થા કરતા થઇ જશે.

એકપક્ષી ગુરૂ

ગુરૂ અને શિષ્ય, જાણીતી ઉપમા વાપરીને કહીએ તો, એક સિક્કાની બે બાજુ જેવા હોય છે. જેનો કોઇ શિષ્ય ન હોય તેને ગુરૂ કોણ ગણે? અને જેને કોઇ ગુરૂ ન હોય તે કોનો શિષ્ય કહેવાય? પણ સ્કૂલના અને ખાસ તો કોલેજના કેટલાક શિક્ષકો-અધ્યાપકો આ બાબતમાં અપવાદ છે. તેમની સરખામણી ટંકશાળમાંથી નુકસાની માલ તરીકે નીકળેલા સિક્કા સાથે કરી શકાય, જેની એક બાજુ કોરી અથવા અસ્પષ્ટ હોય. આ પ્રકારના શિક્ષકો-અધ્યાપકો અત્યંત સ્વાવલંબી હોય છે. કોઇ શિષ્ય તેમને ગુરૂપદ આપે કે ન આપે, તે પોતે, સેલ્ફ ફાઇનાન્સ્ડ કોલેજોમાં મગાતા તગડા ડોનેશન જેટલી સાહજિકતા અને બેશરમીથી, ગુરૂપદ માગી લે છે.

આ પ્રકારના ગુરૂ ‘ફલાણો? એ તો આપણો વિદ્યાર્થી.’ ‘ઢીકણો? એ આપણો શિષ્ય.’ એવા ઉદગારો હેલિકોપ્ટરોમાંથી વરસતાં ફૂડપેકેટની જેમ, તે ઝીલાય કે ન ઝીલાય તેની પરવા કર્યા વિના, ફેંક્યે રાખે છે. જાહેરમાં કે પ્રવચનોમાં તે એવા ખીલી ઉઠે છે કે પોતાના એકપક્ષી ગુરૂપદની જાળમાં મોટાં માછલાંને પણ લપેટી લે છે. એ બિનધાસ્ત કહી શકે છે, ‘આ શાહિદ કપૂર આપણો ચેલો. આપણી કોલેજમાં જ હતો. એને એક્ટિંગના રસ્તે મેં જ ધકેલ્યો. એક વાર કંઇક તોફાન કર્યું ત્યારે મેં એને એક લાફો ચઢાવી દીધો હતો. પણ આજેય રસ્તામાં મળે ત્યારે પગે લાગે.’ અથવા ‘આ તમારો...શું નામ....શાહરૂખખાન- કોલેજોમાં હતો ત્યારે એના મોઢા પર માખ પણ ના ઉડે. કેટલી વાર મેં એને મારા ક્લાસમાંથી ગેટ આઉટ કર્યો હશે. પણ હજુ મળે ત્યારે ‘સર..સર’ કહીને વાત કરે.’ આ દાવાની હાંસી ઉડાવવાને બદલે સમભાવપૂર્વક વિચારતાં તેમાં રહેલી સચ્ચાઇ સમજી શકાશેઃ ‘શાહીદ કે શાહરૂખ મળે ત્યારે બધું જ કરે, પણ એ મળે છે ક્યાં?’

આ પ્રકારના ગુરૂઓને ગુરૂપૂર્ણિમાના દિવસે જ મળવું એવું કોઇ બંધન નથી. હોળી પર કે નવરાત્રિમાં કોઇ શિષ્ય લાઇટબિલ ભરવાની લાઇનમાં કે બેન્કમાં મળી જાય, તો છૂટા પડ્યા પછી ગુરૂ કહેશે,’ ‘આપણો ચેલો હતો. અત્યારે ફલાણી કંપનીમાં બહુ મોટી પોસ્ટ પર છે. બિચારો ગુરૂપૂર્ણિમા વખતે બહુ બીઝી હતો. એટલે ખાસ અત્યારે કેટલા પ્રેમથી મળ્યો. એ તો પગે લાગવા જતો હતો, પણ મેં એને રોકી લીધો અને કહ્યું, હવે તો આપણે મિત્ર કહેવાઇએ, દોસ્ત.’

Tuesday, July 19, 2011

વિસ્ફોટ પછી: ઉશ્કેરાટ, ઉભરો અને વિચાર

મુંબઇમાં થયેલા ત્રણ વિસ્ફોટો પછી સાંભળવા મળેલો એક ચોટદાર મેસેજ હતોઃ ‘તમે કસાબને સજા ન આપી શકો તો કંઇ નહીં, અમને કસાબની જેમ સલામતીપૂર્વક જીવવા તો દો!’

ખુલ્લેઆમ અનેકોની હત્યા કરનાર કસાબ જેવો ત્રાસવાદી જીવતો પકડાયો હોય, તેની ખૂની હરકતોનાં વિડીયો ફૂટેજ અને બીજા પુરાવા હોય, છતાં યથાયોગ્ય કાનૂની કાર્યવાહી કરીને તેને વેળાસર સજા ન મળે, ત્યારે ન્યાયપ્રણાલિની અસરકારકતા અને સરકારી તંત્રની દાનત વિશે ગંભીર સવાલ ઉભા થાય છે.

કસાબ જેવા સીધા-સ્પષ્ટ કિસ્સામાં કાનૂની રાહે દાખલો બેસાડવાની કે ધાક જમાવવાની તક ચૂકી જનારી સરકાર, જેમાં ઝડપથી કશા સગડ મળતા ન હોય એવા બોમ્બવિસ્ફોટમાં શું અને કેવું ઉકાળશે, એ ધારી શકાય એમ છે.


એકધારી એકવિધતા

મુંબઇમાં અને ભારતમાં થતા બોમ્બવિસ્ફોટનો જાણે એક નક્કી ઘટનાક્રમ થઇ ગયો છેઃ વિસ્ફોટ, નિર્દોષ નાગરિકોની જાનહાનિ, આર્થિક નુકસાન, શરૂઆતી પ્રત્યાઘાત તરીકે અરેરાટી- રોષ-ઝનૂનનો ઉભરો, ‘પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઇએ’ પ્રકારની નાદાન નારાબાજી, રાજકીય-ભૌગોલિક પરિસ્થિતિ અવગણીને અપાતા અમેરિકા-ઇઝરાઇલના લોકરંજની દાખલા, રાજકીય પક્ષો દ્વારા માત્ર ને માત્ર રાજકીય હિતો સાધવા માટે થતાં નિવેદનો, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે એકબીજા પર થતાં દોષારોપણ, ‘અમે તો પહેલેથી ચેતવણી આપી હતી’ એવી એકાદ ગુપ્તચર સંસ્થાની જાહેરાત, ઇન્ડિયન મુજાહિદ્દીન કે લશ્કર-એ-તૈયબા જેવા એકાદ ત્રાસવાદી સંગઠન ભણી આંગળીચીંધામણું, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)નું દિલ્હીથી દોડી આવવું, ‘કંઇક કરવું પડશે’ના નામે થતી બેઠકો-દૃઢ નિશ્ચય વગરની જાહેરાતો અને છેવટે બીજો બોમ્બવિસ્ફોટ થવાની પ્રતિક્ષા.

આ ઘટનાક્રમમાં ન સરકાર તરફથી ફેરબદલી થાય છે, ન તો વિપક્ષો આ દિશામાં નક્કર કામગીરી કરવા માટે સરકાર પર દબાણ લાવે છે. સત્તાપક્ષ અને વિપક્ષો સૌને પોતાનાં રાજકીય હિતની જાળવણીથી વધીને કશું જ વહાલું નથી- પછી તે કૌભાંડોથી ખદબદતી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર હોય કે ભ્રષ્ટાચાર-નૈતિકતાના-નાગરિક નિસબતના મામલે સત્તાપક્ષ જેવી જ મથરાવટી ધરાવતા વિપક્ષો.એટલે જ મુંબઇ બોમ્બવિસ્ફોટના પગલે રાહુલ ગાંધી નિષ્ફળતા સ્વીકારવાને બદલે ‘૯૯ ટકા બનાવો ટાળી શકાય છે’ એવાં સફળતાંનાં બણગાં ફૂંકે છે અને ઠાકરેમંડળી લગે હાથ ઉત્તર પ્રદેશ-બિહારના લોકોને અડફેટે લઇ લે છે.


ત્રાસવાદીઓઃ મુસ્લિમોના મોટા દુશ્મન

છેલ્લા થોડા સમયથી ‘આ બોમ્બધડાકા ગુજરાતમાં થયેલી કોમી હંિસાના જવાબરૂપે હતા’ એવું પણ સંભળાઇ રહ્યું છે. ત્રાસવાદી સંગઠનો ભારતીય મુસ્લિમોને ગેરરસ્તે દોરવા માટે આવું કહી નાખે, તો પણ ભારતીય મુસ્લિમોએ ત્રાસવાદીઓને પોતાના હમદર્દ ગણવાની જરૂર નથી અને તેમની આ છેતરપીંડીથી બચવા જેવું છે.

ધારો કે મુંબઇ સહિત દેશના વિવિધ ભાગોમાં થતા બોમ્બધડાકા, ત્રાસવાદીઓ કહે છે તેમ ‘ગુજરાતની હિસાના બદલા તરીકે’ હોય તો. એ ધડાકા પાછળનું કારણ થયું. કારણ આપવાથી કૃત્ય વાજબી ઠરી જતું નથી. ‘મને ફલાણાભાઇ પર બહુ ગુસ્સો ચડ્યો હતો, એટલે મેં તેમનું ખૂન કરી નાખ્યું’ એવું કોઇ કહે તો તેની વાતમાં ‘ગુસ્સો’ એ કારણ છે, પણ એ કારણના લીધે તેમણે કરેલું ખૂન વાજબી ઠરી જતું નથી. કારણ/રીઝન અને વાજબીપણું/જસ્ટિફિકેશન સાવ જુદી બાબતો છે. બન્ને વચ્ચે મોટો ફરક છે. એ ન સમજીએ- ન સ્વીકારીએ તો, ૨૦૦૨માં ગુજરાતમાં થયેલી મુસ્લિમવિરોધી હિસાને પણ વાજબી ગણવી પડે. કેમ કે, તેના માટે પણ કારણ- ગોધરામાં કારસેવકોની હત્યા- હતું.

ખરેખર તો ભારતમાં બોમ્બધડાકા કરતા ત્રાસવાદીઓ ભારતીય મુસ્લિમોના સૌથી મોટા દુશ્મન છે. કારણ કે તે વારેઘડીએ બહુમતી ભારતીય મુસ્લિમોને શંકાના ઘેરામાં ધકેલી દે છે. તેમાંથી કેટલાકને તે ઇસ્લામ અને જેહાદના નામે ઊઠાં ભણાવીને ત્રાસવાદ ભણી વાળવામાં સફળ થાય છે. કટ્ટર- ધર્મઝનૂની તત્ત્વો સંખ્યાબંધ મુસ્લિમોને ખૂણામાં ધકેલવા અને ગમે તે રીતે તેમને પોતાના શરણે લાવવા પ્રયત્નશીલ હોય છે. આવાં મુસ્લિમ કટ્ટર તત્ત્વોને સૌથી મોટા સહાયક છેઃ હિદુ કટ્ટર તત્ત્વો. કટ્ટર-ધર્મઝનૂની મુસ્લિમો અને અંતિમવાદી હિદુઓનો આશય એક જ છેઃ સામાન્ય હિદુઓ અને મુસ્લિમો વચ્ચે અંતર સર્જાવું જોઇએ અને તેમને લાગવું જોઇએ કે કટ્ટરવાદીઓ જ આપણા અસલી રક્ષણહાર છે.

સામાન્ય પ્રજા એકબીજા સાથે સીધા સંપર્કમાં હોય ત્યાં સુધી એકમેક વિશે બહુ શંકાઓ હોતી નથી. પરંતુ કટ્ટર તત્ત્વોના સતત કુપ્રચાર, વિભાજનનું રાજકારણ ખેલતા નેતાઓનાં ભડકાવનારાં ભાષણ અને ત્રાસવાદી હુમલા જેવા બનાવોની અસર પડ્યા વિના રહેતી નથી. આ બધાં પરિબળોના સરવાળે સામાન્ય હિદુ-મુસ્લિમો એકબીજાથી વઘુ ને વઘુ દૂર થતા જાય છે. એકબીજા સાથે સહજતાથી સંપર્કમાં રહેવાને બદલે, તે એકબીજા વિશે ધારણા બાંધતા અને અવિશ્વાસ મુકતા થઇ જાય છે.

આ એક વિષચક્ર છે: અવિશ્વાસ- ભૌગોલિક અંતર- માનસિક અંતર- તેમાંથી નીપજતો વઘુ અવિશ્વાસ અને દુર્ભાવ. આ વિષચક્રની આગમાં ધર્મઝનૂનીઓ અને નેતાઓ સતત પેટ્રોલ નાખતા રહે છે, જેથી કોમોનું ધ્રુવીકરણ થાય અને ચૂંટણી વખતે તેનો શક્ય એટલો ફાયદો લઇ શકાય. આ વિષચક્ર શરૂ થયા પછી બન્ને પક્ષે ઉદારમતવાદીઓનું જે થોડુંઘણું ઉપજતું હોય તે પણ ઓછું થવા માંડે છે. ‘રાષ્ટ્રવાદ’ના બિલ્લા લગાડીને ફરતા હિદુ કટ્ટરપંથીઓ શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વની વાત કરતા હિદુઓને ‘સ્યુડો-સેક્યુલરિસ્ટ’, ‘દેશદ્રોહી’ ગણાવીને તેમના વિશે ધિક્કાર ફેલાવે છે. તો ઉદારમતવાદી મુસ્લિમોને ‘ઇસ્લામકા દુશ્મન’ અને ‘કાફિર’ ગણીને તેમને હડઘૂત કરવામાં આવે છે.

વિષચક્ર એક વાર ચાલુ થઇ જાય પછી તેને અટકાવવાનું કામ સતત અને લાંબા ગાળાનું છે. તેમાં રાજકીય પક્ષો અને રાજકીય વિચારધારાઓને વચ્ચે લાવવાથી કામ થતું નથી- કામ બગડે છે. આ પ્રજાનો-નાગરિકોનો મામલો છે. નાગરિકોએ નેતાઓ પર દબાણ લાવવા માટે, તેમને જાગતા-દોડતા કરવા પક્ષાપક્ષી છોડીને એકજૂથ થવું પડે. ભૂતકાળમાં સુરક્ષા માટે અપાયેલાં વચન અને તેમાં થયેલી કામગીરીનો નેતાઓ પાસેથી હિસાબ માગવો પડે. વચન પ્રમાણે કામ કેમ નથી થયું, એના ખુલાસા માગવા પડે. પરંતુ નાગરિકો પક્ષીય વફાદારીમાં વહેંચાયેલા રહે તો નેતાઓને ફાવતું જડે છે. કેમ કે, તેમની અને તેમના પક્ષોની વિચારધારા કેવળ પોતાના ફાયદા માટે હોય છે- પછી તે કોંગ્રેસનું સગવડીયું-સડેલું સેક્યુલરિઝમ હોય કે ભાજપનો તકલાદી-કોમવાદી રાષ્ટ્રવાદ.


પાકિસ્તાન પર હુમલો : ખરેખર?

ભારતમાં ક્યાંય પણ ત્રાસવાદી હુમલો થાય, એટલે એક સમુદાય ‘યુદ્ધ! યુદ્ધ!’ના પોકાર પાડવા બેસી જાય છે. પાકિસ્તાન વર્ષોથી ભારત સામે ત્રાસવાદ ફેલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે એ હકીકત છે. ત્રાસવાદી હુમલો થાય અને વળતી કાર્યવાહી તરીકે સરકાર કશું ન કરી શકે એટલે તેની સામે રોષ ચડે, તે પણ સ્વાભાવિક છે. પરંતુ ‘પાકિસ્તાન સામે યુદ્ધ’નો વિકલ્પ કોઇ રીતે સમજી શકાય એવો નથી- સિવાય કે યુદ્ધને કોઇ વિડીયોગેમ સમકક્ષ ગણતું હોય!

‘પાકિસ્તાન સાથે યુદ્ધ’ વિશે વિચારતાં પહેલો પ્રશ્ન એ થાય કે પાકિસ્તાન એટલે શું અથવા કોણ? સરકાર? આઇ.એસ.આઇ.? લશ્કર? (પાકિસ્તાનની ધરતી પર જ બોમ્બધડાકા કરી રહેલા) આતંકવાદીઓ-ધર્મઝનૂનીઓ? ભારતવિરોધી ત્રાસવાદી જૂથો? તાલિબાન? ે નાગરિકો? અને પાકિસ્તાનમાં આ બધાને અલગ કેવી રીતે પાડવા?

ભારતમાં ત્રાસવાદ ફેલાવવા માટે આઇ.એસ.આઇ.-લશ્કર- ભારતવિરોધી કટ્ટરતાવાદી જૂથો અને અમુક અંશે ધર્મઝનૂનીઓ મુખ્ય ભાગ ભજવે છે. પાકિસ્તાની સરકારના તેમાં છૂપા આશીર્વાદ હોય છે. આ લોકોની સાંઠગાંઠ લશ્કરી હુમલાથી શી રીતે તૂટી શકે? અને સૌથી મોટો સવાલઃ લશ્કરી હુમલો કરવો ક્યાં કે જેથી ભારતમાં ત્રાસવાદ ઓછો થાય?

ધારો કે પાકિસ્તાનમાં અમુક ઠેકાણે ભારતવિરોધી ત્રાસવાદી જૂથના અડ્ડા છે એવી જાણ થાય, તો પણ લશ્કરી હુમલો કરવાનો વિચાર મૂર્ખામીભર્યો છે. કારણ કે, એ કામ જાસૂસો દ્વારા ખાનગી રાહે પૂરું થઇ શકે એવું છે. પાકિસ્તાનમાં ભારતવિરોધી ત્રાસવાદી જૂથોના અડ્ડા પર જાસૂસો ભાંગફોડ કરે કે ત્રાસવાદીઓને લાગમાં લઇને પતાવી દે, તો એમાં ભારત સરકાર વચ્ચે આવતી નથી અને તેને કશાના ખુલાસા કરવાના રહેતા નથી. આ પ્રકારના ‘પ્રોક્સી વોર’ની મોટી મર્યાદા એ છે કે તેમાં સરકાર સત્તાવાર રીતે જશ લઇ શકતી નથી. એટલે પાકિસ્તાનને પાઠ ભણાવવાની ‘ગર્જનાઓ’ કરનારાને સંતોષી શકાય નહીં.

પાકિસ્તાન સાથે યુદ્ધ ખેલી લેવાની ઇચ્છા ધરાવતા સૌ એ હકીકત ભૂલી જાય છે કે હવે ભારત-પાકિસ્તાન પૂર્ણ કદની અને એકબીજાથી બિલકુલ ઉતરતી નહીં એવી પરમાણુ સત્તાઓ છે. તેમની વચ્ચે છૂપું-આડકતરું યુદ્ધ જ થઇ શકે (જેની એક રીત ઉપર જણાવી છે.) પરમાણુ સત્તા હોવાને કારણે પાકિસ્તાનને ભારતમાં ત્રાસવાદ ફેલાવવાનું લાયસન્સ નથી મળી જતું અને ભારતે પાકિસ્તાની ત્રાસવાદી જૂથોની હરકતો મૂંગા મોંએ સહી લેવી, એવું પણ ન હોઇ શકે. પરંતુ ભારતીય લશ્કર પાકિસ્તાન પર હુમલો કરીને તેને ચપટીમાં ચોળી નાખશે, એવો ‘રાષ્ટ્રવાદી’ (શેખચલ્લીછાપ) ખ્યાલ છોડી દેવો પડે.

સાથોસાથ, એ પણ જાણવું અને સમજવું પડે કે પાકિસ્તાનનો મોટો હિસ્સો હવે પાકિસ્તાની સરકારના કાબૂમાં નથી. ધર્મના નામે ને જેહાદના બહાને ગેરરસ્તે દોરવાતા અનેક લોકો પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં આવે છે, ત્રાસવાદી બને છે અને ભારત ઉપરાંત પાકિસ્તાન અને બીજા અનેક દેશોમાં ત્રાસવાદ ફેલાવે છે. એટલે આંતરરાષ્ટ્રિય સ્તરે ‘પાકિસ્તાનવિરોધી’ને બદલે ‘ત્રાસવાદવિરોધી’ કાર્યવાહી માટે મત કેળવવો પડે, મદદ-સહયોગ મેળવવાં પડે.

આ મુદ્દે અત્યાર લગી સરકાર આશ્વાસન અને હૈયાધારણથી વધારે કશું મેળવી શકી નથી. બીજું તો ઠીક, ઘરઆંગણે જુદી જુદી ગુપ્તચર સંસ્થાઓના સંકલન જેવી પ્રાથમિક બાબતોમાં આટઆટલા ધડાકા પછી દુરસ્તી થઇ નથી. નેશનલ ઇન્ટેલીજન્સ ગ્રીડ અને નેશનલ કાઉન્ટર-ટેરરિઝમ સેન્ટર જેવાં અગાઉના વિસ્ફોટો વખતે અપાયેલાં વચનો મહદ્‌ અંશે પોલાં નીવડ્યાં છે. તેની પર કશો અમલ થયો નથી. નાગરિકસુરક્ષા અને દેશહિતના આ મુદ્દે કોઇ શાસક પક્ષ સહિત કોઇ રાજકીય પક્ષે, એકબીજા ભણી આંગળી ચીંધીને બેસી રહેવાને બદલે આગેવાની લઇને કશું રચનાત્મક કામ કર્યું હોય એવું જાણવા મળતું નથી. ગુજરાત જેવા ઠેકાણે આતંકવાદવિરોધની મોટી વાતો કર્યા પછી પણ હુમલા થાય ત્યારે, વાસ્તવિકતા સ્વીકારવાને બદલે, ઘણી વાર ગુંડાઓને ત્રાસવાદી તરીકે ખપાવીને તેમનાં એન્કાઉન્ટર કરવામાં આવે છે. એવાં નકલી એન્કાઉન્ટરને ‘આતંકવાદનો જડબાતોડ જવાબ’ ગણાવીને પ્રજાને ભ્રામક ‘કીક’ આપવામાં આવે છે.

આતંકવાદ કોઇ એક સરકાર કે પક્ષનો નહીં, પણ ભારતનો પ્રશ્ન છે. તેની સાથે કોઇ પક્ષની બહાદુરી કે કાયરતા નહીં, પણ નાગરિકોની સલામતી-સુરક્ષા સંકળાયેલાં છે. એટલે તેનો મુકાબલો પક્ષીય નહીં, પણ રાષ્ટ્રિય ધોરણે કરવો પડે. (ભાજપ કોંગ્રેસને કસાબ-અફઝલ ગુરુના ટોણા માર્યા કરે અને કોંગ્રેસ ભાજપને અઝહર મસુદનાં મહેણાં મારે, તેમાં પ્રજાનો કશો દહાડો વળવાનો નથી.) આ અહેસાસ પ્રજાના અને નેતાઓના મનમાં ઉગવો જરૂરી છે. એવું નહીં થાય ત્યાં સુધી એક સરકાર જશે ને બીજી આવશે, પ્રજા રાબેતા મુજબ પાનના ગલ્લે કે ફેસબુક-ટ્‌વીટર પર સરકારને ગાળો આપીને ફરજઅદાયગીનો સંતોષ માની લેશે, પણ સ્થિતિ ઠેરની ઠેર રહેશે.

Monday, July 18, 2011

Indulal Yagnik's Autibiography in English: Much Awaited accomplishmentIndulal yagnik, a freedom-fighter, Gandhian (if Gandhi & Indulal allow that adjective), leader of Mahagujarat movement and one of the finest activist-politicians-firebrand speaker of Gujarat wrote 6 parts of autobiography in Gujarati.

The work is highly valued for detailed & intimate insight of social, public & political life of 20th century Gujarat. Starting from 'Saksharbhoomi' (Land of Literateur) Nadiad, it portrays major events like arrival of Gandhi in India & his taking over the freedom struggle, internal differences of congress leaders, his own tryst with film industry as a silent film maker, major events like Bardoli Satyagrah with socialist viewpoint etc. This list does not merit even as a highlight of the magnum opus the autobiography is.

Unfortunately and not uncommonly, like many other major works in Gujarati, Indulal's autobiography was out of print since long. Celebration of 50 years of Gujarat by government could not make this work available. It was Sanat Maheta, Indulal's perhaps only living associate & comrade (ex finance minister of Gujarat) decided to bring out Gujarati edition as a befitting tribute of the great leader.

As a pleasant coincidence, Manohar publication (Delhi) has done a commendable job (with Gujarat Vidyapeeth) by publishing English translation of Indulal's autobiography in 3 volumes. Translated by (late) Prof.Devvrat Pathak, Howard Spodek and John Wood, it is priced at Rs.2500 per set. This set of books is a must for anyone who wants to understand Guajarat of 20th century. The books should be available at major book stores, including 'Granthagar' (079-26580712) at Ahmedabad.

(Gujarati readers can have a look at another post in which inauguration function of Gujarati autobiography was covered in detail with memorable speeches of Bhagawatikumar Sharma, Sanat Mehta & Prakash N. Shah.)

Sunday, July 17, 2011

સોશ્યલ નેટવર્કિંગના મોરચે મહાસંગ્રામનાં મંડાણઃ ગુગલ ‘પ્લસ’, તો ફેસબુક માઇનસ?

ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વિશ્વમાં અત્યારનો સમય ‘કતલનો’ છે. ‘સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ’ જેવી ઉથલપાથલ ભલે ન થાય, પણ પરિવર્તનનાં ધસમસતાં વહેણ પ્રચંડ વેગે વહી રહ્યાં છે. તેનાથી ગૂગલ, એપલ, ફેસબુક જેવી મસમોટી અગ્રણી કંપનીઓને ટોચના સ્થાનેથી ગબડી પડવાની અસલામતી લાગે છે. ઉદાહરણ જોગ વાત કરીએ તો, અત્યાર લગી સ્માર્ટ ફોન ક્ષેત્રે ‘એપલ’ના આઇ-ફોનનો જબરો દબદબો હતો- હજુ છે. પરંતુ હવે તેના સ્થાન-દરજ્જાને પડકારવા માટે, બીજા અનેક કામણગારા અને કામગરા ફોન બજારમાં આવી ગયા છે.

સ્માર્ટ ફોન ક્ષેત્રે ‘એપલ’ની અભેદ્ય કિલ્લા જેવી ઓપરેટિંગ સીસ્ટમ સામે ગુગલે પોતાની જાહેર બગીચા જેવી ઓપરેટિંગ સીસ્ટમ (એન્ડ્રોઇડ) મુકતાં એ મોરચે જબરો જંગ જામ્યો છે. એવી જ રીતે, ગયા અઠવાડિયે ‘ગુગલે સોશ્યલ નેટવર્કિંગના મેદાનમાં અવ્વલ ગણાતી કંપની ‘ફેસબુક’ સામે નવો-ગંભીર પડકાર ઉભો કર્યો છે. આશરે ૭૦ કરોડ સભ્યો ધરાવતી સાઇટ ‘ફેસબુક’ સામે ‘ગુગલ’ દ્વારા ઉભા કરાયેલા પડકાર-કમ-પ્રોજેક્ટનું નામ છેઃ ગુગલ પ્લસ.

ભારતમાં દસેક કરોડ જેટલા ઇન્ટરનેટ વાપરનારા લોકોમાંથી અડધાઅડધ (આશરે ૫૪ ટકા) ‘ફેસબુક’ના સભ્ય છે. ઇન્ટરનેટ વાપરનાર લોકોમાં ‘ફેસબુક’ના દબદબો એવો ગણાય છે કે તેના આધારે લોકોના બે ભાગ પાડી શકાયઃ ફેસબુક પર છે એવા અને તેનાથી અલિપ્ત રહેલા.

‘ફેસબુક’ એક જાતનો વૈશ્વિક ઓટલો છે, જ્યાં મોટે ભાગે એકબીજાની લટકસલામો, પંચાતપ્રવૃત્તિ, થોડું સારું વાચન અને તેની સાથોસાથ થોડા નવા-અજાણ્યા-સરખી રસરુચિ ધરાવનારા મિત્રો બનાવી-મેળવી શકાય છે. તેમની સાથે પોતાની અંગત કે જાહેર બાબતોની, તસવીરો-લખાણો અને વિડીયો વગેરેની આપ-લે કરી શકાય છે.

‘ફેસબુક’ની દુનિયામાં ‘ફ્રેન્ડ’નો અર્થ ‘મિત્ર’ થતો નથી. કોઇ પણ વ્યક્તિ બીજા અજાણ્યા જણને ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ મોકલી શકે છે. એ રિક્વેસ્ટ (વિનંતી નહીં, પ્રસ્તાવ) સ્વીકારાઇ જાય, એટલે બન્ને વ્યક્તિઓની ‘ફેસબુક’ પરની પ્રવૃત્તિઓ એકબીજા માટે ‘ઓપન બુક’/ખુલ્લી કિતાબ થઇ જાય છે. એક જણ જે કરે તે બઘું જ બીજો જોઇ શકે છે. (જોવું ફરજિયાત નથી, એ જુદી વાત છે!)

‘ફેસબુક’માં રહેલું ઓટલાપરિષદનું કે કીટલી-બેઠકનું તત્ત્વ ભારે ચસ્કો લગાડનારું નીવડ્યું છે. તેમાં ફ્રેન્ડ્‌ઝસાથે ઓનલાઇન ચેટિંગ/ગપ્પાંગોષ્ઠિ કરી શકાય છે. એ લોકો કંઇ પણ- અર્થવાળું કે નિરર્થક- લખે, ફોટો કે વિડીયો કે લિન્ક મૂકે, તો તેને ‘લાઇક’નું બટન દબાવીને ‘લાઇક’ કરી શકાય છે (‘ડિસલાઇક’ના બટનની લાંબા સમયથી રાહ જોવાય છે, પણ હજુ તે આવ્યું નથી.) ‘કમેન્ટ’ના ખાનામાં જઇને પ્રતિભાવ આપી શકાય છે. આ વ્યવહાર બે જણ પૂરતો સીમિત ન રહેતાં, ફ્રેન્ડલિસ્ટમાં હોય એટલી બધી જ વ્યક્તિઓ માટે ખુલ્લો બની જાય છે. એ તેની ખૂબી પણ છે અને મર્યાદા પણ. મોટા ભાગના લોકો અજાણ્યા લોકોને વિના સંકોચ ‘ફ્રેન્ડ’ તરીકે સ્વીકારે છે, પરંતુ થોડા સમયમાં ‘ફ્રેન્ડ’ની કક્ષાનો ખ્યાલ આવવા લાગે છે. ફેસબુક પર આવી ગયા પછી ઘણાખરા લોકો નિષ્ક્રિય કે મૂક પ્રેક્ષક જેવા બની રહે છે અને સક્રિય લધુમતીમાં શિષ્ટ-સુઘડ-ઊંચી રસરૂચિ ધરાવતા લોકો બહુ ઓછા હોય છે. હા, એવા ઓછા લોકો ‘ફેસબુક’ પર ગયા વિના ન મળ્યા હોત, એવો અહેસાસ પણ થતો રહે છે.

આગળ ગણાવેલી ખૂબીઓને કારણે, ૨૦૦૪માં ફક્ત કોલેજિયન વિદ્યાર્થીને એકબીજા સાથે સાંકળવા માટે શરૂ થયેલું ‘ફેસબુક’નું સોશ્યલ નેટવર્કિંગ ‘ઓરકૂટ’ અને ‘માય સ્પેસ’ જેવા જૂના ખેલાડીઓને પછાડીને, અભૂતપૂર્વ ઊંચાઇએ પહોંચી ગયું છે. ૧૦ કરોડની સભ્ય સંખ્યા સુધી પહોંચવામાં ‘ફેસબુક’ને આશરે ચારેક વર્ષ નીકળી ગયાં, પણ ત્યાર પછી માંડ બે વર્ષમાં (૨૦૧૦ના મઘ્યમાં) ‘ફેસબુક’ની સભ્યસંખ્યા ૫૦ કરોડના આશ્ચર્યજનક આંકડે પહોંચી. હાલમાં તેની સભ્ય સંખ્યા ૭૦ કરોડની અંદાજાય છે.

ઇન્ટરનેટ વિશ્વમાં ત્રિરાશી કામ લાગતી નથી. દાયકાઓ નહીં, વર્ષોમાં કોઇ કંપનીના ઊંચકાવાનો કે પટકાવાનો ખેલ પડી જાય છે. એ જ કારણથી, ‘ગુગલ પ્લસ’ના આગમનને કારણે ‘ફેસબુક’ની છાવણી માટે ચિંતાનું કારણ ઊભું થયું છે.

એ ખરું કે અગાઉ સોશ્યલ નેટવર્કિંગના ક્ષેત્રે ફેસબુકની આગેકૂચ અટકાવવાના ગૂગલના પ્રયાસ (‘બઝ’, ‘વેવ’) સદંતર નિષ્ફળ નીવડ્યા હતા, પણ ‘ગુગલ પ્લસ’ જરા જુદી અને ‘ફેસબુક’ને ટેન્શન કરાવે એવી સેવા છે. હજુ એ તમામ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. કેવળ આમંત્રણથી જ એનું સભ્યપદ મેળવી શકાય છે (અને ‘ઇબે’ જેવી હરાજીની સાઇટ પર ‘ગુગલ પ્લસ’માં સભ્યપદનાં આમંત્રણ ૯૯ સેન્ટમાં વેચાતાં હોવાનો અહેવાલ હતો.)

‘ગુગલ પ્લસ’ પર ફક્ત ગુગલને જ નહીં, ઇન્ટરનેટપ્રેમીઓને પણ ઊંચી આશા બંધાવાનાં પૂરતાં કારણ છેઃ તેમાં ‘ફેસબુક’માં હોય એવી સુવિધાઓ- અલબત્ત જુદા નામ સાથે- છે જ, પણ ‘ફેસબુક’ની ઘણી મર્યાદાઓને વળોટીને, વઘુ સારી-વઘુ મૌલિક- વઘુ ઉપયોગી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ તેમાં થયો છે. જેમ કે, ‘ફેસબુક’ના સભ્યે કંઇ પણ લખ્યું કે મૂક્યું, તે બધા જ ‘ફ્રેન્ડ્‌ઝ’ જોઇ શકે છે. તેમાં પેટાવિભાગ પાડી શકાતા નથી. તેના કારણે, અમુક જ મિત્રોને રસ પડે એવી સામગ્રી પરાણે બધા મિત્રોના માથે વાગે છે- અથવા તો અમુક જ મિત્રોના દાવની હોય એવી સામગ્રી બધા સમક્ષ જાહેર કરતાં માણસ ખચકાટ અનુભવે છે.

આ સમસ્યાના ઉકેલરૂપે ગુગલ પ્લસમાં ‘સર્કલ્સ’ની સુવિધા છે. ગુગલ પ્લસ વાપરનાર માણસ શબ્દાર્થમાં મિત્રોનું જુદાં જુદાં ‘વર્તુળ’ બનાવી શકે છે. એક મિત્રને એકથી વધારે વર્તુળમાં સામેલ કરવાની છૂટ છે. વર્તુળ બનાવી લીધા પછી, ચોક્કસ મિત્રવર્તુળના લાભાર્થે મુકાયેલી સામગ્રી બીજા વર્તુળના લોકો જોઇ શકતા નથી.
‘ફેસબુક’માં ફ્રેન્ડ્‌ઝ સાથે ફક્ત લખીને ‘ચેટ’ (ગપ્પાંગોષ્ઠિ) થઇ શકતી હતી, જ્યારે ગુગલ પ્લસમાં એક સાથે દસ મિત્રો સાથે વિડીયો ચેટ થઇ શકે એવી સુવિધા છે. ‘ગુગલ પ્લસ’ લોન્ચ થયા પછી ‘ફેસબુક’ના કર્તાહર્તા માર્ક ઝુકરબર્ગે ઉતાવળે જાહેરાત કરી હતી કે ‘ટૂંક સમયમાં ફેસબુક જબરદસ્ત પ્રકારની કોઇ સુવિધાનો ઉમેરો કરશે.’ પરંતુ ખરેખર એ દિવસ આવ્યો ત્યારે ઝુકરબર્ગે ‘ફેસબુક’માં ‘વિડીયો ચેટ’ની સુવિધા જાહેર કરી (જે ગુગલ પ્લસમાં અગાઉથી મોજૂદ હતી). એટલે ગુગલ પ્લસને ફટકો મારવાનો તેમનો ઇરાદો ફળ્યો નહીં.

‘ફેસબુક’ને લગતી સૌથી મોટી રાડ તેની પ્રાઇવસી પોલિસી અંગેની રહી છે. સભ્યની અંગત માહિતીના ઉપયોગ-દુરુપયોગ માટેની નીતિ બદલતી વખતે, આદર્શ સ્થિતિ એ છે કે સભ્યોને તેમની મરજી પૂછવામાં આવે અને તે ઇચ્છે (ટીક કરે) તો જ તેમની માહિતીનો ઉપયોગ કરી શકાય. પરંતુ ‘ફેસબુક’નો ઇતિહાસ એવો છે કે તે સેટંિગ ફેરવ્યા પછી સભ્ય વતી આપોઆપ ટીક કરી નાખે છે. સભ્ય એ માહિતી વહેંચવા ન ઇચ્છતા હોય તો તેમણે એ ટીક કાઢી નાખવી પડે. ઘણા સભ્યોને જાણ સુદ્ધાં હોતી નથી કે ‘ફેસબુક’ તરફથી આવો કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે.

બીજી સૌથી મોટી મર્યાદા ‘ફેસબુક’માં સભ્યના ખાતે જમા થયેલી માહિતીને લગતી છે. ઇન્ટરનેટ વાપરતો માણસ પોતાના ‘યાહુ’ મેઇલના સંપર્કો ‘ગુગલ’માં કે ‘ગુગલ’ના ‘હોટમેઇલ’માં લઇ જઇ શકે છે, પણ ‘ફેસબુક’માં રહેલા સંપર્કો કે તેમાં રહેલી માહિતી સીધેસીધી રીતે બીજી કોઇ સાઇટમાં લઇ જઇ શકાતાં નથી. ‘ગુગલ પ્લસ’માં દરવાજા બંધ રાખવાને બદલે, સભ્યો તેમાંથી માહિતી બહાર લઇ જઇ શકે એવી મોકળાશ રાખવામાં આવી છે.

નવી-ઉપયોગી સુવિધાઓ ઉપરાંત ‘ગુગલ’ના પક્ષે સૌથી મોટો ફાયદો તેના સર્ચ એન્જિન, જીમેઇલ, બ્લોગર, પિકાસા, ગુગલ મેપ્સ અને બીજી અસંખ્ય સુવિધાઓની સહિયારી તાકાતનો છે. ‘ગુગલ પ્લસ’ની સભ્ય થનાર વ્યક્તિ ‘ગુગલ’ની માલિકીની કોઇ પણ વેબસાઇટ ઉપર જશે ત્યારે તેને મથાળે એક પટ્ટી દેખાશે. તેમાં ગુગલની બીજી સુવિધાઓની યાદી ઉપરાંત જમણા ખૂણે ‘ગુગલ પ્લસ’ના પોતાના ખાતામાં ચાલી રહેલી પ્રવૃત્તિઓનો ખ્યાલ મળતો રહેશે. કોઇની કમેન્ટ આવે, કોઇ લાઇક કરે, કોઇ મિત્રવર્તુળમાં ઉમેરો કરે- એ બધી સૂચનાઓ ‘ગુગલ પ્લસ’માં અલગથી દાખલ થયા વિના, ગુગલની પટ્ટીના જમણા ખૂણે લાલ રંગમાં મળતી રહેશે. એટલું જ નહીં, તેનો પ્રતિભાવ લખવો હોય તો પણ ‘ગુગલ પ્લસ’માં ગયા વિના, સૂચનાઓ દર્શાવતા હિસ્સામાંથી લખી શકાશે. ‘ગુગલ’ની વેબસાઇટોની પ્રચંડ લોકપ્રિયતા જોતાં, આ સુવિધા લાંબા ગાળે ‘ફેસબુક’ના ભારે પડી શકે એમ છે. કારણ કે, ગુગલની કોઇ પણ સાઇટમાં દાખલ થયેલા ‘ગુગલ પ્લસ’ના સભ્યે સોશ્યલ નેટવર્કિંગ માટે, પોતે જ્યાં કામ કરે છે એ સાઇટ છોડીને અલગથી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર જવાની જરૂર નહીં રહે.

ગુગલ પ્લસ અને ફેસબુક વચ્ચેની ઉગ્ર હરીફાઇનો હજુ પહેલો રાઉન્ડ માંડ શરૂ થયો છે. પૂરતી ચકાસણી કરી લીધા પછી ગુગલ સૌ કોઇ માટે ‘ગુગલ પ્લસ’ના દરવાજા ખુલ્લા મૂકે, ત્યાર પછી અસલી મુકાબલો શરૂ થશે. ૭૦ કરોડ સભ્યો ધરાવતી ‘ફેસબુક’ એમ સાવ પહેલા ધડાકે પાણીમાં બેસી જશે એવું માનવાની જરૂર નથી. પરંતુ એ પણ યાદ રહે કે ટેકનોલોજીની દુનિયામાં વફાદારી જેવું કંઇ હોતું નથી. એક વાર ‘ગુગલ પ્લસ’ ભણીનો પ્રવાહ શરૂ થાય, તો આજે ‘ફેસબુક’ના પ્રેમી બની રહેલા લોકોને ‘ફેસબુક’ તજીને કે તેનું સભ્યપદ છોડ્યા વિના પણ, ‘ગુગલ પ્લસ’ના સભ્ય બનતાં - અને થોડા વખતમાં ‘ફેસબુક’ના નિષ્ક્રિય સભ્ય બનતાં બહુ વાર ન લાગે.

‘ગુગલ’ વિરુદ્ધ ‘ફેસબુક’ જેવા જંગનું ભવિષ્ય ભાખવું અઘરૂં છે અને એક રીતે તેની જરૂર પણ શી છે? કારણ કે તેમાં ગ્રાહકોની જીત નક્કી છે.

Friday, July 15, 2011

ગુરૂપૂર્ણિમા કે ‘વિદ્યાસહાયક પૂર્ણિમા’?

લાંબી ગુરુ-શિષ્ય પરંપરા ધરાવતા ભારતમાં ગુરુપૂર્ણિમાનું આગવું મહત્ત્વ છે. ભારતમાં ગુરૂઓનું સ્થાન એટલું મજબૂત છે કે ગુરૂ પર છેતરપીંડીથી માંડીને ખૂન-બળાત્કાર જેવા આરોપ મુકાય, તો પણ તેમના ચેલાઓ ધામઘૂમથી ગુરૂપૂર્ણિમા ઉજવવાની હોંશ મોળી પડવા દેતા નથી.

સતયુગના ગુરૂઓ પોતાના શિષ્યોને મુખ્યત્વે શિક્ષણ અને જીવન સંબંધિત જ્ઞાન આપતા હતા. કળિયુગમાં ગુરૂ અને શિષ્યો બન્નેની રેન્જ બહુ વિશાળ થઇ ગઇ છે. નાસ્તાપ્રેમીઓને યાદ હશે કે એક સમયે ‘ખાખરા’ માગતાં ફક્ત સાદા ખાખરા મળતા હતા અને એ પણ મોટે ભાગે ઘરગથ્થુ બનાવટના. હવે ખાખરાની દુકાને જઇને પાટિયા પર તેના પ્રકાર વાંચતાં અચ્છોખાસો માણસ મનમોહનસિઘ જેવી અનિર્ણાયક લાચારીમાં સરી પડે એવી ભીતિ રહે છે. કારણ કે ડબલ ચીઝ ખાખરાથી માંડીને ભાજીપાંઉ ખાખરા, પાણીપુરી ખાખરા અને પિત્ઝા ખાખરા જેવા પ્રકારો ઉપલબ્ધ હોય છે.

ખાખરા જેવું જ વૈવિઘ્ય ગુરૂઓમાં પણ જોવા મળે છે. ‘નિશાળમાં ભણાવે એ જ ગુરૂ’ એ વ્યાખ્યા હવે સાદા ખાખરા જેવી અપૂરતી જણાય છે. ઘણાં વિદ્યાર્થીરત્નો- ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ લઇ રહેલાં- એવાં હોય છે કે તેમને સ્કૂલ-કોલેજમાં ભણાવનાર શિક્ષક સામે મળે તો ઓળખતાં તકલીફ પડે. સીધી વાત છેઃ કોઇ પણ અજાણ્યા માણસનો ચહેરો મનમાં ઉતારવા માટે એને પાંચ-દસ વાર જોવો પડે કે નહીં! અને કોલેજમાં એક જ અઘ્યાપકના પાંચ-દસ પિરીયડ ભરવા જેટલી ધીરજ આઘુનિક અર્જુનો પાસે હોય, તો કોલેજ કેમ્પસમાં ‘તીરંદાજી’ કોણ કરે?

ફક્ત સ્કૂલ-કોલેજમાં ભણાવનાર જ ગુરૂ કહેવાય, એવી ગેરસમજણ નવા જમાનામાં ગુરૂપૂર્ણિમાની પરંપરાને હાનિ પહોંચાડી શકે છે. એ પરંપરા ચાલુ રાખવા માટે અને તેમાં નવો ઉત્સાહ ઉમેરવા માટે, કેન્દ્રીય મંત્રીમંડળની જેમ ગુરૂમંડળનું વિસ્તરણ કરવું જરૂરી છે. એકવીસમી સદીમાં પરંપરાગત હર્ષોલ્લાસથી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી શકાય એ માટે ગુરૂઓના કેટલાક વાસ્તવિક છતાં બિનપરંપરાગત પ્રકારો:

વિદ્યાસહાયક
અઘ્યાપકના એક મહિનાના પગાર કરતાં પણ ઓછો વાર્ષિક પગાર ધરાવતા વિદ્યાસહાયકો મહિનાના પગારમાંથી અવરજવરનો ખર્ચો કાઢવો, ઘર ચલાવવું કે બાળકો ભણાવવાં એની મૂંઝવણમાં હોય છે. કારણ કે એ ત્રણે કામ વિકલ્પે નહીં પણ સમાંતરે કરવા પડે છે અને સરકાર તરફથી મળતો પગાર કોઇ પણ એક કામ થાય એટલો હોય છે.

સદાશોષિત મનોદશા ધરાવતા વિદ્યાસહાયક પોતાની જાત માટે ‘ગુરૂ’ જેવું આદરણીય સંબોધન કેવી રીતે ખમી શકે? એટલે ગુરૂપૂર્ણિમાના દિવસે ઉત્સાહી વિદ્યાર્થીઓએ સ્કૂલ-કોલેજમાં જે સામે મળે તેને પગે લાગવાને બદલે સહેજ ચકાસી લેવું કે એ વિદ્યાસહાયક કે અઘ્યાપકસહાયક તો નથી ને! એમને પગે ન લાગવું એમ નહીં, પણ એવું કરવાથી તેમને માનસિક આઘાત ન લાગે, તેનું ઘ્યાન રાખવું. બને તો પહેલાં શાબ્દિક ભૂમિકા બાંધવી, ‘આજના દિવસ પૂરતું ભૂલી જાવ કે તમે સહાયક છો’ એવાં પ્રેરક વચન ઉચ્ચારવાં અને પછી જ તેમને આદરાંજલિ આપીને ગુરૂપૂર્ણિમા ઉજવવી.

ટ્યુશનગુરુ ‘સર’
કોઇને ‘સર’ કહેવા માટે એનામાં કશી પાત્રતા હોવી જરૂરી નથી. આઝાદ ભારતમાં કોઇ પણ માણસ બીજા માણસને ‘સર’ કહીને તેનું માન કે અપમાન કરી શકે છે. પરંતુ વિદ્યાર્થીઆલમમાં ‘સર’નું લટકણીયું ટ્યુશનક્લાસ ચલાવતા બંદાઓ માટે અનામત રહેતું હોય છે. ટ્યુશનક્લાસ એક એવી જગ્યા છે, જ્યાં સ્કૂલથી વઘુ મોટા ક્લાસમાં, સ્કૂલથી વઘુ સંખ્યામાં છોકરાં, સ્કૂલથી અનેક ગણી વઘુ ફી આપીને ભણવા જાય છે. ટ્યુશનક્લાસ એક એવો ધંધો છે, જેમાં સિત્તેરની બેચમાંથી એક-બે ‘તેજસ્વી તારલા’ નું (જે ટ્યુશનમાં આવ્યા વિના પણ સારું પરિણામ લાવ્યા હોત તેમના) પરિણામ ‘અમારા ટ્યુશનક્લાસનું ગૌરવ’ તરીકે છાપામાં છપાવવામાં આવે છે.

આ ટ્યુશનક્લાસના ‘સર’નું માહત્મ્ય સ્કૂલના શિક્ષક કરતાં અનેક ગણું વધારે હોય છે. કારણ સિમ્પલ છેઃ તે સ્કૂલ કરતાં અનેક ગણી વધારે ફી લે છે અને મોટા ભાગનાં છોકરાં તેમનાં માતા-પિતાની જેમ ‘મોંધું તે સારું’ની ફિલસૂફીમાં શ્રદ્ધા ધરાવતાં હોય છે. તાત્પર્ય એટલું જ કે વિદ્યાર્થીઓ માટે અસલી ગુરૂપૂર્ણિમાની ઉજવણી હવે સ્કૂલને બદલે ટ્યુશનક્લાસમાં થાય એવી સંભાવના વધારે રહે છે. પરંતુ વાલીઓનાં સર ચકરાઇ જાય એવી ફી લેતા ટ્યુશન ક્લાસના ‘સર’ને ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂદક્ષિણા આપવાની જરૂર હોતી નથી. ‘ગુરૂ’ પહેલેથી એટલી તંદુરસ્ત ફી લઇને બેઠા હોય છે કે તેમણે એ દિવસ ખરેખર ‘શિષ્યપૂર્ણિમા’ તરીકે ઉજવીને દરેક શિષ્યને ‘શિષ્યદક્ષિણા’ આપવી જોઇએ. આટલી મોટી સંખ્યામાં રહેલા વિદ્યાર્થીઓમાંથી દરેકને વ્યક્તિગત રીતે વિદ્યાદાન આપવાનું તો કેવી રીતે શક્ય બને!

એન્ટ્રન્સ એક્ઝામ કોચિગ ક્લાસ ગુરૂ
આ પ્રકારના ગુરૂઓને ‘ભાદરવાના ભીંડા’ જેવા તો ન કહેવાય- ખરાબ લાગે- પણ કહેવાનો મતલબ એ કે તેમનું ગુરૂપદ કોઇ એક પ્રવેશપરીક્ષા પહેલાંનાં થોડાં અઠવાડિયાં કે થોડા મહિના પૂરતું સીમિત હોય છે. છતાં, ગુરૂ એટલે ગુરૂ! એનો કેવી રીતે ઇન્કાર કરી શકાય! ગુરૂપૂર્ણિમાના દિવસે આવા ગુરૂઓને યાદ કરવામાં એક જ વ્યવહારુ મુશ્કેલી છેઃ ગુરૂપૂર્ણિમા આવે ત્યાં સુધીમાં લગભગ બધી જ પ્રવેશપરીક્ષાઓ પૂરી થઇ ચૂકી હોય છે અને વધારે અગત્યનું એ કે, તેનાં પરિણામ પણ આવી ચૂક્યાં હોય છે. એટલે સારું પરિણામ આવ્યું હોય તો વિદ્યાર્થીની કોલેજ ચાલુ થઇ ગઇ હોવાને કારણે (અને ‘અહીં ન આવ્યો હોય તોય હું પાસ થવાનો જ હતો, પણ પપ્પા ન માન્યા’ એવી આંતરિક માન્યતાને કારણે) વિદ્યાર્થી ગુરૂને મળવા જતો નથી. ખરાબ પરિણામ આવ્યં હોય એવા વિદ્યાર્થીઓ પાસેથી આદરમાન મેળવવાં હોય તો, ગુરૂઓએ આગળ જણાવ્યું તેમ ‘શિષ્યપૂર્ણિમા’ ઉજવવી પડે.

વાહનગુરુ
કેટલાક પ્રકારના ગુરૂ જિદગીમાં એક જ વાર આવે છે, પણ જીવનના આખા પટ પર તેમની અસર છોડી જાય છે. વાહનગુરૂ એ પ્રકારમાં આવે. બહુ ઓછા લોકો પોતાની મેળે સાયકલ-સ્કૂટર ચલાવતાં શીખ્યા હશે. મોટે ભાગે કોઇક ને કોઇકે, ભાઇ-બહેને, તેમના કોઇ મિત્રએ કે પાડોશીએ ગુરૂપદ ધારણ કરીને સાયકલ-સ્કૂટર શીખવ્યું હશે. એક દંતકથા પ્રમાણે, બજાજ કંપનીનું સ્કૂટર શીખતી વખતે એટલા બધા લોકો રાણા પ્રતાપની ભૂમિકામાં આવીને સ્કૂટરને ઘોડાની જેમ આગળથી ઊંચું કરતા હતા કે એ સ્કૂટરનું નામ ‘ચેતક’ પડી ગયું.

શીખાઉ ચાલકે બજાજના કે બીજા સ્કૂટરને ઘોડાની જેમ પલાણ્યા પછી, સ્કૂટરે તેમને તેજીલા તોખારની પેઠે પોતાની પીઠ પરથી ઉલાળ્યા હશે ત્યારે પણ તેમની પડખે એક ગુરૂ રહ્યા હશે, જેમણે ‘આવું તો થયા કરે. એનાથી ગભરાઇએ તો કેમ ચાલે!’ એવી હૈયાધારણ આપીને ‘હાડવૈદ આપણને ઓળખે છે’ એવું આશ્વાસન પણ આપ્યું હશે.

સ્કૂટર કે બાઇક આવડ્યા પછી ‘ગરજ સરી એટલે હાડવૈદ વેરી’ ગણીએ તો ચાલે, પણ એ ગુરૂને કેમ ભૂલાય? દર ગુરૂપૂર્ણિમાના દિવસે વાહનગુરૂને કંઇ નહીં તો છેવટે, પોતાના વાહનની પાછળ બેસાડીને એક આંટો પણ મરાવવો જોઇએ. જેથી તે જોઇ શકે કે તેમનો પ્રતાપી શિષ્ય હવે કેટલી સહજતાથી સિગ્નલો તોડીને, લેન કૂદાવીને, જોખમી ઓવરટેક કરીને અને લાયસન્સ વિના પકડાયા પછી ટ્રાફિક પોલીસને ઉઠાં ભણાવીને ગુરૂનું નામ રોશન કરી રહ્યો છે.

Wednesday, July 13, 2011

અશ્વિની ભટ્ટને ૭૫ વર્ષ પૂરાં : ‘ઓનલાઇન અમૃત મહોત્સવ’

Ashwinee Bhatt

ગઇ કાલે અશ્વિનીભાઇને ૭૫ વર્ષ પૂરાં થયાં. છેલ્લા થોડા સમયથી અશ્વિનીભાઇ-નીતિભાભી અમેરિકા છે. એટલે બીજી ઉજવણી તો શું કરવી? પણ થોડું લખાણ-થોડી તસવીરો મૂકીને નવલકથાના આ ‘દાદા’ને અંતરથી શુભેચ્છા આપીએ. મારા પછીની પેઢીના ધૈવત (ત્રિવેદી), લલિત (ખંભાયતા) જેવા પત્રકારમિત્રો તો અશ્વિનીભાઇને ‘અશ્વિનીદાદા’ જ કહે છે- અને તેમના પુત્ર નીલને ત્યાં બે પુત્રો છે. એટલે તેમને સત્તાવાર રીતે ‘દાદા’ કહેવામાં પણ વાંધો નથી.

અશ્વિનીભાઇ તેમની દળદાર નવલકથાઓ જેવા- ભાગ પાડીએ ત્યારે માંડ બથમાં આવે એવા- માણસ છે. તેમણે કરેલા અજબગજબ વ્યવસાયોમાંથી દરેક વિશે કંઇ નહીં તો એકાદ ‘કમઠાણ’-‘કસબ’-‘કરામત’ સાઇઝની અને એવી જ રસિક નવલકથા થઇ શકે. પોતાનાથી નાની ઉંમરના લોકો સાથેના તેમના સંબંધો એકદમ અનૌપચારિક અને હૂંફાળા હોય છે. સરખી ઉંમરના ઘણા લોકો સાથે વાત કરવાનો તેમને કંટાળો આવે છે. કારણ? ‘એમને કેમ છો પૂછીએ, એટલે મરી ગ્યા! તબિયત વિશે લાંબું લેક્ચર આપવાનું ચાલુ કરી દે.’

અઢળક પ્રેમ, જૂની અમદાવાદી ઢબની બોલચાલ અને છટા, મુંબૈયા ઉદારતા, (તેમના જ શબ્દો વાપરીને લખું તો) ખાસબજારના ગુંડાઓ સાથે મારામારી કરી શકે એવું માથાભારેપણું, પ્રેમાભાઇ હોલના મેનેજરપદે રહીને લાંબા સમય સુધી નાટકો સેવી શકે એવો નાટ્યપ્રેમ, ‘બિદુનો કીકો’ સહિત ઘણાં નાટકોમાં કરેલો અભિનય, ‘અભિયાન’ની અમદાવાદ ઓફિસના ભાર વગરના ઇન-ચાર્જ, વાતરસિયા ને વાતોના અણખૂટ ભંડાર જેવા, તેમની પાસેથી ધાર્યા સમયે કામ મેળવતાં તો ઠીક, તેમની સોબતમાં રહીને ધાર્યા સમયે કામ કરતાં પણ નાકે દમ આવે (વઘુ વિગતો માટે પ્રશાંત દયાળ, અનિલ દેવપુરકર અને મારા જેવા જૂના ‘અભિયાન-કરો’નો સંપર્ક કરવો), હિચકે ઝૂલતાં સજોડે સોપારી-તમાકુ ખાતા ‘ભટ્ટસાહેબ’ અને તેમને લાડથી ‘અશ્વિન’ કે ‘ભટ્ટસાહેબ’ કહેતાં નીતિભાભી, અમદાવાદના અને સાહિત્ય તથા જાહેરજીવનના ઇતિહાસમાં મહત્ત્વના સ્થાનનો હકદાર પણ તેમણે વેચ્યા પછી તૂટી ગયેલો તેમનો ‘૬૫’ બંગલો (૬૫, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી), તેમને ત્યાં મળતી તેમના અને અમારા મિત્રોની મહેફિલ...અશ્વિનીભાઇનું નામ પડતાં જ આવું ઘણું બઘું સ્મૃતિમાં ઉભરાઇ આવે.


Ashwinee Bhatt- Neeti Bhatt

છેલ્લા થોડા વખતથી ભારે નાદુરસ્ત તબિયત અને પેસમેકર મૂકાવેલું હોવા છતાં, અશ્વિનીભાઇના મિજાજમાં કશો ફેર પડ્યો નથી. તેમને જોઇને તેમની બિમારીની ગંભીરતાનો કદી ખ્યાલ ન આવે. ‘પેસમેકર’નો ઉલ્લેખ તે હંમેશાં ‘દાબડી’ તરીકે કરે અને ‘જવા દે ને યાર, પેલી દાબડીમાં સાલી ગરબડ થઇ ગઇ’ એવી એકાદ લીટીમાં પોતાની ગંભીરતમ બિમારીના ખબર આપી દે. એમને ન ઓળખતો માણસ આમાં શું સમજે?

ગયા રવિવારે તેમની સાથેની વાતચીતમાંથી જાણવા મળ્યું કે અત્યારે તે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે! તેમનો પુત્ર નીલ અમદાવાદ આઇ.આઇ.એમ.માં એક વર્ષના કોર્સ માટે આવ્યો છે. અશ્વિનીભાઇ કહે, ‘છોકરો આ ઉંમરે પાછો ભણવા જતો હોય તો મને થયું કે આપણેય સાલું કામ કરવું જોઇએ. એટલે ઉંમરની ત્રિરાશી બેસાડીને, એના જેટલું તો નહીં, પણ થાય એટલું કામ બરોબ્બર ચાલુ કર્યું.’

અગાઉ આ બ્લોગ પર લખ્યા પ્રમાણે, તે ત્રાસવાદની થીમ પર એક નવલકથા લખી રહ્યા છે. તેમાં એ ઘણા આગળ વઘ્યા હોવાનું એમણે કહ્યું. એ સિવાય કસબ-કરામત-કમઠાણ સિરીઝની બીજી બે હાસ્યનવલ ‘કડદો’ અને ‘કોરટ’ લગભગ પૂરી થવામાં છે અને ત્રીજું કામ તેમણે અગાઉ લખેલી ટૂંકી વાર્તાઓનું સંકલન-સંપાદન છે. પ્રસિદ્ધિ પચાવવાની બાબતમાં અને અકલ્પનીય પ્રસિદ્ધી મળ્યા પછી પણ કશું કાચું નહીં જવા દેવાની બાબતમાં અશ્વિનીભાઇનો આગ્રહ જોઇને તેમના પ્રત્યનું માન અનેક ગણું વધી જાય અને ટૂંકી મૂડીએ ઉડાઉડ કરતાં ફુદ્દાં માટે ક્ષણિક ગુસ્સા પછી દયા-કરુણા જેવા ભાવ જાગે. (આ પોસ્ટ સાથે મૂકેલી તસવીરોમાં તેની વાત આવશે.)

અશ્વિનીભાઇ અને રજનીકુમાર પંડ્યા- આ બન્ને સર્જકો જેટલું ઘટનાપૂર્ણ જીવન જીવ્યા છે, તે જોતાં એ બન્ને પાસેથી આત્મકથા મળે તો તેના આઠ-દસ ભાગ કરવાના થાય. એટલું જ નહીં, એ કથા તેમની વાતોની સાથોસાથ તેમના સમયનો પણ અદ્‌ભૂત દસ્તાવેજ બની રહે. એટલે અગાઉ અંગત ધોરણે કરેલી વિનંતી બન્નેને અહીં જાહેરમાં અને આપણે સૌ સાથે મળીને કરીએઃ સળંગસૂત્ર આત્મકથા આપો તો ઉત્તમ. એ ન બને તો આત્મકથાના ટુકડા તો આપો જ આપો.‘ એ સિવાય અમે તમને છોડીશું નહીં’ એવી મીઠી ધમકી પણ તેમને આપી શકાય એટલો અધિકાર તે વાચકો-મિત્રોને આપે છે.

હા, ધમકી રૂબરૂ આપવા ગયા તો ખલાસ! ‘જવાય છે, યાર! બેસ ને હવે! કર્યા હવે કામ! ગયા હવે ઓફિસ!’ આ પ્રકારનાં અનેક વાક્યો અને એક-બે કલાકની મજબૂત ગોષ્ઠિ પછી ઉભા થતી વખતે આપણે શા કામે આવ્યા હતા એ જ ભૂલી જવાય!
***

એકાદ વર્ષ પહેલાંના અમદાવાદ-નિવાસ વખતે ચિત્રકાર વૃંદાવન સોલંકી/Vrundavan Solanki ના ચિત્રપ્રદર્શનમાં : (ડાબેથી) અશ્વિનીભાઇ, ચિત્રા સોલંકી, વૃંદાવન સોલંકી, નીતિ ભટ્ટ
નવલકથાકાર બન્યાં પહેલાંના અશ્વિનીભાઇના અનેક અનુવાદોમાનો એક: ગન્સ ઓફ નેવરોન.
વર્ષો પછી તેનું પુનઃપ્રકાશન કરવાનું થયું ત્યારે, જૂની ચોપડી ફરી છાપી દેવાને બદલે અશ્વિનીભાઇએ ભારે ચીવટથી તેમાં સુધારાવધારા કર્યા હતા. ‘ગન્સ ઓફ નેવરોન’ની કોપી પર તેમણે કરેલા સુધારાવધારાનો એક નમૂનો
દંતકથા જેવા બંગલા ‘૬૫’ની બેઠકમાં અશ્વિનીભાઇ
‘૬૫’ના છેલ્લા દિવસોમાં ઝાંપે ઉભેલાં અશ્વિનીભાઇ -નીતિભાભી
‘૬૫’ વિશે ‘આહા! જિદગી’માં છપાયેલો મારો લેખ


જાહેર બાબતોમાં ઊંડો રસ અને નિસબત ધરાવતા અશ્વિનીભાઇ તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલ સાથેઃ વચ્ચે દેખાતા અજય ઉમટ ( જે ‘ભાસ્કર’ જૂથના સ્ટેટ એડિટરના હોદ્દેથી બઢતી મેળવીને હવે ટૂંક સમયમાં દિલ્હી જવાના છે)
મારા હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’ નિમિત્તે યોજેલી મોક-કોર્ટમાં ન્યાયાધીશો વિનોદ ભટ્ટ- રતિલાલ બોરીસાગર સાથે ‘તાજ’ધારી સાક્ષીઓની હરોળમાં બેઠેલા અશ્વિનીભાઇ. કાર્યક્રમ શરૂ થયા પછી તે ઓડિયન્સમાં જઇને બેસી ગયા હતા અને ત્યાંથી જ સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી. ‘દાબડી’ની ઐસી કી તૈસી!
(પહેલી લાઇનમાં જમણેથીઃ વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા. બીજી લાઇનઃ બકુલ ટેલર, અશ્વિની ભટ્ટ, અશ્વિન ચૌહાણ, સલીલ દલાલ, પૂર્વી ગજ્જર, આયેશા ખાન, પાછળ ઉપર બેઠેલો બીરેન અને તસવીરમાં સલીલભાઇની પાછળ ઢંકાઇ ગયેલા દીપક સોલિયા)


‘કડદો’ અને ‘કોરટ’ બન્ને નવલકથાઓ નડિયાદની છે. એટલે ગઇ વખતે અમદાવાદ રોકાણ દરમિયાન અશ્વિનીભાઇ ‘લોકાલ’ જોવા માટે નડિયાદ ગયા હતા. સાથે અમદાવાદથી બિનીત મોદી, મહેમદાવાદથી હું અને નડિયાદથી હસિત મહેતા હતા. ગાડી એક જગ્યાએ મૂકીને નડિયાદની ગલીઓમાં હસિત મહેતાના સ્કૂટર પર સવારી.
નદીના કિનારે દારૂના ધંધાને લગતી જગ્યાઓ જોતા અશ્વિનીભાઇ. સાથે હસિત મહેતા અને બિનીત