Friday, July 29, 2011

વીસ લખોટી, એક સ્ટીક, ચાર પેઢી

ફેમિલી સિલ્વરએવો શબ્દપ્રયોગ બાપદાદાના જમાનાની કિમતી ચીજવસ્તુઓ- જરઝવેરાત માટે વપરાય છે, પણ ઉપયોગીતા, આવરદા અને લાગણી જેવાં પરિબળોને ઘ્યાનમાં રાખીએ તો ક્યારેક સાઠ-સિત્તેર વર્ષ જૂના હાર્મોનિયમનો કે લાકડાના વિશિષ્ટ કેરમનો પણ તેમાં સમાવેશ કરવો પડે.

અમારા ઘરમાં કૌટુંબિક પરંપરા સાથે સંકળાયેલું એવું એક કેરમ છે, જેની પર મારા દાદા મિત્રો સાથે શરત મારીને રમતા હોવાની કથા સાંભળી હોય, મારા પપ્પાને છેક વૃદ્ધાવસ્થા સુધી હોંશેહોંશે રમતા જોયા હોય, બાળપણથી અત્યાર સુધી અમે તેનો ભરપૂર આનંદ લીધો હોય અને હવે અમારાં સંતાનોને પણ તેમાં એટલી જ મઝા આવતી હોય.

આ કેરમ ચાર ખૂણે ચાર ખાનાવાળું નહીં, પણ સાવ જુદું છે. તેને શું કહેવાય એ પણ ખબર નથી. એવું સાંભળ્યું છે કે દાદાજીના જમાનામાં તેને 'મસ્કતી બોર્ડ' કહેતા હતા. (નીચેની તસવીર જોવાથી કેરમની રચનાનો થોડો ખ્યાલ આવશે.)


લાંબા પેટવાળા, ઊભા ડીજેવો આકાર ધરાવતા કેરમમાં ઠેકઠેકાણે ગબ્બી જેવાં ખાનાં છે. આમ તે છીછરાં દેખાય, પણ સ્ટીકના ધક્કે વછૂટેલી લોખંડની લખોટી આ ગબ્બીમાં ટપ્‌ દઇને ગોઠવાઇ જાય છે. તસવીરમાં દેખાય છે તેમ, કેરમના નીચેના ભાગમાં લોખંડની વીસ લખોટીઓની લાઇન કર્યા પછી, ખેલાડી એક-એક લખોટી ઉપાડીને, તેને જમણી બાજુના ખાંચામાં મૂકીને, લાકડાની સ્ટીક વડે ધક્કો મારે છે. એ ધક્કાથી લખોટી પહેલાં કેરમની ટોચ પર પહોંચીને નીચે પાછી આવે છે. ત્યાર પછી તેની અજબ ગતિનો આરંભ થાય છે. (ધક્કો એટલા જોશવાળો હોવો જોઇએ કે) તે નીચેથી ફરી પાછી ઉપર ચડે છે અને અંગ્રેજી 8 ના આકારમાં આગળ વધતી, ફરી ટોચ પર પહોંચીને પાછી નીચે આઉટના ખાનામાં આવી પડે છે.

ખરેખર તો આઉટના ખાનામાં પડેલી લખોટી નકામી ગઇ ગણાય. પાકા ખેલાડીને એ ન પોસાય. કેરમ બોર્ડ પર ૫ થી ૧૫૦ સુધીના પોઇન્ટ આપતાં ખાનાં અને ગબ્બીઓ છે. ખાનાં પિત્તળની ખીલીઓનીવાડથી બનેલાં છે. એ સિવાય, ગબ્બીની આસપાસ પણ ખીલીઓ આવી છે. પહેલી નજરે આટલી બધી ખીલીઓની શી જરૂર એવું લાગે, પણ કેરમ રમતી વખતે એકેએક ખીલી, કોઇ સારા લેખકના ગદ્યના એક-એક શબ્દની જેમ, ચુસ્ત અને પોતાની સાર્થકતા સિદ્ધ કરતી લાગે. લખોટી કોઇ ખીલીને અથડાઇને ગબીમાં કે ખાનામાં ગોઠવાઇ જાય અથવા ગોઠવાઇ જતી રહી જાય, ત્યારે થાય કે આ ખીલી ન હોત તો રમતની અનિશ્ચિતતા અને તેમાં રહેલો આનંદ થોડાં ઘટી ગયાં હોત. લખોટી ગમે તેટલી મારગ ભૂલે કે પથભ્રષ્ટ થાય તો પણ ‘સારા ઠેકાણે સેટ થઇ જવાની’ તેની શક્યતાઓ ઘણી હોય છે. પોસ્ટના છેડે કેરમમાં લખોટીની ગતિની વિડીયો જોવાથી થોડો વઘુ ખ્યાલ આવશે. (આ જ કેરમની એક નાની પ્રતિકૃતિ પણ છે, જે મોટાં મોટું કેરમ રમતાં હોય ત્યારે નાનાં બાળકોને પટાવવા માટે હશે. તેમાં આટલો રોમાંચ અને ‘આઉટ’નું ખાનું નથી.)

ખેલાડીનો હાથ બેસી જાય એટલે એકધારી ગતિએ તે લખોટીઓને છેક ઉપર આવેલાં અર્ધવર્તુળમાં ૭૦ના અને તેની પડખે આવેલા ૮૦ના ખાનામાં મોકલી શકે. પાકા ખેલાડીનો દાવ પૂરો થાય કે ૭૦-૮૦ના ખાનામાંથી ઓછામાં ઓછી દસ-બાર લખોટીઓ નીકળે. એવું જ અર્ધવર્તુળ કેરમના નીચેના ભાગમાં છે. ત્યાં એક તરફ ૭૫ અને બીજી તરફ -૨૫ (માઇનસ ૨૫) પોઇન્ટનાં ખાનાં છે. તેની ડાબી બાજુ થોડે ઉપર,ખીલીઓના નાના પાંજરામાં ટી.એ.લખેલું છે. એટલે કે ટ્રાય અગેઇન.

150ની ગબ્બી એવી જગ્યાએ છે કે ગમે તેવો કુશળ ખેલાડી ત્યાં પોતાની ઇચ્છાથી લખોટીને લાવી ન શકે. (હા, 150ની ગબ્બી સૌથી ‘હાથવગી’ હોવાથી નજર ચુકાવીને- ચીટીંગ કરીને હાથથી 150માં લખોટી ગોઠવી દેવાની બૂમ ઘણી વાર ઉઠી છે) લખોટી સ્વૈરવિહાર કરતી, ટાંકણીઓ વચ્ચે અથડાતી-કુટાતી જ 150માં જઇ ચડે. 100 અને 125 પોઇન્ટની ગબ્બીઓ એવી જગ્યાએ આવેલી છે કે ધસમસતી આવતી ઘણી લખોટીઓ, એક વાર અંદર સહેજ બેસીને ફરી પાછી, કંઇક કામ યાદ આવ્યું હોય તેમ બહાર નીકળી જાય અને આઉટના ખાનામાં ગરકી જાય. જોનાર અને દાવ લેનાર બન્નેના જીવ એ વખતે સહેજ ઊંચા થઇ જાય અને અરે યારજેવા ઉદ્‌ગાર નીકળે. પરંતુ કેરમના હૃદયસ્થાને આવેલી ગબ્બીમાં લખોટી બેઠી તો ઉપસ્થિત વૃંદમાંથી બધાના મોઢે અરરરના ઉદ્‌ગાર નીકળે અને દાવ લેનારના મનમાંથી હાય હાયજેવો નિસાસો નીકળી પડે. કારણ કે એ ગબ્બી પર લખ્યું છેઃ એલટીપી- લૂઝ ટોટલ પોઇન્ટ્‌સ. અત્યાર સુધી કરેલી બધી કમાણી બાતલ. ક્યારેક છેલ્લી લખોટી બાકી હોય ને એ જ એલટીપીમાં આવે એવા બનાવો પણ નોંધાયેલા છે. એ વખતે ગણનારને ગણવું મટ્યુંની નિરાંત થાય, પણ દાવ લેનાર યું ન હોતા તો ક્યા હોતાએવા આશ્વાસન માટે થઇને પણ, ‘બળેલાપોઇન્ટ ગણવાની લાલચ રોકી શકે નહીં.

pappa playing carrom with Biren (left) & Shachi (Right) as spectators-cum- co-players

સાંભળ્યા પ્રમાણે, આ કેરમ પર દાદાજી અને તેમના મિત્રો આઇસક્રીમની ને પાર્ટીની શરતો મારતા હતા. જેન્ડર બાયસ વગરની આ રમતમાં બા, મમ્મી, કાકી, ફોઇ બધાં એકસરખા આનંદથી અને મહારતથી રમતાં. પપ્પા પાછલી અવસ્થા સુધી આ કેરમ રમવાનું આવે ત્યારે તેમની કેટલાક શારીરિક અક્ષમતા વિસારે પાડીને, નીચે જેવીતેવી પલાંઠી વાળીને પણ કેરમ રમવા બેસતા. કારણ કે એ કેરમ સાથે તેમનું બાળપણ સંકળાયેલું હતું. એની સ્ટીક હાથમાં પકડતાં એમની ઉંમર ઘટી જતી ને આંખમાં ચમક આવી જતી. એ પણ યાદ આવે છે કે ઘણી વાર અમારા બધા કરતાં તેમનો સ્કોર સૌથી વધારે થતો.

આ કેરમ રોજેરોજ રમવાની ચીજ ન હતી. વેકેશનમાં કે બધાં ભેગાં થયાં હોય ત્યારે તે નીકળે, પણ એક વાર ઉતર્યું એટલે તેનો પૂરો કસ નીકળીને જ રહે. અમારા પરિવાર ઉપરાંત મિત્રો, ભૂતકાળમાં મહેમદાવાદના મોટા ઘરે આવીને રહેતાં સગાંવહાલાં- બધાં આ કેરમને ઓળખે, બૃહદ પરિવારની સહિયારી સ્મૃતિનો હિસ્સો ગણે અને કેરમ નિમિત્તે દાદાજીને સંભારે.

દાદાજીને ગયે 46 વર્ષ થયાં. હવે પપ્પા પણ નથી. બીરેનની દીકરી લૉ કોલેજમાં ભણે છે. મારી દીકરી મન્ના ડે અને હેમંતકુમારનો, ગીતા દત્ત અને શમશાદ બેગમનો અવાજ ઓળખી શકે એટલી મોટી (નવ વર્ષની) થઇ. પણ કેરમનો જાદુ હજુ ઓસર્યો નથી. ચાર પેઢી જોયા પછી તેની લાકડાની સપાટીમાં ઠેકઠેકાણે છિદ્રો પડ્યાં છે. કિનારો પરથી દરેક વખતે થોડી ફાંસ નીકળી આવે છે. પાવડર લગાડ્યા પછી પણ તેની અમુક સપાટી ખરબચડી રહે છે. એટલે ગતિશીલ લખોટી ઘણી વાર નિર્ધારિત રસ્તે ચાલવાને બદલે રસ્તો ઠેકી જાય છે. લોખંડની કેટલીક લખોટીઓ ખોવાઇ ગઇ છે. હવે દરેક વેકેશનમાં તે પહેલાંના જેટલું વપરાતું નથી. છતાં, હજુ મન થાય ત્યારે વરસના વચલા દહાડે એ કેરમ લઇ આવીને રમી લઇએ છીએ. એવો પણ વિચાર કર્યો છે કે બીરેનના હોંશિયાર-કલાકાર મિસ્ત્રી પાસે આ કેરમની પ્રતિકૃતિ બનાવવી. આ જ માપે અને તેની પર રમી શકાય એવી- ભલે એ બીજી ચાર પેઢી ન ચાલે.

11 comments:

  1. બીરેન1:39:00 AM

    આ કેરમની સ્ટીક પણ હું જોતો આવ્યો ત્યારથી પાછલા ભાગે તૂટેલી જ છે. એ રમતાં રમતાં આપોઆપ ગુણાકાર અને સરવાળાની પ્રેકટીસ થઈ જાય એ તો અલગ.એની લખોટીઓમાંની એક લખોટીનું કદ નાનું હતું તેથી એ કાયમ દડબડ કરતી ઉછળે અને ન ધારેલી જગાએ ગોઠવાઈ જતી.મઝાની વાત એ કે ગમે એટલા ખેલાડીઓ એ રમી શકે. જેમ વધુ રમનારા, એમ વધુ મઝા.

    ReplyDelete
  2. Anonymous10:27:00 AM

    first time I've saw the original pin ball. we've played it in only video games.

    ReplyDelete
  3. ઉત્કંઠા11:17:00 AM

    ઉર્વીશભાઈ, હવે તો આમ સાથે રમતા હોય તેવા પરિવારો કેટલા? પણ , ખૂબ મજા આવી.. અંગત લાગણીઓ વહેંચવા માટે આભાર..

    ReplyDelete
  4. thank for introducing us to a new (though old!) wonderful game! and memories attached with such games are priceless!!

    Brinda.

    ReplyDelete
  5. this is just like pin ball...
    વાહ... મજા આવી....

    ReplyDelete
  6. Anonymous7:14:00 AM

    અમે કેરમ અહી રમ્યા.એલ ટી પી ની જગ્યા એ એલપીજી વાચ્યા પછી મને એમ થયું કે ઉર્વીશભાઈ વચ્ચે આ કડવી વાત ક્યા લાવ્યા પણ પછી મારી ભૂલ સુધારી.

    ReplyDelete
  7. Anonymous6:21:00 PM

    Superb. So nice to go back to the roots of something even if its is pin ball!

    Kapil

    ReplyDelete
  8. really nice one, thanks for sharing.

    ReplyDelete
  9. Harsh Buch12:49:00 PM

    So nice....

    ReplyDelete
  10. wow ! મેં તો આ પ્રકારનું કેરમ જ પહેલીવાર જોયું ! ખુબજ સરસ છે !

    ReplyDelete
  11. પીનબોલ ની ગેઇમ વિડિઓ ગેઇમ માં જોઈ હતી મેન્યુઅલ પેલી વાર જોઈ

    ReplyDelete