Monday, August 01, 2011

રૂપર્ટ મર્ડોકની મુંહબોલી દીકરી, પીળા પત્રકારત્વની બેતાજ રાણીઃ રેબેકા બ્રુક્સ

વીસ જ વર્ષમાં મઘ્યમ વર્ગીય યુવતીમાંથી રુપર્ટ મર્ડોક/ Rupert Murdochનાં ‘પુત્રી’ અને બ્રિટનમાં તેમનાં મીડિયા સામ્રાજ્યનાં સર્વેસર્વા ની ગયેલાં રેબકા બ્રુક્સ/ Rebekah Brooksને છેવટે રાજીનામું ધરીને આરોપીના કઠેડામાં ઉભા રહેવાનો દિવસ આવ્યો છે.

ગયા મહિને ૧૬૮ વર્ષ જૂનું બ્રિટિશ અખબાર ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ બંધ થયું. તેનાથી વધારે મોટી ઘટના એ હતી કે ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ના મહારથી માલિક રુપર્ટ મર્ડોક, તેમના પુત્ર જેમ્સ મર્ડોક અને તેમના બ્રિટનના સામ્રાજ્યનાં સર્વેસર્વા રેબેકા બ્રુક્સને ભારે નીચાજોણું થયું. રેબેકા અને ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ના કેટલાક લોકો પર લોકોના મોબાઇલ ફોનની જાસૂસી કરાવવાનો આરોપ હતો. તેમાં રાજકારણીઓ અને અભિનેતાઓથી માંડીને એક કિશોરીનો પણ સમાવેશ થતો હતો, જેનું અપહરણ કરીને ખૂન કરી નાખવામાં આવ્યું હતું. આ ધૃણાસ્પદ અપરાધ બદલ અંતે રેબેકા બ્રુક્સની ધરપકડ થઇ, ત્યારે ઘટનાક્રમનું એક ચક્ર જાણે પૂરું થયું.

બ્રિટનના મઘ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલાં રેબેકા બ્રુક્સની કહાનીનો આરંભ પરીકથા જેવો અને મઘ્યાંતર સુધીની સફર કોઇ સસ્પેન્સ થ્રીલર જેવી રહી છે. ૧૪ વર્ષની ઉંમરે પત્રકાર બનવાનો નિર્ધાર કરનાર રેબેકા બ્રુક્સ (લગ્ન પહેલાંનું નામ રેબેકા વેડ)ની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, પણ તેના મનમાં ભડભડતી મહત્ત્વાકાંક્ષાની જ્વાળા એટલી તીવ્ર હતી કે તેના જોરે બે દાયકા પછી તે બ્રિટનનાં પ્રસાર માઘ્યમોમાં બાકી બધાને પાછળ રાખીને છવાઇ ગઇ. એટલું જ નહીં, રુપર્ટ મર્ડોક જેવા, મીડિયાના વૈશ્વિક મહારથીના સાવ અંગત વર્તુળમાં, ‘પાંચમી પુત્રી’ તરીકેનું સ્થાન મેળવ્યું.

કારકિર્દીની શરૂઆત રેબેકાએ સાવ પરચૂરણ નોકરીથી કરી હતી. થોડું ભણ્યા પછી પેરિસમાં કળા અને સ્થાપત્યના એક સામયિકમાં કામ કર્યું. બ્રિટન પાછા ફરીને એક-બે ઠેકાણે સેક્રેટરી તરીકે નોકરી કર્યા પછી, તે રુપર્ટ મર્ડોકે ખરીદેલા બ્રિટનના સૌથી જૂના રાષ્ટ્રિય અખબાર ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’માં જોડાઇ. એ વખતે ભાગ્યે જ કોઇને કલ્પના હતી કે સેક્રેટરી તરીકે જોડાયેલી આ છોકરી ભવિષ્યમાં બ્રિટનના રાષ્ટ્રિય અખબારની સૌથી યુવાન મહિલા તંત્રી બની જશે.

રેબેકા સાથે શરૂઆતના દિવસોમાં કામ કરનારા તેના ઉત્સાહની સાથોસાથ ધાર્યું કામ કઢાવાની કે પાર પાડવાની તેની શક્તિ જોઇ શક્યા હતા. ગમે તે રીતે આગળ-ઉપર પહોંચવાની તેનામાં જબ્બર તાલાવેલી હતી. તેના માટે કંપનીની (અ)નીતિ પ્રત્યે આંખ મીંચીને વફાદારી રાખવાનો ગુણ પણ રેબેકામાં હતો. રુપર્ટ મર્ડોકની પારખુ વ્યાપારી દૃષ્ટિમાં રેબેકા આવી એ સાથે જ તેની પ્રગતિ આડેનું પાંદડું ખસી ગયું. એટલું જ નહીં, પાંદડાની જગ્યાએ સડસડાટ ઉપર ચડવાની લિફ્‌ટ મુકાઇ ગઇ.

સનસનાટી અને કૌભાંડો ચગાવીને છાપાનું વેચાણ વધારવું એ મર્ડોકની કાર્યપદ્ધતિ રહી છે. પત્રકારત્વનાં ઉચ્ચ ધોરણો સાથે મર્ડોકને ભાગ્યે જ કશી લેવાદેવા હોય છે. આ બાબતમાં મર્ડોક એકલા નથી એ ખરું, પણ બીજા લોકોનો પથારો અને પ્રભાવ મર્ડોકની જેમ વૈશ્વિક સ્તરનાં નથી. મર્ડોક પ્રકારના માલિકોને સામા પ્રશ્નો પૂછ્‌યા વિના, પૂરેપૂરી વફાદારીથી કંપનીના હિતમાં કામ કરે એવા ઉત્સાહી અને કામ કરવા-કરાવવામાં પાવરધા લોકોની હંમેશાં જરૂર પડે. એટલે મર્ડોકે રેબેકાને કંપનીની સેક્રેટરીમાંથી પોતાની માલિકીના ટેબ્લોઇડ ‘ધ સન’માં ડેપ્યુટી એડિટરનો હોદ્દો આપ્યો. એ કામગીરીમાં રેબેકાનો ઉત્સાહ, લોકો સાથે હળવાભળવાની- તેમને પ્રભાવિત કરવાની અને તેમની પાસેથી ધાર્યું કામ કઢાવવાની રેબેકાની ક્ષમતાથી અંજાયેલા મર્ડોકે વર્ષ ૨૦૦૦માં તેમને ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’નાં તંત્રી બનાવી દીધાં. એ વખતે રેબેકાની ઉંમર હતી ફક્ત ૩૨ વર્ષ.

આટલી નાની વયે બ્રિટનના રાષ્ટ્રિય અખબારનું તંત્રીપદું મળે એ બહુ મોટી વાત હતી. ત્રણ વર્ષમાં રેબેકાએ મર્ડોકની પસંદગી સાર્થક ઠેરવી આપી. ત્યાર પછી મર્ડોકે તેમને ‘ધ સન’ના તંત્રી તરીકે નીમ્યાં. નખશિખ ટેબ્લોઇડ સંસ્કાર ધરાવતા ‘સન’માં નગ્ન તસવીરો, સનસનીખેજ સમાચારો અને ચટાકેદાર-મસાલેદાર વાતોના જોરે રેબેકાના નામની હાક વાગવા લાગી અને તેમની ધાક પણ ઉભી થઇ. રાજકારણીઓથી માંડીને રાજવી પરિવાર અને તમામ ક્ષેત્રના વગદાર લોકો રેબેકા બ્રુક્સથી એક યા બીજી રીતે દબાવા લાગ્યા. જે લોકો ‘ફ્‌લેમહેર્ડ’ (રતાશ પડતા વાળ ધરાવતાં- જ્વાલાકેશી) રેબેકાના કહ્યામાં ન રહે તેમણે દાઝવાની તૈયારી રાખવી પડતી. એટલે ભલભલા અંગત અને ગુપ્ત સમાચારો રેબેકાને પહેલા મળતા હતા. બ્રિટનનાં તત્કાલીન વડાપ્રધાન ટોની બ્લેરમાં પત્ની સગર્ભા થયાં ત્યારે મીડિયામાં આ વાતની જાણ સૌથી પહેલાં તેમણે રેબેકાને કરી હતી.

રેબેકા સાથે સંબંધ બગાડવાનું પરિણામ કેવું આવે તેનું ઉદાહરણ બ્રિટનના બીજા ભૂતપૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉનની વાતમાંથી જાણવા મળે છે. બ્રાઉન દંપતિનું નવજાત સંતાન સીસ્ટીક ફાઇબ્રોસિસ નામનો રોગ ધરાવતું હતું. ‘ધ સન’ના તંત્રી તરીકે રેબેકાએ બ્રાઉનને ફોન કરીને ધમકી આપતાં કહ્યું હતું,‘તમારા સંતાનની બિમારીની વિગત હું જાહેર કરી દઇશ.’ બી.બી.સી.ના ઇન્ટરવ્યુમાં આ વાત કરતાં બ્રાઉને કહ્યું હતું કે (રેબેકાની ધમકી સાંભળીને) મારી પત્નીની અને મારી સ્થિતિનો વિચાર કરતાં આંખમાં ઝળઝળીયાં આવી ગયાં હતાં.’ તેમ છતાં, આ જ બ્રાઉન ત્રણ વર્ષ પછી (૨૦૦૯માં) રેબેકાના બીજા લગ્નની શાનદાર પાર્ટીમાં હાજર રહ્યા હતા. એ પાર્ટીમાં બ્રિટનના વડાપ્રધાન કેમેરુનથી માંડીને તમામ ક્ષેત્રના ટોચના લોકો હાજર રહ્યા હતા. રેબેકાની પાર્ટીમાં ન આવીને તેમની આંખે ચડવાનું કોને પરવડે?

કોઇ પણ ભોગે સફળ થવાના અને સફળતા ટકાવી રાખવાના ઝનૂનમાં ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ના કેટલાક પત્રકારોએ જાણીતી હસ્તીઓના મોબાઇલ ફોનનું હેકિંગ કરાવીને, તેની વિગતો જાણી લેવાના ધંધા આદર્યા. આ વિકૃત પ્રથા ધીમે ધીમે એટલી વ્યાપક બની કે એક કિશોરીની હત્યા થઇ, ત્યારે તેનો મોબાઇલ ફોન પણ હેક કરવામાં આવ્યો, જેથી તેમાં આવતા સંદેશા જાણી શકાય. છોકરીના મૃત્યુ પછી તેના મોબાઇલનું ઇન બોક્સ ભરાઇ જતાં, નવા સંદેશા આવી શકે એટલા માટે તેના ઇન બોક્સમાંથી કેટલાક જૂના સંદેશા કાઢી નાખવામાં આવ્યા.


‘ધ ગાર્ડિયન’ અખબારે પહેલી વાર મર્ડોકની કંપનીના આ ગોરખધંધા જાહેર કર્યા, ત્યારે તે એકલું પડી ગયું હતું. પણ છેવટે ફોન-હેકિંગની ફરિયાદો એટલી વ્યાપક બની કે પોલીસ તંત્રને જાગવું પડ્યું. સ્કોટલેન્ડ યાર્ડના અંદાજ પ્રમાણે ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ના કેટલાક લોકોએ આશરે ચારેક હજાર લોકોના ફોનની જાસૂસી કરાવી છે. રેબેકા બ્રુક્સ આ મામલામાં પોતાની ગમે તેટલી નિર્દોષતા જાહેર કરે, પણ આ હકીકતની તેમને જાણ ન હોય એ બનવાજોગ નથી. મર્ડોકના અભેદ્ય મનાતા મીડિયા-ગઢમાં મોટું ગાબડું પડેલું જોઇને, અત્યાર લગી દબાતા રહેલા બ્રિટનના નેતાઓ પણ હવે રેબેકા અને તેમની નીતિરીતિઓ વિશે મોં ખોલતા થયા છે.

હમણાં સુધી રેબેકાની પાર્ટીઓમાં જખ મારીને હાજરી આપતા લોકોએ પણ બદલાયેલા પવનની દિશામાં સઢ ફેરવવાનું શરૂ કર્યું છે. છતાં, મર્ડોક પિતા-પુત્ર પર રેબેકાનો જાદુ હજુ ઓસર્યો નથી. મર્ડોકની પુત્રીએ રેબેકા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે, પણ રુપર્ટ મર્ડોકને તેમની મુંહબોલી દીકરીનું ઓછું આવતું નથી. ‘ન્યૂઝવીક’(૨૫-૭-૧૧)ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ૧૦ જુલાઇના રોજ ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’નો છેલ્લો અંક બહાર વેચાઇ રહ્યો હતો, ત્યારે રુપર્ટ મર્ડોક ખાસ બ્રિટન આવીને રેબેકાની સાથે હાજર રહ્યા હતા. ‘તમારા માટે શાની પ્રાથમિકતા છે?’ એવા પત્રકારોના સવાલના જવાબમાં મર્ડોકે પત્રકારત્વ કે તેનાં મૂલ્યોની વાત કરવાને બદલે, રેબેકા બ્રુક્સ તરફ આંગળી ચીંધીને કહ્યું હતું. ‘(મારી પ્રાથમિકતા) આ છે.’

રુપર્ટ મર્ડોક અને જેમ્સ મર્ડોકને અનુકૂળ અભિપ્રાયો આપનાર અને મર્ડોકની પ્રતિક્રિયા સૂંઘીને અડધા વાક્યે પોતાનું વલણ ફેરવી નાખનાર રેબેકા બ્રુક્સનું હવે ચાલનારી તપાસમાં શું થાય છે તે જોવાનું રહે છે. પણ પત્રકારત્વ માટે મોંકાણની વાત એ છે કે બ્રિટન હોય કે ભારત, મર્ડોકોને કદી રેબેકા બ્રુક્સોનો તોટો પડવાનો નથી

4 comments:

 1. Bharat.zala1:01:00 PM

  Must read for new journalist.I dont like the word-yellow journalism.I suggest-black journalism.its more proper word for these type of dirty politics(I Dont like to use-journalism here) by the way its my personal opinion. we have seen J.D-a brave journalist and now we see rebeca-a blackmailer.its a tragedy of our eyes.

  ReplyDelete
 2. very nice story.

  ReplyDelete
 3. Anonymous4:04:00 AM

  Sounds like Burkha Dutt and her lobbying company!

  ReplyDelete
 4. Anonymous7:03:00 PM

  Clientle list of Rupert Murdoch are located every where.

  ReplyDelete