Wednesday, August 24, 2011

લોકપાલ ખરડાનાં બીજાં પ્રસ્તાવિત સ્વરૂપ

અન્ના હજારે અને તેમના સાથીદારોએ જનલોકપાલ ખરડા માટે ઉપાડેલા આંદોલનમાં સત્તાધારી પક્ષને ખરડાવું પડ્યું અને બાકીના રાજકીય પક્ષોને તેમની પાછળ ખેંચાવું પડ્યું .સરકારે નાકલીટી તાણવી પડી અને ભાજપી અઘ્યક્ષે કહેવું પડ્યું કે ‘અમે અન્નાની ધરપકડના વિરોધમાં છીએ તેનો મતલબ એવો નથી કે અમે તેમના દ્વારા પ્રસ્તાવિત લોકપાલ ખરડાનું સમર્થન કરીએ છીએ.’

હકીકત એ છે કે અન્નામંડળ દ્વારા પ્રસ્તાવિત લોકપાલ ખરડો અને તેમાં રહેલી આકરી જોગવાઇઓ સ્વીકારતાં તમામ રાજકીય પક્ષોને ભરઉનાળે ટાઢ ચડે એમ છે. તેમનું ચાલે તો એ લોકપાલ ખરડાને પડતો મૂકીને તેના જેવા બીજા ઘણા ‘પાલ’અમલમાં મૂકવાનું વિચારી જુએ. કેટલાક સંભવિત છતાં વાસ્તવિકતાના અંશ ધરાવતા નમૂનાઃ

‘લૉક’પાલઃ આ જોગવાઇ તમામ પક્ષોની સરકારોની પ્રિય હોવાથી તેનો અલગથી કાયદો બનાવવાની જરૂર પડી નથી. વર્તમાન કાયદા અંતર્ગત જ તેનો ઉપયોગ કરવામાં આવે છેઃ ભ્રષ્ટાચારનાં નાણાં મજબૂત રીતે તાળાબંધીમાં-‘લોક’એન્ડ કીમાં રાખવાં અને ભ્રષ્ટાચાર સહિત કોઇ પણ મામલે સરકારની સામે પડે તેમને વેળાસર ‘લોક’અપમાં પુરવા. ગુજરાતમાં જરા જુદો ટ્રેન્ડ છે. તેમાં સરકારની સામે નહીં, પણ સરકારી લાઇન પ્રમાણે ખોટેખોટાં એન્કાઉન્ટર કરનારા ઘણા બંદૂકબહાદુરોને જેલમાં રહેવાનો વારો આવ્યો છે. તેમની અવદશા અને કેટલાક લોકોની તેમના પ્રત્યેની સહાનુભૂતિ જોતાં ગુજરાતમાં‘લોક’પાલને બદલે ‘અનલૉક’પાલની માગણી થાય તો નવાઇ નહીં. એ જોગવાઇ થાય ત્યાં સુધી એન્કાઉન્ટરબહાદુરોની વીરપ્રશસ્તિ રચનારાઓ જેલમાં તેમની ટૂંકી મુલાકાતો લઇને જ સંતોષ માનવો રહ્યો.

‘પોક’પાલઃ ભારતની લોકશાહીમાં સત્તાધારી પક્ષની વ્યવસ્થિત બહુમતી હોય અથવા ઘટક પક્ષોને યોગ્ય રીતે સંતુષ્ટ કરેલા હોય તો વિપક્ષો બૂમબરાડા પાડીને સંસદની કાર્યવાહી ખોરવવાથી વિશેષ કશું કરી શકતા નથી. ગૃહમાં તોફાની બાળકોની જેમ ધાંધલ કર્યા પછી બહાર ટીવી કેમેરા સામે કકળાટ કરીને તે સંસદીય લોકશાહી પ્રત્યેની પોતાની નિસબત વ્યક્ત કરે છે. આ કામ ગૃહમાં મોકળા મને કરી શકાય તો ભારતની લોકશાહી વઘુ તંદુરસ્ત બને.એવા પવિત્ર આશયથી સંસદમાં જ પોક મૂકીને ભેંકડા તાણી શકાય એ માટે વિપક્ષો ‘પોક’પાલ ખરડાની માગણી કરી શકે છે.

‘રોક’પાલઃ ભારતવર્ષમાં કાયદાની ખોટ નથી. ભ્રષ્ટાચાર અટકાવવા માટે અને ભ્રષ્ટાચારીઓને સજા કરવા માટે પણ અનેક કાયદા અને સંસ્થાઓ છે. પરંતુ જેટલા કાયદા છે, તેનાથી અનેક ગણી વધારે સંખ્યામાં લોકો એ કાયદાનો અમલ રોકવા માટે પ્રવૃત્ત હોય છે. એટલે લોકપાલનો ખરડો કાયદો બને ત્યાર પછી લાગતા-વળગતા લોકો લોકપાલનો અમલ રોકતો ‘રોક’પાલ ખરડો સંસદમાં લાવવા માટે આગ્રહ કરશે અને ભલું હશે તો તેના માટે જંતરમંતર પર ઉપવાસની પરવાનગી પણ માગશે. તેમણે એક વાતની ફિકર નહીં કરવી પડેઃ સરકાર તેમની સામે પોલીસપગલાં નહીં લે અને તેમને તિહાર જેલમાં નહીં નાખે.

‘મૉક’પાલઃ આપણા દેશમાં સત્તાનો મતલબ છે કાયદાની હાંસી ઉડાડવાની ક્ષમતા. જેની પાસે એ ક્ષમતા વધારે, તે વધારે પાવરફુલ. આ સચ્ચાઇ સમજવા માટે પોલિટિકલ સાયન્સના ક્લાસ ભરવાની જરૂર નથી. ટ્રાફિક પોલીસે આંતરેલા કોઇ પણ દ્વિચક્રીચાલકને જોતાં એ સમજાઇ જશે. કારણ કે મોટા ભાગના લોકો ગુનો કરીને પકડાયા પછી, પોલીસના સકંજામાંથી બચવા માટે પોતાના કોઇ ને કોઇ ઓળખીતા ‘મોટા માણસ’ને ફોન કરતા જોવા મળશે. આ પરિસ્થિતિમા સત્તાધીશોની, તેમના પી.એ.ની, પી.એ.ના પી.એ.ની, પી.એ.ના પી.એ.ના સાળાના મિત્રની સત્તા ટકી રહે અને એ લોકો સુખેથી પોતાના ‘છેડા’ આગળ ધરીને કાયદાકીય જોગવાઇઓની સત્તાવાર રીતે હાંસી ઉડાડી શકે એ માટે ‘મૉક’પાલ જેવા વિધેયક અંગે વિચાર થઇ શકે. આ વિધેયક અંતર્ગત કાયદાની હાંસી ઉડાડવાનું કાયદેસર થઇ જાય, તો કાયદાના ઉલ્લંઘનના બનાવ કેટલા ઓછા થઇ જશે, એ કલ્પના જ રોમાંચ પ્રેરનારી છે.

‘જોક’પાલઃ આ સંભવિત વિધેયક વિશે બહુ વિચારવિસ્તાર કરવાની જરૂર ખરી? સરકાર અને સરકારના ઇશારા પ્રમાણે પોલીસ જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી વગદાર નાગરિકો ગમે તેવા કાયદાને ‘જોક’- રમૂજ ગણીને હસી કાઢી શકે છે. આમ તો આ વિધેયકને અલગ રજૂ કરવાને બદલે ‘મૉક’પાલની પેટાજોગવાઇ તરીકે પણ મૂકી શકાય.

‘ટોક’પાલઃ નેતાઓ જ નહીં, દેશમાં ઘણા વગદારોને લાગે છે કે એમને કોઇ કહેનાર-ટોકનાર-ખોટું કરતાં અટકાવનાર નથી. એમને કોઇ સજા કરનાર હોય એ તો બહુ દૂરની વાત છે. વડાપ્રધાન જેવા વડાપ્રધાન પણ ખોટું કરતા પ્રધાનોને રોકવા-ટોકવાને બદલે ગોરખધંધા થયાનાં એક-બે વર્ષ પછી લાચાર ચહેરે કહે છે,‘હું શું કરું? મને તો ખબર જ ન હતી.’કર્ણાટકમાં યેદીયુરપ્પા અને રેડ્ડી બંઘુઓનાં કારનામાં જગજાહેર હોવા છતાં ભાજપી અઘ્યક્ષ તેમને ટોકવાને બદલે, તેમનાં કરતૂત ‘અનૈતિક હશે, પણ ગેરકાનૂની નથી’એવું પ્રમાણપત્ર ફાડી આપે છે. આ બઘું જોતાં લાગે કે કાનૂની પ્રક્રિયા અંતર્ગત સજા થાય તે પહેલાં, ગુનો બનતો હોય તે વખતે તેમને કોઇ ટોકનાર હોવું જોઇએ. ‘કેગ’ જેવી સંસ્થાઓ એ ભૂમિકા અદા કરવાની કોશિશ કરે છે, પણ તેમના જેવા ‘ટોક’પાલનું જોર વધે એ દેશના હિતમાં છે.

‘ઠોક’પાલઃ અમુક રાજ્યોમાં અને રાજકીય પક્ષોમાં આ સ્વરૂપ પ્રગટ અને અપ્રગટ એમ બન્ને સ્વરૂપે અત્યંત લોકપ્રિય છે. સત્તાધીશો ‘રાજ્યના કે દેશના વિકાસમાં’-એટલે કે પોતાના રસ્તામાં- આડા આવતા લોકોને ખતમ કરી નાખે છે અથવા પોતાના સ્વાર્થ ખાતર હાથે ચડે તેને ઠાર મારે છે, જેને ભાઇલોગ અને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો ‘ઠોક દિયા’કહે છે. ફક્ત માણસોને જ નહીં, આઘુનિક સમયમાં ફિલ્મો અને પુસ્તકો ઉપર પણ પ્રતિબંધો ઠોકી દેવામાં આવે છે. ગુજરાતમાં સરદાર વિશેના જસવંતસિંઘના પુસ્તક ઉપરનો પુસ્તક વાંચ્યા વિના ઠોકી દેવાયેલો સત્તાવાર પ્રતિબંધ ઘણાને યાદ હશે. આ બાબતમાં બધી સરકારો સરખી ઉત્સાહી હોય છે. તેમનું ચાલે તો એ ‘ઠોક’પાલ જેવો કોઇ વિધેયક લાવીને પોતાની આ કામગીરી કાયદેસરની ગણાવી દે. ટાડા-પોટા જેવા કેટલાક કાનૂનો ‘ઠોક’પાલ બની રહે એવી આશંકા ઘણા લોકો વ્યક્ત કરી ચૂક્યા છે.

‘ફોક’પાલઃ અન્નાની માગણી પ્રમાણેનો જનલોકપાલ ખરડો સ્વીકારાઇ જાય અને ભોગેજોગે એ પસાર થઇ જાય, તો ત્યાર પછી ફક્ત રાજકીય વર્તુળોમાંથી જ નહીં, બંધારણીય જોગવાઇઓની ચિંતા કરતા લોકોમાંથી પણ સૌથી પ્રબળ માગ ‘ફોક’પાલની - લોકપાલની કેટલીક આત્યંતિક જોગવાઇઓ ફોક કરતા નવા વિધેયકની ઉઠી શકે છે. એવું થાય તો કોઇ ‘અભી બોલા અભી ફોક’નું મહેણું નહીં મારે.

4 comments:

 1. ‎'ઠોક'પાલ મુખ્યત્વે મહારાષ્ટ્ર માટે હોવા જોઈએ...રાજ ઠાકરે અને શિવસેના બંને લોકોને બહુ ઝૂડે છે યાર... !
  તો વળી નેતાઓ માટે એક 'walk'પાલ હોવા જોઈએ જેથી નેતાજી ચાલતા બહાર નીકળે ત્યારે પબ્લિક એમનો કોલર પકડી શકે !!
  On a lighter side સુરતીઓ માટે 'પોંક'પાલ પણ હોવા જોઈએ... !
  btw 'જોક'પાલ નો કાયદો તો ગુજરાતમાં છે જ ને...લોકાયુક્તના હુલામણા નામે !! :D

  ReplyDelete
 2. Anonymous10:10:00 AM

  એમ કરીને તમે ૮ કાફિયા આપી દીધા... :)

  ReplyDelete
 3. just nonsence in such comments for a serious question


  kini

  ReplyDelete
 4. સરસ!ઘણું ગમ્યું. જ્યાં સુધી ખરડાની ગંભીરતાનો સવાલ છે-અન્નાને પણ એની ખબર નથી.અનશનની લાકડીથી બધાને હાંકી શકાય નહિ. એની હાલ વિચિત્ર છે.આપણે ઉત્સવ પ્રિય છીએં.મોતના કુંવાથી લઈ ઝ્મ્હુરાનાં કારસાને આનંદથી માણીએં છીએં. બાકી એમની બાબતમાં-ચડજા બેટે શૂલી પર રામજી ભલા કરે-વધુ તાર્કિક છે.
  --વફા

  ReplyDelete