Tuesday, August 02, 2011

અમેરિકાની અભૂતપૂર્વ આર્થિક કટોકટીઃ રાજ-કાજ-તારાજ

(written on 30-7-11 for 2-8-11)

વાત ‘જો’ અને ‘તો’ની છે, પણ અમેરિકામાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આજના દિવસ સુધીમાં એકમતી નહીં સધાય, તો આજે, ઇતિહાસમાં પહેલી વાર, અમેરિકા ‘નાદાર દેશ’ જાહેર થશે.

દાયકાઓથી મહાસત્તા તરીકેનો દબદબો ભોગવતું અમેરિકા નાદાર કેવી રીતે બની શકે? એવો સવાલ કોઇને પણ થાય. છેલ્લાં થોડાં વર્ષ અમેરિકામાં મંદીનાં હતાં. મોટી કંપનીઓ અને બેન્કો ઉઠી ગઇ. સરકારી દેવું વઘ્યું. છતાં, અમેરિકા ‘ગ્રેટ ડીપ્રેશન’/ મહામંદીમાં ધકેલાયું નહીં. ઉલટું, મંદીના ઊંડા ખાડામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું હોય એવું લાગતું હતું. આંતરરાષ્ટ્રિય ચલણોમાં અમેરિકન ડોલર પર સૌનો ભરોસો અકબંધ હતો. અમેરિકાના સરકારી (ટ્રેઝરી) બોન્ડ રોકાણ માટે સૌથી વિશ્વાસપાત્ર ગણાતા હતા. મંદી પછી પણ તટસ્થ રેટિગ એજન્સીઓએ અમેરિકાને સૌથી ઊંચું અને સૌથી વિશ્વાસપાત્ર એવું ‘ટ્રીપલ એ’ રેટિગ આપ્યું હતું.

છતાં અમેરિકાના માથે નાદારી/ડીફોલ્ટનાં વાદળ કેવી રીતે ઘેરાયાં? તેના માટે કોણ અથવા શું જવાબદાર છે? ડેમોક્રેટ-રીપબ્લિકન પક્ષોની છેલ્લી ઘડીની સમજૂતીને લીધે અમેરિકા નાદારીમાંથી ઉગરી જાય, તો પણ ઇતિહાસમાં પહેલી વાર તે નાદારીથી આટલું નજીક શી રીતે આવી ગયું? શું અમેરિકાની તિજોરીનાં તળિયાં ખરેખર ખાલી થઇ ગયાં છે?


ઔપચારિકતા બની આડખીલી

સૌથી પહેલાં કારણઃ જૂની પરંપરા પ્રમાણે અમેરિકાની સરકાર પોતાના વહીવટમાં (બજેટમાં) દેવું કરવાની એક હદ નક્કી કરે છે. આ પ્રથાની શરૂઆત પહેલા વિશ્વયુદ્ધ વખતે થઇ હતી. ‘દેવું કરવાની હદ હોવી જોઇએ’ એવું સૂચવતા કાયદામાં એવી પણ જોગવાઇ હતી કે યુદ્ધ માટે સરકાર (ટ્રેઝરી)ને વધારે નાણાં ઊભાં કરવાની જરૂર પડે તો તે સંસદની મંજૂરી વિના જ બોન્ડ જારી કરી શકે. આમ કરવા પાછળનો હેતુ એટલો જ કે એક વાર સંસદમાં દેવાની હદ નક્કી થઇ ગઇ હોય, એટલે એ હદની અંદર રહીને સરકાર ઇચ્છે એટલા બોન્ડ બહાર પાડીને નાણાં ઉઘરાવી શકે.

આ કાયદો અમલી બન્યો ત્યારે એવી સમજણ હતી કે સરકારી દેવાની હદ વધારવાની પ્રક્રિયા કેવળ સંસદીય ઔપચારિકતા બની રહેશે. તેમાં પક્ષીય રાજકારણ નહીં ખેલાય અને એ દરખાસ્ત કશી ચર્ચા વિના, ચૂપચાપ સંસદમાં પસાર થઇ જશે.

ત્યાર પછી વર્ષો સુધી એ સમજણ સાચી પુરવાર થઇ. ૧૯૬૦થી અત્યાર લગી અમેરિકાની સરકારે ૭૮ વખત દેવાની મર્યાદા વધારી. અત્યારે ડેમોક્રેટ બરાક ઓબામા પ્રમુખ છે ત્યારે જમણેરી રીપબ્લિકનોમાંથી ઘણા દેવાની મર્યાદા વધારવાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા પાંચ દાયકાના આંકડા દર્શાવે છે કે ડેમોક્રેટ રાષ્ટ્રપ્રમુખોના શાસનમાં દેવાની મર્યાદા ૨૯ વખત અને રીપબ્લિકન રાષ્ટ્રપ્રમુખોના કાર્યકાળમાં તે ૪૯ વખત વધી છે.

અમેરિકાના અઢળક દેવાનો આળીયોગાળીયો ઘણા લોકો વર્તમાન પ્રમુખ ઓબામાના ગળે પહેરાવે છે, પણ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માંથી મળતી વિગત પ્રમાણે, અમેરિકાના માથે દેવાના ડુંગર રીપબ્લિકન પ્રમુખ જ્યોર્જ બુશના રાજમાં ખડકાયા હતા. બે યુદ્ધો અને કરવેરાની રાહતોને કારણે અમેરિકાના હાલના ૧૪.૩ ટ્રિલીયન ડોલર દેવામાંથી ૬.૧ ટ્રિલીયન ડોલર દેવું તો બુશના શાસન દરમિયાન જ માથે ચડ્યું. (એક ટ્રિલિયન એટલે ૧ની ઉપર ૧૨ મીંડાં)

હાલમાં અમેરિકાની દેવું કરવાની હદ ૧૪.૩ ટ્રિલીયન ડોલર છે. એ હિસાબે, અમેરિકાની તિજોરીમાં ૨ ઓગસ્ટ, ૨૦૧૧ સુધી ચાલે એટલી રકમ છે. આજની તારીખ સુધીમાં દેવું કરવાની મર્યાદા વધારવાની દરખાસ્ત અમેરિકાની સંસદમાં પસાર ન થાય તો, ઇતિહાસમાં પહેલી વાર અમેરિકાની આવક કરતાં જાવક વધી જાય. સાદા શબ્દોમાં કહીએ તો, આ પરિસ્થિતિમાં સરકારી રાહે થતાં અનેક ચૂકવણાં અટકી જાય અને આજ પછી પાકતા સરકારી બોન્ડના ધારકોને પણ અમેરિકાની સરકાર પાકતી રકમ ચૂકવી શકે નહીં.

અકલ્પ્ય લાગે એવી આ પરિસ્થિતિની નોબત શા માટે આવી? દેવાની હદ વધારવામાં રીપબ્લિકન પક્ષના લોકોને એવો તે શો વાંધો છે કે તેમણે દેશને નાદારીને આરે લાવી મૂક્યો છે, પણ દેવાની હદ વધારવા ઇચ્છતા નથી?


આબરૂનો ઘ્વજ અર્ધી કાઠીએ

જાણીતા પત્રકાર ફરીદ ઝકરિયાએ દેવાની હદ નક્કી કરવાનો રિવાજ કેટલો નિરર્થક છે એ સૂચવતાં નોંઘ્યું છે કે આ પ્રથા અમેરિકા સિવાય ફક્ત ડેન્માર્કમાં જ અસ્તિત્ત્વ ધરાવે છે. ત્યાં પણ દેવાની હદ પહેલેથી એટલી ઊંચી ઠરાવવામાં આવી છે કે તેને કદી વધારવાની જરૂર જ ન પડે.

સરકારી દેવું વધે તે બેશક ચંિતાનો વિષય ગણાય. પરંતુ અમેરિકાની વાત જુદી છે. વૈશ્વિક અર્થતંત્રમાં તેનું સ્થાન વિશિષ્ટ અને એકમેવ ગણાય એવું છે. ગમે તેટલી મંદી અને અર્થતંત્રના ચઢાવઉતાર છતાં, દુનિયાભરના દેશોની સરકારો સલામત રોકાણ માટે અમેરિકાના સરકારી બોન્ડ ખરીદે છે. ચીન જેવા અમેરિકાના હરીફે પોતાનાં નાણાંમાંથી ૧.૨ ટ્રિલીયન ડોલરના અમેરિકન ટ્રેઝરી બોન્ડ ખરીદ્યા છે. ‘સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ’ (ટૂંકમાં ‘એસએન્ડપી’) તથા ‘મૂડીઝ’ જેવી ક્રેડિટ રેટિગ એજન્સીઓએ વિશ્વમાં ફક્ત ૧૭ દેશોને સૌથી પ્રતિષ્ઠિત એવું ‘ટ્રીપલ એ’ રેટિગ આપ્યું છે- કહો કે તેમને વિશ્વસનિયતાની બાબતે સૌથી ટોચ પર મૂક્યા છે. એ ૧૭ દેશોમાં લક્ઝમબર્ગ જેવા ટચૂકડા દેશથી માંડીને બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ડેન્માર્ક, સ્વીત્ઝર્લેન્ડ, સ્વીડન, સિગાપોર જેવા દેશોનો સમાવેશ થાય છે. (ભારત કે ચીન આ યાદીમાં સ્થાન ધરાવતાં નથી.)

આંતરરાષ્ટ્રિય રોકાણની દૃષ્ટિએ સર્વાધિક વિશ્વસનીયતા ધરાવતા આ ૧૭ દેશોમાં પણ ‘અમેરિકા એટલે અમેરિકા’ કહેવું પડે એવી સ્થિતિ છે. તેનું એક મુખ્ય કારણ, આગળ જણાવ્યું તેમ, એ છે કે ડોલર દુનિયાભરના દેશોમાં સૌથી માનીતું અને વિશ્વાસપાત્ર ચલણ છે. તેના માટે અમેરિકાની સદ્ધરતાથી માંડીને ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજીમાં અગ્રતા જેવાં અનેક પરિબળો કારણભૂત બન્યાં છે. પુષ્કળ નાણાં ઉપલબ્ધ હોવાને કારણે અમેરિકામાં વ્યાજના દર ઓછા છે. તેને કારણે લોકોની લોન લેવાની અને ખરીદી કરવાની ક્ષમતા વધે છે.

આંતરરાષ્ટ્રિય બજારમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા અમેરિકાનો ઓગસ્ટ મહિનાનો હિસાબ માંડીએ તો ૧૭૨ અબજ ડોલરની સરકારી આવક સામે ૩૦૭ અબજ ડોલરનાં સરકારી ચૂકવણાં ચોપડે બોલે છે. આવક અને જાવક વચ્ચે પડેલી ૧૩૫ અબજ ડોલરની ઘટ પુરવાનો એક જ રસ્તો છેઃ દેવું કરવાની સરકારની હદ વધારવી.

આ હદ વધારવામાં ન આવે તો શું થાય? સીધી વાત છેઃ ૩૦૨ અબજ ડોલરનાં ચૂકવણાંમાંથી કોની પ્રાથમિકતા વધારે છે, એ નક્કી કરીને તેમને ૧૭૨ અબજ ડોલરની (આવક પેટે મળેલી) રકમ ચૂકવવી પડે. સરકારી જાવકમાં સોશ્યલ સિક્યોરિટી પેટેનો ખર્ચ, બેરોજગારી ભથ્થું, તબીબી સારવાર માટેની સરકારી મદદ, પેન્શનરો અને સરકારી બોન્ડ ધારકોથી માંડીને ખાનગી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ પેટે કરવાનાં ચૂકવણાં, પોતે અગાઉ વેચેલા બોન્ડ પર ચૂકવવાનું થતું વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે.

‘અમુક જણને ચૂકવણાં કરી દેવાય તો દેશ દેવાળીયો ન ગણાય’ એવી ટેકનિકલ ચર્ચાઓ છતાં અમેરિકાની સરકાર એક વાત સ્વીકારે છે કે એવા આશ્વાસનનો અર્થ નથી. કેમ કે, દુનિયા તો તેને દેવાળું જ ગણશે અને તેની ગંભીર આર્થિક અસરો પડશે. જાણીતી ક્રેડિટ રેટિગ એજન્સીઓ અમેરિકાનું રેટિગ ‘ટ્રીપલ એ’માંથી ઘટાડીને તેને ચીનની હરોળમાં મૂકી દે તો? અમેરિકાનું રેટિગ દેવાળાની શક્યતાથી જ હાલકડોલક થઇ ઉઠ્યું છે.

રેટિગમાં ઘટાડો થયા વિના પણ અમેરિકાની આર્થિક વિશ્વસનીયતાને આ વખતે ગંભીર ફટકો પહોંચ્યો છે, પરંતુ રેટિગ ઘટે તો અમેરિકાના કપાળે એ સત્તાવાર કલંક બની જાય. ત્યાર પછી દુનિયાના દેશો પોતાની મૂડી ડોલરસ્વરૂપે રોકતા બંધ થઇ જાય, તો અમેરિકા માટે સ્વાભાવિક એવી નાણાંની રેલમછેલ ન રહે. એટલે દેશમાં લોન પર અને ગીરવી રાખવા પર વ્યાજના દરમાં વધારો થાય. તેને કારણે લોકોની ખરીદશક્તિ ઘટે. તેની અવળી અસર ધંધાઉદ્યોગો પર થાય. ધંધાઉદ્યોગો ધીમા પડે એટલે બેરોજગારી વધે અને મંદી વધારે ઘેરી બને. અમેરિકાના અર્થતંત્રમાં મંદવાડ વ્યાપે એટલે તેની સાથે પોતાનું આર્થિક હિત સાંકળીને બેઠેલા અનેક દેશો ઉપર પણ તેની અસર પડે.

ટ્રિલિયન ડોલરનો સવાલ એ છે કે દેશ-દુનિયાના પગ પર આવો કુહાડો મારવા માટે (મુખ્યત્વે રીપબ્લિકન) સાંસદો કેમ તૈયાર થયા? અથવા વાત છેક નાદારી સુધી પહોંચે ત્યાં સુધી, દેવાની હદ વધારવા જેવા સાદા મુદ્દે કેમ સમાધાન શક્ય બન્યું નહીં?


દેશહિતને ટપી જતો દુરાગ્રહ

વિરોધ પક્ષના-રીપબ્લિકન સાંસદો અને તેમાંથી પણ બોલકા-આત્યંતિક-ઉત્સાહી ‘ટી પાર્ટી’ના સભ્યોને હકીકતે દેવાની હદ વધારવા સામે કશો વાંધો નથી. (કારણ કે વધારાના દેવાની ગણતરી સાથે રજૂ કરાયેલું આ વર્ષનું બજેટ તેમની સંમતિ સાથે જ સંસદમાં પસાર થયું હતું.) પરંતુ કરવેરા અને તબીબી સહાય જેવા ઘણા મુદ્દે ભવિષ્યના આયોજન અંગે તેમને સરકારી પ્રસ્તાવો સામે વાંધો છે. એ સિવાય પ્રમુખ બરાક ઓબામા સામેનો રાજકીય વાંધો તો ખરો જ.

એટલે, પ્રચલિત મત પ્રમાણે, રીપબ્લિકન સાંસદોમાંથી મોટો સમુહ દેવું વધારવાની હદ જેવો મુદ્દો પકડીને, ખરેખર તો બીજી નીતિવિષયક બાબતો અને કરવેરામાં કપાતો જેવા મુદ્દે સરકારનું નાક દબાવવા ઇચ્છે છે. દેવાના ડુંગર ઘટાડવા અને આર્થિક મંદીમાંથી બહાર આવવા માટે પગલાં લેવાં પડશે, એ તો બન્ને પક્ષ સ્વીકારે છે, પણ બહાર નીકળવાના રસ્તા અને તે માટે લેવાં પડનારાં પગલાં વિશે તેમની વચ્ચે આત્યંતિક કક્ષાનો મતભેદ છે. રીપબ્લિકનો એવું ઇચ્છે છે કે સરકાર તેમની (રીપબ્લિકનોની) યોજના સ્વીકારે, તો જ રીપબ્લિકનો દેવાની હદ વધારવાના પ્રસ્તાવને પસાર થવા દે.

આમ, દેવાળું ફૂંકવાના આરે આવીને ઉભેલા અમેરિકાની ખરી સમસ્યા તેની નબળી આર્થિક સ્થિતિ કરતાં પણ વધારે, રાજકીય હુંસાતુંસીની છે. રાજકીય પરિપક્વતાની નાદારી એ હદે પહોંચી ગઇ છે કે પોતાના દેશને આર્થિક રીતે દેવાળીયો થઇને દુનિયા સમક્ષ બેઆબરૂ કરવામાં પણ ઘણાખરા રીપબ્લિકન નેતાઓને છોછ નડતો નથી. તેમને લાગે છે કે આવું થવાથી સરવાળે ઓબામાની - અને ડેમોક્રેટોની આબરૂ ખરડાશે.

અમેરિકાએ- અને તેની પર ભરોસો મુકનાર દેશોએ- ભવિષ્યમાં અમેરિકાની આર્થિક કટોકટીની સાથે તેની રાજકીય નાદારીનાં પરિણામ વેઠવાની પણ તૈયારી રાખવી પડશે.

6 comments:

  1. Anonymous4:28:00 PM

    matlab saaf xhe raajkaarani badhe kala,bharat hoy ke america koi n epadi nathi desh ni.vaicharik pukhtataa laage chhe have pustakiyo shabda thai ne ataki gayo chhe.

    ReplyDelete
  2. સાવ સાચી વાત છે ઉર્વીશભાઈ....! પણ અમેરિકા ની ઇકોનોમી જેટલી દેખાય છે એટલી એ મજબુત તો નથી જ..ભલે દુનિયાભર ન એજન્સીઓ એને ત્રીપલ એ નું રેટિંગ આપતી હોય. તમે જયારે આર્થિક પ્રગતિ કરતા હો અને દેવા અર્થાત ડેબ્ટસ પર કંટ્રોલ ન રાખો તો - ફરી ફરી ને એ પ્રેશર એના નાગરિકો પર જ આવવા નું છે. તો આજે નહી તો આવતી કાલે અમેરિકા ના નાગરિકોએ આકરા ટેક્ષ અને ઉંચા વ્યાજ માટે તો તૈયાર રહેવું જ પડશે. અને આ " જોર કા ધક્કા ધીરે સે લગે" એ માટે અમેરિકા એ પોતાની ફોરેન પોલીસી - બદલવી પડશે...!એના વગર છુટકો જ નથી....

    ReplyDelete
  3. Anonymous6:58:00 PM

    even agreement between two parties may not yield any fruit. Cosmetic approach of face saving from forthcoming crisis.

    ReplyDelete
  4. Binit Modi (Ahmedabad)7:37:00 PM

    મને લાગે છે અમેરિકા મંદીમાં સપડાશે જ નહીં. કારણ ત્યાં સરકારે સૌથી મોટી પ્રતિમાઓ અગાઉ સોંઘવારીના જમાનામાં જ બનાવી દીધી છે અને નવો કોઈ આ પ્રકારનો ખર્ચો છે નહીં.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  5. "અમેરિકા માટે સ્વાભાવિક એવી નાણાંની રેલમછેલ ન રહે. એટલે દેશમાં લોન પર અને ગીરવી રાખવા પર વ્યાજના દરમાં વધારો થાય. તેને કારણે લોકોની ખરીદશક્તિ વધે. તેની અવળી અસર ધંધાઉદ્યોગો પર થાય. ધંધાઉદ્યોગો ધીમા પડે એટલે બેરોજગારી વધે અને મંદી વધારે ઘેરી બને. "

    Ahiya kharid shakti vadhe ni badgle ghate aavshe ne?

    ReplyDelete
  6. thanks Krutarth, you are right. I have corrected the slip.

    ReplyDelete