Monday, August 22, 2011
ગાંધીજીના પરિવારજન-અનુયાયી અને વખત આવ્યે તેમને ટપારનાર-ટકોરનારઃ મથુરાદાસ ત્રિકમજી
જાહેર સમારંભોમાં અફસરો, કુલપતિઓ ને પ્રધાનો સુદ્ધાં મુખ્ય મંત્રીને પગે લાગે એવાં દૃશ્યોની હવે નવાઇ નથી. પરંતુ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને 1924માં ગાંધીજીને માનપત્ર આપ્યું ત્યારે જુદો જમાનો હતો. ગાંધીજીનું વ્યક્તિત્વ રાજકીય નેતા કરતાં ઘણું મોટું-ઊંચું, જ્યારે કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્ય મથુરાદાસ ત્રિકમજી સગપણમાં ગાંધીજીનાં બહેનના પૌત્ર અને જાહેર જીવનમાં સ્વતંત્ર વિચાર ધરાવતા ગાંધીજીના સાથીદાર. સામાન્ય રીતે એ ગાંધીજીને નમે અને ગાંધીજી પ્રેમથી એમનો વાંસો થાબડે, પણ કોર્પોરેશનના જાહેર સમારંભમાં એ ક્રમ તૂટ્યો. મથુરાદાસે લખ્યું છે, ‘આ રીતનું પાલન આવા સાર્વજનિક પ્રસંગે કરવું મને યોગ્ય ન લાગ્યું. મેં હાથ જોડ્યા અને તેમણે પણ તેમ કર્યું.’
ગાંધીજી પ્રત્યે અત્યંત આદર હોવા છતાં સ્વતંત્ર વિચાર ધરાવનારા અને વિચારભેદ અંગે ગાંધીજી સાથે ચર્ચા કરી શકતા જૂજ લોકોમાં મથુરાદાસ ત્રિકમજીનો સમાવેશ કરવો પડે. આઝાદીના ઇતિહાસમાં તેમનું નામ કદી જાણવામાં ન આવ્યું હોય એવું બને, પણ એનાથી મથુરાદાસનું મહત્ત્વ ઘટતું નથી. ગાંધીજી સાથે એમને કેવો વ્યવહાર હતો? એમના જ શબ્દોમાં- ‘મારાથી ન જણાય (જાણી શકાય) કે એમની પાસે ન બોલાય એવું એમણે કંઇ રાખ્યું નહીં.’
એટલે જ, ‘મુંબઇના શેરીફની સભામાં મથુરાદાસે હાજર રહેવું જોઇએ’ એ મતલબનો ગાંધીજીનો અભિપ્રાય મથુરાદાસના સાંભળવામાં આવતાં તેમણે ગાંધીજીને લખ્યું, ‘આપ ઝીણી ઝીણી બાબતોમાં ક્યાં સુધી સલાહ આપશો? એમાં ભૂલો થવાનો સંભવ પણ બહુ રહે છે.’ (12-8-24) ગાંધીજીએ પણ એટલા જ ઉમળકાથી મથુરાદાસની ટકોર આવકારતાં તેમને લખ્યું, ‘દરેક બાબતમાં મારી પાસેથી ફતવા મેળવવા એ ભૂલ છે ને ભયંકર છે એ તદ્દન માનું છું. જે ઢબથી મને પૂછ્યું હોય એ ઢબથી જવાબ નીકળે. તેમ જવાબ દેતાં મારી ભૂલ પણ થાય. સિદ્ધાંતોમાંથી ઉપસિદ્ધાંતો સહુએ ઘટાવી લેવા જોઇએ.’ (13-8-1924)
પચાસ વર્ષની ઉંમરે ગાંધીજી, કસ્તુરબાના હોવા છતાં, રવીન્દ્રનાથ ટાગોરનાં ભાણી સરલાદેવી ચૌધરાણી પ્રત્યે ખેંચાયા- એમની સાથે જોડાવા ઉત્સુક બન્યા. એ પ્રસંગે મથુરાદાસે ગાંધીજીને ટપારવા- ટકોરવાનાં હક અને ફરજ બન્ને અદા કર્યાં. (દાયકાઓ સુધી અજાણી રહેલી આ હકીકત અભ્યાસી વિદ્વાન અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી પૂરી ગરીમા સાથે પ્રકાશમાં લાવ્યા) સરલાદેવી ગાંધીજી કરતાં ત્રણ વર્ષે નાનાં. પરણીત. તેજસ્વી. તેમની સાથેનો સંબંધ ‘વ્યાખ્યા ન કરી શકાય એવો’ હોવાનું ગાંધીજીએ કહ્યું હતું. સરલાદેવી સાથે ‘સ્પિરિચ્યુઅલ મેરેજ’ સુધીના વિચારની હદે ગાંધીજી પહોંચ્યા હતા. ત્યાંથી એમને સમજાવીને પાછા વાળવાનું કામ કરનાર મુખ્ય ચાર જણ હતાઃ (રાજમોહન ગાંધીના પિતા) દેવદાસ ગાંધી, (દેવદાસના સસરા અને કોંગ્રેસી અગ્રણી) રાજગોપાલાચારી, મહાદેવ દેસાઇ અને મથુરાદાસ ત્રિકમજી. રાજમોહન ગાંધીએ આ સંબંધમાં મથુરાદાસનો ઉલ્લેખ કર્યો ત્યારે ઘણાને નવાઇ લાગી હતીઃ બાકીનાં ત્રણે નામ જાણીતાં છે, પણ આ મથુરાદાસ કોણ?
મથુરાદાસે છેક 1924માં ગાંધીજીને કોંગ્રેસ છોડવા સૂચવ્યું હતું. કોંગ્રેસના કેટલાક જૂના નેતાઓ સાથે ગાંધીજીને મતભેદ થયા. આદર અને સંખ્યાબળના જોરે ગાંધીજી ધાર્યું કરી શકે એમ હતા. પણ તેમને એવી ‘જીત’ ખપતી ન હતી. અમદાવાદમાં થયેલી કોંગ્રેસ મહાસમિતિની સભામાં, મથુરાદાસની નોંધ પ્રમાણે, ‘ભરસભામાં તેમની (ગાંધીજીની) આંખમાં આંસુ ટપક્યાં.’ એ વખતે ગાંધીજીએ ‘કોંગ્રેસમાંથી નીકળી જવું જોઇએ અને નવો સંઘ ઉભો કરીને સ્વરાજનું કામ પોતાની રીતે આગળ ધપાવવું જોઇએ’ એવું સૂચવતો પત્ર મથુરાદાસે તેમને લખ્યો હતો. દસ વર્ષ પછી ગાંધીજી ‘કોંગ્રેસમાં દેખાતો બગાડો અને સર્વત્ર નિયમનના અભાવ’થી અકળાતા હતા ત્યારે મથુરાદાસે ગાંધીજીને પત્રમાં સાફ શબ્દોમાં લખ્યું, ‘આપના જીવનકાર્યની સફળતા અને દેશની પ્રગતિ આપ કોંગ્રેસમાંથી ફારેગ થાઓ તો થાય એમ મને ચોક્કસ લાગે છે. સૌ ગુંગળાઇ રહ્યા છે. તેમને છૂટા કરો.’ (સપ્ટેમ્બર, 1934) એક મહિના પછી ગાંધીજીની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાની સાથે મથુરાદાસે ફરી યાદ કરાવ્યું કે ‘(તમારા કોંગ્રેસમાંથી નિવૃત્ત થવાના નિર્ણયમાં) જ કોંગ્રેસનું, દેશનું અને માનવકુલનું હિત છે.’ તેનો જવાબ આપતાં ગાંધીજીએ લખ્યું, ‘કોંગ્રેસમાંથી કાઢવા જેટલો તું ઉત્સુક થઇ રહ્યો છે તેના કરતાં હું નીકળવા વધારે ઉત્સુક થઇ રહ્યો છું. એટલે એ કામ સહેજે થઇ શકે એવા ઉપાયો જ આપણે રચવાપણું રહે છે.’
મથુરાદાસને 1925માં ટીબીનો ‘રાજરોગ’ લાગુ પડ્યો. તેનાથી એ છેવટ સુધી ઓછેવત્તે અંશે હેરાન થતા રહ્યા. ગાંધીજી સતત તેમની તબિયતની ચિંતા રાખતા અને પૃચ્છા કરતા. રોગ લાગુ પડ્યા પછી શરૂઆતનાં ત્રણ- સવા ત્રણ વર્ષ કુટુંબથી અલગ રહેતા મથુરાદાસની સેવા માટે ગાંધીજી પોતાના સાથીદારો મોકલતા હતા. સ્વામી આનંદ, દેવદાસ ગાંધી, પ્યારલાલ જેવા સાથીઓ મથુરાદાસની સેવાશુશ્રુષા માટે રહ્યા. ગાંધીજી તો મહાદેવભાઇ અને કસ્તુરબાને મોકલવા તૈયાર હતા, પણ મથુરાદાસ એ માટે રાજી ન થયા. પ્યારેલાલને પણ તે વહેલા પાછા મોકલી દેવા ઇચ્છતા હતા ત્યારે ગાંધીજીએ તેમને લાગણીસભર કડકાઇથી લખ્યું, ‘પ્યારેલાલને મોકલી દેવાની જરાયે ઉતાવળ કરશો તો સખત ઠપકાને પાત્ર ઠરશો...નિરાધાર રહેવાનો અખતરો કરવાના લોભે પ્યારેલાલને રજા નહીં જ આપજો.’ (14-5-1927)
મથુરાદાસ જ્યાં હોય ત્યાં ગાંધીજી નિયમિત રીતે તેમની ખબર મેળવે. ‘તમારું નામ લીધા વિના કે તમારું સ્મરણ કર્યા વિના તો એક પણ દિવસ નહીં જતો હોય’ એ પ્રકારનાં ટૂંકાં છતાં લાગણીસભર વાક્યો દ્વારા તેમને હૂંફ આપતા રહે. 1942ની હિંદ છોડો ચળવળ પછી 1943માં ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા, ત્યારે જેલખાતાના ઉપરીને તેમણે લખ્યું, ‘મુંબઇના માજી મેયર શ્રી મથુરાદાસ ત્રિકમજીની તબિયતના સમાચાર જાણવા હું મહિનાઓ થયાં આતુર છું. ઘણા વર્ષ ઉપર ગુજરી ગયેલ મારી બહેનના તે પૌત્ર છે. સરકાર કાં તો મને ખબર મેળવી આપે અને કાં તો શ્રી મથુરાદાસ ત્રિકમજીને મને લખવાની રજા આપે અને જાતે લખવાની તેની સ્થિતિ ન હોય તો તેના વતી બીજા કોઇને પૂરેપૂરી વિગત લખી મોકલવાની રજા આપે.’ સેનેટોરિયમમાં આરામ કરતા મથુરાદાસ ગાંધીજીને મળવા આગાખાન મહેલ (પૂના) ગયા ત્યારે મૌનવાર હોવાથી ગાંધીજીએ ચબરખીમાં તેમને ઉદ્દેશીને લખ્યું, ‘મેં કહેવડાવ્યું હતું કે તું સંયમ પાળજે ને ન આવતો. હવે સાવ સારો થઇ જા એટલે આવ્યો તેની માફી.’ (22-2-43)
બિમારીની શરૂઆતમાં મથુરાદાસને તેની ગંભીરતાનો અંદાજ નહીં. એટલે 1926માં તેમણે કોર્પોરેશનની ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું. પછી તબિયત બગડતાં તેમણે મુંબઇ છોડ્યું. છતાં, મિત્રોના પ્રચારથી તે પોતાની ગેરહાજરીમાં ચૂંટણી જીત્યા. ગાંધીજીએ તેમને વિશિષ્ટ ઢબે અભિનંદન આપતાં લખ્યું, ‘ઘણા હાર્યા છતાં કચરાપટ્ટીમાં તમને જય મળ્યો. તેને સારુ તમને મુબારકબાદી જોઇએ તો આ એ જ છે એમ માની લેજો.’ (4-2-1926) મુંબઇ કોર્પોરેશનમાં પહેલી વાર 1939માં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી થઇ. એ વખતે મેયરપદું દરેક વખતે જુદી જુદી કોમના ઉમેદવારને મળે એવી પ્રથા હતી. એ મુજબ પારસી મેયર ચૂંટાયા ત્યારે ગાંધીજીએ મથુરાદાસને લખ્યું, ‘તું કિંગમેકર જેવો છે તે રહે. ત્યાગથી તારી શક્તિ વધશે અને શહેરની સેવા વધારે કરી શકીશ.’ બીજા વર્ષે (1940માં) મથુરાદાસ મેયર બન્યા ત્યારે ગાંધીજીએ અભિનંદન આપવાને બદલે લખ્યું, ‘તને મુબારકબાદી નથી આપતો. તેં ભારે ફરજ ઓઢી છે, એ અદા કરવાનું ઇશ્વર તને બળ આપો. આજ લગી તું મેયર બનાવતો આવ્યો. તેમાં રસ ઘણો હતો ને જવાબદારી ઓછી. હવે રસ ગયો ને નકરી જવાબદારી. એ ભાર તળે દબાઇ ન જતો. બધું ઇશ્વરપ્રીત્યર્થ છે એમ સમજશે તો ભાર જેવું નહીં લાગે.’ (5-4-1940)
ગાંધીજી અને મથુરાદાસ વચ્ચેના અનેક સંવાદો-પત્રવ્યવહારો જાહેર જીવનના આદર્શો અને ગાંધીજીની કાર્યપદ્ધતિ વિશે બહુ ઉપયોગી-અધિકૃત માહિતી પૂરી પાડે છે. ગાંધીજીના સંભારણાંનું તેમનું પુસ્તક ‘બાપુની પ્રસાદી’ ગાંધીજીના મૃત્યુના આઠ મહિના પછી ‘નવજીવન’ તરફથી પ્રકાશિત થયું. એ કદાચ તેની પહેલી ને છેલ્લી આવૃત્તિ. એવું જ 1921ની અસહકાર ચળવળ વિશેની મથુરાદાસની પુસ્તિકા ‘અસહકાર’ (1952)નું. ક્ષયરોગ વિશે તેમણે લખેલું, ડો.જીવરાજ મહેતાનું પરામર્શન ધરાવતું પુસ્તક ‘મરુકુંજ’, લોકમાન્ય ટીળકના ‘ગીતા રહસ્ય’ પુસ્તકનો તેમણે કરેલો સંક્ષિપ્ત ભાવાર્થ ‘કર્મયોગ’, જેલવાસ દરમિયાન સ્ત્રીઓની સમસ્યા વિશે લખેલું નાટક, ગાંધીજીનાં ભાષણો-લેખોનું સંભવતઃ પહેલું સંપાદન (1918) અને એ સિવાય અનુવાદો – આ મથુરાદાસનો શબ્દવારસો. તેમનાં પત્ની તારામતિબહેન અને સંતાનો દિલીપભાઇ, કપિલભાઇ, જ્યોત્સનાબહેનમાંથી કોઇના વિશે વધુ જાણકારી મળી શકી નથી. મથુરાદાસની બીજી કે ત્રીજી પેઢીમાંથી કોઇનો પત્તો મળે તો કમ સે કમ તેમની તસવીરો અને વચ્ચેની ખૂટતી કડીઓ મળે. ત્યાં સુધી, આ લેખ સાથે (પીટર રુહના સંગ્રહમાંથી પરવાનગી સાથે) મુકાયેલી તસવીર મથુરાદાસ (જન્મઃ31-8-1894, મૃત્યુઃ6-7-1951)ની એકમાત્ર ઉપલબ્ધ તસવીર છે.
મથુરાદાસ ત્રિકમજીની વિસ્મૃતિ એ શરમજનક હકીકતનો વધુ એક પુરાવો છે કે આપણે કેવા કેવા લોકોને કેટલી ઝડપથી અને સહેલાઇથી, કશો ખટકો રાખ્યા વિના, ભૂલી જઇએ છીએ અને સરવાળે કેવી ઉતરતી ગુણવત્તા ધરાવનારાથી સંતોષ માનવા- તેમને નાયકપદે સ્થાપવા ધસી જઇએ છીએ.
તેમનાં પત્ની તારામતિબહેન અને સંતાનો દિલીપભાઇ, કપિલભાઇ, જ્યોત્સનાબહેનમાંથી કોઇના વિશે વધુ જાણકારી મળી શકી નથી.
ReplyDelete^^^ That tells આ હકીકત જણાવે છે કે આ લોકો ગાંધી ના ખરેખર ના વારસદારો છે....