Tuesday, August 30, 2011

અન્ના-આંદોલનઃ પ્રાથમિક સરવૈયું

(લખ્યા તા. 27 ઓગસ્ટ, શનિવાર)

ટોચે પહોંચેલા બલ્કે ગયા અઠવાડિયે ટોચે અટવાઇ ગયેલા અન્ના આંદોલનનાં વિવિધ પક્ષ વિશે થોડું પુનરાવલોકન જરૂરી બન્યું છે. આ સરવૈયાનો આશય કોઇ એક પક્ષની આંખે મળતું ખંડિત નહીં, પણ વિવિધ દૃષ્ટિબિંદુના સમન્વય જેવું, બને એટલું સંપૂર્ણ ચિત્ર મેળવવાનો છે.

સરકારપક્ષ

યુપીએ સરકારે દાખલ કરેલો લોકપાલ ખરડો એટલો નબળો હતો કે સાધારણ સમજણ ધરાવતી કોઇ પણ વ્યક્તિને તેની સામે વાંધો પડી શકે. અનેક શરમજનક કૌભાંડોથી ખરડાઇ ચુકેલી યુપીએ સરકારની મેલી મથરાવટીનું પ્રતિબિંબ અને રાજકીય ઇચ્છાનો અભાવ એ ખરડાની નબળી-મોળી જોગવાઇઓમાં વ્યક્ત થયાં. એ ખરડાને અન્ના હજારે અને તેમના જૂથ તરફથી પડકાર ફેંકાયો અને તેની સામે આકરી જોગવાઇઓ ધરાવતો જનલોકપાલ ખરડો રજૂ કરવામાં આવ્યો, ત્યારે અન્ના-આંદોલનને મળેલા ટેકાથી સરકાર ચકિત બની હતી, પરંતુ 16 ઓગસ્ટથી શરૂ થયેલા આંદોલન વખતે સરકાર ઘાંઘી બની.

અન્ના-આંદોલનને મળેલા ભારે લોકસમર્થન અને મીડિયા-સમર્થનને લીધે સરકારે ડગલે ને પગલે કડવા ઘુંટડા નહીં, આખેઆખા પ્યાલા ગટગટાવવા પડ્યા. કંઇક વાર બાંયો ચડાવ્યા પછી, નીચી મુંડીએ બાંયો ઉતારીને બે હાથ જોડવા પડ્યા. નાકલીટી તાણવી પડી અને તાણેલી નાકલીટી લંબાવવી પડી. સરકારની સત્તાશાહીનું સંપૂર્ણપણે ‘વિઘટન અને ચૂર્ણીકરણ’ થયું. લોકસભામાં અન્નાને આજીજીઓ કરવી પડી. ફક્ત સરકારની જ નહીં, ભાજપ સહિત બીજા પક્ષોની પણ કરોડરજ્જુ વગરની પીઠ ઉઘાડી પડી ગઇ. આ પ્રતાપ અન્નાને મળેલા લોકસમર્થનનો હતો.

માત્ર ફાયદા-ગેરફાયદાની દૃષ્ટિએ વિચારવા ટેવાયેલા સત્તાધારી અને બીજા પક્ષો વાજબી-ગેરવાજબીના ધોરણે વિચારી શકતા હોત તો સત્તાધીશોએ પોતાનો લોકપાલ ખરડો સાવ મોળો ન રાખ્યો હોત અને વિપક્ષોએ એ ખરડામાં પોતાના તરફથી ઉમેરવાના દાંત-નહોરનું કાચું કામ તૈયાર રાખ્યું હોત. પરંતુ એવું બન્યું નહીં. પોતાના મનમાં રહેલો અવઢવનો-નૈતિકતાના અભાવનો ‘ચોર’ સરકારના વર્તનમાં ડગલે ને પગલે દેખાઇ આવ્યો. મુખ્ય વિરોધ પક્ષ તરીકે ભાજપ પણ આ બાબતમાં સરકારની સાથે હતો. સાવ છેલ્લે, ભાજપે અન્નાના જનલોકપાલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ત્યારે તેણે વાજબી-ગેરવાજબીને બદલે ફાયદા-ગેરફાયદાનું ગણિત જ માંડ્યું હતું.

પોતાની અનેક સમસ્યાઓ માટે આક્રોશ વ્યક્ત કરી રહેલા લોકોના રોષ સામે સરકાર વામણી પુરવાર થઇ. તેમ છતાં, પહેલાં ક્રર્ણાટકના ભ્રષ્ટાચારી મુખ્ય મંત્રી યેદીયુરપ્પા અને છેલ્લા તબક્કે લોકાયુક્ત વિરુદ્ધ ગુજરાતના મુખ્ય મંત્રી મોદીના મામલે ભાજપ એવી કફોડી દશામાં મુકાયો કે સરકારની અભૂતપૂર્વ અવદશાનો લાભ લેવા જતાં તેનું મોં પણ કાળું થયા વિના ન રહે.

ટૂંકમાં, આખા અન્ના આંદોલને રાજકીય પક્ષોની રહીસહી મહત્તાને ભારે ઘસારો પહોંચાડ્યો અને ‘બદ્ધા ચોર છે અને સરકાર મહાચોર છે’ની લોકપ્રિય લાગણી ઘુંટી આપી. રાજકારણીઓ માટે ‘આ દિવસ પણ વીતી જશે’ એવા જ્ઞાનવચન સિવાય બીજો કોઇ આશરો કે આશ્વાસન રહ્યાં નહીં. લોકોની ટૂંકી યાદદાસ્ત ‘અગાઉ અનેક વાર ફળી છે, તેમ હવે પણ ફળો’ એવી પ્રાર્થના જ તે મનોમન કરતા હશે.

અન્નાપક્ષ

તેમાં મુખ્ય ત્રણ વિભાગ પાડી શકાયઃ 1) અન્ના 2) તેમના વ્યૂહકારો અને 3) બાકી બધા. અન્નાએ અસરકારક લોકપાલ અંગેના આંદોલન માટે જોઇતો ચહેરો બનવાનું સ્વીકાર્યું ત્યારે ઘણાના મનમાં એવી અવઢવ હતી કે ભ્રષ્ટાચાર સાથે પનારો પાડવા માટે ઘણી જોગવાઇઓ અને સંસ્થાઓ છે. તેમાં વધુ એકનો ઉમેરો કરવાથી શો દહાડો વળશે? છતાં, સરકારે દાખલ કરેલા મોળા લોકપાલ ખરડા સામે તેમને વાંધો હતો અને થવાનો જ હોય તો અસરકારક રીતે થવો જોઇએ, એવી લાગણી સાથે એ વર્ગ અન્ના તરફ ઝૂક્યો. એ વખતની ધારણા એવી હતી કે અન્ના દ્વારા આગળ કરાયેલા જનલોકપાલ ખરડાની આત્યંતિક માગણીઓ સરકાર સાથે મંત્રણામાં રકઝક ખાતર કામ લાગે એટલા પૂરતી છે. એક વાર સરકાર ઝુકશે અને લોકલાગણી જોઇને વાટાઘાટોના માર્ગે આવશે, એટલે બન્ને પક્ષો પોતપોતાનાં આત્યંતિક વલણ છોડીને વાસ્તવિક બનશે અને સંસદની ભૂમિકા સામે ત્રાગું કર્યા વિના, અમલીકરણના તકાદા વિચારીને એક અસરકારક ખરડો તૈયાર થશે.

એપ્રિલમાં અન્નાના ઉપવાસ સરકારે સમજાવટથી સંકેલાવી દીધા. ત્યાર પછી બન્ને પક્ષના પાંચ-પાંચ સભ્યોની જે સમિતિ રચાઇ તેમાં સરકારે ફક્ત અન્નાની ટુકડીને ‘સિવિલ સોસાયટી’ તરીકે માન્યતા આપી. એ વખતે પ્રશાંતભૂષણ-કેજરીવાલનાં જૂના અને સિનિયર સાથી અરુણા રોય જેવાના મતને પણ સામેલ કરી શકાયા હોત. અરુણા રોય સરકારની સલાહકાર સમિતિનાં સભ્ય હોવાને કારણે ‘સરકારી’ ગણીને તેમનો એકડો કાઢી શકાય નહીં. પરંતુ સરકારે ફક્ત આંદોલને ચડેલા અન્નામંડળ સાથે વાટાઘાટોનો દેખાવ ચાલુ રાખ્યો અને મહત્ત્વના મુદ્દે ગંભીરતાથી ખાસ કશી ચર્ચા કરી નહીં.

પોતાની એ ભૂલનો અહેસાસ સરકારને 16મી ઓગસ્ટે જ થઇ ગયો હશે, જ્યારે 144મી કલમનો ભંગ કરવાનો ઇરાદા બદલ અન્નાની ઉપવાસ પહેલાં જ ધરપકડ કરવામાં આવી. ‘જનલોકપાલ ખરડો આખેઆખો સ્વીકારાય નહીં ત્યાં સુધી આમરણ ઉપવાસ’ના અન્ના-નિર્ણય સામે ઘણાને સવાલ હતા. કારણ કે એવું થાય તો ‘ચેક્સ એન્ડ બેલેન્સ’ની બંધારણીય જરૂરિયાત ન સંતોષતું, સર્વશક્તિમાન માળખું ઉભું થાય, જે છેવટે નવા પ્રકારની બાબુશાહી પેદા કરનારું બની રહે એવી પૂરી આશંકા.

આ કચવાટ છતાં અન્નાના આંદોલન કરવાના હકની તરફેણમાં અને તેમની ધરપકડના વિરોધમાં પ્રચંડ લોકજુવાળ જાગ્યો અને વાત ‘મૂળભૂત લોકશાહી મૂલ્યો’ પર આવીને ઉભી રહી. સાંજોસાંજ સરકારે અન્નાને છોડવાનો નિર્ણય લેવો પડ્યો. ત્યાર પછી રામલીલા મેદાનમાં આંદોલનના સમયગાળા અંગે સરકાર પોતાની માગણી ન સ્વીકારે ત્યાં સુધી અન્નાએ સ્વૈચ્છિક જેલવાસ ભોગવ્યો અને છેવટે વાજતેગાજતે, સરકારી તંત્રે તૈયાર કરી આપેલા મેદાન અને મંચ પર આંદોલન કરવા માટે બહાર આવ્યા.

ત્યાં સુધીમાં સરકારે અન્નાતરફી જુવાળનો સ્વાદ ચાખી લીધો હતો. અન્ના સાથે વાટાઘાટો માટે સરકારી પ્રતિનિધિઓ આવવા લાગ્યા. પરંતુ અન્નાના વ્યૂહકારો- અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી- તથા તેમના પગલે અન્ના અડગ વલણ લઇને બેઠા હતા. પહેલાં એવું લાગતું હતું કે વડાપ્રધાન અને ઉચ્ચ ન્યાયતંત્રની સામેલગીરીનો મુદ્દો મુખ્ય છે, પણ ગયા અઠવાડિયાના છેલ્લા થોડા દિવસોમાં તમામ સરકારી કર્મચારીઓની સામેલગીરી, સિટિઝન ચાર્ટર અને રાજ્યોમાં લોકાયુક્તની નિયુક્તી જેવા ત્રણ મુદ્દે ગાંઠ પડી. સરકારે જનલોકપાલ ખરડા સહિત એ વિશેનાં બીજાં સૂચનો સંસદમાં ચર્ચવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ અન્નાની એક જ માગણી હતીઃ ‘આ ત્રણ સૂચન ફક્ત ચર્ચામાં લેવાય એટલું પૂરતું નથી. સંસદમાં તે સ્વીકારાવાં અને પસાર થવાં જોઇએ. મારા ઉપવાસ વહેલી તકે છોડાવવા હોય તો સરકારે આ ત્રણે મુદ્દા સ્વીકારાશે એવો ઠરાવ સંસદમાં પસાર કરવો જોઇએ. ત્યાર પછી હું ઉપવાસ છોડીશ, પણ જનલોકપાલના બાકીના મુદ્દા સ્વીકારાય નહીં ત્યાં સુધી રામલીલા મેદાન પર મારું આંદોલન ચાલુ રહેશે.’

સરકાર ગમે તેવા મોળા કાયદા પસાર ન કરી નાખે, એ માટે તેની પર આવેલા લોકઝુંબેશના દબાણથી રાજી થયેલા ઘણા લોકો માટે પણ અન્નાના આ વલણ સાથે સંમત થવું અઘરું છે. બીજા જૂથો કે અભિપ્રાયોને બાજુ પર રાખીને, ફક્ત એક જ જૂથનાં તમામ સૂચનો ઉપવાસની ધમકી હેઠળ સ્વીકારી લેવામાં આવે તો એ જેવી છે તેવી લોકશાહી માટે પણ ખતરનાક અને ખોટો દાખલો બેસાડનારું નીવડે.

સંસદ અને લોકશાહીની ગરીમાની દુહાઇ આપનારા રાજકારણી-નેતાઓને પોતાનાં સ્થાપિત હિતોની ચિંતા છે. પરંતુ અન્નાના ‘ફક્ત મારી જ શરતો પ્રમાણે કાયદો બનાવો’ના દુરાગ્રહ સામે ઝુકી પડવાથી લોકશાહી અને બંધારણના મૂળભૂત હાર્દનો ભંગ થાય છે, એ સમજવા માટે સ્થાપિત હિત ધરાવતા રાજકારણી હોવું જરૂરી નથી. અસરકારક લોકપાલ લાવવાનું મૂળભૂત ધ્યેય ભૂલીને, લોકજુવાળ અને આંદોલનની સફળતાના પ્રેમમાં પડી ન ગયા હોય- ‘અન્ના ઇઝ ઇન્ડિયા’નાં સમીકરણોમાં ન અટવાતા હોય- એવા સૌ કોઇ આ સમજી શકશે.

નાગરિકપક્ષ

અન્ના-આંદોલનને અનોખું પરિમાણ આપનાર કોઇ એક તત્ત્વ હોય તો તે મોટા પાયે લોકોની સામેલગીરી. મધ્યમ વર્ગના, જમણેરી, આંદોલન ખરેખર શાનું ચાલે છે એની સમજ રાખવાને બદલે પોતપોતાના અસંતોષ વ્યક્ત કરવા ઉમટી પડેલા, ‘કંઇક કરવું જોઇએ’ નો કચવાટ કાઢવા સહેલા અને કશો ભોગ આપવો ન પડે એવા રસ્તે આવેલા, રાજકારણપ્રેરિત, સરકારવિરોધી, અનામતવિરોધી, ટીવી કેમેરા જોઇને ત્રિરંગો ફરકાવનારા- આવા અનેક પ્રકારના લોકોની સાથે ખરા અર્થમાં દાઝ ધરાવતા અને ગંભીરતાપૂર્વક સામેલ થયેલા, એમ તમામ પ્રકારના લોકો અન્ના-આંદોલનમાં જોડાયા. તેમને કોઇ એક લેબલ તળે મૂકીને અવગણી શકાય નહીં.

‘મારે શું?’ વિચારનારા ‘આવું ન ચલાવી લેવાય’ની ભૂમિકા સુધી આવે તે ઇચ્છનીય જ નહીં, આવકાર્ય છે. આટલી મોટી સંખ્યામાં લોકો જોડાતાં બે-ત્રણ મહિનાના કેટલાક રાજકીય ઘટનાક્રમ પર તેની અસર પડી. ગુજરાતમાં ડો.કનુભાઇ કલસરિયાના આંદોલનને ‘મોદીવિરોધી’ તરીકે ખપાવનારા ભક્તો રાજ્યસ્તરે લોકાયુક્તની એક માગણી ધરાવતા અન્નાઆંદોલનમાં હોંશેહોંશે જોડાયા. (કારણ કે ત્યાર સુધી ‘અન્ના કે મોદી?’નો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો.) ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અને તેની સામે મોદી સરકારના આકરા વિરોધ પછી ગુજરાતના હોંશીલા ને જોશીલા, સભ્ય અને ટપોરી- તમામ પ્રકારના અન્નાસમર્થકો કેવું વલણ લે છે અને ભ્રષ્ટાચારવિરોધનો તેમનો ઉત્સાહ કેવો-કેટલો ટકે છે, તે જોવાનું રહે છે.

અન્ના આંદોલનની સમાંતરે કર્ણાટકમાં લોકાયુક્તના અહેવાલ પર લેવાયેલાં પગલાંથી માંડીને માયાવતી મંત્રીમંડળના એક મંત્રીને રવાના કરાયા જેવી ઘટનાઓમાં લોકજુવાળથી પેદા થયેલા માહોલનો મોટો ફાળો રહ્યો છે. સાથોસાથ, એ પણ યાદ રહે કે આવાં ‘સ્વયંભૂ’ અને એક નેતાની છબીથી ઉંચકાયેલા આંદોલનનો માહોલ નવા ખરીદેલા સ્કૂટરમાં કંપની તરફથી ભરવામાં આવતા પેટ્રોલ જેટલો જ ચાલતો હોય છે. (જયપ્રકાશ નારાયણનું આંદોલન, ગુજરાતનું નવનિર્માણ કે ગાંધીજીનું આંદોલન સુદ્ધાં તેનાં ઉદાહરણ છે.) આંદોલનનું બળતણ ખલાસ થઇ જાય ત્યાર પછી ત્રિરંગા અને ‘મૈં અન્ના હું’ના ટોપી-ટી શર્ટ બાજુ પર મૂકીને, નાગરિકોએ પોતાના જોરે ‘ગાડી’ આગળ ધપાવવાની રહે છે. એવું ન થાય તો ભલભલી ક્રાંતિને કાટ ચડતાં ને કાટમાળમાં ફેરવાતાં જરાય વાર લાગતી નથી.

4 comments:

  1. Anonymous9:29:00 AM

    hi urvish ,

    I can't read Gujarati , and typing/translating it online is very difficult. I just wanna know what this page is talkin about:
    http://s4.postimage.org/8941v006d/00000005.png

    it is the first page of a book called "setayash namun" , i guess a Parsi book. Could you please answer me in another comment on the same tread we are in (http://urvishkothari-gujarati.blogspot.com/2011/08/blog-post_30.html).

    thanks a lot, and my excuses in advance. God bless !

    ReplyDelete
  2. @Anonymous friend: the page in Gujarati script seems to be in Farasi language which I cant understand. The heading reads: Setayash Yezdaanni Sat Vakhshure Saaklivnaa Naamani.
    What's your name by the way?:-)

    ReplyDelete
  3. ઉર્વિશભાઇ,
    સામાન્ય રીતે તમારા લેખો ‘બેલેંસ્ડ’ હોય છે. પરંતુ આ લેખમા કોઇ અગમ્ય કારણસર તમારી આંદોલન વિરોધી નહી પણ અન્ના વિરોધી લાગણી દેખાય છે. એ સાચુ કે કોઇ એક ‘ગ્રુપ’ ને પ્રજાના પ્રતિનીધી ગણીને તેની માગણી સામે સરકારે નમતુ ન જોખવુ જોઇએ. પરંતુ જ્યારે કોઇ કશુ ન કરતુ હોય ત્યારે જો ‘કેટલાક’ લોકો પ્રજા-હિત માટે કઇં નક્કર કરતા હોય તો તેને પ્રજાની લાગણી કે માગણી ગણવામા કશુ જ ખોટુ નથી. ( એમ તો આપણા ‘ચુંટાયેલા’ મોટા ભાગના સાંસદો ને કુલ મતો ના 20% થી વધુ મતો નથી મળ્યા હોતા.)

    અત્યાર સુધી આ ‘આપણી’ સરકારે ‘પી.યુ.સી.’ જેવા કેટલાય બકવાસ કાયદાઓ આપણી માથે મારી દીધા છે. પરંતુ કદી કોઇએ તેનો વિરોધ નથી કર્યો. સંસદમા જરુર વિશ્વાસ છે, પરંતુ એમા બિરાજતા કેટલા માનનિય સાંસદો પ્રત્યે વિશ્વાસ કરી શકાય તેમ છે? આવા સંજોગોમા અન્નાએ લીધેલો રસ્તો કદાચ ખોટો હોય તો પણ એની મંઝીલ બિલકુલ ખોટી નહોતી. અને આ સરકાર આ સિવાય કોઇ રસ્તાથી સમજે તેમ છે?
    બાકી રહી વાત અન્નાને મળેલા લોક-સમર્થનની. એ સમર્થન એમ જ નહોતુ મળ્યુ. દરેક વસ્તુનુ યોગ્ય પ્લાનીંગ અન્ના-&-કંપનીએ કરેલુ. (આ મુદા અંગે વધુ વિગત માટે http://navin-2010.blogspot.com/2011/08/team-anna-new-management-school.html પર જવા વિનંતી) અને એને પરિણામે જ આ સમર્થન જોવા મળ્યુ હતુ.

    ReplyDelete