Tuesday, August 09, 2011
ખરડાવામાંથી આઝાદી આપતા કેટલાક સૂચિત ખરડા
આવતા અઠવાડિયે દેશની આઝાદીને ૬૫મું વર્ષ બેસશે. ગાંધી-સરદારના સ્વપ્નનું ભારત (સોનિયા) ગાંધી- સરદાર (મનમોહન સિંઘ) સુધી પહોંચતાં ઘણી બાબતોમાં દુઃસ્વપ્નનું ભારત થઇ પડ્યું છે. હાલની પરિસ્થિતિ અંગે વઘુ એક વાર દુઃખી થવાને બદલે, આઝાદ હવામાં કલ્પનાના તરંગો વહેતા મૂકતાં જણાશે કે કેટલીક બાબતો કાયદેસર કરી નાખવાથી ઘણા લોહીઉકાળા ટાળી શકાય એમ છે. નવા ઘડવાના અને પસાર કરવાના ઠરાવો સાંસદો માટે તેમના પગારવધારા જેવા નિર્દોષ અને લાભદાયી હોવાથી, તેમની દશા લોકપાલ કે મહિલા અનામત વિધેયક જેવી નહીં થાય એવું પણ ધારી શકાય. દેશની આઝાદીની ૬૪મી વર્ષગાંઠને ઘ્યાનમાં રાખીને, કેટલાક સંભવિત અને પ્રસ્તાવિત ખરડાની સૂચિ, જેમાં સૌ પોતપોતાનાં સમજણ-અનુભવ-અપેક્ષા-સહનશીલતા-બેશરમી પ્રમાણે સુધારાવધારા કરી શકે છે.
ભ્રષ્ટાચાર (નાબૂદી) વિધેયક, ૨૦૧૧
‘પહેલા જ કોળીયે માખી’,‘આવા ખરડા તે કંઇ પાસ થતા હશે?’, ‘એક લોકપાલનું હજુ ઠર્યું નથી ને આ ક્યાંથી લઇ આવ્યા?’ એવા નિરાશાવાદી ઉદ્ગાર કાઢવાની જરૂર નથી. કારણ કે આ ખરડો ભ્રષ્ટાચારની નહીં, દેશની તમામ ભાષાઓના શબ્દકોશમાંથી ‘ભ્રષ્ટાચાર’ શબ્દની નાબૂદી કરવા માટેનો છે. ભારતમાં વેચાતાં પરદેશી સામયિકો ભારતના નકશામાં કાશ્મીરના ભાગ પર ‘ડિસ્પ્યુટેડ એરીઆ’ના સિક્કા મારે છે, એવી રીતે ઓક્સફર્ડ, વેબસ્ટર જેવી ડિક્શનેરીએ પણ, આ કાયદો આવ્યા પછી, ભારતમાં વેચાતી તેની આવૃત્તિઓમાંથી ‘કરપ્શન’ અને તેની સાથે સંકળાયેલા તમામ શબ્દો દૂર કરવો પડશે. બંધારણે માન્ય ઠરાવેલી તમામ સત્તાવાર ભારતીય ભાષાઓમાં પણ આ ખરડો પસાર થયાના ત્રણ મહિનામાં આનુષંગિક પગલાં લઇને ભ્રષ્ટ-ભ્રષ્ટાચાર-ભ્રષ્ટાચારી-ભ્રષ્ટાચારલીલા-ભ્રષ્ટાચરણ જેવા શબ્દો દૂર કરેલા નવા શબ્દકોશ છાપવાના રહેશે. (‘મતિભ્રષ્ટ’ જેવા શબ્દ અંગે સર્વાનુમતે નિર્ણય લેવો પડશે.) જૂના શબ્દકોશ સ્ટોકમાં પડ્યા હોય તો તેમાં આ શબ્દો કાળી શાહીથી કે લેબલથી ઢાંકી દેવાના રહેશે.
ભારતમાંથી ભ્રષ્ટાચારને દેશવટો આપવાની આ ઝુંબેશમાં સાથ નહીં આપનારને કડકમાં કડક સજા ફટકારવાની જોગવાઇ ખરડામાં રાખી શકાય. ‘ભ્રષ્ટાચાર’ શબ્દ બોલનાર કે લખનાર પર રાષ્ટ્રદ્રોહના આરોપ હેઠળ કામ ચલાવવાનું પણ વિચારી શકાય.
વંશપરંપરાગત સત્તાસ્થાન અધિગ્રહણ વિધેયક, ૨૦૧૧
આપણા દેશમાં આઝાદી પહેલાં વંશપરંપરાનું ચલણ મુખ્યત્વે દેશી રજવાડાં પૂરતું મર્યાદિત હતું. રાષ્ટ્રિય રાજકારણમાં જવાહરલાલ નેહરુ આગળ આવ્યા, તેમાં વંશપરંપરાનો હોય તેના કરતાં ઘણો વધારે ફાળો તેમની પ્રતિભાનો હતો. એ સમયના નેતાઓ કે બીજા અગ્રણીઓ પોતાનાં સંતાનોને આગળ કરતાં શરમાતા હતા. આઝાદી પછી તરતના અરસામાં પુરુષોત્તમદાસ ટંડન જેવા જમણેરી ઝુકાવ માટે જાણીતા નેતાએ પોતાના
પુત્રને મળેલી ઊંચા હોદ્દાની નોકરી છોડાવી હતી, જેથી પુત્રને પિતાની વગનો લાભ મળ્યાનું આળ ન આવે.
પરંતુ ભારતવર્ષમાં પચાસ વર્ષ જૂની બાબતો પાંચસો વર્ષ જૂના ઇતિહાસની સમકક્ષ - અને એટલી જ -અપ્રસ્તુત બની જાય છે. બદલાયેલા જમાનામાં ડોક્ટરનાં સંતાનો ડોક્ટર, વકીલનાં સંતાન વકીલ, સી.એ.નાં સંતાન સી.એ. અને અભિનેતાનાં સંતાન અભિનેતા બને એવી પ્રણાલિકા સ્થપાઇ હોય, ત્યારે ફક્ત નેતાનાં સંતાનોને તેમાંથી બાકાત રાખવાનું અનુચિત છે. નેતાઓનાં સંતાનોને તેમના પિતા કે માતાનો વારસો મળે એ વ્યવસ્થા સ્વૈચ્છિક રાખવાની શી જરૂર? કદાચ કોઇને કચવાટ થાય અથવા (શક્યતા ઓછી છે તો પણ) લોકલાજ નડે તો?
પ્રસ્તાવિત વિધેયકમાં એવી જોગવાઇ હોવી જોઇએ કે ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ (આર્થિક લાભવાળો હોદ્દો) ધરાવનાર દરેક હોદ્દેદારના કોઇ પણ એક સંતાનને, ઓછામાં ઓછી એક મુદત માટે આપોઆપ, કાયદાની રૂએ, કંઇ પણ કર્યા વિના, માતા કે પિતાનો હોદ્દો એક મુદત માટે મળી જાય. (એન.ડી.તિવારી જેવા કિસ્સામાં બેમાંથી એક પક્ષે યથાયોગ્ય ડી.એન.એ. પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.)
ધારો કે કોઇ જણ તાલુકા પંચાયતમાં પ્રમુખ હોય અને જ્યારે (૮૦-૮૫ વર્ષની વયે) તે ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરે, ત્યારે પછીનાં પાંચ વર્ષ માટે પંચાયતનું પ્રમુખપદું આપોઆપ તેમની સંતતિમાંથી કોઇને મળે. સંતાન ન હોય તે લોકોને માનસસંતાનની પસંદગી માટે છૂટ આપવાની જોગવાઇ, ચોક્કસ શરતો અને પુરાવા-પ્રમાણપત્રોને આધીન રાખી શકાય.
આ વિધેયક કાયદો બને, તો પોતાનાં સંતાનોની કારકિર્દીની ચિંતામાં મોટા ભાગનો સમય વિતાવતા નેતાઓ, સંતાનના ભવિષ્ય વિશે આશ્વસ્ત રહીને દેશહિતનાં બીજાં કામમાં જીવ પરોવી શકશે. તેમનાં સંતાનમાં આવડત હશે તો તે પાંચ વર્ષમાં બતાવી આપશે. આમ થવાથી સંતાનોને ઘરમાંથી મળેલી રાજકાજની, દાવપેચની ઉત્તમ તાલીમ વેડફાઇ નહીં જાય અને સરવાળે દેશને ફાયદો થશે. (આ વિધેયકમાંથી કોંગ્રેસને બાકાત રાખી શકાય. કારણ કે તેમણે આ બાબતમાં ખરડો આવે ત્યાં સુધી રાહ જોવા જેટલી ઢીલ બતાવી નથી.)
ગૌચરભૂમિસંકલન-સંપાદન-વિતરણ-પ્રતિબંધન વિધેયક ૨૦૧૧
દેશભરમાં જમીન સંપાદનનો મુદ્દો બહુ ચર્ચાસ્પદ બન્યો છે. પશ્ચિમ બંગાળમાં જમીનના મુદ્દે આગેવાની લઇને મમતા બેનરજી મુખ્ય મંત્રીપદ સુધી પહોંચ્યાં, એવું ઘણા માને છે. ગુજરાતમાં મુખ્ય મંત્રી જમીનો વેચવાના મુદ્દે આગેવાની લઇને પહોંચેલા ઉદ્યોગપતિઓ સુધી પહોંચ્યા છે એવું પણ ઘણા માને છે. એક તરફ સર્વોચ્ચ અદાલત જમીન સંપાદન માટે ગુજરાતના મોડેલને આદર્શ ગણાવે છે, ત્યારે ગુજરાતનાં ગામડાંમાં ગૌચરની જમીનો ધીમે ધીમે ગાયો માટે અદૃશ્ય અને માણસો માટે અલભ્ય બની રહી છે. ગૌચરની આ જમીનો ‘ગાય ખાઇ ગઇ’ એવું કહી શકાય.
જમીનના મુદ્દે ‘કંઇક કરવું જોઇએ’ એવું જેને લાગતું હોય અને ખરેખર શું કરવાની ઇચ્છા છે એ શરમના માર્યા કહી શકાતું ન હોય, એવા બધા નેતાઓ માટે આ વિધેયક અત્યંત ઉપયોગી છે. તબક્કાવાર આયોજન ધરાવતા આ વિધેયકમાં સૌથી પહેલાં દેશમાં રહેલી ગૌચરની તમામ જમીન સરકારના નામે કરી દેવામાં આવશે. તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ભાગની ટકાવારી કેટલી રાખવી, તે સંબંધિત સરકારોએ વાટાઘાટોના અંતે નક્કી કરવાનું રહેશે. ગૌચરની જમીન પર કોઇની માલિકી નહીં હોવાથી આ પગલું ભરવામાં પ્રતિદાવા કે અદાલતી કાર્યવાહી થવાની આશંકા નથી. ગાયો હજુ સુધી પોતાના હક માટે અદાલતમાં ગઇ હોવાનું નોંધાયું નથી- અને ભવિષ્યમાં એ દિવસ આવશે તો પણ એ ગૌચરની જમીન કરતાં પહેલાં, પોતાના માટે યોગ્ય જીવનધોરણની માગણી અદાલત સમક્ષ રજૂ કરશે એ નક્કી છે. આમ, આ વિધેયકનું પહેલું પગથીયું નિર્વિઘ્ને થોડા મહિનામાં પાર પડી જશે.
બીજા તબક્કે ગૌચરની જમીનો છૂટીછવાયી હોય ત્યાં, કમ સે કમ કાગળ પર, તેમનું સંકલન કરીને તેમને જમીનના મોટા ટુકડા તરીકે રજૂ કરવામાં આવશે અને એ જ રીતે સંભવિત ખરીદારો સમક્ષ તેમને દર્શાવવામાં આવશે. અઢળક નાણાં આપતાં મોટાં ઉદ્યોગગૃહો મોટા ભાગની સરકારોને ‘પવિત્ર ગાય’ જેવાં લાગતાં હોવાથી, તેમને ગૌચરની જમીનો વેચી મારવામાં કવિન્યાય પણ જળવાઇ રહેશે.
જમીનોના વેચાણની કંિમતના આંકડા બહાર પડે ત્યારે થોડો ઊહાપોહ થશે. એ રકમમાંથી ગામલોકોને કંઇક મળવું જોઇએ, એવી માગણી પણ ઉઠશે. એ વખતે સરકારે વિધેયકમાં સૂચવેલું છેલ્લું પગથીયું ભરીને, તત્કાળ અસરથી ગૌચરની જમીન વેચવા પર પ્રતિબંધ જાહેર કરી દેવાનો રહેશે અને હવે પછી જો કોઇ ગૌચરની જમીન વેચાય તો તેની અડધી આવક ગામલોકોને ફાળવવાની જાહેરાત પણ કરવાની રહેશે. ખાસ ઘ્યાન એ રાખવાનું રહેશે કે ગૌચરની તમામ જમીનોની રોકડી થઇ જાય ત્યાર પછી જ છેલ્લું પગલું લેવામાં આવે.
તપાસઅહેવાલ ગોપનીયતા વિધેયક, ૨૦૧૧
દેશવ્યાપી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની દિશામાં આ બીજું મહત્ત્વનું વિધેયક સાબીત થઇ શકે છે. જ્યારે પણ ભ્રષ્ટાચારનો આરોપ થાય ત્યારે સૌથી પહેલાં એક તપાસપંચની નિમણૂંક કરવાની રહેશે (આવો કાયદો ન હોવા છતાં, અત્યારે તેનું ચુસ્તીથી પાલન થઇ રહ્યું છે એ જુદી વાત છે.) આ તપાસપંચનો આખરી અહેવાલ સંસદમાં જાહેર ન થાય ત્યાં સુધી, એ આરોપોનું જાહેરમાં ઉચ્ચારણ, પ્રકાશન કે પ્રસારણ બિનજામીનપાત્ર ગુનો ગણાશે. ‘એટ્રોસીટી (પ્રીવેન્શન) ઇન ધ નેમ ઓફ કરપ્શન એક્યુઝિશન્સ’ જેવા દંડસંહિતા માટેના પ્રસ્તાવિત કાયદા મુજબ, તપાસપંચની કાર્યવાહી દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ કરનારને કડકમાં કડક સજા ફટકારી શકાશે. કાયદાને અસરકારક બનાવવા માટે તપાસપંચની મુદત ત્રણથી વઘુ વખત ન લંબાવી શકાય એવી પણ જોગવાઇ રાખવામાં આવશે.
આટલું વાંચીને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે વિધેયકની એક કલમ અનુસાર, તપાસપંચ સંસદમાં અહેવાલ સુપ્રત કરે ત્યાર પછી આરોપીના મૃત્યુ પર્યંત કે પચાસ વર્ષ સુધી- બન્નેમાંથી જે વઘુ હોય ત્યાં સુધી તપાસપંચનો અહેવાલ ગુપ્ત રાખવામાં આવશે. ત્યાર પછી ફરિયાદી પક્ષના વારસદારો ઇચ્છશે તો તપાસપંચનો અહેવાલ જાહેર જનતાના લાભાર્થે અથવા અભ્યાસાર્થે જાહેર કરી શકાશે.
સિવિલ સોસાયટી અત્યાચાર (અટકાવ) વિધેયક, ૨૦૧૧
અન્ના હજારેની ૧૬ ઓગસ્ટથી શરૂ થનારી ચળવળનું જે થવું હોય તે થાય, પણ પહેલી વારમાં તેમને મળેલી સફળતાથી રાજકીય પક્ષો હચમચી ઉઠ્યા. એટલે તેમને લાગ્યું કે લોકશાહીના પાયા હચમચી ઉઠ્યા. આવી અનુભૂતિ ધરાવતા, લોકશાહી અંગે ચિંતિત નેતાઓના લાભાર્થે આ વિધેયક ઘડી શકાય. તેમાં ‘સિવિલ સોસાયટી’ તરીકે ઓળખાતા નાગરિક સમાજના પ્રતિનિધિઓને સંબંધિત શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલના મેદાન સિવાય બીજે ક્યાંય પણ દેખાવો કે વિરોધ પ્રદર્શનો કરતા અટકાવાશે. એટલું જ નહીં, આગોતરી જાણકારીના આધારે, વિરોધ પ્રદર્શન કરવા ઇચ્છતા લોકોની ધરપકડ કરીને તેમને, અલગ વિધેયક દ્વારા તિહાર જેલમાં ખાસ ઉભા કરાયેલા ‘સિવિલ સોસાયટી સેલ’માં છ માસ સુધી જામીન કે પેરોલ વિના પૂરી શકાશે.
પોતાના રાજ્યની ‘સિવિલ સોસાયટી’ને ‘ગુજરાતવિરોધી’ તરીકે ખપાવીને, દિલ્હીની ‘સિવિલ સોસાયટી’ વિશે હરખપદુડા થતા ગુજરાતના મુખ્ય મંત્રી જેવા નેતાઓ ઇચ્છશે કે આ કાયદાનો અમલ ફક્ત રાજ્યસ્તરે અને રાજ્ય સરકારોની મુન્સફી પર છોડવામાં આવે. એ વિશે નિષ્ણાત ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય લઇને - એટલે કે કાયદાકીય છટકબારીઓનો અભ્યાસ કરીને- આગળ કાર્યવાહી કરી શકાશે.
Labels:
corruption,
humor-satire/હાસ્ય-વ્યંગ,
politics
Subscribe to:
Post Comments (Atom)
"બરબાદ ગુલીસ્તાન કરને કો સિર્ફ એક હી ઉલ્લુ કાફી હૈ,
ReplyDeleteયહા તો હર શાખ પે ઉલ્લુ બેધે હૈ અંજામ-એ-ગુલીસ્તાન ક્યાં હોગા?".
-- Poet Akbar Allahabadi
આમાંનું કંઇ બાકી છે...? પહેલી નજરે હસતા હસતા વાંચતા હોઇએ ને એકદમ ધ્રાસ્કો પડે... કે આ ધરાહાર ચાલી જ રહ્યું છે.. અને થોડી રહેમ મળશે તેવી આશાએ ગરીબડા લોકો જેમ પોતાની ઉપર થતા અત્યાચારમાં સહકાર આપે ને, તેમ કેટલાય લોકો આમાં ડફોળની જેમ સાથ આપી રહ્યા છે..
ReplyDeleteઉર્વિશભાઇ, જેટ બ્લેક હ્યુમર..
હસી ના શક્યો... :(