Friday, November 26, 2021

બે મિનિટનું મૌન

 મૌન વિશે લોકો બહુ બોલ્યા છે. કેમ કે, મૌનનો મહિમા ગમે તેટલો મોટો હોય, પણ એ વ્યક્ત તો બોલીને જ કરવો પડે છે. ગાંધીજી ફક્ત પેટના નહીં, જીભના પણ ઉપવાસ કરતા હતા એટલે કે દર સોમવારે મૌન પાળતા હતા. તેમનું મૌન આત્મમંથન માટે હતું. કોઈની સ્મૃતિમાં ક્યારેક આદરથી ને મોટે ભાગે ફરજિયાત બે મિનિટ મૌન પાળવાનું તો ઘણાને આવ્યું હશે. એવું મૌન ઉગેલું નહીં, પણ લાદેલું હોય છે. એટલે તે મર્યાદિત લોકોમાં આદરની અને બાકીના લોકોમાં ટાઇમપાસની લાગણી જગાડે છે.

આખો હોલ ભરાયેલો હોય અને અચાનક, ઓડિયન્સને સુવાંગ પોતાના ભોગવટાનું સમજનારો કોઈ ગુજરાતી કોડીલો સંચાલક, કોઈના માનમાં બે મિનિટ મૌન પાળવાની જાહેરાત કરી દે તો? હોલમાં પહેલાં સૌ એકબીજા સામે જોવા લાગે છે, પછી હોલમાંથી મૌનના પૂર્વરંગ તરીકે ખુરશીઓના ઉંચી થવાના વૈવિધ્યપૂર્ણ અવાજો સંભળાય છે. સંચાલકે બે મિનીટ મૌન પાળવાનું કહ્યું કે અડધી મિનીટ ઘોંઘાટ કરવાનું કહ્યું?’ એવો સવાલ પણ હોલમાં ઉપસ્થિત લોકોને થઈ શકે. આવી રીતે બધાં ઊભાં થાય ને જગ્યા પર સેમી-સાવધાન મુદ્રામાં ઉભાં રહે એટલે મૌનની બે મિનીટનો પ્રારંભ થાય છે.

જેમના માનમાં મૌન પાળવાનું હોય તેમના પ્રત્યે લાગણી ધરાવતાં લોકો આર્દ્ર થઈને આંખ મીંચીને મૌન થઈ જાય છે. તેમને દિવંગત સ્નેહી યાદ આવે છે અને બાકીના લોકોને આલ્બર્ટ આઇન્સ્ટાઇન. વધુ ચોક્સાઈથી કહીએ તો આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ. તેમને સમજાય છે કે સંચાલકે બે મિનીટનું મૌન પાળવાનું કહ્યું, ત્યારે તો એમ લાગ્યું હતું કે એંહ, બે મિનીટમાં શું માન આપી દેવાય? માન જ આપવું હોય તો કલાકનું મૌન જાહેર ન કરી દઈએ? અરે, કલાક નહીં, તો કમ સે કમ, અડધો કલાક તો રાખવો જોઈએ કે નહીં?’

પરંતુ મૌનકાળ શરૂ થાય, તે સાથે જ તેમને લાગવા માંડે છે કે સમય જાણે થંભી ગયો છે, ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપ ધીમી પડી ગઈ છે. સમય સાપેક્ષ છે, એવું કહેનાર આઇન્સ્ટાઇન સાંભરે છે, પણ એમની યાદ તો પાંચ સેકન્ડમાં યાદ આવીને જતી રહે છે. બાકીની સોએક સેકન્ડ ખાલીખમ અને સામે મોં ફાડીને ઉભી છે. તે બોલ્યા વિના પસાર કરવાની છે. એટલે પછી આસપાસના બીજા મૌનપાલકોના નિરીક્ષણની પ્રવૃત્તિ શરૂ થાય છે.

મોટા ભાગના લોકો મૌન પાળતી વખતે એવી રીતે આંખ મીંચી દે છે, જાણે તે મોંથી નહીં, આંખથી બોલતા હોય. તેમને સતત એવી બીક હોય એમ લાગે છે કે તેમની આંખ સહેજ ખુલી જશે, તો મોંમાંથી બે-ચાર વાક્યો ગબડી પડશે. બીજા પ્રકારના, વ્યવહારુ લોકો મૌન પાળવાની બાબતમાં અનુભવી કે રીઢા હોય છે. તેમના મનમાં શું ચાલે છે તેની કોઈને ખબર પણ ન પડે, એવી રીતે બે મિનિટ મૌન પાળતાં એટલે કે મૌનની બે મિનીટ પસાર કરતાં તેમને આવડી ગયું હોય છે. તે સ્વસ્થતાપૂર્વક પોતાની જગ્યાએ ઊભા રહી જાય છે અને ક્યારે સંચાલકનું ઓ..મ સંભળાય એની રાહ જુએ છે. નવોદિતો આટલા સ્થિરચિત્ત હોતા નથી. મૌનની જાહેરાત થાય ત્યારથી તે આસપાસની સૃષ્ટિ જોવામાં ચિત્ત પરોવે છે. આસપાસ, દૂરનજીક ઉભેલાં લોકો, તેમની ઊભા રહેવાની શૈલી, આંખ બંધ કરવાની રીત, ચહેરા પરના હાવભાવ, ચહેરા પર વ્યક્ત થતી ને અદૃશ્ય થઈ જતી અકળામણ...આવું બધું કળવાનો પ્રયાસ તે કરે છે. આસપાસના મૌનીઓનો અભ્યાસ કરવાની તેમની નિષ્ઠા જોઈને ઘડીભર એવું લાગે, જાણે કોઈ સર્વેક્ષણ કંપનીએ તેમને રૂપિયા આપીને, મૌનપાલકોના સર્વેક્ષણ માટે રોક્યા હશે. સર્વેક્ષણકર્તા મૌનપાલકોને જોયા પછી મૌન પાળતી વખતે આંખો બંધ રાખવાના રિવાજનો મહિમા સમજાય છે. આંખ બંધ હોય તેથી મન, કમ સે કમ, બહાર ભટકતું બંધ થાય છે અને અંદર ભટકે છે, જે બીજું કોઈ જોઈ શકતું નથી.

કેટલીક વાર સંચાલક વધુ પડતો લાગણીવશ થઈ જાય અથવા તેની બે મિનીટની ગણતરીમાં ગોટાળો થાય, ત્યારે મૌન છોડાવતાં સહેજ વધુ સમય લાગે છે. સંપૂર્ણ શાંતિ વચ્ચે કંઈ જ કર્યા વિના ઉભેલાં બધાં લોકોના મનમાં એક-એક સેકન્ડનો હિસાબ થતો હોય, ત્યારે થોડો વિલંબ પણ અતિશય આકરો નીવડે છે અને લોકો બેચેન થવા લાગે છે. વ્યવહારુ-અનુભવી મૌનીઓ પણ આંખ ખોલીને સંચાલક તરફ જોવાનું શરૂ કરે છે. સંચાલક જાગ્રત અવસ્થામાં છે કે પછી નિદ્રાસમાધિમાં સરી પડ્યો, એવો અશોભનીય વિચાર તેમને આવી જાય છે. પહેલી લાઇનમાં ઉભેલા અને અકળાતા કેટલાક આત્માઓ પાછળ જોઈને, બીજા લોકો પણ અકળામણ અનુભવે છે કે નહીં, તેની ખાતરી જુએ છે. એવી રીતે નજર કરતાં બીજા કોઈ સાથે નજર એક થઈ જાય, ત્યારે પાછળની લાઇનમાં ઉભેલો જણ આગળ ઉભેલાને ઈશારાથી ઉપર જઈને, સંચાલકને ઢંઢોળવા કહે છે. ત્યાં તો સંચાલક ઓ...મ બોલે છે અને ફરી એક વાર મૌનનું સાટું વાળી નાખવાનું હોય એટલો અવાજ કરીને બધા જગ્યા પર બેસે છે.

બધા બરાબર ગોઠવાય, ત્યાર પછી સંચાલક બોલવાનું ચાલુ કરે છે. ત્યારે ઘણાખરા કિસ્સામાં સુજ્ઞ શ્રોતાઓને થાય છે કે શ્રોતાએ ભલે મૌન છોડ્યું, પણ સંચાલકે મૌન ચાલુ રાખવા જેવું હતું.

Monday, November 22, 2021

રજાના દિવસે સ્નાન

કેટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણાખરા લોકો અજાણ રહે છે. જેમ કે, સ્નાન. અહીં સ્નાન કરાવવાની—એટલે કે કોઈને નવડાવવાની—નહીં, જાતે નહાવાની વાત છે. મોટા ભાગના લોકોને મન સ્નાન એટલે ‘બે ડબલાં આમ ને બે ડબલાં તેમ’. હકીકતમાં. ‘બાથરૂમનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એવી પંક્તિ કોઇ આધુનિક કવિ લખી શકે છે. કેમ કે, રજાના દિવસે નહાવા જવાની વાત આવે એટલે લખનવી વિવેકચાળો ફાટી નીકળે. મહિલા સભ્યોએ તો જવાબદારીપૂર્વક, શક્ય હોય ત્યાં સુધી આવતા પાણીએ, નાહી લીઘું હોય, પણ પુરૂષસભ્યો નહાવાનો વારો આવે એટલે એકબીજા તરફ આંગળી ચીંધે છે. બધાથી પહેલા નહાવા જવું ન પડે એ માટે ‘મારે હજુ દાઢી કરવાની બાકી છે’ જેવા દેખીતા કારણથી માંડીને ‘હજુ મૂડ નથી આવતો’ એવાં શાયરાના કારણો અપાય છે. વધુ દલીલબાજ લોકો ‘રોજ શું નહાવાનું? નહાવામાં આટલો સમય બગાડાતો હશે?’ એવી દલીલ સાથે રોજ ભારતમાં કેટલા માનવકલાકો નહાવામાં વેડફાય છે અને એટલા કલાકો શ્રમમાં વપરાય તો દેશના જીડીપીમાં કેટલો વધારો થાય તેની ગણતરી રજૂ કરી દે છે. યુરોપ-અમેરિકામાં નાગરિકો રોજ નહાતા નથી એટલે જ એ દેશો આટલા આગળ છે, એવી થીયરી પણ તે સમજાવે છે.

કોઇને થાય કે નહાવામાં મૂડની શી જરૂર? પણ રજાના દિવસની સવારે, આઇસક્રીમના ખાલી કપમાં ચોંટી રહેલા આઇસક્રીમની જેમ, જાગ્યા પછી પણ મનમાં થોડીઘણી ઊંઘ ચોંટેલી હોય છે. ત્યારે સુસ્ત થઈને બેસી રહેવાની પણ મઝા હોય છે. એ વખતે કોઈ એમ કહે કે ‘જા, બીજા રૂમમાં ભગવાન પ્રગટ થયા છે’ તો પણ સુસ્તીમાં સેલારા લેતો જણ કહેશે,‘તમે જઈ આવો ને એમને ચા-પાણી કરાવતા થાવ. હું પહોંચ્યો..’ આવા માહોલમાં ‘જા, તારૂં પાણી ગરમ થઈ ગયું છે. નાહી આવ.’ એવો આદેશ સાંભળીને સુસ્તીના સિંહાસન પરથી પદભ્રષ્ટ થવાનું ફરમાન મળ્યું હોય એવું લાગે છે. ઊંઘને ‘લાખ રૂપિયાની’ ગણીએ તો ઉંઘ પછીની સુસ્તી હજારો રૂપિયાની તો ગણાય—અને તેને ‘પાણી થયું છે’ કે ‘મોડું થાય છે’ એવાં મામૂલી કારણસર સુસ્તી લૂંટાવી દેવાની?

ઘણાં ઘરમાં રજાના દિવસે પુરૂષવર્ગ છાપું છોડતો નથી. બધાં બેસણાં અને બધા સમાચાર એ જ ક્રમમાં વાંચી ન લેવાય ત્યાં સુધી તે સ્નાન માટે પ્રેરિત થતા નથી. વચ્ચે વચ્ચે ‘નહાવા જા. ક્યાં સુધી આવો ને આવો અઘોરી રહીશ?’ એવા ઠપકા અપાય છે, પણ તેની અસર થતી નથી. બધું વાંચી લીધા પછી ‘છાપામાં કશું વાંચવા જેવું આવતું જ નથી’ એવો ચુકાદો વધુ એક વાર જાહેર કરીને, જાણે છાપાના નામનું નાહી નાખવાનું હોય એવી રીતે, તે નહાવા જવા તૈયાર થાય છે.

રજાના દિવસે નહાવાની બાબતમાં ઘણા લોકો અંતરના અવાજને અનુસરવાનો દાવો કરે છે. તે કહે છે, ‘મને મન થશે, ત્યારે કોઈનાય કહેવાની રાહ જોવા નહીં રોકાઉં’. આ વાક્યનું ગુજરાતી એવું થાય કે ‘મને મન નહીં થાય, ત્યાં સુધી ગમે તેવી મોટી તોપ હશે, તો પણ એનું કહ્યું નહીં માનું અને નહાવા નહીં જઊં.’ રોજ વહેલા નહાવું પાપ હોય અને તેના અઠવાડિક પ્રાયશ્ચિત તરીકે તે રજાના દિવસે મોડા નહાવાનું હોય, એવો ભાવ એમની વાતમાં સંભળાય છે.
રજાના દિવસે નહાવાનું બાકી હોય એટલું પૂરતુ નથી. પોતાને નહાવાનું બાકી છે અને પોતે રજા ભોગવી રહ્યા છે એ બીજાને દેખાવું પણ જરૂરી છે. એ માટે ઘણા લોકો રજાના દિવસે અગિયાર-બાર વાગ્યા સુધી ચડ્ડા કે બીજા પ્રકારના નાઇટડ્રેસ પહેરીને ફર્યા કરે છે. તેનાથી જોનારને ખબર પડે છે કે આ મૂર્તિએ હજુ સ્નાન કર્યું નથી. ઘડિયાળનો કાંટો આગળ વધે તેમ ‘હજુ’ શબ્દ પર મુકાતું વજન વધે છે અને એક સમય એવો આવે છે, જ્યારે માણસે કચવાતા મને, ‘જે જન્મે છે તેનું મૃત્યુ અને જે ઉઠે છે તેનું નહાવાનું નક્કી છે’ એવી ફિલસૂફી સ્વીકારીને બાથરૂમગમન કરવું પડે છે.

શિયાળામાં આકરી ઠંડી હોય, પહેલો વિચાર કપડાં પહેરીને નહાવાનો આવતો હોય, પણ પીઠ પર મસ્ત ગરમ પાણીનું પહેલું ડબલું પડે ત્યારે શરીરમાં હળવી કંપારી સાથે સ્વર્ગીય સુખની અનુભૂતિ થઇ શકે છે. પીઠ પર પડતા ગરમ પાણીના પહેલા ડબલાનો રોમાંચ મનના તાર ઝણઝણાવી મુકે છે--પાણી વધારે ગરમ રહી ગયું હોય તો એકાદ તાર તૂટી પણ જાય --છતાં નહાવાનું મુખ્ય કામ બાકી હોવાથી લોકો એ વખતે ‘પહેલા ડબલાની યાદમાં’ કે ‘પહેલા ડબલાનો છાંટો’ જેવી કવિતા લખતા નહીં હોય. ઉનાળામાં બફારો-પરસેવો-ઉકળાટ થતો હોય અને એક ડબલું ઠંડા પાણીનું રેડાય એટલે તેની ટાઢક અંતર સુધી પહોંચે છે. પાણી યોગ્ય રીતે ગરમ કે ઠંડું હોય તો પહેલાં બાથરૂમમાં જવા માટે અખાડા કરતો માણસ પછી બાથરૂમમાંથી જલ્દી બહાર નીકળતો નથી.

નહાવાની મઝાથી પુલકિત થયેલો માણસ મનોમન નક્કી કરે છે કે આવતી વખતે રજા આવે ત્યારે વેળાસર બાથરૂમમાં ધૂસી જઇને નિરાંતે નહાવું છે. પણ રજાનું પરોઢ ઉગતાં સુધીમાં એ સંકલ્પો રાજકીય પક્ષના ચૂંટણીઢંઢેરાની જેમ ભૂલાઇ જાય છે.

Tuesday, November 16, 2021

પેટ્રોલ-ચિંતન

કોઈ સમાજશાસ્ત્રીએ હજુ સુધી ભલે કહ્યું નથી, પણ સરેરાશ ગુજરાતીઓ ચિંતનપ્રિય પ્રજા છે. એક સમયે ગુજરાતી હાસ્યકલાકારો ગમે ત્યાંથી હાસ્ય શોધી કાઢવાનો દાવો કરતા હતા (એ હાસ્ય મોટે ભાગે ‘ગમ્મે તેવું’ જ રહેતું એ જુદી વાત છે.) એવી રીતે સરેરાશ ગુજરાતી લેખકો ગમે ત્યાંથી ચિંતન શોધી શકે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં થયેલો પેટ્રોલનો ભયંકર ભાવવધારો એકેય ચિંતનલેખનું કારણ બન્યો નથી. તેનાથી ગુજરાતી ચિંતનવાચકોમાં વિદ્રોહની લાગણી જન્મે અને વિદ્રોહસ્વરૂપે તે જાતે જ ચિંતવાનું શરૂ કરી દે, તેવી ચિંતા રહે છે.
સરકાર પ્રત્યેની વફાદારી જેવા મહત્ત્વના મુદ્દાને બદલે, પેટ્રોલ-ચિંતનના અભાવ જેવી ફાલતુ બાબત માટે ગુજરાતી લેખકોની પ્રતિભા સામે કોઈ આંગળી ચીંધે તે ઠીક નહીં. આ વાક્યમાં કોઈને ‘ગુજરાતી ચિંતક’ને બદલે ‘ગુજરાતી લેખક’ એવો શબ્દપ્રયોગ ખટકે, તે પહેલાં ચોખવટઃ ગુજરાતીમાં કંઈ પણ લખનાર લેખક આપોઆપ ચિંતક, વિચારક ગણાઈ જાય છે—સિવાય કે તેમણે સરકારમાં સોગંદનામું કરીને ગેઝેટમાં જાહેરખબર આપી હોય કે ‘આજ પછી મને ચિંતક યા વિચારક તરીકે ઓળખાવનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી.’

તો ચિંતનનો લીલો દુકાળ ધરાવતી ગુર્જર ભૂમિમાં એન્કાઉન્ટરો વિશે ચિંતન થઈ શકે છે, પણ પેટ્રોલના ભાવવધારા વિશે ચિંતન થતું નથી—આવું મહેણું વહેલી તકે દૂર કરી દેવું જોઈએ. ‘પેટ્રોલ પમ્પની પાળેથી’, ‘પેટ્રોલની નોઝલને દૂરથી જોતાં’, ‘પેટ્રોલના ભાવનું હાઇ-કુ’ એવાં કાવ્યો કે ‘પેટ્રોલના પમ્પ ઉપર સાયબાનો ફોટો/સાયબો છે મારો છેક નફ્ફટ ને ખોટો’—એવી ‘ગીઝલ’ (ગીતનુમા ગઝલ) રચવાની શક્તિ તો નથી. ઉપરાંત, સરકાર દુઃખી ન થાય એવી રીતે કાવ્યસર્જન કરનારા પૂરતી માત્રામાં છે. એટલે થયું કે ગદ્ય ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તો શરૂ કરીએ?

સપનાંની જેમ પેટ્રોલને પણ ઉડવા માટે પાંખોની જરૂર નથી પડતી. તેની હળવાશ એવી તે હળવી હોય છે કે તેને પીંછાનો પણ ભાર લાગે. પીંછાં સાથે તો સૌ કોઈ ઉડે. વગર પીંછે ઉડે તે પેટ્રોલ. ભલે ને તે રસાયણ ગણાતું, પણ તેને ઑર્ગેનિક ન ગણવામાં ઑર્ગેનિકનું અપમાન છે. એમ તો ચિત્તના વ્યાપારો પણ છેવટે રસાયણ જ છે. તેને ‘રાસાયણિક’ તરીકે ઉતારી પાડવાની ધૃષ્ટતા કોઈ દેખાડશે?

ઉડતું પંખી જોઈને આદિમાનવને વિસ્મય થયું હશે, પણ આધુનિક મનુષ્યને તેમાં કશી નવાઈ નથી લાગતી. પેટ્રોલ પહેલી વાર અસ્તિત્ત્વમાં આવ્યું, ત્યારે તેની ઉડ્ડયનશીલ અને જ્વલનશીલ પ્રકૃતિ વિસ્મિત મનુષ્યને દૈવી લાગી હશે, પણ પછી તેનો ઉપયોગ દૈવી તેમ જ આસુરી કાર્યોમાં સામાન્ય થઈ પડ્યો. વર્તમાનમાં સર્જાયેલો પ્રશ્ન તેની સ્વભાવગત નહીં, પણ ભાવગત ઉડ્ડયનશીલતાનો છે.

આપણી સંસ્કૃતિમાં ભાવનું બહુ મહત્ત્વ છે. નાટ્યશાસ્ત્ર હોય કે કાવ્યશાસ્ત્ર, ભાવ, ભાવપલટા, ભાવભંગિમાઓ અને ભાવવિરેચન તેનાં મહત્ત્વનાં અંગો છે. સંસ્કૃત આચાર્યોએ ભાવનો મહિમા કરતાં કહ્યું છે કે ‘જે ભવ તારે છે, તે ભાવ છે.’ (આચાર્યનું નામ યાદ નથી આવતું. કદાચ મેં પણ આવું કહ્યું હોય.) પરંતુ રસશાસ્ત્ર અને ભાવશાસ્ત્ર જનસામાન્યને દુર્બોધ ભાસે છે. તેમનો સીધો સંબંધ અર્થશાસ્ત્ર જેને ‘ભાવ’ તરીકે ઓળખાવે છે અને અંગ્રેજીમાં જેને પ્રાઇસ કહેવામાં આવે છે, તેની સાથે હોય છે. પ્રિયતમાના લહેરાતા કેશ જેવી કાળી ભમ્મર સડક પર પડેલા પેટ્રોલની સપ્તરંગી ઝાંયના સૌંદર્યનો આસ્વાદ માણવાને બદલે જનસામાન્ય પેટ્રોલના ભાવવધારાથી ચકિત થાય છે. વિદ્વજ્જનોની પેઠે પેટ્રોલના સ્થાયી ભાવનું ચિંતવન કરવાને બદલે અથવા પેટ્રોલની પ્રકૃતિગત ઉડ્ડયનશીલતાથી મુગ્ધ થવાને બદલે, તે એક લીટર પેટ્રોલના ભાવને ચિત્ત ધરે છે અને પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે, પમ્પ પર દેખાતા પેટ્રોલના ઊંચા ભાવને (શબ્દાર્થમાં) તાકે છે.  

સંસ્કૃતિના અધઃપતનની ચિંતા અને તેના પુનઃસ્થાપનના પ્રયાસ કેટલા ઔચિત્યપૂર્ણ અને વાજબી છે, તે જનસામાન્યના પેટ્રોલ-વિષયક મનોવ્યાપારોથી એવી રીતે ઉપસી આવે છે, જાણે પેટ્રોલ પમ્પ પર વડાપ્રધાનની તસવીર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો મહિમા ધરાવતી આપણી સંસ્કૃતિમાં પેટ્રોલના ઊંચા ભાવ ‘અર્થ’નો આવશ્યક હિસ્સો છે. ઋષિમુનિઓએ તેને જીવનનો અનિવાર્ય ભાગ ગણ્યો છે, ત્યારે જનસામાન્યે પેટ્રોલના ભાવવધારાને જીવનનો અર્થયોગ ગણીને તેની ઉજવણી કરવી જોઈએ. જીવતરની રોજિંદી ઘટમાળમાં અર્થયોગની કસોટી જેટલી આકરી, એટલી જ મોક્ષની શક્યતાઓ વધારે. આવું ભારતીય સંસ્કૃતિની પરંપરાનો તલસ્પર્શી અભ્યાસ કરનારા એક અમેરિકન ચિંતકે અમેરિકામાં મારા પ્રવચન પછી મને કહ્યું, ત્યારે આપણી સંસ્કૃતિના મહિમાથી મારી આંખ ભીની થઈ હતી. જેટલી વાર પેટ્રોલના ભાવવધારા વિશે કશોક ઊહાપોહ ધ્યાને ચડે છે, ત્યારે મને એ અમેરિકન ચિંતક યાદ આવે છે.

પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે ઘણાને બુદ્ધક્ષણોનો અનુભવ થાય છે. આપણા વડાપ્રધાનશ્રી પોપને મળી આવ્યા, ત્યારે તેમના ચહેરા પર જે ચમક હતી, તે લાખો દેશવાસીઓની આંખોમાં પેટ્રોલ પુરાવતી વખતે, પેટ્રોલનો ભાવ જોઈને આવતી ચમકનું પ્રતિબિંબ હતી. એક લીટરના ભાવ ત્રણ આંકડામાં પહોંચી ગયા પછી કેટલાક દેશવાસીઓને આધ્યાત્મિક વિરક્તિની કામચલાઉ અનુભૂતિ થાય છે, જે મેળવવા માટે પહેલાં ગિરનાર કે હિમાલય જવું પડતું હતું. સરકારશ્રીની આવી અસીમ આધ્યાત્મિક કૃપાનો જગતમાં જોટો જડે એમ નથી. દેશને તેની અસલની, પ્રાચીન આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચાડવા માટે અને વિશ્વગુરુના સ્થાને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે જરૂર છે પેટ્રોલના ભાવવધારાનું અધ્યાત્મ સમજવાની.