Friday, November 26, 2021

બે મિનિટનું મૌન

 મૌન વિશે લોકો બહુ બોલ્યા છે. કેમ કે, મૌનનો મહિમા ગમે તેટલો મોટો હોય, પણ એ વ્યક્ત તો બોલીને જ કરવો પડે છે. ગાંધીજી ફક્ત પેટના નહીં, જીભના પણ ઉપવાસ કરતા હતા એટલે કે દર સોમવારે મૌન પાળતા હતા. તેમનું મૌન આત્મમંથન માટે હતું. કોઈની સ્મૃતિમાં ક્યારેક આદરથી ને મોટે ભાગે ફરજિયાત બે મિનિટ મૌન પાળવાનું તો ઘણાને આવ્યું હશે. એવું મૌન ઉગેલું નહીં, પણ લાદેલું હોય છે. એટલે તે મર્યાદિત લોકોમાં આદરની અને બાકીના લોકોમાં ટાઇમપાસની લાગણી જગાડે છે.

આખો હોલ ભરાયેલો હોય અને અચાનક, ઓડિયન્સને સુવાંગ પોતાના ભોગવટાનું સમજનારો કોઈ ગુજરાતી કોડીલો સંચાલક, કોઈના માનમાં બે મિનિટ મૌન પાળવાની જાહેરાત કરી દે તો? હોલમાં પહેલાં સૌ એકબીજા સામે જોવા લાગે છે, પછી હોલમાંથી મૌનના પૂર્વરંગ તરીકે ખુરશીઓના ઉંચી થવાના વૈવિધ્યપૂર્ણ અવાજો સંભળાય છે. સંચાલકે બે મિનીટ મૌન પાળવાનું કહ્યું કે અડધી મિનીટ ઘોંઘાટ કરવાનું કહ્યું?’ એવો સવાલ પણ હોલમાં ઉપસ્થિત લોકોને થઈ શકે. આવી રીતે બધાં ઊભાં થાય ને જગ્યા પર સેમી-સાવધાન મુદ્રામાં ઉભાં રહે એટલે મૌનની બે મિનીટનો પ્રારંભ થાય છે.

જેમના માનમાં મૌન પાળવાનું હોય તેમના પ્રત્યે લાગણી ધરાવતાં લોકો આર્દ્ર થઈને આંખ મીંચીને મૌન થઈ જાય છે. તેમને દિવંગત સ્નેહી યાદ આવે છે અને બાકીના લોકોને આલ્બર્ટ આઇન્સ્ટાઇન. વધુ ચોક્સાઈથી કહીએ તો આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ. તેમને સમજાય છે કે સંચાલકે બે મિનીટનું મૌન પાળવાનું કહ્યું, ત્યારે તો એમ લાગ્યું હતું કે એંહ, બે મિનીટમાં શું માન આપી દેવાય? માન જ આપવું હોય તો કલાકનું મૌન જાહેર ન કરી દઈએ? અરે, કલાક નહીં, તો કમ સે કમ, અડધો કલાક તો રાખવો જોઈએ કે નહીં?’

પરંતુ મૌનકાળ શરૂ થાય, તે સાથે જ તેમને લાગવા માંડે છે કે સમય જાણે થંભી ગયો છે, ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપ ધીમી પડી ગઈ છે. સમય સાપેક્ષ છે, એવું કહેનાર આઇન્સ્ટાઇન સાંભરે છે, પણ એમની યાદ તો પાંચ સેકન્ડમાં યાદ આવીને જતી રહે છે. બાકીની સોએક સેકન્ડ ખાલીખમ અને સામે મોં ફાડીને ઉભી છે. તે બોલ્યા વિના પસાર કરવાની છે. એટલે પછી આસપાસના બીજા મૌનપાલકોના નિરીક્ષણની પ્રવૃત્તિ શરૂ થાય છે.

મોટા ભાગના લોકો મૌન પાળતી વખતે એવી રીતે આંખ મીંચી દે છે, જાણે તે મોંથી નહીં, આંખથી બોલતા હોય. તેમને સતત એવી બીક હોય એમ લાગે છે કે તેમની આંખ સહેજ ખુલી જશે, તો મોંમાંથી બે-ચાર વાક્યો ગબડી પડશે. બીજા પ્રકારના, વ્યવહારુ લોકો મૌન પાળવાની બાબતમાં અનુભવી કે રીઢા હોય છે. તેમના મનમાં શું ચાલે છે તેની કોઈને ખબર પણ ન પડે, એવી રીતે બે મિનિટ મૌન પાળતાં એટલે કે મૌનની બે મિનીટ પસાર કરતાં તેમને આવડી ગયું હોય છે. તે સ્વસ્થતાપૂર્વક પોતાની જગ્યાએ ઊભા રહી જાય છે અને ક્યારે સંચાલકનું ઓ..મ સંભળાય એની રાહ જુએ છે. નવોદિતો આટલા સ્થિરચિત્ત હોતા નથી. મૌનની જાહેરાત થાય ત્યારથી તે આસપાસની સૃષ્ટિ જોવામાં ચિત્ત પરોવે છે. આસપાસ, દૂરનજીક ઉભેલાં લોકો, તેમની ઊભા રહેવાની શૈલી, આંખ બંધ કરવાની રીત, ચહેરા પરના હાવભાવ, ચહેરા પર વ્યક્ત થતી ને અદૃશ્ય થઈ જતી અકળામણ...આવું બધું કળવાનો પ્રયાસ તે કરે છે. આસપાસના મૌનીઓનો અભ્યાસ કરવાની તેમની નિષ્ઠા જોઈને ઘડીભર એવું લાગે, જાણે કોઈ સર્વેક્ષણ કંપનીએ તેમને રૂપિયા આપીને, મૌનપાલકોના સર્વેક્ષણ માટે રોક્યા હશે. સર્વેક્ષણકર્તા મૌનપાલકોને જોયા પછી મૌન પાળતી વખતે આંખો બંધ રાખવાના રિવાજનો મહિમા સમજાય છે. આંખ બંધ હોય તેથી મન, કમ સે કમ, બહાર ભટકતું બંધ થાય છે અને અંદર ભટકે છે, જે બીજું કોઈ જોઈ શકતું નથી.

કેટલીક વાર સંચાલક વધુ પડતો લાગણીવશ થઈ જાય અથવા તેની બે મિનીટની ગણતરીમાં ગોટાળો થાય, ત્યારે મૌન છોડાવતાં સહેજ વધુ સમય લાગે છે. સંપૂર્ણ શાંતિ વચ્ચે કંઈ જ કર્યા વિના ઉભેલાં બધાં લોકોના મનમાં એક-એક સેકન્ડનો હિસાબ થતો હોય, ત્યારે થોડો વિલંબ પણ અતિશય આકરો નીવડે છે અને લોકો બેચેન થવા લાગે છે. વ્યવહારુ-અનુભવી મૌનીઓ પણ આંખ ખોલીને સંચાલક તરફ જોવાનું શરૂ કરે છે. સંચાલક જાગ્રત અવસ્થામાં છે કે પછી નિદ્રાસમાધિમાં સરી પડ્યો, એવો અશોભનીય વિચાર તેમને આવી જાય છે. પહેલી લાઇનમાં ઉભેલા અને અકળાતા કેટલાક આત્માઓ પાછળ જોઈને, બીજા લોકો પણ અકળામણ અનુભવે છે કે નહીં, તેની ખાતરી જુએ છે. એવી રીતે નજર કરતાં બીજા કોઈ સાથે નજર એક થઈ જાય, ત્યારે પાછળની લાઇનમાં ઉભેલો જણ આગળ ઉભેલાને ઈશારાથી ઉપર જઈને, સંચાલકને ઢંઢોળવા કહે છે. ત્યાં તો સંચાલક ઓ...મ બોલે છે અને ફરી એક વાર મૌનનું સાટું વાળી નાખવાનું હોય એટલો અવાજ કરીને બધા જગ્યા પર બેસે છે.

બધા બરાબર ગોઠવાય, ત્યાર પછી સંચાલક બોલવાનું ચાલુ કરે છે. ત્યારે ઘણાખરા કિસ્સામાં સુજ્ઞ શ્રોતાઓને થાય છે કે શ્રોતાએ ભલે મૌન છોડ્યું, પણ સંચાલકે મૌન ચાલુ રાખવા જેવું હતું.

No comments:

Post a Comment