Thursday, May 28, 2020

જય 'માતાજી' (પ્રહ્લાદ જાની) નહીં, જય અંધશ્રદ્ધા

મિત્ર-સાથી પ્રણવ અધ્યારુ સાથે ‘માતાજી’ પ્રહ્લાદ જાનીને  મળ્યા પછી લખેલો લેખ, (’આરપાર’ ૮ ડિસેમ્બર,૨૦૦૩) જ્યારે દસ દિવસના કહેવાતા અને અવિશ્વસનીય ટેસ્ટિંગના આધારે માતાજી ૬૮ વર્ષથી અન્નજળ વિના જીવતા હોવાનાં પ્રમાણપત્રો ડૉક્ટરોએ ફાડી આપ્યાં અથવા તેમના નામે તે ચાલવા દીંધાં ને અખબારોએ સવાલ કરવાને બદલે તે છાપી માર્યાં.

અફસોસની વાત છે કે આપણાં છાપાં અને પ્રસાર માધ્યમો પણ ધંધા ખાતર કે અંધશ્રદ્ધાળુઓની નારાજગીની બીકે અંધશ્રદ્ધાનાં હોંશીલાં ખેપિયાં બને છે. અહીં મૂકેલા લેખનાં ત્રણ પાનાં ફોટો તરીકે સેવ કરીને, એન્લાર્જ કરીને વાંચી શકાશે.***

થોડાં વર્ષ પહેલાં સ્ટેન લીની સિરીઝ ‘સુપરહ્યુમન્સ’ જોઈ હતી. તેમાં કોઈ કહે તો માન્યામાં ન આવે એવી વિશિષ્ટ શક્તિ ધરાવતા લોકોની વાત દર અઠવાડિયે રજૂ થતી હતી. દર હપ્તે રજૂ થનાર વ્યક્તિની વિશિષ્ટ શક્તિની એક પછી એક, અઘરામાં અઘરી કસોટીઓ લેવામાં આવે અને છેલ્લે તેમની એ શક્તિનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવે.

શરીર બહુ કમાલની ચીજ છે. ડીએનએનાં મ્યુટેશન સહિત બીજાં પરિબળોને કારણે કોઈ કોઈ જણમાં વિશિષ્ટ શક્તિઓ નીપજી આવે એવું બિલકુલ શક્ય છે. પણ એ સિરીઝમાં આવતા લોકો એટલા ઈમાનદાર હતા કે તે પોતાની શક્તિને ચમત્કાર ગણાવતા ન હતા ને અંધશ્રદ્ધાનું પ્રદૂષણ ફેલાવતા ન હતા.

ધારો કે, પ્રહ્લાદ જાની આવી કોઈ શક્તિ ધરાવતા પણ હોય (જેના કશા શ્રદ્ધેય પુરાવા હજુ સુધી મળ્યા નથી અને હવે મળે એમ નથી) તો પણ, તે માતાજીના નામે ચલાવવામાં આવે ત્યારે તૂત જ બની રહે છે. તેમની આવી કથિત શક્તિથી સમાજને કશો ફાયદો થતો નથી. ઉલટું, અંધશ્રદ્ધાની લાંબી પરંપરામાં વધુ એક મણકો ઉમેરાય છે અને એ રીતે સમાજની કુસેવા જ થાય છે. એ કુસેવામાં પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો પણ ભળે ત્યારે ‘એ દેશની ખાજો દયા..’ સિવાય બીજું શું યાદ આવે?
***
ગઈ કાલે  'માતાજી' ના અવસાનના સમાચાર આવ્યા ત્યારે તેમને અંજલિ આપતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લખ્યું
"ચૂંદડીવાળા માતાજી ( શ્રી પ્રહલાદભાઈ જાની ) ના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. વર્ષો સુધી અન્ન અને જળ ન લેનાર ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય અંબે..."

માનનીય મુખ્ય મંત્રીએ ફોડ ન પાડ્યો કે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે નહીં અને કર્યું તો શું પરિણામ આવ્યું. પંદર વર્ષમાં નેતાઓ ન જ સુધર્યા. અને હવે તો નહીં સુધરવાનો લાભ એટલો મોટો છે કે 'હમ નહીં સુધરેંગે' એ માત્ર જડતા નહીં, વ્યૂહરચના પણ હોય છે.

Monday, May 11, 2020

ગુજરાત મૉડેલની વાર્તા

એક હતું ગુજરાત મૉડેલ/Gujarat Model. એના જનક તો એને રૂડુંરૂપાળું ને દેશદુનિયાની નજર લાગી જાય એવું ગણાવતા હતા. તે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તેના સાજશણગાર થાય, તેનાં ગીતડાં ગવાય, મોટા મોટા માણસો આવીને તેને રમાડે ને હાથમાં કવર આપીને જાય. ગુજરાત મૉડેલ નામના એ બાળકનું માથું બહુ મોટું ને બાકીનું શરીર અવિકસિત. માથું પણ બહારથી જ વિકસિત. પણ ચહેરા પરનો મેક-અપ એવો જોરદાર કે ભલભલા ફિલ્મી હીરોને ટક્કર મારે. તેને ગળથૂથીમાં જૂઠાણું પીવડાવેલું ને શરીર નકરું લોચા જેવું. નક્કર હાડકું મળે જ નહીં.

તેના જેવું જ બીજું એક બાળક હતું. તેનું નામ ગુજરાત. એ ગુજરાત મૉડેલથી બહુ જુદું. અપટુડેટ-ચકાચક નહીં ને નબળું-પોલું પણ નહીં. ગુજરાત નામના એ બાળકની હાલત જન્મ વખતે ઘણાને નાજુક લાગતી હતી, પણ પછી તે વધતું ગયું. એનાં માવતર અસલના જમાનાનાં. પરિવાર બહોળો. તેમાં બધા હોય. લાડ લડાવનારા પણ હોય અને લપડાક મારનારા પણ હોય. એ બધાની વચ્ચે તંદુરસ્ત બાળકમાંથી ગુજરાત કિશોર, યુવાન અને પ્રૌઢ બન્યું. તેનો સંસાર વિસ્તર્યો. વાસણ હોય એટલે ખખડે તો ખરાં જ. કુટુંબમાં બધાં પ્રકારના સભ્યો હતા. તેમની વચ્ચે અનેક મુ્દ્દે હિંસક-શરમજનક ઝઘડા પણ થતા. અંદરોઅંદરના ભેદભાવ પણ બહુ. છતાં, ઉછેરનો પાયો મજબૂત હતો, એટલે તે પટકાઈને ફરી બેઠું પણ થઈ જતું હતું.

એક વાર કુટુંબના એક સભ્ય બહારથી ‘નયા ગુજરાત’ નામનું એક બાળક લઈ આવ્યા અને જાહેર કર્યું કે આ આપણા જ પરિવારનું સભ્ય છે અને તે આપણી સાથે રહેશે. એ હતું તો બાળક, પણ તેને જોઈને વહાલને બદલે વિચિત્ર લાગણી જાગતી. તે બાળકને કોઈ પણ વાત બઢાવીચઢાવીને કરવાની ટેવ હતી. ઘણી વાર તે વેન કરતું ને તેની જિદ પૂરી ન થાય તો તોડફોડ ઉપર ઉતરી આવતું. પણ તેની ઉપર તેને લઈ આવનારના એવા ચાર હાથ હતા કે એ તેનાં બધાં તોફાન માફ કરી દેતા અને ઉપરથી તેની ટીકા કરનારને દોષી ઠરાવીને ઠપકો આપતા. એ માટે તેમણે બહુ નિરાળી પદ્ધતિ શોધી કાઢી હતી. તેમના આણેલા ‘નયા ગુજરાત’ની ગમે તેવી અવળચંડાઈની કે દુષ્ટતાની કોઈ ફરિયાદ કરવા આવે ત્યારે તે કહેતા હતા, તમે તો ‘ગુજરાતવિરોધી’ છો.

શરૂઆતમાં તો કોઈ તેમનો કાંઠલો પકડીને કહે કે ‘હું આપણા ગુજરાતની નહીં, તમારા નયા ગુજરાત નામના વંઠેલા બાળકની વાત કરું છું’, ત્યારે તે સાંભળતા. પણ ધીમે ધીમે તેમણે કહેવા માંડ્યું, ‘કુટુંબમાં ખોટેખોટા ભાગલા પડાવવાની કોશિશ ન કરશો. ગુજરાત અને નયા ગુજરાત—બધું એકનું એક જ છે.’ તેમનું નયા ગુજરાત નાની વયે હિંસાખોરી કરતું ને રૂપિયાના ગોટાળા કરતું થઈ ગયેલું, તેને લાવનાર સભ્યનો દબદબો ઓસરી ગયા પછી ને તેમનું અવસાન થયા પછી, ‘નયા ગુજરાત’ ખોવાઈ ગયું. એ ક્યાં ગયું તેની કોઈને ખબર ન પડી ને કોઈએ તે જાણવાની દરકાર પણ ન લીધી.

તેના બે-એક દાયકા પછી, બીજા એક વડીલ, લેખની શરૂઆતમાં જેની વાત કરી છે તે ગુજરાત મૉડેલ લઈ આવ્યા. તે હતું તો બાળક, પણ ભગવાનના રૂપ જેવું નહીં, હોરર ફિલ્મોમાં આવતાં બિહામણાં બાળકો જેવું. તેને જોઈને જ લાગે કે આ કોણ જાણે કેટલાના ભોગ લઈને આવ્યું હશે ને કેટલાના ભોગ લેશે. કુટુંબમાં નવા આવેલા ગુજરાત મૉડેલને અગાઉના ગુજરાત સાથે કશી લેવાદેવા ન હતી. ખરેખર તો વડીલને પણ અગાઉના ગુજરાતની પરંપરા સાથે કશી લેવાદેવા રાખવી ન હતી. તેમને પરિવારમાં પોતાનું વર્ચસ્વ જમાવી દેવું હતું. એટલે જ તે આ બાળક લઈ આવ્યા હતા. ધીમે ધીમે વડીલે કહેવા માંડ્યું કે ‘આ ઘરમાં લાઇટ કોણ લાવ્યું, ખબર છે? આ મારું ગુજરાત મૉડેલ. આ ઘરના ધંધારોજગાર કોણ ચલાવે છે? મારું ગુજરાત મૉડેલ. દેશદુનિયામાં આ ઘરનો વટ કોના લીધે છે? અલબત્ત, મારા ગુજરાત મૉડેલને લીધે.’

વડીલના દાવાનો કોઈ વિરોધ કરે ત્યારે તે બમણા જોરથી કહેતા, ‘તમે ગુજરાતના વિરોધી છો. એટલે આવી વાત કરો છો.’ કુટુંબનાં માણસ કહે, ‘અલ્યા ભાઈ, અમે ગુજરાતના નહીં, તારા શેખીબાજ, હિંસક, તોડફોડીયા, જૂઠા, ખોખલા, ખિસ્સાં ખાલી ભપકા ભારી એવા ગુજરાત મૉડેલના વિરોધી છીએ.’ પણ સાંભળે જ કોણ? અગાઉ નયા ગુજરાત વખતે પણ આવું જ થયું હતું ને આ વખતે તો બદલાયેલા જમાનાનો લાભ પણ મોટો હતો. એટલે બિચારું અસલી ગુજરાત બાજુ પર રહી ગયું ને ગુજરાત મૉડેલના ઠેકઠેકાણે ડંકા વાગ્યા. ડંકા વગાડવા માટે મોટી ફોજ હંમેશાં તૈયાર રહેતી. તેનું કામ જ ગુજરાત મૉડેલનો જયજયકાર કરવાનું અને અસલી ગુજરાત તરફ ધ્યાન દોરનારને ‘ગુજરાતવિરોધી’ તરીકે ખપાવી દેવાનું હતું.

ગુજરાત મૉડેલ નામનું યુવાનીમાં પ્રવેશેલું બાળક કેવું બલિષ્ઠ ને કેવું મહાન ને કેવું તેજસ્વી ને કેવું દેવાંશી ને દેશદેશાવરની કુંવરીઓનાં તેના માટે કેવાં માગાં આવે...આ બધું મહિમાગાન બહુ ચાલ્યું. એવામાં એક દિવસ કોરોના વાઇરસ આવ્યો.

પછી શું થયું તે આખ-કાન-મગજ ખુલ્લાં હોય એવાં સૌ કોઈ જાણે જ છે ને કોરોના કરતાં પણ ખતરનાક વાઇરસનો શિકાર બની ચૂક્યા હોય એવા લોકોને જણાવવાનો અર્થ નથી.

Wednesday, May 06, 2020

...તારા કોરોનાનો કોઈ પાર નથી

કોરોના વિશે અલગથી હાસ્યલેખ લખવાનું સહેલું નથી. ચિંતન કૉલમોમાં કાયમી ગ્રૅવીમાં જે રીતે આવડતાનુસાર કોરોના-મસાલાની ભેળવણી થઈ રહી છે તે જોતાં, એવાં લખાણ વાંચતાં આવડે તો ઉત્તમ હાસ્યલેખની ગરજ સારે એવાં હોય છે. આવાં લખાણ થકી જાણેઅજાણે ગુજરાતી હાસ્યસાહિત્યમાં થયેલું પ્રદાન—એ એકાદ ડેઝર્ટેશનનો વિષય બને એમ છે. (ડેઝર્ટેશનના વિષય પોતે જુદા હાસ્યલેખનો વિષય છે, પણ એ વળી જુદી વાત થઈ.) કોરોનાએ સંદેશો આપ્યો છે કે ચાહે આભ તૂટી પડે યા ધરતી ફાટી પડે, પણ ચિંતન લખનારાને કોઈ બદલી (એટલે કે સુધારી) શકે તેમ નથી અને તેમના ચાહકો તેમને (આથી વધુ) બગાડી શકે તેમ નથી.

એક મહિનાથી પણ વધુ સમય સુધી લૉક ડાઉનમાં રહ્યા પછી, કોરોનાએ ઉભારી આપેલાં કેટલાંક સત્યની અછડતી યાદી બનાવીએ, તો તેમાં કઈ બાબતો હોઈ શકે? થોડી અહીં આપી છે, બાકીની તમે તમારા અનુભવથી ઉમેરી શકો.
  • કોરોનાકાંડ હજુ ભલે ચાલુ હોય, પણ તેણે એટલું તો આ તબક્કે જ શીખવાડી દીધું છે કે માણસજાત કશું શીખતી નથી.—ચાહે તે પર્યાવરણ અને પ્રકૃતિજગતની વાત હોય કે રાજકારણની. 
  • સ્મશાનવૈરાગ્યની જેમ ‘કોરોનાવૈરાગ્ય’નો હુમલો ઓછીવત્તી માત્રામાં દરેકને આવ્યો હશે. આ સંસાર ફાની છે, શું સાથે લઈ જવાનું છે, કલ હો ન હો....બધું બરાબર, પણ તેથી શું? તેથી સારાં કામ કરવામાં મચી પડવાનું? ના ભાઈ, ના. ફાની જિંદગી છે તો જે સૅલ્ફી કાલે લેવાની હતી તે આજે ને અત્યારે કેમ નહીં? જે વાનગીની કે (ગુજરાતબહાર શરાબના જામની) તસવીર કાલે સોશિયલ મીડિયા પર મૂકવાની હતી તે આજે કેમ નહીં? ઘરમાં ને ઘરમાં બનીઠનીને ફરવાનું સિરિયલોવાળા બતાવતા હતા, ત્યારે લોકો નાકનું ટીચકું ચડાવતા હતા. હવે ખબર પડીને કે ઘરમાં પણ એક યા બીજી ચૅલેન્જના બહાને ફુલફટાક રહી શકાય? બલ્કે, એમ જ રહેવું જોઈએ? કોરોનાનો શો ભરોસો? 
  • કોરોના જેવી આફતની ગંભીરતામાં સડેડાટ વહી ન જવું. કોરોના તો આજ છે ને કાલે તેની રસી શોધાઈ જશે, પણ કોમવાદ કાયમ રહેવાનો છે ને એની રસી કોઈ શોધવાનું નથી. અરે, કોઈ શોધી કાઢે તો પણ કેટલા લોકો લે એ સવાલ. કોરોનાગ્રસ્તોનો જીવ બચાવવા આવતા મૅડિકલ સ્ટાફ પર હુમલા થાય, ત્યારે લોકોને નવાઈ લાગે છે. પ્રજાકીય માનસિકતા પિછાણતાં, ખરેખર તો લોકોને નવાઈ ન લાગવી જોઈએ. કોમવાદના વાઇરસથી ગ્રસ્ત લોકોની સારવાર માટે તેમને સૌહાર્દ-સહઅસ્તિત્વ-મધ્યમ માર્ગ જેવાં રસાયણોની રસી આપવા જઈએ, ત્યારે એ ગ્રસ્તો પણ શાબ્દિક રીતે સામા હુમલા કરવા નથી ધસતા? પોતાને વળગેલા વિવિધ વાઇરસની રસી લેવાને, તેને પોતાની અસ્મિતા સમજીને જડતાથી વળગી રહેનારાએ ઘણાએ દર્શાવી આપ્યું છે કે તે ફક્ત બૌદ્ધિક વાઇરસ નહીં, વાસ્તવિક વાઇરસના મામલે પણ આવી રીતે વર્તી શકે છે. 
  • મહેનત કોઈ કરે ને જશ કોઈ લઈ જાય, એવું સામાન્ય સંજોગોની માફક કોરોનાકાળમાં પણ બને છે. પહેલાં આ સમીકરણ ફક્ત વિજ્ઞાન અને (દરેક ધર્મના) ભગવાન માટે લાગુ પડતું હતું. હવે તેમાં નેતાઓ ઉમેરાયા છે. સેંકડોની પેઇડ-અનપેઇડ લોકોની ભક્તિના ભાજન એવા નેતાઓ કોઈનાં કફનમાંથી પણ પોતાનાં નામ લખેલા સૂટ સિવડાવી શકે એમ છે. રાહત સામગ્રીનાં પૅકેટ પર રાજનેતાઓ કે રાજકીય પક્ષોનાં ચિહ્નોની તસવીરો તેનો પુરાવો નથી? કોરોના જેવી અણજોયેલી આપત્તિ અને તેમાં વહીવટી અરાજકતા છતાં, આપત્તિના સંજોગોમાં ફક્ત ઇષ્ટ દેવ તરફના નહીં, ઇષ્ટ નેતાઓ પ્રત્યેના ભક્તિભાવમાં પણ વધારો થાય છે, તે કોરોનાએ દર્શાવી આપ્યું છે. 
  • એક જમાનામાં ગરીબોની સંખ્યા ઘટાડવા માટે ગરીબી હટાવવાનો લાંબો રસ્તો લેવાની માથાકૂટ ચાલતી હતી. ધીમે ધીમે સરકારોને એ પ્રયાસો પાછળ રહેલી પોતાની મૂર્ખામી સમજાઈ. તેમને થયું કે લોકોને તો ચબરાકીયાં સૂત્રો, આક્રમક પ્રચાર, લાગણી સાથે ખેલથી બહેલાવી શકાય છે. આપણે મત લેવાથી વધારે એમનું કામ પણ શું છે? એટલા માટે કંઈ ગરીબી દૂર કરવાની મહેનત થોડી કરાય? ગરીબીરેખા ઊંચી હોય તે થોડી નીચી લાવી દેવાની. એટલે જે ગરીબો પહેલાં રેખાની નીચે હોય, એ બધા રેખાની ઉપર આવી જાય અને ગરીબી ચપટીમાં દૂર. આ બોધપાઠ સનાતન છે અને તે કોરોના જેવી વૈજ્ઞાનિક આફતમાં પણ પ્રયોજી શકાય છે, એ પણ જોવા મળ્યું. કોરોનાના કેસની સંખ્યા ભયજનક રેખાથી નીચે રાખવા માટે તેને અંકુશમાં લેવાના ધમપછાડા કરવાની જરૂર નથી. એ બધું વ્યક્તિગત ધોરણે કોઈ અફસર કરતા હોય તો ભલે, પણ તેની પર આધાર રાખીને બેસી રહેવાને બદલે, ટેસ્ટ જ ઓછા કરવાના. ટેસ્ટ ઓછા થશે એટલે દર્દીઓની સંખ્યા આપોઆપ માપમાં રહેશે અને થોડો સમય પસાર થઈ શકશે. દરમિયાન લોકોને મનોરંજન સાથે કંઈક કર્યાનો ઠાલો સંતોષ મળે એવું આગળનું પગલું વિચારી લેવાનું. એ માટે વહીવટી આવડતની જરૂર નથી, ઇવેન્ટ મૅનેજમૅન્ટની આવડત ચાલી જશે—અને એ પ્રતિભાની તો દેશના શાસનતંત્રમાં ક્યાં ખોટ છે? અમૃત ‘ઘાયલ’નો એ મતલબનો શેર કે પીતાં આવડે તો, હે મૂર્ખ મન મારા, એવી કઈ ચીજ છે, જે શરાબ નથી? એવી રીતે, લોકોને ભરમાવતાં આવડે તો એવી કઈ આફત છે, જે ઇવેન્ટ નથી?

Tuesday, May 05, 2020

આરોગ્યકર્મીઓને માન તો આપીએ, પણ એ અમારી આસપાસ ન હોવા જોઈએ

Pooja Marwaha / પૂજા મારવાહા

પ્રાણીચિકિત્સા (વેટરિનરી)માં માસ્ટર્સના અભ્યાસ માટે હું આસામ આવી, ત્યારે મને ખ્યાલ નહીં કે માનવજાત માટે સદીની સૌથી મોટી આફત ગણાવાયેલા કોવિડ-૧૯નો સામનો મારે ઘરેથી દૂર રહીને કરવાનો આવશે. છેલ્લા દોઢેક મહિનાથી હું દેશના એક ખૂણે ગૌહત્તીમાં આવેલી મારી હૉસ્ટેલના રૂમમાં સહીસલામત બેઠી છું. સલામત જ વળી. કેમ કે, ઇશાન ભારતનાં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતમાંથી ચાર રાજ્યો કોવિડ-૧૯ મુક્ત છે—અને કેમ ન હોય? કાતિલ સચ્ચાઈ ધરાવતી એક ટિપ્પણી વાંચી હતીઃ ‘બાકીના દેશે તો ઇશાન ભારત સાથે પહેલેથી જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખ્યું?’ 

મારું ઘર ત્રણેક હજાર કિ.મી. દૂર મુંબઈમાં છે—વધારે ચોક્સાઈથી કહું તો દક્ષિણ મુંબઈમાં. હાલમાં હું દેશના સૌથી સલામત ખૂણે છું, જ્યારે મારો પરિવાર બરાબર ‘તોફાનના કેન્દ્રમાં’ છે. તેથી તેમના વિશે સતત ચિંતા રહે તે સ્વાભાવિક છે. ‘સોબો’ (સાઉથ બોમ્બે) તરીકે વિખ્યાત દક્ષિણ મુંબઈમાં ભદ્ર, વગદાર, ભણેલાગણેલા—ટૂંકમાં, સમાજના સૌથી ઉપલા વર્ગના કહેવાય એવા લોકો રહે છે. (ભણતરને સમજ કે નૈતિકતા સાથે સાંકળવાની ભૂલ આપણે હંમેશાં કરતાં હોઈએ છીએ.) એક ઉદાહરણ પરથી ખ્યાલ આવી જશેઃ અમારા બિલ્ડિંગથી ચાર-પાંચ બિલ્ડિંગ છોડીને મુકેશ અંબાણીનું ‘એન્ટિલા’ છે. 

તેના આધારે એવું માની લેવાનું મન થાય કે દક્ષિણ મુંબઈના લોકો વર્તમાન ખતરા સાથે અને તેનાથી થનારા નુકસાન સાથે પનારો પાડવા માટે એક કરતાં વધારે અર્થમાં સજ્જ હશે. સીધી વાત છેઃ સમાજ તરીકે આપણે સત્તા, સામાજિક મોભો અને સંપત્તિને બુદ્ધિ, સમાનુભૂતિ અને વ્યવહારુપણા સાથે સાંકળતાં હોઈએ છીએ. પણ ત્યાંનું વાસ્તવિક ચિત્ર કંઈક જુદું જ છે. અમારા બિલ્ડિંગની કો-ઑપરેટિવ સોસાઇટીમાં એક યુરોલૉજિસ્ટનું દવાખાનું છે. આરોગ્ય સેવાઓને ‘આવશ્યક’ જાહેર કરવામાં આવી છે એ ખરું, પણ આરોગ્ય એટલે કોનું આરોગ્ય, એની ચોખવટ કરવાની રહી ગઈ. એટલે આરોગ્યની ચિંતાઓ વચ્ચે સામસામી ટક્કર થાય છે. 

આવા સમયે ડૉક્ટરો સામાન્ય રીતે અનિવાર્ય હોય એવા દર્દીઓ સિવાય બીજા લોકોને તપાસતા નથી. તેમાં અપવાદ હશેઃ ઓળખીતાં કે ઓળખીતાંનાં ઓળખીતાં. છતાં, એક ડૉક્ટર દર્દીને તપાસે તેમાં શો વાંધો હોઈ શકે? પણ, લોકોની વાત થાય? 

એક દિવસ અમારી સોસાઇટીના ડૉક્ટરે દર્દીઓને જોવા માટે દવાખાનું ખોલ્યું. તેમની પાસે આવેલા દર્દીઓ કોવિડ-૧૯ના ન હતા. છતાં અમારા બિલ્ડિંગમાં રહેતા કેટલાકને લાગ્યું કે આવું કેવી રીતે ચાલે? ડૉક્ટરે તેમની પરવાનગી લેવી જોઈએ. કેટલાકે તો બિલ્ડિંગના ચોકીદારને બોલાવીને દર્દીઓને રોકવાનું સૂચવ્યું. વાત તો પોતાની સંકુચિતતાને સાવચેતીનું મહોરું પહેરાવીને રજૂ કરવાની હતી. થોડું બૂમરાણ મચ્યું, ચર્ચા ને વાદવિવાદ થયાં. છેવટે મૅનેજિંગ કમિટીએ કાનૂની મુદ્દો આગળ કરીને વિવાદનો વીંટો વાળવો પડ્યો.
ઘરે વાત થઈ ત્યારે મને આ કિસ્સો જાણવા મળ્યો. પણ એ જાણ્યા પછી મારી પિન ત્યાં અટકી ગઈ છે. જેમ સમય વીતે, તેમ મને એ વધુ ને વધુ વિચિત્ર લાગતું જાય છે. આ લોકો એટલું કેમ નહીં સમજતાં હોય કે તબિયતના પ્રશ્નો પેદા થવાના જ છે, મહામારી હોય કે ન હોય. રોગો કંઈ પિત્ઝા પરના ટૉપિંગ જેવા નથી કે આપણે તેની પસંદગી કરી શકીએ. કોરોનાની સમાંતરે બીજા રોગો અને તેની સાથે સંકળાયેલું જીવન-મૃત્યુનું ચક્કર પણ ચાલુ જ રહેવાનું છે. શું આ બધું એ લોકોને તે પોતે કે તેમનાં કોઈ સ્વજન આ સ્થિતિમાં મૂકાય ત્યારે જ સમજાશે? હું તો એટલું જ ઇચ્છું કે એવું થાય ત્યારે પણ એ લોકો સાથે કોઈ એવો વ્યવહાર ન કરે, જેવો તેમણે બીજા દર્દીઓ સાથે કર્યો હતો.

અને એ પણ કહી દઉં કે ડૉક્ટર દર્દીઓને તપાસે તેનો વિરોધ કરનારામાંથી ઘણા લોકો એવા હતા, જે વડાપ્રધાનની અપીલ પ્રમાણે ડૉક્ટરોને બિરદાવવા તાળીઓ-થાળીઓ વગાડવામાં જોડાયા હતા.પોતીકી સુખસુવિધાને ઘસરકો સરખો પડવા દીધા વિના તમે કહો તેવું માન આપીએ. શરત એટલી કે આરોગ્યનું કામ કરનારા બીજે ક્યાંક, કમ સે કમ અમારી નજરથી દૂર હોવા જોઈએ. 

મને આઘાત એ વાતનો લાગે છે કે આવી ચિંતા કરનારા લોકો કોણ છે? આ રહી તેમની બીજી કેટલીક ચિંતાઓઃ કામવાળાં ક્યારે પાછાં આવશે ને ક્યાં સુધી આપણે (આપણા જ) ઘરનું કામ ઢસડવું પડશે? આજકાલ નેટફ્લિક્સ પર સડસડાટ જોઈ પાડવા જેવી કઈ સિરીઝ છે? જિમ ક્યારથી શરૂ થશે? શરાબની દુકાનો ફરી ક્યારથી ખુલશે?... અને આ લોકો પોતાના બિલ્ડિંગમાં એક ડૉક્ટર અનિવાર્ય હોય એવા કોવિડ-૧૯ સિવાયના દર્દીઓને તપાસે, તેનો પણ વિરોધ કરે છે. આ વિચારે મને ત્રાસ પડે છે ને રોષ ચઢે છે. સાથોસાથ, ઊંડે ઊંડે એવી આશા પણ જાગે છે કે આ લોકોમાં ક્યારેક, નજીકના ભવિષ્યમાં, સમાનુભૂતિ જેવી કોઈ લાગણી જાગે. દયા, ઉદારતા કે આર્થિક સહાય નહીં, સમાનુભૂતિ. 

આવું કંઈ થાય ત્યારે મને હંમેશાં લાગે છે કે આપણે ‘અભણ’ શબ્દને ફક્ત અક્ષરજ્ઞાનના અભાવ સાથે જ સાંકળવો જોઈએ અને તેને વ્યાપક નકારાત્મક અર્થમાં વાપરવાનું બંધ કરી દેવું જોઈએ અને તેનાથી વ્યક્તિનું માપ કાઢવાનું પણ છોડી દેવું જોઈએ. કહેવાતા ભણેલા લોકોની આવી માનસિકતા સૂચવે છે કે તેમણે જ હજુ કેટલું બધું શીખવાનું બાકી છે. 

છેલ્લી વાતઃ મહામારીના સમયમાં ‘ફિઝિકલ ડિસ્ટન્સિંગ’ શબ્દ કેટલો યોગ્ય છે ને ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ અનેક રીતે કેટલો અનર્થકારી છે, તે પણ સમજાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ—સામાજિક રીતે અંતર—રાખવાનું મન તો જરૂર થાય છે, પણ એ કોરોનાગ્રસ્તોથી નહીં, પેલા કહેવાતા ભણેલાઓની માનસિકતાથી. કેમ કે, કોરોના કરતાં આવી માનસિકતાનો વાઇરસ વધારે ખતરનાક છે. 

(સગપણમાં પિતરાઈ અને એકદમ નજીકનાં મિત્રો એવાં પૌલા અને કપિલ મારવાહાની દીકરી પૂજાના અંગ્રેજી  લેખનો અનુવાદ અને તે વધારે લખે તેવી આશા-અપેક્ષા)