Monday, July 30, 2018

સ્ટૅન્ડ અપ કૉમેડી : ગાળોથી આગળ...

સમાજમાં ઘણા પ્રવાહ કાયમી હોય છે ને કેટલાકનો જમાનો આવે છે.  જેમ છેલ્લાં થોડાં વર્ષથી મોબ લિન્ચિંગ (ટોળાં દ્વારા મોટે ભાગે બિનપાયેદાર ઉશ્કેરાટથી પ્રેરાઈને થતી હત્યા)નો જમાનો છે, શરમજનક ઘટનાક્રમોની ટીકા થાય ત્યારે 'આ તો ઠીક, પણ ફલાણું થયું ત્યારે તમે ક્યાં હતા?’ એવું પૂછીને શરમને ગૌરવમાં ફેરવવાનો જમાનો છે, સાચાં પાત્રોના મનગમતા પ્રસંગોની ફિલ્મ બનાવીને,  તેમાં 'ક્રીએટીવ લિબર્ટી'ના નામે સચ્ચાઈને તોડીમરોડીને ધંધો કરી લેવાનો જમાનો છે, જૂઠાણાં અને ધીક્કારની ગાડીઓ દ્વારા શરમ-સભ્યતા-નાગરિકતાને ગમે ત્યારે અડફેટે લઈ લેવાનો જમાનો છે... આ બધાની વચ્ચે મનોરંજનમાં સ્ટૅન્ડ અપ કૉમેડીનો પણ જમાનો છે.  નાના કાર્યક્રમોથી માંડીને નેટફ્લિક્સ-અૅમેઝોન પ્રાઇમ જેવી ઇન્ટરનેટ ચૅનલોમાં સ્ટૅન્ડ અપ કૉમેડીને આગવું સ્થાન મળી રહ્યું છે.

સ્ટૅન્ડ અપ કૉમેડીનું વર્તમાન સ્વરૂપ બીજી ઘણી સારી (અને ખરાબ) બાબતોની જેમ પરદેશથી આવેલું છે. પહેલાં એવી સમજ હતી કે સ્ટૅન્ડ અપ એટલે શ્રોતાઓ સમક્ષ (લાઇવ) રજૂ થતી કૉમેડી. પણ પહેલાં ટીવી અને પછી ઇન્ટરનેટના જમાનામાં એ વ્યાખ્યા વિસ્તરી છે.  ભારતમાં એ માધ્યમે સ્ટૅન્ડ અપ કૉમેડીને ભારે લોકપ્રિયતા અપાવી છે. અમેરિકા જેવા દેશોમાં સ્ટૅન્ડ અપ કૉમેડીની જૂની અને સ્થાપિત પરંપરા છે.  મર્યાદિત સંદર્ભમાં તેને સૌરાષ્ટ્રની ડાયરા પરંપરા સાથે સરખાવી શકાય. પરંતુ આ પ્રકારમાં વાર્તા નહીં, હાસ્ય કેન્દ્રમાં હોય છે અને તે નકરી મિમિક્રી (બીજાની નકલ)થી ન થવું જોઈએ. વાતમાં કંઈ માલ કે મુદ્દો હોવો જોઈએ. શાહબુદ્દીન રાઠોડના હાસ્યને એ પ્રકારમાં ગણી શકાય. છેલ્લા દાયકામાં હિંદીમાં 'લાફ્ટર ચૅલેન્જ'અને 'કૉમેડી સર્કસ' જેવા કાર્યક્રમોથી સ્ટૅન્ડ અપ કૉમેડી કરનારાનો રાફડો ફાટ્યો. એમ તો ૧૯૭૦-૮૦ના દાયકામાં કાકા-કાકી ને અમદાવાદીઓના જોક્સ કહેનારાને પણ આ ખાનામાં નાખી શકાય. સ્ટૅન્ડ અપ કૉમેડીનું ખાનું છે જ એટલું મોટું કે તેમાં એક વ્યક્તિ દ્વારા થતા (ટીવી શો સહિતના) કૉમેડીના મોટા ભાગના પ્રકારને નાખી શકાય.

વાત શાહબુદ્દીન રાઠોડની હોય કે પોતાના શો 'નૅનેટ’/Nanetteને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર હૅના ગૅડ્સબી/Hannah Gadsbyની કે પછી ટીવી શો 'લાસ્ટ વીક ટુનાઇટ'થી પ્રસિદ્ધ જૉન ઑલિવર/John Oliverની – મહિમા સ્ટૅન્ડ અપ કૉમેડીના પેટાપ્રકારનો નહીં, તેની સામગ્રીનો છે. બોલનારને અને સાંભળનારને બંનેને બુદ્ધિ વાપરવી પડે એવી રીતે હાસ્ય પેદા કરવાનું અને સફળ થવાનું પ્રમાણમાં અઘરું છે. એટલે (શાહબુદ્દીન રાઠોડ જેવા થોડા અપવાદોને બાદ કરતાં) મોટા ભાગના લોકો હસાવવાનો ટૂંકો રસ્તો લેતા હતાઃ ખરેખર તો એક જ અર્થ વ્યક્ત થતો હોય એવા દ્વિઅર્થી સંવાદ, પુરુષપ્રધાન માનસિકતાના ઉકરડામાંથી નીપજેલી મહિલાઓ વિશેની રમુજો, શારીરિક મર્યાદા ધરાવતા લોકોની ઠેકડી...

સ્ટૅન્ડ અપ કૉમેડીનો વર્તમાન દૌર એ બાબતમાં નવી આશા લઈને આવ્યો છે. તેની અત્યારની 'ફૅશન'માં સૌથી સારું પાસું છે મોકળાશ. જૂનવાણી-પુરુષપ્રધાન-કચરો ઠાલવનારા લોકોની સાથે સામાજિક અસમાનતાઓ, ભેદભાવો અને સ્ત્રીઓ સાથે રખાતા અનેક પ્રકારના વહેરાઆંતરાની વાતો હવે ખુલ્લા મંચ પર રમુજના માધ્યમથી બોલાતી ને સંભળાતી થઈ છે. સજાતીય સંબંધો અને વ્યક્તિની જાતિયતાના સ્ત્રી કે પુરૂષ સિવાયના અનેક પ્રકારભેદો વિશે સ્ટૅન્ડ અપ કૉમેડીના મંચ પરથી કહેવાય છે અને શ્રોતાઓ તે સાંભળે છે. બીજાને તે જેવા છે તેવા (જાડા-પાતળા-ઊંચા-નીચા-કાળા-ધોળા) સ્વીકારવાની વાતને કેન્દ્રસ્થાને રાખીને રમુજો કરવામાં આવે છે. સ્ત્રીઓના પિરીયડ્સ કે બીજા શારીરિક-માનસિક મુદ્દા પણ સ્ટૅન્ડ અપમાં સચોટ રીતે લોકો સમક્ષ આવતા રહ્યા છે.  આવી સામગ્રી સામે બેઠેલા શ્રોતાઓને હસાવવાની સાથે ચોંટિયો પણ ભરે છે.

ચોતરફ અર્થહીનતાની-અૅબ્સર્ડીટીની બોલબાલા હોય, નકરી હાસ્યાસ્પદ લાગે એવી વાતો મુખ્ય ધારામાં ગંભીર ચર્ચાનો વિષય બનતી હોય-- એ કરુણતાને તેના અસલી હાસ્યાસ્પદ સ્વરૂપે રજૂ કરવા માટે સ્ટૅન્ડ અપ કૉમેડી ભારેખમ નહીં એવું, ઉત્તમ માધ્યમ બની શકે છે.  તેનો પહેલો આશય બેશક મનોરંજનનો જ છે, પણ સ્ટૅન્ડ અપ કરનારા સજ્જ હોય તો તે મનોરંજનથી ઉપર ઉઠીને શ્રોતાઓને વિચારતા પણ કરી શકે છે. ખરું જોતાં, કેવળ હસાવવા ખાતર હસાવવાનું જ કામ કરવું હોય તો સ્ટૅન્ડ અપ કરવાની પણ શી જરૂર? કેળાની છાલ પરથી લપસતા લોકોનું જોણું એના માટે પૂરતું નથી?

ભલે મર્યાદિત પ્રમાણમાં અને મોટાં શહેરોમાં, પણ સ્ટૅન્ડ અપ કૉમેડીમાં મહિલાઓની સામેલગીરી આનંદ ઉપજાવે એવી છે. અમદાવાદમાં 'મહિલા મંચ'ના નેજા હેઠળ ચાલતા સ્ટૅન્ડ અપ કૉમેડીના કાર્યક્રમ ફક્ત હાસ્યમાં જ નહીં, વિવિધ સામાજિક મુદ્દાની ચર્ચામાં નવી જગ્યા ઉભી કરી શકે એવા આશાસ્પદ છે. સ્ટૅન્ડ અપ કૉમેડી કરનારા રાજકારણથી પણ અળગા રહેતા નથી. એ ઇલાકો તેમના માટે જોખમી હોય છે. ‘અચ્છે દિન, અચ્છે જોક્સ’ જેવું શીર્ષક વાંચીને જ યજમાન કાર્યક્રમ યોજવાની ના પાડી દે એવું બને છે. છતાં વખતોવખત 'હમારે જવાન સરહદ પર લડ રહે હૈં'જેવા રાજકીય જુમલા પર સ્ટૅન્ડ અપ કૉમેડિયનો ઠીક ઠીક પ્રમાણમાં ફટકાબાજી કરી લે છે.

અંગ્રેજીમાં સ્ટૅન્ડ અપ કૉમેડીનો શ્રોતાવર્ગ (અને ઇન્ટરનેટ પર દર્શકવર્ગ) મુખ્યત્વે યુવાન- શહેરી-મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગીય હોય છે.  તેમને ટૂંકા રસ્તે રીઝવવા માટે અને સ્ટૅન્ડ અપના પરદેશી કલાકારોના અનુકરણ તરીકે અંગ્રેજી સ્ટૅન્ડ અપમાં ગાળોનો મહિમા વધી પડ્યો છે. દાવો એવો કરાય છે કે 'આ યુવા વર્ગની બોલચાલની ભાષા છે', પણ ઘણી વાર ગાળોનો ઉપયોગ 'પંચ'ના વિકલ્પે અથવા શ્રોતાઓને અમસ્તી અમસ્તી મઝા પાડી દેવા માટે થતો હોય એવું લાગે છે. 'અંગ્રેજીમાં સ્ટૅન્ડ અપ કરવી હોય તો ગાળો બોલવી જ પડે'એવું ધોરણ જાણે કે ઊભું થઈ ગયું હોય. હિંદી કે બીજી ભારતીય ભાષાઓમાં તેનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ મર્યાદિત હોય છે.

સ્ટૅન્ડ અપ ભારત માટે મનોરંજનનો એવો પ્રકાર છે, જેમાં નવી સમાજરચનાનાં મૂલ્યોને હસતાંહસાવતાં વણી લેવાની મોકળાશ છે. એ તેની જવાબદારી ભલે નથી, પણ એ તક ઝડપીને તેનો કસ કાઢવામાાં આવે તો સ્ટૅન્ડ અપ કૉમેડી મિમિક્રી કે નકરી ટુચકાબાજીથી અલગ અને ઊંચું સ્થાન મેળવશે.

Friday, July 27, 2018

૧૫૦૦મી પોસ્ટ : મારા 'ગુરુ'ઓ

બ્લૉગની ૧૫૦૦મી પોસ્ટ નિમિત્તે કંઈક ખાસ લખવું એવું વિચારતો હતો. એમાં ગુરુપૂર્ણિમા આવી. મારે ને ગુરુપૂર્ણિમાને કંઈ લેવાદેવા નહીં. એ દિવસે ફોનથી, મૅસેજથી કે રૂબરૂ પાયલાગણ કરવું પડે એવા એકેય ગુરુ નથી. એવું વિચાર્યું એટલે એ પણ થયું જે છે તે ગુરુઓ કેવા મજબૂત છે કે તે આવી કશી અપેક્ષા રાખતા નથી.. છતાં તેમના પ્રેમમાં અને મારા તેમના વિશેના ભાવમાં કશો ફરક પડતો નથી.

જેમણે મને જિંદગીમાં બહુમૂલ્ય કહેવાય એવી કોઈ પણ પ્રકારની સમજ આપી હોય, તેમને હું મનથી ગુરુ માનું છું. બોલચાલમાં ક્યારેક તેમને ગુરુ કહું, તેમનો ઉલ્લેખ ગુરુ તરીકે કરું. છતાં 'ગુરુ વાક્યમ્ પ્રમાણમ્' જેવી જડતા તેમાં નથી હોતી. શરણાગતિ કે શરણશીલતાનો ભાવ તો લેશમાત્ર નહીં. અને તેની ગુરુઓને ખબર હોય છે. (એટલે તો મથાળે ગુરુ શબ્દ અવતરણ ચિહ્નોની વચ્ચે મૂક્યો છે.) છતાં તે મને નભાવી લે છે. એ તેમનો પ્રેમ છે. તેમની પાસેથી સમજ ઉપરાંત આવો પ્રેમ મેળવીને મને સાર્થકતાની અનુભૂતિ થાય છે. એકબીજાની વિચારસ્વતંત્રતા જાળવવી એ ગુરુઓ સાથેના સંબંધોની એક મુખ્ય ખાસિયત રહી છે. તેનો બધો જશ ગુરુઓને છે. કારણ કે તેમના વિચાર તો તેમના રહેવાના જ છે. શિષ્યે જ પોતાના વિચાર બદલવાના હોય છે. પણ મારા ગુરુઓએ મને કદી એ રસ્તે ધકેલ્યો નથી કે નથી કદી અંગુઠો માગ્યો.

અગાઉ ઘણાં સંપાદનોમાં લખેલા અંગત લેખોમાં લખી ચૂક્યો છું તેમ, મારો સૌથી પહેલો ગુરુ એટલે છ વર્ષ મોટો ભાઈ બીરેન કોઠારી.  સાહિત્ય-હાસ્યવૃત્તિ-સંગીત-કળા-વ્યવહાર-વિચારની મારી જે કંઈ સમજ છે, તેના પાયામાં બીરેન છે. અમે બંને જુદી પ્રકૃતિના છીએ, પણ અમારા જેટલું એક ભાગ્યે જ કોઈ હશે. હવે તો અમારાં સંતાનો મોટાં થઈ ગયાં, છતાં અમારી વચ્ચેના એકત્વનો તાર એટલો જ રણઝણતો છે, જેટલો મારી સ્મૃતિના આરંભકાળે હતો. વર્ષોના તફાવત અને સંબંધોને ક્ષીણ પાડતા- તારને ઘસી નાખતા- તોડી નાખતા સાંસારિક પરિબળોને અમે ઘોળીને પી ગયા છીએ.  અમારા વ્યવસાય એક થઈ જ શક્યા હોત. આર્થિક ફરજ ન હોત અને યોગ્ય માહિતી હોત તો બીરેન પહેલેથી જ પત્રકારત્વમાં-લેખનમાં આવ્યો હોત.  અને પત્રકારત્વમાં આવતાં પહેલાં મેં ગુજરાત રિફાઇનરીમાં અૅપ્રેન્ટિસશીપ કરી ત્યારે એવું જ લાગતું હતું કે બંને 'પેટ્રોકૅમિકલ બ્રધર્સ' વડોદરામાં સૅટ થશે. એ આઇપીસીએલમાં ને હું રીફાઇનરીમાં. સારા નસીબે રીફાઇનરી અને હું એકબીજાથી બચી ગયાં. અને બીરેનની અંદરનું સત્ત્વ એટલું સબળ હતું કે આઇપીસીએલની આરામદાયક (એ સમયે મોભાદાર ગણાતી) નોકરી પણ તેને કાટ ન લગાડી શકી. થોડો સંઘર્ષ વેઠીને સાદગીથી લગ્ન કરવા જેવું પગલું હોય કે રૂપિયા પાછળ નહીં દોડવાનું-જીવનનો આનંદ માણવાનું 'દર્શન’, અમારી વૈચારિક એકરૂપતામાં ગઠ્ઠા બાઝ્યા નથી. તેની તરલતા અકબંધ અને જીવંત છે.
Biren Kothari/ બીરેન કોઠારી
રજનીકુમાર પંડ્યા : હમણાં જ તેમના વિશેની એક જૂની બ્લૉગપોસ્ટ શૅર કરી હતી. (રસ ધરાવતા મિત્રો માટે લિન્ક ) કિશોર વયે વાચક તરીકે તેમના પરિચયમાં આવ્યા પછી લગભગ અઢી દાયકાના સંબંધમાં જીવનના કેટકેટલા રંગ અને સત્યો તેમના થકી જાણવા મળ્યાં છે. તેમના જેટલું ચઢાવઉતારસભર, નાટ્યાત્મક જીવન બહુ ઓછાનું હશે. માણસના મનના પ્રવાહોનો પરિચય અને એક માણસ કેટલો સારો હોઈ શકે તેના અનેક પ્રત્યક્ષ દાખલા તેમની સાથેના વ્યવહારમાં જોયા છે. પત્રકારત્વમાં આવતાં પહેલાં, તેણે લીધેલા કેટલાય લોકોના ઇન્ટરવ્યુની કેસેટનું ટ્રાન્સ્ક્રીપ્શન મેં કર્યું. (પછી બીરેને પણ કર્યું). પત્રકારત્વ અને ઇન્ટરવ્યુની કળાની એ મજબૂત તાલીમ હતી. (ત્યારે જોકે લેખનમાં કારકિર્દી બનાવવાનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો). લેખન, અભિવ્યક્તિ, શબ્દોની ચોક્સાઈ...આવી કેટકેટલી બાબતો વિશે ચા પીતાં પીતાં રજનીભાઈ પાસેથી જે શીખવા મળ્યું એ તો ઉત્તમ છે. પણ જિંદગીના રંગ અને માણસનાં મન વિશે તેમની આંગળી પકડીને વિહરવાથી જે સમજ મળી છે, તે બીજી કોઈ રીતે શક્ય ન હતી.  પોતાનું ગુરુપણું કદી અમારી પર નહીં લાદીને કે અમને તેમના ઉપગ્રહ નહીં બનાવી દઈને તેમણે  ગુરુપદને ઉજાળ્યું છે. (આ વાત બાકી બધા ગુરુઓ માટે પણ એટલી જ સાચી છે. )
Nalin Shah - Rajnikumar Pandya / નલિન શાહ- રજનીકુમાર પંડ્યા (મહેમદાવાદ)
નલિન શાહ : લેખનથી પણ પહેલાંનો અને એનાથી પણ વધારે ઊંડો પ્રેમ જૂનાં ગીતો માટેનો અને તેમાં અમને નલિન શાહ ગુરુ તરીકે મળ્યા. ૧૯૩૦-૪૦-૫૦ના દાયકાના ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ, મરમી, કંઈક મહાન કલાકારો સાથે સીધો સંપર્ક ધરાવતા. અણીયાળા સ્વભાવના ને આકરા. છતાં અમારા પર રીઝી ગયા. તેમનાં લખાણથી તેમનો પરિચય થયો હતો. રિફાઇનરીની અૅપ્રેન્ટીસશીપ વખતે છ મહિના મુંબઈ રહેવાનું થયું ત્યારે અંગત નાતો થયો. તે અઢી-પોણા ત્રણ દાયકે પણ એવો જ મજબૂત છે. તેમણે ફિલ્મસંગીતની ચીલાચાલુ કરતાં જુદી દુનિયા દેખાડી, વિશ્લેષણાત્મક અભિગમ કેવી રીતે કામે લગાડાય એ તેમનામાંથી જોયું. નૌશાદ, પ્રદીપજી, રામ કદમ, જ્યોત્સના ભોળે જેવાને ત્યાં તેમની આંગળી પકડીને જવાનો લહાવો મળ્યો. અમારી પાસેથી નલિનભાઈને કશું મળવાનું ન હતું. છતાં કશી અપેક્ષા વિના, કેવળ સાચો રસ ને નિષ્ઠા જોઈને તેમણે અમને અઢળક પ્રેમ આપ્યો અને ફિલ્મસંગીતના અમારા રસને સાર્થક દિશા આપી. (તેની શરૂઆત રજનીભાઈએ કરી હતી, નલિનભાઈ તેને સડસડાટ ઉપર લઈ ગયા.) હું લેખનક્ષેત્રમાં આવ્યો તેનાથી મારા કરતાં પણ વધારે રાજી થયેલા સ્નેહીઓમાં નલિનભાઈ આવે. (તેમના વિશેના બીરેનના લેખની લિન્ક

અશ્વિની ભટ્ટ પત્રકારત્વની કારકિર્દી માટે 'અભિયાન'ની મુંબઈ ઑફિસે જોડાયા પછી નવેક મહિનામાં અમદાવાદ આવવાનું થયું. અમદાવાદમાં 'અભિયાન'ની ઑફિસ અશ્વિનીભાઈના બંગલામાં ઉપરના માળે હતી. સ્કૂલમાં પહેલી વાર તેમની નવલકથા ('ફાંસલો’) વાંચેલી ત્યારે તેનાં પાત્રો મનમાં છવાઈ ગયાં હતાં. સરજુ દીવાન ને જીગર પરોત તો ઠીક, મોરારકા પણ દેખાતા અને હાથી પર બેઠેલો ટુરિસ્ટ પણ. હવે તેમના જ ઘરમાં, તેમની સાથે રહેવાનું મળ્યું. અશ્વિનીભાઈ જેટલા મોટા અને લોકપ્રિય લેખક હતા, તેનાથી પણ ઊંચા ને ઉમદા માણસ નીકળ્યા. રજનીકુમાર કે નલિન શાહ કરતાં જુદા પ્રકારે તે ગુરુ બની રહ્યા. વાતરસિચા, મહેફિલના માણસ, લોકપ્રિયતાના હળાહળને ગળામાં રાખવાની પણ જરૂર નહીં, એ તો સદંતર પચાવી ગયેલા. પ્રચંડ લોકપ્રિયતા કેવી રીતે પચાવાય, કેટલા સહજ અને નિર્ભ્રાંત રહી શકાય એવા પાઠ તેમણે બેસાડીને તો કદી આપ્યા નથી, પણ તેમની સાથે રહેવાથી મળ્યા છે.  અમારો સંપર્ક થયો ત્યારેનું નીતિભાભી સાથેનું તેમનું મીઠું દાંપત્યજીવન,  તેમની સામાજિક નિસબત, લાગણી, છાપાંના માલિકો સાથે કામ પાડવાની તેમની રીત... આ બધું બહુ અડ્યું. તેમનાં તોફાનોની વાત કરે ત્યારે નીતિભાભી તેમને મીઠો ઠપકો આપતાં કહે, 'તમે આ છોકરાઓને બગાડો નહીં.’   ('છોકરાઓ'માં પ્રશાંત દયાળ અને અનિલ દેવપુરકર પણ હોય). અભિયાન અમારા સંપર્કનું આરંભબિંદુ હતું. અંતિમ બિંદુ તો તેમનું અવસાન જ બન્યું.
Neeti Bhatt- Ashwinee Bhatt/ નીતિ ભટ્ટ- અશ્વિની ભટ્ટ (૨૦૦૯)
નગેન્દ્ર વિજય 'અભિયાન'માં હોવાને કારણે મળેલા બીજા ગુરુ એટલે નગેન્દ્ર વિજય. તેમનું 'સ્કોપ'  કિશોરાવસ્થામાં આરાધ્ય હતું. 'અભિયાન'માં તે શતરંજ નામે રાજકીય કોલમ લખતા અને ૧૯૯૫માં ઇ-મેઇલથી, ત્યાંના જ ફૉન્ટમાં તેમનું મૅટર મોકલતા. મુંબઈથી અમદાવાદ આવ્યા પછી નગેન્દ્રભાઈને મળવાનું થયું ત્યારનો રોમાંચ હજી યાદ છે. પછી પ્રશાંત અને હું ઘણી વાર તેમની વિકાસગૃહવાળી ઑફિસે જતા. ધીમે ધીમે પરિચય વધ્યો. ૧૯૯૮માં તેમણે અમદાવાદનું સીટી મૅગેઝીન શરૂ કરવાનું વિચાર્યું, ત્યારે હું 'સંદેશ' છોડીને તેમની સાથે જોડાયો. હર્ષલ તો હોય જ.  'સીટીલાઇફ’ પખવાડિકના અગિયાર અંકોએ મારા મનમાં અનેક વિષયોના દરવાજા ખોલી નાખ્યા. પહેલાં મને ફક્ત પ્રોફાઇલ અને જૂના ગીતસંગીતમાં જ રસ પડતો. 'સીટીલાઇફ' પછી અનેક વિષય પર લખવાનું સૂઝવા લાગ્યું. બીજા ગુરુઓની જેમ નગેન્દ્રભાઈએ કદી જોડે બેસાડીને શીખવ્યું નહીં, પણ તેમને કામ કરતા જોઈને ઘણું શીખવા મળ્યું. પત્રકારત્વમાં ત્યાર પછી જે કંઈ કરી શક્યો, તેમાં સીટીલાઇફમાં મળેલા અનુભવનો ફાળો બહુ મોટો છે.
 Nagendra Vijay- Vinod Bhatt નગેન્દ્ર વિજય- વિનોદ ભટ્ટ (૨૦૧૫)
વિનોદ ભટ્ટ : તેમની સાથેનો પરિચય પત્રકાર બનતાં પહેલાં વાચક તરીકેનો. પછી વડીલ મિત્ર સલિલ દલાલને કારણે તેમના ઘરે અવરજવરનો સિલસિલો શરૂ થયો, જે તેમની વિદાય સુધી જારી રહ્યો. (તેમના વિશે નવનીત સમર્પણમાં લખેલો અંજલિલેખ થોડા વખતમાં મુકીશ). તેમની સાથેની મોટા ભાગની વાતો નવા પ્રવાહો ઉપરાંત જૂના સાહિત્યકારો વિશેની થતી. જ્યોતીન્દ્ર દવેથી માંડીને બીજા અનેક પ્રિય લેખકોને વાતદેહે મેળવી આપવાનું કામ વિનોદભાઈએ કર્યું. તેમનું 'વિનોદની નજરે' મારાં અતિપ્રિય પુસ્તકોમાંનું એક. એ પુસ્તકના લેખકની રૂએ વિનોદભાઈ મળતાં પહેલાં જ ગુરુ બની ચૂક્યા હતા. રૂબરૂ સંપર્કથી એ નાતો દૃઢ બન્યો અને તેમાં બીજાં અનેક સ્તર ઉમેરાયાં. (બ્લોગ પર આપેલી સચિત્ર અંજલિની લિન્ક)

***
આ ઉપરાંત કૌટુુંબિક વડીલ કનુકાકા (કનુભાઈ પંડ્યા) તો જુદા જ સ્તરના ગુરુ હતા. એક સાથે તેમણે ગુરુ, દાદા, આકરા છતાં લાગણીસભર વડીલ જેવી અનેક ભૂમિકાઓ અદા કરી. તે ધર્મે શિક્ષક હતા. તેમના અનેક વિદ્યાર્થીઓનો તેમના પ્રત્યેનો ભાવ જોઈને ગુરુનું મહત્ત્વ પહેલી વાર સમજાયું હતું. (તેમના વિશે બીરેનના લેખની લિન્ક) કનુકાકાના શિષ્યવત્ પણ અમારા સ્નેહીવડીલ અને સ્કૂલના શિક્ષક (દિવંગત) પાઉલભાઈ સાહેબે સાવ શરૂઆતનાં વર્ષોમાં ભાષા માટેનો પ્રેમ સંકોર્યો. પોતાના વિદ્યાર્થીઓને એ 'તમે' કહીને બોલાવતા. (તેમના વિશેના લેખની લિન્ક ) પ્રકાશભાઈ (પ્રકાશ ન. શાહ), તારક મહેતા, રતિલાલ બોરીસાગર જેવા વડીલો પાસેથી અનૌપચારિક રીતે ઘણું શીખ્યો છું. વિપરીત પરિસ્થિતિમાં હસતા મોઢે લડતા રહેવાનું પ્રકાશભાઈ માટે સહજ છે. તેનો ચેપ પ્રસરે એવી ઇચ્છા હંમેશાં રહે છે.

મારાથી એક-દોઢ દાયકો મોટા સલિલ દલાલ, ચંદુ મહેરિયા, રમેશ ઓઝા જેવા વડીલમિત્રો પાસેથી જુદા જુદા તબક્કે ઘણું જોવાશીખવાનું મળ્યું છે- મળે છે.  ઉંમરમાં મારી આસપાસના દીપક સોલિયા, પ્રશાંત દયાળ જેવા મિત્રો સાથે બે દાયકાથી પણ વધુની દોસ્તીમાં ઘણી વૈચારિક સ્પષ્ટતાઓ થઈ છે. આરતી (નાયર) કે નિશા (પરીખ) જેવાં મારાથી એક પેઢી નાનાં મિત્રો પાસેથી ઘણું જાણવાસમજવાનું હોય છે.
આ યાદી સંપૂર્ણ નથી. આવાં થોડાં નામ હજુ રહેતાં હશે અને નામો ઉમેરાતાં રહે છે તેનો વિશેષ આનંદ છે. સારા માણસો આટલી મોટી સંખ્યામાં છે અને એ મને સતત મળતાં રહે છે, તેનાથી જીવનના આનંદનો મારો કાંટો કદી નીચે ઉતરતો નથી અને વિદ્યાર્થી અવસ્થા કદી પૂરી થતી નથી.

ટીચરોને સારું લગાડવા માટે તેમને પગે લાગતાં 'સ્માર્ટ' વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને પોતાની છાવણી અને વાડામાં પૂરી રાખતા ગુરુઓ...આ બંને પ્રજાતિથી તમે બચેલા રહો અને એક દિવસની ગુરુપૂર્ણિમાને બદલે બધા દિવસ વિદ્યાર્થીપૂર્ણિમા ઉજવતા રહો એવી શુભેચ્છા. 

Wednesday, July 18, 2018

ક્રિકેટનું સટ્ટાબજાર સત્તાવાર બનશે તો...

જુગાર માટેના અંગ્રેજી શબ્દ 'ગૅમ્બલ'/gambleનું મૂળ જૂના અંગ્રેજી શબ્દો gamen કે gamelમાં હોવાનું મનાય છે. આ બંને શબ્દોનો અર્થ છેઃ રમવું. આમ, રમતગમત અને જુગાર વચ્ચે નાળસંબંધ છે એવું કહી શકાય. અને એ ફક્ત શબ્દકોશ પૂરતો સીમીત ન રહેતાં મેદાન સુધી લંબાતો રહ્યો છે. રમત હોય એટલે અનિશ્ચિતતા હોય ને અનિશ્ચિતતા હોય એટલે દાવ લગાડવાની શક્યતાઓ ઊભી થાય. જેમ રમતની લોકપ્રિયતા વધારે, તેમ તેની પર રમાતા જુગારનો ધંધો ફુલેફાલે. છેલ્લા દોઢ-બે દાયકામાં ભારત ક્રિકેટજગતની ટંકશાળ બન્યું. એટલે ક્રિકેટ પર ગેરકાયદે રમાતા જુગારનો ધંધો અકલ્પનીય હદે વધ્યો. તેમાં ખેલાડીઓની સંડોવણીના આરોપ થયા. ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં એ ગોરખધંધા વકર્યા અને ક્રિકેટજગતની કોઠીમાં રહેલો કાદવ જાહેરમાં આવી ગયો.

સર્વોચ્ચ અદાલતે તેની સફાઈ માટે પ્રયાસ કર્યા, પણ ક્રિકેટ બૉર્ડના વહીવટમાં થોડીઘણી પારદર્શકતા લાવવાથી વધારે કશું થઈ શકે, એવું અત્યારે જણાતું નથી. કારણ કે ક્રિકેટમાં ખેલાતા સટ્ટાનો આંકડો હજારો કરોડમાં પહોંચ્યો છે. તો આ બદીને નાથવી શી રીતે?

લૉ કમિશન ઑફ ઇન્ડિયાએ આ મહિનાના આરંભે સૂચવેલો જવાબ છેઃ ગેરકાયદે સટ્ટાખોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે, સરકારે તેને કાયદેસર બનાવવી, જેથી તેની પર દેખરેખ-નિયંત્રણ રાખી શકાય. (અમુક રાજ્યોમાં લૉટરીના અપવાદને બાદ કરતાં) અત્યારે કોઈ પણ પ્રકારની સટ્ટાખોરી કે જુગાર ગેરકાયદે ગણાય છે.  એ ગુના સાથે પનારો પાડવા માટે અંગ્રેજોના જમાનાનો કાયદો છે જ. પરંતુ સટ્ટાખોરીનો વ્યાપ અટકવાને બદલે વધતો રહ્યો છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જેમ દારૂનો ધંધો ધમધોકાર ચાલતો હોય ને તેમાં ગુંડાઓથી માંડીને સામાન્ય ગરીબો સુધીનાં અનેક સ્તર હોય, એવું જ જુગારમાં -- ક્રિકેટ પર રમાતા જુગારમાં થયું છે. (દેશમાં ગેરકાયદે રમાતા સટ્ટાના જુગારમાં ક્રિકેટ પર રમાતા જુગારનો હિસ્સો અડધોઅડધ હોવાનો જાડો અંદાજ છે.)

જેમ દારૂબંધી, તેમ જુગારબંધી. બંને પર પ્રતિબંધ, છતાં બંને ધમધમે છે અને સંપૂર્ણપણે અનિયંત્રિત તથા ઘણે ભાગે અનિષ્ટ તત્ત્વોના હાથમાં છે. સરકારી તંત્રમાં રહેલા લોકોમાંથી કેટલાક પણ તેમાંથી અઢળક કમાણી કરતા હશે. (પ્રતિબંધિત પ્રવૃત્તિ ચાલવા દેવાનો ભાવ વધારે હોય.) પરંતુ સરકારી તિજોરીમાં તેમાંથી એક ફદીયું પણ આવતું નથી. આ સંજોગોમાં વ્યવહારડાહ્યો વિકલ્પ તો એ જ લાગે કે ક્રિકેટના સટ્ટા પરનો પ્રતિબંધ હટાવીને, તેને કાયદેસરનું સ્વરૂપ આપી દેવું જોઈએ. એમ કરવાથી સરકારને કરવેરાની અઢળક કમાણી થશે. ઉપરાંત, સટ્ટાના ધંધામાં ચાલતી ગોટાળાબાજી કે ખેલાડીઓ દ્વારા થતાં સ્પૉટફિક્સિંગ-મૅચ ફિક્સિંગનાં કૌભાંડો પર કડક નજર રાખી શકાશે.

આ દલીલમાં રહેલા ઉત્સાહનું એક મોટું કારણ સરકારને થનારી વધારાની આવક છે. આ રીતે આવનારી આવકને કેવા પવિત્ર હેતુઓ માટે વાપરી શકાય તેની યાદી પણ આશાવાદીઓ પાસે તૈયાર હોય છે. ભૂતકાળમાં આંધ્ર પ્રદેશમાં દારૂબંધી હટાવી લીધા પછી, દારૂના વેરામાંથી થતી આવક શિક્ષણના કામમાં વાપરવાના પ્રયોગ થયા હતા. ગળચટ્ટી લાગતી આ ધારણા કે આશાવાદમાં ત્રણેક બાબતો ખાસ વિચારવા જેવી છે.

૧) સરકારને મહત્ત્વનાં કામો કરવા માટે આવા રૂપિયાની જરૂર છે અને આવા રૂપિયા આવશે તો સરકાર તેમનો આડોઅવળો વહીવટ કરી નાખવાને બદલે, તેનો સાચી દિશામાં ઉપયોગ કરશે--આવું કયા આધારે માની લેવાય? આ બાબતમાં અત્યાર સુધીની સરકારોનો એકંદર રૅકોર્ડ સારો નથી. સરકારોનો સવાલ નાણાંની અછત કરતાં વધારે તેને વાપરવાની પ્રાથમિકતા અને અસરકારકતાનો હોય છે.

૨) સટ્ટાબાજી કાયદેસર થઈ ગયા પછી એ ધંધામાં અનિષ્ટ તત્ત્વોને બદલે ધંધાદારી-વેપારીઓ આવી જશે, એવો આશાવાદ છે. સાથોસાથ એ શક્યતા પણ વિચારવી પડે કે અત્યાર લગી સટ્ટાબાજીના ધંધામાં રહેલાં અનિષ્ટ તત્ત્વોને હવે એ ધંધો કાયદેસર કરવાનો પરવાનો મળી જાય, તો પોતાના બીજા આડા ધંધાને આ કાયદેસરના ધંધા તળે ચલાવી શકે. આવું ન થાય તે જોવાનું કામ એ જ લોકોનું છે, જેમનું કામ અત્યારે સટ્ટાબાજી ન થાય એ જોવાનું છે. કાયદાના અમલનું એ કામ અત્યારે જેવી (નબળી) રીતે થાય છે, એવું જ ઢીલું પછી પણ નહીં રહે, તેની કોઈ ખાતરી નથી.

૩) ક્રિકેટ નિમિત્તે ચાલતી સટ્ટાબાજી સત્તાવાર થઈ ગયા પછી ખેલાડીઓ બુકીઓ સાથે મળીને ફિક્સિંગ ન કરે, તેનું ધ્યાન રાખવું પડે. ધારો કે એ અસરકારક રીતે થાય તો પણ, ન્યાયતંત્રની ધીમી ગતિ અને ભીનું સંકેલવાની લાંબી પરંપરાને કારણે, વગદારો સામે કડક પગલાં લેવાય એવી આશા જાગતી નથી. છેલ્લે આઇપીએલના કૌભાંડમાં સંડોવાયેલા ને ઝડપાયેલા શ્રીનિવાસને જે રીતે યેનકેનપ્રકારેણ પોતાનો દબદબો ચાલુ રાખવાની કોશિશ કરી અને તેમાં રાજકારણી વર્ગ જે રીતે ચૂપ રહ્યો, તે જોતાં ભવિષ્યમાં આ વર્ગ પાસેથી કડકાની કેટલી અપેક્ષા રાખવી, એ સવાલ છે.

ભારતમાં ક્રિકેટના સટ્ટાને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે, તો તેનાથી દેશ રસાતાળ નથી જવાનો. કેમ કે, અત્યારે પણ અબજો રૂપિયાનો સટ્ટો દેશમાં ચાલે જ છે. બ્રિટન જેવા દેશોમાં ક્રિકેટનો સટ્ટો કાયદેસર છે. છેક ૧૯૭૦ના દાયકામાં ઇંગ્લેન્ડની જુદી જુદી કાઉન્ટીની ટીમોને ટકી રહેવાનાં ફાંફાં પડવા લાગ્યાં, ત્યારે વધારાની આવક ઊભી કરવા માટે સ્ટેડિયમમાં બુકીઓને ખાસ બેઠકો આપવાનું નક્કી થયું. તેમને ફાળવાયેલા અલાયદા તંબુઓમાં લોકો મૅચ જુએ,  ખાયપીએ અને સટ્ટો રમે એવી વ્યવસ્થા હતી. તંબુમાં મુકાયેલા ટીવીમાં ઘોડાની રેસનું પ્રસારણ ચાલતું હોય. એટલે સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા આવેલા જુગારપ્રેમીઓ રેસકોર્સ પર ગયા વિના, ક્રિકેટના સ્ટેડિયમમાંથી જ દાવ લગાડી શકે. અને ઘોડા પર દાવ લગાડી શકાય તો ક્રિકેટરો પર શા માટે નહીં?

આવી વ્યવસ્થા શરૂ થઈ ત્યારે થોડો ઉહાપોહ થયો હતો, પણ છેવટે મામલો આર્થિક સદ્ધરતાનો આવીને ઉભો એટલે રમતની પવિત્રતાથી માંડીને 'જૅન્ટલમૅન્સ ગેમ'ના ભ્રમ સુધીનું બધું બાજુ પર રહી ગયું. ભારતમાં ક્રિકેટનો સટ્ટો કાયદેસર થવાથી સરકારને અઢળક આવક થશે એ ખરું, પણ એ આવક દેશકલ્યાણનાં કાર્યોમાં વપરાશે અથવા ક્રિકેટમાં રહેલો સડો દૂર થઈ જશે, એવું લાગતું નથી.  બોલો, લાગી શરત? 

Wednesday, July 11, 2018

કાળાં નાણાં, ગુલાબી સપનાં

દેશની સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી, તેની અનેક કલ્પનાઓ હોય છે. કોઈને લાગે છે કે લોકો અમારા ગુરુનું શરણું સ્વીકારે તો બધી સમસ્યાઓ ઉકલી જાય. કોઈ માને છે કે દેશમાંથી એક યા બીજી કોમના લોકોને હાંકી કાઢવામાં આવે, તો બધું ઠીક થઈ જાય. વાત ફક્ત આર્થિક સમસ્યા પૂરતી મર્યાદિત રાખીએ તો, ઘણાને લાગે છે કે ધર્મસ્થાનોનાં નાણાં દેશની તિજોરીમાં આવે તો ઉદ્ધાર થઈ જાય. આ બધી રંગીતરંગી છતાં વારંવાર ઉછાળાતી કલ્પનાઓ હોય છે. તેમના જેવી જ છતાં તેમની સરખામણીમાં વધારે તાર્કિક રીતે, વધારે જોશભેર રજૂ કરાતી એક કલ્પના છેઃ પરદેશમાં ઠલવાયેલું કાળું નાણું દેશમાં પાછું આવી જાય તો કામ થઈ જાય.

'વિદેશમાં રહેલું કાળું નાણું' --આ શબ્દપ્રયોગ એટલો પ્રભાવક છે કે તે વાંચી-સાંભળીને લોકોના એક કાનમાં રોષની ને બીજા કાનમાં આશાની ઘંટડી વાગવા માંડે છે. ત્યાર પછી સ્વસ્થતા જાળવી રાખવી અઘરી હોય છે. કેમ કે, મન પર કાલ્પનિક રકમનું વજન સવાર થઈ જાય છે. સરેરાશ લોકો કરોડની કે બહુ તો અબજની વાત હોય ત્યાં સુધી સમજી શકે.  પરંતુ મામલો તેનાથી ઉપર જાય, એટલે બધું સરખું લાગવા માંડે છે.  દસ હજાર કરોડ ને એક લાખ કરોડ વચ્ચે આંકડાકીય તફાવત તો લખીને સમજાવી શકાય, પણ તેની માનસિક અસરમાં ઝાઝો તફાવત પડતો નથી. આ મનોવૈજ્ઞાનિક હકીકતનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવીને કાળાં નાણાંના સ્વાર્થી કે પરમાર્થી ઝુંબેશકારો મન ફાવે એવા આંકડા ઉછાળે છે.

વર્ષો લગી કાળાં નાણાં વિદેશમાં ખડકવાના મામલે સ્વિત્ઝર્લેન્ડનું નામ ચર્ચામાં રહ્યું. 'સ્વિસ બૅન્ક' એ શબ્દપ્રયોગનો એવો દબદબો રહ્યો કે એ જાણે સ્વિત્ઝર્લેન્ડના પાટનગરમાં આવેલી કોઈ ભવ્ય છતાં બે નંબરી બૅન્કની વાત ચાલતી હોય એવું લાગે. સ્વિસ બૅન્કમાં જમા થયેલાં નાણાંની વાત ભ્રષ્ટાચારવિરોધી લડાઈનો મુખ્ય આરોપ બની અને સ્વિસ બૅન્કમાંથી નાણાં પાછાં લાવવાનો વાયદો રસદાર લૉલિપૉપ. વિદેશમાં રહેલાં નાણાંનો મામલો કેટલો પેચીદો છે, તે સમજાવવાને બદલે, ઝડપથી છવાઈ જવા માટે આખા મુદ્દાનું અતિસરળીકરણ કરી નાખવામાં આવ્યું. લોકો સમક્ષ એવી છાપ ઊભી કરવામાં આવી કે સહેજ જોરથી હાકોટો પાડીશું એટલે સ્વિસ બૅન્ક દોડતી આવીને રૂપિયા પાછા આપી જશે. બસ, અમે આવીએ એટલી જ વાર છે.

વિદેશમાં રહેલાં કાળાં નાણાં પાછાં આણવાના નામે ચાલતી બાળવાર્તાઓમાં છેલ્લા થોડા વખતથી ફેરફાર કરવો પડે એમ છે.  ફક્ત વયથી જ નહીં, સમજથી પણ પુખ્ત બનવા ઇચ્છતા લોકો માટે ઘણી વાર સમાચાર આવે છે કે સવાલ કોઈ એક સ્વિસ બૅન્કનો ન હતો. સ્વિત્ઝર્લેન્ડની બૅન્કિંગ પ્રણાલિનો અને ખરું જોતાં તેના અર્થતંત્રનો નોંધપાત્ર હિસ્સો આવાં બેનંબરી-બેનામી નાણાં પર આધારિત હતો. તેમાં ખાનગી માહિતી જાહેર કરનાર બૅન્ક કર્મચારીને દંડ અને સજા ફટકારવાનો કાયદો હતો. હવે મુખ્યત્વે અમેરિકાના દબાણથી સ્વિત્ઝર્લેન્ડને કાયદામાં ફેરફાર કરવા પડ્યા અને તેની બૅન્કોમાં જમા થતાં નાણાંની વિગતો આપવાનું સ્વીકારવું પડ્યું.

પરંતું વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનું એક તાળું ખુલી રહે, ત્યાં લગી 'પનામા પેપર્સ' જેવા કેટલાક દસ્તાવેજો જાહેર થયા. ત્યારે સ્પષ્ટ થવું જોઈએ કે કાળાં નાણાંના નામે માત્ર સ્વિત્ઝર્લેન્ડને નિશાન બનાવવાનું કેટલું અપૂરતું છે અને તેની સાથે સંધિ થયા પછી સમસ્યા ઉકલી ગયાનો દાવો નકરું જૂઠાણું છે. સાદું કારણ એટલું જ કે ટૅક્સ હૅવન (haven/આશરો મેળવવાનું ઠેકાણું) તરીકે ઓળખાતા દુનિયાના દોઢ-બે ડઝન નાના દેશો (ઘણા ટાપુ દેશો) આ ધંધો કરે છે. તેમાં છાપે ચડેલા પનામા ઉપરાંત મોરેશિયસ, બહામા, બર્મુડા, મૉનેકો જેવા ઘણાનો સમાવેશ થાય છે. ત્યાં. કરવેરાનાં ધોરણ અત્યંત ઉદાર હોય છે. એટલે કંપનીઓ કે વ્યક્તિઓ આવા દેશોની બૅન્કમાં પોતાનાં ખાતાં રાખે છે. એ માટે ત્યાં કંપની ખોલવી પડે તો ખોલે છે અને એકાદ સ્થાનિક ડાયરેક્ટર નીમવો પડે તો નીમી કાઢે છે. એક જ વ્યક્તિ કાગળ પર અનેક કંપનીઓની ડાયરેક્ટર હોય એની આ દેશોમાં નવાઈ નથી. આ દેશો પર આંતરરાષ્ટ્રિય રાજકારણની ખટપટોથી એટલા દૂર અને ઘણી વાર એટલા અલિપ્ત હોય છે કે તેમની પર ધોંસ જમાવવાનું અને બૅન્કમાંથી માહિતી કઢાવવાનું અશક્યની હદે અઘરું બને છે.

આમ, સ્વિત્ઝર્લેન્ડે ભારત સહિતના દેશોને બૅન્કોમાં જમા થતાં નાણાં અંગે માહિતી આપવાનું શરૂ કર્યું તે આવકાર્ય છે. પણ તેનાથી એકદમ ઝિંદાબાદ-મુર્દાબાદની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. તેનાં બે કારણ છેઃ એક તો આગળ દર્શાવેલા 'ટૅક્સ હૅવન' દેશોની લાંબી યાદી અને બીજો, વધારે અગત્યનો મુદ્દોઃ સ્વિત્ઝર્લેન્ડ દ્વારા અપાતી માહિતી તેની બૅન્કોમાં જમા થતા વિદેશી નાણાંની હોય છે. એ નાણાં કાળાં જ છે એવું માની લેવાય નહીં. ધંધાર્થે પણ સ્વિત્ઝર્લેન્ડની બૅન્કમાં ખાતું હોઈ જ શકે. બીજો મહત્ત્વનો મુદ્દો છે : તેમાં ભારતની ધરતી પર સ્થપાયેલી ને નોંધાયેલી કંપનીઓ તથા વ્યક્તિઓને જ ભારતીયના ખાતે ગણાવવામાં આવે છે. સામાન્ય રીત એવી છે કે બે નંબરી નાણાંવાળા લોકો એકાદ ટૅક્સ હૅવનમાં કંપની ખોલાવીને તેના થકી જ બધો વ્યવહાર ચલાવતા હોય છે. એટલે સ્વિત્ઝર્લેન્ડે જાહેર કરેલાં નાણાંનો આંકડો કોઈ રીતે સંપૂર્ણ કહી શકાય એવો નથી.

ગયા અઠવાડિયે જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે, સ્વિસ બૅન્કોમાં જમા થયેલાં ભારતીયોનાં નાણાનું પ્રમાણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધ્યું છે. એ વધારો પચાસ ટકાથી પણ વધારે છે. તેના અનેક ખુલાસા આપી શકાય અને તેમાંથી ઘણા તાર્કિક પણ હોય. છતાં, વર્તમાન સત્તાધીશો વિપક્ષમાં હોત ને આ જાહેરાત થઈ હોત તો? એ વિચાર અવશ્ય આવે. આ સ્થિતિમાં નાગરિકોએ ગાંઠે બાંધવા જેવી વાત એક જ છેઃ વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં પાછાં લાવી આપવાના વાયદાથી ને હાકોટાથી ભરમાવું નહીં. તેનો આશય નાણાં પાછાં લાવવા કરતાં નાગરિકોની લાગણી બહેકાવીને, તેમાંથી રાજકીય વ્યાજ ખંખેરી લેવાનો વધારે હોય છે. આટલી સાદી સમજ કોઈની પાસે ગીરવે મૂકવા જેવી નથી. 

Tuesday, July 03, 2018

કાશ્મીર-કાશ્મીર રમવાની કેવી મઝા

'ગાંધીજી અંગ્રેજી રાજના ટેકેદાર હતા ને 'ગૉડ સેવ ધ ક્વિન'જેવાં વફાદારીનાં ગીત ગાતા હતા.’ –આવું કોઈ કહે તો? ટેકનિકલ રીતે વાત સાચી છે. કારણ કે લાંબા અરસા સુધી ગાંધીજી પોતાને અંગ્રેજી રાજના વફાદાર નાગરિક માનતા હતા અને રાજ પાસેથી ન્યાયી વર્તનની અપેક્ષા રાખતા હતા. પરંતુ ભારત આવ્યા પછી થોડા સમયમાં તેમના વિચાર બદલાયા અને તે અંગ્રેજી રાજ હટાવવાની લડતના નેતા બન્યા.

આ ઉદાહરણ આપવાનું કારણ : ગયા સપ્તાહે એક નેતાએ એ મતલબનું નિવેદન કર્યું કે સરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીરનું સાટું કરવા તૈયાર હતા. મતલબ, તે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણતા ન હતા. ટેકનિકલ રીતે આ વાત પણ ખોટી નથી. દેશી રજવાડાંનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભૌગોલિક સ્થિતિ અને બહુમતી લોકોનો ધર્મ ધ્યાનમાં રાખીને, શાસકોને કોઈ એક દેશ સાથે જોડાઈ જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાયું હોત તો સરદારે વાંધો ન લીધો હોત (એવું આધારભૂત રીતે નોંધાયું છે). પરંતુ કાશ્મીરના હિંદુ રાજા વેળાસર ન ભારત સાથે જોડાયા, ન પાકિસ્તાન સાથે. તેમને બંને દેશોથી અલગ, પોતાનું કાશ્મીરનું રજવાડું જાળવી રાખવું હતું. છેવટે પાકિસ્તાની હુમલાખોરો ચડી આવ્યા અને લૂંટફાટ કરતા છેક શ્રીનગર સુધી પહોંચવામાં હતા ત્યારે દબાણ હેઠળ મહારાજાએ ભારત સાથે જોડાણ કર્યું. પરંતુ ત્યાર પછી ગૃહ મંત્રી સરદારે કાશ્મીરને બચાવવા માટે ત્વરિત પગલાં ભર્યાં. એ વખતે સરદાર કાશ્મીરને જવા દેવા માટે બિલકુલ તૈયાર ન હતા. સાટું કરવાનો પછી કોઈ પ્રશ્ન જ ન હતો. એટલે સરદારનું કાશ્મીર વિશેનું જૂનું વલણ યાદ રાખવું અને ત્યાર પછીની નિર્ણયાત્મક કાર્યવાહી ભૂલાવી દેવી, એ ઇતિહાસ નથી, વાસ્તવિકતાનો ઉપહાસ છે.

અને કાશ્મીરની એ જ કઠણાઈ છે. તેની વાસ્તવિકતા સમજીને રાજદ્વારી કુનેહથી ઉકેલ આણવાને બદલે, તેમાંથી મહત્તમ રાજકીય ફાયદો દોહી લેવાની વૃત્તિની બોલબાલા રહી છે. કાશ્મીર પર પાકિસ્તાની આક્રમણનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવા બદલ પંડિત નહેરુની વાજબી ટીકા કરવી એક વાત છે અને કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે સતત તેમને જવાબદાર ઠેરવતા રહેવું, એ સાવ બીજી વાત છે. કાશ્મીરની વર્તમાન સમસ્યાનાં મૂળીયાં પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાના શાસનકાળમાં છે.  અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહેલા સામ્યવાદી રશિયાના લશ્કરને હંફાવવા માટે પાકિસ્તાનનો ખભો વાપર્યો. પણ ખંધા ઝિયાએ ખભો આપીને ખિસ્સું કાપી લીધું. અમેરિકાના આશીર્વાદથી ધર્મના નામે આતંકવાદનો દૌર શરૂ કરાવ્યો અને કાશ્મીરમાં નવેસરથી હિંસાહોળી શરૂ કરાવી.

ત્યારથી કાશ્મીરમાં શરૂ થયેલો ઘટનાક્રમ અને એ મુદ્દે વિવિધ પક્ષોનાં વલણ પરથી એવું લાગે, જાણે તેમને ઉકેલમાં નહીં, સામેના પક્ષને દોષી ઠરાવવામાં જ રસ છે. ભાગલાના ચાર દાયકા પછી કાશ્મીરના પંડિતોને જે રીતે ખીણપ્રદેશ છોડવાનો વારો આવ્યો, તે ભાગલા પછીના સમયનું કરુણ વિસ્થાપન હતું.  પરંતુ એ કરુણતાનો ઉપયોગ મોટે ભાગે રાજકીય મૂડીના સર્જન ખાતર થયો.  'કાશ્મીરના પંડિતો પર અત્યાચાર થયો ત્યારે તમે ક્યાં હતા?’ એ વાક્ય આક્રમક બચાવનું હથિયાર બન્યું. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે એ વીંઝી પાડવાનું. (એ વખતે અને ત્યાર પછી પોતે ક્યાં હતાં, એનો જવાબ કોણ માગે?) કોઈની પીડાની રોકડી કરવામાં રાજકીય પક્ષો પાવરધા હોય છે. આ તો કાશ્મીરના પંડિતોની પીડા. તેમાં સમસ્યાઉકેલના નામે રાષ્ટ્રવાદ અને કોમવાદનું કાતિલ કોકટેઇલ બનાવી શકાય.

ભારતની એક આખી પેઢી કાશ્મીરમાં સમાન નાગરિક ધારો આણવાની નારાબાજી સાથે મોટી થઈ. શ્રીનગરના લાલ ચોકમાં કડક સુરક્ષા વચ્ચે ત્રિરંગો ફરકાવવાનું જોણું સિદ્ધિ તરીકે ગણાવાયું. બધા પ્રયાસ સમસ્યાને ઉકેલવાના નહીં, તેને શક્ય એટલી દોહી લેવાના હતા. પરિણામે, બાકીના ભારત માટે કાશ્મીર સંવેદનશીલ મુદ્દો બન્યું અને કાશ્મીરીઓ ગૌણ. કાશ્મીર જેવા મુદ્દે રાષ્ટ્રીય મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે કદી એકમતી ન થઈ. કારણ કે ઉકેલ કરતાં સમસ્યા વધારે ફાયદાકારક જણાતી હતી.

કાશ્મીરના ખીણપ્રદેશમાંથી પંડિતોને હાંકી કઢાયા પછી, ત્યાં રહેલા સામાન્ય મુસ્લિમ કાશ્મીરીઓ સાથે સાર્થક સંવાદ સાધવામાં- તેમને વિશ્વાસમાં લેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ ગયા અથવા તેમને એવો રસ ન હતો. કાશ્મીરી મુસ્લિમોમાં ઘણા પ્રકાર હતા : કાશ્મીર ભારતમાં જ રહે એવું ઇચ્છતા મુસ્લિમો, ભારતીય સૈન્ય નિર્દોષ નાગરિકોને ત્રાસવાદી કે તેમના સમર્થક ગણીને ત્રાસ ન ગુજારે એવું ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની બુરી દશાથી વાકેફ અને ભારત-પાકિસ્તાનથી અલગ એવું આઝાદ કાશ્મીર ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને અાઝાદ કાશ્મીર ખાતર પાકિસ્તાની ટેકાનો ઉપયોગ કરી લેવા માગતા મુસ્લિમો, પાકિસ્તાની કે પાકિસ્તાનથી તાલીમ મેળવીને કાશ્મીરમાં આતંક ફેલાવનારા મુસ્લિમો, તેમને ધર્મના નામે કે બીજા કારણસર મદદ આપતા મુસ્લિમો... પરંતુ આવા પ્રકારભેદમાં હીરો કે વિલન, રાષ્ટ્રવાદી કે રાષ્ટ્રદ્રોહી--એવી સહેલી પસંદગીને બદલે ગુંચવાડા પેદા થાય. એટલે કાશ્મીરની સ્થિતિ વિશેની પ્રચલિત છાપ અંતિમો વચ્ચે ઝુલતી રહી.

મોટી સંખ્યામાં કાશ્મીરીઓની લાગણી જાણ્યા અને જીત્યા વિના, માત્ર ને માત્ર લશ્કરી પગલાંથી કાશ્મીરને નહીં જાળવી શકાય, એ ભીંત પરનું લખાણ હતું. પણ સ્વાર્થના ડાબલા ચડાવ્યા પછી એ શાનું વંચાય? કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષો પણ કાશ્મીરીઓના હિતના નામે પોતાના રોટલા શેક્યે રાખતા હતા. પાકિસ્તાન-ચીન જેવા દેશો સાથે લાંબી સરહદો ધરાવતું કાશ્મીર, ધારો કે ભારતથી છૂટું પડી ગયું તો પણ, સ્વતંત્રતાનાં ખ્વાબ કેવી રીતે જોઈ શકે? આઝાદ કાશ્મીરના નારા લગાવનારા પાસે આના જવાબો તો હોય, પણ તેમાં વાસ્તવદર્શન કેટલું ને આંબાઆંબલી કેટલાં, એ  કોણ નક્કી કરે? બીજી તરફ ભારતીય સૈન્ય પર મુકાતા કાશ્મીરમાં ગેરવર્તણૂંકના આરોપો ગંભીર અને ચિંતાપ્રેરક હતા.  કાશ્મીરીઓનું હિત ભારત સાથે રહેવામાં જ છે, એ શસ્ત્રબળથી સિદ્ધ કરવા જતાં લોકો ધીમે ધીમે વિમુખ થઈ જાય એ જોખમી શક્યતા હતી, જે હવે વાસ્તવિકતા બની છે. કાશ્મીરની સમસ્યા ચૂંટણીમુદ્દો ન હોઈ શકે અને ચૂંટણીમુદ્દો ન બનવી જોઈએ એવી સમજ તેના ઉકેલની દિશાનું પહેલું પગથીયું ગણી શકાય.