Monday, July 30, 2018

સ્ટૅન્ડ અપ કૉમેડી : ગાળોથી આગળ...

સમાજમાં ઘણા પ્રવાહ કાયમી હોય છે ને કેટલાકનો જમાનો આવે છે.  જેમ છેલ્લાં થોડાં વર્ષથી મોબ લિન્ચિંગ (ટોળાં દ્વારા મોટે ભાગે બિનપાયેદાર ઉશ્કેરાટથી પ્રેરાઈને થતી હત્યા)નો જમાનો છે, શરમજનક ઘટનાક્રમોની ટીકા થાય ત્યારે 'આ તો ઠીક, પણ ફલાણું થયું ત્યારે તમે ક્યાં હતા?’ એવું પૂછીને શરમને ગૌરવમાં ફેરવવાનો જમાનો છે, સાચાં પાત્રોના મનગમતા પ્રસંગોની ફિલ્મ બનાવીને,  તેમાં 'ક્રીએટીવ લિબર્ટી'ના નામે સચ્ચાઈને તોડીમરોડીને ધંધો કરી લેવાનો જમાનો છે, જૂઠાણાં અને ધીક્કારની ગાડીઓ દ્વારા શરમ-સભ્યતા-નાગરિકતાને ગમે ત્યારે અડફેટે લઈ લેવાનો જમાનો છે... આ બધાની વચ્ચે મનોરંજનમાં સ્ટૅન્ડ અપ કૉમેડીનો પણ જમાનો છે.  નાના કાર્યક્રમોથી માંડીને નેટફ્લિક્સ-અૅમેઝોન પ્રાઇમ જેવી ઇન્ટરનેટ ચૅનલોમાં સ્ટૅન્ડ અપ કૉમેડીને આગવું સ્થાન મળી રહ્યું છે.

સ્ટૅન્ડ અપ કૉમેડીનું વર્તમાન સ્વરૂપ બીજી ઘણી સારી (અને ખરાબ) બાબતોની જેમ પરદેશથી આવેલું છે. પહેલાં એવી સમજ હતી કે સ્ટૅન્ડ અપ એટલે શ્રોતાઓ સમક્ષ (લાઇવ) રજૂ થતી કૉમેડી. પણ પહેલાં ટીવી અને પછી ઇન્ટરનેટના જમાનામાં એ વ્યાખ્યા વિસ્તરી છે.  ભારતમાં એ માધ્યમે સ્ટૅન્ડ અપ કૉમેડીને ભારે લોકપ્રિયતા અપાવી છે. અમેરિકા જેવા દેશોમાં સ્ટૅન્ડ અપ કૉમેડીની જૂની અને સ્થાપિત પરંપરા છે.  મર્યાદિત સંદર્ભમાં તેને સૌરાષ્ટ્રની ડાયરા પરંપરા સાથે સરખાવી શકાય. પરંતુ આ પ્રકારમાં વાર્તા નહીં, હાસ્ય કેન્દ્રમાં હોય છે અને તે નકરી મિમિક્રી (બીજાની નકલ)થી ન થવું જોઈએ. વાતમાં કંઈ માલ કે મુદ્દો હોવો જોઈએ. શાહબુદ્દીન રાઠોડના હાસ્યને એ પ્રકારમાં ગણી શકાય. છેલ્લા દાયકામાં હિંદીમાં 'લાફ્ટર ચૅલેન્જ'અને 'કૉમેડી સર્કસ' જેવા કાર્યક્રમોથી સ્ટૅન્ડ અપ કૉમેડી કરનારાનો રાફડો ફાટ્યો. એમ તો ૧૯૭૦-૮૦ના દાયકામાં કાકા-કાકી ને અમદાવાદીઓના જોક્સ કહેનારાને પણ આ ખાનામાં નાખી શકાય. સ્ટૅન્ડ અપ કૉમેડીનું ખાનું છે જ એટલું મોટું કે તેમાં એક વ્યક્તિ દ્વારા થતા (ટીવી શો સહિતના) કૉમેડીના મોટા ભાગના પ્રકારને નાખી શકાય.

વાત શાહબુદ્દીન રાઠોડની હોય કે પોતાના શો 'નૅનેટ’/Nanetteને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર હૅના ગૅડ્સબી/Hannah Gadsbyની કે પછી ટીવી શો 'લાસ્ટ વીક ટુનાઇટ'થી પ્રસિદ્ધ જૉન ઑલિવર/John Oliverની – મહિમા સ્ટૅન્ડ અપ કૉમેડીના પેટાપ્રકારનો નહીં, તેની સામગ્રીનો છે. બોલનારને અને સાંભળનારને બંનેને બુદ્ધિ વાપરવી પડે એવી રીતે હાસ્ય પેદા કરવાનું અને સફળ થવાનું પ્રમાણમાં અઘરું છે. એટલે (શાહબુદ્દીન રાઠોડ જેવા થોડા અપવાદોને બાદ કરતાં) મોટા ભાગના લોકો હસાવવાનો ટૂંકો રસ્તો લેતા હતાઃ ખરેખર તો એક જ અર્થ વ્યક્ત થતો હોય એવા દ્વિઅર્થી સંવાદ, પુરુષપ્રધાન માનસિકતાના ઉકરડામાંથી નીપજેલી મહિલાઓ વિશેની રમુજો, શારીરિક મર્યાદા ધરાવતા લોકોની ઠેકડી...

સ્ટૅન્ડ અપ કૉમેડીનો વર્તમાન દૌર એ બાબતમાં નવી આશા લઈને આવ્યો છે. તેની અત્યારની 'ફૅશન'માં સૌથી સારું પાસું છે મોકળાશ. જૂનવાણી-પુરુષપ્રધાન-કચરો ઠાલવનારા લોકોની સાથે સામાજિક અસમાનતાઓ, ભેદભાવો અને સ્ત્રીઓ સાથે રખાતા અનેક પ્રકારના વહેરાઆંતરાની વાતો હવે ખુલ્લા મંચ પર રમુજના માધ્યમથી બોલાતી ને સંભળાતી થઈ છે. સજાતીય સંબંધો અને વ્યક્તિની જાતિયતાના સ્ત્રી કે પુરૂષ સિવાયના અનેક પ્રકારભેદો વિશે સ્ટૅન્ડ અપ કૉમેડીના મંચ પરથી કહેવાય છે અને શ્રોતાઓ તે સાંભળે છે. બીજાને તે જેવા છે તેવા (જાડા-પાતળા-ઊંચા-નીચા-કાળા-ધોળા) સ્વીકારવાની વાતને કેન્દ્રસ્થાને રાખીને રમુજો કરવામાં આવે છે. સ્ત્રીઓના પિરીયડ્સ કે બીજા શારીરિક-માનસિક મુદ્દા પણ સ્ટૅન્ડ અપમાં સચોટ રીતે લોકો સમક્ષ આવતા રહ્યા છે.  આવી સામગ્રી સામે બેઠેલા શ્રોતાઓને હસાવવાની સાથે ચોંટિયો પણ ભરે છે.

ચોતરફ અર્થહીનતાની-અૅબ્સર્ડીટીની બોલબાલા હોય, નકરી હાસ્યાસ્પદ લાગે એવી વાતો મુખ્ય ધારામાં ગંભીર ચર્ચાનો વિષય બનતી હોય-- એ કરુણતાને તેના અસલી હાસ્યાસ્પદ સ્વરૂપે રજૂ કરવા માટે સ્ટૅન્ડ અપ કૉમેડી ભારેખમ નહીં એવું, ઉત્તમ માધ્યમ બની શકે છે.  તેનો પહેલો આશય બેશક મનોરંજનનો જ છે, પણ સ્ટૅન્ડ અપ કરનારા સજ્જ હોય તો તે મનોરંજનથી ઉપર ઉઠીને શ્રોતાઓને વિચારતા પણ કરી શકે છે. ખરું જોતાં, કેવળ હસાવવા ખાતર હસાવવાનું જ કામ કરવું હોય તો સ્ટૅન્ડ અપ કરવાની પણ શી જરૂર? કેળાની છાલ પરથી લપસતા લોકોનું જોણું એના માટે પૂરતું નથી?

ભલે મર્યાદિત પ્રમાણમાં અને મોટાં શહેરોમાં, પણ સ્ટૅન્ડ અપ કૉમેડીમાં મહિલાઓની સામેલગીરી આનંદ ઉપજાવે એવી છે. અમદાવાદમાં 'મહિલા મંચ'ના નેજા હેઠળ ચાલતા સ્ટૅન્ડ અપ કૉમેડીના કાર્યક્રમ ફક્ત હાસ્યમાં જ નહીં, વિવિધ સામાજિક મુદ્દાની ચર્ચામાં નવી જગ્યા ઉભી કરી શકે એવા આશાસ્પદ છે. સ્ટૅન્ડ અપ કૉમેડી કરનારા રાજકારણથી પણ અળગા રહેતા નથી. એ ઇલાકો તેમના માટે જોખમી હોય છે. ‘અચ્છે દિન, અચ્છે જોક્સ’ જેવું શીર્ષક વાંચીને જ યજમાન કાર્યક્રમ યોજવાની ના પાડી દે એવું બને છે. છતાં વખતોવખત 'હમારે જવાન સરહદ પર લડ રહે હૈં'જેવા રાજકીય જુમલા પર સ્ટૅન્ડ અપ કૉમેડિયનો ઠીક ઠીક પ્રમાણમાં ફટકાબાજી કરી લે છે.

અંગ્રેજીમાં સ્ટૅન્ડ અપ કૉમેડીનો શ્રોતાવર્ગ (અને ઇન્ટરનેટ પર દર્શકવર્ગ) મુખ્યત્વે યુવાન- શહેરી-મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગીય હોય છે.  તેમને ટૂંકા રસ્તે રીઝવવા માટે અને સ્ટૅન્ડ અપના પરદેશી કલાકારોના અનુકરણ તરીકે અંગ્રેજી સ્ટૅન્ડ અપમાં ગાળોનો મહિમા વધી પડ્યો છે. દાવો એવો કરાય છે કે 'આ યુવા વર્ગની બોલચાલની ભાષા છે', પણ ઘણી વાર ગાળોનો ઉપયોગ 'પંચ'ના વિકલ્પે અથવા શ્રોતાઓને અમસ્તી અમસ્તી મઝા પાડી દેવા માટે થતો હોય એવું લાગે છે. 'અંગ્રેજીમાં સ્ટૅન્ડ અપ કરવી હોય તો ગાળો બોલવી જ પડે'એવું ધોરણ જાણે કે ઊભું થઈ ગયું હોય. હિંદી કે બીજી ભારતીય ભાષાઓમાં તેનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ મર્યાદિત હોય છે.

સ્ટૅન્ડ અપ ભારત માટે મનોરંજનનો એવો પ્રકાર છે, જેમાં નવી સમાજરચનાનાં મૂલ્યોને હસતાંહસાવતાં વણી લેવાની મોકળાશ છે. એ તેની જવાબદારી ભલે નથી, પણ એ તક ઝડપીને તેનો કસ કાઢવામાાં આવે તો સ્ટૅન્ડ અપ કૉમેડી મિમિક્રી કે નકરી ટુચકાબાજીથી અલગ અને ઊંચું સ્થાન મેળવશે.

1 comment:

  1. મૈં હી હું વોહ જવાન!
    That was a punch.

    ReplyDelete