Tuesday, July 03, 2018

કાશ્મીર-કાશ્મીર રમવાની કેવી મઝા

'ગાંધીજી અંગ્રેજી રાજના ટેકેદાર હતા ને 'ગૉડ સેવ ધ ક્વિન'જેવાં વફાદારીનાં ગીત ગાતા હતા.’ –આવું કોઈ કહે તો? ટેકનિકલ રીતે વાત સાચી છે. કારણ કે લાંબા અરસા સુધી ગાંધીજી પોતાને અંગ્રેજી રાજના વફાદાર નાગરિક માનતા હતા અને રાજ પાસેથી ન્યાયી વર્તનની અપેક્ષા રાખતા હતા. પરંતુ ભારત આવ્યા પછી થોડા સમયમાં તેમના વિચાર બદલાયા અને તે અંગ્રેજી રાજ હટાવવાની લડતના નેતા બન્યા.

આ ઉદાહરણ આપવાનું કારણ : ગયા સપ્તાહે એક નેતાએ એ મતલબનું નિવેદન કર્યું કે સરદાર પટેલ હૈદરાબાદના બદલામાં કાશ્મીરનું સાટું કરવા તૈયાર હતા. મતલબ, તે કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણતા ન હતા. ટેકનિકલ રીતે આ વાત પણ ખોટી નથી. દેશી રજવાડાંનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભૌગોલિક સ્થિતિ અને બહુમતી લોકોનો ધર્મ ધ્યાનમાં રાખીને, શાસકોને કોઈ એક દેશ સાથે જોડાઈ જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે કાશ્મીર પાકિસ્તાન સાથે જોડાયું હોત તો સરદારે વાંધો ન લીધો હોત (એવું આધારભૂત રીતે નોંધાયું છે). પરંતુ કાશ્મીરના હિંદુ રાજા વેળાસર ન ભારત સાથે જોડાયા, ન પાકિસ્તાન સાથે. તેમને બંને દેશોથી અલગ, પોતાનું કાશ્મીરનું રજવાડું જાળવી રાખવું હતું. છેવટે પાકિસ્તાની હુમલાખોરો ચડી આવ્યા અને લૂંટફાટ કરતા છેક શ્રીનગર સુધી પહોંચવામાં હતા ત્યારે દબાણ હેઠળ મહારાજાએ ભારત સાથે જોડાણ કર્યું. પરંતુ ત્યાર પછી ગૃહ મંત્રી સરદારે કાશ્મીરને બચાવવા માટે ત્વરિત પગલાં ભર્યાં. એ વખતે સરદાર કાશ્મીરને જવા દેવા માટે બિલકુલ તૈયાર ન હતા. સાટું કરવાનો પછી કોઈ પ્રશ્ન જ ન હતો. એટલે સરદારનું કાશ્મીર વિશેનું જૂનું વલણ યાદ રાખવું અને ત્યાર પછીની નિર્ણયાત્મક કાર્યવાહી ભૂલાવી દેવી, એ ઇતિહાસ નથી, વાસ્તવિકતાનો ઉપહાસ છે.

અને કાશ્મીરની એ જ કઠણાઈ છે. તેની વાસ્તવિકતા સમજીને રાજદ્વારી કુનેહથી ઉકેલ આણવાને બદલે, તેમાંથી મહત્તમ રાજકીય ફાયદો દોહી લેવાની વૃત્તિની બોલબાલા રહી છે. કાશ્મીર પર પાકિસ્તાની આક્રમણનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જવા બદલ પંડિત નહેરુની વાજબી ટીકા કરવી એક વાત છે અને કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે સતત તેમને જવાબદાર ઠેરવતા રહેવું, એ સાવ બીજી વાત છે. કાશ્મીરની વર્તમાન સમસ્યાનાં મૂળીયાં પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાના શાસનકાળમાં છે.  અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહેલા સામ્યવાદી રશિયાના લશ્કરને હંફાવવા માટે પાકિસ્તાનનો ખભો વાપર્યો. પણ ખંધા ઝિયાએ ખભો આપીને ખિસ્સું કાપી લીધું. અમેરિકાના આશીર્વાદથી ધર્મના નામે આતંકવાદનો દૌર શરૂ કરાવ્યો અને કાશ્મીરમાં નવેસરથી હિંસાહોળી શરૂ કરાવી.

ત્યારથી કાશ્મીરમાં શરૂ થયેલો ઘટનાક્રમ અને એ મુદ્દે વિવિધ પક્ષોનાં વલણ પરથી એવું લાગે, જાણે તેમને ઉકેલમાં નહીં, સામેના પક્ષને દોષી ઠરાવવામાં જ રસ છે. ભાગલાના ચાર દાયકા પછી કાશ્મીરના પંડિતોને જે રીતે ખીણપ્રદેશ છોડવાનો વારો આવ્યો, તે ભાગલા પછીના સમયનું કરુણ વિસ્થાપન હતું.  પરંતુ એ કરુણતાનો ઉપયોગ મોટે ભાગે રાજકીય મૂડીના સર્જન ખાતર થયો.  'કાશ્મીરના પંડિતો પર અત્યાચાર થયો ત્યારે તમે ક્યાં હતા?’ એ વાક્ય આક્રમક બચાવનું હથિયાર બન્યું. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે એ વીંઝી પાડવાનું. (એ વખતે અને ત્યાર પછી પોતે ક્યાં હતાં, એનો જવાબ કોણ માગે?) કોઈની પીડાની રોકડી કરવામાં રાજકીય પક્ષો પાવરધા હોય છે. આ તો કાશ્મીરના પંડિતોની પીડા. તેમાં સમસ્યાઉકેલના નામે રાષ્ટ્રવાદ અને કોમવાદનું કાતિલ કોકટેઇલ બનાવી શકાય.

ભારતની એક આખી પેઢી કાશ્મીરમાં સમાન નાગરિક ધારો આણવાની નારાબાજી સાથે મોટી થઈ. શ્રીનગરના લાલ ચોકમાં કડક સુરક્ષા વચ્ચે ત્રિરંગો ફરકાવવાનું જોણું સિદ્ધિ તરીકે ગણાવાયું. બધા પ્રયાસ સમસ્યાને ઉકેલવાના નહીં, તેને શક્ય એટલી દોહી લેવાના હતા. પરિણામે, બાકીના ભારત માટે કાશ્મીર સંવેદનશીલ મુદ્દો બન્યું અને કાશ્મીરીઓ ગૌણ. કાશ્મીર જેવા મુદ્દે રાષ્ટ્રીય મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે કદી એકમતી ન થઈ. કારણ કે ઉકેલ કરતાં સમસ્યા વધારે ફાયદાકારક જણાતી હતી.

કાશ્મીરના ખીણપ્રદેશમાંથી પંડિતોને હાંકી કઢાયા પછી, ત્યાં રહેલા સામાન્ય મુસ્લિમ કાશ્મીરીઓ સાથે સાર્થક સંવાદ સાધવામાં- તેમને વિશ્વાસમાં લેવામાં રાજકીય પક્ષો નિષ્ફળ ગયા અથવા તેમને એવો રસ ન હતો. કાશ્મીરી મુસ્લિમોમાં ઘણા પ્રકાર હતા : કાશ્મીર ભારતમાં જ રહે એવું ઇચ્છતા મુસ્લિમો, ભારતીય સૈન્ય નિર્દોષ નાગરિકોને ત્રાસવાદી કે તેમના સમર્થક ગણીને ત્રાસ ન ગુજારે એવું ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની બુરી દશાથી વાકેફ અને ભારત-પાકિસ્તાનથી અલગ એવું આઝાદ કાશ્મીર ઇચ્છતા મુસ્લિમો, પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને અાઝાદ કાશ્મીર ખાતર પાકિસ્તાની ટેકાનો ઉપયોગ કરી લેવા માગતા મુસ્લિમો, પાકિસ્તાની કે પાકિસ્તાનથી તાલીમ મેળવીને કાશ્મીરમાં આતંક ફેલાવનારા મુસ્લિમો, તેમને ધર્મના નામે કે બીજા કારણસર મદદ આપતા મુસ્લિમો... પરંતુ આવા પ્રકારભેદમાં હીરો કે વિલન, રાષ્ટ્રવાદી કે રાષ્ટ્રદ્રોહી--એવી સહેલી પસંદગીને બદલે ગુંચવાડા પેદા થાય. એટલે કાશ્મીરની સ્થિતિ વિશેની પ્રચલિત છાપ અંતિમો વચ્ચે ઝુલતી રહી.

મોટી સંખ્યામાં કાશ્મીરીઓની લાગણી જાણ્યા અને જીત્યા વિના, માત્ર ને માત્ર લશ્કરી પગલાંથી કાશ્મીરને નહીં જાળવી શકાય, એ ભીંત પરનું લખાણ હતું. પણ સ્વાર્થના ડાબલા ચડાવ્યા પછી એ શાનું વંચાય? કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષો પણ કાશ્મીરીઓના હિતના નામે પોતાના રોટલા શેક્યે રાખતા હતા. પાકિસ્તાન-ચીન જેવા દેશો સાથે લાંબી સરહદો ધરાવતું કાશ્મીર, ધારો કે ભારતથી છૂટું પડી ગયું તો પણ, સ્વતંત્રતાનાં ખ્વાબ કેવી રીતે જોઈ શકે? આઝાદ કાશ્મીરના નારા લગાવનારા પાસે આના જવાબો તો હોય, પણ તેમાં વાસ્તવદર્શન કેટલું ને આંબાઆંબલી કેટલાં, એ  કોણ નક્કી કરે? બીજી તરફ ભારતીય સૈન્ય પર મુકાતા કાશ્મીરમાં ગેરવર્તણૂંકના આરોપો ગંભીર અને ચિંતાપ્રેરક હતા.  કાશ્મીરીઓનું હિત ભારત સાથે રહેવામાં જ છે, એ શસ્ત્રબળથી સિદ્ધ કરવા જતાં લોકો ધીમે ધીમે વિમુખ થઈ જાય એ જોખમી શક્યતા હતી, જે હવે વાસ્તવિકતા બની છે. કાશ્મીરની સમસ્યા ચૂંટણીમુદ્દો ન હોઈ શકે અને ચૂંટણીમુદ્દો ન બનવી જોઈએ એવી સમજ તેના ઉકેલની દિશાનું પહેલું પગથીયું ગણી શકાય. 

1 comment:

  1. Very,very complicated issue of Kashmir, now going on for past more than 70 years, and you tried , beautifully to simplify and exactly explain, what is what. If both the countries and Kashmir want solve this problem, they can in a short time by mutual talks, but it seems all parties concerned want to keep this issue alive for their political gain.

    ReplyDelete