Thursday, August 30, 2012

વાયદાનો વાયદો, ફાયદાનો ફાયદો

સામાન્‍ય રીતે ક્‍લોરોફોર્મમાં રહેવા માટે જાણીતી ગુજરાત કોંગ્રેસ અત્‍યારે ‘ફોર્મ'માં છે, એવું કહી શકાય. ‘ઘરનું ઘર' યોજનાનાં કોંગ્રેસે તૈયાર કરેલાં ફોર્મ લાખોની સંખ્‍યામાં વહેંચાતાં, ગુજરાતમાં ચૂંટણીચોમાસાનો માહોલ જામ્‍યો છે. હવે ડિસેમ્‍બર સુધી નિવેદનબાજીનો ગડગડાટ, સામસામે આરોપબાજીની વીજળી અને વાયદાનો વરસાદ ચાલશે. કોંગ્રેસની ફોર્મલીલા જોઇને લાલ થયેલા મુખ્‍ય મંત્રી પણ આ બાબતમાં પાછા પડે એમ નથી. મતલબ, ‘ઘરનું ઘર'થી શરૂ થયેલો સિલસિલો આવનારા દિવસોમાં ક્‍યાં જઇને અટકશે, એ કહેવું અઘરૂં છે.

રાજકારણીઓની કલ્‍પનાશીલતા કોઇ પણ હાસ્‍ય-વ્‍યંગકારને ટક્કર મારે એવી હોય છે. હાસ્‍યલેખકોની સારામાં સારી- એટલે કે ખરાબમાં ખરાબ- કલ્‍પનાઓ સાચી પાડવા માટે નેતાઓ નામીચા છે. એટલે તેમની ફળદ્રુપ કલ્‍પનાશીલતા સામે આગોતરો પરાજય સ્‍વીકારીને કેટલાક ભાવિ વાયદાની કલ્‍પના કરી જોઇએ. આ કલ્‍પનાઓ પર કોપીરાઇટ એક જ શરતે જતો કરવામાં આવે છેઃ તેને વાસ્‍તવિકતામાં ફેરવવાનો પ્રયાસ કોઇ પક્ષે કે નેતાએ ન કરવો.

રોડનો રોડ

‘ઘરનું ઘર' હોઇ શકે, તો ‘રોડનો રોડ' કેમ નહીં? ગુજરાતમાં બધાને રોડ બહુ ગમે છે. એટલા ગમે છે કે એકલા રોડ હોય ને ઘર ન હોય તો પણ લોકો રાજ્‍યના વિકાસથી પ્રભાવિત થઇ જાય. લોકોનો રોડપ્રેમ ઘ્‍યાનમાં રાખીને વિકાસપ્રેમી સરકાર એવા રોડ બનાવે છે કે જેથી દર વર્ષે રોડ નવા કરવા પડે. નવા લાગતા રોડનું એક-બે સારા વરસાદ પછી, યુપીએ સરકારની આબરૂ જેવું કે ગુજરાત ભાજપની આંતરિક લોકશાહી જેવું, સંપૂર્ણ ધોવાણ થઇ જાય છે. ઝીણી ઝીણી કાંકરીઓથી આચ્‍છાદિત અને વચ્‍ચે વચ્‍ચે ભૂવા-ખાડાથી શોભંતો રસ્‍તો જોઇને કોઇને કલ્‍પના ન આવે કે અહીં કોઇ કાળે કદી સળંગ, સપાટ રોડ વિદ્યમાન હશે.

વાંકદેખાઓ એના માટે સરકારને અને સરકારી ખાતાંના ભ્રષ્ટાચારને દોષ દે છે. ગુજરાતની પ્રગતિ ખમાતી ન હોય એવા ગુજરાતવિરોધીઓ કહે છે, ‘એવા તે કેવા રોડ બને છે કે દર વર્ષે તેમની પાછળ નવેસરથી ખર્ચ કરવો પડે?' પરંતુ તેમના આ પ્રચારથી ભરમાવા જેવું નથી. હકીકત એ છે કે દર વર્ષે નવા રોડ બને અને ગુજરાતનું (એટલે કે ગુજરાતના મુખ્‍ય મંત્રીનું) સારૂં દેખાય, એ તેમનાથી ખમાતું નથી. બાકી, ગુજરાત કંઇ ભીખારી રાજ્‍ય છે કે તેને દર વર્ષે રોડના સરફેસિંગ પેટે ખર્ચાતા થોડા કરોડ રૂપિયાના પરચૂરણ હિસાબો ગણવા પડે? દર બે વર્ષે અમુક હજાર કરોડના રોકાણના એમઓયુ જ્‍યાં થતા હોય, ત્‍યાં આટલી રકમ બચાવવાનો વિચાર કરવો, એ પણ ગુજરાતદ્રોહ છે.

ગુજરાતના રોડકેન્‍દ્રી વિકાસની ઉજ્‍જવળ પરંપરા ઘ્‍યાનમાં રાખીને કોઇ નેતા એવું વચન આપી શકે છે કે અમારો પક્ષ સત્તામાં આવશે તો અમે દર મહિને કે મહિનામાં બે વાર નવા રોડ બનાવીશું. તેના માટેના બધા બધા કોન્‍ટ્રાક્‍ટ નેતાઓના સગાંવહાલાંને વહેંચી દેવાને બદલે, થોડા ગામના છોકરાઓ માટે રાખવામાં આવશે. તેનાથી  બેકાર યુવાનોને ધંધારોજગારની તક પણ મળશે. આ યોજનાનું નામ ‘રોડનો રોડ, રોજગારીની રોજગારી' રાખી શકાય.

નોકરીની નોકરી

ગુજરાતમાં ધારો કે દુનિયાની બધી કારકંપનીઓ આવી જાય તો પણ, મળી મળીને કેટલા ગુજરાતીઓને નોકરીઓ મળવાની? અને કશા દેખીતા ફાયદા વિના, ફક્‍ત કાર ફેક્‍ટરીઓની સ્‍થાપનાથી રાજ્‍યના લોકો ક્‍યાં સુધી ‘ફીલગુડ વિકાસ' અનુભવ્‍યા કરશે? તેમની આંખ ખુલે, એ પહેલાં બેકારો માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવી રહી. તેમને નોકરી આપવી રહી.

કાયમી નોકરી આપવાનું સરકારને પોસાતું નથી. ગુજરાત બહુ સમૃદ્ધ રાજ્‍ય છે, પણ એનો અર્થ એવો થોડો કે લોકોને આપવાના પગારોમાં રૂપિયા વેડફી મારવાના? મરાઠા નગારે, મોગલો તગારે ને અંગ્રેજો પગારે ગયા, એવી કહેણી યાદ રાખીને સરકાર સમસ્‍યાના મૂળ સુધી પહોંચવા ઇચ્‍છે છે. કાયમી પગારદારો જ ઓછા હોય, એટલે (વધારે) પગારને લીધે સરકાર જવાનો પ્રશ્ન જ ન રહે. (ઓછા પગારને લીધે સરકાર જાય કે કેમ, એ અલગ ચર્ચાનો વિષય છે.)

સરકારે વિવિધ હોદ્દા માટે સહાયકો નીમ્‍યા છે.  ફિલ્‍મલાઇનમાં જેમ ડાયરેક્‍ટર સિવાયના બધા આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર હોય છે, એવું ગુજરાતમાં સહાયકોનું છે. પરંતુ હજુ ઘણાં ક્ષેત્રો એવાં છે, જ્‍યાં સહાયકો નીમવાની અને એ રીતે ગુજરાતની બેરોજગારીની સમસ્‍યા હળવી કરવાની ઉજળી તકો છે. ‘વાઇબ્રન્‍ટ ગુજરાત'ના કાર્યક્રમોમાં દર બે વર્ષે હજારો કરોડો રૂપિયાના એમઓયુ થાય છે. અમે ચૂંટણી જીત્‍યા પછી મંત્રીમંડળમાં એક નવું ખાતાનો ઉમેરો કરીશું : વાઇબ્રન્‍ટ ખાતું. તેમાં દર એક કરોડના એમઓયુ દીઠ એક એમઓયુ-સહાયક નીમવાનું અમે વચન આપીએ છીએ. આ પગલાથી એમઓયુ પ્રમાણે રોકાણ નહીં આવતાં હોવાની ફરિયાદ કરતી ગુજરાતદ્વેષી ટોળકીનાં મોં બંધ થઇ જશે. કારણ કે રોકાણ આવે કે ન આવે, ગુજરાતી યુવાનોને વાઇબ્રન્‍ટ ખાતામાં નોકરીઓ તો મળશે. વાઇબ્રન્‍ટ ખાતાના નિભાવ માટે ગુજરાતમાં સસ્‍તા ભાવની જમીનો અને અઢળક ફાયદા લઇ ગયેલા ઉદ્યોગપતિઓ સાથે, સામાન્‍ય રીતે થાય એવા ગુપ્‍ત નહીં પણ જાહેર એમઓયુ કરવામાં આવશે.  ‘દુનિયાની કોઇ તાકાત ગુજરાતના યુવાનને સહાયક બનતાં રોકી નહીં શકે' એ અમારૂં પ્રેરણાદાયી ચૂંટણીસૂત્ર છે.

આ યોજનાને ખાનગીમાં ‘નોકરીની નોકરી, શોષણનું શોષણ' પણ કહી શકાય.

આરામનો આરામ, આવકની આવક

ચૂંટણીવચનોની હરીફાઇમાં છેલ્‍લા તબક્કે ઉતરવાનું આ પત્તું છે, પણ વાત કરવા બેઠા જ છીએ તો કહી દેવામાં વાંધો નથી. અમે ચૂંટણી જીતીશું તો ગુજરાતના તમામ બેકારોને બેકારીભથ્‍થું આપીશું. બેકારીભથ્‍થું આપવાની વાત લાગે છે એટલી ક્રાંતિકારી નથી. વર્તમાન સરકારમાં મુખ્‍ય મંત્રીએ ઘણા મંત્રીઓનાં ખાતાંમાં પોતાનો હાથ રાખીને તેમને ભાવાર્થમાં બેકાર બનાવી દીધા છે. છતાં તેમનાં પગારભથ્‍થાં ચાલુ છે અને એમાં કોઇને કશું અજુગતું લાગતું નથી. ચૂંટણી જીત્‍યા પછી સામાન્‍ય બેકારોને પણ આ યોજના અંતર્ગત આવરી લેવાશે.

ગુજરાતની તનાવપૂર્ણ રાજકીય હરીફાઇમાં પરસ્‍પર આદર અને મીઠાશ જળવાઇ રહે એ માટે ફક્‍ત રાજકીય કારકિર્દી ધરાવતા લોકોમાંથી જે ચૂંટણીમાં હારી જાય તેમને પક્ષાપક્ષીના ભેદ વિના બેકારીભથ્‍થાને પાત્ર ગણવામાં આવશે. પેન્‍શન મેળવનારે જેમ દર મહિને જીવતા હોવાનો પુરાવો આપવો પડે છે તેમ બેકારે દર મહિને ભથ્‍થું મેળવવા માટે પોતાના બેકાર હોવાનો પુરાવો રજૂ કરવો પડશે. હારેલા ધારાસભ્‍યોએ અલગથી પુરાવો રજૂ કરવાની જરૂર રહેશે નહીં.

મહિને કેટલા રૂપિયા બેકારીભથ્‍થા પેટે આપવા તેનો નિર્ણય પરિણામો આવ્‍યા પછી જ લેવાશે. તેમાં અમે એ ઘ્‍યાન પણ રાખીશું કે બેકારીભથ્‍થું વિવિધ પ્રકારના સહાયકોના પગાર કરતાં વધી ન જાય. બેકારીભથ્‍થા માટેનું ભંડોળ મેળવવા માટે અમે કેન્‍દ્ર સરકાર પર દબાણ કરીને નવી યોજના અમલમાં મૂકાવીશું. તેનું નામ હશે ‘મરેગા'. આ કોઇ અંગ્રેજી શમ્‍દોનું ટૂંકું રૂપ નહીં હોય, પણ યોજનાનાં ભાવિ પરિણામોને ઘ્‍યાનમાં રાખીને પડાયેલું તેનું વાસ્‍તવિક નામ હશે. અમે તો દરેક મતદારને સોનાનાં બિસ્‍કિટ આપવા માગીએ છીએ, પણ પાંચ વર્ષ પછી ફરી ચૂંટણી આવવાની છે, એ યાદ રાખીને થોડાં વચન ભવિષ્‍ય માટે રાખી મુકવાં જરૂરી છે.

Tuesday, August 28, 2012

કોલસાકૌભાંડઃ ધુમાડો અને આગ (૧)

એકવીસમી સદી આવતાં સુધી ભારતમાં કૌભાંડોની વ્‍યાખ્‍યા બહુ સાદી હતી : ફલાણા નેતાએ અમુક વસ્‍તુની ખરીદીનો ઓર્ડર તમુક કંપનીને આપ્‍યો-અપાવ્‍યો. બદલામાં એ કંપની પાસેથી કટકી ખાધી. રાજીવ ગાંધીની સરકારને ઘેર બેસાડનાર બોફર્સ કૌભાંડમાં પણ પ્રાથમિક મુદ્દો અને આરોપ એટલો જ હતો કે બોફર્સ કંપનીએ પોતાની તોપો ભારતને વેચવા માટે, રાજીવ ગાંધીના મળતીયાને રૂ.૬૪ કરોડની લાંચ આપી.

પરંતુ યુપીએ સરકારની બીજી મુદતમાં બહાર આવેલાં કૌભાંડ એટલાં સીધાંસાદાં નથી. તેમાં મોટા ભાગના લોકોના ભેજામાં ન ઉતરે એવી, અમુક લાખ કરોડ રૂપિયાની રકમો સંકળાયેલી હોય છે. એ રકમો સીધેસીધી એક તિજોરીમાંથી બીજા ખિસ્‍સામાં જતી રહેતી નથી. કૌભાંડોનો નવા પ્રકારમાં, ધારો કે સરકાર પાસે કોઇ ચીજના વેચાણહક છે. બજારભાવ પ્રમાણે એ ચીજ વેચવામાં આવે તો વર્ષે રૂ.૧૦૦ની આવક થઇ શકે એમ છે. પરંતુ સરકાર અમુક ખાનગી કંપનીઓને એ જ ચીજ આગામી દસ વર્ષ સુધી ૬૦ રૂપિયાના ભાવે આપવાનો સોદો કરી નાખે છે. (ઓછી રકમ ફક્‍ત ઉદાહરણ અને સમજણ ખાતર લખી છે.)

આ પ્રકારના ગોટાળામાં કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એ નક્કી કરવું કપરૂં છે. સાદું ગણિત તેમાં ખાસ કામ લાગતું નથી. કારણ કે તેમાં ઓછામાં ઓછો ત્રણપાંખીયો વ્‍યવહાર હોઇ શકે છેઃ ૧) મંત્રીએ કિંમત નક્કી કરવામાં ભૂલ નહીં, પણ ઇરાદાપૂર્વકની ભૂલ કરી હોય તો, તેમને લાંચ પેટે તોતિંગ રકમ મળે. ૨) ખાનગી કંપનીઓને લાગવગથી પ્રાથમિકતાના ધોરણે અને/અથવા ઓછા ભાવે ચીજ મળે, એટલે તેના નફામાં અઢળક વધારો થઇ શકે છે. ૩) દેશની માલિકીની ચીજનો બજાર કરતાં ઓછા ભાવે સોદો થવાથી, દેશની તિજોરીને નુકસાન થાય છે.

આગળના ઉદાહરણમાં સ્‍પષ્ટ છે કે લાંચની રકમ સિવાયના બાકીના આંકડા વાસ્‍તવિક નહીં, પણ ‘નોશનલ' (ખયાલી- અંદાજિત) છે. તેમાં વધઘટની સંભાવના પૂરેપૂરી હોય છે. કારણ કે નુકસાન કે કૌભાંડની રકમની ગણતરી ‘જો અને તો' પ્રકારે કરવામાં આવે છે. ઓછી કિંમત નક્કી કરવા માટે સરકાર પાસે પણ પોતાનાં કારણો અને ખુલાસા હોઇ શકે છે. સાથોસાથ, ‘કંપનીનો ફાયદો એટલે દેશનું નુકસાન' એવો સીધો હિસાબ પણ બેસાડી શકાતો નથી. છતાં, આખા વ્‍યવહારમાં કંઇક ખોટું કે ન થવા જેવું થયું હોવાની લાગણી સતત રહે છે.

આટલી પ્રાથમિક સમજૂતી સાથે, રૂ.૧.૮૬ લાખ કરોડના મનાતા કોલસાકૌભાંડ વિશે પાયાથી જાણકારી મેળવીએ.

પહેલો તણખો

આ વર્ષના માર્ચ મહિનામાં ‘ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા'એ ‘કેગ'ના તૈયાર થઇ રહેલા અહેવાલનો હવાલો આપીને ધડાકો કર્યો કે કોલસાની ખાણોની ફાળવણીના મુદ્દે સરકારે વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ સુધીમાં ૧૦૦ કંપનીઓને ગેરવાજબી લાભો કરાવી આપ્‍યા. સરકારની એ નીતિને કારણે દેશની તિજોરીને રૂ. ૧૦.૬૭ લાખ કરોડનું નુકસાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્‍યું. આ સમયગાળો મહત્ત્વનો છે. કારણ કે યુપીએની પહેલી મુદતમાં, કોલસામંત્રી શીબુ સોરેનની વિદાય પછી વડાપ્રધાન ડો.સિંઘે એ ખાતું સંભાળ્‍યું હતું. એટલે કે, ખુદ વડાપ્રધાનને હસ્‍તક એવા ખાતામાં, ખાનગી કંપનીઓને ખટાવવા માટે સરકારે રૂ,૧૦.૬૭ લાખ કરોડનું અધધ નુકસાન ભોગવ્‍યું.

લાભનો આવો વરસાદ (અંગ્રેજી શબ્દ વિન્‍ડફોલ ગેઇન) પામવા માટે સ્‍વાભાવિક રીતે જ ખાનગી કંપનીઓએ સંબંધિત મંત્રી કે બાબુશાહીને ફોડયા હોય- પલાળ્‍યા હોય. અહેવાલમાં આવા આરોપ કે લાંચની રકમ વિશે ફોડ પાડીને કહેવાયું ન હતું, પણ તેનો અર્થ એ જ થતો હતો.

કૌભાંડની આંકડાની રકમ આ રીતે નક્કી કરવામાં આવી હતીઃ જે તે સમયની કિંમતોને ઘ્‍યાનમાં રાખતાં કંપનીઓને થયેલા ગેરવાજબી ફાયદાની રકમ રૂ.૬.૩૧ લાખ કરોડ થતી હતી. તેમાં  જાહેર ક્ષેત્રની (સરકારી) કંપનીઓને રૂ.૩.૩૭ લાખ કરોડનો અને ખાનગી કંપનીઓને રૂ.૨.૯૪ લાખ કરોડનો લાભ થયો હતો. વર્તમાન ભાવ પ્રમાણે કંપનીઓને થયેલા કુલ લાભનો આંકડો રૂ.૧૦.૬૭ લાખ કરોડે પહોંચતો હતો. એટલે આ કૌભાંડને રૂ.૧૦.૬૭ લાખ કરોડનું ગણાવવામાં આવ્‍યું.

સ્‍પેક્‍ટ્રમ કૌભાંડની સરકારને હજુ કળ વળી નથી, ત્‍યાં એનાથી પાંચ ગણા મોટા કૌભાંડની ગંધથી તરખાટ મચી ગયો. અત્‍યાર સુધીનાં કૌભાંડોમાં વડાપ્રધાન પર આંખ આડા કાન કરવાનો આરોપ મુકાતો હતો, પણ કોલસાકૌભાંડના સમયે એ ખાતું વડાપ્રધાનને હસ્‍તક હતું.   સામાન્‍ય રીતે ‘કેગ' અખબારી અહેવાલ વિશે પ્રતિક્રિયા ન આપે, પણ આ કિસ્‍સામાં વડાપ્રધાનની સીધી સંડોવણીનો આરોપ આવતો હતો એટલે  એટલે ‘કેગ' તરફથી લેખિત સ્‍પષ્ટતા કરવામાં આવી કે ‘અખબારી અહેવાલમાં પ્રસિદ્ધ થયેલી વિગતો સાવ પ્રાથમિક ધોરણે કરાયેલાં નિરીક્ષણો પર આધારિત હતી. કોલસા મંત્રાલય સાથેની બે બેઠકો પછી અમારી વિચારપદ્ધતિ બદલાઇ છે....હકીકતમાં, કંપનીઓને થયેલો ફાયદો એ દેશની તિજોરીને થયેલું સીઘું નુકસાન છે એવું પણ અમે કહેવા માગતા નથી...હિસાબનું કામ હજુ ચાલુ છે.' અખબારમાં લીક થયેલા રૂ.૧૦.૬૭ લાખ કરોડના કૌભાંડના અહેવાલને ‘કેગ' તરફથી ‘મોટા પાયે ગેરરસ્‍તે દોરનારો' જાહેર કરવામાં આવ્‍યો.

એ વાતને માંડ છ મહિના થાય તે પહેલાં ‘કેગ' તરફથી કોલસાની ફાળવણીને લગતો હિસાબકિતાબ પૂરો કરીને, તૈયાર અહેવાલ  આ મહિને સંસદમાં મૂકવામાં આવ્‍યો. તેમાં કોલસા ફાળવણીની સરકારી નીતિને કારણે દેશની તિજોરીને રૂ.૧.૬૭ લાખ કરોડનું નુકસાન થયાનું જણાવાયું હતું. ‘કેગ' દ્વારા ખોટની ગણતરી શી રીતે માંડવામાં આવી, એ તરફ જતાં પહેલાં ભારતમાં કોલસાના ઉત્‍પાદન અને વહીવટ વિશે પ્રાથમિક વિગતો જાણી લઇએ.

સામસામા દાવા

કોલસાના ઉત્‍પાદનની બાબતમાં ચીન અને અમેરિકા પછી, જથ્‍થાના મોટા તફાવત સાથે, ભારત દુનિયામાં ત્રીજું સ્‍થાન ધરાવે છે. આઝાદી પછી પણ કોલસાની ખાણોમાંથી કોલસા કાઢવાનો ધંધો ખાનગી કંપનીઓ અને ટોળકીઓ દ્વારા ચાલતો હતો. અનુરાગ કશ્‍યપની ફિલ્‍મ ‘ગેંગ્‍સ ઓફ વાસૈપુર'માં કોલસાના હિંસક રાજકારણ અને અર્થકારણની કથા ફિલ્‍મી મસાલા સાથે રજૂ કરવામાં આવી છે. કોલસાના ઉત્‍પાદન ક્ષેત્રે ફેલાયેલી અરાજકતા અટકાવવા માટે ૧૯૭૩માં સરકારે કોલસાની ખાણોનું રાષ્‍ટ્રિયકરણ કર્યું. પરંતુ સરકારને બીજી ઘણી બાબતોની જેમ કોલસાનો ધંધો ફાવ્‍યો નહીં. વીજળી ઉત્‍પાદન, સ્‍ટીલ, સિમેન્‍ટ જેવા ધંધામાં વપરાતા કોલસાની માગને પહોંચી વળવામાં સરકારને ફાંફાં પડવા લાગ્‍યાં. બીજી તરફ, રાષ્‍ટ્રની માલિકીના કુદરતી સંસાધન તરીકે કોલસા પરનો કબજો જાળવી રાખવાનું પણ સરકારને જરૂરી લાગતું હતું. એટલે વચલા રસ્‍તા તરીકે ‘કેપ્‍ટીવ માઇન્‍સ'ની પ્રથા દાખલ કરવામાં આવી.

વીજળી, સ્‍ટીલ કે સીમેન્‍ટ- આ ત્રણે ચીજોના ઉત્‍પાદકોને કોલસાની જરૂર પડે. એમની જરૂરિયાતને સરકાર પહોંચી ન વળે. એટલે સરકારે આ ત્રણે ચીજોના ઉત્‍પાદકોને કોલસાની અમુક ખાણો એ શરતે ફાળવી આપી કે આ ખાણમાંથી નીકળતા કોલસાનો ઉપયોગ તેમણે વીજળી, સ્‍ટીલ અને સીમેન્‍ટના ઉત્‍પાદન માટે જ કરવો. (બજારમાં આ કોલસો વેચી શકાય નહીં.) આ ત્રણે બાબતો રાષ્‍ટ્રના વિકાસ માટે જરૂરી હોવાથી, સરકારે આટલી સુવિધા કરી આપી. તેનો લાભ મેળવનારા ઉત્‍પાદકોમાં સરકારી માલિકીની ‘જાહેર સાહસ' (પીએસયુ- પબ્લિક સેક્‍ટર અન્‍ડરટેકિંગ) તરીકે ઓળખાતી કંપનીઓ પણ હોય અને ખાનગી માલિકીની કંપનીઓ પણ ખરી. તેમને ચોક્કસ પ્રોજેક્‍ટમાં વાપરવા માટે ‘બાંધી આપેલી' ખાણો ‘કેપ્‍ટીવ માઇન' તરીકે ઓળખાઇ. ‘કેપ્‍ટીવ' ખાણોની ફાળવણીની બાબતમાં ભ્રષ્ટાચાર અને લાગવગશાહી માટે પૂરતી તકો હતી.

સરકારની આ નીતિ એકથી વધારે બાબતોમાં ટીકાને પાત્ર બની. પહેલો મુદ્દો ભાવફરકનો હતો. છેક ૨૦૦૪માં કોલસા મંત્રાલયના સચિવે રાજ્‍યકક્ષાના મંત્રીને એક લેખિત નોંધ દ્વારા જાણ કરી હતી કે કોલસાની મુખ્‍ય ઉત્‍પાદક એવી સરકારી કંપની ‘કોલ ઇન્‍ડિયા' દ્વારા પૂરા પડાતા કોલસાના અને ‘કેપ્‍ટીવ માઇન'માંથી પેદા  થતા કોલસાના ભાવ વચ્‍ચે મોટો તફાવત છે. તેમનું તારણ હતું કે ‘કેપ્‍ટીવ માઇન'માંથી પેદા થતો કોલસો માલિક કંપનીઓને બહુ સસ્‍તા ભાવે પડે છે. તેના કારણે ‘કેપ્‍ટીવ માઇન' ધરાવતી કંપનીઓને અઢળક ફાયદો (વિન્‍ડફૉલ ગેઇન) થશે.

ટીકાનો બીજો મુદ્દો ‘કેપ્‍ટીવ માઇન'માં કોલસાના ઓછા ઉત્‍પાદન વિશેનો હતો. ધંધાદારી લોકોની એવી દલીલ હતી કે વીજળી - સ્‍ટીલ-સીમેન્‍ટના ઉત્‍પાદનમાં પડેલી કંપનીઓ કોલસાની ખાણનો પૂરો કસ કાઢી શકતી નથી. તેને બદલે, ખાણકામનો જ ધંધો કરતી કંપનીઓ પાસેથી આ કામ કરાવવામાં આવે તો, કોલસાના ઉત્‍પાદનમાં નોંધપાત્ર વધારો થાય. તેનો સીધો ફાયદો નવાં સ્‍થપાનારાં વીજમથકોને અને સરવાળે દેશને થાય. કારણ કે ઘણાં વીજમથકો મુખ્‍ય બળતણ તરીકે કોલસો વાપરે છે.

વર્તમાન આંકડા પ્રમાણે, ભારત વર્ષે ૫૩ કરોડ ટન કોલસો પેદા કરે છે. તેમાંથી ૮૨ ટકા જેટલો મોટો હિસ્‍સો સરકારી કંપની કોલ ઇન્‍ડિયાનો છે. કંપનીઓની માલિકીની ‘કેપ્‍ટીવ માઇન્‍સ'માંથી ફક્‍ત ૧૮ ટકા કોલસો નીકળે છે. કંપનીઓને એક વાર ખાણો કે કોલસાનો જથ્‍થો ધરાવતા મ્‍લોક (જમીનના પટ્ટા) ફાળવી દેવાયા પછી પણ, તેમાંથી ઉત્‍પાદન શરૂ થવામાં ઘણો સમય નીકળી જાય છે. તેના માટે બાબુશાહી પણ ઘણે અંશે જવાબદાર છે.

હાલમાં સરકારે કોલસાના ૧૯૪ બ્લોક ‘કેપ્‍ટીવ' તરીકે વિવિધ સરકારી-ખાનગી કંપનીઓને ફાળવેલા છે. પરંતુ ‘કેગ'ના અહેવાલ પ્રમાણે, ફક્‍ત ૨૮  બ્લોકમાં કોલસાનું ઉત્‍પાદન શરૂ થયું છે. તેમાંથી ૧૫ બ્લોક ખાનગી કંપનીઓની માલિકીના છે. આ બ્લોકમાંથી કોલસા મળવામાં ધાર્યા કરતાં એક વર્ષથી દસ વર્ષ સુધીનો વિલંબ થયો હોવાનું ‘કેગ'ના અહેવાલમાં નોંધાયું છે.

‘કેગ'ના અહેવાલમાં આરોપ એવો છે કે સરકારે ખાનગી કંપનીઓને કોલસાના ‘કેપ્‍ટીવ' બ્લોકનો પરબારો કબજો આપી દેવાને બદલે તેની હરાજી કરી હોત, તો વઘુ ઊંચી કિંમત ઉપજત. એમ ન કરવાને કારણે રૂ.૧.૮૭ લાખ કરોડનું નુકસાન થયાનો ‘કેગ'નો અંદાજ છે. બીજી તરફ, ચિદમ્‍બરમ્‌ જેવા મંત્રીઓ કહે છે કે કંપનીઓને અપાયેલા કેપ્‍ટીવ બ્લોકમાંથી કોલસો હજુ જમીનમાંથી નીકળ્‍યો જ નથી, ત્‍યાં એના વેચાણમાંથી થયેલું નુકસાન કેવું ને વાત કેવી?

આંકડાની સામસામી માયાજાળમાં છુપાયેલી સચ્‍ચાઇ વિશેની વિગતો આવતા સપ્‍તાહે.

Sunday, August 26, 2012

બિલ ગેટ્‌સનું મહાસ્વપ્નઃ વૈશ્વિક શૌચાલય-ક્રાંતિ

શૌચાલયની નવી, ક્રાંતિકારી ડીઝાઇન માટે બિલ ગેટ્‌સની સંસ્થાએ યોજેલી ૧ લાખ ડોલરની ઇનામી હરીફાઇ ૬૦ કરોડ ભારતીયો સહિત વિશ્વભરના ૨.૬ અબજ લોકોની શૌચાલય-સમસ્યાનો ઉકેલ આણવાની દિશામાં પહેલું પગલું નીવડી શકે છે



ભારતના બોલકા શહેરી વર્ગ માટે સમસ્યાઓની યાદી બહુ જુદી છે. તેમાં (બીજા દ્વારા થતો) ભ્રષ્ટાચાર પહેલા ક્રમે આવતો હશે, પણ શૌચાલયના અભાવના મુદ્દાને કદાચ એકથી દસમાં પણ સ્થાન નહીં હોય. સંભવ છે કે શૌચાલયના ઉલ્લેખમાત્રથી, ભારતને ભાવિ સુપરપાવર તરીકે કલ્પતા ઘણા લોકોના નાકનું ટીચકું ચઢી જાય.

‘ભારતમાં શૌચાલય કરતાં મોબાઇલની સંખ્યા વધારે છે’- એવાં તારણો જાહેર થાય ત્યારે બે ઘડી આઘાત-આશ્ચર્ય વ્યક્ત કરીને આગળ વધી જવાનો રિવાજ છે. ખોટું કેમ કહેવાય? સરકારો સાવ એવું નથી કરતી. તે જાતજાતનાં ફેન્સી નામ ધરાવતી યોજનાઓ બનાવે છે, તેની પાછળ અઢળક નાણાં ફાળવે છે અને અમલીકરણની ચિંતા કર્યા વિના કંઇક કર્યાનો સંતોષ માની લે છે.

પરિણામ? આઝાદીના છ દાયકા પછી અને દેશનું આર્થિક માળખું બદલ્યાના બે દાયકા પછી, ભારતની કુલ વસ્તીમાંથી આશરે ૬૦ કરોડ લોકો પાસે શૌચાલયની મૂળભૂત સુવિધા નથી. વ્યક્તિગત શરમ-સંકોચથી માંડીને (મહિલાઓની બાબતમાં) અસલામતી અને એકંદરે સ્વચ્છતા-આરોગ્યના ગંભીર પ્રશ્નો શૌચાલયના અભાવમાંથી પેદા થાય છે. તેની સફાઇ દલિત સફાઇ કામદારોનું વંશપરંપરાગત કામ બનીને ચાલ્યા જ કરે છે- ભલે ને ભારત સરકારે કાયદા દ્વારા મળસફાઇ કરાવવાને અને પાણીની સુવિધા વગરનાં-સૂકાં શૌચાલય બાંધવાને ગુનો જાહેર કર્યો હોય.  

તેમ છતાં, વિજ્ઞાન-ટેકનોલોજીની આગેકૂચ માટે તલપાપડ દેશમાં શૌચાલયના અભાવ જેવી મૂળભૂત અને પ્રાથમિક કમી પૂરી કરવાની દિશામાં અસરકારક પ્રયાસ થયા નથી. દેશના ગ્રામવિકાસ મંત્રી જયરામ રમેશે થોડા સમય પહેલાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ખુલ્લામાં શૌચક્રિયા કરતા વિશ્વભરના લોકોમાંથી ૬૦ ટકા લોકો ભારતના છે અને એ આપણા માટે શરમજનક વાત છે. સરકાર ‘નિર્મળ ભારત અભિયાન’ જેવી ઝુંબેશો ચલાવે છે, શૌચાલયો બાંધવા માટે નાણાંકીય સહાય આપે છે- એ રકમ પણ હવે વધારીને રૂ.૧૦ હજાર કરવાનો નિર્ણય લેવાયો છે - છતાં ધાર્યાં પરિણામ મળ્યાં નથી. જાહેરમાં શૌચક્રિયા બંધ થઇ હોય એવું પહેલું અને એકમાત્ર રાજ્ય સિક્કિમ છે. બીજાં રાજ્યો, ખુદ જયરામ રમેશના કહેવા પ્રમાણે, શૌચાલયો બાંધવા માટે ફાળવાતાં નાણાં લઇ લે છે, પણ શૌચાલયો બાંધતાં નથી અને આંકડા આપવાના થાય ત્યારે તેમાં ઘાલમેલ કરે છે. અત્યારે ૨ લાખ ૪૦ હજાર ગ્રામ પંચાયતોમાંથી ફક્ત ૨૮ હજાર ‘નિર્મળ ગ્રામ’નો દરજ્જો પામી છે. (‘નિર્મળ ગ્રામ’ એટલે એવાં ગામ જ્યાં શૌચક્રિયા માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ થતો ન હોય)

ભારતમાં - અને ગુજરાતમાં તો ખાસ- જેટલી સંખ્યામાં નાનાં-મોટાં ધર્મસ્થાનો છે, એટલી સંખ્યામાં જાહેર શૌચાલયો બંધાયાં હોત તો આ સમસ્યા ઘણી હળવી બની હોત. પરંતુ એવું બન્યું નથી. તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોની વાત છોડો, શહેરી વિસ્તારોમાં પણ લાંબા અંતરે સમ ખાવા પૂરતાં સુલભ શૌચાલય કે જાહેર શૌચાલય જોવા મળે છે. દેખીતી રીતે સુગપ્રેરક લાગતા આ વિષયને ગાંધીજીએ મુખ્ય ધારાની ચર્ચામાં લાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા. તેમનો આશય અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા- એ બન્ને દૂષણો પર ઘા કરવાનો હતો. પરંતુ તેમની વિદાય પછી આ વિષય દલિતો અને તેમાં પણ સફાઇ કામદારો પૂરતો સીમિત રહી ગયો. ઘોંઘાટની જેમ ગંદકીને પણ ભારતના રાષ્ટ્રિય ચરિત્રમાં સ્થાન મળ્યું હોવાથી, આ મુદ્દે હોંશથી કામ થયું નહીં.

ભારતમાં અડધોઅડધથી પણ વધારે લોકો શૌચાલયના અભાવથી પીડાય છે, તો અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં પ્રશ્ન જરા જુદો છેઃ શૌચાલય પ્રણાલિ કાર્યક્ષમ રાખવા માટે ગટર વ્યવસ્થા પર ક્યાં સુધી આધાર રાખવો? અને જથ્થાબંધ પાણી ક્યાં સુધી ખર્ચ્યા કરવું? ફ્‌લશ દબાવવાથી વહી જતું લિટરબંધ પાણી ક્યાંકથી આવે છે અને એક જ વારમાં નકામું થઇ જાય છે, તેનો અહેસાસ ફ્‌લશ વાપરનારને ભલે ન હોય, પણ જાગ્રત (ભારતના નહીં એવા) આયોજકો તેને નજરઅંદાજ કરી શકતા નથી. ‘માઇક્રોસોફ્‌ટ’ કંપની થકી અબજોપતિ બની પરવારેલા બિલ ગેટ્‌સ એવા એક જણ છે.

વિવાદાસ્પદ પ્રકારના એકાધિકારથી કમ્પ્યુટરની ઓપરેટિંગ સીસ્ટમના ધંધામાં અબજો કમાયેલા બિલ ગેટ્‌સ ઘણા સમયથી સેવાનાં કામોમાં નાણાં વાપરે છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડતી ખાન્સ એકેડેમીથી માંડીને મલેરિયાનાબૂદી જેવાં અનેક કામોમાં ગેટ્‌સ અઢળક આર્થિક સહાય આપે છે. તેમને લાગ્યું કે પાણીનો અઢળક બગાડ કરતા અને નિભાવ માટે મોટું તંત્ર માગી લેતાં શૌચાલયોની ડીઝાઇનમાં મૂળભૂત ફેરફાર થવો જોઇએ. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન તરફથી આ હેતુ માટે એક સ્પર્ધા જાહેર કરવામાં આવી. તેમાં ભાગ લેનારે  બત્રીસ લક્ષણા શૌચાલયની ડીઝાઇન તૈયાર કરવાની હતી.

શૌચાલય માટે ‘બત્રીસ લક્ષણું’ એ વિશેષણ વધારે પડતું લાગતું હોય તો વાંચો ડીઝાઇન સ્પર્ધાની શરતોઃ નવી ડીઝાઇનના શૌચાલયમાં પાણીના, ગટરના કે લાઇટના કનેક્શનની જરૂર ન પડવી જોઇએ, તેમાં જમા થતા કચરાનો કશોક સાર્થક ઉપયોગ થવો જોઇએ- શક્ય હોય તો કોઇક રીતે ઊર્જા પેદા થવી જોઇએ અને આ શૌચાલય પાછળ વ્યક્તિ દીઠ રોજનો ખર્ચ પાંચ સેન્ટ (આશરે પોણા ત્રણ રૂપિયા)થી વધવો ન જોઇએ.

ખાનગી કંપનીઓ દ્વારા સફળ અવકાશયાત્રાની ઇનામી હરીફાઇઓ વિશે સાંભળ્યું હોય, પણ શૌચાલયની નવતર ડીઝાઇનની સ્પર્ધા? એ જરા નવાઇ ભરેલું લાગે, છતાં ગેટ્‌સ ફાઉન્ડેશનની ‘રીઇન્વેન્ટ ધ ટોઇલેટ’ સ્પર્ધામાં લોકો અને સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમની શરતો સંતોષતી ૨૫થી પણ વઘુ ડીઝાઇન આવી. તેમાંથી કેલટેક- કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી-ની ડીઝાઇનને ૧ લાખ ડોલરનું પહેલું ઇનામ મળ્યું. કેલટેક દ્વારા તૈયાર થયેલું શૌચાલય સૌર ઉર્જાની મદદથી હાઇડ્રોજન વાયુ અને તેની મદદથી વીજળી પેદા કરે છે. બીજી ત્રણ ડીઝાઇનને પણ ઇનામ આપવામાં આવ્યાં. એ તમામ વચ્ચે સામાન્ય બાબત એ છે કે તેમાં પાણીનો વપરાશ ઓછામાં ઓછો છે અને બદલામાં એક યા બીજા સ્વરૂપનું ઉપયોગી બળતણ પેદા થાય છે. આ પ્રકારનાં શૌચાલયમાં પાણી રીસાયકલિંગ દ્વારા શુદ્ધ કરીને જ વાપરવામાં આવે છે, જેથી પાણીના બગાડનો પ્રશ્ન રહેતો નથી.

સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ગયું, એનો અર્થ એવો બિલકુલ નથી કે હવે એ ડીઝાઇન પ્રમાણે જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઇ જાય. કાગળ પર સર્વાંગસંપૂર્ણ લાગતી ઘણી ચીજો સામાજિક, સ્વભાવગત કે બીજાં અનેક કારણસર લોકોમાં સ્વીકૃતિ પામતી નથી. એવું થાય તે સરકારોને પરવડે, કારણ કે તેમની દાનત સમસ્યાના ઉકેલની ભાગ્યે જ હોય છે. પરંતુ ગેટ્‌સ ફાઉન્ડેશન એકદમ કોઇ ડીઝાઇન માથે મારવા માગતું નથી. લોકોની સુવિધા અને સ્વીકૃતિનું પરિબળ ઘ્યાનમાં રાખીને, કિંમત ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે હજુ અનેક નાના-મોટા ફેરફાર થઇ શકે છે. ત્યાર પછી તેના પ્રાયોગિક અખતરા થશે. તેમાં પાર ઉતરેલી ડીઝાઇન પ્રમાણે વાસ્તવિક ઉત્પાદનનું કામ આગળ વધશે.  એ માટે ૧ લાખ ડોલરનું ઇનામ તો શરૂઆત છે. આગામી ત્રણ વર્ષમાં નમૂનેદાર શૌચાલય તૈયાર કરવા પાછળ ફાઉન્ડેશને ૩૭ કરોડ ડોલર ફાળવ્યા છે.

દરમિયાન, ભારતના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/ DRDO તરફથી શૌચાલયના કચરાનો અસરકારક નિકાલ કરતું ‘બાયો ટોઇલેટ’ તૈયાર કરવામાં આવ્યું છે. આકરી ઊંચાઇ પર ફરજ બજાવતા જવાનોના શૌચાલયના કચરાના નિકાલ માટે ડીઆરડીઓ તરફથી સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. બાયો-ટોઇલેટ તેનું પરિણામ છે. ગ્રામવિકાસ મંત્રાલય તેને ગામડાં સુધી અને ટ્રેનોના ડબ્બા સુધી પહોંચાડવા માગે છે, જેથી ખુલ્લામાં ગંદકી ન થાય અને આરોગ્ય તથા સફાઇના પ્રશ્નો પર કાબૂ આણી શકાય.

એક વાર ટેકનોલોજી શોધાઇ જાય ત્યાર પછી પણ છેવટનો આધાર લોકોના પક્ષે તેની સ્વીકૃતિ અને સરકારના પક્ષે તેના અમલીકરણ પર છે. એ સિદ્ધ કરવા માટે આ વિષય પ્રત્યેનો છોછ તજવો રહ્યો.

Wednesday, August 22, 2012

મંગળને કોણ નડે છે?


અમેરિકાએ મોકલેલા ક્યુરિઓસિટી/ Curiosity યાનને મંગળ ગ્રહ પર સહીસલામત પહોંચી જવામાં મંગળ કે બીજો કોઇ ગ્રહ નડ્યો નથી. ફળજ્યોતિષનો ધંધો કરતા ઘણા લોકોને શંકા છે કે મંગળ પર ૧ ટનનું યાન મોકલવું એ ફળજ્યોતિષને એટલે કે ભારતની સંસ્કૃતિને એટલે કે ભારતને બદનામ કરવાનું અમેરિકાનું કાવતરું છે.

કેવી રીતે?

વિચારોઃ આવડું મોટું યાન મંગળનું નંગ પહેર્યા વિના કે નડતર દૂર કરાવવાની પૂજા વિના સીધેસીઘું મંગળ પર ઉતરી પડે, તો એમાં મંગળનો મહિમા ઓછો ન થાય? (નોંધઃ વર્તમાન સમયમાં ‘મહિમા’નું અંગ્રેજી ‘ન્યૂસન્સ વેલ્યુ’ થાય છે)

મંગળસે પચાસોં લાખ કિલોમીટર દૂર, પૃથ્વી પરના ભારત દેશમાં બાબાબેબીઓ લગ્નલાયક થાય ત્યારે મંગળ ગબ્બરસિંઘ બનીને ઘણાં જાતકો અને તેમનાં માતાપિતાને ડરાવતો હોય છે. કુંડળીમાં મંગળનું નડતર ધરાવનાર માટે હિંદીમાં ‘માંગલિક’ જેવો શબ્દ વપરાય છે. (કંકોત્રીમાં લખેલા ‘માંગલિક’ પ્રસંગો સાથે તેનો ગૂંચવાડો કરવો નહીં, એટલી સ્પષ્ટતા.) ભૂતકાળમાં કંઇક કોડભરી કન્યાઓને તેમની કુંડળીમાં મંગળ હોવાને કારણે લગ્નના મામલે ખોડભરી ગણાઇ ચૂકી હતી અને  હજુ પણ એ સિલસિલો સાવ અટક્યો નથી.  (મંગળ હોવા છતાં કુંડળીઓ મળે ને લગ્ન થાય, ત્યાર પછીની દુર્ઘટનાઓ આ લેખનો વિષય ન હોવાથી, અહીં તેની ચર્ચા કરવામાં આવી નથી.)  

ફળજ્યોતિષમાં વિશ્વાસ ધરાવતા લોકો માને છે કે બન્નેમાંથી કોઇ એકની કુંડળીમાં મંગળ હોય તો તેમનું લગ્નજીવન અમંગળ નીવડે છે અથવા એક પાત્રના માથે ઘાત રહે છે. વ્યવહારુ લોકો તેમને ખાનગીમાં સમજાવવાની કોશિશ કરે છે કે લગ્ન કરવું ને માથે ઘાતની બીક રાખવી, એ રોંગસાઇડ વાહન ચલાવતી વખતે પોલીસની બીક રાખવા બરાબર છે. પોલીસથી બીવું હોય તો રોંગસાઇડ ચલાવવું નહીં ને રોંગસાઇડ હંકાર્યું જ હોય તો પોલીસની બીક મનમાંથી ખંખેરીને ‘પડશે તેવા દેવાશે’ની ટાઢક રાખવી. જ્યોતિષથી આગળ નીયતીમાં માનતા લોકો કહે છે કે પોલીસની પાવતી મેળવવાનું નસીબમાં લખ્યું જ હોય તો, રાઇટ સાઇડ ચલાવનારને પણ એ મળી જાય. એટલે માથે ઘાત હોવા માટે સામેના પાત્રની કુંડળીમાં મંગળ હોવો જરૂરી નથી.

ખગોળશાસ્ત્રીઓ મંગળને ‘રેડ પ્લેનેટ’ એટલે કે રાતો ગ્રહ કહે છે, પરંતુ દરેક મહાન શોધની જેમ આ શોધ અસલમાં ભારતની હતી. આપણા જ્યોતિષીઓ સદીઓથી કહેતા હતા કે આ ગ્રહનો પ્રભાવ ભલભલાને રાતા પાણીએ રોવડાવે એવો છે. આટલું ચોખ્ખું કહ્યા પછી પણ, પશ્ચિમના લોકો ન કહે ત્યાં સુધી કોઇ તેને ‘રાતો ગ્રહ’ ન કહે, તેમાં આપણે શું કરી શકીએ? અમેરિકા ખરેખર ભારતીય જ્યોતિષીઓના જ્ઞાનનો ઉપયોગ કરવા માગતું હોય તો હજુ મોડું થયું નથી. મંગળ પરના યાનનું સંચાલન કરવા માટે અમેરિકાને કરોડો ડોલરનો ઘુમાડો કરવો પડે છે, જ્યારે આપણા કેટલાક જ્યોતિષીઓ અહીં બેઠાં બેઠાં થોડા હજાર રૂપિયાના ખર્ચે ફક્ત યાનનું નહીં, આખેઆખા મંગળને કાબૂમાં રાખી શકે છે.

ભારતીય ફળજ્યોતિષના ધંધામાં હવે નવી પેઢી દાખલ થઇ ચૂકી છે, જે કમ્પ્યુટર પર કુંડળીઓ બનાવે અને મેળવે છે. તેમાંના ધંધાદારી લોકોનો ધંધો ‘ક્યુરિઓસિટી’ યાનના સફળ ઉતરાણ પછી વધે એવી પૂરી સંભાવના છે. મંગળનું નડતર દૂર કરાવવા ઇચ્છતા જાતકોને તે કહી શકે છે,‘એકલા મંગળનો પ્રોબ્લેમ હોત તો જુદી વાત હતી. હવે તો મંગળ પર ઉતરેલું પેલું યાન પણ તમને નડે છે. એની જુદી વિધી કરાવવી પડશે.’    કેટલાક ઉત્સાહી અને આર્ષદૃષ્ટા જ્યોતિષીઓ મંગળ પર જીવસૃષ્ટિ હોવાની કલ્પનામાત્રથી આનંદમાં છે. ભવિષ્યમાં મંગળ પર સમાનવ યાત્રા શક્ય બને ત્યારે મંગળવાસીઓની કુંડળીમાંથી પૃથ્વીનું નડતર દૂર કરી આપવાનો ધંધો સારામાં સારો ચાલશે, એવી તેમની ધારણા છે.

કોઇ દાદાથી આખું ગામ બીતું હોય અને નાનકડું બચ્ચું એ દાદાને તેની શેરીમાં જઇને ચિત કરી દે, તો દાદાની આબરૂનું શું? કંઇક એવી જ લાગણી મંગળ પર યાન ઉતરવાથી ઘણા લોકોને થઇ છે. પરંતુ વધારે ચબરાક અને અવનવી કાવતરાકથાઓમાં રસ ધરાવનારા લોકો માને છે કે આ તો મંગળ માટેની ‘સદ્‌ભાવના કવાયત’ છે. નડતરરૂપ ગણાતો મંગળ ખરેખર સીધોસાદો - અને અમુક રીતે પૃથ્વી જેવો જ ગ્રહ છે, એવું સિદ્ધ કરવા માટે મંગળ ગ્રહના જીવોએ અમેરિકા સાથે ખાનગી કરાર કર્યા હતા. એ મુજબ અમેરિકા પોતાનું યાન મંગળ પર મોકલી આપે અને ત્યાંથી મંગળ ગ્રહના જીવો મંગળ વિશેની સારી સારી વાતો પૃથ્વીવાસીઓને મોકલતા રહે. તે વાંચીને પૃથ્વીવાસીઓને મંગળ વિશેની પાકી માહિતી સ્થળ પરથી જ મળતી હોવાનો સુખદ ભ્રમ થયા કરે.

‘આવું કરવામાં મંગળવાસીઓને શો ફાયદો?’ એવો સવાલ કોઇને થઇ શકે, પરંતુ ઇમેજ બિલ્ડિંગ અને પીઆર કવાયતો ઘણી વાર તત્કાળ અને ટૂંકા ગાળાના ફાયદા માટે નહીં, પણ દૂરનું ભવિષ્ય નજર સામે રાખીને થતી હોય છે. એટલે મંગળવાસીઓ પોતાની છબી સુધાર્યા પછી શું ઇચ્છે છે એ અત્યારથી કહી શકાય નહીં. શક્ય છે કે અમેરિકાને તેમણે ‘મંગળ પર ક્રુડ ઓઇલના અખૂટ ભંડાર છે’  અથવા ‘અમારે ત્યાં લોકશાહી સ્થાપવાની છે’ અથવા ‘અમારે ત્યાં તમને એક સૈન્યમથક સ્થાપવા દઇશું, જ્યાંથી તમે આખા સૂર્યમંડળ પર જમાદારી કરી શકશો’ એમ કહીને આકર્ષ્યું હોય. આમ કરવા પાછળનો તેમનો હેતુ અમેરિકા થકી માનવજાતની નબળાઇ-સબળાઇ જાણી લઇને, જતે દહાડે પૃથ્વી પર આક્રમણ કરવાનો અને કબજો જમાવી લેવાનો પણ હોઇ શકે.

લોભ, ઘાતકીપણું, સ્વાર્થ, કપટ અને બુદ્ધિ- આટલાં લક્ષણ પૃથ્વીવિજય માટે પૂરતાં છે, એવું મંગળવાસીઓ માણસજાતના ઇતિહાસમાંથી જાણી જાય, તો તેમને પૃથ્વીવાસીઓ સાથે (વિશ્વયુદ્ધ જેવું) ગ્રહયુદ્ધ લડવાની જરૂર પણ ન રહે.  ધોળા લોકોએ જે રીતે રોગના જીવાણુ ધરાવતા કામળાની ભેટ આપીને અમેરિકાના આદિવાસીઓનો ખાતમો કર્યો, એવી રીતે મંગળવાસીઓ અડધી પૃથ્વી હથિયારોને બદલે ભેટસોગાદોથી જ જીતી શકે. પૃથ્વી પર આવીને તેમને એ  સત્ય પણ સમજાય કે મોટા ભાગના દેશોમાં લોકો શાસકોથી  ત્રાસેલા છે. તે એવા ગળે આવી ગયા છે કે તે પોતાના નેતાઓની સરખામણીમાં મંગળ ગ્રહના જીવોને મત આપવાનું વધારે પસંદ કરે.

એ જુદી વાત છે કે મંગળવાસીઓની લોકપ્રિયતા જોયા પછી પૃથ્વીના નેતાઓ તેમને એક યા બીજી રીતે પોતાના પક્ષમાં ખેંચવાનો અને હોદ્દાની લાલચો આપવાનો પૂરો પ્રયાસ કરી જુએ.  વખત છે ને કોઇ મંગળવાસી રાષ્ટ્રપતિ ને બીજા થોડા મંગળવાસીઓ રાજ્યપાલ પણ બની જાય તો ખાસ કશો ફરક ન પડે.

ઊલટું, લોકો રાજી થાય કે (બંધારણના હાર્દને અનુસરવાની બાબતમાં) ઇટીની જેમ વર્તતા નેતાઓને બદલે અસલી ઇટી નહીં સારા?

Tuesday, August 21, 2012

આસામ, મુંબઇ, બેંગ્‍લોરઃ આખરે શું ચાલી રહ્યું છે?


આસામના કોકરાઝાર જિલ્‍લામાં ગયા મહિનાથી સ્‍થાનિક આદિવાસી બોડો લોકો અને મુસ્‍લિમો વચ્‍ચેનું ઘર્ષણ હિંસક બન્‍યું. તેમાંથી મોટા પાયે ફાટી નીકળેલા હુલ્‍લડમાં મુસ્‍લિમો મોટા પાયે ભોગ બન્‍યા. સેંકડો મુસ્‍લિમોને ઘરબાર છોડીને રાહતછાવણીઓમાં આવી જવું પડયું. સામે પક્ષે, સ્‍થાનિક આદિવાસી એવા બોડો લોકોમાં પણ હુલ્‍લડબાજી પછી સરકારી પગલાંની દહેશત ફેલાઇ. એટલે તે પણ ઘરબાર છોડીને ભાગ્‍યા. કોકરાઝાર અને આસપાસના વિસ્‍તારોમાંથી અંદાજે દોઢ-બે લાખ લોકોએ રાહતછાવણીની ભરપૂર અગવડો સામે જોવાને બદલે પોતાની સલામતીને વધારે અગત્‍યની ગણી.

આસામના ઇતિહાસમાં આંતરસંઘર્ષની નવાઇ નથી. તેમાં ફક્‍ત બોડો-મુસ્‍લિમો વચ્‍ચે જ નહીં, બોડો અને બીજી આદિવાસી જાતિઓ વચ્‍ચે પણ લોહિયાળ સંઘર્ષ અને હત્‍યાકાંડ થયા છે. કેટલાક બનાવોને દાયકાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં, લોકો હજુ રાહતછાવણીમાં રહે છે. તેમનું જીવન થાળે પડયું નથી. બોડો આદિવાસીઓને ‘હિંદુ' ગણીને, એ સંઘર્ષને ‘હિંદુ-મુસ્‍લિમ કોમવાદ'ના ખાનામાં ગોઠવી દેવાનું બહુ સહેલું અને સુવિધાભર્યું છે. પરંતુ હકીકતમાં બોડો સહિતના ઘણા આદિવાસીઓ હિંદુ ધર્મને બદલે પોતાનો પરંપરાગત ધર્મ પાળે છે અથવા ખ્રિસ્‍તી પણ બન્‍યા છે.

બીજી તરફ, આઝાદી પહેલાંથી અંગ્રેજ જમીનમાલિકોનાં ખેતરોમાં કામ કરવા આસામ આવેલા મુસ્‍લિમ ખેતમજૂરો સ્‍થાનિક આદિવાસીઓને ‘બહારના' લાગે છે. આ કચવાટ બાંગલાદેશમાંથી ગેરકાયદે આસામમાં આવતા મુસ્‍લિમોના કારણે વધે છે. આટલું જ્‍વલનશીલ મિશ્રણ ઓછું હોય તેમ, આખી પરિસ્‍થિતિમાં રાજકારણ ભળે છે. ભાજપ આખી સમસ્‍યાનાં ઇતિહાસ-ભૂગોળ ઘ્‍યાનમાં લીધા વિના તેને ‘બાંગલાદેશી ધૂસણખોરોની સમસ્‍યા' તરીકે ખપાવવા ઉત્‍સુક હોય છે, જ્‍યારે કોંગ્રેસ કશી સ્‍પષ્ટ ભૂમિકા વગર બોડો અને મુસ્‍લિમ એમ બન્‍ને બાજુથી લાડુ લેવાની ફિરાકમાં રહે છે. સુશાસન અથવા કાયદાના શાસન માટે કે આસામ સહિત ઇશાન ભારતનાં રાજ્‍યોની વિશિષ્ટ પરિસ્‍થિતિ સમજવા માટે કોઇ પક્ષ પાસે વૃત્તિ નથી.


આસામની આગના લંબાતા લબકારા

આસામનો આંતરસંઘર્ષ અત્‍યાર સુધી મુખ્‍યત્‍વે સ્‍થાનિક બનાવો પૂરતો મર્યાદિત રહેવાથી, તેની ગંભીરતા દેશના લોકોને અંકે થઇ ન હતી. પરંતુ આ વખતે બે બનાવોને લીધે આખું સમીકરણ બદલાઇ ગયું અને આસામની હિંસા દેશ માટે ચિંતા-ઉચાટનો વિષય બની. સૌથી પહેલાં મુંબઇની રઝા એકેડેમી અને બીજી કેટલીક સંસ્‍થાઓએ આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્‍યો. તેનો મુદ્દો હતોઃ મ્‍યાંમાર અને આસામમાં મુસ્‍લિમો પર થઇ રહેલા અત્‍યાચારનો અને પ્રસાર માઘ્‍યમો દ્વારા થતી તેની ઉપેક્ષાનો વિરોધ. એ કાર્યક્રમમાં પંદરેક હજાર મુસ્‍લિમો ઉમટયા. મુંબઇ પોલીસનો પૂરતો બંદોબસ્‍ત હતો, પરંતુ કમિશનર અરૂપ પટનાયકના જણાવ્‍યા પ્રમાણે, મેદાનની બહાર રહેલા એક ટોળાએ ધાંધલ અને હિંસાની શરૂઆત કરી. તેમણે પોલીસ તથા તેમનાં વાહનો પર હુમલા કર્યા. પ્રસાર માઘ્‍યમોનાં પ્રતિનિધિઓ અને ટીવી ચેનલોની ઓબી વાન પણ તોફાનીઓની ગુંડાગીરીનો ભોગ બન્‍યાં.

એ સમયે ઘટનાસ્‍થળ પર પહોંચી ગયેલા કમિશનર અરૂપ પટનાયકે અસાધારણ સંયમથી કામ લીઘું : કાર્યક્રમમાં મંચ પર પહોંચીને તેમણે ઉપસ્‍થિત મુસ્‍લિમોને અપીલ કરી કે કોઇ પણ હિસાબે ૧૯૯૨નાં કોમી રમખાણોનું પુનરાવર્તન થવું ન જોઇએ. બહાર તોફાને ચઢેલા લોકો અને મેદાનમાં ઉપસ્‍થિત મુસ્‍લિમોને એક લાકડીએ હાંકવામાં નહીં આવે એવી ખાતરી પછી, તોફાનીઓ સામે ટીયરગેસ અને ગોળીબારથી કામ લેવામાં આવ્‍યું, જ્‍યારે મેદાનમાં ભેગા થયેલા મુસ્‍લિમોમાંથી ઘણાખરા સહીસલામત રીતે વિખેરાઇ ગયા. ગોળીબારમાં બે વ્‍યક્‍તિનું મોત થયું, પણ સંખ્‍યાબંધ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા.

મુંબઇમાં મુસ્‍લિમો પર થતા અત્‍યાચારના વિરોધના બહાને, તોફાની ટોળાની ગુંડાગીરીના શરમજનક પ્રદર્શનથી, કોમી દ્વેષ માટે ફળદ્રુપ વાતાવરણ ઊભું થયું. ઘણા સમયથી કોમી તનાવ ભૂલી ચૂકેલા મુંબઇગરાઓ ભડકી ગયા.  અંતીમવાદી રાજકારણના ખેલૈયા ઠાકરે કાકા-ભત્રીજાને મુંબઇ પોલીસનું પગલું સંયમભર્યું પગલું બિલકુલ ન ગમ્‍યું, પણ તેનાથી વિસ્‍ફોટક સ્‍થિતિ એક કલાક કરતાં પણ ઓછા સમયમાં થાળે પડી ગઇ અને જનજીવન સામાન્‍ય બની ગયું. અલબત્ત, સામાન્‍ય નાગરિકોના મનમાં મુસ્‍લિમોના વિરોધ પ્રદર્શનનો (તેની આડપેદાશ જેવી હિંસાને કારણે) કડવો સ્‍વાદ રહી ગયો.


આટલું ઓછું હોય તેમ, ભારતના આઇ.ટી. પાટનગર ગણાતા બેંગ્‍લોરમાં અફવાઓનો દૌર શરૂ થયો. તેનો સાર એટલો હતો કે આસામમાં મુસ્‍લિમો પર થતા અત્‍યાચારનો બદલો, બેંગ્‍લોરમાં રહેતા આસામવાસીઓ- ઇશાન ભારતીયો પર લેવામાં આવશે. એસ.એમ.એસ. અને મુસ્‍લિમો પર અત્‍યાચારની કાલ્‍પનિક વિકૃત તસવીરો-વિડીયો ધરાવતા એમ.એમ.એસ. ફરવા લાગ્‍યા. સાથોસાથ, રમજાન મહિનો પૂરો થયે, મુસ્‍લિમો વળતો હુમલો કરશે એવી ધમકી પણ ખરી.

જોતજોતાંમાં ફેલાઇ ગયેલી અફવાની દહેશતને કારણે આસામ ઉપરાંત ઇશાન ભારતનાં બીજાં રાજ્‍યોના લોકો પણ બેંગ્‍લોર રેલવે સ્‍ટેશન પર સેંકડોની સંખ્‍યામાં ઉમટી પડયા. બે-ત્રણ દિવસમાં દસ હજારથી પણ વઘુ લોકો શહેર છોડીને વતનમાં ચિંતા કરતા પોતાના પરિવાર પાસે પહોંચી ગયા. તેમાં ઇશાન ભારતના કેટલાક મુસ્‍લિમો પણ ખરા. કારણ કે બેંગ્‍લોરમાં તે પહેલાં ઇશાન ભારતીય અને પછી મુસ્‍લિમ હતા.

બેંગ્‍લોરનો ચેપ ચેન્‍નઇ, પૂના, મુંબઇ જેવાં શહેરોમાં પણ લાગ્‍યો. ઇશાન ભારતના લોકો હોસ્‍પિટલ, રેસ્‍ટોરાં, હોટેલ જેવા સર્વિસ સેક્‍ટરના વ્‍યવસાયોમાં નોકરી માટે વતન છોડીને દૂર આવતા હોય છે. આ ક્ષેત્રોમાં તેમની કામગીરી ઘણી વખણાય છે. એટલે નોકરી મૂકીને વતનભેગા થવા ઉતાવળા બનેલા ઇશાન ભારતીયોને સમજાવવા માટે કંપનીના અફસરો છેક પ્‍લેટફોર્મ સુધી ગયા હતા. પરંતુ જીવના જોખમની અફવા સાંભળ્‍યા પછી એ રોકાવા તૈયાર ન થયા.

કારણોનો ચક્રવ્‍યૂહ

અત્‍યાર સુધી બનેલા બનાવોના અર્થઘટન માટે સૌથી સહેલું અને સૌથી અનુકૂળ બીમું ‘હિંદુ વિરૂદ્ધ મુસ્‍લિમ'નું છે. ‘મુસ્‍લિમો તોફાની છે અને એમના લીધે જ બધે અશાંતિ ઊભી થાય છે'- એવો પૂર્વગ્રહ ફેલાવવાના  પ્રયાસો નોંધપાત્ર પ્રમાણમાં સફળ થયા હોવાથી, એ દિશામાં ફક્‍ત હવા આપવાની જ જરૂર હોય છે. ત્‍યાર પછી લોકોના મનમાં પડેલા પૂર્વગ્રહોના તણખા આગ પકડી લે છે. સાથોસાથ, એ વાત પણ  સાચી છે કે મુસ્‍લિમોની રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાગીરી આ પૂર્વગ્રહ ફેલાતો અટકાવવામાં ઊણી ઉતરી છે.


‘એ લોકો વિરૂદ્ધ આપણે લોકો'ની કોમી રમતમાં મુસ્‍લિમ સમાજનો અમુક વર્ગ ઘણી વાર જાણે કે અણજાણે સક્રિય પક્ષકાર બની જાય છે અથવા એ રમતથી પોતાને અળગો કરી શકતો નથી. મુસ્‍લિમોએ દરેક વખતે, દરેક પ્રસંગે પોતાનો રાષ્‍ટ્રપ્રેમ દર્શાવવાની કે સાબીત કરવાની જરૂર ન હોય. પરંતુ પોતાના ધર્મ અને સમાજના લોકો દ્વારા થયેલાં કરતૂતોને છાવરવાને બદલે કે આઘાત-પ્રત્‍યાઘાતની થિયરી મુજબ વાજબી ઠેરવવાને બદલે, તેના વિશે વધારે ખુલ્‍લાશથી અને ખેદથી બહાર આવવું પડે. શિવસેના કે ભાજપને ધરવવા નહીં, પણ પોતાનો હિસાબ ચોખ્‍ખો રાખવા માટે.

‘અમે જે નથી કર્યું તેના માટે અમારે શા માટે દિલગીરી વ્‍યક્‍ત કરવી જોઇએ?' એવો સવાલ અહીં થઇ શકે. પરંતુ મ્‍યાંમાર અને આસામમાં મુસ્‍લિમો પર થઇ રહેલા અત્‍યાચારોના સાચાખોટા સમાચાર સાંભળીને મુંબઇના મુસ્‍લિમો જો ઉકળી શકતા હોય, તો મુંબઇના કેટલાક તોફાની મુસ્‍લિમોનાં કરતૂતોથી એ જ મુસ્‍લિમો શરમાઇ ન શકે? જેટલી સહજતાથી સરેરાશ મુસ્‍લિમો દૂરનાં રાજ્‍યો કે દેશમાં રહેતા મુસ્‍લિમોની અવદશાથી ઉશ્‍કેરાઇ જાય છે, એટલી સ્‍વાભાવિકતાથી પોતાના પ્રદેશ કે દેશમાં પોતાના જ (વંઠેલા) સહધર્મીઓનાં તોફાનથી તે ઉશ્‍કેરાતા નથી.  આ પરિસ્‍થિતિ બન્‍ને પક્ષના અંતીમવાદીઓને બહુ માફક અનુકૂળ આવે છે. કારણ કે બન્‍ને પોતપોતાની ધિક્કારઝુંબેશ માટે દોષનો ટોપલો સામેના પક્ષ પર ઢોળીને, તેને વાજબી ઠરાવી શકે છે.


નાગરિકશાસ્‍ત્ર અને અર્થશાસ્‍ત્ર

આસામ હોય કે બેંગલોર, આખા વિવાદમાં કેન્‍દ્રસ્‍થાને રહેલો એક મુખ્‍ય મુદ્દો પરપ્રાંતીયોના હક અને તેમની સલામતીનો છે. ઘણા અભ્‍યાસીઓ માને છે કે આસામમાં સ્‍થાનિક આદિવાસીઓને ફક્‍ત બાંગ્‍લાદેશીઓ સામે નહીં, ‘બહારના' કહેવાય એવા બધા સામે વાંધો છે. તેમાં આઝાદી પહેલાં આસામમાં વસેલા મુસ્‍લિમો પણ આવી ગયા.  એ લોકો મુસ્‍લિમ છે, તે સંયોગની વાત છે. બાકી, આસામના આદિવાસીઓ અંતીમવાદી હિંદુત્‍વની તાલીમ ધરાવતા હિંદુઓ નથી. બલ્‍કે, અગાઉ જણાવ્‍યું તેમ, એમાંથી ઘણા ખ્રિસ્‍તી છે તો ઘણા આદિવાસી દેવતાને પૂજનારા છે. એટલે ભારતની કહેવાતી મુખ્‍ય ધારાનાં રાજ્‍યોમાં હિંદુ-મુસ્‍લિમ વચ્‍ચેનો દ્વેષ ભલે સ્‍વાભાવિક માની લેવાતો હોય, પણ આસામમાં સ્‍થિતિ જુદી છે. આદિવાસી-મુસ્‍લિમો વચ્‍ચે વેરઝેરનું મુખ્‍ય કારણ મુસ્‍લિમોનો ધર્મ નહીં, પણ ‘બહારના' તરીકેની તેમની ઓળખ છે.

આસામ હોય કે આંધ્ર પ્રદેશ, કર્ણાટક હોય કે મહારાષ્‍ટ્ર- ‘બહારના' લોકો બીજાં રાજ્‍યોમાં કેવી અસલામતી અનુભવે છે, તે બેંગ્‍લોર-ચેન્‍નઇ-પૂણેમાંથી થયેલી સામુહિક હિજરતે દર્શાવી આપ્‍યું છે. એ હિજરત માટે મુસ્‍લિમોના ખોફ કરતાં પણ વધારે ‘બહારના' તરીકેની અસલામતી વધારે અંશે જવાબદાર જણાય છે. ભારતના તમામ નાગરિકોને કોઇ પણ સ્‍થળે જઇને વસવા અને કામ કરવાનો હક હોય છે. એ ફક્‍ત નાગરિકશાસ્‍ત્ર માટે જ નહીં, અર્થતંત્ર માટે પણ આદર્શ પરિસ્‍થિતિ છે. છતાં રાજ્‍ય સરકારો મોટે ભાગે ‘આપણા વિરૂદ્ધ બહારના' જેવા સૂક્ષ્મ ભેદને પ્રોત્‍સાહન આપે છે. મહારાષ્‍ટ્ર જેવાં રાજ્‍યોમાં તો પરપ્રાંતીયો વિરૂદ્ધના દ્વેષની ધરી પર આખેઆખા પક્ષો રચાયા અને ટક્‍યા છે. ભારતનું આર્થિક પાટનગર ગણાતું મુંબઇ પણ અનેક વાર ‘સ્‍થાનિક વિરૂદ્ધ પરપ્રાંતી'ના સંકુચિત રાજકારણનો ભોગ બની ચૂક્‍યું છે.

આવા મુદ્દા બાજુ પર રાખીને, આસામ-મુંબઇ-બેંગ્‍લોરની ઘટનાઓને માત્ર ને માત્ર બાંગલાદેશી ધૂસણખોરોની કે તોફાની મુસ્‍લિમોની સમસ્‍યાના પરિપાક તરીકે જોવામાં આવે, તો તેનાથી અસલામતીનું રાજકારણ ખેલી શકાય, પણ સમસ્‍યાના મૂળ સુધી કદી ન પહોંચાય. તેનો ઉકેલ તો બહુ દૂરની વાત છે.





Sunday, August 19, 2012

‘અમારી લડાઇ તમારી સામે નહીં, તમારી સરકાર સામે છે'


ગુજરાતી ફૌજી કેપ્ટન નરેન્દ્રનાં પારદર્શક-પ્રમાણભૂત સંભારણાં

કેપ્ટન નરેન્દ્ર / Captain Narendra
સ્‍થળઃ જમ્‍મુ-કાશ્‍મીરની આંતરરાષ્‍ટ્રિય સરહદે, પાકિસ્‍તાનની હદમાં આવેલું મસ્‍તપુર ગામ.
સમયઃ ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે ૧૯૬૫નું યુદ્ધ શરૂ થયા પછીનો.

ભારતીય લશ્‍કરી ટુકડીઓ સરહદનું છેલ્‍લું ગામ રામગઢ વટાવીને પાકિસ્‍તાનની હદમાં પહોંચી ગઇ હતી. ભારતીય ટુકડીઓ માંડ પાંચેક કિલોમીટર અંદર ગઇ, ત્‍યાં પાકિસ્‍તાની હવાઇ દળનાં અમેરિકન બનાવટનાં સેબરજેટ વિમાન આસમાનમાં ડોકાયાં. તેમણે ભારતીય લશ્‍કરની આગેકૂચ રોકવા નેપામ બોમ્‍બ, રોકેટ અને મશીનગનનો મારો કર્યો. આ હુમલામાં ભારતના પક્ષે થોડી ખુવારી થઇ, પરંતુ જોતજોતાંમાં પઠાણકોટના આદમપુર હવાઇમથકેથી ઉડેલાં ભારતીય વાયુસેનાનાં નૅટ વિમાનો આવી પહોંચ્‍યાં.

બન્‍ને વિમાનટુકડીઓ વચ્‍ચે હવામાં જ ‘ડોગફાઇટ' તરીકે ઓળખાતા પકડદાવના દાવપેચ ખેલાયા. તેમાં બે પાકિસ્‍તાની સેબરજેટને ભારતીય હવાઇદળે તોડી પાડયાં અને ભારતીય ટુકડીઓનો આગળ વધવાનો માર્ગ મોકળો થયો. મસ્‍તપુરમાં પાકિસ્‍તાની મોરચાબંધી પર ભારતીય ટુકડીઓએ હુમલો કર્યો. ઘમસાણ યુદ્ધ જામ્‍યું. અંતે પાકિસ્‍તાની ટુકડી હારી અને તેને ગામ છોડી દેવું પડયું. એ રાત્રે મસ્‍તપુરની સીમમાં આવેલી જમરૂખની વાડીમાં ભારતીય બટાલિયને ધામા નાખ્‍યા.

આટલે સુધીનું વર્ણન ભારત-પાકિસ્‍તાન યુદ્ધને લગતી કોઇ ફિલ્‍મી કથાનું લાગે છે? પણ એ ગુજરાતી ફૌજી કેપ્‍ટન નરેન્‍દ્રનાં ગુજરાતીમાં લખાયેલાં સંભારણાં (‘જિપ્‍સીની ડાયરી- એક સૈનિકની નોંધપોથી', ગુર્જર ગ્રંથરત્‍ન)નો હિસ્‍સો છે. આગળ જણાવાયેલા ઘટનાક્રમમાં કેપ્‍ટન (એ વખતે સેકન્‍ડ લેફ્‌ટનન્‍ટ) નરેન્‍દ્રની જવાબદારી લશ્‍કરી ટુકડીઓના ‘ટ્રુપ કેરિયર' તરીકેની હતી. ભારતીય અને પાકિસ્‍તાની વિમાનોની ‘ડોગફાઇટ' તેમની નજર સામેના આકાશમાં થઇ. પાકિસ્‍તાની વિમાનોના હુમલામાં પુરવઠાની ટ્રકો નષ્ટ થતાં સૌને ભૂખ્‍યા રહેવાનો વારો આવ્‍યો. સેકન્‍ડ લેફ્‌ટનન્‍ટ નરેન્‍દ્ર પાસે દાલમોઠ થોડા ડબ્બા અને રમની બોટલ હતી. લશ્‍કરી પરંપરા પ્રમાણે એ સામગ્રી તેમણે બટાલિયનના કમાન્‍ડિંગ ઓફિસરને આપી ત્‍યારે અફસરે કહ્યું,‘તમારી ભાવનાની હું કદર કરૂં છું, પણ આખી પલટન ભૂખી હોય ત્‍યારે હું આ નાસ્‍તો ન ખાઇ શકું.' આમ, લાગલગાટ પાંચ દિવસ સુધી સૌ ભૂખ્‍યા રહીને પાકિસ્‍તાની ધરતી પર યુદ્ધ ચાલુ રાખ્‍યું.

મસ્‍તપુરની સીમમાંથી પકડાયેલા ત્રીસ-પાંત્રીસ નાગરિકોને  એડમિનિસ્‍ટ્રેશન એરિયા કમાન્‍ડર કેપ્‍ટન નરેન્‍દ્ર સમક્ષ લાવવામાં આવ્‍યાં,  ત્‍યારે સૈનિકો પોતાના કેવા હાલ કરશે એ વિચારે યુવતીઓ અત્‍યંત ગભરાયેલી હતી. કેપ્‍ટને તેમને આશ્વાસન આપતાં કહ્યું, ‘અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્‍ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે. તમારી સાથે નહીં.' આ લોકોને સલામત રીતે નિર્વાસિતો માટેના કેમ્‍પમાં મોકલી આપવામાં આવ્‍યાં.

કેપ્‍ટન નરેન્‍દ્રએ પોતાનાં સંભારણાંમાં નોંઘ્‍યું છે કે મસ્‍તપુરમાં તેમનો ભેટો બીજા એક અફસર સાથે થયો. યુદ્ધ શરૂ થયું ત્‍યારે એ રજા પર હતા, પણ હાજર થવાનો તાર મળતાં એ લડાઇની વચ્‍ચે પાકિસ્‍તાનના અજાણ્યા ગામ મસ્‍તપુર સુધી પગપાળા અને એકલા જ પહોંચી ગયા હતા. ગોરખા રેજિમેન્‍ટના એ અફસર હતા અમદાવાદના કેપ્‍ટન પિયુષ ભટ્ટ. પાકિસ્‍તાનની ભૂમિ પર, ભારતીય સૈન્‍યે કબજે કરેલા ગામમાં અમદાવાદના બે અફસરો પહેલી વાર એકબીજાને મળ્‍યા ત્‍યારે તેમને કેવો રોમાંચ થયો હશે, તે કલ્‍પી શકાય છે.

સાથીદારો સાથે (ડાબેથી ત્રીજા) કેપ્ટન નરેન્દ્ર /Captain Narendra (3rd from left)
‘જિપ્‍સીની ડાયરી'માં આવા અનેક રોમાંચકારી કિસ્‍સા-પ્રસંગો  અને સૈન્‍ય- બીએસફ (સીમા સુરક્ષા દળ)ની આંતરિક વાતો વાંચવા મળે છે. ૧૯૬૫-૧૯૭૧ના યુદ્ધના ઘણા પ્રસંગોનું કેપ્‍ટન નરેન્‍દ્ર દ્વારા કરાયેલું વર્ણન એવું ઝીણવટભર્યું  અને રસાળ છે કે વાચકને યુદ્ધભૂમિની વચ્‍ચોવચ પહોંચી ગયાનો અહેસાસ થાય. ૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્‍ટન નરેન્‍દ્ર સૈન્‍યમાં અફસર તરીકેનો કાર્યકાળ પૂરો કરીને, એલઆઇસીની કારકુની નોકરીએ લાગવાને બદલે, ફરી પાછી ઇન્‍ટરવ્‍યુ આપીને બીએસએફમાં જોડાયા હતા. બીએસએફ પ્રત્‍યે ભારતીય સૈન્‍યના અફસરોમાં કેવો દુર્ભાવ હતો, તેના અનેક દાખલા આ પુસ્‍તકમાં નોંધાયેલા છેઃ

૧૯૬૯માં અમદાવાદનાં કોમી હુલ્‍લડો વખતે સૈન્‍યની આગેવાની તળે પોલીસ કમિશનરની ઓફિસમાં સ્‍થપાયેલા જોઇન્‍ટ ઓપરેશનલ સેન્‍ટરમાં બીએસએફના અફસર તરીકે કેપ્‍ટન નરેન્‍દ્ર મોજૂદ હતા. ચોવીસ કલાકની અને માનસિક રીતે થકવી દેનારી કામગીરી. સેન્‍ટરમાં ડયુટી બજાવતા સૈન્‍યના જવાનોની તમામ સુવિધાઓનું ઘ્‍યાન રખાય, ચાર-ચાર કલાકે તેમની ડયુટી બદલાય, પણ કેપ્‍ટન નરેન્‍દ્ર બીએસએફના હોવાને કારણે તેમને કોઇ પાણીનો ભાવ પણ ન પૂછે. બબ્બે દિવસ સુધી ખાધાપીધા વિના ફરજ બજાવતા કેપ્‍ટન નરેન્‍દ્ર આખરે ત્રીજા દિવસે એક કલાકની રજા લઇને કમિશનર ઓફિસની સામે રહેતા એક સગાને ગયા ત્‍યારે જમવાભેગા થયા.

૧૯૭૧ના યુદ્ધ વખતે કેપ્‍ટન નરેન્‍દ્ર પંજાબ સરહદે હતા. યુદ્ધનાં વાદળ ઘેરાયાં એટલે સૈન્‍યવડા સામ માણેકશા વ્‍યૂહાત્‍મક સ્‍થળોની મુલાકાતે પહોંચ્‍યા. બટાલિયનના અફસરો સાથે માણેકશાની મિટિંગ યોજાઇ, પણ તેમાંથી રાબેતા મુજબ બીએસએફની બાદબાકી કરવામાં આવી હતી. એ જાક્કયા પછી માણેકશાએ ધરાર બીએસએફના અફસરોને મિટિંગમાં સામેલ કર્યા, એ આવ્‍યા ત્‍યાં સુધી પોતે બહાર ઊભા રહ્યા અને મિટિંગમાં કહ્યું, ‘ભારતીય સેનાની સાથે બીએસએફ પણ દેશની ફર્સ્‍ટ લાઇન ઓફ ડીફેન્‍સ છે એ સૌએ યાદ રાખવાનું છે.'

આ યુદ્ધમાં પંજાબ સરહદે ભારતીય સૈનિકોની પરાક્રમગાથાના ઓછા જાણીતા કિસ્‍સા કેપ્‍ટન નરેન્‍દ્રએ અંગતતાના સંસ્‍પર્શ સાથે આલેખ્‍યા છે. ગોરખા રાઇફલ્‍સના જવાનો અને ‘આયો ગોરખાલી'ના યુદ્ધનાદ સાથે પાકિસ્‍તાની સૈન્‍ય પર ધસી જનારા અને ચોતરફ વરસતી બોમ્‍બની કરચો વચ્‍ચેથી માંડ બચી જનાર અમદાવાદના મેજર પિયુષ ભટ્ટ, ૧૯૬૯નાં રમખાણો દરમિયાન ઓપરેશન સેન્‍ટરમાં અસરકારક કામગીરી બજાવનાર સુરતના મેજર કાન્‍તિ ટેલર જેવા ગુજરાતી ફૌજીઓનો પણ આ સંભારણાં થકી વિશેષ પરિચય મળે છે.

યુદ્ધ સિવાયના સમયગાળામાં કાશ્‍મીર, પંજાબ, રાજસ્‍થાન અને કચ્‍છના સરહદી ઇલાકામાં, વસ્‍તીથી દૂર અને કુટુંબ પરિવારથી અળગા રહેતા જવાનોને થતા અવનવા અનુભવો પણ ‘જિપ્‍સીની ડાયરી'માં આલેખાયા છે. પહેલી નજરે અંધશ્રદ્ધા કે ભ્રમણા લાગે એવા આ પ્રસંગો આલેખતી વખતે કેપ્‍ટને સારી એવી કાળજી રાખી છે. તાલીમકાળથી યુદ્ધકાળ સુધીના અનેક સંજોગોમાં લશ્‍કરી પરંપરાની ખાસિયતો ઉપરાંત કેટલાક ઉપરી અધિકારીઓની અકોણાઇ, કિન્‍નાખોરી, પરપીડનવૃત્તિ જેવી લાક્ષણિકતાઓનો પણ, કડવાશ કે દુર્ભાવ વિના, ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. તેનાથી ઉપસતું સૈન્‍યનું ચિત્ર ફિલ્‍મી દેશભક્‍તિથી છલકાતું નહીં, પણ વાસ્‍તવિક લાગે છે.

એવી જ રીતે, લડાઇનાં વર્ણનોમાં પણ તેમણે સન્‍ની દેઓલબ્રાન્‍ડ ઉત્‍સાહને બદલે ઠરેલ ફૌજીની સમધારણતાથી કામ લીઘું છે. ‘આપણે અખબારોમાં વાંચીએ કે ભારતીય સેનાએ વિજય પ્રાપ્‍ત કર્યો (ત્‍યારે) લોકોને કદાચ ભ્રમ થઇ શકે છે કે આપણી સેના હુમલો કરે તો દુશ્‍મન ઊભી પૂંછડીએ ભાગતા હોય છે. યુદ્ધભૂમિમાં એવું નથી હોતું. ત્‍યાં જીવન-મૃત્‍યુની બાજી હોય છે. આક્રમણકાર કે સંરક્ષણપંક્‍તિમાં બેઠેલ સૈનિક, બન્‍નેને પહેલ કરવા માટે ક્ષણના નાનામાં નાના અંશથી પણ ઓછો સમય મળે છે. જે સમયસર પહેલો ઘા કરે તે જીવી જાય છે અને બીજો ઘા કરવાની તૈયારી કરે છે.'

ફૌજી લોકોની સંવેદનશીલતા વિશે સમાજમાં કેટલીક માન્‍યતાઓ પ્રચલિત છે. એ ખરૂં કે તાલીમના ભાગરૂપે લશ્‍કરી અફસરોમાંથી પોચટપણું દૂર કરવામાં આવે છે. છતાં, કેપ્‍ટન નરેન્‍દ્રની રસાળ ભાષા અને સચોટ અભિવ્‍યકિતમાંથી સંવેદનશીલતા અને પોચટપણા વચ્‍ચેનો તફાવત વઘુ એક વાર સ્‍પષ્ટ થાય છે. પુસ્‍તકમાં તોપના ગોળાના શેલ માટે ‘ભરતર' ને ડેમોન્‍સ્‍ટ્રેશન માટે ‘પ્રાત્‍યક્ષિક' જેવા ગુજરાતી શબ્દો જેટલી સહજતાથી વપરાયા છે, એટલી જ સ્‍વાભાવિકતાથી પંજાબી, ગોરખા કે દક્ષિણ ભારતીય સાથીદારોની બોલીનાં વાક્‍યો પણ યથાતથ મુકાયાં છે.

ગુજરાતી આત્‍મકથા-સંભારણાંમાં યુદ્ધના કે ફૌજી કારકિર્દી વિષયક સામગ્રી નહીંવત્‌ છે. તેમાં ૭૮ વર્ષીય કેપ્‍ટન નરેન્‍દ્ર ફણસેએ બ્લોગના માઘ્‍યમથી આલેખેલા અનુભવોનું પુસ્‍તકસ્‍વરૂપ વૈવિઘ્‍ય ઉપરાંત ગુણવત્તાની રીતે પણ મૂલ્‍યવાન ઉમેરો કરનારૂં છે.

Thursday, August 16, 2012

ગુજરાત અને લંકાયણ


ગુજરાતમાં બે રાજકીય પક્ષો છેઃ કોંગ્રેસ (આઇ) અને ભાજપ (કેપિટલ આઇ). તેમાં કેશુભાઇ પટેલના ‘પી ફોર પટેલ’...ના..ના.. ‘પી ફોર પરિવર્તન’ માટેના નવા પક્ષનો ઉમેરો થયો. રાજકારણમાં (હૃદય)પરિવર્તન કરતાં (પક્ષ)પલટો વધારે કારગત નીવડે છે એવું સલામત રીતે કહી શકાય. જરૂર પડ્યે તેમાં શંકરસિંહ વાઘેલાનો ટેકો પણ મેળવી શકાય, પરંતુ કેશુભાઇએ નવો પક્ષ રચી દીધો છે. તેના જન્મસમયે વાગેલું વાદ્ય ભવાઇ શરૂ થતાં પહેલાં વાગતું ભૂંગળ હતું કે યુદ્ધ શરૂ થતાં પહેલાંની રણભેરી, એ થોડા મહિનામાં નક્કી થઇ જશે.

કેશુભાઇએ ભાજપ છોડીને નવો પક્ષ રચ્યો એટલે ક્યાંક તેમની સરખામણી વિભીષણ સાથે થઇ. રાવણના ભાઇ વિભીષણ, જે રાવણની અનીતિથી કંટાળીને રામના પક્ષે જોડાયા હતા. ‘રામાયણ’ની વાત આવી એટલે પહેલાં રામાનંદ સાગર યાદ આવ્યા. પછી થયું કે આપણે હપ્તા પર હપ્તા ખેંચવાના નથી. ઝડપથી અને મુદ્દાસર પતાવવાનું છે. એટલે વાલ્મિકી ૠષિનું સ્મરણ કર્યું. તેમણે પ્રગટ થઇને સાંપ્રત ગુજરાતના સંદર્ભે ‘રામાયણ’નું આઘુનિક સ્વરૂપ લખવાની પ્રેરણા આપી. સાથે એમ પણ કહ્યું કે એ પદ્યમાં નહીં, ગદ્યમાં લખવું. જે પ્રદેશના મુખ્ય મંત્રીથી માંડીને એન્કાઉન્ટરબાજ અફસરો સુધીના બધા કવિ હોય અને બાકીના ઘણાખરા, પારકાં કપડે વટ મારતા છેલબટાઉ લોકોની જેમ, ઉછીની કવિતાથી તાળીઓ ઉઘરાવતા હોય, તે ઠેકાણે આપણે કવિ ન થવું. એમાં જ કવિતાની શોભા છે.

‘મને નહીં ફાવે’ એવી વિનંતીઓ અને આગ્રહ પછી વાલ્મિકી નવું રામાયણ લખવા તો નહીં, પણ લખાવવા તૈયાર થયા. તેમણે કહ્યું કે આને રામાયણનું ‘નવું, બગડેલું સ્વરૂપ’ જાહેર કરવું. તેમાં રામ સદંતર ગેરહાજર હોવાથી તેનું નામ પણ ‘રામાયણ’ને બદલે ‘લંકાયણ’ પણ રાખી શકાય.
***

લંકા નામનું એક રાજ્ય હતું. લોકો એને ‘સોનાની લંકા’ કહેતા હતા. એટલા માટે નહીં કે એ બહુ સમૃદ્ધ હતું. હકીકતમાં લંકાના રાજાએ પ્રજાને એવું વચન આપેલું કે ‘તમે સૂઇ જાવ, હું જાગીશ.’ આ અભયવચનને કારણે સરકારી પ્રચારસાહિત્યમાં રાજ્યનો ઉલ્લેખ ‘સોનેકી લંકા’ તરીકે કરવામાં આવતો હતો- એવી લંકા જ્યાં નાગરિકો સૂતા હોય અને રાજા જાગતો હોય. પરંતુ પ્રસાર માઘ્યમોમાં રાબેતા મુજબ થતી અનુવાદોની ભૂલથી, કોઇએ તેનું ગુજરાતી ‘સોનાની લંકા’ કરી નાખ્યું.

દરેક રાજ્યમાં રાજના ટીકાકાર હોય. લંકામાં પણ હતા. ‘સોનેકી લંકા’ની તેમની વ્યાખ્યા હતીઃ એવી લંકા જ્યાં નાગરિકો ગાફેલ થઇને ઘસઘસાટ ઉંઘતા હોય ને રાજા આખા જંબુદ્વીપના રાજપાટની લ્હાયમાં જાગતો-પડખાં ઘસતો હોય.

ગમે તે હોય, પણ રાજાને ‘સોનાની લંકા’ એ શબ્દપ્રયોગ બહુ ગમી ગયો. તેણે લંકામાં અને લંકાની બહાર, સમસ્ત જંબુદ્વીપમાં સોનાની લંકાનાં હોર્ડિંગ ચીતરાવ્યાં. જાહેરખબરો આપી. લંકાનરેશ પોતાની જાતને બહુ પ્રેમ કરતો હતો અને માનતો હતો કે ‘હું જ લંકા છું.’ આ વાતનો સીધો અર્થ એવો ન થાય કે લંકાનરેશ લંકાને બહુ પ્રેમ કરતા હતા? પણ અવળચંડા લોકો તેની ટીકા કરતા હતા. ‘લંકાની ટીકા એ મારી ટીકા અને મારાં વખાણ એ લંકાનાં વખાણ’ એવું સમીકરણ રાજાએ લોકોના મનમાં બરાબર ઉતારી દીઘું હતું.

લંકાનાં દરેક હોર્ડિંગમાં લંકાનરેશનો ફોટો સૌથી મોટો અને મુખ્ય રહેતો. લંકાનરેશને પોતાના ફોટા જોવાનો એટલો શોખ હતો કે બધાં  હોર્ડિંગમાં માથે જુદા જુદા મુગટ પહેરીને એ ફોટા પડાવતો. દરેક  હોર્ડિંગમાં રાજાનો જુદો દેખાવ જોઇને તેમના ભક્તોએ એવી વાત વહેતી કરી કે લંકાનરેશને દસ માથાં છે.

લંકાનો વહીવટ સંભાળવા માટે એમ તો આખું પ્રધાનમંડળ હતું, પણ બધાં ખાતાં લંકાનરેશ જાતે સંભાળતો હતો. બીજા પ્રધાનો ફક્ત સમ- અને ક્યારેક વઢ- ખાવા પૂરતા હતા. એટલે લોકો કહેતા કે લંકાનરેશને વીસ-વીસ હાથ છે. એ સિવાય આટલાં ખાતાં એકલે હાથે શી રીતે સંભાળી શકાય? રાજાએ લંકામાં ઠેકઠેકાણે પીળો પ્રકાશ પાથરતી લાઇટો મુકાવી હતી. તેના અજવાસમાં રસ્તા, ફ્‌લાયઓવર, મોલ, મલ્ટીપ્લેક્સ, ફેક્ટરીઓ બઘું સોનેરી લાગતું હતું અને બાકીનું એ પ્રકાશમાં દેખાતું જ ન હતું. તેને લીધે આખા જંબુદ્વીપમાં લંકાના વિકાસનો જયજયકાર થતો હતો. લંકાની સમસ્યાઓ વિશે વાત કરનારા લંકાના વિરોધી હતા.

એક વાર લંકામાં જોરદાર આગ લાગી. આખી લંકા ભડકે બળી. પણ લંકાના શબ્દકોશમાં ‘નૈતિક જવાબદારી’ જેવો શબ્દ ન હતો.  રોમ ભડકે બળતું હતું ત્યારે તેનો રાજા ફીડલ વગાડતો હતો, એવું કહેવાય છે. લંકાના રાજાને પોતાની વાણીમાં ફીડલના સૂર સંભળાતા હતા. એટલે તેને ફીડલ વગાડવાની પણ જરૂર ન હતી. એ બોલતો અને વિભીષણ સહિત બધા સાંભળતા. સંમતિમાં માથાં ઘુણાવતા. આગથી થયેલું નુકસાન ભૂલાવી દેવા રાજાએ બમણા જોરથી પીળી લાઇટો લગાડવાના આદેશ આપ્યા. જોતજોતાંમાં તેને ખાતરી થઇ ગઇ કે લાઇટોના પ્રકાશમાં આગના વિનાશને ઢાંકી શકાય છે.

છેવટે લંકાના માથે યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. અત્યાર સુધી લંકાનરેશને યુદ્ધમાં એકેય વાર પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો ન હતો. પણ આ વખતની વાત જુદી હતી. બહારના યુદ્ધથી પણ પહેલાં આંતરિક સંઘર્ષ થવાનો હતો.

કુંભકર્ણ જાગીને સામે લડે તો ભારે પડી જાય, પણ તેને ઉંઘવાનું માફક આવી ગયું હતું. લંકાનરેશ તેને સુખેથી ઉંઘવા માટેની તમામ સુવિધાઓ પૂરી પાડતો હતો.  છતાં કુંભકર્ણ ઉંઘમાં ગબડે તો પણ થોડીઘણી ખુવારી થાય, એવી બીક આ વખતે હતી. વિભીષણ ક્યારનો આઘોપાછો થતો હતો. કોઇ રામ આવે તો તેની સાથે જોડાઇને, તેના જોરે લંકાનરેશને હરાવીને, લંકાની ગાદી મેળવી લેવાની ફિરાકમાં વિભીષણે બહુ રાહ જોઇ. પણ કોઇ રામ આવ્યા નહીં. એટલે એ પોતાની રીતે લંકાનરેશથી અલગ થયો અને વાનર, રીંછ, ખિસકોલી જે મળ્યાં તેમનું સૈન્ય બનાવવાનું કામ ચાલુ કર્યું.

લંકાનરેશના સૈન્ય આગળ આ બધાની શી વિસાત? છતાં લંકાનરેશને ઉચાટ થતો હતો. કારણ કે લશ્કરમાં કાયમી સૈનિકોને બદલે ટૂંકા પગારવાળા સૈનિકસહાયકોની ભરતી કરવામાં આવી હતી. કુપોષણથી પીડાતા સૈનિકસહાયકો લંકા માટે યુદ્ધ જીતી લાવશે, એવી ગોળી લંકાનરેશે લંકાના નાગરિકોને પીવડાવી દીધી હતી, પણ એ પોતે અંદરથી સચ્ચાઇ જાણતો હતો. અઘૂરામાં પૂરું, ઇન્દ્રજિત લંકામાં આવી શકે એમ ન હતો. તેના કેટલાય વફાદાર સિપાહીઓ ઇન્દ્રજિત અને લંકાનરેશને રાજી કરવા માટે સોનેરી મૃગનાં એન્કાઉન્ટર કરવા જંગલમાં ગયા, ત્યાં એવા ઘાયલ થયા હતા કે તે કવિતા લખવા સિવાય બીજા કોઇ કામના રહ્યા ન હતા.

આખરે યુદ્ધ છેડાયું ત્યારે શું થયું? કુંભકર્ણ જાગ્યો? વિભીષણની પરચૂરણ સેના કેવું લડી? અને લડાઇ પછી જંબુદ્વીપનું રાજપાટ મેળવવાના લંકાનરેશના સ્વપ્નનું શું થયું?

આ સવાલોનો જવાબ મળે તે પહેલાં આંખ ખુલી ગઇ. એ સાથે જ વાલ્મિકી અદૃશ્ય અને લંકાયણ અઘૂરું રહી ગયું.

Tuesday, August 14, 2012

અન્ના આંદોલન: તળેટીથી નીચે તરફ

(written on 11- 8 - 12)

અમે તો પહેલેથી જ કહેતા હતાઅથવા અમે નહોતું કહ્યું?’ એવું બોલીને, એકબીજાને તાળી આપવા જેવું એમાં કશું નથી. અન્ના હજારેના જનલોકપાલ માટેના આંદોલનનો અંત, રણપ્રદેશમાં દિશાવિહીન બન્યા પછી મોતને ભેટતા મુસાફર જેવો કરુણ આવ્યો. આ કિસ્સામાં તેના માટે રણની નિષ્ઠુરતા કરતાં પણ વધારે જવાબદારી, દિશાભાન વિના નીકળી પડેલા કે દિશા ભૂલી ગયેલા મુસાફરોની ગણાવી જોઇએ.

અન્ના આંદોલનનો કરૂણાંત એક નાગરિક તરીકે મિશ્ર લાગણી પ્રેરે છેઃ ચૂંટાયેલા રાજકારણીઓને ડારો દેવાની- તેમને ઉત્તરદાયી બનાવવાની દિશામાં માંડ ઊભી થનારી એક તક વેડફાઇ ગઇ તેનો ખટકો રહે છે. સાથોસાથ, ટૂંકી દૃષ્ટિ અને ભ્રમણાઓની માયાજાળમાં ગરક અન્નામંડળીને બોધપાઠ મળ્યો તે જરૂરી પણ લાગે છે.

કોરી નિષ્ફળતા
હોલિવુડની ટ્રેઝરહન્ટ પ્રકારની ફિલ્મોમાં મોટે ભાગે એવું બને છેઃ જુદાં જુદાં હિત અને ખાસિયતો ધરાવતા લોકો એક જ સ્વાર્થ માટે ભેગા થાય, ટીમ બનાવે, અભિયાન આદરે, તેની તીવ્રતા વધે તેમ એક યા બીજા કારણસર અમુક માણસો અધવચ્ચેથી ખરતા જાય અને નવા ઉમેરાય પણ ખરા. આખરે ખજાનો હાથવેંતમાં દેખાય - અને ત્યારે જ ખબર પડે કે ખજાનો તો બાજુ પર રહ્યો, જીવ બચાવવો હશે તો આવ્યા હતા એવા ને એવા, કોરાધાકોર, પાછા ફરવું પડશે.

અન્નામંડળની સ્થિતિ કંઇક એવી જ થઇ. મંડળી સાથે (તેમના મતે) છેક સુધી પહોંચ્યા પછી, રહીસહી આબરૂ બચાવવા માટે તેમને ઉપવાસ સંકેલી લેવા પડ્યા અને રાજકીય વિકલ્પ’  પૂરો પાડવાની જાહેરાત કરવી પડી. એ નામોશીથી બચવા માટે ઉતાવળે લેવાયેલું પગલું હતું કે પછી અન્નામંડળ વિકલ્પ પૂરો પાડવા માટે ગંભીર છે, એ હજુ નક્કી કહી શકાય એમ નથી. પરંતુ  મુંબઇ-દિલ્હી એમ બન્ને ઠેકાણે ખત્તા ખાધા પછી નજીકના ભવિષ્યમાં અન્નામંડળ ઉપવાસ માટે હિંમત નહીં કરે એટલું નક્કી લાગે છે.

ઇતિહાસ જોતાં જણાશે કે આંદોલનોની સફળતા કેવળ તેના અંતીમ પરિણામ પરથી નક્કી થતી નથી. ગાંધીજીના ઘણા સત્યાગ્રહોમાં તેમની માગણી પૂરેપૂરી સંતોષાઇ ન હોય એવા દાખલા છે. પરંતુ ગાંધીજીના સત્યાગ્રહોનો એક મુખ્ય આશય પ્રજામાં જાગૃતિ આણવાનો અને તેમને અંગ્રેજી શાસનની બીક છોડીને અહિંસક રીતે અન્યાયની સામે અવાજ ઉઠાવતા કરવાનો હતો. એ હેતુમાં ગાંધીજી ઘણી હદે સફળ થયા. અંગ્રેજ સરકારની ચાપલૂસી કરવામાં ગૌરવ અને તેમનાથી ડરવામાં સલામતી સમજતા સેંકડો સામાન્ય લોકો ગાંધીજીના સત્યાગ્રહોથી પ્રેરાઇને સરકાર સામે ઊભા થયા. ભારતીય સમાજમાં દયનીય સ્થિતિ ધરાવતી અને બેવડી ગુલામી ભોગવતી સ્ત્રીઓ ગાંધીજીનાં આંદોલનોથી ઘરની બહાર નીકળતી થઇ. એ દૃષ્ટિએ ગાંધીજીના નિષ્ફળ સત્યાગ્રહો પણ સફળ હતા. અન્ના હજારેનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન આ ફુટપટ્ટીથી માપતાં પણ ખાસ કશી ઉપલબ્ધિ હાથ લાગતી નથી.

કેન્દ્ર સરકારનાં સંખ્યાબંધ કૌભાંડ વિશે લોકોના મનમાં તીવ્ર અસંતોષ હતો. અન્ના આંદોલનથી તેને બહાર નીકળવા માટેનો રસ્તો મળ્યો. તેને લીધે અન્ના આંદોલનને બળ અને વેગ મળ્યાં. પરંતુ તેના માટે આમપ્રજાની ભ્રષ્ટાચારવિરોધી લાગણી મુખ્ય હતી. અન્ના આંદોલનની મુખ્ય માગણી જેવા જનલોકપાલની જોગવાઇઓ-મર્યાદાઓ વિશે ઘણાખરા આંદોલનકારીઓની સમજણ નહીંવત્‌ કે સાવ પ્રાથમિક હતી.

ચુનંદો વિરોધ
ભ્રષ્ટાચાર સામે આક્રોશ હોવો એ પણ સારી બાબત છે. અન્નાઆંદોલન એવો નક્કર આક્રોશ ઊભો કરી શક્યું હોત તો એ તેની સિદ્ધિ ગણાત. પરંતુ અન્ના આંદોલન સાથે જોડાયેલા બહુમતી વર્ગની માન્યતા એવી હતી કે ભ્રષ્ટાચાર એટલે બીજા કરે તે.ભ્રષ્ટાચારને તે ફક્ત રાજનેતાઓ સાથે સાંકળતા હતા. એમાં પણ અમુક ઉત્સાહીઓ ભ્રષ્ટાચારને કેવળ પોતાના અણગમતા પક્ષ સાથે જ સાંકળતા હતા. જેમ કે, અન્ના આંદોલનના ગુજરાતી સમર્થકોમાંથી ઘણાખરાને ગુજરાત સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વિશે કંઇ કહેવાનું ન હતું. ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક સામે સરકારી રાહે થયેલા અખાડા તેમની પટ્ટીબંધ આંખોને દેખાતા ન હતા. તેમને સૌથી વધારે કીકકોંગ્રેસને ગાળો દેવામાં આવતી હતી અને અન્ના આંદોલન એ માટે તેમને સૌથી હાથવગું લાગ્યું.

લોકશાહીમાં અને ખાસ કરીને કેન્દ્ર સરકારે જે રીતે વહીવટ ચલાવ્યો છે એ જોતાં, કોંગ્રેસને ભાંડવામાં કશું ખોટું નથી. પક્ષીય વફાદારી ન હોય એવા કોઇ પણ નાગરિકને યુપીએ સરકાર સામે અઢળક વાંધા હોય. પરંતુ એવા ગુજરાતી નાગરિકોને ગુજરાત સરકાર પર થયેલા ભ્રષ્ટાચારના આરોપના મુદ્દે પણ સવાલ થવા જોઇએ.

એવું ન હોય તેનો અર્થ એટલો કે એવો લોકો ગુજરાતના મુખ્ય મંત્રીના કે ભાજપના, બિલ્લાધારી કે બિલ્લા વગરના સમર્થક છે. છતાં પોતાનો રાજકીય એજેન્ડા છુપાવવા માટે તે ભ્રષ્ટાચારવિરોધી તરીકેનું મહોરું પહેરીને મેદાનમાં આવ્યા છે અને અન્ના હજારેના આંદોલનમાં ભળી ગયા છે. ભ્રષ્ટાચારનાબૂદીની વાતો તેમના માટે વેશનો હિસ્સો છે.

અન્ના આંદોલન આટોપાઇ ગયા પછી પણ આવા લોકોને ઓળખવાનું બહુ સહેલું છે. કેવળ ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા લોકો અન્ના આંદોલનની નિષ્ફળતા પછી અન્નામંડળે ક્યાં કાચુ કાપ્યું, ક્યાં બાફ્‌યું, ક્યાં અતિવિશ્વાસથી કામ લીઘું, કેવી વ્યૂહાત્મક ભૂલો કરી એ વિશે આત્મમંથન કરતા જણાશે. સાથોસાથ, ભવિષ્યમાં આ પ્રકારના આંદોલનમાં કેવી ચીવટ રખાવી જોઇએ એ સમજવાની કોશિશ પણ કરતા હશે. અન્ના આંદોલન જે કારણસર નિષ્ફળ ગયું એ મુદ્દા પહેલેથી ઊભા કરનારા તમામને કોંગ્રેસીકહીને ઉતારી પાડવામાં ઉતાવળ થઇ એવું, તેમને લાગતું હશે.

પરંતુ જે ભાજપી કાર્યકરોનો કે બિનકાર્યકરોનો એજેન્ડા માત્ર ને માત્ર કોંગ્રેસને ગાળો દેવાનો હતો, એવા લોકો આંદોલનની નિષ્ફળતામાંથી કશું શીખશે નહીં કે ન કોઇ જાતનો વસવસો અનુભવશે. ઊલટું, આ નિષ્ફળતા માટે પણ તે સરકારને અને મીડિયાને જવાબદાર ઠેરવશે. દુષ્ટ રાજકારણીઓ સામે ભલા આંદોલનકારીઓ હારી ગયા’  એવી જાતને છેતરતી ગેરમાન્યતાઓ ફેલાવવાના પ્રયાસ કરશે - અને હા, ગાળાગાળીનો કાર્યક્રમ ઉત્સાહભેર ચાલુ રાખશે.

બાબા-અન્ના શીર્ષાસન

અન્નામંડળના આંદોલનની અવગતિને વધારે તીવ્ર બનાવતી ઘટના છેઃ બાબા રામદેવના ઉપવાસ. યોગના ધંધામાં મોટું સામ્રાજ્ય ઉભું કરીને અઢળક સંપત્તિ અને તેને લગતા વિવાદો ધરાવતા રામદેવ ઘણા સમયથી કાળાં નાણાંની વાત કરે છે. વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં ભારતમાં આવવાથી ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવો પ્રચાર-લોલીપોપ તે સૌને આપે છે. યોગથી ભારતની બધી સમસ્યાઓ હલ થઇ જશે, એવું ગમ્મતમાં નહીં પણ ગંભીરતાથી કહેતા બાબા રામદેવને ભ્રષ્ટાચારના મુદ્દે કોઇ ગંભીરતાથી લેતું ન હતું. પરંતુ અન્ના હજારેનું આંદોલન શરૂ થયા પછી બાબાને વગર પ્રાણાયામે નવો પ્રાણવાયુ મળ્યો.

શરૂઆતમાં એવી પણ વાત હતી કે અન્નાના પહેલા આંદોલનને મળેલી સફળતા પાછળ બાબા રામદેવના સમૃદ્ધ આયોજનતંત્રનો મોટો ફાળો હતો. પરંતુ અન્ના હજારે રાષ્ટ્રિય હીરો બની ગયા, એ સાથે જ બાબા રામદેવ ખૂણે ધકેલાવા લાગ્યા. તેમના યોગસામ્રાજ્ય, રાજકીય સંબંધો અને ભગવાં કપડાં છતાં લોકોનાં ટોળાં અને પ્રસાર માઘ્યમો અન્ના હજારેના પક્ષે હતાં અને અન્ના તથા તેમનું મંડળ એ પ્રસિદ્ધિનો ભરપૂર આનંદ માણી રહ્યું હોય એવું જણાતું હતું.

રામલીલા મેદાનમાં બાબા રામદેવ અને તેમના અનુયાયીઓ પર અડધી રાત્રે પોલીસ ત્રાટકી ત્યારે અનુયાયીઓની ચિંતા કરવાને બદલે સ્ત્રીવેશમાં નાસી છૂટેલા બાબા રામદેવ ફરી આંદોલનના ચાળે નહીં ચડે એવું ત્યારે લાગતું હતું. પરંતુ છેવટે અન્નાને મળેલા થોડા સમય માટેના લોકસમર્થનની સામે બાબાના સામ્રાજ્યની તાકાતની જીત થઇ. અન્નાએ બાબા સાથે હાથ મિલાવવા પડ્યા અને તેમની સાથે સંયુક્તપણે પત્રકાર પરિષદ ભરવી પડી.

અન્ના આંદોલન માટે એ ભટકાવનો વઘુ એક મહત્ત્વનો પડાવ હતો. આર્થિક સામ્રાજ્ય-સમૃદ્ધિને કારણે ભ્રષ્ટાચારવિરોધી આંદોલનની નેતાગીરી માટે અયોગ્ય ગણાઇ જાય એવા બાબાની આણ અન્નાએ સ્વીકારવી પડી. બાબા રામદેવ અને અન્ના સમોવડીયા હોય કે બાબા અન્નાના માર્ગદર્શન નીચે કામ કામ કરે એવો કોઇ પ્રશ્ન જ ન હતો. બાબા રામદેવની બોડી લેંગ્વેજમાંથી પ્રગટ થતા સંકેત સ્પષ્ટ હતાઃ બાબાને અન્નામંડળ વગર ચાલશે, પણ અન્નામંડળનો બાબા વગર ઉદ્ધાર નથી.

આવનારા દિવસોમાં આ હકીકતનાં પ્રમાણ પણ મળી રહ્યાં.  અરવિંદ કેજરીવાલ પ્રણવ મુખર્જી સહિત નેતાઓનાં નામ પાડીને આક્ષેપ કરતા હતા ત્યારે બાબા રામદેવ તેમની ચિરપરિચિત ચબરાકી સાથે, સંબંધો બગાડ્યા વિના આંદોલન ચલાવવાના ઉપદેશ આપતા હતા અને અરવિંદ કેજરીવાલ-કિરણ બેદી એન્ડ કંપનીને જાણે સાનમાં સમજાવી રહ્યા હતા કે મારી સાથે કામ કરવું હોય, તો બોલવામાં ઘ્યાન રાખવું પડશે.અન્નાના છેલ્લા ઉપવાસ-ધબડકા પહેલાં કેજરીવાલ સહિત બીજા લોકો ઉપવાસ પર ઉતર્યા ત્યારે લોકોની સાવ પાંખી હાજરી હતી. પરંતુ ઉપવાસના સ્થળે બાબા રામદેવની સવારી આવી એ સાથે જ ચાર-પાંચ હજાર લોકો આવી ગયા. એ સાથે બાબા પર અન્નામંડળની છેલ્લી સરસાઇ પણ જતી રહીઃ  લોકોનાં ટોળાં માટે સુદ્ધાં બાબાને અન્નામંડળની નહીં, અન્નામંડળને બાબાની જરૂર હતી.

આ વળાંક પર આવી ઊભેલું અન્ના આંદોલન આટોપાઇ જાય તેનો વસવસો કેવો?

અફસોસ એ વાતનો છે કે અન્ના અને તેમના સાથીદારો થકી આંદોલિત થયેલા થોડાઘણા સાચકલા લોકોની આશા-અપેક્ષાઓ ચૂર થઇ. ભ્રષ્ટાચારવિરોધી જુવાળને ધીમે ધીમે પ્રજાલક્ષી-પ્રજાકેન્દ્રી આંદોલનોમાં વાળી શકાશે અને લાંબા ગાળે તમામ પક્ષોના નેતાઓની નીતિરીતિ પર કડક જાપ્તો રાખી શકાશે, એવો આશાવાદ નકરો આશાવાદ જ ઠર્યો. દુઃખ એ વાતનું પણ છે કે લોકપ્રિયતાની ટોચે પહોંચેલા આંદોલનમાં જરૂર પ્રમાણે દિશાસુધાર કરવાને બદલે, અન્નામંડળે તેને પોતાની ઘૂનમાં આગળ હંકારીને છેવટે તળેટીભેગું કર્યું. હવે પછીનાં સંભવિત, વ્યાપક સ્તરનાં પ્રજાકીય આંદોલનો માટેનો રસ્તો સાફસુથરો નહીં હોય. તેની પર અન્નાઆંદોલનનો ભંગાર નડતરરૂપ બને એ રીતે વેરાયેલો મળશે.

Sunday, August 12, 2012

રાતા ગ્રહનાં રહસ્યો ઉકેલનારી પ્રયોગશાળાનો ‘મંગળ’ પ્રારંભ

પૃથ્વીના પાડોશી મંગળ પર કદી જીવસૃષ્ટિ હતી? અત્યારે છે? અને ભવિષ્યમાં ત્યાં વસાહતો સ્થાપી શકાય એવી શક્યતા ખરી? આ સવાલોના ટકોરાબંધ જવાબ મેળવવા માટે ‘નાસા’/NASA ના  ‘ક્યુરિઓસિટી’/Curiosity એ સોમવારે હેમખેમ મંગળ પર ઉતરાણ કરી દીઘું છે. મંગળના સસ્પેન્સનો ‘ધ એન્ડ’ હવે હાથવેંતમાં છે. 


એમાં શી ધાડ મારી? ઘણાને થાય કે માણસો છેક ચંદ્ર પર જઇને સહીસલામત (ઘૂળઢેફાં સહિત) પાછા આવી શકતા હોય, તો એક  હરતીફરતી પ્રયોગશાળાનું મંગળ પર ઉતરાણ થાય, એમાં આટલો હરખ શા માટે?

તેનો પહેલો અને ટૂંકો જવાબઃ ચંદ્ર પૃથ્વીથી ‘ફક્ત’ ૩.૮૪ લાખ કિલોમીટર દૂર છે, જ્યારે મંગળનો ગ્રહ ‘પાડોશી’ હોવા છતાં, પૃથ્વી અને મંગળ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર આશરે ૫.૫૭ કરોડ કિલોમીટર છે. વઘુમાં વધુની વાત જ ન પૂછો. (આશરે ૪૦.૧૩ કરોડ કિલોમીટર)

ચંદ્ર કરતાં ૧૦૦ ગણાથી પણ વધારે અંતર એ પહેલી મુશ્કેલી ખરી, પણ છેલ્લી હરગીઝ નહીં. આટલે દૂર મંગળ પર અમેરિકન અવકાશ સંસ્થા ‘નાસા’ અગાઉ ૨૦૦૪માં ‘સ્પિરિટ’ અને ‘ઓપર્ચ્યુનિટી’ જેવાં યાંત્રિક સાધનો સફળતાપૂર્વક ઉતારી ચૂકી છે, પણ તેમનાં કદકાઠી મોટા કદનાં રમકડાં જેવાં અને ક્ષમતા મર્યાદિત હતી.

તેમની સરખામણીમાં ‘ક્યુરિઓસિટી’ મોટી સાઇઝની કાર જેવું તોતિંગ છેઃ ૧૦ ફૂટ લાંબું, ૯  ફૂટ પહોળું, ૭ ફૂટ ઊંચું. તેનો ‘હાથ’ ૭ ફૂટ જેટલો લાંબો થઇ શકે છે. ૯૦૦ કિલોની આ કાયામાં દસ જાતનાં વિશિષ્ટ સાધનો ગોઠવેલાં છે, જે મંગળના વાતાવરણ અને તેના ખડકોના બંધારણથી માંડીને કોસ્મિક રેડિએશન, પાણી અને જીવસૃષ્ટિની શક્યતાઓ વિશે આધારભૂત માહિતી, તસવીરો અને વિડીયો પૂરાં પાડશે.

‘ક્યુરિઓસિટી’નાં સાધનોમાં સર્વાનુમતે સૌથી ખાસ હોય તો એ છેઃ ‘કેમ-કેમ’. આખું નામઃ લેસર-ઇન્ડ્યુસ્ડ રીમોટ સેન્સિંગ ફોર કેમિસ્ટ્રી એન્ડ માઇક્રો-ઇમેજિંગ. નામ પ્રમાણે તેનું કામ છેઃ લેસરનો શેરડો તાકીને એટલા ભાગના ખડકને વરાળમાં ફેરવી દેવાનો. ‘ક્યુરિઓસિટી’ પ્રયોગશાળામાં રહેલું સાધન- સ્પેક્ટ્રોગ્રાફ - એ વરાળનું પૃથક્કરણ કરીને ખડકોનું બંધારણ અને તેના રાસાયણિક ગુણધર્મોની માહિતી આપી દેશે. આ લેસર ૨૩ ફૂટની દૂરી સુધીના ખડકના ૧ મિલીમીટર કરતાં પણ નાના હિસ્સાને વરાળના ‘સેમ્પલ’માં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવે છે.


...પણ વાત જરા આગળ પહોંચી ગઇ. આ બધી ‘જો ‘ક્યુરિઓસિટી’નું મંગળ પર બરાબર ઉતરાણ થાય તો’- ની વાત છે. પરંતુ તોંતેર મણના ‘તો’નો ફૂલપ્રૂફ ઉકેલ કેવી રીતે આણવો? એ માટે ‘નાસા’એ નવો અખતરો કર્યો અને તે સંપૂર્ણપણે કામયાબ નીવડ્યો.  ૯૦૦ ટનનું ‘ક્યુરિઓસિટી’ મંગળની ધરતી પર જરાસરખી પછડાટ ખાધા વિના કેવી રીતે ઉતર્યું, તેનું વર્ણન અને ઇન્ટરનેટ પર જોવા મળતી તેની વિડીયો ક્લિપ વિજ્ઞાનકથાનો મસાલો લાગેઃ

૨૬ નવેમ્બર, ૨૦૧૧ના રોજ પૃથ્વી પરથી રવાના થયેલું, ઉડતી રકાબી આકારનું એક યાન પૂરવેગે મંગળ તરફ ધસી રહ્યું છે. આશરે ૮ મહિનામાં ૫૬.૬ કરોડ કિલોમીટર કાપ્યા પછી તે મંગળના મુકામે પહોંચે છે. મંગળની સપાટીથી ૧૨૫ કિલોમીટરની ઊંચાઇએ તેનો વેગ ૨૧ હજાર કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. એ ગતિએ મંગળના વાતાવરણમાં પ્રવેશતી વખતે ખરા અર્થમાં તેની અગ્નિપરીક્ષા થાય છે.  ઘર્ષણને કારણે યાનને પ્રચંડ ગરમી (આશરે ૧૬૦૦ અંશ સે.) ખમવાની આવે છે. તેમાંથી પાર ઉતર્યા પછી મંગળની ધરતીથી ૧૧ કિલોમીટરની ઊંચાઇ પર, યાનની ખાસ જાતની સુપરસોનિક પેરાશૂટ ખુલે છે. યાનનો વેગ ઘટીને ૧૪૦૦ કિલોમીટર પ્રતિ કલાક થાય છે.
ક્યુરિઓસિટીના મંગળ પર ઉતરાણ વેળાની અસલી તસવીર
ધસમસતા વેગમાં તૂટીફૂટી જવાને બદલે પ્રચંડ દબાણ સહી શકે એવી પેરાશૂટના જોરે ‘ઉડતી રકાબી’ વઘુ ૩ કિલોમીટર નીચે ઉતરે છે. એ તબક્કે પ્રચંડ ગરમીથી યાનનું રક્ષણ કરનાર, નીચલો રક્ષણાત્મક હિસ્સો (હીટ શિલ્ડ) અલગ પડી જાય છે. હવે યાન મંગળની સપાટીથી ફક્ત ૧.૬ કિલોમીટર દૂર રહ્યું છે, પરંતુ તેનો વેગ હજુ કલાકના ૨૮૮ કિલોમીટર જેટલો છે. આ ઝડપ જળવાઇ રહે તો યાન મંગળ પર ઉતરવાને બદલે અફળાય. આ તબક્કે ગોઠવણ પ્રમાણે, યાનનો ઉપરનો હિસ્સો અને તેની સાથે જોડાયેલી પેરાશૂટ અલગ પડી જાય છે. બાકી રહેલા હિસ્સાને જમીન પર ઉતારવા માટે નિયંત્રીત ગતિ-દિશા ધરાવતાં રોકેટ ચાલુ થાય છે.

લેન્ડિંગનો દિલધડક હિસ્સો હજુ બાકી છે. મંગળની સપાટી ૬૬ ફૂટ દૂર હોય ત્યારે, ઉડતા હેલિકોપ્ટરમાંથી દોરડું પકડીને નીચે ઉતરતા માણસની જેમ, યાનના ઉપરના હિસ્સા(સ્કાય ક્રેન)માંથી ૯૦૦ કિલો વજનનું ‘ક્યુરિઓસિટી’ ધીમે ધીમે નીચે ઉતરે છે. આખરે તેનાં છ પૈડાં  જરાય આંચકા કે આઘાત વિના મંગળની ભૂમિને સ્પર્શે છે. તેમના વજન પર આખા ‘ક્યુરિઓસિટી’નું માળખું ગોઠવાય છે. હવે ઉપર લટકતા અને રોકેટના પાવરથી સંચાલિત, સ્કાય ક્રેન સાથે છેડા છૂટા કરવાનો સમય છે. ‘ક્યુરિઓસિટી’ સલામત ઉતરાણ કરે એ સાથે જ રોકેટના બળે સ્કાયક્રેનનું માળખું દૂર ઉડી જાય છે અને મંગળની વિશાળ વેરાન ધરતી પર રહી જાય છે માણસજાતે મોકલેલું અત્યાર સુધીનું સૌથી મોટું યાન.  તેને એમએસએલ- માર્સ સાયન્સ લેબોરેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંગળના વાતાવરણમાં પ્રવેશ્યા પછી ફક્ત સાત મિનીટમાં- અંદાજે ૪૧૬ સેકન્ડમાં -આખો ખેલ પૂરો થાય છે, પરંતુ આ સાત મિનીટનું વર્ણન વાંચતાં જણાશે કે તેમાં ડગલે ને પગલે ગરબડ થવાનો સંભવ રહેલો છે. એવું થાય તો અઢી અબજ ડોલર (મંગળની) માટીભેગા. પરંતુ ‘નાસા’ ટીમની એ સિદ્ધિ છે કે આટલા ‘જો’ અને ‘તો’ વચ્ચે ‘ક્યુરિઓસિટી’ સોમવારે મંગળ પર પહોંચી ગયું અને સલામત પહોંચ્યાના પુરાવા તરીકે પોતાની તસવીર પણ મોકલી આપી. મંગળથી પૃથ્વી પર સંદેશો પહોંચતાં ૧૪ મિનીટ જેટલો સમય લાગે છે. એટલે મંગળના વાતાવરણમાં પ્રવેશતી વખતે ‘ક્યુરિઓસિટી’નો ઘડોલાડવો થઇ જાય, તો ‘ખાક હો જાયેંગે હમ, તુમકો ખબર હોને તક’ એ પંક્તિ શબ્દાર્થમાં સાચી પડે.
મંગળ પર જીવસૃષ્ટિની કલ્પનાનું કાર્ટૂનસ્વરૂપ
‘ક્યુરિઓસિટી’ને મંગળ પર બે વર્ષની મુદત મળી છે. અલબત્ત, અગાઉ મોકલાયેલાં નાના કદનાં ‘રમકડાં’ની જેમ તેની કાર્યક્ષમતા જળવાઇ રહે તો તેનો કાર્યકાળ વધી શકે છે. પરંતુ તેનું પ્રાથમિક કામ મંગળ પર જીવસૃષ્ટિની અથવા તેની શક્યતાની તલાશ કરવાનું છે. પૃથ્વી પર સામાન્ય અનુભવ એવો રહ્યો છે કે જળ હોય ત્યાં જીવન પાંગરે. મંગળ પરની ખડકરચનાઓ સૂચવે છે કે ત્યાં અગાઉ પાણી હોવું જોઇએ. જો પાણી હોય તો જીવસૃષ્ટિ પણ પાંગરી હોય. આ ઉપરાંત, મંગળ અત્યારે નપાણિયો હોય તો પાણી વિનાની ધરતીમાં કેવી ખનીજો હોય? તેમનું બંધારણ કેવું હોય? સજીવની હાજરી સૂચવતો મિથેન વાયુ મંગળના વાતાવરણમાં મોજૂદ છે? ચુંબકીય ક્ષેત્ર ન હોવાને કારણે કોસ્મિક વિકિરણોનો સીધો માર ભોગવતા મંગળ પર માણસને મોકલી શકાશે?

આવી અનેક ક્યુરિઓસિટી- જિજ્ઞાસાઓ સંતોષવા માટે ફોટો અને વિડીયો કેમેરાથી માંડીને પ્રયોગશાળાનાં સાધનો મંગળ પર પહોંચી ચૂક્યાં છે. નજીકના ભવિષ્યમાં રાતા ગ્રહ મંગળનાં રહસ્યો પર રહેલા પરદા એક પછી એક ખુલશે અને માનવજાતના જ્ઞાનના સીમાડા વધારતા રહેશે.

Wednesday, August 08, 2012

ઓલિમ્પિકમાં ભારતઃ નવી દૃષ્ટિએ


દર ચાર વર્ષે એક વાર ભારતમાં કકળાટની સીઝન આવે છે. દુનિયા તેને ઓલિમ્પિક રમતોત્સવના નામથી ઓળખે છે. કકળાટનો મુદ્દો એ નથી કે ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કેમ નથી થતું. સુરેશ કલમાડી જેવા જીવો ભારતમાં ઓલિમ્પિક યોજવા માટે ત્રાગું કરી શકે છે- એટલે કે જંતરમંતર પર કે રામલીલા મેદાન પર ઉપવાસ કરી શકે છે. સીઘું ગણિત છેઃ કોમનવેલ્થ ગેમ્સમાં અમુક રકમનાં કૌભાંડ થયાં, તો તેનાથી અનેક ગણી મોટી ઓલિમ્પિકમાં તેના ઘ્યેયમંત્ર પ્રમાણે ‘ફાસ્ટર, હાયર અને સ્ટ્રોંગર’ કૌભાંડ કરવાની તક મળે કે નહીં?

પરંતુ ચતુર્વર્ષી લોહીઉકાળાનો મુખ્ય મુદ્દો છેઃ એક અબજની વસ્તીમાં એક પણ ગોલ્ડમેડલ નહીં? વસ્તીનો આંકડો સામાન્ય રીતે બહુ ન ઉછાળાતો મુદ્દો છે. પહેલાં પાંચ કરોડ, પછી સાડા પાંચ કરોડ અને હવે છ કરોડ ગુજરાતીઓના હિતરક્ષણની દુહાઇઓ આપીને ગુજરાતના મુખ્ય મંત્રીએ સૌને ગુજરાતની વસ્તી મોઢે કરાવી દીધી છે. રાષ્ટ્રની વસ્તીના આંકડા માટે એવું ખાસ બનતું નથી, પરંતુ ઓલિમ્પિક આવે ત્યારે રટણ શરૂ થઇ જાય છેઃ એક અબજની વસ્તીમાં...

ટીકા કરનારા ભૂલી જાય છે કે હમ ઇસ દેશકે વાસી હૈ જહાં, વાલ્મિકી કે તુલસીદાસ થકી નહીં તો રામાનંદ સાગરના પ્રતાપે પણ, રામાયણની કથા સૌ જાણે છે. સીતાજીએ સુવર્ણમૃગ માટે કરેલી જિદ અને તેનાં પરિણામો હજુ લોકો ભૂલ્યા નથી. સામાન્ય રીતે બોધપાઠ લેવામાં ઉદાસીન ભારતીયોએ ત્યારથી સુવર્ણ પાછળ નહીં દોડવાની ગાંઠ વાળી હોય, એવું ઓલિમ્પિકમાં ભારતીયોના ઇતિહાસ પરથી સ્પષ્ટ તારવી શકાય છે. ભારતીયોને સોનું વહાલું છે એની ના નહીં, પણ એના માટે આટલા બધા લોહીઉકાળા કરવાની શી જરૂર?

ચચ્ચાર વર્ષ સુધી દિવસ-રાત પ્રેક્ટિસ કરવી, તનતોડ મહેનત કરવી ને તાલીમ માટે અઢળક ખર્ચા કરવા- એટલી મહેનત ધંધામાં કરીએ કે એટલું રોકાણ શેરબજારમાં કરીએ તો, આપણે બીજાને સુવર્ણચંદ્રકો આપવા જેટલું કમાઇ શકીએ. આ સચ્ચાઇ હર્ષદ મહેતા-કેતન પારેખના દેશના વાસીઓ ન જાણતા હોય? કેટલાક ઉત્સાહીઓ સુવર્ણચંદ્રક સાથે સંકળાયેલા અમરત્વ અને ગૌરવના મુદ્દા આગળ લાવે છે, પણ સાચું કહેજોઃ ઓલિમ્પિકમાં અનેક વાર હોકીમાં સુવર્ણચંદ્રક જીતનાર ટીમના ઘ્યાનચંદનું નામ કેટલાને યાદ છે? (એ સિવાયના સભ્યોની તો વાત જ નથી.) તેમની સરખામણીમાં સોનાની દાણચોરી કરતા હાજી મસ્તાન ટાઇપના દાણચોરોને હજુ લોકો યાદ કરે છે અને આટલાં વર્ષે પણ તેમના જીવન પરથી ફિલ્મો બનાવે છે.

ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મળતા નથી, એવાં રોદણાં રડનારા ભૂલી જાય છે કે ભારત રેંજીપેંજી, ભીખારી દેશ નથી. તે ભાવિ સુપરપાવર છે. ત્યાં વગર દોડે કે ફેંકે કે કૂદે અબજોના અબજો રૂપિયા આમથી તેમ થઇ જાય છે. એ દેશના નાગરિકો સોનાના ટુકડા ખાતર ઉચ્ચ ભૂમિકા પરથી નીચે ઉતરીને તમે કહો તેમ દોડવા તૈયાર ન થઇ જાય. સોનાનો મોહ છોડવાનું ભલે ભારતીયોના હાથમાં ન હોય, પણ સોનું ખરીદવા જેટલી ક્ષમતા તેમનામાં હજુ બરકરાર છે. વિશ્વભરમાં સોનાની ખરીદી કરવામાં ભારતીયો મોખરે છે અને સુવર્ણચંદ્રક મેળવવામાં એ સૌથી છેલ્લે- આ બન્ને બાબતો એકસાથે મૂકીને જોવાનું અભ્યાસીઓને કેમ સૂઝતું નહીં હોય?

દેખાદેખી માણસની દૃષ્ટિ હણી લે છે. એટલે ઓલિમ્પિક રમતોમાં મેડલોની યાદી બહાર પડે અને તેમાં બીજા દેશોની સરખામણીએ ભારત બહુ પાછળ હોય એટલે હાયવોય શરૂઃ એક અબજની વસ્તીમાં... ઉત્સાહીઓ વળી ચીનના દાખલા આપીને ભારતને શરમાવવાનો પ્રયાસ કરે છે. ભાઇ, ચીન ચીન છે ને ભારત ભારત. ચીનમાં સામુહિક હત્યાકાંડો થાય ત્યારે સરકાર તેને વાજબી ઠરાવતી નથી. એ માહિતી પર ઢાંકપિછોડા કરે છે, જ્યારે ભારતમાં કેન્દ્ર-રાજ્યની સરકારો હત્યાકાંડોને આઘાત-પ્રત્યાઘાતની થિયરી આપીને વાજબી ઠેરવે છે, ખાનગીમાં તેના વિશે ગૌરવ લે છે, તેમાંથી પોતાની છબી બનાવે છે અને લોકપ્રિયતાની સાથે મત પણ મેળવે છે.

તેમ છતાં,  સરખામણીની ધોંસ વધી જાય અને ભારતને ધરાર નીચાજોણું કરવાની કાવતરાબાજી વધી પડે ત્યારે વિવેક છોડીને કહેવું પડે છે કે ભારતમાં છે એવા ચેમ્પિયન જગતમાં ક્યાંય નથી. પરંતુ તેમની કદર કરવી ન પડે, એ માટે ઓલિમ્પિક કમિટીવાળા અમુક ભારતીય રમતો સ્પર્ધામાં રાખતા નથી. વિરોધાભાસો જીવવા અને જીરવવા એ ભારતની નીયતી છે. કોઇ પણ ભોગે અમેરિકા જવાની લાલસા અને આપણી સંસ્કૃતિ શ્રેષ્ઠ હોવાનું ગુમાન એકસાથે રહી શકે છે, એવી જ રીતે સહેલાઇથી ગોલ્ડમેડલ જીતી શકે એવા પ્રતિભાશાળીઓ અને મેડલની યાદીમાં ગોલ્ડમેડલનો અભાવ- આ બન્ને પણ ભારતના મામલે એકસાથે બની શકે છે.

કઇ છે એ રમતો, જે ઓલિમ્પિક કમિટીવાળા અંચઇ કરીને ભારતને ગોલ્ડમેડલથી વંચિત રાખવા માટે યોજતા નથી? કેટલાંક ઉદાહરણ.

સિરીઅલ ફાસ્ટ

ના, ફાસ્ટ દોડવાની વાત નથી, પણ ફાસ્ટ (ઉપવાસ) કરવાની રમતની વાત છે. ઓલિમ્પિક સ્પર્ધાઓ ચાલે એ દરમિયાન કયો ખેલાડી સૌથી વઘુ ઉપવાસ ખેંચી શકે છે, એવી સ્પર્ધા રાખવામાં આવે તો  કોઇની તાકાત છે કે અન્ના હજારેને ગોલ્ડમેડલ મેળવતાં અટકાવી શકે? હવે છેલ્લા ઉપવાસ પછી અરવિંદ કેજરીવાલ પણ સિલ્વર મેડલ લઇ આવે એવા થઇ ગયા છે. બસ, ઓલિમ્પિક કમિટીએ આ સ્પર્ધા પૂર્વે એટલું જાહેર કરવું પડે કે અમે ઓલિમ્પિક રમતોને જનલોકપાલના સત્તાક્ષેત્રથી બહાર રાખવા ઇચ્છીએ છીએ.

સ્પેક્ટ્રમ-વહેંચણી

દુનિયાના ભલભલા પ્રગતિશીલ દેશોને મોબાઇલ સેવાઓના સ્પેક્ટ્રમની વહેંચણીમાં ઘણો સમય લાગી જાય છે. તેમના ખેલાડીઓ હજુ તો વિચારતા હોય ત્યાં ભારત તરફથી મેદાને પડેલા એ.રાજા દોડવીર  બોલ્ટ કે તરવૈયા ફેલ્પ્સને ચકિત કરી દે એટલી ઝડપે સ્પેક્ટ્રમની વહેંચણી કરીને અચૂક ગોલ્ડમેડલ પ્રાપ્ત કરે. શરત એટલી કે સ્પેક્ટ્રમની વહેંચણીમાં લાભાર્થી તરીકે એમની સાથે સાંઠગાંઠ ધરાવતી કંપનીઓ હોવી જોઇએ અથવા એ કંપનીઓ સાથે તેમનું ગોઠવાઇ શકશે, એની તેમને ખાતરી હોવી જોઇએ.

બોલ-ટેનીસ

આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ભારત સામે કેવું કાવતરું ચાલે છે, તેનો વઘુ એક નમૂનો છે. ટેનીસની રમતનો સાર આખરે શું છે? કોર્ટમાં પહોંચ્યા પછી બોલ સતત સામેના ખેલાડી તરફ મોકલી આપવાનો એ જ ને? આ રમતાં ભારતના નેતાઓને કોઇ પહોંચી વળે એવું લાગે છે? જો બોલીને ટેનીસ રમવાની મેચ રાખવામાં આવે તો ભારતીય નેતાઓ ફક્ત સુવર્ણ જ નહીં, તમામ ચંદ્રકો જીતી જાય. એ સંભાવના ટાળવા માટે ટેનીસમાં રેકેટ અને બોલ જેવાં બાહરી તત્ત્વો દાખલ કરવામાં આવ્યા. જે કામ પરસેવો પાડ્યા વિના, (રીઝર્વ બેન્કનાં અને અન્ય) કાગળીયાંના જોરે થઇ શકતું હતું તે- કોર્ટમાં સામેના પક્ષે બોલ મોકલી આપવાના- કામ સાથે દોડાદોડ અને શારીરિક મજૂરી સાંકળી લેવામાં આવ્યા, જેથી ભારતના નેતાઓ તેમાં ભાગ લેવા ઉતરે જ નહીં.

Tuesday, August 07, 2012

આસામની હિંસાઃ મૂળીયાં અને ફળ


જુલાઇ ૨૦૧૨ના છેલ્લા અઠવાડિયામાં, આસામ ભારતમાં છે તે ફરી એક વાર યાદ આવ્યું. સ્થાનિક બોડો આદિવાસી અને (મુખ્યત્વે બાંગલાદેશથી આવીને વસેલા) મુસ્લિમો વચ્ચેની હિંસાનો સિલસિલો વ્યાપક બન્યો. સરકારી અંદાજ પ્રમાણે ૪૦નાં મરણ થયાં ને સેંકડો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને ભાગ્યા. હુલ્લડબાજીને કારણે ૭૨ કલાક સુધી આસામ સાથે બંગાળ, દિલ્હી અને બાકીના ભારતનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતાં હજારો મુસાફરો પ્લેટફોર્મ પર અટવાઇ ગયા. દરમિયાન કોંગ્રેસી મુખ્ય મંત્રી તરુણ ગોગોઇ ચુસ્તીથી સક્રિય થવાને બદલે કેન્દ્ર સરકારની સામે ટાંપીને બેસી રહ્યા.

અહેવાલો પ્રમાણે હવે રાજ્યમાં શાંતિ છે. ખરેખર તો એમ કહેવું જોઇએ કે ફક્ત હિંસા અટકી છે.

એ વધારે સાચું છે. કારણ કે આ વખતની હિંસા ભલે શમી હોય, પણ તેને પેદા કરનારા અને ભડકાવનારાં કારણ યથાવત્‌ ઊભાં છે. તેમાં ઉતરતાં પહેલાં, કશી ટીકાટીપ્પણ વગર, ટૂંકમાં જે બન્યું તેનો ઘટનાક્રમઃ

૧૯ જુલાઇ, ૨૦૧૨ના રોજ કોકરાઝારમાં બે મુસ્લિમો પર હુમલો થયો. એ માટે ‘બોડો લિબરેશન ટાઇગર્સ’ના માણસો તરફ આંગળી ચીંધાઇ. ૨૦ જુલાઇની રાતે, ચાર બોડો ટાઇગર્સને ટોળાંએ ખતમ કરી નાખ્યા. ૨૧ જુલાઇથી આસામના ત્રણ જિલ્લામાં બોડો લોકોએ મુસ્લિમો પર વ્યાપક હુમલા કર્યા. સરકારી અંદાજ પ્રમાણે ૪૦નાં મોત થયાં. (બીજા અંદાજ પ્રમાણે, પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા ૭ સહિત ૫૭ જણે જીવ ખોયા.) બીજા સેંકડો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને નાઠા. તેમનાં ખોરડાં સળગાવી દેવાયાં. હિંસાનો દૌર ચલાવ્યા પછી, હિંસા કરનારા પોલીસપગલાંની બીકે નાસવા લાગ્યા. આમ,  જુદા જુદા અંદાજો પ્રમાણે દોઢ લાખથી માંડીને ચાર લાખ લોકો બેઘર થયાના આંકડા મુકાયા. તેમાંથી ઘણા સરકારે ઊભી કરેલી અને પ્રાથમિક સુવિધાઓ વગરની  રાહતછાવણીઓમાં જઇને રહ્યા.

આસામની હિંસા સમાચારોનાં મથાળે આવી અને હોહા થઇ એટલે વડાપ્રધાને આસામની મુલાકાત લીધી. મુખ્ય મંત્રી ગોગોઇએ હિંસાને તત્કાળ કાબૂમાં લેવાની પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે, થોડા દિવસ પછી ‘સબસલામત’ અને ‘પરિસ્થિતિ કાબૂમાં’ હોવાનો દાવો કર્યો. રાજ્યના ૨૮માંથી ફક્ત ૪ જિલ્લામાં હિંસા ફેલાઇ હોવાથી ‘આખું રાજ્ય સળગે છે’ એવું કહેતાં પ્રસાર માઘ્યમોને ઠપકો આપ્યો. તાજા ભૂતપૂર્વ ગૃહમંત્રી બનેલા ચિદમ્બરમે કહ્યું કે બધા લોકોએ એકબીજાની સાથે શાંતિથી રહેતાં શીખવું પડશે. ભાજપી નેતા અડવાણીએ આસામની મુલાકાત પછી કહ્યું કે આ સમસ્યાને હિંદુ-મુસ્લિમ સંઘર્ષના માળખામાં જોવાને બદલે, તેને દેશી વિરુદ્ધ વિદેશી (બાંગલાદેશી)ના પ્રશ્ન તરીકે જોવી જોઇએ.

આસામની સ્થિતિનો શક્ય એટલી વ્યાપક રીતે ખ્યાલ મેળવવા માટે સમસ્યાનાં વિવિધ પાસાંની તથ્યો અને આંકડા આધારિત જાણકારી મેળવીએ.

બાંગલાદેશી- મુસ્લિમ પાસું

આસામની વર્તમાન કોમી હિંસા જ નહીં, સ્થાનિક બોડો લોકોના એકંદર અસંતોષ માટે ‘ગેરકાયદે ધૂસી આવતા બાંગલાદેશી મુસ્લિમો’ જવાબદાર હોવાનું ઘણાને લાગે છે. આવું નિદાન કરનારા દ્વારા અપાતાં કેટલાંક મુખ્ય કારણઃ

૧) આસામ અને બાંગલાદેશ વચ્ચેની પોલી સરહદેથી સંખ્યાબંધ બાંગલાદેશી મુસ્લિમો આસામમાં આવી પહોંચે છે. ત્યાં રહેતાં તેમનાં સગાવહાલાં કે પરિચિતો તેમને સ્થાયી થવામાં મદદરૂપ થાય છે. ઘણી વાર ધૂસણખોર આસામ પહોંચે તે પહેલાં તેના બનાવટી દસ્તાવેજ આસામમાં રહેતાં તેનાં પરિચિતો તૈયાર કરી નાખે છે.

૨) ગેરકાયદે ધૂસી ગયેલા બાંગલાદેશી મુસ્લિમોના મત મેળવવા માટે કોંગ્રેસ તેમના પ્રત્યે આંખ આડા કાન કરે છે અથવા તેમને પ્રોત્સાહન - અને નાગરિકત્વ- મતાધિકાર આપે છે.

૩) આસામમાં મુસ્લિમોનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે સ્થાનિક બોડો આદિવાસી લોકો ખૂણે હડસેલાઇ રહ્યા છે. બોડો લોકોના મનમાં સતત વધતો અસલામતીનો અહેસાસ તનાવ અને સરવાળે અથડામણ- હિંસાને જન્મ આપે છે.

૪) ગેરકાયદે ધૂસતા બાંગલાદેશીઓ રાજ્યનાં જમીન-સંસાધનોમાં ભાગ પડાવે છે અને વખત જતાં કબજો જમાવે છે. તેને કારણે સ્થાનિક બોડો આદિવાસીઓ પોતાના જ વતનમાં બિચારા બની જાય છે.

૫) દેશની સરહદે આવેલા રાજ્યમાં બીજા દેશના લોકો ધૂસી આવે અને રહી પડે એ ચંિતાજનક છે. છતાં, સરકાર એ વાતની ગંભીરતા સમજતી નથી.

આગળ જણાવેલા મુદ્દામાં તથ્યોની સાથોસાથ થોડી પૂર્વગ્રહનીભેળસેળ અને થોડો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય- આંકડાકીય વાસ્તવિકતાનો અભાવ પણ રહેલો છે.

ઐતિહાસિક પાસું

આસામ સમસ્યાની વાત કરતી વખતે બે પ્રાથમિક મુદ્દા સૌથી પહેલાં ઘ્યાનમાં રાખવા પડેઃ આસામના બધા મુસ્લિમો ગેરકાયદે બાંગલાદેશી ધુસણખોરો નથી. માટે, તે સ્થાનિક આદિવાસી બોડો લોકો સહિત બીજા ભારતીય નાગરિકો જેટલા જ અધિકાર ધરાવે છે.

બીજી વાતઃ આસામમાં બોડો એકમાત્ર આદિવાસી સમુહ નથી. કુલ ૩૪ આદિવાસી સમુહોમાં તેમનો સમુહ સૌથી મોટો, રાજકીય દૃષ્ટિએ સૌથી બોલકો અને સંગઠિત છે. તેમના મનમાં પેદા થયેલી અન્યાયની લાગણી માટે કેવળ બાંગલાદેશી ધૂસણખોરો કે કેવળ મુસ્લિમો કારણભૂત નથી. એ સિવાય સંથાલ આદિવાસીઓ સાથે બોડો લોકોના હિંસક સંઘર્ષનો પણ ઇતિહાસ છે.

આસામમાં મજૂરીકામ માટે બંગાળના મુસ્લિમોને લાવવાની શરૂઆત આશરે સો વર્ષથી પણ પહેલાં થઇ હતી. વર્ષો વીતતાં તે જમીનમાલિક અને સ્થાનિક સંસાધનોમાં ભાગ પડાવનારા બન્યા. એ વખતે પ્રશ્ન ગેરકાયદે ધૂસણખોરીનો નહીં, પણ ‘સ્થાનિક વિરુદ્ધ બહારના’  લોકોનો હતો. આસામના- ખાસ કરીને બોડો લોકોની બહુમતી હોય એવા વિસ્તારોનાં- સંસાધનો પર પોતાનો અધિકાર જમાવવા માટે બોડો લોકોનો સંઘર્ષ શરૂ થયો. મુંબઇમાં મરાઠીભાષીઓને લાગે કે ગુજરાતીઓ આવીને મુંબઇ પર કબજો જમાવીને બેસી ગયા છે, એ પ્રકારની આ વાત હતી.

એટલા માટે બોડો લોકોને ફક્ત મુસ્લિમો સામે જ નહીં, બીજા આદિવાસીઓ સામે પણ વાંધા હતા. મોટા આદિવાસી સમુહોને પોતાનાં હિતો જાળવી રાખવા માટે અલગ રાજ્ય જોઇતાં હતાં. અત્યારે મેઘાલય તરીકે ઓળખાતું રાજ્ય આઝાદીના બે દાયકા સુધી આસામનો હિસ્સો હતું. પરંતુ ત્યાંના ગારો અને ખાસી આદિવાસીઓની અલગ રાજ્યની માગણી પછી ૧૯૭૨માં આસામમાંથી ગારો-ખાસી લોકો માટે મેઘાલય રાજ્ય છૂટું પાડવામાં આવ્યું. એવી રીતે બોડો લોકોની માગણી અલગ ‘બોડોલેન્ડ’ માટેની હતી.

૧૯૮૦-૧૯૯૦ના દાયકાઓમાં બોડોલેન્ડ માટેની માગણી સાથે બોડો લિબરેશન ટાઇગર્સની હિંસા ચરમસીમાએ પહોંચી હતી. દરમિયાન, ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન બાંગલાદેશ બન્યું. ત્યાંથી મુસ્લિમોની ગેરકાયદે ધૂસણખોરીએ જોર પકડ્યું. પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવાની લડાઇમાં બોડો લોકોની મુસ્લિમો ઉપરાંત સંથાલ જેવાં આદિવાસી જૂથો સાથે પણ હિંસક અથડામણો થઇ.  બોડો ટાઇગર્સની હિંસાનો જવાબ હિંસાથી આપવા માટે સંથાલોએ આદિવાસી કોબ્રા ફોર્સની રચના કરી. ૧૯૮૩માં થયેલા નેલ્લી હત્યાકાંડમાં આશરે બે હજાર મુસ્લિમોએ જીવ ગુમાવ્યા.

રાજકીય  પાસું

બોડો વિરુદ્ધ બીજાં જૂથોની હિંસા ઠારવા માટે ૨૦૦૩માં બોડો લીબરેશન ટાઇગર્સ સાથે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પડખે રાખીને સમજૂતી કરી. તેના પગલે બોડો ટેરિટોરિઅલ કાઉન્સિલ (બીટીસી)ની રચના થઇ. એ રીતે બોડો લોકોને અલગ રાજ્ય તો નહીં, પણ તેમની બહુમતી ધરાવતા વિસ્તારો પૂરતી સ્વાયત્તતા આપવામાં આવી. એ વિસ્તાર ‘બોડોલેન્ડ  ટેરિટોરિઅલ એડમિનિસ્ટર્ડ ડિસ્ટ્રિક્ટ્‌સ’ તરીકે ઓળખાયા. તેમાં કોકરાઝારનો પણ સમાવેશ થઇ જતો હતો. આ ગોઠવણથી બોડો લોકોની લાંબા સમયની માગણી સંતોષાતી હતી. અત્યાર સુધીની સરકારો દ્વારા થયેલી તેમનાં હિતોની ઉપેક્ષા પછી તેમના હાથમાં વહીવટ આવ્યો હતો.  તેમ છતાં, સમસ્યા અને હિંસાનો અંત આવ્યો નહીં.

બોડોલેન્ડના જિલ્લાઓમાં ૨૫ ટકા વસ્તી ધરાવતા બોડો લોકો બાકીના પર રાજ કરે તેનો એ વિસ્તારનાં બોડો સિવાયનાં ૧૮ સંગઠનો વિરોધ કરે છે. બીજી તરફ બોડો લોકોમાંથી એક સમુહને લાગે છે કે બોડો લોકોની સ્વાયત્તતાથી સમસ્યા ઉકલી નથી. કારણ કે તેમના નેતાઓ કોંગ્રેસની કઠપૂતળી બની ગયા છે અને બાંગલાદેશી ધૂસણખોરોનો વસ્તીવધારો અને તેમને મતાધિકાર આપવાની પ્રવૃત્તિ હજુ ચાલે છે. આસામના કુલ ૧.૮૫ કરોડ મતદારો છે. તેમાંથી ચૂંટણીપંચના આંકડા પ્રમાણે આશરે દોઢ લાખ મતદારો શંકાસ્પદ (બાંગલાદેશી મુસ્લિમો) છે.  આ આંકડો બેશક ઓછો નથી અને ચિંતાજનક છે, પરંતુ તે દર્શાવવામાં આવે છે એટલો પ્રચંડ પણ નથી.

આખી સમસ્યામાં સૌથી ખેદજનક અને શરમજનક અભિગમ સરકારનો રહ્યો છે. કોંગ્રેસને એક તરફ બોડો કાઉન્સિલના ટેકાથી આસામમાં સરકાર બનાવવી અને ટકાવવી છે, તો બીજી તરફ બાંગલાદેશમાંથી ગેરકાયદે આવતા મુસ્લિમો પ્રત્યે આંખ આડા કાન કરીને  મતાધિકાર આપીને, તેમના મત પણ મેળવવા છે. બોડો લોકો સાથેની સમજૂતીમાં તે આદિવાસીઓના જમીનહક સુરક્ષિત કરવાની વાત મૂકે છે. સાથોસાથ, બાકીના લોકો પણ છૂટથી જમીન ખરીદી, વેચી કે બીજાના નામે કરી શકે એવી જોગવાઇઓ કરે છે. તેને કારણે બનાવટી દસ્તાવેજો ધરાવતા બાંગલાદેશી ધૂસણખોરો ખાસ કશી ખરાઇ વિના, સહેલાઇથી જમીનની ખરીદી કરી શકે છે.

બાંગલાદેશને ભારત પ્રત્યે સદ્‌ભાવ નથી એ જોતાં આસામને બાંગ્લાદેશી આગંતુકો માટે રેઢું મૂકવાની સરકારી ઉદાસીનતા કે સ્વાર્થી આંખમીંચામણાં પણ દેશહિત માટે નુકસાનકારક છે. સરકારનું કામ આદિવાસી કે મુસ્લિમ, સંથાલ કે બોડોની પંચાતમાં પડ્યા વિના કે પ્રાંતવાદના અખાડામાં ઉતર્યા વિના, નાગરિકોને સમાન તકો આપવાનું, કાયદો-વ્યવસ્થા કડકાઇથી જાળવવાનું અને દેશની સરહદો પર થતી ધૂસણખોરી અટકાવવાનું છે. હિંસા પછી રાહતછાવણીઓ અને નિવેદનબાજીઓથી સંતુષ્ટ થઇ જતી સરકારો જ્યાં સુધી પોતાની મૂળભૂત ફરજો ચૂકતી રહેશે અને સમસ્યાના મૂળથી દૂર રહીને ઇલાજની કોશિશ કરતી રહેશે ત્યાં સુધી આસામની હિંસા જેવી દુર્ઘટનાઓ અટકાવવી મુશ્કેલ છે.

Sunday, August 05, 2012

રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓએ નેતાજીને લોહીથી સહી કરેલું આવેદનપત્ર આપ્યું હતું

કેપ્ટન લક્ષ્મી સહગલનાં સંભારણાં

ભારતની ઇતિહાસના ‘જો અને તો’માં થોડા સવાલ સુભાષચંદ્ર બોઝ/ Subhashchandra Boseને લગતા છે: તેમની આઝાદ હિંદ ફોજ જાપાનના ટેકાથી અંગ્રેજો સામે જીતી ગઇ હોત તો? સુભાષચંદ્ર બોઝ વિમાન અકસ્માતમાં અવસાન   પામવાને બદલે જવાહરલાલ નેહરુની જેમ લાંબું જીવ્યા હોત તો? કે પછી કેટલાકની માન્યતા પ્રમાણે એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા ન હોય તો, પછીથી સુભાષચંદ્ર તરીકે જ પ્રગટ થયા હોત તો?

સુભાષચંદ્ર બોઝને લગતી આ અને એ સિવાયની ઘણી જિજ્ઞાસાઓ-અટકળોના જવાબ અધિકારથી આપી શકે એવી એક વ્યક્તિ એટલે કેપ્ટન લક્ષ્મી સહગલ. ૨૩ જુલાઇ, ૨૦૧૨ના રોજ થયેલા તેમના અવસાનથી ઘણાં વર્ષો પહેલાં તેમણે ઇતિહાસમાં ગૌરવવંતું સ્થાન મેળવ્યું હતું. જાપાને અંગ્રેજો વતી લડતા ભારતીય સૈનિકોને યુદ્ધકેદી તરીકે પકડ્યા, તેમાંથી આઝાદ હિંદ ફોજ/ Indian National Armyની રચના થઇ. જાપાનની કૃપાદૃષ્ટિથી સ્થપાયેલી આ ફોજની આગેવાની જર્મનીથી સિંગાપોર આવીને સુભાષચંદ્ર બોઝે સંભાળી, એટલે ફોજને એક દિશા મળી અને એક ઘ્યેય મળ્યાં. મદ્રાસમાં એમ.બી.બી.એસ. થયા પછી  સિંગાપોરમાં કામ કરતાં ડો.લક્ષ્મી સ્વામિનાથન્‌ રાષ્ટ્રવાદની ધગતી લાગણીથી પ્રેરાઇને સુભાષબાબુને  મળવા ગયાં અને તેમની સાથે જોડાઇને મહિલાઓની રાણી ઝાંસી રેજિમેન્ટનાં કેપ્ટન બન્યાં. આગળ જતાં (૨૧ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ) સુભાષબાબુએ  સિંગાપોરની ધરતી પર ‘આરઝી હકુમતે આઝાદ હિંદ’ (આઝાદ હિંદની કામચલાઉ સરકાર) ની ઘોષણા કરી ત્યારે લક્ષ્મી સ્વામિનાથન્‌ તેનાં એકમાત્ર મહિલા મંત્રી હતાં.

ત્રણ સ્વરૂપઃ લક્ષ્મી સ્વામિનાથન્‌, કેપ્ટન લક્ષ્મી, ડો.લક્ષ્મી સહગલ
Lakshmi Swaminathan, Capt.Lakshmi, Dr. Lakshmi Sehgal
૧૯૯૭માં તેમના નિવાસસ્થાને થયેલા મુલાકાતોના સિલસિલા દરમિયાન ડો.લક્ષ્મી સહગલે કહ્યું હતું કે ‘નેતાજી સિંગાપોર આવવામાં મોડા પડ્યા. તે એકાદ વર્ષ વહેલા આવ્યા હોત તો કદાચ જુદી સ્થિતિ હોત. કારણ કે ત્યારે વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાનનું પલ્લું ભારે હતું.’ થયું એવું કે આઝાદ હિંદ ફોજની ગતિવિધી તેજ બની અને યુદ્ધના મોરચે તે બર્મા વટાવીને ઇમ્ફાલ (આસામ) સુધી પહોંચી ત્યારે, આ લડાઇ હારની છે એ નક્કી થઇ ચૂક્યું હતું. રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓ એ વખતે સીંગાપોરથી રંગુન આવી પહોંચી. દરમિયાન, નેતાજી રણમેદાને ઉતરવાની મંજૂરી આપે ત્યાં સુધી કેપ્ટન લક્ષ્મી મેમ્યોની એક હોસ્ટિપલમાં ડોક્ટર લક્ષ્મી તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં. પરંતુ  બ્રિટનની મજબૂત બનેલી સ્થિતિ ઘ્યાનમાં રાખીને નેતાજીએ નક્કી કર્યું કે હવે રાણી ઝાંસી રેજિમેન્ટને મોરચે મોકલવી નહીં. કેપ્ટન લક્ષ્મીએ પોતાના માટે હુકમ માગતાં સુભાષબાબુએ કહ્યું હતું,‘હું નથી ઇચ્છતો કે સ્ત્રીઓ કેદ પકડાય. જેટલી સ્ત્રીઓ આસાનીથી પાછી ફરી શકે એમ હોય, તે જતી રહે.’

કેપ્ટન લક્ષ્મીએ રાણી ઝાંસી રેજિમેન્ટની મહિલાઓને આ હુકમ સંભળાવ્યો ત્યારે ‘સ્ત્રીઓનો જુસ્સો અકલ્પ્ય હતો. એ લોકોએ પોતાની આંગળી પર કાપો મૂકીને, તેમાંથી નીકળેલા લોહીથી સહી કરેલું એક આવેદનપત્ર નેતાજીને આપ્યું. તેમાં એમણે લખ્યું હતું કે અમે પાછાં ફરવાં માગતા નથી.’


સુભાષચંદ્ર બોઝ વિશેની અનેક ઝીણીમોટી જિજ્ઞાસાઓના જવાબ પણ ડો.લક્ષ્મી સાથેની મુલાકાત દરમિયાન મળ્યા. આઝાદ હિંદ ફોજમાં સિગરેટ-શરાબની પાબંદી હતી? એવા સવાલના જવાબમાં ડો.લક્ષ્મીએ કહ્યું હતું,‘પાબંદીનો પ્રશ્ન જ ક્યાં? કારણ કે એ સમયે બઘું ખૂબ મોંધું હતું. ફોજના અફસરો સિગરેટ માટે તલસતા હતા અને એવી ગમ્મત પણ કરતા કે બસ, બીજું કંઇ નહીં, પણ કોઇ સારી બ્રાન્ડની સિગરેટ  આપે તો પણ ઘણું. ચા-દૂધ-ખાંડ વિનાની, આછા લીલા રંગની ચાઇનીઝ ગ્રીન ટી પીતા નેતાજી પોતે કેરેવન એ બ્રાન્ડની સિગરેટ  પીતા હતા અને મોટા સમારંભ કે ડીનરમાં ઔપચારિકતાના ભાગરૂપે વાઇન લેતા હતા. જાપાનીઓ મોટી પાર્ટીમાં મને પણ હંમેશાં બોલાવતા. એ વખતે નેતાજી યજમાનોને કહી દેતા કે ઇનકો આપ મત પીલાઇયે. એ વખતે હું નેતાજીને કહેતી કે અમસ્તી હું પીતી જ નથી. પીવાથી શું થઇ જાય, કોને ખબર?’

‘અંગત જીવનમાં નેતાજીને વેદાંતમાં બહુ વિશ્વાસ હતો. રોજ પંદર મિનીટ-અડધો કલાક એ ઘ્યાન કરવાની કોશિશ કરતા. બર્મા અને  સિંગાપોરના રામકૃષ્ણ મિશનવાળાના સંપર્કમાં એ રહેતા, પરંતુ એને પોતાની અંગત બાબત ગણીને બીજા કોઇને તેમાં સામેલ કરતા નહીં.  સિંગાપોરમાં દક્ષિણ ભારતીય ચેટ્ટિયારોનું એક મંદિર હતું. એ લોકોએ કહ્યું કે નેતાજી મંદિરે પધારે તો એ મોટી રકમ દાનમાં આપશે. એ વખતે અમારે નાણાંની બહુ જરૂર હતી. પણ નેતાજીએ કહ્યું કે મારી સાથે ફક્ત હિંદુ અફસરોને જ પ્રવેશ મળવાનો હોય, તો આ નિમંત્રણ મને મંજૂર નથી. રૂપિયા કરતાં એકતા મને વધારે વહાલી છે. ’

ભારતનું કોમી વાતાવરણ સદંતર ડહોળાઇ ચૂક્યું હતું ત્યારે આઝાદ હિંદ ફોજ કોમી એકતાની મિસાલ બની રહી. ‘જય હિંદ’નો આઝાદી પછી પણ રાષ્ટ્રિય દરજ્જો પામેલો નારો આઝાદ હિંદ ફોજની દેન છે. તે નેતાજી સાથે  જર્મનીથી સબમરીનમાં આવેલા આબિદ હસને  આપ્યો હતો. આઝાદ હિંદના મુખ્ય ત્રણ અફસરો મોરચેથી પકડાયા અને અંગ્રેજોએ તેમની પર લાલ કિલ્લામાં મુકદ્દમો ચલાવ્યો ત્યારે આખા દેશમાં એટલા સમય પૂરતી કોમી એકતાની લહેર ફેલાઇ હતી. કારણ કે પકડાયેલા અફસરો હતાઃ કેપ્ટન શાહનવાઝ ખાન (મુસ્લિમ), કેપ્ટન પ્રેમકુમાર સહગલ (હિંદુ) અને લેફ્‌ટનન્ટ જનરલ ગુરુબક્ષસિંઘ ધિલ્લોં (શીખ). આ બહાદુરો સામે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે, ડો.લક્ષ્મી સહગલના જણાવ્યા પ્રમાણે ‘મહંમદઅલી ઝીણાએ શાહનવાઝ હુસૈનને કહ્યું હતું કે તમે પેલા બન્નેથી અલગ થઇ જાવ, તો હું તમારો બચાવ કરીશ. પણ શાહનવાઝે એ દરખાસ્ત ઠુકરાવી દીધી હતી.’  આ ત્રણે નાયકોના બચાવ માટે ભૂલાભાઇ દેસાઇની આગેવાની હેઠળની ટીમમાં બેરિસ્ટર નેહરુ વર્ષો પછી પોતાનો કાળો કોટ પહેરીને વકીલ તરીકે હાજર રહેતા હતા.

પ્રેમકુમાર સહગલ આઝાદ હિંદ ફોજમાં સુભાષચંદ્ર બોઝના લશ્કરી સચિવ હતા. ‘આઝાદ હિંદ ફોજમાં જુવાન અફસરો અને રેજિમેન્ટની રાણીઓ વચ્ચે પ્રેમના કિસ્સા બનતા હતા?’ એવા સવાલનો જવાબ આપતાં, વાતચીત પછી ખુલી ગયેલાં ડો.લક્ષ્મીએ કહ્યું હતું, ‘મારો જ કિસ્સો લો ને. મારો સહગલ સાથે પરિચય ત્યાં જ થયો હતો ને અમે નજીક આવ્યાં. રેજિમેન્ટ વિખેરાઇ ગયા પછી મેં તેમની સાથે લગ્ન કર્યું.  એવી જ રીતે મેડિકલ ઓફિસર ડો.જ્ઞાન કૌર પણ આઝાદ હિંદ ફોજના અફસર સાથે લગ્ન કરીને ડો.જ્ઞાન પુરી બન્યાં હતાં.’ અલબત્ત, આ રોમાન્સ નેતાજીની સામે ખુલ્લો ન પડી જાય એની પૂરતી તકેદારી રખાતી હતી. ‘તેમને બીજો કશો વાંધો ન હતો, પણ મુખ્ય લક્ષ્યમાંથી ઘ્યાન ખસી જાય એ તેમનો મુદ્દો હતો.’

કેપ્ટન લક્ષ્મી સાથે લગ્ન પછી પકડાયેલા સહગલ અને તેમના સાથી શાહનવાઝ-ધિલ્લોંને લાલ કિલ્લાના કેસમાં ગુનેગાર ઠરાવવામાં આવ્યા, પરંતુ લોકલાગણી એટલી પ્રબળ હતી અને યુદ્ધ પછી અંગ્રેજી રાજનાં વળતાં પાણી થયાં હતાં, એટલે એ ત્રણેને નિર્દોષ છોડી મૂકવા પડ્યા. દેશભરમાં તેમનાં વિજય સરઘસ નીકળ્યાં. લોકો તેમને સો-સોની નોટોના હાર પહેરાવતા હતા. (એ રકમ આઝાદ હિંદ ફોજના ફૌજીઓ માટેના ભારત સરકારના ફંડમાં જમા થતી હતી.)

જયજયકાર શમ્યો એટલે વાસ્તવિકતા મોં ફાડીને ઊભી રહી.  ડો.લક્ષ્મી દિલ્હી-મુંબઇ-મદ્રાસ નહીં ને કાનપુરમાં શા માટે સ્થાયી થયાં, તેનો જવાબ પણ એમાં જ હતોઃ લાલ કિલ્લાના મુકદ્દમાના હીરો પ્રેમકુમાર સહગલને ક્યાંય સારી નોકરી કે કામની ઓફર ન હતી. એ સમયે કાનપુરની એક મિલમાંથી સારી ઓફર મળતાં સહગલ દંપતિ કાનપુર સ્થાયી થયું. દેશ આઝાદ થયા પછી ડો.લક્ષ્મી સહગલને નવા શાસકોના અનેક હતોત્સાહ કરે એવા અનુભવ થયા. બીજી તરફ સુભાષબાબુએ સ્થાપેલા પક્ષ ફોરવર્ડ બ્લોક સહિતના કેટલાકે ‘સુભાષબાબુ હજુ જીવે છે’ એવી માન્યતા ફેલાવી. પણ ડો.લક્ષ્મીએ નેતાજીનું મૃત્યુ સ્વીકારી લીઘું હતું. ‘વિમાની અકસ્માત અને નેતાજીના મૃત્યુના સમાચારથી પહેલાં અમે રાજી થયાં. કારણ કે એ હંમેશાં કહેતા કે ગમે તે થાય, હું કેદ પકડાવા માગતો નથી. પણ લાલ કિલ્લાના મુકદ્દમા પછી નેતાજીના સાથી અને તેમની સાથે વિમાનમાં સફર કરનાર હબીબુર રહેમાનને મળીને અમને ખાતરી થઇ ગઇ કે નેતાજીનું ખરેખર અવસાન થયું હશે.’

નેતાજી જીવે છે કે નહીં, તેની અટકળો અને તેમાંથી રાજકીય લાભ ખાટવાને બદલે ડો.લક્ષ્મી પોતાનાથી થાય એટલી દેશસેવાના કામમાં લાગ્યાં. સામ્યવાદી પક્ષમાં જોડાયાં. કાનપુરમાં સાવ રાહતદરે ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી. એક કાનપુરવાસી મિત્રે હસતાં હસતાં કહ્યું હતું કે ‘અડઘું કાનપુર એમના દવાખાનામાં જન્મ્યું છે.’ ૧૯૯૭માં અમારી મુલાકાત વખતે એમની ફી રૂ.વીસ હતી અને ગરીબ દર્દીઓ માટે એ પણ નહીં. એમના ઐતિહાસિક મોભાથી પ્રેરાઇને અમીરો પણ તેમના દવાખાને આવતા, પરંતુ ગરીબ-અમીર સૌ દર્દીઓને એકસરખી સારવાર મળતી. સુભાષચંદ્ર બોઝની યાદમાં જેનું નામ સુભાષિની રાખ્યું હતું, તે દીકરી પણ મોટાં થઇને સામ્યવાદી પક્ષમાં સંકળાયાં. ડો.લક્ષ્મીના મૃત્યુ સમયે પ્રગટ થયેલા અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે, હૃદયરોગનો હુમલો આવ્યો તેના આગલા દિવસ સુધી તે ક્લિનિક પર જતાં હતાં.

રેજિમેન્ટ વિખેરાઇ ગયા પછી પણ સેવા, શિસ્ત અને મિજાજની બાબતમાં આજીવન કેપ્ટન રહેલાં ડો.લક્ષ્મી સહગલને છેલ્લી સલામ.

Wednesday, August 01, 2012

હેલ્મેટ- દ્વિધાઃ પહેરવી કે ન પહેરવી?

(આ લખનારની જેમ) શેક્સપીઅરને ન વાંચ્યો હોય એવા લોકો પણ તેમના અમર પાત્ર હેમ્લેટ અને તેની દ્વિધા ‘ટુ ડુ ઓર નોટ ટુ ડુ’  વિશે જાણે છે. વર્તમાન ગુજરાતમાં હેમ્લેટ તો નહીં, પણ હેલ્મેટ દ્વિધાનો પર્યાય ગણાય છે. ચિંતનપરંપરા પ્રમાણે શેક્સપીઅર પરથી ઠેકડો મારીને મહાભારત પર આવી જઇએ તો, હેલ્મેટને લગતો કાયદો શું છે, એ લોકો જાણે છે પણ તેનું આચરણ કરી શકતા નથી- એટલે કે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે એ જાણતા હોવા છતાં એ પહેરી શકતા નથી અને કાયદાનો ભંગ શું છે તે જાણે છે, પણ તે કર્યા વિના રહી શકતા નથી. એટલે હેમ્લેટ-દ્વિધાની જેમ દુર્યોધન-દ્વિધા પણ એક ચીજ છે. અલબત્ત, દુર્યોધનના પક્ષે દ્વિધા નથી. જાણ્યાનું ઝેર છે. ધર્મ જાણતા જ ન હોઇએ તો જાણીને તેમાં પ્રવૃત્ત થવાની બબાલ રહે? ને અધર્મ શું છે એ ખબર ન હોય એટલે તેમાંથી નિવૃત્ત થવાનો કકળાટ પણ ન પહોંચે.

હેલ્મેટનો કાયદો ફક્ત દ્વિચક્રી વાહનચાલકોને લાગુ પડે છે. તેનું એક અર્થઘટન એવું છે કે ફક્ત હેલ્મેટ વિશેના જ નહીં, મોટા ભાગના કાયદા ભારતના સમૃદ્ધ વર્ગને લાગુ પડતા નથી. સાયકલસવારો માટે અને રાહદારીઓ માટે હેલ્મેટ ફરજિયાત નથી. તેનો ગૂઢાર્થ એવો કાઢવામાં આવે છે કે અમસ્તું પણ સરકારને એ લોકો જીવે કે મરે તેની ચિંતા નથી. આ વાતો અર્થઘટનની રીતે સાચી ન હોય તો પણ વાસ્તવિકતાથી એકદમ નજીક છે.

વાહનચાલકો જે બેફામ રીતે વાહનો ચલાવે છે એ જોતાં સુરક્ષા માટે હેલ્મેટની સૌથી વધારે જરૂર રાહદારીઓને અને પછીના ક્રમે સાયકલસવારોને છે. પરંતુ તેમને હેલ્મેટ પોસાય કે કેમ એ સવાલ છે. સરકારમાં રહેલા કોઇ ફળદ્રુપ ભેજાને એવું ઠસાવી દેવામાં આવે કે ‘હેલ્મેટનો અભાવ એ આમઆદમીનો પ્રશ્ન છે’, તો બને કે યુપીએ સરકાર ‘મહાત્મા ગાંધી ફરજિયાત હેલ્મેટ વિતરણ યોજના’ કે ‘રાજીવ ગાંધી મસ્તિષ્ક સુરક્ષા યોજના’ ચાલુ કરે અને તેના માટે બે-પાંચ હજાર કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવી આપે. એ નાણાંમાંથી હેલ્મેટ ખરીદીને રેશનકાર્ડ દીઠ અને ગરીબીરેખા નીચે જીવતાં પરિવારોેને ખાસ માથાદીઠ એક-એક હેલ્મેટ વહેંચવાનો આદેશ પણ સરકાર કરી શકે છે.

હેલ્મેટની ખરીદીનું કામ સંરક્ષણવિભાગને સોંપવું કે સમાજકલ્યાણ વિભાગને એવો તાત્ત્વિક પ્રશ્ન ઊભો થઇ શકે, પણ ખરીદીનો (અને કટકીનો) બહોળો અનુભવ ધરાવતું સંરક્ષણ ખાતું છેવટે દેશહિતમાં એ જવાબદારી સ્વીકારશે અને ફ્રાન્સ-ઇઝરાઇલ-અમેરિકા જેવા દેશોમાંથી હેલ્મેટનાં ટેન્ડર મંગાવી લેશે. હેલ્મેટની ગુણવત્તાની બરાબર ચકાસણી કરવા માટે ફિલ્મસ્ટાર કે પેજ-થ્રી નબીરાઓની અવરજવરના રસ્તે ફુટપાથ પર રહેતા ગરીબોને પ્રયોગાત્મક ધોરણે કેટલીક હેલ્મેટ વહેંચવામાં આવશે. તેમણે ફરજિયાતપણે રાત્રે હેલ્મેટ પહેરીને સૂઇ જવું પડશે. એમ કરવા પાછળનો આશય,  મોડી રાત્રે કોઇ સ્ટાર કે નબીરાની કાબૂ ગુમાવી બેઠેલી કાર નીચે આવી ગયા પછી હેલ્મેટ કેટલી અકસીર નીવડે છે એ તપાસવાનો હશે.

કારેલાંની જેમ હેલ્મેટ આરોગ્ય માટે સારી હોવા છતાં, તેના પ્રત્યે અભાવ ધરાવનારા લોકો મોટી સંખ્યામાં છે. દ્વિચક્રી ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાના ખ્યાલમાત્રથી તે કકળી અને ખિજાઇ ઉઠે છે. તેમને એક વાંધો એ પડે છે કે દ્વિચક્રી ચલાવતી વખતની અમારી મુખછટા આસપાસનું જગત જોઇ શકવાનું ન હોય, તો ઘૂળ પડી એ ‘શાનકી સવારી’માં. કેટલાક વઘુ આક્રમક ભાવ ધારણ કરીને કહે છે, ‘અમે એવાં કોઇ કામ કર્યાં નથી કે અમારે મોં સંતાડતા ફરવું પડે. હેલ્મેટ ખરેખર તો કોઇ દેવાળીયાએ લેણીયાતોથી બચવા- તેમનાથી સલામત રહેવા માટે કરેલું સંશોધન હતું. એમાંથી લોકો સલામતી-સલામતી કરીને અમસ્તા મચી પડ્યા છે.’

ઇતિહાસના શોખીનો કહે છે, ‘જૂના જમાનામાં રાજા યુદ્ધ કરવા જતા ત્યારે માથે આવું જ કંઇક પહેરતા હતા. મેં રાણા પ્રતાપનું એ જોયું છે. પણ એ બઘું રાજામહારાજાઓને જોઇએ અને એમને જ શોભે.  આપણને એવા (પાંચસો-હજાર રૂપિયાની હેલ્મેટ ખરીદવા જેવા) રજવાડી શોખ પોસાય? અને એમ પણ આપણે ક્યાં યુદ્ધ કરવા જવું છે?’ ફિલ્મોમાંથી તેના ડાયરેક્ટરને પણ ખબર ન હોય એવા અર્થ શોધી કાઢનારી પ્રજાતિ કહી શકે છે, ‘ફરજિયાત હેલ્મેટનો કાયદો કરીને સરકાર એવું જ કહેવા માગે છે કે આ જમાનામાં રોડ પર દ્વિચક્રી ચલાવવું એ પહેલાંના વખતમાં યુદ્ધે ચડવા જેટલું ખતરનાક છે.’

હેલ્મેટ પહેરનાર પાસે એ પહેરવાનું એક જ કારણ હોય છેઃ ત્રણે ૠતુમાં બહારના વાતાવરણથી અને અકસ્માત થાય ત્યારે પછડાટથી સુરક્ષા. પરંતુ હેલ્મેટ ન પહેરનારા પાસે એમ કરવાનાં ઘણાં કારણ નીકળી આવે છે. હેલ્મેટ વિશેના ‘ફ્રિક્‌વન્ટ્‌લી આસ્ક્ડ ક્વેશ્ચન્સ’ તૈયાર કરવામાં આવે, તો તેમાં સૌથી ટોચ પર હોયઃ ‘હેલ્મેટ પહેર્યા પછી તમને શ્વાસ લેતાં ફાવે છે? મને તો કોઇએ હેલ્મેટ પહેરેલી હોય એ જોઇને ગભરામણ થાય છે. માથા પર આવડો મોટો સૈધો પહેરી કેવી રીતે શકાય અને એ પહેર્યા પછી સ્વસ્થ-સામાન્ય-સ્વાભાવિક રહી જ કેવી રીતે શકાય? ’

દેખીતું છે કે હેલ્મેટ પહેરનારા બધા પ્રાણાયામના જાણકાર નથી  હોતા કે શ્વાસ લેતાં ન ફાવે તો શ્વાસ રોકી પાડે. તેનો અર્થ એ જ હેલ્મેટ પહેર્યા પછી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી નથી કે રૂંધામણ થતી નથી. છતાં હેલ્મેટમાં માથું નાખવામાં ઘણાને એટલી બીક લાગે છે જાણે એ હેલ્મેટ નહીં, પણ વાઘ-સિંહનું પહોળું થયેલું મોં હોય અને હેલ્મેટ ઉતારતી વખતે એની સાથે ભૂલથી માથું પણ ઉતરી જવાનું હોય. પરંતુ દરેક પ્રકારમાં અપવાદો હોય છે તેમ, સિંહના મોમાં માથું મૂકીને નિરાંતે ઉંઘી શકનારા અને હેલ્મેટના ‘મોં’માં માથુ મૂકીને માના ખોળાની હૂંફ અનુભવનારા પણ હોય છે. તેમને હેલ્મેટ શિયાળામાં હૂંફ, ઉનાળામાં તાપથી રક્ષણ અને ચોમાસામાં વરસાદની ઝડીથી આડશ પૂરી પાડે છે. એવા ભાવિકજનો ધારે તો હેલ્મેટચાલીસા રચી શકે.

હેલ્મેટ દ્વારા મળતા રક્ષણનો ખ્યાલ મોટે ભાગે શેરબજારની ચડઉતરને કારણે કંપનીની કુલ કિંમતમાં થતા વધારાઘટાડા જેવો, નોશનલ (ખયાલી) હોય છે. દરેક વખતે હેલ્મેટ પહેરતી વખતે એવું વિચારીને મનોમન રાજી થવાનું હોય છે કે ‘હાશ, હજુ સુધી અકસ્માત થયો નથી, પણ થાય તોય આપણે કેવા સુરક્ષિત છીએ.’ આમ વિચારવાથી માથે લાગતો હેલ્મેટનો થોડોઘણો ભાર પણ તેની પ્રત્યેના આભારના ભારમાં પરિવર્તીત થઇને, પહેરનારને સદંતર બોજમુક્ત કરી નાખે છે.

ગમે તેવો કંજૂસ જણ પણ ‘અકસ્માત થાય તો સારું. કમ સે કમ હેલ્મેટના પૈસા તો વસૂલ થાય’ એવું ઇચ્છતો નથી. જોકે, એવા કંજૂસ જનો મોટે ભાગે હેલ્મેટ ખરીદતા જ નથી. બાળઉછેરનિષ્ણાત કે માનસશાસ્ત્રનિષ્ણાત એવા કેટલાકને એવી બીક લાગે છે કે હેલ્મેટના સ્વરૂપમાં માથાને લાડ લડાવવાથી માથું - એટલે કે તેની અંદર રહેલું મગજ- બગડી જશે. પહેલી દૃષ્ટિએ ભાવનાત્મક લાગતી આ વાત ખરેખર સાચી છે. હેલ્મેટરૂપીસુરક્ષા ધારણ કર્યા પછી ઘણા વાહનચાલકો એટલા નિશ્ચિંત અને બેફામ થઇ જાય છે કે તેમણે હેલ્મેટ ફક્ત માથે જ પહેરી છે અને બાકીનું આખું શરીર અસુરક્ષિત છે તેનો એમને ખ્યાલ રહેતો નથી.