Wednesday, August 22, 2012
મંગળને કોણ નડે છે?
અમેરિકાએ મોકલેલા ક્યુરિઓસિટી/ Curiosity યાનને મંગળ ગ્રહ પર સહીસલામત પહોંચી જવામાં મંગળ કે બીજો કોઇ ગ્રહ નડ્યો નથી. ફળજ્યોતિષનો ધંધો કરતા ઘણા લોકોને શંકા છે કે મંગળ પર ૧ ટનનું યાન મોકલવું એ ફળજ્યોતિષને એટલે કે ભારતની સંસ્કૃતિને એટલે કે ભારતને બદનામ કરવાનું અમેરિકાનું કાવતરું છે.
કેવી રીતે?
વિચારોઃ આવડું મોટું યાન મંગળનું નંગ પહેર્યા વિના કે નડતર દૂર કરાવવાની પૂજા વિના સીધેસીઘું મંગળ પર ઉતરી પડે, તો એમાં મંગળનો મહિમા ઓછો ન થાય? (નોંધઃ વર્તમાન સમયમાં ‘મહિમા’નું અંગ્રેજી ‘ન્યૂસન્સ વેલ્યુ’ થાય છે)
મંગળસે પચાસોં લાખ કિલોમીટર દૂર, પૃથ્વી પરના ભારત દેશમાં બાબાબેબીઓ લગ્નલાયક થાય ત્યારે મંગળ ગબ્બરસિંઘ બનીને ઘણાં જાતકો અને તેમનાં માતાપિતાને ડરાવતો હોય છે. કુંડળીમાં મંગળનું નડતર ધરાવનાર માટે હિંદીમાં ‘માંગલિક’ જેવો શબ્દ વપરાય છે. (કંકોત્રીમાં લખેલા ‘માંગલિક’ પ્રસંગો સાથે તેનો ગૂંચવાડો કરવો નહીં, એટલી સ્પષ્ટતા.) ભૂતકાળમાં કંઇક કોડભરી કન્યાઓને તેમની કુંડળીમાં મંગળ હોવાને કારણે લગ્નના મામલે ખોડભરી ગણાઇ ચૂકી હતી અને હજુ પણ એ સિલસિલો સાવ અટક્યો નથી. (મંગળ હોવા છતાં કુંડળીઓ મળે ને લગ્ન થાય, ત્યાર પછીની દુર્ઘટનાઓ આ લેખનો વિષય ન હોવાથી, અહીં તેની ચર્ચા કરવામાં આવી નથી.)
ફળજ્યોતિષમાં વિશ્વાસ ધરાવતા લોકો માને છે કે બન્નેમાંથી કોઇ એકની કુંડળીમાં મંગળ હોય તો તેમનું લગ્નજીવન અમંગળ નીવડે છે અથવા એક પાત્રના માથે ઘાત રહે છે. વ્યવહારુ લોકો તેમને ખાનગીમાં સમજાવવાની કોશિશ કરે છે કે લગ્ન કરવું ને માથે ઘાતની બીક રાખવી, એ રોંગસાઇડ વાહન ચલાવતી વખતે પોલીસની બીક રાખવા બરાબર છે. પોલીસથી બીવું હોય તો રોંગસાઇડ ચલાવવું નહીં ને રોંગસાઇડ હંકાર્યું જ હોય તો પોલીસની બીક મનમાંથી ખંખેરીને ‘પડશે તેવા દેવાશે’ની ટાઢક રાખવી. જ્યોતિષથી આગળ નીયતીમાં માનતા લોકો કહે છે કે પોલીસની પાવતી મેળવવાનું નસીબમાં લખ્યું જ હોય તો, રાઇટ સાઇડ ચલાવનારને પણ એ મળી જાય. એટલે માથે ઘાત હોવા માટે સામેના પાત્રની કુંડળીમાં મંગળ હોવો જરૂરી નથી.
ખગોળશાસ્ત્રીઓ મંગળને ‘રેડ પ્લેનેટ’ એટલે કે રાતો ગ્રહ કહે છે, પરંતુ દરેક મહાન શોધની જેમ આ શોધ અસલમાં ભારતની હતી. આપણા જ્યોતિષીઓ સદીઓથી કહેતા હતા કે આ ગ્રહનો પ્રભાવ ભલભલાને રાતા પાણીએ રોવડાવે એવો છે. આટલું ચોખ્ખું કહ્યા પછી પણ, પશ્ચિમના લોકો ન કહે ત્યાં સુધી કોઇ તેને ‘રાતો ગ્રહ’ ન કહે, તેમાં આપણે શું કરી શકીએ? અમેરિકા ખરેખર ભારતીય જ્યોતિષીઓના જ્ઞાનનો ઉપયોગ કરવા માગતું હોય તો હજુ મોડું થયું નથી. મંગળ પરના યાનનું સંચાલન કરવા માટે અમેરિકાને કરોડો ડોલરનો ઘુમાડો કરવો પડે છે, જ્યારે આપણા કેટલાક જ્યોતિષીઓ અહીં બેઠાં બેઠાં થોડા હજાર રૂપિયાના ખર્ચે ફક્ત યાનનું નહીં, આખેઆખા મંગળને કાબૂમાં રાખી શકે છે.
ભારતીય ફળજ્યોતિષના ધંધામાં હવે નવી પેઢી દાખલ થઇ ચૂકી છે, જે કમ્પ્યુટર પર કુંડળીઓ બનાવે અને મેળવે છે. તેમાંના ધંધાદારી લોકોનો ધંધો ‘ક્યુરિઓસિટી’ યાનના સફળ ઉતરાણ પછી વધે એવી પૂરી સંભાવના છે. મંગળનું નડતર દૂર કરાવવા ઇચ્છતા જાતકોને તે કહી શકે છે,‘એકલા મંગળનો પ્રોબ્લેમ હોત તો જુદી વાત હતી. હવે તો મંગળ પર ઉતરેલું પેલું યાન પણ તમને નડે છે. એની જુદી વિધી કરાવવી પડશે.’ કેટલાક ઉત્સાહી અને આર્ષદૃષ્ટા જ્યોતિષીઓ મંગળ પર જીવસૃષ્ટિ હોવાની કલ્પનામાત્રથી આનંદમાં છે. ભવિષ્યમાં મંગળ પર સમાનવ યાત્રા શક્ય બને ત્યારે મંગળવાસીઓની કુંડળીમાંથી પૃથ્વીનું નડતર દૂર કરી આપવાનો ધંધો સારામાં સારો ચાલશે, એવી તેમની ધારણા છે.
કોઇ દાદાથી આખું ગામ બીતું હોય અને નાનકડું બચ્ચું એ દાદાને તેની શેરીમાં જઇને ચિત કરી દે, તો દાદાની આબરૂનું શું? કંઇક એવી જ લાગણી મંગળ પર યાન ઉતરવાથી ઘણા લોકોને થઇ છે. પરંતુ વધારે ચબરાક અને અવનવી કાવતરાકથાઓમાં રસ ધરાવનારા લોકો માને છે કે આ તો મંગળ માટેની ‘સદ્ભાવના કવાયત’ છે. નડતરરૂપ ગણાતો મંગળ ખરેખર સીધોસાદો - અને અમુક રીતે પૃથ્વી જેવો જ ગ્રહ છે, એવું સિદ્ધ કરવા માટે મંગળ ગ્રહના જીવોએ અમેરિકા સાથે ખાનગી કરાર કર્યા હતા. એ મુજબ અમેરિકા પોતાનું યાન મંગળ પર મોકલી આપે અને ત્યાંથી મંગળ ગ્રહના જીવો મંગળ વિશેની સારી સારી વાતો પૃથ્વીવાસીઓને મોકલતા રહે. તે વાંચીને પૃથ્વીવાસીઓને મંગળ વિશેની પાકી માહિતી સ્થળ પરથી જ મળતી હોવાનો સુખદ ભ્રમ થયા કરે.
‘આવું કરવામાં મંગળવાસીઓને શો ફાયદો?’ એવો સવાલ કોઇને થઇ શકે, પરંતુ ઇમેજ બિલ્ડિંગ અને પીઆર કવાયતો ઘણી વાર તત્કાળ અને ટૂંકા ગાળાના ફાયદા માટે નહીં, પણ દૂરનું ભવિષ્ય નજર સામે રાખીને થતી હોય છે. એટલે મંગળવાસીઓ પોતાની છબી સુધાર્યા પછી શું ઇચ્છે છે એ અત્યારથી કહી શકાય નહીં. શક્ય છે કે અમેરિકાને તેમણે ‘મંગળ પર ક્રુડ ઓઇલના અખૂટ ભંડાર છે’ અથવા ‘અમારે ત્યાં લોકશાહી સ્થાપવાની છે’ અથવા ‘અમારે ત્યાં તમને એક સૈન્યમથક સ્થાપવા દઇશું, જ્યાંથી તમે આખા સૂર્યમંડળ પર જમાદારી કરી શકશો’ એમ કહીને આકર્ષ્યું હોય. આમ કરવા પાછળનો તેમનો હેતુ અમેરિકા થકી માનવજાતની નબળાઇ-સબળાઇ જાણી લઇને, જતે દહાડે પૃથ્વી પર આક્રમણ કરવાનો અને કબજો જમાવી લેવાનો પણ હોઇ શકે.
લોભ, ઘાતકીપણું, સ્વાર્થ, કપટ અને બુદ્ધિ- આટલાં લક્ષણ પૃથ્વીવિજય માટે પૂરતાં છે, એવું મંગળવાસીઓ માણસજાતના ઇતિહાસમાંથી જાણી જાય, તો તેમને પૃથ્વીવાસીઓ સાથે (વિશ્વયુદ્ધ જેવું) ગ્રહયુદ્ધ લડવાની જરૂર પણ ન રહે. ધોળા લોકોએ જે રીતે રોગના જીવાણુ ધરાવતા કામળાની ભેટ આપીને અમેરિકાના આદિવાસીઓનો ખાતમો કર્યો, એવી રીતે મંગળવાસીઓ અડધી પૃથ્વી હથિયારોને બદલે ભેટસોગાદોથી જ જીતી શકે. પૃથ્વી પર આવીને તેમને એ સત્ય પણ સમજાય કે મોટા ભાગના દેશોમાં લોકો શાસકોથી ત્રાસેલા છે. તે એવા ગળે આવી ગયા છે કે તે પોતાના નેતાઓની સરખામણીમાં મંગળ ગ્રહના જીવોને મત આપવાનું વધારે પસંદ કરે.
એ જુદી વાત છે કે મંગળવાસીઓની લોકપ્રિયતા જોયા પછી પૃથ્વીના નેતાઓ તેમને એક યા બીજી રીતે પોતાના પક્ષમાં ખેંચવાનો અને હોદ્દાની લાલચો આપવાનો પૂરો પ્રયાસ કરી જુએ. વખત છે ને કોઇ મંગળવાસી રાષ્ટ્રપતિ ને બીજા થોડા મંગળવાસીઓ રાજ્યપાલ પણ બની જાય તો ખાસ કશો ફરક ન પડે.
ઊલટું, લોકો રાજી થાય કે (બંધારણના હાર્દને અનુસરવાની બાબતમાં) ઇટીની જેમ વર્તતા નેતાઓને બદલે અસલી ઇટી નહીં સારા?
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
Space
Subscribe to:
Post Comments (Atom)
આ અમેરીકાના લોકો કે રશીયાના લોકો અથવા એમનું વાહન ભલે ચંદ્ર, મંગળ કે સુર્ય ઉપર જાય પણ એ વાહન પાછું આવવા માટે ભારતના જયોતીસીઓ કહેશે એ રીતે જ પાછું આવી
ReplyDeleteશકશે....મુંબઈની લોકલ ટ્રેનમાં ઘણાં અજમેરના મયુર બાબા અને કમલેશબાબાના ચોપાનીયા ફરે છે કે ભટકો ક્યાં પણ નીરાકરણ માટે મળો બાબા મયુરને.....
One of the best satirical lines:
ReplyDeleteમંગળસે પચાસોં લાખ કિલોમીટર દૂર, પૃથ્વી પરના ભારત દેશમાં બાબાબેબીઓ લગ્નલાયક થાય ત્યારે મંગળ ગબ્બરસિંઘ બનીને ઘણાં જાતકો અને તેમનાં માતાપિતાને ડરાવતો હોય છે.
'મંગળ' પરની 'ક્યુરીઓસીટી' યાત્રામાંથી ગમે તે નિકળે, પણ અહી આપણા આ ભારત દેશમાં તો 'મંગળ'ના નામે જ્યોતિષી એવા 'મંગળદાસો'નું જ રાજ ચાલે છે અને ચાલતું રહેશે. અહી કોને 'વિજ્ઞાન' કે 'વૈજ્ઞાનિકો' ની પડી છે! અલબત્ત, ઉર્વીશ તમારા આ લેખ પછી તેઓ તેમના જ્યોતિષકથનમાં 'ક્યુરીઓસીટી' થી પ્રાપ્ત થનાર 'નવા' જ્ઞાનને-વિજ્ઞાનને જરૂર આમેજ કરી લેશે. એ લોકો એમાં જબરા પાવરધા છે. તેઓ જાણે છે કે પેલા ન્યાયાધીશ કાત્જુના મત પ્રમાણેના ૯૦% બુધ્ધુ ભારતીયોને ઉલ્લુ બનાવ્યે રાખવા 'મંગળ'નાં હાઉનું નવા યુગ પ્રમાણે અદ્યતન પેકેજીંગ ખૂબ મહત્વનું છે.
ReplyDeleteહવે નવી પેઢી કદાચ "મંગળ" ગ્રહની પણોજણ માં પડવા માંગતી હોય. અને હવે વૈજ્ઞાનિક મંગળ ગ્રહ ની પણોજણ માં પણ પડવું ન જોઈએ. ખોટા ખર્ચા ......... આ બધા રૂપિયા ને માનવજાતના ઉત્થાન માટે ઉપયોગ થવો જોઈએ.
ReplyDelete'મંગળનું નડતર દૂર કરાવવા ઇચ્છતા જાતકોને તે કહી શકે છે,‘એકલા મંગળનો પ્રોબ્લેમ હોત તો જુદી વાત હતી. હવે તો મંગળ પર ઉતરેલું પેલું યાન પણ તમને નડે છે. એની જુદી વિધી કરાવવી પડશે.’ Ha ha ha... Fabulous!
ReplyDelete