Sunday, August 26, 2012

બિલ ગેટ્‌સનું મહાસ્વપ્નઃ વૈશ્વિક શૌચાલય-ક્રાંતિ

શૌચાલયની નવી, ક્રાંતિકારી ડીઝાઇન માટે બિલ ગેટ્‌સની સંસ્થાએ યોજેલી ૧ લાખ ડોલરની ઇનામી હરીફાઇ ૬૦ કરોડ ભારતીયો સહિત વિશ્વભરના ૨.૬ અબજ લોકોની શૌચાલય-સમસ્યાનો ઉકેલ આણવાની દિશામાં પહેલું પગલું નીવડી શકે છે



ભારતના બોલકા શહેરી વર્ગ માટે સમસ્યાઓની યાદી બહુ જુદી છે. તેમાં (બીજા દ્વારા થતો) ભ્રષ્ટાચાર પહેલા ક્રમે આવતો હશે, પણ શૌચાલયના અભાવના મુદ્દાને કદાચ એકથી દસમાં પણ સ્થાન નહીં હોય. સંભવ છે કે શૌચાલયના ઉલ્લેખમાત્રથી, ભારતને ભાવિ સુપરપાવર તરીકે કલ્પતા ઘણા લોકોના નાકનું ટીચકું ચઢી જાય.

‘ભારતમાં શૌચાલય કરતાં મોબાઇલની સંખ્યા વધારે છે’- એવાં તારણો જાહેર થાય ત્યારે બે ઘડી આઘાત-આશ્ચર્ય વ્યક્ત કરીને આગળ વધી જવાનો રિવાજ છે. ખોટું કેમ કહેવાય? સરકારો સાવ એવું નથી કરતી. તે જાતજાતનાં ફેન્સી નામ ધરાવતી યોજનાઓ બનાવે છે, તેની પાછળ અઢળક નાણાં ફાળવે છે અને અમલીકરણની ચિંતા કર્યા વિના કંઇક કર્યાનો સંતોષ માની લે છે.

પરિણામ? આઝાદીના છ દાયકા પછી અને દેશનું આર્થિક માળખું બદલ્યાના બે દાયકા પછી, ભારતની કુલ વસ્તીમાંથી આશરે ૬૦ કરોડ લોકો પાસે શૌચાલયની મૂળભૂત સુવિધા નથી. વ્યક્તિગત શરમ-સંકોચથી માંડીને (મહિલાઓની બાબતમાં) અસલામતી અને એકંદરે સ્વચ્છતા-આરોગ્યના ગંભીર પ્રશ્નો શૌચાલયના અભાવમાંથી પેદા થાય છે. તેની સફાઇ દલિત સફાઇ કામદારોનું વંશપરંપરાગત કામ બનીને ચાલ્યા જ કરે છે- ભલે ને ભારત સરકારે કાયદા દ્વારા મળસફાઇ કરાવવાને અને પાણીની સુવિધા વગરનાં-સૂકાં શૌચાલય બાંધવાને ગુનો જાહેર કર્યો હોય.  

તેમ છતાં, વિજ્ઞાન-ટેકનોલોજીની આગેકૂચ માટે તલપાપડ દેશમાં શૌચાલયના અભાવ જેવી મૂળભૂત અને પ્રાથમિક કમી પૂરી કરવાની દિશામાં અસરકારક પ્રયાસ થયા નથી. દેશના ગ્રામવિકાસ મંત્રી જયરામ રમેશે થોડા સમય પહેલાં સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ખુલ્લામાં શૌચક્રિયા કરતા વિશ્વભરના લોકોમાંથી ૬૦ ટકા લોકો ભારતના છે અને એ આપણા માટે શરમજનક વાત છે. સરકાર ‘નિર્મળ ભારત અભિયાન’ જેવી ઝુંબેશો ચલાવે છે, શૌચાલયો બાંધવા માટે નાણાંકીય સહાય આપે છે- એ રકમ પણ હવે વધારીને રૂ.૧૦ હજાર કરવાનો નિર્ણય લેવાયો છે - છતાં ધાર્યાં પરિણામ મળ્યાં નથી. જાહેરમાં શૌચક્રિયા બંધ થઇ હોય એવું પહેલું અને એકમાત્ર રાજ્ય સિક્કિમ છે. બીજાં રાજ્યો, ખુદ જયરામ રમેશના કહેવા પ્રમાણે, શૌચાલયો બાંધવા માટે ફાળવાતાં નાણાં લઇ લે છે, પણ શૌચાલયો બાંધતાં નથી અને આંકડા આપવાના થાય ત્યારે તેમાં ઘાલમેલ કરે છે. અત્યારે ૨ લાખ ૪૦ હજાર ગ્રામ પંચાયતોમાંથી ફક્ત ૨૮ હજાર ‘નિર્મળ ગ્રામ’નો દરજ્જો પામી છે. (‘નિર્મળ ગ્રામ’ એટલે એવાં ગામ જ્યાં શૌચક્રિયા માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ થતો ન હોય)

ભારતમાં - અને ગુજરાતમાં તો ખાસ- જેટલી સંખ્યામાં નાનાં-મોટાં ધર્મસ્થાનો છે, એટલી સંખ્યામાં જાહેર શૌચાલયો બંધાયાં હોત તો આ સમસ્યા ઘણી હળવી બની હોત. પરંતુ એવું બન્યું નથી. તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોની વાત છોડો, શહેરી વિસ્તારોમાં પણ લાંબા અંતરે સમ ખાવા પૂરતાં સુલભ શૌચાલય કે જાહેર શૌચાલય જોવા મળે છે. દેખીતી રીતે સુગપ્રેરક લાગતા આ વિષયને ગાંધીજીએ મુખ્ય ધારાની ચર્ચામાં લાવવા ભરપૂર પ્રયાસ કર્યા હતા. તેમનો આશય અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા- એ બન્ને દૂષણો પર ઘા કરવાનો હતો. પરંતુ તેમની વિદાય પછી આ વિષય દલિતો અને તેમાં પણ સફાઇ કામદારો પૂરતો સીમિત રહી ગયો. ઘોંઘાટની જેમ ગંદકીને પણ ભારતના રાષ્ટ્રિય ચરિત્રમાં સ્થાન મળ્યું હોવાથી, આ મુદ્દે હોંશથી કામ થયું નહીં.

ભારતમાં અડધોઅડધથી પણ વધારે લોકો શૌચાલયના અભાવથી પીડાય છે, તો અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં પ્રશ્ન જરા જુદો છેઃ શૌચાલય પ્રણાલિ કાર્યક્ષમ રાખવા માટે ગટર વ્યવસ્થા પર ક્યાં સુધી આધાર રાખવો? અને જથ્થાબંધ પાણી ક્યાં સુધી ખર્ચ્યા કરવું? ફ્‌લશ દબાવવાથી વહી જતું લિટરબંધ પાણી ક્યાંકથી આવે છે અને એક જ વારમાં નકામું થઇ જાય છે, તેનો અહેસાસ ફ્‌લશ વાપરનારને ભલે ન હોય, પણ જાગ્રત (ભારતના નહીં એવા) આયોજકો તેને નજરઅંદાજ કરી શકતા નથી. ‘માઇક્રોસોફ્‌ટ’ કંપની થકી અબજોપતિ બની પરવારેલા બિલ ગેટ્‌સ એવા એક જણ છે.

વિવાદાસ્પદ પ્રકારના એકાધિકારથી કમ્પ્યુટરની ઓપરેટિંગ સીસ્ટમના ધંધામાં અબજો કમાયેલા બિલ ગેટ્‌સ ઘણા સમયથી સેવાનાં કામોમાં નાણાં વાપરે છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડતી ખાન્સ એકેડેમીથી માંડીને મલેરિયાનાબૂદી જેવાં અનેક કામોમાં ગેટ્‌સ અઢળક આર્થિક સહાય આપે છે. તેમને લાગ્યું કે પાણીનો અઢળક બગાડ કરતા અને નિભાવ માટે મોટું તંત્ર માગી લેતાં શૌચાલયોની ડીઝાઇનમાં મૂળભૂત ફેરફાર થવો જોઇએ. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન તરફથી આ હેતુ માટે એક સ્પર્ધા જાહેર કરવામાં આવી. તેમાં ભાગ લેનારે  બત્રીસ લક્ષણા શૌચાલયની ડીઝાઇન તૈયાર કરવાની હતી.

શૌચાલય માટે ‘બત્રીસ લક્ષણું’ એ વિશેષણ વધારે પડતું લાગતું હોય તો વાંચો ડીઝાઇન સ્પર્ધાની શરતોઃ નવી ડીઝાઇનના શૌચાલયમાં પાણીના, ગટરના કે લાઇટના કનેક્શનની જરૂર ન પડવી જોઇએ, તેમાં જમા થતા કચરાનો કશોક સાર્થક ઉપયોગ થવો જોઇએ- શક્ય હોય તો કોઇક રીતે ઊર્જા પેદા થવી જોઇએ અને આ શૌચાલય પાછળ વ્યક્તિ દીઠ રોજનો ખર્ચ પાંચ સેન્ટ (આશરે પોણા ત્રણ રૂપિયા)થી વધવો ન જોઇએ.

ખાનગી કંપનીઓ દ્વારા સફળ અવકાશયાત્રાની ઇનામી હરીફાઇઓ વિશે સાંભળ્યું હોય, પણ શૌચાલયની નવતર ડીઝાઇનની સ્પર્ધા? એ જરા નવાઇ ભરેલું લાગે, છતાં ગેટ્‌સ ફાઉન્ડેશનની ‘રીઇન્વેન્ટ ધ ટોઇલેટ’ સ્પર્ધામાં લોકો અને સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમની શરતો સંતોષતી ૨૫થી પણ વઘુ ડીઝાઇન આવી. તેમાંથી કેલટેક- કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી-ની ડીઝાઇનને ૧ લાખ ડોલરનું પહેલું ઇનામ મળ્યું. કેલટેક દ્વારા તૈયાર થયેલું શૌચાલય સૌર ઉર્જાની મદદથી હાઇડ્રોજન વાયુ અને તેની મદદથી વીજળી પેદા કરે છે. બીજી ત્રણ ડીઝાઇનને પણ ઇનામ આપવામાં આવ્યાં. એ તમામ વચ્ચે સામાન્ય બાબત એ છે કે તેમાં પાણીનો વપરાશ ઓછામાં ઓછો છે અને બદલામાં એક યા બીજા સ્વરૂપનું ઉપયોગી બળતણ પેદા થાય છે. આ પ્રકારનાં શૌચાલયમાં પાણી રીસાયકલિંગ દ્વારા શુદ્ધ કરીને જ વાપરવામાં આવે છે, જેથી પાણીના બગાડનો પ્રશ્ન રહેતો નથી.

સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ગયું, એનો અર્થ એવો બિલકુલ નથી કે હવે એ ડીઝાઇન પ્રમાણે જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઇ જાય. કાગળ પર સર્વાંગસંપૂર્ણ લાગતી ઘણી ચીજો સામાજિક, સ્વભાવગત કે બીજાં અનેક કારણસર લોકોમાં સ્વીકૃતિ પામતી નથી. એવું થાય તે સરકારોને પરવડે, કારણ કે તેમની દાનત સમસ્યાના ઉકેલની ભાગ્યે જ હોય છે. પરંતુ ગેટ્‌સ ફાઉન્ડેશન એકદમ કોઇ ડીઝાઇન માથે મારવા માગતું નથી. લોકોની સુવિધા અને સ્વીકૃતિનું પરિબળ ઘ્યાનમાં રાખીને, કિંમત ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે હજુ અનેક નાના-મોટા ફેરફાર થઇ શકે છે. ત્યાર પછી તેના પ્રાયોગિક અખતરા થશે. તેમાં પાર ઉતરેલી ડીઝાઇન પ્રમાણે વાસ્તવિક ઉત્પાદનનું કામ આગળ વધશે.  એ માટે ૧ લાખ ડોલરનું ઇનામ તો શરૂઆત છે. આગામી ત્રણ વર્ષમાં નમૂનેદાર શૌચાલય તૈયાર કરવા પાછળ ફાઉન્ડેશને ૩૭ કરોડ ડોલર ફાળવ્યા છે.

દરમિયાન, ભારતના ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/ DRDO તરફથી શૌચાલયના કચરાનો અસરકારક નિકાલ કરતું ‘બાયો ટોઇલેટ’ તૈયાર કરવામાં આવ્યું છે. આકરી ઊંચાઇ પર ફરજ બજાવતા જવાનોના શૌચાલયના કચરાના નિકાલ માટે ડીઆરડીઓ તરફથી સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. બાયો-ટોઇલેટ તેનું પરિણામ છે. ગ્રામવિકાસ મંત્રાલય તેને ગામડાં સુધી અને ટ્રેનોના ડબ્બા સુધી પહોંચાડવા માગે છે, જેથી ખુલ્લામાં ગંદકી ન થાય અને આરોગ્ય તથા સફાઇના પ્રશ્નો પર કાબૂ આણી શકાય.

એક વાર ટેકનોલોજી શોધાઇ જાય ત્યાર પછી પણ છેવટનો આધાર લોકોના પક્ષે તેની સ્વીકૃતિ અને સરકારના પક્ષે તેના અમલીકરણ પર છે. એ સિદ્ધ કરવા માટે આ વિષય પ્રત્યેનો છોછ તજવો રહ્યો.

2 comments:

  1. You are right, this must be one of India's biggest and gravest problems ever and one that refuses to get tacked because of lack of political and social Will. Gates must be commended from bringing this into sharp focus. This is one of those 'glamorous' topics on which you have shed your customary light once again. Superb stuff.

    ReplyDelete
  2. Anonymous11:40:00 PM

    ઉર્વીશભાઈ....." ભારતમાં - અને ગુજરાતમાં તો ખાસ- જેટલી સંખ્યામાં નાનાં-મોટાં ધર્મસ્થાનો છે, એટલી સંખ્યામાં જાહેર શૌચાલયો બંધાયાં હોત તો આ સમસ્યા ઘણી હળવી બની હોત. "
    જો સરખામણી કરવી હોય તો એમ પણ કહો કે જેટલા પ્રમાણમાં સિનેમા ઘરો બને છે/ ફિલ્મો ની પાછળ લાખો/કરોડો નો ધુમાડો થાય છે તે બંધ કરવા માં આવે તો ખાલી ભારત જ નહિ પણ આખા આફ્રિકા ના બધાને સૌચાલયો ની સુવિધા મળી જાય.

    ReplyDelete