Wednesday, April 30, 2014

ચૂંટણીસ્પેશ્યલ ફિલ્મી મસાલા સ્ટોરી

‘બંદૂકનાં નાળચાં વચ્ચે પાંગરતી પ્રેમકથા’- આવી ટેગલાઇન ફક્ત કાશ્મીર વિશેની કે ‘રામલીલા’ જેવી ફિલ્મો માટે જ વપરાય એવું થોડું છે? મતદાનમથકોમાં પણ આ પ્રકારની ટેગલાઇન વાપરી શકાય એવી ફિલ્મો માટે ફળદ્રુપ સિચ્યુએશન હોય છે : બંદૂકનાં નાળચાં ત્યાં સલામતી માટે હોય જ છે. રહી વાત પ્રેમની. એ તો ગમે ત્યાંથી પેદા કરી શકાય.

કલ્પના કરો :

લોંગ શોટમાં એક ભૂતપૂર્વ છેલબટાઉ હીરો, ચીંથરેહાલ, મજનુ અવસ્થામાં, ભૂખ્યોતરસ્યો ચાલતો આવી રહ્યો છે. ચોતરફ વેરાન ભૂમિ પથરાયેલી છે. કેમેરા નજીક જાય છે, ત્યારે હીરોની આંખોમાં પણ એવો જ સૂનકાર દેખાય છે. અચાનક દૂરનું કોઇ દૃશ્ય જોઇને હીરોની આંખમાં ચમક આવે છે. તેની મડદાલ ચાલમાં જરાતરા પ્રાણ આવે છે. ખિસ્સામાં રહેલી નાનકડી ચબરખી કાઢીને વારંવાર એ તેની પર પ્રેમથી હાથ પસવારે છે. દૂરથી સ્પષ્ટ દેખાતું નથી કે ચબરખી શાની છે, પણ ધારી શકાય છે કે એ તેની પ્રેમિકા માટેનો કે પ્રેમિકા દ્વારા લખાયેલો આખરી સંદેશો હશે.

હીરો થોડું વઘુ ચાલે એટલે એક મકાન અને તેની બહાર નાનકડી લાઇન દેખાય છે. ત્યાં મતદાન ચાલી રહ્યું છે. મત આપવાની અપીલોનો એટલો મારો ચાલ્યો છે કે પ્રેમભંગ થઇને દુનિયા હારી ચૂકેલો હીરો ઇચ્છા ન હોવા છતાં મત આપવા આવ્યો છે. મતદાનનો એટલો મહીમા કરવામાં આવ્યો છે કે હીરોને લાગે છે, કોને ખબર? કદાચ મતદાન કરવાથી ગુમાવેલી પ્રેમિકા પણ મળી જાય. પ્રયત્ન કરવામાં શું જાય છે?

મકાનની નજીક પહોંચીને હીરો આશાભરી નજરે લાઇન સામે જુએ છે. ત્યાં ઊભેલી દરેક વ્યક્તિમાં હીરોને હીરોઇનનાં દર્શન થાય છે. તેને પોતાના પ્રેમ વિશે નહીં, પણ પોતાની સ્વસ્થતા વિશે શંકા થાય છે. એ જરા માથું ઝકઝોરીને ખિસ્સામાંથી પેલી ચિઠ્ઠી કાઢે છે. તેમાં શેરોશાયરી કે પ્રેમિકાનો સંદેશ નહીં, ચૂંટણીપંચે છાપેલી હીરોની વિગત છે. સાથે હીરોનો સારી અવસ્થાનો, દાઢી કરેલો ફોટો પણ છે.

કોઇ પૂછે કે યે ક્યા હૈ, તો છુપાયે ન બને’ એવી રીતે હીરો ચબરખીને હાથમાં સંતાડતો અંદર જાય છે. અંદર ત્રણ સ્ત્રી અને એક પુરૂષ ટેબલ-ખુરશી પર બેઠાં છે. તેમાંથી રજિસ્ટરવાળાં બહેનની સામે હીરો ચબરખી ધરે છે. એ બહેન શંકાથી ઘડીમાં ચબરખી તરફ, તો ઘડીમાં સામે ઊભેલા હીરોના ચહેરા તરફ જુએ છે. તેમને લાગે છે કે આ બન્ને એક માણસ ન હોઇ શકે. પણ ચબરખી અસલી છે. એટલે તે હીરોને આગળ મોકલે છે.

ફિલ્મી સિચ્યુએશન એ છે કે એ જ બહેનની બાજુમાં બેેઠેલી સ્ત્રી હીરોઇન છે. પ્રણયભગ્ન થયા પછી તેણે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી ફરી ચાલુ કરી દીધી હતી. તે સામે ઊભેલા હીરોને ઓળખી શકતી નથી. હીરોને દરેક સ્ત્રીમાં અને ક્યારેક તો પુરૂષમાં પણ હીરોઇનનાં દર્શન થાય છે. એટલે સામે બેઠેલી હીરોઇનને ઓળખવા છતાં તેને જાત પર શંકા પડે છે અને એ કશો સંવાદ કરતો નથી.

હીરોઇન યંત્રવત્‌ ઔપચારિકતાથી શાહીની લીટી પાડવા માટે હીરોની આંગળી માગે છે. હીરો આખો પહોંચો આપવા તૈયાર છે. પણ હીરોઇનને ફક્ત આંગળી જ ખપે છે. બેકગ્રાઉન્ડમાં વાયોલિનના કરુણ સૂર વાગે છે, જે પહેલી તકે મઘુર સૂરમાં પલટાવા આતુર છે. હીરો ‘સિટીલાઇટ્‌સ’ના ચાર્લી ચેપ્લિન જેવી કરુણતા ચહેરા પર લાવીને આંગળી ધરે છે. હીરોઇન જેવી હીરોની આંગળી શાહીનું ટપકું કરવા માટે હાથમાં લે છે, એ સાથે જ તેને હીરોનો ચિરપરિચિત સ્પર્શ અનુભવાય છે. તે હીરોના ચહેરા અને તેની આંખો તરફ ઘ્યાનથી જુએ છે અને અચાનક ઊભી થઇ જાય છે. આવેશ, આવેગ અને કંઇક ગુસ્સાથી તે ધ્રુજવા લાગે છે. એક લઘરવઘર માણસની સામે ઑન ડ્યુટી ધ્રુજતી હીરોઇનને જોઇને બંદૂકધારી પોલીસ અંદર ધસી આવે છે અને હીરો તરફ કરડી નજર નાખે છે.

અહીંથી સ્ટોરીમાં બે વિકલ્પ આપી શકાય.

એક વિકલ્પમાં પોલીસ હીરોને ઝૂડવાનું અને તેને ઘસડીને બહાર લઇ જવાનું શરૂ કરે છે. હીરોઇન કંઇક બોલવા જાય છે, પણ તેને પોતાની ફરજ યાદ આવે છે. મતદાન પહેલાં અપાતી તાલીમમાં બાકી બઘું શીખવાયું હતું, પણ આવી સિચ્યુએશનમાં શું કરવું એની સ્પષ્ટતા થઇ ન હતી. તેના ચહેરા પર મૂંઝવણ પથરાય છે. પણ પોલીસ એ વખતે ફેસરીડિંગના મૂડમાં ન હોવાથી,  હીરોને ઢોરમાર મારીને બહાર ફેંકી દેવામાં આવે છે.

સાંજ સુધી હીરો બેભાન સ્થિતિમાં પડી રહે છે. સાંજે બૂથનું બઘું કામ પતાવીને બહાર નીકળેલી હીરોઇન હીરોને બેભાન અવસ્થામાં પડેલો જુએ છે. એટલે બીજા સહકર્મચારીઓ આગળ નીકળી જાય એ પછી તે હીરો પાસે જાય છે. તેના માથે વ્હાલથી હાથ ફેરવે છે, એક ચબરખી પર કંઇક લખીને તેના ખિસ્સામાં મૂકી દે છે અને કંઇ જ બન્યું ન હોય એવી બનાવટી સ્વસ્થતાથી ચાલવા માંડે છે.સબીજા દિવસે સવારે હીરોની આંખ ખુલે છે, ત્યારે તેને ખિસ્સામાંથી ચબરખી મળે છે. ધ્રુજતા હાથે તે ચબરખી ખોલે છે. તેમાં લખ્યું છે : ‘પહેલાં તું કહેતો હતો કે આપણે પ્રેમ ચૂંટણીપંચ દ્વારા વપરાતી શાહી જેવો અમીટ છે ને હું રાજી થતી હતી. પણ હવે મારે ચૂંટણીમાં ડ્યુટી આવતી થઇ. એટલે ખબર પડી કે આ શાહીનું અમીટપણું થોડા દિવસ સુધી જ ટકે છે. ...અલવિદા.’

બીજો વિકલ્પ : પોલીસની કરડી નજર જોઇને હીરોઇન ટેબલ-ખુરશી છોડીને આગળ આવે છે, મેલાઘેલા લાગતા હીરોનું રક્ષણ કરતી હોય એ રીતે તેને વળગી પડે છે અને ગર્જના કરે છે, ‘ખબરદાર જો કોઇએ હાથ ઉપાડ્યો છે તો. આ પણ દેશનો એક નાગરિક છે. તેની પાસે ચૂંટણીપંચે આપેલી ચિઠ્ઠી છે. પછી તેની સાથે જબરદસ્તી કરવાનો કોઇને અધિકાર નથી.’

હીરોની આંખમાંથી અશ્રુની ધાર વહે છે, હીરોઇનની આંખમાંથી પણ આંસુ છલકે છે, બન્નેનાં આંસુનું જમીન પર મિલન થાય છે, તેમાં દૃશ્ય ઘૂંધળું (ફેડ આઉટ) થાય છે અને એ ફરી સ્પષ્ટ (ફેડ ઇન) થાય છે ત્યારે ચોતરફ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનાં તોરણ લટકે છે. તેની પરના બેલેટ પેપરમાં દરેક વિકલ્પ પર હીરો-હીરોઇનનું સંયુક્ત નામ લખેલું છે. સામે દિલનું ફિલ્મી પ્રતીક છે. સવારાફરતી એક પછી એક ઇવીએમ પર હીરો-હીરોઇનનું નામ ઝબૂકતું જાય છે. આકાશમાંથી મતદાન-ચબરખીઓનો વરસાદ થાય છે. ઇવીએમના ‘બીપ’ અવાજ સાથે હીરો-હીરોઇનના દિલની ધડકનનો તાલ બેસે છે. જમીન પર ચોતરફ, ભૂંસાય નહીં એવી ચૂંટણીસ્પેશ્યલ શાહીનાં રંગબેરંગી પીપડાં ગોઠવાયેલાં છે. હીરો વારાફરતી એ પીપડાંને લાત મારીને ગબડાવે છે અને હીરોઇન સાથે અંગકસરત જેવો નહીં પણ શાંત, ધીમો, રોમેન્ટિક ડાન્સ ચાલુ કરે છે.

સીનનો જે રીતે આરંભ થયો એની પરથી સ્પષ્ટ છે કે આ ડ્રીમ સિકવન્સ છે. ગીત પૂરું થયા પછી હીરો છેલ્લા પીપડાને લાત મારે છે. તેમાંથી ઢળતી શાહીના રેલામાં ફરી એક વાર દૃશ્ય ઘૂંધળું થાય છે અને એ સ્પષ્ટ થાય ત્યારે હીરો-હીરોઇન મતદાન મથકમાં ઊભાં છે.  આંસુ લૂછીને હીરોઇન પોતાના કામે લાગે છે અને હીરો ફરી ધીમી ગતિએ ચાલે છે, પરંતુ આ વખતે તેની ગતિ વેરાન તરફની નથી. થોડી ક્ષણોમાં તેના પોઇન્ટ ઑફ વ્યુથી હેર કટિંગ સલૂનનું પાટિયું દેખાય છે. હીરોની ચાલમાં મક્કમતા અને તેના ચહેરા પર સ્મિત આવે છે. એ સાથે જ ‘ધ એન્ડ’.

Tuesday, April 29, 2014

મતદાર : ‘ઑડિયન્સ’ કે નાગરિક?

એક ભાઇને એવી ટેવ કે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરીને આવ્યા હોય, પણ કેવાં કપડાં પહેરવાં જોઇએ તેની વાત નીકળે એટલે એ જોસ્સાભેર કહી દે, ‘હેંહેંહે, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો- એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?’આટલી ઉઘાડી બેશરમી અને બેધડક છેતરપીંડી છતાં, તેમને ખાતરી હોય કે આમ કહેતી વખતે તેમણે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો જ પહેર્યો છે, એ લોકો નજરઅંદાજ કરશે. દસમાંથી સાત લોકો જોયું- ન જોયું કરશે. બાકીના ત્રણમાંથી એકાદ જણ ગણગણાટ કરી શકે છે, પણ સંખ્યાત્મક લોકશાહીમાં તેમની શી વિસાત?

લોકોને આત્મવિશ્વાસપૂર્વક મૂર્ખ બનાવીને કે ભપકાદાર-ભવ્ય જૂઠાણાંથી તેમને આંજીને ‘છવાઇ જવાની’ તરકીબ કટારલેખન કરતાં ઘણી વધારે ગંભીરતાથી રાજકારણમાં પ્રયોજાતી રહી છે.

જેમ કે, કોંગ્રેસ દ્વારા થતી સેક્યુલારિઝમની વાર્તાઓ. કોંગ્રેસે મુસ્લિમ સમાજના પ્રગતિશીલ હિસ્સાને હાંસિયામાં ધકેલીને જૂનવાણી બળોને પ્રોત્સાહન આપ્યું છે - અને આ કરતી વખતે તેની જીભે રટણ તો સેક્યુલારિઝમનું જ હોય. ગુજરાતની કોમી હિંસા વખતે ઘણા કોંગ્રેસીઓ ટોળાં સાથે જોડાઇ ગયા હતા. એટલું જ નહીં, હુલ્લડબાજીના આરોપસર જેલમાં ગયેલા કેટલાકને સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ટિફીન પણ પહોંચાડતા હોવાનું નોંધાયું છે. આ એક બાબતમાં સક્રિયતાને બાદ કરતાં, ગુજરાતનું વાતાવરણ થાળે પાડવામાં કોંગ્રેસી નેતાઓ લગભગ નિષ્ક્રિય અને સદંતર નિષ્ફળ રહ્યા. છતાં, તેમનો દાવો તો સેક્યુલારિઝમનો જ. સોનિયા ગાંધી ચૂંટણી વખતે મુસ્લિમ ધર્મગુરુને મળવા જાય અને તેમની પાસેથી કોંગ્રેસતરફી મતદાન માટેની અપીલો કરાવે. છતાં માળા સેક્યુલારિઝમની જપવાની. સહેંહેંહેં, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો - એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?

૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના ઘેરા ડાઘ ધોવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવાનો નહીં. હૃદયપૂર્વકની માફી પણ બાજુ પર રહી. ઉલટું, ટાઇટલર જેવા નેતાઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાને બદલે તેમને ચાલુ રાખવાના. પણ ગુજરાતની કોમી હિંસાની વાત આવે એટલે કકળાટ મચાવવાનો. હેંહેંહેં...આપણે તો આવું કરતા હોઇશું?

પણ એક વાત સ્વીકારવી પડે. આ ‘કળા’માં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખરેખર નંબર વન ‘કળાકાર’ છે. વડાપ્રધાન બનવા માટે તલપાપડ મોદીએ તેમના ચૂંટણીપ્રચારમાં  જે વચન અને નિવેદન આપ્યાં છે, તેમાં રહેલા કાતિલ દંભનું અને બેશરમ આત્મવિશ્વાસનું પ્રમાણ ભયજનક સપાટી વટાવી ગયું છે.  આ નિવેદનો ‘ચમકતા ગુલાબી ઝભ્ભા’ કરતાં ઘણાં વધારે મહત્ત્વપૂર્ણ વિષયો અંગેનાં છે.

એ જુદી વાત છે કે મોદીની સામે અથવા તેમની વાત આવે એટલે ઘણા લોકો નાગરિક મટીને ઑડિયન્સ બની જાય છે- જાદુનો ખેલ જોવા જતું ઑડિયન્સ. જાદુગરો પ્રામાણિક હોય છે. એટલે એ મનોરંજન માટે ઑડિયન્સને નિર્દોષ રીતે છેતરે છે, જ્યારે નેતાઓની - અને અહીં વાત થાય છે તે વડાપ્રધાનપદના ઉમેદવારની- છેતરપીંડી નિર્દોષ હોતી નથી.  તેમણે ઊભું કરેલું સામુહિક સંમોહન ‘ઑડિયન્સ’ને ભીંત ભૂલાવે છે.

આરોપ વઘુ પડતો તીખો લાગે છે? તો, વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકેની મોદીએ આપેલાં વચન અને એ જ બાબતોમાં મુખ્ય મંત્રી તરીકેની તેમની વર્તણૂંકને સાથે મુકવાથી કાતિલ દંભનો મુદ્દો સ્પષ્ટ થઇ જશે.

વડાપ્રધાન બન્યા પછી દેશમાં સ્વચ્છ-ભ્રષ્ટાચારમુકત શાસન આપવાનો દાવો ‘અબકી બાર, મોદી સરકાર’ના પ્રચારમાં કરવામાં આવે છે. પરંતુ એ જ મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંકમાં રોડાં નાખવામાં કોઇ કસર છોડી ન હતી,  એ ઉઘાડી અને જાણીતી સચ્ચાઇ છે. સ્વચ્છ-ભ્રષ્ટાચારમુક્ત શાસન ધરાવનાર મુખ્ય મંત્રીએ લોકાયુક્તથી ગભરાવાની જરૂર ન હોય. પરંતુ  અન્ના આંદોલનને હોંશે હોંશે સગવડીયો ટેકો આપનાર મોદી પોતાના શાસનમાં તટસ્થ લોકાયુક્ત નીમાય એ શક્યતાથી શિયાંવિયાં થતા હતા.

‘કેગ’ના અહેવાલના આધારે કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ કરવામાં મુખ્ય મંત્રી મોદી બહુ ઉત્સાહી. પરંતુ એ જ ‘કેગ’ દ્વારા ગુજરાત સરકારના નાણાંકીય વ્યવહારોની ટીકા થઇ, ત્યારે મુખ્ય મંત્રી તરીકે મોદીએ શું કર્યું? રાજીનામું આપી દીઘુંં? ગળે ઉતરે એવો તાર્કિક ખુલાસો આપ્યો? ના, તેમણે વિધાનસભામાં છેક છેલ્લા દિવસે કેવળ ઔપચારિકતા ખાતર ‘કેગ’નો અહેવાલ રજૂ કર્યો હતો. એ જ મોદી વડાપ્રધાન બન્યા પછી ભ્રષ્ટાચારમુક્ત શાસનનો વાયદો કરે છે.

મહિલા સુરક્ષા વિશે વાત કરવા માટે પણ ‘મોદી સરકાર’ ઉત્સુક હોય છે. એક મુલાકાતમાં તેમણે ગુજરાતની નવરાત્રિનો દાખલો આપીને, પોતાના રાજમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એની વાત કરી હતી. ગુજરાતના નાગરિકોએ વિચારવાનો પ્રશ્ન : ગુજરાતની બહેન-દીકરીઓ મુખ્ય મંત્રી મોદીના રાજ પછી જ- એટલે કે ૨૦૦૧ પછી જ-નવરાત્રિમાં રાત્રે બિનધાસ્ત હરતીફરતી થઇ? ત્યાર પહેલાં એ અસલામતીથી ઘરમાં ગોંધાઇ રહેતી હતી?

પોતે વડાપ્રધાન બને તો રાજકારણને અપરાધીઓથી મુક્ત બનાવશે એવો વાયદો મોદીએ કર્યો છે. તેમણે કહ્યું છે કે એ વડાપ્રધાન બનશે તો દાગી સાંસદો-વિધાનસભ્યો સામે ઝડપથી કેસ ચલાવવા માટે  સર્વોચ્ચ અદાલતને કહેશે. પ્રશ્ન એ થાય કે કોઇ વડાપ્રધાન ગમે તેટલો સારો ઇરાદો હોવા છતાં, અમુક કેસ ઝડપથી ચલાવવા એવું સર્વોચ્ચ અદાલતને કહી શકે? સર્વોચ્ચ અદાલત વડાપ્રધાનની સૂચના પ્રમાણે વર્તતી સંસ્થા નથી. માટે, વડાપ્રધાન બનતાં પહેલાં કોઇ ઉમેદવાર ‘સર્વોચ્ચ અદાલતને હું આમ કહી દઇશ’ એવી વાત કરે ત્યારે તેના અજ્ઞાન કે આપખુદ આત્મવિશ્વાસ વિશે ચિંતા થવી ન જોઇએ?

રહી વાત તેમના અપરાધીમુક્ત રાજકારણના દાવાની. ‘હેંહેંહેં, આપણે તે કંઇ ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરતા હોઇશું?’ સ્ટાઇલનો તે વઘુ એક ઉત્તમ નમૂનો છે. સૌ જાણે છે : અમિત શાહ મોદીનો જમણો હાથ છે - અને તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કે કટોકટીના વિરોધમાં નહીં, નકલી એન્કાઉન્ટરના કેસમાં જેલ જઇને જામીન પર છૂટેલા છે.

અમિત શાહ મંત્રીપદે હોય કે ન હોય, ગુજરાતની ‘મોદી સરકાર’માં તેમના હાથ બહુ લાંબા રહ્યા છે. ‘સાહેબ’ના આદેશથી એક ગુજરાતી યુવતી પર જાસુસી કરાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે અમિત શાહ વગોવાઇ ચૂક્યા છે. તેમણે, સંભવતઃ ‘સાહેબ’ના આદેશથી જ, એક નિર્દોષ છોકરીની જાસુસી માટે અને તેની રજેરજની હિલચાલની વિગતો મેળવવા માટે તેની પાછળ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ લગાડી દીધી હતી. એ આખો વાર્તાલાપ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને અખબારોમાં પણ આવી ચૂક્યો છે.

અમિત શાહના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલીસ અફસરો સહિત ડઝનબંધ વિશ્વાસુ પોલીસ અધિકારીઓ જેલમાં અથવા જામીન પર છે. (દરમિયાન, એકેય એન્કાઉન્ટર રાજ્યના હિતમાં કે મુખ્ય મંત્રીનો જીવ બચાવવા માટે થયાં ન હતાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે.) ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજયંતિ ઉજવાઇ ત્યારે યોજાયેલા ભવ્ય સમારંભમાં મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ મંચ પર ઉપસ્થિત હતું, પરંતુ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ  ધરપકડની આશંકાથી એ સમારંભમાં ગેરહાજર રહ્યા હતા. આ અમિત શાહને જમણા હાથ તરીકે રાખીને મોદી રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવાનો વાયદો આપે છે.

ફક્ત અમિત શાહ જ શા માટે, કોમી હિંસાનાં આરોપી માયાબહેન કોડનાનીને મુખ્ય મંત્રી મોદીએ પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીની પકડ સંપૂર્ણ હોવા છતાં, તેમના મંત્રીમંડળમાં બાબુભાઇ બોખીરીયા અને પુરુષોત્તમ સોલંકી જેવા અપરાધનો ઇતિહાસ ધરાવતા નેતાઓને સ્થાન મળતું રહ્યું છે. અને આ જ મોદી મુખ્ય મંત્રીને બદલે વડાપ્રધાન બની ગયા પછી, રાજકારણને અપરાધીમુક્ત બનાવી દેવાનો વાયદો આપે છે. ટીવી પર મોદીના ફિક્સ્ડ લાગતા ઇન્ટરવ્યુ લેનારા કોઇ એમને પૂછતા નથી કે અમિત શાહ, બોખીરીયા, સોલંકી જેવા મહાનુભાવો વિશે મોદીને શું કહેવાનું છે. ‘અપરાધી સાબીત ન થાય ત્યાં સુધી નિર્દોષ’ની ઘીસીપીટી રેકોર્ડ જ વગાડવાની હોય તો પછી કોંગ્રેસમાં અને મોદીમાં ફરક શો? અને આટલી ગર્જનાઓનો શો અર્થ છે?

ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શિક્ષત ઉમેદવારનું સરકારી રાહે શોષણ કરવા માટે ‘વિદ્યાસહાયક’ અને ‘અઘ્યાપકસહાયક’ જેવી વિશિષ્ટ વ્યવસ્થાઓ ઊભી કરી છે. પાંચ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મામુલી પગારમાં શિક્ષિતો પાસે નોકરી કરાવવી, એ રાજ્યસ્તરે મોદીનો રોજગારીનો ખ્યાલ છે અને વડાપ્રધાન બન્યા પછી એ રાષ્ટ્રિય સ્તરે બેરોજગારી દૂર કરવાના છે.

યાદ રહે, આ વાતોમાં ક્યાંય મુસ્લિમોનો કે ૨૦૦૨ની કોમી હિંસાનો મુદ્દો તો હજુ સુધી આવ્યો જ નથી. એ સિવાયના મુદ્દા પણ પૂરતા ગંભીર અને ચિંતાજનક છે. લોકો ભલે મનમોહનસિંઘને ‘મૌનમોહન’ કહે, ભીંસમાં આવે ત્યારે નરેન્દ્ર મોદીને પણ ‘મૌનમોહન’ બનતાં વાર લાગતી નથી. (એક ઉદાહરણ : આશ્રમમાં બાળકોની હત્યાના મુદ્દે મુખ્ય મંત્રીનું નિવેદન કદી જોયું-સાંભળ્યું?)

આગળ લખેલી બધી વિગતો જાહેર છે. પ્રસાર માઘ્યમોમાં આવી ચૂકી છે. હવે મતદારોએ નક્કી કરવાનું છે કે તે ‘ઑડિયન્સ’ છે કે જાગ્રત નાગરિક? તે કાતિલ દંભથી છેતરાવા ઉત્સુક છે? કે ખુલ્લી આંખે- ખુલ્લા મને જોઇ-વિચારી શકે છે? આ ચૂંટણીમાં પસંદગી કોઇ પક્ષ કે નેતાની નહીં, આ સવાલોના જવાબની થવાની છે.

Monday, April 28, 2014

રાજકીય કાર્ટૂનમાં ઓટ (૨) : લુપ્ત થતી પ્રજાતિમાં રાજકીય કાર્ટૂનિસ્ટનો ઉમેરો કરવો પડશે?

વર્તમાન સમયમાં ચૂંટણીને લગતી ઘણીખરી આતશબાજી સોશ્યલ નેટવર્કિંગ અને ટીવી ચેનલો પર થાય છે. કોઇ પણ ઘટના બને, તેના કટાક્ષપૂર્ણ અર્થઘટન માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડતી નથી. ફેસબુક-ટિ્‌વટર પર તરત જ તડાફડી શરૂ થઇ જાય છે. છતાં, એ પણ હકીકત છે કે એ ઘટના વિશે ‘ધ હિંદુ’માં સુરેન્દ્ર કે કેશવના અથવા ‘મુંબઇ મિરર’માં હેમંત મોરપરિયાના કાર્ટૂનનો કોઇ વિકલ્પ નથી. કારણ કે કાર્ટૂન - અને પ્રમાણમાં ટૂંકી આવરદા ધરાવતું રાજકીય કાર્ટૂન- એક સંપૂર્ણ કળા છે. તેમાં ચબરાકીભરી ટિપ્પણીની સાથોસાથ કાર્ટૂનિસ્ટની સમજણ અને તેમનું દર્શન ભળે છે. રમુજી કેરિકેચર (ઠઠ્ઠાચિત્ર)ની સાથે આખી પરિસ્થિતિને કોઇ જુદા જ સ્તરે, વિશિષ્ટ પ્રતીકો કે ચિત્રો દ્વારા, ઓછામાં ઓછી રેખાઓની મદદથી રજૂ કરવાની આવડત ઉમેરાય છે. જેમ કે, નરેન્દ્ર મોદીએ અડવાણીને આદર આપવાનો દેખાડો કરીને તેમનું પત્તું કાપ્યું, એ વિશે ઘણી રમૂજો થઇ. પરંતુ ‘ધ હિંદુ’માં સુરેન્દ્રના આ કાર્ટૂનમાં જે બારીકાઇથી છતાં આબાદ રીતે એ જ વાત મૂકવામાં આવી છે, એ જોઇને અડવાણીથી પણ બે ઘડી મરકી જવાય.  

Courtesy : Surendra/The Hindu
આઝાદ ભારતમાં રાજકીય કાર્ટૂનનો મજબૂત પાયો કે. શંકર પિલ્લઇએ નાખ્યો. ‘શંકર’ તરીકે વઘુ જાણીતા આ કાર્ટૂનિસ્ટે નેહરુનાં સંખ્યાબંધ કાર્ટૂન દોર્યાં હોવા છતાં, તે નેહરુના પ્રીતિપાત્ર બની રહ્યા. એ વાતથી શંકરની સાથોસાથ રાજકીય કાર્ટૂનનો મોભો પણ વઘ્યો. સરેરાશ ભારતીયો માટે આર.કે.લક્ષ્મણ ભલે કાર્ટૂનનો પર્યાય બન્યા હોય, પણ ધારદાર રાજકીય કાર્ટૂન માટે લક્ષ્મણની પેઢીના ઓ.વી.વિજયન અને અબુ અબ્રાહમનાં નામ લેવામાં આવે છે.

ઇંદિરા ગાંધીના સમયમાં રાજિન્દર પુરીએ ધારદાર કાર્ટૂન શરૂ કર્યાં. ૧૯૬૯માં ઇંદિરા ગાંધીએ કોંગ્રેસના જૂના નેતાઓ સાથેના ખટરાગ પછી પોતાની નવી કોંગ્રેસ રચી, ત્યારે રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ પહોંચી હતી. રાજકીય કાર્ટૂનિસ્ટો માટે આવો સમય સુવર્ણકાળ ગણાય. રાજિન્દર પુરીનું પુસ્તક ‘ઇન્ડિયા ૧૯૬૯, એ ક્રાઇસિસ ઑફ કોન્શયન્સ’ (૧૯૭૧) જોઇને એ વાતનો બરાબર ખ્યાલ આવે છે. પુરીના લેખ અને કાર્ટૂન ધરાવતા આ પુસ્તકમાં ઇંદિરા ગાંધી અને કોંગ્રેસના વિભાજનને લગતાં કાર્ટૂન ઐતિહાસિક રીતે મહત્ત્વનાં છે.

છેક સાઠના દાયકાથી શરૂઆત કરનાર રાજિન્દર પુરી સક્રિય રાજકારણમાં સંકળાયા, ૧૯૭૭માં જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા, થોડો સમય લોકદળ અને ભાજપમાં પણ રહ્યા. ૧૯૮૮માં તેમણે રાજકીય પક્ષો સાથે છેડો ફાડી નાખ્યો, પણ કાર્ટૂન દ્વારા રાજકારણ પર ધારદાર ટીપ્પણીઓ ચાલુ રાખી. અહીં મૂકેલું તેમનું કાર્ટૂન ઇન્દિરાયુગનું છે. તેમાં કાર્ટૂનિસ્ટને ભસતા કૂતરા તરીકે બતાવીને ઇન્દિરા ગાંધીના મોઢે પુરીએ મુકેલો સંવાદ છે, ‘જુઓ, આને કહેવાય તટસ્થ કાર્ટૂન.’
Cartoonist : Rajinder Puri
બોફર્સ કૌભાંડ જાહેર થયા પછી થયેલી ચૂંટણી, વી.પી.સિંઘની મોરચા સરકાર અને કોંગ્રેસના ટેકાથી ચાલેલી ચંદ્રશેખરની સરકારનો સમયગાળો રાજકીય અસ્થિરતાનો હોવાથી કાર્ટૂનિસ્ટો માટે વિષયોનો લીલો દુકાળ હતો. રાજીવ ગાંધી સત્તામાં હતા ત્યારે તેમણે અખબારો પર સકંજો કસવા માટે ‘ડીફેમેશન બિલ’ આણવાનો વિચાર કર્યો હતો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં રવિશંકર અને રાજિન્દર પુરી જેવા કાર્ટૂનિસ્ટોએ ડીફેમેશન બિલ અને બોફર્સના મુદ્દે ભારે ક્રૂરતાપૂર્વક રાજીવ ગાંધીની ફિલમ ઉતારી હતી. બોફર્સના સોદામાં ૭ ટકા રકમ કમિશન પેટે લેવાઇ હોવાની વાત હતી. એટલે રવિશંકરનાં કાર્ટૂનમાં અવારનવાર કોઇ પણ રીતે ૭ ટકા આવી જતા હતા. જેમ કે, કોંગ્રેસનો ત્રણ નાનાં રાજ્યોમાં વિજય થયો ત્યારે રાજીવના મોઢે રવિશંકરે મૂક્યું હતું, ‘૭ ટકા દેશ તો મારી સાથે છે.’
Cartoonist : Ravi Shankar
એક કાર્ટૂનમાં રાજીવ ગાંધીના ચહેરા પરથી વિગતો ઉડાડી દઇને પુરીએ લખ્યું હતું, ‘ડીટેઇલ્સ સ્વીડિશ સરકારના ઑડિટ રીપોર્ટમાંથી મળશે.’
Cartoonist : Rajinder Puri
રાજીવ ગાંધીએ ચૂંટણીપ્રચાર વખતે ‘માય હાર્ટ બીટ્‌સ ફોર ઇન્ડિયા’ અને વ્યંગચિત્રો ધરાવતી ચૂંટણીઝુંબેશને લીલી ઝંડી આપી, ત્યારે સામા પક્ષે પણ તેના પ્રતિકાર માટે કાર્ટૂનનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. પરંતુ  વી.પી.સિંઘની સરકાર બની ગયા પછી નાયબ વડાપ્રધાન દેવીલાલનો ત્રાસ શરૂ થયો. દબંગ દેવીલાલ અને વી.પી.સિંઘ વચ્ચેનો સંબંધ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના (એ વખતે યુવા) કાર્ટૂનિસ્ટ સુધીર તેલંગના કાર્ટૂનમાં આબાદ રીતે દર્શાવાયો છે. (દેવીલાલ કહે છે, ‘વી.પી.સિંઘ વડાપ્રધાનપદે ચાલુ રહે એમાં મને વાંધો નથી.’)
Cartoonist : Sudhir Tailang
ગુજરાતી પ્રકાશનોમાં રાજકીય કાર્ટૂનની પરંપરા પાખી રહી છે. બંસીલાલ વર્મા ‘ચકોર’ જેવા કાર્ટૂનિસ્ટ આ ક્ષેત્રે લાંબા સમય સુધી સક્રિય રહ્યા, પરંતુ ઘણાખરા ગુજરાતી કાર્ટૂનિસ્ટોનો ઝોક સામાજિક કાર્ટૂન ભણી વધારે રહ્યો- અને હવે તો રાષ્ટ્રિય સ્તરે રાજકીય કાર્ટૂનિસ્ટોનો દુકાળ થયો છે. તેની શરૂઆત નેવ્ંાુના દાયકાથી થઇ, પણ અબુ અબ્રાહમે ‘પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’(૧૯૮૮)ની પ્રસ્તાવનામાં આરંભે જ લખ્યું છે કે ‘બ્રિટન અને અમેરિકામાં પોલિટિકલ વિટ- રાજકીય રમૂજમાં આવેલી ઓટ આજકાલ ચર્ચાનો વિષય બની છે.’

એક સમયે સંખ્યાબંધ ઉત્કૃષ્ટ રાજકીય કાર્ટૂનિસ્ટો ધરાવતા દેશમાં આ પ્રજાતિ દુર્લભ અને કંઇક અંશે લુપ્ત થવાના આરે આવી હોય એવું કેમ લાગે છે? તેનો જવાબ છેલ્લાં ત્રીસેક વર્ષથી રાજકીય સહિતના વિવિધ વિષયો પર કાર્ટૂન કરતા હેમંત મોરપરિયાએ આપવા પ્રયાસ કર્યો હતો.

ગયા વર્ષે ‘ઓપન’ સાપ્તાહિકમાં ‘ડેથ ઑફ ધ પોલિટિકલ કાર્ટૂન’ શીર્ષક ધરાવતા લેખમાં તેમણે લખ્યું હતું, ‘વસ્તીના પ્રમાણમાં કાર્ટૂનિસ્ટોની સંખ્યા ગણીએ તો એ બાબતમાં ભારતની હાલત આફ્રિકાના કોઇ તદ્દન ગરીબ દેશ જેવી છે.’ આવું થવા માટે તેમણે જવાબદાર ગણાવેલાં કેટલાંક મુખ્ય કારણ :
૧) રાજકીય કાર્ટૂનિસ્ટને તૈયાર થતાં અને તેની ‘ભાષા’ લોકોને સમજાતાં સમય લાગે છે.
૨) હવે તંત્રીઓ પાસે પહેલાં જેવી સત્તા રહી નથી. નિર્ણયો લેતી કમિટીને એવું પણ લાગે કે કાર્ટૂનિસ્ટો સ્ટાર બની જાય અને છાપા માટે અનિવાર્ય બને એવી સ્થિતિ જ શા માટે પેદા થવા દેવી?
૩) કેટલાક સ્ટાર કાર્ટૂનિસ્ટ (વાંચો : આર.કે.લક્ષ્મણ) ‘લતા સિન્ડ્રોમ’થી પીડાય છે. (આ મોરપરિયાનો પ્રયોગ છે) એ લોકો પોતાનો સુવર્ણકાળ વટાવી ચૂક્યા હોવા છતાં, નવી પ્રતિભાઓને આગળ આવવા દેતા નથી.
૪) રાજકીય કાર્ટૂનિસ્ટને શરૂઆતમાં સારા રૂપિયા મળતા નથી. બીજી તરફ, રાજકીય કાર્ટૂન દોરવા માટે સાબૂત સેન્સ ઑફ હ્યુમર અને ઊંડા અભ્યાસથી માંડીને ભાષા પરની પકડ જેવાં બત્રીસ લક્ષણની જરૂર પડે છે. આવા બત્રીસલક્ષણા પુરૂષ કે સ્ત્રી આર્થિક રીતે અનેક ગણી વધારે ફળદાયી કારકિર્દીમાં ઘ્યાન આપે કે કાર્ટૂન દોરે?

હેમંત મોરપરિયાએ ગણાવેલાં છેલ્લાં બે કારણ જરા જુદાં, પણ વધારે અગત્યનાં છે. તેમના મતે, ઉદારીકરણ પછીની દુનિયામાં જે રીતે રૂપિયા પાછળની દોટ અને મોટાં પેકેજની લ્હાયમાં ‘જિંદગીનું કારકિર્દીકરણ’ (કરિઅરાઇઝેશન ઑફ લાઇફ) થયું છે, તેમાં રાજકીય કાર્ટૂન માટે જરૂરી એવો આદર્શવાદ ખોવાઇ ગયો છે.  આ ઉપરાંત સતત ઘટતી સહિષ્ણુતાનો મુદ્દો પણ તેમણે ઉખેળ્યો છે.

પહેલાં મામલો ફક્ત ધાર્મિક અસહિષ્ણુતા પૂરતો મર્યાદિત હતો. ગાંધીજીનાં યાદગાર કાર્ટૂન બનાવનાર બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉએ બનાવેલું પેગંબરસાહેબનું એક કાર્ટૂન લંડનના સાંઘ્ય દૈનિક ‘સ્ટાર’માં છપાયું, ત્યારે કલકત્તામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઇ ગઇ હતી. પરંતુ મોટા ભાગના રાજકીય નેતાઓ અને બીજા અગ્રણીઓ કાર્ટૂનને ખેલદિલીથી માણતા હતા- અથવા કમ સે કમ એવો દેખાવ તો રાખતા જ હતા. (જોકે, હિટલર તેમાં અપવાદ હતો. બીજું વિશ્વયુદ્ધ જીત્યા પછી જેમને પાઠ શીખવવાનો છે એવા લોકોની હિટલરની યાદીમાં ડેવિડ લૉનું નામ પણ હતું.)

છેલ્લાં થોડાં વર્ષોમાં ઓળખના રાજકારણની ધાર એટલી બધી અણીદાર બની છે કે મોરપરિયા કહે છે તેમ, ‘દસ વર્ષ પહેલાં સહજતાથી  જેમના વિશે કાર્ટૂન કર્યું હતું, એવાં કેટલાંક પાત્રો વિશે અત્યારે કાર્ટૂન બનાવવાનો વિચાર સુદ્ધાં દિમાગમાં દાખલ થવાની હિંમત કરતો નથી.’ અફસોસની વાત એ છે કે ચોથી જાગીરના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની ચિંતામાં અને સોશ્યલ નેટવર્કિંગની પાંચમી જાગીર પર થતા અભિવ્યક્તિના ધસમસતા પ્રવાહમાં તંદુરસ્ત લોકશાહી માટે આવશ્યક એવાં રાજકીય કાર્ટૂનના વધી રહેલા અભાવની નોંધ સરખી ભાગ્યે જ લેવાય છે. 

Saturday, April 26, 2014

જુરાસિક પાર્કમાં ચૂંટણી

અવનવાં ડાયનોસોરને એક જગ્યાએ ભેગાં રાખવાની કલ્પના સ્ટીવન સ્પિલબર્ગે તેમની ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ પાર્કમાં રજૂ કરી હતી. ધારો કે એવા કાલ્પનિક જુરાસિક પાર્કમાં સામાન્ય ચૂંટણી યોજાય તો, જુદાં જુદાં પ્રકારનાં ડાયનોસોર કેવી રીતે ચૂંટણીપ્રચાર કરે? સ‘ક્યાં લોકસભાની ચૂંટણી ને ક્યાં જુરાસિક પાર્ક’ એવું વિચારનારા લોકોને વિનંતી કે નેતાઓની જાડી ચામડી અને તેમની વૃત્તિઓની હિંસકતા વિશે વિચારી જોશો તો એવું થશે કે ‘ક્યાં પેલાં બિચારાં ડાયનોસોર અને ક્યાં આ નેતાઓ?’
***
ડાયનોસોર ૧

અમારાં ડાયનોસોરનાં નામ હોતાં નથી. અમે અમારાં પરિવારનામથી કે જૂથનામથી ઓળખાઈએ છીએ. મને મારા પરિવારનામનું ગૌરવ છે. લોકો કહે છે કે મારી પાસે જો કંઇ હોય તો એ મારું પરિવારનામ જ છે. લોકો એમ પણ કહે છે કે મારો જન્મ સમસ્ત ડાયનોસોર સમાજની નેતાગીરી લેવા માટે થયો છે. આ સાચું છે કે નહીં, એ હું જાણતો નથી. પણ એ વાત માનવામાં મને વાંધો નથી. આખરે રાજ કરવાની જ વાત છે, તો હું ડાયનોસોર સમાજના છેવાડાના સભ્યોના અને આખા જુરાસિક પાર્ક ઉત્થાન માટે એટલો ભોગ આપવા તૈયાર છું.

અમારું જૂથ શાકાહારી છે કે માંસાહારી કે ઉભયાહારી, એ હજુ નક્કી થઇ શક્યું નથી. મારા જૂથનો ઇતિહાસ કહે છે કે અમે શાકાહારી છીએ. અમારા પૂર્વજોએ ‘શાકાહારી’નું અંગ્રેજી ‘સેક્યુલર’ કર્યું હતું.  કેટલાંક વિરોધી જૂથો અમારા દાવા સાથે સંમત નથી. ‘શાકાહારી’ શબ્દની વ્યાખ્યા અંગે અમારી વચ્ચે ગંભીર મતભેદ છે. અમારા જૂથનાં કેટલાંક ડાયનોસોરોએ ભૂતકાળમાં શાકાહારી ડાયનોસોરનો સામુહિક સંહાર કર્યો હતો. અમે માનીએ છીએ કે જો અમારા જૂથે શાકાહારી ડાયનોસોરનો સંહાર કર્યો હોય તો અમે શાકાહારી ગણાવા જોઇએ. કારણ કે અમે હિંસક હોત તો માંસાહારી ડાયનોસોરનો સંહાર કર્યો ન હોત?

પણ હું જાણું છું કે આ તકરારનો અંત નથી. ખરું પૂછો તો, સમસ્ત જુરાસિક પાર્કના હિતમાં આ પ્રકારની તકરારનો કશો મતલબ પણ નથી. એટલું નક્કી છે કે હું પાર્ક પ્રત્યે ફરજ અદા કરવાની બાબતમાં જરાય પીછેહઠ કરવા માગતો નથી. ઘણા લોકો કહે છે કે અત્યાર સુધી અમારા જૂથેે જુરાસિક પાર્ક પર રાજ કર્યું છે, તો હવે અમારે બીજાને તક આપવી જોઇએ. કેટલાક ઉત્સાહીઓ કહે છે, ‘અબકી બારી, માંસાહારી.’ હું એ ચર્ચામાં પડવા માગતો નથી, પણ એટલું જરૂર કહીશ કે હું અમારા જૂથમાં છું, છતાં નથી. હું બીજું કશું ભલે ન કરી શકું, પણ અમારાં જૂથનાં કેટલાંક ડાયનોસોરને ધમકાવી શકું છું. જુરાસિક પાર્કના ડાયનોસોર સમાજને નવા લોહીનો અનુભવ થાય એટલા માટે જ હું આ ચૂંટણી લડવા તૈયાર થયો છું.

આ પવિત્ર મિશનમાં તમે મને સહકાર આપવા ઇચ્છતા હો, તો તમારો કિમતી અને પવિત્ર મત ડાયનોસોરની પૂંછડીને આપજો. પૂંછડીને મત એટલે આપણા દેશના ઇતિહાસને, તેની સમૃદ્ધ પરંપરાને અને દેશના ઉજ્જવળ ભવિષ્યને મત. મારી પૂંછડી સાથે તમારી પૂંછડી મળશે તો આપણા પાર્કનાં સૌથી છેવાડાનાં ડાયનોસોરની પૂંછડી શક્તિશાળી બનશે.

હર પૂંછ શક્તિશાલી, હર પૂંછ ગૌરવશાલી. જોર સે બોલો...હર પૂંછ શક્તિશાલી...

ડાયનોસોર ૨

વર્ષોથી પેલા દંભી શાકાહારી- સેક્યુલર- સમુદાયે આપણા જુરાસિક પાર્ક પર રાજ કર્યું, એમાં ને એમાં પાર્ક ખાડે ગયો છે. પોતે સેક્યુલર-શાકાહારી છે, એવું દર્શાવવા માટે તેમણે પાર્કનાં વૃક્ષોનાં પાંદડાં સુદ્ધાં લીલા રંગે રંગી નાખ્યાં છે. તુષ્ટિકરણની હદ હોય કે નહીં? પણ હવે એ લોકોથી તમે છેતરાશો નહીં. અમે એમના જેવા નથી. અમે શાકાહારી હોવાનો દાવો કરતા નથી અને ચૂંટણીપ્રચાર ચાલુ કર્યો ત્યારથી માંસાહારી હોવાની વાત પણ બંધ કરી છે.

અમે હવે સુધરી ગયા છીએ, એ વાત બીજું કોઇ માને કે ન માને, પણ અમે ગાઇ વગાડીને કહીએ છીએ. અમારા પરિવારની એ જૂની પરંપરા છે કે કોઇ પણ વાત મોટેથી, ગાઇવગાડીને અને વારંવાર કહેવાથી એ સાચી સાબીત થઇ જાય છે. વિરોધી ડાયનોસોરો એને જૂઠાણું કહે છે, પણ અમે એને વચનસિદ્ધિ માનીએ છીએ. અમારી વાતમાં એટલી તાકાત હોય છે કે એ ખોટી હોય તો પણ આખો જુરાસિક પાર્ક એને સાચી માનવા માંડે અને અમારા વતી એનો પ્રચાર કરવા લાગી પડે.

અમારા વિરોધીઓ અમને માંસાહારી તરીકે બદનામ કરે છે, પણ માંસાહારી કોણ નથી? શાકાહારી ડાયનોસોર લીલોતરી ખાય છે તેમાં સૂક્ષ્મ જીવજંતુઓ નહીં હોય? એ કરે તે શાકાહાર અને અમે કરીએ તે માંસાહાર- એવો દંભ બહુ ચાલ્યો. જુરાસિક પાર્કની જનતા આવો દંભ કરનારાને માફ નહીં કરે. એને બદલે અમે ચોખ્ખું કહેનારા શું ખોટા? જોકે, હવે અમે શું ચોખ્ખું કહીએ છીએ, એ ચોખ્ખું કહી શકાય એમ નથી. કારણ કે અમે જુરાસિક પાર્કની સેવા કરવાની સેવા કરવાની અદમ્ય ઇચ્છા ધરાવીએ છીએ. ઘણા તેને સત્તાની લાલસા કહે છે, પણ પાર્કની સેવા કરવામાં ગમે તેટલી બદનામી વહોરવાનું પણ અમને મંજૂર છે. પાર્કની સેવા કરવી એ ગુનો ગણાતો હોય તો અમે ફાંસીએ ચડી જવા પણ તૈયાર છીએ.

હા, ઘણા ચોખલિયાઓને શાકાહાર-માંસાહારનો મુદ્દો બહુ અગત્યનો લાગે છે, પણ અમે એવા જૂનાપુરાણા મુદ્દા પર ચૂંટણી લડવા માગતા નથી. જુરાસિક પાર્કનો વિકાસ અમારું એકમાત્ર ઘ્યેય છે. અમે પોતે આ જ જુરાસિક પાર્કમાં રહીએ છીએ. એટલે પાર્કના વિકાસ માટે અમારો વિકાસ કરવો પડે, આટલી સીધી વાત કેટલાકને સમજાતી નથી. પણ મને ખાતરી છે કે જુરાસિક પાર્કની ડાયનોસોર જનતા એવા લોકોને માફ નહીં કરે.

અમારું વિરોધી જૂથ કહે છે કે અમારા રાજમાં જુરાસિક પાર્કનાં બીજાં જૂથનાં ડાયનોસોર સલામત નહીં રહે. અમે ખાતરી આપવા માગીએ છીએ કે આ જૂઠાણું છે. કેટકેટલાં ડાયનોસોરનો એટલો વિકાસ થઇ ગયો છે કે એ સમુદ્રના તળિયે રહેવાની ક્ષમતા ધરાવે છે. તેને કારણે એ જમીન પર દેખાતાં નથી. એટલે અમારા હિતશત્રુઓ એવો પ્રચાર કરે છે કે એ ડાયનોસોરનાં એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યાં છે. સચ્ચાઇ એ છે કે એ ડાયનોસોરનો વિકાસ થયો એ વિકાસના એટલે કે અમારા વિરોધીઓથી ખમાતું નથી.

સમસ્ત જુરાસિક પાર્કની ડાયનોસોર જનતા દરિયાના તળિયે રહી શકાય એવો વિકાસ સાધવા થનગની રહી છે એની અમને ખાતરી છે. એટલે અમારી જીતને કોઇ રોકી શકે એમ નથી.

ડાયનોસોર ૩

અમારો હાથની જગ્યાએ પાંખો જેવું કંઇક ફૂટ્યું હોય એવો, વિચિત્ર દેખાવ જોઇને નવાઇ પામવાની જરૂર નથી. ડાયનોસોરને ખરેખર પાંખો હોઇ શકે છે. આપણા પાર્કના ઘણા મહાન આગેવાનો ભૂતકાળમાં લખી ગયા છે કે ડાયનોસોરને પાંખો હોઇ જ શકે છે- બલ્કે, ધીમે ધીમે તેમને પાંખો ફૂટવી જ જોઇએ. તો જ એમની ઉત્ક્રાંતિ થઇ કહેવાય. આપણા પાર્કમાં શાકાહાર-માંસાહાર અને વિકાસની વાતો થાય છે, પણ આપણી જાડી ચામડીની વાત કોઇ કરતું જ નથી.

જાડી ચામડી મોટા ભાગની સમસ્યાઓનું મૂળ છે. એ સંવેદનશીલ થાય તો ઉત્ક્રાંતિના રસ્તે આપણે આગળ વધી શકીએ ને કદાચ પાંખો પણ ફૂટે. ચામડીને સંવેદનશીલ કરવા માટે આપણે રગદોળાવું પડે, મહેનત કરવી પડે. અમે રગદોળાયા એટલે અમને પાંખો જેવું કંઇક ફૂટ્યું છે. એ વધે છે કે ખરી જાય છે, તે જોઇશું, પણ એ ઉત્ક્રાંતિનું પ્રતીક છે એટલું નક્કી.

પાંખો વિના તમારામાંથી ઘણા બધાંની જિંદગી ચાલે જ છે. છતાં, એક વાર જાડી ચામડીમાંથી પાંખો જેવું કંઇક ફૂટવાનો અનુભવ લેવો હોય તો અમને યાદ કરજો. બાકી, ડાયનોસોર સમાજ જેના માટે કુખ્યાત છે એવી સુસ્તીથી જીવન વીતાવવું હોય તો બીજા ઉમેદવારો તમારા માટે જ છે.  

Thursday, April 24, 2014

લોકલક્ષી રાજકારણ : વકરો અને નફો

જાણીતી વાર્તા પ્રમાણે, રાજાના દરબારમાં ગુનેગારને સજાના બે વિકલ્પ મળ્યા હતા : પચાસ ફટકા ખાવા અથવા પચાસ ડુંગળી.  ગુનેગાર ફટકા ખાવાનું શરૂ કરે એટલે થોડી વાર પછી એમ થાય કે ‘આના કરતાં ડુંગળી સારી’ અને થોડી ડુંગળી ખાધા પછી રાડ પોકારી જાય એટલે ‘આના કરતાં ફટકા ખાવા સારા’ એવો વિચાર આવે. વાર્તાનો અંત એવો હતો કે ગુનેગાર પચાસ ફટકા પણ ખાય છે ને પચાસ ડુંગળી પણ.

ભારતની લોકશાહીમાં મતદારોની દશા, વાર્તામાં આવતા ગુનેેગાર જેવી લાગે છે. પક્ષીય વફાદારી ધરાવતા લોકો સંમત નહીં થાય, પણ શાસનની બાબતે કોંગ્રેસ-ભાજપ ડુંગળી અને ફટકાની યાદ અપાવે એવા બે ‘વિકલ્પ’ છે. રાજ્યસ્તરે તેમના વિકલ્પ ઉભરતા રહ્યા છે - ક્યારેક સ્થાનિક મુદ્દા, આંદોલન કે રાજકારણના પરિપાક તરીકે, તો ક્યારેક વેરવિખેર રાષ્ટ્રિય મોરચાઓના રહ્યાસહ્યા ટુકડા તરીકે. પરંતુ એ વૈકલ્પિક પક્ષો રાજકારણની દૃષ્ટિએ ‘ડુંગળી-ફટકા પક્ષો’ કરતાં ખાસ જુદા હોતા નથી. કોંગ્રેસ-ભાજપની જેમ એ પણ લોકહિતની ઉપેક્ષા કરીને, મુખ્યત્વે લોકરંજક (પોપ્યુલિસ્ટ) દેખાડાબાજીના જ ખેલ પાડે છે અને વ્યક્તિકેન્દ્રી કે સંકુચિત વિચારધારાકેન્દ્રી બની રહે છે.

ટોળાંને રીઝવે એવાં ભાષણ, નાટકબાજી કે જોણાં કરવાં, રાજ્ય પાસેથી લાભ મેળવી ચૂકેલા-મેળવવા આતુર ઉદ્યોગપતિઓનાં કે પછી રાજ્યનાં નાણાંનો ઘુમાડો કરીને પોતાનો વટ પાડી દેવો, નક્કર કામને બદલે આક્રમક પ્રચાર પર વધારે ઘ્યાન આપવું, ઉત્તરદાયી ન રહેવું- અઘરા સવાલોના જવાબ ન આપવા, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે તેનું શક્ય એટલું કેન્દ્રીકરણ કરવું, લોકસેવક હોવાનો દાવો કરતાં કરતાં, લોકશાહી સંસ્થાઓને પંગુ બનાવીને લોકસમ્રાટ બની બેસવું, સેક્યુલરિઝમ કે હિંદુત્વ જેવી લાગણીઓના નામે ચરી ખાવું - આ બધાં લક્ષણો ‘ડુંગળી-ફટકા પક્ષો’ અને તેમના નેતાઓનાં છે.

હમણાં સુધી તેમાંથી કોઇ રાષ્ટ્રિય કે સ્થાનિક પક્ષ બાકાત ન હતો. મોરચા સરકારો ભૂતકાળમાં ઘણી બની હતી, પરંતુ તેમનું રાજકારણ મૂળભૂત રીતે જુદું (લોકલક્ષી કે લોકાભિમુખ) ન હતું. કટોકટી પછી ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર પાસે આપખુદશાહીના વિરોધી અને લોકશાહીને પુષ્ટ કરે એવા રાજકારણની આશા હતી, પરંતુ કોંગ્રેસવિરોધનું દોરડું વિપક્ષી નેતાઓને એક ભારે બાંધવામાં નબળું અને નિષ્ફળ નીવડ્યું. એટલે જનતાપ્રયોગનો કરુણ અંત આવ્યો. સતેનાં વર્ષો પછી- અને લોકાભિમુખ રાજકારણના નામે સદંતર અંધકાર છવાયા પછી કદાચ પહેલી વાર- આમઆદમી પક્ષ થકી ‘ડુંગળી-ફટકા પક્ષો’ના રાજકીય વિકલ્પની - વૈકલ્પિક રાજકારણની આશા ઊભી થઇ છે.

પરિવર્તનનો રસ્તો

મુદ્દો કોઇ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધનો નહીં, નાગરિકલક્ષી રાજકારણની તલપનો છે. દાયકાઓથી ભારતના નાગરિકો એક યા બીજા પક્ષ-નેતાની ભક્તિમાં રાચતા આવ્યા છે. સેક્યુલરિઝમ અને હિંદુત્વ, સમાજવાદ અને ઉદારીકરણ - આ બધા પર મૂકેલી આશાઓ છેવટે ઠગારી નીવડી હોવાનું અને બધા છેવટે એકના એક હોવાનું ઘણા નાગરિકોને સમજાયું છે. છતાં, પરિસ્થિતિ સુધરતી નથી, બલ્કે બગડતી જાય છે. કેમ?

લોકલક્ષી રાજકારણમાં જે ‘લોક’ની- એટલે કે નાગરિકોની- વાત છે, તેમના કેટલાક મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે :
૧) તમારી બધી વાત સાચી, પણ હું તો વર્ષોથી કમળને (કે પંજાને) જ મત આપું છું.
૨) એક વાર અમુક નેતા (ભૂતકાળમાં ઇંદિરા કે રાજીવ કે સોનિયા, ભવિષ્યમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી) આવે એટલે જોજો તો ખરા. એ દેશનો ઉદ્ધાર કરી નાખશે. આપણો મત તો એમને જ.
૩) અમે તો અમારા સમાજના (જ્ઞાતિ કે સમુદાયના) ઉમેદવારને જ મત આપવાના. એ જેવો હોય એવો, પણ અમારો તો ખરો.
૪) અત્યાર સુધી બધા આવી ગયા, પણ આપણો દહાડો કોણે વાળ્યો? એટલે તમે કહો તો એને મત આપીએ, પણ અમને શું મળશે? (ઉમેદવારના કે પક્ષના ગુણદોષના આધારે મત આપનાર સંખ્યાત્મક લધુમતીને અહીં બાકાત રાખી છે.)

આ યાદીમાં હજુ બીજા કેટલાક પ્રકાર કે પેટાપ્રકારનો ઉમેરો કરી શકાય, પણ તેમાંથી એકેયમાં લોકોની સામેલગીરી ધરાવતા રાજકારણનો ખ્યાલ નથી. મત આપ્યા પછી ને સરકાર રચાઇ ગયા પછી પોતાની કોઇ ભૂમિકા હોઇ શકે અને નેતાઓ પાસેથી પોતે જવાબ માગી- મેળવી શકે, એવો ખ્યાલ મતદારોના મનમાં ઉગતો જ નથી. તેને મૂળમાંથી બાળી નાખવા માટે અત્યાર લગી રાજકીય પક્ષોએ સતત મહેનત કરી છે અને તેમની મહેનત ફળી છે. એટલે પાંચ વર્ષે એક વાર નમ્રભાવે અને વચ્ચે ક્યારેક મહેમાન કલાકારની છટાથી નેતા મતવિસ્તારમાં આવી જાય, એટલી ‘કૃપા’થી લોકો નભાવી લે છે. અપેક્ષા દિવસે દિવસે ઓછી થતી જાય એટલે રાજકારણીઓ સામેનો કચવાટ-કકળાટ ચાલ્યા કરે, પણ ચૂંટણી વખતે મતદાનને પવિત્ર ફરજ સમજીને, આગળ જણાવેલા કોઇ પ્રકારને અનુસરીને મત આપી દેવાય છે.

આ પ્રકારની અંધકારમય ‘વ્યવસ્થા’ની આદત પડી ચૂકી હોય ત્યારે તેમાં ચકમકથી જ્યોત જલાવવાના પ્રયાસ ‘અરાજકતા’ લાગી શકે છે. એ રીતે અરવિંદ કેજરીવાલને અને તેમના રાજકારણને ‘અરાજકતાવાદી’ ગણવાં હોય તો ગણી શકાય. સવાલ એ છે કે કેજરીવાલ અને તેમના રાજકારણને સતત, નાનામાં નાના મુદ્દે ઉતારી પાડવાના પ્રયાસ શા માટે થાય છે? મુદ્દાની હળવી, ભારે કે પરચૂરણ ગંભીરતા વિશે જોયા-વિચાર્યા વિના, પહેલી તકે સોશ્યલ નેટવર્કિંગ કે ટીવી ચેનલો પર કેજરીવાલને ઝૂડવા બેસી જાય છે, એ લોકો કોણ છે? તેમાંથી કેટલા ભાજપ-કોંગ્રેસના વફાદારો છે? કેટલા પોતાનાં આર્થિક કે મનોવૈજ્ઞાનિક કારણોસર કેજરીવાલના ભીંતભૂલ્યા ટીકાકાર બની ગયા છે? અને કેટલા લોકો અગાઉના નેતાઓના વરવા અનુભવો પરથી કેજરીવાલને શંકાની નજરે જુએ છે અને તેમના પ્રકારના - એટલે કે નાગરિકલક્ષી- રાજકારણને સરખી તક આપવા તૈયાર નથી? આ સૌએ વિચારવાનું છે.

કેજરીવાલનાં કેટલાંક પગલાં વિશે મતભેદ હોઇ શકે, ‘આપ’ દ્વારા પસંદ કરાયેલા કેટલાક ઉમેદવારો સામે વાંધો લઇ શકાય, ‘આપ’ પાસેથી કેટલાક મુદ્દે વઘુ સ્પષ્ટતાની અપેક્ષા હોય, પરંતુ પક્ષના મુખ્ય સૂત્રધારો એવા કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવની દાનતમાં ખોટ દેખાઇ નથી. તેમનો-‘આપ’નો ઇરાદો બને એટલા વધારે પ્રમાણમાં મતદારોની-નાગરિકોની સામેલગીરીનો હોય એવું લાગ્યું છે. સાથોસાથ ભૂલો સ્વીકારવાની તેમની તૈયારી પણ દેખાઇ છે. પરિવર્તનના રાજકારણમાં સૌથી પાયાની કહેવાય એવી આ બન્ને જરૂરિયાતો બીજો કયો રાજકીય પક્ષ સંતોષે છે?

પણ એના કરતાં વધારે પ્રાથમિક સવાલ છે : નાગરિકોને- એટલે કે આપણને- લક્ષમાં લેતી, વીવીઆઇપી બની ગયા વિના આપણી વાત સાંભળવા તૈયાર અને સવાલોના જવાબ આપે એવી નેતાગીરી આપણે જોઇએ છે? કે પછી કોઇ આવીને આપણો ઉદ્ધાર કરી જશે, એ આશામાં છેતરાતા રહેવું આપણને વધારે પસંદ છે? રાજકારણના ત્રાજવાનું પલ્લું સહેજસાજ નાગરિકો તરફ નમી શકે એવી સંભાવના ઊભી થઇ હોય ત્યારે તેનો શક્ય એટલો કસ કાઢવો છે? કે પછી જેમ છે તેમ જ ધકાવ્યે રાખવું છે.

વફાદારી નહીં, ફરજ

કેટલાક લોકો ઠાવકું મોં રાખીને કહે છે, ‘જુઓ, અમને કેજરીવાલ સામે વાંધો નથી. પણ એમને થોડા ટાઇમની જરૂર છે. અમસ્તી પણ આ વખતે એમની સરકાર બનવાની નથી. તો પછી નકામો મત શા માટે બગાડવો? એના કરતાં મોદીને મત આપો. એ યોગ્ય ઉમેદવાર છે.’ બીજા કેટલાક આ જ તર્ક મૂકીને કહે છે, ‘આપ’ને મત આપવાથી મોદીવિરોધી મત બગડશે. એના કરતાં કોંગ્રેસને જ મત આપો.

‘વ્યવહારુ ડહાપણ’ના નામે રજૂ કરાતી આ દલીલ કુતર્કનો ઉત્તમ નમૂનો છે. કારણ કે દેખીતી રીતે તર્કબદ્ધ લાગતી આ વાત કરનારા પહેલા પગથીયે જ ગોથું ખાય છે. જાગ્રત નાગરિકો માટે સવાલ ‘આપ’ની સરકાર બનશે કે નહીં, એ નથી. (અત્યાર સુધી) કેજરીવાલ લોકલક્ષી રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે. લોકલક્ષી રાજકારણનો પાયો મજબૂત બનશે, તો વડાપ્રધાન ગમે તે થાય, તેમની સરકાર પર નાગરિકોનું- તેમના ખરા પ્રતિનિધિઓનું દબાણ રહેશે અને તે બેફામ બનતા અટકશે. પરંતુ લોકલક્ષી રાજકારણનું થોડુંઘણું બળ પણ ઊભું નહીં થાય, તો પછી વડાપ્રધાન ગમે તે બને, મૂળભૂત રાજકારણમાં કશો ફરક નહીં પડે.

પક્ષીય કે વ્યક્તિગત વફાદારી માનસિક ગુલામીનું લક્ષણ છે. એવી ‘વફાદારી’ કેજરીવાલ કે ‘આપ’ પ્રત્યે પણ ન હોવી જોઇએ.  મહત્ત્વ ‘આપ’નું નહીં, તેના દ્વારા પ્રગટાવાયેલી નાગરિકલક્ષી રાજકારણની ચિનગારીનું છે. એ બુઝાવી ન જોઇએ. ‘આપ’નો વિરોધ થઇ જ શકે, પરંતુ કોંગ્રેસ-ભાજપના ખોળે બેસી ગયા વિના. જાગ્રત નાગરિકો માટે ‘આપ’ માત્ર સાધન છે. અસલી ઘ્યેય નાગરિકોની સામેલગીરીના રાજકારણનો શક્ય એટલો વિસ્તાર કરવાનું છે. કાલે બીજો કોઇ પક્ષ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ જેવા નેતાઓ સાથે ચોખ્ખી દાનત અને લોકસામેલગીરીની વાત લઇને આવે તો જાગ્રત નાગરિકોએ એ પક્ષને પણ ટેકો આપવો જોઇએ.

અત્યાર લગી ‘લેસર એવિલ’ (ઓછા અનિષ્ટ) પક્ષની પસંદગી કરીને થાકેલા નાગરિકોનું વાંકદેખાપણું સમજાય છે. છતાં અનિષ્ટ સિવાયની પસંદગી ઉપલબ્ધ બને ત્યારે એને પસંદ કરવા જેટલી સૂઝ પણ નાગરિકોએ બતાવવી રહી. 

Tuesday, April 22, 2014

ચૂંટણીટાણે રાજકીય અભિપ્રાયોની ભરતી વચ્ચે રાજકીય કાર્ટૂનમાં ઓટ

એકાદ-બે દાયકાથી ભારતમાં રાજકીય કાર્ટૂન ક્ષેત્રે ભારે મંદી ચાલે છે.  દેશની રાજકીય વાસ્તવિકતાઓને ધારદાર ઢબે ઉજાગર કરી આપતા  કાર્ટૂનિસ્ટોની સંખ્યા બે આંકડામાં પણ માંડ પહોંચે એટલી છે. કેવી ઉજ્જવળ હતી આ પરંપરા? અને તેની અવદશા કેમ થઇ? 

એક તસવીર બરાબર એક હજાર શબ્દો- એવું સમીકરણ જાણીતું છે. પરંતુ એક કાર્ટૂન - અને એમાં પણ રાજકીય કાર્ટૂન કેટલા શબ્દો સામે ભારે પડે? નક્કી કરવું અઘરું છે. કારણ કે ઘણી વાર જે અસર આકરામાં આકરા શબ્દોથી પેદા થતી નથી, તે થોડા લસરકા અને  એકાદ લીટી દ્વારા નીપજી આવે છે. જોનાર સમભાવી હોય તો તેને ઇથર લગાડેલો છરો વાગ્યો હોય એવી અનુભૂતિ થાય.

આકરા કટાક્ષથી કે હળવા વ્યંગથી કામ લેતાં રાજકીય કાર્ટૂન જોયા પછી હસવું કે રડવું, એની ખબર ન પડે. કારણ કે તેમાં વક્રતાનો સહારો લઇને વાસ્તવિકતા દર્શાવાય છે. કાર્ટૂનિસ્ટના ભાથામાં શબ્દો ઉપરાંત ચિત્ર અને ઠઠ્ઠાચિત્ર જેવાં વધારાનાં આયુધ હોય છે. તેમનો અસરકાર વિનિયોગ થાય તો ઘણી વાર શબ્દવિહોણાં કાર્ટૂન જોઇને વાંચનાર પણ ઘડીભર મંત્રમુગ્ધ અને નિઃશબ્દ થઇને વિચારે છે કે કાર્ટૂનિસ્ટે વીજળીના ઝબકારે મોતી પરોવ્યું શી રીતે? કમાલની વાત એ છે કે આ બધી પ્રક્રિયા વખતે મોં પર સ્મિત કે ખડખડાટ હાસ્ય અટકતું નથી.

ઉદાહરણ તરીકે, વિખ્યાત કાર્ટૂનિસ્ટ અજિત નિનાને દોરેલું ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષાન વિશેનું કાર્ટૂન. બે દાયકા પહેલાંના આ કાર્ટૂનમાં શેષાને નિયમોનો કોરડો વીંઝીને ઉમેદવારો માટે ખર્ચમર્યાદા જાહેર કરી. (વિધાનસભા માટે રૂ.૫૦ હજાર અને લોકસભા માટે રૂ. દોઢ લાખ). શેષાનનું કેવળ ઠઠ્ઠાચિત્ર દોરીને તેની સાથે આ સમાચાર લખી દેવાયા હોત, તો એ ‘કેરિકેચર’ કહેવાત- કાર્ટૂન નહીં. પરંતુ આ સમાચાર, એ જાહેરાત કરનાર શેષાનનો મિજાજ, તેમની કડકાઇ અને એ નિયમથી થનારી અસરો- આ બધી બાબતોનું અતિશયોક્તિભર્યું રમુજી ચિત્રણ થયું હોવાથી, તે સંપૂર્ણ કાર્ટૂન બન્યું છે.
cartoonist: Ajit Ninan
આગળ લખેલી બાબતો ઉપરાંત કાર્ટૂનમાં શેષાનને ટુવાલભેર દર્શાવ્યા હોવાથી, તેમનું માથાભારેપણું પણ બરાબર ઉપસી આવે છે. અહીં નોંધેલા દરેક મુદ્દા વિશે લાંબું લખી શકાય. પણ એને બદલે કાર્ટૂનમાં ફક્ત ‘શેષાનોમિક્સ’નું મથાળું મૂકીને, કેવળ ચિત્રથી આ બઘું જ અને એ પણ હસતાં-હસાવતાં કહી દેવાયું છે. (કાર્ટૂનનું ‘સમજૂતી’ આપવાનું કામ રમુજ સમજાવવા જેવું જ છે, પણ અહીં કાર્ટૂનનો વિષય અને તેનાં પાત્રો જૂનાં હોવાથી આટલું વર્ણન ક્ષમ્ય ગણવું.)

સુધીર દરનું કાર્ટૂન ‘સીટ શેરિંગ’ પણ રાજકીય કાર્ટૂનનો ઉત્તમ નમૂનો છે. વાત એટલી છે કે તત્કાલિન કોંગ્રેસી વડાપ્રધાન પી.વી.નરસિંહરાવે જયલલિતા સાથે બેઠકો અંગે સમજૂતી કરી હતી. અંગ્રેજીમાં ‘સીટ શેરિંગ’ કહેવાતી આ ગોઠવણ ખરેખર કેવી હતી અને તેમાં નરસિંહરાવની દશા કેવી હતી-જયલલિતાની કેવી દાદાગીરી હતી, એ બઘું ચિત્રોની મદદથી દર્શાવાયું છે.
cartoonist : Sudhir Tailang
એક સંપૂર્ણ કાર્ટૂનમાં વ્યંગચિત્રો ઉપરાંત વાતાવરણ પણ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. જેમ કે, આ કાર્ટૂનમાં સુધીર દરે બીજી કોઇ સાદી બેઠક પસંદ કરવાને બદલે, ફિલ્મનો સેટ દર્શાવીને ડાયરેક્ટરની ખુરશી જ પસંદ કરી છે. તેથી ‘સીટ શેરિંગ’ પછી આવનારા ‘પ્રોડક્શન’માં કોનો દબદબો રહેશે, એ સ્પષ્ટ થઇ જાય.

નરસિંહરાવ વડાપ્રધાન બન્યા તે પહેલાં અને રાજીવ ગાંધીની હત્યા પછી ગાંધી પરિવાર પર આધારિત બની ગયેલી કોંગ્રેસ મુંઝાઇ. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીને રાજકારણમાં જોડાવા માટે આગ્રહ કરવા લાગ્યા. પરંતુ એ વખતે રાજકારણથી દૂર રહેવા માટે કૃતનિશ્ચયી સોનિયા રાજી ન હતાં. કોંગ્રેસમાં જોડાવાની ના તેમણે કેવી રીતે પાડી, એ રાજિન્દર પુરીએ તેમના કાર્ટૂનમાં કેવી ચોટદાર રીતે દર્શાવ્યું છે. તેમાં રાજકારણ અને કોંગ્રેસ પ્રત્યેનો સોનિયાનો તીવ્ર અભાવ ચોટદાર રીતે છતો થાય છે- જાણે કે કૂતરાને ‘હડે હડે’ કરી રહ્યા છે.
cartoonist : Rajinder Puri
ચોથું કાર્ટૂન વર્તમાનકાળનું છે. વડાપ્રધાનપદના ભાજપી ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને એ.કે.૪૭ની હારોહાર (પાકિસ્તાનને મદદરૂપ થનાર તરીકે) અરવિંદ કેજરીવાલને યાદ કર્યા. તેના વિશે ઘણી ચર્ચા થઇ, પણ ઓછામાં ઓછા શબ્દોમાં, કેવળ મોદી, કેજરીવાલ, એ.કે.૪૭ અને ‘આપ’ના પ્રતીક જેવા ઝાડુ વડે ‘ધ હિંદુ’માં સુરેન્દ્રનું કાર્ટૂન જોઇને કોઇ પણ વ્યક્તિના ચહેરા પર સ્મિત ફરકી જાય.
cartoonist : Surendra/ The Hindu
સવાલ એ થાય કે કાર્ટૂનમાં જેમના ભોગે રમૂજ કરવામાં આવી છે અને જેમનાં ઠઠ્ઠાચિત્રો દોરવામાં આવ્યાં છે, એ પાત્રોને કેવી લાગણી થતી હશે? સૌથી પહેલી વાત કેરિકેચર કહેવાતા ઠઠ્ઠાચિત્રની. નામ પ્રમાણે ગુણ ધરાવતા આ ચિત્રનું હાર્દ છે અતિશયોક્તિભર્યું સામ્ય. જાહેર જીવનમાં પડેલા લોકોને તેનાથી ટેવાઇ ગયા વિના છૂટકો રહેતો નથી. ક્રિકેટની જેમ કાર્ટૂન પણ અંગ્રેજોની દેન છે. એટલે કાર્ટૂનને લગતી કેટલીક ઉદાર અંગ્રેજી પરંપરાઓ પણ આઝાદી પહેલાંથી ભારતીય નેતાઓને વારસામાં મળી હતી.

ગાંધીજીની રમૂજવૃત્તિ ઉત્તમ કહી શકાય એવી હતી. ભારતના ટોચના કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમે ‘ધ પેંગ્વિન બુક ઑફ ઇન્ડિયન કાર્ટૂન્સ’ (૧૯૮૮)માં નોંઘ્યું છેે તેમ, સરોજિની નાયડુ અને સી.રાજગોપાલાચારી પણ પોતાની ખિલ્લી ઉડાવતાં કાર્ટૂન માણતાં હતાં. નેહરુ પોતાની જાતને હળવાશથી લઇ શકતા નહીં. છતાં તે પોતાનાં વિશેનાં કાર્ટૂન બરાબર માણી શકતા હતા. એટલું જ નહીં, તેમણે પોતાની રમૂજ કરતાં કેટલાંક કાર્ટૂન કાર્ટૂનિસ્ટો પાસેથી ચહીને મેળવ્યાં હતાં. તેમના સમયગાળામાં ભારતના વિખ્યાત રાજકીય કાર્ટૂનિસ્ટ શંકર (કે.શંકર પિલ્લઇ) લગભગ રાજકાર્ટૂનિસ્ટનો દરજ્જો પામ્યા હતા - નેહરુની પ્રશંસા કરતાં નહીં, પણ તેમની ખિલ્લી ઉડાડતાં કાર્ટૂન દોરીને. ‘શંકર્સ વિકલી’ના આરંભ વખતે મુખ્ય અતિથી નેહરુએ કહ્યું હતું, ‘ડોન્ટ સ્પેર મી, શંકર.’ (શંકર મને છોડીશ નહીં) અને શંકરે નેહરુની આ સૂચનાનું વફાદારીથી પાલન કર્યું હતું.  

અંગ્રેજોના રાજમાં રાષ્ટ્રવાદી અખબારોનાં લખાણને ઘણી વાર સેન્સરશિપનો ભોગ બનવું પડતું હતું, પરંતુ કાર્ટૂનનો નંબર પ્રમાણમાં ઓછો લાગતો. (ઉત્કૃષ્ટ હાસ્યવૃત્તિ ધરાવતા ગાંધીજીનાં એકેય પ્રકાશનમાં કાર્ટૂન આવતાં ન હતાં, એ જરા નવાઇ ઉપજાવે એવું લાગે છે.) આઝાદી મળ્યા પછી પહેલી વાર ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી, ત્યારે સેન્સરશિપનું રાજ પાછું આવ્યું. (અલબત્ત, આઝાદી પછી તરતના અરસામાં સરદાર પટેલ સામે પણ જરૂર કરતાં વધારે કડકાઇનો આરોપ થયો હતો. પરંતુ એ સમયની સંવેદનશીલ સ્થિતિ જોતાં સરદાર પર એ આરોપ ઝાઝો ચોંટ્યો નહીં.)

ઇંદિરા ગાંધીની કટોકટી વખતે માહિતી પ્રસારણ મંત્રી વી.સી.શુક્લે ક્યારેક તો ચા કરતાં પણ વધારે ગરમ કીટલીની ભૂમિકા ભજવી. અખબારોમાં છપાતા સમાચારો ‘પ્રી-સેન્સરશીપ’ માટે સરકારી કચેરીમાં મોકલવા પડતા અને સરકાર માઇબાપ મંજૂરી આપે તો જ એ સમાચાર છપાતા. પરંતુ અબુ અબ્રાહમની નોંધ પ્રમાણે, ત્રણ જ મહિનામાં કાર્ટૂન પરની પ્રી-સેન્સરશિપ હટાવી લેવામાં આવી હતી. એટલે રાષ્ટ્રપતિ ફકરુદ્દીનઅલી અહમદ બાથટબમાં બેઠા બેઠા કટોકટીના વટહુકમ પર સહી કરી આપી રહ્યા છે, એવું ઐતિહાસિક કાર્ટૂન ૧૦ ડિસેમ્બર, ૧૯૭૫ના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયું હતું. તેમાં રાષ્ટ્રપતિના મોઢે અબુએ મૂકેલો માર્મિક સંવાદ હતો, ‘એમને કહેજો કે હવે બીજા વટહુકમો પર સહી કરવાની હોય તો થોડી વાર રાહ જુએ.’
cartoonist : Abu Abraham
(વધુ આવતા રવિવારે)
નોંધ - મૂળ છપાયેલા લેખમાં સુધીર દરને બદલે સરતચૂકથી સુધીર તેલંગનું નામ લખાયું હતું. એ બદલ દિલગીરી. 

Wednesday, April 16, 2014

ભારત વિશે કેટલાક નિબંધ

અંગ્રેજી પુસ્તકોમાં ‘આઇડીયા ઑફ ઇન્ડિયા’ની ઘણી ચર્ચા કરવામાં આવે છે, પણ આપણા ઘણાખરા નેતાઓની ક્ષમતાને ઘ્યાનમાં રાખતાં એવું અઘરું કામ તો તેમને સોંપાય નહીં. તો પછી, દસમા-બારમા ધોરણના પેપરમાં પુછાતા નિબંધની શૈલીમાં તેમન ભારત વિશે એક નિબંધ લખવાનો કહ્યો હોય તો? કેટલાક કાલ્પનિક નમૂના.
***

નરેન્દ્ર મોદીનો નિબંધ

મિત્રો, ભારત મારો દેશ છે. અહીં ‘મારો’ શબ્દ પર ભાર મૂકીને વાંચવું. કારણ કે ટૂંક સમયમાં હું આ દેશનો વડાપ્રધાન બનવાનો છું. અત્યારે તો હું આ દેશનો મુખ્ય મંત્રી છું.

કોઇને થશે કે દેશનો મુખ્ય મંત્રી કેવી રીતે હોઇ શકે? નાગરિકશાસ્ત્ર પ્રમાણે એ શક્ય નથી. કારણ કે તેમાં લખ્યું છે કે દેશના તો વડાપ્રધાન જ હોય. પણ મિત્રો, મારા ટીકાકારો માને છે કે હું નાગરિકશાસ્ત્રમાં માનતો નથી. આવો પ્રચાર ગુજરાતને - અને થોડા સમય પછી હું વડાપ્રધાન બનીશ તો દેશને- બદનામ કરવાનું કાવતરું છે. (આગળના વાક્યમાં ‘તો’ લખાયું હોય, તો એ પણ દેશને બદનામ કરવાનું દેશવિરોધી તત્ત્વોનું કાવતરું છે. વડાપ્રધાન બનવા જેવી બાબતમાં હું ‘તો’ લખતો હોઇશ? મેં તો લખ્યું હતું, ‘હું વડાપ્રધાન બનીશ ત્યારે’.)

તો મિત્રો, હું નાગરિકશાસ્ત્રમાં માનું કે ન માનું, પણ વડાપ્રધાનપદમાં માનું છું. હમણાંથી નહીં, મુખ્ય મંત્રી હતો ત્યારથી વડાપ્રધાનપદમાં માનું છું. મુખ્ય મંત્રી તરીકે મેં આપેલાં ભાષણ લાલ કિલ્લા પરથી અપાયેલાં ભાષણને હંફાવે એવાં હતાં. એક વાર તો મેં લાલ કિલ્લાનો સેટ ઊભો કરાવીને તેની પરથી મુખ્ય મંત્રી તરીકે ભાષણ આપ્યું હતું અને પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા હતા.  બોલો, હવે હું દેશનો મુખ્ય મંત્રી ખરો કે નહીં?

આ દેશ મને બહુ વહાલો છે. કેટલો વહાલો છે એનું માપ તો કેવી રીતે બતાવવું? પણ એના વડાપ્રધાનપદ માટે મેં અત્યાર સુધી જેટલા પ્રયાસ અને જેટલો ખર્ચ કર્યા છે, જેટલી કુરબાનીઓ આપી છે અને જેટલાં યુદ્ધ લડ્યો છું, એની પરથી મારો દેશપ્રેમ કોઇ પણ માણસ નક્કી કરી શકે છે- જો એ દંભી સ્યુડો સેક્યુલરિસ્ટ દેશદ્રોહી ન હોય તો. દંભીઓ કહે છે કે મેં કુરબાનીઓ આપી નથી, લીધી છે. પણ મેં પહેલાં જ કહ્યું હતું- અને ન કહ્યું હોય તો હવે કહી દઉં- કે મારા માટે દેશહિત સર્વોપરી છે અને દેશહિત તો જ સાધી શકાય, જો હું વડાપ્રધાન બનું.

મિત્રો, હું એ જ પવિત્ર દેશનો વડાપ્રધાન બનવાનો છું, જ્યાં શ્રીરામની જન્મભૂમિ આવેલી છે. તેણે મારી જ નહીં, લાખો દેશવાસીઓની અને ખાસ તો મારા પક્ષની શ્રદ્ધા પોષી છે. કઇ શ્રદ્ધા તેની વિગતમાં પડવાની જરૂર નથી. એ તો જેવી જેની શ્રદ્ધા. પણ એટલું કહીશ કે મારી શ્રદ્ધા ફળી છે. એટલે ભારતના બંધારણની હદમાં રહીને બોલો, જય શ્રી રામ.

હું જે દેશનો મુખ્ય મંત્રી છું અને ટૂંક સમયમાં જેનો વડાપ્રધાન થવાનો છું, એ દેશની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કોમી હુલ્લડોમાં મરે છે કોઇક ને ફાયદો કોઇકને થાય છે. કોમી હિંસામાં રાજકર્તાઓને કદી નુકસાન થતું નથી. અદાલતો તેમનું કશું બગાડી લેતી નથી. તપાસસમિતિઓ પહેલી નજરે ગાળિયા લઇને ઊભેલી લાગે, પણ પછી નેતા નજીક જાય એટલે તે ગાળિયો ભીંસવાને બદલે પહોળો કરીને તેમને આખેઆખા અંદરથી પસાર થઇ જવા દે છે અને નેતા પ્રતાપી હોય તો એ ગાળિયો ક્યારે ફૂલનો હાર બની જાય એની પણ ખબર પડતી નથી.

તમને થશે કે મને આ બધી ક્યાંથી ખબર? પણ બઘું થોડું લખાય છે? બોલો, ભારતમાતાકી...જય.

રાહુલ ગાંધીનો નિબંધ

ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઇબહેન છે. (હું કુંવારો છું તેને આ બાબત સાથે કશો સંબંધ નથી.) આ મહાન દેશ પર સદીઓથી મારા વડવાઓ રાજ કરતા રહ્યા છે. હું તેમનો વંશજ છું અને મારો વારો આવે એની રાહ જોઉં છું. હા, આ મહાન દેશ પર રાજ કરવા માટે પહેલાંના વખતમાં ખૂનખાર યુદ્ધ ખેલવાં પડતાં હતાં. હવે ફક્ત રાહ જોવાનું પૂરતું છે. ખાસ કરીને મારા જેવા, મોઢામાં અને આસપાસ ચાંદીના ચમચા લઇને જન્મેલા માણસ માટે.

આ દેશમાં કુતુબમિનાર અને તાજમહાલ આવેલો છે. ગંગા અને જમુના નદી આવેલી છે. હિમાલય આવેલો છે- અને એટલું કહી દઉં કે એમાં નરેન્દ્ર મોદીનો કોઇ ફાળો નથી. (આ તો કદાચ એ વડાપ્રધાન બની જાય અને પછી આવો કોઇ દાવો કરવા લાગે, તો પહેલેથી કહી રાખ્યું.) આ દેશ ગોળ નથી, પણ મને તે ઘણી વાર મારી આસપાસ ગોળ ગોળ ફરતો લાગે છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોની ચૂંટણીમાં મેં મોટા ઉપાડે નેતાગીરી લીધી હોય અને પછી પક્ષ હારી જાય ત્યારે ખાસ એવું લાગે છે. પણ એમાં દેશનો વાંક નથી.

ભારતને મેં અનેક સ્વરૂપે જોયો છે. ટીવી પર જોયો છે, ઇન્ટરનેટ પર જોયો છે, પુસ્તકોમાં જોયો છે ને અખબારોમાં પણ જોયો છે. પછી મમ્મીના કહેવાથી હેલિકોપ્ટરમાં ફરીને પણ જોયો છે ને ગાડીમાં બેસીને પણ જોયો છે. ફાઇવસ્ટાર હોટેલમાંથી પણ જોયો છે અને દલિતની ઝૂંપડીમાંથી પણ જોયો છે. આખરે મને એટલું સમજાયું છે કે...આજે નહીં તો કાલે આ દેશ પર રાજ કરવામાં ખાસ વાંધો નહીં આવે. કારણ કે અહીંના લોકોમાંથી રાજાશાહીના વખતના સંસ્કાર હજુ ગયા નથી.

આ દેશની વાત કરીએ અને તેના સંસ્કાર-તેની પરંપરાની વાત ન કરીએ, તે કેમ ચાલે? આ દેશ પરિવારભાવનાથી છલકાતો છે. કુટુંબ દેશના કેન્દ્રસ્થાને છે. કુટુંબના વડાની સૌ કોઇ આમન્યા રાખે છે. કુટુંબના વડાના ગુણદોષ જોયા વિના કે તેમની વાતની ખરાઇની પંચાત કર્યા વિના, તેમની આજ્ઞાઓનું પાલન થાય છે. ઇકબાલે કહ્યું છે કે ‘કુછ બાત હૈ કિ હસ્તી મીટતી નહીં હમારી’ (એક ગાઇડે મને કહ્યું હતું કે નિબંધમાં એકાદ કાવ્યપંકિત નાખવી). મને તો લાગે છે કે દેશની હસ્તી કુટુંબભાવનાને કારણે જ ટકી રહી છે. કુટુંબ ભારતીય સંસ્કારની ધરી અને ભારતીય સભ્યતાનું કેન્દ્રબિંદુ છે. હું સૌને ચેતવવા માગું છું કે કુટુંબ વેરવિખેર થશે તો આ દેશ સલામત નહીં રહે.

હું કયા કુટુંબની વાત કરું છું, એ કહેવાની જરૂર છે?

અરવિંદ કેજરીવાલનો નિબંધ

મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  આ દેશ કેવો છે એ હું તમને નહીં કહું. મારા પક્ષનો કોઇ માણસ નહીં કહે. એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે દેશ મારો એકલાનો નથી, દેશ આપણા બધાનો છે. એ કેવો છે ને કેવો બનાાવવો છે, એ પણ આપણે બધાએ નક્કી કરવાનું છે. આ દેશ ગાંધીની ભૂમિ તરીકે ઓળખાશે કે અંબાણી-અદાણીની ભૂમિ તરીકે, એ પણ તમારે નક્કી કરવાનું છે. આ દેશ આદર્શ કૌભાંડોથી ઓળખાશે કે આદર્શ માટે થતા આંદોલનથી એ પણ તમારે નક્કી કરવાનું છે. એટલે આ નિબંધ તમે જાતે જ લખજો અને જાતે જ એના માર્ક આપજો. મૈં તો બ્હોત છોટ્ટા આદમી હું, લેકિન યે દેશ બ્હોત બડા હૈ.  

Monday, April 14, 2014

ખાણીપીણીમાં ફિલસૂફી : તથાસ્તુ

કોઇ પણ બાબતમાંથી સંદેશો - એટલે કે કવિ શું કહેવા માગે છે - એ શોધી કાઢવાની પ્રવૃત્તિ ઘણી લોકપ્રિય છે. ગુજરાતી ભાષાનો આખો ચિંતનઉદ્યોગ તેની પર નભે છે. પાર્ટટાઇમ ચિંતન કરનારા સતત એ યાદ કરાવતા રહે છે કે એ ભલે પાર્ટટાઇમ, પણ છે તો ચિંતક જ. ફિલમ વિશે લખનારાને સતત એવું લાગે છે કે ડાયરેક્ટર શું કહેવા માગે છે એ હું નહીં કહું, તો અબુધ જનતા બિચારી સમજશે શી રીતે? અને દરેક ફિલમના ગુણદોષ જોતાં એ નહીં શીખે તો પછી દેશ આગળ કેવી રીતે આવશે?

ફિલમની કઇ સિચ્યુએશન એવી છે કે જેમાંથી બોધ ન તારવી શકાય? ઝાડના થડને અઢેલીને અથવા તેની અડખેપડખે ગીતો ગાતાં હીરો-હીરોઇન (‘પ્યાર હો ગયા’ સિવાય બીજું) શું કહેવા માગે છે? સિમ્પલ : ‘વૃક્ષ એ જીવન છે. વધુ વૃક્ષો વાવો. તમે વૃક્ષોને બચાવશો તો વૃક્ષો તમને બચાવશે.’

‘એક એકકો ચુન ચુનકે મારુંગા’ કહેનાર હીરો વાસ્તવમાં લોકશાહી અને તેમાં પણ ચુનાવ (ચૂંટણી)નું માહત્મ્ય કરે છે. ‘ચુન ચુનકે’ મારવાની કે તારવાની છૂટ દેશની પ્રગતિની પારાશીશી બની શકે છે, એવો તેનોે સંદેશ લોકો સુધી પહોંચતો ન હોય, તેમાં ડાયરેક્ટરનો શો વાંક? ‘કુત્તે, કમીને, મૈં તેરા ખૂન પી જાઉંગા’ એવી ત્રાડ પાડતી વખતે હીરો ખરેખર કહેવા માગે છે,‘તમારું રક્ત કોઇને જીવન આપી શકે છે. રક્તદાન, મહાદાન. ટિંગ ટોંગ.’

થોડાં વર્ષ પહેલાં હોલિવુડની એક ફિલ્મ આવી હતી : ‘મેટ્રિક્સ’. એ સુપરહિટ નીવડી એટલે તેના બીજા બે ભાગ બની ગયા, પણ ફિલ્મનો પહેલો ભાગ ફિલસુફીયુક્ત થ્રિલરથી ભરપૂર હતો. કેમ કે, ફિલ્મની કથાનો મુખ્ય દોર ફિલસૂફી આધારિત હતો. દા.ત. સત્ય એટલે શું? અહેસાસ? સ્પર્શ? ગંધ? સ્વાદ? ના. આ બધી લાગણીઓ વાસ્તવમાં ઇલેક્ટ્રિક સિગ્નલનાં વિવિધ સ્વરૂપો છે. તે મગજ સુધી પહોંચે એટલે જુદી જુદી અનુભૂતિ થાય છે. તમે હાથમાં પકડેલી ચીજ કાગળ છે એટલે કાગળ છે? ના. તમારા મગજને ‘એ ચીજ કાગળ છે’ એવો સિગ્નલ પહોંચે છે, માટે એ કાગળ છે.

ફિલસૂફી સામેની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે વાસ્તવિક જીવનમાં તે કામ લાગતી નથી. પરંતુ એ મહેણું ખોટું છે. થોડી કલ્પનાશક્તિથી ‘મેટ્રિક્સ’માં રજૂ થયેલી ઘણી ફિલસૂફી જીવનમાં- અરે, જીવનમાં શા માટે, સીધેસીધી રસોડામાં- લાગુ પાડી શકાય છે. જેમ કે, આગળ જણાવેલી ‘સત્ય શું છે?’ની જ વાત કરીએ તો-

કોઇને લાગે કે થાળીમાં પડેલી રસાદાર ચીજ બટાકાનું શાક છે, તો એ બટાટાનું શાક છે; રસો લાગે તો એ રસો છે અને મરચાંનું પાણી લાગે તો એ મરચાંનું પાણી છે. એનું કોઇ સ્વતંત્ર અસ્તિત્ત્વ નથી. તે એ જ છે, જે તમે માનો અથવા (રાંધનાર દ્વારા) તમને મનાવવામાં આવે. ‘આ શાક નહીં, પણ મારું સ્વમાન છે’ એવો સિગ્નલ (શાક બનાવનાર દ્વારા) વહેતો થાય તો પછી જમનાર માટે શાકની શાક તરીકેની ઓળખ અને તેનો સ્વાદ ગૌણ થઇ જાય છે.

એવી જ રીતે, શાક ભાવતું ન હોય તો પીરસનાર કહી શકે છે : ‘છો ને પડ્યું થાળીમાં. તમે એમ માનજો કે એ (શાક) છે જ નહીં.’ એટલે શાક ભૌતિક સ્વરૂપે સામે પડેલું હોવા છતાં, જમનાર માટે એનું અસ્તિત્ત્વ મટી જાય છે. સાર : શાક નક્કર અસ્તિત્ત્વ ધરાવે છે, માટે એ શાક છે? ના, તમારા મગજને એ શાક લાગે છે, માટે એ શાક છે.

‘મેટ્રિક્સ’માં એક વાત એવી આવે છે કે ‘હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. બધું  મેટ્રિક્સના પ્રોગ્રામમાં લખાયેલું જ છે. માણસોને જે વિકલ્પો લાગે, એ ખરેખર વિકલ્પો છે જ નહીં. માણસનું કામ ફક્ત એ જોવા-જાણવાનું છે કે જે થવાનું છે, તે કેવી રીતે અને શા માટે થવાનું છે. બીજા શબ્દોમાં, માણસ કેવળ નિમિત્ત છે. બાકી જે બનવાનું છે એ તો પહેલેથી નક્કી જ છે.

આ ફિલસૂફી સાચી છે કે ખોટી એની ચર્ચા જવા દઇએ, પણ વ્યવહારુ જીવનમાં તેનો અનુભવ કોને નહીં થયો હોય? ‘સાંજે શાનું શાક બનાવીશું?’ એવો સવાલ પૂછાય, એટલે જવાબ આપનાર વિચારે છે, ‘મારી પાસે કેટલા બધા વિકલ્પો છે.’ વાસ્તવમાં એ વિકલ્પો છે જ નહીં. બટાટાની સુકી ભાજીનું શાક બનવાનું નક્કી થઇ ચૂક્યું છે, પણ પસંદગી કરનારને એ વિશે ખબર નથી. તેના માટે એ ભવિષ્યની ઘટના છે. સપત્ની સાથેના સંવાદમાં એક પછી એક વિકલ્પો ખુલતા બંધ થતા જાય છે.

‘ભીંડા?’

‘અત્યારે ક્યાં સારા મળે જ છે. સાવ ઘરડા આવે છે.’

‘કોબીજ?’

‘કાલે જ હું એક કોબીજ લાવી હતી, પણ તેમાંથી એટલો મોટો કીડો નીકળ્યો કે... હવે હું કોબીજ નહીં લાવું.’

‘ડુંગળી?’

‘રાત્રે છાશ બનાવી છે. એની જોડે ડુંગળી સારી નહીં. જવા દો.’

‘કંકોડાં?’

‘બહુ મોંઘાં છે. હજુ સીઝન બરાબર આવી નથી.’

‘મકાઇ?’

‘હું લાવી છું, પણ એ શેકીને ખાવાની મઝા આવશે.’

‘સારુ ત્યારે. બટાટાની સૂકી ભાજી બનાવી દે.’  અને આવું કહીને એ માને છે કે આ વિકલ્પ એણે પોતે પસંદ કર્યો છે.

કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની જેમ મગજનું પણ ધાર્યું પ્રોગ્રામિંગ કરી શકાય એવો ખ્યાલ ‘મેટ્રિક્સ’માં રજૂ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં  કટોકટીની એક ક્ષણે હીરોઇનને હેલિકોપ્ટર ચલાવવાની જરૂર ઊભી થાય છે, પણ તેને હેલિકોપ્ટર આવડતું નથી. એ વખતે તેના મગજમાં હેલિકોપ્ટરના સંચાલનનો પ્રોગ્રામ ડાઉનલોડ કરી દેવામાં આવે છે. પછી શું? હીરોઇન ફરી વળે છે.

મોટા ભાગના માણસોને હેલિકોપ્ટર ચલાવવાની જરૂર ન પડે, પણ આ પ્રોગ્રામ ભોજનમુદ્દે ભારે ઉપયોગી નીવડી શકે છે. જેમ કે, કોઇ પણ વાનગી ભાવવાનો (કે ન ભાવવાનો) પ્રોગ્રામ આપણી ઇચ્છાથી મગજમાં ડાઉનલોડ કરી શકાય છે. પ્રિયતમાને ઘરે તેનાં માતાપિતા સાથે વાત કરતી વખતે, ખાંડ વગરની ચા મળે તો આપણું મગજ ખાંડને ‘ડાઉનલોડ’ કરી શકે છે. તેના લીધે મોળી ચા પણ મીઠી લાગે છે. એવી જ રીતે કડવાશ, તીખાશ, ગળપણ, ફિક્કાશ જેવા વિવિધ સ્વાદો રસોઇ બનાવનાર પાત્ર પ્રમાણે મગજમાં ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ જાતના માનસિક પ્રોગ્રામની બંધી નથી. એટલે જ કદાચ, ઘણા લોકોને આલ્કોહોલના નામ માત્રથી કે બોટલ પરનું લેબલ વાંચીને નશો ચડવા લાગે છે. બીઅર પીને આઉટ થઇ જનારા લોકોની વર્તણૂંક પ્રોગ્રામ ડાઉનલોડિંગની ફિલસૂફી સિવાય બીજી કઇ રીતે સમજાવી શકાય? 

Tuesday, April 08, 2014

કેટલીક ચૂંટણીલક્ષી ગેરમાન્યતાઓ

વાંક મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓનો નથી. એમનો (હવે  સર્વસ્વીકૃત) ધંધો છે લોકોને છેતરવાનો. ચૂંટણીટાણે તો ખાસ. કમનસીબી એ છે કે તેમની ભ્રમજાળમાં ફસાવા મોટો વર્ગ આતુર, ઉત્સુક અને થનગનતો હોય છે. નેતાશ્રી ખોંખારીને દિવસને રાત કહે, તો એ વર્ગ તેમની મર્દાનગી પર મુગ્ધ થઇને તારા ગણવા મંડી પડે છે. નેતાશ્રી કહે કે ‘હું જ ઉદ્ધારક છું. મારો કોઇ વિકલ્પ નથી.’ એટલે ભાવિક વર્ગ ડાયરામાં ડોલતા ઑડિયન્સની પેઠે ‘હા, બાપલા, હા’ની મુદ્રામાં ડોકાં ઘુણાવવા લાગે છે.

લોકશાહીમાં મૂર્ખ બનવાનો હક સૌને મળેલોે છે, પણ મૂર્ખ બનાવવાનો અધિકાર હોતો નથી. ભક્તહૃદયી લોકો ઠીક પડે તેને ઉદ્ધારક ગણી શકે છે, તેના નામના ‘ચાલીસા’ કે (કેટલાક નેતાઓનાં લક્ષણ જોતાં) ચારસોવીસા ગાઇ શકે છે. પરંતુ ‘ચાલીસા’ને વાસ્તવિકતા તરીકે રજૂ કરવામાં આવે, ત્યારે નક્કર હકીકતો સ્થાપિત કરવાનું જરૂરી બની જાય છે.

દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કેટલાક ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. તેના વિશે સિદ્ધાંતચર્ચાને બદલે નક્કર હકીકતોની મદદથી સચ્ચાઇ જાણવાનો પ્રયાસ કરીએ.

ગેરમાન્યતા : દેશહિત માટે નરેન્દ્ર મોદી સિવાય કોઇ વિકલ્પ નથી

પહેલાં થોડો ઇતિહાસ. આઝાદ ભારતના પહેલા વડાપ્રધાન અને ત્યાર પહેલાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે જવાહરલાલ નેહરુની દેશને એવી ટેવ પડી ગઇ હતી કે ‘નેહરુ પછી કોણ?’ એવો પ્રશ્ન ચિંતાતુર થઇને પૂછવાની ફેશન હતી. નેહરુ જેવી આંતરરાષ્ટ્રિય પ્રતિભાનો કોઇ વિકલ્પ ન હોઇ શકે - તેમના વિના દેશનું શું થશે, એવું બધાને લાગતું હતું. સનેહરુના અવસાન પછી વડાપ્રધાન બનેલા લાલબહાદુર શાસ્ત્રીએ કશા બૂમબરાડા વગર કે છપ્પનની છાતીનાં ભાષણ આપ્યા વિના, પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે દેશને અસરકારક નેતાગીરી પૂરી પાડી. એ વખતે ‘નેહરુ પછી કોણ?’નો સવાલ કોને યાદ આવ્યો હશે? કોઇને નેહરુ યાદ આવ્યા પણ હશે તો કદાચ એ રીતે કે ‘આવું તો નેહરુ પણ ન કરી શક્યા હોત.’

બીજું ઉદાહરણ ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવનું છે. રાજીવ ગાંધીના મૃત્યુ પછી ગાંધીપરિવારઆશ્રિત કોંગ્રેસમાં નેતાગીરીનો શૂન્યાવકાશ સર્જાયો. પતિના કરુણ મૃત્યુ પછી શોકભવનમાં જતાં રહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશનો સાફ ઇન્કાર કર્યો. એ વખતે કોણે કલ્પ્યું હશે કે પી.વી.નરસિંહરાવ જેવા બિનગાંધી અને લો પ્રોફાઇલ નેતા વડાપ્રધાન તરીકેનો વિકલ્પ હોઇ શકે છે? અને વડાપ્રધાન બન્યા પછી તે કેવળ ટાઇમ પાસ કરવાને બદલે, આર્થિક પરિવર્તનના નવા યુગના મંડાણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે? છતાં, એ બન્યું અને આઝાદ ભારતના ઇતિહાસમાં નરસિંહરાવનું નામ અમીટ રીતે અંકાઇ ગયું.

ભાજપની વાત કરીએ તો, તેની લોકસભામાં બે બેઠકથી સરકાર રચવા સુધી મજલમાં અનેક નેતાઓનો ફાળો હતો. ભાજપમાં વાજપેયી સક્રિય હતા ત્યારે એવું લાગતું હતું કે તેમનો કોઇ વિકલ્પ નથી. એવી જ રીતે, પ્રમોદ મહાજન જીવીત હતા ત્યારે નવી પેઢીના અને રાજકારણના ખેલ ખેલી જાણતા નેતા તરીકે એ પણ નિર્વિકલ્પ લાગતા હતા.

સાર એટલો કે રાજકારણમાં ‘ફલાણાનો વિકલ્પ નથી’ કે ‘ઢીકણા વિના ચાલે એમ જ નથી’- એવી માન્યતાઓ સાચી હોતી નથી. ઘણુંખરું સંબંધિત પક્ષ કે નેતાઓનાં પ્રચારયંત્રો ગોબેલ્સ-ઝુંબેશથી એવી છાપ ઊભી કરે છે. લોકોનો મોટો સમુદાય એ વાત માનવા માંડે એટલે પ્રચારપુરૂષે પોતાના પ્રચાર માટે- કહો કે, ‘નિર્વિકલ્પ’ બનવા માટે- ખર્ચેલા અઢળક નાણાં અને કરેલા માર્કેટિંગના પ્રયાસ સફળ.

આટલું વાંચ્યા પછી પણ જેમના મનમાંથી એવો અવાજ ઉઠે કેે, ‘બધી વાત બરાબર, પણ નરેન્દ્ર મોદીનો કોઇ વિકલ્પ ક્યાં છે? હોય તો બતાવો’ તો એમના સવાલનો કોઇ જવાબ નથી.

(આખું રામાયણ પૂરું થયા પછી) ‘હરણની સીતા થઇ કે નહીં?’ એવા સવાલનો શો જવાબ હોય?

ગેરમાન્યતા : તરફી કે વિરોધી મોજું રાષ્ટ્રવ્યાપી હોય છે

ચૂંટણી જેવી બાબતમાં ભૂતકાળની વિગતોના આધારે ભવિષ્યની આગાહી કરવાનું બિલકુલ સલાહભરેલું નથી. સાથોસાથ, ભૂતકાળની ચૂંટણીઓના અભ્યાસ થકી મળતી માહિતી દેશનો એકંદર રાજકીય પ્રવાહ સમજવામાં કામ લાગી શકે છે- ભારત જેવા વૈવિઘ્યપૂર્ણ દેશમાં ‘દેશવ્યાપી’ જેવા શબ્દ છૂટથી ફેંકાતા હોય ત્યારે તો ખાસ.

‘વ્હાય વેવ ડોન્ડ મેટર’ એ મથાળા સાથે પ્રવીણ ચક્રવર્તીએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨-૪-૦૪)માં રસપ્રદ માહિતી આપી છે. તેમણે ૧૯૭૭થી શરૂ કરીને પાંચ કથિત ‘ચૂંટણી-મોજાં’ની અસરોનો અભ્યાસ કર્યો છે : ૧૯૭૭માં કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી, લોકદળતરફી) મોજું, ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું, ૧૯૮૯માં બોફર્સકાંડ જાહેર થયા પછી ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી, મોરચાતરફી) મોજું, ૧૯૯૯માં તેર મહિનાની સરકાર ચલાવનારા વાજપેયીને કારણે ભાજપતરફી મોજું અને ૨૦૦૪માં ‘ઇન્ડિયા શાઇનિંગ’ ઝુંબેશ થકી ઊભું થયેલું ભાજપતરફી મોજું.

લોકસભાની ૮૦ ટકાથી વઘુ બેઠકો દેશનાં બાર રાજ્યોમાં છે. એટલે પ્રવીણ ચક્રવર્તીએ એ રાજ્યોનાં પરિણામ પર ‘મોજાં’ની અસરના આંકડા તપાસ્યા. તેમાંથી જાણવા મળ્યું કે દેશવ્યાપી તીવ્રતા ધરાવતું કટોકટીવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું હોય કે પછી બોફર્સમુદે પેદા થયેલું મનાતું ભ્રષ્ટાચારવિરોધી (કોંગ્રેસવિરોધી) મોજું, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં અને બંગાળમાં ચૂંટણી માટે સ્થાનિક મુદ્દા જ મહત્ત્વના પુરવાર થયા છે. ત્યાં મતદાન પણ એ પ્રમાણે જ થયું છે. ઇંદિરા ગાંધીની હત્યા જેવા બિનરાજકીય-લાગણીભીના મુદ્દાને ગણતરીમાં ન લઇએ તો, કટોકટી પછીનું કોંગ્રેસવિરોધી મોજું સૌથી શક્તિશાળી હતું. કેમ કે, આખા દેશમાં લોકોના નાગરિક અધિકાર છીનવાયા હતા. તેનાથી વધારે મજબૂત મુદ્દો બીજો કયો હોય? છતાં, કટોકટી પછી થયેલી ૧૯૭૭ની ચૂંટણીમાં ૧૨ મોટાં રાજ્યોમાંથી પાંચ રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ હતી. આ રાજ્યો હતાં : તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર.

અભ્યાસનું એક તારણ એ પણ નીકળ્યું કે પ્રસાર માઘ્યમોમાં રાષ્ટ્રિય સ્તરના મોજાની ગમે તેટલી વાતો ચાલતી હોય, પણ આગળ જણાવેલાં બધાં મોજાં વખતે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં (લોકસભાની ૩૧ ટકા બેઠકો ધરાવતાં) રાજ્યો જાણે જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. એ રાજ્યોમાં ‘રાષ્ટ્રિય’ મોજાની અસર જોવા મળી ન હતી. સ્થાનિક પક્ષો અને તેમને લગતા મુદ્દા ત્યાં સૌથી અગત્યના બન્યા. એટલે જ, કોંગ્રેસ-ભાજપ જેવા સત્તાવાર રીતે રાષ્ટ્રિય કહેવાતા પક્ષોને દક્ષિણ ભારતમાં કાયમી થાણું જમાવવાનું કઠણ પડે છે અને સ્થાનિક પક્ષો સાથે ઘરઘર રમીને ગાડું ગબડાવવું પડે છે.

ગેરમાન્યતા : અરવિંદ કેજરીવાલ ભરોસાપાત્ર નથી

રાજકારણના પ્રકારનો મોટો ભેદ ખરો, છતાં બીજા પક્ષો કે નેતાઓની જેમ અરવિંદ કેજરીવાલ અને આમઆદમી પક્ષ પ્રશ્નોથી કે ટીકાઓથી પર નથી. હોવા પણ ન જોઇએ. હોઇ શકે પણ નહીં. એટલું ખરું કે ટીકા કરનારાએ પહેલાં પોતાનું ધોરણ જાહેર કરવું પડે - અને એ જ ધોરણ બાકીના નેતાઓને-પક્ષોને પણ લાગુ પાડવું પડે.

કેજરીવાલની વર્તણૂંકને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોતા લોકો નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે આંખે પાટા બાંધીને પછી દલીલ કરે છે કે ‘તમે જ કહો, અમે મોદીને નહીં તો બીજા કોને મત આપીએ? કેજરીવાલને? એ માણસનું કશું ઠેકાણું નથી. દિલ્હીમાં લોકોએ સરકાર ચલાવવાની તક આપી, ત્યારે તો એ સરકાર ચલાવી શક્યા નહીં.’

મત કોને આપવો એ પોતાની મુન્સફીની વાત છે. પણ હકીકતની વાત કરીએ તો, દિલ્હીના મતદારોએ સૌથી વઘુ બેઠકો - એટલે કે સરકાર ચલાવવાની તક - ભાજપને આપી હતી. ભાજપે સિદ્ધાંતના બુરખા તળે રાજકીય સ્વાર્થ સાધવા માટે ચાલબાજી કરી. કહ્યું કે ‘અમારી પાસે સ્પષ્ટ બહુમતી નથી. એટલે અમે સરકાર બનાવીશું નહીં.’ ભાજપની કુટિલ ગણતરી એવી હશે કે પોતે સરકાર બનાવે નહીં અને કેજરીવાલ કદી કોંગ્રેસનો ટેકો લેશે નહીં. એટલે ડેડલૉક સર્જાશે અને નવેસરથી ચૂંટણી કરવાનો વારો આવશે. એવું થાય એટલે ‘જુઓ, જુઓ, કેજરીવાલ સરકાર ચલાવવાથી ભાગે છે’ એવું બૂમરાણ મચાવીને તેમના પ્રભાવને ઉગતો દાબી શકાશે.

ભાજપની અપેક્ષાબહાર કેજરીવાલે સરકાર બનાવી. એટલે ટીકાકારોએ દાવ બદલ્યો. એ કહેવા લાગ્યા, ‘જુઓ, જુઓ, આ માણસે કોંગ્રેસનો ટેકાથી સરકાર બનાવી.’ હકીકત એ હતી કે ભારતના રાજકારણમાં પહેલી વાર સરકાર રચનાર પક્ષે શરતો મૂકી હતી અને ટેકો આપનારે નીચી મૂંડીએ શરતોનું પાલન કરવાનું કબૂલ્યું હતું. બીજી હકીકત એ હતી કે ‘આપ’ સરકારને પાડવા માટે કોંગ્રેસ અને ભાજપ મળી ગયાં હતાં. એ લોકો પોતાની સગવડે, વ્યૂહાત્મક સમયે ચાદર ખેંચી લે અથવા વિધાનસભામાં ડગલે ને પગલે અવરોધો ઊભા કરીને સરકારને નકામી-અળખામણી બનાવી મૂકે એ ચાલબાજીનું બીજું પગથીયું હતું. પરંતુ પહેલી ફૂંક કેજરીવાલે મારી. લોકપાલ જેવા વાજબી મુદ્દે કોંગ્રેસ-ભાજપની મેળાપી અસહકારના વિરોધમાં રાજીનામું આપી દીઘું.

‘આપ’ને ગાળો આપવાથી તબિયત સારી રહેતી હોય તો જુદી વાત છે. બાકી, હકીકતની વાત કરવી હોય તો, ૪૯ દિવસના ટૂંકા ગાળામાં ‘આપ’ની સરકારે જેવું અને જેટલું કામ કર્યું તે અરવિંદ કેજરીવાલને બીજા કોઇ પણ વર્તમાન નેતા કરતાં વધારે ભરોસાપાત્ર અને કાર્યક્ષમ ઠેરવે એવું છે. આ કામની યાદી ઇન્ટરનેટ પર સહેલાઇથી મળી શકે છે, પણ એ ધરાર ઘ્યાને ન લેવી હોય તો શું થઇ શકે?

Tuesday, April 01, 2014

ચૂંટણીનું વણલખ્યું સૂત્ર : ભૂલો અને છેતરાવ

ભારતના નાગરિકો માટે ચૂંટણી એ લોકશાહી પ્રક્રિયાનું સર્વસ્વ બની ગઇ છે : આરંભ ગણો તો આરંભ ને અંત ગણો તો અંત. મોટા ભાગના મતદારો માટે ચૂંટણી લોકશાહીની રૂએ મળેલા અધિકારોનો પહેલો અને ઘણુંખરું છેલ્લો ઉપયોગ બની રહે છે.

સુંદર-સુશીલ યુવતીને આકર્ષવા માટે દુનિયાભરના ડોળ ઘાલતા ને ખેલ પાડતા છેલબટાઉ યુવકોની જેમ, નેતાઓ મતદારોને પોતાના ભણી આકર્ષવા માટે બઘું કરી છૂટે છે. તેમને થ્રી-ડી અને ફોર-ડી સ્વપ્નાં દેખાડે છે. ઉજ્જવળ ભવિષ્યનું આઇ-મેક્સ સાઇઝનું કલ્પના-ચલચિત્ર રજૂ કરે છે. તેની પાછળનો આશય એક જ : બસ, તમે અમને મત આપો અને પછી પાંચ વર્ષ માટે ભૂલી જાવ.

ભૂલી શું જવાનું હોય છે? પોતાના કે દેશના ભવિષ્યની ચિંતા કરવાનું? ના, અત્યાર લગીના રાજ્ય અને દેશના અનુભવમાંથી બોધ લઇએ તો, એક વાર મત આપ્યા ભૂલી એ જવાનું હોય છે કે નાગરિક તરીકે આપણો કશો અવાજ હોઇ શકે છે. ચૂંટણી પછી ‘સરકાર રાખે તેમ રહીએ’ એવી માનસિકતા દૃઢ બનાવવાની હોય છે.

એક વાર મત આપ્યા પછી શું શું ભૂલી જવું પડે? ગુજરાતના છેલ્લા એક દાયકાના અનુભવ પરથી જોઇએ તો -

૧) વિકાસ-રોજગારીનાં બણગાં ફૂંકતી સરકાર જુદી જુદી નોકરીઓમાં ‘સહાયકો’ નીમીને સરકારી રાહે શોષણ કરે, એ ભૂલી જવું પડે.

૨) વિધાનસભા સહિતની લોકશાહી સંસ્થાઓ રાજ્યમાં સાવ પાંગળી બનાવી દેવામાં આવી, એ ભૂલી જવું પડે.

૩) પાટણમાં દલિત યુવતી પર અત્યાચાર થાય કે થાનગઢમાં દલિત કિશોરોને વીંધી નાખવામાં આવે - આ પ્રકારના કિસ્સામાં સરકાર સાવ નામકર જાય અથવા ગુનાઇત ઉપેક્ષા સેવે, એ ભૂલી જવું પડે.

૪) સ્વાઘ્યાયવિવાદમાં પંકજ ત્રિવેદીની હત્યાનો મામલો હોય કે આસારામની ધરપકડ થઇ તેનાં થોડાં વર્ષ પહેલાં ગુજરાતમાં દીપેશ-અભિષેક અપમૃત્યુનો મુદ્દો હોય, ‘સરકાર’ બની બેઠેલા નેતા ગુજરાતના નાગરિકોની પડખે ન રહે અને આસારામ પ્રકારના લોકો સામે કશાં પગલાં ન લે, એ ભૂલવું પડે.

૫) (મહુવા આંદોલનમાં બન્યું તેમ) સરકાર ઉદ્યોગગૃહોના લાભાર્થે જૂઠાણાં આચરે, જળ હોય ત્યાં સ્થળ બતાવે અને હાઇકોર્ટમાંથી હારે નહીં ત્યાં સુધી ગુજરાતના હિતની અવગણના કરે, એ ભૂલી જવું પડે.

૬) ખેતીનું ગુલાબી ચિત્ર આપતી સરકાર ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા અંગે આંખ આડા કાન કરે, એ ભૂલી જવું પડે.

૭) છેલ્લા એક દાયકામાં ઉદ્યોગો માટે વીજળીના કનેક્શનની તમામ અરજીઓ ક્લીઅર કરી નાખનારા રાજમાં ખેડૂતોની વીજજોડાણની તમામ અરજીઓ ઘૂળખાતી પડી હોય, એ ભૂલી જવું પડે.

૮) વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ સંતોષવા માટે પ્રચાર-પ્રસાર-ખરીદવેચાણમાં છૂટા હાથે વપરાયેલાં નાણાં ક્યાંથી આવ્યાં, કોણે કોણે આપ્યાં, એની ગણતરી ભૂલી જવી પડે.

૯) સ્વચ્છ રાજકારણની દુહાઇઓ આપતી ‘સરકાર’ના પ્રધાનમંડળમાં ગુનેગાર અને ભ્રષ્ટાચારનો આરોપ ધરાવતા નેતાઓ હોય, એવા નેતાઓને પક્ષમાં ખુલ્લા હાથે આવકારવામાં આવતા હોય, એ વાસ્તવિકતા પણ ભૂલી જવી પડે.

૧૦) ભ્રષ્ટાચારવિરોધી અને અસરકારક શાસનના મુદ્દે બીજાની ટીકા કરનારા પોતાના રાજમાં ‘કેગ’ના અહેવાલો વિધાનસભામાં છેલ્લા દિવસે રજૂ કરે અને લોકાયુક્તની નિમણૂંક આડે શક્ય એટલા અવરોધો નાખે તો, એ ભૂલી જવું પડે.

૧૧) રાજ્ય એટલે શાસકો નહીં, પણ રાજ્ય એટલે તેના નાગરિકો- એ પણ ભૂલવું પડે.

આ યાદી હજુ ઘણી લંબાવી શકાય.

અફસોસની વાત એ છે કે ઘણા નાગરિકો નેતાની આબરૂને રાજ્યની કે દેશની આબરૂ ગણવાની ભૂલ કરી બેસે છે. નેતાઓ દ્વારા થતો આક્રમક પ્રચાર તેમને સહેલાઇથી છેતરી જાય છે. લોકો ભૂલી જાય છે કે દેશ અથવા રાજ્યની આબરૂ તેના નેતાની સુપરસ્ટાર જેવી છબી સાથે નહીં, પણ સામાન્ય નાગરિકોની સ્થિતિ કેવી છે, તેની સાથે સંકળાયેલી હોય છે. ચૂંટણી આ સત્યને તાજું કરવાનો મોકો પૂરો પાડે છે, જો નાગરિકો એ તક ઝડપવા તૈયાર હોય તો.

હૃદયપરિવર્તન કોનું?

સંપૂર્ણ લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ પણ એક વાર સરકારમાં બેસે, એટલે તે ‘સરકાર’ થઇ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી જેવા ઉત્સાહી તો અત્યારથી જ એનડીએની સંભવિત સરકાર વિશે ‘મોદી સરકાર’ જેવો શબ્દપ્રયોગ વાપરવા લાગ્યા છે. ‘સરકાર’ તરીકે ઓળખાવા વિશેનો તેમનો આગ્રહ એવો છે કે ભાજપના પ્રમુખે ટ્‌વીટર પર ‘ભાજપ સરકાર’ લખેલું ભૂંસીને ‘મોદી સરકાર’ લખવું પડે છે.

ધારો કે નરેન્દ્ર મોદીના આક્રમક અને આંજી દેનારા પ્રચારથી લોકસભામા ભાજપ- એનડીએ નહીં, ભાજપ- ૫૦૦ બેઠકો જીતી જાય અને એ સરકાર બનાવે, તો પણ એ સરકારને ‘મોદી સરકાર’ કહેવાય? તેનો જવાબ નાગરિકોની માનસિકતા પર છે : અસરકારક વહીવટના ઓઠા હેઠળ આપખુદ બની જાય એવો નેતા જોઇએ છે? કે પછી  લોકશાહીનાં મૂળીયાં વઘુ મજબૂત બનાવે અને નાગરિકોની સામેલગીરી વધારે એવો નેતા જોઇએ છે?

ભારતમાં પ્રમુખશાહી સંસદીય પદ્ધતિ નથી, જેમાં એક નેતાના નામે ચૂંટણી લડાતી હોય. એટલે, અમેરિકાના પ્રમુખની સરખામણીમાં ભારતના વડાપ્રધાનની સત્તાઓ મર્યાદિત છે. બંધારણની હદમાં રહીને પોતાની સત્તાનો વ્યાપ વધારવા માટે નેતાએ સૌથી પહેલાં પોતાના પક્ષમાં અને પછી સાથીપક્ષો સાથે આપખુદ થવું પડે. અડવાણી, જસવંતસિંઘ, હરીન પાઠક વગેરે નેતાઓની અવદશા જોતાં, પક્ષમાં વિરોધની સફાઇ કરી નાખવાનો પહેલો તબક્કો મોદી વડાપ્રધાન બનતા પહેલાં જ વટાવી ગયા છે. સાથીપક્ષોને બેઠકોના કે નાણાંના જોરે દબાવવાનો બીજો તબક્કો ક્યારથી શરૂ થાય છે એ જોવાનું રહે છે. તેનો આધાર ચૂંટણીનાં પરિણામો અને ભાજપે તથા બીજા પક્ષે મેળવેલી બેઠકસંખ્યા ઉપર પણ રહેશે.

એકધારા પ્રચારને કારણે કેટલાક ધોરણસરના અંગ્રેજી લેખકો પણ એવું માનવા પ્રેરાયા છે કે મોદી તેમની અસલની આપખુદશાહી અને આત્યંતિકતા છોડીને મવાળ-મઘ્યમમાર્ગી-મૉડરેટ થયા છે. આ થિયરીના ટેકામાં તેમના દ્વારા અપાતો એક પુરાવો એ છે કે મોદી ઘણા સમયથી આત્યંતિક અથવા પ્રગટપણે કોમવાદી વાતો કરતા નથી.

આવા લેખકોનો આશાવાદ માનવો ગમેે, પણ વાસ્તવિકતા નજર સામે રાખતાં માની ન શકાય એવો છે. આ પ્રકારની વાતો કરનારામાંથી ઘણા લોકો ‘મોદી વડાપ્રધાન બનવાના જ છે’ એવું માની બેઠા છે. જો એ વડાપ્રધાન બનવાના જ હોય તો એમનાં હકારાત્મક પાસાં કયાં છે અથવા કયાં નકારાત્મક પાસાં ઘણા સમયથી દેખાયાં નથી, એ શોધી કાઢીને બીજાને અને ખાસ તો જાતને આશ્વાસન આપવાનો પ્રયાસ તે કરે છે. ‘મોદીવિરોધી જમાતના સભ્ય’ને બદલે ‘તટસ્થ’ અને ‘વાસ્તવિકતા સાથે સંપર્કમાં રહેનારા’ તરીકેની પોતાની છબી ઊભી કરવા માટે તે મોદીના હૃદયપરિવર્તનની થિયરીમાં શરણું શોધે છે.

મોદી વડાપ્રધાન બનશે કે નહીં એ અહીં ચર્ચાનો મુદ્દો નથી. વિચારવાની વાત એ છે કે કેટલાક લેખકો કહે છે તેમ, એમનું ‘હૃદયપરિવર્તન’ થયું છે કે નહીં. હજુ સુધીનાં તેમનાં વિધાનો અને અભિગમ જોતાં, તેમના પક્ષે પરિવર્તન કે પુનઃવિચારને કશો અવકાશ હોય એવું જણાયું નથી. કોમી હિંસા વખતે તેમની પ્રચંડ નિષ્ફળતાની વાત જવા દઇએ તો પણ, એ સિવાયના પોતાના શાસનની મર્યાદાઓને તેમણે કદી સ્વીકારી નથી, શાસનપદ્ધતિ અને તેના વિવાદાસ્પદ નિર્ણયો સામે પૂછાયેલા સવાલોના તેમણે કદી જવાબ આપ્યા નથી, પત્રકારોને એ કદી તેમણે સીધી મુલાકાત આપી નથી, કેગ-લોકાયુક્તથી માંડીને તેમના પ્રશંસકો જેની પર બહુ ફીદા છે એવા ગુજરાતના વિકાસ વિશે  તેમણે ઘણા સવાલોના જવાબ આપવાના છે. ‘પરઝાનિયા’ જેવી ફિલ્મ હોય કે જસવંતસિંઘનું સરદાર વિશેનું પુસ્તક, સેન્સરશીપ માટેનો તેમનો ઉત્સાહ તેમની એકંદર છાપને દૃઢ બનાવે એવો છે.

ભક્તો-ચાહકો તેમને સવાલ પૂછતા નથી અને વિરોધી મત ધરાવતા લોકો દ્વારા પૂછાતા સવાલોને ‘ગુજરાતીઓના અપમાન’ તરીકે ઓળખાવવાની પ્રયુક્તિ તેમને ફાવી ગઇ છે. અગાઉ ચૂંટણીપ્રચારમાં તેમને પાકિસ્તાનના પ્રમુખ ‘મિંયા મુશર્રફ’ કે પછીની ચૂંટણીમાં સોરાબુદ્દીનને વચ્ચે લાવ્યા વિના ગોઠતું ન હતું. આ વખતે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઝુકાવ્યા છતાં, અરવિંદ કેજરીવાલને પાકિસ્તાનના એજન્ટ કહેવાની- અને પાકિસ્તાનને ધરાર વચ્ચે લાવવાની- જૂની પ્રકૃતિ એ છોડી શક્યા નથી.

સંસદીય લોકશાહી ધરાવતા દેશમાં કોઇ એક વ્યક્તિ આખેઆખી ચૂંટાયેલી સરકારનો પર્યાય બની જાય- અને એ પોતે પણ (ભાજપપ્રમખુ સાથેના કિસ્સામાં બન્યું તેમ) એવું ઠોકી બેસાડે કે ‘હું જ સરકાર છું’, તો શું થાય? જવાબ માટે બહુ દૂર જવાની જરૂર નથી. આસામના રાજકારણી અને કવિ દેવકાંત બરુઆએ આપેલું ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર રાજકીય ચમચાગીરીનો ઉત્તમ નમૂનો ગણાય છે. તેની વાજબી રીતે ટીકા કરનારા લોકો હવે ‘મોદી ઇઝ ઇન્ડિયા’નું સૂત્ર પોકારવા માટે થનગની રહ્યા છે, એ અસલી કરુણતા છે.

‘મજબૂત’, ‘મર્દાના’ જેવી છબી ધરાવતા નેતાઓ દેશને અસરકારક-નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડશે, એવું સરળીકરણ કેટલું ખોટું છે, એ દર્શાવવા માટે પણ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ પૂરતું છે. આ પ્રકારના નેતાઓ માટે ‘આઇ, મી, માયસેલ્ફ’થી વધીને  ભાગ્યે જ બીજું કશું હોય છે, પરંતુ વાક્ચાતુરી અને સભારંજનીથી તે દેશપ્રેમ અને દેશસેવાની વાતો કરીને છેતરાવા આતુર લોકોને ઠંડા કલેજે છેતરે છે.

ખરું જોતાં વાંક નેતાઓનો પણ નથી. સામે આટલો મોટો સમુહ અંજાવા માટે તૈયાર બેઠો હોય, તો એ શા માટે કસર છોડે?