Thursday, April 24, 2014

લોકલક્ષી રાજકારણ : વકરો અને નફો

જાણીતી વાર્તા પ્રમાણે, રાજાના દરબારમાં ગુનેગારને સજાના બે વિકલ્પ મળ્યા હતા : પચાસ ફટકા ખાવા અથવા પચાસ ડુંગળી.  ગુનેગાર ફટકા ખાવાનું શરૂ કરે એટલે થોડી વાર પછી એમ થાય કે ‘આના કરતાં ડુંગળી સારી’ અને થોડી ડુંગળી ખાધા પછી રાડ પોકારી જાય એટલે ‘આના કરતાં ફટકા ખાવા સારા’ એવો વિચાર આવે. વાર્તાનો અંત એવો હતો કે ગુનેગાર પચાસ ફટકા પણ ખાય છે ને પચાસ ડુંગળી પણ.

ભારતની લોકશાહીમાં મતદારોની દશા, વાર્તામાં આવતા ગુનેેગાર જેવી લાગે છે. પક્ષીય વફાદારી ધરાવતા લોકો સંમત નહીં થાય, પણ શાસનની બાબતે કોંગ્રેસ-ભાજપ ડુંગળી અને ફટકાની યાદ અપાવે એવા બે ‘વિકલ્પ’ છે. રાજ્યસ્તરે તેમના વિકલ્પ ઉભરતા રહ્યા છે - ક્યારેક સ્થાનિક મુદ્દા, આંદોલન કે રાજકારણના પરિપાક તરીકે, તો ક્યારેક વેરવિખેર રાષ્ટ્રિય મોરચાઓના રહ્યાસહ્યા ટુકડા તરીકે. પરંતુ એ વૈકલ્પિક પક્ષો રાજકારણની દૃષ્ટિએ ‘ડુંગળી-ફટકા પક્ષો’ કરતાં ખાસ જુદા હોતા નથી. કોંગ્રેસ-ભાજપની જેમ એ પણ લોકહિતની ઉપેક્ષા કરીને, મુખ્યત્વે લોકરંજક (પોપ્યુલિસ્ટ) દેખાડાબાજીના જ ખેલ પાડે છે અને વ્યક્તિકેન્દ્રી કે સંકુચિત વિચારધારાકેન્દ્રી બની રહે છે.

ટોળાંને રીઝવે એવાં ભાષણ, નાટકબાજી કે જોણાં કરવાં, રાજ્ય પાસેથી લાભ મેળવી ચૂકેલા-મેળવવા આતુર ઉદ્યોગપતિઓનાં કે પછી રાજ્યનાં નાણાંનો ઘુમાડો કરીને પોતાનો વટ પાડી દેવો, નક્કર કામને બદલે આક્રમક પ્રચાર પર વધારે ઘ્યાન આપવું, ઉત્તરદાયી ન રહેવું- અઘરા સવાલોના જવાબ ન આપવા, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાને બદલે તેનું શક્ય એટલું કેન્દ્રીકરણ કરવું, લોકસેવક હોવાનો દાવો કરતાં કરતાં, લોકશાહી સંસ્થાઓને પંગુ બનાવીને લોકસમ્રાટ બની બેસવું, સેક્યુલરિઝમ કે હિંદુત્વ જેવી લાગણીઓના નામે ચરી ખાવું - આ બધાં લક્ષણો ‘ડુંગળી-ફટકા પક્ષો’ અને તેમના નેતાઓનાં છે.

હમણાં સુધી તેમાંથી કોઇ રાષ્ટ્રિય કે સ્થાનિક પક્ષ બાકાત ન હતો. મોરચા સરકારો ભૂતકાળમાં ઘણી બની હતી, પરંતુ તેમનું રાજકારણ મૂળભૂત રીતે જુદું (લોકલક્ષી કે લોકાભિમુખ) ન હતું. કટોકટી પછી ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર પાસે આપખુદશાહીના વિરોધી અને લોકશાહીને પુષ્ટ કરે એવા રાજકારણની આશા હતી, પરંતુ કોંગ્રેસવિરોધનું દોરડું વિપક્ષી નેતાઓને એક ભારે બાંધવામાં નબળું અને નિષ્ફળ નીવડ્યું. એટલે જનતાપ્રયોગનો કરુણ અંત આવ્યો. સતેનાં વર્ષો પછી- અને લોકાભિમુખ રાજકારણના નામે સદંતર અંધકાર છવાયા પછી કદાચ પહેલી વાર- આમઆદમી પક્ષ થકી ‘ડુંગળી-ફટકા પક્ષો’ના રાજકીય વિકલ્પની - વૈકલ્પિક રાજકારણની આશા ઊભી થઇ છે.

પરિવર્તનનો રસ્તો

મુદ્દો કોઇ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધનો નહીં, નાગરિકલક્ષી રાજકારણની તલપનો છે. દાયકાઓથી ભારતના નાગરિકો એક યા બીજા પક્ષ-નેતાની ભક્તિમાં રાચતા આવ્યા છે. સેક્યુલરિઝમ અને હિંદુત્વ, સમાજવાદ અને ઉદારીકરણ - આ બધા પર મૂકેલી આશાઓ છેવટે ઠગારી નીવડી હોવાનું અને બધા છેવટે એકના એક હોવાનું ઘણા નાગરિકોને સમજાયું છે. છતાં, પરિસ્થિતિ સુધરતી નથી, બલ્કે બગડતી જાય છે. કેમ?

લોકલક્ષી રાજકારણમાં જે ‘લોક’ની- એટલે કે નાગરિકોની- વાત છે, તેમના કેટલાક મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે :
૧) તમારી બધી વાત સાચી, પણ હું તો વર્ષોથી કમળને (કે પંજાને) જ મત આપું છું.
૨) એક વાર અમુક નેતા (ભૂતકાળમાં ઇંદિરા કે રાજીવ કે સોનિયા, ભવિષ્યમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી) આવે એટલે જોજો તો ખરા. એ દેશનો ઉદ્ધાર કરી નાખશે. આપણો મત તો એમને જ.
૩) અમે તો અમારા સમાજના (જ્ઞાતિ કે સમુદાયના) ઉમેદવારને જ મત આપવાના. એ જેવો હોય એવો, પણ અમારો તો ખરો.
૪) અત્યાર સુધી બધા આવી ગયા, પણ આપણો દહાડો કોણે વાળ્યો? એટલે તમે કહો તો એને મત આપીએ, પણ અમને શું મળશે? (ઉમેદવારના કે પક્ષના ગુણદોષના આધારે મત આપનાર સંખ્યાત્મક લધુમતીને અહીં બાકાત રાખી છે.)

આ યાદીમાં હજુ બીજા કેટલાક પ્રકાર કે પેટાપ્રકારનો ઉમેરો કરી શકાય, પણ તેમાંથી એકેયમાં લોકોની સામેલગીરી ધરાવતા રાજકારણનો ખ્યાલ નથી. મત આપ્યા પછી ને સરકાર રચાઇ ગયા પછી પોતાની કોઇ ભૂમિકા હોઇ શકે અને નેતાઓ પાસેથી પોતે જવાબ માગી- મેળવી શકે, એવો ખ્યાલ મતદારોના મનમાં ઉગતો જ નથી. તેને મૂળમાંથી બાળી નાખવા માટે અત્યાર લગી રાજકીય પક્ષોએ સતત મહેનત કરી છે અને તેમની મહેનત ફળી છે. એટલે પાંચ વર્ષે એક વાર નમ્રભાવે અને વચ્ચે ક્યારેક મહેમાન કલાકારની છટાથી નેતા મતવિસ્તારમાં આવી જાય, એટલી ‘કૃપા’થી લોકો નભાવી લે છે. અપેક્ષા દિવસે દિવસે ઓછી થતી જાય એટલે રાજકારણીઓ સામેનો કચવાટ-કકળાટ ચાલ્યા કરે, પણ ચૂંટણી વખતે મતદાનને પવિત્ર ફરજ સમજીને, આગળ જણાવેલા કોઇ પ્રકારને અનુસરીને મત આપી દેવાય છે.

આ પ્રકારની અંધકારમય ‘વ્યવસ્થા’ની આદત પડી ચૂકી હોય ત્યારે તેમાં ચકમકથી જ્યોત જલાવવાના પ્રયાસ ‘અરાજકતા’ લાગી શકે છે. એ રીતે અરવિંદ કેજરીવાલને અને તેમના રાજકારણને ‘અરાજકતાવાદી’ ગણવાં હોય તો ગણી શકાય. સવાલ એ છે કે કેજરીવાલ અને તેમના રાજકારણને સતત, નાનામાં નાના મુદ્દે ઉતારી પાડવાના પ્રયાસ શા માટે થાય છે? મુદ્દાની હળવી, ભારે કે પરચૂરણ ગંભીરતા વિશે જોયા-વિચાર્યા વિના, પહેલી તકે સોશ્યલ નેટવર્કિંગ કે ટીવી ચેનલો પર કેજરીવાલને ઝૂડવા બેસી જાય છે, એ લોકો કોણ છે? તેમાંથી કેટલા ભાજપ-કોંગ્રેસના વફાદારો છે? કેટલા પોતાનાં આર્થિક કે મનોવૈજ્ઞાનિક કારણોસર કેજરીવાલના ભીંતભૂલ્યા ટીકાકાર બની ગયા છે? અને કેટલા લોકો અગાઉના નેતાઓના વરવા અનુભવો પરથી કેજરીવાલને શંકાની નજરે જુએ છે અને તેમના પ્રકારના - એટલે કે નાગરિકલક્ષી- રાજકારણને સરખી તક આપવા તૈયાર નથી? આ સૌએ વિચારવાનું છે.

કેજરીવાલનાં કેટલાંક પગલાં વિશે મતભેદ હોઇ શકે, ‘આપ’ દ્વારા પસંદ કરાયેલા કેટલાક ઉમેદવારો સામે વાંધો લઇ શકાય, ‘આપ’ પાસેથી કેટલાક મુદ્દે વઘુ સ્પષ્ટતાની અપેક્ષા હોય, પરંતુ પક્ષના મુખ્ય સૂત્રધારો એવા કેજરીવાલ અને યોગેન્દ્ર યાદવની દાનતમાં ખોટ દેખાઇ નથી. તેમનો-‘આપ’નો ઇરાદો બને એટલા વધારે પ્રમાણમાં મતદારોની-નાગરિકોની સામેલગીરીનો હોય એવું લાગ્યું છે. સાથોસાથ ભૂલો સ્વીકારવાની તેમની તૈયારી પણ દેખાઇ છે. પરિવર્તનના રાજકારણમાં સૌથી પાયાની કહેવાય એવી આ બન્ને જરૂરિયાતો બીજો કયો રાજકીય પક્ષ સંતોષે છે?

પણ એના કરતાં વધારે પ્રાથમિક સવાલ છે : નાગરિકોને- એટલે કે આપણને- લક્ષમાં લેતી, વીવીઆઇપી બની ગયા વિના આપણી વાત સાંભળવા તૈયાર અને સવાલોના જવાબ આપે એવી નેતાગીરી આપણે જોઇએ છે? કે પછી કોઇ આવીને આપણો ઉદ્ધાર કરી જશે, એ આશામાં છેતરાતા રહેવું આપણને વધારે પસંદ છે? રાજકારણના ત્રાજવાનું પલ્લું સહેજસાજ નાગરિકો તરફ નમી શકે એવી સંભાવના ઊભી થઇ હોય ત્યારે તેનો શક્ય એટલો કસ કાઢવો છે? કે પછી જેમ છે તેમ જ ધકાવ્યે રાખવું છે.

વફાદારી નહીં, ફરજ

કેટલાક લોકો ઠાવકું મોં રાખીને કહે છે, ‘જુઓ, અમને કેજરીવાલ સામે વાંધો નથી. પણ એમને થોડા ટાઇમની જરૂર છે. અમસ્તી પણ આ વખતે એમની સરકાર બનવાની નથી. તો પછી નકામો મત શા માટે બગાડવો? એના કરતાં મોદીને મત આપો. એ યોગ્ય ઉમેદવાર છે.’ બીજા કેટલાક આ જ તર્ક મૂકીને કહે છે, ‘આપ’ને મત આપવાથી મોદીવિરોધી મત બગડશે. એના કરતાં કોંગ્રેસને જ મત આપો.

‘વ્યવહારુ ડહાપણ’ના નામે રજૂ કરાતી આ દલીલ કુતર્કનો ઉત્તમ નમૂનો છે. કારણ કે દેખીતી રીતે તર્કબદ્ધ લાગતી આ વાત કરનારા પહેલા પગથીયે જ ગોથું ખાય છે. જાગ્રત નાગરિકો માટે સવાલ ‘આપ’ની સરકાર બનશે કે નહીં, એ નથી. (અત્યાર સુધી) કેજરીવાલ લોકલક્ષી રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે. લોકલક્ષી રાજકારણનો પાયો મજબૂત બનશે, તો વડાપ્રધાન ગમે તે થાય, તેમની સરકાર પર નાગરિકોનું- તેમના ખરા પ્રતિનિધિઓનું દબાણ રહેશે અને તે બેફામ બનતા અટકશે. પરંતુ લોકલક્ષી રાજકારણનું થોડુંઘણું બળ પણ ઊભું નહીં થાય, તો પછી વડાપ્રધાન ગમે તે બને, મૂળભૂત રાજકારણમાં કશો ફરક નહીં પડે.

પક્ષીય કે વ્યક્તિગત વફાદારી માનસિક ગુલામીનું લક્ષણ છે. એવી ‘વફાદારી’ કેજરીવાલ કે ‘આપ’ પ્રત્યે પણ ન હોવી જોઇએ.  મહત્ત્વ ‘આપ’નું નહીં, તેના દ્વારા પ્રગટાવાયેલી નાગરિકલક્ષી રાજકારણની ચિનગારીનું છે. એ બુઝાવી ન જોઇએ. ‘આપ’નો વિરોધ થઇ જ શકે, પરંતુ કોંગ્રેસ-ભાજપના ખોળે બેસી ગયા વિના. જાગ્રત નાગરિકો માટે ‘આપ’ માત્ર સાધન છે. અસલી ઘ્યેય નાગરિકોની સામેલગીરીના રાજકારણનો શક્ય એટલો વિસ્તાર કરવાનું છે. કાલે બીજો કોઇ પક્ષ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ જેવા નેતાઓ સાથે ચોખ્ખી દાનત અને લોકસામેલગીરીની વાત લઇને આવે તો જાગ્રત નાગરિકોએ એ પક્ષને પણ ટેકો આપવો જોઇએ.

અત્યાર લગી ‘લેસર એવિલ’ (ઓછા અનિષ્ટ) પક્ષની પસંદગી કરીને થાકેલા નાગરિકોનું વાંકદેખાપણું સમજાય છે. છતાં અનિષ્ટ સિવાયની પસંદગી ઉપલબ્ધ બને ત્યારે એને પસંદ કરવા જેટલી સૂઝ પણ નાગરિકોએ બતાવવી રહી. 

1 comment:

  1. આજના ગુજરાત સમાચાર 'દૈનિકપત્ર;દ્વારા લૉકહિત પત્રકારત્વ ને જીવંત રાખવા માટે પ્રયાસ કરતા તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહ''દ્વારા સત્ય પત્રકારત્વ નો પરિચય આપી રહ્યા માટે દિલ અન દિમાગ થી'જાગૃત અન સજ્જન વિચારક મિત્રો વતી આભાર;
    આજે જ્યારે સત્ય ના પૂજારીઓ'ટીવી ન્યૂજ઼ પત્રકારત્વ મોદીભક્તિ મા ગળાડુબ છે મોદી સરકાર ના સંખ્યાબંધ ભ્રષ્ટ્રાચાર ને ભુલવા માટે જનતા સામે મોદી ના ઝૂઠ નો જય જયકાર કરતા દેખાય છે'ગુજરાત નો વિકાસ જનતા ના સમન્વય દ્વારા થયો છે તેમા આડંબરી પ્રચારપ્રેમી સંવાદસમ્રાટ શ્રી મોદી સરકાર દ્વારા નથી થયુ'મોદી સરકાર માત્ર'સરકારી તિજોરી ખાલી કરવામા વ્યસ્ત છે'શ્રી સુદર્શનભાઈ ઉપાધ્યાય સાહેબ ખરેખર સત્યલેખન છે માટે કોટિ કોટિ વંદન'બાહોશ પત્રકારત્વ નો પરિચય માટે/\ગજાનંદ રામટેકર'મરાઠી કાર્યકર'અમદાવાદ પૂર્વ

    ReplyDelete