Tuesday, December 27, 2016

જનઆંદોલન પણ ચલણમાંથી રદ છે?

નોટબંધી પછીના સંઘર્ષમય દિવસો પૂરા થયા નથી, ત્યારે  જાહેર જીવનના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો સવાલ છે : વિના વાંકે આટઆટલી અગવડો વેઠ્યા પછી પણ દેશભરના લોકો કેમ સળવળતા નથી? ખાસ કરીને એવા સમયે, જ્યારે કમ સે કમ ગુજરાતમાં તો નવી યુવા નેતાગીરીની અને જનઆંદોલનની મોસમ બેઠેલી હતી. દેશની વાત કરીએ તો, અન્નાનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અને દિલ્હી બળાત્કારની ઘટના પછી થયેલા વ્યાપક દેખાવો તરત યાદ આવી શકે એટલાં તાજાં છે. ટૂંકમાં, લોકોને સડક પર ઉતારી શકાતા હતા ને આંદોલિત કરી શકાતા હતા, એ ઇતિહાસ બની ચૂકેલી બાબત નથી. તો પછી આવું કેમ?

ઉપર ઉલ્લેખેલાં તમામ આંદોલનોમાં સામેલ ઘણાખરા લોકો સીધા અસરગ્રસ્ત ન હતા. છતાં, તેમને ભ્રષ્ટાચાર, મહિલાસુરક્ષા, પોતાના સમાજના હક કે પોતાના સમુદાય પર થતા અત્યાચાર જેવા મુદ્દે બહાર આવવાનો ધક્કો લાગ્યો. હવે એ સૌ અને એમના સિવાયના બધા દેશવાસીઓ પણ નોટબંધીથી સીધા અસરગ્રસ્ત છે. છતાં, તે આ મુદ્દે કેમ આંદોલિત થયા નથી?

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી બંધારણીય અને લોકશાહીની દૃષ્ટિએ સૌથી ભયંકર ઘટના હતી. વ્યાપ અને કામચલાઉ ખરાબ અસરોની બાબતમાં વર્તમાન નોટબંધી કટોકટીને પણ ટપી ગઇ. જંગલમાં વસતા આદિવાસીઓથી માંડીને દક્ષિણ મુંબઇમાં રહેતા માલેતુજારો સુધીના સૌ કોઇ નોટબંધીથી હેરાન થયા. રોજેરોજ બૅન્કોમાં દેખાતી લાઇનો જોતાં, સામાન્ય માણસો હજુ પણ હેરાન થઇ રહ્યા છે. પોતાના રૂપિયા બૅન્કમાંથી મળે તો લોકો એવા રાજી થાય છે, જાણે સરકારે તેમને બક્ષિસ આપી હોય. છતાં કોઇના પેટનું પાણી હાલતું કેમ નથી? અને કેમ જનઆંદોલન જાગતું નથી?

આ સવાલ રાજકીય જેટલા જ સામાજિક અને નાગરિકી દૃષ્ટિએ પણ અગત્યના છે. તેમનો કોઇ એક ગાણિતીક જવાબ નથી. ઘણાં પરિબળોનો સરવાળો તેમાં થયેલો હોય. તેમાંથી કેટલાંકને ઓળખવાનો પ્રયાસઃ

નોટબંધીના નિર્ણયના સમર્થકો કહેશે કે સીધી વાત છે. આ પગલું લોકોના અને દેશના હિતમાં છે. પછી લોકો શા માટે આંદોલન કરે? લોકો સમજુ છે અને નોટબંધીનો વિરોધ કરનારા વાસ્તવમાં મોદીવિરોધી છે. એટલે કકળાટ કરે છે.તેમને ભલે આવું લાગે, પણ આ એવી સીધી વાત નથી. નોટબંધીની અસરો વિશે અભ્યાસીઓ વચ્ચે મતભેદ છે. નોટબંધીનાં આર્થિક પરિણામ કેવાં આવે, એ વિશે સમર્થકો કે ટીકાકારો, કોઇ છાતી ઠોકીને કહી શકે એમ નથી. પરંતુ ભારત જેવા દેશની ચલણી નોટોનો ૮૬ ટકા હિસ્સો કશી પૂર્વતૈયારી વિના રદ કરી દેવાથી કેવી અરાજકતા ફેલાઇ, તે સ્વયંસ્પષ્ટ છે અને તેમાં સરકારની-વડાપ્રધાનની સીધી જવાબદારી છે.

નોટબંધીના તરફી લોકો અરાજકતાને કામચલાઉગણાવીને, ‘લાંબા ગાળાનું ચિત્ર નજર સામે રાખવાનુંઅથવા  વડાપ્રદાનની દાનતને ધ્યાને લેવાનું કહે છે. આશરે છ અઠવાડિયાંથી ત્રાટકેલી મુસીબતોની ગંભીરતાને તે અવગણે છે અથવા બહુ હળવાશથી લે છે. છ અઠવાડિયાંનો સમયગાળો કામચલાઉ ન કહેવાય. છતાં, દલીલ ખાતર એમ માનીએ તો પણ તેની ખરાબ અસરો ગંભીર છે અને તે લાંબા ગાળાની પણ હોઇ શકે છે. સૌ સારાં વાનાં થશેએવી આશા હાલ તો વિશફુલ થિંકિંગના ખાનામાં આવે. કારણ કે અર્થશાસ્ત્રીઓ પણ એ વિશે ખાતરીથી કહી શકતા નથી. દરમિયાન, નોટબંધીની અંધાધૂંધીમાં થયેલાં મૃત્યુ, ઠપ થયેલા ધંધાઉદ્યોગ, તેના કારણે ઊભી થયેલી રોજગારીની સમસ્યા, તેમાંથી જન્મેલી કૌટુંબિક-સામાજિક સમસ્યા, સ્થળાંતરો...આ બધી નક્કર સમસ્યાઓ છે.

છેલ્લા સ્તરની મુશ્કેલી ન પડી હોય તેમને થોડી ઓછી ગંભીર તકલીફ વેઠવાની થઇ છે. પણ સરકારપક્ષને અને નોટબંધીના સમર્થકોને તેમાંથી કશું જ સ્પર્શતું નથી. તેમને લાગે છે કે નોટબંધીનાં સંભવિત સુપરિણામો માટે આ બધું વસૂલ છે. આવું માનનારા લોકો પોતે કેટલીક મુશ્કેલી ભોગવી ચૂક્યા છે. છતાં, તે નોટબંધી કે વડાપ્રધાન કે બન્ને પ્રત્યેના સમર્થનને કારણે, સડકો પર ઉતરે તેમ નથી. આ વર્ગ કરતાં થોડો જુદો, પણ તેમની સાથે જોડી શકાય એવો બીજો વર્ગ માને છે કે અમલમાં મુશ્કેલી પડી ને સરકારે થાપ ખાધી, પણ તેનો ઇરાદો સારો હતો. માટે તેને માફ કરી દેવી જોઇએ.’  (વડાપ્રધાનના ઇરાદા હંમેશાં ધ્રુવીકરણ પ્રેરે એવી ચર્ચાનો વિષય રહ્યા છે)

આર્થિક રીતે સમાજના છેવાડે રહેલા લોકોનો એક વર્ગ અમસ્તો બિચારાપણું અનુભવતો હોય છે. નોટબંધીની લાઇનોએ તેમના બિચારાપણામાં ઉમેરો કર્યો છે અને બિચારાપણાના ભારથી તેમને લગભગ દબાવી જ દીધા છે. બે ટંક રોટલાભેગા થવાનો સવાલ તેમના માટે હતો એના કરતાં પણ મોટો બની ગયો હોય, ત્યાં વિરોધ કરવા જેટલી ત્રેવડ તેમનામાંથી ક્યાંથી રહી હોય?

હજુ એક વર્ગ છે, જે સાવ ગરીબ નથી. જેને બે ટંકના ભોજનની મુશ્કેલી નથી. તે નોટબંધીથી પીડિત છે, સોશ્યલ મિડીયા વાપરે છે અને પ્રમાણમાં બોલકો છે. એ વર્ગમાંથી કેટલાક સોશ્યલ મિડીયા પર નોટબંધીની ટીકા કરે છે, તેની રમૂજો બનાવે છે, ક્યારેક ઉશ્કેરાઇને બૅન્કો પર ધમાલ મચાવે છે. આ વર્ગ નાનો નથી અને તેમનો અસંતોષ ઓછો નથી. પરંતુ નવનિર્માણ હોય, અન્ના આંદોલન હોય કે દિલ્હીના બળાત્કારવિરોધી વિરોધી દેખાવો, એ બધામાં એક તબક્કા પછી વિરોધી પક્ષોની છૂપી કે પ્રગટ ભૂમિકા હતી. વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનો લોકોના અસંતોષને વાચા આપવાની સાથોસાથ, તેનો સરવાળો અને ગુણાકાર કરવાનું કામ કરે છે.

ભૂતકાળનાં ઘણાં આંદોલનમાં ભાજપ અને તેનાં સાથી સંગઠનોએ પડદા પાછળ રહીને અગત્યની ભૂમિકા ભજવી હતી. ચાલુ સરકારનો ધજાગરો થાય તો પોતાનો ગજ વાગે, એ તેમનું સાદું ગણિત. હવે ભાજપ સત્તામાં છે અને તેની જગ્યા લઇ શકે, લોકોના અસંતોષને એકજૂથ કરી શકે એવો કોઇ મજબૂત, શેરીયુદ્ધનો અનુભવ ધરાવતો વિપક્ષ મોજૂદ નથી. કૉંગ્રેસને એ આવડતું નથી અથવા શીખવું નથી. અરવિંદ કેજરીવાલ એ જ રસ્તે મુખ્ય મંત્રી બન્યા, પણ ભ્રષ્ટાચાર સામેની લડાઇનું વધારે મોટું દીવાસ્વપ્ન બતાવવામાં વડાપ્રધાન મેદાન મારી ગયા છે.

નોટબંધી થકી વડાપ્રધાને કાળાં નાણાં સામેની લડાઇમાં પોતાની નિષ્ફળતાને નાટ્યાત્મક રીતે સફળતામાં ફેરવી દીધી છે. તેમની સફળતા એ નથી કે તે કાળાં નાણાં સામેનું યુદ્ધ જીતી ગયા. પ્રચારપટુતા અને ધ્રુવીકરણની ક્ષમતાના જોરે તેમણે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકેની પોતાની છબી વધારે મોટી બનાવી અને તેની નીચે પોતાની જૂની-નવી નિષ્ફળતાઓને ઢાંકી દીધી. એ તેમની સિદ્ધિ છે--અને વિપક્ષો તથા લોકસંગઠનોની જુદી જુદી નિષ્ફળતા છે. સામાજિક કાર્ય કરતાં સરેરાશ સંગઠનો રાજકીય વિરોધની ક્ષમતા ગુમાવી બેઠાં છે અથવા એ પોતે પોતાના સંસારમાં એવાં મસ્ત છે--પોતે આંકેલી કે ફંડિગ એજન્સીએ આંકી આપેલી હદને એવી ચુસ્તીથી પાળે છે કે દેશના આટલા વિશાળ જનસમુદાયને પડી રહેલી ભારે અગવડ પણ જનઆંદોલનનો મુદ્દો બનતી નથી.

                

Tuesday, December 20, 2016

નોટબંધીની વાર્તા અને બોધપાઠ

એક ઘર હતું. આખું લાકડાનું બનેલું. ઘરના માણસોની સામાન્ય અવરજવરથી એ ધ્રુજે, પણ ભૂકંપ આવે ત્યારે અડીખમ ઊભું રહે. તેમાં માણસ ઝાઝા ને જગ્યા ઓછી. ઘરમાં માંકડનો બહુ ઉપદ્રવ. રાત પડ્યે ઘરનાં માણસોનું લોહી પીએ. ખાટલામાં કરડે ને ભોંયપથારીમાં પણ ચટકે. ઘરમાં મહેમાનોની કાયમી અવરજવર. બધા આવે, માંકડનો ત્રાસ દૂર કરવાની વાત કરે અને પોતાનો સમય થાય એટલે પાછા જતા રહે. ઘણી વાર તો એ લોકો એવું કરીને જાય કે માંકડની વસ્તી વધે.

એક વાર એક મહેમાન આવ્યા. બહારથી જ એ માંકડોને ચપટીમાં ચોળી નાખવાના દેકારા કરતા હતા. થોડા વખત પછી ઘરમાં ગણગણાટ શરૂ થયો. માંકડોનો ખાત્મો બોલાવવાના વાયદાનું શું થયું?’ એવું લોકો તેમને પૂછવા લાગ્યા. એક રાત્રે, ઘરના લોકો પરવારીને સુવાની તૈયારી કરતાં હતાં ત્યારે, મહેમાને લાકડાના ઘર પર કેરોસીન છાંટ્યું અને પછી ચાંપી દિવાસળી. જોતજોતામાં આગ ભભૂકી ઉઠી.  ઘરનાં લોકો હાંફળાંફાંફળાં બહાર દોડ્યાં, કંઇક પડ્યાંઆખડ્યાં- ઘાયલ થયાં ને કેટલાંક મૃત્યુ પણ પામ્યાં.

સાજાંસમાં રહેલાં લોકોએ મહેમાનને પૂછ્‌યું,‘આ તમે શું કર્યું? માંકડ મારવાને બદલે તમે તો ઘર સળગાવી માર્યું.મહેમાને કહ્યું,‘ગભરાશો નહીં. આ આગમાં બધા માંકડ મરી જશે. પછી તમારે કાયમી શાંતિ થઇ જશે. તમે એ વિચારો કે અત્યારે આગના ભડકા વચ્ચે માંકડોની કેવી કફોડી દશા થતી હશે? અત્યારે તેમણે કેવી દોડાદોડ મચાવી હશે? એનાથી તમને સંતોષ થવો જોઇએ ને તમારે ઘર સળગી ગયાની ફરિયાદ ન કરવી જોઇએ.તેમના ટેકામાં બીજા કેટલાકે કહ્યું,‘ઘરને માંકડમુક્ત બનાવવા માટે આ જરૂરી હતું. એક વાર નવું ઘર ઊભું થઇ જાય, પછી બધાનું ભલું થશે.

આવી વાતો સાંભળીને ઘરનાં ઘણાં લોકો હકારમાં ડોકાં હલાવવા માંડ્યાં અને બળેલા ઘરની જગ્યા સાફ કરવા મંડ્યાં. ત્યારે જોયું તો ઘણા માંકડ જમીનમાં ભરાઇ ગયા હતા અને રાખ સાફ થતાં પાછા બહાર આવી રહ્યા હતા--નવા ઘરમાં વસવા માટે.

માંકડ મારવા માટે ઘર સળગાવી દેવાનું પગલું વાજબી ગણાય કે નહીં અને તેમાં ફાયદો વધારે થાય કે નુકસાન વધારે, એની ચર્ચા કેટલાક નિષ્ણાતો કરી રહ્યા હતા. ખાટલામાં ને પથારીમાં સંતાયેલા ઘણા માંકડ સળગી ગયા, એને અસરકારક પરિણામ ગણાવાતું હતું.  બચી ગયેલા માંકડ પણ બીને કરડવાનું બંધ કરી દેશે, એવું કહેવાતું હતું. કેટલાક એમ પણ કહેતા હતા કે ભલે ઘર બળી ગયું, પણ માંકડ મારવાની કોશિશ તો થઇ. આવું હિંમતવાળું પગલું આ પહેલાં કોઇએ ભર્યું હતું? હવે જોજો, જૂના ઘરની જગ્યાએ નવું સરસ ઘર બનશે.

દરમિયાન, મહેમાને જાહેરાત કરી કે માંકડનાબૂદીનો ઉપાય મળી ગયો છે. કોઇએ ખાટલામાં-પથારીમાં સુવું નહીં કે ખુરશીઓમાં બેસવું નહીં. આપણે ઘરને ‘‘બેઠક-લેસ’’ બનાવી દઇશું, એટલે માંકડોનો ત્રાસ આપોઆપ મટી જશે.
***
માંકડ જીવતા રહે, ઘર બળી જાય ને માંકડનાબૂદી માટે નવાં પગલાં જાહેર થાય, એવી સ્થિતિ નોટબંધી પછી કૅશલેસના પ્રચારને કારણે સર્જાઇ છે. આવી ગંભીર બાબતોની પૂરેપૂરી આંટીધૂંટી બોધકથા કે સરખામણીઓથી ન સમજી શકાય. પરંતુ અત્યાર લગી જે કંઇ બન્યું છે, તેનો કંઇક સાર આ કથા પરથી આવી શકે છે.

ઘણી વાર આંકડા ને અભ્યાસો ટાંક્યા પછી પણ એકાદ સચોટ ઉદાહરણથી વાતનો અર્ક તરત સમજાઇ જાય. જેમ કે, વડાપ્રધાને જાહેર કરેલી કૅશલેસની ઝુંબેશ અને તેની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ વિશે એક લેખકે કહ્યું કે આ તો ફૉર્મ્યુલા વનની રેસમાં ગાડું ઉતારવા જેવી વાત છે.તો બીજાએ કહ્યું કે આ ઘોડા આગળ ગાડી મૂકવાનો ધંધો છે.

ભારત હજુ કૅશલેસબનવા માટે તૈયાર નથી, તેના ટેકામાં કરાતી દલીલો : અડધાઅડધ લોકોનાં બૅન્કખાતાંનાં ઠેકાણાં નથી, એંસી ટકા લોકો પાસે સ્માર્ટફોન નથી, ઇન્ટરનેટ કનેક્શનનાં ઠેકાણાં નથી, ડિજિટલ સુરક્ષાની દિશામાં ભાગ્યે જ કશો વિચાર થયો છે. બૅન્કોમાંથી રૂપિયા મેળવવા ધક્કા ખાધા પછી લોકો પરંપરાગત રીતે વિશ્વાસુ એવી બૅન્કો બાબતે અવિશ્વાસ અને અસલામતી અનુભવતા થયા છે. તો કૅશલેસ વ્યવહાર માટે તે બૅન્કો ને અજાણી કંપનીઓ પર શી રીતે ભરોસો મૂકે? ભારતીય સમાજજીવનમાં રોકડની ભારે બોલબાલા રહી છે. કારણ કે, પાસે રોકડ હોય તેને સ્વાઇપ મશીન ચાલતું નથી’, ‘સર્વર ડાઉન છે’, ‘અમે ફલાણું કાર્ડ સ્વીકારતા નથીજેવા જવાબો સાંભળવા પડતા નથી ને તેનું કામ અટકતું નથી. મોબાઇલને વૉલેટ (પાકિટ) બનાવી દેવામાં તેના ખોવાઇ જવાથી માંડીને સુરક્ષા અને જુદી જુદી કંપનીઓનાં પાકિટવચ્ચે વ્યવહાર થતો નથી, એવાં અનેક કારણ છે.

તેની સામે થતી દલીલ એવી છે કે કોઇ પણ નવી શોધ આવે, ત્યારે તેની સામે આવો જ વિરોધ હોય છે. કમ્પ્યુટર જેવી ક્રાંતિકારી શોધ માટે આઇ.બી.એમ.ના વડાને એવું લાગ્યું હતું કે આખી દુનિયામાં થઇને માંડ પાંચેક કમ્પ્યુટર વેચાય.પરંતુ આપણે જોઇએ છીએ કે હવે કમ્પ્યુટર વિના દુનિયા ચાલતી નથી. એવું જ કૅશલેસ અર્થતંત્રના મામલે થશે.
આવી દલીલો-પ્રતિદલીલો વચ્ચે શાંતિથી વિચારવા અને યાદ રાખવા જેવી કેટલીક બાબતો :

- કૅશલેસ વ્યવહારોનું પ્રમાણ વધે તે આવકાર્ય છે. તેનાથી પારદર્શકતા વધે છે. ઘણા કિસ્સામાં સુવિધા પણ વધે છે. પરંતુ મોટા ભાગના વ્યવહારો કૅશલેસ બને ત્યારે પ્રાઇવસીના અને સરકારી અંકુશના પ્રશ્નો ઊભા થઇ શકે. તે અંગેની સ્પષ્ટ નીતિ અને તેનું અમલીકરણ કરવા જેટલી રાજકીય દાનત (કોઇ પણ પક્ષના) નેતાઓમાં દેખાતી નથી.

- સ્માર્ટ ફોનની સંખ્યાથી માંડીને ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ અને લેવડદેવડની વિશ્વસનીયતા-સુરક્ષા જેવી સમસ્યાઓ બે-પાંચ વર્ષમાં ઉકલી જાય તો કૅન્યાની જેમ ભારત પણ ઘણા અંશે કૅશલેસ બની શકે છે. પરંતુ રોકડ અને ભ્રષ્ટાચાર બે જુદી બાબતો છે. તેમની વચ્ચે થોડો સંબંધ છે, પણ મોટા ભાગના વ્યવહાર કૅશલેસ થઇ જાય, એટલે ભ્રષ્ટાચાર નાબૂદ થઇ જાય એવું માની લેવાની જરૂર નથી.

- દેશને કૅશલેસની દિશામાં લઇ જવો, ભ્રષ્ટાચાર-કાળાં નાણાં-ત્રાસવાદ સામે ઝુંબેશ ઉપાડવી અને કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના ત્રણ-ચાર ટકાને બદલે બાર-તેર ટકા જેટલી રકમ રોકડ તરીકે ફરતી હોય તો તેનું પ્રમાણ નીચું લાવવું-- આ ત્રણે હેતુઓ જુદા જુદા છે. નોટબંધીને આ બધાં દુઃખોની મુખ્ય અને અકસીર દવા તરીકે રજૂ કરવાના સરકારી પ્રયાસોમાં દાનત અથવા સમજ અથવા બન્નેના ગંભીર પ્રશ્નો દેખાય છે. દાનતના પ્રશ્ન વિશે ફક્ત આટલું જ : ગયા સપ્તાહે નાણાંમંત્રીએ લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે આઠમી નવેમ્બર પહેલાં કે પછી કાળાં નાણાંના કુલ જથ્થાનો કોઇ સત્તાવાર અંદાજ મોજુદ નથી.


નોટબંધીનો અમલ ધબડકાયુક્ત છે એ તો જાણે ખરું, પણ તેની પાછળનું મુખ્ય પ્રેરક બળ આર્થિકને બદલે રાજકીય હોવાની આશંકા પણ મજબૂત છે. કદાચ એટલે જ, આ પગલાને આર્થિક ફુટપટ્ટીથી માપતા નિષ્ણાતો બહુ મહેનત કરે છે, છતાં આ નિર્ણયને સંતોષકારક રીતે સમજાવી શકતા નથી અને નષ્ટ થયેલા માંકડની આશામાં બળેલું મકાન નજરઅંદાજ કરતા હોય એવું લાગે છે.

Friday, December 16, 2016

ઉદારમતવાદીઓેની મૂંઝવણ અને વિકલ્પો

અમેરિકામાં ટ્રમ્પની જીત અને ત્યાર પહેલાં યુરોપિઅન યુનિઅનમાંથી છૂટા થવાના બ્રિટનના લોકમત (બ્રેક્ઝિટ’) પછી ઉદારમતવાદીઓ કદાચ અભૂતપૂર્વ કહેવાય એવી કટોકટી અનુભવી રહ્યા છે. પહેલી નજરે એ સ્થિતિ સોવિયેત રશિયાના વિભાજન પછી  થયેલી સામ્યવાદીઓની હાલત જેવી લાગે. પરંતુ એ સામ્ય સાવ ઉપરછલ્લું છે. કેમ કે અંગ્રેજીમાં લીબરલતરીકે ઓળખાતા ભારતના ઉદારમતવાદીઓ અમેરિકાને શ્રદ્ધાકેન્દ્ર’  ગણતા ન હતા અને પોતાની વૈચારિક ખુલ્લાશ--અંતિમવાદના વિરોધ માટે અમેરિકા પર સંપૂર્ણપણે આધારિત ન હતા. અમેરિકા લીબરલ્સ માટે પ્રેરણાભૂમિ હતું, શ્રદ્ધાભૂમિ નહીં. ઉદારમતવાદની ખૂબી જ એ છે કે તેમાં રાષ્ટ્ર કે ધર્મના નામે આંખે પટ્ટી બાંધવાની હોતી નથી. ખુલ્લી આંખે જે દેખાય તે બઘું જ તેમાં જોવું-સ્વીકારવું પડે છે અને વખત આવ્યે તેનો વિરોધ પણ કરવો પડે છે.

જગતજમાદાર તરીકેની દાંડાઇ અને પોતાના સ્વાર્થ ખાતર સરમુખત્યારોને ટેકો આપવા કે લડાઇઓ કરાવવા જેવી દુષ્ટતાઓની સાથોસાથ, અમેરિકાએ પોતાની ભૂમિ પર ઉદારમતવાદને ઘણું પ્રોત્સાહન આપ્યું. અમેરિકાએ વિએતનામમાં તબાહી મચાવી ત્યારે દેશપ્રેમના ઉભરાથી અલગ જઇને, ઘણા અમેરિકનો અમેરિકાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી શક્યા. તેમને સરકારે દેશદ્રોહી તરીકે ફીટકરી દીધા નહીં. ઉદારમતવાદી મોકળાશનો એ સિલસિલો ત્યાર પછી પણ ચાલુ રહ્યો. ભારત સહિતના દેશોમાંથી ગયેલા ઘણા લોકો અમેરિકાને નવું ઘર બનાવી શક્યા, ત્યાં સારી તકો મેળવીને બે પાંદડે થયા. વિચાર, અભિવ્યક્તિ અને કાયદાની સમક્ષ સમાનતા જેવી નાગરિકી સ્વંતંત્રતાની બાબતમાં અમેરિકા વિશ્વભરના ઉદારમતવાદીઓનો આદર્શ બની શક્યું. તેની એ છાપને લીધે, ભારતમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદની હોડમાં ઝુકાવ્યું ત્યારે ભારતના કેટલાક ઉદારમતવાદી લોકોએ કહ્યું હતું કે મોદી વડાપ્રધાન બનશે તો અમે દેશ છોડીને અમેરિકા જતા રહીશું.

બે જ વર્ષમાં આ કહાનીમાં એવો આંચકાજનક વળાંક આવ્યો કે નરેન્દ્ર મોદીની અમેરિકન અને બગડેલી આવૃત્તિ જેવા ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેના પગલે કેટલાક જાણીતા લોકોએ અમેરિકા છોડીને કૅનેડા વસી જવાની ઇચ્છા જાહેર કરી.

વિચાર કરો : જે લોકોએ મોદી વડાપ્રધાન બને તો અમેરિકા જતા રહેવાની વાત કરી હતી તે ખરેખર અમેરિકા ગયા હોત તો તેમનું શું થાત? એ લોકોનો મોદી સામેનો વાંધો વ્યક્તિગત કે અંગત ન હતો. તેમનો તીવ્ર વિરોધ મુખ્ય મંત્રી મોદીના શોબાજી-વાણીવિલાસથી ભરપૂર, ઝનૂની-કોમવાદી લોકરંજકતામાં ઝબોળાયેલા રાજકારણ સામે હતો. અને એ બાબતમાં મોદીથી ચાર ચાસણી ચડે એવા ટ્રમ્પ અમેરિકામાં પ્રમુખ બની જાય, તો પછી શું કરવાનું? તેમને  બે જ વર્ષમાં ફરી દેશ બદલવાની નોબત આવત--અને આવા દેશબદલા પણ ક્યાં સુધી ચાલત? કારણ કે યુરોપ-અમેરિકા જેવા નાગરિકી સ્વાતંત્ર્ય અને ઉદાર મતવાદના ગઢમાં માત્ર કાંગરા ખર્યા નથી--દીવાલોને જમીનદોસ્ત કરી નાખે એવાં મોટાં ભગદાળાં પડ્યાં છે.

આ સ્થિતિમાં ઝનૂની વલણોનો વિરોધ કરનારા ઉદારમતવાદી, મધ્યમમાર્ગી નાગરિકો-નાગરિકી સંગઠનો માટે કટોકટીભરી સ્થિતિ પેદા થઇ છે. તેમની પાસે આટલા વિકલ્પો રહ્યા છે અથવા તેમનામાં આટલા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળે છે. 

1. અવાસ્તવિક વાયદા અને બેફામ નિવેદનો કરીને, જૂઠાણાં અને અર્ધસત્યો ચલાવીને, લોકોમાં આશા અને ભયની લાગણી ભડકાવનારા નેતાઓ-પક્ષોની બોલબાલાને વૈશ્વિક પ્રવાહ અથવા નિયતિ ગણીને તેનો સ્વીકાર કરી લેવો. કુદરતી ક્રમમાં જેની ચડતી થાય, તેની પડતી નિશ્ચિત છેએમ માનીને આશ્વાસન લેવું અને પ્રવાહો બદલાય ત્યાં સુધી સામા વહેણે તરવાની કવાયત છોડીને નિષ્ક્રિય થઇ જવું.

2. આ પરિબળો ભલે જીત્યાં, પણ એ છે તો અનિષ્ટ જ અને આપણે એમના જેવા નથી, એટલે હારી ગયાં...સારાનો જમાનો જ નથી રહ્યો’  એવું આશ્વાસન લેવું અને જે પ્રમાણે અત્યાર સુધી કામ કર્યું એ જ રીતેએ જ દિશામાં કામ ચાલુ રાખવું. અત્યાર સુધીની કામગીરીમાં આત્મનિરીક્ષણ કરવાની કે વ્યૂહરચના બદલવાની દિશામાં કશો વિચાર ન કરવો. સામેવાળા ખરાબ છે એટલી પ્રતીતિને જ પૂરતી ગણી લેવી અને તેમની સફળતાનાં કારણોમાં જમાના ખરાબ હૈથી વધારે ઊંડા ઉતરવું નહીં. આત્મદયામાં સરી પડવું, તે આ વિકલ્પનું સૌથી ખતરનાક પરિણામ હોઇ શકે છે.

3. આ પરિબળોની જીતને ન્યૂ નૉર્મલ તરીકે-- હવે તો આમ જ રહેવાનું છેએ રીતે-- સ્વીકારી લેવી. એટલું જ નહીં, પોતાની મધ્યમ માર્ગની વ્યાખ્યા પણ એ પ્રમાણે બદલવી અને તેને ન્યૂ નૉર્મલસાથે ગોઠવી દેવી.  જેમ કે, પહેલાં કોઇ મોટો નેતા જાહેરમાં જૂઠું બોલે અને પકડાઇ જાય તો આ કેવી રીતે ચલાવી લેવાય?’ એવી પ્રતિક્રિયા આવતી હોય. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં, ‘આજકાલ બધા જૂઠું બોલે છે. આ પણ જૂઠું બોલે છે. છતાં ફલાણી બાબતમાં તો એ સારો છે અને અત્યારે આવું જ ચાલેએવું વલણ અપનાવવું. આવું કહેનારા પહેલાં સમર્થકગણાતા હોય, પરંતુ ન્યૂ નૉર્મલસ્થિતિમાં પોતાની જાતને ઉદારમતવાદી કે મધ્યમ માર્ગી ગણાવનારા લોકો પણ આવી દલીલ કરી શકે. એનાથી ઉપરની કક્ષા એ છે કે બદલાયેલી સ્થિતિમાં જેનો સિતારો ચડતો હોય તેની વિરુદ્ધના મુદ્દા ગણકારવા નહીં અને ફક્ત તેમની કહેવાતી ખૂબીઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. ટૂંકમાં, બની જવું સમર્થક, પણ ઉદારમતવાદી તરીકેનો જૂનો દાવો છોડ્યા વગર અને તેમાં જમાના પ્રમાણે બદલાવ આણવાના ખ્યાલ સાથે. એકાદ વર્ષ પહેલાં પ્રો.ભીખુ પારેખે એ મતલબનું કહ્યું હતું કે જમણેરી પરિબળો જીતે તો જાહેર જીવન-જાહેર ચર્ચાનું મધ્ય બિંદુ પણ જમણી તરફ ખસે છે. એટલે કે પહેલાં જે બોલવું, પ્રચારવું કે વિચારવું જમણેરી ગણાતું હોય એવું ઘણું, બદલાયેલા મઘ્યબિંદુ પછી આવું તો કહેવાય. એમાં શું વાંધો છે?’ની વ્યાખ્યામાં આવી જાય છે.  આમ કરવામાં પવન જોઇને સઢ બદલવાનો નહીં, પણ જમાના સાથે તાલ મિલાવ્યાનો અહેસાસ થાય છે, વ્યાપક સ્વીકૃતિ ધરાવતી  માન્યતાઓ-કામગીરીઓ સાથે સંઘર્ષનો તનાવ મટી જાય છે. તેનાથી રાહત લાગે છે.

4. જે થયું છે તેનો સ્વીકાર કરવો. સામા પક્ષની સફળતાનાં કારણ સમજવાં, દેખીતા અનિષ્ટને આટલી સ્વીકૃતિ કેમ મળી અને તેમાં લોકોનાં ભય અને આશા સહિતનાં કેટકેટલાં પરિબળ સંકળાયેલા છે, તેમાં ઊંડા ઉતરવું અને તેની સાથે કેવી રીતે પનારો પાડી શકાય એ વિચારવાની કોશિશ કરવી. આપણને જે અનિષ્ટ લાગે, તેની જીતથી કે વ્યાપક સ્વીકૃતિથી તેની અનિષ્ટતા ઓછી થઇ જતી નથી, એ યાદ રાખવું. કોઇ પણ તબક્કે આત્મદયામાં કે નિયતિવાદમાં સરી ન પડવું. આપણું કામ તો ખોટું લાગે તેની સામે લડવાનું છે. તેમાં જીત થાય તો ઉત્તમ ને જીત ન થાય તો પરવા નહીં. જીત માટે વઘુ પ્રયાસ કરીશું, વધુ વ્યૂહરચનાઓ વિચારીશું ને વઘુ લડત આપીશું, પણ આપણને જે ખોટું લાગે તેનો સ્વીકાર નહીં કરીએ--તેની સામે ઝુકી નહીં જઇએ.એવો વિચાર પાકો કરવો. 

આ વિકલ્પો ફક્ત અગ્રણીઓને કે જાહેર જીવનમાં પડેલા લોકોને જ નહીં, તમામ નાગરિકોને લાગુ પડે છે.

Monday, December 12, 2016

સરદારઃ ઇન્દુલાલ યાજ્ઞિકની નજરે

Indulal Yagnik / ઇન્દુલાલ યાજ્ઞિક
ગુજરાતના જાહેર જીવનમાં સૌથી મોખરાનાં ગણાવાં જોઇએ એવાં નામોમાં ઇંદુલાલ યાજ્ઞિક (1892-1972)નો સમાવેશ થાય. પરંતુ ગાંધીજી અને સરદારના રાષ્ટ્રીય પ્રભાવ અને તેની સાથે સંકળાયેલા પક્ષીય રાજકારણને લીધે, તેમના સિવાયના બીજા અગ્રણીઓને ગુજરાતે સાવ ભૂલાવી દીધા છે. ઇંદુલાલ યાજ્ઞિકની સ્થિતિ પણ ખાસ જુદી નથી. એ તો વળી 1956ના મહાગુજરાત આંદોલનના નેતા તરીકે નવેસરથી પ્રસ્થાપિત થયા અને સરકારી ઇતિહાસના પાને ચઢી ગયા. બાકી, છ ભાગની દળદાર અને ગુજરાતની સર્વકાલીન શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામે એવી આત્મકથા લખ્યા પછી પણ ઇંદુલાલ જાણે કદી હતા જ નહીં, એવું અત્યારના રાજકીય-નાગરિકી પ્રવાહો પરથી લાગે. આઝાદી પહેલાંના લગભગ ચાર-પાંચ દાયકાની તેમની કામગીરી વિશે વાત કરવામાં કયા રાજકીય પક્ષને-રાજનેતાને રસ પડે? સનત મહેતા જેવા જૂના જોગીએ બીજા સાથીઓની મદદથી ઇંદુલાલની અપ્રાપ્ય આત્મકથાને નવેસરથી પ્રગટ કરી અને સુલભ બનાવી. (હવે તો તેનો દેવવ્રત પાઠક-હાવર્ડ સ્પોડેકે કરેલો અંગ્રેજી અનુવાદ પણ મળે છે) બાકી, વાંચે ગુજરાતની આખેઆખી સરકારી ઝુંબેશ આવી અને લાગતાં-વળગતાંને લાખોની કમાણી કરાવીને જતી પણ રહી. ત્યારે કોઇને ઇંદુલાલની આત્મકથા ફરી છાપવી જોઇએ એવું સૂઝ્યું ન હતું.

ગુજરાતના જ નહીં, કોઇ પણ પ્રાંતના કે દેશના જાહેર જીવનમાં ઇંદુલાલ જેવાં પાત્રો જૂજ હોય છેઅત્યંત ભાવનશીલ, અંગત વ્યવહારમાં ચોખ્ખા, લોકસેવાને અને પોતાને ઠીક લાગે તે કરવાને પ્રતિબદ્ધ, એમ કરવામાં કોઇની શેહ ન ભરે, ખત્તા ખાય, રોષ વહોરે, છતાં કોઇનો આદર ન ગુમાવે—અને પોતાની કામગીરીથી માંડીને પોતાના આવેગો સુધીનું બધું ભાવિ પેઢી માટે અભ્યાસસામગ્રી તરીકે મૂકીને જાય. તેમના માટે આમ તો ફકીર જેવો શબ્દપ્રયોગ વપરાતો હતો, પણ હવે તો વડાપ્રધાન પોતાને ફકીર તરીકે ઓળખાવતા હોય ત્યારે ઇંદુલાલને ફકીર ગણાવીને તેમની સાચકલી ફકીરીનું અપમાન ન કરાય.

ગાંધીજી કરતાં 23 વર્ષ અને સરદાર કરતાં 17 વર્ષ નાના ઇંદુલાલ ભારતના જાહેર જીવનમાં એ બન્નેના સિનિયર હતા. ભારતમાં આવ્યા પછી  ગાંધીજીએ પોતાની લડતના મુખપત્ર તરીકે દોઢેક દાયકા સુધી ચલાવેલું નવજીવન અસલમાં ઇંદુલાલે નવજીવન અને સત્ય નામથી શરૂ કરેલું અને સફળતાથી ચલાવ્યા પછી ભારત આવેલા ગાંધીજીને સોંપ્યું હતું. પરંતુ સમય જતાં ઇંદુલાલ સંસ્થાકીય શિસ્તમાં ગુંગળામણ અનુભવવા લાગ્યા અને તેમાં એમના ભાવનાશાળી-લાંબો વિચાર કર્યા વિના જેના વિશે ઉભરો આવે તેમાં ઝુકાવી દેવું એવા સ્વભાવનો ફાળો મોટો હતો. માટે, સંગઠન પર ચુસ્ત પકડ ધરાવતા, વાસ્તવદર્શી અને ગાંધીજીના સેનાપતિ એવા વલ્લભભાઇ સાથે તેમનું ઘર્ષણ થવું અનિવાર્ય હતું.

૧૯૨૧માં દાહોદ-ઝાલોદ-જંબુસર જેવા વિસ્તારોમાં દુષ્કાળ પડ્યો, ત્યારે ઇંદુલાલ અને તેમના સાથીઓએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને વિગતવાર અહેવાલ તૈયાર કર્યો. એ અરસામાં ગાંધીજીની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકર્તાઓ ટિળકફંડમાટે એક કરોડ રૂપિયા એકઠા કરવામાં વ્યસ્ત હતા. ગુજરાત પ્રાંતની સમિતિને રૂ.૧૫ લાખનું ટાર્ગેટમળ્યું હતું. એ રકમ હજુ પૂરી થઇ ન હતી. ઇંદુલાલ ઇચ્છતા હતા કે ટિળકફંડ માટે એકઠી થયેલી રકમમાંથી  દુષ્કાળરાહત માટે થોડા રૂપિયા ફાળવવા જોઇએ. પ્રાંતીય સમિતિના આગેવાન તરીકે સરદારનું વલણ એવું હતું કે ટિળકફંડ નિમિત્તે આવેલી રકમ દુષ્કાળરાહતમાં નહીં, પણ કોંગ્રેસના ઠરાવ પ્રમાણે વાપરવી પડે.

તેમ છતાં, દુષ્કાળની ગંભીરતા સમજીને વલ્લભભાઇએ એવો વચલો રસ્તો કાઢ્યો કે,‘પ્રાંતની સમિતિ ટિળકફંડ ઉપરાંત દુષ્કાળરાહત માટે પણ અલગથી રકમ ઉઘરાવી શકે. દરમિયાન, કામ ચાલુ કરવા માટે જરૂરી રકમ ટિળકફંડમાંથી લોન તરીકે આપી શકાય.

પોતાની મર્યાદામાં રહીને વલ્લભભાઇએ કાઢેલો રસ્તો વ્યવહારુ હતો, પણ ઇંદુલાલને તેનાથી સંતોષ ન થયો. તેમણે લખ્યું, ‘બંધારણ મુજબ વલ્લભભાઇની દલીલો સાચી હતી..પ્રામાણિક મતભેદની હું જરૂર કદર કરું, પણ મને વલ્લભભાઇની શુષ્ક કાનૂની દૃષ્ટિ કેવળ અસહ્ય લાગી. સામાન્ય રાજકારણમાં ગમે તે હોય, પણ ગાંધીજીના સ્વરાજમાં દાહોદનાં જીવતાં હાડપિંજરોને-સાચાં દરિદ્રનારાયણને -પહેલું સ્થાન કેમ ન હોય, એ મારાથી સમજાયું નહીં.

સરદારથી નારાજ ઇંદુલાલ એક કરોડ રૂપિયાનું લક્ષ્યાંક સિદ્ધ થઇ ગયા પછી નવું આયોજન ઘડતા ગાંધીજીને મળ્યા. તેમણે ઇંદુલાલની વાત સાંભળ્યા પછી તેમને જોઇતી રકમ (રૂ.૧,૧૨,૦૦૦) મંજૂર કરી. એ રકમ ગુજરાત પ્રાંતના ભંડોળમાંથી જ મળશે, એવી પણ ખાતરી ગાંધીજીએ આપી. તેનાથી ઇંદુલાલ રાજી થયા, પણ વલ્લભભાઇ પ્રત્યેનો તેમનો કચવાટ ઓછો થયો નહીં. ગાંધીજી જેવો નિર્ણય વલ્લભભાઇ ન લઇ શકે, એ વાસ્તવિકતા ઇંદુલાલ પ્રમાણી શક્યા નહીં. સામે પક્ષે, ‘ગાંધીજી પાસે પહોંચી જવાનીઇંદુલાલની ચેષ્ટાથી વલ્લભભાઇને પણ ખરાબ લાગ્યું. ઇંદુલાલના જણાવ્યા પ્રમાણે, ‘વલ્લભભાઇ કે બીજા કોઇ સાથીઓ આ કામની જવાબદારી લેવા માગતા ન હતા. એટલે બધી જવાબદારી મારી પર મૂકવામાં આવી. આમ, રાહતકાર્યમાં મેં જીત મેળવી, પણ વલ્લભભાઇની દોસ્તી ગુમાવી.

સરદાર અને ઇંદુલાલના મતભેદોમાં અને એકથી વધુ વાર ઇંદુલાલે કરેલા સંબંધવિચ્છેદના પાયામાં મુખ્યત્વે આશાવાદ વિરુદ્ધ વાસ્તવવાદની ખેંચતાણ હતી. સરદાર સાથે મતભેદોના પગલે ઇંદુલાલે ૧૯૨૧માં રાજીનામું આપવાનું નક્કી કર્યું, ત્યારે ગાંધીજીએ, ‘સ્વભાવફેરને કારણે સાથે કામ કરવું અશક્ય હોવાથી, ઘણા દુઃખની સાથે ભાઇ ઇંદુલાલનું રાજીનામું સ્વીકારવુંએવી સલાહ આપી. એ પ્રસંગે વલ્લભભાઇએ એવું લાગણીસભર પ્રવચન કર્યું કે ઇંદુલાલની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. વલ્લભભાઇએ કહ્યું,‘રાજીનામું આપવું, આપી છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા સિવાય અંદર રહેવું વધારે દુઃખદ છે. ઇંદુલાલ મારા નાના ભાઇ છે. અમે આજ સુધી એ રીતે જ રહ્યા છીએ અને આજે આ પ્રસંગ આવે છે. હું શું કહું? મારાથી નથી બોલાતું. હું વધારે નહીં બોલી શકું.’ 

ડાબેરી વિચારધારા ધરાવતા નાટ્યકાર જસવંત ઠાકરે તેમના ચરિત્રમાં નોંધ્યું છે, ‘જન્મભૂમિજૂથનું સવારનું દૈનિક પ્રગટ કરવાનું કામ અમૃતલાલ શેઠે ઇંદુલાલ યાજ્ઞિકને સોંપ્યું હતું. ઇંદુલાલે સરદાર સામે ઝુંબેશ ચલાવી અને સરદાર હચમચી ગયા. અમૃતલાલ શેઠ શરૂઆતમાં સરદારના દબાણને વશ થયા નહીં, પણ છેવટે અનિવાર્ય દબાણ સામે તેમને નમવું પડ્યું અને ઇંદુલાલ યાજ્ઞિક પાસે (અમૃતલાલે) રાજીનામું લખાવી લીધું. આ બનાવની નોંધ ખુદ ઇંદુલાલે પોતાની આત્મકથામાં લીધી છે, પણ તેમાં ક્યાંય સરદારના દબાણનો સીધો કે આડકતરો ઉલ્લેખ તેમણે કર્યો નથી. આત્મકથામાં બીજાં અનેક ઠેકાણે છૂટથી સરદારની ટીકા કરનાર ઇંદુલાલ એક પ્રસંગ પૂરતો આવો વિવેક રાખે કે આવી વાત ભૂલી જાય, એ બન્ને માનવાજોગ લાગતું નથી.

ઇંદુલાલ અને વલ્લભભાઇની પહેલી મુલાકાત પણ ઓછી નાટ્યાત્મક ન હતી. તેની અને આજીવન બન્નેના સંબંધોમાં આવેલા ચઢાવઉતાર તથા તેમાં પ્રગટ થતા બન્નેના વ્યક્તિત્વની વાત આવતા સપ્તાહે.