Monday, December 05, 2016
ઓલ-ઇન-વન લડવૈયાઃ જોતિબા ફુલે
સમાનતાનો માનવ અધિકાર હક તરીકે નહીં, પણ
શબ્દ તરીકે હવે સામાન્ય બની ચૂક્યો છે. દોઢસો-બસો વર્ષ પહેલાં—જોતિબા ફુલેના
જમાનામાં— આ શબ્દ કે આ અધિકાર બન્નેમાંથી કોઇનું સૈદ્ધાંતિક અસ્તિત્ત્વ પણ ન હતું.
1857ના સંગ્રામ પહેલાંના સમયમાં કેળવણીનો વ્યાપ મર્યાદિત અને મુખ્યત્વે બ્રાહ્મણો
પૂરતો હતો. ત્યારે 1827માં માળી પરિવારમાં જન્મેલા જોતિરાવ મિશનરી શાળામાં ભણ્યા
અને શિક્ષણની એ જ્યોતનું અજવાળું સમાજના તળિયા સુધી લઇ જનાર યોદ્ધા બન્યા.
એ સમય એવો હતો જ્યારે કન્યાઓને કે
શુદ્રાતિશુદ્રને (આજની પરિભાષામાં દલિતોને) શિક્ષણ આપનારે આખા સમાજનો વિરોધ સહેવો
પડે. એ વિરોધ શાબ્દિક અને સામાજિક ઉપરાંત શારીરિક પણ હોય. પરંતુ શિક્ષણની સાથે
વ્યાયામની તાલીમ મેળવનાર જોતિબામાં પોતાની માન્યતા માટે મરી ફીટવાનું જીગર પહેલેથી
હતું. બહારના પડકારોની હિંમતથી ઝીંક ઝીલતા ઘણા સમાજસુધારકો અંગત વ્યવહારમાં મોળા
પડી જાય છે. જોતિબાનાં સુધારાનાં ધોરણ બેવડાં ન હતાં. તેમણે સૌથી પહેલાં પોતાનાં
અભણ પત્ની સાવિત્રીબાઇને ભણાવ્યાં અને સાવિત્રીબાઇએ સમાજના છેવાડાના વર્ગની
કન્યાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. શાળાએ જતાં સાવિત્રીબાઇ પર રૂઢિચુસ્ત
બ્રાહ્મણો ફિટકાર વરસાવતા, કૂડોકચરો ફેંકતા, પણ સાવિત્રીબાઇ કે જોતિરાવે વિચલિત
થયા વિના કામ ચાલુ રાખ્યું.
જાણીતા ચરિત્રકાર
ધનંજય કીરે લખેલા પૂરા કદના ચરિત્ર ઉપરાંત જોતિબા અને તેમનાં લખાણ-કામગીરી વિશે
પુસ્તકો લખાયાં છે. તેમનાં મરાઠી લખાણનાં સંકલનો અને તેમાંથી કેટલાકના અંગ્રેજી
અનુવાદ થયા છે. પરંતુ તેમાંની ઘણી સામગ્રી સામાન્ય વાચકો સુધી પહોંચી શકી નથી.
તેના કારણે જોતિબાનું પ્રદાન અને તેનું મહત્ત્વ વિસરાઇ ગયાં છે. તેમની કામગીરીનો પૂરો પરિચય એક લેખમાં આપવાનું
અશક્ય છે. પરંતુ તેમની મહત્તાનો અંદાજ કેટલાંક કામ અને કેટલાક પ્રસંગો પરથી બાંધી
શકાય.
શૂદ્રાતિશુદ્ર
વર્ગનાં બાળકો અને ખાસ તો કન્યાઓ માટે શાળાઓ અને પુસ્તકાલય ખોલવાની કામગીરી વડોદરા
જેવા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડ જેવા સુધારાવાદી રાજવીને પણ અઘરી પડી હતી. તે
જોતિરાવે અંગત ધગશ અને પૂરી પ્રતિબદ્ધતાના જોરે તથા મિત્રોના સાથથી કરી બતાવી.
તેમનો વિરોધ બ્રાહ્મણો સામે નહીં, બ્રાહ્મણવાદ
સામે હતો. (તેમના અનુગામી ડૉ.આંબેડકરની જેમ) જોતિબાના ઘણા સાથીદારો બ્રાહ્મણ હતા. જોતિબાના
શિક્ષણના પ્રયાસોની કદર કેટલાક અંગ્રેજ અફસરો પણ કરતા હતા. તેના કારણે પેશ્વાઇની
કટ્ટર બ્રાહ્મણવાદી વ્યવસ્થાને બદલે અંગ્રેજ રાજની કેટલીક નીતિઓ તેમને સમાજ માટે
વધારે અનુકૂળ લાગતી હતી. એ જ કારણવશ, તેમના સમકાલીન એવા નર્મદ અને દલપતરામની જેમ જોતિરાવે ૧૮૫૭નો સંગ્રામ
નિષ્ફળ ગયો, તેનો આનંદ વ્યક્ત
કર્યો હતો. એ પેઢીના સુધારકો માટે અંગ્રેજી રાજ જૂની અરાજકતાને બદલે વ્યવસ્થાની
અને બ્રાહ્મણેતર વર્ગ માટે શિક્ષણની-સમાજસુધારાની મોકળાશ લઇને આવ્યું હતું.
સુધારક જોતિબાની
પ્રવૃત્તિ કોઇ એક દિશામાં મર્યાદિત થઇ જવાને બદલે, તેમની નજરે પડે એ તમામ અનિષ્ટો સામે ચાલતી હતી અને
તેમાં જ્ઞાતિનો બાધ ન હતો. એ વખતે સત્યનારાયણની કથા નવી નીકળી હતી અને કેટલાક
બ્રાહ્મણો માટે તે કમાણીનું વઘુ એક નિમિત્ત પૂરું પાડનાર બની હતી. તેની સામે
જોતિરાવે ‘તૃતિય રત્ન’ નાટકમાં ધારદાર કટાક્ષ કર્યા. તેનાથી કેટલાક
બ્રાહ્મણો એટલા ઉશ્કેરાયા કે તેમણે બે ગરીબ અને નીચલી જ્ઞાતિના ગણાતા લોકોને
સોપારી આપીને જોતિબાની હત્યા કરવા માટે મોકલ્યા. રાત્રે આ બન્ને પહોંચ્યા, પણ જોતિબા જાગી ગયા. તેમણે હત્યારાઓ સાથે
વાતચીત કરી અને કહ્યું કે મારા મૃત્યુથી તમને ફાયદો થતો હોય, તો મારું માથું હાજર છે. બન્ને હત્યારા
શરમાયા. તેમણે કહ્યું, ‘તાત્યાસાહેબ,
હુકમ કરો તો અમને આ કામ સોંપનારા લોકોનો
ફેંસલો આણી દઇએ.’ પરંતુ પ્રગટ
ઉપદેશમાં અહિંસાની વાત ન કરનાર જોતિરાવે બન્નેને આવું કંઇ કરવાની ના પાડી અને
કહ્યું કે આ ઘટના વિશે તમે કોઇને કંઇ કહેશો નહીં. આ બન્નેમાંથી એક જોતિબાના
અંગરક્ષક બની ગયા.
અસાધારણ અને ‘મહાત્મા’ના બિરુદને યોગ્ય એવી ક્ષમાશીલતાનો બીજો જાણીતો પ્રસંગ
ચિપળુણકરના મૃત્યુનો છે. પોતાની જાતને ‘મરાઠી ભાષાના શિવાજી’ ગણતા
કટ્ટર બ્રાહ્મણવાદી ચિપળુણકરે તેમના જીવનકાળ દરમિયાન જોતિબાની ટીકા કરવામાં કશું
બાકી રાખ્યું ન હતું. અકાળે મરણપથારીએ પડેલા ચિપળુણકરની સારવાર માટે તેમના કાકાએ
નીચલી ગણાતી ગવળી જ્ઞાતિના ડૉક્ટર અને જોતિબાના સાથીદાર વિશ્રામ ઘોળેને બોલાવ્યા.
પણ ચિપળુણકરે તેમનું અપમાન કરીને, તેમની
સારવાર લેવાની ના પાડી દીધી. બીજા ડૉક્ટર આવે તે પહેલાં ચિપળુણકરનું મૃત્યુ થયું.
તે થોડા વખત પહેલાં એક કેસમાં હાર્યા હતા. એટલે તેમના મૃત્યુને એ બનાવ સાથે
સાંકળવામાં આવ્યું અને તેમનું મૃત્યુ કુદરતી છે એ પુરવાર ન થાય, ત્યાં સુધી તેમના અંતિમ સંસ્કાર ન કરવાનો
પોલીસે હુકમ કર્યો. એ વખતે અપમાનથી ઘવાયેલા ડૉ.ઘોળેએ જોતિબાના આગ્રહને માન આપીને
ચિપળુણકરનું ડેથ સર્ટિફિકેટ લખી આપ્યું.
આવી ઉદારતાની
સમાંતરે એક યોદ્ધાને છાજે એવી આક્રમકતા પણ જોતિબાની ઓળખ બની હતી. ન્યાયમૂર્તિ
રાનડેના નિમંત્રણથી ‘આર્યસમાજ’ના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પૂનાની
મુલાકાતે ગયા, ત્યારે રૂઢિચુસ્ત
બ્રાહ્મણોએ તેમની શોભાયાત્રામાં ભંગાણ પાડવાનું નક્કી કર્યું. ત્યારે રાનડેએ પણ જોતિબાની
મદદ લીધી હતી. એ સમયે વિધવાઓની--ખાસ કરીને બ્રાહ્મણ વિધવાઓની સ્થિતિ અત્યંત ખરાબ
હતી. બાળલગ્ન પછી કાચી વયે વિધવા થતી ઘણી સ્ત્રીઓને જુવાનીમાં વયસહજ આવેગનો કે
શોષણનો ભોગ બન્યા પછી સગર્ભા થતાં કૂવો પુરવાનો વખત આવતો. વિધવાવિવાહનો વિચાર
સુદ્ધાં પાપ ગણાતો. એ વખતે જોતિરાવે વિશિષ્ટ પ્રકારનો અનાથાશ્રમ ખોલ્યો અને તેનાં
ચોપાનિયાં પૂનામાં ઠેર ઠેર લગાડ્યાં, ‘હે વિધવાઓ, અહીં આવીને
સલામત છતાં ખાનગી રીતે તમારી પ્રસુતિ પાર પાડો. ત્યાર પછી તમારી ઇચ્છા પ્રમાણએ
બાળકને સાથે લઇ જાવ અથવા અહીં મૂકી દો. અમારો અનાથાશ્રમ તેમની સંભાળ રાખશે.’
નિઃસંતાન ફુલે દંપતિએ તેમનું સઘળું
વાત્સલ્ય અનાથાશ્રમનાં બાળકો પર ઢોળ્યું.
છેક ઇ.સ.૧૮૭૯ની
આસપાસ પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવાના પ્રયાસ શરૂ કરનાર જોતિરાવે દારુબંધીથી
માંડીને ખેડૂતોની સમસ્યા, નવી
શરૂ થયેલી મિલોના મજૂરોના પ્રશ્નો, બાળમજૂરી
જેવી અનેકવિધ સમસ્યાઓ ભણી લોકોનું ઘ્યાન દોર્યું અને સાથીદારોની મદદથી તેમની સામે
લડત આપી. જોતિબાને યુગપુરૂષ તરીકે સ્થાપે એવી તેમની સૌથી મોટી ખૂબી એ હતી કે
પરંપરાગત દયાભાવ કે અનુકંપાને બદલે માણસ તરીકેના ગૌરવ અને અધિકાર માટેની લડાઇ
તેમણે વર્ગભેદ જોયા વિના ઉપાડી અને તેનાં બધાં ક્ષેત્રોમાં તે પૂરી નિષ્ઠાથી
લડ્યા. તેમાંની કેટલીક લડાઇ ૨૭ નવેમ્બર, ૧૮૯૦ના રોજ થયેલા તેમના અવસાનનાં સવાસો વર્ષ પછી પણ ઊભી છે. ખોટ હોય તો તે
જોતિબા જેવા ઓલ-ઇન-વન લડવૈયાની.
Labels:
dalit,
history/ઇતિહાસ,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment