Tuesday, April 26, 2016

આ પાકિસ્તાની કલાકારોનું શું કરવું?

પાકિસ્તાનના ગઝલગાયક ગુલામઅલી મહુવામાં મોરારીબાપુ દ્વારા આયોજિત અસ્મિતાપર્વમાં આવ્યા, સન્માન લીધું ને જાહેર કાર્યક્રમ આપ્યા વિના પાછા જતા રહ્યા.

કેટલાક ભારતીય કલાકારો સહિત ઘણા લોકોની એવી ફરિયાદ રહે છે કે જે ઉત્સાહથી-ઉમળકાથી ભારતમાં પાકિસ્તાની કલાકારોના જાહેર કાર્યક્રમ થાય છે, એ રીતે પાકિસ્તાનમાં ભારતીય કલાકારોના જાહેર કાર્યક્રમ યોજાતા નથી. પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ થયા પછી નૂરજહાં ભારતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી શકે છે, પણ લતા મંગેશકર પાકિસ્તાન કાર્યક્રમ આપવા જઇ શકતાં નથી. માટે ભારતમાં પણ પાકિસ્તાની કલાકારો ન જોઇએ, એવી માગણી યોગ્ય છે.

તેમાં વધારે આક્રમકતા ઉમેરીને કહેવામાં આવે છે કે,‘સરહદે પાકિસ્તાની સૈન્ય ભારતના જવાનો પર જીવલેણ હુમલા કરતું હોય, ત્યારે આપણે પાકિસ્તાની કલાકારોને કેવી રીતે આવકારી શકીએ? દેશપ્રેમ જેવું નહીં તો લાજશરમ જેવું કંઇ હોય કે નહીં? પાકિસ્તાની કલાકારો આપણા જ દેશમાં આવીને, આપણા રૂપિયા ઉશેટીને લઇ જાય ને આપણે સરહદ પર પાકિસ્તાનના હુમલા સહન કરતા રહીએ, આ તે કંઇ રીત છે?’

શિવસેના જેવા રાજકીય પક્ષના દબદબાનો અને ન્યૂસન્સ વૅલ્યુનો મોટો હિસ્સો આ પ્રકારના વિરોધ પર આધારિત હતો, જેને દેશપ્રેમનો ઢોળ ચડાવીને રજૂ કરવામાં આવતો હતો. પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે મૅચના વિરોધમાં શિવસૈનિકોએ મુંબઇના વાનખેડે સ્ટેડિયમની પીચ ખોદી નાખી હતી.

પછી શું થયું?

થવું એવું જોઇતું હતું કે શિવસેના પાસેથી પીચના સમારકામના રૂપિયા વસૂલ કરીને, એ જ પીચ પર પૂરા લોખંડી બંદોબસ્ત વચ્ચે થોડા દિવસ પછી મૅચ રમાડવી જોઇતી હતી. સવાલ ક્રિકેટમૅચનો કે ક્રિકેટઘેલછાને વાજબી ઠરાવવાનો નહીં, સરકારી નીતિનો અને તેના અમલનો હતો. મુદ્દો એ હોવો જોઇતો હતો કે મુંબઇ ભારતમાં છે કે નહીં? મુંબઇમાં મહારાષ્ટ્રની-ભારતની સરકારનું શાસન ચાલે છે કે નહીં? અને ભારત સરકારની મંજૂરી ધરાવતા કોઇ પણ કાર્યક્રમને થવા દેવો કે નહીં, એ બીજું કોઇ કેવી રીતે નક્કી કરી શકે?

આવી બાબતમાં મુંબઇ ભડકે બળશેએ પ્રકારની ધમકીઓ સાથે પનારો પાડવાની સરકારમાં તાકાત હોવી જોઇએ. સરકારો પાસે આવી સત્તા તો હોય જ છે-- ખોટ દાનતની અને ઇચ્છાશક્તિની પડે છે.  રાજકીય ગણિતો માંડતી સરકારો આવી સમાંતર સત્તાઓ પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને જબ્બર પ્રોત્સાહન આપે છે. બાકી, ભડકે બાળવાની ધમકી આપનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરતાં સરકારને કોણ રોકે છે? ન્યૂસન્સ વૅલ્યુ ધરાવતા નેતાઓને જેટલા વહેલા શીંગડેથી ઝાલવામાં આવે, એટલું તેમનું જોર માપમાં રહે છે અને એ કામમાં જેટલું મોડું થાય એટલું તેમનું જોર વધે છે. એક હદ પછી એવો તબક્કો આવે છે કે આ નેતાઓના મનમાં અજેયતાનો--આપણને હાથ લગાડવાની કોની હિંમત છેએવો ખ્યાલ પ્રવેશે છે. વાસ્તવમાં એ લોકો સરકારના સ્વાર્થી નમાલાપણાને પોતાની તાકાત સમજી બેસે છે.

ગુલામઅલીએ ભારતમાં ગાવું કે નહીં, પાકિસ્તાની ટીમે ભારતમાં ક્રિકેટ રમવું કે નહીં, એ બધું નક્કી કરવાનું કામ કોનું છે? ધાર્યું ન થાય તો તોફાન મચાવવામાં પોતાની મોટાઇ સમજતાં, કહેવાતાં સાંસ્કૃતિક-રાષ્ટ્રવાદીસંગઠનોનું કે સરકારનું? આ નિર્ણય દાદાગીરીવિષયક નહીં, નીતિવિષયક અને બધા માટે એકસરખો હોવો જોઇએ. ભારત સરકારે પાકિસ્તાન સાથે સંબંધો ન સુધરે ત્યાં સુધી બન્ને દેશો વચ્ચેની મૅચ પર સત્તાવાર પ્રતિબંધ મૂકવો પડે કાં એક વાર સરકારી પરવાનગી મળ્યા પછી ગમે તે ભોગે--અને ગમે તેના ભોગે મૅચ તો યોજાશે જએવો ખોંખોરો ખાવો પડે. આ બન્નેમાંથી એક વિકલ્પ અપનાવવાને બદલે સરકાર હું તો બોલીય નહીં ને ચાલીય નહીંએવું નિર્માલ્ય મૌન સેવે, ત્યારે બીજાં પરિબળોને ફાવતું જડે છે. પરચૂરણીયા તોફાનીઓ પણ રાષ્ટ્રવાદીમાં ખપી જાય છે અને દેશના કાયદાની ઐસીતૈસી કરનારા સવાયા દેશભક્ત બનીને બીજાને દેશભક્તના પાઠ શીખવતા થઇ જાય છે.

સરકાર ઇચ્છતી હોય કે ગુલામઅલીનો કાર્યક્રમ ન થાય, તો તે સભ્યતાપૂર્વક ગુલામઅલીને આવતા અટકાવી ન શકે? એના માટે છપ્પનની છાતીની નહીં, બાર ગજની જીભની નહીં, ચોખ્ખી દાનતની જરૂર છે. વિઝા માગતા ગુલામઅલીને એવું કેમ ન કહી શકાય કે તમે સરસ કલાકાર છો. તમારી કળાના અમે પ્રેમી છીએ, પણ તમે જે દેશના નાગરિક છો, એ દેશનું સૈન્ય અમારા નાગરિકોને રંજાડે છે--અમારી સરહદોમાં ઘુસણખોરી કરે છે, સૈનિકો પર હુમલા કરે છે. એમાં તમારો વાંક નથી. પણ તમે સમજી શકશો કે તમારા દેશનાં કરતૂતોને લીધે, અમારા દેશના નાગરિકો નારાજગી અનુભવે છે. એ તમારી કળા માટેની નથી, તમારા દેશના સૈન્ય કે સરકાર માટેની છે. માટે બન્ને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય ન થાય ત્યાં સુધી અમારી તમને વિનંતી છે કે તમે અમારે ત્યાં ન આવો,એવાં આમંત્રણો ન સ્વીકારો અને અમને તમારા વિઝા નામંજૂર કરવાની ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકો. આશા છે કે તમે અમારો આદર અને અમારી મર્યાદા સમજી શકશો. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અમે તમારી ગેરહાજરીમાં તમારી ગઝલોથી ચલાવી લઇશું. તમારી ગઝલોને અહીં આવતાં કોઇ રોકી શકે એમ નથી. જય  ગુલામઅલી. જય હિંદ.

ડિપ્લોમસીની દૃષ્ટિએ આવો પત્ર ન લખાતો હોય તો કોઇ જવાબદાર હોદ્દેદારે જાહેરમાં આ પ્રકારનું નિવેદન ટીવી ચેનલો સામે વાંચી જવું જોઇએ. સચિવ સ્તરની મંત્રણાઓમાં અને પરસ્પર વિશ્વાસ સ્થાપવાનાં પગલાંમાં ભારતમાં પાકિસ્તાની કલાકારોના કાર્યક્રમ અને પાકિસ્તાનમાં ભારતીય કલાકારોના કાર્યક્રમ યોજવા વિશે વાત ન થઇ શકે? રૂપિયા ભલે ખાનગી કંપનીઓ ખર્ચે, પણ સરકારે આ કાર્યક્રમને પૂરો ટેકો જાહેર કરવો પડે અને તેને પાર પાડવાની જવાબદારી લેવી જોઇએ. એ જવાબદારી વધારાની નથી. સરકાર તરીકેની ફરજમાં જ એ આવી જાય છે. 

જો સરકારની મંજૂરી હોય તો પછી ફાસફુસિયાં તોફાની જૂથો કાયદો હાથમાં લઇને કાર્યક્રમમાં રોડાં નાખે, એ ન ચલાવી લેવાય. એવી ચેષ્ટાને પાકિસ્તાની ગાયક વિરુદ્ધ નહીં, પણ ભારત સરકાર વિરુદ્ધ ગણવી પડે અને એ પ્રમાણે તેની સામે કડક પગલાં લેવાવાં જોઇએ. એને બદલે થાય છે એવું કે તોફાની જૂથોની કાંડામરોડ છેવટ સુધી ચાલુ રહે છે, આયોજકો જે પાણીએ મગ ચડતા હોય તે પાણીએ ચડાવવાની કોશિશો ચાલુ રાખે છે, છતાં છેવટ સુધી અવઢવનો અંત આવતો નથી અથવા મહુવા આવીને ચૂપચાપ પાછા જતા રહેલા ગુલામઅલી જેવું થાય છે.


સરકારોને એ સમજાતું નથી કે જે અનિષ્ટોને તે દૂધ પાઇને કે આંખ આડા કાન કરીને મોટાં કરે છે અને પોતાનાથી સત્તાવાર રીતે ન થાય એવાં કામોમાં આવાં તત્ત્વોનો ઉપયોગ કરી લેવાની ખાંડ ખાય છે, એ જ ચાલબાજીમાંથી સરકારને નહીં ગાંઠવાની માનસિકતાનો જન્મ થાય છે. એ વખતે આ જ સરકાર રાજદ્રોહનો કકળાટ મચાવે છે. ખરેખર એ સરકારનો ફરજદ્રોહ હોય છે. 

Monday, April 25, 2016

પહેલી ‘જંગલબુક’નો ભારતીય મોગલી : સાબુ

થ્રી-ડી જંગલબુક’/ Jungle Bookની સફળતાને કારણે તેમાં મોગલીનું પાત્ર ભજવનાર ઇન્ડિયન-અમેરિકન બાળકલાકાર નીલ સેઠી માંડ બાર-તેર વર્ષની ઉંમરે સ્ટાર બની ગયો છે. પરંતુ સાત દાયકા પહેલાં એક સંપૂર્ણ ભારતીય બાળકલાકારે બ્રિટન અને હોલિવુડમાં નામ કાઢ્યું હતું. જંગલબુક(2016)ની હિંદી આવૃત્તિમાં માદા અજગર (અજગરણ?) માટે અવાજ આપનાર પ્રિયંકા ચોપરા આજકાલ ટીવી શ્રેણી દ્વારા અમેરિકામાં લોકપ્રિયતા મેળવી રહ્યાં છે, પણ હોલિવુડમાં સ્ટાર તરીકે ખ્યાતિ હાંસલ કરનાર પહેલો ભારતીય હતોઃ સાબુ.

મુંબઇમાં જન્મેલા, નોબેલ પારિતોષિક વિજેતા અંગ્રેજ લેખક રડ્યર્ડ કિપ્લિંગ/ Rudyard Kiplingના બે વાર્તાસંગ્રહો ધ જંગલબુક(1894) અને  ‘ધ સેકન્ડ જંગલબુક (1895) પરથી 1942માં જંગલબુક ફિલ્મ બની—અને એ પણ એનિમેશન ફિલ્મ નહીં, જીવતાં પ્રાણીઓનાં દૃશ્યો ધરાવતી ફિલ્મ. ડિઝનીની જંગલબુક (2016) માટે હજારો બાળકોના ઓડિશન ટેસ્ટ લીધા પછી નીલ સેઠીની પસંદગી કરવામાં આવી, પરંતુ સાત દાયકા પહેલાં બ્રિટિશ ફિલ્મનિર્માતા એલેક્ઝાન્ડર કોર્ડા/ ALexander Kordaએ બનાવેલી રંગીન ફિલ્મ જંગલબુકમાં મોગલી કોણ બનશે, એ શોધવાનું ન હતું. કોર્ડા પાસે ભારતીય ચહેરો ધરાવતો સ્ટાર બાળકલાકાર તૈયાર હતોઃ સાબુ. દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણેનું આખું નામઃ સેલર શેક (શેખ?) સાબુ. મૈસુરના મહાવતના છોકરામાંથી બ્રિટન- હોલિવુડના સ્ટાર બનવા સુધીની સાબુની સફર ફિલ્મી કહાનીને ટક્કર મારે એવી છે.બ્રિટિશ ફિલ્મનિર્માતા એલેક્ઝાન્ડર કોર્ડાએ રડ્યાર્ડ કિપ્લિંગની ધ જંગલબુકમાંથી એક વાર્તા તુમાઇ ઓફ ધ એલીફન્ટ્સ પસંદ કરીને તેની પરથી એલીફન્ટ બોય’/ Robert Flaherty નામે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એ ફિલ્મમાં એલીફન્ટ બોયની ભૂમિકા માટે તેમને એક બાળકલાકારની તલાશ હતી. નાનુક ઓફ ધ નોર્થ જેવી દસ્તાવેજી ફિલ્મોથી જાણીતા રોબર્ટ ફ્લેહર્ટી આ ફિલ્મમાં કોર્ડાના સહયોગી હતા. તેમણે ભારતની મુલાકાત દરમિયાન મૈસુરમાં સાબુને જોયો. પિતાના અકાળે થયેલા અવસાન પછી સાબુ બાળપણથી જ રાજાના હાથીઓની સેવામાં લાગી ગયો હતો અને હાથીઓ સાથે દોસ્તી પણ કેળવી લીધી હતી. દસ-અગીયાર વર્ષની નાનકડી કાયા અને લુંગીભેર કદાવર હાથી પર સવારી કરતા સાબુને જોઇને ફ્લેહર્ટીને લાગ્યું કે તેમને અસલી એલીફન્ટ બોય મળી ગયો છે.

મૈસૂર છોડીને બ્રિટન ગયા પછી મહાવતના પરચૂરણ કામને બદલે અભિનય સાબુએ ઝડપથી શીખી લીધો. તેના દેખાવમાં રહેલું ભારતીયપણું અંગ્રેજ અને અમેરિકન ફિલ્મકારોને બહુ ઉપયોગી લાગતું હતું. ઉપરાંત, માત્ર સિનેમાના પડદે જ નહીં, વાસ્તવમાં હાથીઓ સાથે પનારો પાડતા અસલી હીરો તરીકેનો દરજ્જો તો ખરો જ. એલીફન્ટ બોય (1937) રજૂ થઇ ત્યારે સાબુની ઉંમર 13 વર્ષ હતી. આ ફિલ્મની સફળતા પછી સાબુએ બ્રિટનમાં રહીને કોર્ડાની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું. તેમાં ધ થીફ ઓફ બગદાદ (1940) અત્યંત સફળ રહી. એ ફિલ્મમાં સાબુએ અબુ (અલાદીન)ની ભૂમિકા કરી હતી. દરમિયાન બીજા વિશ્વયુદ્ધને કારણે બ્રિટનમાં વાતાવરણ બગડતાં નિર્માતા કોર્ડાએ અને સાબુએ પણ હોલિવુડનો રસ્તો લીધો.


સાબુની લોકપ્રિય છબીનો ઉપયોગ કરવા માટે કોર્ડાએ ફરી રડ્યાર્ડ કિપ્લિંગની ધ જંગલબુકને ખપમાં લીધી અને તેમાંથી ચાર વાર્તાઓ પસંદ કરીને ફિલ્મ બનાવી જંગલબુક (1942). એ વખતે સાબુ મોગલી જેવો (કે અત્યારના નીલ સેઠી જેવો) બાળક નહીં, અઢાર વર્ષનો જુવાન હતો. પરંતુ તેના નામનો સિક્કો ચલણી હતો અને તેનો ભારતીય દેખાવ પરદેશી પ્રેક્ષકોમાં એક પ્રકારે વાસ્તવિકતાનો રોમાંચ જગાડતો હતો. આ ફિલ્મ યુટ્યુબ પર જોઇ શકાય છે, પણ એ જોતી વખતે મનમાં રહેલા મોગલી સાથે સાબુની સરખામણી કરવી નહીં. પાત્રો સરખાં હોવા છતાં, પાછલાં વર્ષોમાં લોકપ્રિય બનેલી જંગલબુક કરતાં જુદી વાર્તાઓ આ ફિલ્મમાં લેવામાં આવી છે. તેમાં મોગલી માનવવસ્તીમાં રહેવા જાય છે, આ ફિલ્મ સુપરહિટ તો નહીં, પણ  સફળ થઇ. સાથોસાથ, સાબુને અમેરિકાના વિખ્યાત યુનિવર્સલ સ્ટુડિયોએ કરારબદ્ધ કર્યો. ત્યાં સાબુની પહેલી ફિલ્મ હતી અરેબિયન નાઇટ્સ. સાબુની ખૂબી અને મર્યાદા એ હતી કે તેને મુખ્યત્વે ભારતીય કે બિનગોરાં- પૌર્વાત્ય પાત્રોનું જ કામ મળતું (જે પહેલાં ગોરા અભિનેતાઓ ચહેરા પર શ્યામ મેક અપ લગાડીને કરતા હતા) એ જ તેની ઓળખ હતી.

વિશ્વયુદ્ધ પછી બ્રિટન પાછા ફરેલા સાબુને વધુ એક વાર મેન-ઇટર ઓફ કુમાઉં માં અભિનય માટે અમેરિકા જવાનું થયું. ત્યાં સોંગ ઓફ ઇન્ડિયા ફિલ્મના સેટ પર અભિનેત્રી મેરિલીન કૂપર સાથે સાબુનો પરિચય થયો અને થોડા સમયમાં બન્ને પરણી ગયાં. 1950ના દાયકામાં (ફિલ્મો મળે ત્યારે) સાબુનો અભિનય ચાલુ રહ્યો, પણ આજીવીકા માટે તેમણે બીજો વ્યવસાય અપનાવી લીધો અને પત્ની તથા બે સંતાનો સાથે કૌટુંબિક જીવન ગાળવા લાગ્યા. ત્યાં લગીમાં સાબુને ખેંચીતાણીને મળતી ભારતીય કિશોરની ભૂમિકાઓનો છેડો આવી ગયો હતો. પરંતુ પરદેશી પ્રેક્ષકોના મનમાં સાબુનું નામ અને કામ બાળપણમાં મઝા કરાવી દીધી હોય એવી ફિલ્મોના કલાકાર તરીકે અંકાયેલું રહ્યું અને માનસન્માન પણ પામ્યું. એ જ કારણથી 1957માં એવી ઘટના બની, જે બહુ ઓછા કલાકારોના જીવનમાં બને છેઃ સાબુના અસલી નામ પરથી સાબુ એન્ડ ધ મેજિક રિંગ નામે ફિલ્મ આવી.


Sabu with Eleanor Roosevelt
બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાના હવાઇ દળમાં ભરતી થનાર સાબુની છેલ્લી ફિલ્મ અ ટાઇગર વોક્સ તેમના મૃત્યુ પછી રજૂ થઇ. યોગાનુયોગે એ ફિલ્મ ડિઝની સ્ટુડિયોની હતી, જેની લેટેસ્ટ જંગલબુકે સાબુને યાદ કરવાનું નિમિત્ત પૂરું પાડ્યું છે. 1963માં અમેરિકામાં અવસાન પામેલા સાબુનું જીવનચરિત્ર સ્ટાર ઓફ ઇન્ડિયાઃ ધ લાઇફ એન્ડ ફિલ્મ્સ ઓફ સાબુ વર્ષ 2010માં પ્રગટ થયું. તેમનાં (હવે અવસાન પામેલાં) પુત્રી જાસ્મીને પિતાની હિટ ફિલ્મ થીફ ઓફ બગદાદનો બીજો ભાગ ધ રીટર્ન ઓફ થીફ ઓફ બગદાદ નામે બનાવવાનું વિચારેલું. એ ફિલ્મની પટકથા પણ તેમણે લખી હતી. એમ તો સાબુ પોતે પણ ફિલ્મી કારકિર્દી આથમી ગયા પછી સરકસમાં ઉતરતા હતા અને હાથીઓ પાસે કામ કરાવતા હતા. જાસ્મીને એક અહેવાલમાં કહ્યું હતું કે વોલ્ટ ડિઝની સાથે વાતચીત કરીને સાબુ ભારતમાં ડિઝનીલેન્ડ સ્થાપવા ઇચ્છતા હતા. પરંતુ ચાળીસ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી સાબુનું અવસાન થયું. અલબત્ત, વિદેશી ફિલ્મોમાં સ્ટાર બનેલા પહેલા ભારતીય અભિનેતા તરીકે તેમનું સ્થાન અવિચળ રહેવાનું છે.

Thursday, April 21, 2016

અર્થપૂર્ણ હાસ્ય એ જ ધર્મ?

વિલન જેવું નહીં, બાળક જેવું નિર્મળ અને ખડખડ હસતા ધર્મગુરૂઓ ભાગ્યે જ જોવા મળે છે. સમજુ લોકોને ધર્મગુરૂઓની ઘણી વાતો ખડખડાટ હસી કાઢવા જેવી લાગે છે, એ જુદી વાત છે. રમુજી બોધકથાઓના ઉપયોગ માટે જાણીતા રજનીશ પણ છેવટે માણસમાંથી ભગવાન બની ગયા. એ રીતે તેમણે શું ન કરવું એનો બોધ પૂરો પાડ્યો. ખ્રિસ્તી ધર્મગુરૂ એન્થની (ટોની) ડીમેલો/Anthony De Melloએ ટુચકા જેવા કદની બોધકથાઓ દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યું, ત્યારે છેક વેટિકન સીટી સુધી તેના પ્રત્યાઘાતો પડ્યા હતા અને તેમના ભાર વગરના- હળવાશભર્યા ઉપદેશો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રેયર ઓફ ધ ફ્રોગ (કૂપમંડુકની પ્રાર્થના), ’વન મિનિટ નોનસેન્સ’, ‘વન મિનિટ વિઝડમ જેવાં પુસ્તકોમાં ડીમેલોએ પરંપરાગત ધર્મવ્યવસ્થાનાં છોંતરા નીકળી જાય એવી બોધકથાઓ દ્વારા લોકોને વિચારતા કરવાની કોશિશ કરી. તેમની કેટલીક બોંધકથાઓ અને તેમાંથી તારવી શકાય એવો બોધ (જેમા સૌ પોતપોતાના તરફથી ઉમેરો કરી શકે છે)

***
એક ચિંતકના જમણા પગનો બૂટ થોડો ફાટ્યો હતો. તેની પાસે બૂટની એક જ જોડી હતી. એટલે એણે બૂટ રીપેર કરનારને ઉભાઉભ બૂટ સાંધી આપવા કહ્યું.
સાહેબ, સાંજ પડી ગઇ છે. હવે મારો વસ્તી કરવાનો ટાઇમ છે. કાલે સવારે આવશો?’
મારી પાસે બૂટની આ એક જ જોડ છે અને બૂટ વિના મારે ચાલે એમ નથી.ચિંતકે કહ્યું.
તો એક કામ કરો.તમે તમારા બૂટ અહીં મૂકી જાવ. કાલ સુધીમાં એ રિપેર થઇ જશે. ત્યાં સુધી હું તમને બીજા બૂટ પહેરવા આપું છું. તમારું કામ ચાલી જશે.
આ દરખાસ્તથી ચિંતક ગુસ્સે થયા,‘હું? અને બીજાના બૂટ પહેરું? તને ખબર છે, હું કોણ છું?’
હા, સાહેબ. હું તમને બરાબર જાણું છું. બીજાના વિચારો લઇને ફરતાં તમને તકલીફ થતી નથી, તો બીજાના બૂટ પહેરીને ફરવામાં શું વાંધો છે?’
ચિંતકો, સાવધાન! બધા તમને ઓળખવા માંડ્યા છે.
***

એક અંધ ભાઇ તેમના મિત્રને મળવા ગયા હતા. રાત્રે પાછા જતાં તેમને મોડું થઇ ગયું. અંધારા રસ્તે મુશ્કેલી ન પડે એટલા માટે મિત્રએ તેમને ફાનસ હાથમાં પકડાવ્યું. અંધ ભાઇએ પૂછ્‌યું, ‘મારે માટે તો દિવસ અને રાત બઘું સરખું છે. ફાનસ લઇ જઇને હું શું કરીશ?’

શાણા મિત્રએ સમજણ પાડી,‘તમે ભલે જોઇ શકતા ન હો, પણ અંધારામાં તમારી પાસે ફાનસ હશે તો કોઇનું ધ્યાન તમારી ઉપર પડશે અને તમને કોઇ અથડાઇ નહીં પડે.

મિત્રની સલાહ માનીને અંધ ભાઇએ ફાનસ લીઘું અને ચાલતા થયા. થોડે આગળ ગયા હશે ત્યાં જ  એક સાયકલસવાર તેમને અથડાઇ પડ્યો.  અંધ ભાઇએ ખિજાઇને કહ્યું, ‘એ ભાઇ? કેવી સાયકલ ચલાવો છો? મારું ફાનસ પણ જોતા નથી?’

સાયકલસવારે સહાનુભૂતિપૂર્વક કહ્યું,‘માફ કરજો, પણ તમારું ફાનસ હોલવાઇ ગયું છે.
તમે બીજાના તેજ કરતાં તમારા અંધારામાં વધુ સલામત રહો છો.
***

એક દિવસ ધર્મગુરુ દારૂના પીઠામાં જઇ ચડ્યા. તેમણે જોયું  કે બેઠેલા લોકોમાંથી ઘણાખરા તેમના અનુયાયી હતા. એ બધાને ભેગા કરીને એમણે કહ્યું,‘તમારામાંથી જે લોકો સ્વર્ગે જવા માગતા હોય તે અહીં મારી પાસે આવે.
આ સાંભળીને એક જણ સિવાય બધા ધર્મગુરુની પાસે જઇને ઉભા રહ્યા. ફક્ત એક માણસ તેની જગ્યાએ પૂતળાની માફક ખોડાયેલો હતો. ધર્મગુરુએ તેને કડકાઇથી પૂછ્‌યું,‘તારે સ્વર્ગે નથી જવું?’
માણસે ટૂંકો જવાબ આપ્યો,‘ના.
એટલે તું ત્યાં જ ઉભો રહીશ? તુ એમ કહેવા માગું છું કે મર્યા પછી સ્વર્ગે જવાની તારી ઇચ્છા નથી?’ ધર્મગુરુએ છેલ્લી વાર પૂછ્‌યું.
માણસે કહ્યું,‘‘મર્યા પછી સ્વર્ગમાં જવાની કોણ ના પાડે છે! મને એમ કે તમે અત્યારે સ્વર્ગે જવાની વાત કરતા હશો.’’
આપણે બધું જ સારું કરવું હોય છે- બીજો કોઇ વિકલ્પ ન રહે ત્યારે!
***

એક ઉંદર હતો. તેને બિલાડીની બહુ બીક લાગતી હતી, પણ તેના બીજા ભાઇઓની જેમ તે ચૂપચાપ ડરી ડરીને જીવન વીતાવતો હતો. એક દિવસ તેનો ભેટો એક જાદુગર સાથે થયો. જાદુગરને ઉંદરે પોતાની સ્થિતિ સમજાવી અને કહ્યું કે તમે જાદુમંતરથી મને બિલાડી બનાવી દો, તો મારે નિરાંત થઇ જાય.

જાદુગરને દયા આવી, એટલે તેણે તેની જાદુઇ છડી ફેરવી અને ટચૂકડો ઉંદર તંદુરસ્ત બિલાડામાં ફેરવાઇ ગયો.પણ મુશ્કેલીનો અંત આવ્યો ન હતો. બિલાડાને કૂતરાથી સતત ભય લાગતો હતો. ફરી વાર તેણે જાદુગરને વાત કરી કે બિલાડાને બદલે મને કૂતરો બનાવી દો, તો મારે કોઇથી બીવાનું ન રહે. જાદુગરે જાદુઇ લાકડી ફેરવી અને તે કૂતરો બની ગયો.

કૂતરાના અવતારમાં પણ સુખ ન હતું. કૂતરાને સતત દીપડો ફાડી ખાય એની બીક રહ્યા કરતી હતી. એક વાર દીપડાનો અવતાર મળી જાય એટલે નિરાંતઉંદરે વિચાર્યું અને ફરી જાદુગર પાસે પહોંચી ગયો. જાદુગરે કહ્યું,‘તારું જીવન સુધરતું હોય તો મને વાંધો નથી. લે, તને દીપડો બનાવી દઉં.જાદુગરે છડી ફેરવી અને કૂતરો દીપડો બની ગયો, પણ થોડા વખતમાં તે ફરી જાદુગર પાસે પહોંચી ગયો. જાદુગરે પૂછ્‌યું,‘‘હવે શું છે?’

ઉંદરે કહ્યું,‘‘દીપડો બન્યા પછી મને શિકારીઓની એટલી બીક લાગે છે કે જીવવું હરામ થઇ ગયું છે.’’
આ સાંભળીને જાદુગરે કહ્યું,‘હું ગમે તે કરું, પણ તારી સ્થિતિમાં કશો ફરક નહીં પડે, કારણ કે તારી માનસિકતા ઉંદરની છે.

વાઘનખ પહેરવાથી વાઘ થઇ જવાતું નથી.
***

ખાબોચિયાના કિનારે બાળકોએ પોતાના પ્રિય કાચબાને ઊંધો પડેલો જોયો. એ મરી ગયો છે એવું લાગતાં બાળકો ગમગીન થઇ ગયાં. કેમે કરીને તેમને ચેન ન પડે. બાળકોને હસતાં-રમતાં કરવા માટે તેમના વડીલોએ કહ્યું, તમે રડશો નહીં. આપણે કાચબા માટે સરસ કોફીન બનાવીશું. તેમાં રેશમી કાપડ મુકીશું. સરસ કબરમાં કાચબાને દફન કરીને, રોજ આપણે ફૂલ ચડાવવા જઇશું. કબરની ફરતે સરસ વાડ બનાવીશું.

વડીલોના સૂચનથી બાળકો હતાશા ખંખેરીને કામ કરવામાં મચી પડ્યાં. બધી તૈયારીઓ થઇ ગઇ અને અંતિમ યાત્રાનો સમય થયો ત્યારે બાળકો કિનારા પર પડેલા કાચબાને લેવા ગયા, પણ કાચબો ત્યાંથી ગુમ થઇ ગયો હતો. તેમણે ધ્યાનથી જોયું તો એ કાચબો પાણીમાં જતો રહ્યો હતો.

કાચબાને જીવતો જોઇને નિરાશ થયેલાં બાળકોએ કહ્યું, ચાલોને! આપણે કાચબાને મારી નાખીઅ.


આપણે પ્રેમ કરવો છે, પણ આપણી શરતે અને આપણા તરંગ પ્રમાણે.

Tuesday, April 19, 2016

પાટીદાર આંદોલન : વાસ્તવતપાસ

ફરી એક વાર પાટીદાર અનામત આંદોલને ઉથલો માર્યો, મોબાઇલ ઇન્ટરનેટ બંધ થયું, તોફાન થયાં, ગુજરાતબંધનું એલાન અપાયું. આ સ્થિતિમાં સરકાર કે પાટીદાર બેમાંથી એકેય પક્ષ પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના, કેવળ નાગરિક તરીકે  શું દેખાય છે-સમજાય છે?
  • આંદોલનકારીઓ હાર્દિક પટેલને છોડી મૂકવાની માગણી કરી રહ્યા છે. હાર્દિક પટેલ પોલીસચોકીમાં એક ખૂણે બેસાડી રખાયેલો કોઇ શકમંદ નથી. તેની સામે રાજદ્રોહનો આરોપ છે અને એને લગતો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. બે ઘડી માટે આરોપીનું નામ ભૂલી જાવ અને વિચારો : ધારો કે એક માણસ સામે ખોટો આરોપ લગાડી દેવાયો છે, તેની સામે અદાલતમાં કેસ ચાલુ છે અને સુનાવણી થઇ રહી છે. એ વખતે દેખાવકારીઓ અદાલતી કાર્યવાહી અભરાઇ પર ચડાવીને, આરોપીને બારોબાર છોડી મૂકવાની માગણી મૂકે, તો એ માગણી કેવી કહેવાયહાર્દિક પટેલના કિસ્સામાં એવું જણાય છે કે વાત પોલીસ અને સરકારની પહોંચની પણ બહાર નીકળી ચૂકી છે. પરંતુ ધારો કે, સરકાર કોઇક રીતે પોતાની પહોંચ વાપરીને, અદાલતી કાર્યવાહીની અધવચે આરોપીને છોડી મૂકે, તો એ કેવું કહેવાય? એમાં મુખ્ય મંત્રીની કે શાસકપક્ષની આબરૂનો નહીં, કાનૂની પ્રક્રિયાની વિશ્વસનિયતાનો સવાલ ન ઊભો થાય?
  • મુખ્ય મંત્રીએ એ મતલબનું કહ્યું કે આવાં આંદોલન તો થયા કરે, સરકારનું કામ લોકોની સેવા કરવાનું છે.વાત તો સાચી, પણ અડધી સાચી. સરકારનું કામ લોકોની સેવા કરવા ઉપરાંત માગણીના વાજબીપણા વિશે વિચાર્યા વિના ઉભાં થતાં આંદોલનોને ફેલાતાં અટકાવવાનું પણ છે. પાટીદાર અનામત આંદોલન તણખાસ્વરૂપ હતું ત્યારે સરકાર ગાફેલ રહી. પછી ભોંયમાંથી ભાલો ઉગે એમ અચાનક હાર્દિક પટેલ નામનો નેતા ઉભો થયો અને પાટીદાર સમાજને શક્તિપ્રદર્શનોના રસ્તે દોરવા લાગ્યો. ત્યારે સરકારે સહકારી મુદ્રા ધારણ કરી. સંઘર્ષ ટાળવાના નામે જાણે અનુકૂળતાઓ કરી આપી. એ તબક્કે કડકાઇથી કે દમનથી નહીં, પણ મક્કમતાથી અને કુનેહથી કામ પાડવામાં આવ્યું હોત, તો હાર્દિક પટેલ રાજદ્રોહનો આરોપી ન હોત અને પાટીદાર આંદોલન જામતાં પહેલાં વિખેરાઇ ગયું હોત.
  • હવે મુખ્ય મંત્રી શાંતિની અપીલો કરે છે અને શાંતિ સ્થાપવા માટે આકરી પોલીસ કાર્યવાહીઓ કરવી પડે છે. તેમાં હંમેશાં પ્રમાણભાન જળવાતું નથી અને અનામત આંદોલનમાં પોલીસદમનના વિરોધ જેવા નવા મુદ્દા ઉમેરાતા રહે છે. પરંતુ ગુજરાતમાં ભાજપની સફળતાનું મોટું શ્રેય જેમ કૉંગ્રેસને (તેની નિષ્ક્રિયતા કે બિનઅસરકારકતાને) જાય છે, તેમ પાટીદાર આંદોલનની સફળતા અને અત્યારે પકડાયેલી ગંભીરતાનું ઘણું શ્રેય સરકારની અનિર્ણાયકતાને અથવા આંદોલનના આરંભે તેની સાથે પનારો પાડવામાં કરેલી ભૂલોને જાય છે. દુઃખ એ વાતનું છે કે ભૂલ (અણઆવડત) સરકારની, પણ તેનાં માઠાં પરિણામ અનેક નિર્દોષ નાગરિકોએ વેઠવાનાં આવ્યાં છે.
  • પાટીદાર આંદોલનકારીઓે સંખ્યા અને ખાસ તો સંસાધનો-સમૃદ્ધિના બળે સરકારનું કાંડુ મરોડી રહ્યા છે. તેમની અને સરકારની વચ્ચેના સંવાદમાં ફક્ત મોં વપરાય છે. કાનનો ઉપયોગ થતો નથી. એટલે પાટીદારો ફક્ત સરકારની જ નહીં, બીજા લોકોની પણ એકેય વાત સમજવા તૈયાર થતા નથી. અનામતનો આધાર આર્થિક નથી, પાટીદારોનું પ્રતિનિધિત્વ તેમની વસતીના પ્રમાણમાં ઓછું કે અપૂરતું નથી, પાટીદારોને થતો અન્યાયબોધગમે તેટલો વાસ્તવિક અને સાચો હોય તો પણ એ પાટીદારહોવા બદલ નહીં, ‘વિકાસની એકંદર તરાહને લીધે થાય છે અને અનામત એવા અન્યાયને દૂર કરવાની વ્યવસ્થા નથી, સરકારનું નાક દબાવીને મેળવેલી અનામત ઝાઝું ટકતી નથી-- સર્વોચ્ચ અદાલત તેને ગેરબંધારણીય ગણાવીને ફગાવી કાઢે છે...આવાં ઘણાં સત્યો સામે આંદોલનકારીઓનું એક ઊંહુંઆવે એટલે વાટાઘાટો કે વાતચીત સમાપ્ત થઇ જાય છે.
  • અત્યારના આંદોલનની બે સંભાવના છે : કોઇ પણ રીતે હાર્દિક પટેલ છૂટી જાય અથવા યોગ્ય અદાલતી કાર્યવાહી પછી તે રાજદ્રોહના ગુનામાં ગુનેગાર ઠરે. હાર્દિક પટેલ છૂટી જશે તો એ પણ આગળ જણાવેલી એકેય સચ્ચાઇ સ્વીકારશે નહીં અને પોતાની જિદની તીવ્રતા વધારી મૂકશે, એવું અત્યારના વાતાવરણ પરથી લાગે છે. એ સ્થિતિમાં આંદોલન અને અશાંતિ વધશે. તેને ઠારવા માટે સરકાર (હરિયાણાની જેમ) વિધાનસભામાં ખરડો પસાર કરીને અલગ અનામત આપે, તો એ ફક્ત પાટીદારોને નહીં, બધા કહેવાતા ઉજળિયાતોને તેમાં હિસ્સો મળશે. પરંતુ, આ રીતે મળેલી અનામત સામે અદાલતમાં કકળાટ ચાલુ રહેશે. અગાઉ એકથી વઘુ કિસ્સામાં અદાલત દબાણને વશ થઇને કે સમુદાયોના તુષ્ટિકરણ માટે અપાયેલી અનામતો નાબૂદ કરવાના ચુકાદા આપી ચૂકી છે. એટલે, આ વિકલ્પમાં સરકાર તરફથી અનામત મળી જાય તો પણ છેલ્લી લડાઇ અદાલતમાં લડવાની આવશે. તેમાં પાટીદારોને જીત મળવાની સંભાવના પાંખી છે.
  • બીજો વિકલ્પ છે : હાર્દિક રાજદ્રોહના આરોપમાં ગુનેગાર ઠરે અને તેનો જેલવાસ લંબાય. એ સંજોગોમાં હાર્દિકને છોડી મૂકવાથી માંડીને અનામતની માગણી સાથે આંદોલન કરવામાં આવે, તો એમાં પણ આંદોલનકારી પાટીદારોને છેવટે અદાલત સામે ભીડાવાનું આવશે. આમ, બન્ને કિસ્સામાં છેલ્લો મુકાબલો અદાલતમાં હોવાથી, પાટીદારો સરકાર સામે જીતેતો પણ એ જીતનો વાસ્તવમાં શો અર્થ સરે, એ મોટો સવાલ. તેમનો પ્રેરિત કે સ્વયંસ્ફુરિત ઇરાદો મુખ્ય મંત્રીનું આસન અને શાસન ડગુમગુ કરવાનો હોય, તો એ ક્યારનો પાર પડી ચૂક્યો છે.  પરંતુ વર્તમાન રાજકીય ગણિતો પ્રમાણે ૨૦૧૭ની ચૂંટણી સુધી ગુજરાતમાં મુખ્ય મંત્રીની ખુરશી પર પરિવર્તન થવાનાં એંધાણ નથી. કોઇ અણધાર્યા સંજોગોમાં એ પરિવર્તન થાય તો પણ, પાટીદારોને તેનાથી શો ફાયદો થશે? કારણ કે આગળ જણાવેલી ટેક્‌નિકલ પરિસ્થિતિઓ બદલાવાની નથી.
  • પાટીદારોની સામાજિક-ધાર્મિક નેતાગીરી માટે પણ આ કસોટીની અને નિર્ણાયક ઘડી છે. એમાં તેમના વર્તન પરથી ભવિષ્યમાં તેમની ન્યાયપ્રિયતા, સ્વાર્થી સંકુચિતતા, ચામડી બચાવવાની નિષ્ક્રિયતા કે મૂક સંમતિ જેવી ઘણી બાબતો નક્કી થશે. ધાર્મિક-સામાજિક નેતાઓ સમાજના બોલકા વર્ગને દોરે છે કે પછી એ વર્ગ નેતાઓને પોતાની પાછળ ઢસડે છે, એનો આખરી જવાબ પાટીદાર આંદોલન પૂરું થયે જ મળશે. દરમિયાન એટલું નક્કી છે કે પાટીદાર આંદોલનકારીઓને જેમની પર ભરોસો પડી શકે એવા કોઇ પાટીદાર કે બિનપાટીદાર નેતા સરકાર પાસે નથી.
  • કૉંગ્રેસ વિરોધ પક્ષના બીબામાં રહીને મુખ્ય મંત્રીના રાજીનામાથી માંડીને પાટીદારોને ભાજપે મરાવ્યા, એવાં ઊંબાડિયાં કરી રહી છે. પણ આ મુદ્દે તેનું સાફ-સ્પષ્ટ વલણ શું છે? અને એ પોતે સત્તામાં હોત તો પાટીદાર અનામતના મુદ્દે તેણે શો નિર્ણય કર્યો હોત?
  • છેલ્લે,પાટીદાર આંદોલનકારીઓને એટલું તો સમજાવું જ જોઇએ કે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાના કે આગ ચાંપવાના બનાવોથી તે પોતાની વાજબીપણા વગરની માગણીમાં હિંસાનો વઘાર કરી રહ્યા છે અને સામાન્ય નાગરિકોનો અણગમો મેળવી રહ્યા છે.

Thursday, April 14, 2016

‘આપણા વાચક’ને શું ગમે?

ખરેખર તો આ લેખનું શીર્ષક આજ ફિર મરનેકા ઇરાદા હૈહોવું જોઇતું હતું. કારણ કે લેખનો વિષય ઘણાને નારાજ કરે એવો છે. પણ પછી વિચાર આવ્યો : લેખ સાથે સીધો સંબંધ ન હોય એવું શીર્ષક આપણા વાચકને ગમશે?

આપણા વાચકને શું ગમે, એ પ્રશ્ન લેખકોને, પત્રકારોને, તંત્રીઓને, કટારલેખકોને અને આ વ્યવસાય સાથે સંકળાયેલા બીજા ઘણાને આદિકાળથી મૂંઝવતો રહ્યો છે. તેનો ઉકેલ આણવા માટે એક મનુષ્યે ઘોર તપ કર્યું અને એ પણ એક પગે ઊભા રહીને. મુંબઇની ટ્રેનમાં અપડાઉન કર્યું હોવાને કારણે એ મનુષ્યને એક પગે ઊભા રહેવાની લાંબી પ્રૅક્ટિસ હતી, પણ દેવોને તેમાં પ્રતિબદ્ધતા અને કષ્ટની અવધિ દેખાઇ. એટલે નક્કી થયું કે આ ભાઇના તપનો સુખદ અંત આણવો.

તપ કરનારનો સવાલ સીધોસાદો હતો. એટલે તેના તપોભંગ માટે અપ્સરાઓને તસદી આપવાની જરૂર ન પડી. (આ વાતની તપ કરનારને જાણ થઇ હશે ત્યારે તેને કેવી લાગણી થઇ હશે અને આ અંત તેને સુખદ લાગ્યો હશે કે નહીં, એ જાણવા મળ્યું નથી.) પણ સવાલ એ આવ્યો કે એ ભાઇ પર પ્રસન્ન કોણ થાય? પત્રકાર-લેખક-કટારલેખક-તંત્રી આ બધામાંથી કોઇ તપ કરે તો કયાં દેવીએ પ્રસન્ન થવું? સરસ્વતી દેવીએ કે લક્ષ્મીદેવીએ? લક્ષ્મીદેવીનો દૃઢ મત હતો કે આ વ્યવસાય સાથે સંકળાયેલા બહુમતી લોકો મારા ભક્ત-ઉપાસક છે. તેમની ગુડ બુકમાં હું ટોચ પર છું ને દેવી સરસ્વતી તળિયે.દેવી સરસ્વતીની દલીલ હતી કે તેમણે મને ભલે તજી દીધી હોય, પણ મેં તેમના નામનું નાહી નાખ્યું નથી. વૃદ્ધાશ્રમમાં મુકાયેલી તો એવી, પણ તેમની અસલી મા તો હું જ છું.

સમાધાનની ફૉર્મ્યુલા તરીકે લક્ષ્મીદેવીને સ્ટૅન્ડ બાય રાખવામાં આવ્યાં અને દેવી સરસ્વતી પ્રગટ થયાં. પત્રકારો હીરો-હીરોઇનો જોઇને ભાવવિભોર થાય છે તેમ તપ કરનાર માતાજીને જોઇને રોમાંચિત થઇ ઉઠ્યો. માગ, માગ, માગે તે આપું.એવું માતાજી બોલી રહે તે પહેલાં તપ કરનારે કહ્યું, ‘એક સેલ્ફી લઇ લઇએ?’

માતાજીએ કપાળ કૂટવાના ભાવ સાથે કહ્યું,‘માગી માગીને આ જ માગ્યું?’

તપસ્વીએ ખુલાસો કર્યો,‘ના, આ ફાઇનલ માગણી નથી. મારી સ્ટાઇલ છે. કોઇ પણ સ્ટાર જોડે ઇન્ટરવ્યુ કરતાં પહેલાં એક સૅલ્ફી લઇ લેવાની. શું છે કે ઇન્ટરવ્યુ આપતાં પહેલાં બધાનો મૂડ સારો જ હોય. એટલે ફોટો સારો આવે.

હું તારું ફોટોપુરાણ જાણવા આવી નથી. તારા તપથી પ્રસન્ન થઇને મેં તને કહ્યું છે કે માગ, માગ, માગે તે આપું.

તમારું પણ અમારા જેવું જ થઇ ગયું લાગે છે. આ એકનું એક વાક્ય વર્ષોથી ચલાવ્યે રાખો છો. તમે કહેતા હો તો નવું, ફર્સ્ટ ક્લાસ, નવી પેઢીને સોંસરવું ઉતરી જાય એવા વર્ણસંકર ગુજરાતીમાં લખી આપું.

તે વરદાન માગવા માટે તપ કર્યું છે કે આપવા માટે?’ માતાજી જરા ધૂંધવાયાં, ‘તું મારા વાક્યની ચિંતા કર્યા વિના તારી માગણીની વાત કર. તેં આવું ઘોર તપ શા માટે કર્યું?’

પત્રકારે ગંભીરતાથી, બે હાથ જોડીને કહ્યું, ‘નારદજી પહેલા પત્રકાર હતા એવી વાર્તા છે. ત્યારથી અત્યાર સુધી વાચકોને શું ગમશે તે અમે ચોક્કસ નક્કી કરી શકતા નથી. એનો નિશ્ચિત અને નિર્ણાયક જવાબ મેળવવા માટે મેં કઠોર તપ કર્યું હતું.

માતાજી થોડી સેકન્ડો સુધી ખોવાઇ ગયાં. પછી તેમના ચહેરા પર પ્રકાશ પથરાયો, ‘વત્સ, મારા એક પુત્રે લખેલી દલા તરવાડીની વાર્તા તે વાંચી હશે. એમાં જ તારા સવાલનો જવાબ છે.આટલું કહીને માતાજી અંતર્ધ્યાન થઇ ગયાં. ત્યારથી દલા તરવાડીની વાર્તામાં જે રોલ કૂવાનો કે વાડીનો હતો, એ લેખનની દુનિયામાં આપણા વાચકનો થઇ ગયો છે.

કટારલેખનમાં પ્રવૃત્ત દલા તરવાડીઓ પોતાની જાતને પૂછે છે, ‘હે મહાન દલા તરવાડી, હું લખું છું તેવા - એટલે કે મને આવડે છે તેવા લેખો આપણા વાચકને ગમશે? તેવા લેખો લખું બે-ચાર?’

સામેથી (તેમના મનમાંથી) ઉમંગભર્યો પ્રતિઘોષ મળે છે, ‘લખો ને દસ-બાર. આપણા વાચકને તો આવું બધું બહુ ગમે.બધા લોકો આત્મમુગ્ધ કટારલેખકો જેટલા સ્વાવલંબી બની શકતા નથી. મોટું તંત્ર હોય ત્યારે તંત્રીઓ કે સંપાદકો એેમના મેનેજરોને, મેનેજરો તંત્રીઓને, આ બન્ને તેમના સર્ક્યુલેશન મેનેજરોને, સ.મેનેજરો તેમના એજન્ટોને અને એજન્ટો તેમના ફેરિયાઓને ટાંકીને કહે છે, ‘આપણા વાચકોને આવું નહીં ગમે.આ કહેતી વખતે એમના અવાજમાં રહેલો રણકો સૂર્ય પૂર્વમાં ઉગે છેજેવા સનાતન સત્યના ઉચ્ચારણ પ્રકારનો હોય છે.

નીદા ફાઝલીનો એક શેર હતો : જબ કિસીસે કોઇ ગીલા રખના/સામને અપને આઇના રખના. આ શેરનો અર્થ આપણા વાચકોના જાણકારોએ એમની રીતે તારવ્યો લાગે છે  : આપણા વાચકનો ટેસ્ટ નક્કી કરતી વખતે એ લોકો આયનો સામે રાખતા હોય છે. તેમના માટે આપણા વાચકને આ નહીં ગમે નું ગુજરાતી આપણને આ નહીં આવડે એવું થાય છે.

આપણા વાચકને આ નહીં ગમેએ ફક્ત વાક્ય નથી, સાહેબોના ભાથામાં રહેલું બ્રહ્માસ્ત્ર છે. ફરક એટલો કે આ બ્રહ્માસ્ત્ર એક જ વાર વાપરી શકાય એવું બંધન નથી. ઇચ્છા મુજબ દિવસમાં દસ વાર પણ તેનો પ્રયોગ થઇ શકે છે.

નવોદિત-ઉત્સાહી પત્રકારો-લેખકો તેમના નહીં છપાયેલા- પાછા કઢાયેલા લેખ કે સ્ટોરી વિશે ચર્ચા કરવા બહુ આતુર હોય છે. તેમને આપણા વાચકરૂપી બ્રહ્માસ્ત્ર વિશે ખાસ જાણકારી હોતી નથી. એવા સંજોગોમાં ઉપરીઓ સાથે તેમને કેવો સંવાદ થઇ શકે?
નવોદિત : આ વિષય અંગે તમારી સાથે પહેલેથી વાત કરી હતી.
ઉપરી : કરી હતી.
નવોદિત : એ પ્રમાણે મેં મહેનત કરીને લખ્યું છે. તેની થોડી વાત મેં તમને કરી ત્યારે તમને એ ગમી હતી.
ઉપરી : હા, ગમી હતી.
નવોદિત : તમે એમ પણ કહ્યું હતું કે આ સરસ થાય એમ છે.
ઉપરી : કહ્યું હતું.                   
                                   
રોલ ભલે અદલાબદલી હોય, પણ આ વાતચીત મદારી અને જંબુરા વચ્ચેના સંવાદોની યાદ અપાવે એવી હોય છે. થોડો વખત આવું ચાલ્યા પછી નવોદિત પોતાના ભીંસાયેલા દાંત દેખાઇ કે સંભળાઇ ન જાય એવી રીતે પૂછે છે,‘બધું બરાબર, તો પછી તમે લેખ લીધો કેમ નહીં?’

જવાબમાં ઉપરી મોનાલિસા જેવો ગૂઢ ભાવ ચહેરા પર આણીને કહે છે, ‘એ તને હજુ નહીં સમજાય. આપણા વાચકોને શું ગમે અને શું ન ગમે, એ આટલી જલદી સમજાઇ જતું હોય તો અમે બધા આટલા વરસથી શું ઘાસ કાપીએ છીએ?’


આ લેખ આપણા વાચકોમાંથી કોઇકે વાંચ્યો હોય, તો આવા લેખ આપણા વાચકોને ગમે કે નહીં, તે જાણવામાં રસ ખરો.