Saturday, April 09, 2016

વિદેશ નીતિ અને ‘નવો વેપાર’

ઘણી વાર એવું થાય કે જાપાન, સાઉદી અરેબિયા, બ્રિટન, અમેરિકા--આ બધાં ભારતનાં રાજ્યો હોત તો સારું થાત. આવો વિચિત્ર વિચાર આવવાનું કારણ : ભારતના વડાપ્રધાનનો એ દેશોમાં જે રીતે જયજયકાર થતો બતાવવામાં આવે છે અને ત્યાંના વડાઓ પર તેમનો જે રીતે પ્રભાવ પડતો હોવાનું અહીં સિદ્ધ કરવામાં આવે છે, એ જોઇને આનંદ થાય છે. કેમ કે, ઘરઆંગણે આવું થવાની બહુ શક્યતા જણાતી નથી. ખુલ્લી આંખો ધરાવતા તેમના ઘણા ચાહકોનો રંગ બે વર્ષમાં ઉતરી ચૂક્યો છે. એનો અર્થ એવો હરગીઝ નથી કે અગાઉનું યુપીએ શાસન બરાબર હતું. પરંતુ નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળની સરકાર એ શાસનથી મૂળભૂત રીતે અલગ પડી શકી નથી અને જ્યાં અલગ પડી ત્યાં ખરાબ રીતે પડી છે. આવું તેમના ટીકાકારો જ નહીં, તેમના સમર્થક રહેલા ઘણા લોકો પણ માને છે.

ગત લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાનપદના ઉમેદવાર  નરેન્દ્ર મોદીનો મોટો ચાહકવર્ગ ઊભો થયો. તેમાં જૂના ભક્તોથી માંડીને નવા આશાવાદીઓનો સમાવેશ થતો હતો. એવાં મોટાં મોટાં નામ એમાં હતાં કે મોદીના ટીકાકારોને પોતાના વલણ વિશે નવેસરથી વિચારવું પડે. (વિચાર્યા પછી પણ વલણ બદલવાનું મન ન થાય એ વળી જુદી વાત છે) રાષ્ટ્રિય દૈનિકોના અગ્રણી કટારલેખકોથી માંડીને બૌદ્ધિકો, આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના લોકો -- આ બધાને નરેન્દ્ર મોદીના મુખમાં વિકાસનું વિરાટ દર્શન થતું હતું. તેમના ગુજરાત મૉડેલપર બધા મોહી પડ્યા હતા. અગાઉ થયેલા કામનો જશ પોતે અંકે કરી લેવો અને ઉત્સવબાજીમાં લોકોને ગુલતાન રાખવા એ આ સિદ્ધાંતનાં મુખ્ય ઘટકતત્ત્વો હતાં. કામ સામાન્ય-સરેરાશ, પણ છાકો એવો કે જાણે ગુજરાતમાં ક્રાંતિ થઇ ગઇ હોય. આ દાવાનો વિરોધ કરે તે ગુજરાતવિરોધી. શિક્ષણ અને આરોગ્ય- આ બન્ને મહત્ત્વનાં ક્ષેત્રે ગુજરાતમાં સરકારી રાહે કેવી ક્રાંતિથઇ અને ગુજરાત મૉડેલે શું આપ્યું, એની તપાસ એ વખતે ન કરી હોય તેમણે હવે કરવા જેવી છે. હવે એટલા માટે કે વાસ્તવિકતા સ્વીકારવામાં ભક્તિ આડે ન આવે અને સાહેબના અનુગામી પર દોષનો ટોપલો ઢોળવાની સુવિધા રહે. 

ચૂંટણી વખતે કેટલાક લોકો નરેન્દ્ર મોદીના પ્રચારથી ન અંજાયા હોય, તો પણ કૉંગ્રેસના કુશાસનથી ત્રાસ્યા હતા. એટલે નવા વિકલ્પ તરીકે તે નરેન્દ્ર મોદીની તરફે થયા. અર્થશાસ્ત્રના ધુરંધર ચાણક્યોને લાગ્યું કે તેમના વિચારો અમલમાં મૂકી બતાવે એવો કોઇ ચંદ્રગુપ્ત મૌર્ય તેમને મળી ગયો છે. એટલે હવે તેમનું રાજગુરુપદું પાકું. મોદીનૉમિક્સ’ (મોદીની આર્થિક નીતિ) જેવા શબ્દો છૂટથી વપરાવા લાગ્યા--કેમ જાણે, નરેન્દ્ર મોદીએ કોઇ નવી આર્થિક નીતિ કે નવો સિદ્ધાંત મૂક્યો હોય.

સત્તા મળ્યા પછીનાં બે વર્ષમાં નરેન્દ્ર મોદીએ તેમના ઘણાખરા ટીકાકારોને સાચા અને તેમની પર દાવ લગાડનારા લોકોને ઘણી હદે ખોટા પાડ્યા છે. ચૂંટણીપ્રચારમાં બહુ ગાજેલું અચ્છે દિનનું સૂત્ર હવે ફક્ત મજાક માટે વપરાય છે. અત્યારે ભાગ્યે જ કોઇને યાદ હશે કે લોકસભાની ચૂંટણીના સૌથી મહત્ત્વના મુદ્દામાં એક વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાં પાછાં લાવવાનો હતો. વિજય માલ્યા કરોડો રૂપિયાના ગોટાળા કરીને સલામત રીતે વિદેશ જતા રહ્યા, ત્યાર પછી વડાપ્રધાન તેમની ચિરપરિચિત ચુનચુનકેમુદ્રામાં કહે છે કે અમે કોઇને છોડીશું નહીં--અને તેમના ચાહકો એવી અપેક્ષા રાખે છે કે આ સાંભળીને કોઇ હસે નહીં.

નરેન્દ્ર મોદીની આ જ મુશ્કેલી છે, જે તેમના ચાહકોને એમની તાકાત લાગે છે : પ્રચારપટુતાના બળે એ પોતાની જાતને બાહુબલિતરીકે રજૂ કરી શકે છે, પણ વાસ્તવમાં એ બીજા કોઇ પણ નેતા જેવા એક નેતા છે. તેમના ચાહકો તેમની સામે મોઢાં પહોળાં કરીને અહોભાવથી, ચમત્કારની આશાએ તાકી રહે છે-- એ યુવાન બિનઅનુભવી મતદાતાઓ હોય કે પછી ચિંતાજનક ચિંતકો. પછી ધાર્યો ચમત્કાર ન થાય, એટલે જે થાય તેને ચમત્કારમાં ખપાવવામાં આ વૃંદ લાગી પડે છે. અમિત શાહ એ મતલબનું કહી શકે છે કે પાકિસ્તાન-ચીનને તો મોદી પહોંચી વળશે અને લાફ્‌ટર શોની જેમ પાછળથી લોકોના ખડખડાટ હસવાનો અવાજ પણ નથી આવતો.

વડાપ્રધાનના વિદેશપ્રવાસોને તેમની વિદેશનીતિની ભવ્ય સફળતા તરીકે રજૂ કરવામાં આવે છે. ચાહકો એવું માને છે કે વિદેશનીતિ નવો વેપારછે અને વડાપ્રધાન કૂકરી લઇને રમવા બેઠા છે. એ જે દેશમાં પહોંચે તેને એ (નવા વેપારની પરિભાષામાં) ખરીદીલે છે. પછી એ દેશ એમના પ્રભાવમાં. જે રીતે વિદેશી નેતાઓ સાથે વડાપ્રધાનની તસવીરો રજૂ થાય છે, તેનાથી એવું સિદ્ધ કરવામાં આવે છે, જાણે ભારત મહાસત્તા બની ગયું હોય. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી કે અટલબિહારી વાજપેયી વખતે પણ ઇન્ટરનેટ-સોશ્યલ નેટવર્કિંગ ન હતું. એટલે વિદેશોમાં તેમનો કેવો વટ પડતો હતો એ જોવાની તક ઇન્ટરનેટ-પેઢીને મળતી નથી. જૂનું જાણવાની વૃત્તિ હોતી નથી.

નરેન્દ્ર મોદી એવા નાજુક સમયે વડાપ્રધાન બન્યા છે, જ્યારે વૈશ્વિક સત્તાનાં જૂનાં સમીકરણ અસ્તવ્યસ્ત થઇ ચૂક્યાં છે. અમેરિકા સુપરપાવર તરીકે એવું ખોખલું અને ભયગ્રસ્ત છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા બખાળાબાજ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટેના મજબૂત દાવેદાર બને. પરમાણુશસ્ત્રોસજ્જ પાકિસ્તાનને એનાં જ ત્રાસવાદી શીંગડાં ભારે પડી રહ્યાં છે. આઇસીસના ત્રાસવાદે રશિયા-અમેરિકાથી યુરોપના દેશોમાં ગંભીર અસલામતી પેદા કરી છે. માથાભારે ચીનની આર્થિક અને લશ્કરી તાકાત જોતાં એ કોઇને ગાંઠે એમ નથી. આ સ્થિતિમાં એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન, એમ બબ્બે મોરચે ઘેરાયેલા ભારતના વડાપ્રધાનનું કામ સહેલું નથી કે ટૂંકા ગાળાનું પણ નથી. માટે, વિદેશમાં તેમની સફળતા-નિષ્ફળતા વિશે ચૂકાદા બહાર પાડવાની ઉતાવળ કરવી જોઇએ નહીં.

આ વાત સાથે તેમના પ્રેમીઓ અંશતઃ સંમત થશે--અને તેમની નિષ્ફળતા વિશે ચુકાદા બહાર પાડનાર પર તૂટી પડશે. પરંતુ વિદેશમાં સાહેબે કેવો ડંકો વગાડી દીધો તેનો, ઘણી વાર બાલિશ લાગે એવો પ્રચાર કોણ રોકે? ચાહકોને એ ભાવતો ને વડાપ્રધાનના પ્રચારતંત્રને એ ફાવતો છે. તેનાથી ઘરઆંગણે વચનપાલનની નિષ્ફળતા છાવરી શકાય છે અને દેશમાં નહીં તો બહાર, ક્યાંક તો વડાપ્રધાન અસરકારક છેએવી છાપ ઊભી કરી શકાય છે. પરંતુ અત્યાર સુધીના અનુભવો પરથી કહી શકાય કે કાળાં નાણાં કે ભ્રષ્ટાચારના વિરોધની માફક વિદેશમાં દબદબાના દાવાનો પણ છેડો દૂર નથી.


આંખો ખુલ્લી હોય તો અત્યારે પણ જોઇ શકાય છે કે ચીનના વડાને સાબરમતી નદીના કાંઠે સંખેડાના હિંચકામાં ઝુલાવવાથી  યુનોમાં ચીનના ભારતવિરોધી- પાકિસ્તાનતરફી વલણમાં કશો ફરક પડતો નથી. વિરોધ પક્ષમાં રહીને કરેલી પાકિસ્તાનને પાઠ ભણાવવાની ગર્જનાઓનો સત્તાધીશ બન્યા પછી (સદ્‌ભાગ્યે) અમલ કરી શકાતો નથી. સાઉદી અરેબિયા, અમેરિકા, જાપાન જેવા દેશો સાથે કરાર આવકાર્ય જ છે. પરંતુ તેના વિશેની મુગ્ધતામાંથી બહાર નીકળી જવું પડે. કોઇ પણ દેશ નરેન્દ્ર મોદીની પ્રતિભાથી અંજાઇને, પોતાના સ્વાર્થના ભોગે ભારતનું ભલું કરી નાખવાનો નથી. આંતરરાષ્ટ્રિય સંબંધોમાં જીતી ગયા, જીતી ગયાની ઉત્સાહી દેખાડાબાજી ફાયદા કરતાં નુકસાન કરે એવી સંભાવના હંમેશાં વધારે રહે છે.

5 comments:

  1. you are absolutly right

    ReplyDelete
  2. પાકિસ્તાનને લવ લેટર લખવાનું બંધ કરી તેની ભાષા માં જ જવાબ આપવાની ગુલબાંગો ફેકનારા, ૧ ને બદલે ૧૦ માથા વાઢી લાવવાની વાતો કરનારા પઠાનકોટ હુમલાની તપાસ માટે એજ પાકિસ્તાનની ટીમને બોલાવી “બિરિયાની” ખવડાવે અને પાછા આસામની ચુંટણી રેલીઓમાં કોઈ બાંગ્લાદેશીઓની ઘુસણખોરીના સંદર્ભમાં “પરીંદાભી ઉડ નહિ પાયેગા” જેવી જુમલા તોપો છોડે ત્યારે સાલો પ્રશ્ન એ થાય છે કે આ લોકો ભારતની જનતાને સમજે છે શું ??

    ReplyDelete
  3. Sir

    The post need to be translated in english to reach wider perceptive reader

    ReplyDelete
    Replies
    1. Anonymous9:38:00 PM

      Roger you are right, it should be in English and Gujarati.

      Delete
  4. Hiren Joshi USA7:50:00 PM

    Very good article; same expectation and hoopla were created initially in USA for Obama. Then reality sets and honeymoon disappears!!

    ReplyDelete