Thursday, April 07, 2016

કરચોરીઃ વિજ્ઞાન, ગણિત કે ફિલસૂફી?

આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે તેમને ઇન્કમટેક્સમાં સમજ નથી પડતી. આ વાત આઇન્સ્ટાઇનને નહીં, ઇન્કમટેક્સને નીચાજોણું કરાવવા માટે કહેવામાં આવે છે. હકીકતમાં આ કરવેરાના વિરોધીઓનું કાવતરું છે. આઇન્સ્ટાઇન ક્યાં સી.એ. કે સી.એસ. થયેલા હતા કે તેમને કરવેરામાં ખબર પડવી જોઇએ. કરવેરાના જાણકારો આઇન્સ્ટાઇનને પ્રિય એવી રિલેટીવિટીના સિદ્ધાંત- સાપેક્ષવાદમાં માને છે, એટલું પૂરતું નથી?

કરવેરાના જ્ઞાનીજનો માને છે કે કરચોરી સાપેક્ષ ખ્યાલ છે. સામાન્ય માણસ કરવેરા ભરવામાં ગોટાળો કરે (અને પાછળથી પતાવટ કરે) તો એને ચોરી કહેવાય. (પતાવટને નહીં, ગોટાળાને જ ચોરી કહેવાય. તમે પણ શું, ભલા માણસ...) પરંતુ મોટા ઉદ્યોગપતિઓ કે ધંધાદારીઓ કરચોરી કરે તે રાષ્ટ્રહિત કહેવાય. કારણ કે એ લોકો પોતાની કમાણીમાંથી નોંધપાત્ર હિસ્સો કર તરીકે સરકારને આપશે, તો પછી ચૂંટણીપ્રચાર વખતે પક્ષોને ભંડોળમાં તે શું આપી શકશે? કરવેરાની પહોંચો? અને આ લોકો ભંડોળ નહીં આપી શકે, તો વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લડાતી ચૂંટણીઓનું શું થશે? અને ચૂંટણીઓમાંથી રંગ ઉડી જશે, તો ભારતની લોકશાહીનું શું થશે? આ એક વિચારધારા થઇ.

બીજી વિચારધારા એવી છે કે મોટા ઉદ્યોગપતિઓ કરચોરી કરશે તો જ અઢળક ધન જમા કરી શકશે અને તો જ આંતરરાષ્ટ્રિય અબજપતિઓની યાદીઓમાં તેમનાં નામ આવી શકશે. આ યાદીમાં આપણા ઉદ્યોગપતિઓ બિલ ગેટ્સ, ઝકરબર્ગ કે વોરન બફેટની હારોહાર ખભા ઘસતા જોવા મળે ત્યારે ગૌરવથી આપણી છાતી કેવી ફાટફાટ થાય છે? આટલું ગૌરવ લેવું હોય તો થોડો ભોગ આપવો પડે કે નહીં? કરચોરી એ થોડો ભોગ છે, જે ખરેખર તો ઉદ્યોગપતિઓ માલેતુજારોની યાદીમાં રાષ્ટ્રની આન-બાન-શાન જાળવી રાખવાના ઉમદા આશય સાથે આપે છે.

ત્રીજી પ્રચલિત ફિલસૂફી એવી છે કે કરવેરા ભરવા એ ભારતની સાંસ્કૃતિક – અને ચોક્સાઇપૂર્વક કહીએ તો, ગાણિતીક – પરંપરાનું અપમાન છે. જે દેશમાં આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય જેવા ગણિતશાસ્ત્રીઓ થઇ ગયા હોય અને જેમણે તોતિંગ રકમો-અઘરામાં અઘરાં સમીકરણો સાથે પનારા પાડ્યા હોય, એ દેશમાં આંકડાની ઇન્દ્રજાળ રચીને કરવેરા બચાવવા એ કરચોરી કહેવાય કે આપણા ગણિતાચાર્યોને યથોચિત અંજલિ? ફિલ્ડ મેડલ ગણિતને બદલે કરવેરા કેમ બચાવવા-કરચોરી કેમ કરવી તેના ગણિતમાં મળતો હોત, તો ભારતીયોનો તેમાં ડંકો વાગતો હોત.

રીઢા ઉદ્યોગપતિઓ કે તેમના હિસાબનિશોનો કરચોરી વિશેનો અભિપ્રાય કોઇ સંવેદનશીલ કરવીર સાંભળે તો તે લાગણીભીનો થયા વિના ન રહે. રીઢા કરચોરો ઠાવકાઇથી કહી શકે છે કે પ્રેમની જેમ કરચોરી કરવાની હોતી નથી. એ તો બસ, થઇ જાય છે. પ્રેમ હોય ત્યાં શૌર્ય પણ પાછળ રહે? કેટલાકને કરચોરીમાં પડકાર લાગે છે અને સીધેસીધો કર ભરી દેવામાં શરણાગતિ. તેમને થાય છે કે સી.એ. જેવી મહાઅઘરી પરીક્ષા પાસ કર્યા પછી પણ અમારે સામાન્ય કારકુનની જેમ કર ભરી દેવાના હોય તો પછી સી.એ. થવાનો અર્થ શો?

તમે એવરેસ્ટ શા માટે સર કરવા માગો છો?’ એવું એક પર્વતારોહકને પૂછવામાં આવ્યું, ત્યારે તેમનો જગવિખ્યાત બનેલો જવાબ હતો, બીકોઝ ઇટ ઇઝ ધેર.(કારણ કે એ પહાડ ત્યાં ઊભો છે) એવી જ રીતે, કરચોરી કરનારા ઘણા લોકોને કોઇ પૂછે કે તમે ઇન્કમટેક્સ શા માટે ગુપચાવો છો?’ તો એ પણ કહી શકે, બીકોઝ ઇટ ઇઝ ધેર…ટેક્સ છે, એટલે તો અમને ચોરી કરવાની ચાનક ચઢે છે. સૌથી ઠંડા કલેજાનો જવાબ જોકે અધ્યાત્મવાદીઓ પાસે જ હોવાનો. હા, અધ્યાત્મવાદીઓ બધું જ કરી શકે. કરચોરી પણ ને સટ્ટાબાજી પણ. એ તો અધ્યાત્મની ચરમસીમા છે, જ્યાં લેણું અને દેણું, ચોરી અને શાહુકારી, પોતાની તિજોરી અને પારકી તિજોરી વચ્ચેના ભૂદ ભૂંસાઇ જાય છે. અધ્યાત્મવાદીઓ કહી શકે છે કે જે જન્મે છે તે મૃત્યુનું કારણ લઇને જ આવ્યો છે. એમ, કરવેરાના અસ્તિત્ત્વમાં જ કરચોરી નિહીત છે. ન રહે કર, ન રહે કરચોરી. તો પછી કરચોરી માટે દોષ કોનો? કરચોરી કરનારનો કે કરવેરા નાખનારાનો?

પરંતુ બીજા તો ઠીક, ખુદ સરકારનો ઇન્કમટેક્સ વિભાગ ઘણી વાર આ વિચારધારાઓનું રહસ્ય સમજી શકતો નથી. પછી દરોડા પાડવા આવતા તેમના કર્મચારીઓને કેટલીક વાર સ્કોલરશીપ આપીને આ પાઠ ભણાવવા પડે છે. એ સ્કોલરશીપ માટે લાંચ કે વહીવટ કે પતાવટ જેવા શબ્દો વાપરનારા ભારતની વિદ્યાકીય પરંપરાનું અપમાન કરે છે, એમ નિઃસંકોચ કહી શકાય. એક સમય હતો જ્યારે વિદેશપ્રવાસ સ્ટેટસ સિમ્બોલ ગણાતો અને એ ન પોસાય એવા લોકોએ ઇન્કમટેક્સના દરોડાથી ચલાવી લેવું પડતું હતું. ઇન્કમટેક્સના દરોડાથી એટલું તો સિદ્ધ થતું કે આસામી પાસે ઇન્કમટેક્સવાળાની નજર બગડે એટલો દલ્લો છે. અલબત્ત, દરોડાનો બીજો અંતિમ પણ હોઇ શકે છે. સરકારી તંત્ર પોલીસનો ઉપયોગ કર્યા વિના, (સંજય) ગાંધીચીંધ્યા માર્ગે વિરોધીઓને પરાસ્ત કરવા ઇચ્છે ત્યારે તે ઇન્કમટેક્સના દરોડાનો ઉપયોગ કરી શકે છે. ખરેખરા સંજય ગાંધીયુગમાં – એટલે કે કટોકટી વખતે – લોકોને મૃત્યુ કરતાં વધારે બીક સંજય ગાંધી પ્રાયોજિત ઇન્કમટેક્સના દરોડાની લાગતી. મૃત્યુ કરતાં વધારે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. કારણ કે કારણ કે યમરાજા એક વાર આવી લાગે પછી તેની સાથે સેટલમેન્ટ કરવાનું રહેતું નથી કે પેનલ્ટી ભરવી પડતી નથી.

મહાભારતની કથાની આધુનિક આવૃત્તિમાં યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું, હે રાજન, કળિયુગના આર્યાવર્તમાં રૂપિયા કમાવાનું તો અઘરું બનશે જ, પણ એનાથી વધારે અઘરું શું હશે?’યક્ષનો વધુ એક ઉખાણાછાપ સવાલ સાંભળીને યુધિષ્ઠિર રાબેતા મુજબ પહેલાં વિચારમાં પડ્યા. પછી અચાનક બત્તી થઇ કે તેમને વનમાં શા માટે આવવું પડ્યું હતું. દુઃશાસન કૌરવોના રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગ સંભાળતો હતો. ચીરહરણમાં તેની માસ્ટરી હતી. તેણે દુર્યોધનની આજ્ઞાથી પાંડવોની સંપત્તિ પર નજર બગાડી હતી. મામલો કોર્ટકચેરી સુધી પહોંચ્યો હતો, પણ પાંડવોનું કંઇ ચાલ્યું નહીં.  તેમના મહેલ-મહોલાતો-મિલકતો ટાંચમાં ગયાં અને યુધિષ્ઠિર પોતે જંગલમાં ફરતા, યક્ષના ફાલતુ સવાલોના જવાબ આપતા થઇ ગયા હતા. આ વિચારમાળામાંથી બહાર કૂદકો મારીને તેમણે તરત સાચો જવાબ આપ્યો, હે યક્ષ, આર્યાવર્તમાં રૂપિયા કમાવાનું અઘરું હશે, પણ તેના ઇન્કમટેક્સનો વહીવટ કરવો વધારે અઘરો લાગશે.


કરવેરાની સમસ્યા ખરેખર યક્ષપ્રશ્ન છે. સરકારને લાગે છે કે લોકો વેરો ભરતા નથી. લોકોને લાગે છે કે સરકાર આડેધડ વેરા લાદે છે—અને આપણે જોઇ શકીએ છીએ કે આ બન્ને વાત એકબીજાને ખોટી ઠેરવ્યા વિના સ્વતંત્રપણે સાચી હોઇ શકે છે. 

No comments:

Post a Comment