Tuesday, April 12, 2016
આંબેડકર, ગાંધી અને ડૉ.શારદા કબીર
બંધારણના ઘડતર કરતાં પણ વધારે, દલિતોને સમાન તક-હક અપાવવા માટેનો સંઘર્ષ
ડૉ.આંબેડકરનું મહાનતમ જીવનકાર્ય છે. પરંતુ સંઘર્ષરત જીવનની વચ્ચે વ્યક્તિ તરીકે
ડૉ.આંબેડકરનાં ઘણાં પાસાં વિશે વાત થતી નથી. એવું એક પાસું એટલે ત્રણ સ્ત્રીઓ સાથે
ડૉ.આંબેડકરના સંબંધોની સૃષ્ટિ : સતત અભાવ, પરદેશ ભણવા જતા સંઘર્ષરત આંબેડકરનો વિરહ વેઠતાં અને સંતાનોનાં મૃત્યુનો શોક
જીરવતાં પહેલાં પત્ની રમાબાઇ, વિદેશમાં
આંબેડકરને પ્રેમ અને સાથ આપનાર ફ્રાન્સિસ ફિટ્સજેરાલ્ડ/ Francis Fitzgerald અને પહેલાં પત્નીના મૃત્યુ
પછી વિઘુર જીવન ગાળતા ડૉ.આંબેડકરના જીવનમાં તેમની સેવા કરવા નિમિત્તે પ્રવેશેલાં
કુમારી શારદા કબીર, જે ડૉ. આંબેડકર
સાથે લગ્ન કરીને સવિતા આંબેડકર ‘માઇસાહેબ’ તરીકે ઓળખાયાં.
પહેલાં પત્ની સાથે ડૉ.આંબેડકરને અમુક પ્રકારનો સંવાદ થઇ શકે
એવા સંજોગો ને ભૂમિકા ખાસ ન હતાં. વિદેશવાસી ફિટ્સજેરાલ્ડ તરફથી લખાયેલા અને તેમના
ઉત્કટ સંબંધોનો અંદાજ આપતા પત્રો હજુ સુધી યોગ્ય સંદર્ભોના અભાવે અને સંભવતઃ તેની
વિવાદાસ્પદ સામગ્રીને કારણે પ્રકાશિત થઇ શક્યા નથી. પરંતુ ડૉ.શારદા કબીર અને ડૉ.
આંબેડકર વચ્ચે, ખાસ કરીને તેમના
પરિચયથી લગ્ન સુધીના માંડ ત્રણ-ચાર મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન થયેલો
પત્રવ્યવહાર વિશિષ્ટ છે. ડૉ. આંબેડકરના સહાયક-સેવક નાનકચંદ રત્તુએ ડૉ.આંબેડકરના
કેટલાક પત્રોની સામગ્રી તેમના પુસ્તકમાં ઉતારી છે. (રેમીનીસન્સીસ ઍન્ડ
રીમેમ્બરન્સીસ ઑફ ડૉ.આંબેડકર, ૧૯૯૫)
આજાર તબિયત ધરાવતા ડૉ.આંબેડકર મુંબઇમાં ડૉ.માલવણકરની સારવાર
લેતા હતા. એમને ત્યાં કામ કરતાં ડૉ.શારદા કબીરે સામે ચાલીને એવો પ્રસ્તાવ મૂક્યો
કે તે ડૉ.આંબેડકરની તબિયતની દેખભાળ રાખવા માટે દિલ્હી આવે અને તેમના ઘરમાં એકાદ
મહિનો રહે. તેના જવાબમાં ૨૫ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ડૉ.આંબેડકરે લખ્યું કે જાહેર જીવનમાં તેમની આભાને ઘસરકો પણ લાગે
એવું તે ઇચ્છતા નથી. તેમણે લખ્યું હતું,‘મારી પત્નીનું ૧૪ વર્ષ પહેલાં અવસાન થયું. ત્યારથી હું અપરણીત છું અને એ જ
સ્થિતિમાં રહેવાનું મેં ઠરાવ્યું છે...મને લગ્નની બહુ બીક લાગે છે. (ભાવિ) પત્ની
કેવી નીકળે, કોને ખબર.
સ્ત્રીની પસંદગી માટે ફક્ત બુદ્ધિમતા કે સૌંદર્યનો માપદંડ ન હોઇ શકે. નૈતિક ગુણોનો
માપદંડ મુખ્ય છે.’ એ જ પત્રમાં
તેમણે આગળ લખ્યું હતું, ‘કોઇ કારણસર
(આરોગ્ય માટે) મારે આવી સ્ત્રીની સેવા લેવાની થાય તો એ કાયદેસરની પત્ની જ હોઇ
શકે--નર્સ કે સાથી નહીં.’
Dr. Ambedkar & Dr.Sharda Kabir aka Savita Ambedkar ડો.આંબેડકર અને ડો.શારદા કબીર (સવિતા આંબેડકર) |
ડૉ.આંબેડકરની ગાંધીજી વિશેની કડવાશ જાહેર છે. ડૉ.આંબેડકર
વિશે જબ્બાર પટેલની ફિલ્મમાં ગાંધીજીની હત્યાના સમાચાર આવે, ત્યારે હવે તૂટી ગયેલા અમદાવાદના ‘રૂપાલી’ થિએટરમાં બેઠેલા બહુમતી દલિત પ્રેક્ષકો એ સમાચારને તાળીઓથી વધાવી લે, એ દૃશ્ય સગી આંખે જોયું છે. આ હદની વાત હોય
ત્યારે ગાંધીજીની હત્યા વિશે ડૉ.આંબેડકર પોતે શું માને છે, તે ડૉ.શારદા કબીર પરના તેમના પત્રમાંથી અત્યંત
આધારભૂત રીતે જાણવા મળે છે. ગાંધીહત્યાના એક અઠવાડિયા પછીના પત્ર (૬ ફેબ્રુઆરી, ૧૯૪૮)માં ડૉ. આંબેડકરે લખ્યું છે,‘ગાંધી મહારાષ્ટ્રના માણસના હાથે આ રીતે મોતને
ભેટવા જોઇતા ન હતા, એ તારી વાત સાથે
હું સંપૂર્ણ સંમત છું--મહારાષ્ટ્રિયન જ નહીં, કોઇ પણ માણસે આ કૃત્ય કર્યું હોત તો એ ખોટું ગણાત. તને ખબર છે કે મને ગાંધી
માટે કશો ભાવ નથી અને મારા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક ઘડતરમાં તેમનો
કશો ફાળો નથી. (આ બધી બાબતોમાં) મારું અસ્તિત્ત્વ એક જ માણસને આભારી છે : ગૌતમ
(બુદ્ધ). અમારી વચ્ચે તીવ્ર અણગમો હોવા છતાં હું શનિવારે સવારે બિરલાહાઉસ ગયો હતો.
ત્યાં એમનો મૃતદેહ મને દેખાડવામાં આવ્યો. એની પરના ઘા મને દેખાતા હતા. એ બરાબર દિલ
પર પડેલા હતા. એમનો મૃતદેહ જોઇને હું ખૂબ દ્રવી ગયો. એમની અંતિમયાત્રામાં થોડે
સુધી હું ગયો. કારણ કે હું વધારે ચાલી શકું એમ ન હતો. પછી ઘરે પાછો આવ્યો અને ફરી
એક વાર જમુના નદી પર આવેલા રાજઘાટ પર ગયો. પરંતુ ત્યાં એટલું મોટું ટોળું હતું કે
એને વીંધીને હું અગ્નિદાહના સ્થળે જઇ શક્યો નહીં.’
Dr.Ambedkar at Birla House / ગાંધીહત્યા પછી બિરલા હાઉસમાં ડો. આંબેડકર |
‘ગાંધીહત્યાથી રોષ
કે આઘાત પામનારા લોકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઓછી છે’ એવું કહીને ડૉ.આંબેડકરે એમ પણ લખ્યું હતું, ‘ગાંધીજીની અંતિમ યાત્રામાં સૌથી આશ્ચર્યજનક
બાબત મેં એ નોંધી કે લોકોનું ટોળું બહુ મોટું હોવા છતાં, તેમાંથી મોટા ભાગના લોકો ઉર્સ કે જાત્રામાં જતા
હોય એમ રજાના મૂડમાં હતા.’
Labels:
dr.ambedkar,
Gandhi/ગાંધી
Subscribe to:
Post Comments (Atom)
such writings are highly useful as they help us in breaking those debilitating unidimensional mental molds.
ReplyDeleteમાહિતીપ્રદ... ચુસ્ત...
ReplyDeleteIt certainly gives insight in the personality of greats!
ReplyDeleteગાંધીહત્યાના એક અઠવાડિયા પછીના પત્ર (૬ જાન્યુઆરી, ૧૯૪૮)માં ડૉ. આંબેડકરે લખ્યું છે,‘
ReplyDeleteતારીખ 6 ફેબ્રુઆરી ન હોવી જોઈએ?
બિલકુલ.
Deleteએ સરતચૂક છે. બ્લોગમાં સુધારી લીધી છે.
આભાર
.
ReplyDeleteઆવા એક માત્ર લેખ દ્વારા ઘણું જાણવા મળે છે. ઈતિહાસ હાજર/સમક્ષ થવા સહિત, આવા અંગત અભિપ્રાયો દ્વારા, larger than life impression ને સ્પષ્ટતા અને વિસ્તાર મળે છે.
Very good article
ReplyDeleteમાહિતીપ્રદ લેખ. મહાન નેતાઓની કડવાશ સંદર્ભગત હોય છે, અંગત નહિ એવી મારી માન્યતાને આપના આ લેખથી બળ મળ્યું . પણ આખરે તો બહુમતી લોકો કેટલું પચાવી જાણે છે તે જ જાહેર-સત્ય ગણાય છે. બાકી જેટલું વાંચીએ એટલે સમાનતા દેખાય છે કે ગાંધી, સરદાર, આંબેડકર, સુભાષ, ઇન્દુલાલ યાજ્ઞિક બધા પોતાના વિચારોમાં આજના જમાનામાં જડ કહી શકાય એટલા મક્કમ હતા, પણ તેઓએ સાર્વત્રિક હિતે પોતાના નિર્ણયોમાં સમાધાન સ્વીકાર્યું.
ReplyDelete