Wednesday, October 29, 2008

100મી પોસ્ટ નિમિત્તેઃ ઘણો આભાર, થોડી અપેક્ષા અને એક આગોતરું આમંત્રણ

 • વિક્રમ સંવતનું નવું વર્ષ આર્થિક ઉપરાંત સામાજિક અને બૌદ્ધિક મંદીના, નાદારીના, ઉઠમણાંના, ફુગાવાના, જૂના વિક્રમો ન તોડે એવી વ્યવહારુ શુભેચ્છા.
 • ઔપચારિક વ્યવહારમાં માનતો ન હોવાથી અને કોઇનું નામ ચૂકી ન જવાય એ માટે, સાવ શરૂઆતના બ્લોગમાં કમેન્ટ કરનારા મિત્રોથી માંડીને બીજા ઘણા પરિચિત અથવા બ્લોગ થકી જ સંપર્કમાં આવેલા સૌ મિત્રોને પ્રેમથી યાદ કરું છું. પરસ્પર પીઠખંજવાળક પ્રવૃત્તિ માટે મેં બ્લોગ ચાલુ કર્યો નથી. એટલે અત્યાર સુધી મળ્યા છે એવા જ, પ્રામાણિક અને ‘લાગ્યું તેવું લખ્યું’ પ્રકારના, પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે. સૌને એટલું જ કહેવાનું કે મતભેદો મતભેદની જગ્યાએ અને દોસ્તી દોસ્તીની જગ્યાએ.
 • ઘણા સ્નેહીઓને હું નવી ત્રણ-ચાર પોસ્ટની જાણ એકસાથે ઇ-મેઇલથી કરું છું. એ સૌ હકપૂર્વક કહે છે પણ ખરા કે ‘તમે રીમાઇન્ડર મોકલો છો તે સારું પડે છે.’ એમના દોસ્તીહકને માન્ય રાખીને હવે એ સૌને આ બ્લોગના ‘ફોલોઅર’ બનવા વિનંતી. (ફોલોઅર કેવી રીતે બની શકાય, એ જાણવા માટે આ પોસ્ટની છેવાડે લખેલી ‘ટીપ્સ’ જુઓ.) તમારે મારા કે મારા વિચારોના નહીં, ફક્ત મારા બ્લોગની હિલચાલના જ ‘ફોલોઅર’ થવાનું છે એટલી ચોખવટઃ-)
 • બ્લોગના પ્રતિભાવ ઇ-મેઇલ અને ફોનથી આપનારા સૌ મિત્રોને આભારસહ વિનંતી કે તમારો પ્રતિભાવ બ્લોગ પર આપશો તો વધુ આનંદ થશે. એ અંગે ટેકનિકલ મુશ્કેલી જણાતી હોય તો પોસ્ટના અંતે મુકેલી સાદી ટીપ્સ જુઓ.
 • બ્લોગ પર મુલાકાતીઓની સંખ્યા બતાવતું મીટર હજુ સુધી મેં મુક્યું નથી. મનમાં થોડો એવો ભાવ છે કે એ બધામાં પૂરેપૂરી પ્રામાણિકતા જળવાતી નથી અથવા સાચું ચિત્ર ઉપસતું નથી- અકારણ આંકડાકીય સ્પર્ધાનો અને આંકડાકીય માપદંડનો ભાવ ઊભો થાય છે. આ ખચકાટ મનમાંથી પૂરેપૂરો દૂર થઇ શકે તો એવું મીટર મૂકવા વિચારી શકાય. ભવિષ્યમાં એવું મીટર મુકવાનું મન થાય- જરૂર પડે તો પણ, આંકડા ખાટા-મીઠા-ગળ્યા-તીખા-કડવા પ્રતિભાવોની જગ્યા લઇ શકે એમ નથી. તમારી લેખિત કમેન્ટ્સ તથા ફોલોઅર બનવાની ચેષ્ટા આ બ્લોગના પ્રયાસની કદર કરવાનો સીધો અને સાદો રસ્તો છે.
 • કદી રૂબરૂ કે ફોન પર વાતચીત થઇ ન હોવા છતાં, પ્રવીણ શેઠ જેવા વર્તમાન મુખ્ય મંત્રીના ભૂતપૂર્વ અધ્યાપક આ બ્લોગમાં સૌથી નિયમિતપણે (ઇ-મેઇલ દ્વારા) પ્રતિભાવ આપતા રહ્યા છે. એ હકીકતની અહીં સાભાર નોંધ લઉં છું. એ જ રીતે, કેનેડાસ્થિત વડીલ મિત્ર અને ‘ફિલમની ચિલમ’ ફેઇમ સલીલ દલાલ પણ વખતોવખત કમેન્ટ્સ લખીને હોંકારો ભણે છે. ‘ગુરૂ’ અશ્વિની ભટ્ટ જેવા નામી નવલકથાકારે આ બ્લોગ માટે આસારામ ગેંગ સાથેના તેમના અનુભવો અંગ્રેજીમાં લખી મોકલ્યા હતા. અમેરિકા- સ્થિત હાસ્યકાર-વાર્તાકાર હર્નીશ જાની પણ વખતોવખત પ્રતિભાવ લખે છે.
 • આ બ્લોગને પોતાનો ગણનાર, ‘મિત્ર’ શબ્દની ઘણીખરી હકારાત્મક અર્થચ્છાયાઓ જેની સાથેની મૈત્રીમાં સમાયેલી છે, એવા બિનીત મોદીનો આભાર ન મનાય. બ્લોગના વિષયોની નવી સુધારેલી યાદીમાં ‘બિનીત મોદી’ પણ એક વિષય તરીકે ઉમેર્યો છે, જેથી તેની ‘કારીગરી’નો એકસાથે પરિચય મળી શકે.
 • ‘નવનીત સમર્પણ’ના તંત્રી અને મિત્ર દીપક દોશીએ થોડા વખત પહેલાં આ બ્લોગ પર પ્રગટ થતી સામગ્રીમાંથી તેમને મન પડે તે ‘નવનીત’માં પ્રકાશિત કરવાની મંજૂરી દોસ્તીહકે મેળવી લીધી છે. (‘કારણ કે આ બ્લોગ પર ઘણુંબધું એવું હોય છે, જે પ્રકાશિત કરવાનું મન થઇ જાય’ દીપકભાઇએ લખ્યું હતું) ત્યાર પહેલાં ‘કાકાસાહેબ દુબઇકર’ (‘કાકાસાબ.કોમ’ના નીલેશ વ્યાસ) પણ એ પ્રકારની દરખાસ્ત થકી સંપર્કમાં આવ્યા.
 • સીડની (ઓસ્ટ્રેલિયા)માં ગુજરાતી એફએમ રેડિયોનું સંચાલન કરતાં આરાધના ભટ્ટ આ બ્લોગના કેટલાક લેખ વાંચ્યા પછી મેઇલ-સંપર્કમાં આવ્યાં અને તેમણે વિગતવાર ટેલીફોનીક ઇન્ટરવ્યુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
 • ‘એનોનીમસ’ તરીકે કમેન્ટ કરનારા લોકોને આટલા પ્રેમથી યાદ કરી શકતો નથી. અભિપ્રાય આપ્યા વિના ન રહેવાતું હોય તેમણે નામ જાહેર કરવા જેટલી ખુલ્લાશ દાખવવી યા કેળવવી રહી. ‘એનોનીમસ’ વાચકોને શું લાગે છે? હું એમનું ઓનલાઇન ખૂન કરી નાખીશ?-)
 • હમણાં આયેશા ખાન વિશેની પોસ્ટના પ્રતિભાવમાં એક એનોનીમસે ગણતરીપૂર્વક મારી ખેલદીલીને પડકારી હતી. એવાં કોઇ જૂનાં-જાણીતાં તિકડમ અપનાવવાની જરૂર નથી. મારી ખેલદીલી વિશે હું બિલકુલ અસલામત નથી. ફરી વખત મારી ખેલદીલીને ટકોરા મારીને કોઇ ટીકાત્મક કમેન્ટ પ્રગટ કરાવવા ઇચ્છશે તો એ નહીં બને અને માત્ર એ કારણસર કમેન્ટ મુકવામાં નહીં આવે. પરંતુ શિષ્ટતાની મર્યાદામાં રહીને લખાયેલી ગમે તેટલી કડક-કડવી કમેન્ટ અહીં પ્રગટ થશે જ.

*****

લાંબી ઇનિંગના નિર્ધાર સાથે નીકળેલા ખેલાડીને પહેલી સદીથી આનંદ તો થાય. સાથોસાથ, ‘હજુ બહુ આગળ જવાનું છે’નો અહેસાસ પણ થતો રહે છે. મારી સ્થિતિ કંઇક એવી જ છે. આ બ્લોગની શરૂઆત કરતી વખતે મનોમન નક્કી કર્યું હતું કે તમામ વ્યાવસાયિક તકાદા વચ્ચે અને કોઇ વાંચે કે ન વાંચે તો પણ, હું મારી રુચિને અનુરૂપ સામગ્રીથી ઓછામાં ઓછું એકાદ વર્ષ તો બ્લોગ ચલાવીશ. અત્યાર સુધીના પ્રતિભાવ પરથી હવે ‘ઓછામાં ઓછું’ વિચારવાની જરૂર રહી નથી.

બ્લોગની થીયરી ખબર હોવા છતાં પહેલી પોસ્ટ કેવી રીતે મુકવી તેનું પ્રાથમિક માર્ગદર્શન મિત્ર હિમાંશુ કીકાણીએ આપ્યું. ‘ગુર્જરદેશ.કોમ’ના પ્રતાપે મારા વપરાશના ત્રણેક ફોન્ટમાંના એક ફોન્ટ (ગોપિકા) સહેલાઇથી યુનિકોડમાં કન્વર્ટ કરવાનું શક્ય બન્યું. ત્યાર પછી સમય અને સંજોગોને આધીન બ્લોગિંગનાં વધારાનાં સાધનો વિશે ખપજોગી જાણકારી મેળવતો રહ્યો છું.

એ જાણકારીનો વ્યાપ ‘ગુગલ એડસેન્સ’ સુધી બ્લોગ શરૂ થતાં પહેલાં પહોંચેલો હતો. પણ મુખ્ય લક્ષ્ય સામગ્રી (કન્ટેન્ટ)નું રાખ્યું હોવાથી, આર્થિક વળતરના પ્રયાસ હજુ સુધી ‘કોર્સ બહાર’ રહ્યા છે. આ બ્લોગમાંથી આર્થિક ઉપાર્જન થાય તે અવશ્ય ગમે, પણ એ તેનો મુખ્ય આશય નથી. મૌલિક ચોક્સી જેવા ભૂતપૂર્વ મહેમદાવાદી મિત્રએ બ્લોગને તમામ પ્રકારની મદદ કરવાની તત્પરતા દર્શાવી, ત્યારે મેં એટલું જ કહ્યું હતું કે અત્યારે આ બ્લોગની સામગ્રીનો સૌ પોતપોતાના વર્તુળમાં પ્રસાર કરે, તે પહેલી જરૂરિયાત છે.

આ બ્લોગ થકી ‘શબ્દાર્થપ્રકાશ’ જેવું લાંબા સમયથી કરવા જેવું (‘ઓવરડ્યુ’) કામ શરૂ થઇ શક્યું, વૃંદાવન સોલંકી જેવા ખ્યાતનામ ચિત્રકારની સ્કેચબુકમાંથી એક ચિત્ર આ બ્લોગ પર મુકાયું, (બે દિવસ પહેલાં વૃંદાવનભાઇએ થોડી વધુ સામગ્રી આપવાની પ્રેમાળ ઓફર કરી છે.) બોમ્બવિસ્ફોટ પછીનાં ગુજરાતી અખબારો વિશે અંગ્રેજી પત્રકાર-લેખિકા અમૃતા શાહનો અભ્યાસપૂર્ણ લેખ આ બ્લોગ પર જ પ્રસિદ્ધ થયો.....

આખી યાદી ઉતારવાનો આશય નથી. પણ ‘ગુજરાત સમાચાર’માં અઠવાડિયામાં ત્રણ કોલમ (રવિ, મંગળ, બુધ) અને બે વિશિષ્ટ માસિકો (‘દલિતશક્તિ’ અને ‘વૈશ્વિક માનવવાદ’)ના સંપાદન પછી પણ, જે ન આપી શકાયાનો ખટકો અથવા આપવાની ઇચ્છા રહે એવી સામગ્રી સારા એવા પ્રમાણમાં બ્લોગ પર મુકી શકાઇ તેનો સંતોષ છે.
ખાસ જાણકારી અને આગોતરું આમંત્રણ


મારા હાસ્ય-વ્યંગ લેખોનું પહેલું (અને મારું ચોથું) પુસ્તક ‘બત્રીસે કોઠે હાસ્ય’ એકાદ અઠવાડિયામાં ‘ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા પ્રકાશીત થવામાં છે. તેનો જરા જુદા પ્રકારનો સમારંભ આ નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં રાખવા વિચાર છે.

એની પહેલી તબકકાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. પુસ્તક અને સમારંભ વિશેની વધુ વિગતો વખતોવખત આપીશ. દરમિયાન, આ બ્લોગના સ્નેહી વાચકો માટે મિત્ર અપૂર્વ આશરે ડીઝાઇન કરેલા પુસ્તકના ટાઇટલનો ફોટો પહેલી વાર અહીં મુકું છું. સમારંભનું આમંત્રણ અત્યારથી જ. હવે પછી તારીખ નક્કી થયે અને નજીક આવ્યેથી મારે ફક્ત રીમાઇન્ડર આપવાનું રહેશે.
સૌને નવા વર્ષમાં વાચન મુબારક.

પ્રાથમિક ટીપ્સ
બ્લોગના ફોલોઅર બનવા માટે
આ બ્લોગમાં ઉપર જમણા ખૂણે દેખાતા ‘ફોલોઅર’ના સિમ્બોલની ઉપર લખેલી લીટી (‘ફોલો ધીસ બ્લોગ’) પર ક્લીક કરો અને આ બ્લોગના ફોલોઅર બનો. તમારું નામ બીજા જોઇ શકે અથવા નામ જાહેર ન થાય- એ બે રીતે ફોલોઅર બની શકાય છે. ‘જીમેઇલ’નું એકાઉન્ટ ધરાવનાર લોકો માટે આ ફક્ત બે ક્લીકનું કામ છે. તમે ફોલોઅર બનશો તો મારી મહેનત બચશે, તમને બ્લોગના અપડેટ્સ મળ્યા કરશે અને મારો સંતોષ વધશે.
બ્લોગ પર પ્રતિભાવ આપવા માટે
બ્લોગના પ્રતિભાવ ઇ-મેઇલ અને ફોનથી આપનારા સૌ મિત્રોને આભારસહ વિનંતી કે તમારો પ્રતિભાવ બ્લોગ પર આપશો તો વધુ આનંદ થશે. એ અંગે ટેકનિકલ મુશ્કેલી લાગતી હોય તોઃ દરેક પોસ્ટની નીચે ‘કમેન્ટ્સ’ પર ક્લીક કરવાથી કમેન્ટ લખવાના બોક્સની નીચે, ચાર ઓપ્શન દેખાશે. એક જ ઓપ્શન દેખાતું હોય તો સ્ક્રોલ ડાઉન કરવાથી બીજાં ત્રણ દેખાતાં થશે. તેમાંથી ‘ઓપન આઇડી’ના ઓપ્શન પર ક્લિક કરીને, તેના ઉપરના ખાનામાં ફક્ત તમારું નામ લખવાથી પણ કમેન્ટ પોસ્ટ કરી શકાશે. આ રીતમાં તમારે પાસવર્ડ કે ઇ-મેઇલ એડ્રેસ કંઇ જ આપવાનું રહેતું નથી.

Monday, October 27, 2008

સરદાર પટેલ અને બ્રેન્ડીચી બાટલી

31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલનો જન્મદિવસ આવશે. સરદાર જેવા વ્યક્તિત્વ વિશે જન્મ-મૃત્યુતિથિ સિવાય પણ લખી શકાય એવું ઘણું હોય છે. રસ ધરાવતા મિત્રો સરદાર વિશેનં મારૂં પુસ્તક ‘સરદારઃ સાચો માણસ, સાચી વાત’ જોઇ શકે છે. (આ જાહેરખબર નથી, જાણકારી છે!)
સરદારની ચવાઇ ગયેલી વાતોને બદલે, અહીં એક એવી ચીજ મુકી છે જે બહુ ઓછા લોકોએ જોઇ હોયઃ એક મરાઠી ફિલ્મની જાહેરખબરમાં સરદાર !

સરદાર વિશેના પુસ્તકમાં ઘણી અજાણી સામગ્રી ભેગી કરી હતી. પરંતુ પુસ્તક થઇ ગયા પછી મને આ જાહેરખબર મળી. મારી આવતા રવિવારની કોલમમાં સરદારના ફિલ્મ કનેક્શન વિશે મેં વિગતે લખ્યું છે, જે સોમવારે અહીં વાંચવા મળી શકશે. ત્યાં સુધી સાપ્તાહિક ‘બે ઘડી મોજ’ (૨૮-૫-૧૯૩૯)માં પ્રગટ થયેલી જાહેરખબરની આ દુર્લભ તસવીર.

(નોંધઃ કોઇ વાચકમિત્ર ‘બ્રાન્ડી ચી બાટલી’ની સીડી મેળવી શકે, તો તેમાં પ્રવચન કરતા સરદાર જોવા મળે.)

ઓલ્ડ એન્ડ ગોલ્ડ

સાફસૂફ નિમિત્તે જૂનાં છાપાં ફેંદતાં, એક ‘એશિયન એજ’ હાથ લાગ્યું. તેના પહેલા પાને મસ્ત મજાનો આ ફોટો જોઇને થયું આ ભાઇને ક્યાં જોયો છે?
પછી બત્તી થઇઃ ‘ઓહો! આ તો અભિનવ બિન્દ્રા. ભારતનો પહેલો ઓલિમ્પિક ‘ગોલ્ડ-વીર’.
તરત બીજી બત્તી થઇઃ ‘પણ દોઢ-બે વર્ષથી મેં ‘એશિયન એજ’ બંધ કર્યું છે અને ત્યાર પહેલાંના સમયમાં જ્યારે બિન્દ્રાનું નામ પણ કોઇએ સાંભળ્યું ન હતું. એ વખતે છાપાના પહેલા પાને આવડા મોટા ફોટામાં તે શું કરી રહ્યો છે?’

ફોટાલાઇનમાં લખ્યું હતું કે ‘વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપ’માં ભારત વતી પહેલો ગોલ્ડ મેડલ જીતીને પરત પધારેલા બિન્દ્રાનાં તેનાં મમ્મી ઓવારણાં લઇ રહ્યાં છે.’ (તા. ૨૯-૭-૨૦૦૬)

ભારત (સદાની જેમ) ક્રિકેટભક્તિમાં ડૂબેલું હતું અને બિન્દ્રાની સિદ્ધિ માટે કોઇ ‘હેઇસો હેઇસો’ ચાલ્યું ન હતું, ત્યારે પણ તેની યોગ્ય મહત્તા આંકીને પહેલા પાને બિન્દ્રાનો આવો સરસ ફોટો પ્રગટ કરનાર અખબાર માટે માનની લાગણી - અને આ પ્રકારની અખબારી કદરની પરંપરા લગભગ લુપ્ત થઇ ગયાના અહેસાસથી અફસોસ- થાય છે.

શબ્દાર્થપ્રકાશ # 5

રજત અરસોઃ પચીસેક વર્ષ
૨૦૦૨ની જમ્મુ-કાશ્મીર વિાનસભાકીય ચૂંટણીએ ખાસા એક રજત અરસા બાદ (મોરારજી દેસાઇના વડાપ્રધાનકાળ બાદ) વિશ્વાસયુક્ત ચૂંટણીનો ધડો બેસાડ્યો હતો. (દિ.ભા.૨૦-૧૦-૦૮)
મતદાનીય હિસ્સેદારીઃ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન, મતદાન દ્વારા હિસ્સેદારી
સરવાળે ઉપસી રહેલી સાર્વત્રિક છાપ પાછલાં વરસોને મુકાબલે મતદાનીય હિસ્સેદારી વઘ્યાની...(દિ.ભા.૨૦-૧૦-૦૮)
રાજપુરુષોષોચિતઃ સ્ટેટ્સમેનલી
...એમાં બન્ને મુખ્ય પક્ષોની રાજપુરુષોચિત ગરવાઇનાં દર્શન થતાં હતાં.(દિ.ભા.૨૦-૧૦-૦૮)
પોપાભાઇનું રાજઃ પ્રચલિત શબ્દપ્રયોગ ‘પોપાબાઇના રાજ’ની ફેમિનિસ્ટ આવૃત્તિ
શાસન કાં તો સત્તાના અતિરેકમાં મત્ત મહાલે છે કે પછી પોપાબાઇ (ફેમિનિસ્ટોનો આગ્રહ હોય તો પોપાભાઇ કહેવામાંય હરકત નથી) બનીને ચાલે છે. (દિ.ભા.૨૧-૧૦-૦૮)
અનુત્તરદાયિત્વઃ ઉત્તરદાયિત્વ (આન્સરેબિલીટી)નો અભાવ
રાજકીય અગ્રવર્ગનો મોટો હિસ્સો ટાડા-પોટાના સરિયામ દુરૂપયોગથી માંડીને એન્કાઉન્ટરી અનુત્તરદાયિત્વમાં ભેળા મળી દેશભક્તિના હઇસો જંબેમાં મચી પડે છે. (દિ.ભા.૨૧-૧૦-૦૮)
મરોડમાહેર ગોલંદાજઃ ટોચના સ્પિનર
સ્પિનર અમિત મિશ્રાનો મરોડમાહેર ગોલંદાજ લેખે પાટલો મંડાશે. (દિ.ભા.૨૨-૧૦-૦૮)
કિલકારીથપ્પોઃ હરખપૂર્વકનું એન્ડોર્સમેન્ટ
પરમાણુ સમજૂતી સાથે અમેરિકા અને ભારત વચ્ચે ઉઘડતી આવતી વ્યૂહાત્મક સંબંધભાત પરનો એક ઓર કિલકારીથપ્પો હતો. (દિ.ભા.૨૩-૧૦-૦૮)
બજારમિત્ર પગલાં: માર્કેટ-ફ્રેન્ડલી સ્ટેપ્સ
રિઝર્વ બેન્કે એની વાર્ષિક નાણાનીતિમાં અપેક્ષિત બજારમિત્ર પગલાં જાહેર ન કર્યાં...(દિ.ભા.૨૫-૧૦-૦૮)
ઉંજી આપવું: સુવિધા કરી આપવી
જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ ખાનગી વિમાની સેવાને જાહેર એટકે કે પ્રજાકીય નાણે ઉંજી આપે છે...(દિ.ભા.૨૫-૧૦-૦૮)
(કુલ શબ્દોઃ ૫૨)

Saturday, October 25, 2008

કાયદા-કાનૂનનું ‘જય સ્વામીનારાયણ’ !

આ તસવીર સ્વામીનારાયણ પંથના મણિનગર ફાંટાના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસની કારની છે. કારની આગળની નંબર પ્લેટ પર ફક્ત આટલું જ લખ્યું છેઃ સ્વામી શ્રી ૧૦૦૮. કારની પાછળની બાજુની નંબરપ્લેટ પર કારનો સાચો, કાયદેસર નંબર લખ્યો છેઃ GJ-1-HC-1008

સંસાર તજી ચૂકેલા મહારાજો મર્સિડીઝમાં ફરે એ વાત જ વિરોધાભાસી અને ખીજ ચડાવે એવી નથી? આટલું ઓછું હોય તેમ મહારાજોના ચેલા આરટીઓમાંથી ૧૦૦૮ જેવા નંબર લઇ આવે અને એટલાથી પણ ન ધરાતાં નંબરપ્લેટો પર કાયદાનો ભંગ કરીને પોતાના અહમના દેખાડા કરે.

અગાઉ વર્લ્ડ કપ વખતે ભારતની ટીમ કપ જીતે એ માટે આ જ પુરૂષોત્તમપ્રિયભાઇએ જાહેર સભા કરી હતી, તેમાં પોતે મંચ પર બેટ લઇને ઊભા રહ્યા. ઓડિયન્સમાંથી ભક્તો બોલ નાખે અને પુરૂષોત્તમપ્રિયભાઇ ફટકા મારીને ભક્તોને ધન્ય કરે! આ તસવીર એ વખતે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની ‘અમદાવાદ ન્યૂઝલાઇન’માં છપાઇ હતી.

વિચારવાનું મહારાજોએ નથી. એ તો લોકોની ઘેલછા પર જલસા કરે છે. વિચારવાનું તેમના ભગતોએ અને છાશવારે લાગણી દુભાવવા નીકળી પડતી પ્રજાએ છે. નથી લાગતું કે મહારાજોની અને તેમના ભગતોની ગાડીનાં જ નહીં, મગજનાં પણ પીયુસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) સર્ટિફિકેટ કઢાવવાનો વખત પાકી ગયો છે? (તસવીર : બિનીત મોદી)

સ્કેટર્ડ વોઇસીસઃ આ પણ એક ભાવભૂમિ

રતના તાતાની ‘નાનો’ કાર નિમિત્તે ‘દૂધમાં સાકર’ના ગળચટ્ટા ભૂતકાળને ગૌરવથી વાગોળવાની બહુ મઝા છે. કેમ કે, તેમાં નજીકના- અને જેમાં આપણી જવાબદારી હતી એવા- અકળાવનારા ભૂતકાળને ભૂલી જવાની સગવડ મળે છે. માત્ર છ વર્ષ પહેલાં, દૂધમાં સાકરની કથાનું ગૌરવ લેતા ગુજરાતમાં, સાકરને વીણી વીણીને દૂધમાંથી બહાર કાઢવાનો ક્રૂર સિલસિલો ચાલ્યો હતો એ યાદ રહેતું નથી.


મુસ્લિમવિરોધી હિંસાના એ દૌર પછી રાહત છાવણીઓમાં, અલગ વસાહતોમાં અને ક્યાંક સમાજની વચ્ચે હોવા છતાં મુસ્લિમો સાવ હાંસિયામાં ધકેલાઇ ગયા. હતપ્રભ ગુજરાતી મુસ્લિમોમાંથી કેટલાકના અંતરમાંથી ઉઠેલા અને બહાર જેને કોઇ સાંભળતું નથી એવા કાવ્યબદ્ધ અવાજોને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર આયેશા ખાને ‘સ્કેટર્ડ વોઇસીસ’ (હિંદીમાં ‘કુછ તો કહો યારોં’) શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યા છે. પ્રકાશક છે ‘બુક્સ ફોર ચેન્જ.’.

આયેશાની કર્મભૂમિ વડોદરા છે, પણ તેમનાં મૂળ મહારાષ્ટ્રમાં છે. ૧૮ ઓક્ટોબર, ૨૦૦૮ની સાંજે, સાહિત્ય પરિષદમાં યોજાયેલા વિમોચન સમારંભમાં આયેશાએ કહ્યું કે ‘હું મહારાષ્ટ્રીયન ન હોત, તો આ પુસ્તકનો કરવાનો વિચાર મને ન આવ્યો હોત.’ ૨૦૦૨ સુધી આયેશા પોતાની જાતને ગુજરાતી તરીકે ઓળખાવતાં ન હતાં. કોમી હિંસા પછી ગુજરાતમાં મુસ્લિમ તરીકેની ઓળખના પણ ઘણા પ્રશ્નો ઊભા થયા. આયેશાએ પોતાની એક કવિતામાં મુસ્લિમો માટે ‘નવા અછૂત’ જેવો શબ્દપ્રયોગ કર્યો છે. (કેટલીક પંક્તિઓઃ નયા અછૂત/ જિસકા હો ઉપયોગ, દુરૂપયોગ/ દિયા જાએ દંડ/ઉડાયા જાયે ઉપહાસ/સંસારકે હર અપરાધ કે લિએ/ ચઢાયા જાએ સલીબ પર/માનવતાકે હર પાપકે લિએ/ ધૃણાકા નયા પાત્ર/નયા અછૂત) પરંતુ હિંસાચાર પછીના તબક્કામાં ગુજરાતી મુસ્લિમોનો વણસંભળાયેલા અવાજ પ્રત્યે કાન માંડવાની તેમની જહેમતનું અણધાર્યું પરિણામ આવ્યું. આયેશાએ લખ્યું છે,‘ગુજરાત ગાંધી અને ગરબાથી ઓળખાતું રહ્યું છે. એ બન્ને મને ‘ગુજરાતી’ બનાવી શક્યાં નહીં, પણ ગોધરા અને ૨૦૦૨ની હિંસાએ છેવટે મને ગુજરાતી બનાવી દીધી.’

કેવી રીતે? તેનો જવાબ ગુજરાતની અસ્મિતાના તમામ પ્રેમીઓ માટે વિચારપ્રેરક છેઃ ‘૨૦૦૨ના હત્યાકાંડ પછી...દરેકને એવી બીક લાગતી હતી કે ઘાયલ, લૂંટાયેલી-માર ખાધેલી આ (મુસ્લિમ) બિરાદરી, જેને અમસ્તી પણ હિંસક ગણવામાં આવતી હતી, એ ક્યાંક વળતો હુમલો ન કરી બેસે. કોઇએ તેમની ચૂપકીદીને, દર્દ અને ગુસ્સો ખમી ખાવાની વૃત્તિને, ભેદભાવ ભૂલાવી દેવાની ક્ષમતાને ઘ્યાનમાં લીધી નહીં...નવાઇની વાત એ છે કે મુખ્યત્વે ચોટગ્રસ્ત (મુસ્લિમ) સમુદાયે જ ‘શાંત, વ્યવહારૂ અને અહિંસક’ તરીકેની ગુજરાતની છબીને જાળવી રાખી. ગુજરાતી મુસ્લિમોએ હુમલા વેઠ્યા, વિશ્વાસઘાત સહન કર્યો, પણ ગુજરાતની ભૂમિ અને ગુજરાતી ભાષા માટેનો તેમનો એકતરફી પ્રેમ પૂર્વવત્ રહ્યો.’

પુસ્તક મુખ્યત્વે ત્રણ હિસ્સામાં વહેંચાયેલું છે: ગુજરાતી મુસ્લિમોની કવિતાઓ, કવિતાઓ શોધવા માટેના આયેશાના પ્રવાસોનું માર્મિક વર્ણન અને કવિઓના ટૂંક પરિચય. કુલ ૩૮ કવિઓની ગુજરાતી, હિંદી અને હિંદુસ્તાની ભાષામાં લખાયેલી કવિતાઓના અનુવાદ સંગ્રહમાં સમાવિષ્ટ છે. તેમાં આદિલ મન્સૂરી, ખલીલ ધનતેજવી, અઝીઝ કાદરી, શમ્સ કુરૈશી, રહમત અમરોહવી, કુતુબ આઝાદ, દીપક બારડોલીકર જેવાં જાણીતાં નામોથી માંડીને સામાન્ય વ્યવસાયોમાં ડૂબેલા હોવા છતાં શાયરી સાથે નાતો જાળવી રાખનારા લોકોની કૃતિઓ સ્થાન ધરાવે છે. જેમ કે, વ્યવસાયે કસાઇ એવા અમદાવાદના ફારૂક કુરૈશીની નજાકતપૂર્ણ અભિવ્યક્તિ ઘ્યાન ખેંચે એવી છે. તેમનો એક શેર છેઃ ‘મહફૂઝ કહાં કોઇ ફૂલોંકે કબીલે થે/ ઇસ સાલ હવાઓંકે નાખૂન ભી નુકીલે થે’. એક શેરમાં તે કહે છેઃ ‘ફારૂક જિસે પઢનેકે બાદ આદમી બને/ બચ્ચોંકે હાથમેં કોઇ ઐસી કિતાબ દે’. અમદાવાદમાં હોમિયોપથીની પ્રેક્ટિસ કરતાં શમા શેખ આ સંગ્રહમાં હાજર એકમાત્ર કવયિત્રી છે. તેમની એક કૃતિની કેટલીક પંક્તિઓઃ પીને મનકા ઝહર તુમ્હારા/ કોઇ શંકર બન નહીં આનેવાલા/આ-આ કર બાતેં સુનાકર/ જાયેગા હર આનેવાલા.’

આ સંકલનની હિંદી આવૃત્તિનું શીર્ષક ‘કુછ તો કહો યારોં’ જેમની કવિતા પરથી પ્રેરિત છે, તે દીપક બારડોલીકર પોતાની ઓળખ ‘પાકિસ્તાની ગુજરાતી’ તરીકે આપે છે. હાલ બ્રિટનમાં વસતા બારડોલીકર કરાંચી હોય કે માન્ચેસ્ટર, પોતાની ગુજરાતી તરીકેની ઓળખને ભૂલી શકતા નથી. તેમણે હિંસાચાર દરમિયાન અને ત્યાર પછી મૌન ધરીને બેઠેલા સાહિત્યકારો અને બીજા ગુજરાતીઓને ઉદ્દેશીને લખ્યું છે : ‘કંઇ તો કહો યારો/ કંઇ તો લખો યારો....છે કયામતો તૂટી/ઘોર આફતો છૂટી/ તોય ચૂપ બેઠા છો?/ સાવ મૂંગા બેઠા છો?/ આમ તો આ ખામોશી/ જુલ્મ, અત્યાચારોની/સંમતિ બની જાશે’
ફોટોલાઇનઃ (ડાબેથી) સરૂપ ધ્રૂવ, હિમાંશી શેલત, રધુવીર ચૌધરી, આબિદ શમ્સી, આયેશા ખાન અને (કોમ્પીઅર) ઉર્વીશ કોઠારી
આ પુસ્તકનું વિમોચન ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાય, એ પણ એક વિશિષ્ટ યોગાનુયોગ હતો. પરિષદના ટ્રસ્ટી રધુવીર ચૌધરીએ પોતાના પ્રવચનમાં આ સંગ્રહને આવકારતાં એ મતલબનું કહ્યું હતું કે ધર્મના વિભાજન વગર બધા કવિઓએ આ વિષય પર લખેલી કવિતાઓનું સંકલન પણ થઇ શક્યું હોત. ભાવક તરીકે આપણને પરિષદ પાસેથી એવા સંગ્રહની અપેક્ષા અને અત્યાર સુધી નથી મળ્યો એનો ચચરાટ રહે છે. કાર્યક્રમમાં મંચ પરથી આયેશા ખાન ઉપરાંત ‘બુક્સ ફોર ચેન્જ’ સાથે સંકળાયેલાં વિખ્યાત હિંદી પત્રકાર મણિમાલા, પ્રો. આબિદ શમ્સી, હિમાંશી શેલત, એસ્થર ડેવિડ, સરૂપ ધ્રૂવ અને રધુવીર ચૌધરીએ વક્તવ્યો આપ્યાં. પ્રવચન દરમિયાન પુસ્તકમાંથી ઢગલાબંધ અવતરણો (અહીં પંક્તિઓ) ટાંકવાની સહેલી અને છીછરી પરંપરા આ સમારંભમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં જળવાઇ.
પુસ્તકમાં સમાવેશ પામેલાં કાવ્યો માટે કાવ્યતત્ત્વનો માપદંડ રાખ્યો ન હોવાની સ્પષ્ટતા આયેશા ખાને કરી છે. સંગ્રહ પાછળનો સામાજિક સંદર્ભ કવિતાઓના મૂલ્યાંકન વખતે ભલે વચ્ચે ન લાવવાનો હોય, પણ સંગ્રહની જરૂરિયાત અને તેની મહત્તા આંકતી વખતે એ સંદર્ભ ભૂલી શકાય એમ નથી. પુસ્તકની મર્યાદા એ છે કે તે ફક્ત અંગ્રેજી અને હિંદીમાં પ્રકાશિત થયું છે. એટલે ગુજરાતી રચનાઓ મૂળ સ્વરૂપે વાંચવા મળતી નથી. આયેશા ખાન અને પ્રકાશક મણિમાલા એ બન્નેએ પુસ્તકને ગુજરાતીમાં ઉતારવા માટેની તત્પરતા દર્શાવી છે. હવેનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાતના પ્રકાશનજગતનું જ છે.
સ્કેટર્ડ વોઇસીસ (અંગ્રેજી), કુછ તો કહો યારોં (હિંદી) : આયેશા ખાન,
પ્રકાશકઃ બુક્સ ફોર ચેન્જ
e- mail : bfc_delhi@actionindia.org.in
આયેશા ખાનનો સંપર્ક: ashkhan18@gmail.com

Friday, October 24, 2008

અશ્વિની ભટ્ટના ચાહકો માટે ખુશખબર

ગુજરાતીમાં નવલકથા લેખનમાં પેઢી બદલાતાંની સાથે થયેલા પ્રશ્નો હજુ પૂરેપૂરા શમ્યા નથી. મહેશભાઇ યાજ્ઞિક અને કાજલ ઓઝા જેવા નવલકથાકારો સ્થાપિત થઇ ચૂક્યા છે, પણ અશ્વિનીભાઇની નવલકથાઓના ચાહકોને હજુ એમની નવલકથાઓની ખોટ સાલતી રહી છે.

છેલ્લા થોડા સમયથી પુત્ર નીલના પરિવાર સાથે દલાસ, અમેરિકા રહેતા અશ્વિનીભાઇ હવે નવેમ્બરમાં અમદાવાદ આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક ઇ-મેઇલમાં અશ્વિનીભાઇ લખે છે કે એમણે ‘કમઠાણ’ અને ‘કસબ’ની શૈલીમાં બે હાસ્યનવલોનું કામ શરૂ કર્યું છે. ઉપરાંત આતંકવાદ વિશે પણ એ એક નવલકથા લખી રહ્યા છે, જેનાં પાંચ પ્રકરણ એમણે થોડા સમય પહેલાં પ્રકાશક મહેન્દ્રભાઇ શાહ (નવભારત)ને આપી દીધાં છે.

અશ્વિનીભાઇ અને નીતિભાભીને મળનારા- તેમને ઓળખનારા જાણે છે કે અમદાવાદની નિરાંતવી સંસ્કૃતિ-‘અરે બેસને યાર, જવાય છે ચા પીને’- તેમણે જબરી આત્મસાત્ કરેલી છે. પ્રચંડ લોકપ્રિયતા ઠંડકથી પચાવી ગયેલા અશ્વિનીભાઇ સાથે સત્સંગ ચાલતો હોય ત્યારે કદી એક વડીલ જોડે બેઠા હોઇએ એવું ન લાગે. એ કહે કે ‘મને મારી ઊંમરના માણસો જોડે નથી ફાવતું. આખો દહાડો બ્લડપ્રેશર અને ડાયાબીટીસની જ વાતો કરતા હોય.’ ખુદ અશ્વિનીભાઇને બાયપાસ સર્જરી કરાવેલી અને અમેરિકા ગયા પછી પેસમેકર પણ મુકાવ્યું છે. અશ્વિનીભાઇનો ખાસ શબ્દ અને અમારો- મારો, પ્રશાંત દયાળ, પૂર્વી ગજ્જર, અનિલ દેવપુરકર અને બીજા કેટલાક પત્રકાર મિત્રોનો - ખાસ કાર્યક્રમ એટલે સી.કે.કે. (ચાલો કૂથલી કરીએ)

અશ્વિનીભાઇ જે બંગલામાં રહેતા હતા અને અભિયાનની જ્યાં ઓફિસ હતી, એ બંગલો - ૬૫, બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી- વિશે મેં એકાદ વર્ષ પહેલાં ‘આહા! જિંદગી’માં એક લેખ લખ્યો હતો. એ લેખ મારી જોડે ‘શ્રીલિપિ’માં છે. કોઇ મિત્ર તેને યુનિકોડમાં ફેરવી આપે, તો એ લેખ પણ બ્લોગ પર મુકતાં આનંદ થશે. ( મારી પાસેની ઘણી સામગ્રી શ્રીલિપિમાં પણ છે. તેને યુનિકોડમાં ફેરવવાના સીધાસાદા ઉપાયો કારગત નીવડ્યા નથી. તેમાં મદદ/માર્ગદર્શન આવકાર્ય છે.)

અશ્વિનીભાઇ જેટલું ચડાવઉતાર અને નાટકીય ઘટનાઓવાળું જીવન મારી જાણમાં એક રજનીકુમાર પંડ્યા સિવાય અત્યારના ભાગ્યે જ બીજા કોઇ લેખકના ભાગે આવ્યું હશે. છતાં, બન્નેએ પોતાની પ્રકૃતિમાં રહેલી હકારાત્મક બાબતો બદલાવા દીધી નથી. અશ્વિનીભાઇ હંમેશાં એવું ફીલ કરાવતા રહ્યા છે કે તે અમારી મિત્રમંડળીના સૌથી જુવાન દોસ્ત છે. અશ્વિનીભાઇને તેમના સૌ ચાહકો-મિત્રો તરફથી અમદાવાદમાં આવકાર અને સી.કે.કે.નાં નવાં સેશનની પ્રતીક્ષા!

ઝવેરીલાલ મહેતાનું તાજું ‘ફ્લેશબેક’

ઝવેરીલાલ મહેતા કઇ જણસનું નામ છે અને તેમનો પ્રભાવ કેવો હતો, તેનો ખ્યાલ અત્યારે ચોતરફ ટીવી ચેનલો, છાપાં, સામયિકો અને ઇન્ટરનેટના આ યુગમાં ભાગ્યે જ આવે, પણ મારી પેઢી અને મારી પહેલાંની એક પેઢી પણ ‘ગુજરાત સમાચાર’માં પહેલા પાને ચાર કોલમમાં છપાતી ઝવેરીલાલ મહેતાની તસવીરો જોઇને મોટી થઇ છે. ઝવેરીલાલ મહેતાએ બે દિવસ પહેલાં વિમોચન થયેલા તેમના પુસ્તક ‘ફ્લેશબેક’ની પ્રસ્તાવનમાં બરાબર લખ્યું છેઃ ‘આ તસવીરો ગુજરાત સમાચારના પહેલા પાનાની દરબારી મૂછ જેવી હતી.’ દરબારી મૂછનો વિચારવિસ્તાર ઝવેરીલાલના ખુદના વ્યક્તિત્વમાંથી મેળવી શકાય છે.
આવા ઝવેરીલાલના પુસ્તકનું વિમોચન હોય એટલે મીડિયા માટે હાઇ પ્રોફાઇલ પ્રસંગ ગણાય. મિત્ર બિનીત મોદી એ સમારંભમાં ગયો હતો. તેણે પાડેલી તસવીરો અને તેણે આપેલી માહિતી પરથી તથા ઝવેરીલાલે પ્રેમપૂર્વક આપેલી પુસ્તકની નકલ જોયા પછી આ નોંધ લખી રહ્યો છું. સમારંભના મુખ્ય અતિથિ મુખ્ય મંત્રી મોદી હતા. એ સાંજે સાડા ચારને બદલે છ વાગ્યે આવ્યા, એટલે દોઢ કલાક સુધી સૌએ હોલની બહાર ઊભા રહીને મેળાવડો માણ્યો! મુખ્ય મંત્રીના આવ્યા પછી જ સમારંભ શરૂ થયો. મુખ્ય મંત્રીએ ઝવેરીલાલને દિલથી બિરદાવ્યા અને કહ્યું કે ‘મને જ્યારે બસમાં બેસવા કોઇ જગ્યા પણ આપતું ન હતું ત્યારે ઝવેરીલાલ મળે તો ખભે હાથ મુકીને (ઉષ્માથી) વાત કરે. હવે હું મુખ્ય મંત્રી છું, તો પણ તે એવી જ રીતે ખભે હાથ મુકીને વાત કરે છે.’ કાર્યક્રમમાં મંચ પર આ પુસ્તક માટે સાદા અને રોકડ આશીર્વાદ આપનાર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પુરૂષોત્તમપ્રિયદાસ, કીડની હોસ્પિટલના ‘હળવદ-કર’ ડો. એચ.એલ.ત્રિવેદી, મુખ્ય મંત્રી મોદી અને ઝવેરીલાલ એટલા લોકો હતા. ગુજરાત સમાચારના ભૂતપૂર્વ સ્તંભ દેવેન્દ્ર પટેલ અને વર્તમાન લેખક ભવેન કચ્છીએ પ્રવચનો કર્યાં. અશોક દવેએ સંચાલન કર્યું. પુસ્તકના વિમોચન માટે કેમેરા આકારનું એક બોક્સ બનાવવામાં આવ્યું હતું. બાજુમાં ઝવેરીલાલની ઓળખ ગણાતી તેમની હેટ પણ મુકવામાં આવી હતી. તેનો ફોટો અહીં મુક્યો છે.

અંગત રીતે મને ઝવેરીલાલનું આકર્ષણ એક આર્ટિસ્ટ ફોટોગ્રાફર તરીકેનું છે. તેમને હું જગનદાદા (જગન મહેતા)ની પરંપરાના ગણું છું. એટલે આ પુસ્તકના છેલ્લા પાને સ્વ.જગનદાદાનાં આશીર્વચન તેમના જ હસ્તાક્ષરમાં જોઇને બહુ આનંદ થયો. ફ્લેશ વિના ફોટોગ્રાફી કરતા ઝવેરીલાલ પાસે જે તસવીરી ખજાનો છે, તેનું દળદાર અને માતબર પુસ્તક થવાનું હજુ બાકી છે. ગુજરાત સમાચારની બુધવારની પૂર્તિમાં આવતી ફોટોસ્ટોરીનો સંગ્રહ ‘ફ્લેશબેક’ ઝવેરીલાલના અને તેમના લખાણના પ્રેમીઓ માટે સરસ છે, પણ મારા જેવા એમની ફોટોગ્રાફીના પ્રેમીઓની અપેક્ષા હજુ ઘણી વધારે ઉંચી છે.

ઝવેરીલાલના ‘ફ્લેશબેક’માં એક પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ન હોય અને ઝવેરીલાલ-સ્પેશ્યલ ગણાતું, ઘણી વાર ફોટા કરતાં કદમાં વધી જતું લખાણ હોય, તેની મઝા લેનારા લે છે. પણ ૮૧ વર્ષે ‘અભી તો મૈં જવાન હું’ મિજાજ ધરાવતા ઝવેરીલાલને આપણી વિનંતી એ જ હોય કે માત્ર તમારી તસવીરોનું- ઐતિહાસિક તસવીરોનું એક પુસ્તક આપો. જેમાં આખા પાનામાં એક મોટી કે બે અડધા પાનાની તસવીરો હોય અને ફક્ત ઓળખ પૂરતી એકાદ લીટીની ફોટોલાઇન હોય. એવું પુસ્તક ફક્ત ઝવેરીલાલ માટે અંગત રીતે જ નહીં, ગુજરાતના દસ્તાવેજીકરણ વગરના ઇતિહાસમાં પણ મહત્ત્વનું બની રહેશે.

Thursday, October 23, 2008

ગુજરાતમાં મિની જાપાન : એક ચર્ચા

સચિવાલયમાં સરકારી અફસરો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી છે. વિષય છેઃ ગુજરાતમાં મિની જાપાન કેવી રીતે બનાવવું.
અફસર ૧: મિત્રો, સાહેબે કહ્યું છે કે ગુજરાતને મિની જાપાન બનાવવાનું છે.
અફસર ૨: અરરર...
અફસર ૧: એમાં અરરર...શું? ગુજરાતની પ્રગતિથી તમે ખુશ નથી? ગુજરાતવિરોધી છો? રાજદ્રોહી છો? હવે તો રાજદ્રોહીઓ પણ ખુશ છે, તો તમને શું થયું?
અફસર ૨: સાહેબ, મને ચિંતા થઇ કે આપણે મિની જાપાન બનાવીશું તો મિની હિરોશીમા અને મિની નાગાસાકી પણ બનાવવાં નહીં પડે?
અફસર ૩: ‘વિનાશ પછી વિકાસ’ના જાપાની મોડેલમાં આપણી તૈયારી બહુ પાકી છે. પાંચ વર્ષ પહેલાં આપણે મિની હિરોશીમા- મિની નાગાસાકી જેવી આગ-બાળઝાળ-માણસોને જીવતા ભૂંજવાની ઘટનાઓ -તારાજી અને એ પણ અણુબોમ્બની મદદ વિના, સંપૂર્ણપણે સ્વાવલંબી રીતે સર્જી કે નહીં? હવે મિની જાપાન બનવા આડે કોઇ અડચણ નથી. (અફસર ૧ સામે જોઇને) એમ આઇ રાઇટ, સાહેબ?
અફસર ૧ (હા પાડવી કે ના, એ બાબતે મૂંઝાયા પછી, ગળું ખોંખારીને): મેં તો સાંભળ્યું છે કે આપણું વિકાસનું મોડેલ જોયા પછી હવે બીજા દેશો પણ પોતાને ત્યાં મિની ગોધરા અને મિની વડોદરા, મિની પાંડરવાડા અને મિની સરદારપુરા, મિની નરોડા પાટિયા અને મિની ગુલબર્ગ સોસાયટી ઊભાં કરવાનું વિચારી રહ્યા છે. વિકાસનું આપણું મોડેલ એવું અનોખું છે કે આઇ.આઇ.એમ.માં ચાની કિટલીના મેનેજમેન્ટના પિરીયડ પછી આપણા મોડેલનો પિરીયડ લેવો હોય તો લઇ શકાય. પણ આપણે મુદ્દાની વાત પર આવીએ. મિની જાપાન બનવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું જોઇએ?
અફસર ૪: જાપાનમાં સમ્રાટ છે. એટલે સાહેબને આપણે સમ્રાટ જાહેર કરવા જોઇએ. તો જ જાપાનનો ફીલ બરાબર આવી શકે.
અફસર ૧ : જે છે, એને જાહેર કરવાની પંચાતમાં પડવાની જરૂર નથી. નહીંતર વાંકદેખાઓ તૂટી પડશે.
અફસર ૩: આમ પણ સાહેબ સમ્રાટ જેવા જ નથી? એમને નથી કોઇ પૂછનાર કે નથી કોઇ કહેનાર. જે પૂછે છે એને જવાબ આપતા નથી, કહે છે એનું ગણકારતા નથી અને કોઇ બહુ આઘુંપાછું થાય તો રાજદ્રોહનો આરોપ ક્યાં નથી?
અફસર ૧: આપણે એજેન્ડાબહારની ચર્ચાઓમાં સમય ન બગાડીએ. ગુજરાતમાં મિની જાપાન બનાવવાની જવાબદારી આપણા સૌની છે.
અફસર ૪ : જાપાનમાં બધાનાં નાક ચપટાં હોય છે. એટલે ગુજરાતમાં મિની જાપાન બનાવવું હોય તો સૌથી પહેલાં સાહેબે નાકની સર્જરી કરાવવી પડે.
અફસર ૩: સૂચન સારૂં છે, પણ આપણે બિચારા સાહેબનો વિચાર કરવો જોઇએ. અગાઉની વાત ન કરીએ તો પણ, હમણાં-હમણાં જ એમણે નાકની બે સર્જરી કરાવી. એક ડો. નાણાવટી પાસે ને બીજી ડો. તાતા પાસે. ડો. તાતાએ તો બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાહેબના નાકની ‘નેનો’ સર્જરી કરી છે. એ તો ઠીક છે કે ડો.તાતા ખમતીધર છે અને પોતાની હોસ્પિટલના લાભાર્થે સર્જરીનો ખર્ચ તેમણે પોતે જ ઉપાડી લીધો. પણ સવાલ ફક્ત રૂપિયાનો નથી. જેના નાક ઉપર વારંવાર સર્જરી થતી હોય એને વીતે કે ન વીતે?
અફસર ૫: સાહેબ, અમારા એક સંબંધીએ ધૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરાવેલું. એ બરાબર ન થયું તો એમને એટલી બધી વાર ધૂંટણ ખોલાવવો પડ્યો કે એ કંટાળી ગયા. એક વાર આવી વસ્તુ વંકાય ને પહેલી વારની સર્જરીમાં ફોલ્ટ રહી જાય, તો પછી આવું જ થાય છેઃ વારંવાર ઓપરેશન કરાવવાં પડે છે ને તો પણ ઠેકાણું પડતું નથી.
અફસર ૧: આપણે છેક નાકની સર્જરી સુધી જવાની જરૂર નથી. જાપાનમાં કેવી પાઘડીઓ પહેરાય છે એ હું જાણી લઇશ. પછી એવી પાઘડીઓ સાથે સાહેબનું ફોટોસેશન કરાવી લઇશું. એટલે જાપાનનો ‘ફીલ’ લાવવાનો પ્રશ્ન નહીં રહે.
અફસર ૨ : સાહેબના ફોટા બહુ સરસ આવે છે. હું જ્યારે પણ રોડ પરથી પસાર થતો હોઊં ને સરકારનું હોર્ડંિગ જોઊં એટલે ખાસ સાહેબનો ફોટો જોવા ઊભો રહું. જોડેનું લખાણ વાંચું કે ન વાચું, પણ સાહેબનો ફોટો તો ખાસ જોઊં. મને થાય કે સાહેબનો ‘પોર્ટફોલિયો’ મુંબઇના ફિલમવાળા જુએ તો સાહેબને ઊંચકીને ગાંધીનગરથી દિલ્હી લઇ જાય અને હેમા માલિની જોડે સાહેબની એકાદ ફિલમનું એનાઉન્સમેન્ટ કરી નાખે. અફસર ૩ : (ધીમા અવાજે) એવું થાય તો ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થાય.
અફસર ૧ (અફસર ૩ ને): તમારી નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં નક્કી થઇ ગઇ છે?
અફસર ૪: એક સવાલ છે સાહેબ, અભયવચન આપો તો પૂછું.
અફસર ૧: અભયવચન આપનાર હું કોણ? મને જ અભયવચન નથી, ત્યાં હું તમને કેવી રીતે આપી શકું? છતાં પૂછો.
અફસર ૪ : સાહેબ, સદીઓથી ગુજરાત એની ઉદ્યોગસાહસિકતા માટે દેશવિદેશમાં જાણીતું છે. આપણી અસ્મિતા અને આપણા ગૌરવની કથાઓમાં એ વાત લાખો વાર સાંભળી છે. તો મને એમ થાય કે ગુજરાતમાં મિની જાપાનની શી જરૂર છે? ખરેખર તો જાપાનમાં મિની ગુજરાત ન હોવું જોઇએ?
અફસર ૧ : એ તો સાહેબ કહે જ છે ને કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત...તમે સાહેબની કવિતાની ચોપડી વાંચી લાગતી નથી. જરા સાંસ્કૃતિક બાબતોમાં પણ રસ લેતા જાવ.
અફસર ૪ : એ પંક્તિ તો, હું ભૂલતો ન હોઊં તો ખબરદાર કવિની છે.
અફસર ૧ : ખબરદાર એટલે તાતાની જેમ પારસી જ ને! એટલે એ બઘું સાહેબનું જ કહેવાય. દૂધમાં સાકર, સમજો ને! ગુજરાતમાં અત્યાર સુધી જે કંઇ સારૂં થયું છે, એ બધો સાહેબનો જ પ્રતાપ છે. આવી સમજણ આખા ગુજરાતના લોકોના મનમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગઇ છે, ને તમારા દૂધમાં હજુ એ સાકર ઓગળવાને બદલે કેમ ખખડ્યા કરે છે? ગુજરાતનું હિત વહાલું નથી?
અફસર ૬ (અત્યાર સુધી મૌન રહ્યા પછી): ગુજરાતમાં મિની જાપાન ને મિની ચીન, જે બનાવવું હોય તે બનાવવામાં આપણો સહકાર છે. આપણે ફક્ત એટલું કહેવું છે કે સાહેબ એ બઘું બનાવી રહ્યા પછી થોડું ઘ્યાન ગુજરાતમાં ‘મિની ગુજરાત’ બનાવવા ઉપર પણ આપેઃ ગાંધી-સરદારનું ગુજરાત...રવિશંકર મહારાજ-ઇંદુલાલ યાજ્ઞિકનું ગુજરાત...ઠક્કરબાપા અને મામાસાહેબ ફડકેનું ગુજરાત...

Tuesday, October 21, 2008

શબ્દાર્થપ્રકાશ # 4

પેઢાનપેઢીઃ પેઢી દર પેઢીએ
પેઢાનપેઢી કહેવાતું રહ્યું છે કે બુધવારે બેવડાય. (૯-૧૦-૦૮, દિ.ભા.)
પાણીચડાઉઃ પાણી ચડાવે એવું
...નવ ટકા વૃદ્ધિદર ઓ આવ્યો, ઓ આવ્યોના પાણીચડાઉ બોલ વચાળે વાસ્તવિકતા જોતાં... (૯-૧૦-૦૮, દિ.ભા.)
વર્ધમાનઃ આગળ વધી રહેલા
એક વર્ધમાન અર્થતંત્રના નાતે આપણે આશ્વસ્ત જ નહીં પણ આત્મવિશ્વાસયુક્ત રહેવાની વાતમાંય લોજિક તો છે જ. (૯-૧૦-૦૮, દિ.ભા.)
પાતાળદોટઃ તળીયા ભણીની દોટ
(શેરબજાર માનસની) લાગણીતૂર પાતાળદોટ ન જ સમજી શકાય એમ પણ નથી. (૯-૧૦-૦૮, દિ.ભા.)
રોકડ રૂધિરાભિસરણઃ લિક્વીડીટી ફ્લો
આપણે ત્યાં પણ ચિદમ્બરમે બુધવારે કહ્યું જ છે કે બજારમાં રોકડ રૂધિરાભિસરણની કાળજી લઇશું. (૯-૧૦-૦૮, દિ.ભા.)
ઊંબરદ્વારઃ ડોરસ્ટેપ..
એ ચોક્કસ જ એક ગુણાત્મક સંભાવનાઓના ઊંબરદ્વારની ગરજ સારે એવી બીના છે. (૧૧-૧૦-૦૮, દિ.ભા., લેખ)
પાયદળને વિમાની છત્ર પૂરૂં પાડવું: ઉપર રહીને બચાવ કરવો
સંઘ પરિવારનાં લુમ્પન તત્ત્વો આવાં હીણાં કામો કરે અને અડવાણી દિલ્હી બેઠે સર્વધર્મસંવાદની રૂડી વાતો થકી આ પાયદળને વિમાની છત્ર પૂરૂં પાડે...(૧૧-૧૦-૦૮, દિ.ભા., લેખ)
સંવાદબારી (ખોલવી): સંવાદ થઇ શકે એ માટેની પહેલરૂપ ચેષ્ટા કરવી કે વાતાવરણ ઊભું કરવું
...રાજકારણની મુખ્ય ધારાથી વિમુખ લોકો સાથેની સંવાદબારી ખોલી એ લાભનો સોદો પણ અચ્છો બની આવ્યો હતો.(૧૧-૧૦-૦૮, દિ.ભા.)
કૃષ્ણછાયાઃ કાળા ઓછાયા
ગૌરવ લેવું કે કંધમાલની કૃષ્ણછાયામાં વિમાસવું એવી આર્ત મૂંઝવણ અસ્થાને નથી. (૧૩-૧૦-૦૮, દિ.ભા.)

ચર્ચિયાનિટીઃ ખ્રિસ્તી ધર્મનું ચર્ચકેન્દ્રી સ્વરૂપ
યુરોપમાં ચર્ચિયાનિટીમાં ફેરવાઇ ગયેલી ક્રિશ્ચિયાનિટી હસ્તક જુલમો થયા હતા...(૧૩-૧૦-૦૮, દિ.ભા.)
સંબલઃ ભાથું
ધર્માનુરાગી પ્રજામાત્રે અંતે તો આ સામસામી લાગતી સહોપસ્થિતિમાંથી સંબલ મેળવવું રહે છે. (૧૩-૧૦-૦૮, દિ.ભા.)
મતવહેંચકઃ મોટા પક્ષોના મતમાં ભાગ પડાવનાર
ઉમા ભારતી અને ખાસ તો માયાવતી જેવાં ક્યાંક ભાવિ વિકલ્પ તરીકે ઉભરે છે કે કેવળ મતવહેંચક તરીકે તે પણ જોવા મળશે. (૧૫-૧૦-૦૮, દિ.ભા.)
ગુલાબી ગાજરવાળીઃ ભવિષ્યનાં રંગીન સ્વપ્નાંનાં ગાજર લટકાવવાં
હવે નવનિર્માણી રાજબહાદુર...છટણીના ભોગ બનેલાઓને સારૂ...ઓર એક ગુલાબી ગાજરવાળી સરજે છે. (૧૬-૧૦-૦૮, દિ.ભા.)
કોઠાવિવેકઃ કોઠાસૂઝ ધરાવતો વિવેક
વાસ્તવિક જરૂરત તેમ જ માગ ને પુરવઠાનો કોઠાવિવેક કેળવવો પડશે. (૧૬-૧૦-૦૮, દિ.ભા.)
નેજવાની છાંય તળેઃ નિશ્રામાં, આશરા હેઠળ
ગોપુચ્છ પકડી રાખવું: (વૈતરણી તરવાના સંદર્ભમાં ગાયનું) પૂંછડું પકડી રાખવું, પોતાની વાત પકડી રાખવી
વૈતરણીની વિષમ વાસ્તવિકતા વચ્ચેય ચિદમ્બરમે મનમોહનસિંહના નેજવાની છાંય તળે પેલું ગોપુચ્છ અદ્દલોઅદ્દલ પકડી રાખ્યું છે કે આપણા અર્થકારણના ફન્ડામેન્ટલ્સ સાબૂત છે. (૧૭-૧૦-૦૮, દિ.ભા.)
આંકડેથી ઉતરીને ભાણામાં દેખાવું: વાતને બદલે વાસ્તવમમાં અનુભવ થવો
ફુગાવામાં સહેજ રાહત છે, પણ તે આંકડેથી ઉતરીને ભાણામાં દેખાય ત્યારે સાચી! (૧૭-૧૦-૦૮, દિ.ભા.)
દિવસની આંતરરાષ્ટ્રીય ફટાફટઃ વન ડે ઇન્ટરનેશનલ
એક દિવસની આંતરરાષ્ટ્રીય ફટાફટ (ઓડીઆઇ)માંયે વિક્રમ રનજુમલા પછી...(૧૮-૧૦-૦૮, દિ.ભા.)

ઉપરાંત એક વાક્યપ્રયોગ
‘ભારતરત્ન જેઆરડી તાતા પણ હૃદયરત્ન તો હર્ષદ મહેતા’ (૧૬-૧૦-૦૮, દિ.ભા.)

‘બજાર-કંપ’ : ૧૯૨૯ અને ૨૦૦૮

અનેક દેશોમાં આફ્ટરશોક ફેલાવનાર વોલસ્ટ્રીટનાં બે ગાબડાં વચ્ચેનાં સામ્ય અને તફાવત

મામુલી વરસાદ ધરાવતા કચ્છ કે સુરેન્દ્રનગર જેવા કોઇ વિસ્તારમાંથી વરસાદી પાણીનાં ટીપાં શીશીમાં ભરીને ચેરાપુંજી મોકલ્યાં હોય તો કેવું લાગે? કંઇક એવી જ સ્થિતિ આઠ દાયકા પહેલાં અમેરિકામાં સર્જાઇ. સતત ૧૮ મહિનાથી ભર તેજીમાં ઉછળી રહેલું અમેરિકાનું શેરબજાર ઓક્ટોબર, ૧૯૨૯માં ચત્તાપાટ એવું પછડાયું કે હાડકે હાડકે મલ્ટીપલ ફ્રેક્ચર થઇ ગયાં. ત્યાર પછીના કપરા સમયમાં, અમેરિકાના ભૂખ્યા, ‘નવ-ગરીબ’ (‘નીઓ-પૂઅર’) લોકો પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે, કેમેરૂનના લોકોએ ૩.૭૭ ડોલરનો ચેક મદદ તરીકે મોકલ્યો હતો! બીજી તરફ, ફક્ત અમેરિકાની બેન્કોએ શેરબજારમાં હોમેલી રકમનો આંકડો હતો ઃ ૮ અબજ ડોલર.

ધ ગ્રેટ ડીપ્રેશન’ તરીકે જાણીતી બનેલી અમેરિકાની એ મંદી આંતરરાષ્ટ્રીય દુર્ઘટના તરીકે ઇતિહાસમાં નોંધાઇ અને મંદીનો માપદંડ બની. ત્યાર પછીની દરેક મંદીને ૧૯૨૯ના સંદર્ભમાં માપવામાં આવે છે. અત્યાર સુધીની અનેક પછડાટો ૧૯૨૯ની સરખામણીમાં મામુલી અને કામચલાઉ નીવડી, પણ માઠા સમાચાર એ છે કે ૨૦૦૮ની મંદી વિશે એવું કહી શકાય એમ નથી. અર્થતંત્રના અભ્યાસીઓ ગંભીરતાપૂર્વક માને છે કે વર્તમાન પરિસ્થિતિ ૧૯૨૯ જેવી જ - અને કેટલાક મુદ્દે એનાથી પણ વધારે ખરાબ- છે.

કેવું હતું ‘ધ ગ્રેટ ડીપ્રેશન’?
૧૯૨૯ની મંદી સુધી દોરી જનારી સ્થિતિનું વર્ણન વાંચતાં એવું લાગે કે મામુલી ફેરફાર સાથે તે ૨૦૦૮માં પણ લાગુ પડી શકે છેઃ

‘ફેક્ટરીઓના ઉત્પાદનમાં મોટા પાયે વધારો થયો, પણ કામદારોના પગાર વઘ્યા નહીં. મુઠ્ઠીભર મૂડીપતિઓની તિજોરીઓ જ ભરાતી રહી. હપ્તેથી વસ્તુઓ ખરીદવાની હોડ લાગી હતી, એટલે હપ્તા ચડવા લાગ્યા હતા. નવી વસ્તુઓ બનતી જાય, લોકો હપ્તેથી ખરીદતા જાય, બેન્કો ઉધાર આપતી જાય અને લોકોની છાતી પર હપ્તાનો બોજ ખડકાતો રહે. આખરે એક તબક્કો એવો આવ્યો કે લોકોએ માલ ખરીદવાનું બંધ કરી દીઘું. બજારમાં માલનો ભરાવો થયો અને ઔદ્યોગિક ઉત્પાદન અટકી પડ્યું. સંખ્યાબંધ કર્મચારીઓને માલિકોએ છૂટા કર્યા. બેકારી વધી એટલે વિષચક્રને વેગ મળ્યો. પગાર ન મળે, તો માલ ખરીદે કોણ? અને માલ ન ખપે, તો માલ બનાવવા માટે નોકરીએ કોણ રાખે?’

માંડ થોડા ટકા લોકોની સમૃદ્ધિના પ્રચાર અને તેમાંથી પેદા થયેલા ‘ફીલગુડ ફેક્ટર’માં મોેટા ભાગના લોકો ફસાયા. બજાર તેજીનું હતું એટલે લોકોને -કોઇ દેખીતા કારણ વિના-સમૃદ્ધિ હાથવેંતમાં લાગતી હતી (જેમ અત્યારે સૌને લાગે છે). શેરબજારની તેજીને કારણે બીજાં અનેક ક્ષેત્રોનાં નાણાં પણ ત્યાં ઠલવાયાં. અમેરિકાના રીપબ્લિકન પ્રમુખ હર્બટ હુવરને પરિસ્થિતિ સમજાઇ ત્યારે બહુ મોડું થઇ ચૂક્યું હતું. ૨૪ ઓક્ટોબર, ૧૯૨૯ના રોજ પહેલી વાર ભાવમાં મોટો કડાકો થયો. એ દિવસે ૧.૨ કરોડ શેરના સોદા થયા. ત્યાર પછી ભાવોની તળીયા તરફની ગતિ સતત ચાલુ રહી.

શેરબજારમાં સીઘું રોકાણ કરનારા લોકો સંખ્યા અને પ્રભાવની રીતે ઘણા લાગે, પણ દેશની કુલ વસ્તીની ટકાવારીમાં તેમનું પ્રમાણ સાવ ઓછું હોય છે. મુશ્કેલી ત્યારે થાય, જ્યારે સામાન્ય લોકોની બચતો ધરાવતી બેન્ક અને બીજી નાણાંકીય સંસ્થાઓ તથા તેમને રોજગારી પૂરી પાડતા ઉદ્યોગો શેરબજારના કડાકામાં પાયમાલ થાય. ૧૯૨૯માં એવું જ બન્યું. યુરોપની મૂડી અમેરિકાના બજારમાં રોકાણ માટે ઠલવાતી હોવાથી, મંદીએ યુરોપને પણ ઘુ્રજાવ્યું. અમેરિકામાં ૪૫ લાખ અને બ્રિટનમાં ૨૦ લાખથી પણ વઘુ લોકો બેકાર બન્યા. બે વર્ષમાં બેકાર અમેરિકનોની સંખ્યા ૮૩ લાખ સુધી પહોંચી. બ્રિટનમાં એ આંકડો ૩૦ લાખને આંબી ગયો. જર્મનીમાં લાખો બેકાર બન્યા. ૧૯૩૨ સુધીમાં અમેરિકાની આશરે ૩,૫૦૦ બેન્કો બેસી ગઇ.

અત્યારે અમેરિકાની ઓળખ ગણાતી ‘સોશ્યલ સિક્યોરિટી’ની વ્યવસ્થા ન હોવાથી, અનેક બેકારોને બે ટંક ભોજન માટે ભીખ મારવાનો વારો આવ્યો. ભારતમાં બ્રિટન સામેની લડતમાં ગાંધીજી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા હતા, ત્યારે એ જ દેશની જનતાને ભૂખસરઘસ કાઢવાં પડે એવી સ્થિતિની કલ્પના થઇ શકે? પણ એ વાસ્તવિકતા હતી. પાટનગર લંડનમાં પ્રજાજનોનાં ‘ભૂખસરઘસ’ (‘હંગર માર્ચ’) નીકળવા લાગ્યાં. અમેરિકામાં સૌથી નામોશીભરી સ્થિતિ ત્યારે સર્જાઇ, જ્યારે નાણાંના મુદ્દે નિવૃત્ત સૈનિકો અને સરકાર આમનેસામને આવી ગયાં. પહેલા વિશ્વયુદ્ધમાં દેશ વતી લડનારા સૈનિકોને ૧૯૪૫ સુધીમાં સરેરાશ ૧ હજાર ડોલરનું બોનસ મળવાનું હતું, પણ મંદીથી પેદા થયેલી સ્થિતિમાં સૈનિકો ૧૯૪૫ સુધી રાહ જોવા તૈયાર ન હતા. પોતાનાં બાકી પડતાં નાણાં મેળવવા માટે વીસેક હજાર સૈનિકોએ વોશિંગ્ટનમાં ધામા નાખ્યા.

થોડો સમય સરકારે સહાનુભૂતિથી કામ લીઘું, પણ સૈનિકોને વચગાળાનું ચૂકવણું કરવાનો પ્રસ્તાવ સેનેટમાં પસાર થઇ શક્યો નહીં. એટલે, બારેક હજાર સૈનિકો હતાશ થઇને પાછા જતા રહ્યા અને બાકીના પ્રત્યે સરકારનું વલણ સખત થવા લાગ્યું. છેવટે, આખા દેશની સહાનુભૂતિ ધરાવતા નિવૃત્ત સૈનિકોને હુવર સરકારે ગુનેગાર અને ‘સામ્યવાદી’માં ખપાવીને, બળપ્રયોગથી તેમને વોશિંગ્ટનમાંથી તગેડી મુક્યા. આ શરમજનક ઘટનાક્રમથી આગામી ચૂંટણીમાં હુવરની નક્કી ગણાતી હાર વઘુ નિશ્ચિત બની.

‘ન્યૂ ડીલ’: બેઠા થવાની દવા
હુવરને હરાવીને ૧૯૩૨માં ડેમોક્રેટિક પક્ષના ફ્રેન્કલીન રૂઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ બન્યા. વર્તમાન સંજોગોમાં રીપબ્લિકન બુશના આઠ વર્ષના શાસન પછી ડેમોક્રેટ બરાક ઓબામાની જીતની શક્યતાઓ ઘણી ઉજળી છે. ઓબામાની જેમ રૂઝવેલ્ટ પણ નવી આશાનો સંદેશ લઇને આવ્યા હતા. તેમણે ‘ન્યૂ ડીલ’ અને ત્યાર પછી ‘સેકન્ડ ન્યૂ ડીલ’ અંતર્ગત ઘણાં પગલાં જાહેર કર્યાં: ‘નેશનલ રીકવરી એડમિનિસ્ટ્રેશન’ સ્થાપ્યું, ઉદ્યોગો માટે લધુતમ વેતન અને બાળમજૂરીના વિરોધથી માંડીને કામદારો માટેના હક નક્કી કરવામાં આવ્યા, લોકોને રોજગારી પૂરી પાડવા માટે ‘વર્ક પ્રોગ્રેસ એડમિનિસ્ટ્રેશન’ સ્થાપવામાં આવ્યું. ઓગસ્ટ, ૧૯૩૫માં ‘સોશ્યલ સિક્યોરિટી એક્ટ’ પસાર કરવામાં આવ્યો, જેના થકી અમેરિકાના નાગરિકોને પહેલી વાર પેન્શન, બેકારીભથ્થું, વિકલાંગો માટે આર્થિક સહાય અને પ્રજાકીય આરોગ્ય સુવિધાઓ મળતી થઇ.

રૂઝવેલ્ટે ખોટા વાયદાને બદલે નક્કર કામગીરી દ્વારા અમેરિકાના ખરાબે ચડેલા જહાજનું સુકાન સંભાળ્યું. મૂડી અને વિશ્વાસ બન્નેનું ઉઠમણું કરી ચૂકેલી બેન્કોને રૂઝવેલ્ટે નક્કર સરકારી ટેકો પૂરો પાડવાની જાહેરાત કરી. લોકોનો વિશ્વાસ જીતવા માટે તેમણે ‘ફાયરસાઇડ ચેટ’ (તાપણે બેઠાં) નામથી રેડિયો કાર્યક્રમ શરૂ કર્યો, જેમાં પ્રમુખ કોણીએ ગોળ જેવી જાહેરાતો કે રાષ્ટ્રજોગ ભારેખમ સંબોધન નહીં, પણ પોતાના નાગરિકો સાથે ગોષ્ઠિ કરતા હતા. રેડિયો પર રૂઝવેલ્ટના મૈત્રીપૂર્ણ રણકાથી તેમની નક્કર કામગીરીને જબ્બર ટેકો મળ્યો. ઉઠમણાના આરે ઊભેલી બેન્કોમાં અમેરિકાના લોકોએ નવેસરથી એકાદ મહિનામાં જેટલા ટૂંકા ગાળામાં ૧ અબજ ડોલર જેટલી રકમો પાછી જમા કરાવી, એમાં રૂઝવેલ્ટની તાપણાગોષ્ઠિ (‘ફાયરસાઇડ ચેટ’)નો મોટો ફાળો હતો.

તેમ છતાં, કડાકાનો ઘા એટલો ઉંડો હતો કે અમેરિકાનું ગાડું કોણ જાણે ક્યારે ચીલે ચડી રહેત. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરી એક વાર પુરવઠાની પ્રચંડ જરૂરિયાત ઊભી થઇ. તેનાકારણે ધંધાઉદ્યોગો-અર્થતંત્ર ફરી ધમધમતાં થયાં અને ૧૯૨૯ની મંદીના ઓછાયા આખરે દૂર થયા.

વોલસ્ટ્રીટઃ ઢેકા અને કાઠાંનો સિલસિલો
૧૯૨૯માં મુખ્યત્વે શેરબજારમાં સીધાં રોકાયેલાં નાણાં ડૂબી જતાં તારાજી સર્જાઇ હતી. ૨૦૦૮માં મામલો વધારો પેચીદો છે. યુરોપના ઉદ્યોગોનું અમેરિકામાં મોટું મૂડીરોકાણ ૧૯૨૯માં હતું ને ૨૦૦૮માં પણ છે. એટલે, આ વખતના કડાકા પછી ‘યુરોપને વાંધો નહીં આવે’ એવો આરંભિક દાવો ખોટો પુરવાર થયો છે. યુરોપિયન યુનિયને પોતાની બેન્કોને ઉગારવા (બેઇલ આઉટ) માટે અમેરિકાના પેકેજ કરતાં લગભગ બમણી રકમ- ૧.૪ ટ્રિલીયન ડોલર (૧૪૦૦ અબજ ડોલર)નું પેકેજ જાહેર કરવું પડ્યું છે. છતાં, ધરતીકંપનું ઉદ્ગમબિંદુ (એપીસેન્ટર) અમેરિકા છે, એમાં બેમત નથી.

સૈદ્ધાંતિક દૃષ્ટિએ અગત્યનો એક મુદ્દો એ પણ ખરો કે ૧૯૨૯ની મંદીમાંથી બહાર નીકળવાનાં પગલાં ૧૯૩૨માં પ્રમુખપદે ચૂંટાયેલા રૂઝવેલ્ટે લીધાં, જ્યારે ૨૦૦૮માં મહત્ત્વના આર્થિક નિર્ણયો, પ્રમુખપદની ચૂંટણીના થોડા મહિના પહેલાં, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ લીધા છે. એ નિર્ણયો અનિવાર્ય લાગતા હોવા છતાં તેનો બોજ વેંઢારવાની જવાબદારી નવા ચૂંટાનારા પ્રમુખના માથે આવશે. અર્થતંત્રને ઉગારવા માટે ટ્રેઝરી સેક્રેટરીએ ૭૦૦ અબજ ડોલરનું પેકેજ નક્કી કર્યા પછી અમેરિકાની સંસદે એ પ્રસ્તાવને મંજૂરી આપીને, વાસ્તવમાં ટ્રેઝરી સેક્રેટરીનું માન નહીં, પોતાનો મોભો જાળવી લીધો છે.

૧૯૨૯ પછી ઠેકઠેકાણે (અને શબ્દાર્થમાં!) અમેરિકાનાં લશ્કર લડતાં ન હતાં. ઇરાક-અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં શું કરવું, તેની ચિંતા રૂઝવેલ્ટને ન હતી. હવે પછીના પ્રમુખને એ ડખા માથે પડવાના છે. રૂઝવેલ્ટના ‘નસીબજોગે’ બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને મંદીના ઓછાયા દૂર થયા. અમેરિકાના આગામી પ્રમુખ એવા ‘નસીબદાર’ નહીં હોય.

- અને છેલ્લું છતાં પહેલું પરિબળ છેઃ લોભ. ૧૯૨૯ની મંદીથી ૨૦૦૧માં થયેલા ‘એનરોન’ના ઉઠમણા પછી સરકાર કાયદા વધારે કડક બનાવ્યા કરે છે, પણ ‘ઉંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યાં કાઠાં’ એ ન્યાયે વોલસ્ટ્રીટમાંથી લાખો કમાતા ભેજાબાજો, કાયદામાંથી છટકવાના અને લોકોના લોભની રોકડી કરવાનાં નવાં નવાં કાઠાં શોઘ્યા કરે છે. પૂરપાટ દોડતી લોભની ગાડી માટે કાયદા સ્પીડબ્રેકર કે ડાયવર્ઝન સાબીત થઇ શકે છે- તેને સાવ ઊભી રાખી દેવાનું કાયદાનું ગજું નથી. એટલે જ, ભગવાન વિશે કહેવાય કે ન કહેવાય, પણ મંદી વિશે છાતી ઠોકીને કહી શકાય છેઃ સંભવામિ યુગે યુગે.

Monday, October 20, 2008

વાચન‘પ્રસાર’ અને ૧૮૦૮નું ગુજરાતી પુસ્તક સીડી સ્વરૂપે

‘પ્રસાર’ના બેનર હેઠળ ભાવનગરથી જયંત મેઘાણી વિવિધ ઉપયોગી સંકલનો અને માહિતી સુલભ કરાવતા રહે છે, જે ગુજરાતી-પ્રેમીઓના વાચનપ્રેમની જ્યોતને સંકોરાતી રાખવામાં મદદરૂપ બને છે.
જયંતભાઇએ થોડા વખત પહેલાં ૨૦૦૮ના ઓગસ્ટ સુધીમાં બહાર પડેલાં આશરે ૨૦૦ પુસ્તકોની યાદી તૈયાર કરી હતી. તે પીડીએફ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.

એ પીડીએફમાં બીજી મહત્ત્વની માહિતી મુંબઇના ફાર્બસ સભા દ્વારા થયેલાં જૂનાં ગુજરાતી પુસ્તકોના ડીજીટાઇઝેશનની છે. આશરે દોઢસો વર્ષ જૂનાં કેટલાંક પુસ્તકો રૂ.૧૦૦ પ્રતિ સીડીના ભાવે ઉપલબ્ધ બન્યા છે. તેમાંના કેટલાંક નામ અહીં આપવાનો લોભ રોકી શકતો નથી.
૧) ઇલસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાટ્ર્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ (મરાઠી) એન્ડ ઈંગ્લીશ લેન્ગ્વેજીસ (૧૮૦૮)
આ પુસ્તક પહેલું ગુજરાતી મુદ્રિત પુસ્તક ગણાય છે.
૨) ગરેટ બરીટન ખાતેની મુસાફરી: ડોસાભોય ફ્રામજી (૧૮૬૧)
૩) અમેરિકાની મુસાફરી: અણજાણ પારસી લેખક (૧૮૬૪)
૪) કહેવત મુલ: પેસ્તનજી કાવસજી રબાડી (૧૮૬૫)
૫) શેર અને સટ્ટાબાજી: મનસુખ (૧૮૬૫)
૬) ફાર્બસ જીવનચરિત્ર : મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી (૧૮૬૮)
આવાં કુલ ૨૧ પુસ્તક સીડી પર ઉપલબ્ધ છે. ૨૦૦૮ના વાચનની યાદી અને સીડી-સ્થ પુસ્તકો ‘પ્રસાર’માંથી મળી શકે છે. જયંતભાઇનું સંપર્કસૂત્ર : http://us.mc352.mail.yahoo.com/mc/compose?to=prasarak@dataone.in
PRASAR
1888 ATABHAI AVENUE
BHAVNAGAR (GUJARAT)INDIA 364
+91 - 278 - 256 8452

અમેરિકાની મંદીનું મહાભારત # 2

અમદાવાદની પ્રતિષ્ઠિત - અને પ્રતિષ્ઠા કરતાં વધારે ‘સ્ટાર વેલ્યુ’ ધરાવતી આઇ.આઇ.એમ.માં દર વર્ષે કેમ્પસ ઇન્ટરવ્યુ થાય, ત્યારે ઉજવણીનો માહોલ હોય છે. આઇ.આઇ.એમ.ના તેજસ્વી વિદ્યાર્થીઓ બોટી લેવા દેશી ઉપરાંત વિદેશી કંપનીઓ પણ લાઇન લગાડે છે. દેશી કંપની ગમે તેટલી મોટી હોય, તો પણ શાહબુદ્દીન રાઠોડના લાભુ મેરાઇની શૈલીમાં કહીએ તો,‘ઇરોપીયન (યુરોપીયન) એટલે ઇરોપીયન’.

અમેરિકાની કંપનીઓ મસમોટા પગારો આપીને આઇ.આઇ.એમ.ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપાડી જાય, ત્યારે જ લાગે કે,‘હવે બરાબર!’ આ કંપનીઓમાં ‘લેહમેન બ્રધર્સ’ અને ‘મેરીલ લીન્ચ’ જેવાં વોલસ્ટ્રીટમાં પ્રચંડ કદ ધરાવતાં નામ હોય, જે સાંભળ્યા પછી અહોભાવથી ગરદન ઝુકાવવાની જ રહે. ગરદનમાં સ્પ્રીંગને બદલે સળીયો ધરાવતા જૂજ લોકો સમજ્યા વિના ડોક ઝુકાવવાને બદલે, આટલા મોટા પગારોના ઔચિત્ય વિશે ક્યારેક સવાલો પૂછે તો પણ એ ગણકારે કોણ? કેમ કે, ‘લેહમેન’ અને ‘મેરીલ લીન્ચ’ વિશે શંકા ઉઠાવવી એટલે કોર્પોરેટ જગતના ધોમધખતા સૂરજ સામે ઘૂળ ઉડાડવા બદલ ગણાય.

- પણ હવે એ બન્ને સહિત અમેરિકાના બીજા અનેક કોર્પોરેટ સૂરજો તેલ ખૂટ્યું હોય એવાં કોડિયાંમાં ફેરવાઇ ગયા છે. ‘લેહમેન બ્રધર્સ’ દેવાળું ફૂંકી ચૂકી છે, જ્યારે ‘મેરીલ લીન્ચ’ને ‘બેન્ક ઓફ અમેરિકા’એ ખરીદી લેવી પડી છે. આ સ્થિતિમાં હવે એ ભૂતપૂર્વ સૂરજોની કામગીરી અને તેમના ‘ધંધા’ વિશે વાત કરવાનો મોકો આવ્યો છે.

એક અહેવાલ પ્રમાણે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદની આઇ.આઇ.એમ.ના ૫૯ વિદ્યાર્થીઓને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો ‘લેહમેન બ્રધર્સ’ અને ‘મેરીલ લીન્ચ’માં ઉંચા પગારની નોકરી મળી હતી. એટલે, (નોકરીની અને સ્ટારવેલ્યુની) ભરતીમાં વર્ષોથી ભાગીદાર આ બન્ને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો માટે આઇ.આઇ.એમ. દ્વારા સત્તાવાર ઢબે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ એ બેન્કો કેમ ખરખરાને પાત્ર બની, એ વિશે સ્વાભાવિક રીતે જ આઇ.આઇ.એમ.ને કંઇ કહેવાનું ન હોય.

વર્ષોજૂની આ બન્ને અને બીજી ઘણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો તથા મોટી કંપનીઓ છેલ્લા ઘણા સમયથી મૂડીબજારને ચગડોળે ચડાવી રહી હતી. આઇ.આઇ.એમ. જેવી બીજી ઘણી સંસ્થાઓમાં પાકતા તેજસ્વી વિદ્યાર્થીઓનો આ કંપનીઓને સૌથી મોટો ખપ અવનવા ગોરખધંધા શોધી કાઢવા અને તેને હેમખેમ ચલાવવા માટે હતો. એ જુદી વાત છે કે અમેરિકાના કાયદા પ્રમાણે એ ‘ગોરખધંધા’ ન હોવાથી કાનૂની રીતે એ ગુનો બનતો ન હતો, પણ તેની પાછળ રહેલી ટૂંકા ગાળામાં, જોખમ લઇને લાભ ખાટી લેવાની દાનતમાં તાત્ત્વિક રીતે લોભની સાથોસાથ થોડીઘણી ગુનાઇત વૃત્તિનું મિશ્રણ પણ હતું.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને તેમના ‘મૌલિકતા’થી છલકાતા ઉસ્તાદોએ શોધી કાઢેલું સફેદ છેતરપીંડીનું એક સાધન હતું: ‘ક્રેડિટ ડીફોલ્ટ સ્વેપ’. એના શબ્દોને બદલે એની કરામતનું ગુજરાતી કરીએ તોઃ લોન આપનાર કોઇ પણ સંસ્થાએ (બેન્કે) કાયદા પ્રમાણે પોતાની પાસે એટલું ભંડોળ રાખવું પડે કે જેથી લોન લેનાર પાર્ટી કોઇ પણ કારણસર હાથ ઉંચા કરી દે, તો પણ બેન્ક ઉઠી ન જાય. આ કાયદો લે-વેચ-દલાલી-સંશોધન-સલાહસૂચન જેવાં, ગ્રાહકોની ડીપોઝીટ ઉઘરાવવા સિવાયનાં કામ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને બહુ નડતો હતો. કેમ કે, તેના બંધનને કારણે આપેલી લોનની સામે અઢળક ભંડોળ તેમણે અનામત (રીઝર્વ) તરીકે રહેવા દેવું પડતું હતું. અબજો ડોલરની રકમ સાવ અનામત તરીકે પડી રહે, એ કયા વેપારીને ગમે?

એટલે, ઇન્વેસ્ટમેન્ટ બેન્ક જે.પી.મોર્ગનના કેટલાક તિકડમબાજોએ ૧૯૯૪માં નવું ‘સંશોધન’ કર્યું, જે એક રીતે અત્યારની મંદીનું મહત્ત્વનું કારણ બન્યું. તેમણે ગોઠવી કાઢ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ધારો કે એક પાર્ટીને ૧ કરોડ ડોલરની લોન આપે, તો એની સલામતી માટે અનામત ભંડોળ રહેવા દેવાને બદલે, એ લોનનો વીમો લઇ લે તો? વીમા કંપની ૧ કરોડ ડોલરની લોનને ‘સુરક્ષાછત્ર’ આપે, બદલામાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક તેને તગડું પ્રીમિયમ ચૂકવે. પણ સલામતી માટે અનામત ભંડોળ રાખવાની ઝંઝટ નાબૂદ થઇ જાય અને બેન્કમાં અનામત તરીકે ખડકાઇ રહેલાં અઢળક નાણાં બજારમાં લાવી શકાય.

પહેલી નજરે નિર્દોષ લાગતી આ યોજના ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ તરીકે ઓળખાઇ. તેનું બજાર ઊભું કરવા માટે જેપી મોર્ગને નામી સંસ્થાઓમાંથી સ્નાતકો રોક્યા. (એ વખતે આઇ.આઇ.એમ.ના સ્નાતકો માટે વોલસ્ટ્રીટ હજી દૂર હતી.) પરિણામે, થોડાં વર્ષમાં બજારમાં ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ની ઘૂમ મચી ગઇ.

પુષ્કળ ભંડોળ છૂટું થયું, એટલે ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને કોઇ પણ ભોગે એ ભંડોળ ધીરીને, ઉંચું વ્યાજ કમાવાની લ્હાય લાગી. એટલે તેમણે આંખી મીંચીને ધીરાણ શરૂ કર્યાં અને ‘એઆઇજી’ જેવી વીમા કંપનીઓ પાસે એ ધીરાણના વીમા લેવા માંડ્યા. વોરન બફેટ જેવા ખમતીધર અને શાણા રોકાણકારે ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ને ‘ફાઇનાન્શ્યલ વેપન્સ ફોર માસ ડીસ્ટ્રક્શન’ (સામુહિક સંહારનાં આર્થિક શસ્ત્રો) તરીકે યોગ્ય રીતે જ ઓળખાવ્યા હતા. કેમ કે, ‘ક્રેડિટ ડીફોલ્ટ સ્વેપ’નું પ્રમાણ સમય જતાં એટલું વધી ગયું કે ઇ.સ. ૨૦૦૦માં તેનો આંકડો ૧૦૦ અબજને વટાવી ગયો અને અંતે ૬૨ ટ્રિલિયન ડોલરે પહોંચ્યો! (એક ટ્રિલિયન બરાબર ૧ હજાર અબજ)

આટલું ઓછું હોય તેમ, અમુક ઇન્વેસ્ટમેન્ટ બેન્કોએ એવો નુસખો અપનાવ્યો કે જુદી જુદી કંપનીઓને આપેલી લોનનો સરવાળો કરીને તેના ભાગ પાડી દીધા. એમાંથી સૌથી જોખમી ૧૦ ટકા હિસ્સો અલગ કરીને, તેને ‘બ્રોડ ઇન્ડેક્સ સિક્યોરીટાઇઝ્ડ ટ્રસ્ટ ઓફરિંગ’ જેવા રૂપાળા નામે ખુલ્લા બજારમાં વેચી દીધો, જેની પર સરકારનું કોઇ નિયંત્રણ ન હતું. લોનની રકમોના જોખમને આવી અનેક અવનવી પદ્ધતિએ બજારમાં ફરતું કરી દઇને, તેના બદલામાં બેન્કો નફો ઉસેટતી રહી.

‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ના ઉપાડાનો ખ્યાલ એ હકીકત પરથી પણ આવશે કે ફક્ત ‘એઆઇજી’ જેવી એક કંપનીએ ૧૪ અબજ ડોલરની લોનના વીમા લીધા હતા. એ લોનમાંથી મોટા પાયે ઉલાળીયાં થતાં, ‘એઆઇજી’નું ઉઠમણું થવાનો વારો આવ્યો. પરંતુ અમેરિકન સરકારે તેને ખરીદીને તેનો ઉદ્ધાર કર્યો.

સરકારી કાયદાકાનૂનના હાઇવેથી ચીલો ચાતરીને ઊબડખાબડ રસ્તે કરોડો કમાવાના ચક્કર વિશે જાણ્યા પછી એ આટલાં વર્ષ કેવી રીતે હેમખેમ ચાલ્યું અને બજાર કેમ આટલું મોડું તૂટ્યું, એવો સવાલ ન થાય તો નવાઇ લાગે.

Saturday, October 18, 2008

અમેરિકાનું અર્થતંત્રઃ નિરંકુશ મૂડીવાદની ‘ટાઇટેનિક’

વિશ્વભરનાં અર્થતંત્રોને ઘુ્રજાવતી અમેરિકાની મહામંદીનાં કારણોની સાદીસરળ સમજૂતી

અમેરિકા આ સમયે ખરેખર તો તેના નવા પ્રમુખની ચૂંટણી વિશેના સમાચારોથી ચર્ચામાં હોવું જોઇએ. એને બદલે ૯/૧૧ના ત્રાસવાદી હુમલા પછી સર્જાયેલી સ્થિતિની કંઇક અંશે યાદ અપાવે, એવો માહોલ વર્તમાન અમેરિકામાં સર્જાયો છે. બન્ને સ્થિતિ વચ્ચેનો મુખ્ય ફરક એટલો કે આતંકવાદી હુમલો આકસ્મિક હતો, જ્યારે અર્થતંત્ર પર આવનારી આફતનાં કાળપગલાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી સંભળાતાં હતાં. છતાં તેને અટકાવી શકાઇ નહીં.

મંદીનું તાંડવ અટકાવવાનું શક્ય પણ ન હતું. કારણ કે, તેને જન્મ આપનારાં પરિબળો પોતાનું કામ કરી ચૂક્યાં હતાં. ‘લેસ ગવર્ન્મેન્ટ ઇઝ ગુડ ગવર્નન્સ’ (બજારમાં સરકારની દખલ જેટલી ઓછી એટલો વહીવટ વધારે સારો) - એવો રોનાલ્ડ રેગનના જમાનાથી અમલી બનેલો સિદ્ધાંત અને તેનો અતિરેક હાલની મંદી સર્જવા માટેનું મુખ્ય કારણ બન્યો.

મૂળીયાંમાં જ મોંકાણ

૧૯૮૦ના દાયકામાં રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં અર્થતંત્ર ‘કાઉબોય ઇકોનોમી’ (જોખમી અર્થતંત્ર) ન હતું. રેગન પહેલાંના શાસકો મૂડીવાદી જ હતા. છતાં, તેમનું સાદું કોઠાડહાપણ હતું: ‘પછેડી પ્રમાણે સોડ તાણવી એટલે કે કરવેરામાંથી જેટલી આવક હોય, એ પ્રમાણે જ ખર્ચ કરવો.’ રેગને આવીને ‘રેગનોમિક્સ’ કે ‘કાઉબોય કેપિટલિઝમ’ કહેવાતી નવી નીતિ દાખલ કરી. તેનો સાર હતો: ‘પહેલાં લાંબી સોડ તાણો એટલે આપણી પછેડી મોટી કરી આપનારા આપોઆપ મળી આવશે. કરવેરામાં આડેધડ ઘટાડો કરો. તેનાથી અર્થતંત્ર એવી તેજીમાં આવશે કે કરના ઘટાડાથી થનારૂં નુકસાન ભરપાઇ થઇ જશે.’

ગૃહિણી-ગણિતથી વિચારો: આવક ઘટે અને ખર્ચ ઘટે નહીં, એટલે શું થાય? ખાધ પડે. ઘરમાં નાના પાયે ખાધ પડે, તો અમેરિકા જેવા જંગી અર્થતંત્રમાં એના હિસાબે જંગી ખાધનું ગાબડું પડે. છતાં રેગનના રાજમાં અમેરિકાનું ગાડું જેટ ગતિએ ચાલી નીકળ્યું. વચ્ચે ડેમોક્રેટિક પક્ષના બિલ ક્લિન્ટને આડેધડ ટેક્સ ઘટાડા પર અંકુશ મુકીને આવક વધારી. એટલે અમેરિકાના અર્થતંત્રની ખાધ ઓછી થઇ, પણ બુશના રાજમાં પાછા ઠેરના ઠેર.

સવાલ એ થાય કે અર્થતંત્રના ચોપડે જમા કરતાં ઉધાર આટલી હદે વધી જાય, તો અર્થતંત્ર ભાંગી ન પડે? તાર્કિક રીતે વિચારતાં ભાંગી જ પડવું જોઇએ, પણ અમેરિકામાં તત્કાળ એવું ન બન્યું. કેમ કે, દુનિયાની નજરમાં અમેરિકા અને તેના આક્રમક મૂડીવાદનાં માનપાન બહુ ઉંચાં હતાં. એટલે દુનિયાભરના દેશો પોતાની કમાણીને અમેરિકામાં રોકતા હતા. એટલે અમેરિકાના પોતાના અર્થતંત્રમાં પડતું ગાબડું બીજા દેશોમાંથી આવતા રોકાણોના નક્કર માલથી પુરાઇ જતું હતું. એટલે અમેરિકાના નેતાઓને લાગતું હતું કે ‘ગમે તેટલી ખાધ હોય, પણ આપણી વિકાસની ગાડી ચોથા ગીયરમાં ચાલે છે ને! પછી શી ચિંતા?’

પરદેશી રોકાણના ખીલે કૂદતા રેગન-તંત્ર ફક્ત કરવેરા ઘટાડીને - અને ખાધ વધારીને - બેસી રહ્યું નહીં. તેનું બીજું પગલું નાણાંકીય સંસ્થાઓ પરથી અંકુશો હટાવી લેવાનું હતું. ૧૯૨૯ની મહામંદી પછી તકેદારીનાં પગલાં રૂપે પસાર કરવામાં આવેલા કેટલાક કાયદા રેગન સરકારે નાબૂદ કરી દીધા. એના કારણે કમર્શિયલ બેન્ક અને ઇન્વેસ્ટમેન્ટ બેન્ક વચ્ચેનો તફાવત મટી ગયો. ઉંચાં જોખમ લઇને આક્રમક ધંધા કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને ગ્રાહકોની ડીપોઝીટ પર નિયમસર ચાલતી (આપણી નેશનલાઇઝ્ડ બેન્ક જેવી) કમર્શિયલ બેન્કોને ની સમકક્ષ દરજ્જો આપી દીધો. એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને તેમની અવનવી તિકડમબાજીઓ પરના અંકુશ સાવ હળવા કરી નાખ્યા. ઇન્વેસ્ટમેન્ટ બેન્કના ભેજાબાજ ખેલાડીઓએ તેનો ભરપૂર લાભ લઇને બેન્કનો નફો અનેક ગણો વધારવા માટે અવનવી તરકીબો અપનાવી. તેના વિશે વઘુ વાત કરતાં પહેલાં, અત્યારની મંદીના પૂર્વાધ જેવી ‘સબપ્રાઇમ ક્રાઇસિસ’ની પ્રાથમિક જાણકારી જરૂરી છે.

સબપ્રાઇમ એટલે?

‘સ્ટાન્ડર્ડ’ (ધોરણસરનું) ન હોય એ ‘સબસ્ટાન્ડર્ડ’ કહેવાય છે. એ જ રીતે, લોન મેળવવા માટેના ‘પ્રાઇમ’ (મુખ્ય) માપદંડમાં એક યા બીજા કારણસર ‘નાપાસ’ થનારા લોકોને થતું ધીરાણ ‘સબપ્રાઇમ’ કહેવાય છે. દેણદાર તરીકે જેનો રેકોર્ડ સારો ન હોય, ભૂતકાળમાં લોન ચૂકવવામાં અખાડા કર્યા હોય અથવા લોન માટે જરૂરી શરતો તે પૂરી કરતો ન હોય- ટૂંકમાં જે ગ્રાહકને લોન આપવામાં જોખમ છે એ જાણ્યા પછી પણ જોખમ વેઠીને તેને લોન આપવી એ ‘સબપ્રાઇમ લેન્ડિંગ’ કહેવાય છે.

નવાઇ લાગે એવી વાત એ છે કે આખા અમેરિકામાં ઉધારી માટેનાં ‘સબપ્રાઇમ’ ધોરણોની કોઇ એક ચોક્કસ વ્યાખ્યા નથી. જુદી જુદી સંસ્થાઓ ગ્રાહકના ક્રેડિટ પોઇન્ટ નક્કી કરે છે. તેમાં નક્કી થયેલા પોઇન્ટથી ઓછા પોઇન્ટ ધરાવતા ગ્રાહકો ‘સબપ્રાઇમ’ કક્ષામાં આવે છે.

સબપ્રાઇમ લોન ઘરની અવેજીમાં (મોર્ગેજ), વાહન કે ક્રેડીટ કાર્ડ ખરીદવા સહિત ઘણા હેતુ માટે આપવામાં આવે છે. લોનની સામે જામીન તરીકે રખાતી મિલકતની રકમને સિક્યોરિટીમાં ફેરવીને, તેને બીજા તબક્કાના (સેકન્ડરી) મોર્ગેજ માર્કેટમાં વેચવામાં આવે છે.

સેકન્ડરી મોર્ગેજ માર્કેટ : લોન-બાજીનું ચક્કર

ઉધારીના ચક્કરની પહેલી કડી બેન્ક હોય, તો બીજી કડી છે કેટલીક સરકાર દ્વારા પ્રાયોજિત (ગવર્ન્મેન્ટ સ્પોન્સર્ડ) સંસ્થાઓ. એવી બે મોટી સંસ્થાઓ છે: ‘ફેડરલ નેશલન મોર્ગેજ એસોસિએશન’ (ફેની મેઇ) અને ‘ફેડરલ હોમ લોન મોર્ગેજ કોર્પોરેશન’ (ફ્રેડી મેક).

લોન આપવા ઇચ્છતી નાણાંકીય સંસ્થાઓ (બેન્કો) લોનના છૂટક વ્યક્તિગત આંકડાને બદલે, એક મોટી રકમનો આંકડો નક્કી કરે છે. એ રકમ પોતાની મિલકત ગીરવી મુકનારા લોકોને લોન પેટે અપાવાની હોવાથી, તેને ‘ગીરવી રાખેલી મિલકત સામે ઉધારી’ તરીકે ગણવામાં આવે છે. ટેકનિકલ પરિભાષામાં તેનું નામ છે ઃ ‘કોલેટરાઇઝ્ડ ડેટ ઓબ્લિગેશન.’ એ રકમની કિંમતની સિક્યોરિટી (નાણાંકીય માન્યતા ધરાવતાં ‘કાગળીયાં’) ફેની મેઇ અને ફ્રેડી મેક જેવી સંસ્થાઓ ખરીદે છે. બદલામાં તે બેન્કને રોકડ રકમ ચૂકવે છે. બેન્કો એ રકમને હોમલોન તરીકે આપે છે અને લોન ભરપાઇ ન થાય ત્યાં લગી એ ઘર બેન્ક પાસે ગીરવી રહે છે.

‘સિક્યોરિટી’નાં કાગળીયાં ખરીદ્યા પછી ફ્રેડી મેક તેને શું કરે છે? જવાબ છેઃ એ ‘કાગળીયાં’ના શેરની જેમ ખુલ્લા બજારમાં સોદા થાય છે. સ્થાનિક રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો ઉપરાંત અમેરિકાના અર્થતંત્રથી અંજાયેલા અને તેમાં રોકાણ કરવા ઉત્સુક પરદેશી રોકાણકારો પણ એ કાગળીયાં રોકડેથી ખરીદે છે. આ રીતે મળેલાં નાણાંનો ઉપયોગ ફ્રેડી મેક બેન્કો પાસેથી વઘુ સિક્યોરિટી ખરીદવામાં કરે છે. એટલે સિક્યોરિટી વેચનાર બેન્કોને વઘુ ને વઘુ નાણાં મળ્યા કરે છે, જેના જોરે તે બે હાથે લોન લુંટાવે છે. આ માયાજાળમાં લોન આપવા માટેની હરીફાઇનું તત્ત્વ ઉમેરાતાં લોન માટેની લાયકાતનાં ધોરણોમાં ભયાનક હદે બાંધછોડ થાય છે. બીજી તરફ, સિક્યોરિટીનાં રેટિંગ આપવાનું, એ ખરીદવાનું અને વેચવાનું- એમ ત્રણે કામ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો પર સરકારની ભાગ્યે જ કશી દેખરેખ હોય છે. એટલે ‘ગાંધી-વૈદ્યનું સહિયારૂં’ જેવો ઘાટ થાય છે.

આખી કડીમાં સરકારી હોવાની (ખોટી) છાપ ધરાવતાં અને સિક્યોરીટીની સલામતી અંગે લોકોના મનમાં ખોટી ધરપત પેદા કરતાં ફેની મેઇ અને ફ્રેડી મેક ધરખમ તંત્રો છે. અમેરિકાના ૧૨ ટ્રિલીયન ડોલરના મોર્ગેજ માર્કેટમાંથી અડધીઅડધ સિક્યોરિટી ફ્રેની મેઇ અને ફ્રેડી મેકની માલિકીની છે અથવા તેમણે એની પર બાંહેધરી આપેલી છે. (૧ ટ્રિલીયન એટલે ૧ની ઉપર ૧૨ મીંડાં)

ચક્કર શી રીતે ખોટકાય છે?

આગળ જણાવેલી નાણાંનો વરસાદ કરતી આખી વ્યવસ્થામાં આખો નાચ શાની પર છે? તેનો ટૂંકો ટચ જવાબ છેઃ લોન લેનારે ગીરવે મુકેલી મિલકત પર. ગ્રાહક બદલાતા વ્યાજવાળી લોનના હપ્તા નિયમસર ચૂકવે, ત્યાં સુધી બહુ વાંધો આવતો નથી. પણ ઘરની લોનો બે હાથે મળતી થાય, એટલે ઘર ઊભાં કરવાના બજારમાં તેજી આવે. થોડા વખતમાં ઘરની માગ કરતાં પુરવઠો વધી જાય, એટલે ફરી ઘરની કિંમતો બેસી જાય. એવું જ ૯/૧૧ પછીના સમયગાળામાં બન્યું. ઘરની કિંમતો નીચી ગઇ અને લોન પર વ્યાજના દર વધવા લાગ્યા, એટલે લોન ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરનારા ગ્રાહકોનું પ્રમાણ વધવા લાગ્યું. અગાઉ જણાવ્યું તેમ, સિક્યોરિટીના આખા બજારમાં એકમાત્ર નક્કર તત્ત્વ ગ્રાહકનું ઘર હોય અને એની જ કિંમત તળીયે જાય, એટલે બજાર પર તેની અસર જણાયા વિના રહે?

દેણદારો હાથ ઉંચા કરવા લાગ્યા, એટલે મોટા ઉપાડે લોન આપીને બેસી ગયેલી નાણાંકીય સંસ્થાઓને વસમું પડવા લાગ્યું. લોન આપનાર બેન્કો અને સંસ્થાઓની હાલત ખરાબ થઇ, એટલે સેકન્ડરી મોર્ગેજ માર્કેટમાં સિક્યોરીટીનો સટ્ટો કરતી ‘બેર સ્ટર્ન્સ’ જેવી કંપનીનાં પાટિયાં પડી ગયાં. પણ અમેરિકન સરકારના નાણાંખાતાએ વચ્ચે પડીને એવું ગોઠવ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ‘જેપી મોર્ગન’ ‘બેર સ્ટર્ન્સ’ને ખરીદી લે. ત્યાર પછી ‘લેહમેન બ્રધર્સ’ જેવી મસમોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કનો વારો આવ્યો. તેને કોઇ પણ જાતની મદદ ન મળતાં, ૧૯૨૯ની મંદીમાં ઉગરી ગયેલી ‘લેહમેન બ્રધર્સ’ને ૨૦૦૮માં દેવાળું ફુંકવું પડ્યું. ફેની મેઇ અને ફ્રેડી મેકમાં કડાકા બોલ્યા. એ ઉઠી જાય તો હાહાકાર મચી જાય. એટલે સરકારે તેમને પોતાના તાબા હેઠળ લઇ લીધાં. સિક્યોરિટીની જ રમતમાં પોતાના અને ગ્રાહકોના કરોડો ગુમાવનાર પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બેન્ક મેરિલ લિન્ચનું દેવાળું ન નીકળે, એ માટે સરકારે દરમિયાનગીરી કરી. પરિણામે, બેન્ક ઓફ અમેરિકાએ ‘મેરિલ લિન્ચ’ ખરીદી લીધી.

સરકારના અંકુશ વગર, લોનની આંધળી હરિફાઇ અને સિક્યોરિટીની સટ્ટાબાજીમાં ખોખલા થઇ ગયેલા અર્થતંત્રના નોંધપાત્ર હિસ્સાને નાદારીમાંથી બહાર કાઢવા અમેરિકાની સરકારે ૭૦૦ અબજ ડોલરની મદદ આપવાનું નક્કી કર્યું છે. અમેરિકાના બન્ને પક્ષોએ આ મદદને મંજૂરી આપી દીધી છે. પરંતુ એ રકમ મલ્ટીપલ ફ્રેક્ચર ધરાવતા અર્થતંત્રને ફરી ‘વન પીસ’ બનાવવા માટેની છે. એક વાર ‘વન પીસ’ બની ગયા પછી પણ હવે અમેરિકાના ‘કાઉબોય કેપિટાલિઝમ’ની પ્રચંડ તાકાત ભૂતકાળ બની જશે, એવું અત્યારે સ્પષ્ટપણે લાગે છે. અર્થતંત્રના કાંટાને અવળા ફેરવીને રેગન પહેલાંના સમયમાં લઇ જવામાં આવે, એ જ આ મહામંદીનો બોધ અને તકાદો છે.

Thursday, October 16, 2008

આગે હૈ કાતિલ મેરા, ઔર મેં પીછે પીછે

ઓબામા અને મિક્કેઇન (કે મેક્કેન)ની આ તસવીર ‘ડેઇલી મેઇલ’માંથી સાભાર અહીં મુકી છે- ખાસ તો આ ફોટોલાઇન માટે! એ સિવાય અમેરિકાના રાજકારણની ચર્ચા કરવાનું ખાસ કંઇ પ્રયોજન નથી.

એક સાવ આડવાત લખી દઊં: હું મણિનગર રેલવે સ્ટેશન પર જે પાર્કંિગમાં સ્કૂટર મુકું છું, ત્યાં એક છોકરાનો ચહેરો જોઇને મને થાય કે ‘આ ભાઇને બહુ જોયા છે, પણ યાદ આવતું નથી.’ પછી મને બત્તી થઇ કે એનો ચહેરો ઓબામા સાથે ઘણું સામ્ય ધરાવે છે. (એનાથી કશું સાબીત નથી થતું. બે ઘડી મોજ.)

Wednesday, October 15, 2008

‘Civil-military co-operation’ sort of…


A train carrying more than 20 tanks rested at Mahemdavad railway station, just in the way of hoards of daily passengers few days back. It created some intersting situations like 'civilians' casually crossing the tank-train, as if it was loaded with any other good.

શાંતિની ઝંખના કરતી કવિતાઓમાં કવિઓએ ઘણી વાર ટેન્ક પર માથું ટેકવીને નિરાંતે સુઇ જવાની કે ટેન્કના નાળચામાં માળો બાંધતા કબૂતરોની વાત કરી છે. પણ સામાન્ય સંજોગોમાં ટેન્ક યુદ્ધના મેદાનમાં અને આમજનતા માટે ક્યારેક પ્રદર્શન મેદાનમાં દૂરથી જોવાની ચીજ છે. તેને અડીને, તેને વળોટીને પસાર થવાનું બને, એવું તો કોઇ યુદ્ધગ્રસ્ત મુલકમાં જ શક્ય બને.

બે-ત્રણ દિવસ પહેલાં સાંજે વીસથી પણ વઘુ ટેન્ક ધરાવતી ગુડ્સ ટ્રેન મહેમદાવાદ રેલવે સ્ટેશને આવીને એવી સાઇડ પર ઊભી હતી કે સાંજની ટ્રેનોમાં મહેમદાવાદ પાછા ઠલવાતા લોકોને ‘ટેન્ક-ટ્રેન’ વટાવીને જ જવું પડે. પ્લેટફોર્મ પરથી ટેન્ક-ટ્રેન પર અને ત્યાંથી કૂદકો મારીને નીચે આવ્યા પછી મને કેટલાંક રસ પડે એવાં દૃશ્યો જોવા મળ્યાં: પરિવારો, મહિલાઓ, બાળકો ટેન્ક જેવી હિંસક લશ્કરી ચીજને ગણકાર્યા વિના અથવા માત્ર સહેજ કુતૂહલથી જોઇને, તેને વટાવીને પોતપોતાના રસ્તે પડી રહ્યાં હતાં. રાત્રે લાઇટિંગનો પ્રશ્ન અને ફ્લેશની મર્યાદોન કારણે તસવીરો જોઇએ એવી આવી નથી. છતાં બે નમૂના અહીં થોડા સુધારીને મુક્યા છે.

Tuesday, October 14, 2008

OTOI : Orphaned Times of India

It's a long drive indeed.
From 'Rajdroh' (sedition) charges to 'Rajbhakti' (singing praise of the ruler) , Times of India (Ahmedabad) has coverd much distance- almost equivalent to that from Singur to Sanand- by boarding Nano. Not the 'people's car' Nano. It's Nano bandwagon, stupid!
Euphoric coverage of Nano apart, the most amusing thing TOI did was to declare Nano as orphaned. On the very first day, its headline screamed : 'Orphaned' Nano finds home in Gujarat. (7-10-08) The story quoted Ratan Tata's expression for Nano ('an orphan without home') to justify the headline. In vain.
Same day, 'The Economic Times' carried an interview of Tata with the headline : We are not orphans out to get a home: Ratan Tata (7-10-08)
Bachi Karkaria, one of TOI's esteemed Sunday columnists, noted in her column : "Mr Tata has pointedly corrected the media misconception that Nano was headed for the automobile orphanage before the benevolent Mr Modi so kindly drove off with it. " (12-10-08)
Still, TOI repeated same adjective in today's front page story : 'Cradle of music gets orphan Nano' (14-10-08) - this time without inverted signs for 'orphan'.
Just Google the terms 'orphan nano' and you get only 2 relevant entries! Both from TOI.
Even after Tata's specific statement, Why TOI is so much intersted in declaring Nano 'orphaned' repeatedly?
Point taken that Mr.Modi is a saviour!
What Next? Chharodi Sarpanch as guest editor of TOI?
PS : Nano & orphan? no way. It was a rich 'tyakataa' (the lady with a fat purse, deserted by husband) at the most.

Monday, October 13, 2008

નાનો- પુરાણ

નોંધ ૧: ગુજરાતમાં ‘નાનો’ પ્લાન્ટ સ્થપાવાની જાહેરાત થઇ એકાદ-બે મહિના પહેલાં (‘નાનો’ માટે ગુજરાત હોડમાં ન હતું ત્યારે) મંગળવારની કોલમ ‘દૃષ્ટિકોણ’માં સિંગુર વિવાદની બીજી બાજુ રજૂ કરતા થોડા મુદ્દા લખ્યા હતા. એ અહીં લેખના પ્રારંભે ફરી મુકું છું, જેથી ખ્યાલ આવે કે તાતા ગુજરાત પર અમસ્તા મોહાયા નહીં હોય. કેમ કે, બંગાળમાં સવાલ તાતા કહે છે તેમ ફક્ત તેમના કામદારો કે પ્લાન્ટની સલામતીનો નહીં, એથી પણ કંઇક વધારે- આર્થિક વળતરના મુદ્દાનો પણ- હતો.
નોંધ ૨: ફુદડી પછીનું લખાણ, મંગળવારે સવારે ગુજરાતમાં ‘નાનો’ની સવારીનું નક્કી થઇ ગયા પછી અને સત્તાવાર જાહેરાતના થોડા કલાક પહેલાં લખાયેલું છે. એ ત્વરિત પ્રતિક્રિયા સ્વરૂપનું હોવાથી, વિગતે ચર્ચવાલાયક ઘણા મુદ્દા તેમાં જોવા નહીં મળે. એ માટે હજુ થોડી રાહ જુઓ.
નોંધ ૩: જૂના વખતમાં ગામના દરબારના છોકરાના વરઘોડામાં જ્ઞાતિવિશેષના કેટલાક લોકો જેમ કોઇ લેવાદેવા વિના નાચતા-કૂદતા-મહાલતા હોય, એવું જ કંઇક ‘નાનો’ના મામલે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નું થયું છે. થોડા મહિના પહેલાં અમદાવાદના પોલીસ કમિશનરે તેની પર (સામાન્ય સંજોગોમાં પોતાના ઉપરી અધિકારીઓની પરવાનગીથી જ થઇ શકે એવા) રાજદ્રોહના સંખ્યાબંધ કેસ કર્યા હતા. એ કેસનું શું થયું એ પૂછવું નહીં. હવે ‘ટાઇમ્સ’ રોજેરોજ ‘નાનો’ પ્રોજેક્ટની અને ખાસ તો એ નિમિત્તે ‘મેગા’ મુખ્ય મંત્રીની આરાધના કરી રહ્યું છે. આટલી બેશરમી માટે પણ જિગર અથવા ભારે મજબૂરી જોઇએ. ‘ટાઇમ્સ’ના કિસ્સામાં આ બેમાંથી કયું પરિબળ કામ કરે છે, એ કહી શકે એવા અનેક સક્ષમ મિત્રો ‘ટાઇમ્સ’માં અને અન્યત્ર કાર્યરત છે. (આપણા રીસ્પોન્સમાં ‘એનોનીમસ’ની વ્યવસ્થા છે, એ સહેજ યાદી પૂરતું!)
નોંધ ૪: ગ્રીક મૂળ ધરાવતા અંગ્રેજી શબ્દ nano ડિક્શનેરીમાં દર્શાવેલો ઉચ્ચાર ‘નાનો’ હોવાથી, અહીં એ કાર માટે ‘નાનો’ શબ્દ વાપર્યો છે. ‘આઇ પોડ’નું ઓછી ક્ષમતા ધરાવતું મોડેલ ‘નાનો’ તરીકે જ ઓળખાય છે. તેમ છતાં, ભવિષ્યમાં ‘નાનો’ને બદલે ‘નેનો’ બ્રાન્ડ નેમ બની જાય, તો એમ રાખીશું. એ બહુ મોટો કે અગત્યનો મામલો નથી.
મમતા બેનરજી સિંગુર પ્લાન્ટ માટે રાજ્ય સરકારે એક્વાયર કરેલી ખેડૂતોની ૪૦૦ એકર જમીન પાછી માગી રહ્યાં છે. તે ઇચ્છે છે કે એક વાર રાજ્ય સરકાર જમીન મૂળ માલિકોને પરત કરે, પછી તે જમીન અંગે નવેસરથી વાટાઘાટો થાય. તેમનું આંદોલન પોતાના રાજકીય લાભાર્થે ખરૂં, પણ તેમણે ઉપાડેલો મુદ્દો સ્થાનિક લોકોના હિતનો છે. એટલે, તેમને આટલો ટેકો મળ્યો છે. વાસ્તવમાં, તેમણે સિંગુરના ખેડૂતોના અસંતોષને જ મોટા અને પોતાના ફાયદાના રાજકીય આંદોલનનું સ્વરૂપ આપ્યું છે.

આંદોલનના સ્વરૂપ, તેની વ્યૂહરચના કે ટાઇમિંગની ટીકા થઇ શકે, પણ તેના કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો મહત્ત્વનો છે, જે રતન ટાટા અને નેનો પ્રત્યેના આદરભાવ-અહોભાવમાં વિસરાઇ જાય છે. રતન ટાટાને ‘નેનો’ની ફેક્ટરી માટે જમીન આપવી હોય, તો રાજ્ય સરકાર ખુશીથી આપે. લોકોની જમીન એક્વાયર કરીને આપવી હોય તો પણ આપે. પરંતુ એ જમીનનું માલિકને યોગ્ય વળતર મળવું જોઇએ કે નહીં?

મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જમીનોની જરૂર પડવાની જ છે. ખેડૂતો કે તેમના નેતાઓ ગમે તેટલો વિરોધ કરે, પણ સેઝ અને ઔદ્યોગિકરણના ધસમસતા પ્રવાહમાં તેમનો વિરોધ ટકે એમ નથી. એ મુદ્દે મેધા પાટકર જેવું વલણ અખત્યાર કરીને નવા પ્રોજેક્ટનો સદંતર વિરોધ કરવો, એ આદર્શવાદી સ્થિતિ હોઇ શકે- વ્યવહારૂ નહીં. આ સ્થિતિમાં ખેડૂતો પાસેથી તેમની જમીન સરકારી ભાવે પડાવી લેવી, એ જુલમ કહેવાય. આજીવીકાના મુખ્ય - ઘણા કિસ્સામાં એકમાત્ર- આધાર જેવી જમીનનો બજારભાવ મળે, એ તો લધુતમ જરૂરિયાત ગણાય.

સરકારે ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને મૂડીરોકાણ માટે આપવી હોય તો તેણે પણ બજારભાવ ચૂકવવો રહ્યો. એમ કરવામાં ટેકનિકલ પ્રશ્નો હોય તો ઉદ્યોગપતિઓ સરકાર પાસેથી જમીન એક્વાયર કરાવવાને બદલે પોતે જ બજારભાવ અને બીજી શરતોએ ખેડૂતો પાસેથી જમીન મેળવી શકે- જેવું ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના કિસ્સામાં બન્યું.

રતન ટાટાએ પત્રકાર પરિષદમાં અસંતોષ વ્યક્ત કર્યો અને મોટા ભાગના લોકોએ તેમના સૂરમાં સૂર પુરાવ્યો, ત્યારે એક સૂર જરા અલગ નીકળ્યો. એ સૂર હતો ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના સજ્જન જિંદાલનો. પશ્ચિમ બંગાળમાં મૂડી રોકનારા ઉદ્યોગપતિઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા જિંદાલે કહ્યું હતું,‘(ટાટાની જગ્યાએ) હું હોત, તો મેં ખેડૂતોને નજીકમાં ક્યાંક તેમની જમીનથી બમણી જમીન વળતર તરીકે આપીને તેમને રાજી કરી લીધા હોત. હું ખેડૂતનો છોકરો છું. એટલે તેમની લાગણી સમજી શકું છું.’

જિંદાલ-ટાટાના વ્યાવસાયિક સંબંધો જે હોય તો, પણ નક્કર હકીકત એ છે કે પશ્ચિમ બંગાળમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપનાર જિંદાલે ખેડૂતોને અફલાતુન વળતર આપ્યું છે. જિંદાલને પ્રોજેક્ટ માટે ૪,૮૦૦ એકર જમીનની જરૂર હતી. તેમાંથી ૯૦ ટકા જમીન સરકારી માલિકીની હોવાથી તેમાં કોઇ પ્રશ્ન ન હતો. પણ બાકીની ૧૦ ટકા (આશરે ૪૮૦ એકર) જમીન માટે જિંદાલે જમીનમાલિકોને નવા પ્લાન્ટમાં રોજગારી, રોકડ રકમ, જીવન વીમો અને કંપનીના શેર મફત આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ આપેલા વચન પ્રમાણે, જમીનની બજારકિંમતની અડધી રકમ રોકડેથી ચૂકવવામાં આવશે અને બાકીની અડધી રકમ વીમા યોજનામાં રોકવામાં આવશે. એ સિવાય જમીનની કિંમત જેટલી કિંમતના કંપનીના શેર પણ જમીનમાલિકોને આપવાની જિંદાલે જાહેરાત કરી છે. આ યોજના ધારણા પ્રમાણે કાર્યરત બને, તો વળતરના મુદ્દે તે નવા માપદંડ સ્થાપી શકે છે.

સિંગુર વિવાદમાં સાદી વાત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની હતી, પણ હવે તેમાં પેચીદું રાજકારણ ભળતાં ઉકેલ હાથવેંતમાં દેખાતો નથી. ધારો કે બંગાળને ‘નેનો’ પ્લાન્ટ ગુમાવવાનો વારો આવે, તો તેમાં મમતા બેનરજીના માથે માછલાં ધોવાની સાથોસાથ રાજ્ય સરકાર અને રતન ટાટાની ભૂમિકાનો તથા જમીનના ભાવ અને વળતરનો મુદ્દો પણ વિચારવો રહ્યો.
***********
સિંગુરમાં મમતા બેનરજીના વિરોધવાવટાથી કંટાળીને તાતાએ ‘નાનો’ કારના પ્લાન્ટના વાવટા સંકેલ્યા, તેના મહિનાઓ પહેલાંથી ઘણાં રાજ્યો એ પ્લાન્ટ મેળવવા થનગની રહ્યાં હતાં. તાતાને તેમનો ઇશારો જાહેર અને સ્પષ્ટ હતો,‘ત્યાં આટલો બધો વિરોધ થાય છે, તો પણ શા માટે પડી રહો છો? આવી જાવ અમારે ત્યાં. અમે તમને માગો એટલી જમીન અને જોઇએ એવી સુવિધા આપીશું. અમારા રાજ્યમાં લાલ જાજમ પાથરીને તમારૂં સ્વાગત થશે.’

છૂટાછેડા થવા બાકી હોય એવી મહિલા સમક્ષ મુકાયેલા લગ્નપ્રસ્તાવની જેમ, સિંગુરમાં વિવાદ અને વાટાઘાટો ચાલતાં હતાં ત્યારે પંજાબ-હરિયાણાએ ‘નાનો’ પ્લાન્ટ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી. ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ જેવાં રાજ્યો પણ લાઇનમાં લગભગ હારોહાર હતાં. રતન તાતાની સ્થિતિ ધર્મસ્થાનમાં પંડા કે ગાઇડથી ઘેરાઇ જતા યાત્રાળુ જેવી થઇ. પણ રતન તાતા ભોળાભાવિક યાત્રાળુ નથી, પાકા બિઝનેસમેન છે. અને શા માટે ન હોય? ‘નાનો’ પ્લાન્ટ એમના માટે કરોડો રૂપિયાનો (જાહેરાત પ્રમાણે, ૧,૫૦૦ કરોડ રૂ.નો) પ્રોજેક્ટ છે. તેના માટે લાળ ટપકાવતાં રાજ્યો ભલે ‘નાનો’ થકી મળનારો રોકડીયો લાભ અને ઉછીનો જશ ખાટવા તલપાપડ હોય, પણ તાતા જેવા બિઝનેસમેન એ જશ મફતમાં ખાટવા દે એમ નથી.

આ લખાય છે ત્યારે ‘નાનો’ પ્લાન્ટ ગુજરાતમાં આવશે એ લગભગ નક્કી થઇ ગયું છે. સત્તાવાર ઉત્સવનો માહોલ છે. ‘નાનો’ જેવો પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ જે રાજ્યમાં ગયો હોત, ત્યાં આવી જ ઉજવણીનો માહોલ હોત. કારણ કે, તેનાથી વાસ્તવિક ફાયદો તો છે જ. પણ એથી અનેક ગણો મોટો ફાયદો રાજકીય છે. ‘નાનો’ જેવી જગવિખ્યાત કાર પોતાના રાજ્યમાં બને, તેનાથી પ્રજાનો મોટો સમુહ ‘ફીલગુડ’ની લાગણી અનુભવે છે, જે સરકાર માટે બહુ ગુણકારી છે. પ્રસાર માઘ્યમો એ લાગણીને મરીમસાલેદાર અહેવાલોથી ઓર બહેકાવે છે

નાનો’ જેવા પ્રોજેક્ટને વગર વિચાર્યે ‘ગરીબવિરોધી’ કે ‘ખેડૂતવિરોધી’ તરીકે ઉતારી પાડવાનું વલણ જડતા કહેવાય. આવા પ્રોજેક્ટ રાજ્યની વ્યાવસાયિક સજ્જતા માટે ‘શો પીસ’નું કામ કરતા હોય છે. તેમના થકી બીજા રોકાણકારો રાજ્ય તરફ આકર્ષાય અને યોગ્ય ધારાધોરણોને આધીન, સામાન્ય પ્રજાનું હિત જોખમાવ્યા વિના રાજ્યમાં રોકાણ કરે, તે સૌના ફાયદાની વાત છે. ચિંતા ત્યારે થાય, જ્યારે રાજનેતાઓ મોટા ઉદ્યોગપતિઓને ખિસ્સામાં રાખવા માંડે અથવા ખુદ એમના ખિસ્સામાં રહેવા માંડે. બન્ને સ્થિતિનાં જોખમ સરખાં છે.

રાજ્યમાં મોટા ઉદ્યોગ સ્થપાય એ બેશક સારૂં લક્ષણ છે. સ્થિર શાસન, માળખાકીય સુવિધાઓ, પ્રજાકીય સહકાર જેવાં ઘણાં કારણ એ માટે જવાબદાર હોય છે. યાદ રાખવા જેવી બાબત એટલી જ કે ફક્ત મોટા ઉદ્યોગોને આકર્ષવામાં સુશાસન સમાઇ જતું નથી. તેના બીજા તકાદા પણ હોય છે, જેને મોટા ઉદ્યોગોરૂપી રેશમી જાજમની તળે સંતાડી શકાય નહીં. ‘નાનો’ પ્લાન્ટના આગમન અંગે ખુશાલી વ્યક્ત કર્યા પછી, તેને કોઇ મલ્ટીસ્ટાર ફિલ્મના પ્રચારની જેમ કેવળ ‘હેઇસો હેઇસો’થી ગજવી મારવાને બદલે, શાંત ચિત્તે કેટલાક મુદ્દા યાદ રાખવા જેવા છે.
દૂધમાં સાકરઃ પારસીઓની કંઇ પણ વાત આવે એટલે અચૂકપણે સંજાણ બંદર અને દૂધમાં સાકરનો સદીઓ પુરાણો પ્રસંગ યાદ કરવામાં આવે છે. એ જ તરાહ પર રતન તાતાના ગુજરાતપ્રેમની વાતોમાં મનગમતો મસાલો ઉમેરતી વખતે એ યાદ રહે કે છેક મે,૨૦૦૬માં ‘નાનો’ પ્રોજેક્ટ માટે તાતાએ ગુજરાતની નહીં, પણ પશ્ચિમ બંગાળના સિંગુરની પસંદગી કરી હતી. દૂધમાં સાકરની કથાઓ ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તક માટે ઠીક છે, પણ રતન તાતા જેવા બિઝનેસમેન માટે તેનું શું મહત્ત્વ હોય? તેમના માટે આખો દેશ - હવે તો આખું વિશ્વ- પોતાનું મેદાન છે. તાતા ગુજરાતી ખરા, પણ ‘ગુજરાતની અસ્મિતા’ જેવા રાજકીય એજેન્ડા સાથે તેમને શી લેવાદેવા? તેમનાં તોતિંગ રોકાણ બંગાળમાં પણ હોય ને કર્ણાટકમાં પણ હોય, આસામમાં હોય ને ગુજરાતમાં પણ હોય.
તાતાના પૂર્વજ જમશેદજી તાતાનું સાણંદ કનેક્શનઃ ‘નાનો’ પ્લાન્ટની સાઇટ માટે સાણંદ નજીકની જમીન વિશે ચર્ચા થતાં ઉત્સાહીઓએ એવું શોધી કાઢ્યું કે ત્યાં વર્ષો પહેલાં તાતાના પૂર્વજ જમશેદજી તાતાએ દાન આપ્યું હતું. એટલે હવે તાતાને સત્કર્મનું ફળ મળી રહ્યું છે! હકીકતમાં, જમશેદજી એવા દાનવીર હતા કે તેમનાં દાનની ધારા આખા ભારતમાં વહેતી જોવા મળે. ‘નાનો’ પ્લાન્ટ માટે કર્ણાટક રાજ્યની ઉમેદવારી પ્રબળ ગણાતી હતી, ત્યારે ત્યાં પણ આ જ પ્રકારની વાત વહેતી થઇ હતીઃ જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ વચ્ચે ૧૮૯૩માં થયેલા આકસ્મિક મુલાકાત પછી, તાતાએ મૈસૂર રાજ્ય (હાલ કર્ણાટક)માં એક સંશોધન સંસ્થા સ્થાપવા માટે દાન આપ્યું હતું. મૈસૂરના મહારાજાએ તેના માટે જમીન પૂરી પાડી અને એ રીતે ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સીસ’ની સ્થાપના થઇ. આ હકીકત ચગાવીને કર્ણાટકમાં કેટલાક લોકોએ પણ તાતા સાથે ૧૦૦ વર્ષ જૂના કનેક્શનનો દાવો કર્યો હતો. પરંતુ અગાઉ કહ્યું તેમ, ધંધાની વાત આવે ત્યારે આ બધાં ભૂતકાળનાં કનેક્શનનું ભાગ્યે જ કંઇ મહત્ત્વ હોય છે. તેમાં વર્તમાન વ્યવસ્થા અને સુવિધા સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
‘નાનો’ પ્લાન્ટ, મોટો રાજકીય ફાયદોઃ ઉદ્યોગપતિઓને પોતાના પ્લાન્ટ ક્યાંક તો સ્થાપવાના જ હોય છે. છતાં, સંબંધિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ તેમાંથી શક્ય એટલો રાજકીય માઇલેજ મેળવીને, પોતાની નેતાગીરીના તેજવર્તુળમાં નવો ઝગમગાટ ઉમેરવાનો પ્રયત્ન કરે છે. મે, ૨૦૦૬માં પશ્ચિમ બંગાળમાં લાગલગાટ સાતમી વાર ડાબેરી પક્ષો વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા. તેના પગલે મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ જાહેરાત કરી કે તાતાની પીપલ્સ કાર ‘નાનો’નું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થશે.

૧૮ મે, ૨૦૦૬ના રોજ બુદ્ધદેવ અને તાતાએ સંયુક્ત પત્રકાર પરિષદ ભરી. તેમાં તાતાએ કહ્યું હતું,‘આપણે માનીએ છીએ કે રોકાણકારો માટે પશ્ચિમ બંગાળ દેશભરમાં સૌથી વઘુ અનુકૂળ (ધ મોસ્ટ ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી) રાજ્ય છે. એ માન્યતાને કોઇકે તો હકીકતમાં બદલવી પડશે. અમારૂં રોકાણ એ બાબતનું પ્રતિબિંબ છે કે તાતા ગુ્રપને રોકાણકારો માટે અનુકૂળ આબોહવા અને પશ્ચિમ બંગાળની સરકાર પર ભરોસો છે.’ ‘નાનો’ પ્લાન્ટને કારણે દસેક હજાર જેટલા માણસોને સીધી કે આડકતરી રોજગારી મળશે એવી જાહેરાત તાતાએ બુદ્ધદેવ સાથેની પત્રકાર પરિષદમાં કરી હતી. એ ફાયદો હવે ગુજરાતને- ગુજરાતની પ્રજાને મળશે, પણ ગુજરાત સરકારને- તેના સત્તાધીશોને થનારા ફાયદાની સરખામણીમાં તે ગૌણ લાગશે.

Friday, October 10, 2008

ગાંધીજીઃ વેપારી, હરાજીકાર, લોકસંગ્રાહક

ભારતમાં ગાંધીને યાદ કરવા માટે ‘મુન્નાભાઇ’ની જ્યુબિલીથી ગાંધીજીની જયંતિ જેવાં અનેક નિમિત્ત મોજૂદ છે. એ સિવાય ટાણે-કટાણે અનેક વાર ગાંધીજીને યાદ કરવામાં આવે છે, પણ મુખ્યત્વે અહિંસક નેતા કે ‘માર્કેટિંગ ગુરૂ’ જેવી તેમની અત્યંત જાણીતી ખાસિયતો માટે.

ગાંધીજી વિશેની પ્રમાણમાં ઓછી જાણીતી વાતો અને કિસ્સાની સમૃદ્ધ સામગ્રી પૂરી પાડતાં કેટલાંક પુસ્તકો ફક્ત ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. (બાકી, ‘રેફરન્સ એટલે અંગ્રેજી’ એવી સામાન્ય અને મહદ્ અંશે સાચી સમજણ હોય છે.) એવું એક પુસ્તક છે લાભુબહેન મહેતાનું ‘પારસમણિના સ્પર્શે’.

વિખ્યાત લેખક-તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’નાં પત્ની, ‘સૌરાષ્ટ્ર ટ્રસ્ટ’ના અમૃતલાલ શેઠનાં ભત્રીજી, લેખિકા વર્ષા દાસનાં મમ્મી, ચિત્રકાર જતીન દાસનાં સાસુ અને અભિનેત્રી નંદિતા દાસનાં નાની- આ છે લાભુબહેનની કૌટુંબિક ઓળખાણ. ‘પારસમણિના સ્પર્શે’માં તેમણે ગાંધીજીના પ્રભાવમાં આવેલાં કેટલાંક ચરિત્રો અને ખાસ કરીને કેટલીક સ્ત્રીઓનાં ચરિત્રો સાવ સીધીસાદી રીતે છતાં ઉપયોગી વિગતો સાથે આલેખ્યાં છે. તેમાંથી ચરિત્રનાયક જેટલું જ કે એથી પણ વઘુ રસપ્રદ ચિત્ર ગાંધીજીનું ઉપસે છે. વિગતોમાં ખાસ ઉંડાણ ભલે ન હોય, પણ એ લસરકાથી ગાંધીજીના સમગ્ર ચિત્રની સમૃદ્ધિમાં વધારો થાય છે.

ખાદીપ્રવૃત્તિ માટે ગાંધીજીનો આગ્રહ હવે મુખ્યત્વે લોકોને દુરાગ્રહ તરીકે યાદ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એક ઉદ્યોગપતિ પોતાના ધંધાની રાખે, એટલી ચિંતા ગાંધીજી ખાદીપ્રવૃત્તિની રાખતા હતા. મુંબઇ ખાદીભંડારના સેક્રેટરી કાકુભાઇ (પુરૂષોત્તમ કાનજી) પર ઘણી વાર ગાંધીજીનું ફક્ત બે લીટી લખેલું પત્તું આવેઃ ‘ભાઇ કાકુભાઇ, ૨૬મી કંઇ જાણવા જેવો વધારો થયો? હાલ કંઇ વધારે ઉપાડ થાય છે?’ નીચે મહાદેવ દેસાઇની નોંધ હોયઃ ‘આનો જવાબ કાલે જ લખો અને મને શનિવારે મળે એવી રીતે એ ટપાલમાં નાખી શકો તો ‘હરિજન’માં આંકડાનો ઉપયોગ કરી શકાય. શનિવારે મળે એમ નાખવાને માટે તમારે સાડા ત્રણ વાગ્યે જીપીઓમાં એ નંખાવવો જોઇએ.’

કાંતનાર બહેનો અને ખાદીભંડારના સેલ્સમેન-મેનેજરના પગાર વધવા જોઇએ એવું ગાંધીજીએ સૂચવ્યું ત્યારે કાકુભાઇએ તેમને લખ્યું,‘એ વિચારણા તો મેં ક્યારની કરી નાખી છે ને આપને જણાવી પણ છે. તેથી એની મૌલિકતા મારી છે...’ જવાબી પત્ર (૮-૮-૩૫)માં ગાંધીજીએ તેમને લખ્યું,‘કાંતનારીની આવક વધારવાનું તમને વહેલું સૂઝેલું એ વાત મને બહુ રૂચે છે. એવું બીજા સાથીઓને મારા પહેલાં સુઝેલું એ મારો માર્ગ સરળ કરે છે. એટલે મૌલિકતાનો યશ તમે અવશ્ય ખાટી શકો છો. હવે તેમ છતાં વેચાણ ઉપર બહુ અસર ન થવા દેવાનો યશ પણ તમે જ મેળવો એમ ઇચ્છું છું.’

ખાદીના ‘બિઝનેસમેન’ તરીકે ગાંધીજીની નીતિ એવી હતી કે તે નુકસાન તો ઠીક, નફો પણ સહન કરી ન શકે! કાકુભાઇની કબૂલાત પ્રમાણે,‘બાપુ પાસે તો અમે ખાદીમાં નફો છે એમ કહેતા જ ન હતા. નફો જુએ તો તેઓ ઘૂળ કાઢી નાખેઃ નફો રહે જ કેમ? કાંતનારીને વહેંચી દેવો જોઇએ અને નુકસાનને તો તેઓ સહેજ પણ બરદાસ્ત કરી શકતા નહિ. નુકસાન ન થાય તે રીતે ખાદીકામની અપેક્ષા તેઓ હંમેશ અમારી પાસે રાખતા.’ પાઇ-પાઇના હિસાબની ચીવટ રાખતા ગાંધીજી અંગત ખર્ચમાં જેટલા કરકસરીયા એટલા જ રૂપિયા એકઠા કરવામાં ઉત્સાહી હતા.

કસ્તુરબાના મૃત્યુની સાંજે આગાખાન જેલમાં ગાંધીજીને મળવા ગયેલાં લેડી પ્રેમલીલા ઠાકરસીએ તેમને ચંદનનાં લાકડાં મંગાવવા કહ્યું, ત્યારે ગાંધીજનો જવાબ હતો, ‘એવું ખર્ચ આપણને ન પોસાય.’ લેડી પ્રેમલીલાએ કહ્યું,‘આ તો જેલ આપશે. પૈસા સરકારના છે.’ અંગ્રેજ સરકાર હોવા છતાં ગાંધીજીએ કહ્યું,‘સરકારના પૈસા કેવા? આપણા જ પૈસા છે. આપણી પાસેથી લઇને આપે છે.’ મુંબઇના એક સાથીદાર એસ.કે.વૈદના જમાઇએ સેવાગ્રામ (વર્ધા) આશ્રમમાં એલ્યુમિનિયમનાં વાસણ અને તેની કલાઇમાં થતી માથાકુટ જોઇને સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. ગાંધીજીની પરવાનગી લઇને તેમણે રૂ.૪૦૦ની કિંમતનાં સ્ટીલનાં વાસણ આપ્યાં તો ખરાં, પણ થોડા દિવસ પછી ગાંધીજીને થયું,‘ગામડાના લોકો હજુ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ વાપરી શકતા નથી, તો સેવાગ્રામ આશ્રમ કેવી રીતે વાપરી શકે?’ એટલે તેમણે વાસણોને લિલામ કરવાનું કહી દીઘું.

એસ.કે.વૈદને આ વાતની જાણ થતાં તેમણે ચીડાઇને ગાંધીજીને કહ્યું,‘એમાં શિષ્ટાચાર નથી. તમે હા કહી પછી (વાસણો) મગાવવામાં આવ્યાં છે... ભેટનું લિલામ એ તો ભેટ દેનારનું અપમાન છે.’ ગાંધીજીએ આ દલીલથી વિચલિત થયા વિના ઠંડકથી કહ્યું, ‘એ મને મળ્યાં છે એટલે મારી મિલકત છે. એનું હું ફાવે તેમ કરૂં. તે તરફ ભેટ દેનારે જોવાનું હોય નહિ.’ એ કારણથી નારાજ થયેલા વૈદની તેમણે પરવા કરી નહીં.

ગાંધીજીની હરાજીની પદ્ધતિ ‘આર્થિક’ નહીં, પણ ‘રાજકીય’ હતી. તે જાહેરમાં કોઇ પણ વસ્તુનું લિલામ કરે, ત્યારે સૌથી વધારે રૂપિયા બોલનાર વસ્તુ લઇ જાય એ તો ખરૂં. પણ તે પહેલાં જેટલા લોકો બોલી બોલ્યા હોય એ સૌએ પણ રૂપિયા આપવા પડે. મતભેદો નિભાવવાની ગાંધીજીની ક્ષમતા પ્રચંડ હતી. રાજકીય ક્ષેત્રે સમર્થ રામદાસ અને છત્રપતિ શિવાજીથી પ્રભાવિત એવા કેદારનાથજી અહિંસાથી માંડીને અનેક બાબતોમાં ગાંધીજી સાથે મતભેદ ધરાવતા હતા. છતાં, આશ્રમવાસી બન્યા વિના કે આશ્રમની પ્રાર્થનામાં જોડાયા વિના લાંબા સમય સુધી તે આશ્રમમાં રહી શક્યા હતા.

‘નાથજી’ તરીકે ઓળખાતા કેદારનાથજીના મતે, ગાંધીજીનો સૌથી મોટો ગુણ એ હતો કે દેશહિતમાં જેની પાસેથી જે લઇ શકાય તે લઇ લેવું. આ ગુણને નાથજીએ ‘લોકસંગ્રહ’ તરીકે ઓળખાવ્યો હતો. અહિંસા, અઘ્યાત્મ અને આત્માના અવાજના માર્ગે આગળ વધવાનું નક્કી કરી બેઠેલા ગાંધીજી જેટલા આગ્રહી એટલા જ છૂટછાટવાળા હતા. આશ્રમમાં તેમની સાથે જમવા બેસનારને પરાણે કડવા લીમડાની ચટણી ખાવી પડે અને હંસાબહેન મહેતા જેવાં ચા-પ્રેમી વિદૂષી આશ્રમની મુલાકાતે આવે, તો ગાંધીજી તેમના માટે ખાસ ચા પણ મંગાવે. દાંડીકૂચ વખતે આખા દેશનું ઘ્યાન તેમના પર કેન્દ્રીત હોય, ત્યારે તે આશ્રમની બીમાર છોકરીની ખબર કાઢવા જેટલી કાળજી દર્શાવે.

દાદાભાઇ નવરોજીનાં પૌત્રી ગોશીબહેન કેપ્ટનને ગુજરાતી બોલતાં બરાબર ન આવડે એ માટે તેમને ઠપકો આપતાં કહે,‘‘મારે તમારા દાદા (દાદાભાઇ નવરોજી) સાથે ઝઘડો કરવો છે. ગુજરાતી કેમ સારૂં ન શીખવ્યું?’ છતાં, ગોશીબહેન સાથે પત્રવ્યવહાર અંગ્રેજીમાં કરે. તેમના આવા દેખીતા વિરોધાભાસ માટે દંભ કે બેવડાં ધોરણ નહીં, પણ મુખ્યત્વે પ્રાથમિકતાઓની સ્પષ્ટ સમજણ કારણભૂત રહેતી હતી. તેમની સફળ નેતાગીરી ફક્ત સત્ય ને અહિંસા જેવા ‘આદર્શ’ સિદ્ધાંતોમાં સમાઇ જતી નથી. તેનું માનવીય પાસું ગાંધીજીના કટ્ટર વિરોધીના મનમાં પણ તેમના માટે આદર જગાડી શકે છે.

Wednesday, October 08, 2008

શબ્દાર્થપ્રકાશ # 3

અંજીરપાંદઃ (અંગ્રેજી) ફીગલીફ
વાજપેયીનું અંજીરપાંદ ગયા પછી શા દિવસો આવ્યા છે!(૨૩-૦૯-૦૮, દિ.ભા.)
મરણજાળઃ મૃત્યુનો સકંજો
જે પ્રકારે લો ઇન્ટેન્સિટી બોમ્બની મરણજાળ નાનાં શહેરોમાં કે મહાનગરી પરાંમાં વકરી રહી છે...(૧-૧૦-૦૮, દિ.ભા.)
પિછવાઇઃ (અંગ્રેજીમાં) બેકડ્રોપ, પશ્ચાદભૂશ્રેણી
બંધ વિસ્ફોટોની પિછવાઇ પર જોતાં ૨૦૦૮ના ઓક્ટોબરમાં દેશમાં અહિંસાનો મહિમા કરીએ એટલો ઓછો છે. (૨-૧૦-૦૮, દિ.ભા.)
વણફૂંક ઘુમ્રપાનઃ (અંગ્રેજીમાં) પેસિવ સ્મોકિંગ
વણફૂંક ઘુમ્રપાન સુદ્ધાં આરોગ્યને તો હાણ કરે જ છે. (૨-૧૦-૦૮, દિ.ભા.)
વૈતાળ સત્તાઃ (અંગ્રેજી) સુપરપાવર
આપણો પાટલો કોઇ વૈતાળ સત્તા લેખે મંડાયો છે એવું તો નહીં કહી શકાય.
બાવા હિન્દી બૂઃ ઔપચારિકતાની ગંધ
એમના વિરોધમાંથી વિપક્ષને ખાતર વિપક્ષ તરેહની બાવા હિન્દી બૂ આવે છે. (૩-૧૦-૦૮, દિ.ભા.)તાવીજબોલઃ તાવીજની જેમ હંમેશાં બાંધી રાખવા જેવી અને કદી અળગી ન કરવાની વાત
કેન્દ્ર સરકારના સીધા પ્રતિનિધિરૂપ ગૃહમંત્રી પાસે રાજ્ય સરકારો જોગ તાવીજબોલ આટલા અને કેવળ આટલા જ છેઃ ટેઇક કેર...(૬-૧૦-૦૮, દિ.ભા.)
આંખશરમેઃ બે આંખની શરમથી
...બજરંગ દળ વગેરેને ન તો આંખશરમે વારી શકે છે...(6-૧૦-૦૮, દિ.ભા.)
‘પ્રેક્ષક દીર્ઘા’ રીઝવવીઃ (અંગ્રેજી) પ્લેઈંગ ટુ ધ ગેલેરી
પાક રાજકારણીઓ ‘પ્રેક્ષક દીર્ઘા’ રીઝવવાની રીતે ચાલશે...(7-૧૦-૦૮, દિ.ભા.)

નોંધઃગયા મહિને પ્રકાશભાઇનાં માતાજીનું બીમારી પછી અવસાન થયું હતું. એ અરસામાં તંત્રીલેખોમાં ખાડો પડ્યો હોવાથી, એ તારીખો અહીં ખાલી છે.

Was Navrang really the first film of Mahendra Kapoor?

Salil Dalal
(Salil Dalal, well-known Gujarati writer, film journalist with a (huge) difference and author of 'Gaata Rahe Mera Dil'- chronicles of hindi lyricists, stays at Canada these days. He wrote a small obit on Mahendra Kapoor for 'Voice'- a leading English biweekly for South Asians of Canada. As a close friend from GenPrev (Previous Generation), Salilbhai has lovingly sent it for us. It's difficult for him to write in word limits of 700-800. But he's tried successfully--urvish)

When Mahendra Kapoor breathed his last breath in Mumbai last week Hindi film music lovers’ eyes filled with tears for a singer who gave them such wonderful award winning songs as ‘Neele gagan kr tale dharti ka pyar pale’. He was considered a Rafi style singer, but had a really distinct voice. Particularly when it came to high notes, many thought he was even better than Rafi saab in songs like ‘Na munh chhupake jiyo’(Humraz) or in the song that brought him to recognition ‘Chand chhupa aur taare dube..’ from ‘Sohini Mahival’. In fact Naushad had booked recording studio for the entire day, thinking that the new singer would take many retakes as in the climax the notes were very high. But the new comer whom Naushad had selected in a singing competition as a judge proved his mettle by delivering the song perfectly in one take.

The competition Metro Murphy Singer was organised by Filmfare had such stalwarts as judges Anil Biswas, C. Ramchandra, Roshan, Madan Mohan and Vasant Desai also had a condition that each music director will record at least one song of the winner. So Naushad was actually fulfilling that obligation so was C.Ramchandra when he gave Mahendra Kapoor two songs in ‘Navrang’(‘Aadha hai chandrama..’ and ‘Shyamal shyamal baran..’) There is a misconception that Navrang was his first film. But the fact is that Mahendra Kapoor had sung since 1953 and his first film was ‘Madmast’(Music V. Balsara)

Yes ‘Navrang’ brought him in to the mainstream where he could be in competition with his inspirational singer and Guru Mohd. Rafi. In fact it was Rafi saab who heard him in Calcutta on stage singing the famous Bhangara of ‘Jagte Raho’ “ki mein jhoot boliya…” and advised the budding singer to learn classical music and try his hand in playback singing. It is really a pity that the singer who was trained by Rafi saab himself and such great artistes as Manhar Poddar, Abdul Rahim Khan and Pandit Husanlalji was not given many pure classical raga based songs by music directors.

But early in his career Mahendra Kapoor could establish rapport with B.R. Films through Yash Chopra. Yashji was persuaded by recordist R.Kaushik to hear this new boy’s recording while he was leaving the studio. He heard and was so impressed that Mahendra Kapoor became the male voice of BR Films. So whether the hero is Rajendra kumar (Dhool ka phool’) or Shashi Kapoor (Dharmputra, Waqt) or Sunil Dutt (Waqt, Humraz) or Raj Babbar (Nikah) it was Mahendra Kapoor who provided them the vocal cord. Same was with Manoj Kumar who had to take up for his ‘voice’ with a senior maestro like Naushad.

Naushad had recorded the title song of ‘Aadmi’ in Kapoor’s voice when Rafi was out of India. But once he returned it was rerecorded in Rafi’s voice. Manoj kumar retaliated by insisting that the duet “Kaisi hasin aaj…” which was recorded in the voices of Rafi

(for Dilipkumar) and Talat Mehmood (For Manoj) be re- recorded. Ultimately the part of Manoj kumar was recorded in Mahendra Kapoor’s voice.

Though since 1999 when his last film Dillagi was released ,this gifted singer was out of the music scene and was more into Bhakti Sangeet mostly Punjabi, he has given such a vast number of super hit songs that whenever the Aarti “Jay jagdish hare…” or the patriotic “Mere desh ki dharti..” is played, he seems quite around. And why not? A singer who has sung

for more than 700 Hindi films with large number of regional films which include nearly 200 Gujarati ,60 Marathi,92 Punjabi 18 Bhojpuri etc. can not be out of scene or ear of a true music lover.

Mahendra Kapoor must be saying to all his fans ….. “Chalo ek baar phirse ajanabi ban jaayen…..” But can this robust voice ever become a stranger?


Monday, October 06, 2008

‘એ વેનસડે’ : એક ઉમેરો

‘એ વેનસડે’ વિશે આ બ્લોગ પર થયેલી ચર્ચાના સંદર્ભમાં આજના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી પાના પર પ્રગટ થયેલા લેખની લિન્ક અહીં મુકી છે, એ જોઇ જવા ભલામણ છે. આ લેખ ‘તહાન’ (કે તહન) ફિલ્મના એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર અને ફિલ્મકાર કમાલ મહંમદે લખ્યો છે. તેનું મથાળું છેઃ ‘સિનેમેટીક પોલિટિક્સ’
http://www.indianexpress.com/news/cinematic-politics/369791/

ગાંધીનગરમાં ‘નેનો’ : નેનોમેં સપના

એવી જોરદાર હવા છે કે નેનો કારનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં આવી રહ્યો છે. આ લખાય છે ત્યારે તો ભેંસ ભાગોળે, છાશ છાગોળે (વલોણામાં) ને ઘેર ધમાધમ છે, પણ ખરેખર એ પ્લાન્ટ ગુજરાતમાં આવી જાય અને ગાંધીનગરમાં તેની સ્થાપના કરવામાં આવે તો? સવાલ એ નથી કે પહેલી નેનોનું લોકાર્પણ કોણ કરે (એ તો નેનોના આવતાં પહેલાંથી નક્કી હશે) પણ રસનો વિષય એ છે કે એ પ્લાન્ટને કારણે ઠંડાગાર ગાંધીનગરમાં કેવું વાતાવરણ સર્જાશે અને પ્લાન્ટના આરંભે તેની સાઇટ પર કામ કરતાં વાહનો વચ્ચે આરામના સમયમાં કેવા સંવાદ થતા હશે?
***
(નેનો પ્લાન્ટની સાઇટ પર)
ટ્રકઃ એય ડમ્પર, મારી જગ્યા પરથી આ ઢગલો લઇ જા.
ડમ્પરઃ ( મનમાં) ઘડીક શ્વાસ પણ ખાવા દેતા નથી (પ્રગટ) હા, લઇ જઇએ છીએ હવે. શાંતિ રાખો.
ટ્રકઃ આનાથી વધારે કેટલી શાંતિ રાખવાની? મારૂં નામ શાંતિ પાડી દઊં તો છે.
ડમ્પરઃ તો પણ તમારામાં કંઇ ફેર પડે એમ નથી. સાહેબગીરી કરવાની ટેવ નામ જોડે નહીં, લાકડાં જોડે જ જાય.
ક્રેનઃ તમે લોકો કામ વગરની ચર્ચામાં બહુ સમય બગાડો છો. કર્મયોગી શિબિરની બહાર આપણું પાર્કંિગ થયું હતું ત્યારે શું શીખ્યા હતા, ભૂલી ગયા?
ડમ્પરઃ કેવી નાખી દેવા જેવી વાત કરો છો? શિબિરની અંદર બેઠેલા માણસો ભૂલી જાય, શિબિરમાં બોલનારા સુદ્ધાં ભૂલી જાય તો હું તો નાનો કહેવાઊં. મને શી રીતે યાદ રહે?
ટેમ્પોઃ પણ તમે લોકો એ ન ભૂલી જતા કે આપણે સરકારી કોન્ટ્રાક્ટમાં નથી આવ્યા. આ તો ખાનગી કંપનીનું કામ છે. બહુ આઘાપાછા થશો તો પાણીચું- અને આપણું તો યુનિયન પણ નથી.
ટ્રકઃ ‘અખિલ ગુજરાત પેટ્રોલિયમચાલિત યંત્રસામગ્રી’ જેવું કંઇક હોત તો કેટલું સારૂં?
ડમ્પરઃ આપણે નારા પોકારત ‘હમ સે જો ટકરાયેગા, મિટ્ટીમેં મિલ જાયેગા’.
ક્રેનઃ આ ડમ્પરીયું તો ડમ્પરીયું જ રહ્યું. જે હકીકત છે એના નારા પોકારવાની શી જરૂર? જે નથી થવાનું કે નથી હોવાનું એના જ નારા પોકારવાના હોય. ગાંધીનગરમાં આટલાં વર્ષ રહીને એટલું પણ ન શીખ્યો? ડમ્પરઃ આપણું ગુજરાત, રક્તિમ ગુજરાત
ટ્રકઃ એ ડફોળ, ના આવડતું હોય તો ના બોલ, પણ બફાટ ન કરીશ. ‘રક્તિમ ગુજરાત’ નહીં, ‘સ્વર્ણીમ ગુજરાત’નો નારો છે.
ક્રેનઃ સાચું કહેજે, ડમ્પર. નેનો પ્લાન્ટના કામમાં તને સહભાગી થવા મળ્યું એનું તને ગૌરવ છે કે નહીં? આખા વિશ્વનાં સામયિકોમાં જે કારના ફોટા અને તેની સ્ટોરી છપાઇ હતી, એ કારના પ્લાન્ટમાં તારૂં પણ પ્રદાન હોય એનાથી તારી છાતી ગજગજ નથી ફુલતી? તારા હૃદયમાં અસ્મિતાનો ઊભરો નથી ચડતો?
ડમ્પરઃ (થોડું વિચારીને) બહુ ખબર પડતી નથી. કાલે મને પેટમાં મૂંઝારા જેવું લાગતું’તું ને સહેજ જીવ ચૂંથાતો હતો. અસ્મિતાનો ઊભરો ચડે તો એવું થાય?
ટ્રકઃ મૂરખ, અસ્મિતાનો ઊભરો ચડે ને તો મનમાં ગલીપચી થાય, મોં હસું હસું થઇ જાય ને એમ થાય કે રસ્તામાં સાહેબના ફોટાવાળું જે હોર્ડંિગ પહેલું દેખાય, ત્યાં એમના પગમાં પડી જઇને ‘નેનો’ સાથે સંકળાવાની તક આપવા બદલ એમનો આભાર માનું.
ડમ્પરઃ પણ મને તો એવું નથી થતું. મારે નથી નેનોમાં ફરવાનું, નથી નેનોનો શો રૂમ ખોલવાનો, નથી મારી સ્ટોરી છપાવાની...
ક્રેનઃ અસ્સલ નાના માણસનું લક્ષણ. ‘મારૂં, મારૂં’માંથી ઉંચો જ ન આવે. અલ્યા, તારા રાજ્યની અને તેના મુખ્ય મંત્રીની શાખ આટલી વધી, એનાથી તને હરખ નથી થતો? તારી છાતી ગજગજ નથી ફુલતી?
ડમ્પરઃ પેટમાં ડીઝલ ન હોય તો મારી છાતી ગજગજ શી રીતે ફૂલે? નેનો મારા રાજ્યમાં બનશે એ સારી વાત છે. થોડાં ડમ્પરીયાંને થોડા સમય માટે અને કેટલાંક ડમ્પરીયાંને કાયમ માટે ત્યાં કામ મળશે, એ પણ સારી વાત છે. પણ એમાં મારે શું? હા, કદીક રાજસ્થાન કે એમપીમાંથી ડમ્પરીયાં આવશે ત્યારે હું તેમની આગળ નેનોની વાતો કરીને વટ મારી ખાઇશ એ ખરૂં.
ક્રેન અને ટ્રક (એક સાથે) : બસ, એ જ તો અસ્મિતા છે, એ જ તો ગૌરવ છે, ગાંડા. ગૌરવ કંઇ પાણીપુરીનું પાણી થોડું છે કે પુરીઓમાં ભરીભરીને ખવાય? (બન્ને એકબીજાને) આ લોકો ટૂંકી બુદ્ધિના હોય ને એટલે એમને આવી બારીક લાગણીઓની ખબર ન પડે. (ડમ્પર તરફ ફરીને) બોલ, હવે કહે. નેનોના પ્લાન્ટથી તને ગૌરવ થાય છે કે નહીં?
ડમ્પરઃ એક વાર નહીં, સાડા પાંચ કરોડ વાર મને ગૌરવ થાય છે, થાય છે, થાય છે.

Thursday, October 02, 2008

(હજુ બાકી હોય તો) જોવા જેવી ફિલ્મઃ મુંબઇ મેરી જાન

ત્રાસવાદી હુમલા અને તેની સામે આમજનતાની લાચારી દર્શાવતી ફિલ્મ ‘એ વેનસડે’ જોઇ ત્યારે મનમાં ‘આવું ન હોય!’ (ન હોવું જોઇએ!) એવી ચચરાટી થઇ હતી. એ જ વિષય પર, એ જ ‘આમજનતા’નો પ્રતિભાવ ‘મુંબઇ મેરી જાન’માં જોઇને ‘આવું જ હોય! આવું જ હોવું જોઇએ!’ની લાગણી થઇ અને પેલી ચચરાટી શમી ગઇ.
ચાર-પાંચ પાત્રોનાં સમાંતર કથાનક અને મુંબઇના ટ્રેન બોમ્બબ્લાસ્ટ પછી તેમની જિંદગીમાં આવતાં પરિવર્તન- એ ફિલ્મનો મુખ્ય પ્લોટ છે. બોમ્બબ્લાસ્ટ પછી દરેક મુસ્લિમ પર વહેમાતો અને પોતાના વહેમને વાજબી ઠરાવવા ન હોય ત્યાંથી ‘પુરાવા’ ઘડી કાઢતો બેકાર હિંદુ યુવાન કલ્પના નહીં, પણ વાસ્તવિકતા બની ચૂક્યો છે. મુસ્લિમ મહોલ્લામાં મહંમદ રફીનું ગીત વાગતું હોય ત્યારે ‘આ લોકો કદી કિશોરકુમારનાં ગીત નહીં સાંભળે’ એવી ટીપ્પણી ભલે અતિશયોક્તિ લાગે, પણ યાદ છે? ઋતિક રોશનને ‘મુસ્લિમ સુપરસ્ટાર્સની મોનોપોલી તોડનાર હિંદુ હીરો’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.
‘આમજનતા’ દરેક વાતમાં પોલીસને ‘જાવ પહેલાં પેલા આતંકવાદીઓને પકડીને લાવો’ એવું કહેતી થઇ જાય, ત્યારે આ ફિલ્મમાં પોલીસ બનતા પરેશ રાવલે આપેલો જવાબ યાદગાર છે. એ આતંકવાદીઓેને પકડવાની વાત કરનારને બોચું પકડીને પોલીસવાનમાં ધકેલે છે. પેલો શિયાંવિયાં થઇ જાય, એટલે પોલીસ કહે છે,‘ગુનેગાર મળવો તો જોઇએ ને! કે પછી ગમે તેને પકડીને અંદર કરી દઇએ?’ (યોગ્ય તપાસ કે પુરાવા વગરની એન્કાઉન્ટર-સંસ્કૃતિનો મહિમા કરતું ‘વેનસડે’ યાદ આવે છે?) ધક્કાનો જવાબ ધક્કાથી ન આપવાની પરેશ રાવલની ફિલસૂફી ‘આદર્શ’ લાગે, પણ તે એટલી છેટી નથી. વર્ષો સુધી તે આપણા દેશમાં અમલી રહી છે. હવેના આક્રમક પ્રચારમાં એવું વાતાવરણ ઊભું થયું છે કે તે સાવ ‘આદર્શ’ લાગવા માંડે.

ફિલ્મનો એક કલાકાર બોમ્બબ્લાસ્ટ પછી એટલો રોષે ભરાય છે કે તે પોતે પોતાની લાયકાત વિશે વિચાર્યા વિના ફક્ત હિંદુ હોવાની રૂએ, દરેક મુસ્લિમનો ન્યાયાધીશ બની જાય છેઃ રસ્તે ચાલતા પાંઉના ફેરિયાને તે હેરાન કરે છે (ખાતરી માટે પાંઉનું બટકું ભર્યા પછી પણ એ પૂછે છે,‘અંદર જાકે ફટેગા તો નહીં?’), રેસ્ટોરાંમાં બેસતા ‘શંકાસ્પદ’ મુસ્લિમ છોકરા વિશે શંકા કરીને તેની તપાસ કરવા છેક ઘર સુધી જાય છે અને તેનો પીછો કરવા માટે કોઇનું મોટરસાયકલ મારી લેતાં પણ અચકાતો નથી. આ દૃશ્યો જોઇને ૨૦૦૨ની ઘટનાઓ અને દ્વેષયુક્ત માનસિકતાની દુઃખદ યાદો તાજી થઇ, જ્યારે ગોધરાકાંડ સાથે કશી લેવાદેવા ન હોય એવા સ્થાનિક મુસ્લિમો પર તમામ પ્રકારની શંકાઓ કરીને, શંકાઓના આધારે તેમને હેરાન કરવાની અને પછી ‘એ લોકો શાંત નહીં બેસી રહે’ એવી આશંકાઓ કરીને વળતા પ્રહારની તૈયારીઓની પ્રવૃત્તિ પૂરબહારમાં ખીલી હતી.

ફિલ્મમાં ન્યૂઝચેનલોની અત્યંત ક્રૂરતાપૂર્વક રીલ ઉતારવામાં આવી છે, પણ ગમે ત્યારે ‘બાઇટ’ માગતા અને ગમે તેને ‘સ્ટોરી’માં ફેરવી દેતા ચેનલવાળા એને જ લાયક છે.
ફિલ્મમાં બોમ્બબ્લાસ્ટ અને તેને લગતાં દ્રશ્યો ઘણાં તકલીફદાયક છે. એટલું બઘું લોહી દર્શકોને બતાવ્યું ન હોત, તો પણ ફિલ્મનો પંચ જરાય ઓછો ન થયો હોત.

Wednesday, October 01, 2008

આંખનું કાજળ ગાલે: વિવિધભારતીની ‘સ્વર્ણ જયંતિ’

‘વિધવાભારતી.’ આ ઉપનામથી વિવિધ ભારતીની પ્રસારણ સેવા ઘણાં વર્ષ સુધી ઓળખાતી રહી. રેડિયો સિલોનની નબળી નકલ જેવા આકાશવાણી પર ‘સ્પોન્સર્ડ કાર્યક્રમો’ એટલે કે ‘વિજ્ઞાપન સેવા’ શરૂ થયા પછી તેના પણ ચાહકો ઊભા થયા અને હવે વિવિધભારતી એફ.એમ. પર પણ વાગે છે.
- છતાં અહીં, વિવિધભારતી નહીં, પણ તેની આમંત્રણ પત્રિકામાં રહેલી ભૂલો કેવી વાગે છે, તેની વાત છે. ‘પ્રસાર ભારતી’ જેવા સ્વાયત્ત બોર્ડના નેજા હેઠળ આવ્યા પછી પણ સંસ્થાના મૂળ સરકારી સંસ્કાર ગયા નથી, તેની ખાતરી વિવિધભારતીના સુવર્ણજયંતિ ઉત્સવનું આમંત્રણ વાંચીને થાય છે. (હિંદી અને ગુજરાતીમાં છપાયેલા કાર્ડમાંથી ગુજરાતી હિસ્સાની તસવીર અહીં મુકી છે.)

‘આકાશવાણી મહાનિદેશાલય દ્વારા વિવિધ ભારતીના સ્વર્ણ જયન્તીના ઉપક્રમે આયોજીત ‘સુનહરા સફર’ ફિલ્મ સંગીત ના રંગારંગ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.’

આટલી વાત સાંસ્કૃતિકતાનો દાવો કરતા રેડિયો સ્ટેશનને સાચા ગુજરાતીમાં લખતાં આવડતી નથી અને હિંદીનો વરવો તરજુમો ફટકારવો પડે છે, એ ખરેખર આપણા માટે દુઃખની અને એમના માટે શરમની વાત ગણાવી જોઇએ.

‘મહાનિદેશાલય’ માટે ગુજરાતીમાં કોઇ શબ્દ નથી? હિંદી ‘સ્વર્ણ જયંતિ’ને ગુજરાતીમાં સુવર્ણજયંતિ ન કહી શકાય? ‘ફિલ્મ સંગીત ના’ એવો હિંદી શબ્દ ગુજરાતીમાં ‘ફિલ્મસંગીતના’ એ રીતે ન લખવો જોઇએ? ‘વિવિધભારતીના સ્વર્ણજયંતિ’ કે ‘વિવિધભારતીની સ્વર્ણજયંતિ’? ‘વિવિધભારતીની સુવર્ણ જયંતિ નિમિત્તે આયોજીત ફિલ્મસંગીતના રંગારંગ કાર્યક્રમ ‘સુનહરા સફર’માં આપનું હાર્દિક સ્વાગત છે’ આવું સીઘુંસાદું (અને સાચું) ગુજરાતી વાક્ય ન લખી શકાય?

અને તારીખ ઘ્યાનથી વાંચો: ૨ ઓક્ટોમ્બર

આ ભૂલ બદલ તરજુમાકારનો દોષ પણ કાઢી શકાય નહીં. એ સદંતર મૌલિક છે.
ગયા અઠવાડિયે જ મારી પોણા છ વર્ષની દીકરી અંગ્રેજી મહિનાઓનાં નામ બોલતી વખતે ‘ઓક્ટોમ્બર’ બોલી. મેં એને સુધારી ત્યારે આવી ‘સીલી’ ભૂલ બદલ એ પણ શરમાઇ ગઇ હતી. પ્રસાર ભારતી કેટલા વર્ષનું ‘બેબી’ છે?