Wednesday, October 01, 2008

આંખનું કાજળ ગાલે: વિવિધભારતીની ‘સ્વર્ણ જયંતિ’

‘વિધવાભારતી.’ આ ઉપનામથી વિવિધ ભારતીની પ્રસારણ સેવા ઘણાં વર્ષ સુધી ઓળખાતી રહી. રેડિયો સિલોનની નબળી નકલ જેવા આકાશવાણી પર ‘સ્પોન્સર્ડ કાર્યક્રમો’ એટલે કે ‘વિજ્ઞાપન સેવા’ શરૂ થયા પછી તેના પણ ચાહકો ઊભા થયા અને હવે વિવિધભારતી એફ.એમ. પર પણ વાગે છે.
- છતાં અહીં, વિવિધભારતી નહીં, પણ તેની આમંત્રણ પત્રિકામાં રહેલી ભૂલો કેવી વાગે છે, તેની વાત છે. ‘પ્રસાર ભારતી’ જેવા સ્વાયત્ત બોર્ડના નેજા હેઠળ આવ્યા પછી પણ સંસ્થાના મૂળ સરકારી સંસ્કાર ગયા નથી, તેની ખાતરી વિવિધભારતીના સુવર્ણજયંતિ ઉત્સવનું આમંત્રણ વાંચીને થાય છે. (હિંદી અને ગુજરાતીમાં છપાયેલા કાર્ડમાંથી ગુજરાતી હિસ્સાની તસવીર અહીં મુકી છે.)

‘આકાશવાણી મહાનિદેશાલય દ્વારા વિવિધ ભારતીના સ્વર્ણ જયન્તીના ઉપક્રમે આયોજીત ‘સુનહરા સફર’ ફિલ્મ સંગીત ના રંગારંગ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.’

આટલી વાત સાંસ્કૃતિકતાનો દાવો કરતા રેડિયો સ્ટેશનને સાચા ગુજરાતીમાં લખતાં આવડતી નથી અને હિંદીનો વરવો તરજુમો ફટકારવો પડે છે, એ ખરેખર આપણા માટે દુઃખની અને એમના માટે શરમની વાત ગણાવી જોઇએ.

‘મહાનિદેશાલય’ માટે ગુજરાતીમાં કોઇ શબ્દ નથી? હિંદી ‘સ્વર્ણ જયંતિ’ને ગુજરાતીમાં સુવર્ણજયંતિ ન કહી શકાય? ‘ફિલ્મ સંગીત ના’ એવો હિંદી શબ્દ ગુજરાતીમાં ‘ફિલ્મસંગીતના’ એ રીતે ન લખવો જોઇએ? ‘વિવિધભારતીના સ્વર્ણજયંતિ’ કે ‘વિવિધભારતીની સ્વર્ણજયંતિ’? ‘વિવિધભારતીની સુવર્ણ જયંતિ નિમિત્તે આયોજીત ફિલ્મસંગીતના રંગારંગ કાર્યક્રમ ‘સુનહરા સફર’માં આપનું હાર્દિક સ્વાગત છે’ આવું સીઘુંસાદું (અને સાચું) ગુજરાતી વાક્ય ન લખી શકાય?

અને તારીખ ઘ્યાનથી વાંચો: ૨ ઓક્ટોમ્બર

આ ભૂલ બદલ તરજુમાકારનો દોષ પણ કાઢી શકાય નહીં. એ સદંતર મૌલિક છે.
ગયા અઠવાડિયે જ મારી પોણા છ વર્ષની દીકરી અંગ્રેજી મહિનાઓનાં નામ બોલતી વખતે ‘ઓક્ટોમ્બર’ બોલી. મેં એને સુધારી ત્યારે આવી ‘સીલી’ ભૂલ બદલ એ પણ શરમાઇ ગઇ હતી. પ્રસાર ભારતી કેટલા વર્ષનું ‘બેબી’ છે?

2 comments:

 1. prakash jalal1:05:00 PM

  એકદમ સાચી વાત છે. 'આકાશવાણી' અને 'દૂરદર્શન' તો ગુજરાતીની રીતસરની હત્યા જ કરે છે ને આપણે કંઈ કહીએ તો 'શું તોડી લેશો?' -એવો હુંકાર ભરતાં પણ શરમાતાં નથી આ તંત્રો. 'આકાશવાણી'માં કોઈને ભાષા આવડતી નથી એ આ આમંત્રણપત્રિકાએ સાબિત કરી આપ્યું છે.

  ઉદ્દઘોષકોની ભરતીની વાત હોય કે સમાચાર-વાચકોની, કે પછી આવો તદ્દન નબળો અનુવાદ કરવા માટે અનુવાદકોની ભરતીની વાત હોય, આ બન્ને તંત્રોને કેટલાક ગુજરાતી સાહિત્યકારોની ભાલામણચિઠ્ઠીઓ સાથેના નબળા મુરતિયાઓ મળી જ રહે છે. ગુજરાતી સાહિત્યની તો કેટલાક લેભાગુ (-રંગલા-રંગલીની વારતાઓ લખનારા) સાહિત્યકારો ઘોર ખોદી જ રહ્યા છે પણ આવા સરકારી તંત્રને પણ વધારે બગાડી રહ્યા છે.

  આકાશવાણી તો હમણાં બગડ્યું લાગે છે પણ દૂરદર્શન તો વર્ષોથી ખાડામાં છે. મેં ૧૯૯૪-૯૫ માં આ અંગે અખબારોમાં ખૂબ લખ્યું હતું, 'જનસત્તા' દૈનિકે તંત્રીલેખમાં એની વાત કરી હતી ને દૂરદર્શને એની નોંધ પણ લઈને માફી માગી હતી, પણ તોય તંત્ર સુધર્યું નથી. કેટલાક લેભાગુ સાહિત્યકારોની ચમચાગીરી આજેય ચાલુ છે.

  ગુજરાતીમાં સમય દર્શાવવા 'વાગ્યે' જ લખાવું જોઈએ, 'વાગે' નહીં. એ જ રીતે 'આયોજિત' અને 'ગુરુવાર' પણ આ જ રીતે લખી શકાય.

  તમારા આ લેખ માટે ખૂબ અભિનન્દન પાઠવું છું.

  - જલાલ મસ્તાન 'જલાલ' (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ)

  ReplyDelete
 2. બધી ભાષાઓનો કોઇ અભ્યાસ તો નથી, પણ એવા કોઇ અભ્યાસ વિના ય એટલું તો ખાતરીપૂર્વક કહી શકાય તેમ છે કે જોડણીની બાબતમાં આપણે ત્યાં જે અરાજકતા છે એવી બીજે ભાગ્યે જ ક્યાંય હશે. બંગાળીનો દાખલો લઈએ તો વિવિધ ભારતી કે દૂરદર્શન જેવાં સરકારી તંત્રો તો દૂરની વાત છે, એ પ્રજા ભાષાની શુદ્ધતાની એટલી આગ્રહી છે કે સામાન્ય ચોપાનિયા કે દીવાલો પર ચીતરાતી જાહેરખબરોમાં પણ ભાગ્યે જ કોઇ જોડણીની ભૂલ હોય. આપણે ત્યાં પોતાના નામની સાચી જોડણી ન કરનારાઓની સંખ્યા પણ બહુ મોટી છે.

  ReplyDelete