Monday, October 20, 2008

અમેરિકાની મંદીનું મહાભારત # 2

અમદાવાદની પ્રતિષ્ઠિત - અને પ્રતિષ્ઠા કરતાં વધારે ‘સ્ટાર વેલ્યુ’ ધરાવતી આઇ.આઇ.એમ.માં દર વર્ષે કેમ્પસ ઇન્ટરવ્યુ થાય, ત્યારે ઉજવણીનો માહોલ હોય છે. આઇ.આઇ.એમ.ના તેજસ્વી વિદ્યાર્થીઓ બોટી લેવા દેશી ઉપરાંત વિદેશી કંપનીઓ પણ લાઇન લગાડે છે. દેશી કંપની ગમે તેટલી મોટી હોય, તો પણ શાહબુદ્દીન રાઠોડના લાભુ મેરાઇની શૈલીમાં કહીએ તો,‘ઇરોપીયન (યુરોપીયન) એટલે ઇરોપીયન’.

અમેરિકાની કંપનીઓ મસમોટા પગારો આપીને આઇ.આઇ.એમ.ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપાડી જાય, ત્યારે જ લાગે કે,‘હવે બરાબર!’ આ કંપનીઓમાં ‘લેહમેન બ્રધર્સ’ અને ‘મેરીલ લીન્ચ’ જેવાં વોલસ્ટ્રીટમાં પ્રચંડ કદ ધરાવતાં નામ હોય, જે સાંભળ્યા પછી અહોભાવથી ગરદન ઝુકાવવાની જ રહે. ગરદનમાં સ્પ્રીંગને બદલે સળીયો ધરાવતા જૂજ લોકો સમજ્યા વિના ડોક ઝુકાવવાને બદલે, આટલા મોટા પગારોના ઔચિત્ય વિશે ક્યારેક સવાલો પૂછે તો પણ એ ગણકારે કોણ? કેમ કે, ‘લેહમેન’ અને ‘મેરીલ લીન્ચ’ વિશે શંકા ઉઠાવવી એટલે કોર્પોરેટ જગતના ધોમધખતા સૂરજ સામે ઘૂળ ઉડાડવા બદલ ગણાય.

- પણ હવે એ બન્ને સહિત અમેરિકાના બીજા અનેક કોર્પોરેટ સૂરજો તેલ ખૂટ્યું હોય એવાં કોડિયાંમાં ફેરવાઇ ગયા છે. ‘લેહમેન બ્રધર્સ’ દેવાળું ફૂંકી ચૂકી છે, જ્યારે ‘મેરીલ લીન્ચ’ને ‘બેન્ક ઓફ અમેરિકા’એ ખરીદી લેવી પડી છે. આ સ્થિતિમાં હવે એ ભૂતપૂર્વ સૂરજોની કામગીરી અને તેમના ‘ધંધા’ વિશે વાત કરવાનો મોકો આવ્યો છે.

એક અહેવાલ પ્રમાણે, છેલ્લાં બે વર્ષમાં અમદાવાદની આઇ.આઇ.એમ.ના ૫૯ વિદ્યાર્થીઓને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો ‘લેહમેન બ્રધર્સ’ અને ‘મેરીલ લીન્ચ’માં ઉંચા પગારની નોકરી મળી હતી. એટલે, (નોકરીની અને સ્ટારવેલ્યુની) ભરતીમાં વર્ષોથી ભાગીદાર આ બન્ને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો માટે આઇ.આઇ.એમ. દ્વારા સત્તાવાર ઢબે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ એ બેન્કો કેમ ખરખરાને પાત્ર બની, એ વિશે સ્વાભાવિક રીતે જ આઇ.આઇ.એમ.ને કંઇ કહેવાનું ન હોય.

વર્ષોજૂની આ બન્ને અને બીજી ઘણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો તથા મોટી કંપનીઓ છેલ્લા ઘણા સમયથી મૂડીબજારને ચગડોળે ચડાવી રહી હતી. આઇ.આઇ.એમ. જેવી બીજી ઘણી સંસ્થાઓમાં પાકતા તેજસ્વી વિદ્યાર્થીઓનો આ કંપનીઓને સૌથી મોટો ખપ અવનવા ગોરખધંધા શોધી કાઢવા અને તેને હેમખેમ ચલાવવા માટે હતો. એ જુદી વાત છે કે અમેરિકાના કાયદા પ્રમાણે એ ‘ગોરખધંધા’ ન હોવાથી કાનૂની રીતે એ ગુનો બનતો ન હતો, પણ તેની પાછળ રહેલી ટૂંકા ગાળામાં, જોખમ લઇને લાભ ખાટી લેવાની દાનતમાં તાત્ત્વિક રીતે લોભની સાથોસાથ થોડીઘણી ગુનાઇત વૃત્તિનું મિશ્રણ પણ હતું.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને તેમના ‘મૌલિકતા’થી છલકાતા ઉસ્તાદોએ શોધી કાઢેલું સફેદ છેતરપીંડીનું એક સાધન હતું: ‘ક્રેડિટ ડીફોલ્ટ સ્વેપ’. એના શબ્દોને બદલે એની કરામતનું ગુજરાતી કરીએ તોઃ લોન આપનાર કોઇ પણ સંસ્થાએ (બેન્કે) કાયદા પ્રમાણે પોતાની પાસે એટલું ભંડોળ રાખવું પડે કે જેથી લોન લેનાર પાર્ટી કોઇ પણ કારણસર હાથ ઉંચા કરી દે, તો પણ બેન્ક ઉઠી ન જાય. આ કાયદો લે-વેચ-દલાલી-સંશોધન-સલાહસૂચન જેવાં, ગ્રાહકોની ડીપોઝીટ ઉઘરાવવા સિવાયનાં કામ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને બહુ નડતો હતો. કેમ કે, તેના બંધનને કારણે આપેલી લોનની સામે અઢળક ભંડોળ તેમણે અનામત (રીઝર્વ) તરીકે રહેવા દેવું પડતું હતું. અબજો ડોલરની રકમ સાવ અનામત તરીકે પડી રહે, એ કયા વેપારીને ગમે?

એટલે, ઇન્વેસ્ટમેન્ટ બેન્ક જે.પી.મોર્ગનના કેટલાક તિકડમબાજોએ ૧૯૯૪માં નવું ‘સંશોધન’ કર્યું, જે એક રીતે અત્યારની મંદીનું મહત્ત્વનું કારણ બન્યું. તેમણે ગોઠવી કાઢ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ધારો કે એક પાર્ટીને ૧ કરોડ ડોલરની લોન આપે, તો એની સલામતી માટે અનામત ભંડોળ રહેવા દેવાને બદલે, એ લોનનો વીમો લઇ લે તો? વીમા કંપની ૧ કરોડ ડોલરની લોનને ‘સુરક્ષાછત્ર’ આપે, બદલામાં ઇન્વેસ્ટમેન્ટ બેન્ક તેને તગડું પ્રીમિયમ ચૂકવે. પણ સલામતી માટે અનામત ભંડોળ રાખવાની ઝંઝટ નાબૂદ થઇ જાય અને બેન્કમાં અનામત તરીકે ખડકાઇ રહેલાં અઢળક નાણાં બજારમાં લાવી શકાય.

પહેલી નજરે નિર્દોષ લાગતી આ યોજના ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ તરીકે ઓળખાઇ. તેનું બજાર ઊભું કરવા માટે જેપી મોર્ગને નામી સંસ્થાઓમાંથી સ્નાતકો રોક્યા. (એ વખતે આઇ.આઇ.એમ.ના સ્નાતકો માટે વોલસ્ટ્રીટ હજી દૂર હતી.) પરિણામે, થોડાં વર્ષમાં બજારમાં ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ની ઘૂમ મચી ગઇ.

પુષ્કળ ભંડોળ છૂટું થયું, એટલે ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને કોઇ પણ ભોગે એ ભંડોળ ધીરીને, ઉંચું વ્યાજ કમાવાની લ્હાય લાગી. એટલે તેમણે આંખી મીંચીને ધીરાણ શરૂ કર્યાં અને ‘એઆઇજી’ જેવી વીમા કંપનીઓ પાસે એ ધીરાણના વીમા લેવા માંડ્યા. વોરન બફેટ જેવા ખમતીધર અને શાણા રોકાણકારે ‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ને ‘ફાઇનાન્શ્યલ વેપન્સ ફોર માસ ડીસ્ટ્રક્શન’ (સામુહિક સંહારનાં આર્થિક શસ્ત્રો) તરીકે યોગ્ય રીતે જ ઓળખાવ્યા હતા. કેમ કે, ‘ક્રેડિટ ડીફોલ્ટ સ્વેપ’નું પ્રમાણ સમય જતાં એટલું વધી ગયું કે ઇ.સ. ૨૦૦૦માં તેનો આંકડો ૧૦૦ અબજને વટાવી ગયો અને અંતે ૬૨ ટ્રિલિયન ડોલરે પહોંચ્યો! (એક ટ્રિલિયન બરાબર ૧ હજાર અબજ)

આટલું ઓછું હોય તેમ, અમુક ઇન્વેસ્ટમેન્ટ બેન્કોએ એવો નુસખો અપનાવ્યો કે જુદી જુદી કંપનીઓને આપેલી લોનનો સરવાળો કરીને તેના ભાગ પાડી દીધા. એમાંથી સૌથી જોખમી ૧૦ ટકા હિસ્સો અલગ કરીને, તેને ‘બ્રોડ ઇન્ડેક્સ સિક્યોરીટાઇઝ્ડ ટ્રસ્ટ ઓફરિંગ’ જેવા રૂપાળા નામે ખુલ્લા બજારમાં વેચી દીધો, જેની પર સરકારનું કોઇ નિયંત્રણ ન હતું. લોનની રકમોના જોખમને આવી અનેક અવનવી પદ્ધતિએ બજારમાં ફરતું કરી દઇને, તેના બદલામાં બેન્કો નફો ઉસેટતી રહી.

‘ક્રેડીટ ડીફોલ્ટ સ્વેપ’ના ઉપાડાનો ખ્યાલ એ હકીકત પરથી પણ આવશે કે ફક્ત ‘એઆઇજી’ જેવી એક કંપનીએ ૧૪ અબજ ડોલરની લોનના વીમા લીધા હતા. એ લોનમાંથી મોટા પાયે ઉલાળીયાં થતાં, ‘એઆઇજી’નું ઉઠમણું થવાનો વારો આવ્યો. પરંતુ અમેરિકન સરકારે તેને ખરીદીને તેનો ઉદ્ધાર કર્યો.

સરકારી કાયદાકાનૂનના હાઇવેથી ચીલો ચાતરીને ઊબડખાબડ રસ્તે કરોડો કમાવાના ચક્કર વિશે જાણ્યા પછી એ આટલાં વર્ષ કેવી રીતે હેમખેમ ચાલ્યું અને બજાર કેમ આટલું મોડું તૂટ્યું, એવો સવાલ ન થાય તો નવાઇ લાગે.

No comments:

Post a Comment