Saturday, October 18, 2008
અમેરિકાનું અર્થતંત્રઃ નિરંકુશ મૂડીવાદની ‘ટાઇટેનિક’
વિશ્વભરનાં અર્થતંત્રોને ઘુ્રજાવતી અમેરિકાની મહામંદીનાં કારણોની સાદીસરળ સમજૂતી
અમેરિકા આ સમયે ખરેખર તો તેના નવા પ્રમુખની ચૂંટણી વિશેના સમાચારોથી ચર્ચામાં હોવું જોઇએ. એને બદલે ૯/૧૧ના ત્રાસવાદી હુમલા પછી સર્જાયેલી સ્થિતિની કંઇક અંશે યાદ અપાવે, એવો માહોલ વર્તમાન અમેરિકામાં સર્જાયો છે. બન્ને સ્થિતિ વચ્ચેનો મુખ્ય ફરક એટલો કે આતંકવાદી હુમલો આકસ્મિક હતો, જ્યારે અર્થતંત્ર પર આવનારી આફતનાં કાળપગલાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી સંભળાતાં હતાં. છતાં તેને અટકાવી શકાઇ નહીં.
મંદીનું તાંડવ અટકાવવાનું શક્ય પણ ન હતું. કારણ કે, તેને જન્મ આપનારાં પરિબળો પોતાનું કામ કરી ચૂક્યાં હતાં. ‘લેસ ગવર્ન્મેન્ટ ઇઝ ગુડ ગવર્નન્સ’ (બજારમાં સરકારની દખલ જેટલી ઓછી એટલો વહીવટ વધારે સારો) - એવો રોનાલ્ડ રેગનના જમાનાથી અમલી બનેલો સિદ્ધાંત અને તેનો અતિરેક હાલની મંદી સર્જવા માટેનું મુખ્ય કારણ બન્યો.
મૂળીયાંમાં જ મોંકાણ
૧૯૮૦ના દાયકામાં રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં અર્થતંત્ર ‘કાઉબોય ઇકોનોમી’ (જોખમી અર્થતંત્ર) ન હતું. રેગન પહેલાંના શાસકો મૂડીવાદી જ હતા. છતાં, તેમનું સાદું કોઠાડહાપણ હતું: ‘પછેડી પ્રમાણે સોડ તાણવી એટલે કે કરવેરામાંથી જેટલી આવક હોય, એ પ્રમાણે જ ખર્ચ કરવો.’ રેગને આવીને ‘રેગનોમિક્સ’ કે ‘કાઉબોય કેપિટલિઝમ’ કહેવાતી નવી નીતિ દાખલ કરી. તેનો સાર હતો: ‘પહેલાં લાંબી સોડ તાણો એટલે આપણી પછેડી મોટી કરી આપનારા આપોઆપ મળી આવશે. કરવેરામાં આડેધડ ઘટાડો કરો. તેનાથી અર્થતંત્ર એવી તેજીમાં આવશે કે કરના ઘટાડાથી થનારૂં નુકસાન ભરપાઇ થઇ જશે.’
ગૃહિણી-ગણિતથી વિચારો: આવક ઘટે અને ખર્ચ ઘટે નહીં, એટલે શું થાય? ખાધ પડે. ઘરમાં નાના પાયે ખાધ પડે, તો અમેરિકા જેવા જંગી અર્થતંત્રમાં એના હિસાબે જંગી ખાધનું ગાબડું પડે. છતાં રેગનના રાજમાં અમેરિકાનું ગાડું જેટ ગતિએ ચાલી નીકળ્યું. વચ્ચે ડેમોક્રેટિક પક્ષના બિલ ક્લિન્ટને આડેધડ ટેક્સ ઘટાડા પર અંકુશ મુકીને આવક વધારી. એટલે અમેરિકાના અર્થતંત્રની ખાધ ઓછી થઇ, પણ બુશના રાજમાં પાછા ઠેરના ઠેર.
સવાલ એ થાય કે અર્થતંત્રના ચોપડે જમા કરતાં ઉધાર આટલી હદે વધી જાય, તો અર્થતંત્ર ભાંગી ન પડે? તાર્કિક રીતે વિચારતાં ભાંગી જ પડવું જોઇએ, પણ અમેરિકામાં તત્કાળ એવું ન બન્યું. કેમ કે, દુનિયાની નજરમાં અમેરિકા અને તેના આક્રમક મૂડીવાદનાં માનપાન બહુ ઉંચાં હતાં. એટલે દુનિયાભરના દેશો પોતાની કમાણીને અમેરિકામાં રોકતા હતા. એટલે અમેરિકાના પોતાના અર્થતંત્રમાં પડતું ગાબડું બીજા દેશોમાંથી આવતા રોકાણોના નક્કર માલથી પુરાઇ જતું હતું. એટલે અમેરિકાના નેતાઓને લાગતું હતું કે ‘ગમે તેટલી ખાધ હોય, પણ આપણી વિકાસની ગાડી ચોથા ગીયરમાં ચાલે છે ને! પછી શી ચિંતા?’
પરદેશી રોકાણના ખીલે કૂદતા રેગન-તંત્ર ફક્ત કરવેરા ઘટાડીને - અને ખાધ વધારીને - બેસી રહ્યું નહીં. તેનું બીજું પગલું નાણાંકીય સંસ્થાઓ પરથી અંકુશો હટાવી લેવાનું હતું. ૧૯૨૯ની મહામંદી પછી તકેદારીનાં પગલાં રૂપે પસાર કરવામાં આવેલા કેટલાક કાયદા રેગન સરકારે નાબૂદ કરી દીધા. એના કારણે કમર્શિયલ બેન્ક અને ઇન્વેસ્ટમેન્ટ બેન્ક વચ્ચેનો તફાવત મટી ગયો. ઉંચાં જોખમ લઇને આક્રમક ધંધા કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને ગ્રાહકોની ડીપોઝીટ પર નિયમસર ચાલતી (આપણી નેશનલાઇઝ્ડ બેન્ક જેવી) કમર્શિયલ બેન્કોને ની સમકક્ષ દરજ્જો આપી દીધો. એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ બેન્કો અને તેમની અવનવી તિકડમબાજીઓ પરના અંકુશ સાવ હળવા કરી નાખ્યા. ઇન્વેસ્ટમેન્ટ બેન્કના ભેજાબાજ ખેલાડીઓએ તેનો ભરપૂર લાભ લઇને બેન્કનો નફો અનેક ગણો વધારવા માટે અવનવી તરકીબો અપનાવી. તેના વિશે વઘુ વાત કરતાં પહેલાં, અત્યારની મંદીના પૂર્વાધ જેવી ‘સબપ્રાઇમ ક્રાઇસિસ’ની પ્રાથમિક જાણકારી જરૂરી છે.
સબપ્રાઇમ એટલે?
‘સ્ટાન્ડર્ડ’ (ધોરણસરનું) ન હોય એ ‘સબસ્ટાન્ડર્ડ’ કહેવાય છે. એ જ રીતે, લોન મેળવવા માટેના ‘પ્રાઇમ’ (મુખ્ય) માપદંડમાં એક યા બીજા કારણસર ‘નાપાસ’ થનારા લોકોને થતું ધીરાણ ‘સબપ્રાઇમ’ કહેવાય છે. દેણદાર તરીકે જેનો રેકોર્ડ સારો ન હોય, ભૂતકાળમાં લોન ચૂકવવામાં અખાડા કર્યા હોય અથવા લોન માટે જરૂરી શરતો તે પૂરી કરતો ન હોય- ટૂંકમાં જે ગ્રાહકને લોન આપવામાં જોખમ છે એ જાણ્યા પછી પણ જોખમ વેઠીને તેને લોન આપવી એ ‘સબપ્રાઇમ લેન્ડિંગ’ કહેવાય છે.
નવાઇ લાગે એવી વાત એ છે કે આખા અમેરિકામાં ઉધારી માટેનાં ‘સબપ્રાઇમ’ ધોરણોની કોઇ એક ચોક્કસ વ્યાખ્યા નથી. જુદી જુદી સંસ્થાઓ ગ્રાહકના ક્રેડિટ પોઇન્ટ નક્કી કરે છે. તેમાં નક્કી થયેલા પોઇન્ટથી ઓછા પોઇન્ટ ધરાવતા ગ્રાહકો ‘સબપ્રાઇમ’ કક્ષામાં આવે છે.
સબપ્રાઇમ લોન ઘરની અવેજીમાં (મોર્ગેજ), વાહન કે ક્રેડીટ કાર્ડ ખરીદવા સહિત ઘણા હેતુ માટે આપવામાં આવે છે. લોનની સામે જામીન તરીકે રખાતી મિલકતની રકમને સિક્યોરિટીમાં ફેરવીને, તેને બીજા તબક્કાના (સેકન્ડરી) મોર્ગેજ માર્કેટમાં વેચવામાં આવે છે.
સેકન્ડરી મોર્ગેજ માર્કેટ : લોન-બાજીનું ચક્કર
ઉધારીના ચક્કરની પહેલી કડી બેન્ક હોય, તો બીજી કડી છે કેટલીક સરકાર દ્વારા પ્રાયોજિત (ગવર્ન્મેન્ટ સ્પોન્સર્ડ) સંસ્થાઓ. એવી બે મોટી સંસ્થાઓ છે: ‘ફેડરલ નેશલન મોર્ગેજ એસોસિએશન’ (ફેની મેઇ) અને ‘ફેડરલ હોમ લોન મોર્ગેજ કોર્પોરેશન’ (ફ્રેડી મેક).
લોન આપવા ઇચ્છતી નાણાંકીય સંસ્થાઓ (બેન્કો) લોનના છૂટક વ્યક્તિગત આંકડાને બદલે, એક મોટી રકમનો આંકડો નક્કી કરે છે. એ રકમ પોતાની મિલકત ગીરવી મુકનારા લોકોને લોન પેટે અપાવાની હોવાથી, તેને ‘ગીરવી રાખેલી મિલકત સામે ઉધારી’ તરીકે ગણવામાં આવે છે. ટેકનિકલ પરિભાષામાં તેનું નામ છે ઃ ‘કોલેટરાઇઝ્ડ ડેટ ઓબ્લિગેશન.’ એ રકમની કિંમતની સિક્યોરિટી (નાણાંકીય માન્યતા ધરાવતાં ‘કાગળીયાં’) ફેની મેઇ અને ફ્રેડી મેક જેવી સંસ્થાઓ ખરીદે છે. બદલામાં તે બેન્કને રોકડ રકમ ચૂકવે છે. બેન્કો એ રકમને હોમલોન તરીકે આપે છે અને લોન ભરપાઇ ન થાય ત્યાં લગી એ ઘર બેન્ક પાસે ગીરવી રહે છે.
‘સિક્યોરિટી’નાં કાગળીયાં ખરીદ્યા પછી ફ્રેડી મેક તેને શું કરે છે? જવાબ છેઃ એ ‘કાગળીયાં’ના શેરની જેમ ખુલ્લા બજારમાં સોદા થાય છે. સ્થાનિક રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કો ઉપરાંત અમેરિકાના અર્થતંત્રથી અંજાયેલા અને તેમાં રોકાણ કરવા ઉત્સુક પરદેશી રોકાણકારો પણ એ કાગળીયાં રોકડેથી ખરીદે છે. આ રીતે મળેલાં નાણાંનો ઉપયોગ ફ્રેડી મેક બેન્કો પાસેથી વઘુ સિક્યોરિટી ખરીદવામાં કરે છે. એટલે સિક્યોરિટી વેચનાર બેન્કોને વઘુ ને વઘુ નાણાં મળ્યા કરે છે, જેના જોરે તે બે હાથે લોન લુંટાવે છે. આ માયાજાળમાં લોન આપવા માટેની હરીફાઇનું તત્ત્વ ઉમેરાતાં લોન માટેની લાયકાતનાં ધોરણોમાં ભયાનક હદે બાંધછોડ થાય છે. બીજી તરફ, સિક્યોરિટીનાં રેટિંગ આપવાનું, એ ખરીદવાનું અને વેચવાનું- એમ ત્રણે કામ કરતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો પર સરકારની ભાગ્યે જ કશી દેખરેખ હોય છે. એટલે ‘ગાંધી-વૈદ્યનું સહિયારૂં’ જેવો ઘાટ થાય છે.
આખી કડીમાં સરકારી હોવાની (ખોટી) છાપ ધરાવતાં અને સિક્યોરીટીની સલામતી અંગે લોકોના મનમાં ખોટી ધરપત પેદા કરતાં ફેની મેઇ અને ફ્રેડી મેક ધરખમ તંત્રો છે. અમેરિકાના ૧૨ ટ્રિલીયન ડોલરના મોર્ગેજ માર્કેટમાંથી અડધીઅડધ સિક્યોરિટી ફ્રેની મેઇ અને ફ્રેડી મેકની માલિકીની છે અથવા તેમણે એની પર બાંહેધરી આપેલી છે. (૧ ટ્રિલીયન એટલે ૧ની ઉપર ૧૨ મીંડાં)
ચક્કર શી રીતે ખોટકાય છે?
આગળ જણાવેલી નાણાંનો વરસાદ કરતી આખી વ્યવસ્થામાં આખો નાચ શાની પર છે? તેનો ટૂંકો ટચ જવાબ છેઃ લોન લેનારે ગીરવે મુકેલી મિલકત પર. ગ્રાહક બદલાતા વ્યાજવાળી લોનના હપ્તા નિયમસર ચૂકવે, ત્યાં સુધી બહુ વાંધો આવતો નથી. પણ ઘરની લોનો બે હાથે મળતી થાય, એટલે ઘર ઊભાં કરવાના બજારમાં તેજી આવે. થોડા વખતમાં ઘરની માગ કરતાં પુરવઠો વધી જાય, એટલે ફરી ઘરની કિંમતો બેસી જાય. એવું જ ૯/૧૧ પછીના સમયગાળામાં બન્યું. ઘરની કિંમતો નીચી ગઇ અને લોન પર વ્યાજના દર વધવા લાગ્યા, એટલે લોન ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરનારા ગ્રાહકોનું પ્રમાણ વધવા લાગ્યું. અગાઉ જણાવ્યું તેમ, સિક્યોરિટીના આખા બજારમાં એકમાત્ર નક્કર તત્ત્વ ગ્રાહકનું ઘર હોય અને એની જ કિંમત તળીયે જાય, એટલે બજાર પર તેની અસર જણાયા વિના રહે?
દેણદારો હાથ ઉંચા કરવા લાગ્યા, એટલે મોટા ઉપાડે લોન આપીને બેસી ગયેલી નાણાંકીય સંસ્થાઓને વસમું પડવા લાગ્યું. લોન આપનાર બેન્કો અને સંસ્થાઓની હાલત ખરાબ થઇ, એટલે સેકન્ડરી મોર્ગેજ માર્કેટમાં સિક્યોરીટીનો સટ્ટો કરતી ‘બેર સ્ટર્ન્સ’ જેવી કંપનીનાં પાટિયાં પડી ગયાં. પણ અમેરિકન સરકારના નાણાંખાતાએ વચ્ચે પડીને એવું ગોઠવ્યું કે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ‘જેપી મોર્ગન’ ‘બેર સ્ટર્ન્સ’ને ખરીદી લે. ત્યાર પછી ‘લેહમેન બ્રધર્સ’ જેવી મસમોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કનો વારો આવ્યો. તેને કોઇ પણ જાતની મદદ ન મળતાં, ૧૯૨૯ની મંદીમાં ઉગરી ગયેલી ‘લેહમેન બ્રધર્સ’ને ૨૦૦૮માં દેવાળું ફુંકવું પડ્યું. ફેની મેઇ અને ફ્રેડી મેકમાં કડાકા બોલ્યા. એ ઉઠી જાય તો હાહાકાર મચી જાય. એટલે સરકારે તેમને પોતાના તાબા હેઠળ લઇ લીધાં. સિક્યોરિટીની જ રમતમાં પોતાના અને ગ્રાહકોના કરોડો ગુમાવનાર પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ બેન્ક મેરિલ લિન્ચનું દેવાળું ન નીકળે, એ માટે સરકારે દરમિયાનગીરી કરી. પરિણામે, બેન્ક ઓફ અમેરિકાએ ‘મેરિલ લિન્ચ’ ખરીદી લીધી.
સરકારના અંકુશ વગર, લોનની આંધળી હરિફાઇ અને સિક્યોરિટીની સટ્ટાબાજીમાં ખોખલા થઇ ગયેલા અર્થતંત્રના નોંધપાત્ર હિસ્સાને નાદારીમાંથી બહાર કાઢવા અમેરિકાની સરકારે ૭૦૦ અબજ ડોલરની મદદ આપવાનું નક્કી કર્યું છે. અમેરિકાના બન્ને પક્ષોએ આ મદદને મંજૂરી આપી દીધી છે. પરંતુ એ રકમ મલ્ટીપલ ફ્રેક્ચર ધરાવતા અર્થતંત્રને ફરી ‘વન પીસ’ બનાવવા માટેની છે. એક વાર ‘વન પીસ’ બની ગયા પછી પણ હવે અમેરિકાના ‘કાઉબોય કેપિટાલિઝમ’ની પ્રચંડ તાકાત ભૂતકાળ બની જશે, એવું અત્યારે સ્પષ્ટપણે લાગે છે. અર્થતંત્રના કાંટાને અવળા ફેરવીને રેગન પહેલાંના સમયમાં લઇ જવામાં આવે, એ જ આ મહામંદીનો બોધ અને તકાદો છે.
હવે આમાં નીચેના ફેક્ટર ઉમેરો:
ReplyDelete1) ક્રેડીટ કાર્ડ ડેબ્ટ - માથાદીઠ 9 હજાર ડૉલર, હવે બેકારી વધે એટલે લોકો એ ચુકવી નહીં શકે.
2) નવું રોકાણ બન્ધ - પૈસા જ ના હોય તો કોઈ રોકે કેવી રીતે?
3) વીદેશી સીક્યુરીટી - લગભગ 3 ટ્રીલીયન ડૉલર, જ્યારે એમનો વેપાર નબળો પડશે ત્યારે અમેરીકા પાસે સીક્યુરીટી વટાવવા માટે આવશે
4) બેંકો નબળી પડે એટલે રોકાણકારોને ઈંસુરંસ કમ્પની 1 લાખ ડૉલર સુધીની રકમ ચુકવી દે. આમ, ઈંસુરંસ કમ્પની પર 2 ટ્રીલીયનનો બોજો પડશે એટલે એ બધીનું ઉઠમણું થશે.
તાલ જોયા જ કરો...
Who cares for economy--Many smart Gujarati brockers in Newjersey made millions in aquaring loans for poor idiots.
ReplyDeleteSorry for writting comments so late. In fact i happened to know of your blog after its reference in the last NIRIKSHAk onl. Very interesing blog. Congratulations.
ReplyDeleteNow, coming to the issue of current financial crisis. An important difference between the great depression and the current mode of capitalism is of the finacial capitalism, Hence, current crisis is purely based on manipulation of the financial instruements. In US and many other european economies there is no solid productive base of their finacia markets. Everything is on the books only. So, the rise in demand due to second world war helped to rescue US from the crisis as you also have mentioned. But that is not possible because the demand-supply gap of the physical products are not really involved. That is the most risky aspect of the entire crisis.
Neha Shah
પ્રિય ઉર્વીશભાઈ
ReplyDeleteનવરાશ હતી તો થયું લાવ ફેસબુક જોઈ લઉં. ત્યાં તમારો ન.મો. અને ગુ.શા. નો લેખ વાચ્યો અને ગમ્યો પણ ખરો.
પછી તમારા બ્લોગ ઉપર અમેરિકા ની મંદી ન ૨ લેખ વાચ્યા અને બધી વાતો સાથે સંમતિ છતાં એક વાત તમારા લેખ માં
નથી આવી તે 'community reinvestment act .
આ કાયદો ૭૦ ના દાયકા માં democratic પક્ષ ના પ્રતિનિધિ ઓ દ્વારા ઘડવા માં આવ્યો.જેમાં તેઓ ની દલીલ એ હતી કે નાની અને મોટી બંકો
લઘુમતી (શ્યામવર્ણ )ને ઘર માટે નાણા ધીરવા માં અન્યાય કરે છે, તે રોકવા માટે આ કાયદા માં એવી જોગવાઈ હતી કે લેણદાર ની લાયકાત ઘટાડવા માં આવી અને બેંકો એ આપેલી loan તરતજ સરકારે ઉભા કરેલા Freddie એકમો ને બંકો એ વેચવા માંડી . કાયદા પ્રમાણે જે બેંક વધારે
લોકો ને ધિરાણ કરે અને ખાસ કરી ને લઘુમતી ને , તે બંકો ખાસ rank અથવા તો પીઠ થાબડવા માં આવી. અને આ ચક્ર નો અંત તે ૨૦૦૮ નો કડાકો. આ કાયદો આ મંદી માં ઘણો ભાગીદાર છે પરંતુ સમાજવાદી ધારાસભ્યો અને Medea આ વાત નો ઉલ્લેખ ક્યાય કરતા નથી.
Let me finish with word from Margaret Thacher “The problem with socialism is that you eventually run out of other people's money. ” and this what happened in this recession. all the private debt now becoming public debt. Freddie still keep buying 10 billion worth of defaulted mortgages every quarter. federal reserve printing money and giving it government to buy this but somday rampart inflation has arrive and then tyre will meet the road. worst is not over yet,. this is just my opinion.
Deepak.Patel