Sunday, January 30, 2011

તસવીરકાર પ્રફુલ્લભાઇ પટેલને તસવીરી અંજલિ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, ભાગ્યે જ જોવા મળે એવા ઉઘાડા માથે,
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર વિધિ વખતે, 1950

ભાભા એટમિક રીસર્ચ સેન્ટર, ટ્રોમ્બેમાં અણુ રીએક્ટરઃ શૂન્યમાંથી સર્જન, 1957-61

અત્યારે કલ્પના પણ ન કરી શકાય એવું દૃશ્યઃ મુંબઇ એરપોર્ટ, 1952

પ્રફુલ્લભાઇ પટેલની જીવનયાત્રા તસવીરોમાં

ગુજરાતમાં તસવીરકાર પ્રફુલ્લભાઇ (પી.સી.) પટેલની ઓળખાણ ક્યાંથી શરૂ કરવી, એવી મૂંઝવણ થાય. સૌથી પહેલું નામ તેમના પ્રતાપી પિતા, ગોંડલના વિદ્યાધિકારી અને ભગવદ્ગોમંડળ કોશકાર ચંદુલાલ બહેચરલાલ પટેલનું યાદ આવે. તસવીરકાર તરીકે પ્રફુલ્લભાઇના શરૂઆતનાં કામમાંનું એક હતું 1945માં યોજાયેલા ભગવદ્ગોમંડળ વિમોચન સમારંભની તસવીરો. એમ તો મકરંદ દવેના તંત્રીપદે નીકળતા હસ્તલિખિત સામયિક 'પગદંડી'માં પણ પ્રફુલ્લભાઇની તસવીરો મુખપૃ્ષ્ઠ પર મુકાતી હતી. મકરંદભાઇ અને તેમના પ્રફુલ્લભાઇ જેવા સહાધ્યાયીઓ 'પૂર્ણિમાયન' નામે દર પૂનમે મળતું મંડળ ચલાવતા હતા. 'પગદંડી'ના સંચાલક તરીકે 'પૂર્ણિમાયન'નું નામ મૂકાતું હતું.

ચંદુભાઇના પુત્ર તરીકે 1925માં ગોંડલમાં જન્મેલા પ્રફુલ્લભાઇ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સ્ટીલ અને સીને ફોટોગ્રાફીમાં ડિપ્લોમા ભણ્યા. ત્યાર પછી તેમણે અનેક વ્યાવસાયિક અને કળાકીય એસાઇન્મેન્ટ પાર પાડ્યાં. ટ્રોમ્બે અણુમથક, નાગાર્જુન સાગર બંધ, દુર્ગાપુરનો સ્ટીલ પ્લાન્ટ જેવી અનેક સંસ્થાઓ-કંપનીઓ માટે દસ્તાવેજી તસવીરો લીધી. સાથોસાથ, જૂના મુંબઇની તસવીરો, પિક્ટોરિયલ ફોટોગ્રાફી અને પ્રયોગાત્મક તસવીરોમાં પણ ઘણું કામ કર્યું, જેમાનું કેટલુંક 'એ વ્યૂફાઇન્ડર્સ જર્નીઃ 55 યર્સ, ગ્લાસપ્લેટ ટુ ડિજિટલ' માં મૂકવામાં આવ્યું છે.

2001માં પ્રકાશિત આ પુસ્તક નિમિત્તે પ્રફુલ્લભાઇના પરિચયમાં આવવાનું થયું. 'સંદેશ'ની પૂર્તિમાં તેમના વિશે લેખ પણ લખ્યો હતો. તેમના નાના ભાઇ કે.સી.પટેલ અમદાવાદ રહે અને રજનીભાઇ (પંડ્યા)ના ગાઢ સંપર્કમાં. તેમના થકી પુસ્તક અને મુંબઇના એનસીપીએ સાથે સંકળાયેલા પ્રફુલ્લભાઇને મળવાનું થયું. મારા પુસ્તક 'સરદારઃ સાચો માણસ, સાચી વાત'માં અસ્તર પર ડબલ સ્ર્પેડમાં મુકેલી સરદારની અંતીમ યાત્રાની તસવીર પ્રફુલ્લભાઇની જ છે. 'અંતીમ યાત્રાની આ સિવાયની બીજી કોઇ તસવીરો ખરી?' એના જવાબમાં તેમણે ના પાડી હતી, પણ એ તસવીર વાપરવાની તેમણે ઉદારતાપૂર્વક મંજૂરી આપી હતી.

17 જાન્યુઆરી, 2011ના રોજ 85 વર્ષના પ્રફુલ્લભાઇએ વિદાય લીધી. તેમના જ પુસ્તકમાંથી લીધેલી કેટલીક તસવીરો વડે પ્રફુલ્લભાઇને હૃદયપૂર્વકની અંજલિ.

Tuesday, January 25, 2011

લોકશાહી સલામત, પ્રજાસત્તાક ખતરામાં

આઝાદી પહેલાં સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ગામડાંનું એક દૃશ્ય હજુ કેટલાકને યાદ હશેઃ વહેલા પરોઢિયાની ઘૂંધળાશમાં દૂરથી કોઇ ઓળો જોઇને રાજનો સિપાહી બૂમ પાડતોઃ ‘કોણ?’

સામેથી હાથ ઉંચો કરીને, આજ્ઞાંકિતતાના હળવા કંપ સાથેનો જવાબ મળતોઃ ‘રૈયત’.

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે આઝાદ ભારતનું બંધારણ અમલી બનતાં, લોકોને ‘રૈયત’માંથી ‘નાગરિક’ તરીકે બઢતી મળી. એ વાતને ૬૧ વર્ષનો લાંબો ગાળો વીત્યો. છતાં લાગે છે કે ઉપરથી થોપવામાં આવેલા ઘણાખરા સુધારાની જેમ, મોટા ભાગની રૈયત માટે ‘નાગરિક અવતાર’ દોહ્યલો રહ્યો છેઃ સ્વતંત્ર, પ્રજાસત્તાક દેશના નાગરિક તરીકેના ગૌરવથી વંચિત રહેલા લોકોનું પ્રમાણ મોટું છે. સાથોસાથ, નાગરિક તરીકેની સુખસુવિધાઓ ભોગવનારા અને ફરજ અદા કરવાની આવે ત્યારે પહેલી તકે ‘રૈયત’ બની જનારાની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી છે. આર્થિક સમૃદ્ધિ અને આર્થિક વિકાસ જેવા શબ્દોની ઝાકઝમાળ નાગરિકપણાને બદલે એકંદરે રૈયતપણું પોષતી-ઉત્તેજતી હોય એવી છાપ પડે છે.

સંઘર્ષઃ હક અને ફરજ
ચારેક દાયકા પહેલાં આચાર્ય કૃપલાણીએ આઝાદીનો રંગ ઉડી ગયા પછીના સમયગાળામાં એ મતલબની કબૂલાત કરી હતી કે ‘અમે નેતાઓ પ્રજાકીય ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ.’

ભારતને આઝાદી મળી તેમાં ગાંધીજીનું કેટલું પ્રદાન અને બીજા વિશ્વયુદ્ધનું પરિણામ, નાવિકોનો બળવો વગેરે બનાવોનું કેટલું પ્રદાન, એ અલગ ચર્ચાનો મુદ્દો છે, પરંતુ ગાંધીજીના કટ્ટર ટીકાકારો સુદ્ધાં એક વાતનો ઇન્કાર કરી શકે એમ નથી કે ગાંધીજીએ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે લડવા માટે ‘રૈયત’ને તૈયાર કરી. ઠરાવો અને અરજીઓમાં સંતોષ શોધતી લડતને તે આગળ-ઉપર લઇ ગયા અને લોકોમાં સામે ચાલીને પોલીસની લાઠી ખાવા સુધીની હિંમત પ્રગટાવી. ગાંધીજીના જીવનથી કે એકાદ મુલાકાતથી પ્રેરાઇને અનેક લોકોએ નવું જીવન, નવું કામ અપનાવ્યું અને જિંદગી આખી તેમાં સમર્પી દીધી.

બીજી તરફ, સરદાર પટેલે એક વાર ભાઇકાકાની ફરિયાદના જવાબમાં કહ્યું હતું તેમ, આઝાદીની લડત વખતે નેતાગીરીની જરૂર હતી એટલે ઘણા નેતાઓને તેમની મર્યાદાઓ અવગણીને મોટા ભા બનાવવામાં આવ્યા, પણ આઝાદી મળી ગઇ અને રાજ કરવાનું આવ્યું એટલે તેમના અસલી, માટીના પગ છતા થઇ ગયા. પહેલી-બીજી હરોળના નેતાઓના ઘડતરના ગંભીર પ્રશ્નો હોય, ત્યાં નાગરિક ઘડતર કેટલી દૂરની વાત કહેવાય?

ગાંધીજીની નેતાગીરીનું અત્યંત મહત્ત્વનું- અને અત્યારે સૌથી અપ્રસ્તુત બનાવી દેવાયેલું- પાસું છે : સંઘર્ષ. ભારત તો ઠીક, દક્ષિણ આફ્રિકાની અજાણી ધરતી પર અન્યાય સામે અવાજ ઉઠાવતી વખતે ગાંધીજીએ પરિણામોનો વિચાર કર્યો ન હતો. ‘આત્માનો અવાજ’ કહો કે ‘અન્યાય સામે ઝઝૂમવાની અદમ્ય વૃત્તિ’, પોતાનાથી શક્ય હોય એટલી લડત, બને ત્યાં સુધી નાગરિક તરીકેની ફરજો અદા કરીને, આપવામાં ગાંધીજી કદી પાછા પડ્યા નહીં. દરેક વખતે તેમના સંઘર્ષનું ધાર્યું પરિણામ મળ્યું નહીં એ જુદી વાત છે- અને એ માટે સંકોચ પામવાની કે સચ્ચાઇના ભોગે ગાંધીજીની મહત્તાને બઢાવીચઢાવીને રજૂ કરવાની જરૂર નથી. મહત્ત્વ અન્યાય સામે અવાજ ઉઠાવવાનું છે. ફક્ત ગુજરાતને જ નહીં, આખા ભારતને મહાત્માના મંદિરની નહીં, મહાત્મા સંઘર્ષ વિદ્યાલયોની જરૂર છે, જે નાગરિકોને ફરજ અદા કરતાં અને હક માટે માથું ઊંચકતા શીખવે.

ગાંધીજી જેવા ટોચના નેતાથી માંડીને ઉમાશંકર જોશી જેવા પ્રજાલક્ષી સાહિત્યકાર હોય કે આ વર્ષે જેમની જન્મશતાબ્દિ ઉજવાઇ રહી છે તે ભોગીભાઇ ગાંધી જેવા લડવૈયા, એ સૌની સ્વ-રાજની વ્યાખ્યા હતીઃ ‘નાગરિક-રાજ’, જેમાં ભારતનો ગરીબમાં ગરીબ નાગરિક પણ પોતાના હક ભોગવી શકે. એ લોકોએ પણ સંઘર્ષનો મહિમા કર્યો અને વિનોબા જેવા વિનોબા સંઘર્ષથી અળગા થતા લાગ્યા, ત્યારે આદરસહિત તેમની સાથે છેડો ફાડતાં ખચકાયા નહીં. પણ આખરે તો એ સૌ પોતાનું સ્વપ્ન સાકાર થવાને બદલે દિવસે દિવસે વઘુ વેરવિખેર થતું જોઇને ગયા.

ન હરખાવાનો અધિકાર
બરાબર ૨૫ વર્ષ પહેલાં, ૨૫ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે ભાલકાંઠાના ગોલાણા ગામે દલિત હત્યાકાંડ થયો ત્યારે પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવનાર પીટર માસ્તરે ગામની મુલાકાતે આવેલા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી અને તત્કાલીન કોંગ્રેસપ્રમુખ અહેમદ પટેલને કહ્યું હતું.‘અમારે કશુંય જોઇતું નથી. તમે ખાલી એટલો જવાબ અમને આલો કે અમે આ દેશના માણસ ખરા કે નહીં?’

આજે આ સવાલ, આ જ શબ્દોમાં પૂછાતો ન હોય, પૂછી શકાતો ન હોય તેનાથી સવાલની અણી કે તેની પ્રસ્તુતતા ઓછી થતી નથી. દેશના આર્થિક વિકાસના જાદુઇ આંકડાની માયાજાળ વચ્ચે, વિકાસ જેમના માટે અનુભવવાની કે જીવવાની નહીં, પણ માત્ર જોવાની ચીજ છે, એવા કેટકેટલા લોકોના મનમાં પીટર માસ્તરે કરેલો સવાલ ઉગતો હશે! ૨૬મી જાન્યુઆરીના રોજ થતી લશ્કરી પરેડ અને ‘સારે જહાંસે અચ્છા’ના બેન્ડમ્યુઝિકમાં એ સવાલ ભલે સંભળાતો ન હોય.

પ્રજાસત્તાક બન્યા પછીનાં ૬૧ વર્ષમાં હકારાત્મક પરિવર્તનો આવ્યાં છે, પરંતુ તેની સરખામણીએ થયેલા નકારાત્મક ફેરફારો અને ભવિષ્યની દિશા વધારે ગંભીર, વધારે લાંબા ગાળાના છે. ઈંદિરા ગાંધીના વડાપ્રધાનપદા દરમિયાન શરૂ થયેલી બંધારણીય સંસ્થાઓની પડતી હવે ચરમસીમાએ પહોંચી છે. ચીફ વિજિલન્સ કમિશનર જેવા હોદ્દે ભ્રષ્ટાચારના આરોપથી ખરડાયેલા ઉમેદવાર હોય કે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ સામે સગાવાદના આક્ષેપો થાય, ત્યારે ‘રાઇટ ટુ ઇન્ફર્મેશન’- માહિતી અધિકારથી કેટલું રાજી થવું એ નાગરિકો માટે નક્કી કરવું અઘરૂં છે.

લોકશાહીની વિવિધ પાંખો વચ્ચે સત્તાનું સંતુલન સધાયેલું રહે, એ રીતે રચવામાં આવેલી સંસ્થાઓ આખરે રાજકીય કૃપાવંતોનાં આશ્રયસ્થાન બની જાય, શિક્ષણસંસ્થાઓ નેતાઓ અને તેમના ટેકેદારોની દુકાનો બની જાય, યુનિવર્સિટીઓ પાળેલા ઉપકુલપતિઓના તબેલા બની જાય, સૈન્ય જેવું સૈન્ય ભ્રષ્ટાચારના કુંડાળામાં જણાય અને તેના કેટલાક અફસરો કારગીલના શહીદોના ફ્લેટ પચાવી પાડવાના કૌભાંડમાં સામેલ હોય... ત્યારે પ્રજા કયા ઉમંગે પ્રજાસત્તાક દિન ઉજવે?

નેતાશાહીમાંથી નાગરિકશાહી
‘ભારતમાં લોકશાહી હજુ મજબૂત છે’ એવું કહેવાય છે અને તેમાં તથ્ય છે, પરંતુ એમ તો વેન્ટીલેટર પર જીવતા માણસને ‘જીવીત’ જ ગણવામાં આવે છે. મુદ્દો વ્યાખ્યાનો નહીં, હાર્દનો છે. અત્યારની લોકશાહી નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા નહીં, પણ રૈયતે ચૂંટેલા નેતાઓથી ચાલે છે અને તેનાં પરિણામ આપણી સામે છે. હવે તો રૈયત પાસે પણ વિકલ્પો મર્યાદિત થતા જાય છે. બે દાયકા પહેલાં મતદારો પાસે કમ સે કમ એક યા બીજા પ્રકારની વિચારસરણી ધરાવતા પક્ષ તો હતા. હવે તમામ રાજકીય પક્ષોની એક જ વિચારધારા છેઃ જ્યાં, જ્યારે, જેટલી પણ સત્તા મળે ત્યારે તેનો મહત્તમ લાભ લઇ લેવો. રૂપિયા બનાવી લેવા. સંસ્થાઓ પર કબજો જમાવી દેવો. નાગરિકો કહેતાં મતદારોનો વિચાર આવે તો તેમના માટે ‘સાંસદનિધિ’ જેવા ટુકડા ક્યાં નથી? ફેંકી દેવાના બે-ચાર ટુકડા, એટલે મતદારો પણ રાજી.

અંગત કૌભાંડો અને ભ્રષ્ટાચાર તો ઠીક, ત્રાસવાદ, સંરક્ષણ, આર્થિક નીતિ, જાહેર સાહસો જેવા દેશહિતના મહત્ત્વના મુદ્દામાં પણ રૈયત દ્વારા ચૂંટાયેલા રાજનેતાઓ નિરાશાજનક હદે ગાફેલ અને બેજવાબદાર નીવડ્યા છે. ચીન જેવો જૂનો શત્રુદેશ પોતાની લશ્કરી તાકાત અને ખુલ્લી દાદાગીરી અનેક ગણી વધારી રહ્યો છે અને તે અમેરિકા જેવી મહાસત્તાને પણ ગાંઠતો નથી, ત્યારે ચીનના સંભવિત પ્રતિકાર વિશે ભારતના પક્ષ કે વિપક્ષને કંઇ જ નક્કર કહેવાનું નથી અને કાશ્મીરમાં ઘ્વજવંદન કરવા જેવા પ્રતીક કાર્યક્રમ સઘળું રાજકારણ ખેલવાનો અખાડો બની જાય છે.

સરકારોની બિનકાર્યક્ષમતા, ગરીબોના અમર્યાદ શોષણ અને આદિવાસીઓના હક પર આડેધડ તરાપમાંથી ઉભો થયેલો નક્સલવાદ હિંસા-પ્રતિહિંસાનાં ચક્રો પછી વિચારધારાનાં તમામ બંધનો ફગાવી ચૂક્યો છે. ભારતના મોટા હિસ્સામાં કેન્દ્ર અને રાજ્યોની જુદા જુદા પક્ષોની સરકારોએ નક્સલવાદનો પ્રભાવ એટલી હદે વધી જવા દીધો છે કે હવે તેમનું સમાંતર રાજ ચાલે છે અને નક્સલવાદીઓ પર હુમલો કરવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવા સુધીની દરખાસ્તો થાય છે. તેમ છતાં, નક્સલવાદીઓનો એકાદ ઘાતક હુમલો થાય અને થોડા સુરક્ષાકર્મીઓ મૃત્યુ પામે ત્યારે ઉઠતો ચર્ચાવિચારણાનો વંટોળ જોતજોતાંમાં, બીજો મોટો હુમલો ન થાય ત્યાં લગી શમી પણ જાય છે.

પ્રજાસત્તાક દિનની પૂર્વસવારનું ચિત્ર અત્યંત નિરાશાજનક લાગ્યું હોય તો પણ એ જરાય અતિશયોક્તિભર્યું નથી. ભારતની ચૂંટણીકેન્દ્રી લોકશાહી ભલે સલામત હોય, પણ ભારતીય પ્રજાસત્તાક અત્યંત નાજુક અવસ્થામાં છે- અને આ પરિસ્થિતિની જવાબદારીમાંથી રૈયત પોતાના હાથ ખંખેરી શકે એમ નથી.

તકવાદી અને પરસ્પરના હિત માટે ગમે તેવી સાંઠગાંઠ કરી શકતા રાજકીય પક્ષોમાં પોતાનો ઉદ્ધાર શોધવાને બદલે, નાગરિકો નાના પાયાથી શરૂઆત કરીને નવી પ્રજાકીય નેતાગીરી માટે પ્રવૃત્ત બને, જેનાથી રૈયતનું નાગરિકમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનો આરંભ થાય. સાચા પ્રજાસત્તાકના સર્જન માટે, તેનાથી ચાર દિવસ પછી આવતો ગાંધીહત્યા દિવસ પણ સંભારવો રહ્યો. ગાંધીજીના સંઘર્ષના વારસાને અપનાવ્યા વિના દેશના બહુમતિ નાગરિકોનું સ્વ-રાજ કદી આવવાનું નથી, એ સચ્ચાઇ ઓછામાં ઓછી એક વાર, દર ૨૬ જાન્યુઆરીએ યાદ કરી લેવા જેવી છે.

Monday, January 24, 2011

‘સ્વરસમ્રાટ’ કે.એલ.સાયગલનો એકમાત્ર ઉપલબ્ધ ઇન્ટરવ્યુ: મૈં મનકી બાત બતાઊં

K.L.Sehgal (Saigal) in President

કિશોરકુમાર, મહંમદ રફી, મુકેશ, તલત મહેમુદ, મહેંદી હસન...આ બધા ગાયકો વચ્ચે, સમકાલીન હોવા ઉપરાંત, બીજું કયું મોટું સામ્ય છે? એ સવાલનો જવાબ છેઃ કુંદનલાલ સાયગલ પ્રત્યેનો ભક્તિભાવ.

કિશોરકુમાર અને મુકેશે કારકિર્દીની શરૂઆતનાં કેટલાંક ગીતો સાયગલના અવાજ અને ગાયકીના ઘેરા પ્રભાવ તળે ગાયાં. ‘શાહજહાં’ના ગીત ‘મેરે સપનોંકી રાની’માં સાયગલ સાથે એક લીટી ગાવા મળી, એ બદલ રફી પોતાની જાતને નસીબદાર માનતા હતા. તલત મહેમુદ અને મહેંદ હસન ભારે આદરપુર્વક કહેતા રહ્યા કે ગઝલગાયકીમાં સાયગલસાહેબ લાજવાબ હતા. સાયગલ સાથે યુગલગીત ગાવા મળ્યું તેને સુરૈયાએ પોતાના જીવનની સૌથી ધન્ય ક્ષણોમાંની એક ગણાવી. લતા મંગેશકર જેવાં ‘ભારતરત્ન’ ગાયિકા અનેક વાર જુદા જુદા શબ્દોમાં સાયગલ વિશે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરી ચૂક્યાં છે. ‘શાહજહાં’માં સાયગલનો કંઠ સંગીતમાં ઢાળવાની તક મળી, તેને નૌશાદ મૃત્યુપર્યંત પોતાના જીવનની એક ઉપલબ્ધિ ગણતા હતા. સાયગલના અકાળે મૃત્યુ પછી તેમને અંજલિ આપતાં ‘ફિલ્મઇન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલે લખ્યું હતું,‘અખબારોમાં સાયગલના મૃત્યુના સમાચાર પ્રગટ થયા પછી એક અઠવાડિયા સુધી રાજકારણ અને પાકિસ્તાનને લગતા સમાચાર ગૌણ બની ગયા.’

૧૯૩૦-૪૦ના દાયકાના સંગીતમાં છવાઇ ગયેલા અને ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ માત્ર ૪૩ વર્ષની ઊંમરે અસ્ત થયેલા સાયગલ સાડા છ દાયકા પછી પણ ફિલ્મસંગીતના ઇતિહાસમાં દેવતાઇ સ્થાન ધરાવે છે. સંગીતના બદલાયેલા યુગમાં સાયગલ પ્રકારની ગાયકી રહી નથી- અને તેનો વસવસો પણ ન હોય, કારણ કે બીજી બાબતોની જેમ સંગીતમાં પણ સમયનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે.પરંતુ ખુલ્લું મન ધરાવતા કોઇ પણ સંગીતપ્રેમીને સાયગલનો કંઠ અને તેમની ગાયકી આજે પણ ઓળઘોળ કરી શકે છે. સાઠ વર્ષ પહેલાં ગવાયેલાં સાયગલનાં ફિલ્મી-બિનફિલ્મી ગીતો સાંભળતાં આજે પણ મનના ઉંડાણમાં અનોખી શાતા અને બિનઅંગત છતાં અંગત લાગે એવા દર્દનો અહેસાસ થાય છે.

સાત વર્ષ પહેલાં, ૨૦૦૪માં સાયગલની જન્મશતાબ્દિ આવી ત્યારે ગુજરાતી સંશોધક હરીશ રધુવંશી અને કાનપુરના ‘ફિલ્મ ગીતકોશ’કાર હરમંદિરસિંઘ ‘હમરાઝ’ની પહેલથી સાયગલ વિશેનો પહેલો અધિકૃત ગ્રંથ ‘જબ દિલ હી તૂટ ગયા’ તૈયાર થયો. સાયગલની સાચી જન્મ તારીખ (૧૧-૪--૧૯૦૪)થી માંડીને તેમણે ગાયેલાં ગીતોની તમામ વિગતો અને માહિતીપ્રદ-સંસ્મરણાત્મક લેખો ધરાવતા આ પુસ્તક પછી સાયગલ વિશેનાં પુસ્તકોની લાઇન લાગી ગઇ. સાયગલ વિશેનાં ત્રણ-ચાર મોંઘાદાટ ‘કોફીટેબલ’ પુસ્તકો બજારમાં આવી ગયાં.
પરંતુ સાયગલ વિશેના એક પણ પુસ્તકમાં તેમનો ઇન્ટરવ્યુ જોવા ન મળ્યો. એ સમયે ફિલ્મ સ્ટારની તસવીરો છપાતી હતી, પણ તેમના ઇન્ટરવ્યુનો રિવાજ પ્રચલિત થયો ન હતો. એટલે સાયગલના સમયગાળામાં ચાલતા ટોચના ફિલ્મમાસિક ‘ફિલ્મઇન્ડિયા’ના તમામ અંકો સંશોધકો પાસે હોવા છતાં, તેમાં ક્યાંય સાયગલનો ઇન્ટરવ્યુ ન હતો. સાયગલે પોતે કહેલું કશું વાંચવા-જોવા મળી જાય એની સાયગલ-સંશોધકો અને સાયગલપ્રેમીઓને જબરી તાલાવેલી હતી, પણ એ ઇચ્છા અઘૂરી જ રહી.

દરમિયાન, જ્યોતીન્દ્ર દવે સંબંધિત સંશોધન નિમિત્તે જૂનાં સામયિકો જોતાં આ લખનારને એ ચીજ મળી આવી, જે સાયગલનાં ચાર-પાંચ પુસ્તકોમાં પણ ન હતીઃ સાયગલનો ઇન્ટરવ્યુ- અને તે પણ ગુજરાતી અઠવાડિક ‘બે ઘડી મોજ’માં લેવાયેલો વિગતવાર ઇન્ટરવ્યુ.

ગઝલકાર-નવલકથાકાર ‘શયદા’(હરજી લવજી દામાણી) ના તંત્રીપદે પ્રકાશિત થતા ‘બે ઘડી મોજ’ના ૨૩ એપ્રિલ, ૧૯૩૯ના અંકમાં ‘કલકત્તાના કલાધામમાં સ્વરદેવતા સાયગલ સાથે ‘બે ઘડી મોજ’ માટે ખાસ વાર્તાલાપ’ પ્રગટ થયો હતો. સૂટ-હેટ-ટાઇમાં સજ્જ સાયગલની તસવીર સાથેના લેખનું મથાળું હતું,‘હું કાંઇ દેવદાસ નથી!’

ઇન્ટરવ્યુ પ્રગટ થયો ત્યારે સાયગલ કોલકાતા સ્થિત ‘ન્યૂ થિયેટર્સ’ સ્ટુડિયોના પગારદાર છતાં ફિલ્મજગતના સ્ટાર બની ચૂક્યા હતા. ચંડીદાસ, દેવદાસ, પુજારિન, કરોડપતિ, પ્રેસિડન્ટ, ધરતીમાતા, સ્ટ્રીટસિંગર, દુશ્મન જેવી તેમની ફિલ્મો અને ખાસ તો તેનાં ગીતો પ્રચંડ લોકપ્રિયતા મેળવી ચૂક્યાં હતાં. છતાં સાયગલના મનમાં કોઇ જાતની હવા પ્રવેશી ન હતી. ‘બે ઘડી મોજ’ વતી ઇન્ટરવ્યુ લેનારને તેમણે પહેલો સવાલ તો એ પૂછ્યો કે ‘તમે મારૂં સરનામું ક્યાંથી ખોળી કાઢ્યું? જે માણસો કલકત્તામાં રહે છે તેમને પણ મારા ઠામઠેકાણાની બરાબર જાણ
નથી. ત્યારે તમે તો ઠેઠ મુંબઇથી પરબારા મારે ઘેર પહોંચી આવ્યા. ખરેખર આશ્ચર્ય થાય છે.’

‘દેવદાસ’માં ભગ્નહૃદયી પ્રેમીના પાત્ર દ્વારા ખ્યાતિ પામેલા સાયગલ વિશે એ વખતે અનેક કથાઓ પ્રચલિત થઇ હતી (જેમાંની કેટલીક હજુ પણ ચાલે છે.) જેમ કે, સાયગલ પોતે દેવદાસ જેવા હતા, એટલે તે દેવદાસની ભૂમિકાને ન્યાય આપી શક્યા. મુલાકાતમાં તેમને આ મતલબનો સવાલ પૂછાયો એટલે એ ભલા માણસ બોલી ઉઠ્યા, ‘એ તો મારા પર ખુલ્લો આરોપ છે...હું કાંઇ દેવદાસ જેવો દુનિયાનો ઉતાર નથી. પડદાના દેવદાસની માફક જીવનનો જુગાર આદરવામાં હું માનતો નથી. તેવી જ રીતે અનિશ્ચિત ને અસ્થિર જીવન હું જીવતો નથી. બધા માણસોની જેમ હું પણ ગૃહસ્થ છું. મારાં સ્ત્રીબાળબચ્ચાં સાથે સુખચેનથી દિવસો વીતાડું છું. સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યા પછી ઘર સિવાય બીજી કોઇ વસ્તુનો હું ભાગ્યે જ વિચાર કરૂં છું.’ (અવતરણોમાં શબ્દો મૂળ ઇન્ટરવ્યુના પાઠ પ્રમાણે રાખ્યા છે.)

સાયગલ જેવા મેગાસ્ટારને ફિલ્મોમાં કોણ લઇ આવ્યું, એ વિશે જેટલાં મોં એટલી વાતો છે. પરંતુ ‘બે ઘડી મોજ’ની મુલાકાતમાં પહેલી વાર સાયગલના મોઢેથી એ વાત જાણવા મળે છેઃ ‘૧૯૩૦ની સાલમાં હું રેમિંગ્ટન ટાઇપરાઇટર કંપનીના રેપ્રિઝન્ટીવ તરીકે કલકત્તે આવ્યો હતો. એ વખતે મી. સરકાર (ન્યૂ થિયેટર્સના માલિક) સાથે મારી સહજ મુલાકાત થઇ ને હું એમને મળ્યો તે સમય દરમ્યાન તેઓ ફીલ્મ કંપની કાઢવાનો વિચાર ચલાવી રહ્યા હતા. મશીનરી માટે ઓર્ડર પણ અપાઇ ગયો હતો. ફક્ત સ્ટુડીયો જ તૈયાર થયો ન હતો. એક દીવસ મી.સરકાર, મી.હાફીઝ, મી. કાઝી અને મી.પંકજ મલિક સાથે બેસીને સંગીત વીષે ચર્ચા ચલાવી રહ્યા હતા. મને ગાવાનો નાનપણથી જ નાદ છે એમ કહું તો પણ ચાલે. એટલે અવારનવાર જ્યારે હું નવરો પડ્યો હોઊં ત્યારે કોઇ ને કોઇ ગાયન કે સંગીતની ઘુન મારા મોઢામાં જાણે હોય જ. ને આ લોકો મારા આ જાતના સ્વભાવથી સુપરિચિત હતા. એટલે એમની ચર્ચા પૂરી થઇ કે તરત જ તેમણે મને એમની નવી નીકળનાર કંપનીમાં જોડાઇ જવા માટેની ઓફર કરી. તે વખતે કોણ જાણે શા માટે પણ હું એમની કંપનીમાં નટ તરીકે જોડાવા તૈયાર નહોતો. પણ પાછળથી એમણે મને ઘણું સમજાવ્યું અને આ ધંધાના સારા પ્રોસ્પેક્ટસની મારી આગળ મોટી મોટી વાતો કરી ત્યારે મેં એમની વાત માન્ય રાખી લીધી. પણ એટલા માટે મને શરૂઆતમાં સહન એટલા પુરતું કરવું પડ્યું કે એ દિશામાં હું દાખલ થાઊં એવી મારા માતાપિતાની ઇચ્છા નહોતી. પણ તે છતાંય હું આ દિશામાં દાખલ તો થઇ જ ગયો.’

‘દેવદાસ’ ફિલ્મમાં નશામાં ચકચૂર થઇને સડકના કિનારે પડ્યાં પડ્યાં સાયગલે ગણગણેલી ઉસ્તાદ અબ્દુલકરીમખાંની ઠૂમરી ‘પિયા બિન નાહી આવત ચૈન’ સાયગલની કારકિર્દીનું એક શીખર ગણાય છે. બોલાતા અને ગવાતા શબ્દો વચ્ચેનો ભેદ ભૂંસીને, શબ્દોના ભાવની ઉત્કટ અદાયગી કરવી એ સાયગલશૈલીનો ‘પિયા બીન...’ ઉત્તમ નમૂનો છે. ફૈયાઝખાનને સાયગલે ઉસ્તાદ માન્યા એ વિશે અનેક કથાઓ ચાલે છે, પણ હકીકત ખુદ સાયગલના શબ્દોમાં ‘સંગીતની તાલીમબાલીમ મેં લીધી જ નથી. મારી રીતે મેં ગાવાની શરૂઆત કરી ને હું ગાવા લાગ્યો. એક દિવસ એક રમુજી પ્રસંગ બન્યો. એક દિવસ ફૈયાઝખાં અહીં આવ્યા હતા. તેમણે મને સુચનારૂપે જણાવતાં કહ્યું કે ઉસ્તાદ તો જરૂર રાખવો જોઇએ. ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમે જ મારા ઉસ્તાદ બની જાઓ!’ ને મેં એમને જ મારા ઉસ્તાદ માની લીધા.’ આ મુલાકાતમાંથી એ પણ જાણવા મળે છે કે સાયગલ કોઇ પિક્ચર આખું જોઇ શકતા ન હતા. ‘મારી આંખો એટલી બધી ખરાબ છે કે હું પિક્ચરો જોઇ શકતો નથી. પિક્ચર હાઉસમાં બે કલાક માટે બેસી રહું તો મારૂં માથું દુઃખી આવ્યા સિવાય રહે જ નહિ.’

પોતાની હોબીઝ વિશે સાયગલે કહ્યું હતું,‘પિકચરો તો જાણે હું જોતો નથી. બાકી વાંચવાનો અને ઘોડેસવારીનો મને નાદ છે. એટલે એમાં જ મશગુલ રહું છું. આ સિવાય મને બીજા કોઇ શોખ હોય એવું મને લાગતું નથી.’
‘આ ક્ષેત્ર ન સાંપડ્યું હોત તો આજે તમે જીવનના કયા ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોત?’ એવા સવાલનો સાયગલે આપેલો જવાબ છે,‘તો આજે હું રેમિંગ્ટન ટાઇપ રાઇટર કંપનીના રેપ્રિઝન્ટીવ તરીકે કલકત્તાના રસ્તાઓ પર હાથમાં બેગ લઇને ફરી રહ્યો હોત!’

ખરેખર કરવા જેવી અને કરવી ન ગમે એવી કલ્પના એ છે કે સાયગલ આ ક્ષેત્રમાં ન આવ્યા હોત તો, લાખો સંગીતપ્રેમીઓનું શું થાત!

Saturday, January 22, 2011

ગીત તમારા હોઠો પર...સ્મિત અમારા હોઠો પર

મથરાવટીનો સવાલ છે.
ઓલ ઇન્ડિયા રેડિયો કે દૂરદર્શન પર સારાં કામ થઇ શકે એવું જલ્દી કોઇ માને નહીં. આવડત કરતાં વૃત્તિ અને દાનતનો સવાલ વધારે હોય છે.

એટલે જ, એકાદ વર્ષ પહેલાં ભાઇ બીરેને વડોદરા વિવિધભારતી માટે ગીતકારોની સિરીઝની વાત કરી ત્યારે મને ખાસ હોંશ થઇ ન હતી. ઉત્સાહ નહીં થવાનું બીજું કારણ એ પણ ખરું કે મારા અભ્યાસનો મૂળ વિષય જૂના સંગીતકારો-ગાયકો. ગીતકારો તો એમની સાથે આવે એટલા પૂરતા જ.

આખરે 31 ઓગસ્ટ, 2009ના બુધવારથી શ્રેણી શરૂ થઇ. વડીલ મિત્ર અને વરિષ્ઠ લેખક બકુલ ટેલર તેના સ્ક્રીપ્ટલેખન સાથે સંકળાયેલા હતા. શ્રેણીનું નામ પણ તેમણે જ આપેલું હતું. બીરેન થોડા કચવાટ સાથે જોડાયો. એકાદ ગીતકાર પૂરતા રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા) સંકળાયા. કાર્યક્રમ વડોદરા વિવિધભારતી પર આવે, એટલે મહેમદાવાદમાં સંભળાય નહીં. પણ ધીમી શરૂઆત પછી ઉંચકાતી ફિલ્મની જેમ, ધીમે ધીમે કાર્યક્રમ વિશે બીરેન પાસેથી સાંભળવા મળવા લાગ્યું. તેને મઝા આવી રહી હતી. બલ્કે, એનો 'હાથ બેસી ગયો હતો.'

વાતવાતમાંથી બીરેન પાસેથી એમ પણ જાણવા મળ્યું કે આ કાર્યક્રમ કરનાર ઉદઘોષક અભિષેક અને તેની પત્ની તેજલ સરસ કંપની છે. તેમની સાથે આપણું જામે તેમ છે. છતાં, અભિષેકે પહેલી વાર મને શૈલેન્દ્રની સ્ક્રીપ્ટ લખવા કહ્યું ત્યારે હું બહુ ખચકાયો. બીરેને મારો ખચકાટ દૂર કરવા એની લખેલી બે-ત્રણ સ્ક્રીપ્ટ મોકલી આપી. લખાણનો ભાગ બહુ ઓછો અને ગીતો બને એટલાં વધારે હોય એવો એનો ઉપક્રમ હતો. મને પણ એ યોગ્ય લાગ્યો. એટલે મેં એ ફોર્મેટ અપનાવીને થોડા અંગત શૈલીના ફેરફારો સાથે શૈલેન્દ્રના ચાર હપ્તા લખ્યા અને અભિષેકને પ્રેમથી કહ્યું કે હવે બીજું લખવાનું ન કહેશો.

અભિષેકે સાંભળી લીધું. માની પણ લીધું. એ બીરેનને ઓળખતા ન હોત તો ચોક્કસ એવું માનત કે હું ભાવ ખાઉં છું. છતાં, મને પલાળવાના હેતુથી એમણે બાકી રહેલા ગીતકારોની યાદી સંભળાવી અને કહ્યું કે આમાંથી કોઇ પણ વિશે લખવાનું મન થાય તો કહેજો.

ત્યાર પછી શું થયું તેની 'સિલસિલાબંધ વિગતો' અહીં નીચે મુકેલી યાદી એન્લાર્જ કરીને જોવાથી મળી જશે, પણ છેલ્લે કેદાર શર્મા અને ડી.એન. મધોક જેવા ગીતકારોના હપ્તાથી માંડીને ન સમાવાઇ શકાયેલાં મહત્વનાંનામોના દાયકાવાર હપ્તા કરવા જોઇએ, એવું સૂચવવા સુધીની હદની મારી સામેલગીરી થઇ.

વડોદરા આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર અને ખુદ અચ્છા કવિ યજ્ઞેશભાઇ દવે આખી શ્રેણી પર નજર રાખતા હતા, પણ તેમણે અભિષેકને અને સ્ક્રીપ્ટ લેખકોને એવો છૂટો દોર આપ્યો કે કોઇ સરકારી તંત્રમાં આટલી મોકળાશ ભાગ્યે જ મળે. તેમના સતત પીઠબળ અને પ્રોત્સાહનને લીધે આટલું લાંબું કામ સળંગ, એક પણ અઠવાડિયું પાડ્યા વિના થઇ શક્યું. અભિષેક અમે લખેલી સ્ક્રીપ્ટના શબ્દેશબ્દને વફાદાર રહ્યો અને કાર્યક્રમના ઉઘાડમાં 'ગીત તમારા હોઠો પર' એવી 'આકાશવાણી' તેજલના અવાજમાં સંભળાતી રહી.

સ્ક્રીપ્ટ રાઇટરો વિશે તો શું લખું? દરેકે દિલથી કામ કર્યું. કારણ કે એ સૌ માટે આ ફક્ત 'કામ' ન હતું. અભિષેકના કહેવાથી જાણવા મળ્યું કે સ્ક્રીપ્ટનું મેટર પણ ઇ-મેઇલ અને ફેક્સ થકી આવતું હતું. ત્રણે સ્ક્રીપ્ટ લેખકો આખી સિરીઝ દરમિયાન કદી એક સ્થળે ઉદઘોષક સાથે ભેગા ન થયા. છતાં (કે એટલે જ?:-) બધું નિર્વિધ્ને પાર પડ્યું.

સુરતના સદા મદદગાર સ્નેહી મિત્ર હરીશ રઘુવંશીના દસ્તાવેજી સહયોગ વિના આ શ્રેણી થઇ શકી ન હોત અને કાનપુરના હરમંદિરસિંઘ હમરાઝ સંકલિત 'ગીતકોશ'ના ખંડો વિના તો ફિલ્મ વિશેનું કોઇ પણ કામ શી રીતે શક્ય બને? હરીશભાઇનો હક એવો કે એક વાર બકુલભાઇ કોઇ ગીતકારની ફિલ્મોની સૂચિ બનાવવા બેઠા અને હરીશભાઇને જાણ થઇ ત્યારે એ પ્રેમવશ નારાજ થઇ ગયા. એમની નારાજગીનો મુદ્દો હતો, 'તમારે યાદી બનાવવાની શી જરૂર. હું નથી બેઠો? મને કહી દેવું જોઇએ ને? તો તમારો ટાઇમ બચી જાય.'

શ્રેણીનું કામ કરવાની તો બહુ મઝા આવી અને હવે એ જ પ્રકારે બીજા એક વિષય પર શ્રેણી બનાવવાની જાહેરાત યજ્ઞેશભાઇએ કરી દીધી છે. એ જ ટીમ સાથે.

28 ગીતકારોને આવરી લેતી 72 હપ્તાની આ શ્રેણીની મોટી અંગત ઉપલબ્ધિ એ રહી કે અભિષેક-તેજલ મળ્યાં.

click to enlarge complete list of progs. with names of lyricists, broadcasting date & script writers.

Thursday, January 20, 2011

મહાત્મા મંદિરની મુલાકાતે મહાત્મા

ગયા અઠવાડિયે ગાંધીનગરમાં ‘વ્હાય બર્ન્ટ’ના જવાબની અવેજીમાં કે તેના વિસ્મરણ માટે શરૂ થયેલા વાયબ્રન્ટ મહોત્સવનો વઘુ એક અંક ઉજવાઇ-ભજવાઇ ગયો. આ વખતના વાયબ્રન્ટનું સ્થળ હતું મહાત્મા મંદિર.

મહાત્મા એટલે પેલા આફ્રિકાવાળા બેરિસ્ટર ગાંધી, જે પેટ્રોલપમ્પ પર એટેન્ડન્ટ ન હતા, સાધનશુદ્ધિ જેવા જૂનવાણી ખ્યાલોમાં માનતા હતા અને સરકાર પરદેશી હોવા છતાં તેને ઉઠાં ભણાવતા ન હતા, છતાં મહાન બની ગયા. તેમનો જન્મ ચોરવાડથી અમુક કિલોમીટર દૂર આવેલા પોરબંદરમાં થયો હતો અને મૃત્યુ વડાપ્રધાનની કચેરીથી અમુક અંતરે આવેલા બિરલા ભવનમાં, કરરાહતોને બદલે કોમી અશાંતિ જેવા પારકી પંચાતના મુદ્દે ગોળી વાગવાથી થયું. એ ગોળી સ્વદેશી બનાવટની હતી કે કેમ એ તપાસનો વિષય છે.

મહાત્માના સિદ્ધાંતો ભૂલીને તેમનું નામ યાદ રાખવા માટે ગાંધીનગર ઓછું પડતું હોય તેમ ગુજરાતની વર્તમાન સરકારે લાખો રૂપિયા ખર્ચીને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ઉભું કર્યું છે. (વાયબ્રન્ટ મોસમમાં અમુક લાખ કરોડને બદલે ફક્ત ‘લાખો રૂપિયા’ જેવો નાનો આંકડો વાંચીને કોઇની લાગણી દુભાય તો આગોતરી ક્ષમાયાચના.)

‘મહાત્મા મંદિર’નો બિઝનેસ સેન્ટર તરીકેનો ઉલ્લેખ વાંચીને ‘સતિ સાવિત્રી મસાજ પાર્લર’ જેવું કોઇ તોફાની નામ સૂઝી આવે છે? તો ચંચળ મન પર કાબૂ રાખો. રાજદ્રોહ કરવાની આટલી શી ઉતાવળ?

પાંચસોની નોટ પર મરકતા મહાત્માને અંજલિ આપવા માટે ગુજરાત સરકારે તેમને વેપારધંધા સાથે સાંકળી લીધા અને તેમના નામનો ધંધો કરવાની સાથોસાથ તેમના નામે ધંધો- બિઝનેસના મેળા- યોજવાનો પણ ચીલો પાડ્યો છે. મહાત્મા મંદિરમાં આયોજિત અને સરકાર દ્વારા પ્રાયોજિત જયજયકારનો શોરબકોર સ્વર્ગીય- છેક સ્વર્ગ સુધી પહોંચે એવો- હોવાથી ગાંધીજીને પણ મહાત્મા મંદિરનો એક આંટો મારી આવવાની ઇચ્છા થઇ. દૂરંદેશી સરદારે તેમને કહ્યું, ‘હવે તમને એકલા નહીં જવા દઊં. હું સાથે આવીશ.’

બન્ને જણ પોતાના સામાન્ય પોશાકમાં ગાંધીનગર સુધી તો પહોંચ્યા, પણ ચોતરફ નાકાબંધી જોઇ. તેમણે અંદર જવાનો પ્રયાસ કર્યો, એટલે કડક મુખમુદ્રા ધરાવતા સુરક્ષાકર્મીઓએ તેમને પડકાર્યા,

***
સુરક્ષાકર્મીઃ એ કાકા, ક્યાં જાવ છો? દેખાતું નથી આ બઘું બંધ કરેલું છે?

ગાંધીજીઃ મહાત્મા મંદિર જવું છે ભાઇ. બઘું દેખાય તો છે, પણ સમજાતું કશું નથી.

સુરક્ષાકર્મીઃ ખોટી મગજમારી ના કરશો. હમણાં સાહેબની ગાડીઓનો કાફલો વાંઉ વાંઉ કરતો નીકળશે. ક્યાંક અડફેટે આવશો તો વગર કારણના શહીદ થઇ જશો અને અડધાં કપડાં પહેરેલા કોઇ માણસને સાહેબ રસ્તા પર જોઇ જોશે તો અમારી નોકરી જશે.

ગાંધીજીઃ કેમ? ગરીબોને પહેરવા માટે પૂરતાં કપડાં મળે તેની જવાબદારી હવે સરકારની નથી રહી? સુરક્ષાકર્મીઓને સોંપી દેવામાં આવી છે?

સુરક્ષાકર્મીઃ તમે જીભાજોડી બહુ કરો છો. લાગે છે કે ગુજરાતીમાં સમજણ પડતી નથી. પછી ક્યાંક જીભને બદલે હાથ ચાલી જાય તો કહેતા નહીં.

(સરદાર વચ્ચે પડે છે. )

સરદારઃ શું થયું ભાઇ?

સુરક્ષાકર્મીઃ તમે વચ્ચે દોઢડહાપણ ન કરશો. ઊંમર જાણીને કશું બોલતો નથી, એમાં તો જાણે....(ગુસ્સાથી વાક્ય અઘૂરૂં છોડી દે છે.)

સરદારઃ પણ આ ડોસાએ શું ખોટું પૂછ્યું? અમે અમારા પગે ને જાહેર રસ્તા પર ચાલીએ છીએ. પછી અમારે શા માટે અને કોનાથી ગભરાવાનું?

સુરક્ષાકર્મીઃ (પોતાની બંદૂક બતાવીને) આનાથી ગભરાવાનું. એક વાર કહ્યું તો ખરૂં કે આજે કડક બંદોબસ્ત છે.

સરદારઃ શાનો? ગાંધીનગરના રસ્તા પર કોઇ ગરીબ ન દેખાઇ જાય એનો?

સુરક્ષાકર્મીઃ હવે હદ થાય છે. તમે અહીં બાજુ પર ઉભા રહો. મારે મારા સાહેબને જ બોલાવવા પડશે.

(ઉપરી આવે છે અને કડકાઇપૂર્વકની વિનમ્રતાથી વાત ચાલુ કરે છે.)

ઉપરીઃ બોલો કાકા. શું છે? ઘેરથી કાઢી મૂક્યા છે? કેમ અહીં આંટાફેરા મારો છો? જોતા નથી, બંદોબસ્ત છે?

ગાંધીજીઃ પણ ભાઇ, મારે તો મારા શહેરમાં...મારા નામેરી શહેરમાં જવું છે.

ઉપરીઃ એટલે? તમારૂં એમ કહેવું છે કે તમે ગાંધી છો? ધારો કે તમારી અટક ગાંધી હોય તો પણ શું થઇ ગયું? ગાંધીનગર તમારૂં થઇ ગયું? માથે ટાલ પડી ગઇ તો પણ એટલું ન સમજ્યા કે ગાંધીનગર કોઇનું થયું નથી ને થવાનું નથી.

ગાંધીજીઃ તમારી વાતમાંથી પહેલી વાર મને કંઇક પ્રકાશ દેખાયો છે...સત્યની ઝાંખી થઇ રહી છે...

ઉપરીઃ પણ એ ઝાંખી ઘાટી થાય એ પહેલાં તમે રવાના થઇ જાવ. કોઇની હડફેટે ચડી જશો તો નકામો રાજદ્રોહનો કેસ થઇ જશે.

ગાંધીજીઃ વારે ઘડીએ રાજદ્રોહની ધમકી શું આપો છો! ગયા જનમમાં અંગ્રેજ સરકારની લૂણ ખાઘું હતું કે શું?

ઉપરીઃ એય, ઊંમર જાણીને વિવેકથી વાત કરૂં છું એટલે ચરબી કરે છે?

(વાત વણસતી જોઇને અત્યાર સુધી પાટિયાં, ફોટા અને વાતાવરણનો અભ્યાસ કરી રહેલા સરદાર વચ્ચે પડે છે.)

સરદારઃ એક મિનિટ ભાઇ. આ કાકાને તમે ઓળખો છો? છેક દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે.

ઉપરીઃ (એકદમ નરમ બનીને) વાયબ્રન્ટમાં ભાગ લેવા આવ્યા છો? એમ બોલો ને ક્યારના? આડીઅવળી વાતો શું કરવા કરો છો? અને પેલું બઘું આગળ જે કહ્યું એ તો હું ગમ્મત કરતો હતો. હેં હેં હેં. તમે સખ્ખત જોલી છો. પણ આમ કેમ ચાલતા?

સરદારઃ ગાડી રસ્તામાં બગડી ને ટાઇમસર પહોંચવું હતું.

ઉપરીઃ (એક સુરક્ષાકર્મીને બૂમ પાડે છે) અરે આમને મહાત્મા મંદિર પહોંચાડી આવો. મહેમાન છે. આફ્રિકાથી આવ્યા છે...(સહેજ અટકીને) એમ જ આવ્યા છો કે સાથે (ઇશારો) કંઇ લાવ્યા છો?

ગાંધીજીઃ (સરદારને) ના રે ભાઇ. આટલું ચાલવું એમાં પાણી સાથે રાખવાની શી જરૂર?

સરદારઃ એ પાણીની ક્યાં વાત કરે છે? (ઉપરીને) ના, ભાઇ. અત્યારે કશું નથી. કસ્ટમમાં બઘું જમા કરાવી દીઘું.
ઉપરીઃ કંઇ નહીં, સાહેબ. ફરી આવો ત્યારે યાદ આવજો અને આ વખતે આવ્યા છો તો બે-ચાર લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરીને જજો.

ગાંધીજીઃ સરદાર, આ એમઓયુ વળી શું છે?

સરદારઃ ગુજરાતની પ્રજાને રમાડવાના ધૂઘરા અંગ્રેજીમાં એમઓયુ કહેવાય છે.

ગાંધીજીઃ (ખડખડાટ હસે છે) તમારૂં ટીખળ છૂટ્યું નહીં, સરદાર. આપણી પ્રજા હજુ ૬૩ વર્ષે પણ ધૂઘરે રમે એવી છે?

સરદારઃ એનો આધાર પ્રજા પર નહીં, રમાડનાર કોણ છે એની પર છે. જવાહરની છોકરીએ કેવી આખા દેશની પ્રજાને ‘ગરીબી હટાવો’ના ધૂઘરે રમાડી હતી? તમને તો યાદ હશે, પણ લોકો હવે ભૂલી ગયા છે.

ગાંધીજીઃ મહાત્મા મંદિરમાં કોણ કોને રમાડે છે?

સરદારઃ (હસીને) સરકારને લાગે છે કે એ ઉદ્યોગપતિઓને રમાડે છે. ઉદ્યોગપતિઓને લાગે છે કે એ સરકારને રમાડે છે, પણ એવું લાગે છે કે બન્ને ભેગા થઇને ખરેખર તો પ્રજાને રમાડે છે.

ગાંધીજીઃ (મૂંઝાઇને) સરદાર, આપણે પાછા જઇએ. હવે આ અવસ્થામાં ક્યાં ઉપવાસ કરવા!

(બન્ને ધીમે ધીમે ચાલતા અદૃશ્ય થાય છે. પાછળથી કાફલાની સાયરનોના અવાજ સંભળાય છે.)

Tuesday, January 18, 2011

‘પૂજ્ય’ મોરારિબાપુ અને રેશનાલિઝમ

(‘નિરીક્ષક’ અને ‘વૈશ્વિક માનવવાદ’માં પ્રગટ થયેલો લેખ)

રમણભાઇ પાઠકનાં રેશનાલિઝમ વિષયક લખાણોના વિજય ભગતે કરેલા સંકલન ‘વિવેકવિજય’નું લોકાર્પણ ૧૨ ડિસેમ્બર,૨૦૧૦ના રોજ સુરતમાં મોરારિબાપુના હસ્તે થયું. તેનાથી થોડો વિવાદ પણ થયો. મોરારિબાપુ અને રેશનાલિઝમના સંબંધ અંગેનો આ પહેલો વિવાદ નથી અને છેલ્લો પણ નહીં જ હોય. છતાં, આ મુદ્દે વધારે સ્પષ્ટતા માટે જેની પર વિચાર કરી શકાય, બલકે વિચાર કરીને પ્રામાણિક જવાબો મેળવવાના રહે, એવા કેટલાક મુદ્દા અહીં નોંઘ્યા છે.

૧) મોરારિબાપુ સહિત કોઇ પણ ધાર્મિક વ્યક્તિની આભડછેટ રાખવી ન પાલવે, એ વાત સાથે સો ટકા સંમત. સવાલ અંધશ્રદ્ધાવિરોધી પ્રચાર કે મંદિરની જગ્યાએ શૌચાલયો બનાવવા જેવા જાહેર હિતનો હોય ત્યારે તો ખાસ નહીં. અમસ્તો પણ સ્વસ્થ માણસ અંતિમવાદી કે કોઇ પણ પ્રકારની આભડછેટ પાળનારો ન હોઇ શકે.

વાંધો કોઇની સાથે હાથ મિલાવવા સામે નહીં, કોઇને માથે ચડાવવામાં હોય છે. દા.ત. પાઠકસાહેબ જેવા વડીલ અને ઘણા બધાની નજરમાં આદરણીય જણ તેમના ઊંમરમાં અને જ્ઞાનમાં ઘણા નાના મોરારિબાપુનો ઉલ્લેખ ‘પૂ.મોરારિબાપુ’ તરીકે શા માટે કરતા હશે, એવો સહજ સવાલ થાય. સંબોધન તરીકે મને મિત્ર દીપક સોલિયાનું ‘મોરારિભાઇ’ વધારે ગમે છે, છતાં ‘મોરારિબાપુ’ તેમનું પ્રચલિત નામ ગણીને એ નામે તેમનો ઉલ્લેખ કરવામાં જરાય વાંધો નથી. પણ પૂજ્ય? શા માટે?

મોરારિબાપુ અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે કે મંદિરની જગ્યાએ શૌચાલયો બાંધવાનો પ્રચાર કરે છે, એ કારણ હોય તો મારે ‘પૂજ્ય’ લગાડવાની શરૂઆત પાઠકસાહેબથી કરવી પડે અને એવું થાય તેની સાથે જ એક નવો પંથ-નવો ફિરકો-નવું ભક્તમંડળ શરૂ.

અહીં એવી દલીલ થઇ શકે કે ‘મોરારિબાપુ’ની જેમ ‘પૂ.મોરારિબાપુ’ને તમનું પ્રચલિત નામ ગણી લેવું જોઇએ. ‘પૂજ્ય’ શબ્દથી આખરે ફરક શું પડે છે? આપણે આપણે જ રહેવાના છીએ અને મોરારિબાપુ મોરારિબાપુ જ રહેવાના છે. તેનો જવાબ છેઃ ‘પૂજ્ય’ શબ્દથી સ્વસ્થ માણસોને ફરક પડે કે ન પડે, ધાર્મિક માણસોને બહુ ફરક પડે છે. મોરારિબાપુને ‘પૂજ્ય’ ગણવાથી સેંકડો શ્રોતાઓ-ભક્તોનો મોરારિબાપુ પ્રત્યેનો પૂજ્યભાવ રેશનાલિઝમ-અપ્રુવ્ડ/રેશનાલિઝમ માન્ય બની જાય છે. ‘રમણભાઇ જેવા વયોવૃદ્ધ રેશનાલિસ્ટ પણ બાપુને પૂજ્ય ગણે છે’ એ વાક્યનું વજન અને સમાજના મોટા વર્ગ પર તેની અસર- તેના સૂચિતાર્થો વિશે સૌ કલ્પના કરી શકે છે.

૨) મોરારિબાપુ સાથે ‘હાથ મિલાવનારા’ કેટલી હદે સમતા-સમભાવ જાળવી શકે છે? મોરારિબાપુ રેશનાલિઝમનાં અમુક અંગોનો પ્રચારપ્રસાર કરતા હોય, તેને આવકારતી વખતે બહુમતિ ‘રેશનાલિસ્ટો’ કઇ લાગણી અનુભવે છે? આનંદની કે ધન્યતાની? પાઠકસાહેબે ‘ગુજરાતમિત્ર’ના તેમના લેખમાં કહ્યું છે કે ‘વિશ્વની તમામ વિચારસરણીઓને...‘સહાનુભૂતિકાર’ હોય જ છે અને કોઇનેય એવા ‘સહાનુભૂતિકારો’ માટે તિરસ્કાર નથી. સામ્યવાદનો સૂર્ય ભારતમાં જ્યારે સોળે કળાએ પ્રકાશતો હતો, ત્યારે એના આવા અનેક સહાનુભૂતિકારો હતા (પંડિત નેહરૂ સહિત) જે બદલ સામ્યવાદીઓ ગૌરવ અનુભવતા. પુ.મોરારિબાપુ આજે રેશનાલિઝમના એવા જ સહાનુભૂતિકાર છે. એ બદલ રેશનાલિસ્ટોએ કટ્ટરતા છોડી ગૌરવ જ અનુભવવું જોઇએ.’

સામ્યવાદીઓ નેહરૂ માટે ગૌરવ અનુભવતા હશે કદાચ, પણ નેહરૂને તેમણે પોતાના માથે બેસાડ્યા ન હતા અને બેસાડ્ય હોત તો પણ એ તેમનો પ્રોબ્લેમ ગણાત. રેશનાલિસ્ટોના વર્તનમાંથી ‘સિમ્પેથાઇઝર’ અને ‘ઉદ્ધારક’ વચ્ચેનો ભેદ મોરારિબાપુના મામલે ઘણી વાર ભુંસાઇ જતો લાગે છે.

મોરારિબાપુ ધર્મકથા રૂપી અફીણમાં ઠીક ઠીક પ્રમાણમાં રેશનાલિઝમ રૂપી તુલસીનો ઉકાળો ભેળવતા હોય, તેથી તેમને વૈદકના પદવીદાન સમારંભોના મુખ્ય અતિથી બનાવીને આશીર્વચન આપવા નિમંત્રવા કે કેમ, એ પોતાને રેશનાલિસ્ટ ગણતા મિત્રોએ વિચારવા જેવું છે. જન્મગત અથવા કૌટુંબિક સંસ્કારોથી દોરવાઇને, મોરારિબાપુના સંપર્કમાં આવેલા, તેમની સરળતાથી આકર્ષાયેલા ઘણા મિત્રો મોરારિબાપુ સાથેના વર્તનમાં કે તેમના ઉલ્લેખમાં ધડો જાળવી શકતા નથી એવું હંમેશા લાગ્યા કરે છે. મોરારિબાપુ રેશનાલિઝમની કેટલીક પ્રવૃત્તિઓનો પ્રચારપ્રસાર કરતા હોય તો એટલા પૂરતા તેમને જરૂર આવકારી શકાય. તે સખાવત કરતા હોય તો એક દાતાને અપાતા હોય એટલા માનસન્માનના તે ચોક્કસ અધિકારી છે. પરંતુ કેટલા રેશનાલિસ્ટો દિલ પર હાથ મૂકીને કહી શકશે કે મોરારિબાપુ વિશેનો તેમનો આદર મોરારિબાપુના રેશનલ કાર્યોના સપ્રમાણમાં છે? અને તેમાં ‘પાયલાગણ’ની લાગણી ભળેલી નથી? મોરારિબાપુ જેવા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા ‘રામકથાના શાહરૂખખાન’ની સરળ-પ્રેમાળ અને ઘણી વાર મદદગાર વર્તણૂકથી કેટલા ‘રેશનાલિસ્ટો’ કચડાયા વિના રહી શક્યા છે?

૩)પાઠકસાહેબે મોરારિબાપુને ‘ભારતીય સંસ્કૃતિનાં બે મહાન એપિક (મહાકાવ્યો)ના કથાકાર, પ્રચારક’ ગણાવીને તેમનો બચાવ જ નહીં, મહિમા કરવો પડે એને ‘રેશનાલિઝમ’ તરીકે ગળે ઉતારવું અઘરૂં છે. ‘રામાયણ’ ભારતીય સંસ્કૃતિનું મહાકાવ્ય છે એમાં બેમત નથી. પણ મોરારિબાપુ એનો મહાકાવ્ય તરીકે પ્રચાર કરે છે કે ધાર્મિક મહાગ્રંથ તરીકે- એ બાબતે જરા વધારે પ્રામાણિક થવા જેવું નથી લાગતું? એ જ રીતે મોરારિબાપુ ગરીબો-દલિતોને ત્યાં જઇને જમે તેનાથી અંજાઇ જતા મિત્રો મોરારિબાપુની કર્ણાવતી ક્લબમાં થતી કથા વિશે કંઇક કહે એવી અપેક્ષા રહે છે.

૪) અત્યાર લગીના મુદ્દા, સૌએ નોંઘ્યું હશે કે, મોરારિબાપુને નહીં, ‘રેશનાલિસ્ટ’ મિત્રોને લાગુ પડે છે. હજુ મોરારિબાપુનું પુરાણ તો ખૂલ્યું જ નથી. ના, અહીં પેલા નામજોગ આવતા નનામા પત્રોની વાત નથી. કેવળ જાહેર જીવનનાં થોડાં ઉદાહરણ બસ થઇ પડશે. થોડાં વર્ષ પહેલાં ગાંધી આશ્રમમાં યોજાયેલી માનસ-મહાત્મા કથામાં મોરારિબાપુએ ગુજરાતના મુખ્ય મંત્રી અને ગુજરાતના નં.૧ તંત્રી વચ્ચે ‘સેતુકાર્ય’ ની જાહેર કોશિશ કરી હતી. (અંગ્રેજીમાં સેતુકાર્યનો એક સમાનાર્થી શબ્દ છેઃ ફિક્સિંગ.) સેતુકાર્યના ઉત્સાહમાં મોરારિબાપુએ કથામાં એ મતલબનું કહી દીઘું કે ‘રામાયણ પણ આખરે સેતુબંધની જ કથા છે.’ આને ‘મૌલિક’ અર્થઘટન ગણવું કે ‘સગવડિયું’ એ નિર્ણય વાચકો પર છોડું છું. એ જ કથામાં મોરારિબાપુએ ગુજરાતના મુખ્ય મંત્રીની પ્રશંસાનાં ગાડાં ઠાલવતાં એ મતલબનું કહ્યું હતું કે મુખ્ય મંત્રીને સત્તાની જરાય પરવા નથી. એ તો આમ કરીને આમ સત્તા ફગાવી શકે.’ એમ કહીને તેમણે બાજુમાં પડેલો તકિયો ઉંચકીને એક તરફ ફેંક્યો હતો.

નજીકના ભૂતકાળની વાત કરીએ તો, દુનિયાભરના ગુજરાતીઓમાં જેમને કારણે મહુવા જાણીતું છે તે મોરારિબાપુ મહુવાના પ્રજાકીય આંદોલનને ‘રાજકીય ’ ગણીને તેનાથી સલામત અંતરે રહ્યા છે. અગાઉ કર્ણાવતી ક્લબમાં થયેલી રામકથામાં તેમણે ભારત-શ્રીલંકા વચ્ચે આવેલો ‘કહેવાતો રામસેતુ’ તોડવો ન જોઇએ, એ મતલબનાં ફોર્મ શ્રોતાઓ પાસે ભરાવ્યાં હતાં. એ સેતુ ખરેખર રામસેતુ ન હોઇ શકે, એવું ગુજરાતી પુરાતત્ત્વવિદ હસમુખ સાંકળિયા સહિત મોટા ભાગના અભ્યાસીઓ માને છે. ‘નાસા’એ સમુદ્રતળેની એ ખડકરચના ‘રામસેતુ’ છે એવું કોઇ પ્રમાણપત્ર આપ્યું નથી. તેમ છતાં, મોરારિબાપુ એ ‘રામસેતુ’ને બચાવવા માટે કથાના અંતે કથારસિક શ્રોતાઓ પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ફોર્મ ભરાવી શકે છે.

આ મોરારિબાપુ છે અથવા મોરારિબાપુ આ પણ છે એ વાતનો શો ધોખો કરવો? પ્રશ્ન એક જ થાય છેઃ મોરારિબાપુનું ‘જેટલું સારૂં છે તેટલું સ્વીકારવાની’ વાતો કરનારા ઉપર જણાવ્યા છે એ પ્રકારના પ્રસંગોએ મોરારિબાપુની ટીકા કરવા જેટલી સ્વસ્થતા બતાવી શક્યા છે? બતાવી શકશે? કે પછી લાભાર્થી-અહોભાવાર્થી બનીને ‘આપણા નસીબમાં આવા માણસનો સ્નેહભાવ ક્યાંથી! મારા કહેવાથી એમણે અમુકતમુક કામ નહોતું કરી દીઘું!’ એમ વિચારીને ચૂપ રહેશે?

સવાલ મોરિરાબાપુનો નથી. પોતાની જાતને રેશનાલિસ્ટ ગણાવતા લોકોનો છે. એ કેટલી સ્પષ્ટતા સાથે મોરારિબાપુ સાથે જાય છે અને તેમની સમક્ષ બેઠા પછી કેટલીક સ્વસ્થતા ટકાવી શકે છે, એ સૌથી અગત્યની અને વિચારવા જેવી વાત છે.

મોરારિબાપુના ટીકાખોર ટીકાકાર થયા વિના કે તેમની પાંખમાં બેસીને અહોભાવથી ભીના ભીના થયા વિના, તેમની અંધશ્રદ્ધાવિરોધી વાતોને બિરદાવતાં ખચકાવાની જરૂર નથી. એટલી પ્રશંસાથી ‘રેશનાલિઝમ ખતરેમેં’ નહીં આવી જાય. સાથોસાથ, તેમની પ્રશંસા કરતી વખતે ‘એરણની ચોરી ને સોયનું દાન’ જેવી કહેણીઓમાંથી મળતો, ધડો રાખવાનો બોધ પણ ભૂલવા જેવો નથી.

Sunday, January 16, 2011

શતાયુ ડો.રતન માર્શલને અલવિદા

ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્ય, નાટકો અને પારસી પંચાયતમાં વિશિષ્ટ પ્રદાન કરનાર ડો.રતન માર્શલનું આજે સવારે અવસાન થયું. ગઇ 14 ઓક્ટોબરના રોજ તેમને સોમું વર્ષ બેઠું ત્યારે તેમની બર્થડે પાર્ટીમાં મિત્ર બિનીત મોદી સાથે હાજર રહેવાની તક મળી હતી. તેની અનૌપચારિક અને સચિત્ર નોંધ પણ બ્લોગ પર મૂકી હતી.

માર્શલસાહેબનો પહેલો પરિચય 'દિવ્ય ભાસ્કર' માટે લીધેલા ઇન્ટરવ્યુ નિમિત્તે થયો. તેમણે લખેલો 'ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ' (જે તેમનો પીએચ.ડી.નો મહાનિબંધ હતો) અને આત્મકથા 'કથારતન' નોંધપાત્ર પુસ્તકો છે. એક વાર બિનીત સાથે તેમનો પરિચય થયા પછી તેના થકી માર્શલસાહેબ અને તેમનાં પ્રેમાળ પરિવારજનો સાથેનો સંપર્ક જળવાઇ રહ્યો. તેમના પુત્ર અને હાઇકોર્ટના વકીલ રુસ્તમભાઇ, તેમનાં પત્ની નિશ્મનબહેન અને સંતાનો યોહાન-રિઆ સાથે છેલ્લાં થોડા વર્ષથી માર્શલસાહેબ અમદાવાદમાં વસતા હતા, પણ મૂળે તે સુરતના જીવ. તેમનામાં સુરત અને સુરતી મિજાજ વસતાં હતાં. તેમની સાથે વાત કરવા બેસીએ તો ઉભા થવાનું યાદ રાખવું પડે અને તેમને યાદ કરાવવું પડે. 99 વર્ષ પૂરાં કર્યાં એ પાર્ટીમાં જે બુલંદ અવાજે અને જોસ્સાભેર તેમણે સંસ્મરણો તાજાં કર્યાં, તે હાજર રહેલા લોકોમાંથી ભાગ્યે જ કોઇ ભૂલી શકશે.

100 વર્ષે વિદાય લેનારનો શોક ભલે ન હોય, પણ એક વિશિષ્ટ અને મઝાના માણસ આપણી વચ્ચે ન રહ્યા તેનો ઊંડો અહેસાસ રહે છે.

માર્શલસાહેબને અંજલિરૂપે અહીં તેમની કેટલીક તસવીરો અને આ બ્લોગ પર તેમના વિશે મુકાયેલી પોસ્ટની લિન્ક પણ મૂકી છે.
છેલ્લે દિવ્ય ભાસ્કરમાં મેં લીધેલા તેમના ઇન્ટરવ્યુનો ફોટો પણ છે, જે ક્લિક કરીને જોવાથી આખો ઇન્ટરવ્યુ વાંચી શકાશે.

Ratan Marshal @ 100
L to R: Rustom, Ratan & Nishman Marshal with Dr.Marshal's book: પ્રેમ કરવાની મઝા તો ચોમાસામાં (પારસી સંસારી પ્રેમકથાઓ, ગુર્જર પ્રકાશન)
Ratan Marshal @99th birthday
Grandson Yohan performing at Dada's birthday party
(click to enlarge)

Saturday, January 15, 2011

United Colors of Uttarayan

ઉત્તરાયણ- વાસી ઉત્તરાયણની કેટલીક તાજી તસવીરી યાદગીરી

shachi, ishan & aastha

ફિરકી પકડાવવાની કળા

biren, binit & urvish

કુદરતી 'ઝંડો'

ચાર 'પંજા' (aastha-ishan-shachi-urvish in sleeper)

sunset without point

પતંગ ચડે કે તારામંડળ?

Wednesday, January 12, 2011

‘નાગીન’ના બીનથી સૌને ડોલાવનાર સંગીતકાર રવિ: ‘ગીતની ઘૂન એવી હોવી જોઇએ કે સામાન્ય માણસ પણ ગણગણી શકે’

music director Ravi, 85

સંગીતકાર રવિનું નામ સાંભળીને એકદમ બત્તી ન થાય એ શક્ય છે, પણ પચાસ-સાઠના દાયકામાં તેમણે આપેલાં સરળ છતાં મઘુર ગીતો હજુ સુધી ગવાય છે- વગાડાય છે. વરઘોડામાં કયું બેન્ડ ‘આજ મેરે યારકી શાદી હૈ’ નહીં વગાડતું હોય? અને કન્યાવિદાય વખતે કોના મનમાં ‘બાબુલકી દુવાયેં લેતી જા’ નહીં ગુંજતું હોય? શાયરીના કયા પ્રેમીઓ સાહિરનું ‘ચલો એક બાર ફિરસે’ ભૂલી શક્યા હશે? આ અને આવા અનેક ગીતોના સંગીતકાર રવિએ ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં પડદા પાછળની ઘણી વાતો યાદ કરી.

૮૫ વર્ષના રવિશંકર શર્મા-રવિ (જન્મઃ ૩ માર્ચ, ૧૯૨૬)એ તૈયાર કરેલું ‘નાગીન’નું બીનસંગીત ન સાંભળ્યું હોય, એવું ભાગ્યે જ કોઇ હશે. ૧૯૫૪ની આ ફિલ્મના સંગીતકાર હેમંતકુમાર હતા અને રવિ તેમના ભરોસાપાત્ર સહાયક. રવિ કહે છે,‘હું દિલ્હીથી મુંબઇ ગાયક બનવા આવ્યો હતો. ફિલ્મોમાં આવ્યા પહેલાં પાંચ વર્ષ પોસ્ટ એન્ડ ટેલીગ્રાફમાં પાંચ વર્ષ મેં ઇલેક્ટ્રિશ્યનનું કામ કર્યું. પછી દિલ્હીથી મુંબઇ ગાયક બનવા માટે આવ્યો, પણ ફિલ્મિસ્તાનમાં હેમંતકુમાર સાથે ભેટો થયો. તે ‘આનંદમઠ’નું સંગીત તૈયાર કરતા હતા. તેના પ્રખ્યાત ગીત ‘વંદે માતરમ્’ના કોરસમાં મારો પણ અવાજ છે. હેમંતદા ઘૂન બનાવતા હોય ત્યારે હું તબલા પર બેસતો હતો અને તેમને ઉર્દુ શબ્દોમાં મુશ્કેલી પડે ત્યારે હું મદદરૂપ થતો. એક દિવસ એમણે કહ્યું,‘તું મારો સહાયક કેમ નથી બની જતો?’ અને હું એમનો સહાયક બન્યો.’

નાગીનમાં બીનના સંગીતનો જશ હેમંતકુમાર સાથે કામ કરતા કલ્યાણભાઇ (એ વખતે કલ્યાણજી વીરજી શાહ)ને વ્યાપક રીતે આપવામાં આવે છે. જોકે, રવિના જણાવ્યા પ્રમાણે ‘એ ઘૂન મેં તૈયાર કરી હતી. ફાઇનલ રેકોર્ડંિગમાં તમને સાંભળવા મળતો મુખ્ય ઘ્વનિ હાર્મોનિયમનો છે, જે મેં વગાડ્યું હતું. પરંતુ તેમાં બીનની અસર ઉપજાવવા માટે કલ્યાણજીએ પાસે અમે ક્લે વાયોલિન વગાડાવ્યું.’ હેમંતકુમારનું જ સંગીત ધરાવતા ‘શર્ત’ના ગીત ‘ન યે ચાંદ હોગા’માં વચ્ચે આવતું અને ગીતમાં એકાકાર થઇ જતું ક્લે વાયોલિનનું સંગીત પણ રવિએ જ વગાડ્યું હતું.

‘ગુરૂદત્ત જેવા મહાન સર્જકે ‘ચૌંદહવીકા ચાંદ’ માટે ઓ.પી.નૈયર કે એસ.ડી.બર્મનને બદલે તમને શા માટે સંગીતકાર તરીકે પસંદ કર્યા?’ એવા સવાલના જવાબમાં રવિ કહે છે,‘મારું સંગીત ધરાવતી એક મુસ્લિમ સામાજિક ફિલ્મ ‘મહેંદી’ ગુરૂદત્તે જોઇ હતી અને તેનું સંગીત એમને બહુ ગમ્યું.એટલે આ ફિલ્મ માટે તેમણે મને કહ્યું. આ ફિલ્મના શીર્ષક ગીત ‘ચૌંદહવીકા ચાંદ હો’ની ઘૂન બહુ સહજતાથી બની ગઇ હતી. એ વખતે એવો ટ્રેન્ડ થયો હતો કે ફિલ્મનું નામ આવતું હોય એવું એક ગીત બને. ચૌંદહવી કા ચાંદની સ્ટોરી, સિચ્યુએશન બઘું હું જાણતો હતો. એક દિવસ મને અચાનક રસ્તામાં પહેલી લીટીની ઘૂન સૂઝી આવીઃ ચૌંદહવીકા ચાંદ હો... ઘરે જઇને મેં (ગીતકાર) શકીલ બદાયુંનીને ફોન કર્યો કે એક વિચાર આવ્યો છે. શકીલસાહેબ આવ્યા. મેં પહેલી લીટી ગાઇ, એટલે તરત એમના મોઢેથી નીકળ્યું,‘યા આફ્તાબ હો.’ અને થોડી સેકંડ અટકીને એ બોલ્યા,‘જો ભી હો તુમ ખુદાકી કસમ લાજવાબ હો’. એ બોલતા જાય અને હું ગાતો જાઊં. એવી રીતે ઘૂન તૈયાર થઇ ગઇ. આ ફિલ્મનું ગીત ‘મિલી ખાક મેં મોહબ્બત’ ગુરૂદત્તને એટલું ગમ્યું હતું કે એ બનાવ્યું ત્યારે આખી રાત એ મારી પાસે ગવડાવતા રહ્યા. એ કહેતા કે આ ગીતમાં વચ્ચે આવતું સંગીત એટલું સરસ છે કે તેની પરથી એ આખું ગીત તૈયાર કરાવશે. પણ એ દિવસ આવે તે પહેલાં ગુરૂદત્ત અવસાન પામ્યા.’

શાસ્ત્રીય સંગીતની તાલીમ ન ધરાવતા રવિની સૂઝ જોઇને હેમંતકુમારે થોડી ફિલ્મો પછી તેમને સ્વતંત્ર કામ કરવા સૂચવ્યું અને આગાહી પણ કરી કે ‘તુમ બહોત બડે સંગીતકાર બનોગે.’ બી.આર.ચોપરાની ફિલ્મોમાં રવિએ સાહિર લુધિયાનવીની ઉંચા દરજ્જાની કવિતાઓને સંગીતમાં ઢાળી અને તે અત્યંત લોકપ્રિય નીવડી. ‘એ ગીતો તમે મહેન્દ્ર કપુરને બદલે મહંમદ રફી પાસે ગવડાવ્યાં હોત તો સારૂં થાત, એવું તમને લાગતું હતું?’ એવા સવાલનો ખુલ્લાશથી જવાબ આપતાં રવિ કહે છે. ‘હા, ચોક્કસ. રફીસાહેબ મારા પ્રિય ગાયક હતા. ૧૯૪૭માં આઝાદી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમ ‘જશ્ન-એ-જમ્હુરિયતમાં એ અને મુકેશ દિલ્હી આવ્યા, ત્યારે હું રફીસાહેબને મળવા ગયો હતો. પરંતુ બી.આર.ચોપરા અને રફી વચ્ચે કોઇ કારણસર અણબનાવ થયો હતો. મેં મારી રીતે રફીસાહેબને પૂછ્યું, ત્યારે એમણે પણ ગીતો ગાવાની ના પાડી. એટલે એ મહેન્દ્ર કપુરે ગાયાં અને તેમના અવાજમાં પણ અત્યંત લોકપ્રિય થયાં.’

અમદાવાદની ગ્રામોફોન ક્લબના મહેમાન બનેલા રવિ પોતાની ઘૂનોની સરળતાનું રહસ્ય છતું કરતાં કહે છે,‘નૌશાદજીનાં ગીતોમાં શાસ્ત્રીય હોય તો પણ સામાન્ય માણસ ગણગણી શકે એવાં રહેતાં. ફિલ્મિસ્તાનમાં ‘હીર’ ફિલ્મ માટે અનિલ બિશ્વાસની ઘૂનનું રીહર્સલ કરતાં ગીતા દત્તને બહુ વાર લાગી, ત્યારે મુખરજીસાહેબે એમ કહીને એ ગીતની ઘૂન રદ કરાવી હતી કે ‘ગીતા દત્ત જેવી તાલિમી ગાયિકાને આટલી તકલીફ પડે છે, તો પબ્લિક આ ગીત કેવી રીતે ગાશે? આ બધા પરથી મેં બોધ લીધો કે ગીતની ઘૂન સામાન્યમાં સામાન્ય માણસ ગણગણી શકે એવી હોવી જોઇએ.’

links
mili khak mein mohabbat

dil ki kahani rang layi hai

chaundahvai ka chand ho


Sunday, January 09, 2011

‘પેટન્ટકર’ના ઉપનામથી ઓળખાતા ડો.મશેલકરઃ ‘સંશોધન માટેનું બજેટ નહીં, આઇડીયા કેટલો મોટો છે એ મહત્ત્વનું છે’


ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે યોગ્ય વાતાવરણ નથી એવી ફરિયાદ વારંવાર સંભળાય છે, પરંતુ ડો.મશેલકર જેવા, ૨૫ દેશી-વિદેશી યુનિવર્સિટીઓમાંથી ડોક્ટરેટની માનદ ડિગ્રી મેળવનાર વિદ્વાન કહે છે,‘રસાયણશાસ્ત્રમાં ભારતની તાકાત દુનિયાએ નોંધ લેવી પડે એવી છે.’

કેવી રીતે? તેના જવાબમાં અમદાવાદની મુલાકાતે આવેલા ડો.મશેલકર ‘ગુજરાત સમાચાર’ને કહે છે,‘૧૯૮૯માં હું નેશનલ કેમિકલ લેબોરેટરીનો વડો બન્યો, ત્યારે સંસ્થાનું એક પણ સંશોધન અમેરિકામાં પેટન્ટ થયેલું ન હતું. કોઇએ મને અમેરિકાની કંપની ‘જનરલ ઇલેક્ટ્રિક’ (જીઇ)નું ઉદાહરણ આપીને કહ્યું કે તેનું બજેટ ભારતના કુલ બજેટ કરતાં ચાર ગણું મોટું છે. મેં કહ્યું, બજેટ ગમે તેટલું મોટું હોય, આઇડીયા કેટલો મોટો છે એ વધારે મહત્ત્વનું છે. એ જ વખતે મેં ચેલેન્જ આપી કે જીઇ જેમાં નિષ્ણાત છે, એ જ ક્ષેત્રમાં પેટન્ટ રજિસ્ટર કરાવીને, એ પેટન્ટ જીઇને વેચીને બતાવી આપીશું.’

‘ત્યારે લોકો મને મૂરખ ગણતા હતા.’ ડો.મશેલકર સ્મિત સાથે કહે છે,‘પણ ત્રણ-ચાર વર્ષના ટૂંકા ગાળામાં મારા એક સહયોગી અને એક વિદ્યાર્થીએ મળીને પોલીકાર્બોનેટમાં નવું સંશોધન કર્યું. પોલીકાર્બોનેટના વૈશ્વિક બજારમાં જીઇની બોલબાલા હતી, પણ આપણું સંશોધન એવું હતું કે અમેરિકામાં તેના પેટન્ટ નોંધાયા અને એ શોધના હકો જીઇએ આપણી પાસેથી ખરીદવા પડ્યા.’

‘નેશનલ કેમિકલ લેબોરેટરી’ અને ‘કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રીસર્ચ’ના વડા રહી ચૂકેલા ડો.રધુનાથ (આર.એ.) મશેલકર ‘સામુદાયિક શિક્ષણ કેન્દ્ર’ના ઉપક્રમે યોજાયેલા પ્રો.રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાન આપવા માટે અમદાવાદ આવ્યા હતા. ભારત સરકારના વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગનું સચિવપદ શોભાવી ચૂકેલા ડો.મશેલકરનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. એ દિવસો યાદ કરતાં તેમણે કહ્યું કે ‘હું છ વર્ષનો હતો ત્યારે પિતાજી ગુજરી ગયા, એટલે અમે ગોવાથી મુંબઇ આવ્યા. માતાજી છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા. મને બરાબર યાદ છે કે હું બાર વર્ષનો થયો ત્યાં સુધી ઉઘાડા પગે ફરતો હતો. કારણ કે ચપ્પલ ખરીદવાના પૈસા ન હતા. સાત ધોરણ સુધી મરાઠી માઘ્યમની મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યો. પછી આઠમા ધોરણમાં યુનિયન હાઇસ્કૂલમાં એડમિશન લેતી વખતે ૨૧ રૂ. ફી ભરવાની હતી. એ રકમ ભેગી કરતાં મને ત્રણ અઠવાડિયાં લાગ્યાં હતાં. એ જ રીતે એક તબક્કે નાણાંના અભાવે મારો અભ્યાસ અટકી પડે એમ હતો ત્યારે દોરાબજી ટાટા ટ્રસ્ટે મને છ વર્ષ સુધી માસિક રૂ.૬૦ની સ્કોરલશિપ આપી. યોગાનુયોગે, જ્યાં હું સ્કોલરશિપ લેવા જતો હતો એ જ મકાનમાં આજે હું ટાટા મોટર્સના બોર્ડમેમ્બર તરીકે જાઊં છું.’

બાળપણના સંઘર્ષની સાથોસાથ શિક્ષકો અને શિક્ષણની મઘુર યાદો પણ ઓછી નથી.‘મારી સ્કૂલ ગરીબ, પણ અમારા શિક્ષકો સમૃદ્ધ હતા. રૂપિયાની રીતે નહીં, શિક્ષણ આપવાની રીતે. મને યાદ છે કે પ્રિન્સિપાલ ભાવે રસાયણશાસ્ત્ર શિખવતા. એ કદી પાટિયા પર સૂત્રો લખીને અમને બીવડાવતા નહીં. અમારે ભણવામાં સાબુની બનાવટ આવતી હતી, એટલે ભાવેસાહેબ અમને શિવરીમાં આવેલી હિંદુસ્તાન લીવરની સાબુની ફેક્ટરી જોવા લઇ ગયા હતા. મને યાદ છે કે મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ પાસે શિવરી સુધીની ટ્રામટિકિટના પૈસા પણ ન હતા, ત્યારે સાહેબે અમારી ટિકિટ લીધી હતી. એવી જ રીતે અમને એ ‘વિમકો’નું દિવાસળીનું કારખાનું જોવા લઇ ગયા હતા અને ત્યાં સલ્ફરના ગુણધર્મો શીખવાડ્યા હતા.’

ડો.મશેલકર કહે છે,‘આપણે ત્યાં પુસ્તકીયું સડેલું જ્ઞાન નીરસ ઢબે ભણાવાય છે, જ્યારે પરદેશમાં ઘણી જગ્યાએ પ્રેક્ટિકલ દ્વારા રસાળ ઢબે બાળકોને શીખવાડાય છે. પોપટિયા જ્ઞાનનો કશો અર્થ સરતો નથી. ૯૭.૮ ટકા લઇ આવનારનું મારે મન કશું મહત્ત્વ નથી. તેને શું અને કેટલું આવડે છે એ અગત્યનું છે.’

ડો.મશેલકરના જીવનમાં વળાંક લાવનારી એક ઘટના પ્રેક્ટિકલ જ્ઞાન સાથે સંકળાયેલી છે. ‘એક દિવસ અમારા શિક્ષક અમને ખુલ્લા મેદાનમાં લઇ ગયા. લેન્સનો પાઠ ભણવાનો હતો. તેમણે ઘાસ પર કાગળ મૂક્યો અને એક હાથમાં બહિર્ગોળ લેન્સ પકડીને, તેને દૂરનજીક લઇ જઇને કેન્દ્રલંબાઇ એવી રીતે ગોઠવી કે સૂર્યનાં કિરણોથી કાગળ બળવા લાગ્યો. પછી એમણે મને બોલાવીને બે પાઠ શીખવ્યા, જે મારા મનમાં અંકાઇ ગયાઃ ૧) ઘ્યાન વેરવિખેર રાખવાને બદલે કોઇ એક બાબત પર કેન્દ્રિત (ફોકસ) કરવાથી સિદ્ધિ મેળવી શકાય છે. ૨) પ્રકાશનાં સમાંતર કિરણો એકબીજાથી અળગાં રહેવાને બદલે એક બિંદુએ મળી જાય, તો ભેદભાવ નાબૂદ થાય અને એકતા સ્થપાય.’ પછી સહેજ અટકીને ડો.મશેલકર કહે છે, ‘આદર્શ નેતાગીરી બહિર્ગોળ લેન્સ જેવી હોય, જે વૈવિઘ્યભરી શક્તિઓને એકજૂથ કરે. ગાંધીજી એવા નેતા હતા, પણ અત્યારના નેતાઓ શું કરે છે? એ અંતર્ગોળ લેન્સનું કામ કરે છે. એકતા હોય ત્યાં વિભાજન ઉભાં કરે છે.’

૧૯૯૧ના આર્થિક ઉદારીકરણને ‘ભારતની બીજી આઝાદી’ તરીકે ઓળખાવતા ડો.મશેલકર ભારતીય સંશોધનો અને પરંપરાગત સમૃદ્ધિના પેટન્ટ અંગે સતત જાગ્રત રહ્યા છે. ‘પહેલાં હું સતત પોલીમરની વાત કરતો હતો, એટલે મારૂં નામ ‘પોલીમરકર’ પડ્યું હતું. પછી પેટન્ટની વાતને કારણે બધા મને ‘પેટન્ટકર’ કહેવા લાગ્યા.’ એવી રમૂજ કરતાં ડો.મશેલકર કહે છે,‘૧૮૯૮માં જગદીશચંદ્ર બોઝે પહેલી વાર વાયરલેસ ટેકનોલોજી શોધી. સિસ્ટર નિવેદીતાએ તેમને પેટન્ટ કરાવવા કહ્યું ત્યારે બોઝે જ્ઞાનને મુક્ત રાખવાનો આદર્શ આગળ ધરીને પેટન્ટ ન નોંધાવ્યા. પરિણામે, માર્કોની વાયરલેસના શોધક તરીકેનું માન ખાટી ગયા. પણ ૧૦૦ વર્ષ પછી અમેરિકાની એક કંપનીએ ભારતના બાસમતિ ચોખાના પેટન્ટ માટે (‘ટેક્સમતિ’ નામે) અરજી કરી, ત્યારે હું કેસ લડ્યો અને જીત્યો. બાસમતિના હક ભારત પાસે રહ્યા. એટલે હું કહું છું કે પેટન્ટ ક્ષેત્રે ભારતની કથા બોઝથી બાસમતિ સુધીની છે.’

છેલ્લા બે વર્ષથી સંશોધનમાં ગાંધીવાદી અભિગમનો પ્રસાર કરતા ડો.મશેલકરનું સૂત્ર છેઃ મોર ફ્રોમ લેસ, ફોર મોર. તેનું સૂત્રાત્મક ગુજરાતી થાયઃ ‘કણમાંથી મણ, લાભે જણ જણ.’ તે માને છે કે ઉદ્યોગોએ ભારે નફો કરીને તેમાંથી થોડો હિસ્સો સારા કામ માટે વાપરવાને બદલે એવો અભિગમ રાખવો જોઇએ કે જેથી સમાજનું ભલું થાય અને સાથોસાથ ધંધો પણ થાય.

Wednesday, January 05, 2011

આધુનિક ભલામણ ચિઠ્ઠીઓ (unedited)

સેલફોન અને ઇન્ટરનેટ, ઇ-મેઇલ અને ફેસબુકના જમાનામાં ચિઠ્ઠી - ખાસ કરીને કોઇની ભલામણ માટે લખવામાં આવતી ચિઠ્ઠી-નો રિવાજ લગભગ લુપ્ત થઇ ચૂક્યો છે. આશરે સો વર્ષ પહેલાં ગુજરાતના આદિ હાસ્યલેખક રમણલાલ નીલકંઠે તેમના પુસ્તક ‘હાસ્યમંદિર’માં ચિઠ્ઠી વિશે આખો લેખ લખ્યો હતો. દેશની વર્તમાન પરિસ્થિતિ ઘ્યાનમાં રાખીને, અત્યારે ધારો કે ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોય તો એ કેવી હોય?

કલ્પનાના ચગડોળમાં બેસતાં પહેલાં ભલામણ ચિઠ્ઠીના મૂળભૂત નિયમો જાણી લેવા જરૂરી છેઃ

૧) ભલામણ ચિઠ્ઠી લખનાર જેની પર ચિઠ્ઠી લખવાની હોય તે વ્યક્તિને ઓળખતો હોય એવું બિલકુલ જરૂરી નથી.

૨) ભલામણ ચિઠ્ઠી લખનાર જેની ભલામણ કરી રહ્યો હોય તેને ઓળખતો હોય એવું પણ બિલકુલ જરૂરી નથી.

૩) ભલામણ ચિઠ્ઠી લખનાર ખરેખર ભલામણ કરી રહ્યો હોય એવું પણ માની લેવું નહીં.

૪) અનુભવી ભલામણ ચિઠ્ઠી લખનાર, પોતાની ભલામણ ચિઠ્ઠી ગંભીરતાથી લેવાશે એવું કદી માની લેતો નથી.

૫) તેમ છતાં, ગમે તેની પર ભલામણ ચિઠ્ઠી લખી આપવામાં એ કદી પાછી પાની કરતો નથી.

૬) ભલામણ ચિઠ્ઠી લઇ જનારે તેને પોતાના હિસાબે અને જોખમે એ લઇ જવાની રહે છે.

આટલા પાયારૂપ નિયમો જાણી લીધા પછી હવે કેટલીક સંભવિત ભલામણ ચિઠ્ઠીઓ.
***
(અંગત)
પ્રતિ,
પ્રતિભાબહેન પાટિલ
રાષ્ટ્રપતિભવન, દિલ્હી

માનનીય પ્રતિભાબહેન

મઝામાં હશો.
તમારો માથાનો દુઃખાવો પણ કાબૂમાં હશે.

આવનાર ભાઇ સચિન રમેશચંદ્ર તેંડુલકરને હું ઘણા વખતથી ઓળખું છું. એ ભાઇ ઘણા વખતથી ક્રિકેટ રમે છે અને ક્રિકેટમાં ને ક્રિકેટમાં તે બે પાંદડે પણ થયા છે. ક્રિકેટની રમતમાં એ ઘણા હોંશિયાર છે. એમણે ઘણા વિક્રમો પણ સર્જ્યા છે, એવું હું અંગત ખાતરી આપીને કહી શકું છું. તેમના વિશે પુસ્તકો પણ પ્રકાશિત થયેલાં છે. જોકે, એ અંગ્રેજીમાં છે એટલે મેં વાંચ્યાં નથી. પણ મારી એવી લાગણી છે કે તમે આ વખતનાં નાગરિક સન્માનો નક્કી કરવાનાં થાય ત્યારે રમેશભાઇના ચિરંજીવી સચિનને લક્ષમાં લો અને એને ‘ભારતરત્ન’ આપો.

ચિ.સચિનને ‘ભારતરત્ન’ આપશો તો એ સન્માનનું અવમૂલ્યન નહીં થાય તેની હું ખાતરી આપું છું. કારણ કે એ સન્માનનું જેટલું થવાનું હતું એટલું બઘું જ અવમૂલ્યન અગાઉ થઇ ચૂકેલું છે, એ તમારા ઘ્યાનમાં હશે. ‘ભારતરત્ન’ મેળવ્યા પછી પણ સચિનની ચાલચલગત સારી રહેશે અને એ રાજકારણમાં નહીં પડે એવું હું એની સાથેના લાંબા પરિચયના આધારે કહી શકું છું. પછી તમને જે ઠીક લાગે તે ખરૂં. મેં મારી આંગળી ચીંધવાની ફરજ બતાવી, જેથી તમને એવું ન લાગે કે મેં કહેવા જેવું કહ્યું નહીં.

દેવીસિંહભાઇને મારી યાદી આપજો અને આ તરફ આવો તો રોટલા ખાવા પધારજો. શિયાળાની સીઝન છે. રીંગણનું ભડથું પણ સરસ બનશે. હમણાં નીકળવાનું બને એમ ન હોય તો જણાવશો. રીંગણ અહીંથી મોકલી આપીશ.

એ જ,
(સચિનને ભારતરત્ન આપવાની માગણી જે રીતે ઉઠી રહી છે, એ જોતાં અહીં અજાણ્યા ચાહકોથી જાણીતી હસ્તીઓ સુધી કોઇનાં પણ નામ મુકી શકાય છે.)
***
(અંગત)
પ્રતિ,
ડો.મનમોહન સિંઘ
વડાપ્રધાન નિવાસ, દિલ્હી

પ્રિય ડોક્ટરસાહેબ,

કેમ છે તમારી તબિયત?

ડોક્ટરને તબિયત પૂછવી પડે એનું નામ તો કળિયુગ! બાયપાસ સર્જરી પછી ઘણા વખતે પત્ર લખી રહ્યો છું. આશા રાખું છું કે સર્જરી પછી તમારા અંતરમાંથી- એટલે કે દિલમાંથી- આવતા તમામ પ્રકારના અવાજો બંધ થઇ ગયા હશે. તેમ છતાં કંઇ તકલીફ હોય તે વિના સંકોચ કહેજો. અહેમદભાઇ આપણા ઘરના જ માણસ છે. ભરૂચમાં અમે બન્ને એક પડીકામાંથી ખારી સિંગ ખાતા હતા.

આ પત્ર લખવાનું ખાસ કારણ એ છે કે આવનાર વડીલ લાલકૃષ્ણ અડવાણી અમારા એક વયોવૃદ્ધ મુરબ્બી છે. ભૂતકાળમાં ઘણા ખેલ ખેલી ચૂક્યા છે, પણ હવે ડડળી ગયા છે. મને એમના માટે સહાનુભૂતિની ઠીક ઠીક લાગણી છે. એનાથી પ્રેરાઇને હું તમને એક તકલીફ આપી રહ્યો છું. લાલકૃષ્ણકાકાની હાર્દિક ઇચ્છા છે કે સ્પેક્ટ્રમ ફાળવણીની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ ઉર્ફે જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી- જેપીસી રચાય.

મને ખબર છે કે આ બધો તમારો રાજકીય મામલો કહેવાય અને મારાથી એમાં વચ્ચે ન પડાય. છતાં હું તમને લખી રહ્યો છું. કારણ કે મને ખાતરી છે કે જેપીસી રચાવાથી તમારો વાળ પણ વાંકો થવાનો નથી, એ તમે જાણો છો. (અમસ્તું પણ તમારો વાળ કોણ વાંકો કરી શકે? તમે તો પાઘડી પહેરો છો!) તમને કશું નુકસાન ન હોય અને લાલકૃષ્ણકાકાનું મોટું કામ થઇ જતું હોય, એવા સંજોગોમાં મને ખાતરી છે કે તમે મારી આગ્રહભરી વિનંતી પર ઘ્યાન આપશો અને બને એટલી જલદી જેપીસી રચવાની હા પાડી દેશો. લાલકાકા અમારા જૂના સ્નેહી છે. જૂના જમાનામાં જેમ ટ્રાવેલિંગ થિયેટર- ફરતી નાટકમંડળીઓ- ચાલતી હતી, તેમ લાલકાકા રાજકારણમાં ટ્રાવેલિંગ થિયેટર ચલાવતા હતા. સોમનાથથી અયોઘ્યાની એમની ટુર વિશે તો તમે જાણતા જ હશો. આટલું ફક્ત તમારા ઘ્યાન પૂરતું. બાકી, તમારા જેવા હુંશિયાર માણસને વધારે શું લખવાનું હોય?

ભાભીને પ્રણામ.
તમારો
(ભારતનો કોઇ પણ નાગરિક આ ચિઠ્ઠીની નીચે સહી કરી શકે છે)
***
(અંગત)
પ્રતિ,
સીઇઓ,
ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ
બ્રિટન

પ્રિય સાહેબ,

મારૂં નામ તમને કદાચ અજાણ્યું લાગે, પણ હું તમને અને ખાસ તો તમારી રેકોર્ડ બુકને બરાબર ઓળખું છું અને એ અધિકારે જ તમને આ ચિઠ્ઠી લખી રહ્યો છું.

આવનાર ભાઇ નરેન્દ્રભાઇ મોદી બિચારા અમારા રાજ્યના મુખ્ય મંત્રી છે. (કેટલાક લોકો એમ પણ કહે છે કે તે અમારા બિચારા રાજ્યના મુખ્ય મંત્રી છે.) આમ તો એ બાહોશ અને હોંશિયાર માણસ છે, પણ એમને વિક્રમો બનાવવાનો બહુ શોખ છે. છેલ્લા ઘણા વખતથી એ વિક્રમો બનાવવામાં બહુ ઘ્યાન આપે છે. એટલે મારી અને મારા જેવા બીજા ઘણા ગિનેસ બુકના પ્રેમીઓની હાર્દિક ઇચ્છા છે કે તમે સૌથી વઘુ વિક્રમો બનાવવાનો વિક્રમ સર્જવા બદલ અમારા મુખ્ય મંત્રીશ્રીનું નામ ગિનેસ બુકમાં દાખલ કરી દેશો, જેથી એક વાત પૂરી થાય અને અમારા મુખ્ય મંત્રી બીજી - એટલે કે કાર્નિવલ, વાઇબ્રન્ટ ઉત્તરાયણ જેવી- મહત્ત્વની બાબતો પર ઘ્યાન કેન્દ્રિત કરી શકે.

તમને ખ્યાલ હશે જ કે ગુજરાતીઓ સામાન્યપણે વિક્રમો સર્જવામાં નહીં, પણ વિક્રમો સર્જનારાને નોકરીએ રાખવામાં માને છે. પણ સમય સમયની વાત છે.

વિક્રમો નોંધવા સિવાયના કોઇ કામે ગુજરાતમાં આવો તો જરૂર જાણ કરશો. મારો પી.પી. સેલ નંબર આ સાથે લખું છું. અડધી રાતે ફોન કરશો તો પણ મેસેજ મળી જશે.

એ જ લિ.
ગુજરાતીઓ વતી એક ગુજરાતી

Monday, January 03, 2011

વાતવાતમાં ગીત ફુટી નીકળે એનું નામ દિલીપ ધોળકિયા

(The impersonal additional obit I wrote for today's GS)

હજુ 30 ડિસેમ્બર, 2010ના રોજ ભારતીય વિદ્યાભવનનું પ્રતિષ્ઠિત મુનશી સન્માન મેળવનાર 89 વર્ષના ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાનું રવિવારે સવારે મુંબઇમાં અવસાન થયું. છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં દવાખાનામાં દાખલ થયેલા દિલીપભાઇનો જુસ્સો અને કલાકાર મિજાજ છેવટ સુધી અકબંધ હતાં. જાહેર કાર્યક્રમ હોય કે ખાનગી મહેફિલ, 1950 હોય કે 2010, દિલીપ ધોળકિયાનો બુલંદ કંઠે તમામ ઉંમરના, તમામ પેઢીના શ્રોતાઓને ડોલાવ્યા છે. મૃત્યુના બે દિવસ પહેલાં હોસ્પિટલના બિછાનેથી મુનશી સન્માનનો પ્રતિભાવ આપતી વખતે, નાકમાં નળીઓ હોવા છતાં, તેમણે વિડીયો કેમેરા સમક્ષ એક ગીતની થોડી પંક્તિઓ ગણગણી બતાવી હતી. વાતવાતમાં કંઠેથી ગીત ફુટી નીકળે એ દિલીપ ધોળકિયા.

દિલીપભાઇની મુખ્ય કે પહેલી ઓળખ ‘તારી આંખનો અફીણી’ના ગાયક તરીકે ભલે રહી, પણ ફિલ્મી અને બિનફિલ્મી ગીતોમાં તેમનું પ્રચંડ પ્રદાન છે. ફક્ત ગુજરાતી જ નહીં, હિંદી ફિલ્મોમાં પણ તેમણે ગીતો ગાયાં છે અને આઠ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. હિંદી ફિલ્મોમાં તેમણે દિલીપ ધોળકિયા ઉપરાંત ડી.દિલીપ અને એક ફિલ્મમાં દિલીપ રાયના નામે પણ સંગીત આપ્યું હતું. ફિલ્મ ‘ભંવરા’ના એક ગીત ‘ઠુકરા રહી હૈ દુનિયા’માં સ્વરસમ્રાટ કુંદનલાલ સાયગલ સાથે કોરસમાં ગાવા મળ્યું તેને દિલીપભાઇ પોતાનું સૌભાગ્ય ગણાવતા હતા. એટલે જ હરીશ રઘુવંશી અને હરમંદિરસિંઘ ‘હમરાઝ’ દ્વારા સાયગલની જન્મશતાબ્દિ નિમિત્તે સંકલિત ‘સાયગલ ગીતકોશ’નું ગ્રામોફોન ક્લબના ઉપક્રમે અમદાવાદમાં દિલીપભાઇના હાથે વિમોચન થયું ત્યારે તેમણે ધન્યતાની લાગણી પ્રગટ કરી હતી.

મહંમદ રફી જે ગીતથી દેશભરમાં જાણીતા થયા તે ફિલ્મ ‘જૂગન’નું નૂરજહાં સાથેનું યુગલગીત ‘યહાં બદલા વફા કા બેવફાઇ’ પહેલાં દિલીપ ધોળકિયા ગાવાના હતા. એમના અવાજમાં ગીતનું રીહર્સલ પણ થઇ ચૂક્યું હતું. પરંતુ પંજાબમાં ચાલતાં રમખાણોની વચ્ચે રફી મુંબઇ આવી પહોંચતાં ફિલ્મના સંગીતકાર ફિરોઝ નિઝામીએ દિલીપભાઇને બીજું ગીત આપવાનું કહીને આ ગીત રફી પાસે ગવડાવ્યું. અત્યંત લોકપ્રિય ગુજરાતી ગીત ‘રાખનાં રમકડાં’ સૌથી પહેલાં દિલીપભાઇએ 1946માં આઇ.એન.ટી.ની નૃત્યનાટિકા ‘નરસૈયો ભક્ત હરિનો’ માટે ગાયું હતું.

ચિત્રગુપ્ત, એસ.એન.ત્રિપાઠી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારોના સહાયક તરીકે કામ કરનાર દિલીપભાઇનો લતા મંગેશકર અને મંગેશકર પરિવાર સાથે પણ નિકટનો નાતો હતો. છે્લ્લેછેલ્લે મુનશી સન્માન મળ્યા પછી લતા મંગેશકરે હોસ્પિટલમાં ફોન કરીને દિલીપભાઇને અભિનંદન આપ્યાં હતાં, તો થોડા વખત પહેલાં અમદાવાદ આવેલાં શમશાદ બેગમ પણ ‘ઢોલકિયાસાબ’ને પ્રેમથી મળ્યાં હતાં. દિલીપભાઇનું સંગીત ધરાવતી પહેલી ગુજરાતી ફિલ્મ ‘સત્યવાન સાવિત્રી’(1963)માં લતા મંગેશકરનાં છ ગીત હતાં. મહંમદ રફીનું મધુરું ગીત ‘મીઠડી નજરું વાગી’ પણ આ જ ફિલ્મનું હતું. ‘કંકુ’માં દિલીપભાઇએ સ્વરબદ્ધ કરેલાં ગીતો બહુ પ્રતિષ્ઠા પામ્યાં. તેમણે મુકેશ, રફી, મન્નાડે, લતા મંગેશકર, આશા ભોસલે, ગીતા દત્ત, ભૂપેન્દ્ર, નીતિન મુકેશ, અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક જેવાં હિંદી ગાયક-ગાયિકાઓ પાસે ગીતો ગવડાવ્યાં. તેમણે પોતે અજિત મર્ચંટના સંગીતમાં વેણીભાઇ પુરોહિત, ઉમાશંકર જોશી, નાનાલાલ જેવા ધુરંધર ગુજરાતી કવિઓની રચનાઓ ગાઇ. ગાયક તરીકે તેમની કારકિર્દીની પહેલી રેકોર્ડ 1946માં એચ.એમ.વી.માં કામ કરતા સંગીતકાર સ્નેહલ ભાટકરની મદદથી બની હતી, જેમાં વેણીભાઇ પુરોહિતે લખેલાં બે ગીત ‘આધા તેલ ઔર આધા પાની’ તથા ‘ભીંત ફાડીને પીપળો ઉગ્યો’ દિલીપભાઇએ પોતે સ્વરબદ્ધ કરીને ગાયાં હતાં.

છેલ્લા બે દાયકાથી તેમણે વ્યાવસાયિક નિવૃત્તિ લીધી અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી ટીવી શ્રેણીમાં સંગીત આપવા જેવા અપવાદ સિવાય નિવૃત્તી પાળી. પરંતુ સંગીત સાથેનો તેમનો નાતો કદી છૂટી શકે તેમ ન હતો. સંગીત તેમના અસ્તિત્ત્વ સાથે એકાકાર થયેલું હતું. છેલ્લે તેમની સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે તે અંગ્રેજીમાં પોતાનાં સંભારણાં લખી રહ્યાં છે. એ કામમાં તેમની પૌત્રી તેમને મદદરૂપ થતી હતી. સંભારણનું કામ પૂરું થતાં પહેલાં દિલીપભાઇ ઉપડી ગયા છે, પણ અનેક સંગીતરસિકો માટે તે ભરપૂર સુરીલાં સંભારણાં મુકતા ગયા છે.

The Process...


(R to L : Dilip dholakia, Badrinath Vyas, Amrish Parikh, Chandrashekhar Vaidya, Urvish Kothari)

...and The Result

Glimpses of How dilipkaka used to enjoy mehfils. here's short clip of conversation in which he remembers artists like C.Ramchandra, SD Burman, Mohd.Rafi, Manna dey, Yashwant Bhatt.

Sunday, January 02, 2011

500મી પોસ્ટ: દિલીપ ધોળકિયા- દિલીપકાકા-ને દિલી અલવિદા

(જન્મઃ15-10-1921, વિદાયઃ 2-1-2011)

ઘણા વખતથી વિચારતો હતોઃ 500મી પોસ્ટ આવે છે. શું લખું? ઘણી વસ્તુઓ વિચારી હતી. પ્રણવ-બિનીત જેવા મિત્રો સાથે એ વિશે ચર્ચા કરી હતી. અમિત શાહ જેવા મિત્રોએ સામે ચાલીને સૂચન પણ કર્યાં હતાં. બે દિવસ પહેલાં મુંબઇમાં અજિત મર્ચંટ અને દિલીપ ધોળકિયાને મળેલા પ્રતિષ્ઠિત મુનશી સન્માનના સમારંભમાં હાજરી આપીને આવ્યા પછી એ સમારંભની તસવીરો મૂકવાની તાલાવેલી હતી. પરંતુ આજે સવારે સમાચાર મળ્યાઃ દિલીપકાકા ગયા.

એકાદ અઠવાડિયા પહેલાં મુંબઇ ગયેલા 89 વર્ષના દિલીપકાકા ઘરે જઇ શક્યા જ ન હતા. તેમને સીધા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. શ્વાસ, કફ જેવી તકલીફો. પાઇલ્સની સમસ્યા. કાર્યક્રમમાં પણ તે હાજર ન રહ્યા. તેમના વતી તેમનાં પત્ની ધ્રુમનબહેને તાળીઓના ગડગડાટ વચ્ચે મુનશી સન્માન સ્વીકાર્યું. ભવન્સના મિત્ર અને અભ્યાસી પત્રકાર રમેશ ઓઝા આગલા દિવસે દિલીપકાકાને મળવા હોસ્પિટલમાં ગયા હતા. નાદુરસ્ત તબિયત અને નાકમાં નળીઓ છતાં દિલીપકાકાએ ફક્ત બોલવાનો જ નહીં, ગાવાનો પણ આગ્રહ રાખ્યો. ‘મારે બે લીટી ગાવી છે. તમે બેસજો. રાહ જોજો.’

વિડીયો કેમેરા સામે દિલીપકાકા શરૂઆતમાં (કનૈયાલાલ) મુનશીના મહત્ત્વ વિશે બોલ્યા અને તેમના નામ સાથે સંકળાયેલું સન્માન મેળવવા બદલ ધન્યતાની લાગણી વ્યક્ત કરી. ત્યાર પછી રેકોર્ડિંગમાં કટ આવ્યો. વચ્ચે દોઢ-બે કલાક પાઇલ્સની તકલીફ અને આરામ પછી ફરી દિલીપકાકા રેકોર્ડિંગ માટે તૈયાર. એક ગીતની બે પંક્તિ ગાઇ, સાથી અને મિત્ર સંગીતકાર અજિત મર્ચંટને ભવ્ય અંજલિ આપી. અજિતકાકા-દિલીપકાકાનો પરિચય આપવા ઉભા થયેલા પુરુષોત્તમ ઉપાધ્યાય (રાબેતા મુજબ) પોતાની વાતો કરવામાં સરી ગયા, ત્યારે તેમનું કામ આજાર અવસ્થામાં પણ દિલીપકાકાએ અજીતકાકાને ‘કમ્પ્લીટ કમ્પોઝર’ ગણાવીને કહ્યું કે (લક્ષ્મીકાંત)-પ્યારેલાલને તેમના પિતા રામપ્રસાદે કહ્યું હતું કે તારે કમ્પોઝ કરતાં શીખવું હોય તો અજિત મર્ચંટ પાસે જા.’

દિલીપકાકાનો જુસ્સો અને કલાકારી મિજાજ જોઇને ભવન્સના ફુલહાઉસમાંથી તાળીઓના ગડગડાટ ઉઠ્યા. સેંકડો ચાહકો માટે દિલીપકાકાનું એ છેલ્લું અને દિલીપકાકાની આજીવન છબીને છાજે એવું દર્શન હતું. ફક્ત નાકમાં બે નળીઓ વધારાની હતી, જેની હાજરીને દિલીપકાકાએ તાર સપ્તકમાં બે પંક્તિઓ ગાઇને ગૌણ બનાવી દીધી.

અને સમારંભના બે દિવસ પછી, આજે સવારે દિલીપકાકાની વિદાયના સમાચાર આવ્યા.

દિલીપકાકાની ગીત-સંગીત કારકિર્દી વિશે ઠીક ઠીક લખાયું છે. 14 વર્ષ પહેલાં ‘અભિયાન’ માટે મેં તેમનો ઇન્ટરવ્યુ કરીને ત્રણ પાનાંનો ફુલફ્લેજ પ્રોફાઇલ કર્યો હતો. સંશોધક મિત્ર હરીશ રઘુવંશીએ દિવ્ય ભાસ્કરની તેમની યાદગાર કોલમ ‘હિંદી સિનેમા, ગુજરાતી મહિમા’માં દિલીપકાકા વિશે લખ્યું. આજે દિલીપકાકાની કારકિર્દી વિશે બહુ લખવું નથી. ખરેખર તો આજે બહુ લખવું જ નથી. અહીં મુકેલી તસવીરો અને વિડીયોને બોલવા દેવાં છે.

દિલીપકાકા, તમારી જુસ્સાદાર ચાલ, મળતી વખતે હૂંફથી હાથ મિલાવીને નીકળતો ‘હેહ્હે’નો રણકો, મુક્ત હાસ્ય, ગ્રામોફોન ક્લબના કાર્યક્રમો શોભાવતી તમારી પહેલી હરોળની બેઠક, ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ પૂરો થયા પછી ક્યારેક રાતના એક વાગ્યે મિત્ર બિનીત મોદીને ત્યાં મંડાયેલી વાતોની મહેફિલ, વાતવાતમાંથી ફુટી નીકળતાં ગીતો, વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્ય અને મારી સમક્ષ મારા વિડીયો કેમેરાના લાભાર્થે, અમારા બન્ને માટે તમે દિલથી ગાયેલાં (અને અહીં મૂકેલાં) ગીતો.....આ અને આવું ઘણું આજીવન યાદ રહેવાનું છે.

તમે ગયા તેથી શું થયું? જવાનું કોઇના હાથમાં નથી, પણ યાદ રાખવાનું અમારા હાથમાં છે. બિનીત-શિલ્પા, ચંદ્રશેખરભાઇ, રંજનકાકી (દેસાઇ), અજિતકાકા-નીલમકાકી...આ બધાં સાથે અને એ વિના પણ તમે યાદ આવશો અને તમારો ઘુંટાયેલો કંઠ મનમાં ગુંજી ઉઠશે.


ગુજરાતી ટીવી શ્રેણી 'સરસ્વતીચંદ્ર'ના સંગીત રેકોર્ડિંગ વખતે અમદાવાદના અંધજન મંડળ સ્ટુડિયોમાં દિલીપકાકાની છટા/ Dilip Dholakia during 'sarasvatichandra' tv series's music recording

L to R: Chitragupt, Mangeshkar sisters with Lata(in centre) & Dilip Dholakia (extreme right)

Dilip dholakia (young)

Dilip Dholakia inaugurating 'Saigal Geetkosh' at Gramophone club (ahmedabad) function with compilers Harish Raghuvanshi & Harmandirsingh 'Hamraaz'.
Dilip Dholakia had distinction of singing (as a chorous singer) with legendary KL Saigal in Bhanwara' song 'Thukara rahi hai duniya'.

Dilip Dholakia with Shamshad Begum during her recent visit for Gramophone club program. (photo: Rajnikumar Pandya)

Dilip Dholakia with Urvish Kothari : First meeting for 'Abhiyaan' interview (1996), photo: Gautam Tripathi

...and last meeting with dilipkaka at his ahmedabad home, 1-11-10, photo: Binit Modi


DIlip Dholakia's unforgettable last 'darshan' on screen at Bhartiya Vidya Bhavan's Munshi Sanman, Bhavans' (Mumbai), 30-12-10

A snap I took at tagore hall, ahmedabad after completion of Shamshad Begum's program,

(two songs with his characteristic singing style recorder in my home video few years back. I went with Chandrashekhar Vaidya at Dilipkaka's residence.)