Sunday, January 30, 2011

તસવીરકાર પ્રફુલ્લભાઇ પટેલને તસવીરી અંજલિ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, ભાગ્યે જ જોવા મળે એવા ઉઘાડા માથે,
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર વિધિ વખતે, 1950

ભાભા એટમિક રીસર્ચ સેન્ટર, ટ્રોમ્બેમાં અણુ રીએક્ટરઃ શૂન્યમાંથી સર્જન, 1957-61

અત્યારે કલ્પના પણ ન કરી શકાય એવું દૃશ્યઃ મુંબઇ એરપોર્ટ, 1952

પ્રફુલ્લભાઇ પટેલની જીવનયાત્રા તસવીરોમાં

ગુજરાતમાં તસવીરકાર પ્રફુલ્લભાઇ (પી.સી.) પટેલની ઓળખાણ ક્યાંથી શરૂ કરવી, એવી મૂંઝવણ થાય. સૌથી પહેલું નામ તેમના પ્રતાપી પિતા, ગોંડલના વિદ્યાધિકારી અને ભગવદ્ગોમંડળ કોશકાર ચંદુલાલ બહેચરલાલ પટેલનું યાદ આવે. તસવીરકાર તરીકે પ્રફુલ્લભાઇના શરૂઆતનાં કામમાંનું એક હતું 1945માં યોજાયેલા ભગવદ્ગોમંડળ વિમોચન સમારંભની તસવીરો. એમ તો મકરંદ દવેના તંત્રીપદે નીકળતા હસ્તલિખિત સામયિક 'પગદંડી'માં પણ પ્રફુલ્લભાઇની તસવીરો મુખપૃ્ષ્ઠ પર મુકાતી હતી. મકરંદભાઇ અને તેમના પ્રફુલ્લભાઇ જેવા સહાધ્યાયીઓ 'પૂર્ણિમાયન' નામે દર પૂનમે મળતું મંડળ ચલાવતા હતા. 'પગદંડી'ના સંચાલક તરીકે 'પૂર્ણિમાયન'નું નામ મૂકાતું હતું.

ચંદુભાઇના પુત્ર તરીકે 1925માં ગોંડલમાં જન્મેલા પ્રફુલ્લભાઇ મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સ્ટીલ અને સીને ફોટોગ્રાફીમાં ડિપ્લોમા ભણ્યા. ત્યાર પછી તેમણે અનેક વ્યાવસાયિક અને કળાકીય એસાઇન્મેન્ટ પાર પાડ્યાં. ટ્રોમ્બે અણુમથક, નાગાર્જુન સાગર બંધ, દુર્ગાપુરનો સ્ટીલ પ્લાન્ટ જેવી અનેક સંસ્થાઓ-કંપનીઓ માટે દસ્તાવેજી તસવીરો લીધી. સાથોસાથ, જૂના મુંબઇની તસવીરો, પિક્ટોરિયલ ફોટોગ્રાફી અને પ્રયોગાત્મક તસવીરોમાં પણ ઘણું કામ કર્યું, જેમાનું કેટલુંક 'એ વ્યૂફાઇન્ડર્સ જર્નીઃ 55 યર્સ, ગ્લાસપ્લેટ ટુ ડિજિટલ' માં મૂકવામાં આવ્યું છે.

2001માં પ્રકાશિત આ પુસ્તક નિમિત્તે પ્રફુલ્લભાઇના પરિચયમાં આવવાનું થયું. 'સંદેશ'ની પૂર્તિમાં તેમના વિશે લેખ પણ લખ્યો હતો. તેમના નાના ભાઇ કે.સી.પટેલ અમદાવાદ રહે અને રજનીભાઇ (પંડ્યા)ના ગાઢ સંપર્કમાં. તેમના થકી પુસ્તક અને મુંબઇના એનસીપીએ સાથે સંકળાયેલા પ્રફુલ્લભાઇને મળવાનું થયું. મારા પુસ્તક 'સરદારઃ સાચો માણસ, સાચી વાત'માં અસ્તર પર ડબલ સ્ર્પેડમાં મુકેલી સરદારની અંતીમ યાત્રાની તસવીર પ્રફુલ્લભાઇની જ છે. 'અંતીમ યાત્રાની આ સિવાયની બીજી કોઇ તસવીરો ખરી?' એના જવાબમાં તેમણે ના પાડી હતી, પણ એ તસવીર વાપરવાની તેમણે ઉદારતાપૂર્વક મંજૂરી આપી હતી.

17 જાન્યુઆરી, 2011ના રોજ 85 વર્ષના પ્રફુલ્લભાઇએ વિદાય લીધી. તેમના જ પુસ્તકમાંથી લીધેલી કેટલીક તસવીરો વડે પ્રફુલ્લભાઇને હૃદયપૂર્વકની અંજલિ.

4 comments:

 1. Binit Modi (Ahmedabad)1:08:00 AM

  પ્રિય ઉર્વીશ,
  ફોટોગ્રાફર પ્રફુલભાઈ પટેલને ડિસેમ્બર – ૨૦૦૭માં મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ્ ની ઓફિસમાં રજનીકુમાર પંડ્યા અને તારા (ઉર્વીશ કોઠારીના) લેખ-રેફરન્સથી મળવાનું બન્યું હતું. પત્ની શિલ્પા સાથે આ શહેરમાં ફરવા આવ્યો હોવાનો મારો ઉપક્રમ જાણ્યા પછી તેમણે સાથે રહી એન.સી.પી.એના ખૂણેખૂણાનો, તેમાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો. સોમવારના દિવસે એન.સી.પી.એની ગેલેરી વીકલી મેઇન્ટેનન્સ સારુ જાહેર જનતા માટે બંધ રહે એવા નિયમને બાજુ પર મૂકી અમને એક ફોટો પ્રદર્શન જોવાની સગવડ કરી આપી હતી. હિન્દીની સાથે ગુજરાતીમાં પણ લખતા અને નર્મદા નદીની પરિક્રમા યાત્રાઓથી ખ્યાત એવા લેખક અમૃતલાલ વેગડ સાથે પદયાત્રા કરી તસવીરો લેતા ફોટોગ્રાફરનો વનમેન શો જોવાનો લાભ અમને મળ્યો હતો. એ ફોટોગ્રાફર શ્રી ઠાકર નેહરૂપાર્ક – વસ્ત્રાપુરમાં જ ઘરની નજીક રહે અને તેમનો વનમેન શો પહેલી જ વાર જોવાનો અવસર અમને મુંબઈમાં મળ્યો એ જાણી તેઓ વધુ રાજી થયા. રજનીકુમાર પંડ્યા કે ઉર્વીશ કોઠારીના લેખથી તેમના ફોટોગ્રાફી પુસ્તકની નોંધ લેવાઈ તેનો રાજીપો વ્યક્ત કર્યો. તિથલ-વલસાડ સ્થિત ફોટોગ્રાફર મિત્ર અશ્વિન મહેતાને યાદ કરી એવી ફરિયાદ પણ કરી કે તેમના કામની જોઇએ એવી કદર નથી થઈ. તેમને મળીને છૂટા પડતાં ચિત્રકાર વૃંદાવન સોલંકી વતી સીમરોઝા આર્ટ ગેલેરીમાંના તેમના વન મેન શોનું આમંત્રણ અને કેટલોગ આપ્યા એટલે વાતચીતની એક નવી લીંક ખૂલી. આ બધું તેમના અવસાનની નોંધ વાંચી એક સાથે યાદ આવી ગયું. તેમને ફરી-ફરીને યાદ કરવા માટે તો તેમનું કામ જ આર્ટ ગેલેરીની દિવાલો પર જોવા મળે એવી ઇચ્છા સાથે પૂણ્ય સ્મરણ.
  બિનીત મોદી (અમદાવાદ)
  Mobile : 9824 656 979
  E-mail: binitmodi@gmail.com

  ReplyDelete
 2. Thanks for sharing info about the veteran photographer whose name an amateurs like me have never heard of. Keep sharing insights about various Sahityakars, photographers and journalists.

  Regards,
  Paras Shah

  ReplyDelete
 3. sadgat na atma ne shanti male...

  ReplyDelete
 4. થેંક યુ, ઉર્વીશ ભાઈ. આટલા ઉમદા ફોટોગ્રાફેર નો પરિચય કરાવવા બદલ તેમજ ૫૦ અને ૬૦ ના દાયકા ના ભારત ની ઝલક share કરવા બદલ.
  નેહા

  ReplyDelete