Friday, May 25, 2018

વિનોદ ભટ્ટને અંગત અંજલિ અને સંભારણાંનો ખજાનો

પત્રકારત્વમાં આવતાં પહેલાં જે લેખકોના પરિચય થયા અને પછી વડની જેમ વિસ્તર્યા, ઊંડા થયા તેમાં રજનીકુમાર પંડ્યા ઉપરાંત બીજું નામ વિનોદ ભટ્ટનું. અમારા (મોટા ભાઈ બીરેન કોઠારીના અને મારા) વિનોદભાઈ સાથેના પરિચયની શરૂઆત પત્રોથી થયેલી. બીજા ઘણાની જેમ તે અમારા પ્રિય લેખક. તેમની 'વિનોદની નજરે'ની અમારા બંને પર પ્રચંડ અસર. એ વાંચીને, તેની અસર હેઠળ છેક ૧૯૮૫માં બીરેને એકાદ મહિના જેટલા ગાળામાં તેના અંગત મિત્રવર્તુળનાં એવાં મસ્તીભર્યાં શબ્દચિત્રો આલેખ્યાં હતાં. (ત્યારે બીરેનની ઉંમર હતી ૨૦ વર્ષ)

વાચકોના પત્રોના વિનોદભાઈ સૌજન્યથી જ નહીં, પ્રેમથી પણ જવાબ આપે. પંદર પૈસાના પોસ્ટકાર્ડ પર વિનોદભાઈના મોટા, સહેજ ત્રાંસા અક્ષર લખાઈને અમારા સુધી પહોંચે ત્યારે અમારા માટે એ પોસ્ટકાર્ડનું મૂલ્ય પંદર પૈસા કરતાં સહસ્ત્ર ગણું વધી ગયું હોય. અમારી પર આવેલું તેમનું પહેલું પોસ્ટ કાર્ડ.
Vinod Bhatt/ વિનોદ ભટ્ટ, ૨૨-૨-૧૯૯૧
આ અંજલિ તેમના વિશેનો લેખ નથી. તેમાં વિનોદભાઈ વિશે વિશ્લેષણાત્મક કે વિગતપ્રચુર લખવાનો ખ્યાલ ઓછો ને તસવીરો મુકવાનો ઉપક્રમ વધારે છે. એટલે વિનોદભાઈ સાથેની પહેલી મુલાકાત વખતનો ફોટો મુકું છું. એ રજનીકુમાર પંડ્યાના ભાણેજ ચંદ્રેશના લગ્નના રીસેપ્શનમાં, લગભગ ૧૯૯૩માં થઈ હશે.
પહેલી મુલાકાત વખતે વિનોદભાઈ, તેમના સ્ટાન્ડર્ડ સફારીમાં / Vinod Bhatt
પહેલી મુલાકાતમાં તેમની સાલસતા અને પ્રેમાળપણાની છાપ પડે એવી હતી. અમારા જેવા સાવ સામાન્ય વાચકો સમક્ષ જે સહજતાથી તે રજૂ થયા, તેના લીધે ભાવ વધ્યો. બિનીત મોદી સાથે ત્યારે દોસ્તી થઈ ચૂકેલી. બિનીત મોદી માટે આ બધા 'રજનીકાકા' ને 'વિનોદકાકા' હતા. બિનીત મહેમદાવાદ આવે ત્યારે સાહિત્યજગતની-સાહિત્યકાર જગતની વિગતે વાત કરે. અમને બહુ રસ પડે. જાણવાનું પણ મળે. ૧૯૯૫માં બિનીત મોદીને દુબઈ જવાનું થયું અને મારે (પત્રકારત્વના ક્ષેત્રે) મુંબઈ. એ વખતે અમે મહેમદાવાદમાં તેની ફૅરવૅલ પાર્ટી રાખી હતી અને એક મઝાનું સુવેનિયર બનાવ્યું હતું. એ સુવેનિયર બિનીતે વિનોદભાઈને પણ બતાવ્યું હતું.
Vinod Bhatt- Binit Modi somewhere around 1995 / વિનોદ ભટ્ટ- બિનીત મોદી

Vinod Bhatt- Binit Modi 2015 / વિનોદ ભટ્ટ- બિનીત મોદી બે દાયકા પછી, ૨૦૧૫
પત્રકારત્વમાં આવ્યા પછી, લગભગ પહેલા જ વર્ષે અમદાવાદ આવ્યો હતો ત્યારે વિનોદભાઈનો ઇન્ટરવ્યુ લીધો.હતો. સાથે બીરેન પણ હતો. તેણે ફોટા પાડ્યા. એ વખતે વિનોદભાઈ સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા ફેરડીલ હાઉસમાં બેસતા હતા. ભાઈ સાથેની ટેક્સ કન્સલ્ટન્ટની કામગીરીનો કદાચ એ સાવ છેલ્લો તબક્કો હતો. તેમની ઓફિસે ગયા. વાતો કરી. ચા માટે 'મજબૂત' વિશેષણ પહેલી વાર ત્યારે, વિનોદભાઈના મોઢે સાંભળ્યું હતું. એ ઇન્ટરવ્યુ 'અભિયાન'ના બપોરના દૈનિક 'સમાંતર પ્રવાહ'માં પૂર્તિ સંભાળતા મિત્ર કેતન મિસ્ત્રીએ પ્રેમથી, આખા પાનામાં છાપ્યો.

લેખ છપાયા પછી એ તેમને મેં મોકલી આપ્યો. એટલે મારા મુંબઈના સરનામે પોસ્ટ કાર્ડ લખીને વિનોદભાઈએ યથોચિત આનંદ પ્રગટ કર્યો.

મુંબઈથી 'અભિયાન'માં જ અમદાવાદ આવ્યા પછી અને ત્યાંથી અમદાવાદના પત્રકારત્વમાં સફર શરૂ કર્યા પછી, વિનોદભાઈને મળવાના પ્રસંગ થોડા વધ્યા. એ વખતે 'ચિત્રલેખા'માં કાર્યરત અને ધારદાર રીપોર્ટર તરીકે જાણીતી પૂર્વી ગજ્જર સાથેનો મેળાપ પણ વિનોદભાઈએ જ કરાવ્યો, જે પ્રગાઢ દોસ્તીમાં પરિણમ્યો. એક વાર વાતવાતમાં બીરેન સાથે તેમને તેમના સંપાદન 'શ્લીલ-અશ્લીલ' વિશે વાત થઈ હશે. તેમણે કહ્યું કે તેમની પાસે નકલ છે અને આપશે. આવું તો વિવેકમાં બધા કહે. એ વાતને વખત વીત્યો. એક વાર તેમનો એક કાર્યક્રમ હતો (અથવા એ કાર્યક્રમમાં તે પણ મંચ પર હતા) અમે શ્રોતા તરીકે હાજર હતા. કાર્યક્રમ પૂરો થયો એટલે મંચ પરથી ઉતર્યા પછી વિનોદભાઈને મળ્યા. એટલે એમણે અમારા માટે આણેલી 'શ્લીલ-અશ્લીલ'ની નકલ ભેટ આપી. તેમના જેવા પ્રસિદ્ધ અને મોટા લેખક આટલા ભાવથી અમારી  વિનંતી યાદ રાખે અને સંતોષે, એ બહુ મોટી વાત ત્યારે પણ લાગતી હતી અને હજુ પણ લાગે છે.

પ્રતિસાદ અને પ્રોત્સાહન આપવાની બાબતમાં વિનોદભાઈ અત્યંત ઉદાર હતા. એક વાર જ્યોતીન્દ્ર દવેના સદાબહાર લેખ 'મારી વ્યાયામસાધના'ની પ્રતિરચના જેવો મારો લેખ 'મારી કમ્પ્યુટરસાધના' વાંચીને તે એટલા પ્રસન્ન થયા હતા કે...આ પોસ્ટ કાર્ડ.

બધા મિત્રો-સ્નેહીઓને તે ખાસ હોવાનો અહેસાસ કરાવી શકતા હતા. એ તેમની કળા પણ હતી ને તેમનો પ્રેમ પણ. એટલે, તેમના ખાસમખાસ હોવાનો વહેમ પાળવાનું જેટલું ખોટું હતું, એટલું જ ખોટું તેમની લાગણીને કેવળ કળા તરીકે ખપાવી દેવાનું પણ હતું. જમીન પર રહીને, બીજા કોઈ સાથે સરખામણી કર્યા વિના, પોતાની રીતે તેમનો પ્રેમ પામવામાં સાર્થકતાનો હતી. એટલું સમજનારા છાપરે પણ ન ચડી જતા ને ભોંયમાં પણ ન ભંડારાઈ જતા.

સલિલ દલાલ તેમના જૂના મિત્ર અને 'સંદેશ'ની પૂર્તિના છેલ્લા પાનાના પાડોશી. સલિલભાઈ માટે તેમને ઘણો ભાવ. તેમના કારણે અને તેમની સાથે હું વિનોદભાઈના ઘરે સહજતાથી, કશી ઔપચારિકતા વિના, જતો થયો. સલિલભાઈ અને હું ટ્રેનમાંથી સાથે ઉતરીએ અને સ્કૂટર પર રજનીભાઈના, વિનોદભાઈના, અશ્વિનીભાઈના ઘરે જઈએ. ૧૯૯૯થી મારું હાસ્યલેખન શરૂ થયું. મારા તમામ પ્રકારના લેખન અને કામોમાં વિનોદભાઈ એક પ્રેમાળ વડીલની મુદ્રામાં રહેતા. અમારી છેલ્લી થોડી મુલાકાતોમાં મેં તેમને અનેક વાર કહ્યું તેમ, તેમના જેવા વડીલો હોવાથી માથે છાંયડાની અનુભૂતિ રહેતી હતી.
Vinod Bhatt- Salil Dalal  / વિનોદ ભટ્ટ- સલિલ દલાલ, ૨૦૦૮
'આરપાર'માં અમે કાઢેલા અનેક વિશિષ્ટ વિશેષાંક કે ત્યાર પછી ૨૦૦૬-૦૭ની 'દિવ્ય ભાસ્કર'ની ઇનિંગ વખતે કેટલાંક સ્પેશ્યલ પેજ, વિનોદભાઈ તેની મોકળા મને કદર કરતા. ૨૦૦૫માં મેં તૈયાર કરેલા 'આરપાર'ના જ્યોતીન્દ્ર દવે વિશેષાંક નિમિત્તે તંત્રી-માલિક મનોજ ભીમાણીએ એક કાર્યક્રમ યોજ્યો. તેમાં દાયકાઓ પછી (કે કદાચ પહેલી વાર, ખબર નથી) એક મંચ પર બકુલ ત્રિપાઠી, તારક મહેતા, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર ઉપસ્થિત રહ્યા.

૨૦૦૮માં મારા પહેલા હાસ્યસંગ્રહ 'બત્રીસ કોઠે હાસ્ય'ના પ્રકાશનની ઉજવણી અમે વિશિષ્ટ રીતે કરવાનું વિચાર્યું. મિત્ર પ્રણવ અધ્યારુએ મોક કોર્ટનો આઇડીયા આપ્યો. મેં તેની આસપાસ મારાં શક્ય એટલાં પ્રિયજનોનું એક મંચ પર અભૂતપૂર્વ મિલન ગોઠવવાનું વિચાર્યું-- એવું મિલન, જે મારી પેઢીના ગુજરાતી સાહિત્ય-લેખન માટે 'ન ભૂતો, ન ભવિષ્યતિ' બની રહે. બધાના પ્રેમ અને આત્મીયતાથી એ શક્ય બન્યું પણ ખરું. એ કાર્યક્રમની મોક કોર્ટમાં ભટ્ટસાહેબ અને બોરીસાગરસાહેબ અમારા માનનીય ન્યાયાધીશ હતા. બીજા ઘણા ગુરુજનો-મિત્રો સાક્ષી અને વકીલ તરીકે ધમાલ મચાવતા હતા, ત્યારે આ બંનેએ આખા કાર્યક્રમમાં સતત તોફાની બેટિંગ કર્યું. એ યાદગાર કાર્યક્રમની ઝલક જેવી વિનોદભાઈની કેટલીક પછીની યાદગાર તસવીરો.
Ratilal Borisagar-Vinod Bhatt / રતિલાલ બોરીસાગર- વિનોદ ભટ્ટ
વિંગમાં બેેઠેલા ગુરુજનો-પ્રિયજનો ઃ વિનોદ ભટ્ટ, તારક મહેતા, (પાછળ) બકુલ ટેલર,
અશ્વિની ભટ્ટી, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ શાહ, રજનીકુમાર પંડ્યા
(પાછળ) અશ્વિન ચૌહાણ, (ટેબલ પર) બીરેન કોઠારી, સલિલ દલાલ, પૂર્વી ગજ્જર,
સોનલ કોઠારી (પાછળ ઢંકાયેલા) દીપક સોલિયા
આમ ચાલી તોફાની અદાલત : વિનોદભાઈને કારણે જેને મળવાનું થયું તે પૂર્વી સાક્ષી
તરીકે, સામાવાળાના વકીલો તરીકે હસિત મહેતા (ઉભેલા), પ્રણવ અધ્યારુ (બેઠેલો)
મારો વકીલ બિનીત મોદી (બેઠેલો) અને પાછળ બે જજસાહેબોની ભૂમિકામાં
રતિલાલ બોરીસાગર તથા વિનોદ ભટ્ટ
...અને એ યાદગાર ગ્રુપ ફોટોઃ (બેઠેલા ડાબેથી) પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી, રતિલાલ
બોરીસાગર, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, બીરેન કોઠારી
(ઉભેલા ડાબેથી) કેતન રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત
મોદી, અશ્વિન ચૌહાણ, ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર. કાર્તિકેય ભટ્ટ, બકુલ
ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા (છેક આગળ) શચિ-ઈશાન-આસ્થા, ૨૦૦૮
એવી જ રીતે, સાર્થક પ્રકાશન શરૂ કર્યું ત્યારે તેના આરંભ કાર્યક્રમમાં એકમાત્ર વકતા તરીકે નગેન્દ્ર વિજય હતા, પણ મંચ પર ઉપસ્થિતિથી આશીર્વાદ માટે રજનીકુમાર પંડ્યા, પ્રકાશ ન. શાહ, રતિલાલ બોરીસાગર અને વિનોદભાઈ પણ હતા.
(ડાબેથી) દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, પ્રકાશ ન. શાહ, હર્ષલ પુષ્કર્ણા, નગેન્દ્ર વિજય
વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, રજનીકુમાર પંડ્યા, કાર્તિક શાહ, ધૈવત ત્રિવેદી,
અપૂર્વ આશર
એક સાર્થક મિલનમાં વિનોદભાઈ, વિવેક દેસાઇ, દીપક સોલિયા, જિજ્ઞેશ મેવાણી

પ્રચંડ સૅન્સ ઑફ હ્યુમર ધરાવતા બે વડીલોઃ પ્રકાશ ન. શાહ, વિનોદ ભટ્ટ
આ બધા કાર્યક્રમો હોય કે સાર્થક જલસો નિમિત્તે થતાં મિલનો, વિનોદભાઈ તેમાં પ્રેમથી ઉપસ્થિત હોય જ. એ માટે તેમને જરાય આગ્રહ ન કરવો પડે. તેમની સાથેની અનૌપચારિક, કશા ચોક્કસ હેતુ વગરની મુલાકાતોને લીધે અવનવી વાતો થતી. પત્રકારત્વ-લેખન ક્ષેત્રની અને એ સિવાયની પણ ખરી. એક વાર વાતવાતમાં તેમણે કહ્યું કે તેમના જમણા હાથના અક્ષર બહુ ખરાબ થઈ ગયા હોવાથી તેમણે ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ શરૂ કરી છે. મેં તેમને એ વિશે લખી આપવા કહ્યું. એ પરથી સાર્થક જલસો-૪માં તેમણે ડાબા હાથનો ખેલ નામે એક લેખ આપ્યો. તેમાં અમે તેમના જમણા અને ડાબા હાથના અક્ષરના નમૂના પણ મૂક્યા. એ બાબતમાં તે ગાંધીજી નીકળ્યાઃ તેમના જમણા હાથના અક્ષર કરતાં ડાબા હાથના અક્ષર વધારે સારા હતા.
(ડાબેથી) વિનોદભાઈના જમણા હાથના અક્ષર, બગડેલા અક્ષર અને નવેસરથી
ડાબા હાથે લખવાનું શરૂ કર્યા પછીના અક્ષર 
એક બીજી બાબતમાં પણ તે ગાંધીજી બન્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેમનું બહાર નીકળવાનું મર્યાદિત થયું હતું. એટલે કાર્યક્રમમાં જાય ત્યાં તે કોઈ ને કોઈનો હાથ પકડીને ચાલે. એવો લાભ પણ તેમના ઘણા ચાહકોને અથવા સ્નેહીજનોને મળ્યો હશે.
પ્રકાશક મનુભાઈ શાહ ('ગૂર્જર') સાથે વિનોદ ભટ્ટ/ Vinod Bhatt
તેમનાં પુસ્તકો માટે તે થોડો અળવીતરો સ્વપરિચય લખતા હતા. તેમાં થોડો ઉમેરો કરાવીને એ તો અમે સાર્થક જલસો-૫માં આપ્યો. સાથે તેમની અગાઉ કદી પ્રસિદ્ધ નહીં થયેલી અંગત તસવીરો પણ મુકી. જેમાં તેમનાં પહેલા લગ્નની તસવીર પણ હતી.
'સાર્થક જલસો -૫'માં વિનોદભાઈના પાંચ પાનાના
પરિચયલેખનું પહેલું પાનું

'સાર્થક જલસો -૫'માં વિનોદભાઈના પાંચ પાનાના
પરિચયલેખનું બીજું પાનું
વિનોદભાઈનું ઘર મારાં અમદાવાદનાં જવાલાયક ઠેકાણાંમાંનું એક હતું. એટલે વિદ્યાનગર રહેતો મારો પ્રિય ભત્રીજો નીલ (રાવલ)  ભણતો હતો અને એક દિવસ (૨૦૦૬-૦૭માં) તેને હું આખો દિવસ મારી સાથે અમદાવાદ લઈ ગયો હતો, ત્યારે અમારી મુલાકાતનું એક ઠેકાણું વિનોદભાઈનું ઘર પણ હતું. એવી જ રીતે, પરમ મિત્ર નિશા પરીખ અમેરિકાથી આવી એ પછીના ગાળામાં જોવામળવાલાયક માણસો અને ઠેકાણાંમાં વિનોદભાઈ હોય જ. પછી તો સાર્થકના મિલનમાં વિનોદભાઈને ઘરે જઈને લઈ આવવાનું કામ એ જ કરતી હતી. વિનોદભાઈની કમાલ એ હતી કે તે આ બધી પેઢી સાથે પણ જોડાઈ શકતા હતા -- મોબાઈલ ફોન કે ઇન્ટરનેટ નહીં વાપરતા હોવા છતાં.

Vinod Bhatt- Ratilal Borisagar/  વિનોદ ભટ્ટ- રતિલાલ બોરીસાગર
બીજી તરફ, બોરીસાગરસાહેબ સાથે તેમનો રોજિંદો સંપર્ક. રોજ સવારે બોરીસાગરસાહેબ તેમને ફોન કરે. બંને વચ્ચે ગોષ્ઠિ ચાલે. ઉષ્મા શાહ (અણેરાવ) જેવાં તેમનાં દાયકાઓ જૂનાં સ્નેહી અને મારાં એકાદ દાયકાનાં મિત્ર સાથે તેમને મરાઠી સાહિત્ય અને ફિલ્મોથી માંડીને બીજા અનેક પ્રકારના વાચનની ચર્ચા ચાલે. 'આઉટલૂક'ના દિવંગત તંત્રી વિનોદ મહેતા વિનોદભાઈના પ્રિય લેખકોમાંથી એક. તેમનાં લેખ કે પુસ્તક વિશે પણ ખાસ વાત થાય.

છેલ્લી બિમારીમાંથી મૃત્યુને હંફાવીને તે પાછા આવ્યા અને થોડો વખત એકદમ સ્વસ્થ પણ લાગ્યા. પરંતુ ડાયાબીટીસ અને કીડનીની બિમારીને લીધે મુશ્કેલી વધતી હતી. એક તરફ હું તેમને હતો કે 'મારું જ્યોતીન્દ્રનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તમારે ક્યાંય આઘાપાછા થવાનું નથી.' અને બીજી તરફ તેમની બિમારી જોઈને ખેદ થતો હતો. તેમના અવસાનના સમાચાર સાંભળ્યા ત્યારે આઘાત ન લાગ્યો. ટીવી ચેનલોવાળા ભૂતકાળમાં એકાદ-બે વાર તેમના બારણેથી નિરાશ થઈને પાછા ફર્યા હતા ('અરે, આ તો હજુ જીવે છે') આ વખતે નિરાશ થવાનો વારો આપણો હતો.

ઘરે ગયો. બોરીસાગરસાહેબે અંદર જઈને દર્શન કરવા કહ્યું. એ કદી ફાવતું નથી. છતાં અંદર ગયો. પણ તેમના ચહેરા ભણી નજર ન માંડી શક્યો. ફુલપાંખડી ચડાવ્યા વિના એમ ને એમ થોડી સેકંડ, કદાચ એકાદ મિનીટ ઉભો રહ્યો ને પછી સ્વસ્થ નહીં રહી શકાય એવું લાગતાં તેમનો ચહેરો જોયા વિના બહાર નીકળી આવ્યો. તેમના છેલ્લા દર્શન જેવું થોડું હોય? હવે તો છેલ્લી મુલાકાત જેવું પણ ખાસ નહીં. હવે તો એમને જ્યારે યાદ કરીએ ત્યારે અત્યાર સુધીનાં અનેક ચિત્રોમાંથી જુદાં જુદાં ચિત્રો ઉભરતાં ને વિલાતાં રહેવાનાં...હવે એક ક્ષણના, કોઈ ચોક્કસ ક્ષણના વિનોદ ભટ્ટને થોડા યાદ કરવાના છે? હવે તો આખેઆખા વિનોદ ભટ્ટ યાદ આવવાના ને એ દર્શન આપણી આંખ મીંચાય ત્યાં લગી રહેવાનું. એ તો આપણામાં જીવવાના જ છે...આપણે જીવીએ ત્યાં સુધી.

'સાર્થક જલસો-૫'માં વિનોદભાઈના લેખનો છેલ્લો મુદ્દો, તેમના જ હસ્તાક્ષરમાં.