Friday, December 20, 2019

CAA + NRCના વિરોધ નિમિત્તે થોડી વાતો


  • પથરાબાજી કે બંધનાં એલાનોથી વિરોધને મદદ નહીં મળે, વિરોધના માર્ક ઘટશે ને તોફાનની વાજબી ટીકાના પૂરમાં મુદ્દો તણાઈ જશે. 
  • સરકારે શાંતિપૂર્ણ ઢબે તેની નીતિનો વિરોધ કરવાની રજા આપવી રહી. (અમદાવાદમાં પોલીસ પરવાનગી આપવામાં આઘીપાછી થાય છે, પણ ડીટેઇન કરેલા લોકો સાથે અત્યાર સુધી સારી રીતે વર્તી છે.)
  • સરકાર શાંતિપૂર્ણ વિરોધની રજા ન આપે ૧૪૪મી કલમ લગાડ્યા કરે, તો શાંતિપૂર્ણ છતાં અસરકારક ઢબે વિરોધ વ્યક્ત કરતા લોકોએ શું કરવું? સરકાર તો સત્તાના નશામાં જવાબ આપવાનું ભૂલી જ ગઈ છે. એ સંજોગોમાં સરકારની તરફેણ કરતા લોકો આનો જવાબ વિચારી શકે છે. 
  • કાયદામાં ધર્મ આધારિત ભેદભાવ ઘુસાડવાનો ધંધો સરકારે કર્યો છે. માટે, ધર્મને વચ્ચે લાવવાનો આરોપ કાયદાનો વિરોધ કરનારા પર ન મૂકો. તમે એવો આરોપ મુકશો તો તમારી સમજ, સ્પષ્ટતા કે દાનત માટે સવાલ થશે. 
  • કેટલાક વળી એવા ઉત્સાહી હોય છે કે ‘ક્યાં સુધી ધીક્કાર ફેલાવશો?’ એવું કાયદાનો વિરોધ કરનારને પૂછે છે. તેમનો સવાલ તો વાજબી છે, પણ તે વડાપ્રધાન-ગૃહમંત્રીને પૂછાય ત્યારે. 
  • કાયદાનો વિરોધ કરનાર કોઈ એવું નથી કહેતા કે પાકિસ્તાની મુસ્લિમોને નાગરિકતા આપો. પાકિસ્તાનમાં બિનમુસ્લિમોને તેમના ધર્મને લીધે વેઠવું પડે છે એ હકીકત છે. પાકિસ્તાનનું ખાતું એવું છે કે ત્યાં શિયા અને અહેમદીયા મુસ્લિમોને પણ તેમના ધર્મને લીધે વેઠવું પડે છે. 
  • અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ક્યારેય ધર્મના આધારે વસ્તીની અવરજવર થઈ નથી કે નથી તેની સાથે કોઈ તથાકથિત ‘વિભાજનનો અધૂરો એજેન્ડા’. અને ‘એક જમાનામાં અફઘાનિસ્તાન ભારતનો ભાગ હતું’—એવી દલીલ કરતી વખતે એટલું વિચારજો કે એક જમાનામાં પૃથ્વીના સાત ખંડ ન હતા, જમીનનો આખો, સળંગ એક જ ભાગ હતો. 
  • ઇશાન ભારત સિવાયનાં રાજ્યોમાં થતા વિરોધનો મુદ્દો અને માગણી એ છે કે નક્કી થયેલી તારીખ સુધીમાં ભારતમાં આવેલા ને ગેરકાયદે રહેતા લોકોને નાગરિકત્વ આપવું કે નહીં, તેનો નિર્ણય ધર્મના આધારે ન થાય. જો એવું જો કાયદેસર ઠરાવવામાં તો એ કાયદો અન્યાયી કહેવાય.
  • કાલે ઉઠીને અમેરિકા એવું નક્કી કરે કે તેને ત્યાં જેટલા લોકો ગેરકાયદેસર રહે છે, તેમાંથી ચોક્કસ તારીખ પહેલાં આવેલા ખ્રિસ્તી, યહુદી, મુસ્લિમ, બૌદ્ધ લોકોને કાયદેસર નાગરિકત્વ આપી દેવામાં આવશે અને બાકીના ધર્મીઓ (હિંદુઓ) ગેરકાયદેસર ગણાશે. તો આપણી શી પ્રતિક્રિયા હશે? કોઈ એવી ઠાવકાઈ બતાવશે કે ‘ચિંતા ન કરો. એ તો નાગરિકો માટે નથી, ઘૂસણખોરો માટે છે?’ 
  • કોઈએ એવું માની લેવાની જરૂર નથી કે આ સરકાર અમુક કોમની વિરોધી છે. આ સરકારને એ બધા સામે વાંધો પડી શકે છે, જે તેની આંખે જોતા નથી, તેની યોજનાઓમાં વચ્ચે આવે છે, ને જાહેર હિત અંગે પાયાના સવાલો કરે છે, સરકારી જૂઠાણાંને-આપખુદ નિર્ણયોને પડકારે છે. તેમાં બંધારણીય સંસ્થાઓ પણ હોઈ શકે, સરકારી હોદ્દેદારો હોઈ શકે અને વ્યક્તિઓ કે સમુદાયો પણ હોઈ શકે. 
  • આજે તમને લાગતું હોય કે કોઈની સાથે કાયદેસર અન્યાય થાય, તેનાથી તમને શો ફરક પડે છે? પણ લોકોમાં અંદરોઅંદર ભાગલા પાડીને, તેમની વચ્ચે વેરઝેર વધારીને ચૂંટણીઓ જીતી લેવામાં માનતી અને ચૂંટણીઓ ન જીતાય તો પછી ભ્રષ્ટાચારવિરોધની વાતો કરતાં કરતાં વિરોધ પક્ષના સભ્યોને ખરીદી લઈને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતી સરકારોને પોતાની સત્તા સિવાય કોઈ વહાલું નથી હોતું. 
  • તમને કશું નથી થયું, તેનો અર્થ એ છે કે તમે તેના સ્વાર્થમાં હજુ નડતરરૂપ નથી બન્યા અથવા (નોટબંધી જેવા ઘણા પ્રસંગે) તમારી સાથે જે થવાનું હતું તે થયું હોવા છતાં, તમે તેને અવગણ્યું છે. 
  • સત્તાકીય કે બીજો સ્વાર્થ સાધવાનો થશે, ત્યારે તમારી ગમે તેટલી વફાદારીની કશી કિંમત નહીં આવે ને સરકારો તમારું પણ નહીં જ સાંભળે. કારણ કે તેને સાંભળવાની ટેવ રહી જ નથી અને તે જ્યારે ટીકાકારોનું સાંભળતી ન હતી-તેમને ધુત્કારી કાઢતી હતી, ત્યારે તમે જ તેના ચીઅર લીડર બન્યા હતા. (અર્નબ ગોસ્વામી આ જ્ઞાનના તાજા લાભાર્થી છે. તવલીન સિંઘને તેમના કરતાં થોડું વહેલું એ જ્ઞાન મળ્યું.)  
  • તમને જ્યારે લાગતું હતું કે એ તમારું સાંભળે છે, ત્યારે એ તો ખરેખર તમારો ભ્રમ હતો. સરકાર તમારું પણ સાંભળતી ન હતી, તમે એના પડઘા પાડતા ફરતા હતા ને એના પડઘાને પોતાનો કે દેશનો અવાજ ગણીને રાજી થતા હતા. 
  • વિચારવામાં ક્યારેય મોડું થયું નથી. સવાલ ફક્ત સરકારની બદદાનતનો નથી. દેશ તરીકે આપણા સૌના દેશવાસીઓના શક્ય એટલા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો છે, ભારતની ઉજ્જવળ સાંસ્કૃતિક પરંપરાનો છે, ‘યુનાનો મિસ્ર રોમાં સબ મિટ ગયે જહાં સે’, ત્યાર પછી પણ જે ટકી રહ્યું તે હિંદ સર્વસમાવેશક છે. તે ટક્યું તેમાં બધાને પોતાનામાં સમાવી લેવાના તેના ગુણનો મોટો ફાળો છે. તેની એ તાકાતને નબળાઈમાં ખપાવવી ને તેને પાછી દેશભક્તિ ગણવી, એ ખોટનો સોદો છે. 
  • ‘એક દેશ, એક---‘ આ પ્રકારનાં સૂત્રોથી ભરમાશો નહીં. કેમ કે, તેનો સાદો અર્થ થાય છેઃ 'એક દેશ, (અમારી) એકહથ્થુ સત્તા'. દેશના લોકોને વહેંચીને એક દેશ બનાવવાની વાતો કરનારાથી ચેતજો. 
  • આપણને સર્વસમાવેશક ભારત ખપે છે. આપણને ધર્માંધ પાકિસ્તાનના રવાડે ચડવા થનગનતું હોય એવું ભારત નહીં. 

Tuesday, December 17, 2019

સિટીઝન અમૅન્ડમૅન્ટ બિલ (CAB), ૨૦૧૯ : અગત્યના મુદ્દા

( ઉર્વીશ કોઠારી, 'નિરીક્ષક', ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯માંથી)
ભારતીય નાગરિકતાના એક નિયમમાં પાયાનો ફેરફાર કરતો ખરડો લોકસભા પછી રાજ્યસભામાં પણ પસાર થઈ ગયો છે.

સંસદીય લોકશાહીની કલ્પના થાય ત્યારે તેમાં એક ભયસ્થાન હોય છેઃ Brute Majority/આંકડાકીય બહુમતીનું નકરી દાદાગીરી જેવું જોર. વર્તમાન સરકાર પાસે એવી બહુમતી છે. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે પણ એવી બહુમતી હતી. આવી બહુમતી હોય ત્યારે, કેવળ સંખ્યાના જોરે (અલબત્ત લોકોના નામે) સરકાર ઇચ્છે તેવો કાયદો બનાવી શકે. તેમાં બે જ અડચણ હોયઃ ૧) રાષ્ટ્રપતિ સહી કરે તો જ ખરડો કાયદો બને. રાષ્ટ્રપતિ પોતાના નીમેલા હોય, તો આ અડચણ રહેતીનથી. ૨) કાયદો ઘડવાની સર્વોપરી સત્તા સંસદ પાસે છે. છતાં, તે બ્રુટ મેજોરિટીના જોરે બંધારણના હાર્દથી વિપરીત કાયદા ઘડે તો સર્વોચ્ચ અદાલતમાં તેને પડકારી શકાય છે અને સર્વોચ્ચ અદાલત તે કાયદાને રદબાતલ કરી શકે છે. (યાદ આવે છે ત્યાં સુધી, રાજીવ ગાંધીની સરકાર ડીફેમેશન બિલ લાવી હતી. પણ તેનો વ્યાપક લોકવિરોધ થતાં એ ખરડો પડતો મૂકવો પડેલો. તેનું એક કારણ એ પણ હતું કે તેમાં રેલો સીધો છાપાં-મેગેઝીન પર આવતો હતો.) ત્રીજી સંભવિત અડચણ હોઈ શકે લોકોનો વિરોધ.

વર્તમાન સરકારે નાગરિકતાને લગતા કાયદામાં ફેરફાર બંને ગૃહોમાંથી પસાર કરાવી દીધો, તેનો ઠીક ઠીક વિરોધ થયો છે—અને વર્તમાન સરકારની કાર્યપદ્ધતિની ખાસિયત પ્રમાણે, એ વિરોધનો પણ વિરોધ થઈ રહ્યો છે. એ સંજોગોમાં આ ખરડાનો વિરોધ કેમ થયો એ સમજવું જરૂરી બની જાય છે. આ ખરડા થકી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ડિસેમ્બર, ૨૦૧૪ સુધી ભારતમાં વસેલા અને ભારતની નાગરિકતા ન ધરાવતા હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકપદું આપવામાં આવશે. આ યાદીમાંથી મુસ્લિમોની બાદબાકી કરવામાં આવી છે.

કાયદામાં થયેલા આ ફેરફાર (અમૅન્ડમૅન્ટ) પ્રત્યે વાંધાનાં મુખ્ય બે સાવ જુદા જુદાં કારણ છેઃ

૧) બીજા દેશોમાંથી આશ્રય લેનાર કે ઘૂસણખોરી કરનારને ધર્મના આધારે નાગરિકતા આપવાનો નિર્ણય. ભારતના બંધારણ પ્રમાણે અને ભારતની પરંપરા પ્રમાણે ધર્મ એ નાગરિકતાનો આધાર બની શકે નહીં અને બનવો પણ જોઈએ નહીં. એ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં બનતો હોય તો ભલે, પણ ભારતમાં તો નહીં જ. માટે, આ બાબતની ઉગ્ર ટીકા થઈ રહી છે.

૨) ઇશાન ભારતનાં રાજ્યોમાં પ્રશ્ન જુદો છે. ત્યાંની મુખ્ય ચિંતા સ્થાનિક સંસ્કૃતિ અને સ્થાનિક વસ્તીનું પ્રમાણ જાળવવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેમને (દા.ત. આસામને) મુસ્લિમ બાંગ્લાદેશીઓ જેટલો જ વાંધો હિંદુ બાંગ્લાદેશીઓ સામે પણ છે. કેમ કે, સવાલ ફક્ત હિંદુ-મુસ્લિમનો નહીં, આસામી સંસ્કૃતિ વિરુદ્ધ બંગાળી સંસ્કૃતિનો પણ છે. એવી જ રીતે, ઈશાન ભારતમાં બીજે, બિનમુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તેના કારણે, સ્થાનિક જાતિઓ અને સમુદાયોના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર થશે અને સરવાળે સ્થાનિકોનું મહત્ત્વ ઘટી જશે, એવી બીક વિરોધનું મુખ્ય કારણ છે. મણિપુરમાં નવી જોગવાઈ લાગુ નહીં પડે, તેવી સ્પષ્ટતા છતાં ત્યાંના લોકોને સરકાર પર ભરોસો નથી. એટલે તે પણ વિરોધ કરી રહ્યા છે.

આમ, કહી શકાય કે સરકારે જુદાં જુદાં કારણ, જુદી જુદી ગંભીરતા અને જુદી જુદી અસરો ધરાવતા બે મોરચા એક સાથે ખોલી નાખ્યા છે. આવું કરવાની શી જરૂર હતી? તેના બે-ત્રણ જવાબ છે.
*
બાંગલાદેશી ઘુસણખોરો એ ભાજપનો-સંઘ પરિવારનો પ્રિય મુદ્દો છે. અલબત્ત, તેમની ઘુસણખોરોની વ્યાખ્યામાં ફક્ત મુસ્લિમ ઘુસણખોરો આવે છે, જ્યારે આસામી લોકોને બાંગલાદેશથી ગેરકાયદે આવેલા મુસ્લિમ અને હિંદુ બન્ને ઘુસણખોરો સામે વાંધો છે. મુસ્લિમોની સંખ્યા ઘણી મોટી છે, એટલે અને પરંપરાગત કારણોસર તેમની સામે વાંધો પણ મોટો હોય. હિંદુઓની સંખ્યા નાની છે. એટલે ‘બધા મુસ્લિમ ઘુસણખોરોને નાગરિકતામાંથી બાકાત કરી નાખો, તો અમે થોડા હિંદુ ઘુસણખોરોને સ્વીકારી પણ લઈએ’—એવું સમાધાન આસામમાં અમુક વર્ગને લોકોને કદાચ સ્વીકાર્ય બને.

ભાજપ સરકારે આસામમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) નો કાર્યક્રમ ઉપાડીને રાજ્યના લોકોની નાગરિકતાની તપાસ ચલાવી અને નાગરિકોની નવેસરથી યાદી બનાવી, ત્યારે આસામના લોકોની અને ભાજપના સમર્થકોની અપેક્ષા ઉપર પ્રમાણે બને એવી હશે. તેને બદલે થયું એવું કે આસામમાં 3.11 કરોડ લોકોનાં નામ કાયદેસર નાગરિક તરીકેની યાદીમાં આવ્યાં અને આશરે 19 લાખ લોકો તેમાંથી બાકાત રહી ગયા.તેમાંથી આશરે 12 લાખ હિંદુ હતા.

અપેક્ષાથી વિપરીત, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ કાયદેસરની નાગરિકતાથી બાકાત રહી ગયા, એટલે ભાજપશાસિત રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને સંઘ પરિવાર સુધીના બધાએ NRCની આખરી યાદીનો વિરોધ કર્યો. હવે આ બારેક લાખ હિંદુઓને કાયદેસરના નાગરિક બનાવવા હોય—અને એ સિવાયના પાંચેક લાખ મુસ્લિમોને નાગરિકતા ન આપવી હોય તો—તો નાગરિકતાના કાયદામાં ધર્મઆધારિત ફેરફાર કરવો પડે. તે આ ફેરફાર કર્યો.

આમ કરોડોના ખર્ચે થયેલી કવાયત અને અનેક લોકોની હેરાનગતિ પછી (નોટબંધીની જેમ જ) આસામમાં સિટિઝન રજિસ્ટરનો હેતુ સિદ્ધ થયો નહીં. ઊલટું, ગેરકાયદે જાહેર થયેલા હિંદુઓનો પ્રશ્ન ઊભો થયો, જેના માટે મુસ્લિમોને બાકાત રાખીને બીજા બધાને નાગરિકતા આપવાનો ફેરફાર કરવાનો વારો આવ્યો.
*
ફરી સિટિઝન અમૅન્ડમૅન્ટ બિલ અંગેના મુખ્ય વાંધાની વાત (જે ઇશાન ભારતમાં થઈ રહેલા વિરોધ કરતાં પણ વધારે વ્યાપક, વધારે પાયાની છે). હવે તો રાષ્ટ્રપતિએ તેની પર સહી કરી દીધી હોવાથી તે ફેરફાર કાયદાનો હિસ્સો બની જશે. તેમાં પહેલી વાર ચોક્કસ સંજોગોમાં ભારતના નાગરિકત્વ માટે ધર્મને માપદંડ તરીકે રાખવામાં આવ્યો છે અને મુસ્લિમો પ્રત્યેના વિરોધને, ભલે ગમે તેટલું નિર્દોષ કે અવિરોધી લાગે એવું મહોરું પહેરાવીને પણ, કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

- સાંસદોમાં જે ખરડો વાચન માટે વહેંચવામાં આવ્યો તેમાં અને ત્યાર પહેલાંની ચર્ચામાં એક શબ્દ બહુ અગત્યનો હતોઃ ‘પર્સીક્યુશન’. એટલે કે, સતામણી. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી સતાવાયેલા બિનમુસ્લિમો માટે આ ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ પસાર થયેલા ખરડામાં ‘પર્સીક્યુશન’નો ઉલ્લેખ જ નથી. (https://www.telegraphindia.com/india/persecution-hole-in-citizenship-amendment-bill-fuels-theories/cid/1726169) તેનું એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ૨૦૧૪ પહેલાંના અરસામાં પાકિસ્તાન, બાંગલાદેશ કે અફઘાનિસ્તાનમાં ધાર્મિક કારણોસર સતામણી થઈ હતી, એવું પુરવાર શી રીતે થઈ શકે? સામાન્ય સંજોગોમાં તેના પુરાવા શી રીતે હોય? એટલે, ખરડાની ચર્ચામાં ધાર્મિક સતામણી કેન્દ્રસ્થાને રહી, પણ કાયદામાં એ શબ્દની, ખરું જોતાં એ માપદંડની, બાદબાકી થઈ ગઈ.

- ભાગલા ને પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી પામેલા બિનમુસ્લિમો—આટલે સુધીનો સરકારી એજેન્ડા તેમની અત્યાર લગીની ચાલચલગત પ્રમાણેનો હતો. પણ પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે અફઘાનિસ્તાનનો ઉમેરો કરીને આ સરકારે તેમની વિભાજનકારી નીતિ તથા હિંદુ રાષ્ટ્રના એજેન્ડામાં નવું પરિમાણ ઉમેર્યું. ભાગલા પછીના કોઈ પણ તબક્કે અફઘાનિસ્તાન સાથે ભારતની સરહદ મળતી નથી. પરંતુ ત્યાં ઇસ્લામી રાજ્ય છે, એટલે ત્યાં સતાવાયેલા બિનમુસ્લિમ અહીં આવ્યા હોય તો તેમને પણ આશરો આપવો—એવું નક્કી કરવામાં આવ્યું.

તેનો આડકતરો સંદેશો એ થાય કે જેમ સતાવાયેલા યહુદીઓ માટે ઇઝરાઇલ છે, તેમ સતાવાયેલા હિંદુઓ (અને સાવ ચોખ્ખેચોખ્ખું હજું કહેવાતું નથી એટલે, સાથે શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો) માટે ભારત છે. આવો ભેદભાવ ત્યારે વાજબી ગણાય, જ્યારે સતાવાયેલા ભારતીયોને (હિંદુઓને કે બીજાઓને)અન્ય કોઈ દેશ સંઘરતો ન હોય અથવા બધે તેમની ધર્મના લીધે અમુક પ્રકારેસતામણી થતી હોય(જેવું યહુદીઓના કિસ્સામાં હતું). પરંતુ હિંદુ અને બાકીના ધર્મી ભારતીયો પશ્ચિમી દેશોથી માંડીને ઇસ્લામી શાસન ધરાવતા અખાતી દેશોમાં બધે વસે છે. એવા સંજોગોમાં હિંદુ રાષ્ટ્રનો આભાસ આવા ભેદભાવથી આપી શકાય અને તેનો રાજકીય લાભ ખાટી શકાય.

કાયદામાં ફેરફાર કરનારાને ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને પડકારવામાં આવશે અને કદાચ અદાલત તેને રદ પણ કરી દે. એવું થાય તો, નાક તો છે નહીં, એટલે એ ચિંતા નથી. પણ પોતે આવો ફેરફાર કરીને હિંદુ હિતનું (ને મુસ્લિમોને બાકાત રાખવાનું) મહાન કામ કર્યું, એવા સંદેશાના ઢોલ વગાડીને હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ તો ઊભું કરી જ શકાશે (બલ્કે, એવું ધ્રુવીકરણ ઊભું થઈ જ રહ્યું છે. તેમાં પંખો નવેસરથી ચાલુ કરવાનો તો છે નહીં, એક-બે પર ચાલતો હોય તેને જ છ પર લઈ જવાનો હોય) રામ મંદિર-૩૭૦નો કાર્યક્રમ પૂરો થયા પછી પણ મંદી પીછો ન છોડતી હોય, ત્યારે નાગરિકતાના નિયમમાં ફેરફાર અને નાગરિકતાનું રજિસ્ટર આવતી ચૂંટણી માટે કોમી ધ્રુવીકરણના નવા મુદ્દા તરીકે બહુ કામના બની શકે છે—અદાલત ફેરફાર રદ કરે તો પણ. અને કોઈ કારણસર અદાલત ફેરફાર બહાલ રાખે, તો કથિત હિંદુહિત અને અકથિત મુસ્લિમવિરોધના મુગટમાં વધુ એક પીછું.
*
નાગરિકતાના કાયદામાં ફેરફાર કરીને અમિત શાહ આસામમાં તેમની જ સરકારની નાગરિકતા ચકાસણી કવાયતમાં નાપાસ થયેલા બારેક લાખ હિંદુઓને નાગરિકતા અપાવી દેશે. કારણ કે તે હિંદુ છે. તેનાથી રાષ્ટ્રીય સ્તરે હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો તેમનો એજેન્ડા તો સચવાઈ જશે, પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના બાંગલાદેશી ઘુસણખોરોનો વિરોધ કરતા આસામીઓના અજંપાનું શું? તેમને બાર લાખ હિંદુઓને નવા કાયદા પ્રમાણે નાગરિકતા મળે તેની સામે વાંધો ન હોય તો પણ, તે એનાથી ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમોને ઘુસણખોર જાહેર કરીને તેમને બહાર કાઢવા માટે દબાણ નહીં કરે? અથવા સરકારે આસામીઓને રીઝવવા માટે નવેસરથી, મુસ્લિમ ઘૂસણખોરો સામે ચીપીયા પછાડવાના બાકી રહેશે.

આસામના અનુભવ પછી પણ અમિત શાહ ભારતભરમાં સિટિઝન રજિસ્ટર લાગુ કરવા માગે છે, એ તેમની ધ્રુવીકરણ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. તે જાણે છે કે નાગરિકોને બે ભાગમાં વહેંચી દઈએ અને ઠીક ઠીક માત્રામાં હિંદુઓના મનમાં મુસ્લિમવિરોધનું તાપણું ગમે તેમ કરીને સળગતું રાખીએ, તેને હવા આપ્યા કરીએ, તો (તો જ) આપણું રાજકીય ભવિષ્ય સુરક્ષિત છે. બાકી, નબળામાં નબળા વિપક્ષ છતાં આર્થિક સમસ્યાઓના સ્ટીમ રોલર નીચે કચડાઈ જવાનો વારો આવશે. એટલે તે અને હવે તેમની પાછળ અદૃશ્ય હાથ તરીકે કામ કરતા તેમના સાહેબ દેશની એકતાના નામે દેશના નાગરિકોને વિભાજિત કરી રહ્યા છે અને અસ્થિરતા ફેલાવી રહ્યા છે. સમસ્યા ઉકેલવાના નામે નવી સમસ્યાઓ ઊભી કરીને, તેમાંથી પોતાનો ફાયદો કેવી રીતે કાઢી લેવો, તેની વેતરણ કરવી એ ચાણક્યબુદ્ધિ નથી, નીતાંત દુષ્ટ બુદ્ધિ છે.

માટે CAB અને NCRના વિરોધનો વિરોધ કરતી વખતે, સરકારી ટીકાકારોની ટીકામાં રહેલાં છીંડાં જરૂર બતાવીએ ને એ બાબતે તેમની ટીકા કરીએ, તેમનો રાજકીય એજેન્ડા હોય તો જરૂર ખુલ્લો પાડીએ,પણ વ્યાપક અનિષ્ટની ગંભીરતા પરથી નજર હઠાવ્યા વિના.

વિરોધીઓની ટીકામાં રહેલાં (વાજબી) છીંડાં દર્શાવવામાં, આપણે વ્યાપક અનિષ્ટને નજરઅંદાજ કરી બેસીએ કે તેની ગંભીરતાને વિરોધીઓની મર્યાદા સામે મૂકીને, સામસામો છેદ ઉડાડી દેવામાં આપણે જાણેઅજાણે સરકારના સાથીદાર તો નથી બની જતા ને? એ વિચારવાનું છે.

નોંધઃ આ લેખ લખાયા પછી ખરડો કાયદો બની જતાં તે હવે બિલને બદલે એક્ટ તરીકે ઓળખાય છેઃ CAB નહીં, CAA.
કાયદાના આ ફેરફારના વિરોધમાં જામીયા મિલીયા યુનિવર્સિટીથી શરૂઆત થયા પછી દેશભરમાં અલગ અલગ ઠેકાણે તેનો વિરોધ થઈ રહ્યો છે. ગમે તેવા વિરોધમાં હિંસા ભળે, તો તે વિરોધના મુદ્દાને મોળો પાડી નાખે. એટલે હિંસાથી તો દૂર જ રહેવા જેવું છે. સાથોસાથ, હિંસાની ટીકા કરવા જતાં, વિરોધના મૂળ મુદ્દાને વખોડી કાઢવા જેવો નથી. બલ્કે, કાયદાના ફેરફારની વિરોધમાં સાથે ઊભા રહેવા જેવું છે. કેમ કે, તેમાં જે થયું ને જે થઈ શકે એમ છે, એ બંનેનો વિરોધ છે.

Monday, December 16, 2019

રાજાની ‘બાળ’વાર્તા

એક ગામ હતું. કદાચ દેશ પણ હોય. તેમાં એક રાજા હતો. એ કદાચ ચૂંટાયેલો પણ હોય. તેને એક જ શોખઃ ઈતિહાસમાં અમર થવાનો. સવારે ઊઠીને તે અરીસામાં જુએ અને વિચારે, ‘એવું તે શું કરું, જેથી ઈતિહાસના ચોપડે મારું નામ અમર થઈ જાય?’ તેને થયું કે દરબારીઓને પૂછવું જોઈએ.

તેના રાજમાં દરબારીઓનો તોટો નહીં. એકથી એક ચડિયાતાઃ કોઈ તેની બુદ્ધિ વખાણે, તો કોઈ ભાષણ. કોઈ તેની નિર્ણયશક્તિ વખાણે, તો કોઈ મક્કમતા. વખાણ જ વખાણ...દરબારીઓ જ દરબારીઓ. તેના રાજમાં રૈયતના બે જ ભાગઃ દરબારી ને દુશ્મન. રાજપ્રેમી ને રાજદ્રોહી. રાજા ‘દુશ્મનો’નું કહેલું કંઈ કરે નહીં ને દરબારીઓને કંઈ પૂછે નહીં. દરબારીઓનું એક જ કામઃ રાજા જે કરે તેની બિરદાવલી ગાવાનું, રાજાના ‘દુશ્મનો’ પર તૂટી પડવાનું અને પોતાના રાજપ્રેમને દેશપ્રેમ તરીકે જાહેર કરીને રાજી થવાનું.

રાજાને એક દિવસ મન થયું કે રાજમાં ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે. નાણાંબંધી કરી દઈએ તો કેવું? હવે ‘કેવું?’નો શો જવાબ હોય? રાજાને સૂઝે તે સોના જેવું. તેમાં જ્ઞાનીનું-વિદ્વાનનું શું કામ? રાજાના રાજમાં ‘હાર્વર્ડ’નો નહીં, ‘હાર્ડ વર્ક’નો મહિમા. રાજા તુક્કા છોડે ને પ્રજા ‘હાર્ડ વર્ક’ કરે. હાર્ડ વર્કમાંથી કોઈ બાકાત નહીં—દરબારી પણ નહીં ને દુશ્મન પણ નહીં. ફેર એટલો કે ‘દુશ્મનો’ તર્ક કરે, ટીકા કરે, બિનદરબારી-દરબારી સૌના હિતની વાત કરે, જ્યારે ‘દરબારીઓ’ મોઢા પર રાજાના હસતા મોઢાનું મહોરું ચઢાવીને, હાર્ડ વર્ક કરે અને રાજને દેશ ગણીને રાજી થાય.

રાજાએ તો કરી દીધી નાણાંબંધી. લોકો હેરાનપરેશાન. ધંધારોજગાર ભાંગી પડ્યા. પોતાના પૈસા લેવા લાઇન લગાડવી પડી. પણ રાજાએ જાહેર કરી દીધું કે અમીર ભ્રષ્ટાચારીઓની સાન ઠેકાણે આવી ગઈ છે ને ત્રાસવાદીઓ રૂપિયા વિના ટળવળી રહ્યા છે. માટે, ધીરજ ધરો. બે મહિનામાં બધું ઠીક થઈ જશે.

બે વર્ષ થયાં. કશું ઠીક ન થયું, પણ કબૂલે તો રાજા શાનો? પછી તેને થયું કે ઈતિહાસમાં અમર થવા માટે આટલું પૂરતું નથી. એટલે, થોડા થોડા વખતે રાજા અવનવાં ગતકડાં કાઢે, અડધી રાતે દરબાર ભરે, ઘડીમાં એક વસ્તુ ફરજિયાત કરે, તો ઘડીમાં બીજી. ‘આવતા મહિનાથી ગાડાને લાકડાનાં પૈડાં નહીં, ટાયર જ હોવાં જોઈએ. ટાયર નહીં હોય, તે ગાડાને આકરો દંડ કરવામાં આવશે’ એવો હુકમ છૂટે.  ભલે ને રાજમાં ત્યારે બધાં ગાડાંને થઈ રહે એટલાં ટાયર જ ન હોય. લાકડાનાં પૈડાંનું શું કરવું એનું પણ કશું વિચાર્યું ન હોય, છતાં આવા નિર્ણય ક્રાંતિકારી કહેવાય. તે લેતાં પહેલાં પરિણામો વિચારે તેને કાળીયાં કૂતરાં કરડે. ને નિર્ણય જાહેર થઈ ગયા પછી જે પરિણામોની વાત કરે, તેને...રાજપ્રેમીઓ કરડે. નિર્ણયના અમલની વ્યવસ્થા ન હોય તેમાં રાજા શું કરે? ‘દેશપ્રેમ’ની (રાજપ્રેમની) સાબિતી તો લોકોએ આપવાની.

આમ, નિર્ણય-નિર્ણય રમતાં રમતાં રાજાને તો મઝા પડી ગઈ. આ રમતમાં ફાયદો એવો કે રાજા ગમે તે કરે, તો પણ લોકો બે ભાગમાં વહેંચાઈ જાય. રાજા છીંક ખાય તો દરબારીઓ કહેશે, ‘જોયું? કેવી ઐતિહાસિક ને છપ્પન ગામ દૂર સંભળાય એવી છીંક હતી. દુશ્મનોના હાંજા ગગડી ગયા.’ અને ‘રાજદ્રોહીઓ’ કહે, ‘રાજાને શરદી થઈ છે. દવા કરાવો. નહીંતર સળેખમ થઈ જશે ને ભલું હશે તો ટાઢીયા તાવમાં રાજા લવરી કરવા ચડી જશે.’ રાજપ્રેમીઓમાં પણ બહુ પ્રકાર ને રાજદ્રોહીઓમાં પણ ઘણું વૈવિધ્ય. છતાં, દરેક બાજુને એક જ રંગમાં રંગી નાખવાનું સામેવાળાને એટલું ફાવી ગયેલું કે રાજાને મઝા થઈ ગઈ. તેને થયું કે આવી રીતે આ લોકો લડતા રહે, તો આપણું રાજ ચાલ્યા જ કરે ને છેવટે કંઈ નહીં તો સૌથી લાંબું રાજ કરવા બદલ પણ ઈતિહાસમાં નામ થઈ જાય—આપણી મૂળ સ્કીમ તો એ જ છે ને.

રાજમાં સામાન્ય માણસના માથે મુસીબતોના પહાડ ખડકાયેલા. ખાવાનું મોઘું, ભણવાનું મોંઘું, બીમાર પડવાનું મોંઘું. નોકરી મળે નહીં, ધંધા ચાલે નહીં. પણ આવું કહો એટલે રાજપ્રેમીઓ આવી જાય,’આવું કંઈ પહેલી વાર થયું છે? પહેલાં આ બધું ચાલતું હતું ત્યારે તમે ક્યાં હતા?’ ધીમે ધીમે થોડા,બહુ થોડા રાજપ્રેમીઓને વિચાર આવ્યો, ‘પહેલાં બધું ચાલતું હતું, એટલે તો આપણે એ રાજ ઉથલાવી નાખ્યું. પછી પણ એવું ને એવું જ સહેવાનું? ને ઉપરથી દાદાગીરી?’

લોકો પોતાની મેળે સ્વસ્થતાથી વિચારતા થાય તેનાથી મોટો રાજદ્રોહ કે વિદ્રોહ કયો હોય? પણ રાજાને ઈતિહાસમાં નામ અમર કરવાનું. તે કંઈ એમ હાર માને? લોકોને રોવડાવે કે નશો ચડાવે એવાં અનેક પગલાં લીધાં પછી પણ વિરોધની ચણભણ ચાલુ રહી. એટલે રાજાએ નવું ગતકડું કાઢ્યું : ચાલો, અમુક લોકોની વફાદારીની કસોટી કરો, તેમની વફાદારીના પુરાવા માગો, અમુક લોકોને છાનામાના નહીં, ખુલ્લેઆમ બાકાત કરતો કાયદો લાવો. પછી? તેનો જોરદાર વિરોધ થશે ને ફરી લોકો બે ભાગમાં વહેંચાશે. એટલે આપણું કામ થઈ ગયું. આપણું શાસન અમર-આપણું નામ પણ ઈતિહાસમાં અમર.’

--ઈતિહાસમાં અમર તો ખરું, પણ ‘તરંગી મહંમદ તઘલક અને ભાગલાવાદી મહંમદઅલી ઝીણાની સાથે’ એવું કોણ બોલ્યું?