Friday, December 20, 2019
CAA + NRCના વિરોધ નિમિત્તે થોડી વાતો
- પથરાબાજી કે બંધનાં એલાનોથી વિરોધને મદદ નહીં મળે, વિરોધના માર્ક ઘટશે ને તોફાનની વાજબી ટીકાના પૂરમાં મુદ્દો તણાઈ જશે.
- સરકારે શાંતિપૂર્ણ ઢબે તેની નીતિનો વિરોધ કરવાની રજા આપવી રહી. (અમદાવાદમાં પોલીસ પરવાનગી આપવામાં આઘીપાછી થાય છે, પણ ડીટેઇન કરેલા લોકો સાથે અત્યાર સુધી સારી રીતે વર્તી છે.)
- સરકાર શાંતિપૂર્ણ વિરોધની રજા ન આપે ૧૪૪મી કલમ લગાડ્યા કરે, તો શાંતિપૂર્ણ છતાં અસરકારક ઢબે વિરોધ વ્યક્ત કરતા લોકોએ શું કરવું? સરકાર તો સત્તાના નશામાં જવાબ આપવાનું ભૂલી જ ગઈ છે. એ સંજોગોમાં સરકારની તરફેણ કરતા લોકો આનો જવાબ વિચારી શકે છે.
- કાયદામાં ધર્મ આધારિત ભેદભાવ ઘુસાડવાનો ધંધો સરકારે કર્યો છે. માટે, ધર્મને વચ્ચે લાવવાનો આરોપ કાયદાનો વિરોધ કરનારા પર ન મૂકો. તમે એવો આરોપ મુકશો તો તમારી સમજ, સ્પષ્ટતા કે દાનત માટે સવાલ થશે.
- કેટલાક વળી એવા ઉત્સાહી હોય છે કે ‘ક્યાં સુધી ધીક્કાર ફેલાવશો?’ એવું કાયદાનો વિરોધ કરનારને પૂછે છે. તેમનો સવાલ તો વાજબી છે, પણ તે વડાપ્રધાન-ગૃહમંત્રીને પૂછાય ત્યારે.
- કાયદાનો વિરોધ કરનાર કોઈ એવું નથી કહેતા કે પાકિસ્તાની મુસ્લિમોને નાગરિકતા આપો. પાકિસ્તાનમાં બિનમુસ્લિમોને તેમના ધર્મને લીધે વેઠવું પડે છે એ હકીકત છે. પાકિસ્તાનનું ખાતું એવું છે કે ત્યાં શિયા અને અહેમદીયા મુસ્લિમોને પણ તેમના ધર્મને લીધે વેઠવું પડે છે.
- અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ક્યારેય ધર્મના આધારે વસ્તીની અવરજવર થઈ નથી કે નથી તેની સાથે કોઈ તથાકથિત ‘વિભાજનનો અધૂરો એજેન્ડા’. અને ‘એક જમાનામાં અફઘાનિસ્તાન ભારતનો ભાગ હતું’—એવી દલીલ કરતી વખતે એટલું વિચારજો કે એક જમાનામાં પૃથ્વીના સાત ખંડ ન હતા, જમીનનો આખો, સળંગ એક જ ભાગ હતો.
- ઇશાન ભારત સિવાયનાં રાજ્યોમાં થતા વિરોધનો મુદ્દો અને માગણી એ છે કે નક્કી થયેલી તારીખ સુધીમાં ભારતમાં આવેલા ને ગેરકાયદે રહેતા લોકોને નાગરિકત્વ આપવું કે નહીં, તેનો નિર્ણય ધર્મના આધારે ન થાય. જો એવું જો કાયદેસર ઠરાવવામાં તો એ કાયદો અન્યાયી કહેવાય.
- કાલે ઉઠીને અમેરિકા એવું નક્કી કરે કે તેને ત્યાં જેટલા લોકો ગેરકાયદેસર રહે છે, તેમાંથી ચોક્કસ તારીખ પહેલાં આવેલા ખ્રિસ્તી, યહુદી, મુસ્લિમ, બૌદ્ધ લોકોને કાયદેસર નાગરિકત્વ આપી દેવામાં આવશે અને બાકીના ધર્મીઓ (હિંદુઓ) ગેરકાયદેસર ગણાશે. તો આપણી શી પ્રતિક્રિયા હશે? કોઈ એવી ઠાવકાઈ બતાવશે કે ‘ચિંતા ન કરો. એ તો નાગરિકો માટે નથી, ઘૂસણખોરો માટે છે?’
- કોઈએ એવું માની લેવાની જરૂર નથી કે આ સરકાર અમુક કોમની વિરોધી છે. આ સરકારને એ બધા સામે વાંધો પડી શકે છે, જે તેની આંખે જોતા નથી, તેની યોજનાઓમાં વચ્ચે આવે છે, ને જાહેર હિત અંગે પાયાના સવાલો કરે છે, સરકારી જૂઠાણાંને-આપખુદ નિર્ણયોને પડકારે છે. તેમાં બંધારણીય સંસ્થાઓ પણ હોઈ શકે, સરકારી હોદ્દેદારો હોઈ શકે અને વ્યક્તિઓ કે સમુદાયો પણ હોઈ શકે.
- આજે તમને લાગતું હોય કે કોઈની સાથે કાયદેસર અન્યાય થાય, તેનાથી તમને શો ફરક પડે છે? પણ લોકોમાં અંદરોઅંદર ભાગલા પાડીને, તેમની વચ્ચે વેરઝેર વધારીને ચૂંટણીઓ જીતી લેવામાં માનતી અને ચૂંટણીઓ ન જીતાય તો પછી ભ્રષ્ટાચારવિરોધની વાતો કરતાં કરતાં વિરોધ પક્ષના સભ્યોને ખરીદી લઈને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતી સરકારોને પોતાની સત્તા સિવાય કોઈ વહાલું નથી હોતું.
- તમને કશું નથી થયું, તેનો અર્થ એ છે કે તમે તેના સ્વાર્થમાં હજુ નડતરરૂપ નથી બન્યા અથવા (નોટબંધી જેવા ઘણા પ્રસંગે) તમારી સાથે જે થવાનું હતું તે થયું હોવા છતાં, તમે તેને અવગણ્યું છે.
- સત્તાકીય કે બીજો સ્વાર્થ સાધવાનો થશે, ત્યારે તમારી ગમે તેટલી વફાદારીની કશી કિંમત નહીં આવે ને સરકારો તમારું પણ નહીં જ સાંભળે. કારણ કે તેને સાંભળવાની ટેવ રહી જ નથી અને તે જ્યારે ટીકાકારોનું સાંભળતી ન હતી-તેમને ધુત્કારી કાઢતી હતી, ત્યારે તમે જ તેના ચીઅર લીડર બન્યા હતા. (અર્નબ ગોસ્વામી આ જ્ઞાનના તાજા લાભાર્થી છે. તવલીન સિંઘને તેમના કરતાં થોડું વહેલું એ જ્ઞાન મળ્યું.)
- તમને જ્યારે લાગતું હતું કે એ તમારું સાંભળે છે, ત્યારે એ તો ખરેખર તમારો ભ્રમ હતો. સરકાર તમારું પણ સાંભળતી ન હતી, તમે એના પડઘા પાડતા ફરતા હતા ને એના પડઘાને પોતાનો કે દેશનો અવાજ ગણીને રાજી થતા હતા.
- વિચારવામાં ક્યારેય મોડું થયું નથી. સવાલ ફક્ત સરકારની બદદાનતનો નથી. દેશ તરીકે આપણા સૌના દેશવાસીઓના શક્ય એટલા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો છે, ભારતની ઉજ્જવળ સાંસ્કૃતિક પરંપરાનો છે, ‘યુનાનો મિસ્ર રોમાં સબ મિટ ગયે જહાં સે’, ત્યાર પછી પણ જે ટકી રહ્યું તે હિંદ સર્વસમાવેશક છે. તે ટક્યું તેમાં બધાને પોતાનામાં સમાવી લેવાના તેના ગુણનો મોટો ફાળો છે. તેની એ તાકાતને નબળાઈમાં ખપાવવી ને તેને પાછી દેશભક્તિ ગણવી, એ ખોટનો સોદો છે.
- ‘એક દેશ, એક---‘ આ પ્રકારનાં સૂત્રોથી ભરમાશો નહીં. કેમ કે, તેનો સાદો અર્થ થાય છેઃ 'એક દેશ, (અમારી) એકહથ્થુ સત્તા'. દેશના લોકોને વહેંચીને એક દેશ બનાવવાની વાતો કરનારાથી ચેતજો.
- આપણને સર્વસમાવેશક ભારત ખપે છે. આપણને ધર્માંધ પાકિસ્તાનના રવાડે ચડવા થનગનતું હોય એવું ભારત નહીં.
Subscribe to:
Post Comments (Atom)
સંપુર્ણ સહમત 👌
ReplyDeleteસોળ સત્તર વરસનાં અને નાગરિકતા કેળવવાના/મેળવવાના આરે ઉભેલાં નવયુવાનોને પણ સમજાઈ જાય એવા તર્ક છે. હા, 'સમજવું હોય તો' એ પૂર્વશરત ખરી!
ReplyDeleteખૂબ જ તાર્કિક વિશ્લેષણ ઉર્વીશભાઈ ����
ReplyDeleteભક્તો હંમેશા અંધ જ હોય પછી તે ગમે તેના હોય.અંધભક્તોની ભક્તિમાં મગજ ચલાવવાનું હોતું જ નથી.અને વિચારશીલ સ્વતંત્ર વિચાર ધરાવનાર વ્યક્તિ જ દરેક તર્ક સમજી શકે.હવે યક્ષ પ્રશ્ન એ છે કે આપણે અંધભક્તોને બદલી શકતા નથી અને તેમને સમજાવવાની દલીલો કરતા રહીએ છીએ જેનુ પરિણામ શૂન્ય જ રહે છે તો કરવું શું???
ReplyDeleteI wish people read this with open mind.... oh wait... I wish people read this!
ReplyDeleteખૂબ જ તાર્કિક અને ખરેખર હકીકતથી એકદમ નજીકનું વિશ્લેષણ ઉર્વીશભાઈ
ReplyDelete
ReplyDeleteઆપણને સર્વસમાવેશક ભારત ખપે છે. આપણને ધર્માંધ પાકિસ્તાનના રવાડે ચડવા થનગનતું હોય એવું ભારત નહીં.
This is their aim to do so and keep in power themselves forever, but as a awaken citizen we should oppose each and every wrong doing by government or any other agency.
Thank you Urvishbhai
Manhar Sutaria
Worried about you, how will you survive hatred of blind followers of Namo?
ReplyDeleteThanks Urvish Bhai for an objective analysis with appropriate rebuttal of Muslim euphoria issues. May I share another link a narrative by Constitutional and Law Teacher, Prof. Faizan Mustufa, in respect thereto: https://www.youtube.com/watch?v=ujZ0NxAhAd4. Thanks for your valuable ink on Constitutionalism!
ReplyDeleteJabir