Monday, January 06, 2020
એક સાચી-જૂઠી વાર્તા
એક નગર હતું. તેનું મૂળ નામ તો ઇન્દ્રપુરી,
પણ લોકો તેને લાડમાં જૂઠનગર કહેતા હતા. કેમ કે, એ નગરમાં
જૂઠનું રાજ હતું. રાજા એક નંબરનો જૂઠો, તેનો દીવાન બે નંબરનો
જૂઠો અને બધા દરબારીઓ પણ જૂઠા. રાજ્યનો જૂનો મુદ્રાલેખ ‘સત્યમેવ
જયતે’ હતો. જૂઠું તો ત્યારે પણ
બોલાતું. પરંતુ નવા રાજાએ આવીને સાચજૂઠની ઝંઝટ જ દૂર કરી દીધી. તેણે રાજનો
મુદ્રાલેખ ‘ગર્વથી કહો, અમે જૂઠા છીએ’ કરી નાખ્યો. તેના રાજમાં જૂઠું બોલવું એ રાજધર્મ ગણાતો અને એ જૂઠાણાની
કોઈ ટીકા કરે તો તેની સામે બાઝવું, એ દેશભક્તિ. દાંતીયા કરતા
ત્રણ વાંદરાની પ્રતિમા સાથે ‘જૂઠું બોલવું, જૂઠું સાંભળવું અને જૂઠું જોવું’, એવો સંદેશ રાજનું
પ્રતિકચિહ્ન હતો. ઠેકઠેકાણે આ વાંદરાની પ્રતિમા, તસવીરો, હોર્ડિંગ ઉપરના સૂત્ર સાથે જોવા મળતી.
દાવો એવો હતો કે ત્રણ વાંદરા ને તેમનો સંદેશ અસલમાં તો અગાઉ
થઈ ગયેલા એક મહાત્માએ આપ્યો હતો. નવા રાજાને એ મહાત્મા માટે બહુ આદર હોવાનું કહેવામાં
આવતું હતું. એ મહાત્માની યાદમાં રાજાએ તેમના ત્રણ વાંદરા અને તેમનો સંદેશો
રાજ્યવ્યાપી બનાવ્યો. રાજની નવી પરંપરા પ્રમાણે, રાજાનો મહાત્મા
પ્રત્યેનો ભાવ અને મહાત્માના સંદેશાનું તેણે કરેલું અર્થઘટન—બંને જૂઠાં હતાં.
પરંતુ રાજના ઘણા બધા લોકોને એ જાણીને જરાય આઘાત લાગતો ન હતો. ઊલટું, કેટલાક કહેતા હતા કે એ બહાને ભૂલાયેલા મહાત્માને યાદ તો કર્યા. બાકી, તેમનો અત્યારે કોણ ભાવ પૂછતું હોત?
જૂઠનગરના રાજા દરબારમાં આવે ત્યારે તેમની છડી આ રીતે
પોકારાતીઃ ’શ્રીમાન મહારાજ જૂઠજૂઠેશ્વર, જૂઠાધિપતિ, જૂઠાણાંબહાદુર, જૂઠસેનાધિપતિ,
જૂઠકુલશિરોમણી, સકલજૂઠસંપન્ન,...’ અંગ્રેજીમાં તેમના માટે ‘હિઝ હાઇનેસ’ને બદલે ‘હિઝ લાઇનેસ’ જેવો
પ્રયોગ થતો હતો. આટલી મહત્તા છતાં જૂઠાધીશને કોઈ જૂઠું બોલવા માટે અભિનંદન આપે કે
એ બાબતમાં તેમની સિદ્ધિઓનું વર્ણન કરે, ત્યારે તે અકળાઈ ઉઠતા
હતા. કેમ કે, તેમને જૂઠાણાંના મેદાનમાં પોતે દેખાડેલાં
પરાક્રમો અને મેળવેલી સિદ્ધિઓ માટે ઘમંડ ન હતો. તે અત્યંત નમ્ર હતા. ભલે તે
મોંઘાંદાટ વસ્ત્રો પહેરતા હોય, તેમની સલામતી પાછળ લાખો ને
તેમના પ્રચાર માટે કરોડો સોનામહોરો ખર્ચાતી હોય, પણ તે હતા
સાદગીમાં માનનારા. પોતાની જાતને તે હંમેશાં સામાન્ય ગણાવતા અને પોતે સર કરેલાં
જૂઠાણાંનાં અનેક શીખરોની વાત સુદ્ધાં ટાળતા. તેમનું કહેવું હતું કે એ સિદ્ધિઓ તો
તેમણે અંગત આધ્યાત્મિક ઉન્નતિ માટે હાંસલ કરેલી છે. તેની જાહેર ચર્ચા શા માટે થવી
જોઈએ? જૂઠાણાંના દરેક ડુંગર પર તેમના ડાયરા હતા. તેમ છતાં
સામાન્ય માણસની જેમ તે ‘બહુ થયું? હવે
ક્યાં સુધી?’ એવા મામુલી વિચારોથી દોરવાતા ન હતા.
જૂઠાણાંની
બાબતે તેમણે ઓલિમ્પિક સ્પર્ધાઓનો ધ્યેયમંત્ર અપનાવ્યો હતોઃ ફાસ્ટર, હાયર, સ્ટ્રોંગર. આ મંત્રમાં
પોતાના તરફથી તેમણે એક શબ્દ ઉમેર્યો હતોઃ લાઉડર. વીતતા સમયની સાથે તે જૂઠાણાંમાં ‘હજુ ઝડપી, હજુ ઊંચું, હજુ
મજબૂત, હજુ મોટેથી’નો મંત્ર સાકાર કરવા
સદા પ્રયત્નશીલ રહેતા હતા.
રાજધર્મના ભાગરૂપે સતત જૂઠું બોલવું પડતું હોવાથી,
રાજાને સવાલોની બહુ ચીડ હતી. મોટી સંખ્યામાં લોકો તો રાજાનાં જૂઠાણાંને
રાષ્ટ્રધર્મસમકક્ષ ગણીને તેને પી જતા હતા. પણ કેટલાકને જૂના વખતથી સવાલ પૂછવાની
ટેવ પડેલી. તેમનો આરોપ હતો કે રાજા તો સવાલના પૂછવા દેતા નથી ને પરાણે પૂછીએ તો જવાબ
આપતા નથી. કેટલાકને લાગતું હતું કે જવાબ આપવાના આવે ત્યારે રાજા મૂંગો થઈ જાય છે.
હકીકતમાં, રાજાને બોલવાનો બહુ શોખ હતો.
તે રાજનાં મળે એટલાં સાધનો પર બોલ્યા કરતો. તેને વાંધો સાંભળવા સામે હતો. તેને ખબર
હતી કે જૂઠરાજમાં સહેજે ધીમા કે ઢીલા, ધોરણસરના કે સજ્જન, ન્યાયી કે વાજબી રહેવા ગયા તો માંડ મેળવેલું રાજપાટ જતું રહેશે.
જૂઠું બોલવું એ રાજા માટે રાજપાટનો સવાલ હતો. બિચારો જૂઠું
ન બોલે તો તેના માટીના પગ ઉઘાડા પડી જાય ને રાજપાટ જતું રહે. થોડા દરબારીઓને પણ એ
રાજપાટમાં કશો લાભ મળતો હશે. પણ બાકીના લોકોને રાજના જૂઠાણાની જાનમાં જોડાઈ જવાથી
શો ફાયદો? એવો સવાલ ઘણાને થતો. તેમાં જોકે કશું ગૂઢ રહસ્ય ન હતું. રાજાએ
ઘણા બધાને ઠસાવી દીધું હતું કે તે રાજા હશે, તો જ દેશનો
ઉદ્ધાર થશે. એટલું જ નહીં, અત્યારે ભોગવવા મળતી બધી સુવિધાઓ
પણ રાજાને જ આભારી છે, એવો પ્રચાર લોકોના મનમાં ખડકી દેવાયો
હતો. પરિણામે, રાજના ઘણા લોકો માનતા કે ‘આ રાજા ન હોત તો હજુ ડાયનોસોર આપણી આસપાસ ફરતાં હોત અથવા પૃથ્વીનો પોપડો
ઠરીને રહેવાલાયક થયો જ ન હોત અથવા વાનરમાંથી આપણી ઉત્ક્રાંતિ ન થઈ હોત અને વાતાવરણમાં
ઑક્સિજન હોત કે કેમ, કોને ખબર? ભલું
થજો આ ટ્રોલટ્રોલેશ્વર, જૂઠસમ્રાટનું. તેના પ્રતાપે આપણું બધું
છે.’ ઘણા લોકો પોતાની સમૃદ્ધિથી માંડીને દુશ્મન (ઘણી વાર કાલ્પનિક
દુશ્મન) પરની કાલ્પનિક જીતનો વાસ્તવિક જશ પણ રાજાને આપતા હતા.
તેમ છતાં, કેટલાક લોકો થાક્યા કે હાર્યા વગર જૂનાં
મૂલ્યોની વાતો ઉખેળતા, સવાલ પૂછતા અને લોકોને સાચી પરંપરાની
યાદ અપાવવાની કોશિશ કરતા..
***
આવી (અધૂરી) વાર્તા વાંચીને થાય કે કાશ,
એ વાર્તા જ હોત...
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
politics
Subscribe to:
Post Comments (Atom)
મારા એક મામા આ રાજા ને ખરેખર મહાન અને દિવ્ય અવતાર જ માને છે. ભગવાન નો અવતાર કહીએ તો પણ ખોટું નથી. હવે એને કોણ સમજાવે કે આ શું અવતાર છે?
ReplyDeleteપ્રિય ઉર્વીશભાઈ. સાવ ખરું (એટલે કે સાવ જુઠ્ઠું)...પણ કોને માટે આપનું આ અરણ્યરુદન!? ગુજરાતી 'ઘેંટા"ના ટોળાઓ ને તો આ જુઠ્ઠાના સરદારોએ સર કર્યા છે અને ત્યાંથીજ આ આખોયે ખેલ શરુ થયેલો એ મહેરબાની કરી ને ભૂલી નાં જતા. અને મિત્ર, સવારે સવારે morning walk માટે ના નીકળતા. આ લોકોને આપ સારી રીતે જાણો છો ...
ReplyDeletecongratulations for a fantastic satire on the current administration!! Take care please.
ReplyDelete