Wednesday, May 29, 2013

એક ક્રિકેટ-બુકીનો પ્રેમપત્ર

મેચ ફિક્સિંગ-સ્પોટ ફિક્સિંગની મોસમમાં બુકીઓ અને સામાન્ય માણસો વચ્ચેનું અંતર અમદાવાદના ઉનાળામાં ખુલ્લામાં મુકેલા આઇસક્રીમની ઝડપે ઓગળી ગયું છે. બુકીઓના સમાજજીવનમાં આમજનતાનો રસ વધી રહ્યો છે. સમાચારમાંથી જાણવા મળે છે કે આ ક્ષેત્રમાં પણ ગુર્જર પ્રતિભાઓએ ગુજરાતની અસ્મિતાનો ઘ્વજ ફરકતો રાખ્યો છે. આ લોકો ભવિષ્યમાં પરદેશી કે ઓનલાઇન બેટિંગ કંપનીઓ સાથે કરોડો રૂપિયાના એમઓયુ સાઇન કરીને ગુજરાતનું નામ રોશન કરશે, એવાં સ્વપ્નાં પર કામચલાઉ કાબૂ રાખીને અત્યારે વિચારવાનું એ છે કે આઇપીએલ-યુગના અસલી ખેલાડી એવા બુકી પ્રેમમાં પડ્યા હોય અને તેમને પ્રેમપત્ર લખવાની નોબત આવે તો?

આવું થવાની સંભાવના કેટલી છે, એના ભાવ આપવાની જરૂર નથી. આપણો રસ ભાવ આપવા-લેવામાં નહીં, પણ બુકીના મનોભાવ જાણવામાં છે.  
***

ડીઅર, ના..ના.. પ્રિયે...ના... વહાલી..

હું તને ગુજરાતીમાં સંબોધન કરીશ કે અંગ્રેજીમાં, કયા શબ્દથી સંબોધીશ, સંબોધન લખીશ કે નહીં- આ દરેક બાબત પર સ્પાટ-બેટિંગ કરી શકાય એમ છે...વા...ઉ... આ વાતનો ખ્યાલ આવ્યા પછી પત્રો લખવા વિશેનો મારો ખ્યાલ બદલાયો છે. ‘ગોડફાધર’ ફિલ્મમાં અમારી લાઇનનો એક માણસ કહે છે, ‘(બેઝબોલની મેચ ફિક્સ થાય છે એ જાણ્યા પછી) મને બેઝબોલમાં રસ પડવા લાગ્યો છે.’ એવી જ રીતે, લખવાનું કામ સાવ નકામું છે, એવી માન્યતા મારે બદલવી જોઇશે. હવે મને યાદ આવે છે કે મેં પણ કારકિર્દીની શરૂઆત લેખનક્ષેત્રમાં કરી હતી. મહાન બન્યા પછી લોકો પોતાનાં પરચૂરણ કામ યાદ કરીને ગૌરવ લે, એ દુનિયાનો રિવાજ છે. અમારા ભાઇ બી પોતે ટપોરી હતા ત્યારે કેવાં પરાક્રમ કર્યાં હતાં એની વાતો કરતા હોય છે. તો હું શા માટે બાકાત રહું?

તને થશે કે આ વળી પાછો આત્મકથા કહેવા બેસી ગયો. અગાઉ તેં એક વાર કહ્યું હતું કે ‘આત્મકથા કહેવાનો બહુ શોખ હોય તો છાપામાં કોલમ લખ.’  ત્યારે યાદ છે ને, મેં શું કહ્યું હતું? મેં કહેલું કે ‘હું સાવ એવો ગયોગુજરેલો નથી કે કોલમના નામે આત્મકથાઓ લખું. મારે લખવી હશે ત્યારે સારામાં સારા લેખક પાસે ઘોસ્ટ રાઇટિંગ કરાવીશ.’

પણ વાત હું મારા લેખનની કરતો હતો. લેખનક્ષેત્રનો મને ઘણો અનુભવ છે. અમારે ત્યાં રતન અને કલ્યાણનાં કેન્દ્રો હતાં, જે અમારી આખી વસ્તી માટે ક્લબહાઉસની ગરજ સારતાં હતાં. ફરક એટલો કે અમારે ત્યાં માલદાર લોકો ઊંચી રકમનો જુગાર રમવા આવતાં ન હતાં, પણ ગરીબ લોકો નાની રકમોના આંકડા લગાવતા. એ બહાને ‘કમ્યુનિટી ગેધરિંગ’ પણ થઇ જતું. લોકો આંકડા લખાવતા, પરીક્ષાનાં પરિણામ કરતાં પણ વધારે આતુરતાથી આંકડાનાં પરિણામ વિશે પૂછપરછ કરતા અને આજે નહીં તો કાલે પોતાનો નંબર લાગશે એવી આશામાં જીવતા હતા. મોટા થયા પછી મને ખબર પડી કે રાજકારણમાં કાર્યકર્તાથી મંત્રી બનવા સુધીના દરેક તબક્કે લોકો આવી જ આશામાં જીવતા હોય છે- અને ઘણાખરા તો એમ ને એમ મરી પણ જતા હોય છે.

એવા એક કેન્દ્રમાં આંકડા લખનારના થર્ડ આસિસ્ટન્ટ તરીકે હું કામ કરતો હતો- એટલે કે એમને ચા-પાણી-બીડી લાવી આપતો હતો. બદલામાં એ મહિને થોડા રૂપિયા આપતા. એ વખતે મને થતું હતું કે આ કાકો આખો દિવસ જાતજાતનાં કામ કરાવીને મારું તેલ કાઢે છે, ઉચ્ચક પગાર આપે છે ને નોકરીમાં કાયમી કરતો નથી. એમાં મારું ભવિષ્ય શું? આ તો શોષણ કહેવાય. પણ અત્યારના ગુજરાતમાં રહીને મને સમજાય છે કે મારો હોદ્દો થર્ડ આસિસ્ટન્ટનો નહીં, ‘સટ્ટા-સહાયક’નો કહેવાય. ખુદ ગુજરાત સરકાર આવા સહાયકો- ભલે સટ્ટામાં નહીં ને શિક્ષણમાં- રાખે છે. પણ હું શિક્ષક ન હતો. મારી પર શોષણનો ભોગ બનીને સમાજની ભાવિ પેઢી તૈયાર કરવાની જવાબદારી ન હતી. મને પાંચ હજાર પગાર લઇને પંદર હજાર પર સહી કરવાની ફરજ પાડનાર કોઇ ન હતું.

એક દિવસ હું જ્યાં કામ કરતો હતો તેના ગલ્લામાં મેં ધાપ મારી. ના, હિંદી ફિલમવાળા કહે છે તેમ મારી મા બીમાર ન હતી કે મારી બહેનનું ઓપરેશન પણ કરાવવાનું ન હતું. બસ, મને કંટાળો આવ્યો કે આ શું રોજેરોજની પૈસાપૈસા માટેની મોહતાજી. એના કરતાં એક વાર હાથ સાફ કરી નાખીએ તો કમ સે કમ બે-ત્રણ પગથિયાં એક સાથે ઉપર ચડાય. એનાથી મોટી સાઇઝના ગોટાળા કરીએ તો ઉદ્યોગપતિ બનવાના જ નહીં, સરકારના ખાસમખાસ બનવાના ચાન્સ પણ હોય છે, એની મને ત્યારે ખબર ન હતી.

તારી આગળ શું છુપાવવાનું? ફ્રેન્કલી, એ વખતે મને ખબર ન હતી કે સટ્ટાની લાઇનમાં આટલો સ્કોપ છે. ફિલમવાળા ને ક્રિકેટરો ને બીજા મોટા માણસો સાથે ઉઠકબેઠક રહેશે ને એક મેચમાં લાખો રૂપિયાનો કારોબાર હશે, એનો મને બિલકુલ અંદાજ ન હતો. છતાં, થોડા રૂપિયા લઇને હું મોટા શહેરમાં પહોંચ્યો એટલે જૂના અનુભવને આધારે મને કામ તરત મળી ગયું. નોકરીઓ મેળવવાની તકલીફ ડિગ્રીનાં સર્ટિફિકેટવાળાને થાય. કારણ કે એમણે અઢળક રૂપિયા આપીને ડિગ્રીઓ ખરીદેલી હોય. અમારા જેવા સેલ્ફમેઇડ માણસોને આવી કોઇ તકલીફ નહીં. કહીએ કે ‘પહેલાં પપ્પુ પેજરને ત્યાં હતો અને આગળ વધવું છે એટલે અહીં આવ્યો છું’ એટલે તક મળી જાય.

એમ કરતાં હું ક્યાં પહોંચ્યો છું એ તું જાણે છે. આપણે જે પાર્ટીમાં પહેલી વાર મળ્યાં હતાં એ ફાઇવ સ્ટાર હોટેલમાં ભાગ રાખવાનું મેં વિચાર્યું હતું. મને થયું કે તને ડેટિંગ ગિફ્‌ટ તરીકે એ હોટેલમાં ૧૦ ટકા શેર આપું. એનો માલિક મારે ત્યાં બેટિંગમાં એટલી મોટી રકમ હાર્યો હતો કે ૧૦ ટકા શેર આપીને છૂટી જવાનું એને સસ્તામાં પડ્યું હોત. પણ તે એ ઝંઝટમાં પડવાની ના પાડી.

છેલ્લા ફોનમાં તે છાપાં વાંચીને-ચેનલો જોઇને બહુ કકળાટ કર્યો હતો એ મને યાદ છે. હું એ મુદ્દો ગુપચાવી ગયો નથી. મને એ પણ ખબર છે કે તારી અસલી ચિંતા મારી સલામતીની નથી, પણ પેલી પાર્ટીઓમાં હું જાઉં છું કે નહીં અને જાઉં છું તો પેલા લાલચુડા ક્રિકેટરો જેવા ગોરખધંધા કરું છું કે નહીં, બીજી સ્ત્રીઓ સાથે હરુંફરું છું કે નહીં... તને શી રીતે ખાતરી આપું કે હું આઇપીએલના બે વાર વેચાયેલા ક્રિકેટર જેવો નથી. આઇપીએલમાં એક વાર ટીમ ક્રિકેટરોને ખરીદે છે ને પછી અમે લોકો એમાંથી કેટલાકને - અથવા જેટલા રાજી હોય તેમને- ખરીદીએ છીએ. ગાંડી, હું લોકોને ખરીદું છું. હું વેચાતો નથી. તે સાંભળ્યું કે જંગલી પ્રાણીના શિકારની જગ્યા સુધી ખેંચી લાવવા માટે સાથે રાખેલાં ભેંસ કે બકરી શિકારીઓ જાતે રાંધીને ખાઇ ગયા?

તું તો સમજુ છે. આટલામાં સમજી જઇશ. બાકી સાક્ષીભાભી (ધોનીની પત્ની) સાથે શોપિંગમાં લઇ જવાનું મેં તને કહ્યું હતું. મને એ યાદ છે, પણ હમણાં એ બને એવું લાગતું નથી.

અત્યારે કાળઝાળ ગરમી પડે છે. ચોતરફથી આગ વરસે છે. એટલે તું સાચવજે અને મને બહુ ફોન કરતી નહીં. પોલીસ કદાચ ફોન ટેપ પણ કરતી હોય. એટલે તો હું પહેલી વાર તને પત્ર લખી રહ્યો છું.  આ પત્ર લખવામાં એક ભણેલા બેકાર ટપોરીની મદદ મેં લીધી છે. એટલે પત્રની ભાષા જોઇને નવાઇ ન પામતી. વચ્ચે કેટલુંક એણે પોતાનું પણ નાખ્યું હશે. છતાં, એકંદરે મારે જે કહેવું છે એ બઘું એણે લખ્યું છે. પત્ર કોઇને વંચાવતી નહીં અને તું વાંચીને ફાડી નાખજે. અમારા ધંધામાં સંઘરેલા સાપ કરડવા સિવાયના બીજા કોઇ કામમાં આવતા નથી.

એ  જ લિ.
તારા હૃદયના સ્પોટમાં કાયમી ધોરણે ફિક્સ થયેલો.. 

Monday, May 27, 2013

રિક્ષા અને કારની વચ્ચેનો વિકલ્પઃ ચતુષ્ચક્રી ઉર્ફે ક્વાડ્રીસાયકલ

(તા.ક.-  આ લેખ ૧૨-૫-૧૩ના રોજ પ્રગટ થયો ત્યારે ક્વાડ્રીસાયકલને સરકારી પરવાનગી મળી ન હતી, પણ ગયા અઠવાડિયે તેને સરકારે મંજૂરી આપી હોવાના સમાચાર આવ્યા છે. એટલે નજીકના ભવિષ્યમાં આ વાહન રસ્તા પર ફરતું જોવા મળી શકે છે.)

તાતાની ‘નેનો’ કાર પછી પહેલી વાર ઓટોમોબાઇલ બજારમાં આટલી ચહલપહલ અને ગરમાગરમી છે. રિક્ષાના સલામત સ્વરૂપ તરીકે રજૂ થનારી બજાજની ક્વાડ્રીસાયકલ/ Quadricycle બજારનો બીજી કારકંપનીઓ વિરોધ કરી રહી છે. આ વાહનને સરકારી મંજૂરી મળવી બાકી છે. છતાં તેના નિમિત્તે થયેલો હોબાળો - અને ‘પીપલ્સ કાર’ એવી ‘નેનો’ની બજારમાં થયેલી અવદશા જોતાં ક્વાડ્રીસાયકલના વર્તમાન અને ભવિષ્યની થોડી રૂપરેખા
Bajaj Quadricycle RE 60
‘લોકો પાસે ખાવા માટે બ્રેડ નથી? તો તેમને કહો કે કેક ખાય.’ ફ્રાન્સના સમ્રાટ લૂઇ સોળમાની રાણી મેરી એન્તોનેતનું આ કુખ્યાત વાક્ય ફ્રેન્ચ ક્રાંતિ સાથે સંકળાઇ ગયું છે. પરંતુ બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ બજાજે એ સરખામણી ‘ગરીબોની કાર’ના સંદર્ભે આપી છે. તેમણે કહ્યું કે ‘બધા ત્રિચક્રી (રિક્ષા)-માલિકોએ કાર ખરીદી લેવી જોઇએ, એમ કહેવું તે બ્રેડ ન પોસાતી હોય તેમને કેક ખાવાનું કહેવા બરાબર છે.’

બજાજના ઉદ્‌ગારનો સંદર્ભ એ છે કે ટૂંક સમયમાં જ તેમની કંપની એક ચતુષ્ચક્રી-ક્વાડ્રીસાયકલ (બજાજ આરઇ-૬૦) બજારમાં મૂકી રહી છે. ફ્રેન્ચ કંપની રેનોના સહયોગથી તૈયાર થયેલા એ વાહનનું વર્ણન કરતાં જૂની ઉખાણાશૈલી તાજી થાય એમ છે. કારણ કે, એ વાહનનું નામ સાયકલ છે, પણ એ ચાર પૈડાનું છે. ચાર પૈડાં હોવા છતાં એ કાર નથી. ત્રણ પૈડાનું નથી, પણ રિક્ષાની નજીક છે. તેમાં ડ્રાઇવર સિવાય બીજા ત્રણ જ જણ બેસી શકે એમ છે. છતાં એ રિક્ષા તો નથી જ. કંપનીના દાવા પ્રમાણે તે એક લીટર પેટ્રોલમાં ૩૦ કિ.મી. ચાલી શકે છે. પણ કંપની એને કારની હરોળમાં મૂકવાને બદલે ધરાર રિક્ષાની અવેજીમાં ખપાવવા માગે છે.
Bajaj Quadricycle RE 60
આમ કરવા માટે બજાજ પાસે સજ્જડ કારણો છે. સૌથી પહેલું કારણ એ કે આ વાહન ચતુષ્ચક્રી હોવા છતાં બળતણ અને પર્યાવરણ જેવી બાબતમાં તેને કારનાં આકરાં ધારાધોરણ લાગુ ન પડવાં જોઇએ. એવું થાય તો તે આપોઆપ કારની હરીફાઇમાંથી નીકળી જાય અને ચતુષ્ચક્રી તૈયાર કરવામાં થતા ખર્ચ પર અંકુશ રાખી શકાય. એક વાહન જે ‘ચોપગું’ હોય છતાં કારથી સસ્તું હોય, રિક્ષા કરતાં સલામત હોય અને બળતણની રીતે સામાન્ય માણસને પોસાય એવું હોય તો તેની સફળ થવાની તક બહુ વધી જાય.

સ્મોલ કાર સાથેની હરિફાઇ જ ન રહે એ બીજો મોટો ફાયદો. કારણ કે સ્મોલ કારના બજારમાં જબરી હરીફાઇ છે. તાતાની નેનો કારના ઉમેરા પછી સ્મોલ કારની અગાઉની કિંમતો ઘટી છે. આ સંજોગોમાં ફ્રેન્ચ કંપની રેનો સાથે ભાગીદારીમાં બજાજની ‘ક્વાડ્રીસાયકલ’ બજારમાં આવે તો તે સ્મોલ કારના માર્કેટનું વઘુ એક નવું રમકડું બનીને રહી જાય. તેની અલગ મુદ્રા કે ઓળખ ઊભાં ન થાય. પરંતુ જો એ ‘સ્મોલ કાર’ને બદલે ‘ક્વાડ્રીસાયકલ’ હોય તો? તેનો પાટલો નોખો મંડાય અને તેની પાસેથી લોકોની અપેક્ષાઓ પણ એ પ્રમાણેની રહે.

‘નેનો’ તૈયાર થઇ રહી હતી ત્યારે તેની પર લોકોએ મોટી અપેક્ષાઓ બાંધી હતી. ‘રૂ.એક લાખમાં કાર’ના ખ્યાલથી માંડીને તેમાં જડેલાં એન્જિનિયરિંગ અને ડીઝાઇનને લગતાં હીરામોતીને કારણે ‘નેનો’ પ્રચંડ સફળતા મેળવશે એવી ગણતરી હતી. તેનાં આગોતરાં બુકિંગ પણ એટલા જ ઉત્સાહથી થયાં હતાં. સ્કૂટર પર ચાર સવારી જતા એક પરિવારને જોઇને રતન તાતાને એક લાખ રૂપિયાની કારનો વિચાર આવ્યો હતો, એવી કથા પણ ‘નેનો’મહિમા સાથે જોડાઇ ગઇ. ધારણા એવી હતી કે ભારતના લોકો એક લાખ રૂપિયાની ‘નેનો’ પર તાજમહાલ-કુતુબમિનાર ઓવારી જશે અને અનેક દ્વિચક્રીધારકો ‘નેનો’ થકી પહેલી વાર કારમાલિક બનવાનું સામાજિક ગૌરવ પ્રાપ્ત કરશે. (એ ચલાવવાની જગ્યા ક્યાંથી આવશે એ ચિંતા હંમેશાં અસ્થાને ગણવામાં આવે છે.)

એન્જિનિયરિંગની અજાયબી જેવી ‘નેનો’ કાર બજારમાં આવી અને થોડા વખતમાં તેનાં વળતાં પાણી થયાં. એડવાન્સ બુકિંગ રદ થવા લાગ્યાં અને ઉત્સાહનો ઉભરો મહદ્‌ અંશે શમી ગયો અને વેચાણના આંકડા તળિયે જઇ રહ્યા છે. એપ્રિલ, ૨૦૧૨માં તાતાએ ‘નેનો’નાં ૮,૦૨૮ નંગ વેચ્યાં હતાં, પરંતુ એપ્રિલ, ૨૦૧૩માં ‘નેનો’નાં માત્ર ૯૪૮ નંગ વેચાયાં છે. એક સમયે ‘પીપલ્સ કાર’ તરીકે ઓળખાવાયેલી ‘નેનો’ બજારમાં ન ચાલવાનાં ઘણાં કારણોમાં એક કારણ એ પણ છે કે ભારતના લોકો માટે કાર એ માત્ર ઉપયોગની વસ્તુ કે વાહનવ્યવહારનું સાધન નથી. સામાજિક દરજ્જાનું પ્રતિક છે. એટલે ‘સસ્તી કાર’ ઘણા ભારતીયો માટે વદતોવ્યાઘાત- પરસ્પર વિરોધાભાસી શબ્દો- છે. સસ્તી કાર ખરીદીને કારમાલિક થવામાં ભારતીયોને મઝા નથી આવતી, એવું પણ તાતા ‘નેનો’ની નિષ્ફળતા પછી થયેલા અભ્યાસોમાં સૂચવાયું છે. સંભવતઃ તેમાંથી બોધપાઠ લઇને બજાજે પોતાના નવા વાહનને સસ્તી કાર કે પીપલ્સ કાર તરીકે નહીં, પણ સુધારેલી રિક્ષા- ક્વાડ્રીસાયકલ તરીકે મૂકવાનું નક્કી કર્યું છે.

ક્વાડ્રીસાયકલને રિક્ષાની હરીફાઇમાં મુકવાથી સૌથી મોટી અસર બજાજને જ પડી શકે એમ છે. કારણ કે રિક્ષાના માર્કેટમાં બજાજનો  છાકો છે. ફક્ત ભારતમાં જ નહીં, દુનિયાભરમાં બજાજ રિક્ષાના સૌથી મોટા ઉત્પાદક તરીકે જાણીતી છે. ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં બજાજે ૨ લાખ ૨૬ હજાર રિક્ષા વેચી હતી. ગયા વર્ષના વેચાણની સરખામણીમાં આ પ્રમાણ ૧૧.૪ ટકા વધારે હતું. નવી ક્વાડ્રીસાયકલ રિક્ષાનું બજાર હડપ કરે તો તે બજાજને જ નડે. સાથોસાથ, એ પણ ખરું કે ક્વાડ્રીસાયકલને લગતા સંશોધન અને મહિને પાંચ હજાર ક્વાડ્રીસાયકલ બનાવી શકે એવો પ્લાન્ટ ઊભો કરવા માટે બજાજ અત્યાર સુધીમાં આશરે રૂ.૫૫૦ કરોડ ખર્ચી ચૂક્યા છે. એટલે ક્વાડ્રીસાયકલને બજારમાં મોકળું મેદાન મળી રહે એ માટે બજાજની આતુરતા અને આક્રમક વલણ સમજાય એવાં છે.

સવાલ એ છે કે પોતાના ક્ષેત્રમાં નવું સંશોધન થતું હોય તો તાતા સહિતની બાકીની કંપનીઓના પેટમાં તેલ કેમ રેડાય છે? વ્યાવસાયિક ઇર્ષ્યા તો અલબત્ત ખરી જ. પણ હરીફોને વાંધો એ વાતનો છે કે બજાજે ક્વાડ્રીસાયકલ માટે કાર કરતાં ઉતરતા દરજ્જાનાં ધારાધોરણને મંજૂરી આપવા માટે સરકારમાં રજૂઆત કરી છે. જો આ ધોરણો મંજૂર થાય તો ક્વાડ્રીસાયકલનો નિર્માણખર્ચ ઘણો ઓછો આવે અને સ્મોલ કાર સાથે તેની હરીફાઇ જ ન રહે. આશરે રૂ.૧.૩૫ લાખની રિક્ષાની અવેજીમાં આવનારા આ વાહનની કિંમત બજાજ એકથી બે લાખ રૂપિયાની વચ્ચે રાખે એવો અંદાજ છે. ૪૦૦ કિલો વજન અને ૭૦ કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ઝડપ ધરાવતી ક્વાડ્રીસાયકલ ૨૧૬ સી.સી.ના એન્જિનથી ચાલવાની છે. બજાજ ભલે તેને રિક્ષાના સુધરેલા, સલામત સ્વરૂપ તરીકે રજૂ કરતા હોય, પણ હરીફ કંપનીઓને લાગે છે કે ક્વાડ્રીસાયકલ કારના બજારમાં જ હરીફાઇ કરશે. એટલે તે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે ક્વાડ્રીસાયકલ માટેનાં સલામતી અને બળતણને લગતાં ધારાધોરણ કાર જેવાં જ રાખવામાં આવે.

રાહુલ બજાજ ક્વાડ્રીસાયકલને મંજૂરી માટે યુરોપનાં ધોરણ રખાય એમ ઇચ્છે છે. સામાન્ય સંજોગોમાં યુરોપનાં ધોરણ વધારે કડક હોય, પણ યુરોપમાં આ વાહન મુખ્યત્વે વૃદ્ધો કે લાયસન્સ ન ધરાવતા ચાલકો દ્વારા અને રોજિંદા વ્યવહારમાં નહીં, પણ આનંદપ્રમોદ માટે વપરાય છે. એટલે ભારતના રસ્તા પર અને ભારતીય ટ્રાફિકસેન્સ ધરાવતા ચાલકોની વચ્ચે આ વાહન ઉતારવાનું થાય તો યુરોપીઅન ધોરણો કેટલાં ટકે એવી શંકા થઇ શકે. એક સૂચન એવું પણ છે કે ક્વાડ્રીસાયકલને ફક્ત જાહેર પરિવહન- પબ્લિક ટ્રાન્સપોર્ટના હેતુ માટે વાપરવાની જ મંજૂરી આપવામાં આવે. એવું થાય તો તે ખરા અર્થમાં રિક્ષાનો સુધરેલો વિકલ્પ બની રહે. પણ પોતાની રિક્ષા ખરીદવા ઇચ્છનારને ના કેવી રીતે પાડી શકાય? અને એ જ તર્ક પ્રમાણે, પોતાની  માલિકીની ક્વાડ્રીસાયકલ ખરીદતાં પણ કોઇને કેવી રીતે અટકાવી શકાય?

સરકારી તંત્રમાંથી હજુ સુધી ક્વાડ્રીસાયકલ માટે મંજૂરી આવી નથી. બજાજ અને હરીફો અદ્ધર પોતાનાથી બનતા પ્રયાસો કરીને અદ્ધર શ્વાસે સરકારી નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. જોે એ બજાજની તરફેણમાં આવશે તો બહુ ઝડપથી ભારતના રસ્તાઓ પર રિક્ષાઓના સ્થાને ક્વાડ્રીસાયકલ ફરતી જોવા મળશે. તેમાં આગળ પણ બે પૈડાં હોવાથી, રિક્ષાની જેમ ગમે તેવા ટ્રાફિકમાં સાંકડામાં સાંકડી જગ્યામાં તેને ધુસાડી નહીં શકાય. પણ એ મર્યાદાને બાદ કરતાં સલામતીથી માંડીને પ્રદૂષણ જેવી બાબતમાં તે રિક્ષા કરતાં ચડિયાતો વિકલ્પ સાબીત થઇ શકે છે. 

Wednesday, May 22, 2013

એક મેચ-ફિક્સરની મુલાકાત

ભારતના સૌથી ટોચના દસ આકર્ષક વ્યવસાયોમાં મેચ ક્રિકેટરથી પણ ઉપરના ક્રમે મેચ ફિક્સિંગ આવતું હોય તો કહેવાય નહીં. રીઝલ્ટ આવી ગયા પછી કારકિર્દી-માર્ગદર્શનની મોસમમાં અને અલબત્ત મેચ ફિક્સિંગની ગરમી વચ્ચે મેચ ફિક્સરનો ઇન્ટરવ્યુ લેવો જોઇએ એવું લાગ્યું. મેચ ફિક્સરોના વાસ્તવિક ઇન્ટરવ્યુ આજકાલ પોલીસ લઇ રહી છે. એટલે તેમના કાલ્પનિક ટીવી ઇન્ટરવ્યુથી ચલાવી લઇએ.
***
એન્કરઃ નમસ્કાર. આજના કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા ફિક્સર શ્રી અનામી. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે સર.

અનામીઃ એક મિનીટ..તમે ચોખવટ કરો..આમ એકલું ‘ફિક્સર’ કહેશો તો લોકોને પચીસ કલ્પનાઓ આવશે કે પોલિટિકલ ફિક્સર છે? જર્નાલિસ્ટ-ફિક્સર છે? એડિટર-ફિક્સર છે? રીપોર્ટર-ફિક્સર છે?  અંગ્રેજી ફિક્સર છે? ગુજરાતી ફિક્સર છે? ગાંધીનગરનો ફિક્સર છે કે દિલ્હીનો છે?

એન્કરઃ વાઉ. તમારું નોલેજ અને તમારું એક્સ્પોઝર માઇન્ડ બ્લોઇંગ છે. આટલું બઘું તમે કેવી રીતે જાણો?

અનામીઃ હું પત્રકાર નથી એટલે.

એન્કરઃ ઓકે, આપણે મુદ્દાની વાત પર આવીએ.

અનામીઃ મુદ્દાની કે મુદ્દામાલની? તમારે સાહેબે આ ઇન્ટરવ્યુ માટે કંઇ સૂચના આપી છે કે નહીં?

એન્કરઃ ઓહ..હા..આઇ મીન, ના...આઇ મીન...આપણે ઓન કેમેરા છીએ અત્યારે...ખાલી સવાલજવાબની જ વાત કરીએ. તો મારો પહેલો સવાલ છેઃ તમને ફિક્સિંગ કરવાની પ્રેરણા કેવી રીતે મળી?

અનામીઃ તમારી શું અપેક્ષા છે? હું એમ કહું કે રવીન્દ્રનાથ ટાગોરનું ‘ગીતાંજલિ’ કે ગાંધીજીનું ‘સત્યના પ્રયોગો’ વાંચીને મળી?

એન્કરઃ ગ્રેટ..તમે આ લોકોનાં પુસ્તકો વિશે કેવી રીતે જાણો છો?

અનામીઃ કહ્યું તો ખરું...પત્રકાર નથી એટલે.

એન્કરઃ એમ નહીં. સિરીયસલી કહો. તમને પહેલી વાર ફિક્સિંગનો વિચાર કેવી રીતે આવ્યો?

અનામીઃ મને ક્રિકેટ રમતાં આવડતું ન હતું. નાનપણમાં ભાઇબંધો મારી પાસે ફિલ્ડિંગ ભરાવીને તેલ કાઢી નાખતા હતા. ઘણી વાર મારું બેટિંગ કદી આવતું જ નહીં. હું બેટિંગ માગું તો એ લોકો કહેતા, ‘તારે બેટનું શું કામ છે? તું ફિલ્ડિંગ ભરી ખા. અમારે તો આગળ રમવા જવાનું છે.’ એક દિવસ મારું મગજ છટક્યું. મેં એક જણના હાથમાંથી બેટ છીનવી લીઘું અને કહ્યું, ‘તમે આ ધોકેણાથી રમી ખાવ, પણ યાદ રાખજો. એક દિવસ હું ક્રિકેટમાંથી જ અને બેટિંગ કરીને એટલા રૂપિયા કમાઇશ કે જે તમારી સાત પેઢીએ જોયા નહીં હોય.’

એન્કરઃ વૉટ અ સ્ટોરી. મને તો આખું ફ્‌લેશબેક દેખાવા લાગ્યું. તમે અનુરાગ કશ્યપને મળો તો કામ થઇ જાય.

અનામીઃ અનુરાગ કશ્યપ? એ કઇ ટીમમાંથી રમે છે? રાજસ્થાન રોયલ્સ કે દિલ્હી ડેવિલ્સ?

એન્કરઃ એ ફિલ્મો બનાવે છે. તમારી વાત પરથી તો ફિલ્મ બને એમ છે...ઠીક છે. તમે પ્રતિજ્ઞા તો લીધી, પણ એ પૂરી કેવી રીતે કરી?

અનામીઃ સખત મહેનત, કઠોર પરિશ્રમ, અખૂટ ધીરજ, ચીવટભર્યું આયોજન, માણસને ઓળખવાની કળા..

એન્કરઃ આવું બઘું તો મેનેજમેન્ટની અને ‘સફળ કેમ થવું?’ એવી ચોપડીઓમાં લખેલું હોય છે. તમે એવી ચોપડીઓ વાંચો છો?

અનામીઃ ના, એવી ચોપડીઓ લખનારાને મટીરિયલ પૂરું પાડું છું. અમારા જેવાની સમૃદ્ધિ અને વૈભવશાળી ગાડીઓ જોઇને તો એમને લખવાની પ્રેરણા મળે છે.

એન્કરઃ તમને ક્રિકેટનું કયું સ્વરૂપ સૌથી વધારે ગમે? શા માટે?

અનામીઃ ભાઇ, તમે સચિન તેંડુલકરનો ઇન્ટરવ્યુ લેવા નથી બેઠા. મારે ક્રિકેટના સ્વરૂપ જોડે કશી લેવાદેવા નથી. જે સ્વરૂપમાં ફિક્સિંગની વઘુમાં વઘુ તક મળે એ મારું પ્રિય. ધંધામાં અમે કોઇ જાતનો વહેરોઆંતરો રાખતા નથી.

એન્કરઃ પણ તમે જે ધંધો કરો છો એ ગેરકાયદે ન કહેવાય?

અનામીઃ સૌ સૌની સમજણ છે. સમાચારો બતાવવા માટે ને રોકવા માટે રૂપિયા પડાવવા એ અમને ગેરકાયદે લાગે છે. શું કહો છો? (અટ્ટહાસ્ય)

એન્કરઃ તમે ખોટું સમજ્યા. હું એમ પૂછવા માગતો હતો કે..

અનામીઃ હું ખોટું સમજ્યો નથી. તમને ખોટું લાગ્યું છે. પણ જવા દો. બોલો શું પૂછતા હતા?

એન્કરઃ (ગુંચવાઇને) હું મારો પ્રશ્ન ભૂલી ગયો...હું શું પૂછતો હતો..હા, એમ કે તમને આ કામ કરવામાં પોલીસની બીક ન લાગે?

અનામીઃ લાગે. ઘણી વાર એવો વિચાર આવે કે સમયસર હપ્તો નહીં જાય તો શું થશે? પણ પછી કાયમનું થઇ જાય એટલે પરસ્પર વિશ્વાસ અને મૈત્રી કેળવાઇ જાય. માણસના માણસ પરના ભરોસાના આધારે તો દુનિયા ટકેલી છે.

એન્કરઃ આહા, તમે તો ફિલસૂફ જેવું બોલવા માંડ્યા.

અનામીઃ કેમ, તમારે ત્યાં ટૂચકા કહેનારા ફિલસૂફના વહેમ મારતા હોય તો અમે વધારે રોકડિયું કામ કરીએ છીએ.

એન્કરઃ (થોડા ખચકાટ સાથે) રાજકારણીઓ સાથે તમારે કેવા સંબંધ છે?

અનામીઃ ઘર જેવા, યાર. તમારું કંઇ બી કામ હોય તો કહેજો. અને હા, ટિકિટ જોઇતી હોય તો બે-પાંચ ‘ખોખાં’ લીધા વિના ન આવતા. હવે એ બઘું શરમથી નથી પતતું. તમને તો ખબર જ હશે.

એન્કરઃ તમને કશું પણ પૂછીએ એટલે તમે બદનક્ષી કરવા જ બેસી જાવ છો.

અનામીઃ એ બદનક્ષી ને સદનક્ષીનું તમને સોંપ્યું. મેં તમને ભાવ કહ્યો. ચોખ્ખી ને ચટ વાત. અમારા ધંધામાં ગોળગોળ કશું ન ચાલે- સિવાય કે ખેલાડી કાંડા પરનું ઘડિયાળ કે ગળે લપેટેલો નેપકિન ગોળ ગોળ ફેરવતો હોય.

એન્કરઃ અરે, હું આ જ વાત પર આવતો હતો કે તમે લોકો ખેલાડીઓ સાથે ફિક્સિંગ કરો તો એ લોકો તમને મેદાન પરથી કેવી સાઇન આપે? પણ હું પૂછું એ પહેલાં તમે જ કહી નાખ્યું.

અનામીઃ (હસીને, એન્કરની સ્ટાઇલમાં) ફિક્સિંગની આંતરિક સનસનીખેજ વાતો જાણીએ એક છોટે સે બ્રેક કે બાદ..

એન્કરઃ પણ એ તો હવે મારે બોલવાનું હતું. તમને કેવી રીતે ખબર પડી કે..

અનામીઃ (મંદ મંદ સ્મિત સાથે) તમે ભૂલી ગયા કે તમે કોનો ઇન્ટરવ્યુ લઇ રહ્યા છો. અમે લાખો કરોડોના ખેલવાળી મેચો ફિક્સ કરી શકતા હોઇએ તો દસ મિનીટના ઇન્ટરવ્યુનો શો હિસાબ?

એન્કરઃ યુ મીન, આ ઇન્ટરવ્યુ પણ ફિક્સ્ડ...?

(એ સાથે જ ટીવી પ્રસારણ ઓચિંતુ ખોરવાઇ જાય છે)

Tuesday, May 21, 2013

ક્રિકેટ અને બીજાં વઘુ ગંભીર ફિક્સિંગ


ક્રિકેટ ‘જેન્ટલમેન્સ ગેમ’ રહી નથી... તેનું નીતાંત વ્યાવસાયિકરણ થઇ ગયું છે...ખેલાડીઓનો ભરોસો રહ્યો નથી...મેચ ફિક્સ થઇ જાય છે...આવો કકળાટ કરીને પણ લોકોએ ક્રિકેટ જોવાનું છોડ્યું નથી. તેનું પરિણામ એ આવે છે કે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો રિવાજ આજકાલ કરતાં દોઢ દાયકા જેટલો જૂનો થયો. છતાં, ઘણા લોકો દરેક વખતે એવી નિર્દોષતાથી આઘાત વ્યક્ત કરે છે, જાણે ‘સંસ્કાર’ ચેનલ પર ‘ડર્ટી પિક્ચર’ શરૂ થઇ ગયું હોય.

ભારતીયો માટે ક્રિકેટ ‘ધર્મ’ છે, એવું માર્કેટિંગની કે સમાજશાસ્ત્રીય વિશ્લેષણની ભવ્ય ભાષામાં કહેવાય છે. ધર્મક્ષેત્રે વ્યાપેલા ગોરખધંધા જોતાં ક્રિકેટ ‘ધર્મ’ હોય એવું હવે ખરેખર લાગી રહ્યું છે. ધર્મ-સંપ્રદાયવાળી સરખામણી આગળ વધારીને આઇપીએલને એકાદ મોડર્ન ગુરૂ કે ‘આઘ્યાત્મિક નેતા’ સાથે સરખાવીશું તો તેમના અનુયાયીઓ નારાજ થઇ જશે. એ સરખામણી સૌએ પોતપોતાની સમજણ પ્રમાણે કરી લેવી.

કોની જવાબદારી?

મુદ્દો એ છે કે આઇપીએલના આવવાથી સડો ફેલાવાની ઝડપ  કે તક વઘ્યાં. આઇપીએલની વીસ-વીસ ઓવરની સ્પર્ધાઓમાં અને તેની બહાર નૈતિકતાના અનેક પ્રશ્નો છે. મોડી રાતની પાર્ટીઓમાં કેવા ધંધા થાય છે તેનો ચિતાર અંદરના જ કોઇ અસંતુષ્ટે થોડાં વર્ષ પહેલાં અનામી બ્લોગ લખીને આપ્યો હતો. વાસ્તવમાં મોટા ભાગના લોકોને નૈતિકતા-સંબંધી વાંધા હોતા થતા નથી. સંઘર્ષ કે સિદ્ધિની આડમાં નકરી સફળતાના પૂજક એવા સમાજના બહુમતી લોકોને આઇપીએલની છાકમછોળમાંથી એક ફદિયું પણ મળવાનું ન હોય, છતાં એ બઘું જોઇને અંજાય છે.

આઇપીએલનું કે મેચ ફિક્સિંગ-સ્પોટ ફિક્સિંગનું આ પહેલું કૌભાંડ નથી. છેલ્લું પણ નહીં હોય. થોડો વખત કકળાટ થશે અને પછી બઘું કાનૂની કાર્યવાહીમાં થાળે પડી જશે. ક્રિકેટવિશ્વમાં સૌથી અપ્રમાણસરની ધનાઢ્‌ય સંસ્થા તરીકે કુખ્યાત એવા ભારતના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તો કાયદા શીખવવાનું શરૂ પણ કરી દીઘું છે. બીસીસીઆઇના વડા શ્રીનિવાસને ‘ગુનેગાર સાબીત ન થાય ત્યાં સુધી નિર્દોષ’નું ગાણું ચાલુ કરીને પાળ બાંધવાની શરૂઆત કરી છે.

તેમણે ઠાવકાઇથી કહ્યું છે કે ‘પોલીસે ખેલાડીઓની ધરપકડ કરી છે. આરોપો સાબીત કરવાની જવાબદારી પોલીસની છે. ગુનો સાબીત થશે તો બીસીસીઆઇ કડકમાં કડક પગલાં લેેશે.’ પહેલી નજરે નિર્દોષ અને વ્યવહારૂ લાગતું આ નિવેદન વાંચીને સીધો સવાલ એ થાય કે ‘ફિક્સરોનું પગેરું મેળવવાની જવાબદારી પોલીસની, તેમની ધરપકડ પોલીસ કરે અને આરોપો સાબીત કરવાનું તો પોલીસે જ કરવું પડે- તો આયોજક તરીકે બીસીસીઆઇની જવાબદારી બેઠ્ઠાંબેઠ્ઠાં રૂપિયા ગણવા સિવાય બીજી કશી નહીં? હાસ્યનવલકથા ‘રાગ દરબારી’માં સહકારી મંડળીનો સુપરવાઇઝર ઉચાપત કરીને ગાયબ થઇ જાય છે. પણ મંડળીના પ્રમુખના પેટનું પાણી હાલતું નથી. એક દિવસ શહેરમાં તે ગોટાળાબાજને જુએ છે તો પણ પોલીસમાં પકડાવી દેતા નથી. કારણ? પ્રમુખ ઠંડા કલેજે કહે છે કે એ પોલીસનું કામ છે. આપણે પોલીસને ફરિયાદ આપી દીધી એટલે આપણું કામ પૂરું.

કાયદાના હાર્દના નામે આવી ઉધાર વાતો દેશમાં ચાલી જાય છે. રાજકીય દોરીઓ ખેંચવાથી ભલભલી એજન્સીઓને કુમળા છોડની જેમ વાળવી હોય એ દિશામાં વાળી શકાય છે. બીજું એ પણ ખરું કે દોઢ-દોઢ દાયકાથી ક્રિકેટમાં મેચફિક્સિંગના આરોપો થતા હોવા છતાં એને ગણકાર્યા વગર ક્રિકેટ પાછળ ઘેલા થતા હોય, એવા લોકો ફિક્સરોન જ લાયક ગણાય.

અન્ડરવર્લ્ડની ચિંતાજનક સાંઠગાંઠ સિવાય, આઇપીએલની બ્રાન્ડઇમેજ માટે, ભારતમાં ક્રિકેટની અવદશા માટે કે શ્રીસંતને કસ્ટડીમાં રાત્રે મચ્છર કરડ્યાં એ માટે આપણે જીવ બાળવાની જરૂર ન હોય. કારણ કે, ક્રિકેટના ફિક્સિંગથી વધારે ગંભીર અને નાગરિકોના હિતને સીધાં સ્પર્શતાં બીજાં અનેક સંભવિત ફિક્સિંગ મોજૂદ છે. એ સ્પોટ-ફિક્સિંગ જેવાં ગ્લેમરસ નથી. અદાલતમાં સાબીત ન કરી શકાય એવા પુરાવા પણ તેમાં મોટે ભાગે નથી. કારણ કે એ લાલચમાં ડફોળ બનેલા ક્રિકેટરો દ્વારા નહીં, પણ વધારે રીઢા લોકો દ્વારા થયેલાં છે. છતાં, એ ફિક્સિંગની ખરાબ અસરો જોઇ-અનુભવી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેની ખરાબ અસરો એ જ તેના પુરાવા છે. આવા કેટલાક સંભવિત-આરોપિત ફિક્સિંગનાં ઉદાહરણઃ

કોંગ્રેસ-ભાજપ ફિક્સિંગ 

કોઇને ‘કોન્સ્પીરસી થિયરી’ - કાવતરાની કલ્પના- જેવું લાગી શકે. છતાં, આ બન્ને પક્ષો વચ્ચે અને મહદ્‌ અંશે મોટા ભાગના રાજકીય પક્ષો વચ્ચે એક સ્તરની સમજૂતી પ્રવર્તતી હોય એવું હંમેશાં લાગે છે.   કેન્દ્રમાં રહી રહી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર તેની સગવડ પડે ત્યારે ભાજપી નેતાઓની ફરતેના ગાળિયા કસે ને ઢીલા મૂકે. મુલાયમસિંઘ-માયાવતી જેવાં નેતાઓ સાથે તો આવું એટલું ઉઘાડેછોગ અને બેશરમીથી થાય કે તેમની નિર્દોષતા કે દોષીપણું ગૌણ બની જાય. એ નિર્દોષ હોય તો સરકાર પર કિન્નાખોરીનો આરોપ આવે અને દોષી હોય તો? સરકારનું એમની સાથે ફિક્સિંગ થયાનો આરોપ.  કેમ કે, સરકારને વાંધો તેમના ગુના સામે નહીં, પણ ગુના આચર્યા પછી એ સરકારના કહ્યામાં નથી એનો હોય.

ભાજપ-કોંગ્રેસ ફિક્સિંગની આશંકાનું સૌથી નમૂનેદાર ઉદાહરણ ગુજરાત છે. અહીં દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ મહેનત કરે તો તેને જીતવાની વાજબી તક હોય છે, પણ એ તક છેલ્લા એકાદ દાયકામાં ફળી નથી. દરેક વખતે ગુજરાતના અને દિલ્હીના જુદા જુદા કોંગ્રેસી નેતાઓનાં નામ ફિક્સિંગમાં સંભળાય છે. જાહેરમાં- છાપાંચેનલોમાં કોંગ્રેસી નેતાઓ કૂદી કૂદીને બોલે છે, પરંતુ વિરોધ પક્ષ તરીકેની નક્કર ભૂમિકા ભજવવાની આવે ત્યારે એ પાણીમાં બેસી જતા હોય એવું લાગે છે. દિલ્હીમાં ઘણી વાર એથી ઉલટું બને છે.

પશ્ચિમ બંગાળની કંપની ‘શ્રદ્ધા’ જૂથની કંપનીઓએ લોકોના કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું, ત્યારે આવેલા એક સમાચારમાં સિલસિલાવાર ઘટનાક્રમ આપીને સૂચવાયું હતું કે મમતા બેનરજીના કેન્દ્ર સાથેના વિચિત્ર વર્તનનો ભેદ આ કૌભાંડમાંથી ખુલી શકે છે. એ કૌભાંડને લગતી તારીખો અને તેની સમાંતરે મમતાના કેન્દ્ર સરકાર સાથેના અતાર્કિક - ન સમજાય એવા વ્યવહારને સમાંતરે જોતાં તેની પર જુદા ખૂણેથી પ્રકાશ પડી શકે છે. છતાં, ભાજપે આ મુદ્દો ચગાવ્યો નહીં કે એ કેન્દ્ર સરકારની એ વર્તણૂંક અંગે ખુલાસા પણ ન માગ્યા. પ્રમાણમાં નાની બાબતોમાં બહુ ધાંધલ કરવું જેથી મોટા મુદ્દા વખતે મચાવેલા તોફાનની ધારી અસર ન પડે અને વિરોધ કર્યો કહેવાય. રાજકારણમાં આ પણ ફિક્સિંગનો એક પ્રકાર હોય છે. દરેક શંકાસ્પદ વ્યવહારમાં ફિક્સિંગ હોવું જરૂરી નથી, પણ નિર્દોષતાનો યુગ પૂરો થઇ ગયા પછી આવી આશંકા આવે તો તેેને રોકી શકાતી નથી.

સરકાર-ખાનગી શિક્ષણની દુકાનોનું ફિક્સિંગ

ગયા સપ્તાહે ગુજરાત બોર્ડનું બારમા ધોરણનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું ઃ ૯૨.૫૩ ટકા. એક સમયે ઘણા વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં પાસ થવાનાં ફાંફાં પડતાં હતાં, એને બદલે દર ૧ હજારમાંથી ૯૨૫ વિદ્યાર્થીઓ પાસ થાય તેનો આનંદ ન થવો જોઇએ?

પણ થતો નથી. કારણ કે આ ઊંચાં પરિણામ વિદ્યાર્થીઓની કે તેમણે મેળવેલા શિક્ષણની ગુણવત્તા સૂચવતાં નથી. ઊલટું, આ પરિણામ ઠેર ઠેર ફૂટી નીકળેલી ઊચ્ચ શિક્ષણની દુકાનોને ધમધમતી રાખવા માટે અપાયાં હોય એવી શંકા પડે છે. સરકાર અને ખાનગી શિક્ષણસંસ્થાઓ વચ્ચેનું ફિક્સિંગ ઘણા સમયથી અટકળોનો વિષય છે.  એક તરફ સરકાર શિક્ષણનું આખું ક્ષેત્ર ખાનગી (એટલે કે સારી નહીં, પણ મોંઘી) નિશાળોને હવાલે કરવાની દિશામાં આગળ વધી ચૂકી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના માટે અઢળક રૂપિયા ખર્ચતા વાલીઓને પરિણામ આપવું જરૂરી છે. એટલે સરકાર ખોબલા ભરીને પરિણામ આપે છે.

ખાનગી શિક્ષણની સ્થિતિ એવી છે કે રૂપિયા હોય તો બારમા ધોરણમાં ગમે તેટલા ટકા આવે તો પણ ઇચ્છિત કોર્સમાં એડમિશન મળી જાય. મોંઘવારીની બૂમો પાડતા વાલીઓ ‘સંતાનની કારકિર્દી ખાતર’ અઢળક આર્થિક બોજ ઉપાડે છે, પણ ડિગ્રી મેળવી લીધા પછી ‘હવે શું?’નો સવાલ ઊભો રહે છે. પછી ડિગ્રીનો વિષય ભૂલીને જે નોકરી મળે તે સ્વીકારી લેવાનો વારો આવે છે. કડક અને સાચું પરિણામ આપવાનું સરકારને તો જ પોસાય, જો તે કોઇ જાતના ફિક્સિંગ વિના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તથા તેમનું યોગ્ય મૂલ્યાંકન થાય એમ ઇચ્છતી હોય.

સરકાર-સીબીઆઇ-‘સિટ’ ફિક્સિંગ

હવે અદાલતમાં જાહેર થયેલી વાત છે કે સીબીઆઇ કેન્દ્ર સરકારના પઢાવેલા પોપટની જેમ વર્તે છે, કેન્દ્ર સરકાર સીબીઆઇના તપાસ અહેવાલોમાં ચેડાં કરે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) ગુજરાત સરકારને પોતાના અહેવાલ બતાવે છે. જેમની વિરુદ્ધમાં તપાસ કરવાની હોય એમને અહેવાલ બતાવવા જેવું ગંભીર ફિક્સિંગ બીજું કયું હોઇ શકે? પણ એ થાય છે, સમાચારોમાં આવે છે. છતાં કોઇ પક્ષને લાજશરમ નથી. સવાલ કોંગ્રેસ કે ભાજપનો નહીં, પણ સત્તાધારી પક્ષો દ્વારા થતાં આ પ્રકારનાં ફિક્સિંગનો છે.

ચિંતાજનક ફિક્સિંગની યાદી ઘણી લંબાવી શકાય એમ છેઃ ‘કોબ્રાપોસ્ટ’ વેબસાઇટ દ્વારા બહાર આવેલું બેન્કો-વીમા કંપનીઓ અને કાળાં નાણાં ઠેકાણે પાડનારા લોકો વચ્ચેનું ફિક્સિંગ, પોલીસતંત્રમાં ગુનો નોંધવા કે ન નોંધવાથી માંડીને વિશેષ સુવિધાઓ પૂરી પાડવાનાં ફિક્સિંગ,  પ્રસાર માઘ્યમોમાં થતાં પ્રચાર-અપપ્રચાર માટેનાં ફિક્સિંગ, ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણો કે કાશ્મીરી પંડિતોની અવદશા જેવા મુદ્દા કાયમી ધોરણે ઉછળતા રાખીને તેનો યોગ્ય ઉકેલ કદી ન લાવવાનાં ફિક્સિંગ..   આ બધાં સામે આઇપીએલના સ્પોટ ફિક્સિંગની શી વિસાત?

Sunday, May 19, 2013

૧૯૮૪થી ૨૦૧૪ : ન્યાય, નૈતિકતા અને નકટાપણું

(16-4-2013 ના રોજ પ્રગટ થયેલો લેખ)

લોકસભાની ચૂંટણીની હવા બંધાઇ રહી છે. રાજ્યકક્ષાના પક્ષો ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવવા માટે આઘાપાછા થઇ રહ્યા છે. ભારતના મુખ્ય બે રાષ્ટ્રિય પક્ષો પોતપોતાનાં કેટલાંક પત્તાં ઉતરી રહ્યાં છે અને કેટલાંક હજુ તેમણે પાકા ખેલીની જેમ છાતીસરસાં ચાંપીને રાખ્યાં છે. એટલે, દેખીતી રીતે લોકસભા ૨૦૧૪નો મુકાબલો રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો હોવાનાં ઢોલનગારાં અત્યારે વાગતાં હોય તો પણ, ચૂંટણી સુધીમાં યમુના નદીમાંથી ઘણું (પ્રદૂષિત) પાણી વહેવાનું બાકી છે.

ભારતીય લોકશાહીનો સામાન્ય ખ્યાલ ધરાવતા- એટલે કે લગભગ બધા- મતદારો જાણે છે કે ભારતમાં કોઇ વ્યક્તિની વડાપ્રધાન તરીકે ચૂંટણી થતી નથી. પક્ષને બહુમતી મળે છે અને એ પક્ષ નક્કી કરે તે નેતા વડાપ્રધાન થાય છે. એટલે અત્યારે આખો જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો લાગતો હોય તો એટલા માટે કે આવું ચિત્ર લોકોના મનમાં ઠસાવવા માટે લખલૂટ ખર્ચે મસમોટાં પ્રચારતંત્રો કામે લાગ્યાં છે. આમ પણ ભારત વ્યક્તિપૂજાનો દેશ છે. એટલે પ્રચારતંત્રોનું કામ બહુ અઘરૂં નથી અને રહી વાત એમની અસરકારકતાની. તો, ગુજરાતના મુખ્ય મંત્રી છીંક ખાય તેને પણ સમાચાર તરીકે ચમકાવવાની પ્રસાર માઘ્યમોની આતુરતા સ્વયંભૂ હશે એમ માની લેવું અઘરું છે.

આ તબક્કે બિનકેફી અવસ્થામાં રહેલા નાગરિક તરીકે આપણી પાસે કયા વિકલ્પ છે, એ વિચારવા જેવું છે. કોઇ પણ દેશના રાજદૂતની બીજા દેશમાં નિમણૂંક થાય ત્યારે એ દેશના વડા પાસે તેમણે સત્તાવાર રીતે પોતાના ‘ક્રેડેન્શિયલ્સ’- લાયકાત  અને અધિકારને લગતાં પ્રમાણ- રજૂ કરવા પડે છે. ધારો કે કોંગ્રેસ અને ભાજપ, એ બન્ને આપણા નાગરિકો સમક્ષ પોતપોતાની લાયકાતનાં પ્રમાણ રજૂ કરે તો કેવાં લાગે? અને નાગરિક તરીકે આપણી પાસે કયા વિકલ્પ છે?

આવો વિચાર ગયા સપ્તાહે (એપ્રિલ, ૨૦૧૩ના બીજા અઠવાડિયામાં) કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલર/ Jagdish Tytler સામેના અદાલતી આદેશથી આવ્યો. ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના એક આરોપી તરીકે ટાઇટલર સામેની તપાસનો સીબીઆઇએ વીંટો વાળીને ક્લોઝર રીપોર્ટ ફાઇલ કરી દીધો હતો. પરંતુ  એક અરજીના જવાબમાં અદાલતે સીબીઆઇને ફરી ટાઇટલર સામેનો કેસ ખોલવાનો આદેશ આપ્યો. આવું બીજી વાર બન્યું. અગાઉ પણ એક વાર સીબીઆઇએ (કહેવાની જરૂર છે કે કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારમાં?) ટાઇટલર કેસમાં ક્લોઝર રીપોર્ટ સુપ્રત કરી દીધો હતો- મતલબ કે શીખ હત્યાકાંડમાં ટાઇટલર સામે કોઇ કેસ બનતો નથી અને તે નિર્દોષ છે.

અદાલતે કહ્યું કે એક તપાસસંસ્થા તરીકે સીબીઆઇ સાક્ષીઓની વિશ્વસનીયતા સામે આંગળી ચીંધી શકે છે અને યોગ્ય લાગે તો તપાસ બંધ પણ કરી શકે છે. પરંતુ કોઇ સાક્ષીનું નિવેદન નહીં લેવાનો- અને એ રીતે અદાલતનો પોતાના સ્વતંત્ર નિર્ણય પર પહોંચતી અટકાવવાનો- સીબીઆઇને અધિકાર નથી. આનું ‘ગુજરાતી’ એટલું જ કે સીબીઆઇએ પોતાનાથી સરખી તપાસ ન થાય તો કરવી, પણ બીજાના (અદાલતના) રસ્તામાં રોડાં નાખવાં નહીં.

બેશરમ પ્રતિભાવ

૨૯ વર્ષ પહેલાંના ઘાતકી હત્યાકાંડના આરોપી ટાઇટલર અત્યારે ૬૯ વર્ષના છે. ભારતના રાજકારણમાં આ ઉંમર બહુ મોટી ન કહેવાય. છતાં, શીખવિરોધી હત્યાકાંડના દાગ સાથે ટાઇટલર કોંગ્રેસ જેવા પક્ષમાં ૨૯ વર્ષ હેમખેમ જ નહીં, રંગેચંગે કાઢી શક્યા - અને હજુ પણ તેમને વાંધો આવે એમ નથી, એ હકીકત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના મતદાર તરીકે આપણને ડરાવે એવી છે.

 હત્યાકાંડના આરોપોમાં ફરી તપાસ કરવાના અદાલતી નિર્ણય પછી ટાઇટલર કહે છે કે ‘મારી સામે અદાલતમાં આરોપો ઘડાશે એ જ ઘડીએ હું કોઇ પણ હોદ્દે નહીં રહું. કારણ કે તેનાથી પક્ષને નીચાજોણું થાય અને મારે મન પક્ષ કરતાં વધીને કશું જ નથી.’ તો ટાઇટલરનો મહાન પક્ષ શું કહે છે? પક્ષનાં પ્રવક્તા રેણુકા ચૌધરીએ છાપેલો જવાબ આપતાં કહ્યું છે કે ‘અત્યારથી ટાઇટલર સામે પગલાં લેવાનું બહુ ઉતાવળીયું ગણાશે. પહેલાં તેમની વિરુદ્ધ કંઇક નક્કર પુરવાર તો થાય. હજુ મામલો અદાલતમાં છે અને અમે અદાલતના અધિકારક્ષેત્રનું કોઇ રીતે ઉલ્લંઘન કરવા માગતાં નથી. એટલે અત્યારે એ વિશે વાત કરવાનો કશો અર્થ નથી.’

જગદીશ ટાઇટલર એમના પક્ષને નીચાજોણું થવાની વાત કરે છે, કેમ જાણે એમને ખબર ન હોય કે એ મુદ્દે તેમના પક્ષની આબરૂ તળિયાના પણ તળિયે બેઠેલી છે. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા થયેલી હત્યા પછી ફાટી નીકળેલાં શીખવિરોધી રમખાણોને રાજીવ ગાંધીએ સ્વાભાવિક પ્રતિક્રિયા જેવાં ઠરાવ્યાં એ તો ભયંકર હતું, પરંતુ એ દિવસોનો ઓતાર અને ઓથાર ઉતરી ગયા પછી પણ રાજીવ ગાંધી, સોનિયા ગાંધી કે હવે વડાપ્રધાનપદના યુવા તાલીમાર્થી - એપ્રેન્ટીસ- રાહુલ ગાંધી, કોઇને શીખ હત્યાકાંડ વિશે હૃદયપૂર્વક વસવસો કરવા જેવું અને નાકલીટી તાણવા જેવું લાગતું નથી. કહેવા ખાતર કોંગ્રેસી સરકારે શીખ હત્યાકાંડની માફી માગી છે, પણ એ શીખ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ પાસે મંગાવીને કોંગ્રેસે પોતાની ખોરી દાનતનો જ પરિચય આપ્યો છે. એ માફી સોનિયા ગાંધીના મોઢે વધારે શોભી હોત- કોંગ્રેસનાં કર્તાહર્તા તરીકે તેમ જ ઇન્દિરા ગાંધીનાં પરિવારજન તરીકે.

માફી ન માગવાથી પણ વધારે ગંભીર અને અક્ષમ્ય ગુનો એ છે કે કોંગ્રેસે શીખ હત્યાકાંડના આરોપી સજ્જનકુમાર અને જગદીશ ટાઇટલરને છાવર્યા છે, તેમને હોદ્દા આપ્યા છે અને તેમની સામેની તપાસ ઢીલી થાય એવા બધા પ્રયાસ કર્યા છે. આ તબક્કે શીખ હત્યાકાંડમાં કોંગ્રેસની દુષ્ટતાનો રાજકીય લાભ ખાટવા તલપાપડ ભાજપના પાયદળને  કે કલમદળને એટલું યાદ કરાવી દેવાનું કે ૧૯૮૪ પછી કેન્દ્રમાં પાંચ વર્ષ સુધી ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પણ હતી જ. કોંગ્રેસની ગુનાઇત ઉદાસીનતાની આકરી ટીકા કરવાનો અધિકાર ફક્ત નાગરિકોને છે. ભાજપપ્રેમીઓ કે ભાજપીઓએ તો એ વાતનો હિસાબ આપવાનો છે કે તેમની સરકારે શીખવિરોધી હત્યાકાંડના કોંગ્રેસી આરોપીઓ સામે શું કર્યું? અને પોતાની સરકાર ન હતી ત્યારે, નજીવી વાતોમાં સંસદ ખોરવી નાખવા ઉત્સાહી ભાજપે ફરિયાદી શીખોને ન્યાય અપાવવા કશું કર્યું? કે પછી પોતાનું ગુજરાત, ૨૦૦૨નું પાપ સંતાડવા માટે દિલ્હીના શીખોના ઘાનો રાજકીય ઉપયોગ કર્યો રાખ્યો?

બીજા શબ્દોમાં, કોંગ્રેસની સરકારે શીખોને ઘા આપ્યા અને સજ્જનકુમાર-ટાઇટલરોને છાવરીને તેની પર મીઠું ભભરાવ્યું, તો ભાજપે એ ઘામાંથી પોતાના ૨૦૦૨ના ગંભીર દરદની રસી બનાવી લીધી. પરંતુ શીખોના ઘા પર મલમ લગાડવાનું કે તેને રૂઝવવાનું કામ બન્નેમાંથી કોઇ પક્ષે કર્યું નથી.

ટાઇટલર - કે પછી નરેન્દ્ર મોદી- જેવા લોકો જ્યારે કહે કે ‘અમારી સામેના આરોપ પુરવાર થશે તો અમે જાહેર જીવન છોડી દઇશું અથવા અમને ફાંસી આપી દેજો’ ત્યારે હસવું કે રડવું એની ખબર પડતી. કારણ કે આરોપો સાબીત થશે તો પછી તેમને તેમની ન્યાયપ્રિયતાને કારણે નહીં, પણ જખ મારીને આરોપી તરીકે સજા ભોગવવી પડશે. એમાં તેમણે શી ધાડ મારી? આ તો કોઇ ખિસ્સાકાતરુ એમ કહે કે ‘હું પકડાઇ જઉં તો મને બે ધોલ મારજો’ એવી વાત થઇ. પરંતુ નૈતિકતા કે ન્યાયપ્રિયતાનું ખરું ધોરણ એ હોય કે ટાઇટલર પહેલાં હોદ્દો છોડી દે અને પછી પોતાની સામેની તપાસ થવા દે. કોંગ્રેસના પક્ષેથી નીતિમત્તાનું ધોરણ એ હોવું જોઇએ કે પોતાના નેતાઓ સામે ગંભીર આરોપ થાય અને એ ચકાસવા પડે એટલા દમદાર લાગે, ત્યારે એ સૌથી પહેલાં એ નેતાની પડખે ઊભવાને બદલે, તેમને પક્ષના બધા હોદ્દેથી છૂટા કરે. પક્ષમાં એમનું સભ્યપદું ભલે ચાલુ રહેતું. એ સૌથી છેલ્લે - એટલે કે આરોપ પુરવાર થયા પછી- રદ થાય.

એને બદલે કોંગ્રેસ ૨૯ વર્ષ પછી અને એ પણ બીજી વાર ટાઇટલર સામેની તપાસ અદાલતના આદેશથી ફરી ખુલે ત્યારે પણ કહે છે કે ટાઇટલર સામે પગલાં લેવાનું અત્યારે બહુ ઉતાવળીયું કે વહેલું ગણાશે. આ એ પક્ષ છે જેના ટોચના નેતાએ હત્યાકાંડને શરૂઆતના દિવસોમાં વાજબી ઠરાવ્યો હતો અને તેના કેટલાક નેતાઓ હિંસામાં સંડોવણી ધરાવતા હોવા છતાં, તેમને કદી મામુલી સજા પણ કરવામાં આવી નથી. અદાલતમાં ગુનો પુરવાર કરવા માટે કાનૂની આંટીધૂંટીઓના રસ્તેથી નીકળવું પડે છે અને તેમાં અટવાઇ જવાનો ડર રહે છે, પણ આ લોકોને પક્ષમાંથી હાંકી કાઢવા કે કમ સે કમ તેમની પાસેથી હોદ્દા લઇ લેવા માટે આવા કોઇ પુરાવાની જરૂર નથી. એ સત્તા પક્ષને હસ્તક હોય છે. પરંતુ આવા નેતાઓને ચૂંટણીની ટિકિટો ને હોદ્દા આપવામાં પક્ષનું રુંવાડું પણ ફરકતું નથી. એ તો કોઇ તેમની પર જાહેરમાં જૂતું ફેંકે કે પછી અદાલત તેમની સામેની તપાસ ફરી ખોલાવે ત્યારે પક્ષની જાડી ચામડી માંડ સળવળે છે.

આ કોંગ્રેસનો વિકલ્પ એટલે ભાજપ, જેના વડાપ્રધાનપદના એક ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. ‘ઓપન’ સામયિકના પત્રકાર મનુ જોસેફે લખ્યું હતું તેમ, કોલેજ કક્ષાની ડીબેટ સ્પર્ધાઓ જેવી (છીછરી) કક્ષાની છતાં (કે એટલે જ) અત્યંત લોકપ્રિય બનેલી વક્તૃત્વશક્તિ ધરાવતા નરેન્દ્ર મોદી સામે ૨૦૦૨ની હિંસાની જવાબદારીની વાત આવે એટલે તેમની વાચા હણાઇ જાય છે. રાજનેતાને વડાપ્રધાનપદની વાસના હોય એમાં કશું ખોટું નથી, પણ પોતાની વાસનાને માતૃભૂમિ પ્રત્યેની ૠણચૂકવણીનું લેબલ મારવામાં મનુ જોસેફે કહી છે એ પ્રકારની વક્તૃત્વશક્તિ જોઇએ. ગુજરાતના મુખ્ય મંત્રીને હજુ ૨૦૦૨માં તેમના ‘સુશાસન’માં થયેલી કોમી હિંસાના જવાબો આપવાના બાકી છે. ગુજરાતના તેમની વ્યાખ્યામાં ન આવતા ઘણા ગુજરાતીઓનું ૠણ ચૂકવ્યાં પહેલાં તેમને કેન્દ્રમાં ૠણ ચૂકવવા પહોંચી જવું છે. તેમના પક્ષે કોમી હિંસાનો વસવસો,એ વખતે સરકારી તંત્રની નિષ્ફળતાનો એકરાર અને પછીનાં વર્ષોમાં તેમના બેફામ વાણીવિલાસ અંગેની દિલગીરી સાંભળવાનાં બાકી છે. રહી વાત એમના પક્ષની. તો ગુજરાતના મુખ્ય મંત્રીનું સ્વકેન્દ્રી સ્ટીમરોલર ફરી ગયા પછી ‘કયો પક્ષ?’ એવું પૂછવાની સ્થિતિ આવવાની છે.

 -અને આ બન્ને પક્ષો આપણી પાસે ૨૦૧૪ની ચૂંટણીમાં મત માગવાના છે. લાગે છે કે મન કઠણ કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવી પડશે.

Thursday, May 16, 2013

ડબલસવારી, ટ્રબલસવારી


જગતમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છેઃ દ્વિચક્રી વાહન ચલાવનારા અને એ વાહનની પાછળની સીટ પર બેસનારા. તેમાંથી ફક્ત પાછળની સીટ પર બેસનારાને ‘પરોપજીવી’ કહીને વખોડી કાઢવા જેવા નથી. કારણ કે દ્વિચક્રી વાહનની પાછળની સીટ પર બેસવું એ પણ વાહન ચલાવવા જેવું જ જવાબદારીભર્યું કાર્ય છે. બલ્કે, ઘણી વાર વાહનને ચાલક ચલાવે છે, પણ ચાલકને કોણ ચલાવે? એવો ‘રણજીતપ્રશ્ન’ ઊભો થાય છે. એ વખતે નોંધવું પડે કે વાહનનું ભૌતિક સંચાલન ભલે ચાલક કરતો હોય, પણ તેનું માનસિક અથવા આધિભૌતિક ચાલન પાછળની સીટ પર બેઠેલા જણને હસ્તક રહે છે.

દ્વિચક્રીની પાછળની સીટ પર બેસવાના કામને રોમાંચક ગણવું કે જોખમી, એનો આધાર બેસનારની પ્રકૃતિ અને ચાલકના ડ્રાઇવિંગ પર રહે છે. પરંતુ ‘અંગ્રેજો, ભારત છોડો’ જેવાં સૂત્રો પોકારીને રોમાંચ મેળવવાની તક રહી ન હોય, ત્યારે બાઇક-સ્કૂટરની પાછળની સીટ પર બેસીને રોમાંચનો અનુભવ કરી લેવામાં કશું ખોટું નથી.

દ્વિચક્રી પર બે જણ બેસે તેને ‘ડબલસવારી’ કહેવાનો રિવાજ છે, જે ફક્ત ભાષાના જ નહીં, સંસ્કૃતિના ફ્‌યુઝનનો પણ ઉત્તમ નમૂનો છે. ભાષાનું ફ્‌યુઝન એ રીતે કે ક્યાં અંગ્રેજી ‘ડબલ’ અને ક્યાં  ફારસી ‘સવારી’! અને બે સંસ્કૃતિઓનું ફ્‌યુઝન દર્શાવતાં ડબલસવારીનાં દ્રશ્યો સડકો પર રોજેરોજ જોવા મળે છે. પાયલટની છટાથી બાઇક ચલાવતો યુવાન અને ખતરનાક સ્પીડને કારણે પોતે ચાલકસહિત ઉડી ન જાય એટલી ભીંસથી ચાલકને વળગીને બેઠેલી કન્યા- ફક્ત ત્રીસ વર્ષ પહેલાં આપણા રસ્તા પર આ દૃશ્ય કલ્પી શકાયું હોત? ‘ભારતીય સંસ્કૃતિ’ પ્રમાણે ટ્રાફિકવાળા જાહેર રસ્તા પર છોકરો-છોકરી એક બાઇક પર બેઠાં હોય એ જ લોકોની આંખો ચાર કરવા માટે પૂરતું બની રહેત.  બાઇક પર બેઠેલી છોકરી માટે ‘નફ્‌ફટ’થી માંડીને ‘એ તો છે જ એવી’ સુધીના અભિપ્રાયો અપાયા હોત અને વાતચીતમાં તેનો ઉલ્લેેખ ‘પેલી બાઇકવાળી’ તરીકે થતો હોત.

આ વાત, આગળ કહ્યું તેમ, ત્રણ દાયકા પહેલાંની હતી. હવે શહેર હોય કે ગામડું, યુવાનની કમર જાણે સર્જનહારે હાથ વીંટાળવા માટે જ બનાવી હોય, એટલી સાહજિકતાથી યુવતી ત્યાં હાથ ગોઠવી દે છે. આ પોઝ જોઇને પ્રેમ-શૌર્યના પ્રેમીઓને સંયુક્તાને હરી જતા  પૃથ્વીરાજ ચૌહાણની યાદ આવી શકે છે. બાઇક એટલી ઝડપથી ભાગતી હોય છે કે પાછળ જયચંદની ફોજ પડી હોય એવું લાગે. અલબત્ત, પાછળ બેસનાર જે રીતે ચાલકને વીંટળાય છે, એ જોતાં ક્યારેક કોણે કોનું અપહરણ કર્યું એ નક્કી કરવામાં ગૂંચવાડો થઇ શકે. છોકરી વાહન ચલાવતી હોય અને છોકરો પાછળ બેઠો હોય ત્યારે આવાં દૃશ્યો જોવા મળતાં નથી. (‘ઝીરો ફીગર’પ્રેમી વાહનચાલિકાઓ કહી શકે છેઃ અમારે ‘કમર’ હોય તો હાથ વીંટાળવાનો સવાલ રહે ને.’)

બેક-સીટ રાઇડિંગ એટલે કે દ્વિચક્રીની પાછળની સીટ પર બેસવાનો અનુભવ ‘બેક-સીટ ડ્રાઇવિંગ’ના કોર્સનો પહેલો તબક્કો છે.  પ્રિયતમા તરીકે બેક-સીટ રાઇડિંગનો અનુભવ લીધો હોય, તો લગ્ન થયા પછી બેક-સીટ ડ્રાઇવિંગ કરવાનું પ્રમાણમાં સહેલું પડે છે. બેક-સીટ રાઇડિંગના ગાળા દરમ્યાન પાછળ બેસનાર વ્યક્તિ વાહનના અને વાહન ચલાવનારનો દોરીસંચાર કેવી રીતે થાય છે, તે બરાબર જાણી લે છે. સામાન્યતઃ વાહનનું એક્સલરેટર ચાલકની કમરમાં અને બ્રેક તેના ખભામાં હોવાનું બેક-સીટ રાઇડરોનું તારણ છે.

ચાલકની કમરે હાથ વીંટાળી રાખવામાં પાછળ બેઠેલી પત્ની કે પ્રિયતમાને બે ફાયદા થાય છે  ૧) તેમની વચ્ચે કેટલો પ્રેમ છે, એ બીજા લોકોની નજરમાં સ્થાપિત કરી શકાય છે. ૨) ‘હું પાછળ જ બેઠી છું.’ - એ સત્યની ચાલકને સતત યાદ આપી શકાય છે. એના કારણે, લક્ષ્મણ જેમ સીતાનાં પગનાં આભૂષણો જ ઓળખી શક્યા હતા, તેમ ચાલકે આજુબાજુના ટ્રાફિકમાંથી ફક્ત વાહનો તરફ જ લક્ષ્ય આપવાનું છે અને તેની ચાલકસુંદરીઓ તરફ આંખ ઉઠાવીને પણ જોવાનું નથી, એવો સંદેશ વાયરલેસ ઢબે સતત પ્રસારિત કરી શકાય છે.

દ્વિચક્રીની પાછળ બેસવાની મુખ્ય બે પદ્ધતિઓ છેઃ ચાલકને અગવડ પડે એવી અને બેસનાર માટે અગવડદાયક. બન્ને પગ એક બાજુ પર રહે એવી ‘સાઇડ’ પદ્ધતિ બેસનારને બહુ સહેલી લાગે છેઃ   પગથીયું ચડતા હોય એટલી સહેલાઇથી એ રીતે વાહન પર બેસી શકાય છે, પરંતુ સવારી વાહન પર બેસે ત્યારે સઘળો ભાર એક તરફ આવી જવાને લીધે ચાલક પડું પડું થઇને એ બાજુ ઝૂકી જાય છે. બેસનારને લાગે છે કે ચાલકે વિવેક કરીને બેસતાં ફાવે એટલે વાહન એ તરફ નમાવ્યું છે. એટલે તે ચાલકનો આભાર માનીને કહે છે, ‘બસ, હવે બેસી ગયો. સરખું કરી લો.’ ત્યાં સુધીમાં ચાલક અસમતુલાના આઘાતમાંથી બહાર આવીને સ્કૂટરનું અને દિમાગનું સંતુલન પાછું મેળવી ચૂક્યો હોય છે. એટલે તે સવારીને પૂછે છે, ‘જવા દઉં?’ કેટલીક પ્રો-એક્ટિવ સવારીઓ બેઠા પછી તરત ચાલકને કહે છે, ‘લઇ લો.’ એ વખતને ચાલકને પૂછવાનું મન થઇ જાય છે, ‘મીટરથી કે ઉચ્ચક?’

બીજી ‘વચ્ચે’પદ્ધતિ ચલાવનારને બહુ અનુકૂૂળ પડે છે, કારણ કે તેમાં બેસનારનું વજન બન્ને બાજુ વહેંચાઇ જાય છે. પણ બેસનાર ઉંમરલાયક હોય કે પછી અમુક પ્રકારનાં વસ્ત્રો તેમણે પહેર્યાં હોય તો, ‘વચ્ચે’ બેસવાની પ્રક્રિયા તેમને ઘોડો કે ઊંટ પલાણવા જેવી અટપટી લાગે છે. પહેલાં તે વાહનની પાછળની બેઠક પર ત્રાટક કરીને તેની લંબાઇ, પહોળાઇ, ક્ષેત્રફળ, જમીનથી તેની ઊંચાઇ, ફૂટરેસ્ટથી તેનું અંતર જેવાં વિવિધ પરિબળોનો ક્યાસ કાઢે છે. પછી પદ્ધતિસર, પગથિયાંવાર આરોહણ કરવું કે એક પગે ઠેકડો મારીને સીઘું પાછળની સીટ પર લાંગરવું, એ વિશે તે વિચારે છે. આ બધા મનોવ્યાપારથી અનભિજ્ઞ ચાલક પૂછે છે, ‘બેસી ગયા?’ જવાબ ‘ના’ મળે, એટલે ચાલક કહે છે, ‘આ તો શું છે કે તમે વચ્ચે બેસો તો બેઠા કે નહીં, એ પણ ખબર ન પડે. એટલે પૂછવું પડ્યું.’

ચાલક તરફથી મળેલા આવા સંકેત પછી બેસનાર ફરી મન મક્કમ કરે છે અને મિશન પર જતાં પહેલાં છેલ્લો વિચાર કરી લેનારા કમાન્ડોની જેમ તે મનોમન ગણતરી માંડે છે અને સીટ પર બેસી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ક્યાંક પગ ખેંચાઇ જાય કે કમર ચસકી જાય કે બેઠા પછી પગને ખાલી ચઢી જાય, તો પણ ચાલકના હિતાર્થે એક યોદ્ધાને છાજે તેમ પાછળ બેસનારા તે ચૂપચાપ સહી લે છે. એ દર્દ અસહ્ય બને ત્યારે જ ‘એક મિનીટ, એક મિનીટ, જરા સાઇડ પર ઊભી રાખવી પડશે’ જેવો આર્તનાદ કરવો પડે છે. ચાલક ચિંતાથી કારણ પૂછે, ત્યારે ખબર પડે છે કે આરોહણ વખતે થયેલી એકાદ ખોટી હિલચાલ જવાબ માગી રહી છે.

પહેલાં સ્કૂટર કે બાઇક ન હતાં, ત્યારે સાઇકલ પર ડબલસવારીનો મહિમા હતો. સાઇકલની પાછળના ‘કેરિયર’  પર પ્રિયતમાને બેસાડીને સાયકલ ચલાવવી, એ ત્યારે અંગ્રેજોની કોઠી પર ત્રિરંગો ફરકાવવાની કક્ષાનો વિદ્રોહ ગણાતો હતો. પ્રિયતમ ઉત્સાહથી પેડલ મારતો અને ખરબચડા કેરિયર પર બેઠેલી પ્રિયતમા ગમે તેવા ઉબડખાબડ રસ્તા પર ચૂં કે ચાં કર્યા વિના સંસારના શ્રેષ્ઠ સુખનો અનુભવ કરતી હતી. મોપેડનો જમાનો આવ્યા પછી પેડલ મારવાની મજૂરી ઓછી થઇ, પણ ચાલકનું ટેન્શન વધી ગયું. ડબલસવારીમાં ભૂલેચૂકે સાયકલ પરથી પડી જવાય તો વાગવાની બહુ ચિંતા રહેતી ન હતી. મોપેડમાં ચાલકને સતત એવો ડર રહેવા લાગ્યો કે એક વાર મોપેડ ઉભું રાખ્યા પછી પાછળ રહેલા વજનથી મોપેડ ફરી નહીં ઉપડે તો? એ જ રીતે, પાછળ બેસનારને ‘હમણાં મોપેડ ઉભું રહી જશે અને મારે નીચે ઉતરીને ધક્કા મારવા પડશે’  એવી ધાસ્તી રહેતી હતી. એટલે બેક-સીટ રાઇડિંગની ખરી મઝા બાઇક-સ્કુટરના યુગથી શરુ થઇ. પાછળની સીટ પર બેસનારે હેલ્મેટ પહેરવી જોઇએ એવો અરસિક કાયદો કાઢવામાં આવ્યો છે, પરંતુ વર્ષો પછી મળેલી બેક સીટ રાઇડિંગની મઝાની હેલ્મેટ પહેરીને કુરબાની આપવાને બદલે, પાછળની સીટ પર બેસનારા પોતાના જીવ પર ખેલી જવાનું વધારે પસંદ કરે છે.

Wednesday, May 15, 2013

દુભાયેલા પોપટોની સભાનો અહેવાલ

સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને પિંજરામાં પુરાયેલા પોપટ જેવી ગણાવી અને કહ્યું કે એ માલિકો શીખવાડે એટલું જ બોલે છે. સર્વોચ્ચ અદાલત જેવી જવાબદાર સંસ્થાના મોઢેથી આવી અપમાનજનક વાત સાંભળીને પોપટસમાજમાં ખળભળાટ મચી ગયો. આ વિધાનને વખોડતું એક નિવેદન બહાર પાડવાની સમાજના અગ્રણીઓની ઇચ્છા હતી, પણ એટલું અપૂરતું લાગતાં તેમણે જંગી જાહેરસભાનું આયોજન કર્યું.(કોઇ સભા ભરાયા પહેલાં જ તેને કેવી રીતે જંગી કહી શકાય, એવો સવાલ અસ્થાને છે.)

પોપટસમાજની અસ્મિતાનો પ્રશ્ન હતો. આજ સુધી મનુષ્યોએ એકબીજાને ઉતારી પાડવા - કે ચઢાવીને પાડવા- સામાન્ય રીતે કૂતરો, ગધેડું, ઘોડો, ઊંટ, ભેંસ, ગાય, શિયાળ, સિંહ, વાઘ, ખચ્ચર જેવાં પ્રાણીઓને સરખામણી તરીકે વાપર્યાં છે. તેમાં પોપટનો વારો બહુ ઓછો આવે છે. એ કારણથી પણ પોપટસમાજમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું હતું.

સભાના દિવસે ભારતભરમાંથી પોપટો ઉમટી પડ્યા. સભાનું પ્રમુખસ્થાન પોપટની જેમ- એટલે કે, પોપટની જેમ બોલતા માણસની જેમ - શેરોશાયરી બોલી શકતા એક પોપટને સોંપવામાં આવ્યું. એ પોપટને ભળતાસળતા રંગનો ઝભ્ભો મળ્યો ન હોવાથી તે સંચાલન કરતાં શરમાતો હતો. પછી બીજા અનુભવી પોપટોએ તેને સમજાવ્યો કે તારે ક્યાં મુશાયરાનું કે સુગમ સંગીતના કાર્યક્રમનું સંચાલન કરવાનું છે કે ઝભ્ભો પહેરવો પડે. એટલે તે માની ગયો અને શરમ વિશેના બે-ચાર શેર શોધવામાં લાગી પડ્યો.

સભાના આરંભે ‘મારાં વહાલાં પોપટસમાજનાં ભાઇઓ અને બહેનો’ એવા સંબોધનથી પોપટે શરૂઆત કરી. તરત ‘આ તો વિવેકાનંદના વહેમ મારે છે’ એવો ગણગણાટ શરૂ થયો. પછી બધાને ખ્યાલ આવ્યો કે આ પોપટ ગાંધીનગર સાથે જીવંત સંપર્ક ધરાવનારો છે. એટલે હજુ વિવેકાનંદનાં સરકારી ઉજવણાંના માહોલમાંથી બહાર નીકળ્યો લાગતો નથી.

ગણગણાટ શાંત પડ્યો એટલે પોપટે આગળ ચલાવ્યું, ‘આજે આપણે શા માટે એકઠા થયા છીએ એ કહેવાની જરૂર છે?’ જવાબમાં એક પોપટ ધીમેથી બોલ્યો, ‘શા માટે ભેગા થયા એ કહેવાની જરૂર નથી, પણ આ કાર્યક્રમમાં સંચાલક તરીકે તને કોણે બોલાવ્યો એ કહેવાની જરૂર છે.’

એ સાથે જ સભામાં હાસ્ય ફેલાઇ ગયું. સંચાલક પોપટને પણ ન છૂટકે નિખાલસતાના પ્રદર્શન તરીકે હસવું પડ્યું. એટલે મંચ પર બેઠેલા એક અગ્રણીએ માઇક સંભાળી લીઘું. તેમણે કહ્યું, ‘આપણા પોપટોની આ જ ખાસિયત છે. આપણે જાત પર હસી શકીએ છીએ અને લાગણી દુભાવાની ફરિયાદો લઇને કોર્ટકચેરીમાં જતા નથી. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે કોર્ટકચેરીમાં નથી જતા, તો કોર્ટકચેરી આપણી પાસે આવે છે. તમે જ કહો. માણસની સુપ્રીમ કોર્ટને આપણી બાબતમાં માથું મારવાનો શો અધિકાર છે?’

એ સાથે જ ઓડિયન્સમાંથી પોકાર ઉઠ્યો, ‘શો અધિકાર છે? કોઇ અધિકાર નથી. શરમ...શરમ...’

અગ્રણી પોપટે આગળ ચલાવ્યું,‘મારી આપ સૌ સમક્ષ દરખાસ્ત છે કે આપણે સર્વોચ્ચ અદાલત પર માનહાનિનો દાવો માંડીએ અથવા એની પર કેસ કરીએ. શું કહો છો તમે લોકો?’

આ દરખાસ્ત સાંભળીને ઓડિયન્સ વહેંચાઇ ગયું. કેટલાકનો અભિપ્રાય હતો કે સારા માણસો કોર્ટકચેરીના ચક્કરમાં પડતા નથી અને એમાંય સુપ્રીમ કોર્ટની તો વાત જ મુકી દો. અચ્છાખાસા માણસો સુપ્રીમ કોર્ટના ધક્કા ખાતા થઇ જાય એટલે થોડા વખતમાં ગળાના કાંઠલા સિવાયનાં બધાં કપડાં ઉતરી જાય છે. દિલ્હીના એક પોપટે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટમાં વકીલો આપણી જેમ- એટલે કે પોપટની જેમ- ગળે કાંઠલા પહેરીને, આપણી જેમ જ ફટાફટ અંગ્રેજીમાં દલીલો કરે છે. કદાચ એ આપણને જાતભાઇ ગણીને ફી ઓછી કરે.’

આ સૂચન અનુભવી પોપટોએ એમ કહીને ઉડાવી દીઘું કે ‘બેટા, તને વકીલોનો અનુભવ લાગતો નથી. એટલે તને આવા ઉદાર વિચારો આવે છે.’

સર્વોચ્ચ અદાલત સામે કેસ થઇ શકે કે કેમ, એ વિશે વિદ્વાન પોપટો ચર્ચા કરવા લાગ્યા. એક પોપટે કહ્યું કે ‘આપણે બંધારણના નિષ્ણાત એવા કોઇ પોપટને- એટલે કે પોપટની જેમ ધાણીફૂટ બોલી શકે એવા કોઇને- મળીને સલાહ લેવી જોઇએ.’ ટીવી સ્ટુડિયોની આસપાસ આંટાફેરા મારતા એક પોપટે કહ્યું કે ‘નિષ્ણાતોની પસંદગીમાં કાળજી રાખજો. ભૂલથી ટીવી સ્ટુડિયોનો કોઇ નિષ્ણાત ન આવી જાય. નહીંતર એ કાબરની જેમ કકળાટ કરી મૂકશે અને આપણને કશું જાણવા મળશે નહીં. એ બધા ટોક શોમાં ચાલે. એમની સલાહ-બલાહ ના લેવાય.’

ત્યાં જ એક માર્કેટિંગ ક્ષેત્રનો પોપટ આવી ચડ્યો. ઘણા પોપટો માર્કેટિંગમાં ગયા પછી વાતેચીતે માણસ જેવા થઇ જતા હતા, જેમ ઘણા માણસો માર્કેટિંગમાં ગયા પછી પોપટની જેમ પઢાવેલી ચીજોનું રટણ કરતા થઇ જાય છે. માર્કેટિંગના પોપટે આવીને ખોંખારો ખાધો અને ‘ફ્રેન્ડ્‌ઝ’ કહીને વાતની શરૂઆત કરીઃ ‘તમને કહી દઉં કે હું પાંચ વર્ષથી માર્કેટિંગનું કરું છું અને એટલા વખતમાં મને સમજાઇ ગયું છે કે આપણો પોપટસમાજ કેમ કદી ઊંચો આવતો નથી. બલ્કે હું તો એમ કહું છું કે આપણો પોપટસમાજ કદી ઊંચો નહીં આવે.’

આવું આત્યંતિક વિધાન સાંભળીને પોપટસભામાં સન્નાટો છવાઇ ગયો. બે-ચાર વડીલ પોપટો ઘડીમાં એકબીજા સામે, તો ઘડીમાં માર્કેટિંગવાળા પોપટની સામે જોવા લાગ્યા. એટલે તેણે આગળ ચલાવ્યું. ‘તમને લોકોને કંઇ ભાનબાન પડે છે કે એમ જ વિરોધ કરવા હાલી નીકળ્યા છો?’

એટલે એક ડાહ્યો પોપટ કહે, ‘તું કેવી વાત કરે છે? વિરોધ કરવા માટે ભાન પડવાની શી જરૂર? ગુજરાત સરકારે જસવંતસિંઘની ચોપડી ઉપર કે કેન્દ્ર સરકારે રશદીની ચોપડી પર પ્રતિબંધ મુક્યો, તે સરકારને ચોપડીઓમાં શું ભાન પડ્યું હશે? વાંચી હોય તો ભાન પડે ને?’

માર્કેટિંગવાળાએ વાતને અધવચ્ચેથી કાપીને કહ્યું, ‘આપણી ગાડી આડા પાટે લઇ જવાની જરૂર નથી. મારો મુદ્દો સાવ સીધોસાદો છે. સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને પિંજરામાં પુરાયેલા પોપટ સાથે સરખાવી એમાં આપણું શું ખસી ગયું?’

એક વડીલ પોપટ બોલ્યા, ‘તારામાં સ્વમાન જેવું કંઇ મળે કે નહીં? કોઇ આપણા નામે બીજાને ગાળ દઇ જાય અને તું પૂછે છે કે આપણું શું ખસી ગયું? મને તો તારું જ ખસી ગયેલું લાગે છે.’

માર્કેટિંગવાળા પોપટે  ધ્રુવપ્રદેશ પર રેફ્રિજરેટર વેચવા માટે હોય એવા સ્મિત સાથે વડીલને કહ્યું, ‘તમારો રોષ હું સમજું છું, પણ નવા જમાનાનો તકાદો તમે નથી સમજતા. તમે દિલ્હી-મુંબઇમાં છાપાં-ચેનલોમાં ફર્યા છો? તમને ખબર છે છાપામાં એક કોલમ સેન્ટીમીટરનો કે ચેનલમાં પંદર સેકન્ડનો શો ભાવ હોય છે? તમને ખબર છે, ભલભલા લોકો છાપાં ને ચેનલોમાં દેખાવા માટે સામેથી રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે? તમને ખબર છે, મીડિયામાં આપણું જેટલું કવરેજ થયું એટલું તમે ખરીદવા જાવ, તો આપણા આખા સમાજની આખા જન્મારાની કમાણી ઓછી પડે? ’

પોતાના ‘ફન્ડા’ની ધારી અસર પડી રહી છે એવું લાગતાં માર્કેટિંગવાળા પોપટે આગળ ચલાવ્યું, ‘મફતની પબ્લિસિટી મળી રહી છે, તો લઇને બેસી રહો. બાકી મીડિયાનો ટેકો ન હોય તો શું થાય, એ પૂછી આવો પેલા અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલને.’

મોટા ભાગના પોપટો માર્કેટિંગવાળા પોપટની વાત સાથે સંમત થઇ જતાં સભા તો ચાલુ રહી, પણ ત્યાર પછી સર્વોચ્ચ અદાલતને આપવાના માનપત્રનો મુસદ્દો ઘડાવા લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Tuesday, May 14, 2013

ભારતમાં ભ્રષ્ટાચારઃ એક બાળવાર્તા


દેશના સર્વોચ્ચ કાયદા અધિકારીનું સર્વોચ્ચ અદાલતમાં જૂઠાણું, કાયદામંત્રીના કોઠાકબાડા,  રેલવેમંત્રીની લાગવગલીલા, સીબીઆઇને પિંજરાનો પોપટ ગણાવતો સર્વોચ્ચ અદાલતનો ઠપકો, કેન્દ્ર સરકારના બબ્બે મંત્રીઓનું મોડેમોડે રાજીનામું, વડાપ્રધાનની કચેરી તરફ મંડાયેલી આંગળી અને આ બધા વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસની ચોખ્ખી જીત- આ ઘટનાક્રમ એવો એબ્સર્ડ છે કે તેના વિશે ગંભીરતાથી વાત કરવાનું અઘરૂં લાગે. ક્યાંથી શરૂઆત કરવી એ સમજાય નહીં. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારના ઇતિહાસ- વર્તમાન વિશેની વાત બાળવાર્તાના સીધાસાદા-નિર્દોષ સ્વરૂપમાં કરી જોઇએ.
***
 ભારતનગર નામે એક રાજ્ય હતું. ત્યાં એક રાજા હતો. રાજા-રાણીને લગ્નનાં ઘણાં વર્ષ પછી કુંવરી અવતરી. જન્મ રાજાને ત્યાં થયો, પણ ઉત્સવ પ્રજાએ ઉજવ્યો. કારણ કે એ પ્રજા હતી. લોકોએ રોશની કરીને કુંવરીના જન્મનો ઓચ્છવ મનાવ્યો. રાજાએ કુંવરીનું નામ પાડ્યું લોકશાહી.

રાજા-રાણી કુંવરીને લાડકોડથી ઉછેરતાં હતાં. પ્રજાને પણ કુંવરી બહુ વહાલી હતી. સૌને આશા હતી કે કુંવરી મોટી થઇને રાજાનું અને રાજ્યનું નામ રોશન કરશે. રાજાએ કુંવરીને ભણાવવા માટે ઉત્તમ શિક્ષકો રોક્યા. એ લોકો કુંવરીને ‘બંધારણ’ નામના ધર્મગ્રંથમાંથી વાર્તાઓ સંભળાવતા હતા. તેમને લાગતું હતું કે આમ કરવાથી કુંવરી પર સારા સંસ્કાર પડશે અને મોટી થઇને આદર્શ બની રહેશે.

ઉંમર વધતાં કુંવરીમાં ઉંમરનાં લક્ષણ પ્રગટવા લાગ્યાં. કુંવરી એક યુવકના પ્રેમમાં પડી. એનું નામ હતું ભ્રષ્ટકુમાર. એના વિશે થોડુંથોડું સૌ કોઇ જાણતું હતું, પણ તે ક્યાંનો રહેવાસી છે અને તેનાં માબાપ કોણ એની ચોક્સાઇપૂર્વક કોઇને ખબર ન હતી. શરૂઆતમાં ભ્રષ્ટકુમાર સાથે કુંવરી લોકશાહીના સંબંધની વાતો છાનીછપની અને ગુસપુસ સ્વરે થતી. પરંતુ  રાજાના મૃત્યુ પછી તેમનાં રાણીનું રાજ આવ્યું. ત્યારથી કુંવરી પર કોઇ જાતનો અંકુશ ન રહ્યો. કુંવરી લોકશાહી ભ્રષ્ટકુમારને લઇને છડેચોક ભારતનગર રાજ્યમાં ફરવા લાગી. રાણીમાને એનો કશો વાંધો ન હતો. કારણ કે ભ્રષ્ટકુમારની માયામાં પડેલી કુંવરીને રાજગાદી તરફ જોવાની ફુરસદ ન હતી. રાણીને કુંવરીનાં લક્ષણ સાથે નહીં, ફક્ત પોતાની  સત્તા ટકી રહે એની સાથે મતલબ હતો.

કુંવરી નાની હતી ત્યારથી એક આયા તેની દેખરેખ રાખતી હતી. તેણે સગી મા કરતાં વધારે કાળજીથી કુંવરીનો ઉછેર કર્યો. એ આયાનું સાચું નામ કોઇ જાણતું ન હતું, પણ સૌ એમને ચૂંટણીબા કહેતાં હતાં. જૂના લોકો કહેતા હતા કે કુંવરીના શિક્ષકો કુંવરી પર કાયમી દેખરેખ રાખવા માટે ચૂંટણીબાને મૂકી ગયા છે.

પહેલી આફત

ચૂંટણીબા શરૂઆતમાં કુંવરીને, રાણીમાને અને બીજા સૌને વહાલાં હતાં. કુંવરી મોટી થવા લાગી એટલે ચૂંટણીબા સૌથી પહેલાં રાણીમાને ખટકવા લાગ્યાં. તેમને શંકા પેઠી કે ચૂંટણીબાનો પ્રભાવ ક્યારેક પોતાની એકહથ્થુ સત્તા માટે મુશ્કેલી પેદા કરશે. એટલે તે કટોકટીબાઇ નામની બીજી ગવર્નેસ લઇ આવ્યાં.

કટોકટીબાઇ બહુ કડક હતાં. તેમને કુંવરીની કશી ચિંતા ન હતી. રાણીમા એક જ એમનાં માલિક અને એ ફક્ત રાજમાતાને વફાદાર. તેમના હુકમોનું આંખ મીંચીને પાલન કરવું એ જ કટોકટીબાઇનું કામ હતું. તેમણે કુંવરી લોકશાહી સાથે જ નહીં, ચૂંટણીબા અને રાજ્યનાં બીજાં નાગરિકો સાથે ભારે કડકાઇથી કામ લીઘું. વાતેવાતે એ સૌને ધીબેડી પાડતાં હતાં.

નવી ગવર્નેસનો ત્રાસ કુંવરીને આકરો લાગ્યો. પણ એ કશું કરે તે પહેલાં કટોકટીબાઇએ કુંવરીને કોટડીમાં પુરાવ્યાં. રાજમાતાના કહેવાથી કટોકટીબાઇએ આખા રાજ્યમાં ઢંઢેરો પિટાવ્યોઃ ‘કુંવરી લોકશાહી હજુ પૂરેપૂરાં સમજુ નથી. તેમને આઝાદ રાખવામાં જોખમ છે. તેમની સલામતીનો વિચાર કરીને અમે તેમને સુરક્ષિત સ્થળે રાખ્યાં છે. યોગ્ય સમયે એમને ફરી બહાર કાઢવામાં આવશે. ત્યાં સુધી કુંવરીબા ઝિંદાબાદ, રાજમાતા ઝિંદાબાદ. આપણું રાજ્ય ઝિંદાબાદ.’

નવી ગવર્નેસ કુંવરીને બહુ વીતાડે છે, એવી વાતો લોકો અંદરોઅંદર કરતા. કુંવરી પરના અત્યાચારની કથાઓ સાંભળીને લોકોના મનમાં પહેલાં કુંવરી વિશે દયા જાગી. પછી માન પેદા થવા લાગ્યું. સાથે, રાણીમા પ્રત્યે અસંતોષ પેદા થયો. ચબરાક રાણીમાને એકાદ-બે વર્ષમાં સમજાઇ ગયું કે કુંવરીને કેદ રાખવા કરતાં છૂટી રાખવામાં વધારે ફાયદો છેઃ  કેદ રાખવાથી આપણી બદનામી થાય છે અને એનો ભાવ વધે છે. એને બદલે કુંવરીને છૂટી રાખીશું તો કોઇ એનો ભાવ નહીં પૂછે. ઉલટું, લોકો એની જ કુથલી કરશે.

આમ વિચારીને, એક વાર લોકોનો રોષ વેઠવાની તૈયારી સાથે રાણીમાએ કુંવરીને છોડી મૂકી. તેને કેદમાં પુરનાર નવી ગવર્નેસને રવાના કરી. રાજી થયેલા લોકોએ કુંવરીનો જયજયકાર બોલાવ્યો. નારાજ થયેલાં ચૂંટણીબાએ જૂની વર્તણૂંક બદલ રાજમાતાને ઠપકો આપ્યો, પણ પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.

ભ્રષ્ટકુમારના ભેદભરમ

આ બધો સમય કુંવરી લોકશાહીનો જૂનો પ્રેમી ભ્રષ્ટકુમાર સહીસલામત હતો. કુંવરી જેલમાંથી બહાર આવી એટલે ફરી બન્નેનું પ્રકરણ ચાલુ થયું. શરૂઆતમાં લોકોને લાગતું કે ભ્રષ્ટકુમાર કુંવરીનો પાલવ પકડીને ફરે છે. પણ થોડા વખતમાં કુંવરી ભ્રષ્ટકુમારની આગળપાછળ ફરતી હોય એવું લાગવા માંડ્યું. ભ્રષ્ટકુમાર પાકો ખેલાડી હતો. તેણે ચૂંટણીબા સહિત કુંવરીનાં સૌ હિતેચ્છુઓને એવાં પલાળ્યાં કે એ પણ તેની આંખે દેખતાં થઇ ગયાં. જૂની આબરૂને કારણે ઘણા વખત સુધી લોકો ચૂંટણીબા પર ભરોસો મૂકતા હતા અને એ છે ત્યાં સુધી કુંવરી સલામત છે એવું માનતા હતા.

ધીમે ધીમે લોકોને સમજાવા લાગ્યું કે ચૂંટણીબા હવે ભ્રષ્ટકુમારની ભાષામાં બોલે છે. એટલે એમની વાતો પર વિશ્વાસ મુકી શકાય નહીં. રાજ્યમાં છડેચોક એવી વાતો સંભળાતી હતી કે ભ્રષ્ટકુમારે કુંવરીને રાજ્યના પાટનગરથી દૂર એકદંડિયા મહેલમાં પૂરી દીધી છે. કિલ્લા જેવા એ મહેલમાંથી રાત્રે કુંવરીના રોવાનો અવાજ આવતો હોય, એવો ભાસ પણ ઘણાને થતો હતો.

 ભ્રષ્ટકુમારનો મહેલ ખરેખર ક્યાં આવ્યો એની કોઇને ખબર ન હતી. ત્યાં પહોંચવાનું લગભગ અશક્ય છે, એવી પણ વાતો થતી હતી. રાજ્યના એક વૃદ્ધ અને એક (તેમની સરખામણીમાં) જુવાન જણ મોટા ઉપાડે ભ્ર્રષ્ટકુમાર સામે જંગ ખેલવા નીકળ્યા ત્યારે પ્રજાએ તેમને ખભે બેસાડ્યા હતા. પણ એ બન્ને જણ ડોન કિહોટે- સાન્કો પાન્ઝા જેવા પુરવાર થયા.

ન્યાયચંદ્રની કૂચ

કુંવરી પરના અત્યાચારોની વાત સાંભળીને પાટનગરમાં રહેતા ન્યાયચંદ્રનું લોહી ઉકળી ઉઠ્યું. ન્યાયચંદ્ર ઉત્સાહી યુવક હતો. કોઇને કહ્યા વિના કે ડોન હઝારે- અરવિંદ પાન્ઝા જેવું કંઇ કર્યા વિના તેણે ભ્રષ્ટકુમારના મહેલનો રસ્તો લીધો. વચ્ચે અડચણો અને ખતરાનો પાર ન હતો. ન્યાયચંદ્રને એક વિશાળ, કદી પૂરું ન થાય એવું લાગતું મેદાન પસાર કરવું પડ્યું. તે કોમનવેલ્થ ગેમ્સની મેરેથોન સ્પર્ધાના બહાને બાંધવામાં આવ્યું હતું. કુંવરી લોકશાહીને ત્યાંથી ઢસડીને લઇ જવાઇ હોય એવાં ચોખ્ખાં નિશાન ન્યાયચંદ્રને દેખાયાં. આગળ જતાં એક મોટું બિલ્ડિંગ આવ્યું. તેનું નામ ‘આદર્શ’ હતું. તેની બહાર કુંવરીનાં વસ્ત્રોમાંથી કેટલાક લીરા પડ્યા હતા. એ જોઇને ન્યાયચંદ્રનો જીવ કકળી ઉઠ્યો અને તે દાંત ભીંસીને આગળ વઘ્યો.

થોડે આગળ ગયા પછી અચાનક ન્યાયચંદ્રનો જીવ મુંઝાવા લાગ્યો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. હવામાં જુદા પ્રકારના તરંગો વહેતા હતા. એ ભ્રષ્ટકુમારની સ્પેક્ટ્રમ-લીલા હતી. ભલભલા એ વિસ્તારમાંથી પસાર થતાં દિશાભાન ભૂલીને ભટકી જતા હતા. ત્યાંથી પસાર થતાં કુંવરી લોકશાહીનાં થોડાં આભૂષણ જમીન પર પડેલાં મળ્યાં. તેનાથી ખ્યાલ આવ્યો કે આ જગ્યા વટાવતી વેળા કુંવરીએ ભ્રષ્ટકુમારની પકડમાંથી છટકવાનો ઘણો પ્રયાસ કર્યો હશે.

આ બધા અવરોધ પસાર કર્યા પછી ન્યાયચંદ્ર હાર્યો ન હતો, પણ તેને થાક લાગ્યો હતો. તેને થયું કે હવે તો ભ્રષ્ટકુમારનો મહેલ આવવો જોઇએ. એને બદલે એની સામે આવી મસમોટી કોલસાની ખાણ. જ્યાં જુઓ ત્યાં કોલસો જ કોલસો. કાળોભમ્મર કોલસો. એની પર કુંવરી લોકશાહીના વાળ અને થોડા વસ્ત્રો મળી આવ્યાં, જેનાથી ખ્યાલ આવ્યો કે અહીં ભ્રષ્ટકુમારે કુંવરીને કાબૂમાં રાખવા માટે કદાચ હાથ ઉપાડ્યો હશે.

કોલસાનો પ્રદેશ માંડ પૂરો થયો, ત્યાં રેલવેના પાટા આવ્યા. ક્યાંય સુધી એનો છેડો દેખાય જ નહીં. પણ ન્યાયચંદ્રે નિર્ધાર કર્યો હતો કે તે કુંવરી લોકશાહીને ભ્રષ્ટકુમારના પંજામાંથી છોડાવવા બધો પ્રયાસ કરી છૂટશે. પાટે પાટે ચાલતો, અથડાતોકૂટાતો આખરે એ ભ્રષ્ટકુમારના મહેલે પહોંચ્યો.

ભ્રષ્ટકુમારના મહેલમાં

ભ્રષ્ટકુમાર વિશે એવું કહેવાતું હતું કે તે અમર છે. તેની પાસે જાદુઇ શક્તિ છે. જે તેની સામે લડવા આવે એ સૌ તેના ચાકર બની જાય છે. ન્યાયચંદ્રના દાદા ન્યાયાધીશ હતા. ભ્રષ્ટકુમાર સામે તે લડી અને હારી ચૂક્યા હતા. પણ લડાઇ વખતે જાણવા મળેલું એક રહસ્ય તેમણે ન્યાયચંદ્રને સમજાવ્યું હતું. રહસ્ય એ હતું કે ભ્રષ્ટકુમારના મહેલમાં સોનાનું એક પિંજરું હતું. તેમાં એક પોપટ પુરાયેલો હતો. એ પોપટ હકીકતમાં એક રાજકુમાર હતો, જેને જૂના વખતના શિક્ષકોએ ભ્રષ્ટકુમાર સામે લડવા મોકલ્યો હતો. પણ કપટી ભ્રષ્ટકુમારે તેને પોપટ બનાવીને પિંજરામાં પુરી દીધો. એ રાજકુમાર-કમ-પોપટનું નામ હતું સીબીઆઇ.

ન્યાયચંદ્રના દાદાએ તેને કહ્યું હતું કે એ પોપટ જ્યાં સુધી પાંજરે પુરાયેલો છે ત્યાં સુધી ભ્રષ્ટકુમારનું કશું બગાડી શકાય એમ નથી. ભ્રષ્ટકુમારને હંફાવવો હોય- શરણે લાવવો હોય તો ગમે તેમ કરીને પોપટને પાંજરામાંથી મુક્ત કરવો પડશે. પાંજરામાંથી બહાર આવતાં જ એ ફરી રાજકુમાર બની જશે અને ભ્રષ્ટકુમાર સામે લડવામાં કામ લાગશે. પરંતુ એ જ્યાં સુધી પાંજરામાં છે ત્યાં સુધી ભ્રષ્ટકુમાર એકદમ સલામત છે.
***

પછી શું થયું? ન્યાયચંદ્ર અને ભ્રષ્ટકુમાર વચ્ચેની લડાઇનો શો અંજામ આવ્યો? પોપટને ભ્રષ્ટકુમારના પાંજરામાંથી છૂટો કરવામાં ન્યાયચંદ્રને સફળતા મળી? ભ્રષ્ટકુમારની જેલમાં રહીને કરમાઇ ગયેલી કુંવરી લોકશાહીનું પછી શું થયું?

લડાઇ ચાલુ છે અને વાર્તા અઘૂરી છે. બે મંત્રી-કમ-સંત્રીને પરાસ્ત કરીને ન્યાયચંદ્ર પોપટના પિંજરા સુધી પહોંચી ગયો છે, પણ પિંજરા પરનું સોનેરી તાળું ઉઘાડીને પોપટને મુક્ત કરવામાં તેને સફળતા મળે છે કે નહીં, એ હજુ જોવાનું રહે છે.

Monday, May 13, 2013

એકવીસમી સદીમાં ગાંધીવિચાર, સામયિકો સ્વરૂપે

Mahatma Gandhi (courtesy: The Hindu)
ગાંધીજી વિશે પૂછાતા સૌથી રમુજી પ્રશ્નોમાંનો એક છેઃ ‘ગાંધીજીના વિચારોની અત્યારે પ્રસ્તુતતા કેટલી?’ અથવા ‘ગાંધીજી અને એમના વિચાર અત્યારના આઇટી યુગમાં કે ગ્લોબલાઇઝેશન-વૈશ્વિકીકરણના જમાનામાં ચાલે?’

આવું પૂછનારાની ગાંધીજી વિશેની જાણકારી મર્યાદિત, સગવડીયા અથવા પૂર્વગ્રહયુક્ત હોવાની શક્યતા પૂરેપૂરી. કારણ કે ગાંધીજીનાં થોડાં લખાણ પણ વાંચ્યાં હોય એવા લોકોને એમાં રહેલાં લાઘવ, સ્પષ્ટતા, સોંસરવાપણું, વૈચારિક પ્રામાણિકતા, લાગણી અને ઊંડી નિસબત સ્પર્શ્યા વિના ન રહે. જેમના કેટલાક કે ઘણા વિચાર સાથે અસંમતિ હોય છતાં તેમને ચાહી શકાય એવા જૂજ મહાનુભાવોમાં ગાંધીજીનો સમાવેશ થાય છે. મૃત્યુના દાયકાઓ પછી પણ જેમના વિશેની લોકોની જિજ્ઞાસા શમતી નથી અને જેમનું ‘બજાર’ કદી મંદીમાં આવતું નથી, એવી થોડી વૈશ્વિક હસ્તીઓમાં ગાંધીજીનું સ્થાન છે- અને આવા માણસની માતૃભાષા ગુજરાતી હતી, તેમનાં ઘણાં પહેલી ધારનાં લખાણ ગુજરાતીમાં અવતર્યાં હતાં, એ અહેસાસ કોઇ પણ ગુજરાતીપ્રેમીના મનમાં ધન્યતાની લાગણી પેદા કરી શકે છે.

હકીકત એ પણ છે કે ‘બુદ્ધના બિહાર’ની જેમ ‘ગાંધીનું ગુજરાત’ એ પણ મોટે ભાગે મહેણું મારવા માટે વપરાતો શબ્દપ્રયોગ બનીને રહી ગયો છે- અને એમાં વાંક બુદ્ધ કે ગાંધીનો નથી. ગાંધીજીની જન્મશતાબ્દિ નિમિત્તે ગુજરાતમાં ભયંકર કોમી હિંસા ફાટી નીકળે એનાથી વધારે વક્રાંજલિ ગાંધીને કઇ હોઇ શકે? સંઘર્ષના ગાંધીસંસ્કારના સતત લોપથી માંડીને ગાંધીના નામે ચરી ખાનારા ચિંતાજનક ‘ચિંતકો’ દ્વારા થતાં હિંસાખોરો-એન્કાઉન્ટરબાજોનાં સમર્થન સુધીના વિરોધાભાસ ગુજરાતને કોઠે પડી ગયાં છે.

આંકડાથી લાગણીનું માપ કાઢવાનું શક્ય નથી. છતાં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના વેચાણના આંકડા આંખ વિચારપ્રેરક  તો છે જ. ‘સત્યના પ્રયોગો’ જેવી વિશ્વનાં સર્વકાલીન મહાન પુસ્તકોમાં સ્થાન પામે એવી આત્મકથા મૂળ ગુજરાતીમાં લખાઇ. તેની પહેલી આવૃત્તિ ૧૯૨૭માં થઇ હતી. ત્યાર પછીનાં ૮૬ વર્ષમાં (૩૧-૧-૨૦૧૩ સુધી) ગુજરાતી આવૃત્તિની પાંચ લાખ છાસઠ હજાર નકલ વેચાઇ છે. તેની સરખામણીમાં ૧૯૯૪માં થયેલી તમિલ આવૃત્તિની ફક્ત ૧૯ વર્ષમાં છ લાખ દસ હજાર નકલો અને ૧૯૯૭માં થયેલી મલયાલમ આવૃત્તિની તો ૧૬ જ વર્ષમાં છ લાખ ચાળીસ હજાર નકલો વેચાઇ છે. આંતરરાષ્ટ્રિય વ્યાપ ધરાવતી અંગ્રેજી આવૃત્તિની ૧૯૨૭થી અત્યાર લગી અઢાર લાખ પંદર હજાર નકલો અને રાષ્ટ્રભાષા હિંદીની ૧૯૫૭થી ૨૦૧૩ સુધીમાં ચાર લાખ પંચાણું હજાર નકલો ખપી છે.

છ કરોડ ગુજરાતીઓનાં ગૌરવ- અસ્મિતાનાનાં સરકારી સૂત્રો સાથે ‘સત્યના પ્રયોગો’ની ગુજરાતી આવૃત્તિના વેચાણના આંકડા જોવાથી શું સમજાય છે? કમ સે કમ એટલું તો સ્પષ્ટ થવું જ જોઇએ કે ‘મહાત્મામંદિર’ નામનાં બિઝનેસ સેન્ટર ઊભાં કરીને ગાંધીના વિચારવારસાની કમી પૂરી શકાય નહીં. ગુજરાત સાથે ગાંધીવિચારના છૂટાછેડાનું મહેણું ટાળવા માટે થયેલા બે પ્રયાસ આ સંદર્ભે વિશેષ નોંધપાત્ર છેઃ ‘શાશ્વત ગાંધી’ માસિકનું પ્રકાશન અને ગાંધીજી દ્વારા સ્થાપિત ‘નવજીવન ટ્રસ્ટ’ દ્વારા માસિક ‘નવજીવનનો અક્ષરદેહ’નો આરંભ.

ગુજરાતીમાં ગાંધીવિચારનાં સામયિકોની પરંપરા મજબૂત તો નહીં, પણ જૂની જરૂર છે. ગાંધીજીની હત્યા થઇ તેના બીજા જ મહિનાથી (ફેબ્રુઆરી, ૧૯૪૮) જૂનાગઢની ‘રૂપાયતન’ સંસ્થાએ તેની મુંબઇ ઓફિસેથી ‘પ્યારા બાપુ’ માસિક શરૂ કર્યું હતું. ગુરુદયાળ મલિકનાં મુખ્ય લખાણો ઉપરાંત બીજા ગાંધીવાદીઓનાં લેખો ધરાવતા આ માસિકનાં ૨૪-૨૮ પાનાંમાં ચિત્રો અને રેખાંકનો પણ મૂકવામાં આવતાં હતાં. દરેક અંકના મુખપૃષ્ઠ પર જુદા જુદા રંગમાં રજૂ થતી એક જ ડીઝાઇનમાં ગાંધીજીના હસ્તાક્ષરમાં લખાયેલાં અવતરણ મૂકાતાં હતાં. આગળ જતાં ગઝલકાર અને લેખક તરીકે જાણીતા બનેલા રતિલાલ ‘અનિલ’ આ સામયિક સાથે સંકળાયેલા હતા.


ત્યાર પછીનાં વર્ષોમાં વિનોબા અને સર્વોદયની પ્રવૃત્તિના મુખપુત્ર જેવું ‘ભૂમિપુત્ર’ શરૂ થયું, જે હજુ ચાલે છે અને સજીવ ખેતીથી માંડીને પર્યાવરણના પ્રશ્નો  અને બીજા અનેક વિષયો પર પોતાની સમજણ પ્રમાણે સર્વૌદયી વિચારો રજૂ કરે છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે ‘ભૂમિપુત્ર’ને પ્રકાશન અટકાવવાની ફરજ પડી હતી. એ વખતે ગાંધીજી જીવીત હોત અને તેમનું સામયિક ચાલતું હોત, તો તેની પણ કદાચ આ જ દશા થાત.

આ પરંપરા કરતાં જુદાં, નવાં, તાજગીભર્યો અભિગમ ધરાવતાં બે સામયિકોમાં ‘શાશ્વત ગાંધી’ હવે પ્રમાણમાં જૂનું કહેવાય.  ભુજથી રમેશ સંઘવીના તંત્રીપદે પ્રગટ થતા આ સામયિકની ટેગલાઇન છે, ‘અતીત, સાંપ્રત અને અનાગતના સંદર્ભે સર્વથા પ્રસ્તુત’. સુઘડ મુદ્રણ અને સ્વચ્છ લે-આઉટ ધરાવતા આ સામયિકનો પહેલો અંક ઓક્ટોબર, ૨૦૧૧માં પ્રગટ થયો હતો. એકાદ વર્ષ પછી તેના તંત્રી તરીકે યોગેન્દ્ર પારેખનું નામ ઉમેરાયું છે.


સમૃદ્ધ વાચનસામગ્રી ધરાવતા આ સામયિકમાં અત્યારના જાહેર જીવનનાં કેટલાંક છાપેલાં કાટલાં પ્રત્યેના પૂજ્યભાવને બાદ કરતાં ઘણું સારું વાચન પૂરું પાડવામાં આવે છે. ગાંધીજીના સાથીદારોનાં સહેલાઇથી ઉપલબ્ધ ન હોય એવાં પ્રવચનો કે લેખો આ સામયિકની વિશિષ્ટતા બની રહ્યાં છે. ઉપરાંત, કોઇ એક મુદ્દે ગાંધીવાણીનું સંકલન નવેસરથી ગાંધીનો પરિચય તાજો કરાવવામાં ઉપયોગી બને છે. સાંપ્રત વિષયો વિશે ગાંધીવિચારના કે અત્યારની સમસ્યાઓ અંગે ગાંધી હોય તો કેવી રીતે વિચારે, એ પ્રકારના લેખ તેમાં ઓછા આવતા હોવાની નુક્તચીની થઇ શકે છે. પરંતુ એવા લેખ કોણ લખે અને એમાં કેટલી આધારભૂતતા જળવાય એ સવાલ પણ તંત્રીઓ માટે મહત્ત્વનો બને.ગાંધી સાહિત્યનો બહુ ઊંડો અભ્યાસ ન હોય એવા લોકો માટે ‘શાશ્વત ગાંધી’ ગાંધીજી સુધી પહોંચવાનો સરળ છતાં ટૂંકો-સગવડીયો નહીં એવો રસ્તો પૂરો પાડે છે.

હજુ જેનો એક જ અંક (જાન્યુ-ફેબુ્ર.૨૦૧૩) પ્રકાશિત થયો છે એવા ‘નવજીવનનો અક્ષરદેહ’નું માહત્મ્ય જરા જુદું છે. ગાંધીજીના અઠવાડિક ‘નવજીવન’ અને તેમનાં ‘કલેક્ટેડ વર્ક્‌સ’ માટેના ગુજરાતી શબ્દપ્રયોગ ‘અક્ષરદેહ’નું સંયોજન ધરાવતું આ માસિક ‘નવજીવન પ્રકાશન’ અને ગાંધીવિચાર-ગાંધીસાહિત્યને લગતાં પુસ્તકો અને બીજી સામગ્રીને આવરી લેવા ધારે છે. (આ લેખમાં આગળ મુકાયેલી ‘સત્યના પ્રયોગો’ના વેચાણની લગતી વિગતો ‘નવજીવનનો અક્ષરદેહ’ના પહેલા અંકમાંથી લેવામાં આવી છે.)


‘નવજીવન’ના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઇના તંત્રીપદે અને કેતન રૂપેરાના સંપાદકપદે પ્રગટ થતા આ સામયિકને અપૂર્વ આશરનાં કળાસૂઝ અને સજાવટનો લાભ મળ્યો છે. એટલે તે ગાંધીજીના મિજાજને છાજે એવું, સાદગીના સૌંદર્યથી સભર અને વાચનક્ષમ બન્યું છે. લાંબા સમયથી આઉટ ઓફ પ્રિન્ટ બનેલાં ‘નવજીવન’નાં પુસ્તકો, ઇ-બુક્સ, ઑડિયો બુક્સ અને ચિત્રકથા જેવી નવા જમાનાને અનુરૂપ સામગ્રી તૈયાર કરવાનું કામ ‘નવજીવન’માં નવા જોશથી ચાલી રહ્યું છે. તેની વિગતો પૂરી પાડવા ઉપરાંત ગાંધીજીનાં કેટલાંક જૂનાં લખાણો, તેમના વિશેનાં નવા પુસ્તકો અને ગાંધીવિચારને લગતા લેખો પણ આ માસિકમાં પ્રગટ કરવાનો સંચાલકોનો ખ્યાલ છે.
(સામયિકનો પહેલો અંક ઓનલાઇન વાંચો. સૌજન્યઃ અપૂર્વ આશર, વિવેક દેસાઇ)

ગાંધીવિચાર કોઇ ધર્મમતની જેમ જડ કે બંધિયાર બાબત નથી. નિત્યનૂતન- સતત નવું શીખવા તત્પર રહેતા ગાંધીજી કેવળ ભૂતકાળમાં કે ઇતિહાસમાં કેદ થઇને રહી જાય એમાં સૌથી મોટું નુકસાન દેશનું અને તેના નાગરિકોનું છે. વૈશ્વિકીકરણ પછી વિશ્વભરની સમસ્યાઓ એકબીજા સાથે સંકળાઇ છે અને સંખ્યાબંધ માનવસર્જિત સમસ્યાઓથી જગત ઘેરાયેલું છે, ત્યારે ગાંધીજીના માર્ગ પાસે ‘માસ્ટર-કી’ ભલે ન હોય, પણ એ સમસ્યાઓને જોવાની અને તેના નીવેડા માટેની એક નરવી પદ્ધતિ છે. તેની અસરકારકતાનો છેેવટનો આધાર ભલે તે અપનાવનાર પર હોય, પણ ગુજરાતી ભાષામાં નીકળેલાં ગાંધીવિચારનાં બબ્બે સામયિકો સમયસંદર્ભ પ્રમાણે ગાંધીની પદ્ધતિ નવા- જૂના સૌ વાચકો સુધી પહોંચાડી શકે તો પણ મોટી સેવા થશે.

Friday, May 10, 2013

જીવંત દંતકથાઃ જુથિકા રોય

2008માં ગુજરાતીમાં આત્મકથાના કાર્યક્રમ નિમિત્તે અમદાવાદ આવેલાં
જુથિકા રોય/ Juthika Roy (photo: urvish kothari)
વ્યવહારના તકાદા બહુ ક્રૂર હોય છે. એટલે જુથિકા રોય જેવાં લગભગ વિસરાઇ ચૂકેલાં કલાકાર વિશે અચાનક કશું વાંચવામાં કે જોવામાં આવે ત્યારે સૌથી પહેલી અમંગળ કલ્પનાઓ આવે. પરંતુ આજે તેમની વાત કોઇ અશુભ નહીં, શુભ સમાચાર નિમિત્તે કરવાની છે. ભારતીય બિનફિલ્મી-બિનશાસ્ત્રીય, લોકપ્રિય સંગીતના ઇતિહાસમાં દંતકથા જેવું સ્થાન ધરાવતાં જુથિકા રોયની આત્મકથાનો અંગ્રેજી અનુવાદ મુંબઇના ભારતીય વિદ્યાભવન દ્વારા આવતી કાલે પ્રકાશિત થઇ રહ્યો છે.

જુથિકા રોયની અસલ આત્મકથા બંગાળીમાં પ્રગટ થઇ હતી. થોડાં વર્ષ પહેલાં તેમના ગુજરાતી ચાહકો અને સ્નેહીઓના પ્રયાસથી અમદાવાદમાં એક કાર્યક્રમ યોજીને, તેમની આત્મકથાનો ગુજરાતી અનુવાદ ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’ નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો. (જુથિકા રોયના કાર્યક્રમ અને પુસ્તક વિશેની થોડી વિગત) સાથોસાથ, ૮૮ વર્ષનાં જુથિકાજીને રૂ.૧.૮૮ લાખનું માનધન અર્પણ કરવામાં આવ્યું. હવે આ મહાન ગાયિકાની આત્મકથાનું અંગ્રેજીમાં પ્રાગટ્ય થઇ રહ્યું છે, ત્યારે એ સામગ્રી અંગ્રેજી વાચકો માટે ઉપલબ્ધ બનશે તેની સાથોસાથ, જુથિકા રોયને યાદ કરવાનું એક મજબૂત કારણ અત્યારનાં પ્રસાર માઘ્યમોને મળશે એનો પણ આનંદ છે.

જુથિકા રોય જેવાં ગાયિકાને યાદ કરવા માટે અને થોડા ક્રૂર થઇને કહીએ તો, એ હજુ પણ આપણી વચ્ચે મોજૂદ છે એ યાદ કરવા માટે, ખરેખર તો કોઇ સ્થૂળ નિમિત્તની જરૂર શા માટે હોવી જોઇએ? તેમનાં ગાયેલાં અસંખ્ય ગીત-ભજન તેમની કાયમી ઓળખ તરીકે સેંકડો સંગીતપ્રેમીઓના મનમાં સમાયેલાં છે. આઝાદી પહેલાંના અને પછીના ભારતમાં ફિલ્મી ગીતો ગાયા વિના પ્રચંડ લોકપ્રિયતા જ નહીં, લોકાદર ધરાવતાં કલાકારોમાં જુથિકા રોયનું નામ મોખરે છે. ગાંધીજી જેવી વ્યાવસાયિક ગીતસંગીત સાથે સલામત અંતર રાખતી હસ્તીને પણ પોતાનાં કંઠેથી ભજન સંભળાવવાની તક જુથિકા રોયને મળી હતી. સરોજિની નાયડુ સહિતનાં અનેક ટોચનાં નેતાઓ જુથિકા રોયના કંઠનાં પ્રેમી હતાં. દેશ ઉપરાંત વિદેશોમાં વસતાં હિંદી લોકોમાં પણ તેમની લોકપ્રિયતા પારાવાર રહી.
ચાહકોને ઓટોગ્રાફ આપતાં જુથિકા રોય/ Juthika Roy
છેક ત્રીસીના દાયકાથી કિશોરવયે બિનફિલ્મી ગીતો-ભજનો દ્વારા જુથિકા રોયે મેળવેલી લોકપ્રિયતા ફક્ત સંગીતપ્રેમીઓની જ નહીં, અનેક સંગીતકારો-ગાયકગાયિકાઓ માટે અહોભાવનો વિષય રહી છે. જુથિકા રોયના ગુરૂ એટલે બંગાળી સ્કૂલના છતાં ‘ન્યૂ થિએટર્સ’ સ્ટુડિયો સાથે ન સંકળાયેલા પ્રચંડ પ્રતિભાવંત સંગીતકાર કમલ દાસગુપ્તા.તેમણે એચ.એમ.વી. અને તેની વિવિધ કંપનીઓમાં સંગીતકાર તરીકેની કામગીરી દરમિયાન બિનફિલ્મી ‘ગીત’ જેવા વિશિષ્ટ પ્રકારને જન્મ આપ્યો. સાથોસાથ, જુથિકા રોય- જગમોહન જેવા બિનફિલ્મી ગાયકો અને તલત મહેમૂદ, હેમંતકુમાર જેવા ઘણા ગાયકો પાસે ઉત્તમ કામ લીઘું. એ યુગનાં સાક્ષી તરીકે હવે એક જુથિકા રોય જ રહ્યાં છે.

દાયકાઓથી નિવૃત્ત જીવન ગાળતાં જુથિકા રોયને કશા ધખારા નથી, કશી લાલસાઓ નથી, કશી ફરિયાદો પણ નથી. નેવું વટાવી ચૂકેલા જુથિકા રોય આજીવન અપરણીત રહ્યાં. તેમનાં ભક્તિગીતો સાંભળીને થતી અનુભૂતિ જેવું જ નિષ્કપટ અને સીઘુંસાદું જીવન ગાળ્યું અને પાછલાં ઘણાં વર્ષોથી, સ્વામી આનંદનો શબ્દપ્રયોગ વાપરીને કહીએ તો, ‘ઝાકળ જેવા અણદીઠ’ રહ્યાં. વચ્ચે વચ્ચે અમદાવાદ, મુંબઇ ને જયપુરમાં તેમના ચાહકોએ આપેલાં માનસન્માન નિમિત્તે જુથિકા રોયને પ્રકાશમાં આવવાનું થયું, ત્યારે પણ તેમનામાં કશો બદલાવ નહીં. કશી દાદફરિયાદ નહીં, લોભલાલચ નહીં, પોતાની આર્થિક સ્થિતિને લગતાં કોઇ રોદણાં નથી, કશી અપેક્ષાઓ નહીં.

જુથિકાજીના અવાજની મઘુરતા પર કાળનાં પૈડાં ફરી વળ્યાં છે, પણ તેમનું નિર્દોષ સ્મિત બરકરાર રહ્યું છે. આવા કલાકારનું સન્માન કરવાની કે તેમની ઉત્તરાવસ્થાની દેખભાળની જવાબદારી સરકારની ન હોઇ શકે. એ સમાજે-સંગીતપ્રેમીઓએ ઉપાડવી રહી. સરકાર ભલે તેમને ૧૯૭૨માં ‘પદ્મશ્રી’ આપીને ભૂલી ગઇ હોય, ઘણા સંગીતપ્રેમીઓ તેમને નહીં ભૂલ્યા હોય. આવા સંગીતપ્રેમીઓએ જુથિકા રોય પ્રત્યેના પોતાનાં આદરમાનનો અહેસાસ મનમાં રાખવાને બદલે એક યા બીજા સ્વરૂપે જુથિકા રોય સુધી પણ પહોંચાડવો જોઇએ.
(ગુજરાત સમાચાર, તંત્રીલેખ, 10-5-13)

Tuesday, May 07, 2013

કરૂણ ગીતથી ક્લબ સોંગ સુધીની રેન્જ ધરાવતાં પહેલાં પાર્શ્વગાયિકાઃ શમશાદબેગમ

૯૪ વર્ષની વયે ૨૩ એપ્રિલ, ૨૦૧૩ના રોજ વિદાય લેનારાં શમશાદબેગમની કારકિર્દી પર જરા જુદા ખૂણેથી એક નજર
shamshad begum/ શમશાદ બેગમ
હિંદી ફિલ્મોમાં પાર્શ્વગાયનનું પરોઢ ૧૯૩૫માં ‘ઘૂપછાંવ’થી થયા પછી ચાર-પાંચ વર્ષ સુધી ‘પાર્શ્વગાયક’ની અલાયદી હસ્તી બરાબર ઊભી થઇ ન હતી. એ સમયની પ્રખ્યાત ગાયિકાઓએ પરંપરા પ્રમાણે અભિનય  અને ગાયનનું ટુ-ઇન-વન કામ ચાલુ રાખ્યું. કાનનદેવી, ખુર્શીદ જેવાં બન્ને ક્ષેત્રોમાં પ્રતિભાશાળી હતાં, જ્યારે દેવીકા રાણી અને લીલા ચીટનીસ જેવી નાયિકાઓ અભિનયપ્રતિભાના બળે જેમતેમ કરીને ગીતો ગબડાવી લેતી હતી. સરસ્વતીદેવી કે અનિલ બિશ્વાસ જેવાં સારો કંઠ ધરાવતાં સંગીતકાર પાર્શ્વગાયનમાં આંટો મારી આવતાં હતાં. પણ   ફિલ્મના બીજા કોઇ પાસા સાથે સંકળાયા વિના, માત્ર ને માત્ર પાર્શ્વગાયનમાં નામ કાઢનાર કળાકાર તરીકે ફક્ત રાજકુમારીનું નામ લઇ શકાય એમ હતું (એમણે પણ થોડો અભિનય તો કર્યો હતો.)

ફિલ્મસંગીતના ઇતિહાસને નવો- ખરેખર તો જેનો સમય આવી ગયો હતો એવો- વળાંક આપનારી ઘટના ૧૯૪૧માં બની. લાહોરના બેતાજ બાદશાહ ગણાતા ગુજરાતી નિર્માતા દલસુખ પંચોલીની ફિલ્મ ‘ખજાનચી’માં સંગીતકાર માસ્ટર ગુલામહૈદરે નવી ગાયિકા શમશાદબેગમ પાસે ફિલ્મનાં આઠ ગીત ગવડાવ્યાં. ગાયિકાનું નામ હિંદી ફિલ્મો માટે નવું ખરું, પણ ગુલામ હૈદર અગાઉ પંજાબી ફિલ્મ ‘યમલા જટ’માં તેમના કંઠનો સફળતાપૂર્વક ઉપયોગ કરી ચૂક્યા હતા. હિંદી ગીતોમાં પણ એ અવાજ છવાઇ જશે એવો તેમને ભરોસો હશે. બાકી, ફિલ્મનાં એક સિવાયનાં તમામ ગીત એક જ અને એ પણ નવી ગાયિકા પાસે ગવડાવવાનું જોખમ તેમણે ન લીઘું હોય. 

‘ખજાનચી’નાં ગીતો વિવિધ રસનાં હતાં. કોઇ કરૂણ રસપ્રધાન, તો કોઇ સખીસહેલીઓ સાથે મસ્તીનું, કોઇ કિશોરીની ચંચળતાથી છલકતું, તો કોઇ યુવાનીમાં પગ મૂકતી કન્યાની અલ્લડતા દર્શાવતું.. આ બધાં ગીતોમાં મુંબઇ-પૂણે-કોલકાતાની સંગીત પરંપરાથી અજાણ્યો એવો ગુલામ હૈદરનો પંજાબી ઠેકો એક જુદો કેનવાસ પૂરો પાડતો હતો, જેની પર શમશાદબેગમે પોતાના જાનદાર અવાજની પીંછી વડે ધબકતાં સૂરચિત્રો સર્જ્યાં. એ ફિલ્મનું સુપરહિટ ગીત હતું ‘સાવનકે નઝારે હૈ..આહા..આહા’. શમશાદબેગમ, ગુલામ હૈદર અને સાથીઓએ ગાયેલું આ ગીત ફિલ્મસંગીતમાં પંજાબી ઠેકાની સાથોસાથ શમશાદબેગમની ધમાકેદાર એન્ટ્રીની છડી પોકારનારું બની રહ્યું. કેવળ એક ગીતને કેન્દ્રમાં રાખીને ફિલ્મની જાહેરખબર કરાઇ હોય એવો પણ કદાચ આ પહેલો કિસ્સો હશે. (જાહેરખબરની મઝા માટે ફોટો પર ક્લિક કરીને તેને મોટા કદમાં જુઓ)

sawan ke nazare hain- ad, (film india)
બીજા વર્ષે ગુલામ હૈદર દલસુખ પંચોલીની જ ફિલ્મ ‘ખાનદાન’(૧૯૪૨) માં નૂરજહાંને લઇ આવ્યા, જે પહેલી જ ફિલ્મથી ગાયિકા-અભિનેત્રી તરીકે ઝળહળી ઉઠ્યાં.  નૂરજહાં અને શમશાદબેગમ વચ્ચે કોઇ સ્પર્ધાનો પ્રશ્ન ન હતો. શમશાદબેગમની એકમાત્ર ઓળખ પાર્શ્વગાયિકા તરીકેની હતી, જે બદલાઇ રહેલા યુગમાં તેમને વઘુ ઉપયોગી થવાની હતી. ગાયિકા-અભિનેત્રીઓ મોટા ભાગના કિસ્સામાં પોતાના પર ચિત્રિત થયેલાં ગીતો જ ગાતી, જ્યારે પાર્શ્વગાયિકા શમશાદબેગમ માટે મેદાન મોકળું હતું. રણકતા, વજનદાર, માઘુર્યભર્યા અવાજના બળે તેમને એ મેદાન સર કરતાં વાર ન લાગી. 

આજે વિચારતાં નવાઇ લાગે, પણ સ્વતંત્ર સંગીતકાર તરીકે નૌશાદની કારકિર્દી લગભગ શમશાદ બેગમની સમાંતરે પાંગરી. છતાં એ બન્નેનો પહેલો મેળાપ છેક ‘શાહજહાં’(૧૯૪૬)માં થયો. ત્યાં સુધીમાં નૌશાદે રાજકુમારી, અમીરબાઇ કર્ણાટકી, ઝોહરાબાઇ અંબાલાવાલી, નસીમ અખ્તર જેવી બીજી પ્રતિભાશાળી ગાયિકાઓ પાસે ગવડાવ્યું હતું અને ‘રતન’ જેવી ફિલ્મને સંગીતના જોરે સુપરહિટ બનાવી હતી. અનિલ બિશ્વાસ જેવા મુંબઇના એ સમયના અગ્રણી સંગીતકારે પણ શમશાદબેગમ પાસે મોડેથી (અને ઓછું) ગવડાવ્યું. છતાં હરમંદિરસિંઘ ‘હમરાઝ’ સંકલિત, સંગીતપ્રેમીઓની ભગવદ્‌ગીતા જેવા હિંદી ફિલ્મ ગીતકોશના ખંડ-૨ (૧૯૪૧-૫૦) પર નજર ફેરવતાં શમશાદબેગમના કામનો ખ્યાલ આવે છે. અત્યારે અજાણ્યા બની ચૂકેલા ઘણા સંગીતકારો માટે શમશાદબેગમે ત્યારે સંખ્યાબંધ ગીત ગાયાં હતાં. ઉપરાંત ગુલામ હૈદરની હિટ ફિલ્મો ‘ઝમીંદાર’, ‘પૂંજી’, ‘બહેરામખાન’, ‘હુમાયું’, ‘શમા’ જેવી ફિલ્મોમાં શમશાદબેગમનાં ગીત ભારે આકર્ષણરૂપ રહેતાં. રાજ કપૂરે પોતાનું નિર્દેશન ધરાવતી પહેલી ફિલ્મ ‘આગ’(સંગીતઃ રામ ગાંગુલી, ૧૯૪૮)માં સ્ત્રીસ્વરનાં બધાં ગીત શમશાદબેગમ પાસે ગવડાવ્યાં, એ હકીકત પરથી શમશાદબેગમના સ્થાનનો  અંદાજ આવશે. 

ચાળીસીના દાયકાના ઉત્તરાર્ધનાં થોડાં વર્ષ શમશાદબેગમ માટે ટોચ પર રહ્યાં. એ સમયગાળો લતા મંગેશકરનાં અવાજ અને પ્રભાવની ચડતી કળાનો હતો. પચાસના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં લતા મંગેશકરનું કંઠ્ય અને કંઠ્યેતર વર્ચસ્વ લગભગ સંપૂર્ણતાની નજીક પહોંચ્યું. તેની સીધી અસર શમશાદબેગમ જેવી ગાયિકાઓની કારકિર્દી પર પડી. ૧૯૪૮-૪૯ની આસપાસ લતા મંગેશકરના અવાજમાં રહેલા જાદુનો ખેમચંદ પ્રકાશ (મહલ), ગુલામ હૈદર (મજબૂર), નૌશાદ (અંદાઝ), અનિલ બિશ્વાસ (અનોખા પ્યાર), શંકર જયકિશન (બરસાત), સી. રામચંદ્ર (નમૂના) જેવા સંગીતકારોએ ભરપૂર ઉપયોગ શરૂ કર્યો, ત્યારે શમશાદબેગમ અડીખમ હતાં. 

બન્ને વચ્ચે કે ખરૂં પૂછો તો કોઇ પણ મહાન ગાયક-ગાયિકાની બીજા સાથે સરખામણી થઇ ન શકે. કરવી ન જોઇએ. છતાં, લતા મંગેશકર પહેલાંના યુગમાં ગાયિકાઓનું ઘણું વૈવિઘ્ય હતું- અને વિશાળ રેન્જ ધરાવતી ગાયિકાઓમાં શમશાદબેગમ મોખરે હતાં. નૌશાદે ‘અનોખી અદા’, ‘મેલા’, ‘બાબુલ’, ‘ચાંદની રાત’, ‘દુલારી’ ‘જાદુ’ જેવી ફિલ્મોમાં શમશાદબેગમના કંઠનો ભરપૂર ઉપયોગ કર્યો. ‘મેલા’માં ઝોહરાબાઇના એક ગીતને બાદ કરતાં, મહિલા સ્વર ધરાવતાં તમામ ગીતોમાં શમશાદબેગમનો અવાજ હતો. આ ફિલ્મનું ‘ધરતીકો આકાશ પુકારે’ આખા યુગનું પ્રતિનિધિત્વ કરે એવું ગીત બની રહ્યું. પચાસના દાયકામાં નૌશાદે  દીદાર, આન, બૈજુ, શબાબ,  મધર ઇંડિયા, મુગલે આઝમ જેવી ફિલ્મોમાં શમશાદબેગમ પાસે યાદગાર ગીતો ગવડાવ્યાં, પરંતુ તેમની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી ઓછી હતી. નૌશાદ અને શમશાદબેગમની યુતિનું છેલ્લું યાદગાર ગીત ‘તેરી મહેફિલમેં કિસ્મત આજમાકર’ (મુગલે આઝમ, ૧૯૬૦) હતું.

નૌશાદના સહાયક તરીકે કામ કરતા, પણ સ્વતંત્રપણે ઉત્તમ સંગીતકાર એવા ગુલામ મહંમદે શમશાદબેગમ પાસે અનેક વિશિષ્ટ ગીત ગવડાવ્યાં. ‘લાદે મોહે બાલમા આસમાની ચુડિયાં’ જેવું એ જમાનાનું ‘રેપ’ ગીત હોય, ‘મેરે ધુંઘરવાલે બાલ હો રાજા’ જેવું ‘આઇટેમ સોંગ’ હોય કે પછી ‘રોતે હૈં નૈના ગમકે મારે...ઘુમચકારે’ (અંબર) જેવું આક્રંદગીત- ગુલામ મહંમદનાં આવાં બધાં ગીત શમશાદબેગમનો કંઠ પામીને સંગીતપ્રેમીઓમાં અમરત્વ પામ્યાં.

લતા મંગેશકરની સમાંતરે સંગીતકાર તરીકે નામ કાઢી રહેલા સી.રામચંદ્ર ચાળીસીના ઉત્તરાર્ધમાં મ્યુઝિકલ કોમેડી ફિલ્મોમાં ઘૂમ મચાવી રહ્યા હતા. નિર્દેશક-ગીતકાર પી.એલ.સંતોષી સાથે તેમની જોડી જામી હતી. તેમણે શમશાદબેગમ પાસે આના મેરી જાન મેરી જાન સન્ડેકે સન્ડે, જલનેવાલે જલા કરે, મેરે પિયા ગયે રંગૂન, ફિફ્‌ટી ફિફ્‌ટી, ટમટમસે ઝાંકોના રાનીજી, પહલી હી મુલાકાતમેં જેવાં નખરાળાં-મસ્તીભર્યાં ગીત ગવડાવ્યાં. પરંતુ લતાયુગ શરૂ થયા પછી ‘અલબેલા’થી સી.રામચંદ્રની યાદીમાંથી શમશાદબેગમ ગાયબ થઇ ગયાં. ‘સૈંયા દિલમેં આના રે’થી જાણીતી ફિલ્મ‘બહાર’ (૧૯૫૧)માં સંગીતકાર એસ.ડી.બર્મને હીરોઇનનાં તમામ ગીત શમશાદબેગમ પાસે ગવડાવ્યાં, પણ તેમની યુતિનું બહુ પુનરાવર્તન થયું નહીં.  

શમશાદબેગમની કારકિર્દીનો ઉત્તરાર્ધ ઘણુંખરું ઓ.પી.નૈયરનાં ગીતોથી જાણીતો બન્યો. ‘આરપાર’, મિસ્ટર એન્ડ મિસિસ ’૫૫’ જેવી ગુરૂદત્તની ફિલ્મોથી સફળતાની ટોચે પહોંચનાર નૈયરનાં મુખ્ય ગાયિકા ગીતા દત્ત અને પછી આશા ભોસલે રહ્યાં, પણ શમશાદબેગમના કંઠનો તેમણે સરસ ઉપયોગ કર્યો. ઓ.પી.નૈયર લાહોરમાં કિશોરાવસ્થામાં હતા ત્યારે શમશાદબેગમ ગાયિકા તરીકે સ્થાપિત થઇ ચૂક્યાં હતાં અને નૈયર તેમના ચાહક હતા. એટલે શમશાદબેગમ પાસે ગવડાવવાની તક મળે એ નૈયર માટે રોમાંચની વાત હતી. એમના કંઠને નૈયર ‘કાંસાના રણકાર જેવો’ કે ‘મંદિરના ઘંટના ગુંજારવ જેવો’ ગણાવતા હતા. પચાસના દાયકામાં નૈયરે બનાવેલું ‘લેકે પહેલા પહેલા પ્યાર’ (રફી સાથે,સીઆઇડી) શમશાદ બેગમનાં સૌથી જાણીતાં ગીતોમાંનું એક બની રહ્યું. તેમનું છેલ્લું યાદ રહી ગયેલું સુપરહિટ ગીત ‘કજરા મોહબ્બતવાલા (કિસ્મત, ૧૯૬૮) નૈયરે જ સ્વરબદ્ધ કર્યું હતું. એ શમશાદબેગમની કારકિર્દીનો સંઘ્યાકાળ હતો.
ગ્રામોફોન ક્લબના કાર્યક્રમ નિમિત્તે અમદાવાદ આવેલાં શમશાદ બેગમ/ shamshad
begumનો ટૂંકો (વીસ-પચીસ મિનિટનો) પણ યાદગાર ઇન્ટરવ્યુ સંગીતપ્રેમી તરીકે
મળેલી અનન્ય તક હતી. થેન્ક્સ ટુ રજનીકુમાર પંડ્યા. ઇન્ટર્વ્યુમાં શમશાદ બેગમે
પણ પ્રેમથી અને ચહેરાના પૂરા હાવભાવ સાથે અનૌપચારિક સવાલોના એવા જ
જવાબ આપ્યા..

અમદાવાદમાં ગ્રામોફોન ક્લબના કાર્યક્રમમાં, સૌની અપેક્ષાથી વિપરીત, છેવટ
સુધી બેઠેલાં અને કાર્યક્રમ પછી ચાહકોનું અભિવાદન ઝીલતાં શમશાદ બેગમ
ધોમધખતા મઘ્યાહ્ને પણ શમશાદબેગમ પ્રસિદ્ધિથી દૂર રહેવા માટે જાણીતાં હતાં. એટલે ‘ગુગલ પર બદ્ધું જ મળે છે’ના જમાનામાં પણ શમશાદબેગમની સક્રિય અવસ્થાની માંડ બે-ચાર તસવીરો મળે છે.  પાછલાં વર્ષોમાં ટીવી ચેનલો પર થયેલા કવરેજ અને ‘પદ્મભૂષણ’ સન્માન જેવા પ્રસંગે કે પછી અમદાવાદમાં ત્રણેક વર્ષ પહેલાં એ ‘ગ્રામોફોન ક્લબ’નાં મહેમાન બન્યાં હતાં એવા પ્રસંગોની થોડી યાદગીરીઓ રહી ગઇ છે. પણ તેમની અસલી અને ચિરંજીવ યાદગીરી તો તેમના કંઠમાંથી અમરત્વનું વરદાન લઇને નીકળેલાં ગીતો છે. 

(આ લેખમાં ઉલ્લેખાયેલાં મોટા ભાગનાં ગીતો યુટ્યુબ પર ફિલ્મનું અને શમશાદબેગમનું નામ લખવાથી જોવા-સાંભળવા મળી શકશે.)

Friday, May 03, 2013

ગીરના સિંહ-પરિવારનો ઇન્ટરવ્યુ


ગીરના થોડા સિંહને મઘ્ય પ્રદેશ મોકલવાના અદાલતી નિર્ણયથી ઘણા ગુજરાતી નારાજ થયા. કેટલાકે આંદોલન જેવું પણ કર્યું. મામલો લાગણીનો થઇ ગયો ને વાતાવરણ એવું સર્જાયું, જાણે અદાલતે ગીરના બધા સિંહોને અનરજિસ્ટર્ડ પાર્સલ દ્વારા મઘ્ય પ્રદેશ મોકલી આપવાની વાત કરી  હોય. આવી લાગણીગ્રસ્ત સ્થિતિમાં ગીરના સિંહને પોતાને શું કહેવાનું હશે?
***
સવાલઃ હલો સર.

(સિંહ ત્રાડ પાડે છે).

સવાલઃ એમાં રાડો શું પાડો છો? એકને જવું છે ને જવા નથી મળતું એટલે આખા ગામમાં રાડો પાડે ને બીજાને જવું નથી ને ધકેલે છે એટલે ત્રાડો પાડે..આ દુનિયા પર અજબ છે.

સિંહઃ એ ભાઇ, આ બધી તકલાદી ફિલસૂફી ઝૂડવી હોય તો ચિંતનની કોલમો લખ. મારી જોડે આવી ફાલતુ વાતો માટે સમય નથી.

સવાલઃ તમારો રોષ સમજી શકાય એવો છે, પણ હું તમને મદદ કરવા- તમારી પ્રત્યેનું મારું ૠણ અદા કરવા આવ્યો છું.

સિંહઃ ભાઇ, આ બધી ૠણ અદા કરવાની કવિતાઓ ગાંધીનગરમાં કરજે- ગીરમાં એ નહીં ચાલે. અત્યાર સુધી તમે અમારું બહુ ૠણ અદા કરી દીઘું... અમને માર્યા, લુપ્ત થવાના આરે લાવી દીધા ને પછી અમારા રક્ષણ માટે અભયારણ્ય બનાવીને અમને કઠપૂતળીયા રાજા બનાવી દીધા. તમારી ૠણઅદાયગીથી તો અમે થાક્યા, ભાઇસાબ. હવે ખમૈયા કરો અને અમને અમારી રીતે રહેવા દો તો સારું. ૠણ અદા કરવાનો બહુ શોખ હોય તો પહેલાં તમારા લેણિયાતોનાં તો અદા કરો..પછી અહીં સુધી લાંબા થજો.

સવાલઃ તમે આટલા પોલિટિકલ અને આળા કેમ છો? સૌરાષ્ટ્રમાં પરિવર્તન પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી હારી ગયેલા કે શું?

સિંહઃ તમે મારી ચિંતા છોડો. તમારી વાત કરો. હું સામાન્ય બુદ્ધિની વાત કરું એ તમને પોલિટિકલ કેમ લાગે છે? રાજકારણમાં સામાન્ય બુદ્ધિનું કોઇ સ્થાન રહ્યું નથી કે શું?

સવાલઃ માઠું ન લગાડતા, પણ તમારા નામ પરથી અને ખાસ તો તમારાં નિવેદનો પરથી મને એવી શંકા જાય છે કે તમે ક્યાંક કોંગ્રેસમાં તો...

સિંહઃ મારી વાત એટલી નાખી દીધા જેવી છે કે હું કોંગ્રેસી લાગું? પણ તમારો આ જ પ્રોબ્લેમ છે. કોઇ સહેજ તમારા સાહેબ વિશે નુક્તચીની કરે એટલે એ કોંગ્રેસી થઇ ગયો...તમારા લોકોમાં અક્કલ ક્યારે આવશે? અમે મઘ્ય પ્રદેશ જઇએ ત્યારે?

સવાલઃ ધેર યુ આર. શરૂઆતની બધી વાતો જસ્ટ એમ જ હતી. હું આ મૂળ મુદ્દા પર જ આવતો હતો. તમને મઘ્ય પ્રદેશ જવું ગમશે?

સિંહઃ (આંખ મિંચકારીને) ખજૂરાહો ત્યાં જ આવ્યું ને?

સવાલઃ જુઓ, જુઓ, મેં કહ્યું ને. તમે બહુ પોલિટિકલ છો.

સિંહઃ હું અમસ્તું પૂછું છું એમાં તમને આટલાં મરચાં કેમ લાગે છે? અમે સિંહો મઘ્ય પ્રદેશમાં જઇને ક્યાંક ખજૂરાહોવાળીનો ઉત્તરકાંડ ન કરીએ એની તમને બીક લાગે છે?

સવાલઃ માફ કરજો, પણ તમે હદ વટાવી રહ્યા છો. ગુજરાતના સમ્રાટના એકચક્રી શાસનમાં ખજૂરાહોવાળીની કલ્પના કરવી એ પણ રાજદ્રોહનો ગુનો બની શકે છે એની તમને ખબર લાગતી નથી. ખજૂરાહોકાંડ કરવાના બહુ ધખારા હોય તો એટલું પણ વિચારી લેજો કે તેના સૂત્રધારો અત્યારે ક્યાં ખોવાઇ ગયા છે...

સિંહઃ એટલે તમને મને - જંગલના રાજાને- દાટી આપો છો? બીવડાવો છો? એટલું સમજી લેજો કે હું કોંગ્રેસનો સિંહ નથી..અસલી સિંહ છું અસલી. મારી એક ત્રાડથી જંગલનાં પ્રાણીઓ તો ઠીક, ઝાડપાન પણ ધ્રુજી જાય છે. મને મારા મતવિસ્તારમાં હારી જનારો ન સમજી બેસતા.

(સિંહ ગુસ્સે થઇને જોરથી શેમ્પુની જાહેરખબર માટે પોઝ આપવાનો હોય તેમ કેશવાળીસહિત ડોકું ઘુણાવે છે.)

સવાલઃ તમારે જે સમજવું હોય તે, મેં મારી ફરજ બજાવી. બાકી, એટલું જાણી લેજો કે તમે જે જંગલના રાજા હતા એ જંગલ ક્યારનું જતું રહ્યું. ૧૯૪૭માં ભલભલા ‘સિંહો’નાં રજવાડાંની સાથે તમારું રજવાડું પણ ખતમ. હવે સરકારી સાલિયાણાં પર રહેવાનું હોય એમાં બહુ ગરમી ન કરાય. સરકારમાઇબાપ પ્રત્યે આભારવશ થઇને રહેવાનું અને સરકાર તમારા નામે બહુ ‘ગૌરવ-ગૌરવ’ કહે એનાથી ફુલાઇ નહીં જવાનું. નહીંતર ખોવાઇ જશો...એટલે કે લુપ્ત થઇ જશો.

(ચાલુ વાતચીતે સિંહનું બચ્ચું રડતું રડતું આવે છે)

બચ્ચું: પપ્પા, મારે પેલું રમકડું રમવું છે ને મમ્મી ના પાડે છે.

સિંહઃ (સિંહણ તરફ જોઇને) ભઇ શું છે આ બઘું? કેટલી વાર મેં ના પાડી છે કે મારું કામ ચાલતું હોય ત્યારે આને તારે નહીં મોકલવાનો?

સિંહણઃ (છણકો કરીને) આવા ફાલતુ મીડિયાવાળાઓ સાથે વાત કરો છો એ તે કંઇ કામ કહેવાય? પેલા ‘ડિસ્કવરી’વાળા આવ્યા ત્યારે કેવી મઝા આવી હતી. આપણું કેટલું બઘું શૂટિંગ કર્યું’તું ને તગડો ચેક પણ આપીને ગયા હતા.

સિંહઃ એ બધી વાતો છોડ. આ કેમ રડે છે? એને કયું રમકડું જોઇએ છે?

સિંહણઃ એને પેલી અસ્મિતાબાજી રમવી છે. મેં એને ના પાડી, બહુ સમજાવ્યો કે બેટા, એ તો માણસોનો ખેલ છે. એમાં હાથ ગંદા થાય. આપણાથી ન રમાય, પણ એ માનતો જ નથી.

બચ્ચું: મમ્મી તો પેલું રમવાની પણ ના પાડે છે...

સિંહઃ તું આને અહીંથી લઇ જઇશ? મારો ઇન્ટરવ્યુ ચાલે છે ને વચ્ચે આ બધો કકળાટ...

સિંહણઃ એ મારું સાંભળતો જ નથી. એને બીજાં બચ્ચાં સાથે ગૌરવ-ગૌરવ રમવું છે. હું વિચાર કરું છું કે આવા બધા સંસ્કાર એ ક્યાંથી લઇને આવ્યો હશે?

સિંહઃ વચ્ચે પેલા સરકારી સફારીવાળા એને લઇ ગયા હતા ને...એની બધી અસરો છે. મેં એ વખતે જ તને કહ્યું હતું કે એને ન મોકલ. પણ તને બહુ ધખારા હતા..ટુરિસ્ટો એના ફોટા પાડશે ને છાપાંમાં એના ફોટા છપાશે..

સવાલઃ સોરી, તમારી ફેમિલી મેટરમાં વચ્ચે બોલું છું, પણ ‘અસ્મિતાબાજી’ ને ‘ગૌરવ-ગૌરવ’- એ બધી કઇ રમતો છે? આપણા રાજ્યમાં રમાય છે? મેં તો આવું કંઇ સાંભળ્યું નથી.

સિંહઃ (વિજયી સ્મિત સાથે) હું તમને સમજાવીશ તો ફરી તમે કહેશો કે હું બહુ પોલિટિકલ છું. એેટલે જવા દો. સામાન્ય બુદ્ધિથી વિચારશો તો સમજાઇ જશે. જોકે એ તમે ક્યાંથી લાવશો એ સવાલ ખરો.

સવાલઃ બસ, બસ હવે. તમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો એનો અર્થ એવો નહીં કે તમે આમ જેમ ફાવે તેમ બોલો. માપમાં રહેજો. નહીં તો આપણા છેડા છેક નરેન્દ્રભાઇ ને અહેમદભાઇ સુધી અડે છે. બે ફોન કરીશ તો મઘ્ય પ્રદેશ તો ઠીક, ભારતનું કોઇ ઝૂ પણ નહીં સંઘરે ને જંગલી ગધેડાના પાંજરામાં નાખી દેશે એ અલગ.

(એવામાં ‘એનિમલ પ્લેનેટ’ના કેમેરામેન આવે છે, એટલે સિંહ પરિવાર ચાલુ ઇન્ટરવ્યુએ કશું કહ્યાકારવ્યા વિના એમને ઇન્ટરવ્યુ આપવા ઉપડી જાય છે અને મુલાકાતનો અવિધિસર અંત આવે છે.)

Thursday, May 02, 2013

પાની જો આગ લગાયે..

(બે બુધવાર પહેલાંનો લેખ)

ગુજરાતમાં પાણીની અછત છે કે નહીં, એ મુખ્ય મંત્રી વડાપ્રધાન બની શકશે કે નહીં, એ પ્રકારનો સવાલ બની ચૂક્યો છેઃ શ્રદ્ધાળુ વર્ગ કહે છે કે ‘સવાલ જ નથી ને.’ એટલે કે પાણીની અછત નથી ને મુખ્ય મંત્રી વડાપ્રધાન બની જશે. વાસ્તવિકતા જોનારો વર્ગ કહે છે, ‘સવાલ જ નથી ને... પાણીની તંગી અને વડાપ્રધાન બનવા આડેની આટલી બધી અડચણો દેખાતી નથી?’

ગુજરાતની પાણીસમસ્યા સંદર્ભે વાસ્તવિક વાતચીત સત્તાવાર નિવેદનોથી આગળ વધતી નથી, પરંતુ આ વિવાદ સાથે સંકળાયેલા અમુક લોકોની કાલ્પનિક મુલાકાત લીધી હોય તો?

આવું વિચારીને આંખી મીંચી એટલે ભાજપી પ્રવક્તા હાજર થઇ ગયા. તેમની સાથેનો કાલ્પનિક સંવાદઃ

સવાલઃ ગુજરાતમાં પાણીની તંગી વિશે તમારું શું કહેવું છે?

પ્રવક્તાઃ જવા દો ને, અમારા કોઇમાં પાણી જ નથી. નહીંતર, સાહેબનો કાન પકડીને તેમને વાસ્તવિક સ્થિતિ બતાવી ન હોત?

સઃ તમારી નિખાલસતા કાબિલેદાદ છે, પણ હું તો ખરેખરા પાણીની વાત કરું છું...સ્પિરિટ નહીં...પાણી..વૉટર...

પ્રવક્તાઃ તમે આવ્યા ત્યારથી અત્યાર સુધી કોઇએ તમને પાણીનો પણ ભાવ નથી પૂછ્‌યો?

સઃ અરે હોય? ખોટું કેમ કહેવાય? મને બહાર વેઇટિંગમાં જ ઠંડા પાણીની બોટલ આપી દીધી હતી.

પ્રવક્તાઃ તો પછી પાણીની ક્યાં તકલીફ છે? તમે પત્રકાર થઇને આંખે જોયેલું-જાતે અનુભવેલું લખવાને બદલે ગુજરાતવિરોધીઓની ચડવણીમાં આવી જાવ છો? તમે તો ગુજરાતી છો. અત્યારે તમારે ગુજરાતમાંથી મઘ્ય પ્રદેશમાં ખસેડાનારા સિંહોની ચિંતા કરવાની હોય કે સાવ પાણી જેવી પાણીની સમસ્યાની?

સઃ પણ પાણીને અને સિંહોને શી લેવાદેવા? ગિરના થોડા સિંહ મઘ્ય પ્રદેશમાં નહીં જાય, તો સૌરાષ્ટ્રના લોકોને પાણી મળી જશે?

પ્રવક્તાઃ જોયું? જોયું? બધા આટલું સંકુચિત વિચારતા હોય તો પછી ગુજરાત ક્યાંથી આગળ આવે? એ તો ઠીક છે કે સાહેબ આવા ફાલતુ સવાલોમાં વખત બગાડ્યા વગર દિલ્હીમાં રહીને સતત ગુજરાતનું હિત જુએ છે, એટલે વાંધો નથી આવતો...

સઃ પણ નર્મદા યોજનાનું શું થયું? તમારા સાહેબ તો કહેતા હતા કે નર્મદા યોજના થકી એ સૌરાષ્ટ્રને પાણી પાણી કરી દેશે...

પ્રવક્તાઃ તમે લખનારા થઇને ‘પાણી પાણી કરી દેવું’ એ શબ્દપ્રયોગનો અર્થ સમજતા નથી, એમાં સાહેબનો વાંક? પણ તમને લોકોને કોઇ પણ બાબતમાં સાહેબને સોયા ભોંકવાની ટેવ પડી ગઇ છે. ઇમાનદારીથી કહેજો, સાહેબની વાતો સાંભળીને સૌરાષ્ટ્રના લોકો પાણી પાણી થઇ ગયા હતા કે નહીં?

સઃ ના કેમ કહેવાય? કેશુભાઇ પણ કહે છે કે સૌરાષ્ટ્રવાળાએ તેમની વાત સાંભળીને નહીં ને સાહેબની વાતો પર પાણી પાણી થઇ જઇને એમને જીતાડી દીધા.

પ્રવક્તાઃ હું ફક્ત એટલું જ કહીશ કે સાહેબ નવી હાઇ ટેક ઓફિસમાં બેસી ગયા છે. હવે તમે એમના પરચા જોજો...

સઃ એમ? નવી ઓફિસમાંથી એ સૌરાષ્ટ્ર સુધી પાણીની પાઇપલાઇન કાઢવાના છે? વાહ, સરસ સમાચાર છે...

પ્રવક્તાઃ તમે પણ શું ખોટેખોટું ઝૂડ્યે રાખો છો? મેં એવું ક્યાં કહ્યું કે એ સૌરાષ્ટ્રમાં પાણી આપશે? તમને તો પાણી સિવાય બીજું કંઇ દેખાતું જ નથી. એક માણસની આખ્ખી જિંદગીની મહત્ત્વાકાંક્ષા દાવ પર લાગી હોય ને રોજ એ મહત્ત્વાકાંક્ષા પર હિચકારા હુમલા થતા હોય, ત્યારે એ રાજ્યના સન્નિષ્ઠ નાગરિક તરીકે આપણી શી ફરજ છે? આપણે આપણાં પાણીનાં રોદણાં રડવાનાં હોય કે સાહેબની પડખે ઊભા રહેવાનું હોય?
જીવનમાં પ્રાથમિકતા જેવું પણ કંઇ હોય કે નહીં?

( પ્રવક્તા નારાજ થઇને જતા રહે છે.)
***

બીજું ઘ્યાન કોંગ્રેસના પ્રવક્તાનું ધર્યું, એટલે એ પણ બે-ચાર દિવસની વધેલી દાઢી સાથે હાજર થઇ ગયા.

સવાલઃ કેમ આવા દેદાર છે? વધેલી દાઢી ને ચહેરા પર નૂર નથી...

પ્રવક્તાઃ કંઇ નહીં. આ તો કોંગ્રેસની લેટેસ્ટ ફેશન છે- રાહુલ ગાંધી સ્ટાઇલ અને હા, ગુજરાતમાં પાણીની અછતના વિરોધમાં અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે દાઢી નહીં કરીએ.

સવાલઃ ધન્ય છે તમારા પ્રજાપ્રેમને, પણ તમારી પ્રતિજ્ઞામાં પોતાની દાઢી કરવાનો બાધ હશે. એકબીજાની દાઢી તો થાય ને? તમારા પક્ષની તો એ લાંબી ને ઊજળી પરંપરા રહી છે...

પ્રવક્તાઃ ગુજરાતની પ્રજા પાણી વિના ટળવળી રહી છે ને તમને મજાક સૂઝે છે?

સવાલઃ મજાકની દરેકની પોતપોતાની સ્ટાઇલ હોય છે. કોઇને મજાક સૂઝે ને કોઇને જળચેતના યાત્રા.

પ્રવક્તાઃ એમ કહીને તમે અમારી જળચેતના યાત્રાની ઠેકડી ન ઉડાડો. અમે કશું કરીએ નહીં ત્યારે તમે લોકો જ અમારી ટીકા કરો છો અને પાણીના પ્રશ્ને યાત્રા કાઢીએ તો પણ તમને વાંકું પડે છે?

સવાલઃ ખરેખર તો તમારી યાત્રાનું નામ ‘જડચેતના યાત્રા’ હોવું જોઇએ. કારણ કે સૌથી પહેલાં તો તમારા જડ થઇ ગયેલા પક્ષમાં ચેતના આણવાની જરૂર છે. એ કામ થશે તો બાકીનું બઘું લડી લેવાશે. બોલો લખી દઉં તમારા નામે કે ‘આગામી મહિને કોંગ્રેસ દ્વારા યોજાનારી જડ-ચેતના યાત્રા’?

(સવાલ સાંભળીને કોંગ્રેસી પ્રવક્તા વૉક આઉટ કરી ગયા.)
***

હવે વારો હતો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો. તેમણે પોતાના બંગલામાં સ્વિમિંગ પુલ તૈયાર કરાવ્યો હોવાના અહેવાલ અખબારોમાં ચમક્યા હતા. પણ કુલપતિએ ટીકાથી વિચલિત નહીં થવાનો બોધપાઠ મુખ્ય મંત્રી પાસેથી બરાબર ગ્રહણ કર્યો છે. તેમની સાથે વાસ્તવિક સવાલજવાબ શક્ય ન બને, પણ કાલ્પનિક મુલાકાતમાં ક્યાં કોઇ બાધ- કે તેમના બાઉન્સર પણ- નડવાના છે?

કાલ્પનિક મુલાકાત પહેલાં તેમને કાલ્પનિક ફોન કર્યો ત્યારે સામેથી રેકોર્ડેડ સંદેશો સાંભળવા મળ્યો, ‘થોડી વાર પછી ફોન કરો. અત્યારે તે ફોન લઇ શકે એવી સ્થિતિમાં નથી.’ એ સાંભળીને મનમાં અનેક કલ્પનાચિત્રો ખડાં થઇ ગયાં, પણ એ સૌને વિખેરીને ફરી આંખ મીંચી, એટલે કુલપતિશ્રી કાલ્પનિક મુલાકાત માટે હાજર.

સવાલઃ નમસ્કાર

કુલપતિઃ નમોસ્કાર, નમોસ્કાર, શું લેશો?

સવાલઃ બસ, અત્યારે સવાર સવારમાં તો ઇન્ટરવ્યુ જ...

કુલપતિઃ વાંધો નહીં. બાકી ફીલ ફ્રી..આપણે ત્યાં કોઇ જાતનો બાધ નથી.

સવાલઃ મને ખ્યાલ છે. પણ મારે તો તમને પેલા સ્વિમિંગ પુલ વિશે પૂછવું છે.

કુલપતિઃ એમાં પુછવાનું શું? તમે પણ નહાવા આવી જજો. જોઇએ તો એમાં પાણીને બદલે તમે કહો એ પીણું ભરાવી દઇશું, બસ? એમાં આટલો બધો કકળાટ શાનો?

સવાલઃ કકળાટ એટલા માટે છે કે ગુજરાતમાં લોકોને પીવાનું પાણી મળતું નથી ને તમે સ્વિમિંગ પુલમાં ઘુબાકા મારો એ કેમ ચાલે?

કુલપતિઃ આ તો કેવી વાત છે? કાલે ઉઠીને તમે કહેશો કે ગુજરાતમાં આટલાં છોકરાં નિશાળમાં અધવચ્ચેથી ઉઠી જાય છે ને તમે કુલપતિ થઇ જાવ તે કેમ ચાલે?

સવાલઃ આ બે સરખામણી જ જુદી છે. અસલી મુદ્દો પાણીનો છે.

કુલપતિઃ તો ગુજરાતમાં પાણી ન મળે એમાં હું શું કરું? મારે સ્વિમિંગ પુલ નહીં બનાવવાનો? આ તે કેવી બેહૂદી વાત છે? મારો સ્વિમિંગ પુલ તે કંઇ નર્મદા યોજના છે કે તેના બનવા-ન બનવા પર ગુજરાતની પાણીની સમસ્યા ઉકલવાનો આધાર હોય? અને નર્મદા બંધ બનાવીને પણ તમે શું ઉખાડી લીઘું? ત્યાં કંઇ કહેતા નથી ને મારા સ્વિમિંગ પુલ સામે વાંધા પાડવા આવી જાવ છો? અહીંથી નીકળો છો કે પછી બોલાવું બાઉન્સરોને?

(આ સંવાદથી મુલાકાતનો અવિધિસર અંત આવી ગયો)