Monday, May 13, 2013

એકવીસમી સદીમાં ગાંધીવિચાર, સામયિકો સ્વરૂપે

Mahatma Gandhi (courtesy: The Hindu)
ગાંધીજી વિશે પૂછાતા સૌથી રમુજી પ્રશ્નોમાંનો એક છેઃ ‘ગાંધીજીના વિચારોની અત્યારે પ્રસ્તુતતા કેટલી?’ અથવા ‘ગાંધીજી અને એમના વિચાર અત્યારના આઇટી યુગમાં કે ગ્લોબલાઇઝેશન-વૈશ્વિકીકરણના જમાનામાં ચાલે?’

આવું પૂછનારાની ગાંધીજી વિશેની જાણકારી મર્યાદિત, સગવડીયા અથવા પૂર્વગ્રહયુક્ત હોવાની શક્યતા પૂરેપૂરી. કારણ કે ગાંધીજીનાં થોડાં લખાણ પણ વાંચ્યાં હોય એવા લોકોને એમાં રહેલાં લાઘવ, સ્પષ્ટતા, સોંસરવાપણું, વૈચારિક પ્રામાણિકતા, લાગણી અને ઊંડી નિસબત સ્પર્શ્યા વિના ન રહે. જેમના કેટલાક કે ઘણા વિચાર સાથે અસંમતિ હોય છતાં તેમને ચાહી શકાય એવા જૂજ મહાનુભાવોમાં ગાંધીજીનો સમાવેશ થાય છે. મૃત્યુના દાયકાઓ પછી પણ જેમના વિશેની લોકોની જિજ્ઞાસા શમતી નથી અને જેમનું ‘બજાર’ કદી મંદીમાં આવતું નથી, એવી થોડી વૈશ્વિક હસ્તીઓમાં ગાંધીજીનું સ્થાન છે- અને આવા માણસની માતૃભાષા ગુજરાતી હતી, તેમનાં ઘણાં પહેલી ધારનાં લખાણ ગુજરાતીમાં અવતર્યાં હતાં, એ અહેસાસ કોઇ પણ ગુજરાતીપ્રેમીના મનમાં ધન્યતાની લાગણી પેદા કરી શકે છે.

હકીકત એ પણ છે કે ‘બુદ્ધના બિહાર’ની જેમ ‘ગાંધીનું ગુજરાત’ એ પણ મોટે ભાગે મહેણું મારવા માટે વપરાતો શબ્દપ્રયોગ બનીને રહી ગયો છે- અને એમાં વાંક બુદ્ધ કે ગાંધીનો નથી. ગાંધીજીની જન્મશતાબ્દિ નિમિત્તે ગુજરાતમાં ભયંકર કોમી હિંસા ફાટી નીકળે એનાથી વધારે વક્રાંજલિ ગાંધીને કઇ હોઇ શકે? સંઘર્ષના ગાંધીસંસ્કારના સતત લોપથી માંડીને ગાંધીના નામે ચરી ખાનારા ચિંતાજનક ‘ચિંતકો’ દ્વારા થતાં હિંસાખોરો-એન્કાઉન્ટરબાજોનાં સમર્થન સુધીના વિરોધાભાસ ગુજરાતને કોઠે પડી ગયાં છે.

આંકડાથી લાગણીનું માપ કાઢવાનું શક્ય નથી. છતાં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના વેચાણના આંકડા આંખ વિચારપ્રેરક  તો છે જ. ‘સત્યના પ્રયોગો’ જેવી વિશ્વનાં સર્વકાલીન મહાન પુસ્તકોમાં સ્થાન પામે એવી આત્મકથા મૂળ ગુજરાતીમાં લખાઇ. તેની પહેલી આવૃત્તિ ૧૯૨૭માં થઇ હતી. ત્યાર પછીનાં ૮૬ વર્ષમાં (૩૧-૧-૨૦૧૩ સુધી) ગુજરાતી આવૃત્તિની પાંચ લાખ છાસઠ હજાર નકલ વેચાઇ છે. તેની સરખામણીમાં ૧૯૯૪માં થયેલી તમિલ આવૃત્તિની ફક્ત ૧૯ વર્ષમાં છ લાખ દસ હજાર નકલો અને ૧૯૯૭માં થયેલી મલયાલમ આવૃત્તિની તો ૧૬ જ વર્ષમાં છ લાખ ચાળીસ હજાર નકલો વેચાઇ છે. આંતરરાષ્ટ્રિય વ્યાપ ધરાવતી અંગ્રેજી આવૃત્તિની ૧૯૨૭થી અત્યાર લગી અઢાર લાખ પંદર હજાર નકલો અને રાષ્ટ્રભાષા હિંદીની ૧૯૫૭થી ૨૦૧૩ સુધીમાં ચાર લાખ પંચાણું હજાર નકલો ખપી છે.

છ કરોડ ગુજરાતીઓનાં ગૌરવ- અસ્મિતાનાનાં સરકારી સૂત્રો સાથે ‘સત્યના પ્રયોગો’ની ગુજરાતી આવૃત્તિના વેચાણના આંકડા જોવાથી શું સમજાય છે? કમ સે કમ એટલું તો સ્પષ્ટ થવું જ જોઇએ કે ‘મહાત્મામંદિર’ નામનાં બિઝનેસ સેન્ટર ઊભાં કરીને ગાંધીના વિચારવારસાની કમી પૂરી શકાય નહીં. ગુજરાત સાથે ગાંધીવિચારના છૂટાછેડાનું મહેણું ટાળવા માટે થયેલા બે પ્રયાસ આ સંદર્ભે વિશેષ નોંધપાત્ર છેઃ ‘શાશ્વત ગાંધી’ માસિકનું પ્રકાશન અને ગાંધીજી દ્વારા સ્થાપિત ‘નવજીવન ટ્રસ્ટ’ દ્વારા માસિક ‘નવજીવનનો અક્ષરદેહ’નો આરંભ.

ગુજરાતીમાં ગાંધીવિચારનાં સામયિકોની પરંપરા મજબૂત તો નહીં, પણ જૂની જરૂર છે. ગાંધીજીની હત્યા થઇ તેના બીજા જ મહિનાથી (ફેબ્રુઆરી, ૧૯૪૮) જૂનાગઢની ‘રૂપાયતન’ સંસ્થાએ તેની મુંબઇ ઓફિસેથી ‘પ્યારા બાપુ’ માસિક શરૂ કર્યું હતું. ગુરુદયાળ મલિકનાં મુખ્ય લખાણો ઉપરાંત બીજા ગાંધીવાદીઓનાં લેખો ધરાવતા આ માસિકનાં ૨૪-૨૮ પાનાંમાં ચિત્રો અને રેખાંકનો પણ મૂકવામાં આવતાં હતાં. દરેક અંકના મુખપૃષ્ઠ પર જુદા જુદા રંગમાં રજૂ થતી એક જ ડીઝાઇનમાં ગાંધીજીના હસ્તાક્ષરમાં લખાયેલાં અવતરણ મૂકાતાં હતાં. આગળ જતાં ગઝલકાર અને લેખક તરીકે જાણીતા બનેલા રતિલાલ ‘અનિલ’ આ સામયિક સાથે સંકળાયેલા હતા.


ત્યાર પછીનાં વર્ષોમાં વિનોબા અને સર્વોદયની પ્રવૃત્તિના મુખપુત્ર જેવું ‘ભૂમિપુત્ર’ શરૂ થયું, જે હજુ ચાલે છે અને સજીવ ખેતીથી માંડીને પર્યાવરણના પ્રશ્નો  અને બીજા અનેક વિષયો પર પોતાની સમજણ પ્રમાણે સર્વૌદયી વિચારો રજૂ કરે છે. ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે ‘ભૂમિપુત્ર’ને પ્રકાશન અટકાવવાની ફરજ પડી હતી. એ વખતે ગાંધીજી જીવીત હોત અને તેમનું સામયિક ચાલતું હોત, તો તેની પણ કદાચ આ જ દશા થાત.

આ પરંપરા કરતાં જુદાં, નવાં, તાજગીભર્યો અભિગમ ધરાવતાં બે સામયિકોમાં ‘શાશ્વત ગાંધી’ હવે પ્રમાણમાં જૂનું કહેવાય.  ભુજથી રમેશ સંઘવીના તંત્રીપદે પ્રગટ થતા આ સામયિકની ટેગલાઇન છે, ‘અતીત, સાંપ્રત અને અનાગતના સંદર્ભે સર્વથા પ્રસ્તુત’. સુઘડ મુદ્રણ અને સ્વચ્છ લે-આઉટ ધરાવતા આ સામયિકનો પહેલો અંક ઓક્ટોબર, ૨૦૧૧માં પ્રગટ થયો હતો. એકાદ વર્ષ પછી તેના તંત્રી તરીકે યોગેન્દ્ર પારેખનું નામ ઉમેરાયું છે.


સમૃદ્ધ વાચનસામગ્રી ધરાવતા આ સામયિકમાં અત્યારના જાહેર જીવનનાં કેટલાંક છાપેલાં કાટલાં પ્રત્યેના પૂજ્યભાવને બાદ કરતાં ઘણું સારું વાચન પૂરું પાડવામાં આવે છે. ગાંધીજીના સાથીદારોનાં સહેલાઇથી ઉપલબ્ધ ન હોય એવાં પ્રવચનો કે લેખો આ સામયિકની વિશિષ્ટતા બની રહ્યાં છે. ઉપરાંત, કોઇ એક મુદ્દે ગાંધીવાણીનું સંકલન નવેસરથી ગાંધીનો પરિચય તાજો કરાવવામાં ઉપયોગી બને છે. સાંપ્રત વિષયો વિશે ગાંધીવિચારના કે અત્યારની સમસ્યાઓ અંગે ગાંધી હોય તો કેવી રીતે વિચારે, એ પ્રકારના લેખ તેમાં ઓછા આવતા હોવાની નુક્તચીની થઇ શકે છે. પરંતુ એવા લેખ કોણ લખે અને એમાં કેટલી આધારભૂતતા જળવાય એ સવાલ પણ તંત્રીઓ માટે મહત્ત્વનો બને.ગાંધી સાહિત્યનો બહુ ઊંડો અભ્યાસ ન હોય એવા લોકો માટે ‘શાશ્વત ગાંધી’ ગાંધીજી સુધી પહોંચવાનો સરળ છતાં ટૂંકો-સગવડીયો નહીં એવો રસ્તો પૂરો પાડે છે.

હજુ જેનો એક જ અંક (જાન્યુ-ફેબુ્ર.૨૦૧૩) પ્રકાશિત થયો છે એવા ‘નવજીવનનો અક્ષરદેહ’નું માહત્મ્ય જરા જુદું છે. ગાંધીજીના અઠવાડિક ‘નવજીવન’ અને તેમનાં ‘કલેક્ટેડ વર્ક્‌સ’ માટેના ગુજરાતી શબ્દપ્રયોગ ‘અક્ષરદેહ’નું સંયોજન ધરાવતું આ માસિક ‘નવજીવન પ્રકાશન’ અને ગાંધીવિચાર-ગાંધીસાહિત્યને લગતાં પુસ્તકો અને બીજી સામગ્રીને આવરી લેવા ધારે છે. (આ લેખમાં આગળ મુકાયેલી ‘સત્યના પ્રયોગો’ના વેચાણની લગતી વિગતો ‘નવજીવનનો અક્ષરદેહ’ના પહેલા અંકમાંથી લેવામાં આવી છે.)


‘નવજીવન’ના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઇના તંત્રીપદે અને કેતન રૂપેરાના સંપાદકપદે પ્રગટ થતા આ સામયિકને અપૂર્વ આશરનાં કળાસૂઝ અને સજાવટનો લાભ મળ્યો છે. એટલે તે ગાંધીજીના મિજાજને છાજે એવું, સાદગીના સૌંદર્યથી સભર અને વાચનક્ષમ બન્યું છે. લાંબા સમયથી આઉટ ઓફ પ્રિન્ટ બનેલાં ‘નવજીવન’નાં પુસ્તકો, ઇ-બુક્સ, ઑડિયો બુક્સ અને ચિત્રકથા જેવી નવા જમાનાને અનુરૂપ સામગ્રી તૈયાર કરવાનું કામ ‘નવજીવન’માં નવા જોશથી ચાલી રહ્યું છે. તેની વિગતો પૂરી પાડવા ઉપરાંત ગાંધીજીનાં કેટલાંક જૂનાં લખાણો, તેમના વિશેનાં નવા પુસ્તકો અને ગાંધીવિચારને લગતા લેખો પણ આ માસિકમાં પ્રગટ કરવાનો સંચાલકોનો ખ્યાલ છે.
(સામયિકનો પહેલો અંક ઓનલાઇન વાંચો. સૌજન્યઃ અપૂર્વ આશર, વિવેક દેસાઇ)

ગાંધીવિચાર કોઇ ધર્મમતની જેમ જડ કે બંધિયાર બાબત નથી. નિત્યનૂતન- સતત નવું શીખવા તત્પર રહેતા ગાંધીજી કેવળ ભૂતકાળમાં કે ઇતિહાસમાં કેદ થઇને રહી જાય એમાં સૌથી મોટું નુકસાન દેશનું અને તેના નાગરિકોનું છે. વૈશ્વિકીકરણ પછી વિશ્વભરની સમસ્યાઓ એકબીજા સાથે સંકળાઇ છે અને સંખ્યાબંધ માનવસર્જિત સમસ્યાઓથી જગત ઘેરાયેલું છે, ત્યારે ગાંધીજીના માર્ગ પાસે ‘માસ્ટર-કી’ ભલે ન હોય, પણ એ સમસ્યાઓને જોવાની અને તેના નીવેડા માટેની એક નરવી પદ્ધતિ છે. તેની અસરકારકતાનો છેેવટનો આધાર ભલે તે અપનાવનાર પર હોય, પણ ગુજરાતી ભાષામાં નીકળેલાં ગાંધીવિચારનાં બબ્બે સામયિકો સમયસંદર્ભ પ્રમાણે ગાંધીની પદ્ધતિ નવા- જૂના સૌ વાચકો સુધી પહોંચાડી શકે તો પણ મોટી સેવા થશે.

1 comment:

  1. ગાંધી આપણો ભૂતકાળ કે ઇતિહાસ નથી, ભવિષ્ય છે. સશરીરી ગાંધીને આપણે ભલે ને ભૂતકાળ કે ઇતિહાસ માનીએ-અને એ સાચું પણ છે - પરંતુ જે માણસે પોતાના વિચારોને ગ્રંથબદ્ધ કરવાનો ઇન્કાર કર્યો હોય, જેણે પોતાના બે વિચારોમાંથી છેલ્લા વિચારને માનવાની સલાહ આપી હોય તે માણસ કેવો ગતિશીલ હશે તેનો ક્યાસ કાઢવાનું આપણું તો ગજું નથી.

    આજે દુનિયામાં જ્યાં પણ અન્યાયની સામે સંઘર્ષ થાય છે ત્યાં ગાંધી અચૂક હાજર હોય છે. ફિલિપીન્સમાં લોકો ફર્ડીનાન્ડ માર્કોસની ટૅન્કો સામે સૂઈ ગયા. કોરાઝોન અકીનોના પતિએ ગાંધી ફિલ્મ જોયા પછી સ્વદેશ આવવાનું નક્કી કર્યું. માર્કોસના સૈનિકોએ એમને ટાર્મૅક પર જ ઢાળી દીધા.એમાંથી થઈ માર્કોસની સત્તાના પતનની શરૂઆત.

    પણ ગાંધીને તો આપણે રોજ મારીએ છીએ. એ રોજ મરે છે, માત્ર એનું લોહી રેડાય છે તેમાંથી નવો ગાંધી પેદા થતો રહે છે

    ReplyDelete