Wednesday, May 29, 2013

એક ક્રિકેટ-બુકીનો પ્રેમપત્ર

મેચ ફિક્સિંગ-સ્પોટ ફિક્સિંગની મોસમમાં બુકીઓ અને સામાન્ય માણસો વચ્ચેનું અંતર અમદાવાદના ઉનાળામાં ખુલ્લામાં મુકેલા આઇસક્રીમની ઝડપે ઓગળી ગયું છે. બુકીઓના સમાજજીવનમાં આમજનતાનો રસ વધી રહ્યો છે. સમાચારમાંથી જાણવા મળે છે કે આ ક્ષેત્રમાં પણ ગુર્જર પ્રતિભાઓએ ગુજરાતની અસ્મિતાનો ઘ્વજ ફરકતો રાખ્યો છે. આ લોકો ભવિષ્યમાં પરદેશી કે ઓનલાઇન બેટિંગ કંપનીઓ સાથે કરોડો રૂપિયાના એમઓયુ સાઇન કરીને ગુજરાતનું નામ રોશન કરશે, એવાં સ્વપ્નાં પર કામચલાઉ કાબૂ રાખીને અત્યારે વિચારવાનું એ છે કે આઇપીએલ-યુગના અસલી ખેલાડી એવા બુકી પ્રેમમાં પડ્યા હોય અને તેમને પ્રેમપત્ર લખવાની નોબત આવે તો?

આવું થવાની સંભાવના કેટલી છે, એના ભાવ આપવાની જરૂર નથી. આપણો રસ ભાવ આપવા-લેવામાં નહીં, પણ બુકીના મનોભાવ જાણવામાં છે.  
***

ડીઅર, ના..ના.. પ્રિયે...ના... વહાલી..

હું તને ગુજરાતીમાં સંબોધન કરીશ કે અંગ્રેજીમાં, કયા શબ્દથી સંબોધીશ, સંબોધન લખીશ કે નહીં- આ દરેક બાબત પર સ્પાટ-બેટિંગ કરી શકાય એમ છે...વા...ઉ... આ વાતનો ખ્યાલ આવ્યા પછી પત્રો લખવા વિશેનો મારો ખ્યાલ બદલાયો છે. ‘ગોડફાધર’ ફિલ્મમાં અમારી લાઇનનો એક માણસ કહે છે, ‘(બેઝબોલની મેચ ફિક્સ થાય છે એ જાણ્યા પછી) મને બેઝબોલમાં રસ પડવા લાગ્યો છે.’ એવી જ રીતે, લખવાનું કામ સાવ નકામું છે, એવી માન્યતા મારે બદલવી જોઇશે. હવે મને યાદ આવે છે કે મેં પણ કારકિર્દીની શરૂઆત લેખનક્ષેત્રમાં કરી હતી. મહાન બન્યા પછી લોકો પોતાનાં પરચૂરણ કામ યાદ કરીને ગૌરવ લે, એ દુનિયાનો રિવાજ છે. અમારા ભાઇ બી પોતે ટપોરી હતા ત્યારે કેવાં પરાક્રમ કર્યાં હતાં એની વાતો કરતા હોય છે. તો હું શા માટે બાકાત રહું?

તને થશે કે આ વળી પાછો આત્મકથા કહેવા બેસી ગયો. અગાઉ તેં એક વાર કહ્યું હતું કે ‘આત્મકથા કહેવાનો બહુ શોખ હોય તો છાપામાં કોલમ લખ.’  ત્યારે યાદ છે ને, મેં શું કહ્યું હતું? મેં કહેલું કે ‘હું સાવ એવો ગયોગુજરેલો નથી કે કોલમના નામે આત્મકથાઓ લખું. મારે લખવી હશે ત્યારે સારામાં સારા લેખક પાસે ઘોસ્ટ રાઇટિંગ કરાવીશ.’

પણ વાત હું મારા લેખનની કરતો હતો. લેખનક્ષેત્રનો મને ઘણો અનુભવ છે. અમારે ત્યાં રતન અને કલ્યાણનાં કેન્દ્રો હતાં, જે અમારી આખી વસ્તી માટે ક્લબહાઉસની ગરજ સારતાં હતાં. ફરક એટલો કે અમારે ત્યાં માલદાર લોકો ઊંચી રકમનો જુગાર રમવા આવતાં ન હતાં, પણ ગરીબ લોકો નાની રકમોના આંકડા લગાવતા. એ બહાને ‘કમ્યુનિટી ગેધરિંગ’ પણ થઇ જતું. લોકો આંકડા લખાવતા, પરીક્ષાનાં પરિણામ કરતાં પણ વધારે આતુરતાથી આંકડાનાં પરિણામ વિશે પૂછપરછ કરતા અને આજે નહીં તો કાલે પોતાનો નંબર લાગશે એવી આશામાં જીવતા હતા. મોટા થયા પછી મને ખબર પડી કે રાજકારણમાં કાર્યકર્તાથી મંત્રી બનવા સુધીના દરેક તબક્કે લોકો આવી જ આશામાં જીવતા હોય છે- અને ઘણાખરા તો એમ ને એમ મરી પણ જતા હોય છે.

એવા એક કેન્દ્રમાં આંકડા લખનારના થર્ડ આસિસ્ટન્ટ તરીકે હું કામ કરતો હતો- એટલે કે એમને ચા-પાણી-બીડી લાવી આપતો હતો. બદલામાં એ મહિને થોડા રૂપિયા આપતા. એ વખતે મને થતું હતું કે આ કાકો આખો દિવસ જાતજાતનાં કામ કરાવીને મારું તેલ કાઢે છે, ઉચ્ચક પગાર આપે છે ને નોકરીમાં કાયમી કરતો નથી. એમાં મારું ભવિષ્ય શું? આ તો શોષણ કહેવાય. પણ અત્યારના ગુજરાતમાં રહીને મને સમજાય છે કે મારો હોદ્દો થર્ડ આસિસ્ટન્ટનો નહીં, ‘સટ્ટા-સહાયક’નો કહેવાય. ખુદ ગુજરાત સરકાર આવા સહાયકો- ભલે સટ્ટામાં નહીં ને શિક્ષણમાં- રાખે છે. પણ હું શિક્ષક ન હતો. મારી પર શોષણનો ભોગ બનીને સમાજની ભાવિ પેઢી તૈયાર કરવાની જવાબદારી ન હતી. મને પાંચ હજાર પગાર લઇને પંદર હજાર પર સહી કરવાની ફરજ પાડનાર કોઇ ન હતું.

એક દિવસ હું જ્યાં કામ કરતો હતો તેના ગલ્લામાં મેં ધાપ મારી. ના, હિંદી ફિલમવાળા કહે છે તેમ મારી મા બીમાર ન હતી કે મારી બહેનનું ઓપરેશન પણ કરાવવાનું ન હતું. બસ, મને કંટાળો આવ્યો કે આ શું રોજેરોજની પૈસાપૈસા માટેની મોહતાજી. એના કરતાં એક વાર હાથ સાફ કરી નાખીએ તો કમ સે કમ બે-ત્રણ પગથિયાં એક સાથે ઉપર ચડાય. એનાથી મોટી સાઇઝના ગોટાળા કરીએ તો ઉદ્યોગપતિ બનવાના જ નહીં, સરકારના ખાસમખાસ બનવાના ચાન્સ પણ હોય છે, એની મને ત્યારે ખબર ન હતી.

તારી આગળ શું છુપાવવાનું? ફ્રેન્કલી, એ વખતે મને ખબર ન હતી કે સટ્ટાની લાઇનમાં આટલો સ્કોપ છે. ફિલમવાળા ને ક્રિકેટરો ને બીજા મોટા માણસો સાથે ઉઠકબેઠક રહેશે ને એક મેચમાં લાખો રૂપિયાનો કારોબાર હશે, એનો મને બિલકુલ અંદાજ ન હતો. છતાં, થોડા રૂપિયા લઇને હું મોટા શહેરમાં પહોંચ્યો એટલે જૂના અનુભવને આધારે મને કામ તરત મળી ગયું. નોકરીઓ મેળવવાની તકલીફ ડિગ્રીનાં સર્ટિફિકેટવાળાને થાય. કારણ કે એમણે અઢળક રૂપિયા આપીને ડિગ્રીઓ ખરીદેલી હોય. અમારા જેવા સેલ્ફમેઇડ માણસોને આવી કોઇ તકલીફ નહીં. કહીએ કે ‘પહેલાં પપ્પુ પેજરને ત્યાં હતો અને આગળ વધવું છે એટલે અહીં આવ્યો છું’ એટલે તક મળી જાય.

એમ કરતાં હું ક્યાં પહોંચ્યો છું એ તું જાણે છે. આપણે જે પાર્ટીમાં પહેલી વાર મળ્યાં હતાં એ ફાઇવ સ્ટાર હોટેલમાં ભાગ રાખવાનું મેં વિચાર્યું હતું. મને થયું કે તને ડેટિંગ ગિફ્‌ટ તરીકે એ હોટેલમાં ૧૦ ટકા શેર આપું. એનો માલિક મારે ત્યાં બેટિંગમાં એટલી મોટી રકમ હાર્યો હતો કે ૧૦ ટકા શેર આપીને છૂટી જવાનું એને સસ્તામાં પડ્યું હોત. પણ તે એ ઝંઝટમાં પડવાની ના પાડી.

છેલ્લા ફોનમાં તે છાપાં વાંચીને-ચેનલો જોઇને બહુ કકળાટ કર્યો હતો એ મને યાદ છે. હું એ મુદ્દો ગુપચાવી ગયો નથી. મને એ પણ ખબર છે કે તારી અસલી ચિંતા મારી સલામતીની નથી, પણ પેલી પાર્ટીઓમાં હું જાઉં છું કે નહીં અને જાઉં છું તો પેલા લાલચુડા ક્રિકેટરો જેવા ગોરખધંધા કરું છું કે નહીં, બીજી સ્ત્રીઓ સાથે હરુંફરું છું કે નહીં... તને શી રીતે ખાતરી આપું કે હું આઇપીએલના બે વાર વેચાયેલા ક્રિકેટર જેવો નથી. આઇપીએલમાં એક વાર ટીમ ક્રિકેટરોને ખરીદે છે ને પછી અમે લોકો એમાંથી કેટલાકને - અથવા જેટલા રાજી હોય તેમને- ખરીદીએ છીએ. ગાંડી, હું લોકોને ખરીદું છું. હું વેચાતો નથી. તે સાંભળ્યું કે જંગલી પ્રાણીના શિકારની જગ્યા સુધી ખેંચી લાવવા માટે સાથે રાખેલાં ભેંસ કે બકરી શિકારીઓ જાતે રાંધીને ખાઇ ગયા?

તું તો સમજુ છે. આટલામાં સમજી જઇશ. બાકી સાક્ષીભાભી (ધોનીની પત્ની) સાથે શોપિંગમાં લઇ જવાનું મેં તને કહ્યું હતું. મને એ યાદ છે, પણ હમણાં એ બને એવું લાગતું નથી.

અત્યારે કાળઝાળ ગરમી પડે છે. ચોતરફથી આગ વરસે છે. એટલે તું સાચવજે અને મને બહુ ફોન કરતી નહીં. પોલીસ કદાચ ફોન ટેપ પણ કરતી હોય. એટલે તો હું પહેલી વાર તને પત્ર લખી રહ્યો છું.  આ પત્ર લખવામાં એક ભણેલા બેકાર ટપોરીની મદદ મેં લીધી છે. એટલે પત્રની ભાષા જોઇને નવાઇ ન પામતી. વચ્ચે કેટલુંક એણે પોતાનું પણ નાખ્યું હશે. છતાં, એકંદરે મારે જે કહેવું છે એ બઘું એણે લખ્યું છે. પત્ર કોઇને વંચાવતી નહીં અને તું વાંચીને ફાડી નાખજે. અમારા ધંધામાં સંઘરેલા સાપ કરડવા સિવાયના બીજા કોઇ કામમાં આવતા નથી.

એ  જ લિ.
તારા હૃદયના સ્પોટમાં કાયમી ધોરણે ફિક્સ થયેલો.. 

4 comments:

 1. very well scripted - reminded me of the writing style of Ashwini Bhatt.

  ReplyDelete
 2. you mean Vinod Bhatt as he wrote many such letters in past.

  ReplyDelete
 3. Gr8ly said about this tamed snakes,Urvishbhai!

  ReplyDelete
 4. Haaa Haaa Haaa.....Khadkhadat hasi padaay evo mast lekh....

  ReplyDelete