Tuesday, May 21, 2013
ક્રિકેટ અને બીજાં વઘુ ગંભીર ફિક્સિંગ
ક્રિકેટ ‘જેન્ટલમેન્સ ગેમ’ રહી નથી... તેનું નીતાંત વ્યાવસાયિકરણ થઇ ગયું છે...ખેલાડીઓનો ભરોસો રહ્યો નથી...મેચ ફિક્સ થઇ જાય છે...આવો કકળાટ કરીને પણ લોકોએ ક્રિકેટ જોવાનું છોડ્યું નથી. તેનું પરિણામ એ આવે છે કે ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો રિવાજ આજકાલ કરતાં દોઢ દાયકા જેટલો જૂનો થયો. છતાં, ઘણા લોકો દરેક વખતે એવી નિર્દોષતાથી આઘાત વ્યક્ત કરે છે, જાણે ‘સંસ્કાર’ ચેનલ પર ‘ડર્ટી પિક્ચર’ શરૂ થઇ ગયું હોય.
ભારતીયો માટે ક્રિકેટ ‘ધર્મ’ છે, એવું માર્કેટિંગની કે સમાજશાસ્ત્રીય વિશ્લેષણની ભવ્ય ભાષામાં કહેવાય છે. ધર્મક્ષેત્રે વ્યાપેલા ગોરખધંધા જોતાં ક્રિકેટ ‘ધર્મ’ હોય એવું હવે ખરેખર લાગી રહ્યું છે. ધર્મ-સંપ્રદાયવાળી સરખામણી આગળ વધારીને આઇપીએલને એકાદ મોડર્ન ગુરૂ કે ‘આઘ્યાત્મિક નેતા’ સાથે સરખાવીશું તો તેમના અનુયાયીઓ નારાજ થઇ જશે. એ સરખામણી સૌએ પોતપોતાની સમજણ પ્રમાણે કરી લેવી.
કોની જવાબદારી?
મુદ્દો એ છે કે આઇપીએલના આવવાથી સડો ફેલાવાની ઝડપ કે તક વઘ્યાં. આઇપીએલની વીસ-વીસ ઓવરની સ્પર્ધાઓમાં અને તેની બહાર નૈતિકતાના અનેક પ્રશ્નો છે. મોડી રાતની પાર્ટીઓમાં કેવા ધંધા થાય છે તેનો ચિતાર અંદરના જ કોઇ અસંતુષ્ટે થોડાં વર્ષ પહેલાં અનામી બ્લોગ લખીને આપ્યો હતો. વાસ્તવમાં મોટા ભાગના લોકોને નૈતિકતા-સંબંધી વાંધા હોતા થતા નથી. સંઘર્ષ કે સિદ્ધિની આડમાં નકરી સફળતાના પૂજક એવા સમાજના બહુમતી લોકોને આઇપીએલની છાકમછોળમાંથી એક ફદિયું પણ મળવાનું ન હોય, છતાં એ બઘું જોઇને અંજાય છે.
આઇપીએલનું કે મેચ ફિક્સિંગ-સ્પોટ ફિક્સિંગનું આ પહેલું કૌભાંડ નથી. છેલ્લું પણ નહીં હોય. થોડો વખત કકળાટ થશે અને પછી બઘું કાનૂની કાર્યવાહીમાં થાળે પડી જશે. ક્રિકેટવિશ્વમાં સૌથી અપ્રમાણસરની ધનાઢ્ય સંસ્થા તરીકે કુખ્યાત એવા ભારતના ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તો કાયદા શીખવવાનું શરૂ પણ કરી દીઘું છે. બીસીસીઆઇના વડા શ્રીનિવાસને ‘ગુનેગાર સાબીત ન થાય ત્યાં સુધી નિર્દોષ’નું ગાણું ચાલુ કરીને પાળ બાંધવાની શરૂઆત કરી છે.
તેમણે ઠાવકાઇથી કહ્યું છે કે ‘પોલીસે ખેલાડીઓની ધરપકડ કરી છે. આરોપો સાબીત કરવાની જવાબદારી પોલીસની છે. ગુનો સાબીત થશે તો બીસીસીઆઇ કડકમાં કડક પગલાં લેેશે.’ પહેલી નજરે નિર્દોષ અને વ્યવહારૂ લાગતું આ નિવેદન વાંચીને સીધો સવાલ એ થાય કે ‘ફિક્સરોનું પગેરું મેળવવાની જવાબદારી પોલીસની, તેમની ધરપકડ પોલીસ કરે અને આરોપો સાબીત કરવાનું તો પોલીસે જ કરવું પડે- તો આયોજક તરીકે બીસીસીઆઇની જવાબદારી બેઠ્ઠાંબેઠ્ઠાં રૂપિયા ગણવા સિવાય બીજી કશી નહીં? હાસ્યનવલકથા ‘રાગ દરબારી’માં સહકારી મંડળીનો સુપરવાઇઝર ઉચાપત કરીને ગાયબ થઇ જાય છે. પણ મંડળીના પ્રમુખના પેટનું પાણી હાલતું નથી. એક દિવસ શહેરમાં તે ગોટાળાબાજને જુએ છે તો પણ પોલીસમાં પકડાવી દેતા નથી. કારણ? પ્રમુખ ઠંડા કલેજે કહે છે કે એ પોલીસનું કામ છે. આપણે પોલીસને ફરિયાદ આપી દીધી એટલે આપણું કામ પૂરું.
કાયદાના હાર્દના નામે આવી ઉધાર વાતો દેશમાં ચાલી જાય છે. રાજકીય દોરીઓ ખેંચવાથી ભલભલી એજન્સીઓને કુમળા છોડની જેમ વાળવી હોય એ દિશામાં વાળી શકાય છે. બીજું એ પણ ખરું કે દોઢ-દોઢ દાયકાથી ક્રિકેટમાં મેચફિક્સિંગના આરોપો થતા હોવા છતાં એને ગણકાર્યા વગર ક્રિકેટ પાછળ ઘેલા થતા હોય, એવા લોકો ફિક્સરોન જ લાયક ગણાય.
અન્ડરવર્લ્ડની ચિંતાજનક સાંઠગાંઠ સિવાય, આઇપીએલની બ્રાન્ડઇમેજ માટે, ભારતમાં ક્રિકેટની અવદશા માટે કે શ્રીસંતને કસ્ટડીમાં રાત્રે મચ્છર કરડ્યાં એ માટે આપણે જીવ બાળવાની જરૂર ન હોય. કારણ કે, ક્રિકેટના ફિક્સિંગથી વધારે ગંભીર અને નાગરિકોના હિતને સીધાં સ્પર્શતાં બીજાં અનેક સંભવિત ફિક્સિંગ મોજૂદ છે. એ સ્પોટ-ફિક્સિંગ જેવાં ગ્લેમરસ નથી. અદાલતમાં સાબીત ન કરી શકાય એવા પુરાવા પણ તેમાં મોટે ભાગે નથી. કારણ કે એ લાલચમાં ડફોળ બનેલા ક્રિકેટરો દ્વારા નહીં, પણ વધારે રીઢા લોકો દ્વારા થયેલાં છે. છતાં, એ ફિક્સિંગની ખરાબ અસરો જોઇ-અનુભવી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેની ખરાબ અસરો એ જ તેના પુરાવા છે. આવા કેટલાક સંભવિત-આરોપિત ફિક્સિંગનાં ઉદાહરણઃ
કોંગ્રેસ-ભાજપ ફિક્સિંગ
કોઇને ‘કોન્સ્પીરસી થિયરી’ - કાવતરાની કલ્પના- જેવું લાગી શકે. છતાં, આ બન્ને પક્ષો વચ્ચે અને મહદ્ અંશે મોટા ભાગના રાજકીય પક્ષો વચ્ચે એક સ્તરની સમજૂતી પ્રવર્તતી હોય એવું હંમેશાં લાગે છે. કેન્દ્રમાં રહી રહી કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર તેની સગવડ પડે ત્યારે ભાજપી નેતાઓની ફરતેના ગાળિયા કસે ને ઢીલા મૂકે. મુલાયમસિંઘ-માયાવતી જેવાં નેતાઓ સાથે તો આવું એટલું ઉઘાડેછોગ અને બેશરમીથી થાય કે તેમની નિર્દોષતા કે દોષીપણું ગૌણ બની જાય. એ નિર્દોષ હોય તો સરકાર પર કિન્નાખોરીનો આરોપ આવે અને દોષી હોય તો? સરકારનું એમની સાથે ફિક્સિંગ થયાનો આરોપ. કેમ કે, સરકારને વાંધો તેમના ગુના સામે નહીં, પણ ગુના આચર્યા પછી એ સરકારના કહ્યામાં નથી એનો હોય.
ભાજપ-કોંગ્રેસ ફિક્સિંગની આશંકાનું સૌથી નમૂનેદાર ઉદાહરણ ગુજરાત છે. અહીં દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ મહેનત કરે તો તેને જીતવાની વાજબી તક હોય છે, પણ એ તક છેલ્લા એકાદ દાયકામાં ફળી નથી. દરેક વખતે ગુજરાતના અને દિલ્હીના જુદા જુદા કોંગ્રેસી નેતાઓનાં નામ ફિક્સિંગમાં સંભળાય છે. જાહેરમાં- છાપાંચેનલોમાં કોંગ્રેસી નેતાઓ કૂદી કૂદીને બોલે છે, પરંતુ વિરોધ પક્ષ તરીકેની નક્કર ભૂમિકા ભજવવાની આવે ત્યારે એ પાણીમાં બેસી જતા હોય એવું લાગે છે. દિલ્હીમાં ઘણી વાર એથી ઉલટું બને છે.
પશ્ચિમ બંગાળની કંપની ‘શ્રદ્ધા’ જૂથની કંપનીઓએ લોકોના કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું, ત્યારે આવેલા એક સમાચારમાં સિલસિલાવાર ઘટનાક્રમ આપીને સૂચવાયું હતું કે મમતા બેનરજીના કેન્દ્ર સાથેના વિચિત્ર વર્તનનો ભેદ આ કૌભાંડમાંથી ખુલી શકે છે. એ કૌભાંડને લગતી તારીખો અને તેની સમાંતરે મમતાના કેન્દ્ર સરકાર સાથેના અતાર્કિક - ન સમજાય એવા વ્યવહારને સમાંતરે જોતાં તેની પર જુદા ખૂણેથી પ્રકાશ પડી શકે છે. છતાં, ભાજપે આ મુદ્દો ચગાવ્યો નહીં કે એ કેન્દ્ર સરકારની એ વર્તણૂંક અંગે ખુલાસા પણ ન માગ્યા. પ્રમાણમાં નાની બાબતોમાં બહુ ધાંધલ કરવું જેથી મોટા મુદ્દા વખતે મચાવેલા તોફાનની ધારી અસર ન પડે અને વિરોધ કર્યો કહેવાય. રાજકારણમાં આ પણ ફિક્સિંગનો એક પ્રકાર હોય છે. દરેક શંકાસ્પદ વ્યવહારમાં ફિક્સિંગ હોવું જરૂરી નથી, પણ નિર્દોષતાનો યુગ પૂરો થઇ ગયા પછી આવી આશંકા આવે તો તેેને રોકી શકાતી નથી.
સરકાર-ખાનગી શિક્ષણની દુકાનોનું ફિક્સિંગ
ગયા સપ્તાહે ગુજરાત બોર્ડનું બારમા ધોરણનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું ઃ ૯૨.૫૩ ટકા. એક સમયે ઘણા વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં પાસ થવાનાં ફાંફાં પડતાં હતાં, એને બદલે દર ૧ હજારમાંથી ૯૨૫ વિદ્યાર્થીઓ પાસ થાય તેનો આનંદ ન થવો જોઇએ?
પણ થતો નથી. કારણ કે આ ઊંચાં પરિણામ વિદ્યાર્થીઓની કે તેમણે મેળવેલા શિક્ષણની ગુણવત્તા સૂચવતાં નથી. ઊલટું, આ પરિણામ ઠેર ઠેર ફૂટી નીકળેલી ઊચ્ચ શિક્ષણની દુકાનોને ધમધમતી રાખવા માટે અપાયાં હોય એવી શંકા પડે છે. સરકાર અને ખાનગી શિક્ષણસંસ્થાઓ વચ્ચેનું ફિક્સિંગ ઘણા સમયથી અટકળોનો વિષય છે. એક તરફ સરકાર શિક્ષણનું આખું ક્ષેત્ર ખાનગી (એટલે કે સારી નહીં, પણ મોંઘી) નિશાળોને હવાલે કરવાની દિશામાં આગળ વધી ચૂકી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને તેમના માટે અઢળક રૂપિયા ખર્ચતા વાલીઓને પરિણામ આપવું જરૂરી છે. એટલે સરકાર ખોબલા ભરીને પરિણામ આપે છે.
ખાનગી શિક્ષણની સ્થિતિ એવી છે કે રૂપિયા હોય તો બારમા ધોરણમાં ગમે તેટલા ટકા આવે તો પણ ઇચ્છિત કોર્સમાં એડમિશન મળી જાય. મોંઘવારીની બૂમો પાડતા વાલીઓ ‘સંતાનની કારકિર્દી ખાતર’ અઢળક આર્થિક બોજ ઉપાડે છે, પણ ડિગ્રી મેળવી લીધા પછી ‘હવે શું?’નો સવાલ ઊભો રહે છે. પછી ડિગ્રીનો વિષય ભૂલીને જે નોકરી મળે તે સ્વીકારી લેવાનો વારો આવે છે. કડક અને સાચું પરિણામ આપવાનું સરકારને તો જ પોસાય, જો તે કોઇ જાતના ફિક્સિંગ વિના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તથા તેમનું યોગ્ય મૂલ્યાંકન થાય એમ ઇચ્છતી હોય.
સરકાર-સીબીઆઇ-‘સિટ’ ફિક્સિંગ
હવે અદાલતમાં જાહેર થયેલી વાત છે કે સીબીઆઇ કેન્દ્ર સરકારના પઢાવેલા પોપટની જેમ વર્તે છે, કેન્દ્ર સરકાર સીબીઆઇના તપાસ અહેવાલોમાં ચેડાં કરે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ) ગુજરાત સરકારને પોતાના અહેવાલ બતાવે છે. જેમની વિરુદ્ધમાં તપાસ કરવાની હોય એમને અહેવાલ બતાવવા જેવું ગંભીર ફિક્સિંગ બીજું કયું હોઇ શકે? પણ એ થાય છે, સમાચારોમાં આવે છે. છતાં કોઇ પક્ષને લાજશરમ નથી. સવાલ કોંગ્રેસ કે ભાજપનો નહીં, પણ સત્તાધારી પક્ષો દ્વારા થતાં આ પ્રકારનાં ફિક્સિંગનો છે.
ચિંતાજનક ફિક્સિંગની યાદી ઘણી લંબાવી શકાય એમ છેઃ ‘કોબ્રાપોસ્ટ’ વેબસાઇટ દ્વારા બહાર આવેલું બેન્કો-વીમા કંપનીઓ અને કાળાં નાણાં ઠેકાણે પાડનારા લોકો વચ્ચેનું ફિક્સિંગ, પોલીસતંત્રમાં ગુનો નોંધવા કે ન નોંધવાથી માંડીને વિશેષ સુવિધાઓ પૂરી પાડવાનાં ફિક્સિંગ, પ્રસાર માઘ્યમોમાં થતાં પ્રચાર-અપપ્રચાર માટેનાં ફિક્સિંગ, ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણો કે કાશ્મીરી પંડિતોની અવદશા જેવા મુદ્દા કાયમી ધોરણે ઉછળતા રાખીને તેનો યોગ્ય ઉકેલ કદી ન લાવવાનાં ફિક્સિંગ.. આ બધાં સામે આઇપીએલના સ્પોટ ફિક્સિંગની શી વિસાત?
Labels:
bjp,
congress,
education/શિક્ષણ,
sports
Subscribe to:
Post Comments (Atom)
ઉર્વીશભાઈ: IPL નો જન્મ જ ગમે તે રીતે પૈસા બનાવવા માટે થયો છે, જેને ઇંગ્લીશમાં કહે છે "By hook or Crook" અને હવે કોઈ ધુતારાને ધૂતે તો ચિંતા શા માટે? અને પબ્લિક ની વાત કરો અને જે પૈસા બેટિંગમાં લગાવે છે તેની દયા ખાવાની? એમને પણ પૈસા બનાવી લેવા છે, તેઓ જાને છે કે કઈ પણ ગોટાળા થઇ શકે તેમ છે છતાં પણ પૈસા લગાવે છે, સારી ભાષામાં પૈસા રોકે છે, અને ગુમાવે છે તો જવાબદારી કોની? લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, ધુતારા હાજર હોય જ, BCCI એ કમાવું છે, ટીમના માલિકો એ કમાવવું છે, ખેલાડીઓએ પણ કમાવવું છે/હોય, હવે બીજા જો કમાઈ લેવાનો પ્રયત્ન કરે અને છેતરાય, એમાં કોઈની તરફદારી શા માટે? હવે શા માટે પોલીસ અને કાયદો વ,વ, કહીને કર ભરનારના પૈસા બગડવાના? આવું બે ચાર વાર થશે એની મેળે બધું બંધ થઇ જશે, પૈસા ગુમાવવાની પણ કોઈ હદ હશે ને? આ નાટક તો BCCI અને લાગત વળગતા ના દ્ધંધા ચાલુ રહે માટે જ છે, બાકી તો તેઓ બધું જાણતા જ હશે, ચાલવા દેતા હશે,
ReplyDeleteexactly kabirbhai.
Deleteએકના ડબ્બલ અને શેર બજારમાં તો ત્રણ ઘણાં કરનારા કેટલાએ આવ્યા અને હજી આવે છે.
ReplyDeleteક્રીકેટમાં દાઉદ રસ લે છે અને પાકીસ્તાનને હસવું આવે છે.
ફીલ્મના કલાકારો અરબ દેશોમાં જઈ નાચગાન કરે છે એમાં ડીગેન્ગને વધુ રસ છે.
રામાયણ અને મહાભારતથી શરુ થયેલ આ કામકાજ ધમધોકાર ચાલે છે.