Wednesday, May 15, 2013

દુભાયેલા પોપટોની સભાનો અહેવાલ

સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને પિંજરામાં પુરાયેલા પોપટ જેવી ગણાવી અને કહ્યું કે એ માલિકો શીખવાડે એટલું જ બોલે છે. સર્વોચ્ચ અદાલત જેવી જવાબદાર સંસ્થાના મોઢેથી આવી અપમાનજનક વાત સાંભળીને પોપટસમાજમાં ખળભળાટ મચી ગયો. આ વિધાનને વખોડતું એક નિવેદન બહાર પાડવાની સમાજના અગ્રણીઓની ઇચ્છા હતી, પણ એટલું અપૂરતું લાગતાં તેમણે જંગી જાહેરસભાનું આયોજન કર્યું.(કોઇ સભા ભરાયા પહેલાં જ તેને કેવી રીતે જંગી કહી શકાય, એવો સવાલ અસ્થાને છે.)

પોપટસમાજની અસ્મિતાનો પ્રશ્ન હતો. આજ સુધી મનુષ્યોએ એકબીજાને ઉતારી પાડવા - કે ચઢાવીને પાડવા- સામાન્ય રીતે કૂતરો, ગધેડું, ઘોડો, ઊંટ, ભેંસ, ગાય, શિયાળ, સિંહ, વાઘ, ખચ્ચર જેવાં પ્રાણીઓને સરખામણી તરીકે વાપર્યાં છે. તેમાં પોપટનો વારો બહુ ઓછો આવે છે. એ કારણથી પણ પોપટસમાજમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું હતું.

સભાના દિવસે ભારતભરમાંથી પોપટો ઉમટી પડ્યા. સભાનું પ્રમુખસ્થાન પોપટની જેમ- એટલે કે, પોપટની જેમ બોલતા માણસની જેમ - શેરોશાયરી બોલી શકતા એક પોપટને સોંપવામાં આવ્યું. એ પોપટને ભળતાસળતા રંગનો ઝભ્ભો મળ્યો ન હોવાથી તે સંચાલન કરતાં શરમાતો હતો. પછી બીજા અનુભવી પોપટોએ તેને સમજાવ્યો કે તારે ક્યાં મુશાયરાનું કે સુગમ સંગીતના કાર્યક્રમનું સંચાલન કરવાનું છે કે ઝભ્ભો પહેરવો પડે. એટલે તે માની ગયો અને શરમ વિશેના બે-ચાર શેર શોધવામાં લાગી પડ્યો.

સભાના આરંભે ‘મારાં વહાલાં પોપટસમાજનાં ભાઇઓ અને બહેનો’ એવા સંબોધનથી પોપટે શરૂઆત કરી. તરત ‘આ તો વિવેકાનંદના વહેમ મારે છે’ એવો ગણગણાટ શરૂ થયો. પછી બધાને ખ્યાલ આવ્યો કે આ પોપટ ગાંધીનગર સાથે જીવંત સંપર્ક ધરાવનારો છે. એટલે હજુ વિવેકાનંદનાં સરકારી ઉજવણાંના માહોલમાંથી બહાર નીકળ્યો લાગતો નથી.

ગણગણાટ શાંત પડ્યો એટલે પોપટે આગળ ચલાવ્યું, ‘આજે આપણે શા માટે એકઠા થયા છીએ એ કહેવાની જરૂર છે?’ જવાબમાં એક પોપટ ધીમેથી બોલ્યો, ‘શા માટે ભેગા થયા એ કહેવાની જરૂર નથી, પણ આ કાર્યક્રમમાં સંચાલક તરીકે તને કોણે બોલાવ્યો એ કહેવાની જરૂર છે.’

એ સાથે જ સભામાં હાસ્ય ફેલાઇ ગયું. સંચાલક પોપટને પણ ન છૂટકે નિખાલસતાના પ્રદર્શન તરીકે હસવું પડ્યું. એટલે મંચ પર બેઠેલા એક અગ્રણીએ માઇક સંભાળી લીઘું. તેમણે કહ્યું, ‘આપણા પોપટોની આ જ ખાસિયત છે. આપણે જાત પર હસી શકીએ છીએ અને લાગણી દુભાવાની ફરિયાદો લઇને કોર્ટકચેરીમાં જતા નથી. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે કોર્ટકચેરીમાં નથી જતા, તો કોર્ટકચેરી આપણી પાસે આવે છે. તમે જ કહો. માણસની સુપ્રીમ કોર્ટને આપણી બાબતમાં માથું મારવાનો શો અધિકાર છે?’

એ સાથે જ ઓડિયન્સમાંથી પોકાર ઉઠ્યો, ‘શો અધિકાર છે? કોઇ અધિકાર નથી. શરમ...શરમ...’

અગ્રણી પોપટે આગળ ચલાવ્યું,‘મારી આપ સૌ સમક્ષ દરખાસ્ત છે કે આપણે સર્વોચ્ચ અદાલત પર માનહાનિનો દાવો માંડીએ અથવા એની પર કેસ કરીએ. શું કહો છો તમે લોકો?’

આ દરખાસ્ત સાંભળીને ઓડિયન્સ વહેંચાઇ ગયું. કેટલાકનો અભિપ્રાય હતો કે સારા માણસો કોર્ટકચેરીના ચક્કરમાં પડતા નથી અને એમાંય સુપ્રીમ કોર્ટની તો વાત જ મુકી દો. અચ્છાખાસા માણસો સુપ્રીમ કોર્ટના ધક્કા ખાતા થઇ જાય એટલે થોડા વખતમાં ગળાના કાંઠલા સિવાયનાં બધાં કપડાં ઉતરી જાય છે. દિલ્હીના એક પોપટે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટમાં વકીલો આપણી જેમ- એટલે કે પોપટની જેમ- ગળે કાંઠલા પહેરીને, આપણી જેમ જ ફટાફટ અંગ્રેજીમાં દલીલો કરે છે. કદાચ એ આપણને જાતભાઇ ગણીને ફી ઓછી કરે.’

આ સૂચન અનુભવી પોપટોએ એમ કહીને ઉડાવી દીઘું કે ‘બેટા, તને વકીલોનો અનુભવ લાગતો નથી. એટલે તને આવા ઉદાર વિચારો આવે છે.’

સર્વોચ્ચ અદાલત સામે કેસ થઇ શકે કે કેમ, એ વિશે વિદ્વાન પોપટો ચર્ચા કરવા લાગ્યા. એક પોપટે કહ્યું કે ‘આપણે બંધારણના નિષ્ણાત એવા કોઇ પોપટને- એટલે કે પોપટની જેમ ધાણીફૂટ બોલી શકે એવા કોઇને- મળીને સલાહ લેવી જોઇએ.’ ટીવી સ્ટુડિયોની આસપાસ આંટાફેરા મારતા એક પોપટે કહ્યું કે ‘નિષ્ણાતોની પસંદગીમાં કાળજી રાખજો. ભૂલથી ટીવી સ્ટુડિયોનો કોઇ નિષ્ણાત ન આવી જાય. નહીંતર એ કાબરની જેમ કકળાટ કરી મૂકશે અને આપણને કશું જાણવા મળશે નહીં. એ બધા ટોક શોમાં ચાલે. એમની સલાહ-બલાહ ના લેવાય.’

ત્યાં જ એક માર્કેટિંગ ક્ષેત્રનો પોપટ આવી ચડ્યો. ઘણા પોપટો માર્કેટિંગમાં ગયા પછી વાતેચીતે માણસ જેવા થઇ જતા હતા, જેમ ઘણા માણસો માર્કેટિંગમાં ગયા પછી પોપટની જેમ પઢાવેલી ચીજોનું રટણ કરતા થઇ જાય છે. માર્કેટિંગના પોપટે આવીને ખોંખારો ખાધો અને ‘ફ્રેન્ડ્‌ઝ’ કહીને વાતની શરૂઆત કરીઃ ‘તમને કહી દઉં કે હું પાંચ વર્ષથી માર્કેટિંગનું કરું છું અને એટલા વખતમાં મને સમજાઇ ગયું છે કે આપણો પોપટસમાજ કેમ કદી ઊંચો આવતો નથી. બલ્કે હું તો એમ કહું છું કે આપણો પોપટસમાજ કદી ઊંચો નહીં આવે.’

આવું આત્યંતિક વિધાન સાંભળીને પોપટસભામાં સન્નાટો છવાઇ ગયો. બે-ચાર વડીલ પોપટો ઘડીમાં એકબીજા સામે, તો ઘડીમાં માર્કેટિંગવાળા પોપટની સામે જોવા લાગ્યા. એટલે તેણે આગળ ચલાવ્યું. ‘તમને લોકોને કંઇ ભાનબાન પડે છે કે એમ જ વિરોધ કરવા હાલી નીકળ્યા છો?’

એટલે એક ડાહ્યો પોપટ કહે, ‘તું કેવી વાત કરે છે? વિરોધ કરવા માટે ભાન પડવાની શી જરૂર? ગુજરાત સરકારે જસવંતસિંઘની ચોપડી ઉપર કે કેન્દ્ર સરકારે રશદીની ચોપડી પર પ્રતિબંધ મુક્યો, તે સરકારને ચોપડીઓમાં શું ભાન પડ્યું હશે? વાંચી હોય તો ભાન પડે ને?’

માર્કેટિંગવાળાએ વાતને અધવચ્ચેથી કાપીને કહ્યું, ‘આપણી ગાડી આડા પાટે લઇ જવાની જરૂર નથી. મારો મુદ્દો સાવ સીધોસાદો છે. સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને પિંજરામાં પુરાયેલા પોપટ સાથે સરખાવી એમાં આપણું શું ખસી ગયું?’

એક વડીલ પોપટ બોલ્યા, ‘તારામાં સ્વમાન જેવું કંઇ મળે કે નહીં? કોઇ આપણા નામે બીજાને ગાળ દઇ જાય અને તું પૂછે છે કે આપણું શું ખસી ગયું? મને તો તારું જ ખસી ગયેલું લાગે છે.’

માર્કેટિંગવાળા પોપટે  ધ્રુવપ્રદેશ પર રેફ્રિજરેટર વેચવા માટે હોય એવા સ્મિત સાથે વડીલને કહ્યું, ‘તમારો રોષ હું સમજું છું, પણ નવા જમાનાનો તકાદો તમે નથી સમજતા. તમે દિલ્હી-મુંબઇમાં છાપાં-ચેનલોમાં ફર્યા છો? તમને ખબર છે છાપામાં એક કોલમ સેન્ટીમીટરનો કે ચેનલમાં પંદર સેકન્ડનો શો ભાવ હોય છે? તમને ખબર છે, ભલભલા લોકો છાપાં ને ચેનલોમાં દેખાવા માટે સામેથી રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે? તમને ખબર છે, મીડિયામાં આપણું જેટલું કવરેજ થયું એટલું તમે ખરીદવા જાવ, તો આપણા આખા સમાજની આખા જન્મારાની કમાણી ઓછી પડે? ’

પોતાના ‘ફન્ડા’ની ધારી અસર પડી રહી છે એવું લાગતાં માર્કેટિંગવાળા પોપટે આગળ ચલાવ્યું, ‘મફતની પબ્લિસિટી મળી રહી છે, તો લઇને બેસી રહો. બાકી મીડિયાનો ટેકો ન હોય તો શું થાય, એ પૂછી આવો પેલા અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલને.’

મોટા ભાગના પોપટો માર્કેટિંગવાળા પોપટની વાત સાથે સંમત થઇ જતાં સભા તો ચાલુ રહી, પણ ત્યાર પછી સર્વોચ્ચ અદાલતને આપવાના માનપત્રનો મુસદ્દો ઘડાવા લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

3 comments:

 1. પોપટોની જમાત દાવો માડવા અને વિરોધ નોધાવવા બેગી તો થૈ પણ " ગધ્ધેસે ગધ્ધામિલા કરે લાતમલાત" જેવી પરિસ્થિતિ આપે ઉપજાવી અને સાચેજ એવુ થાય ત્યારે સમાજમાથી તકનો લાભ લઇ મફતની પબ્લીસીટી ખાટનારાઓની પર સરસ કટાક્ષ કર્યો છે. વાચવાની ખરેખર મજા આવે છે અને સાચી પરિસ્થિતિનો ખ્યાલ પણ્ આવે છે

  ReplyDelete
 2. Vishal Shah11:56:00 AM

  ટીવી સ્ટુડિયોની આસપાસ આંટાફેરા મારતા એક પોપટે કહ્યું કે ‘નિષ્ણાતોની પસંદગીમાં કાળજી રાખજો. ભૂલથી ટીવી સ્ટુડિયોનો કોઇ નિષ્ણાત ન આવી જાય. નહીંતર એ કાબરની જેમ કકળાટ કરી મૂકશે અને આપણને કશું જાણવા મળશે નહીં. એ બધા ટોક શોમાં ચાલે. એમની સલાહ-બલાહ ના લેવાય.

  તમે દિલ્હી-મુંબઇમાં છાપાં-ચેનલોમાં ફર્યા છો? તમને ખબર છે છાપામાં એક કોલમ સેન્ટીમીટરનો કે ચેનલમાં પંદર સેકન્ડનો શો ભાવ હોય છે? તમને ખબર છે, ભલભલા લોકો છાપાં ને ચેનલોમાં દેખાવા માટે સામેથી રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે? તમને ખબર છે, મીડિયામાં આપણું જેટલું કવરેજ થયું એટલું તમે ખરીદવા જાવ, તો આપણા આખા સમાજની આખા જન્મારાની કમાણી ઓછી પડે? ’

  એકદમ ધાંસુ વ્યંગ...

  ReplyDelete
 3. ઉર્વીશભાઈ માનપત્ર માટે ગુજરાતી બ્લોગવાળાઓનો સમ્પર્ક કરવો જોઈએ. પોપટો સર્વોચ્ચ અદાલતને માનપત્ર આપશે એ દીવસે ગુજરાતીઓની છાતી છાતી ગજ ગજ ફુલશે.

  ReplyDelete