Thursday, May 16, 2013

ડબલસવારી, ટ્રબલસવારી


જગતમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છેઃ દ્વિચક્રી વાહન ચલાવનારા અને એ વાહનની પાછળની સીટ પર બેસનારા. તેમાંથી ફક્ત પાછળની સીટ પર બેસનારાને ‘પરોપજીવી’ કહીને વખોડી કાઢવા જેવા નથી. કારણ કે દ્વિચક્રી વાહનની પાછળની સીટ પર બેસવું એ પણ વાહન ચલાવવા જેવું જ જવાબદારીભર્યું કાર્ય છે. બલ્કે, ઘણી વાર વાહનને ચાલક ચલાવે છે, પણ ચાલકને કોણ ચલાવે? એવો ‘રણજીતપ્રશ્ન’ ઊભો થાય છે. એ વખતે નોંધવું પડે કે વાહનનું ભૌતિક સંચાલન ભલે ચાલક કરતો હોય, પણ તેનું માનસિક અથવા આધિભૌતિક ચાલન પાછળની સીટ પર બેઠેલા જણને હસ્તક રહે છે.

દ્વિચક્રીની પાછળની સીટ પર બેસવાના કામને રોમાંચક ગણવું કે જોખમી, એનો આધાર બેસનારની પ્રકૃતિ અને ચાલકના ડ્રાઇવિંગ પર રહે છે. પરંતુ ‘અંગ્રેજો, ભારત છોડો’ જેવાં સૂત્રો પોકારીને રોમાંચ મેળવવાની તક રહી ન હોય, ત્યારે બાઇક-સ્કૂટરની પાછળની સીટ પર બેસીને રોમાંચનો અનુભવ કરી લેવામાં કશું ખોટું નથી.

દ્વિચક્રી પર બે જણ બેસે તેને ‘ડબલસવારી’ કહેવાનો રિવાજ છે, જે ફક્ત ભાષાના જ નહીં, સંસ્કૃતિના ફ્‌યુઝનનો પણ ઉત્તમ નમૂનો છે. ભાષાનું ફ્‌યુઝન એ રીતે કે ક્યાં અંગ્રેજી ‘ડબલ’ અને ક્યાં  ફારસી ‘સવારી’! અને બે સંસ્કૃતિઓનું ફ્‌યુઝન દર્શાવતાં ડબલસવારીનાં દ્રશ્યો સડકો પર રોજેરોજ જોવા મળે છે. પાયલટની છટાથી બાઇક ચલાવતો યુવાન અને ખતરનાક સ્પીડને કારણે પોતે ચાલકસહિત ઉડી ન જાય એટલી ભીંસથી ચાલકને વળગીને બેઠેલી કન્યા- ફક્ત ત્રીસ વર્ષ પહેલાં આપણા રસ્તા પર આ દૃશ્ય કલ્પી શકાયું હોત? ‘ભારતીય સંસ્કૃતિ’ પ્રમાણે ટ્રાફિકવાળા જાહેર રસ્તા પર છોકરો-છોકરી એક બાઇક પર બેઠાં હોય એ જ લોકોની આંખો ચાર કરવા માટે પૂરતું બની રહેત.  બાઇક પર બેઠેલી છોકરી માટે ‘નફ્‌ફટ’થી માંડીને ‘એ તો છે જ એવી’ સુધીના અભિપ્રાયો અપાયા હોત અને વાતચીતમાં તેનો ઉલ્લેેખ ‘પેલી બાઇકવાળી’ તરીકે થતો હોત.

આ વાત, આગળ કહ્યું તેમ, ત્રણ દાયકા પહેલાંની હતી. હવે શહેર હોય કે ગામડું, યુવાનની કમર જાણે સર્જનહારે હાથ વીંટાળવા માટે જ બનાવી હોય, એટલી સાહજિકતાથી યુવતી ત્યાં હાથ ગોઠવી દે છે. આ પોઝ જોઇને પ્રેમ-શૌર્યના પ્રેમીઓને સંયુક્તાને હરી જતા  પૃથ્વીરાજ ચૌહાણની યાદ આવી શકે છે. બાઇક એટલી ઝડપથી ભાગતી હોય છે કે પાછળ જયચંદની ફોજ પડી હોય એવું લાગે. અલબત્ત, પાછળ બેસનાર જે રીતે ચાલકને વીંટળાય છે, એ જોતાં ક્યારેક કોણે કોનું અપહરણ કર્યું એ નક્કી કરવામાં ગૂંચવાડો થઇ શકે. છોકરી વાહન ચલાવતી હોય અને છોકરો પાછળ બેઠો હોય ત્યારે આવાં દૃશ્યો જોવા મળતાં નથી. (‘ઝીરો ફીગર’પ્રેમી વાહનચાલિકાઓ કહી શકે છેઃ અમારે ‘કમર’ હોય તો હાથ વીંટાળવાનો સવાલ રહે ને.’)

બેક-સીટ રાઇડિંગ એટલે કે દ્વિચક્રીની પાછળની સીટ પર બેસવાનો અનુભવ ‘બેક-સીટ ડ્રાઇવિંગ’ના કોર્સનો પહેલો તબક્કો છે.  પ્રિયતમા તરીકે બેક-સીટ રાઇડિંગનો અનુભવ લીધો હોય, તો લગ્ન થયા પછી બેક-સીટ ડ્રાઇવિંગ કરવાનું પ્રમાણમાં સહેલું પડે છે. બેક-સીટ રાઇડિંગના ગાળા દરમ્યાન પાછળ બેસનાર વ્યક્તિ વાહનના અને વાહન ચલાવનારનો દોરીસંચાર કેવી રીતે થાય છે, તે બરાબર જાણી લે છે. સામાન્યતઃ વાહનનું એક્સલરેટર ચાલકની કમરમાં અને બ્રેક તેના ખભામાં હોવાનું બેક-સીટ રાઇડરોનું તારણ છે.

ચાલકની કમરે હાથ વીંટાળી રાખવામાં પાછળ બેઠેલી પત્ની કે પ્રિયતમાને બે ફાયદા થાય છે  ૧) તેમની વચ્ચે કેટલો પ્રેમ છે, એ બીજા લોકોની નજરમાં સ્થાપિત કરી શકાય છે. ૨) ‘હું પાછળ જ બેઠી છું.’ - એ સત્યની ચાલકને સતત યાદ આપી શકાય છે. એના કારણે, લક્ષ્મણ જેમ સીતાનાં પગનાં આભૂષણો જ ઓળખી શક્યા હતા, તેમ ચાલકે આજુબાજુના ટ્રાફિકમાંથી ફક્ત વાહનો તરફ જ લક્ષ્ય આપવાનું છે અને તેની ચાલકસુંદરીઓ તરફ આંખ ઉઠાવીને પણ જોવાનું નથી, એવો સંદેશ વાયરલેસ ઢબે સતત પ્રસારિત કરી શકાય છે.

દ્વિચક્રીની પાછળ બેસવાની મુખ્ય બે પદ્ધતિઓ છેઃ ચાલકને અગવડ પડે એવી અને બેસનાર માટે અગવડદાયક. બન્ને પગ એક બાજુ પર રહે એવી ‘સાઇડ’ પદ્ધતિ બેસનારને બહુ સહેલી લાગે છેઃ   પગથીયું ચડતા હોય એટલી સહેલાઇથી એ રીતે વાહન પર બેસી શકાય છે, પરંતુ સવારી વાહન પર બેસે ત્યારે સઘળો ભાર એક તરફ આવી જવાને લીધે ચાલક પડું પડું થઇને એ બાજુ ઝૂકી જાય છે. બેસનારને લાગે છે કે ચાલકે વિવેક કરીને બેસતાં ફાવે એટલે વાહન એ તરફ નમાવ્યું છે. એટલે તે ચાલકનો આભાર માનીને કહે છે, ‘બસ, હવે બેસી ગયો. સરખું કરી લો.’ ત્યાં સુધીમાં ચાલક અસમતુલાના આઘાતમાંથી બહાર આવીને સ્કૂટરનું અને દિમાગનું સંતુલન પાછું મેળવી ચૂક્યો હોય છે. એટલે તે સવારીને પૂછે છે, ‘જવા દઉં?’ કેટલીક પ્રો-એક્ટિવ સવારીઓ બેઠા પછી તરત ચાલકને કહે છે, ‘લઇ લો.’ એ વખતને ચાલકને પૂછવાનું મન થઇ જાય છે, ‘મીટરથી કે ઉચ્ચક?’

બીજી ‘વચ્ચે’પદ્ધતિ ચલાવનારને બહુ અનુકૂૂળ પડે છે, કારણ કે તેમાં બેસનારનું વજન બન્ને બાજુ વહેંચાઇ જાય છે. પણ બેસનાર ઉંમરલાયક હોય કે પછી અમુક પ્રકારનાં વસ્ત્રો તેમણે પહેર્યાં હોય તો, ‘વચ્ચે’ બેસવાની પ્રક્રિયા તેમને ઘોડો કે ઊંટ પલાણવા જેવી અટપટી લાગે છે. પહેલાં તે વાહનની પાછળની બેઠક પર ત્રાટક કરીને તેની લંબાઇ, પહોળાઇ, ક્ષેત્રફળ, જમીનથી તેની ઊંચાઇ, ફૂટરેસ્ટથી તેનું અંતર જેવાં વિવિધ પરિબળોનો ક્યાસ કાઢે છે. પછી પદ્ધતિસર, પગથિયાંવાર આરોહણ કરવું કે એક પગે ઠેકડો મારીને સીઘું પાછળની સીટ પર લાંગરવું, એ વિશે તે વિચારે છે. આ બધા મનોવ્યાપારથી અનભિજ્ઞ ચાલક પૂછે છે, ‘બેસી ગયા?’ જવાબ ‘ના’ મળે, એટલે ચાલક કહે છે, ‘આ તો શું છે કે તમે વચ્ચે બેસો તો બેઠા કે નહીં, એ પણ ખબર ન પડે. એટલે પૂછવું પડ્યું.’

ચાલક તરફથી મળેલા આવા સંકેત પછી બેસનાર ફરી મન મક્કમ કરે છે અને મિશન પર જતાં પહેલાં છેલ્લો વિચાર કરી લેનારા કમાન્ડોની જેમ તે મનોમન ગણતરી માંડે છે અને સીટ પર બેસી જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ક્યાંક પગ ખેંચાઇ જાય કે કમર ચસકી જાય કે બેઠા પછી પગને ખાલી ચઢી જાય, તો પણ ચાલકના હિતાર્થે એક યોદ્ધાને છાજે તેમ પાછળ બેસનારા તે ચૂપચાપ સહી લે છે. એ દર્દ અસહ્ય બને ત્યારે જ ‘એક મિનીટ, એક મિનીટ, જરા સાઇડ પર ઊભી રાખવી પડશે’ જેવો આર્તનાદ કરવો પડે છે. ચાલક ચિંતાથી કારણ પૂછે, ત્યારે ખબર પડે છે કે આરોહણ વખતે થયેલી એકાદ ખોટી હિલચાલ જવાબ માગી રહી છે.

પહેલાં સ્કૂટર કે બાઇક ન હતાં, ત્યારે સાઇકલ પર ડબલસવારીનો મહિમા હતો. સાઇકલની પાછળના ‘કેરિયર’  પર પ્રિયતમાને બેસાડીને સાયકલ ચલાવવી, એ ત્યારે અંગ્રેજોની કોઠી પર ત્રિરંગો ફરકાવવાની કક્ષાનો વિદ્રોહ ગણાતો હતો. પ્રિયતમ ઉત્સાહથી પેડલ મારતો અને ખરબચડા કેરિયર પર બેઠેલી પ્રિયતમા ગમે તેવા ઉબડખાબડ રસ્તા પર ચૂં કે ચાં કર્યા વિના સંસારના શ્રેષ્ઠ સુખનો અનુભવ કરતી હતી. મોપેડનો જમાનો આવ્યા પછી પેડલ મારવાની મજૂરી ઓછી થઇ, પણ ચાલકનું ટેન્શન વધી ગયું. ડબલસવારીમાં ભૂલેચૂકે સાયકલ પરથી પડી જવાય તો વાગવાની બહુ ચિંતા રહેતી ન હતી. મોપેડમાં ચાલકને સતત એવો ડર રહેવા લાગ્યો કે એક વાર મોપેડ ઉભું રાખ્યા પછી પાછળ રહેલા વજનથી મોપેડ ફરી નહીં ઉપડે તો? એ જ રીતે, પાછળ બેસનારને ‘હમણાં મોપેડ ઉભું રહી જશે અને મારે નીચે ઉતરીને ધક્કા મારવા પડશે’  એવી ધાસ્તી રહેતી હતી. એટલે બેક-સીટ રાઇડિંગની ખરી મઝા બાઇક-સ્કુટરના યુગથી શરુ થઇ. પાછળની સીટ પર બેસનારે હેલ્મેટ પહેરવી જોઇએ એવો અરસિક કાયદો કાઢવામાં આવ્યો છે, પરંતુ વર્ષો પછી મળેલી બેક સીટ રાઇડિંગની મઝાની હેલ્મેટ પહેરીને કુરબાની આપવાને બદલે, પાછળની સીટ પર બેસનારા પોતાના જીવ પર ખેલી જવાનું વધારે પસંદ કરે છે.

No comments:

Post a Comment