Tuesday, May 14, 2013

ભારતમાં ભ્રષ્ટાચારઃ એક બાળવાર્તા


દેશના સર્વોચ્ચ કાયદા અધિકારીનું સર્વોચ્ચ અદાલતમાં જૂઠાણું, કાયદામંત્રીના કોઠાકબાડા,  રેલવેમંત્રીની લાગવગલીલા, સીબીઆઇને પિંજરાનો પોપટ ગણાવતો સર્વોચ્ચ અદાલતનો ઠપકો, કેન્દ્ર સરકારના બબ્બે મંત્રીઓનું મોડેમોડે રાજીનામું, વડાપ્રધાનની કચેરી તરફ મંડાયેલી આંગળી અને આ બધા વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસની ચોખ્ખી જીત- આ ઘટનાક્રમ એવો એબ્સર્ડ છે કે તેના વિશે ગંભીરતાથી વાત કરવાનું અઘરૂં લાગે. ક્યાંથી શરૂઆત કરવી એ સમજાય નહીં. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચારના ઇતિહાસ- વર્તમાન વિશેની વાત બાળવાર્તાના સીધાસાદા-નિર્દોષ સ્વરૂપમાં કરી જોઇએ.
***
 ભારતનગર નામે એક રાજ્ય હતું. ત્યાં એક રાજા હતો. રાજા-રાણીને લગ્નનાં ઘણાં વર્ષ પછી કુંવરી અવતરી. જન્મ રાજાને ત્યાં થયો, પણ ઉત્સવ પ્રજાએ ઉજવ્યો. કારણ કે એ પ્રજા હતી. લોકોએ રોશની કરીને કુંવરીના જન્મનો ઓચ્છવ મનાવ્યો. રાજાએ કુંવરીનું નામ પાડ્યું લોકશાહી.

રાજા-રાણી કુંવરીને લાડકોડથી ઉછેરતાં હતાં. પ્રજાને પણ કુંવરી બહુ વહાલી હતી. સૌને આશા હતી કે કુંવરી મોટી થઇને રાજાનું અને રાજ્યનું નામ રોશન કરશે. રાજાએ કુંવરીને ભણાવવા માટે ઉત્તમ શિક્ષકો રોક્યા. એ લોકો કુંવરીને ‘બંધારણ’ નામના ધર્મગ્રંથમાંથી વાર્તાઓ સંભળાવતા હતા. તેમને લાગતું હતું કે આમ કરવાથી કુંવરી પર સારા સંસ્કાર પડશે અને મોટી થઇને આદર્શ બની રહેશે.

ઉંમર વધતાં કુંવરીમાં ઉંમરનાં લક્ષણ પ્રગટવા લાગ્યાં. કુંવરી એક યુવકના પ્રેમમાં પડી. એનું નામ હતું ભ્રષ્ટકુમાર. એના વિશે થોડુંથોડું સૌ કોઇ જાણતું હતું, પણ તે ક્યાંનો રહેવાસી છે અને તેનાં માબાપ કોણ એની ચોક્સાઇપૂર્વક કોઇને ખબર ન હતી. શરૂઆતમાં ભ્રષ્ટકુમાર સાથે કુંવરી લોકશાહીના સંબંધની વાતો છાનીછપની અને ગુસપુસ સ્વરે થતી. પરંતુ  રાજાના મૃત્યુ પછી તેમનાં રાણીનું રાજ આવ્યું. ત્યારથી કુંવરી પર કોઇ જાતનો અંકુશ ન રહ્યો. કુંવરી લોકશાહી ભ્રષ્ટકુમારને લઇને છડેચોક ભારતનગર રાજ્યમાં ફરવા લાગી. રાણીમાને એનો કશો વાંધો ન હતો. કારણ કે ભ્રષ્ટકુમારની માયામાં પડેલી કુંવરીને રાજગાદી તરફ જોવાની ફુરસદ ન હતી. રાણીને કુંવરીનાં લક્ષણ સાથે નહીં, ફક્ત પોતાની  સત્તા ટકી રહે એની સાથે મતલબ હતો.

કુંવરી નાની હતી ત્યારથી એક આયા તેની દેખરેખ રાખતી હતી. તેણે સગી મા કરતાં વધારે કાળજીથી કુંવરીનો ઉછેર કર્યો. એ આયાનું સાચું નામ કોઇ જાણતું ન હતું, પણ સૌ એમને ચૂંટણીબા કહેતાં હતાં. જૂના લોકો કહેતા હતા કે કુંવરીના શિક્ષકો કુંવરી પર કાયમી દેખરેખ રાખવા માટે ચૂંટણીબાને મૂકી ગયા છે.

પહેલી આફત

ચૂંટણીબા શરૂઆતમાં કુંવરીને, રાણીમાને અને બીજા સૌને વહાલાં હતાં. કુંવરી મોટી થવા લાગી એટલે ચૂંટણીબા સૌથી પહેલાં રાણીમાને ખટકવા લાગ્યાં. તેમને શંકા પેઠી કે ચૂંટણીબાનો પ્રભાવ ક્યારેક પોતાની એકહથ્થુ સત્તા માટે મુશ્કેલી પેદા કરશે. એટલે તે કટોકટીબાઇ નામની બીજી ગવર્નેસ લઇ આવ્યાં.

કટોકટીબાઇ બહુ કડક હતાં. તેમને કુંવરીની કશી ચિંતા ન હતી. રાણીમા એક જ એમનાં માલિક અને એ ફક્ત રાજમાતાને વફાદાર. તેમના હુકમોનું આંખ મીંચીને પાલન કરવું એ જ કટોકટીબાઇનું કામ હતું. તેમણે કુંવરી લોકશાહી સાથે જ નહીં, ચૂંટણીબા અને રાજ્યનાં બીજાં નાગરિકો સાથે ભારે કડકાઇથી કામ લીઘું. વાતેવાતે એ સૌને ધીબેડી પાડતાં હતાં.

નવી ગવર્નેસનો ત્રાસ કુંવરીને આકરો લાગ્યો. પણ એ કશું કરે તે પહેલાં કટોકટીબાઇએ કુંવરીને કોટડીમાં પુરાવ્યાં. રાજમાતાના કહેવાથી કટોકટીબાઇએ આખા રાજ્યમાં ઢંઢેરો પિટાવ્યોઃ ‘કુંવરી લોકશાહી હજુ પૂરેપૂરાં સમજુ નથી. તેમને આઝાદ રાખવામાં જોખમ છે. તેમની સલામતીનો વિચાર કરીને અમે તેમને સુરક્ષિત સ્થળે રાખ્યાં છે. યોગ્ય સમયે એમને ફરી બહાર કાઢવામાં આવશે. ત્યાં સુધી કુંવરીબા ઝિંદાબાદ, રાજમાતા ઝિંદાબાદ. આપણું રાજ્ય ઝિંદાબાદ.’

નવી ગવર્નેસ કુંવરીને બહુ વીતાડે છે, એવી વાતો લોકો અંદરોઅંદર કરતા. કુંવરી પરના અત્યાચારની કથાઓ સાંભળીને લોકોના મનમાં પહેલાં કુંવરી વિશે દયા જાગી. પછી માન પેદા થવા લાગ્યું. સાથે, રાણીમા પ્રત્યે અસંતોષ પેદા થયો. ચબરાક રાણીમાને એકાદ-બે વર્ષમાં સમજાઇ ગયું કે કુંવરીને કેદ રાખવા કરતાં છૂટી રાખવામાં વધારે ફાયદો છેઃ  કેદ રાખવાથી આપણી બદનામી થાય છે અને એનો ભાવ વધે છે. એને બદલે કુંવરીને છૂટી રાખીશું તો કોઇ એનો ભાવ નહીં પૂછે. ઉલટું, લોકો એની જ કુથલી કરશે.

આમ વિચારીને, એક વાર લોકોનો રોષ વેઠવાની તૈયારી સાથે રાણીમાએ કુંવરીને છોડી મૂકી. તેને કેદમાં પુરનાર નવી ગવર્નેસને રવાના કરી. રાજી થયેલા લોકોએ કુંવરીનો જયજયકાર બોલાવ્યો. નારાજ થયેલાં ચૂંટણીબાએ જૂની વર્તણૂંક બદલ રાજમાતાને ઠપકો આપ્યો, પણ પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.

ભ્રષ્ટકુમારના ભેદભરમ

આ બધો સમય કુંવરી લોકશાહીનો જૂનો પ્રેમી ભ્રષ્ટકુમાર સહીસલામત હતો. કુંવરી જેલમાંથી બહાર આવી એટલે ફરી બન્નેનું પ્રકરણ ચાલુ થયું. શરૂઆતમાં લોકોને લાગતું કે ભ્રષ્ટકુમાર કુંવરીનો પાલવ પકડીને ફરે છે. પણ થોડા વખતમાં કુંવરી ભ્રષ્ટકુમારની આગળપાછળ ફરતી હોય એવું લાગવા માંડ્યું. ભ્રષ્ટકુમાર પાકો ખેલાડી હતો. તેણે ચૂંટણીબા સહિત કુંવરીનાં સૌ હિતેચ્છુઓને એવાં પલાળ્યાં કે એ પણ તેની આંખે દેખતાં થઇ ગયાં. જૂની આબરૂને કારણે ઘણા વખત સુધી લોકો ચૂંટણીબા પર ભરોસો મૂકતા હતા અને એ છે ત્યાં સુધી કુંવરી સલામત છે એવું માનતા હતા.

ધીમે ધીમે લોકોને સમજાવા લાગ્યું કે ચૂંટણીબા હવે ભ્રષ્ટકુમારની ભાષામાં બોલે છે. એટલે એમની વાતો પર વિશ્વાસ મુકી શકાય નહીં. રાજ્યમાં છડેચોક એવી વાતો સંભળાતી હતી કે ભ્રષ્ટકુમારે કુંવરીને રાજ્યના પાટનગરથી દૂર એકદંડિયા મહેલમાં પૂરી દીધી છે. કિલ્લા જેવા એ મહેલમાંથી રાત્રે કુંવરીના રોવાનો અવાજ આવતો હોય, એવો ભાસ પણ ઘણાને થતો હતો.

 ભ્રષ્ટકુમારનો મહેલ ખરેખર ક્યાં આવ્યો એની કોઇને ખબર ન હતી. ત્યાં પહોંચવાનું લગભગ અશક્ય છે, એવી પણ વાતો થતી હતી. રાજ્યના એક વૃદ્ધ અને એક (તેમની સરખામણીમાં) જુવાન જણ મોટા ઉપાડે ભ્ર્રષ્ટકુમાર સામે જંગ ખેલવા નીકળ્યા ત્યારે પ્રજાએ તેમને ખભે બેસાડ્યા હતા. પણ એ બન્ને જણ ડોન કિહોટે- સાન્કો પાન્ઝા જેવા પુરવાર થયા.

ન્યાયચંદ્રની કૂચ

કુંવરી પરના અત્યાચારોની વાત સાંભળીને પાટનગરમાં રહેતા ન્યાયચંદ્રનું લોહી ઉકળી ઉઠ્યું. ન્યાયચંદ્ર ઉત્સાહી યુવક હતો. કોઇને કહ્યા વિના કે ડોન હઝારે- અરવિંદ પાન્ઝા જેવું કંઇ કર્યા વિના તેણે ભ્રષ્ટકુમારના મહેલનો રસ્તો લીધો. વચ્ચે અડચણો અને ખતરાનો પાર ન હતો. ન્યાયચંદ્રને એક વિશાળ, કદી પૂરું ન થાય એવું લાગતું મેદાન પસાર કરવું પડ્યું. તે કોમનવેલ્થ ગેમ્સની મેરેથોન સ્પર્ધાના બહાને બાંધવામાં આવ્યું હતું. કુંવરી લોકશાહીને ત્યાંથી ઢસડીને લઇ જવાઇ હોય એવાં ચોખ્ખાં નિશાન ન્યાયચંદ્રને દેખાયાં. આગળ જતાં એક મોટું બિલ્ડિંગ આવ્યું. તેનું નામ ‘આદર્શ’ હતું. તેની બહાર કુંવરીનાં વસ્ત્રોમાંથી કેટલાક લીરા પડ્યા હતા. એ જોઇને ન્યાયચંદ્રનો જીવ કકળી ઉઠ્યો અને તે દાંત ભીંસીને આગળ વઘ્યો.

થોડે આગળ ગયા પછી અચાનક ન્યાયચંદ્રનો જીવ મુંઝાવા લાગ્યો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. હવામાં જુદા પ્રકારના તરંગો વહેતા હતા. એ ભ્રષ્ટકુમારની સ્પેક્ટ્રમ-લીલા હતી. ભલભલા એ વિસ્તારમાંથી પસાર થતાં દિશાભાન ભૂલીને ભટકી જતા હતા. ત્યાંથી પસાર થતાં કુંવરી લોકશાહીનાં થોડાં આભૂષણ જમીન પર પડેલાં મળ્યાં. તેનાથી ખ્યાલ આવ્યો કે આ જગ્યા વટાવતી વેળા કુંવરીએ ભ્રષ્ટકુમારની પકડમાંથી છટકવાનો ઘણો પ્રયાસ કર્યો હશે.

આ બધા અવરોધ પસાર કર્યા પછી ન્યાયચંદ્ર હાર્યો ન હતો, પણ તેને થાક લાગ્યો હતો. તેને થયું કે હવે તો ભ્રષ્ટકુમારનો મહેલ આવવો જોઇએ. એને બદલે એની સામે આવી મસમોટી કોલસાની ખાણ. જ્યાં જુઓ ત્યાં કોલસો જ કોલસો. કાળોભમ્મર કોલસો. એની પર કુંવરી લોકશાહીના વાળ અને થોડા વસ્ત્રો મળી આવ્યાં, જેનાથી ખ્યાલ આવ્યો કે અહીં ભ્રષ્ટકુમારે કુંવરીને કાબૂમાં રાખવા માટે કદાચ હાથ ઉપાડ્યો હશે.

કોલસાનો પ્રદેશ માંડ પૂરો થયો, ત્યાં રેલવેના પાટા આવ્યા. ક્યાંય સુધી એનો છેડો દેખાય જ નહીં. પણ ન્યાયચંદ્રે નિર્ધાર કર્યો હતો કે તે કુંવરી લોકશાહીને ભ્રષ્ટકુમારના પંજામાંથી છોડાવવા બધો પ્રયાસ કરી છૂટશે. પાટે પાટે ચાલતો, અથડાતોકૂટાતો આખરે એ ભ્રષ્ટકુમારના મહેલે પહોંચ્યો.

ભ્રષ્ટકુમારના મહેલમાં

ભ્રષ્ટકુમાર વિશે એવું કહેવાતું હતું કે તે અમર છે. તેની પાસે જાદુઇ શક્તિ છે. જે તેની સામે લડવા આવે એ સૌ તેના ચાકર બની જાય છે. ન્યાયચંદ્રના દાદા ન્યાયાધીશ હતા. ભ્રષ્ટકુમાર સામે તે લડી અને હારી ચૂક્યા હતા. પણ લડાઇ વખતે જાણવા મળેલું એક રહસ્ય તેમણે ન્યાયચંદ્રને સમજાવ્યું હતું. રહસ્ય એ હતું કે ભ્રષ્ટકુમારના મહેલમાં સોનાનું એક પિંજરું હતું. તેમાં એક પોપટ પુરાયેલો હતો. એ પોપટ હકીકતમાં એક રાજકુમાર હતો, જેને જૂના વખતના શિક્ષકોએ ભ્રષ્ટકુમાર સામે લડવા મોકલ્યો હતો. પણ કપટી ભ્રષ્ટકુમારે તેને પોપટ બનાવીને પિંજરામાં પુરી દીધો. એ રાજકુમાર-કમ-પોપટનું નામ હતું સીબીઆઇ.

ન્યાયચંદ્રના દાદાએ તેને કહ્યું હતું કે એ પોપટ જ્યાં સુધી પાંજરે પુરાયેલો છે ત્યાં સુધી ભ્રષ્ટકુમારનું કશું બગાડી શકાય એમ નથી. ભ્રષ્ટકુમારને હંફાવવો હોય- શરણે લાવવો હોય તો ગમે તેમ કરીને પોપટને પાંજરામાંથી મુક્ત કરવો પડશે. પાંજરામાંથી બહાર આવતાં જ એ ફરી રાજકુમાર બની જશે અને ભ્રષ્ટકુમાર સામે લડવામાં કામ લાગશે. પરંતુ એ જ્યાં સુધી પાંજરામાં છે ત્યાં સુધી ભ્રષ્ટકુમાર એકદમ સલામત છે.
***

પછી શું થયું? ન્યાયચંદ્ર અને ભ્રષ્ટકુમાર વચ્ચેની લડાઇનો શો અંજામ આવ્યો? પોપટને ભ્રષ્ટકુમારના પાંજરામાંથી છૂટો કરવામાં ન્યાયચંદ્રને સફળતા મળી? ભ્રષ્ટકુમારની જેલમાં રહીને કરમાઇ ગયેલી કુંવરી લોકશાહીનું પછી શું થયું?

લડાઇ ચાલુ છે અને વાર્તા અઘૂરી છે. બે મંત્રી-કમ-સંત્રીને પરાસ્ત કરીને ન્યાયચંદ્ર પોપટના પિંજરા સુધી પહોંચી ગયો છે, પણ પિંજરા પરનું સોનેરી તાળું ઉઘાડીને પોપટને મુક્ત કરવામાં તેને સફળતા મળે છે કે નહીં, એ હજુ જોવાનું રહે છે.

6 comments:

 1. Anonymous10:04:00 PM

  waah....
  kharekhar khub maja aavi gai.
  - pratik bhatt

  ReplyDelete
 2. લોકશાહી કુવરીની વારતા બહુજ સરસ, સીધીસાદી ગળે ઉતરી જાય એવી. પાજરાનુ સોનેરી તાળુઅ ના ઉઘડે તો એને તપાવીને ઓગાળીને એવો લઠ્ઠો બનાવી દેવાનોકે જેમાથી નવા પાંજરાનુ સર્જનજ નાથઇ શકે. અને પોપટનેતો મુક્તજ રાખવાનો જેથી એબધે ફરીને પોતાની તિવ્ર દ્રષ્ટિ બધેજ રાખી શકે.--અધૂરી વાર્તા પૂરી થાય એવી અપેક્ષા.

  ReplyDelete
 3. AMIT SISODIA12:36:00 AM

  Fantastic.Waiting for further.......

  ReplyDelete
 4. This is ingenious story-telling at its best. I found myself chuckling all the way. Your metaphors are apt and how. Also, in storytelling of this form, what one does normally, is employ real and imagined metaphors. It's not about exactness. So long as large tracts of the storyline become enjoyable and comprehensible, the other parts are there to merely give direction to the story line. In this case however, most of it is bang-on. The fact that you have imagined 'Democracy' as girl-child who in Nehru's time was a free-spirit and later became burdened with the inadequacies of the age rings very true. The idea of re-looking at elections as a 'governess' to democracy, momentarily replaced by 'emergency' is even more inventive. And to connect it all back to the SC comment of CBI as a caged parrot is a stroke of genius. Fully bowled over, Urvish. Excellent stuff.

  ReplyDelete
 5. :-) જોરદાર

  ReplyDelete