Monday, May 27, 2013

રિક્ષા અને કારની વચ્ચેનો વિકલ્પઃ ચતુષ્ચક્રી ઉર્ફે ક્વાડ્રીસાયકલ

(તા.ક.-  આ લેખ ૧૨-૫-૧૩ના રોજ પ્રગટ થયો ત્યારે ક્વાડ્રીસાયકલને સરકારી પરવાનગી મળી ન હતી, પણ ગયા અઠવાડિયે તેને સરકારે મંજૂરી આપી હોવાના સમાચાર આવ્યા છે. એટલે નજીકના ભવિષ્યમાં આ વાહન રસ્તા પર ફરતું જોવા મળી શકે છે.)

તાતાની ‘નેનો’ કાર પછી પહેલી વાર ઓટોમોબાઇલ બજારમાં આટલી ચહલપહલ અને ગરમાગરમી છે. રિક્ષાના સલામત સ્વરૂપ તરીકે રજૂ થનારી બજાજની ક્વાડ્રીસાયકલ/ Quadricycle બજારનો બીજી કારકંપનીઓ વિરોધ કરી રહી છે. આ વાહનને સરકારી મંજૂરી મળવી બાકી છે. છતાં તેના નિમિત્તે થયેલો હોબાળો - અને ‘પીપલ્સ કાર’ એવી ‘નેનો’ની બજારમાં થયેલી અવદશા જોતાં ક્વાડ્રીસાયકલના વર્તમાન અને ભવિષ્યની થોડી રૂપરેખા
Bajaj Quadricycle RE 60
‘લોકો પાસે ખાવા માટે બ્રેડ નથી? તો તેમને કહો કે કેક ખાય.’ ફ્રાન્સના સમ્રાટ લૂઇ સોળમાની રાણી મેરી એન્તોનેતનું આ કુખ્યાત વાક્ય ફ્રેન્ચ ક્રાંતિ સાથે સંકળાઇ ગયું છે. પરંતુ બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ બજાજે એ સરખામણી ‘ગરીબોની કાર’ના સંદર્ભે આપી છે. તેમણે કહ્યું કે ‘બધા ત્રિચક્રી (રિક્ષા)-માલિકોએ કાર ખરીદી લેવી જોઇએ, એમ કહેવું તે બ્રેડ ન પોસાતી હોય તેમને કેક ખાવાનું કહેવા બરાબર છે.’

બજાજના ઉદ્‌ગારનો સંદર્ભ એ છે કે ટૂંક સમયમાં જ તેમની કંપની એક ચતુષ્ચક્રી-ક્વાડ્રીસાયકલ (બજાજ આરઇ-૬૦) બજારમાં મૂકી રહી છે. ફ્રેન્ચ કંપની રેનોના સહયોગથી તૈયાર થયેલા એ વાહનનું વર્ણન કરતાં જૂની ઉખાણાશૈલી તાજી થાય એમ છે. કારણ કે, એ વાહનનું નામ સાયકલ છે, પણ એ ચાર પૈડાનું છે. ચાર પૈડાં હોવા છતાં એ કાર નથી. ત્રણ પૈડાનું નથી, પણ રિક્ષાની નજીક છે. તેમાં ડ્રાઇવર સિવાય બીજા ત્રણ જ જણ બેસી શકે એમ છે. છતાં એ રિક્ષા તો નથી જ. કંપનીના દાવા પ્રમાણે તે એક લીટર પેટ્રોલમાં ૩૦ કિ.મી. ચાલી શકે છે. પણ કંપની એને કારની હરોળમાં મૂકવાને બદલે ધરાર રિક્ષાની અવેજીમાં ખપાવવા માગે છે.
Bajaj Quadricycle RE 60
આમ કરવા માટે બજાજ પાસે સજ્જડ કારણો છે. સૌથી પહેલું કારણ એ કે આ વાહન ચતુષ્ચક્રી હોવા છતાં બળતણ અને પર્યાવરણ જેવી બાબતમાં તેને કારનાં આકરાં ધારાધોરણ લાગુ ન પડવાં જોઇએ. એવું થાય તો તે આપોઆપ કારની હરીફાઇમાંથી નીકળી જાય અને ચતુષ્ચક્રી તૈયાર કરવામાં થતા ખર્ચ પર અંકુશ રાખી શકાય. એક વાહન જે ‘ચોપગું’ હોય છતાં કારથી સસ્તું હોય, રિક્ષા કરતાં સલામત હોય અને બળતણની રીતે સામાન્ય માણસને પોસાય એવું હોય તો તેની સફળ થવાની તક બહુ વધી જાય.

સ્મોલ કાર સાથેની હરિફાઇ જ ન રહે એ બીજો મોટો ફાયદો. કારણ કે સ્મોલ કારના બજારમાં જબરી હરીફાઇ છે. તાતાની નેનો કારના ઉમેરા પછી સ્મોલ કારની અગાઉની કિંમતો ઘટી છે. આ સંજોગોમાં ફ્રેન્ચ કંપની રેનો સાથે ભાગીદારીમાં બજાજની ‘ક્વાડ્રીસાયકલ’ બજારમાં આવે તો તે સ્મોલ કારના માર્કેટનું વઘુ એક નવું રમકડું બનીને રહી જાય. તેની અલગ મુદ્રા કે ઓળખ ઊભાં ન થાય. પરંતુ જો એ ‘સ્મોલ કાર’ને બદલે ‘ક્વાડ્રીસાયકલ’ હોય તો? તેનો પાટલો નોખો મંડાય અને તેની પાસેથી લોકોની અપેક્ષાઓ પણ એ પ્રમાણેની રહે.

‘નેનો’ તૈયાર થઇ રહી હતી ત્યારે તેની પર લોકોએ મોટી અપેક્ષાઓ બાંધી હતી. ‘રૂ.એક લાખમાં કાર’ના ખ્યાલથી માંડીને તેમાં જડેલાં એન્જિનિયરિંગ અને ડીઝાઇનને લગતાં હીરામોતીને કારણે ‘નેનો’ પ્રચંડ સફળતા મેળવશે એવી ગણતરી હતી. તેનાં આગોતરાં બુકિંગ પણ એટલા જ ઉત્સાહથી થયાં હતાં. સ્કૂટર પર ચાર સવારી જતા એક પરિવારને જોઇને રતન તાતાને એક લાખ રૂપિયાની કારનો વિચાર આવ્યો હતો, એવી કથા પણ ‘નેનો’મહિમા સાથે જોડાઇ ગઇ. ધારણા એવી હતી કે ભારતના લોકો એક લાખ રૂપિયાની ‘નેનો’ પર તાજમહાલ-કુતુબમિનાર ઓવારી જશે અને અનેક દ્વિચક્રીધારકો ‘નેનો’ થકી પહેલી વાર કારમાલિક બનવાનું સામાજિક ગૌરવ પ્રાપ્ત કરશે. (એ ચલાવવાની જગ્યા ક્યાંથી આવશે એ ચિંતા હંમેશાં અસ્થાને ગણવામાં આવે છે.)

એન્જિનિયરિંગની અજાયબી જેવી ‘નેનો’ કાર બજારમાં આવી અને થોડા વખતમાં તેનાં વળતાં પાણી થયાં. એડવાન્સ બુકિંગ રદ થવા લાગ્યાં અને ઉત્સાહનો ઉભરો મહદ્‌ અંશે શમી ગયો અને વેચાણના આંકડા તળિયે જઇ રહ્યા છે. એપ્રિલ, ૨૦૧૨માં તાતાએ ‘નેનો’નાં ૮,૦૨૮ નંગ વેચ્યાં હતાં, પરંતુ એપ્રિલ, ૨૦૧૩માં ‘નેનો’નાં માત્ર ૯૪૮ નંગ વેચાયાં છે. એક સમયે ‘પીપલ્સ કાર’ તરીકે ઓળખાવાયેલી ‘નેનો’ બજારમાં ન ચાલવાનાં ઘણાં કારણોમાં એક કારણ એ પણ છે કે ભારતના લોકો માટે કાર એ માત્ર ઉપયોગની વસ્તુ કે વાહનવ્યવહારનું સાધન નથી. સામાજિક દરજ્જાનું પ્રતિક છે. એટલે ‘સસ્તી કાર’ ઘણા ભારતીયો માટે વદતોવ્યાઘાત- પરસ્પર વિરોધાભાસી શબ્દો- છે. સસ્તી કાર ખરીદીને કારમાલિક થવામાં ભારતીયોને મઝા નથી આવતી, એવું પણ તાતા ‘નેનો’ની નિષ્ફળતા પછી થયેલા અભ્યાસોમાં સૂચવાયું છે. સંભવતઃ તેમાંથી બોધપાઠ લઇને બજાજે પોતાના નવા વાહનને સસ્તી કાર કે પીપલ્સ કાર તરીકે નહીં, પણ સુધારેલી રિક્ષા- ક્વાડ્રીસાયકલ તરીકે મૂકવાનું નક્કી કર્યું છે.

ક્વાડ્રીસાયકલને રિક્ષાની હરીફાઇમાં મુકવાથી સૌથી મોટી અસર બજાજને જ પડી શકે એમ છે. કારણ કે રિક્ષાના માર્કેટમાં બજાજનો  છાકો છે. ફક્ત ભારતમાં જ નહીં, દુનિયાભરમાં બજાજ રિક્ષાના સૌથી મોટા ઉત્પાદક તરીકે જાણીતી છે. ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં બજાજે ૨ લાખ ૨૬ હજાર રિક્ષા વેચી હતી. ગયા વર્ષના વેચાણની સરખામણીમાં આ પ્રમાણ ૧૧.૪ ટકા વધારે હતું. નવી ક્વાડ્રીસાયકલ રિક્ષાનું બજાર હડપ કરે તો તે બજાજને જ નડે. સાથોસાથ, એ પણ ખરું કે ક્વાડ્રીસાયકલને લગતા સંશોધન અને મહિને પાંચ હજાર ક્વાડ્રીસાયકલ બનાવી શકે એવો પ્લાન્ટ ઊભો કરવા માટે બજાજ અત્યાર સુધીમાં આશરે રૂ.૫૫૦ કરોડ ખર્ચી ચૂક્યા છે. એટલે ક્વાડ્રીસાયકલને બજારમાં મોકળું મેદાન મળી રહે એ માટે બજાજની આતુરતા અને આક્રમક વલણ સમજાય એવાં છે.

સવાલ એ છે કે પોતાના ક્ષેત્રમાં નવું સંશોધન થતું હોય તો તાતા સહિતની બાકીની કંપનીઓના પેટમાં તેલ કેમ રેડાય છે? વ્યાવસાયિક ઇર્ષ્યા તો અલબત્ત ખરી જ. પણ હરીફોને વાંધો એ વાતનો છે કે બજાજે ક્વાડ્રીસાયકલ માટે કાર કરતાં ઉતરતા દરજ્જાનાં ધારાધોરણને મંજૂરી આપવા માટે સરકારમાં રજૂઆત કરી છે. જો આ ધોરણો મંજૂર થાય તો ક્વાડ્રીસાયકલનો નિર્માણખર્ચ ઘણો ઓછો આવે અને સ્મોલ કાર સાથે તેની હરીફાઇ જ ન રહે. આશરે રૂ.૧.૩૫ લાખની રિક્ષાની અવેજીમાં આવનારા આ વાહનની કિંમત બજાજ એકથી બે લાખ રૂપિયાની વચ્ચે રાખે એવો અંદાજ છે. ૪૦૦ કિલો વજન અને ૭૦ કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ઝડપ ધરાવતી ક્વાડ્રીસાયકલ ૨૧૬ સી.સી.ના એન્જિનથી ચાલવાની છે. બજાજ ભલે તેને રિક્ષાના સુધરેલા, સલામત સ્વરૂપ તરીકે રજૂ કરતા હોય, પણ હરીફ કંપનીઓને લાગે છે કે ક્વાડ્રીસાયકલ કારના બજારમાં જ હરીફાઇ કરશે. એટલે તે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે ક્વાડ્રીસાયકલ માટેનાં સલામતી અને બળતણને લગતાં ધારાધોરણ કાર જેવાં જ રાખવામાં આવે.

રાહુલ બજાજ ક્વાડ્રીસાયકલને મંજૂરી માટે યુરોપનાં ધોરણ રખાય એમ ઇચ્છે છે. સામાન્ય સંજોગોમાં યુરોપનાં ધોરણ વધારે કડક હોય, પણ યુરોપમાં આ વાહન મુખ્યત્વે વૃદ્ધો કે લાયસન્સ ન ધરાવતા ચાલકો દ્વારા અને રોજિંદા વ્યવહારમાં નહીં, પણ આનંદપ્રમોદ માટે વપરાય છે. એટલે ભારતના રસ્તા પર અને ભારતીય ટ્રાફિકસેન્સ ધરાવતા ચાલકોની વચ્ચે આ વાહન ઉતારવાનું થાય તો યુરોપીઅન ધોરણો કેટલાં ટકે એવી શંકા થઇ શકે. એક સૂચન એવું પણ છે કે ક્વાડ્રીસાયકલને ફક્ત જાહેર પરિવહન- પબ્લિક ટ્રાન્સપોર્ટના હેતુ માટે વાપરવાની જ મંજૂરી આપવામાં આવે. એવું થાય તો તે ખરા અર્થમાં રિક્ષાનો સુધરેલો વિકલ્પ બની રહે. પણ પોતાની રિક્ષા ખરીદવા ઇચ્છનારને ના કેવી રીતે પાડી શકાય? અને એ જ તર્ક પ્રમાણે, પોતાની  માલિકીની ક્વાડ્રીસાયકલ ખરીદતાં પણ કોઇને કેવી રીતે અટકાવી શકાય?

સરકારી તંત્રમાંથી હજુ સુધી ક્વાડ્રીસાયકલ માટે મંજૂરી આવી નથી. બજાજ અને હરીફો અદ્ધર પોતાનાથી બનતા પ્રયાસો કરીને અદ્ધર શ્વાસે સરકારી નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. જોે એ બજાજની તરફેણમાં આવશે તો બહુ ઝડપથી ભારતના રસ્તાઓ પર રિક્ષાઓના સ્થાને ક્વાડ્રીસાયકલ ફરતી જોવા મળશે. તેમાં આગળ પણ બે પૈડાં હોવાથી, રિક્ષાની જેમ ગમે તેવા ટ્રાફિકમાં સાંકડામાં સાંકડી જગ્યામાં તેને ધુસાડી નહીં શકાય. પણ એ મર્યાદાને બાદ કરતાં સલામતીથી માંડીને પ્રદૂષણ જેવી બાબતમાં તે રિક્ષા કરતાં ચડિયાતો વિકલ્પ સાબીત થઇ શકે છે. 

1 comment:

  1. Vaah car gami jay tevi chhe ane model pan foreign country jevu chhe

    ReplyDelete