Friday, February 26, 2010

અમદાવાદઃ ૫૦૦મી વર્ષગાંઠે

આજે અમદાવાદને ૬૦૦મું વર્ષ બેઠું. એ નિમિત્તે ૧૦૦ વર્ષ પહેલાંના અમદાવાદની તાસીર છતી કરતી બે-ત્રણ જાહેરખબરો અને એ જમાનાની જન્મ-મરણ-પોલીસ ફરિયાદની નોંધ. મઝાના અને અતીતરાગના આશયથી.


Thursday, February 25, 2010

અમદાવાદઃ છ સદી પહેલાં, છ દાયકા પછી

૨૬ ફેબ્રુઆરીના રોજ મુસ્લિમ તવારીખ પ્રમાણે અમદાવાદની સ્થાપનાને ૬૦૦મું વર્ષ બેસશે. અમદાવાદ અસલમાં આશા ભીલનું આશાવલ હતું, કર્ણદેવનું કર્ણાવતી હતું કે અહમદશાહનું અહમદાબાદ, એ નક્કી કરવાનું કામ ઇતિહાસના સંશોધકો પર છોડીએ. અગાઉ તેનું નામ જે હોય તે, અત્યારે એ અમદાવાદ છે- માત્ર અમદાવાદ. સૌનું અમદાવાદ.

કોઇ શહેર માટે છ સદી જોયાનો સૌથી મોટો ફાયદો કયો? એક જવાબ છેઃ પલટાતી પરંપરાઓની વચ્ચેથી પસાર થતો સાતત્યનો સૂક્ષ્મ દોરો. સુલતાનો જાય ને મોગલો આવે, મરાઠા જાય ને અંગ્રેજો આવે, દુકાળ જાય ને પૂર આવે, કોલેરા જાય ને મરકી (પ્લેગ) આવે, મિલ જાય ને મોલ આવે- છતાં ‘કુછ બાત હૈ કિ મીટતી હસ્તી નહીં હમારી’- એ રીતે અમદાવાદ ઊભું છે.

અમદાવાદના મુસ્લિમ ઇતિહાસ સૂગ ધરાવનારો એક વર્ગ પણ અમદાવાદમાં-ગુજરાતમાં મોજૂદ છે. તે નજીકના ભૂતકાળની અશાંતિનાં મૂળ દૂરના ભૂતકાળમાં શોધવા અને બને તો રોપવા મથે છે. અમદાવાદને મૂળભૂત રીતે હિંદુ સાબીત કરવાનો અને તેનું નામ બદલીને કર્ણાવતી કરવાનો પ્રયાસ એ જ માનસિકતાનું પરિણામ હતો. એ ઘ્યાનમાં રાખતાં મુસ્લિમ તિથી પ્રમાણે અમદાવાદનો સ્થાપના દિવસ ઉજવવાનો નિર્ણય આવકાર્ય પરિવર્તન છે- ભલે તે સૌહાર્દ કે સમજણને બદલે ઉત્સવપ્રિયતાથી લેવાયો હોય.

છસો વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદના માહત્મ્યની ગાથાઓ ગવાતી રહેશે. તેનું મહત્ત્વ તેની જગ્યાએ. પણ રાબેતા મુજબ, ઉજવણું કરી લીધા પછી સૌ સૌના રસ્તે પડી જાય, તેનો કશો અર્થ નહીં. મેગાસીટી અમદાવાદની પ્રગતિથી સમાજનો બોલકો વર્ગ પૂરતો અંજાયેલો છે. પરંતુ ઉજવણી અને અહોભાવની ઝાકઝમાળથી સહેજ દૂર ઉભા રહીને, અમદાવાદની અત્યાર સુધીની સફર અને હવે પછીના માર્ગ પર નજર નાખતાં શું દેખાય છે? બીજા શબ્દોમાં કહીએ તો, ચકાચક રસ્તા, ફ્લાયઓવર અને મોલ-મલ્ટીપ્લેક્સ, રીવરફ્રન્ટ-કાંકરિયાના અમદાવાદ પાસેથી હજુ કઇ અપેક્ષા બાકી રહે છે?

યાદી લાંબી છે. અગત્યની હોવા છતાં પરચૂરણ લાગે એવી છે. થોડી ઘૂળવાળી પણ ખરી. કારણ કે આડા હાથે (કે સીધા હાથે જ) મૂકાઇ ગયેલી છે. પરંતુ અશક્ય બિલકુલ નથી. અમદાવાદ સાવ મુંબઇ થઇ જાય - એટલે કે તેનો વહીવટ એક દુઃસ્વપ્ન સમાન બની જાય તે પહેલાં સામુહિક હિતનો વિચાર કરીને સૌ - ખાસ કરીને બોલકા વર્ગ સિવાયના લોકો- પોતપોતાની રીતે યાદી બનાવે અને જૂથમાં પોતપોતાના પ્રતિનિધિઓને આપે, એ પણ અમદાવાદનાં ૬૦૦ વર્ષ ઉજવવાની એક રીત હોઇ શકે છે.

અસામાન્ય ઉપેક્ષા, સામાન્ય અપેક્ષા

- અમદાવાદનો વિકાસ એટલે રસ્તા પર ડામર-કપચીના થર ઉપર થર ને એની ઉપર બીજા થર- એટલું જ? અત્યારની વિકાસવ્યાખ્યા કંઇક એવી જ બંધાઇ ગઇ છે.

રસ્તા એટલે? વાહનો માટેના રસ્તા! અમદાવાદ શહેરમાં તમામ ઊંમરના રાહદારીઓ છે, સાયકલ ચલાવનાર બહુ મોટો વર્ગ છે. તેમની જરૂરિયાત અને મુશ્કેલીને છેલ્લાં થોડાં વર્ષોમાં સદંતર વિસારે પાડી દેવામાં આવી છે. નવા રસ્તા બને છે, જૂના રસ્તા પહોળા થાય છે, પણ મહત્તમ જગ્યા વાહનોને ફાળવવામાં આવે છે. ‘જનમાર્ગ’ (બી.આર.ટી.) જેવી આવકારદાયક બસસેવા શરૂ થઇ છે, પણ તેનાં બસસ્ટેન્ડ સુધી પહોંચવાના કે બસમાંથી ઉતર્યા પછી રસ્તો ઓળંગીને સામે બાજુ જવાના પ્રશ્નો ગંભીર છે. કારણ કે ચાલનારનું અમદાવાદમાં ક્યાંય સ્થાન નથી. ચાલવું જાણે ફક્ત જોગિંગ પૂરતું મર્યાદિત થઇ ગયું હોય એવું વ્યાપક વલણ જોવા મળે છે. ફક્ત અંધજનો કે શારીરિક મર્યાદા ધરાવતા લોકો માટે જ નહીં, સામાન્ય, સ્વસ્થ-તંદુરસ્ત ચાલનાર માટે પણ અમદાવાદની સડકો પર ચાલવું ‘એડવેન્ચર સ્પોર્ટ્સ’નો એક પ્રકાર છે. ૬૦૦મા વર્ષ નિમિત્તે શહેરમાં ૬૦૦ નહીં તો ૬૦ ગીચ વિસ્તારોમાં પણ ચાલનારા માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શકાય. તેનાથી રાહદારીઓની કે ટ્રાફિકની સમસ્યા તો હળવી થાય, પણ વઘુ મોટો સંદેશ એ મળે કે આયોજનકર્તાઓ પગે ચાલનારાને અમદાવાદના નાગરિક ગણે છે.

- અમદાવાદમાં જૂના વખતથી હિંદુ અને મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારો હતા, પરંતુ બન્ને કોમના રહેણાક સંપૂર્ણપણે અલગ થઇ જાય અને શહેર ‘આપણા’ અને ‘એમના’ વિસ્તારોમાં વહેંચાઇ જાય, એ અસહ્ય છે. આ રીતે શહેરની નવી પેઢીનો સ્કૂલના સ્તરેથી જ સામાજિક સંપર્ક પોતાના વર્તુળ અને પોતાના સમાજ પૂરતો મર્યાદિત બની જાય છે. અમદાવાદની સહિયારી સંસ્કૃતિ રથયાત્રા જેવા એકલદોકલ તહેવારમાં સમેટાઇને રહી જાય છે. હિંદુ-મુસ્લિમ ભાઇ-ભાઇ જેવાં ઠાલાં આદર્શ સૂત્રો પોકારવાની વાત નથી, પણ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘસાતા સંપર્કના વઘુ ને વધુ સેતુ ઉભા કરવા જરૂરી છે.

ખરૂં અમદાવાદ કોમ આધારિત વિસ્તારોમાં નહીં, પણ બન્નેના સહઅસ્તિત્ત્વમાં વસે છે. અમદાવાદના હેરિટેજની ચિંતા કરનારા અને એ દિશામાં કામ કરનારા લોકો નિર્જીવ મકાનોની સાથોસાથ અમદાવાદના એક સમયે ધબકતા-સજીવ એવા સહઅસ્તિત્ત્વનો સાંસ્કૃતિક વારસો પુનઃસ્થાપિત કરવામાં પણ થોડું ઘ્યાન આપે.

- અમદાવાદમાં મેગાસીટીના દરજ્જાને છાજે એવાં જાહેર શૌચાલયો કેટલાં છે? અને તેની સામે, સડકના કિનારે ફૂટી નીકળેલાં ધર્મસ્થાનો કેટલાં છે? પરંતુ જાહેર શૌચાલયો બોલકા વર્ગની જરૂરિયાતમાં આવતાં નથી. એટલે આ મૂળભૂત સવલતનો વિકાસની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી.

- ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાના અને નવરાત્રિમાં અડધી રાત્રે પણ બહેન-દીકરીઓ સલામત પાછી ફરી શકે છે એવાં બણગાં બહુ સાંભળવા મળે છે, પણ અમદાવાદ જેવા મેગા સીટીમાં રાત્રે અગિયાર વાગ્યે પોલીસની જીપ ફરી વળે અને ચાની લારીઓ સુદ્ધાં બંધ કરાવી દે, તેની પાછળનો તર્ક સમજાય એવો નથી. મેગાસીટી મોડી રાત સુધી ધમધમતું રહે કે અગિયાર વાગ્યે ગોદડું ઓઢીને ઊંઘી જાય?

અમદાવાદમાં બૌદ્ધિક કે મનોરંજક, કોઇ પણ પ્રકારની ચર્ચા થઇ શકે એવાં કોફીહાઉસની સંસ્કૃતિ નથી. એક સમયે અમુક રેસ્ટોરાં આ જાતની બેઠકો માટે જાણીતાં હતાં. તેમનું સ્થાન ધીમે ધીમે ચાની કીટલીએ લીઘું. પરંતુ હવે કાયદો-વ્યવસ્થાનાં ગૌરવગાન ગાતા તંત્રમાં મેગાસીટીના નાગરિકોએ પોતાની મરજી મુજબ રાત્રે ચાની કીટલી પર બેસીને ગપ્પાંગોષ્ઠિ કરવી હોય તો એ શક્ય નથી. પોલીસતંત્ર આ એક બાબતમાં ભારે સક્રિયતા દાખવે છે અને ચાની કીટલીવાળો ગ્રાહકો પાસેથી ચાના પૈસા પણ લેવા ઉભો ન રહી શકે, એ રીતે તેને ભગાડી મૂકીને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંતોષ લેવામાં આવે છે.

મોડી રાત્રે બહાર બેસી રહેવાની શી જરૂર છે, એવો સવાલ ‘નિશાળેથી ઘેર ને ઘેરથી નિશાળે’ જતા સજ્જન નાગરિકોને થઇ શકે છે. પરંતુ એ વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે અને બહાર બેસીને ટોળટપ્પાં કરનારા જ્યાં સુધી કોઇ પણ પ્રકારનું દૂષણ-પ્રદૂષણ પેદા ન કરે, ત્યાં સુધી તેમને ઉભા થવાનું કહેવું કે વિખેરી નાખવા, એ મૂળભૂત સ્વતંત્રતા પર તરાપ છે. મેગાસીટીમાં બઘું વિસ્તરતું હોય ત્યારે વ્યક્તિગત સ્વતંત્રતાનો દાયરો સંકોચાતો જાય, તો એ શરમજનક ‘પ્રગતિ’ છે.

- એક-બે અપવાદોને બાદ કરતાં અમદાવાદમાં જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનાં સારાં સભાગૃહોનો શરમજનક અભાવ છે. ‘એક વાર રીવરફ્રન્ટ થઇ જવા દો. ત્યાં આ બઘું બનવાનું જ છે’- એવો વાયદો આપી શકાય છે, પણ હવેનું અમદાવાદ સાબરમતીથી ઘણું દૂર નીકળી ગયું છે. બાપુનગર કે રખિયાલ કે નરોડા રહેનાર કોઇને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા હોય કે તેમાં હાજરી આપવી હોય તો? એ પણ વિચારવું પડે.

- એ સાથે જ મુદ્દો આવે છેઃ અમદાવાદ એટલે કયું અમદાવાદ? એક સમયે ભદ્રનો કિલ્લો અમદાવાદનું કેન્દ્રસ્થાન હતો. વીસમી સદીમાં મણિનગર સ્ટેશન બન્યું ત્યારે કાંકરિયા તળાવ અને મણિનગર ‘શહેરથી દૂર’ હતાં. કારણ કે શહેર એટલે કોટની અંદરનો વિસ્તાર અને પોળો- એવી વ્યાખ્યા હતી. નદીની પેલે પાર પશ્ચિમમાં લોકો રહેવા લાગ્યા, એટલે આશ્રમ રોડ શહેરનું કેન્દ્ર બન્યો. ત્યાર પછીના સમયમાં શહેરનું કેન્દ્રબિંદુ ઝડપથી ખસવા લાગ્યું અને અનેક સ્વરૂપે વ્યક્ત થવા લાગ્યું. આશ્રમ રોડ પછી સી.જી.રોડ અને હમણાં સુધી ‘છેક દૂર’ લાગતો સરખેજ-ગાંધીનગર હાઇ વે...

અમદાવાદની વાત આવે એટલે સી.જી.રોડથી એસ.જી.હાઇવેનો હનુમાનકૂદકો વાગે છે, પણ નદીની પૂર્વ બાજુએ વસેલું જૂનું અમદાવાદ અને તેના વિસ્તારો અમદાવાદની ઓળખમાં ભાગ્યે જ સ્થાન કે ગણના પામે છે. મેગાસીટીમાં બધા વિસ્તાર એકસરખા સમૃદ્ધ ન હોય, એ સમજી શકાય એવું છે. પરંતુ સંસાધનો અને આયોજનની દૃષ્ટિએ સમૃદ્ધ વિસ્તારો કરતાં ગીચ અને ગરીબ વિસ્તારો પર અનેક ગણું વધારે ઘ્યાન આપવાની જરૂર હોય છે. એને બદલે થાય છે સાવ ઊંઘું.

- વિકાસ કે ‘બ્યુટીફિકેશન’ માટે લેવાતાં પગલાંથી જે લોકો વિસ્થાપિત બને છે, તે પણ અમદાવાદી જ છે. મેગાસીટીમાં તેમનો હિસ્સો ફક્ત સરકારી આતશબાજી જોઇને તાળીઓ પાડવાનો ન હોઇ શકે. વિસ્થાપિતોને નાગરિકોને બદલે ‘સમસ્યા’ તરીકે જોવાના વલણને કારણે, તેમને શહેરના એવા ખૂણે ધકેલી દેવામાં આવે છે, જ્યાં કમ સે કમ તે દેખાતા બંધ થઇ જાય. દેખવું નહીં ને દાઝવું નહીં, એ વિકાસના વર્તમાન મોડેલનો ધ્રુવમંત્ર છે.

ઘણી લંબાઇ શકે એવી આ યાદી ફક્ત અમદાવાદ માટે જ નહીં, ‘વિકસી’ રહેલાં તમામ શહેરોને અને તેના નાગરિકોને કામની છે. તેના અમલ માટે પોતપોતાના શહેર કે નગરને ૬૦૦ વર્ષ પૂરાં થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.

Tuesday, February 23, 2010

અમદાવાદની અજબગજબ અજાયબીઓ - ૨

‘સમાજનો મઘ્યમ વર્ગ’ એક શબ્દપ્રયોગ તરીકે બહુ વાંચવા-સાંભળવા મળે છે, પણ ખરેખર એ જ નામ ધરાવતી કોઇ સોસાયટી હોય?
હા. આ રહી.
મણિનગરમાં કાંકરિયાથી બહેરામપુરા તરફ જવાના રસ્તે આવેલી આ સોસાયટી જમાના પ્રમાણે નામ બદલે તો તેનું નવું નામ શું હોય?
મીડલ ક્લાસ સોસાયટી?

Monday, February 22, 2010

માતૃભાષામાં ભળવાને બદલે લુપ્ત થતી માતૃબોલીનો મહિમા

માતૃભાષાની વંદનાથી માંડીને તેનાં હરાઇ રહેલાં ચીર પૂરવાના પ્રયાસોની સીઝન છે. (ચીર હરનારા ક્યારેક ચીર પૂરનારા તરીકેના ડબલ રોલમાં જોવા મળે તો એને પણ ગુજરાતની વિશેષતા ગણવી.) માતૃભાષાનું સ્થાન સુદૃઢ કરવા, તેને વઘુ પુષ્ટ અને વઘુ ખમતીધર બનાવવા માટે લાગણીવેડા અને ચબરાકીયાં, શબ્દોના શણગાર અને ગુજલિશનો છેતરામણો માર્ગ કામ નહીં લાગે, એ સૌથી પહેલાં સમજી લેવું પડે. માથે માતૃભાષાબચાવનો મોડ પહેરીને વરરાજા બનવાની મુગ્ધતાથી સમજણપૂર્વક દૂર રહેવું, જોડણીના મતભેદોમાં ન ઉલઝવું અને ભાષા વિશેનાં અમલમાં મૂકી શકાય એવાં નક્કર પગલાંની વાત કરવી, એ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

ગુજરાતી ભાષા માટે શિક્ષણ ક્ષેત્રે શું થઇ શકે, તે અંગેનું થોડુંઘણું નક્કર આયોજન અમદાવાદની ‘સેપ્ટ’ યુનિવર્સિટીમાં કેટલાક વખતથી ચાલી રહ્યું છે. શિક્ષણક્ષેત્રે સંકળાયેલા વિદ્વાનોએ ‘સેપ્ટ’માં થતી ચર્ચાના આધારે કેટલાંક નક્કર સૂચનો અને અમલમાં મૂકી શકાય એવાં પગલાં ઘડી કાઢ્યાં છે. તેમાં ઉલ્લેખાયેલી પણ સામાન્ય રીતે ભાષાની ચર્ચામાંથી બહાર રહેતી અગત્યની બાબત છેઃ બોલીનું મહત્ત્વ. રતિલાલ બોરીસાગર જેવા શિક્ષણવિદ્ માતૃભાષાની તરાહ પર બોલી માટે ‘માતૃબોલી’ જેવો શબ્દ પ્રયોજીને તેનું માહત્મ્ય સ્પષ્ટ કરે છે.

ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતામાં ગુજરાતી ભાષાને કેન્દ્રસ્થાને ગણવામાં આવે છે (કહેવાતી રાજકીય ‘અસ્મિતા’ની વાત જુદી છે.), પરંતુ પ્રજાજનોથી પંડિતો સુધીના સૌ માને છે કે અસ્મિતાનો ભાવ ભાષા કરતાં પણ વધારે સ્થાનિક બોલી સાથે સંકળાયેલો હોય છે. એક કાઇઠ્યાવાડીને કે હુરટીને કે મેહોણવીને કે ચરોતરીને પોતાની બોલીમાં વ્યક્ત થવાની જે મઝા આવે છે, તે ‘શિષ્ટ’ ગુજરાતીમાં આવી શકે નહીં. સીધોસાદો દાખલો જોઇએઃ શહેરમાં વસેલા કોઇ ચરોતરી જણને ‘જા, જા, હવે. ચાલતો થા છાનોમાનો.’ એવું કહેવામાં અભિવ્યક્તિનો વધારે સંતોષ મળશે કે ‘જા, જા, અવે. હેંડતી થા છોનીમોની!’ એવું બોલવામાં વધારે સંતોષ અનુભવાશે? સીધી વાત છેઃ માતૃભાષા કરતાં પણ માતૃબોલી દિલની વધારે નજીક છે- ફક્ત ગુસ્સાની નહીં, તમામ લાગણી વ્યક્ત કરવામાં!

સૈદ્ધાંતિક રીતે માતૃભાષા અને માતૃબોલી વચ્ચે કશો વિરોધાભાસ ન હોઇ શકે, પરંતુ સામાજિક પરિબળોના પ્રતાપે બોલી અને ભાષા વચ્ચેની ઉંચી-અડીખમ દીવાલ ઉભી થઇ જાય છે. ‘સુધરેલા’ (એટલે કે શહેરી- આ ગેરસમજણ વ્યાપક છે) થવાની લ્હાયમાં ‘બોલી એટલે અશિષ્ટ-ગામડીયા-પછાત અને ભાષા એટલે સુસંસ્કૃત-આઘુનિક-શિષ્ટ’ એવી ખોટી માન્યતા પેદા થાય છે. કહેવાનું તાત્પર્ય એવું બિલકુલ નથી કે દરેકે પોતાની માતૃબોલીને જ વળગી રહેવું. સાથોસાથ, એ પણ ખરૂં કે બોલીને સદંતર તજી દેવામાં પણ ડહાપણ નથી. ભાષાને સમૃદ્ધ બનાવવામાં પરભાષાના શબ્દો લઇને આપણે ગૌરવ અનુભવતા હોઇએ, તો આપણાં સમાજ-સંસ્કૃતિ-રીતરિવાજોમાંના પ્રતિબિંબ જેવી બોલીના વિશિષ્ટ અને ચોટડૂક શબ્દોને શા માટે ચલણમાંથી ભૂંસી નાખવા જોઇએ? બાર ગાઉએ બોલી બદલાય, એટલું માતૃભાષા અને માતૃબોલીઓનું વૈવિઘ્ય એ સદીઓથી સંચિત થયેલી સમૃદ્ધિ છે. તેને બે-ચાર પેઢીઓની ટૂંકી દૃષ્ટિના પાપે લુપ્ત થવા ન દેવી, એ પણ માતૃભાષાને મજબૂત કરવાનો જ હિસ્સો છે.

ગુજરાતી ભાષાની બોલીના મુખ્ય બે ભાગ છેઃ કોમ અથવા સમુદાયની બોલી અને પ્રાદેશિક બોલી. ગુજરાતની મુખ્ય પ્રાદેશિક બોલીમાં સુરતી, ચરોતરી, ઉત્તર ગુજરાતની (પટણી), ઝાલાવાડી, ગોહિલવાડી, સોરઠી, હાલારી અને કચ્છીનો સમાવેશ થાય છે. આ મુખ્ય બોલીઓમાં પણ પ્રદેશ બદલાય તેમ ઉચ્ચાર, કહેવતો, શબ્દપ્રયોગોની સમૃદ્ધિ બદલાતી જોવા મળે છે. એ જ રીતે કોમ કે સમુદાયમાં પારસી, વહોરા અને વિવિધ પ્રદેશોમાં વસતા મુસ્લિમોથી માંડીને જુદા જુદા પ્રદેશના બ્રાહ્મણો અને આદિવાસીઓમાં પણ ભરપૂર બોલીવૈવિઘ્ય જોવા મળે છે. આયરીશ ભાષાશાસ્ત્રી જ્યોર્જ અબ્રાહમ ગ્રિઅર્સને ‘લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા’ના સુપ્રીટેન્ડન્ટ તરીકે ૧૯૦૩થી ૧૯૨૩ વચ્ચે બાર ભાગનો ભાષા સર્વેક્ષણ અહેવાલ તૈયાર કર્યો હતો. ૧૭૯ ભાષા અને ૫૪૪ બોલીની વિગતો ધરાવતા એ અહેવાલમાં ગ્રિઅર્સને ગુજરાત અને આજુબાજુના કેટલાક પ્રદેશોના આદિવાસીઓમાં બોલાતી ૨૨ જુદી જુદી ભીલી બોલીઓની યાદી આપી હતી.

ભીલી બોલી અંગે ડો.ગણેશ દેવી જેવા કેટલાક વિદ્વાનોના પ્રયાસથી સારૂં એવું કામ થયું અને થાય છે. એ જ રીતે, એંસીના દાયકામાં દલિત સાહિત્યના પ્રવાહ પછી ગુજરાતના વિવિધ પ્રદેશોમાં રહેતા દલિતોની બોલી વાર્તાઓ-નવલકથાઓ-કવિતાઓમાં આવી છે. પરંતુ બોલીનો સંબંધ કેવળ મૌલિક સાહિત્ય કે પાંડિત્યપૂર્ણ સંશોધન પૂરતો મર્યાદિત રહી જાય, તો ઘણું કામ બાકી રહી જાય છે. સામાન્ય પ્રજાજન પોતાની બોલી માટેની શરમ તજે એ માટે કેવું કામ કરી શકાય, તેનો ઉત્તમ નમૂનો દલપત ચૌહાણના પુસ્તક ‘તળની બોલી’માં જોવા મળે છે. ઉત્તર ગુજરાતના દોતોર પરગણાની બોલીના આ પુસ્તકમાં પંડિતાઇના ભાર વિના કુંભાર, ઘાંચી, તૂરી, પિંજારા, વાદી, સેનમા જેવા વ્યવસાયોમાં વપરાતા વિશિષ્ટ શબ્દો અને તેના અર્થો ઉપરાંત પહેરવેશ, ઘરેણાં, ઘર, લગ્ન-મૃત્યુ-ભોજન સંબંધી શબ્દો, ઝાડપાન અને ગામનાં - દેવીદેવતાઓનાં નામ સુદ્ધાં સમાવવામાં આવ્યાં છે. આ પરગણામાં રહેતો કોઇ પણ માણસ ‘વડનગર’ માટે ‘વૈણગર’ કે ‘ખેરાળુ’ માટે ‘સરાળુ’ વાંચીને આત્મીયતાની લાગણી અનુભવતો થઇ જાય! હનુમાનને ‘અનુમાંન’ અને કૃષ્ણને ‘કોંન મહરાજ’ કહેવાથી બોલીની અને પ્રદેશની લાક્ષણિકતાનો સીધો પરચો મળે છે.

બોલીની ખરી તાકાત એની કહેવતો-રૂઢિપ્રયોગો-શબ્દપ્રયોગોમાં ઝળકી ઉઠે છે. દોંતારની કેટલીક કહેવતો અને તેના રૂઢિપ્રયોગ (જેના અર્થ અને તેની ચોટ સ્વયંસ્પષ્ટ છે):
- આગળ ઉછાળે ને પાછળ વેણતો જાય
- થાય તો સેતી નીકર ફજેતી
- પળે મળી એ પદમણી
- મેંશ આંજે કાંણી દેખતી ના થાય
- મોર માર્યો ઇન્નું નખ્ખોદ જજો પણ મોર મર્યો ઇનું હું
- વણચોમાહે મોર બોલવા
- આંબા કે ત્યાં આકડાય ના હોય...

ગુજરાતની બોલીઓ વિશેના શાસ્ત્રીય અભ્યાસમાં શાંતિભાઇ આચાર્ય લિખિત ‘અમે બોલીઓ છીએ’ નોંધપાત્ર છે. સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકર જેવા ગાંધીયુગના ભાષાસેવીઓએ પણ પોતપોતાની રીતે ગુજરાતીના વિશિષ્ઠ શબ્દો અને શબ્દપ્રયોગોની યાદી કરી છે. સ્વામી આનંદનું માત્ર ને માત્ર પ્રજાકીય ઉદાસીનતાને લીધે અપ્રાપ્ય બનેલું પુસ્તક ‘જૂની મૂડી’ સ્વામીના જ નહીં, ગુજરાતી ભાષાના પ્રેમીઓ માટે પણ ખજાના જેવું છે. બોલીઓ અને તેના પ્રયોગોને ‘જનવાણી’નો દરજ્જો આપતાં પ્રસ્તાવનામાં સ્વામી આનંદે લખ્યું છે કે ‘ભાષા એ ધરતી પરનો પાણીનો વીરડો છે. જનવાણી એ એની અખૂટ સરવાણી છે. ઘડા પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ ને સો બેડાં પાણી ભરી લ્યો. ન ઉલેચો તો વીરડાનું પાણી ઘડો જ રહેશે...રોજેરોજ ઉલેચાયા વગર વીરડો મેલો ને બંધિયાર બની જશે...’

માતૃભાષાના મહિમાની, ગૌરવની અને તેને આઘુનિક બનાવવાની વાતો થાય છે, ત્યારે સાર્થ જોડણીકોશમાંથી ‘તળની બોલી’માં ટાંકવામાં આવેલું કાકાસાહેબ કાલેલકરનું વિધાન માતૃબોલી માટે પણ સનાતન દીવાદાંડીની ગરજ સારે એવું લાગે છે. સમાજનું વલણ કેવું હોવું જોઇએ, એની વાત કરતાં કાકાસાહેબે લખ્યું છે,‘પોતાપણું સાચવીને, ગૌરવ વધારીને જેટલી નવી વસ્તુ લઇ શકાય, તેટલાનો સ્વીકાર કરતાં આંચકો નહિ ખાય અને નવાની ભભકથી અંજાઇ જઇ જેને જુએ તેને ચરણે ઢળી પડે, પોતીકાંનો તિરસ્કાર કરી પરાયાંનું દાસત્વ સ્વીકારે, એવી હીન બુદ્ધિ પણ ન રાખે...’

વિશ્વ માતૃભાષા દિન માતૃભાષાની સાથે માતૃબોલીનો પણ મહિમા તાજો કરવાનો અવસર બની રહે તો...!

Friday, February 19, 2010

અમદાવાદની અજબગજબ અજાયબીઓ - ૧

૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદ ૬૦૦મા વર્ષમાં પ્રવેશ કરશે. એ નિમિત્તે અમદાવાદનાં મારી નજરે પડેલાં કેટલાંક અજાયબ પાટીયાં કે સ્થળોની તસવીરો અહીં મૂકવાનો ઇરાદો છે. શરૂઆત એક ‘ઇન્ટરનેશનલ’ ચીજથી કરીએ.

જીભ અને પેટનાં ‘ટ્વીન ટાવર’ પર આક્રમણ : ૯/૧૧

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પછી પણ રેસ્ટોરાંનું નામ ‘૯ ઇલેવન’ રાખવા શું જોઇએ? હિંમત? બેશરમી? જુદા દેખાવાની લાલસા? ‘આઇ ડોન્ટ કેર’ સ્ટાઇલ? ‘કેવી સળી કરી!’નો આનંદ? કે પછી નખશીખ અમદાવાદીપણું?
(આ રેસ્ટોરાં મણિનગરમાં અપ્સરા-આરાધના ટોકીઝની સામે આવેલી છે અને આ તેની જાહેરખબર નથી.)

Thursday, February 18, 2010

‘વાંચવા જેવું’ની વિદાય

બહુ ઓછા લેખકોને પોતાની છેલ્લી કોલમમાં ગરીમાપૂર્વક વિદાયનોંધ લખવા મળે છે. કારણ કે બહુ ઓછી કોલમોની વિદાય બન્ને પક્ષે આયોજિત અને ગરીમાપૂર્ણ હોય છે. ‘ચિત્રલેખા’માં આવતી વિનોદભાઇ (ભટ્ટ)ની પુસ્તકસમીક્ષાની કોલમ ‘વાંચવા જેવું’ હવે બંધ થાય છે. (સળીબાજ મિત્રો પૂછી શકે છેઃ ચિત્રલેખામાં આ એક પાનાનું નામ ‘વાંચવા જેવું’ હતું, તો બાકીનાં પાનાં કેવાં?)

વિનોદભાઇએ કોલમના છેલ્લા પીસમા વિદાયનોંધ લખી છે. તેમાં કારણો પણ લખ્યાં છે. એક રેકોર્ડ તરીકે ચિત્રલેખાનું એ પાનું અહીં સ્કેન કરીને મૂક્યું છે. હવે એ કોલમ મિત્ર શિશિર રામાવત તેમની છટામાં લખશે.

Tuesday, February 16, 2010

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા

પચાસેક વર્ષ પહેલાં ઝવેરચંદ મેઘાણીનો ઉલ્લેખ હંમેશાં ‘સ્વર્ગસ્થ મેઘાણી’ તરીકે જ થતો. જ્યાં ને ત્યાં. જ્યારે ને ત્યારે. પરિણામ એ આવ્યું કે ફક્ત ‘સ્વર્ગસ્થ’ બોલાય તો મેઘાણી યાદ આવે ને ફક્ત ‘મેઘાણી’ બોલાય તો સ્વર્ગસ્થ યાદ આવે! ‘ગુજરાતી બચાવો’ની સ્થિતિ અત્યારે કંઇક એવી છેઃ ફક્ત ‘ગુજરાતી’ બોલાય, તો પણ ‘ગુજરાતી બચાવો’ જ સંભળાય છે.

ગુજરાતમાં ત્રણ-ચાર દાયકા પહેલાં અંગ્રેજી બચાવવાની સીઝન ચાલતી હતી. શિક્ષણમાં અંગ્રેજી દાખલ કરાવવા માટે બૌદ્ધિકોએ આંદોલન કરવાં પડતાં હતાં અને અદાલતી લડાઇઓ લડવી પડી હતી. હવે ગુજરાતી બચાવવા માટે આંદોલન, ઝુંબેશ, પ્રચાર, જાગૃતિ, પી.આર....બઘું કરવામાં આવે છે. છતાં હજુ સુધી પરિણામ તો દૂર, તેની દિશા સાચી હોવાની પણ એંધાણી મળતી નથી.

માતૃભાષા તરીકે ગુજરાતી ખરેખર ખતરામાં છે? એ લુપ્ત થઇ જશે? એને બચાવી શકાય એમ છે? એ ચર્ચા છેડતાં પહેલાં, અત્યાર સુધી ધૂંટાતી રહેલી ગેરસમજણોને દૂર કરવી રહી.

ગેરસમજણ ૧: ભાષા એટલે સાહિત્ય
બહુમતિ લોકો ભાષાની વાત આવે એટલે ‘આ તો સાહિત્યની વાત છે’ એમ કહીને કપડાં ખંખેરીને ઉભા થઇ જાય છે. ઘણા સાહિત્યકારોને પણ આ સ્થિતિ (પોતાનો ધારી લીધેલો વિશેષાધિકાર) મનોમન ગમે છે. હકીકતે, ભાષાનો સંબંધ કે ભાષાનો ઠેકો સાહિત્યકારો પાસે નથી.

સરખામણી કરવી હોય તો કહી શકાય કે, ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.

ગેરસમજણ ૨: ભાષાબચાવો એટલે અંગ્રેજીનો વિરોધ
ગુજરાતીની વાત નીકળે એટલે એક મોટું જૂથ તરત આઘુનિક યુગમાં અંગ્રેજી કેટલું જરૂરી છે, અંગ્રેજી જાણનારા કેટલા આગળ નીકળી ગયા ને અંગ્રેજી નહીં જાણનારા કેટલા પાછળ પડી ગયા, તેની કથાઓ શરૂ કરી દે છે. ગુજરાતીની વાત કરનારને એટલું કહેવાની પણ તક નથી મળતી કે ‘જે ભાષામાં- જે માઘ્યમમાં ભણવું હોય તેમાં ભણો, પણ માતૃભાષાને અભરાઇએ ચડાવવાની કે તેનાથી શરમ અનુભવવાની શી જરૂર છે?’

અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો? મોટી ઊંમરનાં દાદા-દાદી કે નાની ઊંમરનાં માતા-પિતાને ઈંગ્લીશ મિડીયમનાં બાળકો સાથે ભાંગ્યાતૂટ્યા કે લધુતાગ્રંથિગ્રસ્ત ઈંગ્લીશમાં વાતો કરતાં સાંભળવાં, એ બહુ કરૂણ દૃશ્ય હોય છે. વડીલો પોતાની ગરજે બાળકો સાથે અંગ્રેજીમાં સંવાદનો પ્રયાસ કરે અને બાળકોની કસોટીમાં નાપાસ થાય, એ કરૂણ દૃશ્ય સામાન્ય બનતું જાય છે.

ગેરસમજણ ૩: જમાના પ્રમાણે પરિવર્તન એટલે ગુજલિશ
‘ટેબલ’ને ‘મેજ’ અને ‘ટ્રેન’ ને ‘આગગાડી’ કહેવાની- ટૂંકમાં, ભદ્રંભદ્ર બનવાની - વાત નથી. સાર્થ જોડણી કોશમાં અંગ્રેજી કે ઉર્દુ તો ઠીક, અલમારી અને ઇસ્કોતરો જેવા પોર્ટુગીઝ ભાષાના શબ્દો પણ ગુજરાતી તરીકે સ્થાન પામ્યા છે. ભાષા એના સહજ ક્રમમાં અને જરૂરિયાત પ્રમાણે બીજા શબ્દોને સમાવતી રહે છે. એ જ રીતે ભાષા સમૃદ્ધ બને છે. પરંતુ અભિવ્યક્તિ માટે પોતાની ભાષામાં સચોટ, સબળ છતાં ભદ્રંભદ્રીય નહીં એવા શબ્દો હાથવગા હોમી છતાં, આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.

વિસ્તાર અને વિકૃતિ વચ્ચેનો ભેદ ન સમજતા કે ન સમજવા માગતા લોકો આયાસપૂર્વક લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષાના ચીરહરણનું દુઃશાસનકાર્ય કરે છે અથવા અનાયાસે-સહજતાથી લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષામાં લખવાની પોતાની ગેરલાયકાત છતી કરે છે. છતાં, લખાણમાં અંગ્રેજી શબ્દો ન જ આવવા જોઇએ, એવો ભદ્રંભદ્રીય આગ્રહ જેટલો હાસ્યાસ્પદ લાગે છે, એટલું હાસ્યાસ્પદ ‘ગુજલિશ ખાતર ગુજલિશ’ લાગતું નથી. કારણ કે તેમાં લખનારની જેમ વાંચનારના પક્ષે પણ ‘ક્યાંક આઘુનિકતાની ટ્રેન ચૂકી ન જવાય!’- એવી માનસિકતા કામ કરતી હોય છે. આઘુનિકતાને માત્ર ભાષા સાથે સંબંધ નથી હોતો, એ સીઘુંસાદું સત્ય સૌ પોતપોતાના લાભાર્થે જાહેર થવા દેતા નથી.

ચેતન ભગત ગુજરાતીમાં લખતા હોત તો?
કેટલાક મિત્રો એવું માને છે કે ગુજરાતીમાં કોઇ ચેતન ભગત જેવું લખતું નથી, એટલે યુવાનો ગુજરાતીમાં વાંચતા નથી. આવું માનનારા સ્વાભાવિક રીતે જ ચેતનના ભગત હોય છે. ભગતની ભક્તિ સ્વૈચ્છિક અને અંગત પસંદગીની બાબત છે, પણ તેને એક મૂલ્ય તરીકે- ગુણવત્તાના માપદંડ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ હાસ્યાસ્પદ છે. ચેતન ભગતના ચાહકોએ એટલો ભેદ તો પાડવો રહ્યો કે ચેતન ભગતના કારણે અંગ્રેજી નહીં, પણ અંગ્રેજીના કારણે ચેતન ભગત આટલા સફળ છે. ચેતન અત્યારે જે લખે છે, એવું જ જો ગુજરાતીમાં લખતા હોત તો? બહુ સંભવ છે કે તેમના ઘણા ગુજરાતી ભક્તો ખડી પડ્યા હોત.

સાહિત્યકારોથી ભાષાનો વટ પડે છે, એવી માન્યતા પ્રચલિત માન્યતા છે. પણ ખરેખર જેમના થકી ભાષાનો વટ પડે એવા લેખકો બહુ ઓછા હોય છે -અને ગુજરાતી ભાષામાં એવા લેખકો છે, જેમના કારણે ગુજરાતી આપણી માતૃભાષા હોવાનું આપણને ગૌરવ થાય. ફક્ત સાહિત્ય જ શા માટે, વિજ્ઞાન જેવા વિષયોમાં પણ દાયકાઓથી એકનિષ્ઠ કામ કરનારા છે. પરંતુ ‘ગુજરાતી બચાવો’ મંડળીઓ એ કામને ભાગ્યે જ ઘ્યાનમાં લે છે- તેને આદર્શ તરીકે રજૂ કરવાનું તો બહુ દૂર! આ રીતે થોડું ઘણું સારૂં કામ પણ સરવાળે ખૂણે હડસેલાતું જાય છે અને રોકકળ મુખ્ય કાર્યક્રમ બની જાય છે. તેમાં અંગ્રેજીના આક્રમણ કરતાં વધારે વધારે લોકોની ઉપેક્ષા અને ભાષાના કહેવાતા રક્ષણહારો-તારણહારોની આંધળીબહેરી ચિંતા પણ ભાગ ભજવે છે.

વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે. (એ ચેતન ભગત કરતાં મોટા કહેવાય કે નહીં, એનો નિર્ણય ભગતના ભક્તો નક્કી કરે.) એટલે, ગુજરાતી ભાષામાં સેલિબ્રિટી લેખકો થઇ જાય તો પણ સામાન્ય પ્રજાના મનમાં ભાષાનું ગૌરવ વધી જશે, એવું માની લેવાય નહીં.

ભાષા પહેલાં બીજું ઘણું લુપ્ત થશે
‘ગુજરાતી બચાવો’માં કારકિર્દી બનાવવી ન હોય અને ગુજરાતીના ઉદ્ધારક તરીકે પેશ ન આવવું હોય, છતાં માતૃભાષા પ્રત્યે લાગણી હોય તો પહેલાં થોડો વિચાર અને પછી થોડું આચરણ કરી શકાય. એના માટે સાહિત્યકાર કે કટારલેખક હોવું જરૂરી નથી. ફક્ત ગુજરાતી હોવું પૂરતું છે.

વિચારનો પહેલો મુદ્દો એ છે કે ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે? કારણ કે, સમાજના ટોચના, સફળ, ધનિક, બોલકા વર્ગની નવી ભાષા અંગ્રેજી છે. તેમની સફળતામાં અંગ્રેજીનો હિસ્સો કેટલો હતો એ ગૌણ છે, પણ દૂરથી જોનારને એટલો સંદેશો સ્પષ્ટ ઝીલાય છે કે સફળ થવું હશે તો અંગ્રેજી શીખવું પડશે. શાળાઓમાં બીજા (ટકાવારીમાં) ‘કામના’ વિષયો શીખવવાનું ઠેકાણું ન હોય, ત્યાં અંગ્રેજીમાં ક્યાંથી ભલી વાર આવે? એટલે અંગ્રેજી શીખવવાનો અધકચરો છતાં એકમાત્ર રસ્તો, બાળકને ઈંગ્લીશ મિડીયમની સ્કૂલમાં મૂકી દેવાનો છે.

ઈંગ્લીશ મિડીયમમાં બાળકને ભણાવવાનો વાંધો નથી, પણ એ મિડીયમને સફળતાના પર્યાય તરીકે ગણવામાં ગોટાળો છે. લોકો એટલું પણ વિચારતા નથી કે એક જમાનામાં ગુજરાતી માઘ્યમમાં હતાં, એથી પણ વઘુ વિદ્યાર્થીઓનાં ટોળાં, યોગ્ય શિક્ષકો કે પૂરતી સજ્જતા ન હોય એવી ઈંગ્લીશ મિડીયમની શાળાઓમાં ઉભરાઇ રહ્યાં છે, તો એ બધાં કેવી રીતે સફળ થઇ જશે?

ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે. વાલીઓને બાળક અંગ્રેજી બોલે એટલાથી ગૌરવ થતું નથી. ગુજરાતી ન આવડે તો જ પોતે અંગ્રેજી મિડીયમમાં ન ભણ્યાનો વસવસો કરતાં માતાપિતાનો મોક્ષ થાય છે. સ્કૂલમાં ફરજિયાત રીતે અંગ્રેજી અને અંગ્રેજી નહીં તો હિંદી પણ ગુજરાતી તો નહીં, નહીં ને નહીં જ, એવો નિયમ રાખવામાં આવે છે. એટલે નખશીખ ગુજરાતી પરિવારનાં ઈંગ્લીશ મિડીયમમાં ભણતાં બાળકો ઘરમાં કે મિત્રો સાથે હિંદી-ઈંગ્લિશમાં વાતો કરે છે અને એકબીજાને આંજવાની પ્રક્રિયામાં એકબીજાથી અંજાય છે.

રહી વાત માતાપિતા કે કુટુંબીજનોની. એમને સમજાય છે કે ગુજરાતી ભાષાનેે ઉતરતી ગણવા માંડેલું બાળક અંગ્રેજીને ભાષાને બદલે લાયકાત સમજી બેસે છે? અને મોટા ભાગનાં માબાપ એ લાયકાતના અભાવે, માંડ પ્રાથમિક સુધી પહોંચેલા બાળકની નજરમાં ડફોળ ઠરવા માંડે છે? ગુજરાતી ભાષા લુપ્ત થતાં થશે, પણ સંતાનના મનમાંથી તેમનો દરજ્જો અકાળે લુપ્ત થઇ જાય છે.

જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે. વૈજ્ઞાનિક અભિગમ અને માતૃભાષાનું વૈજ્ઞાનિક મહત્ત્વ જાણવું જરૂરી છે, પણ લોકોની શરમ તોડવામાં એ માહિતી બહુ કામ નહીં લાગે. તેના માટે સમાજના સફળ-પ્રભાવશાળી વર્ગમાંથી ગુજરાતીનો મહિમા વહેતો કરવો પડે અને તે પણ ઉપદેશ દ્વારા નહીં, આચરણ દ્વારા. બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?

ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય.

Monday, February 15, 2010

વર્લ્ડસ્પેસ સેટેલાઇટ રેડિયો : એક વાસી ઉઠમણા-નોંધ

૩૧ ડિસેમ્બર, ૨૦૦૯થી રેડિયોપ્રેમીઓમાં જાણીતી સેટેલાઇટ રેડિયો સર્વિસ ‘વર્લ્ડસ્પેસ’નાં ભારતમાં પાટિયાં પડી ગયાં.

ભારતમાં સેટેલાઇટ રેડિયો સર્વિસ શરૂ થઇ ત્યારે રેડિયો સાથે એક જમાનામાં સંકળાયેલો મોભો ફરી તાજો થયો. એફ.એમ. રેડિયો આટલા પ્રચલિત બન્યા ન હતા, એ વખતે વર્લ્ડસ્પેસ રેડિયોની કાચ જેવી ચોખ્ખી સાઉન્ડ ક્વોલિટી, ચોવીસે કલાક ચાલતું સંગીત, સંગીતના જુદા જુદા પ્રકારને સમર્પીત આખેઆખી ચેનલો..આવી અનેક ખૂબીઓથી સંગીતપ્રેમીઓ મોહાયા. (ભારતમાં એ.આર.રહેમાન વર્લ્ડસ્પેસના બ્રાન્ડ એમ્બેસેડર હતા)

ચોક્કસ યાદ નથી આવતું, પણ પાંચ-સાત વર્ષ પહેલાં મારા મિત્ર અને મારી કઝિન પૌલાના પતિ કપિલ મારવાહાના ઘરે મેં ‘વર્લ્ડસ્પેસ’ની સર્વિસ સાંભળી હતી. ટીવીની જેમ રેડિયોની અનેક ચેનલો હોય અને (મોટે ભાગે) ટીવી કરતાં અનેક ગણી વધારે સામગ્રી પીરસાતી હોય, એ ખ્યાલ રોમાંચકારી હતો. છતાં, રેડિયો સાંભળવાના સમયના અભાવે, અમદાવાદમાં એ સર્વિસ લોન્ચ થયા પછી પણ સેટેલાઇટ રેડિયો વસાવવાનું મન ન થયું.

વર્લ્ડસ્પેસ એવો રેડિયો હતો, જે ‘ઇન્સ્ટોલ’ કરાવવો પડે. એ સર્વિસ ખરીદ્યા પછી માણસ આવીને તેનું એન્ટેના અમુક રૂમમાં ચોક્કસ રીતે લગાવી જાય. જૂના વખતની રેડિયો લાયસન્સ ફીની જેમ, વર્લ્ડસ્પેસની સર્વિસની પણ માસિક ફી ભરવાની. અમદાવાદમાં સર્વિસ લોન્ચ થઇ ત્યારે અમુક મહિનાની ફી ‘મફત’ આપવાની સ્કીમ પણ હતી. એ વખતે એવું જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં વર્લ્ડસ્પેસના લેવાલ તો છે, પણ કંપનીવાળા પહોંચી વળતા નથી. એટલે સર્વિસમાં વિલંબની ફરિયાદ પણ સંભળાઇ હતી.

વર્લ્ડસ્પેસ રેડિયો સાથે સીધો તંતુ જોડાયો તેની ગુજરાતી સર્વિસ ‘રેડિયો ઉમંગ’ના આર.જે. અજિંક્ય સંપટ થકી. અજિંક્યએ રેડિયો ઊંમગ માટે અવનવી અને અનુકરણીય થીમ લઇને અસંખ્ય પ્રોગ્રામ બનાવ્યા. આ પ્રકારના (કે અત્યારના એફ.એમ. પ્રકારના) રેડિયો સ્ટેશનનું પ્રોગ્રામમાળખું નક્કી હોય. મોટા ભાગનો સમય એકનાં એક, નવાં ગીતો વાગવાનાં હોય અને વચ્ચેની થોડી સેકંડોમાં આરજેએ કળા કરવાની. પણ એટલા સમયમાં અજિંક્યએ બહુ સરસ થીમ-બેઝ્ડ અને ઇન્ટરવ્યુ-બેઝ્ડ પ્રોગ્રામ કર્યા. પ્રતિભા અને વૃત્તિના સંગમથી બધી મર્યાદાઓ વચ્ચે કેવું કામ થઇ શકે, એ અજિંક્યના ‘રેડિયો ઊંમગ’માં કરેલા કામ વિશે જાણ્યા પછી ખબર પડે.

અમારો પરિચય વડીલ મિત્ર-સંશોધક હરીશ રધુવંશી થકી થયો. પછી અજિંક્યએ બે-ત્રણ કાર્યક્રમોમાં જુદા જુદા વિષયો પર મારો ઇન્ટર્વ્યુ કર્યો. એમાં મઝા મારો ઇન્ટરવ્યુ કર્યો એ તો ખરી, પણ ઘણી વધારે મઝા એ ઇન્ટરવ્યુના વિષયમાં હતીઃ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં કોઇ રેડિયો જોકી વચ્ચેના ભાગમાં સરદાર પટેલ વિશે કે જ્યોતીન્દ્ર દવે વિશેની રસપ્રદ વાતો મૂકે, તેની કેવી મઝા આવે!

અજિંક્યએ મુંબઇ રહીને લતા મંગેશકર અને જગજિતસિંઘથી માંડીને અમદાવાદ-મુંબઇના જૂના-નવા અનેક કલાકારોના ટેલીફોન પર ઇન્ટરવ્યુ લઇને રેડિયો ઊંમગ પર વગાડ્યા. જોકે, સારૂં કામ કરવાને કારણે, મિડીયોક્રિટીગ્રસ્ત યુગમાં રેડિયો ઊંમગ સાથે તેનો કોન્ટ્રાક્ટ રીન્યુ થયો નહીં. પણ અજિંક્યના સ્વરૂપમાં એક સરસ, પ્રેમાળ અને ભાગ્યે જ જોવા મળે એવી નિષ્ઠાથી પોતાનું-અને બીજાનું પણ- કામ કરનારો મિત્ર મળ્યો એ ‘વર્લ્ડસ્પેસ’ની અંગત ઉપલબ્ધિ.

વર્લ્ડસ્પેસની સર્વિસ ભારતમાં બંધ થવાનું કારણ છેઃ અમેરિકાની માતૃસંસ્થાનું ઉઠમણું. ઓક્ટોબર, ૨૦૦૮માં અમેરિકાની વર્લ્ડસ્પેસે નાદારી નોંધાવી દીધી હતી. ત્યાર પછી તેને ખરીદવા માટે જેણે તૈયારી બતાવી, તેને ભારતની વર્લ્ડસ્પેસ સર્વિસમાં રસ ન હતો. એટલે ભારતમાં વર્લ્ડસ્પેસનાં શટર પડી ગયાં. જે લોકોએ વર્લ્ડસ્પેસમાં આગોતરી ફી ભરી હોય અને તેના રૂપિયા સલવાયા હોય, તેમણે ક્યાં શું લખવું તેની વિગત આ લિન્ક પરથી મળી રહેશે.

ભારતમાં સેટેલાઇટ રેડિયો સર્વિસ અત્યારે ભલે બંધ થઇ, પણ એકાદ દાયકામાં તે ફરી જુદા સ્વરૂપે. જુદી રીતે, કદાચ મોબાઇલ ફોન પર જ સાંભળી શકાય એ રીતે ઉપલબ્ધ બને, એવી આશા રાખી શકાય.

Friday, February 12, 2010

‘દૃષ્ટિકોણ’માં વેલેન્ટાઇન્સ ડે વિશે

હા ભાઇ, ખબર છે. વેલેન્ટાઇન્સ ડે ચર્ચાનો ઓછો ને ઉજવવાનો વિષય વધારે છે. પણ અઘ્યાપક મિત્ર સંજય ભાવે, રેડિયો મિર્ચીની આર.જે. મેઘા ઠક્કર અને અઘ્યાપક ડો.પિંકી પંડ્યાની ચર્ચા સાંભળીને એવું લાગવાની પૂરી શક્યતા છે કે આ રૂઢિવાદી નકારાત્મક ચર્ચા નથી અને ટૂંકા-સસ્તા રસ્તે લોકપ્રિયતા સાધવા માટેનું કહેવાતી ‘યુથ’ કોન્સ્ટીટ્યુઅન્સીનું તુષ્ટિકરણ પણ નથી.
સંચાલનઃ ઉર્વીશ કોઠારી, નિર્માત્રીઃડો.રૂપા મહેતા
શનિવારે સાંજના સાડા સાત વાગ્યે, દૂરદર્શન ગિરનાર

Thursday, February 11, 2010

સ્ટીવ જોબ્સ: ટેકનોલોજીના ‘આઇ’ સ્પેશ્યલિસ્ટનું આશ્ચર્યજનક અંગત જીવન

જીવન કોલેજના પહેલા સેમેસ્ટરમાંથી ઉઠી ગયેલા ‘એપલ’ના સીઇઓ સ્ટીવ જોબ્સ ગયા મહિને બજારમાં મૂકેલા ‘આઇપેડ’ દ્વારા ફરી એક વાર ચર્ચામાં છે. પરંતુ, જોબ્સની જિંદગી તેમનાં આઇમેક-આઇપોડ-આઇફોન-આઇપેડ કરતાં પણ વધારે મંત્રમુગ્ધ કરે એવી છે

ફિલ્મી પ્રચારની આ ખાસિયત છેઃ ‘થ્રી ઇડિયટ્સ’ જેવી સરેરાશ મસાલા ફિલ્મ અને તેનાં નાટકીયાં પાત્રોથી અંજાઇને ભલભલા બુદ્ધિમંતો ‘શિક્ષણપદ્ધતિ-શિક્ષણપદ્ધતિ’ કરવા લાગ્યા છે, પણ ફિલ્મમાં દર્શાવ્યાં છે એના કરતાં ઓછાં નાટકીય અને વધારે નક્કર એવાં વાસ્તવિક પાત્રોમાં લોકોને રસ પડતો નથી. કારણ કે વાસ્તવિક જીવનનાં એ પાત્રોનો ‘શિક્ષણપદ્ધતિ’ની ધરી પર પ્રચાર થતો નથી. ‘રેન્ચો’નું પોપટિયું રટણ કરતા પ્રેમીઓને કરીના કપુર અને શેતાની તોફાનો સિવાયના, શુદ્ધ જીનીયસ સંશોધક રણછોડમાં કેટલો રસ પડશે? એવા અઘરા સવાલ કૌંસમાં રાખીને, વાત કરીએ એક એવા જણની, જેની જિંદગીના ચડાવઉતાર આગળ ફિલ્મી કથાઓ ઝાંખી પડે અને જેની સિદ્ધિઓ ટેકનોલોજીના ઇતિહાસની દંતકથાઓ બની ચૂકી હોય.
સ્ટીવન જોબ્સ. સિત્તેરના દાયકાના અમેરિકાનું લાક્ષણિક પાત્ર. કોલેજનો અભ્યાસ અઘૂરો છોડીને પોતાની આવડતથી ઇતિહાસ સર્જનાર ખેરખાં. પંચાવન વર્ષની અંગત જિંદગીમાં અનેક નવલકથાઓની સામગ્રી જીવી કાઢનાર એક અનોખો જણ.સ્ટીવની જિંદગીની શરૂઆત જ નાટકીય રહી. રાજ્યશાસ્ત્રના અઘ્યાપક અને મૂળ સિરીયાના અબ્દુલફતહ જંદલી અમેરિકન યુવતી જોન કેરોલ શીબલી સાથે પ્રેમમાં પડ્યા. બન્નેનાં લગ્ન થાય તે પહેલાં જ ૧૯૫૫માં તેમના સંબંધથી એક પુત્રનો જન્મ થયો. બન્ને જણને એ તબક્કે સંતાન ખપતું ન હોવાથી, તેમણે પુત્રને દત્તક આપી દેવાનું નક્કી કર્યું. કેલિફોર્નિયાના (અત્યારની ‘સિલિકોન વેલી’ના ) દંપતિ પોલ અને ક્લેરા જોબ્સે જંદલી અને જોન શીબલીના એ પુત્રને દત્તક લીધો અને તેને નામ આપ્યું સ્ટીવન. સ્ટીવન ઉર્ફે સ્ટીવ જોબ્સ.સ્ટીવની શૈક્ષણિક કારકિર્દીમાં કશું નોંધપાત્ર ન હતું. હાઇસ્કૂલ સુધી એનું ગાડું બરાબર ગબડ્યું, પણ કોલેજના પહેલા જ સેમેસ્ટરથી સ્ટીવે ભણવાનું મૂક્યું તે મૂક્યું. ત્યાર પછી યુનિવર્સિટી સાથે સ્ટીવ જોબ્સનો યાદગાર સંબંધ છેક ૨૦૦૫માં ઉભો થયો, જ્યારે વિશ્વવિખ્યાત સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સ્ટીવને આમંત્રણ મળ્યું. પોતાના પ્રવચનની શરૂઆતમાં જ સ્ટીવે કહ્યું કે ‘હું કદી ગ્રેજ્યુએટ થયો નથી. કોલેજ ગ્રેજ્યુએશન સાથેનો મારો સૌથી નજીકનો પનારો પડ્યો હોય તો એ આજે!’ એમ કહીને તેમણે પોતાની જિંદગીની ત્રણ કથાઓ વિદ્યાર્થીઓને સંભળાવી હતી. ટેકનોલોજીના યુગનાં સૌથી યાદગાર પ્રવચનોમાં જોબ્સના એ પ્રવચનનો સમાવેશ થાય છે. (ઇન્ટરનેટ પર ‘સ્ટીવ જોબ્સ સ્ટેનફર્ડ સ્પીચ’ લખીને સર્ચ કરતાં આખું પ્રવચન વાંચવા અને સાંભળવા મળી શકે છે.)હાઇસ્કૂલના અભ્યાસ દરમિયાન જોબ્સ વિખ્યાત કંપની હ્લુલેટ-પેકાર્ડ (એચપી)માં યોજાતાં લેક્ચર સાંભળવા જતો હતો. વેકેશનમાં થોડો સમય તેને એચપીમાં કામ પણ કર્યું. ત્યાં સ્ટીવનો પરિચય સ્ટીફન વુઝનિક સાથે થયો. આ દોસ્તીથી ‘એપલ’નાં બીજ રોપાયાં. ખુદ સ્ટીવ જોબ્સે કહ્યું છે કે ‘વુઝનિક મારા પરિચયમાં આવેલો એવો પહેલો માણસ હતો, જે ઇલેક્ટ્રોનિક્સમાં મારા કરતાં વધારે જાણકાર હોય.’

કમ્પ્યુટર ટેકનોલોજી ત્યારે (૧૯૭૦ના દાયકામાં) સાવ ભાંખોડિયાભેર હતી. કમ્પ્યુટરનો ખરેખર કેવો અને કેટલો ઉપયોગ થશે, સામાન્ય લોકો સુધી તે પહોંચશે કે ફક્ત સરકારો અને મોટી સંસ્થાઓ પૂરતો જ તેનો ઉપયોગ મર્યાદિત રહેશે, એ કશું નક્કી ન હતું. એ અરસામાં સ્ટીવ જોબ્સ અને સ્ટીફન વુઝનિકે ‘અતારી’ કંપની માટે કમ્પ્યુટર ગેમ્સ બનાવવાનું અને કમ્પ્યુટર સાથે અખતરા કરવાનું ચાલુ રાખ્યું. ‘અતારી’ની કમાણીમાંથી થોડી બચત થતાં, કોલેજના એક મિત્ર સાથે ૧૯ વર્ષનો સ્ટીવ જોબ્સ ભારત આવ્યો. બન્ને મિત્રોને અઘ્યાત્મમાં ઉંડો રસ હતો અને ભારતના પ્રવાસનો હેતુ મહદ્ અંશે આઘ્યાત્મિક કે જીવનને લગતું જ્ઞાન મેળવવાનો હતો (એવું ઇન્ટરનેટ પરની છૂટીછવાયી નોંધો પરથી જાણવા મળે છે.)


ભારતથી પાછા ફર્યા પછી ૧૯૭૫માં જોબ્સ અને વુઝનિકે જોબ્સના મકાનના ગેરેજમાં ‘એપલ’ કંપનીની વિધિવત્ સ્થાપના કરી અને ૧૯૭૬માં કંપનીનું પહેલું ડેસ્કટોપ કમ્પ્યુટર ‘એપલ ૧’ બનાવ્યું. ૧૯૭૭માં ‘એપલ ટુ’ની સાથે સ્ટીવ જોબ્સની વેપારી કુનેહ દર્શાવતી એક ઘટના બની, જે જુદા જુદા સ્વરૂપે આજે ૩૦ વર્ષ પછી પણ ‘એપલ’ કંપનીને ફળતી રહી છે. સ્ટીવ જોબ્સે ‘એપલ ટુ’ કમ્પ્યુટર માટે પ્રોગ્રામ બનાવવા ખુલ્લું આમંત્રણ આપ્યું. તેનાથી પ્રેરાઇને ઉત્સાહી ભેજાબાજોએ ‘એપલ ટુ’માં ચલાવી શકાય એવા સોળેક હજાર પ્રોગ્રામ તૈયાર કર્યા. જોબ્સનો આ અભિગમ હજુ સુધી બદલાયો નથી. તેના પરિણામે એપલના ‘આઇ ફોન’માં કામ લાગે એવી હજારો નવી સુવિધાઓ દુનિયાભરમાંથી લોકો તૈયાર કરે છે અને તેનો લાભ કંપની તથા તેના ગ્રાહકોને મળે છે.‘એપલ’નો સિક્કો જામી રહ્યો હતો, ત્યારે સ્ટીવ જોબ્સ એક યુવતીના પ્રેમમાં પડ્યો. તેમના સંબંધથી ૧૯૭૮માં જન્મેલી પુત્રી લીસા જોબ્સની પાસે રહી, પણ તેની માતાનું જોબ્સ સાથે લગ્ન થયું નહીં. એ અરસામાં ડેસ્કટોપ કમ્પ્યુટરમાં ક્રાંતિ આણે એવા કમ્પ્યુટર પર જોબ્સનું કામ ચાલી રહ્યું હતું. ૧૯૮૩માં કામ પૂરૂં થયું અને માઉસ સહિત અનેક નવીનતાઓ ધરાવતું એપલનું નવું મોડેલ બજારમાં મૂકાયું. તેનું બ્રાન્ડનેમ હતું: લીસા. એ કમ્પ્યુટરની સસ્તી આવૃત્તિ ‘મેકિન્તોશ’ નામે તૈયાર કરવામાં આવી. એ જ વર્ષે, પોતાની વ્યાવસાયિક કુનેહ માટે જાણીતા જોબ્સે પેપ્સી કંપનીના પ્રમુખ જોન સ્કલીને સમજાવી-મનાવીને ‘આખી જિંદગી રંગીન પાણી જ વેચવું છે કે દુનિયા બદલાય એવું કંઇક કરવાની ઇચ્છા છે?’ એવા શાબ્દિક ધક્કા મારીને ‘એપલ’માં જોડાવા રાજી કરી લીધા અને તેમને સીઇઓ બનાવ્યા.સ્કલીનું આગમન જેટલું નાટ્યાત્મક હતું, એટલો જ અણધાર્યો ભવિષ્યનો ઘટનાક્રમ રહ્યો. બે જ વર્ષમાં સ્કલીએ ‘એપલ’ કંપનીનું સંપૂર્ણ સંચાલન પોતાને હસ્તક લઇ લીઘું અને મૂળ માલિક, ૩૦ વર્ષના સ્ટીવ જોબ્સને ૧૫ કરોડ ડોલર આપીને રવાના કરી દીધા. પોતે જ સ્થાપેલી અને એ પણ ‘એપલ’ જેવી કંપનીમાંથી નીકળી જવું પડે ત્યારે જોબ્સની ચગડોળ જેવી જિંદગીની વઘુ એક કડવી વાસ્તવિકતા હતી.

જોબ્સે નવી કંપની ‘નેક્સ્ટ’ સ્થાપી, પણ તેનાં કમ્પ્યુટર બજારમાં ચાલ્યાં નહીં. દરમિયાન, એનિમેશન કંપની ‘પિક્સાર’ ખરીદીને તેના દ્વારા જોબ્સે બજારમાં પોતાનું નામ રાખ્યું. ‘પિક્સાર’ તરફથી ટોયસ્ટોરી, એ બગ્સ લાઇફ, ફાઇન્ડિંગ નેમો જેવી યાદગાર એનિમેશન ફિલ્મો મળી. કમ્પ્યુટરના ધંધામાં ‘નેક્સ્ટ’ નિષ્ફળ જતાં જોબ્સે સોફ્ટવેર અને ઇન્ટરનેટ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું. આખરે ૧૯૯૬માં, વિદાયનાં ૧૧ વર્ષ પછી, જોબ્સની કંપની ‘નેક્સ્ટ’ એપલે ખરીદી લેતાં, જોબ્સ ફરી એક વાર (સલાહકાર તરીકે) ‘એપલ’માં પાછા ફર્યા.‘એપલ’ને એવો નાઝ હતો કે માઇક્રોસોફ્ટની ધંધાદારી અને રીતરસમો કરતાં પોતે બહુ અલગ છે. ‘એપલ’ની ડીઝાઇન હોય કે તેના સોફ્ટવેર, તેનો વિશાળ ચાહકવર્ગ એટલો વફાદાર છે કે તેમને ‘માઇક્રોસોફ્ટ’ કદી પસંદ પડે નહીં. છતાં, ૧૯૯૭માં એવી પણ સ્થિતિ આવી, જ્યારે ‘એપલ’ના કટ્ટર હરીફ અને ધંધામાં ‘એપલ’ને ક્યાંય પાછળ છોડી ચૂકેલા ‘માઇક્રોસોફ્ટ’ના બિલ ગેટ્સ સાથે ‘એપલ’ને કરાર કરવા પડ્યા. એ જ વર્ષે જોબ્સને ફરીથી ‘એપલ’ના સીઇઓ બનાવવામાં આવ્યા.જોબ્સની બીજી ઇનિંગથી શરૂ થયો ‘આઇ’ સ્પેશ્યલ સાધનોનો સિલસિલો. તેમાં સૌથી પહેલું હતું ૧૯૯૮માં આવેલું ‘આઇમેક’. ત્યાર પછી ‘આઇ’નું લટકણિયું ધરાવતાં ‘એપલ’નાં ઉત્પાદનો - આઇપોડ, આઇટ્યુન, આઇમુવિ, આઇફોન... અને લેટેસ્ટ ઉમેરા જેવું આઇપેડ- બજારમાં વિક્રમસર્જક સફળતા પામ્યાં. ‘આઇ’ અક્ષર શું સૂચવે છે, એ તો આઇપોડ ને આઇફોનની આટલી લોકપ્રિયતા પછી પણ અટકળનો વિષય છે. કેટલાક કહે છે,‘આઇ ફોર ઇન્ટરનેટ’, તો કેટલાક ‘આઇ’માં એપલની વ્યક્તિગત સુવિધાની ખૂબીનું પ્રતિબિંબ જુએ છે.

જોબ્સની બીજી ઇનિંગમાં બઘું થાળે પડી ગયું હોય અને આખરે ફિલ્મો જેવો સુખાંત આવી ગયો હોય એવું લાગતું હતું, ત્યાં કેન્સરે દેખા દીધી. શરૂઆતમાં ડોક્ટરોને લાગ્યું કે જોબ્સ નહીં બચે. સદ્ભાગ્યે, કેન્સરની સારવાર થયા પછી જોબ્સની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને હવે તે સંપૂર્ણપણે ભયમુક્ત છે. ૧૯૯૧માં લોરિન પોવેલ સાથે લગ્ન કરનાર જોબ્સ ત્રણ સંતાનો અને લગ્ન પહેલાંના સંબંધથી થયેલી પુત્રી લીસાના પિતા તરીકે સુખદ પારિવારીક જીવન ગાળે છે.જોબ્સના પારિવારક સંબંધોમાં, તેમના જીવનની નાટકીયતાને છાજે એવો એક ઉમેરો પણ થયો છેઃ સ્ટીવ જોબ્સનાં મૂળ અમેરિકન માતા-સિરીયન પિતાએ સ્ટીવને દત્તક આપી દીધા પછી બાકાયદા લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નથી જન્મેલી દીકરી - અને એ રીતે સ્ટીવ જોબ્સની સગી બહેન - મોના સિમ્પસનને જોબ્સે શોધી કાઢી. હવે સ્ટીવ જોબ્સનાં પાલક માતાપિતા ગુજરી ગયાં છે અને માજણી બહેન મોના સાથે સ્ટીવ જોબ્સને ગાઢ સંબંધ બંધાયો છે. મોના સિમ્પસન નવલકથાકાર છે, પણ સ્ટીવ જોબ્સની પાંચ દાયકાની જીવનકથા જાણ્યા પછી લાગે કે નવલકથા રચવાની જે શક્તિ સંજોગો પાસે છે, તેની આગળ ભલભલા સર્જકો પાણી ભરે.

Tuesday, February 09, 2010

મુંબઇ સર્કસ અને નવા ખેલાડી રાહુલ

ગુજરાતીમાં ‘કરૂણતા’ ને અંગ્રેજીમાં ‘ટ્રેજેડી’ સિવાય બીજો કોઇ શબ્દ સૂઝતો નથી. મુંબઇમાં છેલ્લા થોડા સમયથી જે ચાલી રહ્યું છે એ જોયા પછી જૂની રંગભૂમિનાં ફારસો બૌદ્ધિક લાગવા માંડે.

નકારાત્મક પ્રસિદ્ધિનો પ્રાણવાયુ
‘જાને ભી દો યારોં’ જેવી ફિલ્મમાં કે ગામડાંની રામલીલામાં મહાભારત-રામાયણ ભેગા થઇ જતાં જેવા હાસ્યાસ્પદ ગૂંચવાડા સર્જાય, એવું મુંબઇ-મહારાષ્ટ્રના રાજકારણમાં બની રહ્યં છે. તેમાં ભાગ લેનારાં રાજકીય પાત્રો એટલી સ્વાભાવિકતાથી પોતાનો રોલ કરી રહ્યાં છે કે તેમની ‘નિષ્ઠા’ જોઇને ગોટાળે ચડી જવાય.

કાર્ટૂનિસ્ટમાંથી ખુદ પોતાનું કાર્ટૂનસ્વરૂપ બની ગયેલા બાળ ઠાકરે, તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને તેમની પારિવારિક પેઢી જેવી શિવ સેના- આ સમુહની હરકતો વિશે કંઇ ન કહેવામાં- ચર્ચા ન કરવામાં જ સાર છે. એટલા માટે નહીં કે તેમના ગુંડા આવીને તોડફોડ કરી જાય છે, પણ એટલા માટે કે નિર્માલ્ય, કરવા ખાતર થતી અથવા સમાચારોમાં મસાલો ભરવા થતી ચર્ચાઓ અને નકારાત્મક પ્રસિદ્ધિ તેમનો પ્રાણવાયુ છે. કોઇ માણસ થોડા ગુંડા કે રાજકીય પક્ષના પાટિયાના સહારે લોકશાહી અને બંધારણનાં તમામ મૂલ્યોને તોડીફોડી,બાળી કે ખોદી કાઢે અને એવી ગુંડાગીરી વિશે ફક્ત ચર્ચા જ થાય એ કેવું? જાગ્રત નાગરિકો ફક્ત ચર્ચા જ કરી શકવાના હોય, જાગૃતિ ફક્ત ચર્ચાથી અટકી જવાની હોય તો એનો શો અર્થ?

નમાલી ચર્ચાનાં નવાં માઘ્યમોમાં ન્યૂઝ ચેનલો ઓછી પડતી હોય તેમ ઇન્ટરનેટનો ઉમેરો થયો છે. સાયબર ટેરરિઝમની જેમ સાયબર એક્ટિવિઝમ વિશે પણ ચિંતા થવી જોઇએ. ઇન્ટરનેટ પર ચાલતી ઝુંબેશોમાં નામ એન્ટર કરી દેવાથી કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરનાં ગુ્રપમાં ગરમાગરમી કરવાથી કશું વળતું નથી અને ચર્ચા કરનારને જાગૃતિનો ઓડકાર આવી જાય છે. ગરમી ઉડી જાય છે અને સૌ પોતપોતાના રસ્તે.

શિવ સેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કે બીજા કોઇ પણ રાજકીય પક્ષોની ગુંડાગીરી સામે કડક કાનૂની કાર્યવાહી સિવાય બીજો કોઇ વિકલ્પ ન હોઇ શકે. નાગરિક સમાજની તમામ કાર્યવાહી અને તમામ જાગૃતિનો પ્રવાહ કાનૂની કાર્યવાહીની માગણીની દિશામાં વળવો જોઇએ. પરંતુ, જાહેર જીવનની ચળવળોમાં સંતોષી સ્વભાવ બહુ નડી જાય છે. નિષ્ફળતાથી કે લાંબી લડતથી નિરાશ ન થવું એક વાત છે અને પહેલી તકે સંતોષ પામી જવો (‘આટલું પણ કોણ કરે છે!’) એ બન્નેમાં ફરક છે. સંતુષ્ટ થઇ જવાનાં ખરાબ પરિણામ ઓછાં હોય તેમ, હવે ‘આટલું પણ કોણ કરે છે!’ની ત્રિરાશી પ્રમાણે, કોઇ સળવળે તો એને ‘હીરો’ ને ‘લડવૈયો’ જાહેર કરી દેવામાં આવે છે. દા.ત. શાહરૂખ ખાન. શાહરૂખે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો એ સારી વાત છે. એને વળગી રહ્યો એ વધારે સારી વાત છે. પણ હીરો? એ વિશેષણ જરા- જરા નહીં, ઘણું વધારે પડતું છે. જે દેશમાં માંડ સાત દાયકા પહેલાં સામાન્ય જનતા લાઠીધારી પોલીસની ફોજ સામે માર ખાવા ધસી જતી હતી, એ દેશમાં હવે કોઇ બે લીટી બોલે ને હીરો બની જાય, એનાથી વધારે દુર્દશા કઇ હોઇ શકે?

સાત દાયકા પહેલાંની લડાઇ આઝાદી માટે હતી, તો અત્યારની લડાઇ પણ આઝાદી માટે નથી? ગુંડાગીરીથી આઝાદી, ખંડણીખોરીથી આઝાદી, પ્રાંતવાદથી આઝાદી, પરિવારવાદથી આઝાદી, ભ્રષ્ટાચારથી આઝાદી, ગરીબીથી આઝાદી....રાજકીય આઝાદી માટે લડતી વખતે આશા હતી કે એક વાર રાજકીય આઝાદી આવ્યા પછી બીજી આઝાદી માટે ઝઝુમવું નહીં પડે, પણ આઝાદીના છ દાયકા પછી ચક્કર અવળી દિશામાં ફર્યું છે અને એકેએક ક્ષેત્રે આઝાદી માટે લડાઇ છેડવી પડે એવા સંજોગો પેદા થયા છે. એટલે જ, મેસર્સ ઠાકરે એન્ડ સન્સને બાકીના રાજકારણથી અલગ કે એકલદોકલ રાજકીય ટોળકી તરીકે જોવાની જરૂર નથી. બીજા રાજકીય પક્ષોના ટેકા વિના તેમનું ટકી રહેવું અશક્ય છે. પરસ્પરાવલંબન બગાઇ અને ઢોર વચ્ચે જ હોય એવું થોડું છે?

મોઢામાં મગ, મનમાં ફડકો
શિવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની અસહ્ય દાદાગીરી અને ગુંડાગીરીના માથે ગૌરવનો મુગટ ચડાવવાનું કામ બીજા રાજકીય પક્ષોએ કર્યું છે. શિવ સેનાના મુસ્લિમદ્વેષી રાજકારણથી ‘આવ ભાઇ હરખા’ની ખુશી અનુભવતો ભાજપ તો શિવ સેનાનો રાજકીય ભાગીદાર છે. તેમની યુતિને, મુસ્લિમદ્વેષ બાકાત રાખીને, ફક્ત રાજકીય ગોઠવણ તરીકે જોવામાં ભોળપણ છે. ઠાકરેનાં ઉલટાંસીધાં નિવેદનોથી અનેક વાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા પછી પણ, મુસ્લિમદ્વેષની મજબૂત ગાંઠથી ભાજપ-સેના બંધાયેલાં છે. કહેવું હોય તો તેને ‘વિચારધારાકીય જોડાણ’ કહી શકાય. એટલે જ, શિવ સેનાનાં પરાક્રમો વિશે બોલવાનું આવે ત્યારે ભાજપ ‘સબ સે ભલી ચૂપ’ની મુદ્રામાં આવી જાય છે. પણ કોંગ્રેસ શા માટે મોઢામાં મગ ભરીને બેસી જાય છે, એ સમજવું સહેલું ને સ્વીકારવું અઘરૂં છે.

રાજકારણમાં હંમેશાં કાંટાથી કાંટો નીકળતો નથી. એમ કરવા જતાં ક્યારેક એકને બદલે બે કાંટાની અણી ખાવાનો વારો આવે છે. કોંગ્રેસને તેનો અનુભવ થઇ રહ્યો છે. કેન્દ્રમાં અને રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં, મુંબઇ હુમલા પછીના દિવસોમાં નવા મુખ્ય પ્રધાન નક્કી કરવાથી માંડીને રાજ ઠાકરે-બાળ ઠાકરેનો ઉત્પાત દબાઇ-ચૂમાઇને વેઠી લેવામાં કોંગ્રેસે બધી લાજશરમ મૂકી દીધી છે. એટલું જ નહીં, સરકાર તરીકે ગુંડાગીરી સામે મક્કમ હાથે કામ લેવાને બદલે, નિષ્ક્રિય રહીને કોંગ્રેસે ગુંડીગીરીને આડકતરૂં પ્રોત્સાહન આપ્યું છે. એટલે મુંબઇમાં જે કંઇ નાટકબાજી જોવા મળે છે, તેમાં કોંગ્રેસ સરખા હિસ્સે અને શાસક તરીકે વધારે પ્રમાણમાં જવાબદાર છે. તેની નિર્માલ્યતાથી ગુંડાગીરીના માથે બહાદુરીનો કળશ ચડ્યો છે. ‘મને આંગળી પણ અડાડી તો મુંબઇ ભડકે બળશે’ એવી ફિશિયારીઓ સચ્ચાઇ તરીકે ત્યારે જ સ્થપાઇ શકે, જ્યારે સરકારમાં પાણી ન હોય.

એક બાળ ઠાકરેને મોટા ભા કર્યાનું પાપ ઓછું હોય તેમ, કોંગ્રેસે તેમનાથી અલગ પડેલા રાજ ઠાકરેના અનિષ્ટમૂલ્યને પણ પોતાની ગુનાઇત નિષ્ક્રિયતાથી જોતજોતામાં આસમાને ચડાવી દીઘું છે.
- અને હવે ઉદ્ધારકની ભૂમિકામાં પેશ થયા છે રાહુલ ગાંધી.

કુંવરનાં કામણ
રાજીવ ગાંધીનો રાજકારણમાં પ્રવેશ વંશપરંપરાગત રાજકારણનો વરવો નમૂનો ગણાઇને યોગ્ય રીતે જ ટીકાને પાત્ર બન્યો હતો. રાહુલ ગાંધીનો કિસ્સો જરા અલગ છે. તેમની મુખ્ય લાયકાત ‘ગાંધી’ અટક જ છે, એમાં બેમત નથી. પણ રાહુલ ગાંધીયુગ આવતાં સુધીમાં દેશના તમામ પક્ષોના નેતાઓ, કોંગ્રેસના કુટુંબવાદને ગાળો દેતાં દેતાં, પોતપોતાનાં સંતાનોને આંગળીએ વળગાડીને રાજકારણમાં લઇ આવ્યા છે. હવે કોણ કોની પર પરિવારવાદનો આરોપ મૂકે?

આમ, રાહુલ ગાંધી પરનો એક આરોપ ઉડી જાય છે. સોનિયા ગાંધીનું ઇટાલિયન મૂળ હજુ પણ કેટલાક વાક્ચતુર નેતાઓને પ્રહાર કરવા લાયક મુદ્દો લાગે છે. રાહુલના પ્રક્ષેપણ/પ્રોજેક્શન પછી વિદેશી મૂળનો સવાલ પણ રહેતો નથી. આ બન્ને બાબતોમાં રાહુલ ગાંધીની કોઇ કમાલ ન હોવા છતાં, એ તેમના પલ્લામાં રહેલી સૌથી વજનદાર બાબતો બની રહી છે. મરચું ઉગે ત્યારે લીલું હોય ને પછી લાલ થાય, એ પણ રાહુલને ખબર છે. પોતાનું સામાન્ય જ્ઞાન સુધારવા માટે અને પ્રભાવ વિસ્તારવા માટે તે ગામડાંના પ્રવાસ કરતા રહે છે. ગરીબો સાથે હળવામળવાનો ખેલ તેમને ઠીક ફાવી ગયો છે. (બીજા ઘણા તો એ ખેલ જેવા ખેલમાંથી પણ ગયા છે.)

‘સસ્તું ભાણું ને તત્કાળ ઓડકાર’ માટે તલસતાં પ્રસાર માઘ્યમો અને તેમના બહુમતિ દર્શકોને રાહુલ ગાંધીનાં આયોજનો પ્રવાસો બહુ માફક આવે છે. કારણ કે તેમાં ભરપૂર નાટકીયતા હોય છે. નેતાઓનાં નાટારંગમાં પ્રસાર માઘ્યમો એવાં હિલોળે ચડે છે કે અઘરા પ્રશ્નો પૂછવાના બાજુ પર રહી જાય છે અને રાહુલ કેટલા હેન્ડસમ લાગે છે અને લોકો તેમને જોઇને કેવા અંજાઇ ગયા તેની ગંભીરતાથી ચર્ચાઓ થાય છે.

રાહુલ ગાંધી કોંગ્રેસી નેતા નવી શરૂઆત કરવા માગતા હોય તો સારી વાત છે, પણ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે એ મુંબઇની મુલાકાત આવ્યા હોય ત્યારે તેમની પાસેથી મહારાષ્ટ્ર કોંગ્રેસની નિષ્ક્રિયતાનો ખુલાસો મળે એવી અપેક્ષા હોય. એને બદલે સમાચારોમાં રાહુલનો ફિલ્મી ડાયલોગ છવાઇ જાય છે. (‘મારી માતા ઇટાલિયન છે ને પિતા મુંબઇમાં જન્મ્યા હતા. મારા પરદાદા અલાહાબાદના ને હું દિલ્હીમાં રહું છું. તો હું ક્યાંનો કહેવાઊં?’) રાહુલની હિંમતનાં અને સરળતાનાં વખાણ થાય છે. બઘું બરાબર, પણ પોતાના જ પક્ષની સરકાર હોવા છતાં, રાહુલને શા માટે મુંબઇ આવવું પડ્યું અને લોકસંપર્ક કાર્યક્રમ કરવો પડ્યો, એ સવાલની અણી નાટકીયતાની જાજમ તળે દબાઇ જાય છે.

ઠાકરે મંડળી સામે ખરેખર બોલવાની અને પગલાં લેવાની જરૂર હતી ત્યારે કોંગ્રેસ અને ભાજપ બન્નેની સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાગીરીએ મૌન સેવ્યું હતું. હવે બિહાર અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ આવતી હોવાથી, ભાજપને પહેલી વાર ઠાકરે કંપનીના હિંદીભાષી વિરોધી વલણ સામે ખટકો જાહેર કરવો પડ્યો છે. ચૂંટણીના જંગમાં અને જાહેર જીવનમાં છેલ્લા થોડા સમયથી શિવ સેનાનું પ્રભાવક્ષેત્ર સંકોચાતું રહ્યું છે, પરંતુ તેનો આનંદ ભાગ્યે જ લઇ શકાય એમ છે. કારણ કે, શિવ સેનાનો અસ્ત થાય તે પહેલાં, શિવ સેનાની જુવાન આવૃત્તિ જેવી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાનમાં આવી ચૂકી છે. ગાળાગાળી અને મારામારી કરવાનો તેમને જરાય છોછ નથી. ગમે તેવાં ઉશ્કેરણીજનક વિધાનો કરવાં ને પોતાનું ધાર્યું ન થાય ત્યારે ગુંડાગીરી આચરવી, એ ‘મનસે’ના ડીએનએમાં છે. ઉપરાંત, ચિંતા કરાવનારૂં સૌથી મહત્ત્વનું પરિબળ છે વારંવારના ફટકા ખાધા પછી પણ ન સુધરવા માગતી કોંગ્રેસ. કારણ કે સેના-માનસિકતાના બીજને સાનુકૂળ ખાતરપાણી આપવાની કુસેવા કોંગ્રેસે કરી છે.

વરસના વચલા દિવસે રાહુલ ગાંધી આવીને ભલે મુંબઇવિજયનો ખેલ પાડી જાય, પણ વિજયની એ લાગણીને અંગત ટ્રોફી તરીકે રાખવાને બદલે આમઆદમી સુધી પહોંચાડવી હોય, તો દરેક પ્રકારની ગુંડાગીરીને કડકાઇથી ડામી દેવાનું કૌવત કોંગ્રેસે બતાવવું પડશે.

એવું થાય તો પછી રાહુલ ગાંધીએ જાતે મુંબઇ આવવાની જરૂર નહીં રહે.

Thursday, February 04, 2010

મેઘાણી બંઘુત્રિપુટી અને ભગતસાહેબ

ગયા મહિને અમેરિકાથી આવેલા (‘પરિભ્રમણ’ના સહસંપાદક) અશોકભાઇ મેઘાણીને પહેલી વાર મળ્યો, ત્યારે વાતવાતમાંથી વાત નીકળી કે નાનકભાઇ મેઘાણીની તબિયત વચમાં બગડ્યા પછી સુધારા પર હતી અને ધીમે ધીમે તે ‘ગ્રંથાગાર’ પર આવતા થયા હતા. અશોકભાઇ તેમને મળવા ‘ગ્રંથાગાર’ જવાના હોવાથી હું પણ જોડાઇ ગયો. ત્યાં ‘મીમી’ (મહેન્દ્રભાઇનું પારિવારિક ઉપનામ) પણ આવવાના હતા, એ પછી ખબર પડી.

સાહિત્ય પરિષદની અંદર આવેલા ‘ગ્રંથાગાર’ માં અચ્છુંખાસું મેળાવડાનું વાતાવરણ થઇ ગયું. ત્રણે મેઘાણી બંઘુઓ- અશોકભાઇ, નાનકભાઇ અને મહેન્દ્રભાઇ- ઓછા હોય તેમ નિરંજન ભગત આવી ચડ્યા. તેમણે પણ ખુરશી નાખી અને અલકમલકની વાતો કરી. એ અનોખી અને અનાયાસ મિજલસની થોડી યાદગીરી.


(L to R: Niranjan Bhagat, Ashok Meghani, Nanak Meghani, Mahendra Meghani)


કલમ-કેનવાસ યોગ


(ડાબેથી) અશ્વિની ભટ્ટ, ચિત્રા સોલંકી, વૃંદાવન સોલંકી, નીતિ ભટ્ટ અને પાછળ દેખાતા દાઢીયલ શખ્સ લંડનના ‘ઓપિનિયન’ અધિપતિ વિપુલ કલ્યાણી
ગયા મહિને ચિત્રકાર વૃંદાવન સોલંકીનાં ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની માર્વેલ આર્ટ ગેલેરીમાં હતું. વૃંદાવનભાઇ મને અત્યંત ગમતા (અને સમજાતાઃ-) ચિત્રકારોમાંના એક અને હવે થોડાં વર્ષોના પરિચયથી ખાસ્સા સ્નેહી છે. વૃંદાવનભાઇ-ચિત્રાબહેનની જોડી સાથેનો સંપર્ક છેલ્લાં થોડાં વર્ષોની ઉપલબ્ધિ છે. તેમનાં ચિત્ર પ્રદર્શન વિશે ‘લખીશ-લખીશ’માં રહી ગયું. તેની કસર આ તસવીર મૂકીને પૂરી કરી છે.

નોંધઃ
  • ચિત્રાબહેન અશ્વિનીભાઇની નવલકથાઓનાં (અને જૂનાં ગીતોનાં પણ) જબરાં પ્રેમી છે.
  • સામાન્ય રીતે શર્ટ-પેન્ટ કે જિન્સમાં સદાબહાર મિજાજ સાથે ફરતા અશ્વિનીભાઇનો પોશાક જોઇને અમદાવાદના સુજ્ઞ વાચકો કહી આપશે કે આ તો ‘સપ્તક’નો યુનિફોર્મ છે! હા, પ્રદર્શનમાંથી અશ્વિનીભાઇ ‘સપ્તક’માં જવાના હતા.
  • અશ્વિનીભાઇના ચાહકો માટે જાણવાજોગઃ મોટે ભાગે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાં અશ્વિનીભાઇ-નીતિભાભી અમદાવાદથી પાછાં અમેરિકા જવાનાં છે. જેમને મળવું હોય તેમને હજુ મહિનો પડ્યો છે અથવા હવે મહિનો જ છે.

Tuesday, February 02, 2010

બીટી રીંગણનો વિવાદઃ આખું કોળું (કે રીંગણ) શાકમાં

આજકાલ કોઇ પણ જગ્યાએ સામાન્ય કરતાં જુદું રીંગણ જોવા મળે એટલે તરત પ્રશ્ન પૂછાય છે,‘બીટી રીંગણ છે?’ અને જવાબની રાહ જોયા વિના બીજં વાક્ય ઉમેરાય છે,‘આ તો એની ચર્ચા બહુ ચાલે છે ને એટલે પૂછ્યું.’

બીટી રીંગણ વિશેની જાગૃતિ કમ, જિજ્ઞાસા જ્યાદાનો મોટે ભાગે આટલેથી અંત આવે છે. ગૃહિણીઓ બીટી રીંગણ વિશે વઘુ પૂછપરછ કરે એટલે ‘મને ખબર નથી’ના વિકલ્પે તેમના ‘બેટરહાફ’ કહે છે,‘તારે જાણવાની જરૂર નથી.’ સરકારોનું વલણ પણ ખાસ જુદું નથી. બીટી રીંગણની સંભવિત અસરો અને સાવચેતીનાં પગલાં વિશે પૂછવામાં આવે એટલે, ભારતીય પતિની ભૂમિકામાં આવી જતાં સરકારો ‘અમને ખબર નથી’ અને ‘તમારે જાણવાની જરૂર નથી’ના વિકલ્પે કહે છે,‘એ બઘું અમે જોઇ લઇશું.’

બીટી રીંગણની પ્રાથમિક અને જરૂરી માહિતી મેળવતાં પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે આ વિવાદ જૈવિક (ઓર્ગેનિક) વિરૂદ્ધ રાસાયણિક ખેતીનો નથી. આ વિવાદ બે જીવનશૈલીનો, બે વિચારધારાનો કે પૂર્વ વિરૂદ્ધ પશ્ચિમનો નથી. નફાખોર કંપનીઓ વિરૂદ્ધ ગરીબ ખેડૂતોનો પણ નથી. આ સૈદ્ધાંતિક કે આદર્શો-મૂલ્યોની ચર્ચા નથી. તેનો સીધો સંબંધ આપણા રોજબરોજના જીવન અને આરોગ્ય સાથે છે.

બીટી રીંગણની તરફેણનાં ‘ગાજર’
‘બીટી’ એ જમીનમાં થતા ‘બેસીલસ થુરીન્જેન્સીસ’ પ્રકારના બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. આ બેક્ટેરિયા પાકને નુકસાન કરતી કેટલીક મુખ્ય જીવાતો માટે જીવલેણ ઝેર પેદા કરે છે. ખાનગી કંપનીઓના સંશોધકોએ બીટીના શરીરમાંથી (તેના ડીએનએમાંથી) ઝેર પેદા કરવા માટે જવાબદાર જનીન જુદો તારવ્યો અને એ જનીનને રીંગણના ડીએનએમાં દાખલ કરી દીધો.

તેનું અપેક્ષિત પરિણામ એ છે કે બીટીના ઝેરથી સજ્જ બીટી-રીંગણને જીવાતોનો ભય ન રહે. તેની પર જંતુનાશક દવાઓ છાંટવાની પણ જરૂર નહીં. જીવાતોનો ખાત્મો બોલાવવા માટે રીંગણનો છોડ પોતે જ (બીટીના જનીનના પ્રતાપે) ઝેર પેદા કરી લે. એ ઝેરથી જીવાતો મુર્દાબાદ અને રીંગણનો છોડ ઝિંદાબાદ!

બીટી રીંગણની તરફેણ કરતી કંપનીઓ અથવા માણસોના મુખ્ય દાવા આટલા છેઃ
  • પાક સલામત રાખવા માટે નાના-સામાન્ય ખેડૂતોને પણ જંતુનાશક દવાઓના ૨૫ થી ૮૦ સ્પ્રે મારવા પડે છે. તેમ છતાં, નુકસાન અટકાવી શકાતું નથી. બીટી બિયારણ વાપર્યા પછી જંતુનાશક છાંટવાની જરૂર નહીં રહે. (એટલે કે નાના ખેડૂતોનું પણ હિત થશે.)- (કંપનીઓના જ બનાવેલા) જંતુનાશકોના વઘુ પડતા ઉપયોગથી માનવ આરોગ્ય માટે અનેક જોખમ ઉભાં થયાં છે. બીટી-રીંગણની ખેતીમાં જંતુનાશકનો ઉપયોગ ન રહેતાં, તેના થકી ઉભું થતું આરોગ્યનું જોખમ ટળશે.
  • બીટીનું ઝેર (કંપનીની ભાષામાં કહીએ તો, ‘ઇનબિલ્ટ ટોલરન્સ’) ધરાવતા છોડને કારણે, નુકસાનનું પ્રમાણ ઘટશે અને મબલખ ઉત્પાદન થશે. ઉત્પાદન વધારે તેમ ખેડૂતોને આવક પણ વધારે.
  • સામાન્ય ખેતીમાં બિયારણ પાકમાંથી જ મળી રહે છે. બીટી બિયારણ વાવ્યા પછી, ખેડૂતોએ દર વર્ષે કંપની પાસેથી નવું બિયારણ ખરીદવું પડે. (બીટી રીંગણનાં બી નવા બિયારણ તરીકે કામ ન આપે.) કંપનીઓ કહે છે કે કે ‘ચિંતા ન કરશો. અમે બિયારણના ભાવ ખેડૂતોને પોસાય એવા રાખીશું.’

લોભનું બિયારણ, ભ્રષ્ટાચારનું ખાતર, અજ્ઞાનની જમીન

બીટી રીંગણને ફાયદાકારક ગણાવતા દાવાની સામે અને એ સિવાયના પણ ઘણા ગંભીર સવાલ છે.

સૌથી પહેલો પ્રશ્ન છેઃ બીટી રીંગણની જરૂર શા માટે? ભારતમાં રીંગણનો પાક પૂરતા પ્રમાણમાં થાય છે. તેની કદી અછત વર્તાઇ નથી અને તેની અછતને કારણે દુષ્કાળ પડે એવી સંભાવના પણ નથી. એ સંજોગોમાં બીટી રીંગણ ઉગાડીને, રીંગણનો મબલખ પાક ઉતરશે તો ખેડૂતો ખાટી જશે? ઉલટું, સ્થાનિક બજારોનો અનુભવ એવો છે કે પાક વધારે પ્રમાણમાં ઉતરે, તો ખેડૂતોને ફાયદો ઓછો ને નુકસાન વધારે થાય. જેનું ઉત્પાદન વધારે થઇ જાય એ શાકના ભાવ એવા તળીયે બેસે છે કે છેવટે સાવ પાણીના મૂલે રીંગણ વેચવાનો વારો આવે છે.

બીટી રીંગણના તરફદારો આંકડા ફટકારતાં કહે છે,‘છેલ્લા બે દાયકામાં ભારતમાં રીંગણનો ૫૦ થી ૭૦ ટકા પાક જીવાતો બગાડી મૂકે છે. તેને કારણે અંદાજે ૨૨.૧ કરોડ ડોલરનું નુકસાન થાય છે.’ રીંગણના પાકમાં જીવાતોનો ત્રાસ નક્કર હકીકત છે, પણ એ જીવાતોને કાબૂમાં રાખવાના (જંતુનાશકો ઉપરાંતના પણ) અનેક તરીકા છે. ઇલેક્ટ્રિક જાળી જેવા કેટલાક ઉપાયો ખેતી સાથે સંકળાયેલા લોકો સફળતાપૂર્વક વાપરે છે. કૃષિ યુનિવર્સિટી, સંશોધકો, સરકારી મંત્રાલયો અને સરકારી ખાતાં નુકસાનને અટકાવવાના સીધાસાદા ઉપાયો પર ઘ્યાન આપે અને તેની જાણકારી ખેતી કરતા લોકો સુધી પહોંચાડે, તો પાકની સલામતી બીટી રીંગણ સુધી જવાની કશી જરૂર નથી.

રહી વાત જંતુનાશકોથી થતા નુકસાનની. બીટી રીંગણના છોડમાં ઉપરથી જંતુનાશકોનું ઝેર ભલે ન છાંટવું પડે, પણ તેમાં અંદરથી જ પેદા થતા બીટીના ઝેરનું શું? બીટી રીંગણનો ઉપયોગ સીધો ભોજનમાં થવાનો હોય, ત્યારે છોડમાં પેદા થતા અને જીવાતો માટે જીવલેણ બનતા ઝેરની માણસ પર કેવી અસર થાય છે તેની પૂરેપૂરી જાણકારી હોવી જોઇએ. પરંતુ તેનો કોઇ સંતોષકારક અભ્યાસ ઉપલબ્ધ નથી. ‘સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર‘ના ૨૦૦૬ના એક અહેવાલમાં નોંઘ્યા પ્રમાણે, જનીન રૂપાંતરિત ખોરાક શરીરમાં પચી જાય, તો પણ ‘ઇમ્પોર્ટેડ’ ઝેરી જનીન અકબંધ રહીને માનવશરીરમાં ભળી જાય છે. શરીરની અંદર રહીને તે કેવાં ગુલ ખીલવશે તે હજુ પૂરેપૂરૂં જાણી શકાયું નથી, પણ અત્યાર સુધી પ્રાણીઓ પર કરાયેલાં પરીક્ષણોમાં જનીન રૂપાંતરિત ખોરાક સલામત પુરવાર થયો નથી.

પૂરી અને સંતોષકારક જાણકારી વિના આંધળુકીયાં કરીને બીટી રીંગણ ઉગાડવામાં અને ખાવામાં ભારોભાર ખતરો છે. એ સમજવા માટે સામાન્ય બુદ્ધિ પૂરતી છે. માનવજનીન વૈજ્ઞાનિક ડો. જયેશ શેઠ આ ખતરાને ‘એટમબોમ્બ સાથે અખતરા’ ની ઉપમા આપે છે. તેમના મતે, જનીન રૂપાંતરિત ખોરાક માટે ચોક્સાઇપૂર્વક કશું કહી શકાય એટલું સંશોધન થયું નથી, છતાં કેન્સરની શક્યતા સૌથી વધારે પ્રમાણમાં રહેતી હોય છે.

ઝેરનાં પારખાં: શરતો લાગુ

બીટી ટેકનોલોજી સાથે ફુદડીમાં અનેક શરતો સંકળાયેલી હોય છે, જે સામાન્ય રીતે કંપનીઓ તરફથી ચર્ચવામાં આવતી નથી. પહેલી વાત એ બીટી રીંગણના છોડમાં પેદા થતું ‘ઇનબિલ્ટ’ ઝેર ૧૦૦ ટકા જીવાતોનો નાશ કરતું નથી. કંપનીઓના દાવા પ્રમાણે, બીટી રીંગણમાં પણ ૨.૫ ટકા થી ૨૦ ટકા સુધીનો પાક જીવાતોથી બગડી શકે છે.

બીજો ખતરો છે ઉત્ક્રાંતિના કુદરતી પરિબળનો. એક વાર રીંગણનો છોડ અંદરથી જ બીટીનું ઝેર પેદા કરવાનું શરૂ કરે, તો બહુ સંભવ છે કે ટૂંક સમયમાં જીવાતો એ ઝેર સામે રોગપ્રતિકારક શક્તિ કેળવી લે. એવું થાય તો છોડને ઝેરી બનાવવાનો આખો આશય જ માર્યો જાય. આ શક્યતા કંપનીઓ પણ સ્વીકારે છે. એટલે જ, એવું ઠરાવવામાં આવ્યું છે કે બીટી રીંગણ ઉગાડનારે બીટી પાકની ફરતે થોડા વિસ્તારમાં સાદાં રીંગણ પણ ઉગાડવાં, જેથી જીવાતોને ઉત્ક્રાંતિની તક ન મળે અને તે ઠેરની ઠેર રહે. આ સમીકરણ કંપનીઓ દર્શાવે છે એટલું સીઘુંસરળ હોઇ શકે નહીં. કુદરતને છેતરીને જીવાતોની ઉત્ક્રાંતિને કાબૂમાં રાખવાનો દાવો ભારોભાર જોખમી અને અવિશ્વાસપાત્ર છે. નાના ખેડૂતો બે પ્રકારના પાક ઉગાડવા જેટલી જમીન ક્યાંથી લાવે, એ પણ સવાલ છે.

ધારો કે ફ્રૂટબોરર અને શૂટબોરર તરીકે ઓળખાતી રીંગણભક્ષી જીવાતો બીટી રીંગણથી કાબૂમાં આવી પણ ગઇ, તો બાકીની જીવાતોનું શું? કુદરતી પર્યાવરણચક્રમાં એવું બને છે કે એક જીવાતનો ઉપદ્રવ દબાઇ જાય, ત્યારે અગાઉ નગણ્ય, નજીવી લાગતી કોઇ બીજી જીવાતનો ઉપદ્રવ વધી જાય. એવું થાય તો પછી ફરી કંપનીએ સંશોધન કરીને બીજા કોઇ બેક્ટેરિયાના ઝેરકારક જનીન રીંગણના છોડમાં ઉમેરવા પડે. નવો જનીનરૂપાંતરિત છોડ ન શોધાય ત્યાં સુધી શું કરવાનું? બીટી રીંગણના છોડ પર, નવી જીવાતોને કાબૂમાં રાખવા જંતુનાશક દવાઓ છાંટવાની?

બીટીનું ઝેર ભલે રીંગણના બિયારણમાં આવ્યું, પણ તેની અસર બાકીના પાકમાં થઇ શકે છે. કારણ કે બીટીનો પાક બીજા પાકથી સલામત અંતરે ઉગાડવાનું ભારતમાં વ્યવહારમાં શક્ય નથી. બીટીનું ઝેર જમીનને પણ અસર કર્યા વિના રહેતું નથી. એક ખેતરમાં બીટી રીંગણનો પાક વાવેલો હોય અને આજુબાજુનાં ખેતરોમાં સાદા પાક હોય, તો બીટીની અસર આજુબાજુ પણ થઇ શકે છે. તેનાથી બીટી ન અપનાવનારને પણ તેની અસરો ભોગવવી પડે છે.

આત્મઘાતી દોટ

આટલી બધી આશંકાઓને લીધે આંતરરાષ્ટ્રિય સ્તરે એટલું સ્વીકારાયું છે કે જનીન રૂપાંતરિત પાક અને ખોરાક અંગે હજુ ઘણા વધારે સંશોધનની જરૂર છે. ત્યાર પહેલાં તેનો ઉપયોગ કરવો એ આરોગ્ય અને પર્યાવરણની આફતોને સામે ચાલીને નોતરૂં આપવા જેવું છે. એ જ કારણથી દુનિયાના એક પણ દેશે જનીન રૂપાંતરિત ખોરાકને માન્યતા આપી નથી. (અમેરિકામાં જનીન રૂપાંતરિત મકાઇ ઉગાડવામાં આવે છે, પણ તે પશુઓના ખોરાક તરીકે વપરાય છે.) ભારતે હજુ સુધી જનીન રૂપાંતરિત પાક માટે સાવ પ્રાથમિક ધારાધોરણો નક્કી કર્યાં છે. એ ગળણી એટલી મોટી છે કે તેમાંથી બઘું પસાર થઇ જાય. એટલે બીટી રીંગણને પણ ‘જિનેટીક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી’ તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે.

પર્યાવરણ મંત્રી જયરામ રમેશે બીટી રીંગણને મંજૂરીના મુદ્દે લોકસુનાવણીના કાર્યક્રમ યોજ્યા, પણ જાહેર દેખાવોમાં સાચું ચિત્ર ભાગ્યે જ ઉપસે છે. પ્રચારના આક્રમણમાં પાવરધી કંપનીઓ આટલી બધી ગોઠવણો કરી શકતી હોય, તો લોકોના અભિપ્રાય ખરીદવાનું તેમના માટે અઘરૂં નથી.

અપ્રુવલ કમિટીમાં સર્વોચ્ચ અદાલતે નીમેલા વિદ્વાન સભ્ય, નોલેજ કમિશનના ઉપાઘ્યક્ષ અને સેન્ટર ફોર સેલ્યુલર મોલિક્યુલર બાયોલોજીના સ્થાપક-અઘ્યક્ષ ડો. પુષ્પ ભાર્ગવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કમિટીએ બીટી રીંગણને મંજૂરી આપતો જે અહેવાલ રજૂ કર્યો છે તેમાં ઘણી વૈજ્ઞાનિક ખામીઓ અને જૂઠાણાં છે. ભારતમાં થયેલું બીટી રીંગણનું પરીક્ષણ અપૂરતું અને અવૈજ્ઞાનિક છે. એ માટે દબાણો થયાં હોવાનું પણ બહાર આવ્યું છે.

છ-સાત રાજ્યોએ બીટી રીંગણનો અસ્વીકાર કરી દીધો છે. આ લખાય છે ત્યાં સુધી ગુજરાત સરકારે આશ્ચર્યજનક કારણોસર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ખરેખર તો આ મુદ્દો રાજ્ય સરકારો પર છોડવાને બદલે, કેન્દ્ર સરકારે તેની પર નીતિ નક્કી કરવી જોઇએ અને પૂરતાં પરીક્ષણો-સંશોધનો થાય ત્યાં સુધી બીટી રીંગણ પર કડક પ્રતિબંધ મૂકવો જોઇએ. પ્રજા પોતપોતાના પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી શકે છે.

ભારતનાં ખેતરોમાં અને આપણી થાળીમાં બીટી રીંગણનો એક વાર પગપેસારો થશે, તો તેના થકી થનારૂં સંભવિત નુકસાન સરભર કરી શકાય એવું નહીં હોય. કારણ કે તે ફક્ત રીંગણના છોડને જ નહીં, પણ જમીન, પર્યાવરણ અને તેને ખાનાર માણસોને પણ લપેટમાં લેશે.

બીટી રીંગણની મંજૂરીનું પગલું ખેતી ક્ષેત્રે ખાનગી કંપનીઓની ગુલામી ભણી દોરનારૂં છે. આ બાબતમાં મોડા જાગીશું, તો ‘જાગ્યા ત્યાંથી સવાર’નું આશ્વાસન પણ કામ નહીં લાગે.

Monday, February 01, 2010

ગાંધીવાદી નહીં એવા ગાંધીજનઃ ‘નાથજી’

ગાંધીજી મહાન હતા કે નહીં, એ હવે આટલા વર્ષે ચર્ચાનો વિષય ન હોવો જોઇએ. ગાંધીજીના મૃત્યુનાં ૬૨ વર્ષ પછી સૌથી વધારે જરૂર, તેમનાં વિવિધ પાસાંને ભક્તિ કે દ્વેષ વિના સમજવાની છે.

‘ગાંધીજીને જાણવા-સમજવાની શી જરૂર છે? અમને ઇતિહાસમાં રસ નથી.’ એવું ઘણાને લાગી શકે. પણ ગાંધીજીનું જીવન અને તેમનું વ્યક્તિત્વ કેવળ ભૂતકાળ નથી કે રાજકીય પક્ષોના દુરૂપયોગ માટે અનામત નથી. ભારતના નાગરિક, નેતા કે કાર્યકર- કોઇ પણ જણ માટે ગાંધીજીનું જીવન, તેમની મહત્તા અને તેમની મર્યાદાઓ માર્ગદર્શક બની રહે એવાં છે.

ગાંધીજીને સમજવાનો એક રસ્તો છેઃ સાથીદારો સાથેનો તેમનો વ્યવહાર. ‘સાથીદારોની બાબતમાં ગાંધીજી બહુ નસીબદાર હતા’ એવું કહીને, નસીબને જશ આપી શકાય તેમ નથી. વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓ ધરાવતી જાતજાતની ખોપરીઓને ગાંધીજી આકર્ષી શક્યા અને તેમની પાસેથી દેશ માટે ખપજોગું કામ કરાવી શક્યા, એ ગાંધીજીના દ્વેષીઓએ પણ સ્વીકારવી પડે એવી તેમની આવડત હતી. તેમાં વાક્ચાતુરી કે પોશાકનો નહીં, આચરણનો અને નિષ્ઠાનો પ્રભાવ હતો.

ગાંધીજીના ભક્તો-અનુયાયીઓ-સાથીદારોની યાદી લાંબી છે, પરંતુ ગાંધીજી સાથે પાયાના મતભેદ હોવા છતાં, તેમના સાથીદાર રહી શક્યા અથવા સાથીદાર બન્યા પછી પણ મતભેદો જાળવી શક્યા હોય એવાં નામ જૂજ છે. તેમાં કેદારનાથ (‘નાથજી’)નું નામ પહેલી હરોળમાં આવે.

ગાંધીજીથી ૧૪ વર્ષ નાના, મહારાષ્ટ્રમાં ઉછરેલા, વ્યાયામવીર અને અઘ્યાત્મ માર્ગના પ્રવાસી કેદારનાથ ૧૯૧૫ના કુંભમેળામાં સ્વયંસેવક તરીકે ગયા, ત્યારે દક્ષિણ આફ્રિકાથી તાજા ભારત આવેલા ગાંધી સાથે તેમની મુલાકાત થઇ. કેદારનાથે ગાંધીજીનું પુસ્તક ‘હિંદ સ્વરાજ’ વાંચ્યું હતું. તેમાં સૂચવાયેલી વિચારસરણી પણ તેમને માફક આવી હતી. કુંભમેળામાં નિવાસ વખતે કાઠિયાવાડી પોશાકમાં સજ્જ ગાંધીજીનું એકાદ પ્રસંગે પ્રવચન કેદારનાથે સાંભળ્યું, પણ આ માણસ ભવિષ્યમાં ભારતનો એકચક્રી નેતા બને એવું કોઇ લક્ષણ એ વખતે તેમને ન દેખાયું. ગાંધીજી અને તેમના સાથીદારોને ફળાહાર કરતા જોઇને કેદારનાથને એવું પણ લાગ્યું કે ‘હજુ તેમને હિંદુસ્તાનની ગરીબાઇની કલ્પના નહીં હોય.’

કેદારનાથજી અઘ્યાત્મના પરંપરાગત રસ્તે ફરી આવેલા. તેમાં કશો સાર નહીં જણાતાં માનવતા અને સદગુણ એ બે જ બાબતો પર તેમણે ઘ્યાન કેન્દ્રિત કર્યું. સંસાર છોડવાને બદલે, કર્તવ્ય કરતાં કરતાં જ અલિપ્તતા કેળવવી એ તેમનું ઘ્યેય બન્યું. એ જ ઘ્યેયને કારણે, ૧૯૧૬માં ગાંધીજીના કોચરબ આશ્રમ વિશે સાંભળ્યું, ત્યારે તે ગાંધીજી પાસે પહોંચ્યા. સાદું જીવન, નૈતિક શિક્ષણ અને દેશસેવા- આશ્રમની આ ત્રણ બાબતોથી તે આકર્ષાયા હતા.

કાકાસાહેબ કાલેલકર કેદારનાથના જૂના મિત્ર થાય. તેમણે ગાંધીજી સાથે નાથજીનો પરિચય કરાવ્યો. આશ્રમમાં રહીને નાથજી જુદા જુદા મુદ્દે તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા અને તેમનું આચરણ નજીકથી જોવા લાગ્યા. પોતાનાં સંસ્મરણોમાં તેમણે નોંઘ્યું છે કે ‘હું તે સમયના અનેક દેશભક્તોના સંપર્કમાં આવ્યો હતો, પણ પંચમહાવ્રતોના આગ્રહ અને ખુદ પોતાના દીકરાઓને પણ પ્રચલિત શિક્ષણ ન આપતાં, તે ચારિત્ર્યવાન થાય એવો આગ્રહ સેવનાર બીજો કોઇ દેશભક્ત મારા જોવા-જાણવામાં આવ્યો ન હતો...તેમનું સાઘુત્વ જોઇને (હું) તેમના ભણી આકર્ષાવા લાગ્યો.’ (કેદારનાથઃ જીવનનાં કેટલાંક સંસ્મરણોઃ મૂળ મરાઠીના સંપાદકઃ ભાઉ ધર્માધિકારી, અનુવાદકઃ ગોકુળભાઇ દૌ. ભટ્ટ)

આકર્ષાવાનો અર્થ પોતાની બુદ્ધિને તાળું મારવાનો બિલકુલ ન હતો. આશ્રમમાં રોજ સવારે પ્રાર્થના થતી હતી, પણ ‘વિવેક અને સાધના’ના લેખક નાથજીએ વિવેક સાથે આશ્રમની ‘સાધના’માં ભાગ લેવાની ના પાડી દીધી. તેમણે ગાંધીજીને કહ્યું કે ‘મારી સાધના, અનુભવ અને મારી માનસિક અવસ્થાનો વિચાર કરતાં મને લાગે છે કે આવી રીતે પ્રાર્થના કરવી એ ખોટું બોલવા જેવું થાય.’ ગાંધીજીએ તેમની વિનંતી માન્ય રાખીને આશ્રમની પ્રાર્થનામાંથી તેમને મુક્તિ આપી.

મતભેદ આટલેથી અટકતા ન હતા. દૂધ અને દૂધની વાનગીઓ ન લેવી, દવા ન લેવી, કેવળ નિસર્ગોપચાર, બળીયા ન ટંકાવવા- આવા અનેક મુદ્દે નાથજી ગાંધીજી સાથે અસંમત હતા. તેમની સાથેની ચર્ચામાં મતભેદો વ્યક્ત પણ કરતા. રાજકારણમાં પણ અહિંસક રીતે સ્વરાજ લેવા વિશે નાથજીને શંકા હતી. નાથજી લખે છે કે ‘આ બધી બાબતોમાં બાપુજીનો મત અડગ હતો...તે મત તેમણે બદલ્યો નહીં અને તેમનો મત મને પણ માન્ય થયો નહીં. આગળ જતાં આશ્રમના રહેવાસીઓની તબિયત બગડવા લાગી, ત્યારે (જેમને જરૂર હોય તેમને) દૂધ અને દૂધના પદાર્થ લેવાની છૂટછાટ મૂકવામાં આવી. બળીયાના ઉપદ્રવ વખતે બે-ત્રણ બાળકોનાં મૃત્યુ પછી ગાંધીજીએ રસીની પરવાનગી પણ આપી.’

ગાંધીજી વિશે તેમના કોઇ સાથીદાર ભાગ્યે જ દાખવી શકે એટલી તટસ્થતા દર્શાવીને નાથજીએ લખ્યું છે,‘વૈરાગ્યયુક્ત દેશભક્તિમાં (મને) કંઇ નવું લાગ્યું નહીં. ઠીક ઠીક વર્ષોની આઘ્યાત્મિક સાધનાથી મારા મનમાં એક પ્રકારની સ્થિરતા અને શાંતિ તો હતાં જ. તે કારણે મને મહાત્માજીના આઘ્યાત્મિક વિચારોમાં પણ ખાસ આકર્ષણ દેખાયું નહીં. પરંતુ તેમનું ચારિત્ર્ય, આઘ્યાત્મિક ઘ્યેય માટેની ઉત્કંઠા, દેશ માટે જ નહીં, સમગ્ર માનવસમાજ પરનો તેમનો પ્રેમ, સત્યનિષ્ઠા, સત્યપ્રાપ્તિ માટે અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેનો તેમનો કર્મયોગ, સહિષ્ણુતા, હિંમત, ધીરજથી-વિચારપૂર્વક સમજીને આનંદ સાથે જેલમાં જવાની તૈયારી વગેરે ગુણો જોઇને તેમના વિશે મારા મનમાં પરમ આદર પેદા થયો. છતાં જીવનસર્વસ્વ તેમને અર્પણ કરવું એવો ભાવ મારા મનમાં ઉદભવી શક્યો નહીં...બાપુજી વિશે મારા મનમાં અત્યંત આદર હતો. છતાં હું તેમનો ભક્ત થઇ શક્યો નહીં.

નાથજી વરસમાં છ મહિના આશ્રમમાં રહેવા આવતા. એ વખતે ગાંધીજી સાથે અનેક મુદ્દે ચર્ચા થતી. રાજકીય ક્ષેત્રે ગાંધીજી વઘુ સક્રિય થયા, ત્યારે નાથજીએ કદી સત્યાગ્રહમાં ભાગ ન લીધો, પણ રચનાત્મક કાર્યોમાં સાથે રહ્યા. ગાંધીજીએ કદી નાથજી પર પોતાની અપેક્ષાઓનો ભાર નાખ્યો નહીં. તેમણે કહ્યું હતું,‘નાથજી આશ્રમમાં ફક્ત હાજર હોય એ જ તેમનું કામ. એ બીજું કંઇ નહીં કરે તો પણ ચાલશે.’

માંદાંની સેવા કરવાની નાથજીની પ્રવૃત્તિના ગાંધીજી પ્રશંસક હતા, તો નાથજીને પ્રિય વ્યાયામ વિશે ગાંધીજી સાવ બીજા છેડાનો મત ધરાવતા હતા. એ કહેતા કે ‘વ્યાયામ કરવાથી માણસ ગુંડો થાય છે.’ નાથજી સામી દલીલ કરતા,‘શું હું ગુંડો છું?’ આગળ જતાં ગાંધીજીએ વ્યાયામ વિશે પોતાનો વિરોધ પડતો મૂકીને રચનાત્મક કાર્યોમાં વ્યાયામને સ્થાન આપવાનું કબૂલ્યું હતું, પણ નાથજીની નોંધ પ્રમાણે ‘આ વિચારો સ્પષ્ટ રીતે લોકો સુધી આવે તે પહેલાં ૧૯૪૨નું હિંદ છોડો આંદોલન શરૂ થયું અને એ વાત થઇ શકી નહીં.’

નાથજી સાથેના અભિપ્રાયભેદ છતાં, તેમના વિશે ગાંધીજીને કેવો ઊંચો અભિપ્રાય હતો તેનું એક ઉદાહરણઃ ૧૯૪૨ના જેલવાસમાંથી બહાર આવ્યા પછી પૂણેમાં ગાંધીજીએ ઘણા દિવસ મૌન પાળ્યું. એ વખતે દિવસમાં ફક્ત બે કલાક તે મૌન છોડતા અને તેમાંથી એક કલાક નાથજી સાથે વાતો કરતા. નાથજી લખે છે,‘પોતાના કરતાં ઉતરતા દરજ્જાની વ્યક્તિના પણ ગુણને મહત્ત્વ આપીને, તેને આગળ કરીને, સાર્વજનિક હિતના કામ માટે તેનો ઉપયોગ કરવાની કળા કે સદગુણ ગાંધીજી પાસે હતાં. મારી સાથેના તથા બીજા અનેક સાથેના તેમના વર્તન પરથી મને આ બાબતની ખાતરી થઇ છે.’

ગાંધીજીના બીજા સાથીદારો કરતાં જુદી માટીના બનેલા નાથજીને ગાંધીજીના મહાત્માપદનો સાક્ષાત્કાર કયા પ્રસંગે થયો? તેમણે નોંઘ્યું છે કે દાંડીકૂચના આરંભ વખતે અફાટ જનસમુદાય ભેગો થયો હતો. ગાંધીજી ભારતના એકમાત્ર નેતા ગણાતા હતા. જો એ ખરેખરા મહાત્મા ન હોત તો અહંકારથી ફુલાઇ ગયા હોત. પણ દાંડીકૂચ જેવા મહત્ત્વના અને કટોકટીના પ્રસંગે પણ, કૂચ શરૂ થતાં પહેલાંની છેલ્લી ઘડીએ આશ્રમમાં રહેતા એક ગરીબ કુટુંબની માંદી દીકરીની મુલાકાતે ગયા... આવા અનેક પ્રસંગો મેં તેમના જીવનમાં જોયા છે અને તે પરથી મને લાગ્યું છે કે બાપુજીની યોગ્તયા પૂરેપૂરી ઓળખવી કે પારખવી એ અત્યંત અઘરૂં કામ છે.’

કિશોરલાલ મશરૂવાળા જેવા સાધકના આઘ્યાત્મિક માર્ગદર્શક અને ગાંધીજીના સાથીદાર ઉપરાંત એ યુગના એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે કેદારનાથજીનું સ્થાન મહત્ત્વનું છે. પોતાને અઘ્યાત્મમાં રસ છે એવું માનનારા લોકોએ ગાંધીજી માટે નહીં તો અઘ્યાત્મ માટે પણ ‘વિવેક અને સાધના’ તથા ‘વિચારદર્શન’ જેવાં પુસ્તકો દ્વારા કેદારનાથજીનો પરિચય કેળવવા જેવો છે. તેમના વિચારના પરિચયમાં આવ્યા પછી, નાથજીને યાદ કરવા માટે ગાંધીજીની જરૂર પણ નહીં પડે.